Bakor Patel - Ujaanie books and stories free download online pdf in Gujarati

Bakor Patel - Ujaanie

બકોર પટેલ : ઉજાણીએ

લેખક

હરિપ્રસાદ વ્યાસ

સંપાદક

રતિલાલ બોરીસાગર


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.કાશ્મીરા મહાદેવની ઉજાણીએ...

૨.રસોડાના રાજાઓ !

૩.પડ પાણા પગ પર !

૪.ભોળિયો રાજા !

૫.ભુલભુલામણી !

કાશ્મીરા મહાદેવની ઉજાણીએ

“પટેલસાહેબ છો કે ? શકરીબહેન કયાં ગયા ?”

ત્રણ-ચાર જણ બૂમ પાડતાં - પાડતાં બકોર પટેલના બંગલાનાં પગથિયાં ચડવા લાગ્યાં.

પટેલ તો ડ્રોંઈગરૂમમાં બેઠા જ હતા, પરંતુ શકરી પટલાણી અંદરના રૂમમાં હતાં. રૂમાલથી હાથ લૂછતાં-લૂછતાં એ બહાર આવી પહોંચ્યાં.

“ઓહો ! ગૌરીબહેન ! ચિન્તુબહેન ! તમે બધાં એકાએક ! કંઈ જલસો ગોઠવ્યો છે કે

શુ ?”

“એવુંય ખરું. અમે તો તમારું મહેણું ટાળવા આવ્યાં છીએ.”

“મહેણું ? મારૂ મહેણું ?”

“હા. અમે ઉજાણી (પિકનિક) કરી આવતાં, ત્યારે તમે મહેણું મારતાં હતાં ને, કે અમને તો ખબરેય આપતાં નથી ! નહિ તો અમેય આવત ! તેથી આજે તમને ખબર આપવા આવ્યાં છીએ.”

“ઉજાણી રાખી છે ?”

“હા. કાલે સવારે જઈશું. સાંજે પાછા.”

“જવાનું કયાં ?”

“કાશ્મીરા મહાદેવ.”

“એ કયાં આવ્યા.”

“તમને ખબર નથી ? ગ્રીનગાર્ડન છે ને ! તેની પાસે જ. ત્યાં પૂછો, તો કોઈ પણ બતાવે આપણને લઈ જવા માટે તો મોટબસ સવારમાં આઠ વાગ્યે આવી જાય તેવું ગોઠવીશું. પંચાવન-સાઠ જણ થશે.”

“એમ ? ખાસ કોણ-કોણ છે ?”

“આપણી આજુબાજુનાં જ છે. વાઘજીભાઈ વકીલને તૈયાર કરીએ છીએ, ટીમુ પંડિત આવવાના છે.ઉટડિયા ડોકટરસાહેબ પણ ખરા. હવે તમારો વિચાર હોય તો કહો. દરેક જણે એકસો પચાર રૂપિયા ભરવાના થશે. વધશે તે પાછું.”

શકરી પટલાણીએ બકોર પટેલ સામે જોયું બકોર પટેલ બોલ્યા : “વિચાર થતો હોય તો હમણાં જ પૈસા આપી દે. દર વખતે કહેતી હતી તો આ વખતે મોકો મળ્યો છે. વળી, કાલે રવિવાર છે. રજા ત્યાં ગાળીશું. ખાઈશું, પીશું ને મજા કરીશું.”

શકરી પટલાણીની આંખો સામે અગાઉનાં દ્રશ્યો તાજાં થયાં : એમના બંગલાથી થોડેક દૂર ખુલ્લી જગ્યા હતી. ત્યાં ખાસ મોટરબસ આવીને ઉભી રહેતી. જનારાંઓ બધાં અગાઉથી ત્યાં આવીને રાહ જોતાં. ઘણાં તો રંગબેરંગી બગલથેલા લટકાવીને આવતાં. કોઈને ખભે થરમોસ હોય તો કોઈ વળી પાણી માટેની વોટરબેગ લટકાવીને આવે. બધાં રંગબેરંગી કપડાં પહેરી ચટકમટક ચાલે. પટલાણી એ બધું જોઈ રહેતાં. તેમનેય ફરવા જવાનું મન થાય, પણ કોઈ કહેવા આવે નહિ, એટલે મન વાળીને બેસી રહેતાં.

પણ આજે ઉજાણીની તક ઉભી થઈ હતી. એમણે ગૌરીબહેનને કહ્યું : “ગૌરીબહેન, અમે પણ આવીશું. લ્યો, આ અમારા ત્રણસો રૂપિયા.”

ગૌરીબહેને ત્રણસો રૂપિયાની નોટો. પાકિટમાં મૂકતાં કહ્યું : “નાસ્તા માટે થોડુંક કંઈ કરી લેજો. દરેક જણ કંઈ ને કંઈ લાવશે. બાકી તો લેવી હોય તો શાલ લેજો.”

“ભલે ! - અને મોટરબસ તો દર વખતે ઉભી રહે છે, ત્યાં જ ઉભી રહેશે ને ?”

“હા, હા. તમારા બંગલામાંથી પણ જોઈ શકાશે ! બધાં ત્યાં આવશે. ત્યાંથી બધા સાથે ઉપડીશું.”

આમ કહીને ગૌરીબહેનની મંડળી વિદાય થઈ.

બધાંનાં ગયાં પછી પટેલને ચટપટી થવા લાગી. જાતજાતના વિચાર આવવા લાગ્યા.

તેમણે શકરી પટલાણીને પૂછયું : “નાસ્તા માટે તું શું લેવાની ?”

“આપણે હજી નક્કી કયાં કર્યું છે ? તમે કહો તે કરી લઈએ, પૂરી-મૂઠિયાં ફાવશે ?”

“આમાં ફાવવાની વાત જ કયાં છે ? બધાં જાતજાતની વાનગી લાવશે. વાઘજીભાઈને ત્યાંથી વીજકોરબહેન કદાચ બટાકાવડાં કે કચોરી કરી લાવે. પેલા ટીમુ પંડિત તો લાડુડીના શોખીન છે, તેથી તેમને ત્યાંથી કદાચ મગજના લાડુ આવશે ! ને ઉટડિયા ડોકટર તો મીઠાઈની છાબડી બંધાવી લાવે તેવા છે !”

“તો તમે કહો તેમ કરીએ. મગજ બનાવી નાખું ?”

“ના ના ! કંઈક બીજું.”

“સમોસાં ?”

“હા, સમોસાં હોય તો ઠીક, પણ એ બનાવતાં જ મધરાત થઈ જાય. કંઈ ઝટ બને તેવું કર ને !”

“તો ચેવડો ?”

“ઉહ ! કંઈ નહિ ને ચેવડો ?”

“ત્યારે ? શકરપારા અને છૂંદો ?”

“એવું તે છેક હોય ?”

“તો પછી તમે જ કહો ને ! ભજિયાં ફાવશે ?”

“ઉંહું !”

“સાદાં ઢાંકળાં !”

“એ તો લુખ્ખાં પડે!”

“તો તમે જ ઝટ વિચાર કરીને જવાબ આપો. હવે મોડું થાય છે.”

“બકોર પટેલ વિચાર કરવા બેઠા. એમને પણ કંઈ સૂઝે નહિ, સૂઝે એ ગમે નહિ, ગમે તો એ બનાવવામાં ઘણી અગવડ પડે એવું હોય !”

આખરે એ પણ થાકયા. તેમણે કહ્યું ઃ “તારા અસલ સૂચન પ્રમાણે જ બનાવ.”

“શું ?”

“પૂરી અને મૂઠિયાં !”

“આખરે પૂરી અને મૂઠિયાં પર જ આવ્યા ને !” કહેતાં શકરી પટલાણી ફુઉઉઉઉ દઈને હસી પડયાં ! પછી એમણે પૂરી અને મૂઠિયાં બનાવી દીધાં.

“કાલે સવારે પાંચ વાગ્યે ઉઠાય એ રીતે એલાર્મ મુકજો.” શકરી પટલાણીએ બકોર પટેલને યાદ આપી.

“પાંચ વાગ્યાનું એલાર્મ ? એટલું બધું વહેલું ?”

“હા હા, એ કંઈ બહુ વહેલું ન કહેવાય. ઉઠીને પાણી ગરમ કરીશું બંને જણ નાહીશું. ચા બનાવવામાં વખત જશે. તૈયાર થતાંય વાર લાગશે. એટલે પાંચ વાગ્યાનું એલાર્મ બરાબર છે.”

“ભલે ત્યારે. પાંચનું મૂકું !”

આમ કહીને બકોર પટેલ ઉભા થયા. ઘડીયાળ લઈને એલાર્મનો કાંટો પાંચ પર મૂકયો. પછી રોજિંદી ચાવી આપી. પણ એલાર્મની જુદી ચાવી આપવાનું ભૂલી ગયા ! ઘડિયાળ પાછું ગોઠવી દીધું.

રોજના સમયે પટેલ ઉંઘી ગયા. પણ એલાર્મની ચાવી આપેલી નહિ, તેથી એમનાથી કે શકરી પટલાણીથી વહેલા જાગી શકાયું નહિ ! પટેલની આંખ ઉઘડી ત્યારે ખાસ્સા છ વાગેલા !

ઘડિયાળ પર નજર પડી કે પટેલ ચમકયા !

“બાપ રે ! છ વાગી ગયા !” કરતાં તે છલાંગ મારીને ઉભા થઈ ગયા !

એ અવાજથી શકરી પટલાણી પણ જાગી ગયાં. છ વાગ્યા સાંભળીને એ પણ સફાળાં (ગભરાઈને) બેઠાં થઈ ગયાં !

એમણે રસોડામાં જઈ ગેસ સળગાવ્યો. પહેલાં ચા કરી લીધી. પછી નાહવા માટે પાણી ગરમ કરવા માંડયું.

ચાનો ઘૂંટડો ગળે ઉતારતાં-ઉતારતાં બકોર પટેલને નાસ્તાનાં પૂરી-મૂઠિયાં યાદ આવ્યાં.

“પેલાં મૂઠિયાં તો લાવ.” તેમણે પટલાણીને કહ્યું : “જરા ચાખીએ તો ખરાં, કે કેવાં થયાં છે !”

શકરી પટલાણી રકાબીમાં મૂઠિયાં કાઢી લાવ્યાં. પટેલે એક મૂઠિયું ઉપાડી મોંમાં મુકયું. પણ મુઠિયું મોંમાં મૂકતાં જ એમનું મોં કટાણું થઈ ગયું !

શકરી પટલાણી વિચારમાં પડી ગયા. એમણે પૂછયું : “કેમ ? બરાબર નથી થયાં ?”

કોળિયો જેમતેમ ગળે ઉતારતાં, પટેલ બોલ્યા : “મીઠાના ભાવ એકદમ ગગડી ગયા લાગે છે !”

“કેમ ? બહુ ખારાં થઈ ગયાં છે ?”

“અરે ! મીઠું બમણું નખાઈ ગયું લાગે છે ! ખારાંખારાં ઉસ ! હવે ઉજાણીમાં શું કરીશું ?”

શકરી પટલાણી વિચારમાં પડી ગયાં. થોડી વારે હસીને બોલ્યાં : “એમ કરીશું. બધાંને એક-એક વહેંચી દઈશું ! થોડું ખારુંય બધાંને જોઈશે ને !”

આ વાત ચાલણી હતી, એટલામાં ટીમુ પંડિત આવી પહોંચ્યા.

“જય જય પટેલસાહેબ ! ચાલો, તૈયાર છો ને ?”

“હા, હવે કપડાં બદલી લઈએ એટલી વાર ! આ જરા મૂઠિયાં ચાખો. ઉજાણીમાં નાસ્તા માટે બનાવ્યાં છે.”

“હરિ : ઓમ તત્સત્‌ !” કહી પંડિતજીએ પલાંઠી વાળી બેઠક જમાવી. પછી એક મૂઠિયું ઉપાડી મોંમાં મૂકયું ! તુરત જ દિવેલિયું મોં કરી બોલી ઉઠયા : “શિવ ! શિવ ! શિવ ! છે તો બહુ સ્વાદિષ્ટ ! પણ મીઠાનું પ્રમાણ જરા વધારે છે ! કંઈ નહિ. ચાલી જશે.”

“લ્યો ત્યારે એકાદ બીજું થઈ જાય !” પટેલે હસતાંહસતાં આગ્રહ કર્યો.

“ના ના ! હવે બસ ! ચાલો, ત્યારે તૈયાર થાઓ.”

પટેલે કપડાં બદલવા માંડયાં.

પટલાણી તૈયાર થઈ બોલ્યાં : “હજી મોટરબસ આવી નહિ !”

ટીમુ પંડિત કહે : “ચાલો ને, ત્યાં જઈને ઉભાં રહીએ. મોટરબસ આવ્યા પછી બહુ ખોટી થાય નહિ. બધાંની સાથે રહેવું સારું.”

“એમ કરીએ ત્યારે” કહી પટેલ ઉભા થયા. પાણીની બેગ એમણે ખભે લટકાવી દીધી. શકરી પટલાણીએ ખભે થરમોસ લટકાવી દીધું. થેલીમાં નાસ્તાનો ડબ્બો લઈ લીધો. દરમિયાનમાં ખુશાલબહેન આવી પહોંચ્યાં, એટલે એમને બંગલો સોંપી બધાં નીકળ્યાં.

બસસ્ટેન્ડ બધાં એકઠાં થયાં હતાં, પણ બસનું હજી ઠેકાણું ન હતું. આઠ તો વાગી ગયા હતા !

સૌ કોઈ ઉંચુંનીચું થતું હતું. બસ આવી નહિ, તેથી સૌને ફિકર પેઠી હતી. ટોળામાંથી જાતજાતનાં વાકયો સંભળાતાં હતાં.

“આઠ આજના કે કાલના ?”

“બસની ઘડિયાળ ચા પીતી હશે !”

“નક્કી કોણ કરી આવેલું ?”

“પેલાં ગૌરીબહેન કયાં ગયાં ? એ કે નથી દેખાતાં ?”

આમ, જાતજાતની વાતો સંભળાતી હતી. દરમિયાન ડો. ઉંટડિયા, વાઘજીભાઈ વકીલ, વીજકોરબહેન વગેરે આવી પહોંચ્યાં.

કાફલો (સમૂહ) ધીમે ધીમે વધવા માંડયો. બીજી બાજુ ઘડિયાળનો કાંટો પણ આગળ સરકવા માંડયો. સવા-આઠ, સવાઆઠ ને પાંચ, દશ, સાડા આઠ, પોણા નવ !

પણ મોટરબસનું ઠેકાણું જ નહિ !

ડો. ઉંટડિયા કહેવા લાગ્યા : “ગૌરીબહેનને ત્યાં કોઈને દોડાવો. મો કોણે લીધેલું ? એ જ હતાં કે બીજું કોઈ?”

“હતાં તો ત્રણ-ચાર જણ જોડે. પણ ગૌરીબહેનને ત્યાં તપાસ કરાવીએ. એ પોતે પણ હજુ આવ્યાં નથી !”

“એમના બંગલામાંથી પણ અહીં નજર પડે છે ને ! મોટરબસ આવી હોય તો એ તરત આવે. કોઈને મોકલો ને !”

આમ વાતો ચાલતી હતી, એટલામાં ગૌરીબહેનનો નોકર ભૂરિયો આવી પહોચ્યો. બકોર પટેલ પાસે જઈને એ બોલ્યો : “પટેલસાહેબ ! ગૌરીબહેન તો ત્યાં, કાશ્મીરા મહાદેવ ગયાં છે ! કહેવડાવ્યું છે કે બસનું ઠેકાણું લાગતું નથી, તો જેને જેમ ઠીક લાગે તેમ ત્યાં આવે !”

ચારેબાજુ ખળભળાટ મચી ગયો ! શકરી પટલાણીનું મોં પડી ગયું. બકોર પટેલ તો આભા જ બની ગયા.

થોડી વારે એમણે પૂછયું : “એમની સાથે કોઈ હતું ?”

“હા, બધી મંડળી જોડે જ ગઈ છે ! હવે તમારી મંડળી ફાવે એ રીતે જાય, એમ કહેવડાવતાં ગયાં છે !”

પાછો ગણગણાટ થઈ ગયો. ભૂરિયો તો સંદેશો સુણાવીને ચાલ્યો ગયો.

ડો. ઉંટડિયા બોલ્યા : “હું તો સ્કુટરે ચડી જઈ પહોંચું છું.”

વાઘજીભાઈ કહે : “ત્યારે અમે અમારી બાઈક ઉપર આવી પહોંચીઅ છીએ.”

બકોર પટેલ માથું ખંજવાળતા વિચાર કરવા લાગ્યા.

શકરી પટલાણી બોલ્યાં : “ત્યારે આપણે ટેકસી ભાડે કરી લ્યો. બધાં જુદાં-જુદાં પહોંચી ગયાં, એટલે હવે શું થાય ”

“મૂઠિયાં ખારાં થયાં ત્યારથી જ મને વહેમ હતો કે પહેલે કોળિયે જ આ માખી આવી ! ચાલો ત્યારે જઈએ ટેકસીમાં !”

થોડીવારમાં બકોર પટેલ ટેકસી ભાડે કરી લાવ્યા. તેઓ અને શકરી પટલાણી અંદર ગોઠવાઈ ગયાં. રહી ગયા પેલા ટીમુ પંડિત ! પટેલનો વિચાર તો હતો કે એમને પણ ટેકસીમાં લઈ લેવા. પણ જરા તાલ જોવાની વિચાર કર્યો. ટીમુ પંડિતને થયું કે બકોર પટેલ મને ટેકસીમાં બેસાડી દે તો બધી ઉપાધિ ટળી જાય.

પણ પટેલ તો કંઈ કહેતા જ નથી ! ટીમુ પંડિતે રડમસ ચહેરે કહ્યું : “પટેલસાહેબ ! બધું તો ઠીક, પણ મેં કાશ્મીરા મહાદેવ જોયા નથી ! હું એકલો કયાં ખોળીશ ?”

ટીમુ પંડિતનું ઉતરેલું મોં જોઈને બકોર પટેલને હસવું આવી ગયું. એ બોલ્યા : “કાશ્મીરા મહાદેવ તો અમે પણ નથી જોયા ! છતાં તમે પણ આવી જાઓ અમારી સાથે ગાડીમાં ! બધાં કહે છે કે મહાદેવ ગ્રીનગાર્ડનની પાસે જ છે. આપણે ગ્રીનગાર્ડન ઉતરી જવાનું છે. ત્યાંથી પૂછતાં-પૂછતાં જઈ પહોંચીશું. કહેવત છે ને કે, પૂછતા નર પંડિત ! તમે પોતે પંડિત થઈને આટલા બધા ગૂંચવાઓ છો કેમ ?”

આમ કહીને બકોર પટેલ હસ્યા. પછી ટીમુ પંડિત માટે પોતાની બાજુમાં જગ્યા કરી. હવે પંડિતજી મલકાઈ ગયા ! એમનું મોં હસું-હસું થઈ ગયું.

ગાડી ઉપડી.

રસ્તામાં ટીમુ પંડિત વાતોએ ચઢયા. કહ્યું : “પટેલસાહેબ, આવી ઉજાણી તો નકામી ! કોઈ જવાબદારી જ માથે ન લે, એ કેવું ! પૈસા ઉઘરાવતી વખતે બધાં શૂરાં બની જાય અને પછીથી બધી જવાબદારી ફગાવી દે ! મોટરબસ ન આવી, પછી આપણને મળવું તો જોઈએ ને ! આમ બારોબાર ચાલ્યા જવાતું હશે ?”

શકરી પટલાણી બોલ્યા : “પેલાં ગૌરીબહેન આવ્યાં, તેથી મેં ઉભું કર્યું. બાકી પહેલેથી ખબર હોત તો હું પિકનિકમાં આવવાનું જ માંડી વાળત !”

બકોર પટેલ બોલ્યા : “પણ આપણે જ પૂછયું નહિ કે મુખ્ય જવાબદારી કોની છે ! મુખ્ય વ્યવસ્થાપકને જ પકડવા જોઈએ ને !”

વાતમાં ને વાતમાં બધાં ગ્રીનગાર્ડન પાસે આવી પહોંચ્યાં. ત્રણે જણ ટેકસીમાંથી ઉતરી ગયાં. પટેલે ટેકસીવાળાને પૈસા ચૂકવી દીધા.

ત્રણેએ આમતેમ જોવા માંડયું.

પંડિતજી બોલ્યા : “કાશ્મીરા મહાદેવ કયાં હશે ?”

બકોર પટેલ કહે : “આ બાગની ધારે-ધારે થોડું ચાલીએ. આમતેમ નજર નાખતા રહીએ. ગૌરીબહેન વગેરે આવી ગયાં છે. એ કંઈ અછતાં (ગુપ્ત) રહેવાનાં છે ? તરત દેખાશે.”

પંડિતજી બોલ્યા : “હા, એ રસ્તો ઠીક છે. ચાલો ત્યારે, હરિ ઓમ તત્સત્‌ !”

ત્રણે જણે બાગની ધારે-ધારે ચાલવા માંડયું. ચાલતાં જાય અને ચારે તરફ જોતાં જાય.

પંડિતજીની ધીરજ ખૂટી ગઈ.

બકોર પટેલ પણ ઉંચાનીચા થવા લાગ્યા. એમણે કહ્યું : “કોઈને પૂછીશું ?”

“હા, પેલો ફેરિયો આવે છે, એને પૂછી જુઓ.”

ફેરિયો નજીક આવ્યો.

બકોર પટેલે ઈશારત કરીને એને ઉભો રાખ્યો. ફેરિયાએ માથેથી શિંગનો ટોપલો ઉતાર્યો. પછી ત્રાજવાં ઉંચાં કરી એમાં શિંગ નાખીને બોલ્યો : “શેઠ કેટલી જોખું ?”

પટેલ જરા ચાટ (છોભીલા) પડી ગયા ! એમને થયું કે હવે શિંગાવાળાને ખટાવવો (ખટાવવું - ફાયદો કરાવવો) જ જોઈએ.

એમણે કહ્યું : “પાંચસો ગ્રામ જોખ.”

પેલાએ શિંગ જોખવા માંડી. શકરી પટલાણીએ વિચાર કર્યો કે પટેલ પેલાને કાશ્મીરા મહાદેવનું પૂછશે નહિ, ને પૈસા મળી ગયા પછી એ ઉભો પણ નહિ રહે !

આમ વિચારીને એ આગળ આવ્યા. પેલાને પૂછયું : “આટલામાં કાશ્મીરા મહાદેવ છે, તે કયાં આવ્યા ?”

ફેરિયાએ એક બાજુ આંગળીથી રસ્તો બતાવીને જવાબ આપ્યો : “પે...લા રસ્તા ઉપર છે. જરા આગળ જશો, એટલે મોટું કમ્પાઉન્ડ આવશે. તેમાં છે.”

બધાંને આનંદ થયો.

ફેરિયો પૈસા લઈ ચાલ્યો ગયો. બકોર પટેલે હસતાંહસતાં બધાને શિંગ વહેંચી : “લ્યો, ઉજાણીની શરૂઆત આ શિંગથી કરો ! પછી જે માલપાણી મળે તે ખરા !”

પંડિતજી શિંગના દાણા મોંમાં નાખવા માંડયા. ચાલતાંચાલતાં એમણે પૂછયું : “ઉજાણીમાં જમવાનું શું છે ? આપણને તો બસ, લાડુ મળે તો મજા !”

પટલાણી કહે : “અરર ! એ તો પૂછવાનું જ ભૂલી ગયાં આપણે ! કેવું છે ! પૂરું જાણ્યા વગર નીકળી પડયાં ઉજાણી કરવા.”

આ તો કવિતા બની ગઈ, એટલે શકરી પટલાણી ખીલ્યાં ને ફરીફરીને લલકારવા લાગ્યાં :

“પુરું કશું ના જાણીએ,

ને નીકળી પડયાં ઉજાણી કાજ

એ એ એ એ એ...

છિઃ છિઃ છિઃ છિઃ

પુરુ કશું ના જાણીએ,

ધસી ગયાં ઉ...જા...ણી... કાજ”

હસાહસનો પાર રહ્યો નહિ. આગળ ચાલ્યા પછી એક મોટું કમ્પાઉન્ડ આવ્યું. વચ્ચોવચ મહાદેવનું મંદિર હતું.

અચાનક પંડિતજીની નજર ત્યાં પડી અને ગેલમાં આવી ગયા. મોટેથી બોલ્યા : “જય શંભો ! જય શંભો !”

બકોર પટેલ ચમકયા. એમને કંઈ સમજ પડી નહિ. એમણે પંડિતજી તરફ જોઈને પૂછયું :

“શું થયું તમને ?”

“કંઈ થયું નથી. જુઓ, પે... લા મહાદેવ દેખાય ! આખરે આપણે આવી પહોંચ્યાં ખરાં !”

પટેલની નજર મહાદેવ પર પડી. તેઓ બોલી ઉઠયા : “બરાબર ! આખરે આવી પહોંચ્યાં ખરાં ! એમ છે ત્યારે ! જુઓ, પે...લા વાઘજીભાઈ ! એની બાઈક ! વીજકોરબહેન ! ડો. ઉંટડિયા પણ એ રહ્યા ! સો જણમાં પણ એ લંબુજી દેખાયા વિના રહે ?”

ઝાંપો ખુલ્લો જ હતો, ત્રણે જણ ઝટ ઝટ અંદર પેઠાં.

“જય-જય, ડોકટરસાહેબ!” પંડિતજીએ ડોકટર ઉંટડિયાને નમસ્તે કરતાં કહ્યું.

“પધારો, પંડિતજી ! આપણે ઉજાણી તો બરાબરની અવળી નીકળી ગઈ !”

“કેમ ?” પંડિતજીએ ચિંતાથી મોં પહોળું કરીને પૂછયું.

હવે બકોર પટેલ પણ ગભરાયા. તેઓ પૂછવા લાગ્યા. “કેમ, ડોકટર સાહેબ ! ઉજાણી બંધ રહી છે ?”

“ના રે ! બંધ તો કેમ કહેવાય ?”

“ત્યારે ?”

“ત્યારે શું ? કહું ? આપણે બધાં અહીં આવ્યાં પણ આ કંઈ કાશ્મીરા મહાદેવ નથી !”

બધાં ચમકયાં.

પટેલે ચિંતાતુર ચહેેરે પૂછયું : “ત્યારે ?”

“આ તો છે ચંદ્રમૌલીશ્વર મહાદેવ ! પે...લા પૂજારી બેઠા ! એમને પૂછો !”

બકોર પટેલ વિચારમાં પડી ગયાં.

પંડિતજી કહે : “આવો ને ! એમને જ પૂછીએ અને જાણી લઈએ કે કાશ્મીરા મહાદેવ કયાં આવ્યા ?”

બકોર પટેલ બોલ્યા : “ચાલો ત્યારે, પૂછતા નર પંડિતા.”

પટેલ અને પંડિતજી પૂજારી પાસે ગયા.પંડિતજીએ ઘંટ વગાડયો. માથેથી પાઘડી ઉતારી હાથમાં ઝાલી. પછી મહાદેવનાં દર્શન કરતાં મોટેથી બોલ્યા :

“જય-જય બમ્‌બમ્‌ ભોળા !”

પૂજારીએ ઉંચે જોયું.

બકોર પટેલે હવે પૂછયું : “હેં મહારાજ ! આ કાશ્મીરા મહાદેવ નથી ?”

“ના, આ તો ચંદ્રમૌલીશ્વર છે. કાશ્મીરા મહાદેવ તો સામી દિશામાં છે. ગ્રીનગાર્ડનની પેલી બાજુ છે. તમે બધાં આ બાજુ કયાં આવ્યાં ?”

બકોર પટેલ ઢીલા થઈ ગયા !

એ બન્ને જણ ડો. ઉંટડિયા પાસે પાછા આવ્યા.

વાઘજીભાઈ વકીલ બોલ્યા : “ત્યારે ચાલો ને ! આપણે બધાં ત્યાં જઈએ ! હવે આવી જ પડ્યાં છીએ ત્યારે ત્યાં ગયા વિના કંઈ છૂટકો છે ? ઉજાણીના પૈસા ભર્યા છે, તે જમીને વસૂલ તો કરવા જ પડશે ને !”

બકોર પટેલ ઢીલું મોં કરી બોલ્યા : “ચાલો ત્યારે ! અહીંથી સરઘસ લઈને જઈએ ત્યાં !”

અને એમ એ સરઘસ ત્યાંથી પાછું કાશ્મીરા મહાદેવ જવા ઉપડયું !

ચંદ્રમૌલીશ્વર મહાદેવમાંથી સરઘસ ઉપડયું. ગ્રીનગાર્ડનની બીજી બાજુએ બધાં ચાલ્યાં. રસ્તામાં જે મળે તેને ડો. ઉંટડિયા પૂછતા જાય.

આખરે બધાં કાશ્મીરા મહાદેવમાં જઈ પહોંચ્યાં.

વાઘજીભાઈએ ગૌરીબહેનને જરા ઉઘડાં લીધાં (સખત ઠપકો આપ્યો) : “શું ગૌરીબહેન ! આવું કેવું તમારું ખાતું કોઈ પ્રકારની બિલકુલ વ્યવસ્થા જ નહિ!”

“શું કરું ? બહુ દિલગીર છું. પણ મારે અહીં આવ્યા વિના છૂટકો જ ન હતો. હું ન આવી હોત, તો આટલુંય બની ન શકત ! કોઈના પર ભરોસો રાખીએ ત્યારે આવું બને છે !”

“કેમ ? શું થયું છે ? બધાં એકદમ ચમકયાં. સૌને લાગ્યું કે કંઈ ગરબડ થઈ છે. ”

ગૌરીબહેને જવાબ આપ્યો : “જુઓ ને, મૂઆ શિખંડવાળાએ હજી શિખંડ નથી મોકલ્યો ! પછી ચિંતા તો થાય ને !”

આ સમાચાર સૌ માટે નવા હતા. બકોર પટેલ તો વિચારમાં પડી ગયા. તેમણે થોડીવારે પૂછયું : “પછી તમે શું કર્યું ?”

“હમણાં જ બાજુના બંગલામાં જઈને ફોન કરી આવી. શિખંડવાળાએ જવાબ આપ્યો કે અડધા કલાકમાં નોકર શિખંડ લઈને ત્યાં આવી પહોંચશે.”

“હાશ ! મેં તો જાણ્યું કે ભોજનનો રાજા શિખંડ જ ગેરહાજર રહેશે કે શું ?” બકોર પટેલ બોલ્યા.

“ના, ના! થોડીવારમાં નોકર આવી પહોંચશે. પણ આપણે હવે નાસ્તો કરીશું ? આવવાનાં હતાં એ બધાં આવી ગયાં છે. તમારી જ રાહ જોવાતી હતી. તમેય આવી ગયાં, જો કે તમને વાર બહું થઈ !”

બકોર પટેલે કપાળે હાથ દઈને જવાબ આપ્યો : “શું કરીએ ? અમે તો ચોરાશીના ચક્કરમાં એવા સપડાઈ ગયા કે બસ, વાત ન પૂછો ?”

“કેમ ? શું થયું ?”

જવાબમાં પટેલે પોતાની રામકહાણી કહી, એટલે સૌ ખડખડાટ હસી પડ્યા !

પછી નાસ્તાની શરૂઆત થઈ. છાપાંના મોટા કાગળો પાથરી દઈ એમાં દરેક જણે પોતાનો નાસ્તો ઠાલવવા માંડ્યો.

કોઈ સુખડી લાવેલું, તો કોઈ પેંડા, કોઈ સમોસાં, તો કોઈ કચોરી !

બકોર પટેલે પણ પોતાનાં પૂરી અને મૂઠિયાં ઠાલવ્યાં. નાસ્તો શરૂ થયો.

બે-ત્રણ જણે મૂઠિયાં ઉપાડી મોંમાં મૂક્યાં કે એમનું મોં કટાણું થઈ ગયું !

“અરરરર ! આ મીઠાકોથળી કોણ બનાવી લાવ્યું છે ? મોં ખારું-ખારું ઉસ થઈ ગયું !”

પંડિતથી બોલ્યા વિના રહેવાયું નહિ. તરત બોલી ઉઠયા : “એ તો આપણા શ્રીમાન બકોર પટેલની પ્રસાદી છે.”

ચારે તરફ હસાહસ !

બકોર પટેલે પંડિતજીને કહ્યું : “આખરે તમે કહી દીધું ને ! તમારા પેટમાં વાત ટકતી જ નથી.”

દરમિયાન પંડિતજીએ એક કચોરી ઉપાડી મોંમાં મૂકી. કચોરી ગૌરીબહેનની. એમાં મરચું એટલું બધું કે પંડિતજીની જીભ તતડી ગઈ અને આંખમાંથી પાણી નીકળી ગયાં ! મોટેથી બોલી ઉઠયા : “હરિઓમ તત્સત્‌ ! કમાલ કચોરી છે આ તો ! મને તો બાપના બાપના બાપના બાપ યાદ આવી ગયા ! વાતમાં ને વાતમાં મેં તો પેંડો સમજીને મોંમાં મૂકી હતી !”

ફરીથી ચારે તરફ હસાહસ !

બકોર પટેલે ખરેખર પેંડો ઉપાડીને પંડિતજીને આપ્યો અને કહ્યું : “લ્યો,

પંડિતજી ! તમે તો લાડુડીના શોખીન, પણ લ્યો આ પેંડો !”

“લાવો, મહેરબાન ! સો વરસના થજો ! કલ્યાણમસ્તુ !”

પંડિતજી પેંડા ઉડાવી ગયા ! આવી રીતે ખૂબ આનંદમાં નાસ્તો પૂરો થયો.

ત્યાર પછી દરેક જણ કંઈ ને કંઈ રમતે વળગ્યું. કોઈ પત્તાં રમવા બેસી ગયાં, કોઈ નવકૂકરી રમવા મંડી પડ્યા, કોઈએ અંતકડી શરૂ કરી, તો કોઈ મહાદેવની જગ્યાની આસપાસ લટાર મારવા નીકળી પડ્યાં.

બીજી બાજુ રસોઈયાઓ રસોઈ કરતા હતા. બકોર પટેલ પત્તાં રમવા બેઠેલા. દરેક બાજીમાં પટેલ હારે, પણ શૂર (જુસ્સો) બમણું ચડે !

મોડેથી બધાંને રસોઈની સોડમ આવવા લાગી. સૌ થાક્યા હતાં. સાંજે બહુ મોડું ન થાય એ માટે વહેલાં જમી લેવાનું નક્કી થયું.

પણ હજુ શિખંડવાળો આવ્યો જ ન હતો !

બધાંએ ગૌરીબહેનને ઠપકો આપવા માંડ્યો : “આવા કેવાની સાથે તમે નક્કી કર્યું, ગૌરીબહેન ! શિખંડ તો એણે સમયસર મોકલવો જોઈએ ને !”

ગૌરીબહેન રડવા જેવાં થઈ ગયાં. પછી જરા ઉકળી જઈને બોલ્યાં : “હું એકલી તે કેટલું કરું ? મરું ? કોઈ મદદ તો કરતું નથી ! બધાં વાતો કરી જાણે છે !”

ગૌરીબહેને ઘડાકો કર્યો એટલે બધાં ચૂપ થઈ ગયાં !

ગૌરીબહેને આગળ ચલાવ્યું : “પટેલસાહેબ ! હવે તો તમે જ પે...લા બંગલામાં પધારો. ત્યાંથી મૂઆ શિખંડવાળાને ફોન કરીને જરા દમ ભરાવો !”

ગૌરીબહેન ઉકળી ઉઠ્યા, તેથી બધાં ચૂપ થઈ ગયાં. થોડી વારે વાઘજીભાઈ કહેવા લાગ્યા : “હા પટેલસાહેબ, તમે જ જરા ફોન ઉપર એને ઘઘડાવો !”

“એ શિખંડની દુકાનવાળો કોણ મૂઓ છે, ગૌરીબહેન ?” પટેલે પૂછયું.

“પેલો ઠણઠણપાળ શિખંડી.”

“એમ ? ત્યારે તો ફોનની ચોપડીમાંથી નંબર મળશે.”

આમ કહી બકોર પટેલ ગયા.

બાજુમાં બંગલામાં જઈ એમણે ફોન કરવા દેવા વિનંતી કરી. બંગલાના માલિક એમને ફોન પાસે લઈ ગયા.

પટેલે ફોન જોડ્યો :

“એલાવ ! કોણ છો ?”

“આપ કોણ ?”

“તમે ઠણઠણપાળ કે ?”

“હાજી, ફરમાવો શેઠિયા ! શિખંડ જોઈએ છે ?”

“ઓર્ડર તો તમને આપી દીધેલો છે. તમારો શિખંડી રાજા હજુ આવ્યો નથી !”

“કયાંથી બોલો છો ?”

“કાશ્મીરા મહાદેથી.”

“અરે હા હા ! સમજયો. ત્યાં તો શિખંડ પહોંચાડીને નોકર પાછો પણ આવી ગયો ! પહોંચ પણ લાવ્યો છે. ને !”

પટેલ ચમકયા. એમણે નવાઈ પામી પૂછ્યું : “અહીં તો શિખંડ લઈને કોઈ આવ્યું નથી. જુઓ જોઈએ, સહી કોની છે ?”

“ચાલુ રાખજો, મહેરબાન !” આમ કહીને ઠણઠણપાળે પહોંચ ખોળી કાઢી. પછી ફોનમાં કહેવા માંડ્યું : “કોઈ ચંદ્રમૌલીશ્વરની સહી છે. નોકર કહે છે કે શિખંડ મહાદેવમાં જ આપ્યો છે.”

બકોર પટેલ તરત જ સમજી ગયા. એમણે કહ્યું : “આ તો સાવ ઉંધું વાટયું ! ચંદ્રમૌલીશ્વર નામના બીજા મહાદેવ પણ આટલામાં જ છે ! તમારો બબૂચક ત્યાં શિખંડ ઝીંકી આવ્યો લાગે છે !”

“અરેરે ! ગોટાળો થયો ! હવે તો શું થાય, સાહેબ ! જે બન્યું તે ખરું. તમારામાંથી એક જણે નોકરની સાથે રહેવું જોઈતું હતું. ઉજાણી કરવી, તો પહેલેથી પૂરેપૂરી ગોઠવણ કરવી જોઈએ !” કહી ઠણઠણપાળે ફોન મૂકી દીધો.

બકોર પટેલ લીલે તોરણે (કામ સિધ્ધ કર્યા વિના) મહાદેવ પાછા ફર્યા. તેઓ શા સમાચાર લાવ્યા છે, એ જાણવા દરેક જણ આતુર હતું !

શિખંડની યાદે પંડિતજીના મોંમાં પાણી છૂટ્યું હતું !

સિસકારો બોલાવીને એમણે બકોર પટેલને પૂછયું : “કેમ પટેલસાહેબ ! શુભ સમાચાર જ લાવ્યા છો ને ? શિખંડ આવે છે ને ?”

“શિખંડ તો આવીય ગયો અને અત્યારે તો પેટમાં પધરાવાઈ પણ ગયો હશે !”

“કયાં ! કોના પેટમાં ?” બધાંએ આભા બની જતાં પૂછયું.

“ચંદ્રમૌલીશ્વર મહાદેવના !” બકોર પટેલે જવાબ આપ્યો. પછી બધી વાત વિગતવાર કહી.

આ સાંભળીને પંડિતજીએ તો ઠૂઠવો (પોક) મૂકવાની તૈયારી કરતા હોય તેવું મોં કર્યું અને લમણે હાથ મૂકયો.

એ જોઈ બકોર પટેલ ફુઉઉઉઉ દઈને હસી પડયા અને બોલ્યા : “પંડિતજી ! હવે જીવ બાળશો નહિ. ચાલો, જે તૈયાર હોય તે જમી લઈએ !”

પંડિતજીએ ઉતરેલા ચહેરે કહ્યું : “જેવી મહાદેવની ઈચ્છા ! જમણ તો કરીશું, પણ જમણના રાજા શિખંડની ગેરહાજરી ! ચાલો, જે થયું તે ખરું !”

પંગત ગોઠવાઈ ગઈ. બધાં ઝટપટ બેસી ગયાં એટલે પીરસવામાં સપડાઈ ગયા બકોર પટેલ !

ના પણ કેવી રીતે પડાય ? એમણે પીરસવાનું શરૂ કર્યું. કોઈ પૂરી માગે તો કોઈ શાક માગે ! કોઈ કઢી, તો કોઈ ભાત !

બકોર પટેલ દોડાદોડી કરવા લાગ્યા !

તેઓ થાકી જશે એમ લાગવાથી હાથીશંકરે શકરી પટલાણીને કહ્યું : “જરા ઉઠો ને, પટલાણી ! પટેલસાહેબને મદદ કરો ! બિચારા એકલા-એકલા થાકી જશે. અમે જમી રહીશું, પછી તમને પીરસીશું.”

શકરી પટલાણી ઉઠયા. એમણે બકોર પટેલને મદદ કરવા માંડી.

પણ નસીબ બે ડગલાં આગળનું આગળ ! પૂરીના લોટની ગણતરીમાં કંઈ ભૂલ થઈ ગયેલી અને અધૂરમાં પુરું હાથીશંકર તથા પંડિતજીએ તો પુરી પર જ મારો ચલાવ્યો !

પરિણામે પુરીઓ ખૂટી પડી ! બધાં જમી રહ્યાં, પછી બકોર પટેલ અને શકરી પટલાણી જમવા બેઠાં. પણ પુરી હતી જ નહિ ! એ બે જણને ભાગે ભાત અને કઢી જ રહ્યાં હતાં !

થોડીવાર સૌએ આરામ કર્યો. પછી દરેક જણ વિદાય થવા લાગ્યું.

કાશ્મીરા મહાદેવ આવતી વખતે બકોર પટેલે ટેકસી ભાડે કરી. પંડિતજી રાહ જોતા હતા. તેઓ પણ ટેકસીમાં ઘૂસી ગયા.

ટેકસીમાંથી ઉતરતી વેળા પંડિતજીએ હાથ જોડ્યા : “જય-જય, પટેલસાહેબ ! ઉજાણી કેવી ?”

પટેલ હસીને જવાબ આપ્યો : “બરાબરની ખબર પડી ગઈ તેવી ! તમે ને હાથીશંકરે પુરી પર એવો હાથ ચલાવ્યો કે અમે સવા લટકી ગયાં ! આવી ઉજાણીને નવ ગજના નમસ્કાર !”

રસોડાના રાજાઓ

કેટલાક દિવસથી પટેલને રસોઈયો રાખવાની ઈચ્છા થયેલી. મનમાં એમ થયાં કરે, કે ઘણાખરા બંગલાવાળાને ત્યાં રસોઈયા છે. આપણે પણ રાખીએ તો ?

એક દિવસ એમણે શકરી પટલાણીને વાત કરી : “આજે તો બસ, આપણો વિચાર થઈ ગયો છે.”

“શાનો વિચાર થઈ ગયો છે ? ફરીથી આઈસક્રીમ ઝાપડવો છે કે શું ?” પટલાણીએ હસીને પુછયું.

પટેલ કહે : “ના ભાઈ, ના ! જયારે - જયારે આઈસક્રીમ ખાઈએ છીએ, ત્યારે ત્યારે કંઈ ને કંઈ નવાજૂની થાય જ છે ! પણ અત્યારે તો રસોઈયાની વાત કરું છું. આજે તો બસ એમ જ થઈ ગયું છે કે આપણે રસોઈયો રાખવો જ રાખવો !”

“એવું તો અગાઉ પણ તમે કહેલું. પણ મને રાંધવાની આળસ નથી. પછી રસોઈયાની શી જરૂર છે ?”

“નહિ, નહિ. તું હાથે રાંધે તે ઠીક ન લાગે. ઘણાખરા બંગલાવાળાને ત્યાં રસોઈયા છે, તો આપણે કેમ ન રાખવો !”

“ભલે.” શકરી પટલાણી બોલ્યાં : “જેવી તમારી મરજી !”

ને પટેલે ગોઠવણ કર્યા મુજબ બીજા દિવસથી ગિજુમહારાજ રસોઈ કરવા હાજર થઈ ગયા !

રસોઈ તૈયાર થતાં પટેલ પટલાણી પાટલા ઢાળીને જમવા બેઠા. પટેલની છાતી ગજગજ ફૂલતી હતી.

“મહારાજ ! રોટલી લાવજો.” પટેલે રોફબંધ બૂમ પાડી.

“લાવ્યો, શેઠ ! વિજુમહારાજે જવાબ આપ્યો. પટેલનું મોઢું મલક-મલક થવા લાગ્યું મનમાં થયું, કે આખરે રસોઈયો રાખ્યો ખરો !”

ગિજુમહારાજ રસોઈ બહુ ધમધમાટ બનાવતા. દાળમાં મરચાં અચ્છી તરેહથી ઝીંકે. શાક પણ લાલચોળ થઈ જાય. થોડા દિવસ પટેલે સિસકારા બોલાવીને ખાધું, પણ એક દિવસ ન રહેવાયું. જમતાં-જમતાં પટેલે કહ્યું : “મહારાજ, કાલથી મરચું

ઓછું નાખજો. આટલું બધું તીખું અમે ખાતાં નથી.”

“ભલે, શેઠ !” ગિજુમહારાજ બોલ્યા.

બીજે દિવસે પટેલે જોયું, તો દાળ ફિકકીફચ હતી ! શાક પણ બાફેલા જેવું અને સાવ મોળું હતું !

“મહારાજ ! આમ છેક મોળું કરાવાનું નહિ.” પટેલ જેમતેમ ગળે ડૂચા ઉતારવતા બોલ્યા.

“ભલે, શેઠ !” ગિજુમહારાજે જવાબ આપ્યો. ને બીજે દિવસે મહારાજે પાછો અસલ ધમધમાટ કર્યો ! પટેલે દાળનો સબડકો માર્યો કે એ તો ઉભા જ થઈ ગયા ! આંખમાંથી પાણી નીકળી પડ્યાં ! જીભ તતડી ઉઠી, તે નફામાં ! “ખાંડ લાવો, થોડી ખાંડ !” પટેલ જીભ બહાર કાઢીને સિસકારા બોલાવતા બૂમ પાડી ઉઠયા. મહારાજે દોડતા આવીને જરા ખાંડ આપી. પટેલે ઝટઝટ મોંમાં મૂકી દીધી. પછી થોડી વારે બોલ્યા : “મહારાજ, તમે તો મારી નાખ્યા ! મારી જીભે તો ફોલ્લા પડી ગયા !”

આમ થોડા દિવસ ચાલ્યું. પછી માલૂમ પડયું કે વસ્તુઓ ઝટ ખૂટી જાય છે ! લોટ, ચોખા, ઘી, તેલ, મસાલા - બધું ટપોટપ ખલાસ થઈ જવા લાગ્યું.

એક દિવસ શકરી પટલાણીએ બકોર પટેલને કહ્યું : “આપણા મહારાજનો હાથ બહુ છૂટો છે. મસાલા તો ઝટ ખલાસ થઈ જાય છે. રસોઈ પણ રોજ વધી પડે છે !”

પટેલ કહે : “આજે જરા ટકોર કરીશ.”

એ દિવસે પટેલે જમતાં-જમતાં ટકોર કરી, ને બીજે દિવસે જ મહારાજે નવો ખેલ પાડયો !

પટેલે જમતાં-જમતાં બૂમ પાડી : “પુરી લાવજો, મહારાજ !”

“પુરી તો ખલાસ, સાહેબ !” મહારાજે હાથ લૂછતાંલૂછતાં જાહેર કર્યું : “આપે ઓછો લોટ બાંધવાનું કહેલું, તે મુજબ આજે રસોઈ પર કાપ મૂકયો છે !”

પટેલ ગમ ખાઈ ગયા : “ભલે, ભાત લાવો.” મહારાજ ભાત લાવ્યા, પણ શકરી પટલાણીને કંઈક વિચાર આવવાથી એમણે પૂછયું : “મહારાજ, ત્યારે તમારે માટે પણ પૂરી ન રહી ? તમે શું ખાશો ?”

“મા....રે.....મા.....રે.....” મહારાજ અચકાઈને બોલ્યા : “મારું ભાણું તો મેં પીરસીને આઘું રાખી મૂકયું છે !”

શકરી પટલાણી ચમકયાં. એમણે ઉભાં થઈ કહ્યું : “કયાં મૂકયું છે ? બતાવો, જોઈએ.”

મહારાજે થાળી ઉઘાડી પીરસી રાખેલું ભાણું બતાવ્યું. મહારાજે પુરીની ઢગલી, દાળ, ભાત, શાક વગેરેથી ભરચક થાળ અગાઉથી જ બાજુ ઉપર મૂકી દીધો હતો !

થોડા દિવસ પછી બીજી ગમ્મત થઈ. સવારના નવ વાગી ગયા, પણ ગિજુમહારાજનાં દર્શન થયાં નહિ ! શકરી પટલાણી તો ઉંચા નીચાં થવા લાગ્યાં કે હજી સુધી મહારાજ આવ્યા કેમ નહિ !

“હમણાં આવશે, આવતા જ હશે.” પટેલ બોલ્યા, “કદાચ મોડું થઈ ગયું હશે.”

પણ ઘડિયાળના કાંટા તો આગળ ચાલવા લાગ્યા. સવા નવ, સાડા નવ, પોણા દશ, દસ ! પટેલપટલાણી ઘડિયાળ સામે જોતાં જાય અને બગાસાં ખાતાં જાય ! અધૂરામાં પૂરું શકરી પટલાણીએ તો ખાસ કામે બહાર જવાનું ગોઠવ્યું હતું. ગયા વિના ચાલે એમ નહોતું. એટલે એમણે પટેલને કહ્યું : “મારે તો જવું જ પડશે. એટલે તમે દાળ ઓરી દો. આજે મહારાજ આવે તેમ લાગતું નથી.”

“મારે દાળ ઓરવી પડશે ?” ઉતરી ગયેલા કોળા (શાક તરીકે વપરાતું એક ફળ) જેવું મોઢું કરતાં પટેલ બોલ્યા : “આ મહારાજે તો ખરે વખતે વેશ કાઢયો ! આજે ઓફિસે કયારે જવાશે ?”

આમ, બબડતાં-બબડતાં પટેલ ઉઠયા. ગેસ પર પટેલે આંઘણ મૂકયું. ખુશાલબહેને દાળ વીણી આપી. આંધણ થયું, એટલે પટેલે દાળ ઓરી દીધી.

એ દિવસે પટેલે જાતે જ રસોઈ બનાવી નાખી. છ, સાત, આઠ, નવ, ખૂણાવાળી - આફ્રિકા-શ્રીલંકા-સિંગાપોર જેવી રોટલીઓ પણ એમણે વણી નાખી ! સૌ જમીપરવાર્યા, પછી છેક બપોરે એક જણે રસોઈયાનો સંદેશો પહોંચાડયો. રસોઈયાને ત્યાં મહેમાન આવ્યા છે, એટલે આજે એ નહિ આવે !

પછી તો ગિજુમહારાજે અવારનવાર ગાબચીઓ મારવા માંડી. આખરે પટેલ કંટાળ્યા. લીલું નાળિયેર અને સૂકો ગોળ આપીને મહારાજને વિદાય કર્યા.

ગિજુમહારાજ પછી બલ્લુભટ્ટની પધરામણી થઈ. પણ બલ્લુભટ્ટજી તો ગિજુમહારાજથીય ચાર ચાસણી ચડે એવા નીકળ્યા !

બલ્લુભટ્ટજીને ઘી ઉપર બહુ પ્રેમ ! રસોડામાં હરતાં -ફરતાં ઘીનો લચકો મોંમાં મૂકી દે ! એમના રાજયમાં ઘી ઝટ સફાચટ થઈ જાય ! એક સાંજે પટેલ - પટલાણીને વાઘજીભાઈને ત્યાં જમવાનું હતું. ખુશાલબહેન પૂરતું તો સવારનું વધેલું હતું. સવાલ માત્ર બલ્લુભટ્ટજીનો હતો.

શકરી પટલાણીએ રસ્તો કાઢયો : “એમ કરજો, મહારાજ, તમારા પૂરતું કરી લેજો. ખુશાલબહેનને સવારનું વધેલું આપશો, તો ચાલશે.”

“સારું, બા ! બલ્લુભટ્ટે મલકાઈને જવાબ આપ્યો.”

વખત જતાં પટેલપટલાણી જમવા જવા નીકળ્યાં. બલ્લુભટ્ટજી પોતાના માટે રસોઈ બનાવવા રસોડામાં પેઠા.

વાઘજીભાઈને ત્યાં જઈને બેઠા, પછી થોડી વારે પટેલને પોતાનું પાકીટ યાદ આવ્યું. શકરી પટલાણીને પૂછયું : “મારું પાકીટ તો ઠેકાણે મૂકયું છે ને ?”

પટલાણી ગભરાઈને બોલી ઉઠયાં : “મને યાદ નથી. તમે આપેલું ખરું, પણ...”

“ચાલ ત્યારે, તપાસ કરીને ઝટ પાછાં આવીએ.” પટેલ બોલ્યા. બન્ને જણ ગભરાયલાં-ભગરાયેલાં ઉઠયાં.

બંગલે જઈને પટલાણીએ તરત બહારના કબાટમાં જોયું. પાકીટ ત્યાં સલામત હતું.

“હા....શ !” પટલાણીને ઠંડક વળી. “આ રહ્યું પાકીટ.”

પણ રસોડામાંથી તવલામાં તવેથો ફરવાનો અવાજ આવતો હતો. બન્ને જણ ચોંકીને રસોડા આગળ ગયાં, તો મહારાજ નિરાંતે કિલોએક શીરો શેકતા હતા !

“શું કરો છો, મહારાજ ?” પટલાણી બોલ્યાં, તરત મહારાજે ઉંચું જોયું. એમનાથી ઝટ બોલાયું નહિ. એ ગેંગેંફેંફેં થઈ ગયા !

“અં....અં....અં.... આ તો જરા લોટ હલાવી નાખ્યો, બા ! મારા એકલાને માટે ઝાઝી માથકૂટ શી કરવી ? એટલે પછી હેં... હેં...”

બીજે દિવસે બલ્લુભટ્ટજીને પણ ગડગડિયું મળી ગયું. (નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા).

પછી બીજા ત્રણેક કડછીકલેકટરનો અનુભવ પટેલે કરી જોયો. કોઈને રાંધતાં-રાંધતાં ખાતાં જવાની ટેવ, કોઈને શાક વધારે જોઈએ, તો કોઈને પટેલપટલાણી કરતાં બેવડું જમવા જોઈએ.

આખરી પટેલ થાકી ગયા. એમણે હસતાં-હસતાં શકરી પટલાણીને કહ્યું : “આ કડછી-માસ્તરો તો બધા આપણને રાંધી નાખે તેવા છે !”

પટલાણીએ જવાબ આપ્યો : “નહોતી કહેતી હું ? કોઈ આપણને રાંધીને શું જમાડતું હતું ? કાલથી હું જ રસોડાનો કબજો લઈશ.”

બીજે દિવસે પહેલાંની જેમ જ પટલાણીએ રસોડું સંભાળી લીધું. ટેવ મુજબ ઝપાટાબંધ રસોઈ કરી નાખીને પટેલને જમવા બેસાડયા.

જમતાં-જમતાં પટેલે ગમ્મતમાં બૂમ પાડી : “મહારાજ, રોટલી લાવજો...”

“લાવું છું. શેઠ !” પટલાણીએ પણ ગમ્મતમાં જવાબ આપ્યો. બન્ને ખડખડાટ હસી પડયા.

પડ પાણા પગ પર !

બકોર પટેલ સવારે ચા પીતા બેઠા હતા. શકરી પટલાણી પણ ચાનો કપ લઈને સામે જ બેઠાં હતાં. એ વખતે બહાર કંઈ વાહન આવ્યાનો અવાજ આવ્યો. કોણ શહે તેનો બંન્ને વિચાર કરે છે, ત્યાં તો બેગ- બિસ્તરો લઈને ગોપાળરાવ દાખલ થયા.

“જય-જય, પટેલસાહેબ !” સામાન બાજુએ મૂકતાં ગોપાળરાવે કહ્યું.

“જય-જય ! આવો ! આવો ! બકોર પટેલે આવકાર આપ્યો. પણ ગોપાળરાવને જોઈને એમના પેટમાં ફાળ પડી. ગોપાળરાવ સ્વભાવે ગુંદરિયા ! ગુંદર ચોંટયો હોય તો ઉખડે નહિ, તેમ ગોપાળરાવ કયારે ઉખડશે, એટલે કે કયારે વિદાય થશે, એ કહી શકાતું નહિ ! જાય તો બેચાર દિવસમાં જાય, પણ મોટે ભાગે લાંબા સમયના ધામા નાંખે !”

ગોપાળરાવ ગંદા પણ બહુ. કપડાં ગંદાં જ હોય. સ્વચ્છતા જાળવે જ નહિ. ના કહેવા છતાં ગમે ત્યાં થૂંકે, અગર પાનની પિચકારી મારે ! આવી-આવી કુટેવો ! મહેમાન થઈએ ત્યારે કેવી રીતે રહેવું, એ એમને આવડે નહિ. આ કારણથી એમને જોતાં જ બકોર પટેલ અને શકરી પટલાણીને પરસેવો વળી ગયો.

છતાં, મનના ભાવ મોં પર જણાય નહિ તેવી રીતે પટેલે પૂછયું : “અત્યારની ટ્ર્‌ેનમાં આવ્યા, ગોપાળરાવ ?”

“હા જી. અહીં થોડુંક કામ છે, એટલે મકું (મેં કહ્યું) લાવ, થોડા દિવસ જઈ આવું.”

“ઠીક થયું. બેસો, ચા આવે છે.”

થોડીવારમાં શકરી પટલાણી ચા લઈ આવ્યા. ચા પીને ગોપાળરાવ વાતોએ વળગ્યા.

પણ ગોપાળરાવે ધામા બરાબરના નાખ્યા ! પટેલના બંગલામાં મહેમાનો માટે અલગ રૂમ રાખેલો. મહેમાનો માટે એ રૂમમાં સૂવા-બેસવાની સરસ વ્યવસ્થા.

દર વખતની જેમ ગોપાળરાવ બહાર ગયા.

મહેમાન પધાર્યા એટલે કંઈ સારી વાનગી તો જમાડવી જ જોઈએ. શકરી પટલાણીએ પૂરીઓ બનાવી નાખી, અને શિખંડ કંદોઈની દુકાનેથી મગાવી લીધો. રસોઈ તૈયાર થઈ.

અગિયાર વાગી ગયા, પણ ગોપાળરાવ બહારથી આવ્યા નહિ !

દરમિયાન પટેલના પાડોશી વાઘજીભાઈ વકીલ કોર્ટમાં જતાં-જતાં આવી પહોંચ્યા.

એમણે કહ્યું : “આજે કંઈ માલપાણી લાગે છે ! મીઠી સુગંધ આવે છે !”

“હાજી, પધારો ! આજે શિખંડપુરી બનાવ્યાં છે.”

આમ કહી બકોર પટેલે ગોપાળરાવના આગમની વાત કહી. ગોપાળરાવ અગાઉ ઘણીવાર આવી ગયેલા, એટલે વાઘજીભાઈ એમને બરાબર ઓળખતા હતા.

“ઓહો ! ત્યારે તો મહારાજાધિરાજ ગોપાળરાવ સરકારની પધરામણી થઈ છે, એમ કહોને !” કહેતાં વાઘજીભાઈ હસી પડયા : “ભારે નસીબદાર તમે તો !”

પટેલ કહેવા લાગ્યા : “જુઓ ને, છે એમનું કંઈ ઠેકાણું ? જમવાનો સમય કયારનો થઈ ગયો, છતાં હજુ આવ્યા નથી. મને તો કકડીને ભૂખ લાગી છે ! એ તો હવે કોણ જાણે કયારે આવશે !”

વાઘજીભાઈએ ઉપાય બતાવ્યો : “એમ ભૂખ્યા રહીએ તો મગજમાં પિત્ત ચડી જાય ! એમ કરો. બેચાર પૂરી અને થોડો શિખંડ જમી લો ! પેટમાં શાન્તિ તો વળે. પછી એમની સાથે નિરાંતે જમજો.”

પટેલને આ ઉપાય ગમી ગયો. વાઘજીભાઈ કોર્ટમાં જવા વિદાય થયા. પછી શકરી પટલાણીએ એક ડિશમાં ત્રણેક પૂરીઓ કાઢી, વાડકીમાં શિખંડ કાઢયો, અને પછી પોતે બહાર, ડ્રોંઈગ-રૂમમાં ધ્યાન રાખતાં બેઠાં. પટેલસાહેબ રસોડામાં જઈને થોડાં શિખંડપૂરી ઝાપટી આવ્યા !

ગોપાળરાવ આવ્યા છેક એક વાગ્યે ! બકોર પટેલે થોડું નાટક ભજવવા માંડયું : “ઓહોહો હો ! રાવસાહેબ ! આટલું બધું મોડું ! અહીં ત હું ભૂખે મરી ગયો !”

“માફ કરજો. મોડું થઈ ગયું, ખરું ને ! છતાં મારું કામ તો બાકી રહ્યું. જેને મળવા ગયેલો તે બહાર ગયા હતા. એમને ત્યાં બેસી રહ્યો, પણ એ તો આવ્યા જ નહિ ! આખરે થાકીને પાછો આવ્યો. ચાલો હવે, જમી લઈએ.”

બન્ને જમવા બેઠા. ગોપાળરાવની જમવાની રીત પણ ગંદી ! હાથ ખૂબ લપેડે ! આંગળાં ચાટ-ચાટ કરે ! પટેલ તો એમની સામે જુએ જ નહિ !

આમ, ગોપાળરાવે મહેમાનગીરી માણવા માંડી. રાત્રે જમીને પાનનો મોટો ડૂચો મોંમાં માર્યો. પછી પોતાના રૂમમાં ગયા.

રૂમમાં બાથરૂમ-વોશબેઝિન (હાથ-મોં ધોવા માટેનું નળવાળું સાધન) વગેરેની સગવડ હતી. ગોપાળરાવે પાન ચાવતાજાય અને બેઝિનમાં પિચકારી મારતા જાય ! થોડી વારમાં તો બેઝિન અને દીવાલો પિચકારીઓથી રંગી નાખ્યા !

સવારે ખુશાલબહેન બેઝિન ધોવા આવ્યાં, ત્યારે દીવાલ પરનાં રંગરોગાન જોઈને આભાં બની ગયાં !

તરત ગયાં બકોર પટેલ પાસે.

“શેઠસાહેબ ! મહેમાને તો બેઝિનમાં પાનની પિચકારીઓ મારી છે ! ગયે વખતે તો આપણે એમને ટોકેલા. પછી તેઓ બેઝિનને બદલે બારી બહાર પિચકારી મારતા હતા. પણ પાછા ભૂલી ગયા લાગે છે ! એ બધું હું કેવી રીતે ધોઉં ?”

“હશે ખુશાલબહેન, આટલો વખત સંભાળી લો. હું મહેમાનને ફરી ટોકીશ. (ઠપકો આપીશ.)”

ખુશાલબહેને નાકે કપડું દાબ્યું : પછી દીવાલો ધોઈ નાખી, બેઝિન ધોઈ નાખ્યું. પછી બબડતાં-બબડતાં એ બંગલાના ચોગાનમાં ગયાં.

સવારે ચા પીને ગોપાળરાવે પાનનો ડૂચો મોંમાં માર્યો, એ વખતે પટેલે હસતાં-હસતાં કહ્યું : “રાવસાહેબ ! તમે તો બેઝિનમાં પિચકારીઓ મારી છે ! ગયે વખતે તમને સમજાવેલું, છતાં આ વખતે ભૂલ થઈ ગઈ, ખરું ? આ કારણે અમારાં કામવાળાં બહેન નારાજ થયાં છે !”

“ઓહો ! એમ થઈ ગયું કે ? પાછી ભૂલ થઈ ગઈ !”

આમ બોલી ગોપાળરાવ ઉભા થયા અને ડ્રોઈંગરૂમના બારણાં પછવાડે પિચકારી લગાવી !

ગોપાળરાવ તો બકોર પટેલને ત્યાં બરાબરના જામી પડયા. જવાનું નામ લે જ નહિ ! પોતાને શું કામ છે, એ પણ કહે નહિ ! પટેલ પૂછે તો કહે કે, “ખાસ ખાનગી કામ છે !” પણ કામનું નામ પાડે નહિ !

પણ એક રાતે બડી ગમ્મત થઈ. રાતના બાર વાગ્યા હતા. બધાં ઘસઘસાટ ઉંઘતાં હતાં. એ વખતે કોઈ ગાતું અને રાગડા તાણતું હોય એવું બકોર પટેલને સંભળાયું ! એ ચમકીને પથારીમાં બેઠા થઈ ગયા ! પટલાણીને પણ જગાડયાં. પટલાણી પણ બેઠાં થઈ ગયાં.

બન્નેએ ધ્યાન દઈને સાંભળ્યું, તો અવાજ ગોપાળરાવના રૂમમાંથી આવતો હતો !

“કાળી ધોળી રાતી ગાય,

પીએ પાણી ચરવા જાય.”

થોડી વાર પછી :

“એક મુરખને એવી ટેવ,

પથ્થર એટલા પૂજે દેવ !”

પછી જરાક વાર રહીને રાગડો કાઢયો :

“રામનામ લાડવા,

ગોપાળનામ ધી,

કૃષ્ણ નામ ખાંડ,

તું તો ઘોળી ઘોળી પી !”

પટેલ સફાળા ઉભા થઈ ગયા.

“નક્કી ગોપાળરાવનો જ અવાજ છે. એમનું ખસી ગયું છે કે શું ?”

આમ કહી પટેલે લાઈટ કરી, પટલાણી કહે : “ચાલો, એમના રૂમમાં જઈને જોઈએ.”

“હા, ચાલો.”

પટેલ આગળ, પાછળ પટલાણી.

રૂમમાં જઈને પટેલે લાઈટ કરી. બન્ને જણે જોયું, તો ગોપાળરાવ ઓઢીને સૂતેલા. મોં ખુલ્લું, આંખો ઉઘાડી અને લવરી (રોગની અસરમાં ભાન વગર ગમે તેમ બોલવું) કરતા હોય એમ ગાતા હતા !

બકોર પટેલ ગોપાળરાવની નજીક ગયા. એમના કપાળ પર હાથ મૂકયો. ગોપાળરાવનું શરીર તાવમાં ધીકતું (ગરમ) હતું.

પટેલ ચમકયા.

તેઓ બોલ્યા : “ગોપાળરાવ ! તાવ આવ્યો છે ?”

ગોપાળરાવે થોડી વાર પટેલ સામે જોયા કર્યું. એમણે આંખો એવી કરી કે પટેલને બીક લાગી.

શકરી પટલાણી પણ ગભરાઈ ગયાં !

એમણે પુછ્યું : “ફુદીનો નાખીને જરા ચા કરી લાવું ?”

ગોપાળરાવ ધીમા અવાજે બોલ્યા : “લાવો, થોડી ચા પીશું.”

આમ કહી એમણે પાછું ગાવા માંડયું :

“જગતના સર્વ દેશોમાં અમારો દેશ સારો છે, ભલે ભોળો-ભલો તોયે અમારો દેશ પ્યારો છે !”

પટેલને ખરેખર ગભરામણ થવા લાગી. ગંભીર મોં કરીને એ પોતાના રૂમમાં પાછા આવ્યા.

પટલાણી બોલ્યાં : “બધુંય સહન થાય પણ મહેમાન આવીને આપણે ઘેર માંદા પડે, એ કંઈ સહન ન થાય ! એ વેઠ (ઈચ્છા વગર કરાતું - થાક લાગે કે કંટાળો ઉપજે તેવું - કામ) કોણ કરે ?”

પટેલ કહે : “બહાર બાગમાં જઈને ફુદીનો લઈ આવું ?”

“હા. ચુંટી લાવો. હું ચાનું પાણી મૂકી દઉં.”

પટેલે આગલું બારણું ખોલ્યું કે તુરત ઠંડા પવનનો સુસવાટો આવ્યો. એમણે સ્વિચ દાબી બહારની લાઈટ કરી, ને બહાર બાગમાં જઈ ફુદીનો ચૂંટીને પાછા આવ્યા.

આ બાજુ ચાનું પાણી થઈ ગયું હતું. શકરી પટલાણીએ ફુદીનો નાખીને ચા કરી નાખી. પછી કપ ભરીને ગોપાળરાવના રૂમમાં આવ્યા.

પટેલ પણ પાછળ-પાછળ આવ્યા. રકાબીમાં ચા ઠંડી પાડવા પછી પટેલે કહ્યું : “ગોપાળરાવ, જરા બેઠા થાવ. ચા પી લો. એનાથી ઠીક રહેશે !”

“હુંઉંઉંઉંઉંઉંઉં” હુંકાર કરીને ગોપાળરાવ બકોર પટેલ સામે ટગર-ટગર જોવા લાગ્યા !

પટેલનું કાળજું ધડક-ધડક થવા લાગ્યું.

પટલાણી કહે : “એમને ટેકો આપીને જરા બેઠા કરો. ચા પીશે એટલે એમને જરા ઠીક લાગશે.”

પટેલે ગોપાળરાવને બેઠા કર્યા. પછી ચાની રકાબી એમના મોં પાસે ધરી.

ગોપાળરાવે ચા પીધી, પણ, છેલ્લો ઘૂટડો મોંમાં ભરી બકોર પટેલ સામે ફુઉઉઉઉઉ કોગળો કર્યો !

પટેલ કૂદીને આઘા ખસી ગયા, પણ ચાનો છંટકાવ તો થઈ જ ગયો !

શકરી પટલાણી ખૂબ ચિડાઈ ગયાં. પણ મહેમાન અને પાછા માંદા, એટલે કરે શું ?

“હશે ! માંદાને કંઈ ભાન હોય છે ?” કહી પટેલે સદરો બદલી નાખ્યો. ગોપાળરાવને પાછા સુવાડી દીધા.

પછી બન્ને જઈને ડ્રોઈંગ રૂમમાં બેઠાં.

શું કરવું એની સમજ પડતી ન હતી !

બન્ને જણ બોલ્યા વિના થોડી વાર બેસી રહ્યાં.

એવામાં ગોપાળરાવની મોટી બૂમ સંભળાઈ : “ઓ બાપ રે ! ઉંહ ! ઓહ ! મરી ગયો રે !” બન્ને જણનો ગભરાટ વધતો ચાલ્યો. પટેલ તો રડવા જેવા થઈ ગયા.

તે જ વખતે ટેલીફોનની ઘંટડી રણકી.

પટેલ ચમકયા. “અત્યારે મધરાતે કોનો ફોન હશે ? રોંગ નંબર હશે ?”

પટેલે રિસીવર ઉપાડી વાત શરૂ કરી.

“હલ્લો !”

“હું વાઘજીભાઈ ! કેમ પટેલ સાહેબ, બંગલામાં કંઈ નવાજૂની થઈ છે ?”

“કેમ ?”

“કોઈ મોટેથી બૂમો પાડે છે, તે તમારા બંગલા તરફથી આવતી લાગે છે. વળી, અગાશીએ ચડીને જોયું, તો તમારા બંગલામાં લાઈટ બળતી જોઈ.”

“વાત સાચી છે, વાઘજીભાઈ ! તમે ફોન કર્યો તે સારું કર્યું. હું તો ગભરાઈ ગયો છું.”

“કેમ ? શી વાત છે ?”

“પેલા ગોપાળરાવ આવ્યા છે ને ! એ એકદમ માંદા થઈ ગયા છે. લવરી કરે છે, ગયા છે અને ચીસો પાડે છે !”

“તમે તો ખરા ફસાઈ પડ્યા !”

“હા, પણ અત્યારે કરવું શું ? વારેવારે એમને ભાન જતું રહે છે ! ગમે તેમ બકે (બોલે) છે !”

થોડી વાર વિચાર કરીને વાઘજીભાઈ બોલ્યા : “તમે ડો. ઉંટડિયાને ફોન કરો. એમને બોલાવો, એ દવા આપશે.”

“હા, હા. એ રસ્તો ઠીક છે. મને અત્યાર સુધી સૂઝયું જ નહિ !”

ઠીક ત્યારે. વળી, જરૂર પડે તો મને પણ બોલાવજો. આમ કહી વાઘજીભાઈએ રિસીવર મૂકી દીધું. હવે પટેલને શાન્તિ વળી.

પટેલે ડો. ઉંટડિયાને ફોન જોડ્યો.

“કોણ છો ?”

“હું બકોર પટેલ.”

“ઓહો ! પટેલસાહેબ ! આટલા મોડા કંઈ ?”

“મારે ત્યાં મહેમાન આવ્યા છે.”

“કોણ ?”

“ગોપાળરાવ”

“ઓહો ! કેમ પધાર્યા છે ?”

“એ બધી વાત પછી. પણ એ એકદમ માંદા પડી ગયા છે. લવરી કરે છે. એમને ખુબ તાવ છે. તમે અહીં આવો. એમને કંઈ ઈન્જેક્ષન-બિન્જેક્ષન કે દવા આપો.”

“ઓહો એમ છે ? તો તો આવી પહોંચું છું.”

પટેલને હવે હિંમત આવી.

થોડી વારમાં સ્કૂટર પર બેસી ડો. ઉંટડિયા આવી પહોંચ્યા.

આવ્યા એવા સીધા જ દરદીના રૂમમાં ગયા.

એમણે ગોપાળરાવને તપાસ્યા. સ્ટેથોસ્કોપ મૂકીને જોયું. પછી ગંભીર મોં કરી કહ્યું : “તાવ જોરમાં છે. પણ વાંધા જેવું નથી. આપણે એમને ઈન્જેક્ષન આપી દઈએ.”

આમ કહી એમણે ઈન્જેક્ષન તૈયાર કર્યું.

ગોપાળરાવે આંખ ઉઘાડી. ડોકટરને જોતાં જ એકદમ બેઠા થઈ ગયા. ઝટ દઈને ડોકટરને ગળે ટિંગાઈ ગયા ! એવી ચૂડ (આંટી) ભેરવી, કે છૂટે જ નહિ !

બકોર પટેલ પાછા ગભરાઈ ગયાં.

ગોપાળરાવને કેવી રીતે છૂટા પાડવા એ તેમને સૂઝયું જ નહિ. ગભરાતાં-ગભરાતાં તેઓ ઉભા રહ્યા ! પણ ડો. ઉંટડિયાને આવો અનુભવ અગાઉ ઘણીવાર થઈ ગયેલો. તાવની અસરમાં આવી રીતે ઘણા દરદીઓ એમને વળગી પડતા. એ વખતે ડો. ઉંટડિયા પેલા દરદીને ગલીપચી કરતા. ગલી થાય કે તરત જ દરદીની પકડ ઢીલી પડી જતી.

ડો. ઉંટડિયાએ આજે પણ એ જ યુકિત અજમાવી. ગોપાળરાવને ગલીપચી કરી. તુરત હીહી હીહીહી કરતા ગોપાળરાવ પાછા પથારીમાં પડ્યા ! પછી ડોકટરે ઈશારત કરી એટલે પટેલે ગોપાળરાવનો હાથ પકડી રાખ્યો. પણ એમ કંઈ ગોપાળરાવ ગાંઠે ?

એમણે ખૂબ ધમપછાડા કરવા માંડયા. પટેલની પકડમાંથી પોતાનો હાથ છોડાવી લીધો !

આવા દરદીને ઈન્જેક્ષન અપાય કેવી રીતે ? સોંય આડીઅવળી વાગી જાય તો ?

ડોકટરે બીજી યુકિત કરી. સાથે ઘેનની (ઉંઘની) દવા પણ લાવેલા. એ દવા એક પ્યાલામાં કાઢી. પછી ગોપાળરાવને કહ્યું : “રાવસાહેબ ! આ પવાની દવા છે, પી જશો એટલે તાવ તરત ઉતરી જશે.”

“ના ! તમે પાછા ઈન્જેક્ષન ઘોંચી દ્યો તો !”

“તમારે ઈન્જેક્ષન નથી લેવું ને ? લ્યો, આ આઘું મૂકી દીધું. મારા હાથમાં તો કપ છે, એમાં પીવાની દવા છે.”

હવે ગોપાળરાવને વિશ્વાસ પડ્યો. એ માની ગયા. એમણે હાથમાં કપ લીધો અને ચૂપચાપ ઘેનની દવા પી ગયા.

થોડીવારમાં ગોપાળરાવને ઘેન ચડયું ને એ ઉંઘી ગયા. એ વખતે ડોકટરે ઈન્જેક્ષન ઘોંચી લીધું. પછી વિદાય થયા.

આમ બે દિવસ નીકળી ગયા. ડોકટર રોજ આવે અને ગોપાળરાવને તપાસે, દવા પાઈ જાય.

થોડા દિવસમાં ગોપાળરાવને સારું થવા લાગ્યું. તેઓ હરતાફરતા થયા.

બકોર પટેલને એમ થયું કે હવે ગોપાળરાવ પોતાને ગામ જતા રહે તો સારું. પરંતુ, એમને જવાનું કહેવાય શી રીતે ? પટેલની જીભ જ ઉપડી નહિ, એટલે એમણે વાઘજીભાઈ મારફતે વાત છેડી.

વાઘજીભાઈ આવ્યા. એમણે ગોપાળરાવને કહ્યું : “કેમ રાવસાહેબ, હવે તબિયત સારી થઈ ગઈ ને ?”

“હા, જરા સારું છે.”

“તો હવે ઘેર પહોંચી જાઓ તો ઠીક. ઘેર આરામ બરાબર મળશે અને ટ્રીટમેન્ટ (સારવાર) પણ સારી થશે.”

“બરાબર છે. ત્રણ-ચાર દિવસમાં હું પાછો ફરવા ધારું છું.”

આખરે ગોપાળરાવ ગામ જવા તૈયાર થયા.

બકોર પટેલે કહ્યું : “હું તમને મૂકવા છેક તમારે ગામ આવું છું.”

પટેલ મૂકવા આવે તો એમના ટ્રેનભાડાના પૈસા ગોપાળરાવને કાઢવા પડે, એટલે એ તુરત બોલી ઉઠ્યા : “ના ! ના ! ના ! તમારે આવવાની જરૂર નથી. હવે મને તદન સારું છે.”

બકોર પટેલ એમને મૂકવા સ્ટેશને ગયા. પટેલ સલાહ આપી. “રાવસાહેબ ! ફસ્ટ કલાસની ટિકિટ કઢાવો. નિરાંતે સૂતાં-સૂતાં જવાય.”

પણ ગોપાળરાવ ભારે ચિંગૂસ (કંજૂસ) ! એ વળી ફસ્ટ કલાસની ટિકિટના પૈસા ખરચે ?

એમણે જવાબ આપ્યો : “એવી કંઈ જરૂર નથી. મને તો સેકન્ડ કલાસમાં બહું ગમે છે ? ફસ્ટ કલાસમાં તો સમય પણ ન જાય.”

ગોપાળરાવ ટિકિટ લેવા જતા હતા, પણ એ પહેલાં એમને ઠંડું પીણું પીવાનું મન થયું.

સ્ટેશન ઉપર ઠંડા પીણાંનો સ્ટોલ હતો, ત્યાં ઉભા રહી ગોપાળરાવે ઠંડા પીાની બે બોટલ લીધી.

બન્ને જણ ઠંડુ પીણુ પીતા ઉભા હતા.

પણ ગોપાળરાવ ઠંડું પીણું પી રહ્યા કે તુરત છાતીએ હાથ ફેરવવા માંડયો. એમને ચક્કર આવવા માંડ્યા. એમણે બકોર પટેલનો હાથ પકડી લીધો.

બકોર પટલ ગભરાઈ ગયા.

એમણે પૂછ્યું : “શું થાય છે તમને ?”

“મને ગભરામણ થાય છે ! ઓહ ! ઓહ ! મારાથી મુસાફરી થઈ શકશે નહિ ! ઓ બાપ રે ! ઉંહ ! આહ ! ઓહ !” બકોર પટેલ ખૂબ મૂઝાઈ ગયા. તુરત ટેકસી બોલાવી. ગોપાળરાવને ટેકસીમાં બેસાડી બંગલે પાછા લાવ્યા.

શકરી પટલાણી બાલ્કનીમાં ઉભાં હતાં, એમણે ટેકસી જોઈ એટલે સમજયા કે પટેલ સ્ટેશનેથી પાછા આવ્યા. પરંતુ, એમણે ગોપાળરાવને પણ ઉતરતા જોયા, ત્યારે આશ્ચર્યમાં ડૂબી ગયાં !

ગોપાળરાવનો હાથ પકડીને બકોર પટેલ એમને બંગલાની અંદર લાવ્યા. એમણે શકરી પટલાણીને કહ્યું : “ત્યાં સ્ટેશન ઉપર જ એમની તબિયત પાછી બગડી. તેથી જવાનું માંડી વાળ્યું છે !”

ગોપાળરાવ પાછા પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા.

બકોર પટેલ વાત કરવા માટે બંગલાની બાલ્કનીમાં આવીને ઉભા.

એવામાં આઘેથી વાલજીભાઈ વકીલ આવતા દેખાયા. બકોર પટેલ વાઘજીભાઈનો સ્વભાવ જાણે. ભારે રમુજી. આવું કોઈ આવીને જાય, ત્યારે એ જાતજાતની મજાકો કરે. આવતાંની સાથે મજાકો કરીને બધાંને હસાવે.

વાઘજીભાઈ માને કે ગોપાળરાવ વિદાય થઈ ગયા છે, ને તેથી એમને વિશે કંઈ બોલતાં-બોલતાં એ આવશે તો ભાંગરો વટાઈ જશે. (ગરબડ થઈ જશે), એવી બીક પટેલને લાગી. એટલે વાઘજીભાઈને આવતા જોયા કે બન્ને હાથ ઉંચા કરીને ઈશારત કરવા માંડયા.

શકરી પટલાણી કંઈ સમજયાં નહિ. એમને ભારે નવાઈ લાગી.

“આ શું કરો છો ?”

“કંઈ નહિ ! તું જોયા કર !”

વાઘજીભાઈ પટેલ સામે જુએ નહિ ! એ તો સીધેસીધા ચાલ્યા જ આવે ! તેથી પટેલ બન્ને હાથ જોરથી હલાવ્યા જ કરે !

દરમિયાન વાઘજીભાઈ નજીક આવી પહોંચ્યા. એમણે મોટેથી પૂછયું : “કેમ પટેલસાહેબ ! પેલી બલા.......”

અચાનક એમની નજર ઉંચી થઈ. પટેલ હાથ ઉંચાનીચા કરી ઈશારત કરતા હતા, તેથી વાઘજીભાઈ ચૂપ થઈ ગયા. નજીક આવ્યા એટલે પટેલે ધીમે સાદે કહ્યું : “એ તો એ .... પાછા આવ્યા !”

વાઘજીભાઈ આશ્ચર્યથી પુછયું : “કેમ ?”

“સ્ટેશન પર ફરી માંદા પડી ગયા !”

વાઘજીભાઈ બંગલાની અંદર આવ્યા. બધી હકીકત સાંભળી. છેવટે એમણે સલાહ આપી :

“પટેલસાહેબ ! ગોપાળરાવના દીકરાને ફોન કરો ને ! એને ખબર આપો. એ અહીં આવીને તેડી જાય, તો તમારે માથેથી ભાર ઓછો થઈ જાય.”

પટેલને સલાહ ગમી ગઈ. બોલ્યા : “આ સલાહ ઉત્તમ છે. હવે બે દિવસ જોઉં. ગોપાળરાવને કેમ રહે છે ! એ જોયા પછી વાત.”

બે દિવસ વીતી ગયા.

ગોપાળરાની તબિયતમાં કંઈ સુધારો થયો નહિ. ડો. ઉંટડિયાએ પણ ગંભીર મોં કરી સલાહ આપી. : “પટેલસાહેબ ! તમે ગોપાળરાવના સગાંવહાલાંને ફોન કરો. કોઈ એમને અહીંથી પોતાને ગામ લઈ જાય તો સારું. આ બધી વેઠ તમે કયાં સુધી કરશો ? ગોપાળરાવની તબિયત એકદમ વધારે બગડશે તો ?”

એ રાત્રે પાછા વાઘજીભાઈ આવ્યા. શકરી પટલાણી, બકોર પટેલ અને વાઘજીભાઈની સભા મળી. હવે શું કરવું એની વિચારણા ચાલી.

પટેલ બોલ્યા : “કાલે સવારે જ હું ગોપાળરાવના દીકરાને ફોન કરીને બોલાવું.”

થોડીવાર વિચાર કરી વાઘજીભાઈએ કહ્યું : “જોજો એવું કરતા પટેલસાહેબ ! ફોન કરશો તો એ લોકો બધાં ગભરાઈ જશે ! પછી તો એમનાં પત્ની, એમનાં ઘરડાં બા, એમનો દીકરો વગેરે આખી ફોજ અહીં આવી પહોંચશે!”

“બાપ રે !” શકરી પટલાણી બોલી ઉઠયા : “દિવાળી તો આવી પહોંચી. દિવાળીના દિવસોમાં આ બધી પલટન (ટુકડી) આવી પહોંચે અને બંગલામાં માંદાની પથારી ચાલુ રહે તે કેવું લાગે !”

પટેલ પણ વિચારમાં પડી ગયા. વાત તો સાચી હતી, પણ હવે બીજો ઉપાય ન હતો.

વાઘજીભાઈએ ઈલાજ બતાવ્યો : “તમે એમ કરો. કાલે ફોન કરો ત્યારે કશું ચિંતા જેવું નથી એ તમે ખાસ કહેજો ને કહેજો આમ તો હવે સારું છે. પણ જાતે આવો અને એમને લઈ જાઓ તો સારું.”

“બરાબર, એ રસ્તો જ વાજબી છે.” પટેલે કહ્યું.

બીજે દિવસે સવારમાં જ પટેલે ગોપાળરાવના દીકરા ધેનુશંકરને ફોન કર્યો.

ધેનુશંકર એકદમ ગભરાઈ ગયો. પટેલે ભાર દઈને જણાવ્યું : “ધેનુભાઈ, ગભરાવા જેવું કંઈ નથી. જરાય ફિકર કરશો નહિ. ને તમે એકલા જ આવજો, બધાંને દોડાદોડ કરાવશો નહિ.”

“વારુ,” કહીને ધેનુએ ફોન મૂકયો. પટેલના ફોનને કારણે ગોપાળરાવનાં ઘરનાં બધાં ખૂબ ગભરાઈ ગયાં. દાદીમા કહે : “હું આવું !” ધેનુનાં બા કહે : “હું પણ આવું !”

કોને હા કહેવી અને કોેને ના કહેવી !

આખરે ધેનુએ બધાંને સાથે લીધાં. થોડાંક કપડાં લઈને બધાં ટ્રેનમાં બેસી ગયાં. પૂરો સામાન લેવા પણ રહ્યા નહિ ! બધું લશ્કર ટ્રેનમાંથી ઉતરીને પટેલને બંગલે આવી પહોંચ્યું.

ધેનુ આગળ આવ્યો : “કયાં છે મારા બાપુજી ?”

એના મોં પર ગુસ્સો હતો ! બકોર પટેલ બધાંને ગોપાળરાવના રૂમમાં લઈ ગયા.

ઘરડાં માજી મોટેથી બરાડા પાડવા માંડયાં : “હાય હાય ! છોકરાની તબિયત આટલી બધી બગડી ગઈ, પણ કોઈને પહેલાં ફોન કરવાનું ન સૂઝયું ! તમેય શું બકોરભાઈ ! આટલા બધાં ચિંગૂસ કેમ થઈ ગયા ? ફોન કરવાના પૈસા ભારે પડયા ?”

ગોપાળરાવનાં પત્ની બોલ્યાં : “આ તો મુંબઈગરા કહેવાય ! બહારથી મીઠું-મીઠું બોલે ! જોયું ને, શરીર કેવું થઈ ગયું છે ! તાવ તો કેટલાય દિવસથી આવતો હશે, પણ આપણને ખબર આપવાનું એમને કયાંથી સૂઝે ?”

ધેનુ તો એકદમ ગોપાળરાવ પાસે દોડી ગયો. એણે મોટેથી બૂમ પાડી : “બાપુજી ! બાપુજી પછી મોેથી રડવા માંડયું ! એને જોઈને ગોપાળરાવનાં પત્ની અને માજી પણ રડવા લાગ્યાં. માંદા માણસ પાસે ત્રણ જણે રડારોળ કરી મૂકી !”

બકોર પટેલ બિચારા શિવાવિયા (ઢીલા) થઈ ગયા. શકરી પટલાણી પણ ઢીલા થઈ જઈને એક બાજુ ઉભા રહ્યા. એમને થયું : ‘દિવાળીના દિવસોમાં આ તે કેવી ધમાલ આવી પડી ! આટલી ઉઠવેઠ (સેવાચાકરી) કરી તોય ઉપરથી અમારો જ વાંક !’

રડારોળનો અવાજ છેક વાઘજીભાઈને કાને પહોંચ્યો. વાઘજીભાઈ તૈયાર થઈને આવી પહોંચ્યા.

એમણે બધી હકીકત જાણી લીધી. પટેલની ગભરામણ જોઈને એમને સહેજ હસવું પણ આવી ગયું.

એમણે ધેનુને પાસે બોલાવ્યો અને બધાં સાંભળે એમ એ ધમકાવવા માંડયા : “મિસ્ટર ધેનુભાઈ ! આ શું માંડયું છે ? આ તે કંઈ તમારી રીત છે ? માંદી વ્યકિત પાસે રડારોળ કરતાં તમને કંઈ વિચાર પણ આવતો નથી ? એમને એવું તે શું થઈ ગયું છે ? પહેલાં કરતાં તો ઘણું જ સારું છે. આ બિચારાંઓએ એમની સારવાર કરી, ડોકટરોની પાછળ ધૂમ પૈસા ખરચી નાખ્યા અને તમને કંઈ કદર નથી ! તમે તો જશને માથે જૂતિયાં મારો એવા છો !” વાઘજીભાઈનું કહેવું સાંભળી બધાં ચૂપ થઈ ગયાં.

એ રાત્રે ધેનુએ જવાનું નક્કી કર્યું.

સમય થતાં બકોર પટેલે વાઘજીભાઈને કાનમાં કહ્યું : “વાઘજીભાઈ, સ્ટેશન મારી સાથે આવશો ? આ લોકો સ્ટેશને પાછા કંઈ નાટક કરશે તો ? એ કરતાં તો હું સ્ટેશને જ ન જાઉં તો ?”

“ના, ના. એવું ન કરાય, એ માંદાં છે એટલે તમારે સ્ટેશને તો જવું જોઈએ. હું પણ આવીશ.”

હવે પટેલને હિંમત આવી. તેઓ તથા વાઘજીભાઈ સ્ટેશને ગયા. ગોપાળરાવને તેમના કુટુંબ સાથે ગાડીમાં બેસાડયા. સમય જતાં ટ્રેન ઉપડી, ત્યારે જ બકોર પટેલના જીવને શાન્તિ થઈ.

ગાડી ઉપડતાં ગોપાળરાવે પટેલ સામે હાથ હલાવી કહ્યું : “આવજો !”

પટેલે સામો હાથ હલાવ્યો અને પછી સાવ ધીમેથી બોલ્યા ઃ “ના”વજો !

ભોળીયો રાજા

બકોર પટેલ ને જમવાનાં આમંત્રણ હમણા-હમણાંનાં બહું આવે.આમંત્રણ આપનાર જોડે ખાસ સંબંધ હોય, એટલે જમવા જવું પણ પડે.

એકદિવસ એમણે શકરી પટલાણીને કહ્યું : “આ આપણે ઘણાં જણને ત્યાં જમી આવીએ છીએ, છતાં આપણે એમને જમવા તેડીએ તેવો કોઈ પ્રસંગ ઉભો થતો નથી !”

શકરી પટલાણીએ હસીને જવાબ આપ્યો : “તેમને જેવો વિચાર આવ્યો, તેવો વિચાર મને પણ આવ્યા કરે છે. એટલે આપણે તેવો પ્રસંગ જ ઉભો કરીએ તો ? !”

“કેવી રીતે ? ”

“સત્યનારાયણ ભગવાનની કથા કહેવડાવીને !”

“વાહ ! વાહ ! એનાથી રૂડું શું ? તને ઠીક સૂઝયું. આપણે કથા રાખીએ, એ સાથે-સાથે તે નિમિત્તે બધાંને જમાડી પણ દઈએ, એ સાથે-સાથે તે નિમિત્તે બધાંને જમાડી પણ દઈએ, જેથી કોઈને કહેવાપણું રહે નહિ.”

આમ, કથા કહેવડાવવાનું બધું ગોઠવાઈ ગયું.

કથા માટે બકોર પટેલે એક નાનકડી વાડી ભાડે રાખી લીધી. ટીમુ પંડિતને પણ ખબર આપી દીધી. કથાની સામગ્રી લાવવાનું ટીમુ પંડિતને જ સોંપ્યું.

રસોઈયાનું વાઘજીભાઈએ નક્કી કરી આપ્યું. વાડીમાં એક ખૂણે રસોઈ કરાવવાની હતી. વાડીમાં એક મોટો હોલ હતો. કથા માટે હોલમાં બધાંએ બેસવાનું હતું.

બધે કહેવડાવી દેવાયું.

ટીમુ પંડિતે કથાની ગોઠવણી આબાદ કરી હતી. તેઓ બાજઠ લઈ આવ્યા હતા. એના ઉપર લોટો અને નાળિયેર મૂકી કુંભનું સ્થાપન કર્યું હતું. બાજઠની બન્ને બાજુએ કેળનાં પાનની કમાન કરી હતી. ભગવાનની મૂર્તિ ગોઠવી હતી.

ભગવાનના બાજઠની બાજુમાં પાટલો ગોઠવી, તેઓ કથા વાંચવા બેઠા. સામેના બે પાટલા ઉપર બકોર પટેલ અને શકરી પટલાણી હાથ જોડીને બેઠાં.

સામી બાજુએ જાજમ પાથરી દીધેલી. એની ઉપર કથા સાંભળનારાંઓ બેઠાં.

કથાનો અધ્યાય પૂરો થાય, એટલે ટીમુ પંડિતના ઘાંટામાં જોર આવે. તેઓ મોટેથી બોલે : “ઈતિશ્રી સ્કંદપુરાણે, રેવાખંડે, સત્યનારાયણ વ્રતની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો : ‘શ્રી સત્યનારાયણ દેવ કી જેએએએએએએએએ !’ ”

કથા સાંભળવા બેઠેલાં છોકરાંઓને પણ શૂર ચડતું. તેઓ પણ મોટેથી ઝીલી લેતા : “જેએએએએએએ !”

તેઓ બધાં પરસાદિયાં ભગત હતાં. જેમજેમ અધ્યાય પૂરો થાય, તેમતેમ એમનામાં સ્ફૂર્તિ વધતી. અધ્યાય કુલ પાંચ. પાંચમો અધ્યાય પૂરો થાય, તે પછી પ્રસાદ વહેંચાય. તેથી બધાં પાંચમા અધ્યાયની રાહ જોતાં બેઠાં હતાં.

આખરે પાંચમો અધ્યાય પૂરો થયો. બધાંએ જે બોલાવી. પછી એક જણ પ્રસાદનો શીરો વહેંચવા નીકળી પડયો.

બકોર પટેલે પ્રસાદ વહેંચવા માટે નવી જ રીતરસમ અજમાવેલ. પ્રસાદી ઘેર લઈ જઈ શકાય, એ માટે એમણે ઘેર લઈ જઈ શકાય, એ માટે એમણે પ્લાસ્ટિકની નાની-નાની કોથળીઓમાં પ્રસાદ ભરી, કોથળીનું મોં બંધ કરી દીધેલું.

કાગળના પડીકામાં તો કપડાં બગડે ને !

પ્રસાદ વહેંચાઈ ગયો. ત્યાર બાદ જેમને જમવાનું નિમંત્રણ નહોતું. તેઓ વીખરાવા માંડયા.

જમણવાર પાછળ બકોર પટેલે ખાસ્સો ખર્ચ કર્યો હતો. શિખંડ, પૂરી, બે ફરસાણ, ત્રણ શાક, કઠોળ વગેરે તૈયાર કર્યા હતા.

વધુમાં, પીરસવાનું કાર્ય એમણે છોકરાંઓને સોંપ્યું. બકોર પટેલે જાતે જ બધી કાળજી લીધી.

એમણે કહ્યું : “જેઓ દોસ્તો ! બધાંને ખૂબ આગ્રહ કરીકરીને પીરસજો. ના પાડે, તોય આગ્રહથી પીરસી દેવું. આપણું ખરાબ દેખાવું ન જોઈએ. દરેકના ભાણામાં પીરસ્યા પછી જ ત્યાંથી આગળ ખસવું.”

એક છોકરો આગળ આવીને બોલ્યો : “અંકલ ! મને શિખંડ ફાવશે. હું શિખંડ પીરસું ? ”

“ભલે, તું શિખંડ પીરસ. અને ગજુ, તું પૂરીઓની છાબડી લે. અલ્યા ! તમે બસ જણ ફરસાણ લ્યો. જેને જે પીરસવવાનું ફાવે એ પ્રમાણે સમજીને વહેંચણી કરી લ્યો !”

છોકરાઓ બધા ચપોચપ છાબડીઓ ઉપાડવા લાગ્યા.

પીરસવાનું શરૂ થઈ ગયું.

એટલામાં દૂર ઉભેલો અશુ બકોર પટેલની પાસે આવ્યો.

“કાકા ! હું રહી ગયો. મને કંઈ પીરસવાનું આપો.”

બકોર પટેલને ઓળખાણ ન પડી.

એમણે પુછયું : “તું કોણ , ભાઈ ?” તારી ઓળખાણ મને ન પડી.

“હું અશુ-અશ્વિન, હયશંકરનો દીકરો. હું ગઈ કાલે જ મારા મોસાળેથી આવ્યો.”

બકોર પટેલને થયું કે આને પણ કોઈ વાનગી પીરસવા આપવી જોઈએ. પણ તેને શું આપવું ? એક જ વાનગી બે જણ પીરસતા હોય, તો કદાચ બેવડાઈ જાય. આખરે એમની નજર પાીણના જગ ઉપર પડી. એમણે કહ્યું : “અશુ, તું બધાંને પાણી પીરસ.”

“ભલે કાકા.” કહી અશ્વિને પાણીનો જગ ઉપાડયો.

અશુએ જગ ઠંડા પાણીથી ભર્યો. પછી એણે બધાંનાં ભાણાં પાસે મૂકેલા પ્યાલા એક પછી એક ભરવા માંડયા.

બકોર પટેલે પીરસનારાઓને જે સૂચના આપેલી, તે એને બરાબર યાદ હતી. “જે પીરસો, તે આગ્રહ કરીને પીરસજો.”

એટલે પંગતમાં તેણે બધાંના પ્યાલા ભરી દીધા. પછી પાછો ફરીથી પંગતમાં ઉપડયો.

બાંકુભાઈ આગળ આવીને અટકયો. પછી તેના પ્યાલા તરફ જનર નાખીને તે બોલ્યો : “અરે કાકા ! હજી તમે પાણી નથી પીધું ? જલદી જલદી પી જાઓ, એટલે ફરીથી ભરી આપું.”

બાંકુભાઈ તો આ ધડાકાથી ડઘાઈ જ ગયા ! એમણે ગ્લાસ ઉંચકીને થોડું પાણી પીધું. અશુએ ગ્લાસ ભરી આપ્યો. પછી ખસીને વાઘજીભાઈ આગળ ગયો.

“વાઘજીભાઈ, બાંકુકાકાએ પાણી પીધું, પણ તમે તો ગ્લાસ ભરેલો જ રહેવા દીધો છે ! ચાલો પી જાઓ, એટલે ભરી આપું !”

અશુ બોલ્યો.

વાઘજીભાઈ વિચારમાં પડી ગયા : આ શું ? બકોર પટેલ ઓછું જમાડવાનો પેંતરો કરી રહ્યા લાગે છે ! જમતાં પહેલાં જ પાણી પિવડાવે છે કે જેથી ઓછું જમાય !

ગુપચૂપ એમણે ગ્લાસ ઉંચકયો ને ખાલી કર્યો.

અશુભાઈ તો વાઘજીભાઈનો ખાલી ગ્લાસ ભરીને પછી ડો. ઉંટડિયા આગળ ગયા.

“ડોકટરકાકા, તમે ગ્લાસ ખાલી કરો !”

“હું જમતાં-જમતાં પાણી નથી પીતો. તને ખબર નથી કે બરાબર અડધું ભોજન કર્યા બાદ જ પાણી પીવું જોઈએ અને જમી રહ્યા બાદ એક કલાક પછી જ પાણી પીવું જોઈએ.” ડો. ઉંટડિયા બોલ્યા.

“તે કાકા, હું કયાં ડોકટર છું કે મને ખબર હોય !” અશુ બોલ્યો, “હવે કોઈક દિવસ જમતાં-જમતાં પાણી પીઓ એમાં કાંઈ ન થાય. ને થાક તો કાકા, તમારે કયાં દવાના પૈસા ખર્ચવાના છે ? ઘરમાં જ દવાના બાટલા છે ને ! ગ્લાસ ખાલી કરો, એટલે તરત ભરી દઉં. મજાનું ઠંડું પાણી છે.”

ડો. ઉંટડિયાને થયું કે આ તો લપ વળગી. એટલે એ બિચારા ગ્લાસ ઉંચકીને પી ગયા.

અશુભાઈ ગ્લાસ ભરીને આગળ ચાલ્યા.

ડો. ઉંટડિયાએ બાંકુભાઈ સામે જોયું, બાંકુભાઈએ પણ પોતે અશુની વર્તણુક ન સમજયા હોવાનું ઈશારાથી જણાવ્યું. વાઘજીભાઈએ પણ મૂંગા-મૂગાં જોયા જ કર્યું.

અશુ હવે પહોંચી ગયો હાથીશંકર પાસે.

“હાથીકાકા, તમને તો આટલા નાના ગ્લાસ પાણીથી થોડું ચાલવાનું છે ? હું હમણાં આ જગ ભરીને આવ્યો.”

“અરે ભાઈ, કંઈ જરૂર નથી” હાથીશંકર બોલ્યા, “મને હજી જમવા તો દે.”

પણ અશુ જેનું નામ ! બકોરકાકાની આજ્ઞા શિરોમાન્ય ! આગ્રહ કરીને પીરસવાનું એટલે પીરસવાનું ! જઈને ઠંડા પાણીથી જગ ભરીને આવ્યો.

“હાથીકાકા, જુઓ ! આખો જગ ભરીને લાવ્યો છું. ચાલો, પવા માંડો.”

“એલા, મારે પાણી નથી પીવું.”

“કાકા, એમ કંઈ ચાલે ? મારું માન ન રાખો તે તો ન ચાલે ! તમારે આટલો જગ ભરીને પાણી તો પીવું જ પડશે. મારા સોગન જો તમે ન પીઓ તો !”

હાથીશંકરને થયું કે આ છોકરો પણ કમાલ છે !

કશાનો નહિ ને પાણીનો આગ્રહ !

ગાડરભાઈ હાથીશંકરની બાજુમાં બેઠેલા. એમને કંઈક સમજાયું, કંઈક ન સમજાયું.

હાથીશંકરને જગ ભરીને પાણી પાયા પછી અશુ સસમલશેઠ પાસે ગયો. શેઠની ફાંદ ખાસ્સી મોટી ! અશુ કહે : “શેઠ, એકવાર તમે તો મને તમારે ત્યાં આવવાની ના કહી છે, પણ હું કંઈ તમારા જેવો નથી. હું કંઈ તમને મારે ત્યાં આવવાની ના નથી કહેવાનો. અને આજે તો તમને બરાબર આગ્રહ કરીને પાણી પાવાનો !”

સસમલશેઠ તો આ ઓચિંતા ધડાકાથી ડઘાઈ જ ગયા !

“ચાલો, સસમલકાકા !” અશુ બોલ્યો, “તમે ગ્લાસ ઊંચકીને પાણી પીવા માંડો. આજે આપણે પણ જોઈએ કે કોણ થાકે છે ! તમારા મોટા પેટમાં કેટલા જગ પાણી માય છે, તે આપણે જોઈ લઈએ.”

પાછી ફાંદની વાત !

મોટા પેટવાળા કોઈ પણ માણસના પેટની મશ્કરી કરો, એટલે તેને હાડોહાડ લાગી જાય ! અશુ હજી શિખંડ કે ફરસાણ પીરસવા નીકળ્યો હોત, તો જુદી વાત હતી. આ તો પાણીનો આગ્રહ ને ફાંદની મશ્કરી !

સસમલશેઠને તો ધરતી મારગ આપે, તો સમાઈ જવાનું મન થયું. જમવા બેઠેલા એટલે ભર્યે ભાણે, અન્નદેવતાને તરછોડીને ઉઠાય પણ કેમ ?

અશુએ સસમલશેઠને કહ્યું કે, તમે મને ઘેર આવવાની ના પાડી, તે સાંભળી બાજુમાં જમવા બેઠેલા ગટોરભાઈને આશ્ચર્ય થયું.

એમણે સસમલ શેઠને પૂછયું : “હેં શેઠ ! આ સાચી વાત ?”

સસમલ શેઠ કહે : “જવા દો ને ! કંઈ કહેવા જેવું નથી.”

“ના ! ના ! તોય ! મને તો કહો. હું ખાનગી રાખીશ.”

પછી સસમલશેઠે કહેવા માંડયું : “એનું રામાયણ કેટલું ઉકેલું ! એના પપ્પા સાથે મારે વેપારી સંબંધ છે. એમને એક બૂરી ટેવ. જેટલો માલ મંગાવ્યો હોય, એના કરતાં વધારે જ ધકેલી દે ! ઓર્ડર કરતાં વધારે !”

“વાહવાહ ! આ તો વધારે માલ પધરાવવાની તરકીબ !”

“હા, વેપારીને જોકે વેચાણ ચાલ્યાં કરતું હોય, તેથી પેલો વધારાનો માલ પણ વેચાઈ જાય. મહિને દિવસે બિલનાં નાણાં લેવા જાય, ત્યારે વેપારી વધારે માલ ધકેલવા બદલ થોડો ઠપકો આપે, પણ તે સાંભળી લે !”

“પછી ?”

“પછી પાછા એ રામ એના એ ! જોકે દર વખતે એના પપ્પા બિલ લેવા આવતા. પણ એકવાર અશ્વિનને મોકલ્યો.”

“તમારે એને બરાબરનો ખખડાવી નાખવો હતો ને !”

“અરે ભાઈ ! એ જ મોંકાણ છે ને ! આવ્યો, ત્યારે ધંધામાં ભંયકર મંદી, નાણાંભીડ પણ સખત ! એ તાકડે એ ઉઘરાણીએ આવ્યો.”

મેં તેને ઉઘડો લીધો : “મિસ્ટર ! ટપકી પડયા ઉઘરાણી કરવા ! પણ ઓર્ડર કરતાં વધારે માલ શા માટે મોકલ્યો છે ? બધો એકદમ ખપે નહિ. અમારે કયાં ભરી રાખવો ?”

“એ છોકરાની બુધ્ધીએ પોત પ્રકાશ્યું. તેણે મને શું જવાબ આપ્યો, તે સાંભળવા જેવો છે. એ મને કહે : ‘શેઠ ! થોડો માલ વધારે મોકલ્યો, તેમાં ચિડાઈ શું ગયા ! આ તમારું આવું મોટું પેટ છે તેમાં એટલો માલ કયાંય સમાઈ જશે ! તમારી દુંદ (ફાંદ) કયાં ઓછી છે ? જુઓ તો ખરા !”

“આ સાંભળીને હું તો ડઘાઈ જ ગયો. મને થયું કે એના પપ્પાએ એને કંઈ રીતભાત શિખવાડી છે કે નહિ ! પછી ખબર પડી કે એ તો મોસાળમાં રહે છે. ”

“તે દિવસે મેં એને મારી પેઢી ઉપરથી કાઢી મૂકયો. સાથે ચેતવણી આપી કે તારે તો કોઈ દિવસ મારે ત્યાં પગ મૂકવો નહિ ! જા, તારા પપ્પાને મોકલજે.”

“ખરો છે એ અશુ ! ભોળિયારામેય ખરો અને બુધ્ધિનો બેલેય ખરો !”

પછી અશુ સ્ત્રીઓની પંગત તરફ ગયો. ત્યાં પણ આગ્રહ કરીને માતંગીબહેન, ગજરાબહેન, વીજકોરબહેન- બધાંને પાણી પિવડાવી આવ્યો.

પાછું એણે બાંકુભાઈથી શરૂ કર્યું. બાંકુભાઈ અકળાઈ ગયા.

કશાનો નહિ ને પાણીનો આગ્રહ ! એમનું મગજ છટકયું !

એટલામાં બકોર પટેલ પંગતમાં આવતા દેખાયા. એ બધાંને પૂછવા આવતા હતા કે રસોઈ કેવી છે ? મસાલા બરાબર છે ને ?

જેવા બકોર પટેલ આગળ આવ્યા કે વાઘજીભાઈ ગરજયા : “અરે પટેલશેઠ, તમારે જમાડવાની ઈચ્છા ન હોય તો આવાં ધતિંગ ન કરીએ ! અમે કંઈ જમ્યા વગર રહી નહોતા જતા. જમવા બોલાવો છો ને પછી જમી ન શકીએ એવા પેંતરા કરો છો ? મન ખબર હોત, તો હું ભાણે બેસત જ નહિ !”

આ ધડાકાથી બકોર પટેલ ડઘાઈ જ ગયા ! એમને તો માથા પર આભ તૂટી પડવા જેવું થયું.

એ તો હાથ જોડી બોલ્યા : “અરે, વાઘજીભાઈ ! ઠંડા પડો, મારો કંઈ વાંક - ગુનો હોય તો બતાવો.”

“બધાંને જમવા બોલાવો, ત્યારે પૂરતું રંધાવવું જોઈઅ. કંજૂસાઈ કરીને ઓછું રંધાવો ને પછી બધાંને પાણી પીવાનો આગ્રહ કરાવો, જેથી ઓછું જમાય ! આ તે કંઈ રીત છે ?”

હજી બકોર પટેલના ભેજામાં કંઈ ન ઊતર્યું.

એટલામાં અશુ દોડતો-દોડતો જગ ભરીને આવ્યો. ગરમાગરમી જોઈને એ બોલ્યો : “વાઘજીકાકા, ઠંડા પડો ! લો, આ ઠંડું પાણી પીઓ.”

બાંકુભાઈનો પિત્તો ઓર ઊછળ્યો. એ બોલ્યા : “લો, આ તમારા પાણીના જગવાળા આવ્યા. બધાંને આગ્રહ કરીને એટલું બધું પાણી પાય છે કે જેથી જમી જ ન શકાય. અમને આવી ખબર હોત તો આ વાડીમાં પગ જ ન મૂકત.”

બકોર પટેલે અશુ સામે જોયું. એને તતડાવ્યો : “કેમ રે અશુ, મેં તને કયારે કહ્યું હતું કે બધાંને પાણીનો આગ્રહ કરજે ? બેવકૂફ છે ? પાણીનો તે આગ્રહ કરાતો હશે ? ”

“પણ કાકા, તમે જ તો કહ્યું હતું કે તમને જે પીરસવાનું મળે, તે બધાંને આગ્રહ કરીકરીને પીરસજો, મારે ભાગે પાણી આવ્યું, તો મેં એનો આગ્રહ કરીને બધાંને પાયું ! તમે કહ્યું તેનું મેં બરાબર પાલન કર્યું છે ! ડોકટર કાકા, વાઘજીકાકા - બધાંને પૂછી જુઓ. મેં આગ્રહ કર્યો હતો કે નહિ ?”

અશુનો ખુલાસો સાંભળી બધા હસી પડયાં.

એટલામાં અશુના પપ્પા ત્યાં આવી પહોંચ્યા. અશુના પરાક્રમની વાત એમને કાને પહોંચી ગઈ હતી.

એમણે ખુલાસો કર્યો : “ શું કરું, પટેલસાહેબ ! અશુ મોસાળમાં ઊછર્યો અને આવો છેક અક્કલનો ઈસ્કોતરા જેવો ભોળિયો રહ્યો છે ! ગેરસમજ થઈ હોય, તો માફી માગું છું.”

બકોર પટેલનો ગુસ્સો ઠંડો પડી ગયો. તેઓ બોલી ઊઠયા : “ભલે, અશુ તો સાવ જ ભોળિયારાજા છે ! એને હવે જમવા જ બેસાડી દો.”

અને બધાંએ હસતાં-હસતાં જમવાનું આગળ ચલાવ્યું !

ભુલભુલામણી !

એક દિવસ બકોર પટેલે ઘરમાં કામ કાઢયું. બારીઓના પડદા બનાવવાના હતા. ખુરશીઓ ઢીલી થઈ ગઈ હતી, તેને ઠીકઠીક કરાવવાની હતી, અને કબાટનાં મિજાગરાં પણ ઢીલા થઈ ગયાં હતાં, એ પણ પાછાં મજબુત કરાવવાનાં હતાં. આ કામ માટે સુથારને બોલાવવો પડે અને વલી દરજીને પણ પડદા તૈયાર કરવા બોલાવવો પડે. બન્નેના રોજ (એક દિવસની મજુરી) મોંઘાં પડી જાય. એક કામમાં બે કામ થાય તો સારું, એમ વિચાર કરતાં પટેલ બેઠા હતા, ત્યાં શકરી પટલાણી બોલી ઊઠયા : “આપણા પેલા સરફઅલી વહોરાજીને કહેતા જજો ને ! એ બતો બધુંય કરી જશે.”

૫ટેલ તો ખુશ-ખુશ થઈ ગયા. “તેં ઠીક યાદ કર્યું. સરફઅલી વહોરાજી ઠીક છે.”

સરફઅલી વહોરાજી પણ એવા જ હતા. સબ બંદર કે વેપારી ! પિપરમિન્ટ પણ વેચે અને ભાંગતૂટનું રિપેરીંગ કામ પણ કરે ! પતરાંનું કામ પણ કરે અને તરકસબની ફેરી પણ ફરે. પટેલ તો ઓફિસે જતાં-જતાં પહોંચ્યા વહોરાજીની દુકાને. વહોરાજી પણ બડા ચાલાક હતા. બકોર પટેલ કંઈ અમસ્તા જ દુકાને આવે નહિ. એમણે તો ઊઠીને પટેલને આવકાર આપ્યો :

“આવો, આવો, સેથિયા ! બહુ દારે ભૂલા પરા !”

પટેલે તો ઊભાં-ઊભાં જ વાત કરવા માંડી : “કાલે ઘેર આવજો ને, વહોરાજી, થોડુંક કામ કાઢયું છે.”

વહોરાજી તો મનમાં રાજી થઈ ગયા. એમણે પટેલને કહ્યું : “સું કામ કહારું, સેથ ? હું ને કહેટા જાઓ ટો સું ઓજારો લાવવા ટે માલમ પરે ને !”

પટેલે જરા ખોંખારો ખાઈને જવાબ આપ્યો : “એક તો જાણે કે બારીઓને પડદા કરવાના છે. પછી ખુરશીઓ બધી હાલી ગઈ છે, તેને ઠીક કરવાની છે અને કબાટ વગેરેના મિજાગરાં ઢીલાં થઈ ગયાં છે, એ મજબૂત કરવાનાં છે.”

વહોરાજીએ બધું પોતાના મગજમાં યાદ રાખી લીધું અને બોલ્યા : “વારું, સેથ, આપ હવે પઢારો, સાંજના મેં ઘર બાજુ સી નીકલીસ તો સું-સું માલ લાવવો પરસે, એની યાદી સેથાનીને આપતો જઈસ.”

“ઠીક,” કહીને પટેલ ઓફિસે જવા ઊપડયા.

એ દિવસે સાંજે પટેલ ઘેર આવ્યા, ત્યારે શકરી પટલાણીએ એમના હાથમાં એક કાગળિયું મુકયું અને કહ્યું : “લ્યો આ કાગળિયું પેલા વહોરાજીનો છોકરો આપી ગયો છે, પણ શું લખ્યું છે, તે જ ઊકલતું નથી ! એને કાગળ પણ કેવો મળ્યો છે ! જાણે ચીંદરડી (ચીંથરું) જ જોઈ લ્યો !”

પટેલ કાગળ લઈ હીંચકે બેઠા અને કાગળ વાંચવા માંડયા :

સેથજી સાહેબને માલમ ઠાય કે બેખુનીઆવાટામાતે મેન વાલા દોરા નવેક વાર નાન કલાકે એક દરજણ બોલાવી રાખજો.

બકોર પટેલ તો ફરી-ફરી કાગળ વાંચે અને માથું ખંજવાળે, પણ કંઈ સમજાય નહીં. શકરી પટલાણી પણ હસાવા માંડયાં. એમણે પટેલને કહ્યું : “તમારાથી પણ આટલો કાગળ ન બેસાડાય, ત્યારે થઈ રહ્યું ! અમારામાં ને તમારામાં ફેર શો ?”

પટેલ ઊંચા નીચા થઈ ગયા. એમણે કાગળ ફરી-ફરીને વાંચ્યો, મનમાં ગોઠવ્યો, કંઈક અર્થ સમજાયો એટલે હરખમાં આવી ગયા. એમણે હસીને પટલાણીને કહેવા માંડયું : “જો ! જો ! કાગળ તો સમજાય એવો છે. પણ ભાષા જરા જુદી છે ! અલ્પવિરામ, પૂર્ણવિરામ તો છે જ નહિ. આવ્યા હતા ને બદલે આવાટા લખ્યું છે, કાનોમાતર લખતાં પણ ભૂલ થઈ ને ! ‘વલી’ ને બદલે ‘વાલા’ લખ્યું છે.”

પટલાણીને ‘વલી’ એટલે શું તે ન સમજાયું. તેમણે પટેલને પુછયું : “એ ‘વલી’ એટલે ?”

પટેલ બોલ્યા : “વલી એના છોકરાનું નામ છે. ‘દોડ્યા’ ને બદલે ‘દોરા’ લખ્યું છે ! જો સાંભળ, આખો કાગળ વાંચી બતાવું :

શેઠસાહેબને માલૂમ થાય કે બે ખૂની આવ્યા હતા, માટે હું અને વલી દોડયા. નાત કલાકે - નાઈન ઓકલોક એક દરજણ બોલાવી રાખજો.

કાગળ સાંભળીને પટલાણી બોલી ઊઠયાં.

“એ નાઈન ઓકલોક વળી શ ? અને ખૂનની વાત આમાં શા માટે લખી છે ?”

વહોરાજીની અક્કલ પર હસતાં-હસતાં પટેલે જવાબ આપ્યો : “પોતાને ખૂનીનો ભેટો થયો હતો, એ પરાક્રમ લખ્યા વિના એમનાથી રહેવાય કે ? અને નાઈન ઓકલોક એટલે નવા વાગે ! આટલું અંગ્રેજી આવડતું હશે તે કંઈ બતાવ્યા વિના રહે ? નહિ તો બધા જાણે કેમ કે વહોરાજીને અંગ્રેજી પણ આવડે છે ! કાલે નવ વાગે એ આવશે, તે પહેલાં એક દરજણને બોલાવી રાખવાનું લખ્યું છે.”

કાગળનો અર્થ સમજી ગયા પછી પટલાણી બોલ્યા : “પણ દરજણને રોજ (મજુરી) આપવો પડશે તે ? આ તો એટલો ને એટલો જ ખર્ચ થશે. એ જાતે પડદા ન સીવી લે ?”

પટેલને પણ આ વાત ખટકી, પણ કરે શું ? એમણે વિચાર કર્યો કે એ દરજણને જે રોજ આપવો પડે, તે વહોરાજી પાસેથી કાપી લેવો. આમ નક્કી કરી એમણે ખુશાલબહેનને કહી રાખ્યું, કે કાલે સવારે નવ વાગ્યે, ગમે તે એક દરજણને બોલાવી રાખવી.

બીજા દિવસનું સવાર થયું. ખુશાલબહેન પચાસ રૂપિયા રોજ નક્કી કરીને એક દરજણને બોલાવી લાવ્યા. પટેલ વહોરાજીની રાહ જોતા જ બેઠા હતા. એટલામાં વહોરાજી પોતાના સરંજામની કોથળી લઈ આવી પહોંચ્યા.

“સાહેબજી સેથ ! મેં બરાબર ટેમસર જ આવો છું ને ?”

પટેલ ઘડિયાળ સામું જોઈ જવાબ આપ્યો : “હા, ચિઠ્ઠીમાં લખ્યું હતું, તે પ્રમાણે બરાબર નવ વાગ્યે જ આવ્યા છો !”

વહોરાજી તો આભા બની ગયા. કોથળી ઉતારી નીચે મૂકતાં તેમણે પૂછયું : “ચિથ્થીમાં હુએ વલી નવ લીખાટા ન કહાં ?”

પટેલ હસીને બોલ્યા : “અરે, વાહ રે ! નવ વાગ્યે આવીશ એમ લખ્યું હતું, તે ભૂલી ગયા ? તમે એક દરજણને બોલાવવાનું લખ્યું હતું, તેને પણ બોલાવી રાખી છે ને ?”

આમ કહી પટેલે દરજણ તરફ આંગળ ચીંધી. વહોરાજી તો ઘડીમાં પટેલ સામું જુએ ને ઘડીમાં દરજણ સામું જુએ. પછી કંઈ સમજ ન પડવાથી એમણે કહ્યું : “સેથ ! એ ચિથ્થી લાઓ જોઉં. હું એવું કહાં લીખું છ !”

પટેલ તરત ચિઠ્ઠી કાઢીને વહોરાજીને વાંચી સંભળાવી. સાંભળીને વહોરાજી તો પેટ પકડીને હસ્યાં જ કરે ! કેમે કર્યું હસવું બંધ રહે જ નહિ ! પટલાણી પણ દોડતાં બહાર આવ્યાં કે આ વહોરાજીને થયું છે શુ ? પટેલ પણ બાઘા જેવા જોયા જ કરે. પેટ પકડીને ખૂબ હસી લીધા પછી વહોરાજી બોલ્યા : “સેથ ! આપની ચિથ્થી ટમે વાંચી છે જ ખોતી રીતસી. જુઓ, સાંભલો, મેં તો તમારી પાસ યાદી કરેન મોકલી છે. બે ખુનિઆ (ખૂણિયા) મંગાવાટા, મેન (મીણ) પાયદા દોરા મંગાવાટા, નવેક વાર નાનકલાકનું કપરું આવે છે, તે મંગાવુંટું અને એક દરજણ (ડઝન) યાને બાર નંગ બો મંગાવાટા. બો સમજયા ને ! પરદાને એક બાજુ લગાવાનાં મીલે છ તે, અને ખૂનિઆ, વાટા જેવા, ખુરશીને જરવા (જડવા) માતે આવે છે તે ! તમે તો વાલ ને બદલે લાલ લઈ આવા, મારા સાહેબ !”

વહોરાજીનો ખુલાસો સાંભળી બકોર પટેલ તો ઠંડા જ થઈ ગયા. તેમણે દરજણને વીસ રૂપિયા આપીને વિદાય કરી અને ખૂણિયા, બો, નાનકલાક વગેરે લાવવા માટે વહોરાજીને પૈસા આપી રવાના કર્યા.

પટેલને દરજણના વીસ રૂપિયા ખટકયા, પણ કરે શું ? પોતે જ ભાષાની ભુલભુલામણીમાં ભેરવાઈ પડયા હતા !

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED