રહસ્યજાળ-(17) હાર્ટએટેક Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(17) હાર્ટએટેક

હાર્ટએટેક !

પૂના ખાતે પ્રભાત રોડ પોલીસસ્ટેશનના ઈન્ચાર્જ ઇન્સ્પેકટર પ્રધાને એ જ રોડ પર આવેલા દિવાકર સદનના ફ્લેટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પછી જમીન પર પડેલ જસ્મીન સેંટની શીશી રૂમાલની મદદથી ઊંચકીને ગજવામાં મૂકી. ત્યાર બાદ પોતાની સામે ઉભેલા ઈમારતના ચોકીદાર મનોહર પાંડે સામે જોતાં બોલ્યો, ‘હવે તું મને વિગતવાર બધું જણાવ.’

‘સાહેબ....!’ મનોહરે જવાબ આપતાં કહ્યું, ‘આ ફ્લેટ એડવોકેટ બાલાસાહેબ પંડિતનો છે. આ ઉપરાંત તેમનો એક બંગલો સ્વાર ગેટ પાસે પણ છે. આ ઈમારતમાં કુલ છ ફ્લેટ છે, જેમાંથી પાંચ મુંબઈના વેપારીઓના છે અને તેઓ મહિનામાં એકાદ વાર અહીં આવે છે. હવે હું પંડિતસાહેબની વાત કરું છું. તેઓ ક્યારેક સાંજે આવીને રાત્રે ચાલ્યા જતા તો ક્યારેક આખી રાત પણ રોકાતા. સાંજે તેઓ ફ્લેટ પર આવ્યા ત્યારે બિલકુલ સ્વસ્થ હતા. તેઓ આખી રાત રોકાય ત્યારે સવારે ચા-પાણીની વ્યવસ્થા હું જ કરતો. આજે સવારે હું રાબેતા મુજબ ચા-પાણીનું પૂછવા માટે તેમના ફ્લેટમાં આવ્યો. મેં દરવાજાને સહેજ ધક્કો માર્યો તો તે ઊઘડી ગયો. મેં અંદર જઈને જોયું તો મારા પગ થંભી ગયા. કારણ કે પંડિતસાહેબ અવળા મોંએ જમીન પર પડ્યા હતા ! તેમની ખુલ્લી ફટાક આંખોમાં મને જીવનાં કોઈ લક્ષણો ન દેખાયા. મેં તરત જ એમના બંગલે ફોન કરીને તેમની પત્નીને માત્ર એટલું જ જણાવ્યું કે પંડિતજીની તબિયત બગડી ગઈ છે એટલે તાબડતોબ કોઈકને મોકલો. ફોનના જવાબમાં થોડી વાર પછી કારમાં તેમના મિત્ર પ્રોફેસર મહાજન આવી પહોંચ્યા. મેં મહાજનસાહેબને સમગ્ર હકીકત જણાવી દીધી. તેમણે પોતાના ડ્રાઈવરની મદદથી પંડિતસાહેબનો મૃતદેહ કારમાં મુકાવ્યો અને ચાલ્યા ગયા. સાહેબ, પંડિતસાહેબનું મોત મને શંકાસ્પદ લાગે છે, કારણ કે ઉપર આવ્યા પછી જ્યારે મહાજનસાહેબે મૃતદેહ ઉપડાવ્યો ત્યારે ત્યાં કાચની તૂટેલી બંગડીના થોડા ટુકડા પણ પડ્યા હતા, જે ઊંચકીને તેમણે પોતાના ગજવામાં મૂકી દીધા. એટલું જ નહીં, પંડિતસાહેબના મૃત્યુ વિશે કોઈનેય કશું જ ન જણાવવાની મને ખાસ તાકીદ કરી. આ ઉપરાંત એક બીજી વાતને કારણે પણ મને પંડિતસાહેબનું મૃત્યુ શંકાસ્પદ લાગ્યું. તેઓ જ્યારે પણ અહીં આવતા એની થોડી વાર પછી હંમેશા એક સ્ત્રી તેમની પાસે આવતી હતી. એ સ્ત્રી હંમેશા પોતાનો ચહેરો ઢાંકેલો રાખતી હોવાથી હું તેને નથી ઓળખતો. કાલે પણ તે આવી હતી અને રાત્રે સાડા આઠ વાગ્યે રિક્ષામાં ચાલી ગઈ હતી.’

‘એ સ્ત્રી સિવાય અહીં બીજું કોણ-કોણ આવતું હતું ?’ પ્રધાને પૂછ્યું.

‘ક્યારેક પંડિતસાહેબના મિત્ર પ્રોફેસર મહાજન ઉપરાંત બીજા પણ કેટલાય લોકો આવતા હતા પરંતુ મહાજનસાહેબ સિવાય હું બીજા કોઈને નથી ઓળખતો. જોકે કાલે તો પેલી સ્ત્રી સિવાય કોઈ નહોતું આવ્યું. પણ મહાજનસાહેબ જે રીતે ચૂપચાપ મૃતદેહ લઈને ચાલ્યા ગયા એ વાત મને અજુગતી લાગતાં મેં આપને બોલાવ્યા છે.’

પ્રધાનના સંકેતથી સાથે આવેલા સબ-ઇન્સ્પેકટર પાટિલે મનોહરની જુબાની નોંધી લીધી. પછી ફ્લેટને સીલ કરીને તેઓ સ્વાર ગેટ પાસે આવેલા, એડવોકેટ પંડિતના બંગલે પહોંચી ગયા, જ્યાં સૌથી પહેલાં તેમની મુલાકાત પ્રોફેસર દિનકર મહાજન સાથે થઈ. ઔપચારિક ખબરઅંતર પૂછ્યા બાદ પ્રધાને કઠોર અને રોષથી તમતમતા અવાજે કહ્યું, ‘પ્રોફેસર સાહેબ, તમે પોલીસને જાણ કર્યા વગર ફ્લેટમાંથી લાશ ખસેડીને બહુ ખોટું કર્યું છે. પંડિતસાહેબના અંતિમ સંસ્કાર પહેલાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ તથા અન્ય કાર્યવાહી કરવી જરૂરી છે. પોલીસ આવે ત્યાં સુધી મૃતદેહ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ રહેવા દેવો જોઈએ એ તો અભણ માણસ પણ સમજી શકે એવી વાત છે, જ્યારે તમે તો વેલ એજ્યુકેટેડ અને પ્રોફેસર દરજ્જાના માણસ છો.’

‘પોસ્ટમોર્ટમ શા માટે ?’ પ્રોફેસર મહાજન ચમકીને બોલ્યો, ‘આ તો હાર્ટએટેકનો સીધોસાદો મામલો છે. પંડિતને હ્યદયરોગની બીમારી હતી. આ બાબતમાં આપ એના ફેમિલી ડોક્ટરને પૂછી શકો છો. પંડિત કાલે પોતાના ફ્લેટમાં ગયો હતો જ્યાં રાત્રે હાર્ટએટેક આવતાં એનું મૃત્યુ થયું હશે. અમારા બંનેની વચ્ચે ગાઢ મિત્રાચારી હતી.’

‘તમારી વાત સાચી હોય એ બનવાજોગ છે. પરંતુ અમારે માટે આ શંકાસ્પદ મૃત્યુનો કેસ છે. આ વાતના અમને અમુક પુરાવાઓ પણ મળ્યા છે. અમને મળેલી માહિતી પ્રમાણે કાલે રાત્રે પંડિતસાહેબની સાથે એક સ્ત્રી પણ હતી. હવે તમે તેમની પત્નીને બોલાવો. હું એમને પણ થોડી પૂછપરછ કરવા માગું છું.’

ત્યાર બાદ પ્રધાને એડવોકેટ પંડિતની પત્ની માલતીની પૂછપરછ કરી અને મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

બીજે દિવસે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો.

રિપોર્ટમાં મોતનું કારણ હ્યદય બંધ પડી જવાનું દર્શાવવામાં આવ્યું હતું. અલબત્ત, ઝેરને કારણે પણ હ્યદય બંધ પડ્યું હોવાની શક્યતાને કારણે એડવોકેટ પંડિતના વિસરાને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું.

ત્યાર બાદ પ્રધાને પોતાના સહકારી પાટિલને ગઈ રાત્રે એડવોકેટ પંડિત સાથે રહેલી અને રિક્ષામાં બેસીને ફ્લેટ છોડી ગયેલી સ્ત્રીને શોધી કાઢવાનું કામ સોંપ્યું. પાટિલ તરત જ કામે વળગી ગયો.

*

બીજે દિવસે સવારે વીસેક વર્ષની એક યુવતી પ્રધાનને મળવા તેની ઓફિસમાં આવી. એના આગમન સાથે જ ઓફિસ જસ્મીન સેંટની સુગંધથી મહેકી ઊઠી. આ સુગંધ પારખતાં જ પ્રધાન મનોમન એકદમ સજાગ બની ગયો કારણ, કે જસ્મીન સેંટની જ શીશી તેને એડવોકેટ પંડિતના ફ્લેટમાંથી મળી આવી હતી. પ્રધાનના સંકેતથી ખુરશી પર બેઠા પછી આગંતુક યુવતી પોતાનો પરિચય આપતાં બોલી:

‘સાહેબ, મારું નામ સુગંધા પંડિત છે અને હું મરનાર એડવોકેટ બાલાસાહેબની પુત્રી છું. મારે આપને થોડી વાત જણાવવી છે. આ વાત ગઈ કાલે હું મારી મમ્મીની હાજરીમાં કહી શકું તેમ નહોતી એટલે અત્યારે આપની પાસે આવી છું. સાહેબ, પિતાજીના મોતનું મમ્મી કરતાં પણ મને વધુ દુઃખ છે. મારી મમ્મી એવી જ ગેરસમજમાં છે કે મારા પિતાજી ચારિત્ર્યહીન હતા. પરંતુ વાસ્તવમાં તેઓ એવા નહોતા. તેમના મૃત્યુ વખતે એમની પાસે એક સ્ત્રી હતી. માત્ર આ એક જ વાત પરથી એવું પુરવાર નથી થતું કે તેઓ ચારિત્ર્યહીન હતા. પિતાજીને હું બહુ સારી રીતે ઓળખતી હતી. તેઓ જે કોઈ સ્ત્રી સાથે સંબંધ ધરાવતા હતા એ ચોક્કસ જ કોઈક સારા સ્વભાવવાળી સ્ત્રી હોવી જોઈએ. વકીલો ખૂબ જ કઠોર પ્રકૃતિનાં હોય છે, એવું સામાન્ય રીતે કહેવાય છે. મારા પિતાજી ભલે વકીલ હતા, પરંતુ તેમનું હ્યદય ખૂબ જ કોમળ અને લાગણીશીલ હતું. તેઓ પ્રેમ અને લાગણીના ભૂખ્યા હતા. એથી વિપરિત મારી મમ્મીને નામ અને પૈસાની ભૂખ હતી. અવારનવાર તેમની વચ્ચે બોલાચાલી થતી હતી. પિતાજી કોણ જાણે કેમ મમ્મીનું અપમાનજનક વર્તન સહન કરતા હતા. મમ્મી પાસેથી તેમને એક પત્ની તરીકેની જે હૂંફ અને પ્રેમ નહોતા મળ્યાં એ તેઓ બહારની સ્ત્રી પાસેથી મેળવતા હતા એમ હું માનું છું. મારી નજરે એ સ્ત્રી ખરેખર મહાન છે. પરંતુ તે પિતાજીને મરણાસન્ન હાલતમાં છોડીને શા માટે ચાલી ગઈ એ મને નથી સમજાતું. મારે આ બાબતમાં લતાઆંટી એટલે કે મહાજનસાહેબની પત્ની સાથે વાત થઈ હતી. મારી તથા આંટીની વિચારસરણી, શોખ વગેરે સરખાં જ છે.’

‘સમજ્યો....’ પ્રધાને ધીમેથી માથું હલાવ્યું, ‘ખેર, તમારા પિતાજીને હ્યદયરોગ હતો એટલે તેઓ હંમેશા દવા પણ પોતાની પાસે રાખતા હશે ? અને આ તમે કયું સેંટ છાંટ્યું છે ?’

‘હા, તેમના ગજવામાં હંમેશા ગોળીઓની એક શીશી પડી રહેતી હતી. રહી વાત સેંટની....તો આ સુગંધ જસ્મીન સેંટની છે. હું અને લતાઆંટી હંમેશા આ જ સેંટ વાપરીએ છીએ.’

પ્રધાનની સામે હવે આંખો બનાવ સ્પષ્ટ થઈ ગયો. એણે સુગંધાનો આભાર માનીને તેને વિદાય કરી.

એની તપાસનાં ચક્રો હવે ગતિમાન થઈ ગયાં હતાં.

*

સાત દિવસ પછી વિસરાનો રિપોર્ટ પણ આવી ગયો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એડવોકેટ પંડિતના પેટમાં સલફાસ ઝેર હતું. રિપોર્ટ વાંચ્યા બાદ પ્રધાને પાટિલને એડવોકેટ પંડિતના ડોક્ટરને મળવાનું તથા તેમણે લખી આપેલી દવા પંડિત કયા મેડિકલ સ્ટોરમાંથી લેતા હતા એની તપાસ કરવાનું કામ સોંપ્યું. વીતેલા સાત દિવસ દરમિયાન પાટિલે બનાવની રાત્રે પંડિતના ફ્લેટ પરથી સ્ત્રીને લઈ જનાર રિક્ષાવાળાને શોધી કાઢ્યો હતો અને પ્રધાને તેને પૂછપરછ કરીને પોતાને જોઈતી માહિતી પણ મેળવી લીધી હતી. પાટિલને કામગીરી સોંપ્યા પછી તે ફ્લેટમાંથી લાશ લઈ જનાર, એડવોકેટ પંડિતના મિત્ર પ્રોફેસર મહાજનના નિવાસસ્થાને જઈ પહોંચ્યો. પ્રોફેસર એ વખતે ઘેર નહોતા, પરંતુ એની પત્ની લતા સાથે જરૂર મુલાકાત થઈ ગઈ.

પ્રધાને લતાને પોતાનો પરિચય આપ્યા બાદ મુદ્દાની વાત પર આવતાં કહ્યું, ‘મેડમ...! પંડિતસાહેબનું મૃત્યુ થયું ત્યારે તેમની પાસે એક સ્ત્રી પણ હતી અને આ સ્ત્રી તમે જ હતાં એની મને પૂરી ખાતરી છે. ખોટું બોલવાથી કંઈ લાભ નહીં થાય. દિવાકર સદનના ચોકીદાર તથા જે રિક્ષામાં તમે બનાવની રાત્રે પંડિતસાહેબને ત્યાંથી તમારે ઘેર આવ્યાં હતાં એના ડ્રાઈવરે તમને ઓળખી લીધાં છે.(પ્રધાન જાણીજોઈને જ ખોટું બોલ્યો હતો એ વાંચકો સમજી ગયાં હશે) તમારે પંડિતસાહેબ સાથે પ્રેમસંબંધો હતા અને તમે જ અવારનવાર દિવાકર સદન ખાતે તેમનાં ફ્લેટમાં જતાં હતાં એ પુરવાર થઈ ચૂક્યું છે. મારી પાસે તમારી વિરુદ્ધ મજબૂત પુરાવાઓ પણ છે. કોઈના અંગત જીવનમાં મને કોઈ રસ નથી. મારે માત્ર એટલું જ જાણવું છે કે પંડિતસાહેબનું ખૂન કેવી રીતે થયું...? અંતિમ સમયે તમે જ તેમની સાથે હતાં એટલે તમારી જુબાની પોલીસ માટે ખૂબ જ અગત્યની છે.’

પ્રધાનની વાત પરથી ખોટું બોલવાથી કે બહાનાં કાઢવાથી કોઈ લાભ નહીં થાય એની ખાતરી થતાં જ લતા ગંભીર અવાજે બોલી, ‘હું આપને સાચી હકીકત જણાવું છું સાહેબ....! સાંભળો, પંડિતસાહેબ સાથે એ મારી છેલ્લી મુલાકાત હતી. પંડિતસાહેબની દીકરી સુગંધા મોટી અને પરણવાને લાયક થઈ ગઈ હતી એટલે અમે બંને સમજી-વિચારીને અલગ થઈ જવાનો નિર્ણય કર્યો હતો. જે ગુપ્તતા અને સંયમથી અમે ઘરની આબરૂ જાળવી રાખી હતી, એ જ સંયમથી અમે અલગ થતાં હતાં. પંડિતસાહેબની ભલામણથી જ મારા પતિને આકોલાની કૉલેજમાં નોકરી મળી હતી. મારી સાથે સંબંધ વધારીને તેઓ અપરાધબોધ અનુભવતા હતા એટલા માટે જ તેમણે મારા પતિને નોકરી અપાવી હતી. અમારા સંબંધો માત્ર શરીર પૂરતા જ નહોતા, અમારી વિચારસરણી પણ સરખી જ હતી. પંડિતસાહેબને જે હુંફ અને લાગણી જોઈતા હતા એ તેમને પોતાની પત્ની પાસેથી નહીં, પણ મારી પાસેથી મળતી હતી. હવે હું જે રાત્રે તેમનું મૃત્યુ થયું એ સમયની વાત કરું છું. રાતના સાડા આઠ વાગ્યે મારે ઘેર પાછા ફરવાનો સમય થઈ ગયો. અમારા બંનેની આંખોમાં આંસુ હતાં. પછી એકાએક પંડિતસાહેબને બેચેની થતાં તેમણે મને બાજુમાં પડેલા પોતાના કોટના ગજવામાંથી દવાની શીશી કાઢવાનું જણાવ્યું. મેં શીશીમાંથી એક ગોળી કાઢીને તેમને આપી. તેમણે ગોળી ખાધી, પાણી પીધું અને પછી તરત જ જમીન પર ઢળી પડ્યા. મેં તેમને ઊભા કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ઊભા ન થઈ શક્યા. તેમણે મને કહ્યું, ‘લતા, તું તાબડતોબ અહીંથી ચાલી જા, નહીં તો નાહક જ ફસાઈ જઈશ.’ આટલું કહેતાંની સાથે જ તેઓ મૃત્યુ પામ્યા. આ અણધાર્યા આઘાતથી હું એકદમ ગભરાઈ ગઈ. ત્યાંથી ચાલ્યા જવામાં જ મને મારું હિત લાગ્યું. હું ગોળીઓની શીશી લઈને ચાલી ગઈ. પરંતુ મારી જસ્મીન સેંટની શીશી ત્યાં જ ભૂલી ગઈ.’

‘મેડમ, ગોળીઓની એ શીશી હજુ પણ તમારી પાસે જ છે ? હોય તો લઈ આવો....’

લતા હકારમાં માથું હલાવીને અંદર ચાલી ગઈ. એ જ વખતે ત્યાં રહેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. લતા અંદર હોવાથી પ્રધાને રિસીવર ઊંચકીને પોતાનો પરિચય આપ્યો તો સામે છેડેથી પાટિલનો અવાજ તેને સંભળાયો, ‘સર, મેં તપાસ કરી લીધી છે. જે દિવસે પંડિતસાહેબનું મૃત્યુ થયું એ જ દિવસે દવાની શીશી મહેન્દ્ર કેમિસ્ટની દુકાનેથી ખરીદવામાં આવી હતી. પરંતુ આ શીશી પંડિતસાહેબે નહીં, પણ તેમના મિત્ર પ્રોફેસર દિનકર મહાજને ખરીદી હતી. પંડિતસાહેબે જ તેમને દવા લેવા માટે મોકલ્યા હતા એવું કેમિસ્ટે જણાવ્યું છે.’

પ્રધાને તેને તાબડતોબ મહાજનને ત્યાં આવવાનું જણાવીને રિસીવર મૂકી દીધું. એ જ વખતે લતા ગોળીઓની શીશી લઈ આવી.

થોડી વારમાં જ સબ-ઇન્સ્પેકટર પાટિલ તથા તેની પાછળ પાછળ જ પ્રોફેસર મહાજન આવી પહોંચ્યો.

પ્રધાને તરત જ પાટિલને પ્રોફેસર મહાજનની ધરપકડ કરી લેવાનો આદેશ આપ્યો.

‘કેમ....? મેં શું ગુનો કર્યો છે....?’ પ્રોફેસર મહાજને પૂછ્યું.

‘તમે એડવોકેટ પંડિતસાહેબને ઝેર આપ્યું હતું. તમે ખૂબ જ ચાલાકીપૂર્વક દવાની શીશીમાંથી હ્યદયરોગની ગોળીઓને બદલે એના જેવો જ રંગ-આકાર ધરાવતી ગોળીઓ ભરી દીધી હતી. પંડિતસાહેબ તથા તમારી પત્ની વચ્ચેના સંબંધોની ખબર પડી ગઈ એટલે હંમેશને માટે તેમનો કાંટો કાઢી નાખવાના હેતુથી તમે આ હિચકારું પગલું ભર્યું હતું. તમને ગુનેગાર ઠરાવતા મારી પાસે ઘણા સાક્ષીઓ તથા પુરાવાઓ છે.’

પ્રોફેસર મહાજન જાણે ગુનાનો એકરાર કરતો હોય એમ નીચું જોઈ ગયો.

સબ-ઇન્સ્પેકટર પાટિલે એના હાથમાં હાથકડી પહેરાવી દીધી.

***

Feedback: Facebook.com/Kanu Bhagdev