Bakor Patel ni Vaato books and stories free download online pdf in Gujarati

Bakor Patel ni Vaato

બકોર પટેલની

વાતો

લેખક

હરિપ્રસાદ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

•ચોરને પોટલે ધૂળની ધૂળ !

•ફજેતી !

•કાશ્મીરી શાલ

•કાકાનો ભત્રીજો

•ગોખણીયો માલ

•પટેલનું ઘડિયાળ

•પત્રમિત્ર પાડાલાલ !

ચોરને પોટલે ધૂળની ધૂળ !

બકોર પટેલને ત્યાં ગંગારામ કરીને એક ઘરડો નોકર હતો. ગંગારામ ધણાં વરસનો જૂનો નોકર હતો. ૧૫૦ રૂપિયાના પગારથી રહેલો, તે ઠેઠ ૧૫૦૦ રૂપિયા સુધી પહોંચેલો. તે શેઠનો હિસાબ-કિતાબ પણ રાખે. બકોર પટેલ પૈસો સારો કમાયા, એટલે એક દિવસ લાગ જોઈને ગંગારામે વાત ઉપાડી.

ગંગુ કહે : “શેઠ, તમારે ત્યાં નોકરી કરતાં-કરતાં હવે હું ઘરડો થવા આવ્યો. હવે તો કંઈ સારો પગાર કરી આપો.”

બકોર પટેલ આમ તો પાછા બહુ ચતુર. તેમણે તો દાઢી હવલાવી હેંહેંહેંહેં કરતાં જવાબ આપ્યો : “ગંગારામ, તું કંઈ વાંડો થયો છે ! તારા કરતાં ઓછે પગારે નોકરી કરનારા બહુ આવે છે, છતાં હું બધાને ના પાડું છું ! તું મારો જૂનો નોકર. તને મારાથી કાઢી કેમ મુકાય ? ત્યારે તું તો ઊલટો પગાર વધારવાની વાત કરે છે !”

ગંગુ કહે : “પણ શેઠ, આટલું-આટલું કામ કરું, તમે આટલા પૈસા કમાયા, તોપણ મારો પગાર વધારવાનું તમને ભારે પડે છે ?”

બકોર પટેલ જેનું નામ ! એ તો દાઢી પસવારતાં - પસવારતાં કહે : “ગંગુ, તને નોકરીમાં રાખ્યો તે જ બસ છે. પેલો ખીમો નોકરી માટે આવ્યો હતો. તારા કરતાં વધારે ભણેલો. એસ.એસ.સી. પાસ. હોંશિયાર પણ ખરો. કહે કે પાંચ રૂપિયા ઓછા આપજો. પણ મેં ના કહી તેને કાઢીને એને રાખું ? માટે ઉપકાર માન કે તને નોકરીમાંથી કાઢી મૂક્યો નથી. પગાર-વધારાની તો વાત જ ન કરતો. જા, તારે કામે વળગ.”

ગંગુભાઈનું તો મોઢું પડી ગયું. એ તો ગુપચુપ પોતાની જગ્યા ઉપર જઈને બેઠો. કંઈ ચેન પડે નહિ. કામમાં ચિત્ત ચોંટે નહિ. બેઠાં-બેઠાં એને વિચાર આવ્યો :

“આ શેઠ કંઈ માને તેમ લાગતું નથી. એ આટલા બધા પૈસા કમાય છે તેમાં મારી મહેનત પણ ખરીસ્તો ! એમને તો કોઈ રીતે બરાબર સીધા કરવા જોઈએ. મારી મહેનતની કદર ન કરે તો એ જ લાગના છે.”

ગંગુભાઈ આવા વિચાર કર્યા કરે, પણ શું કરવું તે તેમને સૂઝે નહિ. આમ વિચારમાં એક દિવસ સવારમાં પોતે પોતાને ત્યાં આરામખુરશીમાં બેઠાં-બેઠાં દૂધ પીતા હતા. પ્યાલો ખાલી કરીને ત્યાં પડેલું છાપું તેમને ઉપાડ્યું અને ચશ્મા ચઢાવીને વાંચવા માંડ્યું. વાંચતાં-વાંચતાં નીચેના સમાચાર પર તેમની નજર પડી :

બેંકમાં જતાં લૂંટાયેલો નોકર

ગઈ કાલે મુંબઈમાં ધોળેદહાડે લૂંટનો અજબ બનાવ બન્યો હતો. વાત એમ હતી કે કોટ વિસ્તારમાં આવેલી સસમલ નામના શેઠની પેઢીનો નોકર બેંકમાં રૂપિયા ભરવા જતો હતો. ત્યાં ગલીના નાકા આગળ બે ગુંડાઓએ તેને માર મારીને રૂપિયા પડાવી લીધા. ગુંડાઓ નાસી ગયા છે. પોલીસ તપાસ ચાલુ છે.

આ ખબર વાંચીને ગંગુભાઈ તો કૂદ્યા : વાહ ! શી સરસ યુક્તિ છે !

બસ, હવે તો આવી જ તરકીબ અજમાવું. શેઠને પણ બરાબર ખબર પાડું.

તે દિવસથી એ તો આવી તકની રાહ જોયાં કરે. એવામાં તેને તક મળી પણ ગઈ. બકોર પટેલને પચાસ હજાર રૂપિયા મહાલક્ષ્મીમાં એક જણને ત્યાં આપવાના હતા. ગંગુ જ વારંવાર આવી રકમો આપી આવતો. એટલે આ વખતે પણ પટેલે તેને પચાસ હજાર રૂપિયા આપીને મોકલ્યો. ગંગુભાઈએ તો રૂપિયા ભરેલું પાકીઠ ખભે ભેરવ્યું અને સાઈકલ મારી મૂકી.

અડધે જઈને ગંગુ અડક્યો એ સાઈકલ ઉપરથી ઉતરી તેણે જાણીજોઈને સાઈકલ એક ઝાડ સાથે ભટકાવી ! સાઈકલ તો વાંકી વળી જઈને નીચે પડી. સાઈકલને ત્યાં જ પડી રહેવા દઈ ગંગુભાઈ છાનામાના પોતાને ઘેર આવ્યા અને ઘરના માળિયામાં રૂપિયાનું પાકીટ સંતાડી દીધું. ત્યાર પછી સહેજ ધૂળમાં આળોટી પોતાનાં કપડાં મેલાં કર્યા. એક હાથે ખમીસ સહેજ ફાડ્યું. અને પછી રડમસ ચહેરે શેઠ પાસે પાછા જઈ પહોંચ્યા. તેમનો આવો દેખાવ જોઈ બકોર પડેલ સજ્જડ થઈ ગયા, તે બોલ્યા : “ગંગુ ! આ શું ? આમ કેમ પાછો આવ્યો ?”

ગંગુએ તો માથે હાથ દઈ પોક મૂકી : “ઓ બાપરે ! હવે શું થશે રે !”

ગંગુની પોક સાંભળી આડોશીપાડોશી પણ ગભરાઈ ગથયા. બધાં પૂછપરછ કરે. છેવટે ગંગુભાઈએ બનાવટી આંસુ લૂછતાં-લૂછતાં જવાબ આપ્યો : “રસ્તામાં મને ગુંડા મળ્યા. તેમણે મને માર મારીને પાકીટ આંચકી લીધું. સાઈકલ પણ ભાંગી નાખી. મારાં તો હાડકાં ખોખરાં થઈ ગયાં...”

આટલું કહેતાં ગંગુએ પાછી પોક મૂકી.

બહોક પટેલના હોશકોશ ઊડી ગયા. એમણે પણ પોક મૂકી : “ઓ મારા પચાસ હજાર રૂપિયાર રે..એ.. એ...એ!”

છેવટે પાડોશીઓએ તેમને શાન્ત પાડ્યા, અને પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું કહ્યું. આખરે બકોર પટેલ અને ગંગુ પોલીસચોકીમાં ગયા અને ફરિયાદ નોંધાવી પાછા આવ્યા.

દુકાને આવ્યા પછી ગંગુ કહે : “શેઠ, મારાં હાડકાં ખોખરાં થઈ ગયાં છે. આખું શરીર દુખે છે. તમે રજા આપો તો ઘરે જાઉં અને હળદરમીઠું ભરીને જરા શેક કરું.

બકોર પટેલે તેને ઘરે જવાની રજા આપી. ગંગુભાઈ તો મનમાં મલકાતાં-મલકાતાં ઘેર જવા નીકળ્યા. મનમાં વિચાર કરે : “લ્યો લેતા જાવ. સીધી રીતે પગાર વધારતાં ચૂંક આવી! હવે તો બસ લહેર ! હવે નોકરીમાંથી રજા આપે તોં ચિંતા નથી !”

આમ, શેખચલ્લીના વિચાર કરતાં-કરતાં ગંગુભાઈ ઘેર આવીને જુએ તો પોતાના ઘર આગળ મોટું ટોળું જામેલું! ઓત્તારી ! આ શું ? પાસે જઈને જુએ છે તો બે પોલીસોએ એક બંદરભાઈને પકડેલા, અને તેના હાથમાં રૂપિયાનું પેલું પાકીટ ! એ બે પોલીસો ડાઘિયાજી અને કાળિયાજી ગંગુને ઓળખતા હતા. ગંગુ આવ્યો કે તરત ડાઘિયાજી હાથમાંનો દંડૂકો હલાવતા-હલાવતા આવ્યા : “અબે ગંગુ ! તેરે ઘરમેં ચોરી હુઈ થી ! દેખ, હમને યે ચોર કો તેરે પાકીટ કે સાથ પકડા.”

ગંગુભાઈ તો પેલું પાકીટ જોઈને ઠંડા જ થઈ ગયા ! પોતે પાકીટ તો છેક માળિયે સંતાડ્યું હતું અને આ વાંદરાએ કેવી રીતે શોધી કાઢ્યું ! તેમની મૂંઝવણ બંદરભાઈ સમજી ગયા અને હસીને કહેવા લાગ્યા : “કેમ ગંગુકાકા ! શા વિચામાં પડ્યા છો ? મફતના રૂપિયા હજમ કરવા હતા, કેમ ?”

ડાઘિયાજી તો વિચારમાં જ પડી ગયા. તે કહે : “અબે કલંદર ! યે ક્યા બક્તા હે તુમ ?”

કલંદર હાથ જોડી કહેવા લાગ્યો : “સાહબે, પહેલાં એ ગંગુને પકડો, ખરો ચોર તો એ છે.”

ગંગુભાઈએ જાણ્યું કે આ ચોર કંઈ જાણતો હોય એમ લાગે છે. હવે આપણું રહસ્ય છતું થઈ જશે. તેણે તો ધીમેથી સરકવા માંડ્યું. પણ ડાઘિયાજીને કાળિયાજી બડા ચબરાક હતા. તેમણે બન્ને જણે ગંગુને બન્ને બાજુએથી પકડી લોધી. પછી કલંદરને પૂછ્યું : “ખરી વાત શી છે, તેનો ખુલાસો કરી નાખ, નહિ તો તને ફટકારીશું.”

કલંદર કહે : “એ બધું હું કોર્ટમાં કહીશ. પણ બકોર પટેલના જે રૂપિયા લૂંટાઈ ગયાની ફરિયાદ આજે થઈ છે તે જ આ રૂપિયા છે ! ગંગુએ એ રૂપિયા ઘરમાં સંતાડ્યા હતા !”

ફરિયાદ તો થોડી વાર ઉપર જ થઈ હતી. બન્ને પોલીસો તે જાણતા હતા. વળી, પાકીટ પર બકોર પટેલનું નામ પણ હતું, એટલે તેમણે તો ગંગુને પણ હાથકડી પહેરાવવા માંડી.

ગંગુ કાલાવાલા કરવા માંડ્યો : “ડાઘિયાભાઈ, આપણે તો જૂના દોસ્ત. ચાપાણી પણ સાથે પીધેલાં. આ હરામીની વાત જૂઠી છે. મને કેમ પકડો છો ? આપણી ભાઈબંધીનો તો વિચાર કરો.”

ડાઘિયાભાઈએ તો ડોકું હલાવ્યું : “ના ભાઈ, ના આપણાથી ખોટું કામ ના થાય. જે સાચું લાગે તે કરવાનું. પહેલાંમારી ફરજ, પછી આપણી ભાઈબંધી.”

ગંગુ કાળિયા જમાદાર તરફ વળ્યો : “દોસ્ત કાળિયા ! તું તો કંઈ વિચાર કર. આપણી દોસ્તી છેક જ ભૂલી ગયો?”

કાળિયાભાઈએ કાન પટપટાવ્યા. દોસ્ત હોય તેથી શું ? ચોરી કરી હોય તો પછી કંઈ દયા બતાવાય ?

બંને જમાદારોએ ગંગુને અને કલંદર બંદરને હાથકડી પહેરાવી. લોકો બધા ભેગા થઈ ગયા. ત્યાંથી એ સરઘસ પોલીસચોકી ઉપર ગયું. ત્યાંબન્નેના જવાબ લેવાયા અને પછી તેમને જેલમાં પૂરવામાં આવ્યા.

થોડા દિવસ પછી તેમનો કેસ ચાવ્યો. મેજિસ્ટ્રેટ નામદાર રીંછાજી હતા. કેસ સાંભળવા કોર્ડ ચિક્કાર ભરાઈ ગઈ હતી. સાહેબ આવ્યા. એટલે બધાએ ઊભા થઈ તેમને માન આપ્યું. પછી પેલો કેસ લેવામાં આવ્યો. ગંગુએ વાઘજીભાઈને વકીલ તરીકે રોક્યા હતા. શિરસ્તેદાર પટાવાળા ભૂખણને કહેતાં ભૂખણે બહાર થઈ બૂમ પાડી :

“વાઘજીભાઈ વકીલ હાજર હૈ ? વાઘજીભાઈ વકી...લ!”

વાઘજીભાઈ વકીલોના રૂમમાં પાન ખાતા હતા. બૂમ સાંભળી ત્યાંથે તે દોડતા આવ્યા. તેમણે હાજર થઈને કેસનાં કાગળિયાં ઉથલાવવા માંડ્યાં. બંદર કલંદરે વકીલ રોક્યો ન હતો. સરકાર તરફથી શ્યામસિંહ વકીલ હતા. તેમણે પોતાની કેશવાળી ઉપર બેરિસ્ટરનો ઝભ્ભો લગાવી પોતાની પાસે કાયદાની મોટીમોટી ચોપડીઓ રાખી હતી. કેસ સાંભળવા ઘણા જણ એકઠા થયા હતા. બકોર પટેલને પણ બોલાવેલા. બીજા વકીલ પણ હાજર હતા.

કેસ ચાલવા માંડ્યો. બધાંની જુબાનીઓ લેવાઈ. વાંદરાભાઈ ચોરે કહેવા માંડ્યું :

“હું ઝાડ પર બેઠો હતો. તેવામાં મેં આ ગુંગુને જોયો. તેણે સાઈકલને પોતાના હાથથી જ ઝાડ સામે ધકેલીને પછાડી, એટલે મને વહેમ પડ્યો. સંતાઈ રહીને મેં બધું જોયા કર્યું. પછી એ સાઈકલ પડતી મૂકીને ઘેર આવ્યો અને પોતાની પાસે રૂપિયાનું પાકીટ હતું તે માળિયામાં સંતાડી દીધું. હું છાનોમાંનો તેની પાછળ-પાછળ જઈને બધો તાલ જોતો હતો. પછી તેણે ધૂળમાં આળોટી પોતાનાં કપડાં મેલાં કર્યા અને એક હાથે ખમીસ ફાડ્યું. ત્યાર પછી તે બહાર ગયો. તે શી તરકીબ લડાવવા માગતો હતો તે તરતમને સમજાઈ ગયું. એટલે તેના ગયા પછી હું બારી વાટે ઘરમાં દાખલ થયો પણ મને પાકીટ લઈને નાસતાં કોઈ પાડોશી જોઈ ગયો અને મને પકડી રાખ્યો. પછી એક જણ પોલીસને બોલાવી લાવ્યું.”

વાંદરાની જુબાની પૂરી થયા પછી વાઘજીભાઈ વકીલ ઊઠ્યા. તેમણે ટેબલ ઉપર પોતાનો પંજો જોરથી પછાડી ગંગુનો બચાવ કરવા માંડ્યો. પણ શ્યામસિંહની ગર્જના સામે તેમનું કંઈ વળ્યું નહિ. છેવટે ગુનો સાબિત થયો. બકોર પટેલને એમના રૂપિયા પાછા મળ્યા અને ગંગારામભાઈને સવા વરસની સજા થઈ.

અત્યારે ભાઈ સાહેબ જેલમાં બેઠાં-બેઠાં મોજ કરે છે. તમે કોઈવાર જેલ જોવા જાઓ તો તેમને જરૂર મળજો.

ફજેતી !

એક દિવસ બકોર પટેલ ઓફિસેથી ઘરે આવ્યા. આવીને જુએ છે તો શકરી પટલાણી મોઢેમાથે ઓઢીને સૂઈ ગયેલાં. બકોરભાઈને માટે કંઈ નાસ્તો તૈયાર મળે નહિ, અને રસોડામાં જુએ તો ચૂલાશેઠ પણ ઠંડમઠંડા !

બકોરભાઈ તો દડબડ દડબડ દોડીને શકરી પટલાણીના બિછાના પાસે પહોંચ્યા. પટલાણીના કપાળ ઉપર હાથ મૂક્યો તો કપાળ એકદમ ગરમ હતું, તે જોઈ બકોરભાઈ બોલી ઊઠ્યા : “બાપ રે ! આટલો બધો તાવ છે એને મને ઓફિસે ટેલિફોન પણ ન કર્યો ?”

પટલાણીએ ધીમે સાદે જવાબ આપ્યો : “એમાં શું થઈ ગયું ? મેં કાળીજીરીનો ઉકાળો કરીને પીધો છે.”

પટેલ બોલ્યા : “અરે, અમે તે કંઈ ચાલતું હશે ? આટલો બધો તાવ હોય ત્યારે આવી બેદરકારી ! લાવ, હું હમણાં જ ટેલિફોન કરી ડોક્ટર ગટોરભાઈને તેડાવું.”

પટલાણી ‘ના ના’ કરતા રહ્યા ને પટેલ તો પહોંચ્યા ટેલિફોન પાસે. નંબર જોડી વાત કરવા માંડ્યા.

“એલાવ ! કોણ છો ?” સામેથી કોઈએ પૂછ્યું.

“હાં, એ તો હું બકોરભાઈ. બકોરભાઈ પટેલ... કોણ ? ડોક્ટર ગટોરભાઈ કે ?”

સામેથી આવજ આવ્યો : “ના-જી, ડોક્ટર ગટરોભાઈ તો આજ અઠવાડિયાથી બહારગામ ગયા છે. પણ દવાખાનું મને સોંપી ગયા છે. તેઓ પાંચેક દિવસે આવશે. આપને કંઈ કામ હતું ?”

પટેલ કહે : “હા-જી, અહીં પટલાણી માંદાં પડી ગયાં છે તમે કોણ છો ?”

જવાબ મસ્યો કે : “હું ડોક્ટર સસાજી. આપ કહો તો આવીને તપાસી જાઉં અને દવા આપી જાઉં.”

પટેલ કહે : “હા.હા જલદી આવો. ડોક્ટર ગટોરભાઈ તો અમારા ખાસ ડોક્ટર છે, પણ કંઈ નહિ. મારું સરનામું દવાખાનાનો નોકર જાણે છે. જલદી આવો”

ડોક્ટર કરે : “હમણાં જ, બે મિનિટમાં આવી પહોંચ્યો જાણો.”

“ઝટ આવો.” કહી બકોરભાઈએ રિસીવર મૂકી દીધું. ડોક્ટરની રાહ જોતા આમતેમ આંટા મારવા લાગ્યા.

પટેલે પૂછ્યું : “પેલી કામ કરનારી ખુશાલ પણ આજે નથી કે શું ?”

ખુશાલ ખિસકોલી એમને ત્યાં ઘરકામ કરતી હતી.

પટલાલી બોલ્યાં : “એનો છોકરો કહી ગયો છે કે, જરા મોડી આવશે.”

ખુરશીઓ ઉપર ધૂળ પડી હતી તે પટેલે સાફ કરી નાખી અને ટેબલ લૂછી નાખ્યું. એટલામાં કોઈના આવવાનો અવાજ સંભળાયો. પટેલે બારણાં તરફ જોયું. હાથમાં બેગ સાથે કોટપાટલૂન પહેરેલું કોઈ બારણામાં દાખલ થયું. પટેલ સમજ્યા કે ડોક્ટર આવ્યા.

“ડોક્ટર આવ્યા કે ?” કહી પટેલ ઊઠીને સામા ગયા.

આવનાર હસીને કહે :“હા, શેઠ અમે પણ ડોક્ટર તો ખરા જ”

“આવો આવો, સાહેબ, અંદર પધારો. બેસો ખુરશી પર ! કેમ, ટેલિફોન મળ્યો હતો ને ?”

પેલો કહે : “હા જી તે ઉપરથી તો હું આવ્યો છું.”

પટેલ બોલ્યા : “ઠીક, ઠીક. જુઓ ને, પટલાણી તો તાવમાં પટકાયાં છે, બહુ સખત તાવ છે.”

પેલાએ કહ્યું : “હમણાં તો બધે તાવનો વા છે. આ સીઝનમાં બહુ સાચવવા જેવું છે.”

પટેલે પૂછ્યું : “મટશે તો ખરું ને ?”

પેલા ભાઈ કહે : “ના કેમ મટે ? ભગવાન સારું જ કરશે. હં, કહો હવે. હુ મારું કામ શરૂ કરું ? શાને કારણે તાવ આવે છે તે તપાસી જાઉં ?”

પટેલ કહે : “હા, હા એટલા માટે તો તમને બોલાવ્યા છે.”

પેલો બોલ્યો : “સારું ત્યારે, મને જરા ગેસ સળગાવી આપશ ?”

પટેલ કહે : “કેમ, ગેસ શું કરશો ?”

પેલો બોલ્યો : “મારે એક સાધન જરા ગરમ કરવું પડશે.”

પટેલ સમજ્યા કે ડોક્ટર શીશીબીશી લાવ્યા હશે. તેનો બૂચકૂચ ઉઘાડવા માટે ગરમ કરેલં સાધન કામમાં આવતું હશે.

પટેલ કહે : “હમણાં જ સળગાવી આપું.”

પેલો બોલ્યો : “તમે જાતે સળગાવશો ?”

પટેલ કહે : “શું કરીએ, નોકરોનું તો કામ જ એવું. કામવાળી હજી આવી જ નથી.”

ત્યાં તો “આ આવી” કહેલી ખુશાલ ઓરડામાં આવી પહોંચી. પટેલ કહે : “લો. આવી ગઈ.”

પટેલે ખુશાલને ગેસ સળગાવવા કહ્યું.

પેલો બોલ્યો : “ત્યારે સાથે સાથે ગરમ પાણી પણ કરાવી મગાવો ને !”

પટેલ કહે : “ભલે, ભલે. પાણીનું શું કામ છે ?”

પેલો કહે : “કેમ વળી, સાધનો ધોવાં જોઈશે ને ?”

પટેલે ખુશાલને પાણી ઊનું કરી લાવવા કહી દીધું. મોઢું

પહોળું કરીને, દાઢીએ હાથ ફેરવતા પટેલ જોઈ રહ્યા, પેલા ભાઈએ પોતાની બેગ ખોલી સાણસી, પેચિયું, છરી અને એવાં બીજાં સાધનો કાઢ્યાં.

પટેલ કહે : “તમે શું કરવા ધાર્યું છે ? ઓપરેશન કરવાના છો ? કંઈ રોગબોગ તપાસ્યો કે હથિયાર જ તૈયાર કર્યા ?”

પેલા ભાઈ બોલ્યા : “એમાં શું જોવાનું હતું ? અમે તો એવા ડોક્ટર કે પહેલેથી જ રોગ જાણી જઈએ.”

પટેલ કહે : “ઓપરેશન કરવું પડશે ?”

પેલા ભાઈ જરા હસીને બોલ્યા : “હા...સ્તો...”

પટેલ કહે : “મારે એવી દવા નથી કરવી ! ઓપરેશન નથી કરવું !”

પેલો બોલ્યો : “એ તો ચાલે જ નહિ.”

પટેલ કહે : “ન ચાલે, તો ચાલે નો જાઓ. મારે તમારી જરૂર નથી !”

પેલો કહે : “વાહ ! તો બોલાવ્યો શું કરવા ? હું કંઈ શેઠનો પગારદાર નોકર નથી. હું તો બે દિવસથી શેઠને ત્યાં છૂટક કામ કરું છું. બતાવે તે ઘરાકનું કામ કરું અને પૈસા લઉં. તમારે કામ ન કરાવવું હોય તો મને અહીં આવ્યાના પૈસી આપો.”

પટેલે કહ્યું : “વાહ, શાના પૈસા ? એવા પૈસા મળે કે ? અમારે ઓપરેશન કરાવવું જ નથી ને ! જરાક તાવ આવ્યો છે, તેમાં ઓપરેશન શાનું ?”

પેલો તો વિચારમાં પડ્યો. બકોર પટેલ કંઈક બીજું જ કહેતા હશે એમ હવે તેને લાગ્યું.

પેલો બોલ્યો : “શાનો તાવ અને શાનું ઓપરેશન ? શેઠ, મશ્કરી ન કરો.”

આ સાંભળતાં બકોર પટેલ પણ વિચારમાં પડ્યા. વાત એમ હતી કે બકોર પટેલના ડ્રોઈંગરૂમમાં બે-ત્રણ ઠેકાણે વીજળીની લાઈન બગડી હતી. તેને ઠીક કરવા વીજળીવાળાને સવારે ટેલિફોનથી કહેલું. વીજળીવાળાએ સરનામું જાણી લીધું. પટેલને તેણે કહી દીધું, કે સાંજે કારીગરને મોકલી દઈશ. તે કારીગર પોતાનાં હથિયાર લઈને આવી પહોંચ્યો. તેનું નામ સસમલ હતું. કોટને પાટલૂન પહેરેલાં. વળી,હાથમાં હથિયારની નાની બેગ. એવી બેગ ડોક્ટર પણ રાખે. એથી પટેલે એને ડોક્ટર જ ધારી લીધો ! અને ડોક્ટર કહીને બોલાવ્યો, એટલે પેલો સસમલ સમજ્યો કે પટેલ મજાકમાં કહે છે ! પણ પછી તો પટેલની વાત સાંભળીને એ નવાઈ જ પામી ગયો.

પટેલે કહ્યું : “તમે કોણ છો?”

સસમલ કહે : “કોણ તે વળી કોણ ? સવારે તમે ટેલિફોન કરીને ‘વિનાકય ઈલેક્ટ્રીક કંપની’ માં કહ્યું હતું ને ? તેથી જ શેઠે મને તમારી ઈલેક્ટ્રીક લાઈન સુધારવા મોકલ્યો છે.”

પટેલે મોઢું પહોળું કરીને કહ્યું : “ત્યારે તમે ડોક્ટર સસાજી નહિ ?”

સસમલ કહે : “હે કેવો ડોક્ટર ? હું તો ઈલેક્ટ્રીકનું કામ કરું છું !”

સૌ-તાવમાં પટકાયેલાં શકરી પટલાણી પણ - ખડખડાટ હસી પડ્યાં.

પટેલ કહે : “રામ, રામ, રામ, હું તો તમને ડોક્ટર સસાજી સમજતો હતો!”

એ જ વખતે બારણામાંથી કોઈનો અવાજ આવ્યો : “આ હું આવ્યો કેમ ! તમે કોને ડોક્ટર સસાજી સમજ્યા હતાં?”

ડોક્ટર સસાજી આવી પહોંચ્યા, પટેલ તો મોં ફાડીને એમને જોઈ જ રહ્યા !

કાશ્મીરી સાલ

બકોર પટેલ પાસે એક સરસ કાશ્મીરી શાલ હતી. તેમની વારસગાંઠને દિવસ તેમના મિત્ર કૂકડચંદ કેસરિયાએ ઠેઠ કાશ્મીરથી તેમને ભેટ મોકલેલી. શાલ હતી પણ ભારે કિંમતી. પણ બકોર પટેલ એ શાલ ઓઢતાબોઢતા ન હતા.

વાત એવી કહી કે શાલનો રંગ સફેદ હતો અને તેને સફેદ દોરાની રેશમી કિનારી હતી. આઘેથી જોઈ હોય તો સાડી જેવી જ દેખાય ! એક દિવસ પટેલ એ શાલ ઓઢીને બહાર નીકળેલા. ત્યારે બધાંએ પેલી શાલને સાડી ધારીને મશ્કરી કરેલી. તેથી પટેલને બહુ શરમ આવી. ત્યાર પછી તેમણે અ શાલ શકરી પટલાણીને આપી દીધી. આવી ભારે શાલ ઓઢતાં પટલાણીનો પણ જીવ ચાલે નહિ. તેમણે ગડી વાળીને શાલને પેટીમાં મૂકી રાખી. ચોમાસું ગયું અને એક દિવસ પટલાણીએ પેટી ઉઘાડી તો શાલમાં જીવાડાએ કાણાં પાડેલાં ! પટલાણીનો જીવ બળીને ખાખ થઈ ગયો. વળી ઉપરથી બકોર પટેલ પાછા ચિડાયા ! પણ હવે એનો શો ઉપાય થાય ?

પટેલ વિચાર કરે છે તેવામાં તેમના ભાઈબંધ ટીમુભાઈ આવી ચઢ્યા. પટેલનું ઊતરેલું મોં જોઈ પૂછા લાવ્યા : “કેમ પટેલ ! કોણ મરી ગયું ? આમ રડવા જેવા કેમ થઈ ગયા છો ?”

“ટીમુ, આ તો જો ! હવે શું કરવું ? પટેલે લમણે હાથ દઈ ટીમુને શાલ બતાવી !

ટીમુભાઈ તો હસવા લાગ્યા : “ઓહોહોહો ! એમાં થઈ શું ગયું ? બાગની પાસે પેલો બંદરખાં તૂણવાનો (રફૂ કરવાનો-દોરા ભરીને સાંધી આપવાનો) ધંધો કરે છે. તેની પાસે તુણાવી લ્યો ને -! એ એવી સરસ તૂણી આપશે કે બસ, નવા જેવી જ જોઈ લ્યો!”

પટેલ ખુશખુશ થઈ ગયા. એ તો શાલ લઈને ચાલ્યા બંદરખાંને ત્યાં. બંદરખાં શાલ જોઈને કહે : “શેઠ, કામ બહુ ભારે છે. પચાસી રૂપિયા પડશે.”

“પચાસ રૂપિયા ?! આટલાં ત્રણચાર કાણાં તૂણવાના પચાસ રૂપિયા?!” બકોર પટેલનું મોઢું પહોળું થઈ ગયું. એ તો દાઢીએ હાથ ફેરવતાં-ફેરવતાં કહેલા લાવ્યા : “મિયાંસાબ ! કંઈક ઓછું કરો. આટલું બધું તે હોય ? અને માગો તોયે કંઈ અપાય ?”

બંદરખાં એ તો શાલ જ પાછી આપવા માંડી, ને કહ્યું : “લ્યો શેઠ, કોઈ બીજા પાસે તુણાવી લેજો. આ તો તમારે માટે જ પચાસ રૂપિયા. બીજા પાસેથી પંચોતેર રૂપિયાથી ઓછું જ કોઈ લે છે ? પણ શાલ તમારે નવા જેવી થઈ જશે. મને પચાસ રૂપિયાથી ઓછે નહિ પરવડે !”

પટેલે તો શાલ પાછી લીધી ને ચાલવા માંડ્યું. એમને લાગ્યું કે ચાલવા માંડીશ એટલે બંદરખાં બૂમ પાડશે એટલે એમણે તો પાછું વાળી જોયું પણ નહિ ! થોડે દૂર ગયા પછી પટેલને થયું : ‘આ શાલ એમ ને એમ તો વધારે બગડશે. પચાસ રૂપિયા તો પચાસ રૂપિયા ! પાંચસો રૂપિયાની શાલ કંઈ બગાડાય થોડી ?”

પટેલ તો પાછા ફર્યા ને આવ્યા બંદરખાંની દુકાને. શાલ મૂકીને બોલ્યા : “લે ભાઈ, લે હવે ! જા, તારો મનગમતો ભાવ લેજે, પણ શાલ સરસ બનાવી દેજે. હું ક્યાં હવે બીજો તૂણનારો શોધવા જાઉં! ક્યારે તૈયાર થશે ?”

બંદરખાંએ સાંજનો વાયદો કર્યો. સાંજ પડતાં પટેલ તો બંદરખાં પાસે ગયા. એણે શાલ તૈયાર કરી રાખી. હતી. પટેલ જોઈને ખુશ-ખુશ થઈ ગયા. બંદરખાંને પૈસ આપી પટેલ ઘેર પાછા આવ્યા, અને શકરી પટલાણીને શાલ બતાવી. પટલાણી પણ શાલ જોઈને રાજીરાજી થઈ ગયાં.

પટેલે પટલાણીને શાલ આપતાં કહ્યું : “જો, હવે શાલને પેટીમાં મૂકી રાખીશ નહિ વાપરવા કાઢજે.”

પટલાણીએ આનંદમાં આવી જઈ શાલ ખીંટીએ ભેરવી. પાછા દિવસો જવા લાગ્યા. આ વખતે પટલાણીએ શાલ બહાર તો રાખેલી, પણ ઓઢતાં જીવ ન ચાલે ! પટેલ રોજ જુએ કે પટલાણી શાલ ઓઢતાં નથી. એક દિવસે શાલ ખુશરી ઉપર રખડતી પડેલી. પટેલ ખૂબ ચિડાયા. આના કરતાં તો એને વેચી દીધી હોય તો કેવું સારું ! હા, હા, એ જ ઠીક છે. શકરી પટલાણીને કંઈ કહેવું નહિ. શાલ વેચી દેવી અને તેના જે પૈસા આવે તે પાછળથી પટલાણીને આપવા. તેમાંથી તેને જે કંઈ લાવવું હોય તે ભલે લાવે - નવી સાડી કે પછી એને ગમે તે.

પટેલે શાલ વેચી નાખવાનું નક્કી કર્યું. તે સારું તેમણે છાપામાં જાહેરાત આપી દીધી. કોઈને, અરે, પટલાણીને પણ ખબર ન પડે, તે માટે તેમણે પોતાનું નામઠામ ન છપાવ્યું. પણ છાપાવાળાને ત્યાં કાગળો આવે અને તેને પટાવાળો પોતાને આપી જાય એમ ગોઠવણ કરી જાહેર ખબર આપીને પટેલ ઓફિસ ગયા.

આ બાજુ પટલાણી ઝાપટિયું લઈને ટેબલ સાફ કરતાં હતાં. સાફ કરતાં-કરતાં ઝાપટ ખડિયાને વાગી. ઝાપટ જરા જબરી હતી, એટલે ખડિયો જઈને ખુરશી પરની શાલ ઉપર પડ્યફો. શાલ પર બધે શાહી શાહી થઈ ગયું પટલાણી તો ગભરાઈ ગયાં. હાય હાય ! પટેલ જાણશે તો શું કહેશે ? તેમણે શાલનો ગોટો વાળીને એક ઠેકાણે મૂકી દીધી. ખુરશી પરથી અને બીજે બધેથી શાહીના ડાઘા કાઢી નાખ્યા. પણ મનમાં ચિંતા થયાં કરે. હવે કરવું શું ? આવી ભારે શાલ, અને તે શાહીથી રંગાઈ જાય, ત્યારે પટેલ ચિડાયા વિના રહે ? પટલાણીનો જીવ બળવા માંડ્યો : ‘અરેરે!આના કરતાં શાલ વાપરી હોત તો કેવું સારું થાત ! હશે ! હમણાં કંઈ કહેવું નહિ. પટેલ શાલ માગશે ત્યારે જોઈ લેવાશે.’ આમ વિચાર કરી પટલાણી કામે વળગ્યાં, પણ કેમ કરી વાત મનમાંથી નીકળે નહિ.

બીજી સવારે છાપાવાળો છાપુ નાખી ગયો. પટેલે છાપું ઉઘાડ્યું અને તેમાં પોતે આપેલી જાહેર ખબર જોઈ રાજી થયાં. હવે કોઈક ઘરાક થાય તો શાલ પધરાવી જ દેવી એમ વિચાર કરતાં પટેલ જમી-પરવારી બહાર ગયા. પટેલના ગયા પછી કામકાજથી પરવારી પટલાણીએ છાપું વાંચવા માંડ્યું. અચાનક તેમની નજર એક જાહેરખબર ઉપર પડી :

વેચવાની છે.

સુંદર, રેશમી ભરતવાળી સફેદ કાશ્મીરી શાલ વેચવાની છે. બિલકુલ વપરાયેલી નથી. માલિક યોગ્ય ભાવે કાઢી નાખવા માગે છે. લખો : આ છાપાની ઓફિસમાં; પોસ્ટબોક્સ નં. ૧૦૪.

પટલાણી આનંદથી નાચવા લાગ્યાં : ‘વાહ ભાઈ ! મારે જોઈએ છે તેવી જ શાલ છે, આ તો ! આ શાલ વેચાતી લઈને પેલી શાલને બદલે ગોઠવી દઈશ. પટેલને ખબર પણ નહિ પડે. હાશ ! આ રસ્તો જ ઠીક છે !’ આમ વિચાર કરી પટલાણી પેલી જાહેરખબરનો જવાબ લખવા બેઠાં. ઝટઝટ જવાબ લખી તેમણે કામ કરનારી ખુશાલ સાથે તે કાગળ ટપાલમાં પણ નખાવી દીધો અને પછી આનંદથી કામે વળગ્યાં.

તે દિવસ તો એમ ને એમ પસાર થઈ ગયો. બીજા દિવસની સવાર થઈ. પટલાણી રસોડામાં હતાં. પટેલ બહાર હિંચકા ઉપર ઝૂલતા હતા. એટલામાં છાપાની ઑફિસના પટાવાળાએ બૂમ પાડી : ‘‘શેઠ, કાગળ લેજો.’’ કાગળ આપીને એ ગયો.

પટેલ તો કૂદતા-કૂદતા કાગળ લઈ આવ્યા અને ફોડીને વાંચવાની શરૂઆત કરી. અંદર પટલાણીને ખબર પડી એટલે તે પણ દોડતાં બહાર આવ્યાં. તેમને તો એમ થયું કે કદાચ પેલી શાલ માટે જવાબ આવ્યો હશે.

આ બાજુ પટેલે કાગળ વાંચ્યો, નામ વાંચ્યું. શકરી પટલાણીના અક્ષર. ઠેકાણું જોયું અને તેમનું મોઢું અજાયબીથી પહોળું થઈ ગયું !

‘‘કોનો કાગળ છે ?’’ કહેતાં પટલાણી તેમની પાસે આવીને ઊભાં.

‘‘શકરી પટલાણીનો!’’ કહી પટેલે પેલો કાગળ પટલાણીના સામે ધર્યો! બંનેએ એકબીજાનાં મોઢાં સામે જોયા કર્યું. પટેલ પણ કંઈક સમજ્યા. પછી બેય જણ એકદમ હસી પડ્યાં !

કાકાનો ભત્રીજો

બકોર પટેલના ભત્રીજા અમથા પટેલને તમે ઓળખો છો. એ ભાઈસાહેબ ભણવા માટે ભરૂચના એક છાત્રાલયમાં રહેતા હતા એ વખતની વાત છે.

એક દિવસ અમથો ભાઈબંધો સાથે ગપ્પાં મારતો બેઠો હતો. એવામાં તારનો પટાવાળો આવ્યો. ખાખી રંગના કપડાં અને લાલ રંગની સાઈકલ હોય એટલે તારવાળો જ સમજી લેવાનો ! બધા છોકરાઓ વિચારમાં પડી ગયાં. છાત્રાલયમાં કોનો તાર આવે ? તારના પટાવાળાએ બૂમ પાડી. ‘‘અમથાભાઈ પટેલ કોનું નામ ? આ તાર છે.’’

અમથો છાતી કાઢી આગળ આવ્યો.

વડોદરામાં તેના બાકરદાસમામા રહેતા હતા. તને ત્યાં દીકરીનાં લગ્ન હતાં. તેમાં અમથાને જવાનું નિમંત્રણ હતું. પણ અમથો ભણવામાં ઠોઠ હતો, એટલે તેને નિશાળમાંથી ઝટ રજા મળતી નહિ. આથી અમથાને મામાને જણાવેલું, કે તમે મારા પર તાર કરજો. તાર આવશે તો હેડમાસ્તર રજા આપશે, નહિ તો નહિ આપે. આથી તારવાળો આવતાં અમથો રાજી રાજી થઈ ગયો. તે મનમાં ને મનમાં ખૂબ મલકાવા લાગ્યો.

તેણે કહ્યું : ‘‘મારું નામ અમથાભાઈ પટેલ. લાવો મારો તાર.’’

તારવાળાએ પરબીડિયું આપ્યું. પછી એક ખાનાં પાડેલો કાગળ આપ્યો. તાર લેતી વખતે કાગળમાં સહી કરવાી હોય છે. અમથાએ હસતાં-હસતાં સહી કરી, પેલો કાગળ પાછો આપ્યો. તારવાળાને લાગ્યું કે તારમાં કંઈ ખુશખબર હોવાં જોઈએ ! તે સલામ કરીને ઉભો રહ્યો. અમથાભાઈએ ખિસ્સામાંથી રોફબંધ વીસ રૂપિયાની નોટ કાઢી તારવાળાને આપી. તારવાળાએ સલામ કરી અને પછી સાઈકલ ઉપર બેસી તે સડસડાટ ચાલ્યો ગયો.

હવે બધા ભાઈબંધો અમથાની આસપાસ વીંટાઈ વળ્યાં. અમથાએ પરબીડીયું ખોલ્યું ને તાર વાંચ્યો. તાર વાંચતા જ તેનું મોં દિવેંલ પીધા જેવું થઈ ગયું. તેના પગ ધ્રૂજવા લાગ્યા. ભગરાટમાં તે નીચે બેસી ગયો.

તેના ભાઈબંધો એ જોઈને ગભરાઈ ગયા. ઘેલુ ઘેટાએ અને બીજાઓએ ઉપરાઉપરી સવાલ પૂછવા માંડ્યા :

‘‘કંઈ માઠા ખબર છે ?’’

‘‘કોઈ માંદુ છ ?’’

‘‘કોઈ મરી ગયું ?’’

‘‘ગભરાઈશ નહિ. હિંમત રાખ.’’

અમથાએ એક ઊંડો નિસાસો નાંખ્યો, અને પછી કહ્યું : ‘‘બહુ જ માઠા સમાચાર ! અરરર, તેઓ ...તેઓ આજે આવે છે ! આજે બપોરની ગાડીમાં જ આવે છે !’’

ટપુએ અજાયબીથી મોઢું ફાડી પૂછ્યું : ‘‘પણ કોણ આવે છે, એ તો કહે!’’

અમથાએ ધીમેથી જવાબ આપ્યો : ‘‘મારા અજાજીકાકા આવે છે.’’

બધા ખડખડાટ હસી પડ્યા. એક જણ બોલ્યું : ‘‘ઓહોહો! અમે તો ધાર્યું કે કોણ જાણે કોણ આવવાનું હશે ! કાકા આવવાના છે, તે તો સાી વાત કહેવાય ! ઊલટા ખુશી થઈને તેઓ તને કંઈ આપતા જશે. મારા કોઈ કાકા આમ આવી ચડે તો મને તો મજા પડે.’’

અમથાએ નિસાસો નાખી કહ્યું : ‘‘પણ આ કાકાને તમે હજી નથી ઓળખતા. એ તો બડા કંજૂસના કાકા છે !’’

ઘેલુ ઘેટાએ અમથાને આબાદ પકડ્યો. તે કહે : ‘‘વાહ, ભાઈ ! તેં સાચું જ કહ્યું ! કંજૂસના કાકા એટલે તું કંજૂસ અને તારા કાકા !’’

અમથો શરમાઈ ગયો. અજાણતાં પોતે જ પોતાની ફજેતી કરી. તેણે સમજણ પાડી : ‘‘મિત્રો ! હું ક્યાં કંજૂસ છું ? હું કંજૂસ હોત તો તારવાળાને વીસ રૂપિયા આપત ?’’

બધાને વીસ રૂપિયા યાદ આવ્યા. અમથાએ શા માટે બક્ષિસ આપી હશે, તેની કોઈને ખબર ન હતી. તે જાણવા માટે ટપુએ પૂછ્યું : ‘‘પણ હેં અમથા ! તાર તો આવો આવ્યો છે, પછી તેં શું જોઈને પેલાને વીસ રૂપિયા બક્ષિસના આપ્યા!’’

‘‘અરે ભાઈ, જવા દે ને એ વાત જ! મેં બો બીજું કંઈ ધાર્યું હતું !’’

‘‘શું ધાર્યું હતું ? અમને તો કહે. અમને કહેવામાં શો વાંધો છે ? અમે કોઈને નહિ કહીએ.’’

અમથાએ જવાબ આપ્યો : ‘‘અરે ભાઈ, વાત એમ હતી કે મારા મામાને ત્યાં લગન છે. તે માટે તેઓ મને તાર કરીને તેડાવવાના હતા...’’

ટપુ કહે : ‘‘હા, હા, બરાબર. નહિ તો તને રજા કોણ આપે ?’’ ટપુ વાક્ય પૂરું કરે તે પહેલાં તો બધા ખડખડાટ હસી પડ્યા.

અમથાએ મફતના વીસ રૂપિયા આપી દીધા. તાર તો જુદો જ નીકળ્યો. એ બધું યાદ આવતાં બધા હસીહસીને લોથપોથ થઈ ગયાં.

અમથાએ ફરીથી તાર ખોલીને વાંચવા માંડ્યો :

રવાના : સુરત સવારના ૭-૩૦

અમથાભાઈ પટેલ

આદર્શ છાત્રાલય,

ભરૂચ.

આજે બપોરે ત્રણ વાગ્યે ત્યાં આવું છું.

-કાકા

ટપુએ તાર ઝૂંટવી લઈને વાંચ્યો. પછી કહ્યું ‘‘અમથા ! તારા કાકા કંજૂસ છે, એટલું જ ને ? પણ તેમાં આમ ગભરાય છે શાનો ?’’

અમથાએ લમણે હાથ દઈને જવાબ આપ્યો : ‘‘કંજૂસ હોય તે તો જાણે સમજ્યા ! પણ બહુ વઢકણા ને મારકણા છે ! થોડા વખત ઉપર તેઓ અહીં આવ્યા, તે વેળા તું નહોતો, તેથી તને ખબર નથી. નિશાળમાં મારા અભ્યાસ માટે તેમણે તપાસ કરી. માસ્તરે ચોખ્ખું કહી દીધું કે હું ભણવામાં ઢ છું. પછી કાકાનું પૂછવું જ શું ? મને તો બધાની વચ્ચે મારવા લીધો. ખૂબ ટીપી નાંખ્યો ! તેમનોહાથ બહુ ભારે છે ! એક પડે તો બીજી ખાવા ન માગીએ ! મને ક્યારની એ બીક લાગ્યા કરે છે. તેથી હું ગભરાયા કરું છું. હા, મારા બકોરકાકા આવવાના હોત, તો હું રાજી-રાજી થઈ જાત!’’

‘‘કેમ ? એ ઉદાર દિલના છે ?’’

‘‘હા, અને મારા પર એમનું હેત બહુ છે. મારી સાથે કોઈ વાતની કચકચ નહિ. કંઈ આપતા પણ જાય. પણ એ તો મુંબઈ છે એટલે વારે-વારે કંઈ આવે ? આ કાકા તો સુરત પડ્યા, ને ભરૂચ માલ મોકલે છેે. એટલે ત્રણ મહિને, ચાર મહિને આવે જ છે. કંઈ પૈસા આપવા-લેવા આવે છે ને મને ત્રાસ આપે છે.’’

આમ કહી અમથાએ તારના ચૂરેચૂરા કરી નાખ્યા ! પછી ધીમે પગલે પોતાની રૂમમાં ચાલ્યો ગયો.

* * *

રૂમમાં જઈ અમથો ખુરશી પર બેઠો. તેના મનમાં ખૂબ વિચાર આવવા લાગ્યા : ‘કાકા તો સાડાત્રણ વાગ્યે આવી પહોંચશે. હવે શું કરવું ? કંઈ યુક્તિ તો કરવી પડશે ને ! અજાજીકાકા તો સીધા માસ્તર પાસે પહોંચી જશે. માસ્તરને પૂછશે કે અમથાનો અભ્યાસ કેવો ચાલે છે ? માસ્તર ડોકું હલાવી જવાબ આપશે કે બિલકુલ ખરાબ ! છોકરો તદ્દન ઠોઠ છે ! પછી આવી બન્યું જ સમજવું ! આજે કંઈ ગાબચી મારી જવાય તેવું પણ નથી. તે દિવસે છાનોમાનો સિનેમા જોવા છટકી ગયો હતો, ત્યારથી ગૃહપતિ ઘોડુકાકા જાપ્તો પણ વધારે રાખે છે. ત્યારે હવે કરવું શું ?’’

અમથો વિચાર કરતો બેસી રહ્યો. છેવટે તેને એક યુક્તિ સૂઝી. માંદગીનો ઢોંગ કર્યો હોય તો ?

યુક્તિ સૂઝતાં જ તે આનંદમાં આવી ગયો. તરત જ એ ગૃહપતિ પાસે જવા ઊપડ્યો. ગૃહપતિ ઘોડાલાલભાઈ બહુ ચાલાક માણસ હતા. છોકરાઓ તેમને લાડમાં ને લાડમાં ઘોડુકાકા કહેતા. તેમને છોકરાઓ માટે બહુ લાગણી હતી. માંદા નિશાળિયાની બહુ સંભાળ લેતા. તે માટે એક અલાયદી રૂમ જ કાઢી હતી. જે માંદો પડે તેને એ રૂમમાં રાખે. બીજું કોઈ ત્યાં આવે નહિ. એ રૂમ પાસે કોઈથી ઘોંઘાટ થાય નહિ. દરદીને પૂરો આરામ લેવા દે. થોડી દવાની શીશીઓ પણ રાખેલી. એ રૂમને ‘રુગ્ણાલય’ (દવાખાનું) કહેતા.

અમથાએ માંદા પડી રુગ્ણાલયમાં જઈને સૂવાનો નિશ્ચય કર્યો. ધીમે પગલે તે ઘોડુકાકાની રૂમ પાસે આવ્યો. પછી જાણે ખૂબ દરદ થતું હોય તેવું મોઢું કરી નાંખ્યું. ડોકી ગોળગોળ ફેરવવા માંડી. હાથ વડે પેટ પણ દાબવા માંડ્યું. થોડા ઊંહકારા પણ શરૂ કરી દીધા. ઊંહ-ઊંહ કરતો તે ઘોડુકાકાની રૂમમાં દાખલ થયો. તેને જોઈ ઘોડુકાકા વિચારમાં પડી ગયા ! અડધા કલાક ઉપર તો તેમણે અમથાને હસી-હસીને વાતો કરતો જોયો હતો, અને હમણાં એકાએક તેને થઈ શું ગયું ? તેમણે તેના તરફ ફરીને પૂછ્યું : ‘‘શું થયું, અમથા ? આમ કેમ કરે છે ?’’

અમથાએ જવાબ દીધો : ‘‘મને... મને... કંઈ... થાય છે.’’

‘‘શું થાય છે ?’’

‘‘મારા...મારા... પેટમાં કંઈક થાય છે.’’

‘‘એમ કહે ને ત્યારે ! નક્કી અપચો થાય ત્યારે જુલાબ લઈ લેવો. ચાલ પેલા કબાટમાં દિવેલની શીશી છે તે લાવ. બે ચમચા દિવેલ પી જઈશ એટલે તરત પેટ સાફ થઈ જશે.’’

દિવેલનું નામ સાંભળી અમથો ધ્રુજી ગયો. કડવી દવા હોય તોપણ એ પી જતો, પણ દિવેલની વાત આવતી ત્યારે તેના માથાના વાળ ઊભા થઈ જતા! પોતે યુક્તિ કરવા તો ગયો, પણ એ યુક્તિ ભારે પડી જશે તેમ એને લાગ્યું. તેણે ગભરાઈ જઈને તરત વાત ફેરવી : ‘‘ના, ના, પેટમાંથી પગ તરફ સીધી શૂળ મારે છે. એટલે પગ બહુ દુખે છે. ઘોડુકાકા! માથું ભારે-ભારે લાગે છે ને તાવ આવે તેવું થાય છે.’’

ઘોડુકાકાએ અમથા સામે જોયું. અમથાને ખરેખર કંઈ દરદ થયું હોય તેવું તેમને લાગ્યું નહિ. તેમણે કબાટમાંથી થરમૉમિટર આણ્યું અને તેને આપ્યું.

‘‘લે, આ જરા વાર મોઢામાં રાખ. તાવ કેટલો છે તે જણાશે.’’

અમથાએ થરમૉમિટર મોઢામાં મૂક્યું. પોતાને કેટલો તાવ છે એતો

ભાઈસાહેબ જાણતા જ હતા ! હમણાં જ પોતાનું પોગળ (બનાવટ) છતું થઈ જશેે, એ વિચારથી તે ધ્રૂજવા લાગ્યો. તેણે મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે ‘હે ભગવાન! થરમૉમિટરનો પારો ૧૦૪ ડિગ્રી સુધી ચડાવી દો તો તમને ઘીનો દીવો કરીશ અને નાળિયેર ચડાવીશ.’ પણ ભગવાન કંઈ નાળિયેર વિના થોડા બેસી રહ્યા હતા? પારો તો જરાય ઊંચે ચડ્યો નહિ !

થોડીવારે ઘોડુકાકાએ થરમૉમિટર કાઢીને જોયું અને પછી અમથા તરફ આંખો કાઢીને કહ્યું : ‘‘તાવ તો જરાય નથી ! આ શું ઢોંગ મચાવવા માંડ્યો છે ?’’

અમથો ગભરાઈ ગયો. તેણે તતપપ કરતાં કહ્યું : ‘‘ઘોડુકાકા, ખરું કહું છું મને કંઈક થાય છે! મને માંદાની રૂમમાં સુવાડી દો. સાંજ સુધીમાં મને સારું થઈ જશે.’’

‘‘બેસ બેસ, ડાહ્યલા ! બહુ ખા-ખા કરે છે, તેથી કંઈ થતું હશે ! આજે બિલકુલ જમતો નહિ ! હું રસોઈયાને કહી દઉં છું કે તને અત્યારે અને સાંજે જમવાનું ન આપે. આજે આખો દિવસ માત્ર સોડા પીને રહેજે, અને ઉપવાસ ખેંચી કાઢજે; એટલે આરામ થઈ જશે !’’

અમથાના તો મોતિયા જ મરી ગયા ! તેનાથી બધું સહન થતું, પણ ભૂખ સહન થતી નહિ. આ યુક્તિ તો ભારે પડી ગઈ ! તેણે ફરી વિનંતી કરી જોઈ : ‘‘અરે પણ ઘોડુકાકા...! તમે -!’’

‘‘ચૂપ ! જાય છે કે નહિ ? જા તારું કામ કર. ચાલ્યો જા અહીંથી !’’

ઘોડુકાકા ખીજાયા હોય ત્યારે કોઈના નહિ! હવે અહીં ઊભા રહેવામાં મજા નથી, એમ વિચાર કરી અમથો ત્યાંથી સરકી ગયો. પાછો પોતાની રૂમમાં આવી લમણે હાથ દઈ બેઠો અને વિચાર કરવા લાગ્યો.

અમથાનું મગજ ઝડપભેર કામ કરી રહ્યું હતું. તે જાતજાતના વિચાર કરતો અને પડતા મૂકતો. એકાએક તેને બીજી સરસ યુક્તિ સૂઝી. આનંદથી તે ઊભો થઈ ગયો અને નાચવા લાગ્યો.

‘વાહ! શાબાશ! મને આ યુક્તિ પહેલેથી કેમ ન સૂઝી ? બસ, કોઠાર-રૂમમાં સંતાઈ જવાનું; ત્યાં કોઈ નહિ જુએ. આખો દિવસ ત્યાં લપાઈ રહીશું. ત્યાં સુધીમાં તો અજાજીકાકા પાંચ વાગ્યાની ગાડીમાં બેસી પાછા પણ ચાલ્યા જશે ! બસ. બેડો પાર !’

આમ વિચાર કરી અમથો કોઠારરૂમમાં જવા ઊભો થયો. છાત્રાલયને છેડે એક રૂમ હતો. તેમાં અનાજના કોથળા પડી રહેતા. કોલસાના થેલા પણ ખડકતા. એ રૂમને બધા કોઠાર કહેતા. અમથો આમ-તેમ જોતો કોઠાર પાસે ગયો અને બારણું ખાલી વાસી દીધું. સાંકળ વાસે તો કોઈને વહેમ પડે ને ! એટલે ખાલી જ બંધ કર્યું.

આખા રૂમમાં ઘોર અંધારું હતું. નાનું સરખું જાળિયું પણ ન હતું. અમથો એક કોથળાની પાછળ ભરાયો. પોતે જાણે કેદખાનામાં પુરાયો હોય એવું એને લાગવા માંડ્યું.

વખત બહુ જ ધીમેથી પસાર થતો હતો. આપણે જ્યારે વખત ઝટ પસાર કરવો હોય ત્યારે તે બહુ ધીમેથી પસાર થતો લાગે ! અમથાને તો એક-એક મિનિટ પા-પા કલાક જેટલી લાગવા માંડી. પાસે કોઈ મળે નહિ. કોઈની સાથે વાત કરવાની નહિ. બોલવા ચાલવાનું નહિ. અંધારું ઘોર! છેક સાંજ સુધી એમને એમ બેસી રહેવાનું ! વખત કેમે કર્યો જાય નહિ. જાણે જેલની એકાંત ખોલીમાં પુરાઈ રહેવાની સજાસ્તો ! વિચાર કરતો-કરતો અમથો ત્યાં કોથળા ઉપર જ માથું મૂકીને ઊંઘી ગયો.

અમથો ખૂબ ઊંઘ્યો. તેને કેટલો વખત ગયો એની ખબર ન રહી. એકાએક કંઈ કોલાહલ થયો અને તેની આંખ ઊઘડી ગઈ. તેણે ટપુ, બાલુ વગેરેના અવાજ સાંભળ્યા. આઠદસ છોકરાઓ કંઈ બોલતા હોય તેમ લાગ્યું. થોડીવારે બારણું ઊઘડ્યું અને ટપુનો અવાજ સંભળાયો : ‘‘એ કદાચ આ કોઠાર રૂમમાં તો નહિ હોય ને ?’’

‘‘આવો ને ! કોઠાર-રૂમ પણ જોઈએ. માત્ર આ રૂમ જ જોવો બાકી રહી ગયો છે !’’

અમથાએ બારણા બહાર જોયું. સાંજ પડી ગઈ હતી. બહાર પણ અંધારું થવા આવ્યું હોય તેમ લાગતું હતું. તેણે હવે બૂમ પાડી : ‘‘એઈ ! ટપુ !’’

છોકરાઓ ચમક્યા. ઓત્તારીની ! આ તો અહીં કોઠારરૂમમાંથી જ અમથાનો અવાજ આવ્યો ! ટપુના હાથમાં ટોર્ચ હતી. તેણે બટન દાબી બત્તી કરી અને કોથળા ઉપર પ્રકાશ ફેંક્યો.

‘‘અલ્યા, અહીં શું કરે છે ?’’

અમથાએ ધીમેથી પૂછ્યું : ‘‘મારા કાકા ગયા ?’’

‘‘એ તો ક્યારના ગયા ! તું બહાર આવ ને ! અમે તો આખું છાત્રાલય ખોળી વળ્યા ! પણ તારો પત્તો ક્યાં ? એ તારા અજાજીકાકા નહોતા!’’

‘‘હેં ? ત્યારે ? કોણ હતું ?’’

‘‘એ તો તારા બકોરકાકા આવ્યા હતા! બહુ આનંદી માણસ છે. અમને તો ખૂબ મજા કરાવી. મુંબઈથી કંઈ કામ માટે સુરત આવેલા, ત્યાંથી વિચાર કર્યો કે લાવ, અમથાની ખબર કાઢતો જાઉં. એટલે એ બિચારા તને મળવા આવ્યા ; ત્યારે તું તો અહીં ભરાઈ ગયો ! સુરતથી આવેલા એટલે બે ટોપલી ઘારી લાવેલા, ભૂસું લાવેલા, રતાળુની પૂરી લાવેલા ! પછી શું કરે ! તારો તો પત્તો ખાધો નહિ, એટલે પછી તેમણે અમને બધાંને ઉજાણી કરાવી દીધી !’’

આ વાત સાંભળી અમથાનો જીવ બળી ગયો. ભાઈસાહેબ સવારથી તદ્દન ભૂખ્યા હતા ! તેમાં વળી ઘારી અને ભૂસાની વાત સાંભળી તેના મોઢામાં પાણી આવ્યું. પણ હવે શું થાય ? તેણે ટપુને જરા દમ મારવા માંડ્યો : ‘‘પણ મૂર્ખા ! મારે માટે ઘારી અને ભૂસું થોડાંક તો રહેવા દેવાં હતાં !’’

ટપુએ જવાબ આપ્યો : ‘‘અમને શી ખબર કે તું ખાઈ શકીશ ? ઘોડુકાકાએ તો કહ્યું, કે અમથાને પેટમાં દુખે છે, એને અપચો છે અને ચૂંક આવે છે. આજે એને ઉપવાસ છે, એટલે કંઈ ફરવા નીકળી પડ્યો હશે ! સવારનું ખાધું છે કે નહિ ?’’

‘‘ક્યાંથી ખાય ? મારા પેટમાં તો બિલાડાં બોલે છે. ઘોડુકાકા તો અત્યારે પણ મને જમવા દેવાના નથી.’’

‘‘પણ હવે તો તું બહાર નીકળ ! તારા બકોરકાકા તો તને વાપરવા માટે સો રૂપિયા પણ આપતા જવાના હતા, પણ તું મળ્યો નહી એટલે શું કરે ?’’

અમથામાં હવે ઉભા થવાના હોંશ નહોતા રહ્યા. એક તો તે સવારનો ભૂખ્યો હતો. વળી, આવી સરસ મજા ગુમાવી. તે છેક નિરાશ થઈને બોલ્યો : ‘‘મેં તો ધાર્યું, કે અજાજીકાકા આવવાના હશે. તાર સુરતથી હતો એટલે બકોરકાકા આવશે એવી કેમ ખબર પડે ? મેં વગરવિચાર્યે ધારી લીધું તેનું આ ફળ ! મને ભૂખે અંધારા આવે છે !’’

ટપુએ બાલુ સામું જોઈ કંઈ ઈશારત કરી. પછી તે બોલ્યો : ‘‘જો, અમથા ! ઘોડુકાકા બહારથી તો કંઈ ખાવાનું લાવવા દેતા નથી. તને અત્યારે પણ તેઓ જમવા દેશે નહિ.’’

અમથો રડતાં બોલ્યો : ‘‘અરરર, મને ભૂખ્યે પેટે કેવી રીતે ઊંઘ આવશે ?’’

‘‘હું એ જ વાત કરું છું. તું સાંભળ તો ખરો. આ બાલુ બિલ્લાના દાબડામાં હજી થોડી પૂરીઓ પડી છે. આઠેક દહાડા પર એને ઘેરથી આવી હતી. એ તું ખાઈશ ?’’

‘‘પણ એ પૂરીઓ તો કઠણ થઈ ગઈ હશે.’’

‘‘કડક બિસ્કીટ જેવી લાગશે !’’

અમથો બધા સાથે કોઠાર-રૂમની બહાર આવ્યો. તેને ખૂબ ભૂખ લાગી હતી. છોકરાઓ બાલુ બિલ્લાના ઓરડામાં આવ્યાં. બાલુએ ડબ્બો ઉઘાડી અમથા પાસે મૂક્યો. અમથાએ એક પૂરી ભાંગવા માંડી. પૂરી ખૂબ સુકાઈ ગયેલી. આખરે દાંત વતી ભાંગી. કટાણે મોઢે જાણે ચામડું આવતો હોય તેમ અમથો પૂરી ખાવા બેઠો.

ટપુએ જરા ખિજાઈને કહ્યું : ‘‘ત્યારે અત્યાર સુધી કોઠારરૂમમાં શા માટે ભરાઈ રહ્યો હતો ? તારામાં અક્કલ ક્યાં છે ? તારા અજાજીકાકા આવે છે ત્યારે તાર મૂકે છે ? પહેલેથી તને ખબર આપે છે ?’’

અમથો બોલ્યો : ‘‘અરરર! એ તો મને સૂઝ્‌યું જ નહિ. એ કંઈ તાર મૂકતા નથી. અરેરે! મેં નકામાં ઘારી, ભૂસું ને સો રૂપિયા ગુમાવ્યા!’’

ટપુ, બાલુ ને ઘેલુ સાથે બોલ્યા : ‘‘અકક્લ હોત તો ન ગુમાવત!’’

ગોખણિયો માલ

એક દિવસ બકોર પટેલની જ્ઞાતિના ત્રણચાર આગેવાનો તેમની પાસે આવ્યા. એક જણ કહે : ‘‘બકોરભાઈ ! આપણી જ્ઞાતિનું સ્નેહમિલન ગોઠવવાનો વિચાર છે. આપ પ્રમુખ થશો ?’’

બકોર પટેલ તો મનમાં રાજી-રાજી થઈ ગયા. હું પ્રમુખ ? વાહ ભાઈ, વાહ ! પછી તો જ્ઞાતિમાં આપણો વટ પડશે. પાંચ માણસ નામ પૂછતાં આવશે અને વળી બધાંની વચ્ચે બેસીને જ્ઞાતિનાં છોકરાં-છોકરીઓને ઈનામ વહેંચવાના ! પટેલ તો રાજી-રાજી થઈ ગયા. પણ એકદમ કંઈ હા પાડી દેવાય ? એ તો થોડું માન ખાવા માંડ્યા : ‘‘જુઓ ને, ભાઈ ! હું તો તમારો સાધારણ જ્ઞાતિભાઈ રહ્યો. હું કંઈ પ્રમુખ થવાને લાયક છું ? મારે બદલે બીજા ઘણા લાયક માણસો છે.’’

પેલા નાતીલાઓએ તો ડોકાં જ ધુણાવવા માંડ્યા. એક જણ કહે : ‘‘અમે બધો વિચાર કર્યો છે, બકોરભાઈ શેઠ! અત્યારે તમારા જેવો બીજો કોઈ લાયક માણસ જ્ઞાતિમાં નથી. તમે બે પૈસે સુખી છો. વેપાર પણ ધમધોકાર ચાલે છે. માનઆબરૂ પણ સારાં છે. તમારે પ્રમુખપદ લેવું જ પડશે.’’

બહુ કાલાવાલા કરાવ્યા પછી પટેલ કબૂલ થયા. તેમને કાર્યક્રમ અંગે વાત કરીને પછી પેલા નાતીલાઓ ગયા. સમારંભની જગ્યા, વખત વગેરે બાબતો વિશે પટેલે પણ બરાબર પૂછી લીધું.

પટેલ હવે નવરા પડ્યા. તેમને વિચાર આવવા લાગ્યા : ‘હું પ્રમુખ તો થઈશ, પણ મારે ભાષણ તો કરવું પડશે ને ! મેં વળી કયે દિવસે ભાષણ કર્યું છે ? હવે ? આ વિચાર તો મને પહેલાં આવ્યો જ નહીં ! અરે, હવે શું કરવું ?’

વિચાર કરતાં-કરતાં પટેલ માથું ખંજવાળવા લાગ્યા. એવામાં તેમને ગાડરખાં ઘીવાળા યાદ આવ્યા. તેમના મિત્ર ગાડરભાઈ છાપાં વાંચવાના જબરા શોખીન હતા. તમામ ખબરો તેઓ જાણે. સભાઓમાં જાય, ભાષણો પણ યાદ રાખે. ચાલાક પણ ખરાસ્તો ! બકોર પટેલ તો તરત ગાડરભાઈને ત્યાં ઊપડ્યા.

ગાડરભાઈનું મકાન બાજુમાં જ હતું. પટેલે બૂમ પાડી : ‘‘ગાડરભાઈ ઘરમાં છો કે ?’’ ગાડરભાઈ છાપામાં મોઢું ઘાલીને વાંચવામાં મશગૂલ થઈ ગયા હતા. બકોર પટેલની બૂમ સાંભળી તે ચમક્યા. પટેલને જોઈ તેમણે આવકાર આપ્યો. બકોર પટેલ ખુરશી પર બેઠા. પહેલાં તો આડીઅવળી વાતોનાં થોડાં ગપ્પાં માર્યાં. એકદમ કંઈ પટેલ વાત કરે કે ? પછી આસ્તે રહીને તેમણે બધી વાત જણાવી. વાત સાંભળીને ગાડરભાઈ ફુલાઈ ગયા. બકોર પટેલ તેમની પાસે ભાષણ લખાવવા આવે એટલે એ તો ફુલાય જ ને ? તેમણે કહ્યું : ‘‘ઓહો! એમાં શી મોટી વાત છે, પટેલ ! હું તમને સરસ ભાષણ લખી આપીશ. તે લઈને જજો અને ત્યાં વાંચજો. જોઈજોઈને વાંચવામાં તો કંઈ વાંધો નથી ને ?’’

પટેલ હસું-હસું થતાં બોલ્યા : ‘‘ના રે ! જોઈ-જોઈને વાંચવામાં કોઈ વાંધો નથી. ભાષણ તો બધાય જોઈને જ વાંચે છે. પણ એવું સરસ લખી આપજો કે આખી જ્ઞાતિમાં વાહ-વાહ થઈ જાય!’’

ગાડરભાઈએ ખોંખારો ખાઈને જવાબ આપ્યો : ‘‘એ તો મને કહેવું નહિ પડે. તમારા ભાષણ વખતે તાળીઓ ન પડે તો મારું નામ ગાડરભાઈ નહિ !’’

પટેલ હવે ઘરે જવા ઊઠ્યા. જતાં-જતાં તેમણે કહ્યું : ‘‘હવે મારી ફિકર ઓછી થઈ. આજે રાતે લખી નાખજો અને સવારમાં મને આપજો. હું બે-ચાર વાર વાંચી જઈશ. સમારંભને હજી વાર છે, પણ સારી પેઠે ગોખી રાખ્યું હોય તો ઠીક.’’

આમ કહી પટેલ ઘેર આવ્યા.

પોતે જિંદગીમાં પહેલવહેલા જ પ્રમુખ થતા હતા. એટલે તેમને અનેક વિચાર આવ્યા કર્યા. રાતે મોડે સુધી તેમને ઊંઘ આવી નહિ. વિચારમાં ને વિચારમાં સવાર પણ પડી ગઈ. સવારે ગાડરભાઈ જ્યારે ભાષણની નકલ લઈને આવ્યા ત્યારે જ પટેલને કંઈક ચેન પડ્યું.

ભાષણ સરસ હતું. પટેલે એક વાર વાંચી જોયું. તેમને ખૂબ ગમ્યું. એ ભાષણ ગુમ ન થઈ જાય તે માટે પટેલે તેને સાચવીને કબાટમાં મૂકી દીધું. પટેલ તો રોજ ભાષણ વાંચે, ગોખે ને પછી પાછું કબાટમાં મૂકે. એમ કરતાં દિવસો જવા લાગ્યા. છેવટે સ્નેહમિલનનો દિવસ આવી પહોંચ્યો ! પેલા ત્રણચાર નાતીલા મોટર લઈને પટેલને તેડવા આવ્યા. પટેલ પણ રોફબંધ તૈયાર થઈ ગયા. પટલાણી પણ તેમની સાથે જ હતાં. બધાં મોટરમાં બેસી સમારંભના સ્થાને પહોંચ્યા.

સ્નેહમિલન જ્ઞાતિની વાડીમાં હતું. વાડીને બરાબર શણગારી હતી. પટેલ તો ખુરશી પર જઈને બેઠા. સભાનું કામકાજ શરૂ થયું. શરૂઆતમાં નાનકડું નાટક ભજવાયું. થોડાક ગરબા ગવાયા. સંવાદો પણ થયા. પછી પટેલે બધાંને ઈનામો વહેંચ્યાં. ત્યાર બાદ ભાષણ કરવાનો વખત થયો.

પટેલ ભાષણ કરવા ઊભા થયા. બધાંએ તાળીઓ પાડી તેમને વધાવી લીધા. ત્યાર પછી ભાષણના કાગળ માટે તેમણે ખિસામાં હાથ નાખ્યો, તો ખીસું ખાલીખમ ! બીજું ખીસું જોયું, ત્રીજું તપાસ્યું, પણ કાગળ હોય ત્યારે મળે ને ? પછી પટેલને યાદ આવ્યું કે ભાષણવાળો કાગળ કબાટમાંથી લાવવા તો કાઢેલો, પણ ટેબલ પર જ રહી ગયો ! હત્‌તારીની !

પટેલ તો ગભરાઈ ગયા ! તેમને આખે શરીરે પરસેવો વળી ગયો. પગ ધ્રૂજવા લાગ્યા. આટલા ધા વચ્ચે આ તો ફજેતી થવા બેઠી ! હવે શું કરવું ? આટલા બધા વચ્ચે એમ કંઈ કહેવાય કે ભાષણનો કાગળ ઘરે રહી ગયો છે ! કરવું શું ? બોલવાનું તો કંઈ સૂઝે જ નહિ, સૂઝે જ નહિ! આંખે જાણે અંધારા આવવા લાગ્યાં. હવે કરવું શું ? અચાનક તેમને પેલા ભાષણમાં એક વાક્ય યાદ આવ્યું, ને સાથે બીજો એક તુક્કો સૂઝ્‌યો. એટલે એમણે ફેંક્યું :

‘‘ભાઈઓ અને બહેનો !

‘‘તમે મને પ્રમુખ બનાવ્યો છે, પણ હવે ભાષણ કરવાનો જમાનો રહ્યો નથી. જમાનો ફરજ બજાવવાનો છ, તેથી હું જ્ઞાતિના કેળવણી ફંડમાં ૨૫,૦૦૧ રૂપિયા આપું છું. બસ, એ સિવાય મારે બીજું કંઈ ભાષણ કરવું નથી !’’

આટલુ બોલી તેઓ બેસી ગયા. એકદમ તાળીઓનો ગડગડાટ થયો.

બકોર પટેલની જ્ઞાતિમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક ફંડ હતું. બધા એ ફંડમાં દાન આપે. તેમાંથી બધાંને પુસ્તકો મળે; નિશાળની ફી પણ મળે. એ ફંડમાં પૈસાની જરૂર હતી. અત્યાર સુધી બકોર પટેલે તેમાં કદી પૈસા આપેલા નહિ. નાતીલાઓએ તેથી જ તેમને પ્રમુખ બનાવેલા. જોકે તોયે પટેલ પૈસા ભરશે એવી તેમને આશા નહોતી. પટેલ આમ ધડાક દઈને પચીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી એટલે બધા છક થઈ ગયા! બેત્રણ વાર તાળીઓના ગડગડાટ થયા.

પછી જ્ઞાતિમંડળના મંત્રી ઊભા થયા. તેમણે આભાર માન્યો ને કહ્યું : ‘‘આજે આપણને શેઠ બકોરભાઈ જેવા પ્રમુખ મળ્યા છે, તે આનંદની વાત છે. જ્ઞાતિ માટે તેમને ઘણી લાગણી છે. કેળવણી માટે તેમનો ઉત્સાહ જાણીતો છે અને આજે ફંડમાં તેમણે સારી એવી રકમ આપી છે. તેથી બધાંને બહુ જ આનંદ થયો છે પણ તેઓ ઘરના સુખી છે. તેઓ દર વરસે પચીસ હજાર ભરે એવી અમારી વિનંતી છે. આશા છે કે તેઓ આ વિનંતી કબૂલ રાખશે.’’

આટલું કહી મંત્રી તો બેસી ગયા. બધાંએ પટેલ સામે જોવા માંડ્યું. હવે પટેલનો કંઈ છુટકો થવાનો હતો ? ના કહે તો આબરૂ જાય ! છેવટે તેમણે ઊભા થઈને કહ્યું :

‘‘બહેનો અને ભાઈઓ!

‘‘મંત્રીજીએ કેળવણી-ફંડમાં પૈસા આપવા મને વિનંતી કરી છે. એ પૈસા આપણાં જ છોકરાંઓ માટે વાપરવાના છે. તમે પણ સૌ ગજા પ્રમાણે પૈસા આપશો એવી આશા રાખું છું. હું દર વરસે પચીસ હજાર રૂપિયા આપવા કબૂલ થાઉં છું.’’

ભાષણ કરી પટેલ બેસી ગયા. ફરી પાછા બધાંએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.

થોડીવારે બધાં વીખરાયા. પટેલને દર વરસે પચીસ હજાર રૂપિયા ભરવાનું આકરું લાગ્યું. પણ કરે શું ? ગોખણિયું ભાષણ કામ ન લાગ્યું. છેલ્લી ઘડીએ ફજેત થવાનો વારો આવ્યો. તેમાંથી બચવાનો ઉપાય તો શોધ્યો પણ તેય મોંઘો પડ્યો!

પટેલનું ઘડિયાળ

બકોર પટેલ પાસે હાથે બાંધવાનું એક સરસ ઘડિયાળ હતું. ઘડિયાળ સોનાનું હતું. અને તેનો દેખાવ પણ મજાનો હતો. એટલે પટેલને તે બહુ ગમી ગયું હતું. પણ એક દિવસ ઘડિયાળ ગુમ થઈ ગયું!

પટેલ સવારનું છાપું વાંચતા હતા. છાપું વાંચી આઘું મૂક્યું અને કેટલા વાગ્યા તે જોવા જાય છે, તો ઘડિયાળ ન મળે ! પટેલના પેટમાં ફાળ પડી. આવું સરસ મોંઘું ઘડિયાળ ગુમ થઈ જાય એ કેમ સહન થાય !

તેમણે તો ચારે બાજુએ તપાસ કરવા માંડી. ટેબલનાં ખાનાં બહાર કાઢી નાખ્યાં. ચોપડીઓ ઉથલાવી જોઈ. કબાટ ફંફોસી જોયાં. પણ ક્યાંય ઘડિયાળ ન દેખાયું ! પછી તેમણે એક પછી એક કબાટ ખાલી કરી નાખ્યાં. ટેબલના ખાનાં ફરી ઊંધા વાળીને બધું તપાસી જોયું. ચોપડીઓના કબાટને ખાલી કરી નાખ્યું, પણ ઘડિયાળ કેવું ને વાત કેવી ! ડ્રૉંઈગરૂમમાં વેરણછેરણ થઈ ગયું. જાણે મોટો ઉકરડોસ્તો!

પટેલ આ ધમાલમાં પડ્યા હતા, એટલામાં બહારથી શકરી પટલાણી આવી પહોંચ્યા. ડ્રૉંઈગરૂમમનો દેખાવ જોઈને તે એકદમ ચોંકી ઊઠ્યા!

‘‘હાય હાય ! આ શું થયું ? ધોળે દિવસે ચોર-બોર આવ્યો હતો કે શું ?’’

પટલાણીનું કહેવું સાંભળી પટેલ લમણે હાથ દઈને ખુરશીમાં બેસી ગયા અને બોલ્યા : ‘‘અરે, ધોળે દિવસે ચોર ક્યાં આવવાનો હતો ? હું તો ઘડિયાળ શોધું છું - ઘડિયાળ! પેલી સોનાની ઘડિયાળ જડતી નથી. તેં જોઈ છે ?’’

‘‘હાય, હાય! સોનાની ઘડિયાળ ગુમ થઈ ? અરરરરર! ક્યાં ગઈ ?’’

‘‘મને ખબર હોય તો તને શા માટે પૂછું ? આવું રમણભમણ શા માટે કરવું પડે ?’’

પટેલનો ખુલાસો સાંભળી પટલાણીએ પણ ઘડિયાળ ખોળવા માંડી. તેમણે પણ પાછું બધું ફરીથી ઉથામવા માંડ્યું. એટલામાં તેમના પડોશી ગાડરભાઈ ઘીવાળાની સવારી આવી પહોંચી.

‘‘કેમ બકોરભાઈ ! આ શું થયું ? તમારા ઘરમાં ધરતીકંપ થયો કે શું ? મારે ત્યાં તો કંઈ નથી !’’

પટેલે જવાબ આપ્યો : ‘‘ના, ભાઈ, ના ! આ તો મારું ઘડિયાળ ગુમ થયું છે તે ખોળીએ છીએ.’’

‘‘પણ તેમાં આટલી બધી ઊથલપાથલ ?’’

‘‘હાસ્તો. ઘડિયાળ સોનાનું છે - સસ્તું નથી.’’

ગાડરભાઈ જાણે વિચારમાં પડી ગયા હોય તેમ દાઢી પર હાથ ફેરવવા લાગ્યા. પછી કંઈ યાદ આવતા બોલ્યા : ‘‘બકોરભાઈ, તમે ઑફિસે તો ઘડિયાળ ભૂલી આવ્યા નથી ને ?’’

‘‘હા, હા, કદાચ ત્યાં રહી ગયું હોય !’’ કહી પટેલ કૂદ્યા અને શકરી પટલાણીને ઝટઝટ રસોઈ કરવા કહ્યું. પટલાણીએ ઝટપટ રસોઈ કરી કાઢી, એટલે પટેલ જમવા બેઠા. કોળિયો ભરે પણ જીવ ઑફિસમાં. થોડીવારમાં તો પટેલ જમી રહ્યા. શું જમ્યા, તે પણ ભાન રહ્યું નહિ ! પછી તરત કપડાં બદલ્યાં અને પહોંચ્યા સ્ટેશન ઉપર.

ટ્રેન આવી એટલે પટેલ એમાં બેઠાં. ટ્રેનમાં પણ તેમને ઘડિયાળના જ વિચારો આવ્યા કરે ! ક્યારે ઑફિસે પહોંચું અને ટેબલનાં ખાનાં તપાસી જોઉં, એમ થયાં કરે. તે દિવસે તેમને ઈલેક્ટ્રિક ટ્રેન પણ ધીમી ચાલતી લાગી. એમનું ચાલતું હોત, તો વિમાનમાં બેસીને ઑફિસે પહોંચી જાત!

જેમતેમ કરી પટેલ ઑફિસે આવી પહોંચ્યા. સીડીના પગથિયાં પણ બબ્બે સમાટાં જ ચડી ગયા! હજી વખત થયો નહોતો, એટલે ઑફિસમાં કોઈ આવ્યું ન હતું. પટેલે પોતાની પાસેની ચાવીથી તાળું ઉઘાડ્યું અને સીધા પોતાના ટેબલ પાસે દોડ્યા. ટેબલ પર આમતેમ જોયું. પછી ખાનાં ઉઘાડી અંદર તપાસ કરી, પણ ઘડિયાળ ત્યાં હોય તો જડે ને! જ્યારે ઘડિયાળ ક્યાંય ન જડ્યું ત્યારે પટેલે નિસાસો નાખ્યો અને ખુરશીમાં બેસી પડ્યા.

વખત થતાં ધીમે-ધીમે નોકર, કારકુનો એકાઉન્ટન્ટ વગેરે આવવા માંડ્યા. બધાને આશ્ચર્ય થયું કે શેઠ આજે આટલા વહેલા કેમ આવ્યા છે ! પણ પૂછવાની કોઈની હિંમત ચાલે નહિ. પટેલનું મોઢું પણ એવું ઉદાસ થઈ ગયું હતું કે જાણે તેમના પિતાશ્રી આજે જ ગુજરી ગયા ન હોય !

બધાએ ધીમે-ધીમે ગુપસુપ કરવા માંડી. કાબરો કેશવ કહે કે શેઠના પિતા મરી ગયાનો તાર આવ્યો હશે ! એકાઉન્ટન્ટ બાંકુભાઈ બંદર કહે કે શેઠે કંઈ પૈસા ગુમાવ્યા હશે ! શકરાભાઈ શિયાળ કહે કે આપણે વખતસર આવીએ છીએ કે નહિ તે જોવા માટે આજે શેઠ વહેલા આવ્યા હશે ! બધા આમ વિચાર કરતા હતા, તેવામાં બકોર પટેલે ઘંટડી મારી નોકરે બોલાવ્યો. નોકર સલામ ભરીને ઊભો રહ્યો એટલે પટેલે તેને પૂછ્યું : ‘‘કાય રે, વિઠુ! માઝી ઘડિયાળ પાહિલી છે કે ?’’

‘‘કઈ ઘડિયાળ, શેઠ ?’’

પટેલ કહે : મારી સોનાની ઘડિયાળ જડતી નથી. હું હાથે બાંધું છું તે અહીં જ રહી ગઈ હોવી જોઈએ.’’

વિઠુ વાછરડાએ બન્ને હાથથી ના-ના કરતાં જવાબ આપ્યો : ‘‘ના રે, શેઠ! અહીં હોય તો મારા હાથમાં આવ્યા વિના રહે નહિ. આપ ઘેર ભૂલી ગયા હશો.’’

વિઠુના જવાબથી પટેલને સંતોષ થયો નહિ. તેમને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે પેઢીના દરેક કર્મચારીને પૂછી જોવાનો વિચાર કરી કહ્યું : ‘‘ઠીક, જા. તું બધાને અહીં મારી પાસે બોલાવી લાવ.’’

વિઠુ ગભરાતો-ગભરાતો બહાર ગયો. પટેલનો મિજાજ જાય ત્યારે એ કોઈના નહિ ! વિઠુએ બધાને ખબર આપી. બધા ગભરાવા લાગ્યા. આ તો માર્યા ઠાર ! ઘડિયાળ નહિ જડે તો શેઠ શુંનું શુંય કરી નાખશે ! સૌ ધ્રૂજતા-ધ્રૂજતા શેઠની કૅબિનમાં દાખલ થયાં.

પટેલે પોતાની બેઠક એક જુદી જ કેબિનમાં રાખી હતી. વચ્ચે મોટું ટેબલ હતું. તેમને બેસવા માટે ગોળ ફરતી ખુરશી હતી. ટેબલ ઉપર ટેલિફોન હતો તથા કેટલાંક કાગળિયાં પડ્યાં હતાં. સામે બે ખાલી ખુરશીઓ હતી. કોઈ મળવા આવે તો તેના ઉપર બેસે.

બધા કર્મચારીઓ અંદર આવી હારબંધ ઊભા રહ્યા. એક છેડે વિઠુ પણ ઊભો, જાણે કોર્ટ જોઈ લો! પટેલે બધાને કહ્યું : ‘‘મારી સોનાની ઘડિયાળ ગુમ થઈ છે. અહીં જ રહી ગઈ હતી. કોઈએ લીધી હોય તો કહી દો. હું માફી આપીશ.’’

બધાએ ડોકાં ધુણાવ્યાં. બાંકુભાઈ બંદર કહે : ‘‘શેઠ! આપને ત્યાં દસ વરસથી નોકરી કરું છું. કદી કોઈ વસ્તુ લીધી છે ?’’

કાબરો કેશવ કહે : ‘‘શેઠજી! અમને જડી હોય તો તરત આપી દઈએ. આપ બીજે ક્યાંય ભૂલી ગયા હશો!’’

બીજા કર્મચારીઓએ પણ આવા જ ખુલાસા કર્યા. શેઠ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. આ શું કહેવાય ? ઘડિયાળ જેવી વસ્તુ ઑફિસમાંથી ગુમ થાય ત્યારે થઈ રહ્યું ને ? આજે ઘડિયાળ ગઈ, તો કાલે બીજી એથી પણ ભારે વસ્તુ જાય ને ! બકોર પટેલનો મિજાજ ગયો. તેમણે ટેબલ ઉપર મુક્કી પછાડી. તેમને વિઠુ ઉપર શક આવ્યો. સાંજે એજ ઑફિસ બંધ કરતો. તાળું મારી ચાવી પોતાની પાસે રાખતો. બીજે દિવસે સવારે આવી પાછી ઑફિસ ઉઘાડતો, કચરો વાળતો અને પાણી ભરતો. પોતે ઑફિસમાં ભૂલી ગયા હોય, તો ઘડિયાળ એના હાથમાં ગયા વિના રહે ખરી ? પટેલે તરત તેને હુકમ ફરમાવ્યો :

‘‘વિઠુ! ચાલ, અત્યારે ને અત્યારે મારી ઑફિસ છોડીને ચાલ્યો જા ! ઑફિસ તું બંધ કરે છે. તારા સિવાય બીજા કોના હાથમાં ઘડિયાળ જાય ? તું ગરીબ છે એટલે એમ ને એમ જવા દઉં છું, નહિ તો પોલીસને જ સોંપી દેત.’’

વિઠુએ બહુ કાલાવાલા કર્યા, પણ પટેલે માન્યું નહિ. તેમણે તેને કાઢી મૂક્યો. બધા કર્મચારીઓ પોતાની જગ્યાએ જઈને છાનામાના કામે વળગ્યા. તેમણે અંદર-અંદર ગુસપુસ વાતો કરવા માંડી.

સાંજના પાંચ વાગ્યા. પટેલ ઘેર જવા તૈયાર થયા. જતાંજતાં તેમણે બાંકુભાઈ બંદરને કહ્યું : ‘‘કોઈ સારો નોકર હોય તો કાલે તેડતા આવજો. પ્રામાણિક જોઈએ. આપણી ઑફિસ માટે રાખી લઈશું.’’

બકોર પટેલ ટૅક્સીમાં બેસીને સ્ટેશને પહોંચ્યા અને ટ્રેનમાં બેસી ઘેર આવ્યા. ઘરમાં પેઠા કે તરત શકરી પટલાણીએ પૂછ્યું : ‘‘કેમ, ઘડિયાળ જડી ?’’

પટેલે કપડાં બદલતાં-બદલતાં જવાબ આપ્યો : ‘‘ના. પણ પેલા વિઠુ વાછરડાએ જ ઉઠાવી લીધી હોવી જોઈએ ! એ જ રોજ ઑફિસ બંધ કરે છે ને ? એ લુચ્ચાંને મેં આજે કાઢી મૂક્યો.’’

‘‘એ ઠીક કર્યું. હશે ત્યારે, હવે જીવ ન બાળતા. જીવ બાળવાથી કંઈ ઘડિયાળ પાછી આવવાની છે !’’

પટેલ ખુરશીમાં બેઠા અને બોલ્યાઃ ‘‘ઘડિયાળ ન જડી એટલે તો જીવ તો બળે જ ને ! કેવી સરસ ઘડિયાળ હતી !’’

પટલાણીએ દિલાસો આપતાં કહ્યું : ‘‘ભલે, ખોવાઈ ગઈ. એને માટે જીવ ન બળાય. એવી બીજી લાવજો. પેલા બિલ્લુકાકાને કહેજો ને, તે સરસ જોઈને કાઢી આપશે.’’

શકરી પટલાણી બોલી રહે તે પહેોલાં તો પટેલ છલાંગ મારીને ઊભા થઈ ગયા અને બોલ્યા : ‘‘હાં આવ્યું! હવે આવ્યું!’’

પટલાણી ગભરાઈ ગયાં.

‘‘શું થયું ? શું આવ્યું ?’’ એમ કહી પટલાણીએ બારી બહાર જોયું. બહાર તો કોઈ દેખાતું ન હતું. પટેલના તરફ જોયું તો તે હસતા-હસતા કૂદાકૂદ કરતા હતા! પટલાણીને કંઈ સમજણ ન પડી. તેમણે પૂછ્યું : ‘‘પણ શું આવ્યું?’’

પટેલ આનંદથી હસું-હસું થતાં બોલ્યાં : ‘‘બીજું શું આવે ? યાદ આવ્યું ! હવે યાદ આવ્યું ! ઘડિયાળ તો મેં બિલ્લુકાકાને રિપૅર કરવા આપી છે ! હું તો ભૂલી જ ગયો હતો. તેં બિલ્લુકાકાનું નામ દીધું, ત્યારે યાદ આવ્યું! બિચારો વિઠુ! કાલે મારે જાતે જઈને તેને બોલાવી લાવવો પડશે!’’

હોઠ મલકાવતા અને આનંદથી નાચતા બકોર પટેલની સામે શકરી પટલાણી જોઈ રહ્યા!

બીજે દિવસે પટેલ જાતે વિઠુને બોલાવવા તેને ઘેર ગયા. વિઠુની માફી માગી. પણ વિઠુ કેમે કર્યો માને નહિ! પટેલે તેને માંડમાંડ સમજાવ્યો. ત્યારે પાછો આવવા કબૂલ થયો.

તે દિવસે એક સરસ ઘડિયાળ મંગાવીને પટેલે વિઠુને આપી.

બકોર પટેલ આવા ભલા - નોકરની ભૂલ લાગે તો સજા પણ કરે ને પોતાની ભૂલ હતી એવો ખ્યાલ આવે તો નોકરની પણ માફી માગે !

પત્રમિત્ર પાડાલાલ !

થોડા વખતથી બકોર ૫ટેલના મનમાં એક નવા જ પ્રકારની ધૂન જાગેલી. એ ધૂન હતી પત્રમૈત્રીની ! પત્ર દ્વારા મિત્રો બનાવવા અને પોતે પણ કોઈના મિત્ર બનવું! કેટલાંક ચોપાનિયાંમાં પત્રમિત્ર વિભાગ ચલાવવામાં આવતો હતો. જેઓ પત્રમિત્ર બનવા ઈચ્છતા હોય, એમનાં સરનામાં તેમાં છપાતાં. એમના શોખ વિશેની વિગત પણ તેમાં છાપવામાં આવતી.

બકોર પટેલે આવાં ચોપાનિયાં ભેગાં કરવા માંડ્યા. એ દરેક ચોપાનિયામાં એમણે પોતાનું નામ-સરનામું છપાવ્યું. વળી એમાંથી પત્રમિત્રોનાં સરનામાં એમણે ઉતારી લેવા માંડ્યાં. પછી દરેકને એમણે પત્રો લખવા માંડ્યાં.

કેટલાંક સરનામાં તો પરદેશના હતાં. પરદેશમાં મૈત્રી બાંધવાની બકોર પટેલને વધારે ઈચ્છા હતી. આ કારણથી તેઓએ પરદેશ પત્રો લખવા માંડ્યા. પરદેશની ટપાલનો દર ઘણો ઊંચો હોય. છતાં બકોર પટેલ તો પત્રો લખ્યા જ કરે !

એમને રોજ પત્ર લખતા જોઈને શકરી પટલાણી ઊંડા વિચારમાં પડી ગયાં. એમને થયું, કે આ રોજરોજ પટેલ શું લખતા હશે ? લાવ ને, આજે તો એમને પૂછી જ જોઉં! ઑફિસનું ચડી ગયેલું કામ ઘેર લાવે છે કે શું ?

એકવાર પટેલ પત્રો લખવામાં મશગૂલ હતા. ટેબલ ઉપર ટપાલનાં કવરનો થોકડો થયો હતો. છતાં પટેલ નવાં નવાં કવર ઉપર સરનામાં કર્યે જ જતા હતા! શકરી પટલાણીએ એમને ધીમેથી પૂછ્યું : ‘‘આ બધું શું લખલખ કરો છો ? ઑફિસનું કામ ઘેર લાવો છો ?’’

પટેલે હસીને જવાબ આપ્યો : ‘‘ના, ના !’’

‘‘ત્યારે છે શું ? કંઈ સર્ક્યુલર (પરિપત્ર) જેવું મોકલો છો ?’’

પટેલ બોલ્યા : ‘‘આ તો બીજું જ છે. આ છે પત્રમિત્રોના પત્રો!’’

આમ કહીને પટેલે પત્રમૈત્રી વિશે બધી સમજ પાડી.

પટેલની વાત સાંભળીને શકરી પટલાણી તો હસવા લાગ્યાં.

‘‘ઓહોહોહોહો! તમે તો રોજ-રોજ જાણે કંકોત્રીઓ લખવા બેઠા હો એવું લાગ્યા કરે છે ! પણ તમારે હાલ જે મિત્રો છે તે ઓછા છે, કે તમે પત્રો લખીલખીને નવા મિત્રો શોધો છો ?’’

બકોર પટેલ નસકોરાં ફુલાવીને કહેવા લાગ્યા : ‘‘એમાં તને સમજ ન પડે ! આ તો બધા પરદેશના મિત્રો થવાના. આફ્રિકા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિડન, રશિયા, બેલ્જિયમ, ઈટાલી, ઓસ્ટ્રિઆ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રલિયા, જાપાન...’’

‘‘બસ, બસ, બસ, બસ! બધા દેશના નામ ન ગણાવશો! જોઉં છું કે કેટલા તમારા મિત્રોથાય છે ! મને તો લાગે છે, કે બીજાઓનું જોઈને તમને પણ એનો ચસ્કો લાગ્યો લાગ્યો છે ! પરંતુ એમ પરાણે કંઈ મિત્રો થતા હશે ?’’

શકરી પટલાણી તો બોલતાં રહ્યાં અને પટેલે પત્રો ઘસડી કાઢ્યા!

ત્યાર પછી પટેલ રોજ ટપાલની રાહ જુએ. પણ કોઈના જવાબ આવે નહિ. પટેલને જરા અચરજ થયું કે મેં આટલા બધા પત્રો લખ્યા, પણ કોઈનોય જવાબ કેમ નથી !

પણ થોડાં અઠવાડિયાં પછી બે-ત્રણ જણના જવાબ આવ્યા. એ જવાબમાં પટેલને કંઈ રસ પડ્યો નહિ. એ કાગળો તદ્દન સામાન્ય હતા. લખનારાઓએ માત્ર જવાબ આપવા ખાતર જ પોતાનુ નામ છપાય એનો બધાને મોહ વધારે હતો. બાકી ટપાલખર્ચ કરીને દરેક જણને જવાબ આપવાનું મન કોને થાય ?

પરંતુ એક દિવસ એક સુંદર કવર આવ્યું. એનો બહારનો દેખાવ જ અતિસુંદર હતો. ઉપર આફ્રિકાની ટિકિટો ચોડેલી હતી.

કવર જોઈને પટેલ નજાચી ઊઠ્યા. એમનાથી મોટેથી બોલાઈ ગયું : ‘‘એ આવ્યો!’’

શકરી પટલાણી રસોડામાં હતાં. એમણે ત્યાં બેઠેબેઠે મોટેથી જવાબ આપ્યો : ‘‘હું બોલાવતી નથી. હમણાં આવશો નહિ. જમવાનું પીરસું ત્યારે આવજો.’’

આ સાંભળીને બકોર પટેલ ફુઉઉઉઉઉ દઈને હસી પડ્યા. એમણે કહ્યું : ‘‘હું તો બીજી જ વાત કરું છું. હું તો કહું કે છું કે પત્ર આવ્યો!’’

‘‘કોનો છે ?’’

‘‘એ તો મેં હજુ ફોડ્યો નથી !’’

‘‘તમેય તાલ કરો છો તો !’’ કહેતાં શકરી પટલાણી બહાર આવ્યાં.

એમણે જોયું તો બકોર પટેલના હાથમાં સુંદર કવર હતું.

શકરી પટલાણીએ પૂછ્યું : ‘‘કોઈની કંકોત્રી આવી લાગે છે. કોની છે ?’’

પટેલ કહે : ‘‘આ તો આફ્રિકાથી કાગળ આવ્યો છે. કોઈ પત્રમિત્રનો.’’

‘‘એમ? ત્યારે જવાબ આવ્યો ખરો ! ફોડો તો ખરા ! કોનો છે ?’’

પટેલે કવર ફોડ્યું. પછી ઝટઝટ પત્ર બહાર કાઢ્યો; વાંચ્યું : ‘‘વહાલા પત્રમિત્ર-’’

શકરી પટલાણી કહે : ‘‘પહેલાં લિખિતંગ કોણ છે તે જોવું જોઈએ !’’

બકોર પટેલે પત્રને છેડે નામ વાંચ્યું અને એમનું મોઢું ખીલી ઊઠ્યું!

‘‘શું નામ છે ?’’ પટલાણીથી ન રહેવાયું.

‘‘લખનારનું નામ કહું કે ? એ લખે છે કે લિ. (‘લિખિતંગ’નું ટૂંકું રૂપ) આપનો પત્રમિત્ર પાડાલાલ!’’

‘‘પાડાલાલ!’’ પટલાણી તો નામ સાંભળતા જ હસીહસીને લોટપોટ થઈ ગયાં!

પત્રમાં લખનારનું નામ વાંચી બકોર પટેલ અને શકરી પટલાણી ખૂબ હસી પડ્યાં. થોડીવારે શકરી પટલાણી બોલ્યાં : ‘‘આ પત્ર તમે મોટેથી વાંચી સંભાવો. જોઈએ તો ખરા કે તમારા પત્રમિત્ર શું લખે છે !’’

આમ વાત ચાલતી હતી, એટલામાં બકોર પટેલના પડોશી વાઘજીભાઈ આવી પહોંચ્યા.

‘‘કેમ પટેલ સાહેબ, શાની ધમાલ ચાલે છે ? બિઝનેસમાં (ધંધામાં) કંઈ ભારે નફો થયો છે કે શું?’’

પટેલ બોલ્યા : ‘‘આવો વકીલસાહેબ, નફો તો ઘણો થયો છે !’’

‘‘કેટલો?’’

‘‘કેટલો નહિ, શેનો! મિત્રાચારીનો!’’

આમ કહી બકોર પટેલે ટૂંકમાં બધી હકીકત કહી સંભળાવી.

વાઘજીભાઈ કહે : ‘‘તમે એ પત્ર તો વાંચો.’’

પટેલે ગળું ખોંખાર્યું. પછી વાંચવા માંડ્યું :

વહાલા પત્રમિત્ર,

તમારો પત્ર મળ્યો. મને કેટલો બધો આનંદ થયો હશે એની તમને કલ્પના પણ ક્યાંથી આવે ! ઘણાં વરસોથી અમે આફ્રિકામાં આવીને વસ્યાં છીએ. રૂપિયા તો લાખ્ખો કમાયા અને હજી કમાયે જઈએ છીએ; પણ રૂપિયા કંઈ મિત્રતાની ભૂખ થોડા ભાંગવાના હતા ? હું તો મિત્રોનો ભૂખ્યો છું. જે ઈન્ડિયનો (ભારતીયો) મિત્રાચારી બાંધવાન ઈચ્છતા હોય, એમને તો શોધતો જ હતો. કોઈકોઈનાં સરનામાં મળેલાં. એમને મેં પત્ર લખેલા. પરંતુ કોઈએ જવાબ આપવાની તસ્દી લીધી નથી. તમે તો મને સામેથી પત્ર લખ્યો. એ જ બતાવે છે કે આપણી વચ્ચે ગયા જનમનો પણ સંબંધ હશે !

અહીંથી હાથીદાંત વગેરે પરદેશ મોકલવાનો વેપાર હું કરું છું. પ્રભુકૃપાએ વેપાર ધમધોકાર ચાલે છે. ખામી હતી વતનના મિત્રોની. એમાં તમારો પત્ર આવ્યો, તેથી મારો હરખ માતો નથી.

પહેલા જ પત્રમાં શું લખું ? હાલ તો વધારે નથી લખતો. પ્રથમ તમારા તરફથી વિગત જાણવા માગું છું.

પત્ર લખશો ને ?

વધુ તમારો પત્ર આવ્યા પછી લખીશ.

લિ.

તમારો પત્રમિત્ર

પાડાલાલ

કાગળ વાંચીને પટેલ તો ખુશખુશ થઈ ગયા! વાઘજીભાઈ પણ નવાઈ પામ્યા કે આ તો ભારે નસીબની વાત કહેવાય. એકાએક પત્ર મારફતે આવા લક્ષાધિપતિ (અતિ શ્રીમંત)ની ઓળખાણ થાય, એ કેવું નસીબ કહેવાય!

પટેલ તે જ દિવસે પત્રનો જવાબ લખી દીધો. એમાં પોતાના વિશે માહિતી પણ આપી દીધી.

આમ બંને જણ વચ્ચે પત્રવ્યવહાર શરૂ થઈ ગયો.

હવે બન્યું એમ કે બકોર પટેલે જે પત્ર લખેલો, તેમાં પોતાને વિષે માહિતી મોકલેલી. એમાં પોતાની જન્મતારીખ પણ લખી જણાવેલી. એના ઉપરથી પાડાલાલે બકોર પટેલની વરસગાંઠનો દિવસ શોધી કાઢ્યો. પછી બકોર પટેલને એ દિવસની આસપાસ પહોંચી જાય, એવી રીતે એક સુંદર ભેટ મોકલી. એ ભેટ બારીક નકશીકામવાળી હાથીદાંતની નાનકડી પેટી.

વાઘજીભાઈએ પેટી જોઈ અને એમને થયું કે મેં પણ આવી રીતે પત્રમૈત્રી બાંધી હોત તો કેવું સારું થાત!

પોતાના બંગલામાં પાછા જઈને એમણે તો તે જ ઘડીએ બધે થોકબંધ પત્રો લખવા માંડ્યા! પત્રમૈત્રીના પત્રો!

પેટી લઈને બકોર તો થોડુંક નાચી પણ લીધું! પછી એમને થયું કે સામે વળતી પણ કંઈક ભેટ મોકલવી જોઈએ. શી ભેટ મોકલવી એ તેમને સૂઝ્‌યું નહિ.

મોડું થવાથી તેઓ ઑફિસે ઉપર જવા તૈયાર થયા. ઑફિસ જઈને કંઈક ભેટ મોકલાવી દઈશ એમ તેમણે નક્કી કર્યું.

પણ ઑફિસ આવીને બકોર પટેલ ભૂલી ગયા! કામમાં એવા અટવાઈ ગયા કે ભેટ મોકલાવવાનું યાદ રહ્યું નહિ! યાદ આવ્યું છેક બપોર પછી!

પણ શું મોકલવું, એ કોયડો તો હજુ ઊભો જ હતો !

પટેલ વિચારે ચડ્યા : ‘‘એમને કંઈક સ્પેશ્યિલ ચીજ મોકલવી જોઈએ. પરદેશીઓ માટે પાપડ સ્પેશ્યિલ વસ્તુ ગણાય છે. પણ પાડાલાલ તો ભારતીય છે એમણે તો પાપડ જોયા જ હશે. ત્યારે રસગુલ્લાં મોકલું ? હમણાં વળી બધાં ઈડલીઢોંસા પર ચડ્યા છે. પણ એ તો રસ્તામાં બગડી જાય. ત્યાં હલવો મળતો હશે ? કડક રેવડી ? પણ એમને તો રેવડીની નવાઈ ન લાગે. પતંગ માટે દોરી ઘસાવીને ફીરકી મોકલું ? આરસપહાણનો નાનકડો તાજમહાલ મોકલ્યો હોય તો ? ખંભાતની સુતરફેણી તો બસ ખુશખુશ થઈ જાય. પણ એ સુકાઈ જાય તો ? ત્યારે અથાણાંનો એમને શોખ હશે ? ક્રિકેટ રમવાનું ભારે કિંમતનું બેટ મોકલું ? પણ એમને ક્રિકેટનો શોખ જ ન હોય તો ?’’

પટેલના મનમાં જાતજાતના વિચાર આવવા લાગ્યા. અચાનક એમને આફુસ કેરી યાદ આવી. માર્કેટમાં બહુ સરસ આફુસ કેરી મળતી હતી. પણ એ તો ઍરોપ્લેન મારફત મોકલી હોય તો જ સારી સ્થિતીમાં પહોંચે.

બકોર પટેલે ઍરોપ્લેન કંપની ઉપર ટેલિફોન કરી જોયો. ખાસ પ્રકારની ઠંડકવાળી પેટીમાં કેરી મોકલવાનો ખર્ચ દરેક નંગે કેટલા રૂપિયા આવશે, એ જાણી લીધું. પટેલે આફુસ કેરીઓ જ મોકલાવાનું નક્કી કર્યું. માર્કેટમાંથી પચ્ચીસ કેરીઓ એમણે મંગાવી લીધી. અને હવાઈ માર્ગે રવાના કરાવી દીધી! લખ્યું : પત્રમિત્ર પાડાલાલને બકોર પટેલ તરફથી સપ્રેમ ભેટ !

પાડાલાલને આફુસ કેરી બરાબર સારી રીતે પહોંચી ગઈ. વળતી ટપાલે એમનો પત્ર આવ્યો.

બકોર પટેલ કવર જોઈને જ સમજી ગયા, કે પત્ર પાડાલાલનો છે ! એમણે પત્ર ઝટઝટ વાંચવા માંડ્યો :

પ્રિય સ્નેહીશ્રી,

આપે આટલી બધી તસ્દી શા માટે લીધી ? વસરગાંઠની ખુશાલીમાં મેં ડબ્બી મોકલેલી, એનો બદલો વાળ્યો ? ભલા મિત્ર, તમે ખૂબ ખર્ચ કરી નાખ્યો, તે વાજબી કર્યું નહિ. મેં તો મારી ફરજ બજાવેલી.

આ તરફ ક્યારે પધારો છો ? મને ફોનથી સમાચાર આપશો. હું મોટર લઈને ઍરપોર્ટ પર આપને લેવા આવીશ. આપ પધારશો તો અમને બહુ જ આનંદ થશે. અત્રે થોડાક વેપારીમિત્રોને મેં આપને વિશે વાત કરી છે. એ સૌ પણ આપની સાથેનો મારો સંબંધ જાણી બહુ રાજી થયા છે.

વળતા જવાબની આશા રાખું છું.

લિ. પાડાલાલના જય જય

પત્ર વાંચીને બકોર પટેલ ખૂબ હરખાઈ ગયા. એમને સંતોષ થયો કે આખરે એક સારા અને શ્રીમંત પત્રમિત્ર સાથે સંબંધ બંધાયો ખરો.

પછી તો પત્રવ્યવહાર જોરશોરથી ચાલવા માંડ્યો. સામસામા બન્ને જણના પત્રો આવવા લાગ્યા. એમનો સંબંધ વધતો ગયો. એમની મૈત્રી ગાઢ બનતી ગઈ.

પાડાલાલ વારંવાર બકોર પટેલને આફ્રિકા આવવાનું આમંત્રણ આપ્યા કરે. આ બાજુ બકોર પટેલ વેપારધંધામાં ગૂંથાયેલા, તેથી એમને આફ્રિકા જવાનો સમય મળે નહિ. પણ લખાણપટ્ટી તો ચાલુ જ રહી!

પણ એકવાર બકોર પટેલને પાડાલાલનો પત્ર મળ્યો તેથી એ ખૂબ રાજીરાજી થઈ ગયા.

પાડાલાલ પોતે ભારત આવવાના હતા. આ રહ્યો અમેનો પત્ર :

પરમ સ્નેહીશ્રી,

આપનો પત્ર મળ્યો, તમને એક શુભ સમાચાર આપવાના છે. મારું આમંત્રણ સ્વીકારીને તમે તો અત્રે આવ્યા નહિ, પણ મારે એકાએક ત્યાં આવવાનું નક્કી થયું છે.

બાબત એમ છે કે, અત્રે એક વેપારી ભાઈ છે. તેઓના એક અટપટા કેસ માટે દિલ્હી ખાતે મળવાનું છે. વિદેશખાતાની ઑફિસમાં જઈને બધાં પેપર્સ રજૂ કરવાનાં છે. તેઓ પોતે માંદા છે. એટલે આવી શકે તેમ નથી. મારો એમની સાથેનો સંબંધ એવો છે, કે એમનું કરવું જ પડે. તેથી હું આપનાં દર્શને આવું છું.

લિ.

આપનો

પાડાલાલ

બકોર પટેલે શકરી પટલાણીને વધામણી આપી.

સમાચાર સાંભળી શકરી પટલાણી વિચારમાં પડી ગયાં. થોડીવારે તેઓ બોલ્યાં : ‘‘પાડાલાલ આવે તે સામે કંઈ વાધો નથી. પરંતુ તેમની સરભરા (આદર-સત્કાર) કરવાનું મુશ્કેલ બનશે.’’

‘‘મુશ્કેલ તો ખરું જ. પણ આપણે થોડા દિવસ સાચવી લેવાનું.’’

‘‘પણ એમના જેવા શ્રીમંત વ્યક્તિ આવે, ત્યારે તો ઘણું જ સાચવવું પડે. તમે એમ કરજો. ઑફિસેથી નોકર વિઠુને પણ કામકાજ માટે અહીં બોલાવી લેજો. ને જુઓ, બધી ચાદરો બદલવા જેવી થઈ ગઈ છે. સોફાના કવર પણ મેલાં થઈ ગયાં છે. બારીઓના પડદા પણ બહુ સમય ઉપરના છે. એ બધું નવું લાવજો. જોકે રસોઈ બનાવવાનું મને જ મન છે; છતાં એક મહિના માટે કોઈ રસોઈયાનું નક્કી કરી લાવજો. આપણો પંખો બહુ અવાજ કરે છે. એ પંખો બદલવાનો જ છે, તો આ વખતે જ બદલાવી લેવો સારો. વળી બાગમાં ગુલાબના ફુલના કુંડાને નુકસાન પહોંચ્યું છે ચાર-પાંચ નવાં કુંડા પણ મંગાવી લેજો. વળી ભેગાભેગ તમારી નેઈમ પ્લેટ નવી જ તૈયાર કરાવો તો ? કેટલાં બધા વરસથી એની એ નેઈમ પ્લેટ ચાલે છે! નાહવાના થોડા કિમતી સાબુ લાવી રાખજો. ટીવી પણ સરખું ચાલતું નથી. તેનું રિપેરિંગ પણ સાથેસાથે થઈ જાય તો સારું.’’

‘‘ઓહોહોહોહો!’’ પટેલે મોઢું પહોળું કરીને બોલી ઊઠ્યા : ‘‘તેં તો બે મિનિટમાં મોટું અંદાજપત્ર રજુ કરી દીધું! અને તોય એવી ખૂબીથી, કે એકેય બાબતની ના પડાય નહિ!’’

‘‘પણ તેમાં હું શું કરું ? શ્રીમંત વ્યક્તિ સાથે અમસ્તો થોડો સંબંધ રહે છે ! વળી, તેઓ આપણે ત્યાં આવવાના હોય, ત્યારે વધારેમાં વધારે આપણે જ મૂંડાઈ જવું પડે છે!’’

‘‘ઠીક ભાઈ, ઠીક! જે કંઈ કરવાનું છે એમાં કંઈ છૂટકો છે ! આ બધી વસ્તુઓ માટે આજે જ ગોઠવણ કરી લઉં છું.’’

બકોર પટેલે ઓફિસે પહોંચી ધમાધમ કરી મૂકી. એકાઉન્ટન્ટ બાંકુભાઈને અમુક ચીજો મગાવી લેવા સુચના કરી. ઈલેક્ટ્રિક સાધનોનું કામ કરનારને ટેલિફોન કરી નાખ્યો; ગુલાબના કૂંડાં માટે ફ્લાવર નર્સરીને ફોનથી ખબર આપી દીધી; નેઈમ પ્લેટ માટે કંપનીવાળાને રૂબરૂમાં બોલાવ્યો; પિત્તળના પતરાની નાનકડી ચળકતી પ્લેટ તૈયાર કરી એના ઉપર નામ લખવાની એમને સમજ પાડી; સોફા ઉપર કવર ચડાવનારને પોતાના બંગલાનું સરનામું આપી દઈ બંગલે બોલાવ્યો. સારા રસોઈયા માટે ખુશાલબહેનને પૂછવાનું રાખ્યું.

આમ ધાર્યા કરતાં વધારે ઝડપથી પટેલે પાડાલાલના સત્કાર માટે તૈયારી કરી નાખી.

આખરે પાડાલાલની સવારી આવી પહોંચી. બકોર પટેલ એમને લેવા માટે ઍરપોર્ટ પર ગયા. પાડાલાને ઓચિંતા આવવાનું થયેલું, તેથી તેઓ પોતાનો ફોટો મોકલી શકેલા નહિ, પટેલ પણ પોતાનો ફોટો પાડાલાલ પર મોકલી શકેલા નહિ, આથી પાડાલાલને એકદમ ઓળખવા કેવી રીતે ?

પણ બકોર પટેલે એક યુક્તિ કરી. જે પેસેન્જર ત્યાંથી પસાર થાય, એમની સામે જોઈ પટેલે પૂછવા માંડ્યું :

‘‘મિ. પાડાલાલ?’’

સામી વ્યક્તિ પાડાલાલ ન હોય, એટલે ડોકું ધુણાવીને ચાલી જાય. વળી કોઈ ઉતારુ સહકુટુંબ હોય, તો પટેલ એને કંઈ પૂછે જ નહિ.

પણ આમ કરતાં-કરતાં ભારે ગમ્મત થઈ. આ પ્લેનમાં પાડાલ નામનો એક પેસેન્જર આવ્યો હતો. એણે કોટ-પેન્ટ અને ટાઈ પહેરેલાં એના હાથમાં એક બૅગ હતી. એ જેવો આવ્યો કે તરત પટેલે તેને પૂછ્યું :

‘‘મિ. પાડાલાલ?’’

પેલો પાડાલ વિચારમાં પડી ગયો. એ એમ સમજ્યો, કે પોતાને લેવા માટે કોઈ સામે આવ્યું લાગે છે ! એ કોઈ કંપનીની ઑફિસે જવાનો હતો.

મિ. પાડાલે અંગ્રેજીમાં જવાબ આપ્યો :

‘‘યસ ! આઈ એમ પાડાલ!’’ (હા, હું પોતે જ પાડાલ છું.)

બકોર પટેલ તો સમજ્યા કે આ જ પાડાલાલ છે ! એમણે તો ઝટ દઈને મિ. પાડાલનો હાથ પકડી લીધો. એની સાથે ખૂબ પ્રેમથી હસ્તધૂનન કર્યું! વળી એમને લાગ્યું કે પાડાલાલ અંગ્રેજીમાં બોલ્યા એટલે પોતે પણ અંગ્રેજીમાં બોલવું જોઈએ ! તેથી એમણે પણ અંગ્રેજીમાં ફેક્યું : ‘‘તમને મળીને મને ઘણો જ આનંદ થયો. ચાલો, સામે આપણી ટૅક્સી ઊભી છે. તેમાં બેસી જઈએ.’’

પેલો કહે : ‘‘હા, ચાલો.’’

બન્ને જણની વાતચીત અંગ્રેજીમાં થતી હતી.

‘‘લાવો, તમારી બેગ મારી પાસે.’’ કહીને બકોર પટેલે વિવેક બતાવવા માટે મિ. પાડાલની બૅગ પોતે ઊંચકી લીધી. પછી ટૅકસી તરફ બંને જણ ચાલ્યા.

તેઓ થોડાંક ડગલાં ચાલ્યા હશે, ત્યાં તો કોઈએ બકોર પટેલના ખભા ઉપર હાથ મૂક્યો.

પટેલ ચમક્યા. એમણે પાછળ જોયું તો બે જણ ઊભા હતા.

એમાંથી એક જણે પોતાનું કાર્ડ બતાવીને કહ્યું : ‘‘અમે કસ્ટમ ઑફિસરો છીએ. માફ કરજો; પણ તમારી પાસે આ બૅગ છે, એ અમારે તપાસવી છે.’’

‘‘પ...ણ...પ...ણ એ બૅગ તો...’’

‘‘ના ચાલે, સાહેબ! ડ્યુટી (વેરો-ટેક્સ) ભર્યાં વગરનો કોઈ માલ હોય તો અમારે જોવો પડે. કાયદાને માન આપો, મહેરબાન!’’

બકોર પટેલે મિ. પાડાલ તરફ જોયું. પાડાલે ઠાવકું મોઢું રાખી જવાબ આપ્યો : ‘‘બૅગ ખુલ્લી જ છે. એને ચાવી લાગવી નથી. આપ ઘણી ખુશીથી બૅગ તપાસી શકો છો.’’

અમલદારોએ પટેલના હાથમાંથી બૅગ લીધી. પછી એને ઉઘાડીને અંદરની ચીજો તપાસવા માંડી.

બધું આમતેમ ફેરવી જોતાં કંઈ વાંધાભરેલું દેખાયું નહિ. અચાનક એક અમલદારની નજર બૅગના હૅન્ડલ પર પડી. એ હૅન્ડલ ચામડાનું હતું. પણ એને તાજું જ સાંધ્યું હોય, એવું લાગતું હતું !

ઑફિસરે હૅન્ડલને હલાવી જોયું, પછી ખિસ્સામાંથી બ્લેડ કાઢીને કાપો મૂક્યો. જેવો કાપો મૂક્યો કે અંદર રૂ દેખાયું. રૂ બહાર ખેંચી કાઢતાં જ અંદરથી ચમકતા હીરાઓનાં નંગ બહાર સરી પડ્યાં!

ડ્યુટી ભર્યા વગરના લાખોના હીરા ! મિ. પાડાલનું મોં એકદમ પડી ગયું! બકોર પટેલ તો આભા જ બની ગયા ! પણ તેઓ બંને જણ કંઈ બોલે, એ પહેલાં તો પેલા બે ઓફિસરોએ કંઈ ઈશારત કરી. દૂર ઊભેલા પોલીસો આ બધું જોતા ઊભા હતા. તેઓ એકદમ નજીક આવી ગયા. એમણે બકોર પટેલને અને મિ. પાડાલને પકડી લીધા!

આજુબાજુ રાહદારીઓનું મોટું ટોળું એકઠું થઈ ગયું. તમાશાને કંઈ તેડું હોય ? કેટલાક જણ તો ‘‘હો...ઓ...ઓ...ઓ....ઓ....’’ કરીને ચિચિયારીઓ પાડવા માંડી!

બકોર પટેલે ઑફિસર પાસે ખુલાસો કરવા માંડ્યા : ‘‘હું...તો...હું...તો કંઈ જાણતો નથી! આ બૅગ મારી નથી. હું તો મારા દોસ્ત મિ. પાડાલાલને તેડવા આવેલો. એ આવા ધંધા કરતા હશે, એની મને ખબર નહોતી. મારે ને અમને તો માત્ર પત્રમૈત્રીની ઓળખાણ છે!’’

અમલદારે હસીને જવાબ આપ્યો : ‘‘બધા જ ગુનેગારો આવાં બહાનાં કાઢે છે! છતાં આપ નિર્દોષ હશો તો આપને છોડી દેવામાં આવશે. બાકી બૅગ આપના જ હાથમાં હતી. તેથી મુદ્દામાલ તો આપની પાસેથી જ મળ્યો ગણાય !’’

હવે વાત એમ બની, કે અસલ પાડાલાલ પણ ટોળામાં જ હતા. એમણે બકોર પટેલ માટે તપાસ કરી, પણ પટેલ તો કંઈ દેખાયા નહિ. પટેલ મિ. પાડાલને લઈને તરત નીકળી ગયેલા, તેથી એમનો મેળાપ કેવી રીતે થાય ? અને પછી થાકીને પાડાલાલે ચલાવા માંડેલું એમણે વિચાર કરેલો કે જરાક આગળ જઈને પછી ટેક્સી કરી લઈશું. પછી બકોર પટેલને ત્યાં પહોંચી જઈશું પણ બહાર મોટું ટોળું જમા થયેલું એમણે જોયું, ને તેઓ પણ ટોળા પાસે ગયા.

પરંતુ વાતચીત ઉપરથી એમને વહેમ પડ્યો, કે પેલા પકડાયેલ મહેરબાન બકોર પટેલ પોતે જ હોવા જોઈએ! તેઓ છેક આગળ આવ્યા. પછી પટેલ તરફ જોઈને એમણે પૂછ્યું : ‘‘આપનું નામ બકોર પટેલ ?’’

‘‘હા. આપ?’’

‘‘હું પાડાલાલ પોતે!’’

પટેલ ચમક્યા. એમને થયું કે ત્યારે પોતે વળી કોને પકડીને ચાલ્યા હતા! વળી પાડાલાલના હાથમાંની બૅગ ઉપર એમની નજર પડી. બૅગ ઉપર મોટા અક્ષરે પાડાલાલનું નામ લખેલું હતું.

પટેલે મિ. પાડાલ તરફ જોઈને પૂછ્યું : ‘‘તમે મિ. પાડાલાલ કે, આ વાત કરે છે તે મિ. પાડાલાલ?’’

મિ. પાડાલે જવાબ આપ્યો : ‘‘હું પાડાલાલ નહિ પણ પાડાલ છું! મેં તમને મારું નામ તો પહેલેથી જ કહેલું, પણ તમે મને અહીં ખેંચી લાવ્યા!’’

મિ. પાડાલનો ખુલાસો સાંભળી બકોર પટેલને બધું સમજાઈ ગયું. કસ્ટમના ઑફિસરો પણ આ બધું સાંભળતા હતા. એમને પણ લાગ્યું કે કંઈ આંધળે બહેરું કુટાયું લાગે છે !

એમણે પાડાલાલને પૂછ્યું : ‘‘ક્યાંથી આવો છો ? આમને ઓળખો છો ?’’

‘‘હું આફ્રિકાથી આવું છું. અમારે પત્રમૈત્રી દ્વારા પરિચય થયો છે. રૂબરૂમાં આજે જ મળ્યા. હું એમને જ બંગલે જવાનો હતો!’’

બકોર પટેલ કહેવા લાગ્યા : ‘‘હું આ મારા મિત્ર પાડાલાલને જ લેવા આવેલો. દરેકને ધીમે સાદે પૂછતો પણ હતો. એમાં આ મિ. પાડાલ મળી ગયા! હું તો એમને જ ‘‘પાડાલાલ’’ સમજ્યો!’’

ઑફિસરને જરા હસવું આવ્યું. એમણે મિ. પાડાલને પૂછ્યું :

‘‘તમે આમને ઓળખતા નથી ?’’

‘‘નાજી, એમના સાંભળવામાં ભૂલ થઈ ગઈ, તેથી મને પાડાલાલ સમજી બેઠા. મેં જાણ્યું કે મને લેવા માટે આવ્યા હશે!’’

ઑફિસરને ખાતરી થઈ ગઈ કે બકોર પટેલ તો વચ્ચે નકામા ભેરવાઈ પડ્યા લાગે છે! છતાં પટેલનું સરનામું લઈ લીધું. પછી એમને જવા દીધા.

મિ. પાડાલાલને લઈને પટેલ મોટરમાં બેઠાં.

‘‘હા....શ! મને થયું કે પાડાલાલે આ શો ગજબ કર્યો!’’

પાડાલાલે જવાબ આપ્યો :

‘‘મને એવો સમજો છો, પટેલસાહેબ ? હું તો તરત ડ્યુટી ભરી દઉં. આવા ધંધા કદી ન કરું.’’

‘‘એ તો તમારા પત્રો ઉપરથી મને લાગ્યું હતું જ!’’

આમ વાતો કરતાં-કરતાં તેઓ આગળ વધ્યા. આખરે પટેલનો બંગલો આવી ગયો.

શકરી પટલાણીએ પાડાલાલનું સ્વાગત કર્યું. ચાપાણી પિવાઈ રહ્યા. પાડાલાલ નાહીધોઈને પરવારી ગયા. પછી બકોર પટેલ એમની સાથે વાતોએ ચડ્યા.

પાડાલાલ આવવાના છે, એની વાઘજીભાઈને ખબર હતી. તેઓ પણ થોડીવારે આવી પહોંચ્યા. બકોર પટેલે એમની ઓળખાણ કરાવી : ‘‘આ છે મારા મિત્ર શ્રી વાઘજીભાઈ વકીલ!’’

પાડાલાલે અને વાઘજીભાઈએ સામસામા હાથ મિલાવ્યા. પછી વાઘજીભાઈ પણ વાતોમાં જોડાયા.

પાડાલાલને માટે ખાસ શિખંડ, પૂરી અને બટાકાવડાનું જમણ કરવામાં આવ્યું હતું. જમવાનો સમય થતાં પટેલે વાઘજીભાઈને પણ આગ્રહ કર્યો અને બધા સાથે જમવા બેઠા.

‘‘ઓહોહો! મારે માટે આટલી બધી ધમાલ કરવાની હોય ?’’ શિખંડ જોઈને પાડાલાલ બોલ્યા.

‘‘એમાં ધમાલ શેની ? આ તો ખાસ કંઈ જ કર્યું ન કહેવાય!’’

વાઘજીભાઈ બોલ્યા : ‘‘કાલે આપણે ત્યાં જમવાનું રાખજો!’’

પાડાલાલ બોલ્યા : ‘‘કાલે તો મારે દિલ્હી જવું છે. ખાસ અગત્યનું કામ છે. તેથી તો હું ઈન્ડિયા આવ્યો છું. દિલ્હીથી આવ્યા પછી તમારી મહેમાનગતિ માણીશ!’’

એ દિવસે સાંજે ફિલ્મ જોવા જવાનું નક્કી થયું. પાડાલાલે વાઘજીભાઈ તથા વીજકોરબહેનને પણ સાથે લીધાં. શકરી પટલાણી તો ખરાં જ. અને બધાંની ટિકિટોના પૈસા પાડાલાલે આપ્યા. એમણે કોઈને પૈસા ખર્ચવા ન દીધા.

બીજે દિવસે તેઓ દિલ્હી ઊપડી ગયા. પાડાલાલ જેવા શ્રીમંત સાથે ઓળખાણ થઈ, તેથી વાઘજીભાઈ પણ આનંદમાં આવી ગયા હતા. તેઓ રોજ સાંજે પટેલને ત્યાં આવતા અને બન્ને જણ પાડાલાલની જ વાતો કરતા.

આખરે પાડાલાલ દિલ્હીથી પાછા આવી ગયા. પરંતુ આ વખતે તેઓ જરા ગંભીર દેખાતા હતા.

રાત્રે જમ્યા બાદ એમણે પટેલ સમક્ષ બધો ખુલાસો કરવા માંડ્યો : ‘‘પટેલ સાહેબ, દિલ્હી ખાતે કામ તો સફળ થઈ ગયું, પણ એક વાત બાકી રહી.’’

‘‘કઈ ?’’

‘‘લાઈસન્સ તો મળી જશે. પણ એંશી હજાર રૂપિયા ઑફિસરને ખાનગીમાં આપવા પડે તેમ છે.’’

‘‘એમ ?’’

‘‘હા, હવે તકલીફ એ છે કે, મને ખબર હોત તો આટલી રકમ હું મારી સાથે જ લેતો આવત. આફ્રિકા પાછો પહોંચી જાઉં, પછી તો પૈસાનો સવાલ જ રહે નહિ. પણ અહીં...’’

પટેલ બોલી ઊઠ્યા : ‘‘તેમાં મૂંઝાઓ છો શા માટે ? એંશી હજારની ગોઠવણ હું તમને કરી આપીશ.’’

‘‘તો તો તમારો ઉપકાર. બાકી તમારી પાસે તાત્કાલિક સગવડ ન પણ હોય, એ કારણથી...’’

‘‘કંઈ નહિ. કાલે ઊઘડતી બેંકે તમને લાવી આપીશ.’’

‘‘તો તો બહુ સરસ! તો પછી હું કાલના પ્લેનમાં જ પાછો દિલ્હી જાઉં. બધું પતાવી આવું.’’

આમ બધું નક્કી થઈ ગયું. બીજે દિવસે બકોર પટેલ સાથે પાડાલાલ બૅંકમાં ગયા. ત્યાંથી એંશી હજારની રકમ એમણે લીધી. ત્યાર બાદ પટેલ ઑફિસે ગયા અને પાડાલાલ બંગલે પાછા આવ્યા.

પાડાલાલ જરા વહેલા નીકળવાના હતા. શકરી પટલાણીએ બે વાગ્યે ચા કરી. એ દિવસે વાઘજીભાઈ ઘેર જ હતા. તેથી એમને પણ ચા પીવા બોલાવ્યા.

બપોરે પાડાલાલ દિલ્હી જવા માટે વિદાય થયા.

તે રાત્રે પાછા વાઘજીભાઈ બકોર પટેલને ત્યાં આવ્યાં. પટેલને થયું કે પોતે પાડાલાલ જેવા શ્રીમંતને મદદરૂપ થઈ શક્યા એ બાબત વાઘજીભાઈને કહેવી જોઈએ ! આ કારણથી એમણે વાઘજીભાઈને બધી હકીકત ગર્વભેર કહી સંભળાવી.

પણ આ સાંભળીને વાઘજીભાઈ ચમકી ઊઠ્યા. એમણે કહ્યું : ‘‘એમ બાબત છે ? પણ ત્યારે પાડાલાલ તો મારી પાસેથી પણ વીસ હજાર રૂપિયા લઈ ગયા છે!’’

‘‘હેં ? ક્યારે ?’’ પટેલ એકદમ ચમકી ગયા.

‘‘આજે જ! આજે બપોરે ! હું એમની સાથે અહીં ચા પીવા આવ્યો...’’

‘‘પછી ?’’

‘‘પછી મને કહે, કે વાઘજીભાઈ ! વીસેક હજાર રૂપિયાની સગવડ થઈ શકશે ? આજે સવારે જ મારું પાકીટ પડી ગયું. મારે દિલ્હી જવું છે. હવે હું પટેલસાહેબની પાસે ક્યાં માગવા જાઉં?’’ બંને જણા ઊંડા વિચારમાં પડી ગયા. પટેલને વહેમ પડ્યો, કે પાડાલાલે બધી બનાવટ તો નહિ કરી હોય?

વાઘજીભાઈ કહે : ‘‘આપણે એમની રાહ જોઈએ. દિલ્હીથી એ પાછા આવે છે કે નહિ તે જોઈએ. પછી કંઈક કરીએ.’’

પણ પાડાલાલ પાછા શાના આવે ? એક અઠવાડિયું વીતી ગયું. પછી પાડાલાલે આપેલા નંબર ઉપર બકોર પટેલે આફ્રિકા ફોન કર્યો. સામેથી કોઈકે કહ્યું કે અહીં પાડાલાલ નામનો કોઈ બેકાર રહેતો હતો... પણ એક વરસનું ભાડું ચડાવીને છૂ થઈ ગયો છે !

જવાબ સાંભળીને બકોર પટેલ દુઃખી દુઃખી થઈ ગયા. વાઘજીભાઈએ એમને બરડે હાથ ફેરવતાં કહ્યું :

‘‘પટેલસાહેબ ! એમ સમજ્જો કે એંશી હજાર ખર્ચીને એક નવો પાઠ શીખ્યા! તમારી સાથે હું પણ વીસ હજારમાં નાહ્યો જ ને ! મારા જેવા વકીલ પણ આખરે મૂંડાઈ ગયો !’’

હવે બકોર પટેલના મોં ઉપર તેજી આવી. એમણે હસતાંહસતાં કહ્યું : ‘‘જબરો નીકળ્યો એ પત્રમિત્ર પાડાલાલ! એણે પઢાવેલો પાઠ તો આપણને જિંદગીભર યાદ રહેશે !’’

બીજા રસપ્રદ વિકલ્પો