રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ

ઓપરેશન ચંગેઝી પોળ

(સત્ય ઘટના પર આધારિત)

તારીખ ૨૦ માર્ચ, ૧૯૯૮....! અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાંચના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. ઈન્ચાર્જ ઓફિસરે ફોન એટેન્ડ કરીને પોતાનો ટૂંકો પરિચય આપ્યો અને પૂછપરછ શરૂ કરી તો સામે છેડેથી એક ખૂબ જ વિશ્વાસુ બાતમીદારનો અવાજ એમના કાને અથડાયો, ‘સર, મારી પાસે સમય બહુ ઓછો છે. મુંબઈની અંધારી આલમના પાંચ-સાત ખતરનાક ત્રાસવાદીઓ અન્ય શહેરોની જેમ અત્યંત વિસ્ફોટક અને ઘાતક હથિયારો સાથે મુંબઈથી નીકળીને અમદાવાદમાં પણ ભયનું સામ્રાજ્ય ઊભું કરવા પહોંચી ગયા છે તથા તેમણે શહેરમાં કોઈકના મકાનમાં આશ્રય લીધો છે. તેમનો એક સાગરીત ભરૂચના એક ગેસ્ટહાઉસમાંથી પીધેલી હાલતમાં ત્યાંની પોલીસના હાથમાં પકડાઈ ગયો છે. અમદાવાદ પહોંચેલા આ અઠંગ ગુનેગારોનું નિશાન સાબરમતી જેલ હોવાનું મને જાણવા મળ્યું છે. હવે અમદાવાદમાં આ ગુનેગારો ક્યાં છુપાયા છે એ હું નથી જાણતો પણ તેઓ પહોંચી ગયા છે, એ વાત તો સો એ સો ટકા સાચી છે.’

ત્યાર બાદ ઈન્ચાર્જ ઓફિસર વધુ કંઈ પૂછપરછ કરે એ પહેલાં જ સામેથી સંપર્ક કપાઈ ગયો.

મામલાની ગંભીરતા પારખીને એણે તાત્કાલિક આ સમાચાર ઉચ્ચ-અધિકારીઓને આપ્યા. તાબડતોબ પોલીસ ખાતાના બાતમીદારો બદમાશોના આશ્રયસ્થાનને શોધવા માટે પૂરજોશથી કામે લાગી ગયા અને છેવટે તેમાં તેઓને સફળતા મળી ગઈ. ઉચ્ચ કક્ષાના ઓફિસરો સર્વ શ્રી ડી. એસ. પી. સતીષ વર્મા, વિવેક શ્રીવાસ્તવ, અતુલ કરવલ, એ. કે. સુરેલિયા વગેરેની હાજરીમાં યોજાયેલી મિટિંગમાં સૌએ એકઠા મળીને એક્શન પ્લાન ઘડ્યા બાદ સાદા વેશમાં નીડર પોલીસોની ટીમ ઊભી કરીને તેનું નેતૃત્વ ઇન્સ્પેકટર તરુણ બારોટને સોંપી દીધું.

હવે આવી તારીખ ૨૩મી માર્ચ....!

સવારના ચારેક વાગ્યે પોલીસ ટુકડીએ ચંગેઝી પોળમાં રહેતી સાયરાબાનુ શેખના મકાનને, ચાલવામાં બિલાડીને પણ બે પાઠ શીખવે(!) એવી રીતે દબાતા પગલે ચારે તરફથી ઘેરી લીધું. પોળમાં સન્નાટો હતો. સૌ કોઈ નિદ્રાધીન હતાં. ઓફિસરોએ ટીમના આગેવાનોને મકાનમાં ઘૂસવાનો આદેશ આપી દીધો હતો. પોલીસના આ પ્રયાસોના પરિણામે મકાનમાં રહેનારાઓની ઊંઘ ઊડી ગઈ. બારણું ઉઘાડીને સાયરાબાનુએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો પણ તેને ધમકાવીને ચૂપ કરી દેવામાં આવી.

પછી એકાએક જ અંદરથી પોલીસપાર્ટી પર ગર્જના કરતી ગોળીઓ છૂટી. જોકે દરેકે બૂલેટપ્રૂફ જેકેટો પહેર્યાં હતાં, પણ તેમ છતાંય શ્રી બારોટને એક ગોળીથી થોડી ઈજા પહોંચી. ત્યાર બાદ આખી પોળમાં રહેનારાઓ જાગી ગયા અને બંને પક્ષે ગોળીઓની રમઝટ શરૂ થઈ ગઈ.

મકાનમાં છુપાયેલા બદમાશોને આત્મસમર્પણ કરી દેવાની પોલીસે ઘોષણા કરી, પરંતુ જવાબમાં તેઓ ગોળીઓ જ વરસાવતા રહ્યા. અંદાજે અડધા કલાક સુધી ગોળીઓના ભીષણ ધમાકાઓથી એ વિસ્તાર ગર્જી ઊઠ્યો હતો. પછી જેમ એકાએક અંદરથી ગોળીબાર શરૂ થયો હતો, તેમ એકાએક જ બંધ પણ થઈ ગયો. થોડી વાર રાહ જોયા પછી પોલીસ ટુકડી મકાનમાં ધસી ગઈ અને અંદરથી છ ભયાનક ત્રાસવાદીઓના મૃતદેહ બહાર ઊંચકી લાવ્યા. ખરેખર અમદાવાદ પોલીસની આ વ્યૂહરચના દાદ માગી લે એવી હતી. બધાં મૃતદેહોને હોસ્પિટલે મોકલી દેવામાં આવ્યા અને પછી તમામ પોલીસ અધિકારીઓ આંધીની ઝડપે સાયરાબાનુ શેખના મકાનમાં ધસી ગયા બાદ જાણે સોય શોધવી હોય એવી ઝીણવટથી તલાશી શરૂ કરી દીધી. અઢી કલાકની પુષ્કળ મહેનત કર્યા બાદ છેવટે આઠેક વાગ્યે તલાશીનું કામ પૂરું થયું ત્યારે ઓફિસરો તથા અન્ય સિપાહીઓના ચહેરા સફળતાથી ચમકતા હતા.

ઓપરેશન પૂરેપૂરું સફળ થયું હતું. છ ખૂંખાર ત્રાસવાદીઓ મોતને ઘાટ ઊતરી ગયા હતા. સાયરાબાનુ શેખના ત્રણ માળના એ સુંદર મકાનમાંથી બ્લેક આર.ડી.એક્સ. ભરેલા સોળ થેલા મળી આવ્યા. દરેક થેલો નવ કિલો વજનનો હતો. સાથે જ ૧૪૦ વિદેશી બનાવટના ગ્રેનેડ, પાંચ રિવોલ્વર, બે પિસ્તોલ તથા બે એ. કે. ૪૭ રાયફલો અને મેગ્જિનો મળ્યાં, જેમાંથી બે પિસ્તોલ અને એક રિવોલ્વરનો ઉપયોગ બદમાશોએ પોલીસ સાથેની અથડામણમાં કર્યો હતો.

સાયરાબાનુ શેખ અને તેના પતિ અહમદ ઇશાક શેખની સાથે સાથે તેની બહેન ઝુલેખા તથા એના પતિ અબ્દુલ રહીમની ધરપકડ કરીને એ સૌને દરિયાપુર પોલીસસ્ટેશને લઈ જવાયાં અને ત્યાં ઇન્સ્પેકટર તરુણ બારોટે પોતે જ ફરિયાદી બનીને તેમની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડ – ૩૦૭/૧૨૦-બી/૧૮૬/૩૫૩ અને હથિયારબંધીની કલમ ૨૫(૧)/બી-૨૮/૩૫/૩૬ અંતર્ગત એફ.આઈ.આર. નોંધાવી દીધી.

પોલીસ સામે અગત્યનો સવાલ એ હતો કે ખરેખર આ બદમાશોનો ધ્યેય શું હતો...? તેઓ આટલી મોટી વિનાશક સામગ્રી લઈને શા માટે અમદાવાદ આવ્યા હતા....? આ કોઈ નાની ગેંગનું નહીં, પણ મોટી માફિયા ગેંગનું લાગતું હતું. પોલીસને મળેલી સૂચના પ્રમાણે આ જાતની પ્રવૃત્તિઓમાં દાઉદ ઈબ્રાહીમ(ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન) તથા અબ્દુલ લતીફની ગેંગ સક્રિય હતી એટલે ઇન્સ્પેકટર બારોટે પોતાની ફરિયાદમાં પકડાયેલા ચારેય ગુનેગારોની સાથે-સાથે શકમંદ આરોપીઓ તરીકે દાઉદ ઈબ્રાહીમ, છોટા શકીલ, શરીફખાન, નવેમ્બર ૧૯૯૭માં પોલીસના હાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અમદાવાદના જ ગેંગસ્ટર અબ્દુલ લતીફના ભાઈઓ રજાક, સમદ, ઈસ્માઈલ તથા મોયુદ્દીનનાં નામો પણ નોંધ્યા હતાં.

ઉપર્યુક્ત બનાવ પછી અમદાવાદ પોલીસની તપાસના ચક્રો ગતિમાન બની ગયાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માર્યા ગયેલા છ એ છ બદમાશો દાઉદ ઈબ્રાહીમના નીકટના સાથીદાર શરીફખાનના સાગરીતો હતા. એટલું જ નહીં, મુંબઈની પોલીસે અમદાવાદ આવીને તેમના મૃતદેહોને ઓળખી પણ બતાવ્યા. એ છ એ છના નામ અનુક્રમે હસન મહંમદ જાન મહંમદ શેખ, શ્રીરંગ ઉર્ફે શ્રીકાંત પવાર, આત્મારામ ભોંસલે, સુભાષ પાટિલ, દીપક ઉર્ફે દીપારામ તાવડે તથા સીતારામ હતાં. મૃતદેહોની ઓળખ થયા પછી ચાર જણાના મૃતદેહો તેમનાં કુટુંબીજનો અમદાવાદ આવીને લઈ ગયાં. જ્યારે આત્મારામ તથા સીતારામના મૃતદેહ લેવા માટે કોઈ ન આવ્યું. ઓપરેશન પહેલાં મળેલી બાતમી પરથી પોલીસે એવું તારણ કાઢ્યું કે કદાચ આ બદમાશોનો હેતુ સાબરમતી જેલમાં વિસ્ફોટો કરાવીને ત્યાં જેલવાસ ભોગવી રહેલા શરીફખાનના ભાઈ જાવેદખાનને છોડાવવાનો હતો.

૧૯૯૨માં ગુજરાત પોલીસે દેશદ્રોહી પ્રવૃત્તિ આચરવાના આરોપસર શરીફખાન તથા જાવેદખાનને પકડ્યા હતા. પછી એક દિવસ જ્યારે શરીફખાનને પોલીસના બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લઈ જવાનો હતો, ત્યારે તે લતીફની મદદથી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ શરીફખાન ભારત છોડીને દુબઈ, દાઉદ ઈબ્રાહીમ પાસે ચાલ્યો ગયો હતો અને ત્યાં એના બોડીગાર્ડ તરીકે રહેવા લાગ્યો હતો. પછી દુબઈથી તે પાકિસ્તાન ગયો અને ત્યાંથી જ છોટા શકીલ સાથે પોતાનું નેટવર્ક ચલાવતો હતો. અગાઉ ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે લતીફે પણ સાબરમતી જેલમાં વિસ્ફોટ કરાવીને જાવેદખાનને છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એટલે આ વખતે પણ માર્યા ગયેલા બદમાશોનો હેતુ એ જ હોવો જોઈએ એમ પોલીસે માન્યું. પરંતુ તેમ છતાંય આ બાબતમાં નક્કર માહિતી સાયરાબાનુ શેખ પાસેથી મળી શકે તેમ હતી.

ઇન્સ્પેકટર બારોટે હવે સાયરાબાનુને આગવી ઢબે પૂછપરછ કરી તો એણે જણાવ્યું કે પોતે માર્યા ગયેલા બધા બદમાશોમાંથી માત્ર શ્રીરંગને જ ઓળખતી હતી અને જાવેદખાનના કહેવાથી જ તેમને પોતાને ત્યાં આશરો આપ્યો હતો.

‘કોણ જાવેદખાન....?’ ઇન્સ્પેક્ટર બારોટે પૂછ્યું.

‘લે, કર વાત....!’ સાયરાબાનુ નર્યા અચરજથી એમની સામે જોતાં બોલી, ‘આખું ગુજરાત જાવેદખાનને ઓળખે છે ને આપ નથી ઓળખતા....? તે દાઉદ ઈબ્રાહીમના નીકટના સાથીદાર શરીફખાનનો ભાઈ છે....!’

‘પણ, એ તો સાબરમતી જેલમાં છે. એની સાથે તારે કેવી રીતે વાત થઈ....?’

‘મોબાઈલ ફોન પર....!’ સાયરાબાનુએ જવાબ આપ્યો, ‘અમદાવાદ આવ્યા બાદ શ્રીરંગે મોબાઈલ પર જાવેદખાન સાથે વાત કરી હતી અને ત્યાર પછી તે પોતાના સાથીદારો સાથે મારે ઘેર આવ્યો હતો.’

સાયરાબાનુના આ ધડાકાથી કાયદો અને પોલીસ વ્યવસ્થાના ચીંથરા ઊડી જતાં હતાં. જેલમાં કોઈ ખતરનાક કેદી પાસે મોબાઈલ હોય તે ચિંતાજનક બાબત હતી અને આ કામ જેલના કોઈ કર્મચારીની મદદ વગર શક્ય નહોતું. ઇન્સ્પેક્ટર બારોટે ઉચ્ચાધિકારી સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી સાયરાબાનુ, તેનાં પતિ, બહેન અને બનેવીને કોર્ટમાં રજુ કરીને નવ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ સાયરાબાનુની બહેન જુલેખાના ઘરની તલાશી લેતાં ત્યાંથી પણ ૧૫ હેન્ડ ગ્રેનેડ, ૨૮૩ કારતૂસ તથા બે એ. કે. ૪૭ રાઈફલો મળી આવ્યાં. પછી આકરી પૂછપરછમાં આ શસ્ત્રો છોટા શકીલે તેમને મોકલ્યા હોવાનું એ બંનેએ કબૂલ કર્યું.

ત્રાસવાદીઓની યોજના સાબરમતી જેલમાં બોમ્બ વિસ્ફોટો કરાવીને જાવેદખાનને છોડાવવાની હતી એવું પોલીસ દ્રઢ રીતે માનતી હતી. જોકે આ માત્ર તેમનું અનુમાન જ હતું. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જુલેખા તથા સાયરાબાનુ કે તેના પતિ ઇશાક શેખ પાસેથી આ બાબતમાં કોઈ નક્કર વાત જાણવા ન મળી. અલબત્ત, સાયરાબાનુએ એટલું જરૂર જણાવ્યું કે સાબરમતી જેલનો જ એક કર્મચારી રજનીકાંત પરમાર જેલમાં સજા ભોગવી રહેલા જાવેદખાનને મદદ કરે છે. ઇન્સ્પેક્ટર બારોટે આ માહિતીથી ઉચ્ચાધિકારીઓને વાકેફ કર્યા અને તેમની સુચનાથી સાબરમતી જેલમાં જઈને રજનીકાંત પરમારની પૂછપરછ કરી.

પરંતુ રજનીકાંતે સાયરાબાનુની વાત હળાહળ ખોટી હોવાનું જણાવ્યું. પુરાવા વગર એની વિરુદ્ધ કોઈ પગલાં ભરી શકાય તેમ નહોતું એટલે ઇન્સ્પેક્ટર બારોટ ફરીથી સાયરાબાનુ પાસે ગયા અને રજનીકાંતે આપેલા જવાબ વિશે તેને જણાવી દીધું. એમની વાત સાંભળીને સાયરાબાનુ તરત જ બોલી ઊઠી, ‘રજનીકાંત ખોટો છે, સાહેબ....! એ જાવેદખાનનો મદદગાર છે. એ જ તો દરરોજ મોબાઈલ લાવીને મારે ઘેર ચાર્જ કરતો હતો. આ કામ માટે તેને દરરોજ સો રૂપિયા આપવામાં આવતા હતા. તે બીજા કેદીઓની માગણી પણ પૂરી કરે છે. આપને કદાચ ભરોસો નહીં બેસે, પણ તે પોલીસનો કર્મચારી હોવા છતાંય અમારો સંદેશવાહક હતો. હું તેને ઓળખી બતાવવા તૈયાર છું.’

ઇન્સ્પેક્ટર બારોટને સાયરાબાનુની વાત વ્યાજબી લાગી.

તારીખ ૩૦મી માર્ચે એમણે યોજેલી ઓળખપરેડમાં જેલના તમામ કર્મચારીઓ વચ્ચેથી સાયરાબાનુએ રજનીકાંત પરમારને સ્પષ્ટ રીતે ઓળખી બતાવ્યો. પરિણામે પોલીસે તેને અટકમાં લઈને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા. પૂછપરછ દરમિયાન રજનીકાંત પોતે નિર્દોષ હોવાનો કક્કો ઘૂંટતો રહ્યો.

૨ એપ્રિલે પોલીસે સાયરાબાનુ શેખ, મહંમદ ઇશાક શેખ, અબ્દુલ રહીમ તથા જુલેખાને પુનઃ અદાલતમાં રજૂ કર્યા અને સાયરાબાનુ તથા અબ્દુલ રહીમની રિમાન્ડ મુદત વધારવાની માગણી કરી જે માન્ય રાખવામાં આવી. જ્યારે મહંમદ ઇશાક શેખ તથા જુલેખાને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો. ત્યાર બાદ રિમાન્ડની મુદત પૂરી થતાં સાયરાબાનુ તથા અબ્દુલ રહીમને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા. જ્યારે રજનીકાંત તો સાયરાબાનુની જુબાની તથા ઓળખને કારણે પોલીસની ચુંગાલમાં સપડાઈ જ ગયો હતો અને તેના બચાવની શક્યતા નહીંવત્ હતી.

પોલીસે આ બનાવમાં નોંધેલા મુખ્ય શકમંદ સુત્રધારો દાઉદ ઈબ્રાહીમ, છોટા શકીલ તથા શરીફખાન દુબઈ હતા એટલે હાલતુરત તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નહોતી. પરંતુ એક વાત તો ચોક્કસ જ હતી કે અમદાવાદના જાંબાઝ પોલીસ અધિકારીઓની આગવી સૂઝબૂજને કારણે ત્રાસવાદીઓએ સાબરમતી જેલને ઉડાવવાનું જે કાવતરું ઘડ્યું હતું તે નિષ્ફળ નીવડ્યું હતું.

(Feedback: facebook.com/Kanu Bhagdev)