Bakor Patel - Chhabarada Dr. Hariprasad Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bakor Patel - Chhabarada

બકોર પટેલ

છબરડા

હરિપ્રસાદ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧. તાળાનો તરખાટ

ર. ખુરશી-ઝૂલણું !

૩. ડાહ્યાઓના ડૉક્ટર !

૪. રૂમાલની ધમાલ !

પ. લટકણિયું !

૬. ચક્કર-ભમ્મર !

૭. પટેલનું પોટલું !

તાળાનો તરખાટ

એક-બપોરે શકરી પટલાણી પોતાના બંગલામાં ચા પીતાં બેઠાં હતાં. થોડીવારે ટેલિફોનની ઘંટડી વાગી : ‘ટનનનનન !’

પટલાણીએ ઊઠીને રિસીવર ઉપાડ્યું.

“હલ્લો ! કોણ છો આપ ?”

“હું શકરી પટલાણી.”

“શકરીબહેન કે ? હું બિલ્લીગૌરી ! જુઓ શકરીબહેન, હું આજની ટ્રેનમાં બહારગામ જવાની છું. તમારે પેલી રેશમી સાડી મોકલવી હોય, તો હમણાં જ મારે ત્યાં મોકલો.”

“હમણાં જ ?”

“હા. હમણાં ને હમણાં જ ! પછી મારે બજારમાં જવું છે. ઘેર કોઈ નહિ હોય.”

“પણ આજે ખુશાલબહેન તો આવ્યાં નથી...હશે... હું પોતે જ સાડી લઈને આવું છું.”

“વારુ; જલદી આવો ! વાર (મોડું) કરશો નહિ.”

પટલાણીએ રિસીવર મૂકી દીધું. ઝટઝટ ચા પી લીધી. એમનાં બહેનને માટે સાડી મોકલવાની હતી. બિલ્લીગૌરી ત્યાં જવાનાં હતાં, એટલે પટલાણીએ કબાટ ઉઘાડી સાડી ખોળવા માંડી.

પણ કહેવત છે ને કે ‘ઉતાવળા સૌ બાવરા, ધીરા સો ગંભીર !’ પટલાણી જેમ ઉતાવળ કરે, તેમ સાડીનો પત્તો ન ખાય ! સાડી પર પોતે ટુવાલ લપેટેલો, એ વાત ભૂલી ગયેલાં. એટલે ઇસ્ત્રીવાળાં કપડાં ઊંચાં કરે ને સાડી ખોળે. પછી જડે જ શેની !

પટલાણી કંટાળ્યાં. મોડું થતું હતું. ઉતાવળમાં ને ઉતાવળમાં એમણે કબાટમાંથી કપડાં કાઢી કાઢીને નીચે નાખ્યાં. નીચે કપડાંનો ખાસ્સો મોટો ઢગલો થઈ ગયો. એટલામાં ટુવાલમાં વીંટેલી પેલી સાડી હાથ આવી.

“હાશ...શ !” કહી પટલાણીએ સાડી થેલીમાં નાખી. પછી ઝટઝટ ચાલવા ગયાં. ત્યાં ચાના રકાબી-પ્યાલા ઉપર ખુરશી ગબડી. રકાબી-પ્યાલાના ટુકડેટુકડા થઈ ગયા!

‘હશે, આ બધું આવીને ગોઠવીશ.’ પટલાણી મનમાં બબડ્યાં. પછી તાળં શોધવા માંડ્યું, તો તાળું જ ન જડે !

ઘરમાં બીજું તાળું હતું, પણ એ બંગલાનાં બારણાંના નકૂચામાં આવે તેવું ન હતું. નકૂચો નાનો પડતો હતો. હા, તાળું પાછલે બારણે મારી શકાય તેવું હતું ખરું.

પટલાણીએ ઝડપથી મનમાં નક્કી કરી લીધું. બંગલાનાં આગલાં બારણાંને અંદરથી સાંકળ વાસી. પછી પાછલે બારણે તાળું માર્યું ને બિલ્લીગૌરીને ત્યાં જવા ઊપડ્યાં.

પણ પછી બડી ગમ્મત થઈ. એ દિવસે બકોર પટેલ પેઢીએથી વહેલા ઘેર આવ્યા. આવીને જુએ છે, તો બંગલાનું આગલું બારણું અંદરથી બંધ ! પટલાણી કદાચ ઊંઘી ગયાં હશે, એમ સમજી પટેલે બારણું ઠોક્યું : “એ...ઉઘાડજો ! એ...એઈ ! બારણાં ઉઘાડજો!”

પણ બંગલામાં કોઈ હોય, તો બારણાં ઉઘાડે ને !

“ઉઘા...ડો !” કહી પટેલે બારણાંને ધક્કો માર્યો. “વાહ ભાઈ ! આ તો ખરી ઊંઘ કહેવાય !”

પણ પટેલને કંઈ જવાબ ન મળ્યો ! પટલાણીની ઊંઘ આવી ન હતી ! પટેલ હવે ગભરાયા. બારણાં પાસે સળિયાવાળી બારી હતી. પટેલે બારી પાસે આવી, તેનાં બારણાં ધકેલ્યાં, તો તે બારણાં ઊઘડી ગયાં ! અંદરનો દેખાવ જોઈ પટેલના પેટમાં ફાળ પડી ! થર...થર...થર ધ્રૂજવા લાગ્યા !

આ શું ? કબાટ સાવ ઉઘાડું ! અંદરના કપડાં વેરવિખેર પડેલાં ! ખુરશી ગબડી પડેલી ! રકાબી-પ્યાલા ફૂટી ગયેલાં ! પટેલના મોતિયા મરી ગયા. એમને લાગ્યું કે નક્કી કોઈ બદમાશોએ પટલાણી ઉપર હુમલો કર્યો હશે, ને ઘરમાં લૂંટ કરી હશે. વળી, અંદરથી સાંકળ વાસેલી છે, એટલે હજી બદમાશો અંદર હશે ને બીજા ઓરડા તપાસતા હશે ! હવે શું કરવું ?

પટેલ ઢીલા થઈ ગયાં. અચાનક વિચાર આવતાં તેઓ પહોંચ્યા વાઘજીભાઈ વકીલને બંગલે. વાઘજીભાઈ હજુ આવ્યા ન હતા, પણ વીજકોર ઘેર હતાં. પટેલને આવે વખતે જોઈને એ વિચારમાં પડી ગયાં.

“પટેલસાહેબ ! તમે અત્યારે ક્યાંથી ?”

પટેલમાં તો બોલવાના હોશ ન હતા. થરથર ધ્રૂજતાં-ધ્રૂજતાં એમણે બધી હકીકત જણાવી. વીજકોર પણ ગભરાઈ ગયાં. એમના પગ પણ ધ્રૂજવા લાગ્યા.

પટેલે પોલીસચોકી પર ટેલિફોન જોડ્યો :

“કોણ, ફોજદારસાહેબ કે ?”

“હા, તમે કોણ ?”

“હું બકોર પટેલ.”

“ઓહો, પટેલસાહેબ ! કેમ છો ?” ફોજદારે પટેલને ઓળખતાં જ પૂછ્યું. પટેલે ટૂંકમાં બધું કહી સંભળાવ્યું.

“તમે બંગલા આગળ જ ઊભા રહો. હું હમણાં જ પોલીસો સાથે

આવી પહોંચું છું.” ફોજદારે જવાબ આપ્યો.

પટેલે ટેલિફોનનું રિસીવર મૂકી દીધું, એટલે વીજકોરે કહ્યું : “ચાલો, હું પણ આવું છું.”

પટેલ તથા વીજકોર બંગલા પાસે આવ્યાં. પડોશીઓએ વાત જાણી, એટલે એ પણ આવીને ઊભાં રહ્યાં. રસ્તે જનારાંઓ પણ “શું છે ? શું છે ?” કરતાં ટોળે વળ્યા. મોટું ટોળું એકઠું થઈ ગયું !

થોડીવારે ફોજદાર આવી પહોંચ્યા; સાથે ડાઘિયા જમાદાર, કાળિયા હવાલદાર અને પોલીસ ટુકડી હતી.

ફોજદારને ‘જયહિન્દ’ કરીને પટેલ બારી પાસે લઈ ગયા ને કહેવા લાગ્યા : “જુઓ સાહેબ, અંદર આ મામલો છે !”

“કબાટ આખું ફેંદી નાખ્યું લાગે છે !” ફોજદારે ઉઘાડું કબાટ જોઈ કહ્યું.

“હા. અને ઝપાઝપી પણ થઈ લાગે છે. પેલી ખુરશી ફેંકી હોય તેમ લાગે છે. પ્યાલા પણ ફૂટી ગયા છે !”

હવે ફોજદારે બારણું ઠોકી મોટેથી બૂમ પાડી : “જે હોય તે બારણાં ખોલો !”

કંઈ જવાબ મળ્યો નહિ. હવે ? ફોજદાર કહે : “બારણું તોડી નાખવું પડશે.”

પટેલ બોલ્યા : “ભલે, પણ ઝટ કરો ! પટલાણીની જિંદગી જોખમમાં લાગે છે.”

ફોજદારે પોલીસોને તરત હુકમ આપ્યો. બે જણે બારણાં તોડી નાખ્યાં. ફોજદાર પિસ્તોલ તાકી આબાદ તૈયાર થઈને ઊભા. પટેલ ગભરાતા-ગભરાતા ફોજદારની પાછળ ભરાયા.

“જોજો હો ફોજદારસાહેબ !”

“અરે, આટલા ગભરાઓ છો શું કરવા હું છું ને !”

પટેલના ટાંટિયા (પગ) ધ્રૂજતા હતા. એમણે ત-ત-પ-પ... કરતાં કહેવા માંડ્યુંઃ “કદાચ બદમાશો આપણા ઉપર તૂટી પડે !”

પણ ફોજદાર આમતેમ જોઈ ધીમે પગલે અંદર પેઠા : “આવો પટેલ, અંદર આવો.”

“પપપ... પણ...”

“ગભરાશો નહિ. મારા હાથમાં પિસ્તોલ છે. બંગલામાં કેટલા રૂમ છે, એ તમારા વગર કેવી રીતે ખબર પડે ?”

પટેલના શરીરે પરસેવો વળી ગયો ! ફોજદારની પાછળ તેમને ખભે હાથ રાખીને તેઓ અંદર ગયા. પાછળ જમાદાર અને પોલીસો પણ દાખલ થયા.

અચાનક એક પોલીસે એક ખુરશી પગથી આઘી ફેંકી. તેનો ધબાકો થતાં જ પટેલ “ઓ બાપ રે !” કરતા ફોજદારને સજ્જડ બાઝી પડ્યા !

“અરે પટેલ ! છોડો છોડો ! કંઈ નથી. આપણે બન્ને જણ પડી જઈશું.” પણ પટેલ તો ફોજદારને ટિંગાઈ જ ગયા ! છેવટે ફોજદારે હાથ છોડાવી, એમને હિંમત આપતાં કહ્યું : “કંઈ નથી, પટેલ ! એ તો પેલી ખુરશી હતી. હજી તો -”

આમ વાત ચાલે છે, એટલામાં જ શકરી પટલાણી આવી પહોંચ્યાં ! બંગલા પાસે ટોળું જોઈને એ પણ ગભરાઈ ગયાં. એમને જોતાં જ વીજકોર એકદમ એમની પાસે આવ્યાં અને મોટેથી બોલ્યાં : “શકરી પટલાણી તો આ આવ્યાં !”

“ક્યાં છે ?” કરતાં પટેલ પાછલાં બારણાં તરફ ધસી આવ્યા, ત્યાં તો શકરી પટલાણી એમની સામે જીવતાં-જાગતાં ઊભેલાં !

ફોજદાર પણ ગૂંચવાઈ ગયા.

“પણ મામલો શું છે ? પટલાણીએ મૂંઝાઈને પૂછ્યું.

વીજકોરે બધી હકીકત કહી સંભળાવી એટલે પટલાણી મોટેથી હસી પડ્યાં; કહેઃ “ફોજદારસાહેબ અમારા બંગલામાં નથી ચોર કે નથી બદમાશ ! હું જ આવું બધું મૂકીને બહાર ગયેલી !”

આમ કહીને પટલાણીએ બધો ખુલાસો કર્યો, ત્યારે બધાં હસવા લાગ્યાં. હો હો કરતું ટોળું ધીમે-ધીમે વીખરાઈ ગયું. ફોજદાર પણ પરસેવો લૂછતાં-લૂછતાં હસીને બોલ્યાઃ “હવે રજા લઈએ, પટેલસાહેબ ! તમારો ચોર તો પકડાઈ ગયો ને !”

“હાજી, પકડાઈ ગયો !” પટેલે હસીને જવાબ આપ્યો : “ને તકલીફ માટે માફ કરજો.” “પણ ત્યારે આ હાથકડી હવે કોને પહેરાવવી ?” ફોજદારે ખિસ્સામાંથી હાથકડીઓ કાઢીને ખણણણણ ખખડાવતાં કહ્યું. “હવે તો મને પહેરાવો ત્યારે ખરું !” પટેલે હાથકડી પહેરવા બે હાથ લાંબા કર્યા અને સૌ મોટેથી ખડખડાટ હસી પડ્યાં ! •

ખુરશી-ઝૂલણું !

બકોર પટેલને ખુરશીનું ઝૂલણું કરવાની (ઝૂલ્યાં કરવાની) ભારે ટેવ ! ખુરશી ઉપર બેઠા હોય ત્યારે ખુરશી ઝુલાવ્યાં જ કરે. ખુરશીના આગલા બે પાયા પગ વડે ઊંચા કરે, અને પછી ખુરશી આગળ-પાછળ ઝૂલાવ્યાં કરે અને હીંચકો ખાય ! એમનાથી જંપીને ખુરશી પર બેસી રહેવાય નહિ !

એકવાર પટેલને ત્યાં હાથીશંકર આવ્યા. એ અને પટેલ ખૂબ વાતોએ ચડ્યા. બન્ને જણ સામસામે બેઠા હતા. પટેલ વાતો કર્યા કરે, અને સાથેસાથે ખુરશી ઝુલાવતા જાય ! જરાક થાય કે ખુરશી પાછળ ઝુલાવી જ છે !

પટેલની આવી ટેવ પર ટકોર કરતાં હાથીશંકર બોલ્યા : “પટેલ, આમ તમે ખુરશીથી હીંચકા ખાઓ, તે ઠીક નહિ. ખુરશી કોઈ વાર ખસી જાય, તો ગુલાંટિયું ખાઈ જવાય !”

પટેલે હસીને જવાબ આપ્યો : “એમ તે શું પડી જવાય ? હું તો ટેવાઈ ગયો છું. ખુરશી સહેજે ચસે (ખસે) જ નહિ ને !”

“ભલે તમે ટેવાઈ ગયા હો, પણ કોઈ વાર એવું બની જાય.”

આમ વાત ચાલતી હતી, ત્યાં શકરી પટલાણી લીંબુનું શરબત લઈને આવ્યા. પટેલને પ્યાલો આપ્યો, ને હાથીશંકરને ખાસ્સો મોટો લોટો આપ્યો, કારણ કે પ્યાલાથી હાથીશંકરનું પેટ થોડું ભરાય ? હાથીશંકરને પાણી પીવું હોય તો પણ મોટો જગ જ આપવો પડતો !

પટેલે તો હાથમાં પ્યાલો લઈ પાછી ખુરશી ઝુલાવવા માંડી. પાછળ દીવાલ હતી ને બાજુમાં ટેબલ. એટલે ટેબલ ઉપર હાથ મૂકી પટેલ ખુરશીને દીવાલ સાથે અથડાવતા ને પાછા આગળ ઝુકાવતા.

પટેલે કહ્યું : “હાથીશંકરભાઈ ! રોજના ટેવાઈ ગયા હોઈએ,

એટલે વાંધો...”

પણ પટેલ વાક્ય પૂરું કરે, એ પહેલાં તો ખુરશી ખસી ગઈ ! પટેલ પાછલી બાજુ ચત્તાપાટ પડ્યા ! શરબતનો પ્યાલો ઢોળાઈ ગયો એમના ઉપર જ !

ને બિચારા હાથીશંકરની તો કમબખ્તી જ બેસી ગઈ ! પડતાં-પડતાં પટેલે હાથીશંકરની ખુરશી પર પગથી ટેકો દેવાનો પ્રયત્ન કર્યો, પણ કમનસીબે ખુરશીનેતો સામો ધક્કો વાગી ગયો ! હાથીશંકર પણ ધબાક લઈને ચત્તાપાટ પછડાયા ને શરબતનો લોટો એમના ઉપર ઢોળાયો તે નફામાં !

ધડાધડ બે ધડાકા સાંભળી શકરી પટલાણી દોડતાં આવી પહોંચ્યાં. હાથ પકડીને એમણે પટેલને ઊઠાડ્યા, પણ હાથીશંકરનો મામલો ભારે હતો ! મૂળ ભારે શરીર, ને ઉપરથી પછડાયા વધારે ! એટલે બેઠાં જ ન થવાય ! ઉપરાંત એમના શરીર ઉપર શરબતની રેલમછેલ !

“હાથ પકડીને ઉઠાડું, હાથીશંકરભાઈ ?” પટેલે પૂછ્યું.

“હા. લો, પકડો જોઈએ.” કહી હાથીશંકરે હાથ લંબો કર્યો. પટેલે હાથ ખેંચીને ઊઠાડવા માંડ્યા : “ઊં.....હ !”

પણ હાથીશંકરથી જરાય ચસકાય જ નહિ ને !

છેવટે હાથીશંકરે ઉપાય બતાવ્યો : “ખુરશી મારી નીચેથી ખેંચી કાઢો ! પછી બેઠાં થવાશે.”

પટેલે ખુરશીનો એક પાયો પકડ્યો અને શકરી પટલાણીએ બીજો પાયો પકડ્યો. પછી બન્ને જણ માંડ્યાં ખેંચવા !

આખરે ખુરશી બહાર ખેંચાઈ ! બિચારા હાથીશંકર પડખાભેર થઈને હાંફતાં-હાંફતાં બેઠા થયા !

“તમારી ટેવ તો જબરી, ભાઈસા’બ ! હાડકાં બન્ને જણનાં ખોખરાં થઈ ગયાં!

કમ્મર દબાવતાં-દબાવતાં પટેલ બોલ્યા : “કોઈ દિવસ કશું થયું ન હતું, પણ આજે જ ગુલાંટ ખાઈ ગયો !”

હાથીશંકર હસતાં-હસતાં બોલ્યા : “આજના રોટલા બચ્યા, હીહીહીહી ! હવે ખમીસ સુકાય ત્યાં સુધી મારે તમારે ઘેર બેસી રહેવું પડશે. તમારું ખમીસ કંઈ મને બેસતું થવાનું છે ? વગરમફતનું કેદખાનું ! જોકે જેલમાં ખાવાનું મફત મળે. હી..હી..હી..હી..” હાથીશંકર હસી પડ્યા. પછી એમણે ખમીસ કાઢી નાખ્યું. શકરી પટલાણીએ નીચોવીને સૂકવી દીધું.

પણ બકોર પટેલની આ ટેવ કંઈ ગઈ નહિ. ખુરશી ઉપર બેસે ત્યારે જરાક વાર તો હીંચી જ લે ! આમ કરે ત્યારે જ તેમને જંપ વળે !

પણ આ કુટેવ એમને એકવાર સિનેમા થિયેટરમાં ભારે પડી ગઈ. એ દિવસથી ખુરશી ઉલાળવાની ખો તેઓ સાવ ભૂલી ગયા !

બન્યું એમ કે એક દિવસ બકોર પટેલ અને શકરી પટલાણી ફિલ્મ જોવા ઊપડ્યાં. ફિલ્મ જોતાં-જોતાં પટેલની મિટ્ટી પલિત થઈ ગઈ !

છબીઘરોની ખુરશીઓ તો તમે જોઈ હશે જ. કેટલાંક થિયેટરોમાં ગાદીવાળી ખુરશીઓ હોય છે. ખુરશીઓની આખી સળંગ હાર હોય. વળી, આ ખુરશીઓ એકબીજી સાથે જોડાયેલી હોય. ફિલ્મ જોનારાં વિદાય થાય ત્યારે ખુરશીઓની બેઠકો ઊંચી કરી દેવામાં આવે. અઢેલવાનો ભાગ એમ જ રહે. માત્ર બેસવાની બેઠક ઊંચી કરી નખાય.

પટેલને થયું કે આ ખુરશી કંઈ થોડી જ ઊથલી પડવાની છે ! ખુરશીઓ એક બીજી સાથે જોડાયેલી છે, એટલે ઝૂલવામાં શો વાંધો ?

એમ વિચાર કરી પટેલજી હીંચવા લાગ્યા. થોડી વાર તો એમ ચાલ્યું, પણ પછી થઈ આફત !

સીટની ગાદી એકદમ લીસી ! પાછળ અઢેલવાની ગાદી પણ લીસી-લીસી ! એટલે થોડી વારમાં પટેલ વચ્ચે સરકી પડ્યા ! સીટ ઊંચી થઈ ગઈ ને પટેલ સપડાયા સીટ તથા અઢેલવાની ગાદીની વચ્ચે ! બન્ને પગ થઈ ગયા ઊંચા, ને કમ્મરનો ભાગ સીટમાં બરાબરનો સપડાઈને ઊતરી ગયો નીચે !

“ઓ... ઓ... ઓ...!” પટેલથી બૂમ પડાઈ ગઈ. શકરી પટલાણી પણ બૂમાબૂમ કરી ઊઠ્યાં.

એમની બૂમાબૂમ સાંભળી બધાં જોનારાં ઊભા થઈ ગયાં. થિયેટરમાં લાઈટ કરવામાં આવી. ફિલ્મ બંધ કરવામાં આવી.

ડૉર-કીપરો (થિયેટરના દરેક દરવાજે પ્રેક્ષમોની ટિકિટો ચૅક કરવાની ફરજ બજાવતા કર્મચારીઓ) એકદમ દોડી આવ્યા. મૅનેજર પણ આવી પહોંચ્યા.

“શું છે, શું છે ? શી બાબત છે ?”

“આ જુઓ ને !” શકરી પટલાણી રડમસ ચહેરે બોલ્યા : “એમને કાઢો ને !”

“અરરરરરર !” મૅનેજર બોલ્યો : “આ તો વચ્ચે સપડાઈ ગયા છે ! હવે શું કરીશું ?”

“સાહેબ !” એક ડૉર-કીપરભાઈ બોલ્યા : “લુહારને બોલાવવો પડશે. ખુરશીની સીટ તોડી નાખવી પડશે. આમ કર્યા વિના બીજો ઉપાય નથી.”

“એમ ! ત્યારે તો બહુ નુકસાન થશે. પાંચસો રૂપિયાની તો સીટ જ છે !” આમ કહી દાઢીએ હાથ મૂકી મૅનેજર વિચાર કરવા લાગ્યા.

પટેલથી હવે રહેવાયું નહિ. એમણે કહ્યું : “એઈ મહેરબાન ! ઝટ કરો. મારો તો જીવ જાય છે ! એમ વિચાર શું કરો છો ? પાંચસો રૂપિયાનું નુકશાન થશે તો હું ભરી આપીશ બાપા, પણ મને બહાર કાઢો, ઝટ !”

પટેલની દશા જોઈ ઘણાં પ્રેક્ષકોને દયા આવી. વળી ઘણાંને હસવું પણ આવી ગયું! બધાં ટોળે વળી ગયાં.

પટેલની મૂંઝવણ જોઈ એક જણ આગળ આવ્યો. એણે મૅનેજરને કહ્યું :

“લુહારને બોલાવવાની જરૂર નથી મહેરબાન ! હું એમને કાઢી શકીશ. ત્રણ મજબૂત શરીરવાળા મારી મદદે આવે.”

આમ કહી એણે પ્રેક્ષકો સામું જોયું. ટોળામાંથી ત્રણ જણ આગળ આવ્યા. મૅનેજરે કહ્યું : “ભલે, કરો પ્રયત્ન !”

પેલાની સૂચના મુજબ બે જણે બકોર પટેલનો જમણો પગ પકડ્યો; બીજા બે જણે પકડ્યો ડાબો પગ; પછી નીચે હાથનો ટેકો રાખ્યો, ને પટેલને ઊંચા અધ્ધર ખેંચ્યા. જેમતેમ કરીને પટેલ કેદખાનામાંથી છૂટ્યા. “હે.. એ..એ...એ...!” પ્રેક્ષકોમાંથી એકસાથે સૌએ આનંદના પોકારો કર્યા.

પટેલે પેલા ચાર મદદગારોનો હૃદયપૂર્વક આભાર માન્યો. પછી પાછા સૌ પોતપોતાની જગાએ બેસી ગયા, ને ફિલ્મ ફરી ચાલુ કરી.

બીજે દિવસે આ વાત હાથીશંકરે પટેલને મોઢે જ સાંભળી. વાત સાંભળી હાથીશંકર હસતા-હસતા વાંકા વળી ગયા. એમણે કહ્યું : “ઠીક થયું પટેલ, કે તમે... હતા. જો હું હોત... હા... હા... હા... તો મારા ભોગ જ... હા... હા... હા... હા... હા... હા... હા... ખુરશીમાં બાટલીના બૂચની પેઠે... સજ્જડ થઈ જાત !... હા...હા... હા... હા... હા... હા...!”

પણ આપણા દોસ્ત બકોર પટેલ તો એ દિવસથી ખુરશી-ઝૂલણું ભૂલી જ ગયા છે!

ડાહ્યાઓના ડૉક્ટર !

એકવખત બકોર પટેલ ગરબડપુર ગયા. બધાં કહે કે હવાપાણી માટે ગરબડપુર સારું છે. તેથી પટેલે ઓચિંતું નક્કી કરી નાખ્યું. ત્યાં જઈને એક આરોગ્યધામમાં ઊતર્યા. ત્યાં પંદરેક દિવસ રહેવું, તેવી યોજના હતી.

ગરબડપુર ગામ નાનકડું, પણ હવા ખાવા માટે ઘણાં ત્યાં જાય. ગામમાં એક જ ડૉક્ટર હતા.નામ એમનું ખરખર.

ખરખરસાહેબ મૂળ તો હતા કંપાઉંડર. પછી કંપાઉંડરમાંથી ડૉક્ટર બની ગયા ! નાનકડું ગામ, એટલે ડૉક્ટરસાહેબ દમામ બહુ રાખે. વાતવાતમાં અંગ્રેજી દવાનાં નામ બોલે. જાણે કોઈ મહાન નિષ્ણાત હોય, એવો ડોળ કરે !

એમના દવાખાનામાં ભીડ પણ ખૂબ જામે. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવા’ ડૉક્ટર ! જમવાની ફુરસદ પણ ક્યાંથી રહે !

એકવાર એવું બન્યું કે બકોર પટેલને પેટમાં દુખવા માંડ્યું. દુખાવો ધીમે-ધીમે એવો સખત થયો કે એમનાથી રહેવાય નહિ. કોઈ-કોઈ વાર તો બૂમ પણ પડાઈ જાય !

શકરી પટલાણી કહે : “દવાખાને જાઓ. કંઈ દવા લઈ આવો.”

પટેલ કહે : “એમ જ કરવું પડશે. એ વિના ઠેકાણું નહિ પડે.”

પટેલ ઊપડ્યા ડૉક્ટરના દવાખાને. દવાખાનાનું મકાન તો નાનું. પણ આજુબાજુ છૂટી જગ્યા બહુ ! ફરતું કમ્પાઉન્ડ પણ બનાવી દીધેલું.

પટેલ કમ્પાઉન્ડમાં દાખલ થયા. બહાર બોર્ડ લટકતું દેખાયું :

ડૉ. ખરખર

એમ.એ.ડી.

ખાસ ડાહ્યાઓના ખાસ ડૉક્ટર

આવતાં-જતાં પટેલે બોર્ડ તો વાંચેલું. ખબર ખરી કે અહીં ડૉ. ખરખર રહે છે. જોકે બોર્ડ વાંચેલું, પણ નીચેની લીટી નહોતી વાંચી ! ડાહ્યાઓના ખાસ ડૉક્ટર એટલે ? અને ‘ખાસ ડાહ્યા’ એટલે શું ? બીજાઓ ખાસ ડાહ્યા નહિ હોય ? ડાહ્યાઓના ‘ખાસ’ ડૉક્ટર કે ‘ખાસ’ ડાહ્યાઓ હોય એમના ડૉક્ટર ? ચાલો, જે હશે તે ! અંદર ગયા પછી વાત !

આમ વિચાર કરતા-કરતા પટેલ અંદર ગયા. છેક આગળ મુખ્ય ખં. દરદીઓ ત્યાં આવીને બેસે. સામે જ ખુરશી પર ડૉક્ટર બેઠેલા હોય. એક પછી એક દરદીને બોલાવે અને પૂછપરછ કરે. તપાસવા જેવું લાગે, તો દરદીને અંદરના ખંડમાં લઈ જાય. દવાની બાટલીઓ પણ અંદરના ખંડમાં, ત્યાંથી બધાંને દવા ભરી આપે.

દવાખાનાનો દેખાવ જોવા જેવો ! બે બાજુ બબ્બે ખડખડ પંચમ (ભાંગેલા-તૂટેલા) બાંકડા. દરેક બાંકડા પર ઝાઝાબધા દરદીઓ. કોઈની દાઢ દુખતી હતી, તેથી બુકાની જેવો પાટો બાંધેલો; કોઈનો હાથ ઊતરી ગયેલો, તેથી તે ઝોળીમાં રાખેલો, કોઈની આંખ દુખવા આવેલી, તેથી એક આંખ બંધ અને બીજી ખુલ્લી રહે તેવો પાટો. કોઈના પગે પ્લાસ્ટર, તેથી લાકડાની ઘોડી પગ પાસે ઊભી ગોઠવીને બાંકડે બેસી ગયેલો. હસવું આવી જાય એવું!

આમ જાતજાતના દરદીઓની મોટી લંગાર (લાંબા લાઇન) બન્ને બાજુ સામસામી બેઠી હતી.

બકોર પટેલ પણ એવા બાંકડે બેસી ગયા.

ડૉક્ટર કેસના કાગળિયાં જોતા હતા. સામેની ખુરશી પર એક દરદી બેઠો હતો. ડૉક્ટરે તેને પૂછ્યું : “આમલીના કાતરા કેટલા ખાધેલા ?”

દરદી કહે : “કિલોએક ખાધાહશે, સાહેબ !”

“કિલોએક ? હીહીહીહીહી !”

“હાજી. પણ એક દિવસમાં કિલોએક નહિ; હા, પંદરેક દિવસમાં એટલા ચાવી ગયો હોઈશ !”

“ત્યારે એમ કહો ને ! પણ કિલોએક લીલી આમલી એટલે શું ? આ બધી તકલીફ તમને તેથી જ થઈ છે. જુઓ, હવે તેલ, મરચું,

આમલી, વગેરે બધું બંધ !”

“વારુ સાહેબ; પ...ણ...”

“પણ...શું છે ?”

“પ...ણ કોકમની ખટાશ ખવાય ?”

“ના.”

“આંબોળિયાં ?”

“ના !”

“અથાણું ખવાય ?”

“ના ભાઈ, ના. તમને કહ્યું ને કે ઘઉં, ચોખા, દાળ, વગેરે પણ બંધ !”

“ત્યારે...રોટલા ખવાય ?”

“ઉપવાસ જ કરવાના !”

“હું...પણ ફરાળ તો ખવાયને ?”

“ડૉક્ટરનું માથું ખવાય ! હીહીહીહીહી !” કહેતા ડૉક્ટર હસ્યા અને દરદી ઊભો થયો.

અંદર જઈને ડૉક્ટરે દવા બનાવી દરદીને આપી. પછી તેઓ બીજા દરદીઓને પતાવવા માંડ્યા.

પટેલની બાજુમાં લાંબી દાઢીવાળા રીંછકાકા બેઠેલા. તેમને જાંઘ પર મોટું ગૂમડું થયેલું. પટેલને તેની ખબર નહિ. તેમણે તો રીંછકાકાની જાંઘ પર જોરથી હાથ ઠોકતાં પૂછ્યું : “ડૉક્ટરજી કેવાક છે ? હોશિયાર છે કે પછી ઠીક-ઠીક !”

જાંઘ પર પટેલનો હાથ પડતાં જ રીંછકાકાથી મોટી ચીસ પડાઈ ગઈ : “ઓ ઓ ઓ ઓ...રે...!”

એમની ચીસ સાંભળીને બધા ચમકી ગયા. પટેલ તો ખરેખરા ગભરાયા. ડૉક્ટરે પણ ઊંચું જોઈને કહ્યું : “ગૂમડું બહુ દુખે છે કે, રીંછકાકા ? જરા સબૂર કરો. થોડી જ વારમાં તમને બોલાવું છું.”

એક જણની દાઢ પાડવાની હતી. ડૉક્ટરે આંગળીથી ઇશારો કરી તેને કહ્યું : “હવે તમે ચાલો. તમારી સડતી દાઢ કાઢી નાખીએ. ચીપિયો ગરમ કરવા મૂક્યો છે, એ તૈયાર થઈ ગયો હશે.”

દરદી ગભરાતો-ગભરાતો અંદર ગયો. બહારના દરદીઓ હવે મોટે સાદે વાતોએ વળગ્યા.

કોઈ નવા દરદીએ પૂછ્યું : “ડૉક્ટરસાહેબ બહુ હોશિયાર છે ? દવાખાનું તો ચિક્કાર રહે છે.”

એક જૂના દરદીએ જવાબ આપ્યો : “બહુ હોશિયાર છે. મને જુલાબ આપેલો, તો ૪૦-૪પ વખત ટોઇલેટ તરફ દોડવું પડ્યું ! હું તો ખૂબ ગભરાઈ ગયો ! પણ બીજે દિવસે પેટ સાફ થઈ ગયું !”

આમ વાત ચાલતી હતી, એટલામાં અંદરથી પેલા દરદીની કારમી

ચીસ સંભળાઈ! બહાર બધા ચમકી ગયા. પટેલે પણ ભૂલથી ફરી રીંછકાકાની જાંઘ પર હાથ ઠોકીને વાત કરવા માંડી, પરંતુ, રીંછકાકાને દુખ્યું, એટલે એમણે ફરી “ઓ...રે...!” કરીને ચીસ પાડી !

આ મામલો જોઈને પેલો નવો દરદી ઊભો થઈ ગયો. બોલ્યો : “ચાલો ભાઈ, ચાલ, અહીં દવા કરાવવામાં મજા નથી. કંઈ વધારે દરદ થઈ જાય તો ભોગ મળે !”

આમ કહી એ તો ગભરાટનો માર્યો ઉતાવળો - ઉતાવળો ભાગી ગયો !

થોડીવારે પેલો અંદર ગયેલો દરદી બહાર આવ્યો. એનો ગાલ ફૂલી ગયો હતો. ગાલ પર દવા લગાડેલી હતી. બિચારાને સણકા આવતા હશે તેથી બહાર આવતાં-આવતાં એેણે ઊંહકારા કરવા માંડ્યા : “ઊંહ ! ઓહ ! ઓહ ! ઓહ ! ઊંહું ! ઊંહું ! અરે ! મરી ગયો ! ઓહ !”

પાછળ પાછળ ડૉક્ટર પણ બહાર આવ્યા ને દરદીનો બરડો થાબડ્યો. પછી કહ્યુંઃ “શાબાશ ! હવે તમને મટી જશે. ઘેર આ પડીકાની દવાના કોગળા કરજો. બહુ દુખે તો બરફ ઘસજો.”

દરદી પૂછવા લાગ્યો : “ઊંહ ! આહ ! હેં ડૉક્ટર સાહેબ, તરફ ક્યાં ઘસું ? મોઢું ફાડીને અંદર, દાઢ પર ઘસું ?”

ડૉક્ટર હસીને બોલ્યા : “ના, ના ! બહાર. ગાલ પર સોજો આવ્યો છે, તેના પર બરફ ઘસજો. હીહીહીહીહી !”

ગાલે હાથ દેતો-દેતો દરદી વિદાય થયો.

બકોર પટેલ હવે ઊંચાનીચા થવા લાગ્યા. એમને મૂંઝવણ થવા માંડી : દવા લેવી કે ન લેવી ? પેટમાં તો ગમે તેમ અને ગમે ત્યારે મટી જશે. પણ આ ડૉક્ટરના હાથમાં સપડાયા તો શું થશે ? ઘેર જતો રહું ?

કદાચ આપણી દશા પણ આ બીજાઓ જેવી થાય તો ?

એમને ઊંચાનીચા થતા જોઈને ડૉક્ટર ખરખર તેમની પાસે આવ્યા કહે : “ઓહો! નવા દરદી લાગો છો ! બેઠાં-બેઠાં અકળાઈ ગયા ? ગભરાશો નહિ. હવે બહુ વાર નથી. આ બધાંને જોતજોતામાં પતાવી નાખું છું. એમ ગભરાઓ નહિ. હું તમને થોડો ખાઈ જવાનો છું ? હીહીહીહીહી !”

આમ કહીને ડૉક્ટરે બીજા દરદીને બોલાવ્યો. આ રીતે એમણે એક પછી એક-એક દરદીને પતાવવા માંડ્યા.

આખરે બે બાકી રહ્યા એક સસમલજી અને બીજા બકોર પટેલ.

હવે ડૉક્ટર પોતે સસમલજી પાસે આવ્યા. ખભો પકડી સસમલજીને ઊભા કર્યા. પછી કહેવા લાગ્યા : “શાબાશ ! વાહ વાહ ! બહુ સરસ શરીર થઈ ગયું ! અહીં મારા દેખતાં રોજ દોડવાની કસરત કરી, એનું જ આ પરિણામ ! તમારી મેળે ઘેર દોડવાનું કહ્યું હોત, તો તમે દોડત જ નહિ. ચાલો, હવે રોજના નિયમ મુજબ દોડવા માંડો. આવો બહાર, ચોગાનમાં !”

આમ કહી ડૉક્ટર એમને બહાર ખેંચી ગયા. ચોગાન મોટું હતું. ડૉક્ટરે આંગળી ચક્કર-ચક્કર ફેરવીને ઇશારો કર્યો. સસમલજી ચોગાનમાં ચક્કર લેવા માંડ્યા.

સસમલજીને ચક્કર મારતા જોઈ ડૉક્ટર તાનમાં આવી ગયા. બોલ્યા : “હા; બરાબર છે ! એમ જ લગાઓ ચક્કર ! હીહીહીહીહી !”

બકોર પટેલ બારી બહાર ડોકું કાઢી બધો તાલ જોવા લાગ્યા. સસમલજી બિચારા હાંફતા-હાંફતા દોડતા હતા ! પટેલ વિચાર કરવા લાગ્યા કે આવું જ દોડવાનું હોય, તો તો આવી બને !

એટલામાં ડૉક્ટરની નજર એમના પર પડી. એ બોલી ઊઠ્યા :

“ઓહો ! નવા દરદી ! અહીં આવો ! અહીં આવો !”

પટેલ બહાર ગયા.

ડૉક્ટર બોલ્યા : “તમે પણ દોડવા માંડો ! દોડવાની કસરત સૌથી ઉત્તમ છે. શરીર બહુ સરસ રહે છે. માંદા પડાતું નથી, ખાધેલું પચી જાય, લોહી ઝડપથી ફરવા માંડે. બદનમાં સ્ફૂર્તિ આવે. ચાલો તમે પણ દોડો !”

આમ કહીને ડૉક્ટરે પટેલને જરા ધકેલ્યા. હવે શું થાય ? પટેલે પણ દોડવાનું શરૂ કરી દીધું ! એ અને સસમલજી બન્ને જણાએ ચોગાનમાં ચક્કર લગાવવા માંડ્યાં ! વગર લેવે-દેવે પટેલને પણ દોડવાની કસરતમાં જોડાવું પડ્યું !

બન્ને જણ હાંફી ગયા. પગ ઢીલા થઈ ગયા. પેટ ધમણની પેઠે ઊંચુનીચું થવા લાગ્યું. છેવટે ડૉક્ટરે બન્નેને ઊભા રાખ્યા. પછી પટેલને કહે : “બહોત અચ્છા ! તમારું નામઠામ લખાવો. તમને શું થાય છે, એ કહો.”

પટેલે પોતાનું નામ અને આરોગ્યધામનું સરનામું લખાવ્યું. પછી બોલ્યા : “આજ સવારથી મને પેટમાં બહુઆંકડી આવે છે. રહેવાતું નથી. બહુ દુખાવો થાય છે.”

“અહીં, નજીક આવો,” ડૉક્ટર બોલ્યા, “પેટ બતાવો.”

પટેલ નજીક આવ્યા. ઝભ્ભો ઊંચો કરીને પેટ બતાવ્યું.

ડૉક્ટરે એકદમ પેટ દાબવા માંડ્યું. ઘડીમાં આમ દાબે ને ઘડીમાં તેમ દાબે ! પેટ દાબી જોઈને બોલ્યા : “પેટમાં બહુ બગાડ છે. આજે બિલકુલ ખાશો નહિ. માત્ર ચા કે દૂધ જ લેવાં. શું કહ્યું ? નકોરડો ઉપવાસ જ કરજો. ને હું આપું તે બે ગોળીઓ ખાઈ લેજો.”

આમ કહી ડૉક્ટરે બહારથી જ બારીમાં હાથ નાખ્યો. એમના હાથમાં એક શીશી આવી. એમાંથી બે ગોળીનું એક મસમોટું પડીકું વાળી

દીધું; પછી શીશી બહાર પાળી પર મૂકી દીધી.

પટેલ વિદાય થયા. મુકામે આવીને એમણે બધી વાત કરી.

શકરી પટલાણી હસતાં-હસતાં કહેવા લાગ્યાં : “ચાલો, એ બહાને તમારાથી દોડવાની કસરત થઈ શકી ! નહિ તો તમને આવો લાભ ક્યાંથી મળત ? હવે આજનો દિવસ ખાશો નહિ એટલે થયું. પેલી ગોળી ગળી જવી છે ? પાણી લાવું ?”

“હા લાવ ને ! ગળી લઈએ.” પટેલે જવાબ આપ્યો.

શકરી પટલાણી પાણીનો પ્યાલો ભરી લાવ્યાં. પટેલે પડીકું છોડ્યું; પણ ગોળીઓ જોતાં જ ભડક્યા ! ગોળીઓ ખાસ્સી સોપારી જેવડી મોટી હતી !

ગોળી જોતાં જ પટલાણીનું મોં પણ પહોળું થઈ ગયું. કહે : “બાપરે ! આવડી મોટી ગોળીઓ ? એ તે કેવી રીતે ગળી શકાય ?”

પટેલ કહે : “આટલી મોટી ગોળી તો ગળામાં જ ભરાઈ રહે. એના ચાર કકડા કરું, ત્યારે ગળી શકાશે.”

પટલાણી સૂડી લઈ આવ્યાં. પટેલે ગોળીના ચાર ટુકડા કર્યા. પછી ગળી ગયા.

તે દિવસે એમણે કંઈ ખાધું નહિ.

બપોરે એમને પેટમાં સારું લાગ્યું. પછી તો પેટમાં દુખતું સાવ બંધ થઈ ગયું.

સાંજે પાંચ વાગ્યે પટેલે બીજી ગોળી લીધી. પછી આરોગ્યધામની બહારના બગીચામાં બેઠા. આરોગ્યધામમાં બીજાં પણ ઘણાં રહેતાં હતાં. એમાંનાં કેટલાંક પણ બાગમાં આમતેમ બેઠાં હતાં. બરાબર એ વખતે

ડૉક્ટર ખરખર મારતી સાઇકલે આવી પહોંચ્યા !

પટેલને જોતાં જ તેમનાથી બોલી દેવાયું : “અરે, અરે પટેલસાહેબ ! પેલી ગોળીઓ તમે ખાધી ?” પટેલે હા કહી.

ડૉક્ટરે ગભરાઈને પૂછ્યું : “કેટલી ખાધી ? બે કે એક ?”

“બન્ને ગોળી ખાઈ ગયો ! હવે તદ્દન આરામ લાગે છે. કેમ, શાથી પૂછવું પડ્યું?”

“હવે સારું છે ને ! ઠીક, ઠીક. ત્યારે તમને એ ગોળી પણ માફક આવી ગઈ ! હીહીહીહીહી ! એ ગોળીઓ તો કાચબા માટે ખાસ બનાવેલી. અહીંના એક વકીલે કાચબો પાળ્યો છે. એ માંદો પડ્યો છે. એ કાચબાને માટે મેં ખાસ ગોળઓ બનાવેલી. પણ બાટલીની જગ્યા કંઈ બદલાઈ ગઈ હશે. પણ વાંધો નહિ. તમને માફક આવી ગઈ એટલે બસ ! ઠીક ત્યારે, કાલે પાછા દવાખાને આવજો. હીહીહીહીહી ! મને તબિયત બતાવી જજો ! ટા...ટા !”

આમ કહી હસતાં-હસતાં ડૉક્ટર પાછા સાઇકલે ચડી ગયા; ને હાથ ઊંચો કરી વિદાય થઈ ગયા.

આ બાજુ બકોર પટેલ પેટ દાબતાં-દાબતાં, આશ્ચર્યમાં ગરકાવ થઈને (ડૂબીને) મોં ફાડી ઊભા રહ્યા !

રૂમાલની ધમાલ !

શકરી પટલાણી બકોર પટેલનાં ખિસ્સાં તપાસી ચમક્યાં : “તમરા ગજવામાં તો રૂમાલ નથી !”

“શઉં ઉંઉંઉંઉં ?” પટેલનું મોં પહોળું થઈ ગયું : “પાછો રૂમાલ ગુમ ?” આમ કહી પટેલ ઝટઝટ ઊભા થઈ ગયા. પણ ઊભાં થતી વખતે પગમાં ધોતિયું ભરાયું ને પટેલ ધબાક્‌ દઈને નીચે પછડાયા !

શકરી પટલાણી કહે : “જરા ધીમેથી ઊઠતા હો તો કેવું સારું ! બે-ત્રણ દિવસે એક રૂમાલ તો તમે ખોઈ જ નાખો છો ! આવું કેમ ચાલે ? થોડી વખત પર જ અડધો ડઝન રૂમાલ લાવેલા, તે પણ ખલાસ થવા આવ્યા !”

પટેલ છાતી દાબતાં-દાબતાં ઊભા થઈ બોલ્યા : “અફસોસ ! આ તો બહુ ખોટું કહેવાય. હવે મારે ખૂબ કાળજી રાખવી પડશે.”

એ દિવસથી પટેલે રૂમાલ માટે ખાસ કાળજી રાખવા માંડી. પટેલના રૂમાલ બહુ ખોવાઈ જતા. કોઈને ત્યાં જાય, ત્યાં રૂમાલ ભૂલી જાય. પેઢીને કામે જાય, તોપણ એવું જ. ટ્રેનના ડબ્બામાં પણ ઘણીવાર રૂમાલ રહી જાય. કોઈ વાર બસમાં જવાનું થાય, તો તેમાં પણ રૂમાલ ભૂલ્યા જ હોય ! પણ હવે પટેલને થયું કે આમ રૂમાલ ભૂલી જવાની ટેવ સારી નહિ.

એકવાર પટેલ લોકલ ટ્રેનમાં જતા હતા. તેવામાં બડી ગમ્મત થઈ. પટેલને વહેમ પડ્યો હતો કે કોઈ એમના રૂમાલ ચોરી લે છે ! એટલે ખાતરી કરવા યુક્તિ કરી. જાણીજોઈને રૂમાલ ગાડીની બેઠક ઉપર મૂક્યો, પછી પોતે છાપું વાંચવાનો ડોળ કરવા માંડ્યા. પણ થોડી-થોડી વારે રૂમાલ તરફ જોયા કરે. વિચાર એવો કે રૂમાલ ઉઠાવતાં કોઈ પકડાય કે તેના ઉપર તરાપ મારવી. તેને પોલીસને સોંપી દેવો.

બાજુમાં જ એક મુસાફર બેઠો હતો. એણે છાપાનું એક પાનું ખેંચતાં કહ્યું : “એક પાનું આપશો, શેઠ ?”

પટેલ કહે : “ઘણી ખુશીથી.”

પેલાએ છાપું લેતાં કહ્યું : “માળી અનાજપાણીની છૂટ ક્યારે થશે ?”

“એ થાય ત્યારે ખરી.” પટેલ બોલ્યા. પછી તો પટેલ વાતો કરતા જાય અને છાપું વાંચતા જાય. એમ ને એમ એ રૂમાલની વાત જ ભૂલી ગયા. સ્ટેશન આવતાં એ હંમેશ મુજબ ઊતરી પડ્યા. પછી ખિસ્સામાં જુએ તો રૂમાલ ગુમ !

“આ તો માળું બહુ ખોટું !” પટેલ વિચાર કરવા લાગ્યા : “કાલે તો બરાબર ધ્યાન રાખીશ. રૂમાલ ક્યાંય ભૂલવો કે ખોવો નથી જ !”

બીજે દિવસે પટેલ પાછા લોકલ ટ્રેનમાં બેઠા. મનમાં રૂમાલના જ વિચારો રમતા હતા. પણ ટેવ મુજબ થોડીવારમાં એ છાપું વાંચવામં તલ્લીન બની ગયા.

આમ, કેટલોક સમય વીતી ગયો. ઊતરવાનું સ્ટેશન પણ આવી ગયું. પટેલના મગજમાં એકાએક ઝબકારો થયો : “રૂ..મા..લ...!”

પટેલને શરીરે પરસેવો વળી ગયો. ગભરાઈ ગયા. બધા મુસાફરો ઊતરતા હતા. એમને પણ ઊતરવાનું હતું. અચાનક તેમની નજર એક મુસાફરના હાથમાંના રૂમાલ ઉપર પડી.

“આ રહ્યો મારો રૂમાલ ! આજે બેટમજી ઠીક સપડાયા છે ! આવી રીતે જ રોજ રૂમાલ ઊપડી જતા હશે. હું તો જાણું કે હું જ રૂમાલ ભૂલી જાઉં છું !”

પટેલને શી ખબર કે રૂમાલ હતો પોતાના ખિસ્સામાં જ ! એ તો પેલાની પાછળ દોડ્યા ! પ્લેટફૉર્મ ઉપર એને પકડી પાડ્યો.

“એઈ નવલશા હીરજી ! આ મારો રૂમાલ ક્યાં લઈ ચાલ્યા ?” પટેલે પેલાનો હાથ પકડ્યો. હાથ છોડાવતાં પેલો બોલ્યો : “કેમ, શું છે ?”

પટેલ કહે : “વાહ ! ચોરી ઉપર શિરજોરી ?”

“પણ છે શું ?”

આ રકઝક સાંભળવા આજુબાજુ ટોળું એકઠું થઈ ગયું. તમાશાને તેડું શાનું હોય?

થોડીવારે પોલીસદાદા આવી પહોંચ્યા.

“શું છે ?”

“કોઈ ગઠિયો લાગે છે !” એક જણ બોલ્યું.

“પાકીટ તફડાવી ગયો લાગે છે.” બીજો બોલ્યો.

પોલીસે પટેલને પૂછ્યું : “પાકીટમાં કેટલા રૂપિયા હતા શેઠ ?”

પટેલ કહે : “પાકીટ ગયું નથી. મારો રૂમાલ એણે ઉઠાવી લીધો છે !”

“બન્ને જણ ચાલો ગેટ પર. તમારે ફરિયાદ નોંધાવવી પડશે, શેઠ !” કહી પોલીસે પેલાને બાવડેથી પકડ્યો. પછી બધું સરઘસ ચાલ્યું પોલીસમથક ઉપર ! આગળ પોલીસ અને પેલો બિનગુનેગાર આરોપી; બીજી બાજ બકોર પટેલ અને બધાની પાછળ જાનૈયા જેવા તમાશો જોનારાઓ !

પણ રસ્તામાં પટેલને મનમાં ચટપટી થવા માંડી : “એક નજીવા રૂમાલ માટે ફરિયાદ નોંધાવવી ? પછી કચેરીમાં ધક્કા ખાવા ? કીમતી વખત બગડશે. રૂમાલની સાબિતી આપવી પડશે. દિવસના દિવસ નીકળી જશે !”

વિચારમાં ને વિચારમાં પટેલને પરસેવો વળી ગયો. ટેવ મુજબ પરસેવો લૂછવા એમણે રૂમાલ કાઢવા ખિસ્સામાંહાથ નાખ્યો, તો તે હતો ખિસ્સામાં જ ! તુરત ભાન થયું કે હાયહાય, રૂમાલ તો ખિસ્સામાં જ છે !

હવે પટેલ ખરેખર ગભરાઈ ગયા. શું કરવું એવો વિચાર કરે છે, એટલામાં પોલીસે ધીમેથી તેમને પૂછ્યું : “તમારે ફરિયાદ નોંધાવવી જ છે, શેઠ ?”

પટેલ કહે : “ના ભાઈ, મારો કંઈ વિચાર નથી. ધંધો છોડીને રોજ કોર્ટ-કચેરીમાં ધક્કા ખાવા પડે !”

“ત્યારે એને બે તમાચા મારીને છોડી દઉં ?”

“ના, ના ! જવા દો હવે - એક રૂમાલ જેવી વાતમાં...” કહી પોલીસે પેલાને છોડી મૂક્યો. “જેવી તમારી મરજી.”

“ત્યારે ઊભા રહો. આ તમારો રૂમાલ તો લેતા જાઓ. અલ્યા એઈ, શેઠને રૂમાલ આપી દે, ચાલ.”

પેલાએ પટેલને રૂમાલ આપ્યો. કચવાતે મને પટેલે રૂમાલ લીધો. પછી જતાં-જતાં પોલીસને કહ્યું : “હવે જાઉં છું, જયહિન્દ !”

“જયહિન્દ !” પોલીસે જવાબ વાળ્યો. પટેલ ત્યાંથી સરક્યા પંજાબ મેલની ઝડપે! હરામ છે પાછું વળી જોવા પણ થોભ્યા હોય તો !

સાંજે શકરી પટલાણીએ આ વાત જાણી, ત્યારે એ પેટ પકડીને હસ્યાં : “તમે બિચારા નિર્દોષને કૂટી માર્યો ને ઉપરથી તેનો રૂમાલ લઈ આવ્યા !”

પટેલ બોલ્યા : “પણ શું કરું ? મારે એનો રૂમાલ જોઈતો જ ન હતો. પણ પછી કરવું શું ? સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ ગઈ હતી !”

પટલાણીએ ઉપાય સૂચવ્યો : “હવે એમ કરો સફેદ રૂમાલ વાપરશો જ નહિ. સફેદ રંગવાળો રૂમાલ ઓળખાય પણ નહિ. વળી, આપણે ત્યાં હવે સફેદ રૂમાલ રહ્યા પણ નથી.”

“બધા ખલાસ થઈ ગયા ?”

“બધા તમે જ ખલાસ કર્યા, બલકે ખોઈ નાખ્યા ! લાલ મિલના ચોકડીવાળા રૂમાલ છે, તે વાપરવા માંડજો. ઝટ ઓળખાઈ જાય તેવા છે. એટલે આવી ભૂલ નહિ થાય.”

પટલાણીની સલાહ મુજબ પટેલે ચોકડીવાળા રૂમાલ વાપરવા શરૂ કર્યા :

હવે એક દિવસ એવું બન્યું કે પટેલ કંઈ કારણસર ટ્રેનમાં જતા હતા. એમની આગલી બેઠક ઉપર એક જાડો માણસ બેઠેલો. એવું જાડું શરીર કે લગભગ પોણી બેઠક તો એણે જ રોકેલી ! એની જોેડે બેઠેલો તે બિચારો તો છેક છેડે, કિનારી ઉપર દબાઈચંપાઈ ગયેલો !

પટેલ વિચાર કરવા લાગ્યા : “વાહ ભાઈ, વાહ ! શું ભગવાને જાડિયારામને ઘડ્યા છે ! આ તો અમારા હાથીશંકરનેય ટપી જાય તેવા છે !

પટેલ જાડિયારામને પાછળથી, પગથી તે માથા સુધી જોવા લાગ્યા. એકાએક એમની નજર જાડિયારામની સીટ નીચે પોતાના પગ આગળ ગઈ, તો ત્યાં ચોકડીવાળો રૂમાલ પડેલો !

‘હત્તારીની ! આવી રીતે જ રૂમાલ ખોવાઈ જતા હશે. ઠીક થયું કે મારી નજર પડી.’

આમ વિચાર કરી પટેલ રૂમાલ લેવા નીચે વળ્યા, પણ રૂમાલ તો પેલા જાડિયારામનો હતો ! એ ભાઈસાહેબને પરસેવો બહુ વળે, એટલે રૂમાલ હાથમાં જ રાખેલો, પણ બેધ્યાનપણામાં નીચે પડી ગયો હતો.

પટેલ નીચે વળ્યા કે જાડિયારામે પાછળ જોયું. તો પોતાનો રૂમાલ લેવા કોઈ નીચું વળેલું. હસીને પટેલને ખભે ધબ્બો મારતાં એણે કહ્યું : “હોહોહોહોહો ! આ રૂમાલ ! વારેઘડીએ પડી જાય છે ! તકલીફ માફ !”

પણ પટેલ પેલાને રૂમાલ શેના આપે ? તેમણે કહ્યું : “રૂમાલ તો મારો પડી ગયો છે.”

“તમારો ? હોહોહોહોહો ! વાહ ભાઈ, વાહ ! આવું તો આજે જ જોયું ! મારો રૂમાલ છે તે હું ન ઓળખું ? હોહોહોહોહો ! જો વાત લાવ્યા છે તે !”

જાડિયારામ ખૂબ મોટેથી હસતા જાય ને બોલતા જાય. ટ્રેનમાં બેઠેલાંઓનું ધ્યાન પણ ત્યાં ખેંચાયું. શું મામલો છે તે સહુ રસથી જોવા લાગ્યા.

પટેલ કહે : “તમારી કંઈ ભૂલ થાય છે, શેઠ ! રૂમાલ મારો છે. આ લાલ મિલનો! ચોકડીવાળો, ને હું ન ઓળખું !”

“હોહોહોહોહો !” પાછા જાડિયારામ હસવા લાગ્યા : “લાલ મિલના રૂમાલ વાપરવાનો તમે જ ઇજારો લીધો છે ? જો વાત લાવ્યા ! હોહોહોહોહો !”

તાલ જોઈને બધા મુસાફરોને પણ ગમ્મત પડી. જાડિયારામ સાથે તેઓ બધાં પણ મોટેથી હસવા લાગ્યાં.

“આપી દો એ રૂમાલ, બિરાદર !” જાડિયારામે હાથ ધરતાં કહ્યું.

“પણ એ રૂમાલ તો મારો છે !” પટેલ મક્કમતાથી બોલ્યા.

“અરે મહેરબાન ! તમારે જોઈતો જ હોય રૂમાલ, તો માગીને લો. પણ આવી શાહુકારી ? હોહોહોહોહો !”

પાછા જાડિયારામ મોટેથી હસવા લાગ્યા અને ટ્રેનમાં બેઠેલા તમામ મુસાફરો ખડખડાટ હસવા માંડ્યા. પણ એટલામાં જાડિયારામની નજર પટેલની બંડીના ઉપલા ખિસ્સા પર પડી. તેમાંથી ચોકડીવાળો રૂમાલ ડોકિયાં કરતો હતો ! જાડિયારામ એ રૂમાલ ખેંચી કાઢતાં હીહીહીહી કરતાં બોલ્યા : “વાહ શેઠિયા વાહ ! તમારો રૂમાલ તો આ રહ્યો!”

પટેલ ચમકી ગયા. જોયું તો પોતાનો જ રૂમાલ ! પોતાના જ ખિસ્સામાં !

આવી ભૂલ માટે પટેલને પસ્તાવો થયો. એમણે માફી માગતાં કહ્યું : “માફ કરજો, મહેરબાન, દિલગીર છું. પણ મહિનાના પંદર રૂમાલ ગુમાવું છું, તેથી ચેતીને ચાલવા માંડ્યું, તેમાં વટાઈ ગયો આવો ભાંગરો !”

“કંઈ વાંધો નહિ, એમ જ ચાલે ! પણ મહિનાના પંદર રૂમાલ ! હોહોહોહોહો! ગજબ કરો છો તમેય !”

બીજો બોલ્યો : “યાર, ત્રીસ ગુમાવો તો હિસાબ સારો બેસે !”

ને આખા ડબ્બામાં પાછું હાસ્યનું મોજું ફેલાઈ ગયું. બકોર પટેલથી પણ હસ્યા વિના રહેવાયું નહિ.

પણ આવા છબરડાથી બચવા શકરી પટલાણીએ શું કર્યું - જાણો છો ? એમણે બધા રૂમાલ ઉપર નાનકડું ગુલાબનું ફૂલ ગૂંથી નાખ્યું ! શોભાની શોભા ને નિશાનીની નિશાની !

લટકણિયું !

“બકોર પટેલ ! આવી ગયા છો કે ?” ગાડરભાઈ ઘીવાળાએ બંગલામાં પગથિયાં ચડતાં બૂમ પાડી.

બૂમ સાંભળી પટેલ સામા આવ્યા : “આવો, આવો ગાડરભાઈ !”

“લો આ પેલા દસ હજારનો ચેક. તમે ન મળ્યા હોત તો મારે પાછો કાલે ધક્કો ખાવો પડત. લો, બૅરર ચેક છે એટલે કોઈને પણ મોકલશો તો બૅન્કમાંથી રોકડા જ મળી જશે.”

પટેલે ચેક લઈ ટેબલ ઉપર મૂક્યો. ગાડરભાઈને કંઈક માલ આપેલો તે બદલાનો એ ચેક હતો. થોડીવાર વાત કરી ગાડરભાઈ ગયા.

ત્યાર પછી પટેલ ટપાલ લખવા બેઠા. પેઢીએથી ઘેર આવ્યા ત્યારે ત્રણેક જણના કાગળો લેતા આવેલા. એમને તરત જ જવાબ લખવાના હતા. પટેલ તે લખવા બેઠા.

ટપાલ મોકલવાની પટેલને બહુ સારી સગવડ હતી. એમના બંગલાની બહાર, ભીંતે જ ટપાલખાતાએ લાલ ટપાલપેટી લટકાવી હતી. પત્ર લખાઈ રહ્યા પછી તરત ટપાલપેટીમાં નાખવાનું આ રીતે બહુ સુગમ પડતું. આજુબાજુમાં રહેનારાંઓને પણ એ પેટીથી અનુકૂળતા રહેતી.

ઝટઝટ જવાબ લખીને પટેલ ત્રણ પરબિડીયાં ટપાલપેટીમાં નાખી આવ્યા. પછી એમને થયું, “લાવ ને, પેલો ચેક ઠેકાણે મૂકી દઉં. કોઈના હાથમાં જશે તો કાલે દસ હજાર રૂપિયા એ લઈ જશે !”

આમ વિચાર કરી પટેલ ચેક શોધવા લાગ્યા, પણ ચેક જ ગુમ !

“ઓત્તારીની ! હમણાં ચેક હતો, ને એટલામાં જાય ક્યાં !”

પટેલે બધું ઉથામી નાખ્યું. ટેબલ પરની ચીજો આઘીપાછી કરી જોઈ. ટેબલ પર પાથરેલું ભાતીગળ (રંગબેરંગી) કપડું ખેંચી કાઢીને ખંખેર્યું પણ ચેક મળે નહિ !

એકાએક પટેલને વિચાર આવ્યો : “અરે, એ ચેક કદાચ પેલા પરબિડીયામાં તો ભૂલથી નહિ બિડાઈ ગયો હોય ? હાયહાય તો તો આફત થઈ જાય !”

પટેલને શરીરે પરસેવો વળી ગયો ! દસ હજાર રૂપિયાનો સવાલ ! હવે કરવું શું ?

પટેલનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું : “કાલે ટપાલી પાસે કવર પાછાં માગી લઉં ? પણ પેટી ખોલવા ટપાલી વહેલોમોડો આવે તો...? અને કદાચ કવર આપવાની ના પાડે તો શું થાય ? તો તો ભારે પંચાત થઈ જાય. ત્યારે શું કરવું ? ટપાલપેટીમાં હાથ નાખીને બધાં કવર પાછાં કાઢી લઉં ? હા, હા, એ રસ્તો ઠીક છે. આપણે ક્યાં ચોરી કરવી છે ? પત્રો મારા જ છે, ને મારે પાછા લેવા છે, એમાં ક્યાં કંઈ ખોટું કરવાનું છે !”

પટેલ ઝટઝટ બહાર આવ્યા. રાહદારીઓની અવરજવર ઓછી થઈ ગઈ હતી. રાત પડવા આવી હતી. આમતેમ જોતાં કોઈ આવતું દેખાયું નહિ, એટલે પટેલે ટપાલપેટીમાં હાથ નાખવા માંડ્યો.

પણ તે દિવસે બકોર પટેલની પૂરી કઠણાઈ બેઠી હોય તેમ લાગતું હતું. આજુબાજુમાં રહેતા કોઈ રહીશે એ ટપાલપેટીમાં નાખેલો પોતાનો પત્ર પહોંચ્યો નહિ હોય, તેથી ટપાલખાતાને અરજી કરી. આ અરજીના અનુસંધાને તપાસ કરવા ટપાલખાતાના એક અધિકારી બે દિવસથી સ્કૂટર પર એટલામાં આંટા માર્યા કરતા હતા.

પટેલે ટપાલપેટીમાં હાથ નાખ્યો. હાથ એકદમ દાખલ થાય તેવો અવકાશ નહોતો, પણ પટેલનો હાથ પાતળો, એટલે એમણે ધીરે રહીને હાથને અંદર સરકાવવા માંડ્યો, પણ હાથ પૂરો અંદર ગયો નહિ ને અધવચ ફસાઈ પડ્યો ! પટેલે હાથ કાઢી લેવા જોર કર્યુ, એટલે તો આગળના ભાગમાં લોહી જામી ગયું ! હાથ આબાદ ટપાલપેટીમાં સપડાઈ ગયો !

બરાબર એ જ સમયે, પેલા ટપાલખાતાના અધિકારી સ્કૂટર પર આવી પહોંચ્યા. પટેલનો હાથ ટપાલપેટીમાં જોઈ એ બોલી ઊઠ્યા : “શાબાશ મહેરબાન, શાબાશ ! તમે જ પેલા ચીનના શાહુકાર લાગો છો ! આજે બરાબર સપડાયા, લોકોની ટપાલ તમે જ ગુમ કરતા લાગો છો ! આમ ને આમ કેટલાય કાગળો ગુમ કર્યા હશે ! ચાલો પોલીસ-સ્ટેશને!”

પટેલના હોશકોશ ઊડી ગયા. પોતે આબાદ પકડાઈ ગયા હતા ! ટપાલ-પેટીમાંથી હાથ બહાર નીકળતો ન હતો. વળી આવતા જતા રાહદારીઓ પણ ભેગા થવા લાગ્યા હતા. થોડીવારમાં તો ટોળું એકઠું થઈ ગયું ! બીજી બાજુ પટેલનો હાથ એવો દુખે, કે બૂમ પડાઈ જાય !

કંઈક ખુલાસો તો કરવો જોઈએ, એમ વિચારી પટેલ બોલ્યા : “પપપપ પ...ણ પ...ણ...હું તો હું તો... મારા કાગળોે...

“હા, હા ! હું બધું સમજું છું. તમે શું કરતા હતા, તે તો ચોખ્ખું દેખાય છે. કોઈ સાક્ષીની પણ જરૂર પડે તેમ નથી. ટપાલપેટી જ સાક્ષી પૂરે છે. ચાલો પોલીસ-સ્ટેશને. તમને સીધા જ લૉકઅપમાં પૂરી દેવાના છે.”

આમ કહી અધિકારીએ સાંકળ અને ખીલા સાથે આખી ટપાલપેટી ઉતારી, ને પછી સ્કૂટર પર તે ગોઠવી. પટેલનો હાથ તો પેટીની અંદર જ ફસાયેલો ! આવી રીતે વરઘોડો ચાલ્યો પોલીસ-સ્ટેશન તરફ ! એક બાજુ ભયંકર દુખાવો, ને બીજી બાજુ પટેલને શરમ તો એવી આવે કે કાપે તો લોહી ન નીકળે ! બેવડી ફસામણ, પણ થાય શું ?

પોલીસ-સ્ટેશને પહોંચ્યા, ત્યારે નસીબજોગે પટેલના જાણીતા ફોજદાર ફરજ પર હાજર હતા ! પટેલને જોતાં જ તેઓ નવાઈ પામીને બોલી ઊઠ્યા : “ઓહો, પટેલસાહેબ! આમ કેમ ? તમે અહીં ક્યાંથી ? ને ટપાલપેટી આ રીતે કેમ પકડી છે ?”

પેલા ટપાલખાતાના અધિકારી કહે : “તમે ઓળખો છો આમને ? એ ભાઈસાહેબ તો ટપાલપેટીમાંથી કાગળોની ચોરી કરતા પકડાયા છે ! ટપાલપેટી કંઈ એમને ઊંચકી નથી, એ તો શાહુકારી કરવા જતાં એમનો હાથ ટપાલપેટીમાં ફસાઈ પડેલો છે ! જરા જુઓ તો ખરા !”

ફોજદાર આશ્ચર્યથી બકોર પટેલ સામે જોઈ રહ્યા.

પટેલ બોલ્યા : “ફોજદારસાહેબ ! કરવા ગયો કંઈ, ને બની ગયું કંઈ ! ઓરે, ઊંહ, ઊંહ... વાત એમ બની કે ...ઊંહ...ઊંહ... પેલા ગાડરભાઈ ઊંહ...ઊંહ મને દસ હજાર રૂપિયાનો એક ચેક, ઊંહ... ઊંહ... આપી ગયેલા.”

“કયા ગાડરભાઈ ? ગાડરભાઈ ઘીવાળા ?”

“હા. પછી મેં ત્રણ કાગળો ઊંહ... ઊંહ... લખ્યા, ને કવરમાં ઊંહ... ઊંહ... બીડી ટપાલમાં નાખ્યા ઓ રે... ઓ રે !... હવે પેલો ચેક જડતો નથી. ઊંહ... ઊંહ... બધું ઉથામી જોયું, પણ ઊંહ... ઊંહ... પત્તો ખાધો નહિ, એટલે મને વિચાર આવ્યો કે એકાદ કવરમાં ઊંહ... ઊંહ... ચેક બિડાઈ ગયો હોય તો... ભાઈસાબ, ઊંહઊંહ, મારો હાથ કાઢો.”

“હવે સમજ પડી,” ફોજદાર હસતાં હસતાં બોલ્યા : “ને તમે એ ...ઊંહ... ઊંહ... અરે, પણ હું ક્યાં ઊંહ...ઊંહ કરવા માંડ્યો ! મને ક્યાં દુખે છે ! આ તમારી ઊંહ...ઊંહ...નો ચેપ મને પણ લાગ્યો, હા, હા, હા !” કહી ફોજદાર હસી પડ્યા ને પછી ગંભીર થઈને બોલ્યા :

“પછી કવર કાઢીને જોવાનો વિચાર તમે કર્યો, એમ જ ને? પણ એ કંઈ કાયદેસર ન જ કહેવાય. ગુનો તો ખરો જ.”

એટલે પટેલ બોલ્યા : “કબૂલ ! પણ એટલામાં આ મહેરબાન ...ઊંહ ...ઊંહ... આવી પડ્યા, ને અમારું સરઘસ અહીં આવ્યું ! પણ ઓ... રે... રે... ઓ... રે... મહેરબાની કરીને ઓ... ઓ... ઓ... મારો હાથ બહાર કાઢવાનો કંઈ ઇલાજ કરો ! મને વગરસજાએ ભારે સજા થઈ ગઈ છે... ઊંહ !”

ટપાલખાતાના અધિકારીને પણ હવે ખાતરી થઈ. એણે તાળું ખોલી પેટી ઉઘાડી. પટેલનો હાથ અંદરથી થોડો ફૂલી ગયો હતો. ફોજદારે થોડું તેલ મગાવ્યું. પટેલે પેટીની અંદર રહેલા પોતાના હાથ ઉપર તેલનું માલિશ કર્યું. પછી કળે કળે કરીને બધાની મદદથી હાથ બહાર કાઢ્યો !

“હવે પેલાં કવર ...ઊંહ... મને જોવા દો, તો મહેરબાની.” પટેલ કહેવા લાગ્યા. એટલામાં વાઘજીભાઈ ત્યાં આવી પહોંચ્યા.

“અરે પટેલ, તમે અહીં છો ?”

“હા, કેમ ? તમે... ઓ ઓ ઓ બહુ દુખે... અહીં ક્યાંથી ?”

વાઘજીભાઈ કહે : “ઘરે કહ્યા વગર તમે આવ્યા, એટલે શકરી પટલાણીએ ધમાલધમાલ કરી મૂકી !”

“કેમ ? શું થયું ?”

“પટલાણીએ તમને જોયા નહિ. વળી કોઈએ આખું ટેબલ ઊથામી નાખ્યું છે ! ટેબલ ઉપરનો રૂમાલ પણ ડૂબો વાળીને ફેંક્યો છે. બધું આઘુપાછું થઈ ગયું છે, ને તમને જોયા નહિ, એટલે પટલાણીને વહેમ પડ્યો ! એ તો રડવા જેવાં થઈ ગયા !”

“આ વળી... ઓ ઓ ઓ ...નવો ફણગો ફૂટ્યો !” પટેલ બોલ્યા, ને બધા હસી પડ્યા.

“પછી મને બોલાવ્યો. હું પણ ગભરાયો. પટલાણીએ તમારાં ખિસ્સાં જોયાં. ખિસ્સામાં પાકીટ પણ મળે નહિ ! એ તો સમજ્યા કે કોઈ ગઠિયાઓ આવ્યા હોવા જોઈએ! પણ ખિસ્સામાં ગડી વળેલો એક ચેક હતો તે બચી ગયો છે ! પછી હું તપાસ કરવા નીકળ્યો.”

“હેં ! ગજવામાં ચેક છે ?”

“હા. દસ હજારનો ચેક છે, ગાડરભાઈની સહીવાળો છે.”

“ત્યારે તો હાય, હાય, આ બધું વેઠ્યું મફતમાં !” પટેલ પોતાના ફૂલી ગયેલા હાથ તરફ આંગળી કરી હસીને બોલ્યા : “મેં બધુંય તપાસ્યું, પણ ખિસ્સાં જ ન તપાસ્યાં! ચેક મેં ખિસ્સાંમાં જ મૂકી દીધો હોવો જોઈએ. હત્તારીની !” કહી આવા દુખાવામાંય પટેલ ખડખડાટ હસી પડ્યા. સૌ પણ હસવામાં એમની સાથે જોડાયા.

ચક્કર-ભમ્મર !

“ચાલો પટેલ, હવે પ્રદર્શનમાં જઈશું ને ?” ગોરધન ઉર્ફે ગોધુકાકા બોલ્યા. એમના બે ચિરંજીવીઓ બાલુ અને કાલુ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા હતા. ગોધુકાકા મુંબઈમાં દિવાળી કરવા આવ્યા હતા. એમની સરભરા બરાબર કર્યા વિના પટેલનો છૂટકો જ ન હતો.

“હા, ચાલો; બધાં તૈયાર છો ને ?” પટેલ ઊભા થતાં બોલ્યા.

“તેયા...ર !” બાલુએ બૂમ પાડી.

પટેલે ઝભ્ભોટોપી ચડાવી દીધાં. કાલુ નાનો હોવાથી ગોધુકાકાની આંગળીએ વળગ્યો. બધું સરઘસ પ્રદર્શન જોવા ઊપડ્યું.

પ્રદર્શન નજીકના મેદાનમાં જ ભરાયું હતું. આઘેથી એના ઝગઝગાટ દીવાઓ જોતાં જ બન્ને ચિરંજીવીઓ આનંદથી કિકિયારીઓ કરવા લાગ્યા. આકાશી ચગડોળના રંગબેરંગી દીવાઓ ફરતા જોઈને ગુધોકાકાનું મોં પણ પહોળું થઈ ગયું.

“ઓહોહોહોહોહોહોહો ! બકોરભાઈ ! આ ચક્કર તો ઠેઠ આકાશમાં પહોંચ્યું લાગે છે !”

“હા; તમને એમાં મોજ કરાવીશું !” પટેલ ઓછું હસતાં બોલ્યા.

ટિકિટ લઈને સૌ અંદર દાખલ થયા. શરૂઆતમાં રમકડાંની દુકાન જોતાં જ બાલુ ત્યાં ધસી ગયો. દુકાનવાળાએ ચાવીવાળી મોટરને ચાવી આપીને મોટર સ..ર..ર..ર.. કરતી દોડાવી, એટલે બાલુભાઈ હઠે ચઢ્યા.

“બાપુજી, મને આ મોટર લઈ આપો.”

“આપણાથી ન લેવાય.” ગોધુકાકા બોલ્યા.

“કેમ ન લેવાય ?”

“ન લેવાય, ભાંગી જાય.”

“નહિ ભાંગી નાખું.”

“ના, ના. આગળ ચાલ તો ખરો.”

“ના, મારે મોટર લેવી જ છે. એંએંએંએંએં !” બાલુ રીતસર રડવા લાગ્યો.

ગોધુકાકાએ દુકાનવાળાને કિંમત પૂછી. પેલો કહે : “માત્ર સો રૂપિયા જ કિંમત છે, શેઠ; લઈ જાઓ ! આવું સરસ, ચાવીવાળું રકમડું છેક પાણીને મૂલે કાઢી નાખવાનું છે !”

“ના રે, ભાઈ ! સો રૂપિયાનું રમકડું લઈને શું કરીએ ?”

આમ કહી ગોરધનકાકા તો ચાલવા માંડ્યા, પણ બાલુએ તો ભેંકડો તાણ્યો ! મોટેથી “એંએંએંએંએં” કરીને એણે પ્રદર્શન ગજાવી મૂક્યું !

પટેલને દયા આવી. એમણે કહ્યું : “હશે ગોધુકાકા, બિચારાને અપાવો ને !”

“નહિ !” ગોધુકાકા મક્કમપણે બોલ્યા : “બિલકુલ નહિ ! એવાં રમકડાં પાછળ સો રૂપિયા ખરચવાની હું વિરુદ્ધમાં છું ! નહિ જ અપાવું રડવું હોય એટલું રડી લે !”

ગોધુકાકા મક્કમ રહ્યા. પેલાનો ભેંકડો બમણા જોરથી શરૂ થયો. આજુબાજુ રાહદારીઓ પણ એકઠા થવા લાગ્યા.

હવે પટેલને શરમ આવવા માંડી. કોઈ જુએ તો કેવું લાગે ! એમણે પોતે સો રૂપિયા કાઢીને બાલુને મોટર અપાવી. ને કાલુને પંચોતેર રૂપિયાની રમકડાની સાઈકલ અપાવી ! પછી વરઘોડો આગળ વધ્યો !

બાલુ બરાબર સમજી ગયો કે હઠ લઈએ તો બકોરકાકા બધું અપાવે એવા છે ! પછી પૂછવું જ શું ? એ રીતે એણે બૉલ-બેટ, કરોડપતિની રમત, ફૂટબૉલ, પિસ્તૉલ અને પ્લાસ્ટિકના પાકીટના પૈસા બકોર પટેલ પાસે ખરચાવ્યા ! પછી બધી મંડળી ગોળ ચગડોળ પાસે આવી પહોંચી.

ગોધુકાકા કહે : “પટેલ, આપણે તો પેલા આકાશી ચગડોળમાં બેસવું છે. છેક ઊંચે જઈને મુંબઈ ઉપર તો જરા નજર કરીએ !”

પટેલ બોલ્યા : “ભલે, એમાં તો બેસવાનું જ છે. પણ આ ગોળગોળ ફરતા ચગડેળની મજા પહેલાં જોઈએ.

મને એમાં બેસવાનું પણ ઘણું મન છે; પરંતુ, શરમ આવે છે. આજે તમે છો, એટલે વાંધો નહિ આવે. ચાલો તો ખરા !”

બધા ટપોટપ ગોઠવાઈ ગયા. પટેલની બાજુમાં વિમાનની ઉપર બાલુ બેઠો. ગોધુકાકાની બાજુમાં મોટર ઉપર કાલુ બેઠો. ચગડોળ ચક્કરચક્કર ફરવા લાગ્યું.

પણ જેમ-જેમ ચગડોળની ઝડપ વધવા લાગી, તેમ-તેમ પટેલને ચક્કર આવવા લાગ્યાં ! કોઈ દિવસ બેઠેલા નહિ, એટલે ખબર પણ કેવી રીતે પડે ! બૂમ પાડે તો બધા વચ્ચે આબરૂ જાય ! પટેલે ગભરાટમાં આંખો મીંચી દીધી ! પવનના સપાટામાં એમની ટોપી પડી ગઈ ! ટોપી પડતાં જ બધાએ “હો ઓ ઓ ઓ” કર્યું, પણ આંખ ઉઘાડવાની હિંમત પટેલમાં હોય ત્યારે ને !

આખરે ચગડોળ ધીમો પડેયો. પટેલ નીચે ઊતર્યા, પણ સીધાસરખા ઊભા રહેવાય નહિ ! ચક્કર આવે ને આમતેમ લથડિયાં ખવાય ! પટેલ થોડીવાર નીચે બેસી ગયા.

“બહુ ચક્કર આવ્યાં ?” ગોધુકાકાએ પૂછ્યું.

“આજે પહેલવહેલો જ બેઠો, તેથી આવે જ ને ?”

“અમે તો ગામડાનાં મેળામાં આવા ચગડોળમાં બહુ બેઠેલા, તેથી અમને ફેર ન ચડે ! આ બાલુ પણ ટેવાઈ ગયો છે ને ! હવે ચાલો, પેલા આકાશી ચક્કરમાં બેસાશે કે તેમાંય ફેર આવશે ?”

પટેલ ઊભા થતાં બોલ્યા : “એમાં તો બેસાશે. એમાં તો હું ઘણીવાર બેઠો છું. ચાલો ઝટ. ચગડોળ ઊભું રહ્યું છે, એટલે બેસવાની જગા મળી જશે.”

ત્યાંથી જઈને બધા આકાશી ચગડોળમાં ગોઠવાયા. થોડીવારે તે પણ ઊભા ચક્કર લેવા માંડ્યું.

“વાહ વાહ ! આહાહાહાહ ! આ તો જાણે વિમાનમાં બેઠા !” ગોધુકાકા બોલી ઊઠ્યા.

પટેલ કહે : “આ તો વીજળીથી ચાલે છે !”

પણ આમ વાત ચાલે છે, એટલામાં વીજળીએ કરામત કરી નાખી ! એનો પ્રવાહ એકાએક અટકી ગયો. આખા પ્રદર્શનમાં બધે ઘોરઅંધારું થઈ ગયું ! દુકાનોમાં પણ અંધારું ઘોર ! અવાજ મોટો કરનારા લાઉડસ્પીકરો પણ બંધ થઈ ગયા; ને પટેલનું આકાશી ચક્કર પણ બંધ પડી ગયું !

“પટેલ, પટેલ, આ શું થઈ ગયું ?” ગોધુકાકા ગભરાઈને બોલ્યા.

“વીજળી બંધ થઈ ગઈ છે.”

“પણ એમાં આ ચગડોળ કેમ નથી ચાલતો ?”

“વીજળી હોય ત્યારે એ ચાલે ને !”

“ઓત્તારીની ! ત્યાં સુધી આપણે અહીં અધવચ લટકતા રહેવાનું ? ઓ રે મારા બાપ રે ! આ તો બહુ ખોટું ! ચગડોળને ભાગ નીચે હોત, તો-તો આપણે ઊતરી પણ પડત. આટલે ઊંચેથી જવું પણ ક્યાં ?”

પટેલ પણ મૂંઝાઈ ગયા. બધાની પૂરેપૂરી કમબખ્તી (કમનસીબી) બેસી ગઈ હતી. બાલુ ને કાલુએ તો પાછી મોટેથી રડારોળ કરી મૂકી !

સદ્‌ભાગ્યે થોડીવારમાં વીજળી ચાલુ થઈ ગઈ. એકદમ દીવા થઈ ગયા. સૌએ “હો ઓ ઓ ઓ” અવાજ કર્યો, ને પાછો આકાશી ચગડોળ ફરવા લાગ્યો.

“હવે નીચે ઊતરી જાવ, બકોરભાઈ,” ગોધુભાઈ બોલ્યા : “આપણે તો આ વીજળીના ચગડોળને પગે લાગ્યા !”

બધા ઊતરી પડ્યા. પછી આગળની બીજી દુકાનો જોવા માંડી.

ભીડ વધતી જતી હતી. જોનારાંઓથી પ્રદર્શન ભરાઈ ગયું હતું. ઘણીવાર તો ચાલવા જેટલી જગા પણ રહેતી ન હતી ! આ ભીડમાં બકોર પટેલ તથા ગોધુભાઈ છૂટા પડી ગયા ! ગોધુભાઈ ચિરંજીવીઓને લઈને કઈ તરફ ગયા, એનો પટેલને ખ્યાલ રહ્યો નહિ !

પટેલ હાંફળાફાંફળા બનીને આમતેમ જોવા લાગ્યા. એકાએક એમને ડૉ. ઊંટડિયા મળી ગયા.

“અરે પટેલસાહેબ, તમેય આવ્યા છો કે ? ચાલો, ઠીક થયું. પ્રદર્શનમાં ઘણાં જણ ખોવાઈ જાય છે. તેથી એમને પ્રદર્શનની ઑફિસે પહોંચાડવાનું કામ આપણા મિત્રમંડળે માથે લીધું છે. વાઘજીભાઈ ત્રણેક જણને મૂકી આવ્યા. હું બાળકને મૂકવા જતો હતો. લો, તમે જરા મૂકી આવો ને. હું એક બીજાભાઈને લઈ આવું. આ બિચારું ભૂલું પડ્યું છે !”

“ઠીક, લાવો; હું પ્રદર્શનની ઑફિસે પહોંચાડી આવું.” આમ કહી બકોર પટેલે ડૉ. ઊંટડિયાના હાથમાંથી પેલા રડતા ગુડગુડિયાને લીધો. પછી તેઓ પ્રદર્શનની ઑફિસ તરફ ચાલ્યા.

ભીડને લીધે ઘણાં જણ છૂટા પડી જતાં. સ્વયંસેવકો એમને પ્રદર્શનની ઑફિસે પહોંચાડે. ઑફિસવાળાઓ માઇક દ્વારા જાહેર કરે : “અહીં લલિત નામનો બાબો આવ્યો છે; જેનો હોય તે લઈ જાય. અશ્વિનભાઈ પોતાના બાબાને શોધે છે. બાબાનું નામ વછુ છે. કોઈને મળે તો પ્રદર્શનની ઑફિસે પહોંચાડે.” આવી-આવી જાહેરાતો પેલા માઇક દ્વારા થયાં કરે !

હોંશમાં ને હોંશમાં પટેલ પણ ઑફિસમાં પહોંચ્યા. પેલા રડતા બાબાને ત્યાં સોંપ્યો. એમને લાગ્યું કે ચાલો, મંડળનું કામ આપણે પણ બજાવ્યું ખરું !

પણ થોડીવારે માઇક દ્વારા જાહેર થયું :

“બકોર પટેલ જેમનું નામ હોય તે અહીં પ્રદર્શનની ઑફિસે આવે. એક નાનો ગુડગુડિયો બકોરકાકાનું નામ દે છે.

“બકોર પટેલ હોય એ ઝટ આવે બ..કો..ર..પ..ટે..લ !”

પટેલ તો ઝટ દોડ્યા. જઈને જુએ છે તો પેલો જ ગુડગુડિયો ! એમણે સોંપેલું તે જ નંગ !

પટેલે ધારીધારીને જોયું તો એ તો કાલુ જ હતો ! ઓ ભગવાન ! આ તે કેવો ગોટાળો ! કાલુને મેં જ ન ઓળખ્યો ! પટેલ વિચારવા લાગ્યા.

કામ કરવાની હોંશમાં પટેલે પૂરું મોં પણ નહોતું જોયું !

બકોર પટેલનું નામ જાહેર થતું સાંભળી ગોધુભાઈ પણ પૂછતા-પૂછતા દોડીને પ્રદર્શનની ઑફિસે પહોંચ્યા. ભીડમાં કાલુ એમની આંગળીએથી છૂટો પડી ગયેલો. ડૉ. ઊંટડિયા પાસેથી લઈને પટેલે કેવું ઊંધુ માર્યુ, એ તો આપણે જોઈ ગયા !

આખરે બધા પાછા સાથે થઈ ગયા. પ્રદર્શનનાં છેલ્લા દર્શન કરી સૌ ઘર તરફ સિધાવ્યા !

પટેલનું પોટલું !

છુક...છુક...છુક...છુક... કરતી ગાડી વડોદરા સ્ટેશને ઊભી રહી. અત્યાર સુધી ડબ્બો ખાલીખમ હતો. બકોર પટેલ એકલા જ બેઠા હતા. પણ પછી મુસાફરોનો ધસારો શરૂ થઈ ગયો !

“આવો ટપુભાઈ ! મોતીભાઈ, ક્યાં બેઠા ? પેલી બૅગ લાવજો જરા ! એઈ ચેવડાવાળાભાઈ ! કેમ આપ્યો ચેવડો ? જરા ચખાડો, જોઉં !” વગેરે અવાજો સંભળાવા લાગ્યા. થોડી વારમાં તો પટેલનો ડબ્બો ચિક્કાર ભરાઈ ગયો. બે-ત્રણ જણને તો ઊભાં રહેવું પડ્યું !

પટેલે પોતાની બૅગ તો ઉપરને પાટિયે મૂકેલી, પણ એક પોટલું પોતાની જોડે, બાજુમાં જ ગોઠવી રાખેલું. પોતાની યુક્તિ પર મનમાં ફુલાઈ જતાં પટેલ વિચાર કરવા લાગ્યા : “વાહ...વાહ ! આ યુક્તિ સરસ છે. કોઈ પૂછે તો કહેવું, કે પોટલાવાળા ભાઈ નીચે ચા પીવા ઊતર્યા છે, એ આવવાના છે. આમ કહીએ, એટલે એટલી જગા ખાલી રહે. ભીડ નડે નહિ ! વાહ રે વાહ ! શી મજાની યુક્તિ !”

આમ ફુલાઈને પટેલ મનમાં મલકાતા હતા, એવામાં એક જણે સાચેસાચ પૂછ્યુંઃ “આ પોટલું આપનું છે ?”

દશશેરિયો (માથું) હલાવીને પટેલે ના કહી : “ના ભાઈ, પોટલાવાળા ભાઈ તો કંઈ નીચે ગયા છે, હમણાં આવશે.”

વળી પાછા બે મુસાફરો ચઢ્યા ! એક જણે પૂછ્યું : “આ પોટલું લઈ લેશો ?”

પટેલ કહે : “મારું નથી એ પોટલું. પોટલાવાળા ભાઈ બહાર ચા પીવા ગયા છે. હમણાં આવતા હશે.”

ત્યાર પછી બીજા બે મુસાફરો ચડ્યા. એમને પણ પટેલે એવો જ જવાબ આપ્યો. બધાં સાંકડેમાંકડે (એકદમ સંકડાઈને) ઊભા રહ્યા. થોડી વાર થઈને ગાડીની સિસોટી વાગી.

ટપુભાઈ કહે : “અરરર ! ગાડી તો ઊપડવા માંડી, ને પેલા પોટલાવાળા મહેરબાન તો હજુ આવ્યા નહિ !”

પટેલ ચૂપ રહ્યા. ગાડી ચાલવા લાગી.

ટપુભાઈ ઊંચાનીચા થઈ ગયા. “અરેરે, બિચારા પોટલાવાળા ભાઈ ! એ તો રહી ગયા, ને પોટલું ક્યે ગામ જશે ? લાવો-લાવો, પ્લૅટફૉર્મ ઉપર નાખી દઈએ. બાપડાનું પોટલું તો બચે !”

આમ કહી ટપુભાઈએ પોટલું ઉપાડીને બહાર નાખવા માંડ્યું. પટેલ તો ગભરાઈ ગયા ! હવે એમનાથી કહેવાય પણ શી રીતે, કે પોટલું તો મારું છે !

પણ એકાએક એમને એક બહાનું જડી આવ્યું. પોટલું પકડી લેતાં તેમણે કહ્યું : “રહેવા દો, ભાઈ ! કદાચ એ ભાઈ દોડતા-દોડતા બીજા ડબ્બામાં બેસી ગયા હશે તો ? હવે પછીના મોટા સ્ટેશન સુધી એમની રાહ જોવી જોઈએ.”

“હા, હા ! એય ઠીક છે.”

“કદાચ કોઈ બીજા ડબ્બામાં ચડી ગયા હોય ! રહેવા દો પોટલું.” કોઈ બોલ્યું.

ટપુભાઈને ગળે પણ એ વાત ઊતરી ગઈ. એમણે પોટલું પાછું મૂકી દીધું. પછી સો વાતોએ ગળગ્યા.

એમ કરતાં-કરતાં ભરૂચ આવી પહોંચ્યું. ત્યાંથી બીજા નવા મુસાફરો ડબ્બામાં ચડ્યા, પણ પોટલા માટે કોઈ આવ્યું નહિ ! ક્યાંથી આવે ?

ગાડી ઊપડી, એટલે ટપુભાઈ પાછા સળવળી ઊઠ્યા.

“પેલા પોટલાદાર મહેરબાન તો આવ્યા જ નહિ !”

“વડોદરે જ રહી ગયા હશે.” એક જણ બોલ્યું.

“એમનું પોટલું વડોદરે જ પ્લૅટફૉર્મ પર નાખી દીધું હોત તો સારું થાત.” ત્રીજાએ પોતાનો મત દર્શાવ્યો.

થોડીવાર પછી શાંતિ પથરાઈ. પછી ટપુભાઈ બોલ્યા : “આ પોટલું આપણે રેલવેની ઑફિસમાં સોંપી દેવું જોઈએ.”

બીજા કહે : “જવા દો ને ! સોંપવા જશો તો પાછા ભાંજગડમાં પડશો. એમાંથી કોઈ ચીજ ગુમ થઈ હશે, તો સોંપનારને માથે આવી પડશે.”

ટપુભાઈ કહે : “આપણે કંઈ થોડી જ ચોરી લીધી છે ? બધાંના દેખતાં પોટલાની ચીજોની યાદી કરીએ. પાંચ જણની સાક્ષી લઈએ. પછી સોંપી દઈએ. આપણે ક્યાં ચોરી કરવી છે !”

ત્રીજો કહે : “બરાબર છે. એમ જ કરો. પંચ રૂબરૂ બધી ચીજોની યાદી કરી લો. પછી પોટલું સોંપી દો.”

ચોથાએ પણ આ વાતને ટેકો આપ્યો.

ટપુભાઈએ ગજવામાંથી કાગળ-પેન્સિલ કાઢ્યાં. પછી પોટલું હાથમાં લીધું. અંદરની ચીજોની યાદી કરવા માટે એમણે તૈયારી કરી.

બકોર પટેલ બેઠા-બેઠા બધું જોયા કરે. જીવ ખૂબ ઊંચો થઈ ગયો. પણ હવે થાય શું ? જાણે નજર આગળ પોતાનું પોટલું વીંખાતું હતું. ખુદ પોતાની પણ રેવડી દાણાદાણ થતી હતી ને !

પોટલું મોટું હતું. એમાં કેટલાંક કપડાં હતાં. ઉપરાંત બીજી ચીજોનું, તો જાણે પ્રદર્શન હતું !

શકરી પટલાણીએ પટેલ પાસે જાત જાતનીચીજો મંગાવેલી !

માથું ચોળવા માટે કાળી માટી, આંખમાં આંજવા માટે ઘરની પાડેલી મેશ ! એમનાં જૂનાં ચંપલ તારાપુર રહી ગયેલાં, તે પણ લેતા આવવા જણાવેલું. વળી, પટેલનાં માતાપિતાની છબી પડી રહેલી, તે પણ મગાવેલી, જેથી તેના ઉપરથી રંગીન મોટી છબી કરાવી શકાય. આટલુંય જાણે ઓછું હોય તેમ પટલાણીએ સુગરીના બે માળા મગાવેલ ! સુકાઈ ગયેલા માળા હોય તે શરીરે ઘસીને નહાવાનો પટલાણીને બહુ શોખ ! શરીર પરનો મેલ સાફ થઈ જાય અને લોહી પણ ફરતું થઈ જાય ! પટલાણી રામેશ્વર જાત્રાએ ગયેલાં, ત્યારે ત્યાં સુગરીના માળાનો વપરાશ જોયેલો; એટલે એ પણ એમણે મગાવેલા !

પટેલ તો બધું મામેરું પોટલામાં બાંધી ટ્રેનમાં બેઠેલા. બીજા વર્ગમાં મુસાફરી કરવાનો એમને ભારે શોખ. ઘણે ભાગે બીજા વર્ગમાં જ મુસાફરી કરે. આ વખતે પણ બીજા વર્ગમાં જ બેઠા હતા.

ટપુભાઈએ એક પછી એક ચીજો પોટલામાંથી કાઢવા માંડી. જેમજેમ કાઢતં જાય તેમતેમ એમનું મોં પહોળું થતું જાય !

“વાહ, ભાઈ વાહ ! આ પોટલાચંદભાઈ તો કોઈ જબરા લાગે છે ! આ શું ? કાળી મટોડી (માટી) ? હાહાહાહાહા ! મટોડી તો ભારે નવાઈની ચીજ, ભાઈ !”

ટપુભાઈ મોટેથી હસવા લાગ્યા. આખો ડબ્બો પણ ખડખડ હસવા લાગ્યો. પટેલનેય પરાણે જ હસવું જ પડે ને ! એ સુધ્ધાં હસવા તો લાગ્યા, પણ મનમાં તો એવું થઈ જાય કે શું નું શું કરી નાખું ! પણ પહેલેથી ઊંધું બાફી માર્યું, એટલે કરે પણ શું ?

ટપુભાઈએ બાજુવાળાને કહ્યું : “તમે લખો મહેરબાન, ને હું લખાવું. લખો, આ કાળી કિનારનાં ધોતિયાં નંગ બે; એક કાળી મિટ્ટીની પોટલી, વજન આશરે અઢી કિલો. ઓ...ઓત્તારી ! આ શું છે વળી ? સુગરીનો માળો ! હાહાહાહાહા ! વાહ પોટલેદાર ભાઈ, વાહ !”

ટપુભાઈએ એક હાથમાં સુગરીનો માળો ઊંચો કરી બધાંને બતાવવા માંડ્યો, ને ડબ્બામાં ફરીથી ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું !

“લખો ભાઈ, સુગરીનોમાળો નંગ...નંગ...ઓત્તારી, આ તો બે નંગ છે - માળા નંગ બે ! આ પોટલાદાસને આંજવા માટે મેશની ડબ્બી નંગ એક; આ શું છે ? જૂનાં ચંપલ ! વાહ પોટલાશંકરભાઈ, વાહ, ! આ તૂટેલી ચંપલની જોડી નંગ એક, આ... આ... તૂટેલા કાચવાળી છબી નંગ એક !”

ટપુભાઈએ એક પછી એક ચીજો કાઢીને લખાવી. પછી પોટલું પાછું બાંધ્યું.

“હવે સુરત સ્ટેશને પોટલું આપણે સોંપી દઈએ.” તેમણે કહ્યું.

પટેલ પાછા ગભરાયા. એમને થયું કે પોટલું સુરતમાં રવડી જવાનું. બધું તો ઠીક, પણ અંદર તેમનાં માબાપની છબી ! એની બીજી નકલ હતી જ નહિ. વળી, નવાં કપડાં પણ હતાં. એ કેમ જવા દેવાય ?

એટલામાં ટપુભાઈ બોલ્યા : “લો, આ યાદી તૈયાર થઈ. હવે પંચની સહી જોઈએ. તમે સહી કરશો, મહેરબાન ?”

બાજુમાં બેઠેલ એક જણે કહ્યું : “ના ભાઈ, આપણે કોઈ લફરામાં પડવું નથી. નકામાં સાક્ષીમાં ધક્કા ખાવા પડે.”

બીજો કહે : “હા...હા. ખરી વાત. મામલો કચેરીએ પહોંચે, તો આપણું તેલ નીકળી જાય. કોણ પડે એવી પંચાતમાં ?”

ટપુભાઈ બકોર પટેલ તરફ જોઈને બોલ્યા : “કેમ મહેરબાન, તમે તો સહી કરશો જ ને ?”

પટેલ કહે : “ના ભાઈ, ના ! એ લપમાં કોણ પડે ? પોટલું ડબ્બામાં જ પડી રહેવા દો ને ! નકામી પંચાતમાં આપણે ઊતરવાની જરૂર શી ? એ પોટલાદાર ભાઈ આવા કેવા ? કોઈ જબરા ભેજાગેપ લાગે છે !”

ટપુભાઈની ધીરજ હવે ન રહી. એમને થયું કે નકામી પંચાત વહોરી લેવી, એના કરતાં પોટલું બહાર ફેંકી દેવું શું ખોટું ?

પોટલું ઉઠાવીને બહાર ફેંકી દેતાં તેમણે કહ્યું : “લો ત્યારે, આ તેનો નિકાલ ! સો વાતની એક વાત !”

પટેલ તો સ્તબ્ધ થઈ ગયા. ટપુભાઈએ તો પોટલું ખરેખર જ બારીબહાર ફેંકી દીધું ! વધુ સમય જાય તો તે ક્યાં પડ્યું એનો પત્તો પણ લાગે નહિ ! પટેલ એકદમ ઊભા થયા. એમણે સંકટ સમયની સાંકળ ખેંચી. ચરરરર કરતી ગાડી ધીમી પડી. ટપુભાઈ ગૂંચવાઈ ગયા. આશ્ચર્યથી પૂછ્યું : “કેમ કેમ ? તમે સાંકળ કેમ ખેંચી ?”

પટેલ તતપપ થતા બોલ્યા : “એ... પપપપ - પોટલું એ...પપપપ પોટલું મ...મ મારું હતું !”

“તમારું હતું ?” ડબ્બાના બેઠેલા મુસાફરો એકીસાથે બોલી ઊઠ્યા.

એટલામં ગાર્ડસાહેબ આવી પહોંચ્યા.

“સાંકળ કોણે ખેંચી ?”

“મેં ખેંચી છે.” પટેલ બોલ્યા.

“કેમ ? શું છે ?”

“મારું પોટલું પડી ગયું છે.”

“અરે વાહ !” ગાર્ડસાહેબ હસવા લાગ્યા : “પોટલું પડી ગયું છે, તેમાં સાંકળ ખેંચવાની ? હાહાહા ! હાહા ! દંડ ભરવો પડશે, મહેરબાન !

હાહાહાહાહા ! પોટલા માટે સાંકળ ખેંચી !”

પટેલે ઝડપથી વિચાર કરીને કહ્યું : “પણ એ પોટલામાં કીમતી દાગીના છે, સાહેબ ! ગાડી પાછી વાળો. દાગીના ન નીકળે, તો હું દંડ ભરી દઈશ.”

ગાર્ડ પોતાના ડબ્બામાં ગયા. ગાડી ધીમે-ધીમે પાછી ચાલવા માંડી. ગાર્ડને ફાનસના અજવાળે આખરે પોટલું દેખાયું. ચાંદની રાતનું અજવાળું પણ હતું. ગાડી ઊભી રહી ને ગાર્ડે પોટલું ઉઠાવી લીધું.

“આ જ પોટલું કે ?”

“હાજી,”

“લાવો, દાગીના છે કે નહિ તે જોઈએ !”

ગાડી ઊભી રહી, એટલે એમાં બેઠેલા તમામ મુસાફરો નીચે ઊતર્યા. શો મામલો છે, એ જોવા મોટું ટોળું એકઠું થઈ ગયું. ગાર્ડે એક પછી એક ચીજો પોટલામાંથી કાઢવા માંડી.

“આ શું છે ?” એમણે ચીજો બહાર કાઢતાં કહ્યું : “આ માટીની પોટલી ! અને આ સુગરીના માળા ! હાહાહાહાહા ! હીપ-હીપ હુર્ર્‌રે ! આ તમારી દોલત ? આ દાગીના?! આ હીરાજડિત ઘરેણાં ?!” ગાર્ડે સુગરીના માળા ઊંચા કર્યા ને ટોળું ગેલમાં આવી ‘હો..ઓ..ઓ..ઓ’ પોકારવા માંડ્યું ! સૌ કોઈ હસવા લાગ્યા. પટેલની ભારે ફજેતી થઈ !

“અને આ સવા લાખ રૂપિયાનાં જૂનાં ચંપલિયાં !” ગાર્ડ બોલ્યા ને ફરી પાછું હસાહસનું મોજું ફરી વળ્યું.

“પેલા મોંઘામૂલા દાગીના ક્યાં છે, મહેરબાન ?”

પટેલના મનમાં એકદમ વિચાર ઝબક્યો. એમણે પેલી માતાપિતાની છબી ઉપાડી લઈ કહ્યું : “આ જ મારા દાગીના ! આની એક નકલ મારી પાસે છે. તમારે દંડ જોઈતો હોય તો લઈ લો.”

“તમારી લાગણી હું સમજું છું.” સહાનુભૂતિભર્યા અવાજે ગાર્ડ બોલ્યા : “પણ રેલવે નિયમ મુજબ તમારે દંડ તો ભરવો જ પડશે. ચાલો હવે, આપ ગાડીમાં બેસી જાઓ. ગાડી ઊપડે છે.”

પટેલે દંડ ભરી દીધો. મુસાફરો બધા ‘હોઓઓઓઓ’ કરતાં પોતપોતાના ડબ્બામાં બેસી ગયા. ગાડી ઊપડી.

પટેલ ભોંઠા પડીને ગુપચુપ બેસી રહ્યા, પણ ટપુભાઈથી ન રહેવાયું. એમણે કહ્યુંઃ “તમેય શું સાહેબ ! પહેલેથી કહેવું હતું ને !”

પટેલ બોલ્યા : “મને શી ખબર કે તમે પોટલું ફેંકી જ દેશો ! ગાડીમાં જગા રહે એ માટે મેં પોટલું મૂકી રાખેલું. તમને કહેવાઈ ગયું કે બીજાનું છે. પછી તો પૂંછડું પકડ્યું, તે પકડ્યું ! છોડીએ તોય મુશ્કેલી, ને ન છોડીએ તોય મુશ્કેલી !”

પાછી હસાહસ ચાલી.

છેવટે દાદર આવ્યું, એટલે પટેલ ઊતર્યા.

“આવજો, ટપુભાઈ !” એમણે જતાં-જતાં કહ્યું.

“હાજી, આવજોજી પધારજોજી, કાગળ લખજોજી !” ટપુભાઈ બોલ્યા. “પધારજો પોટલાશંકરભાઈ!” ડબ્બામાંથી કોઈ બોલ્યું, ને હસાહસ સાથે ગાડી મુંબઈ સેન્ટ્રલ જવા ઊપડી !