બકોર પટેલ :
ભુલકણા
લેખક
હરિપ્રસાદ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.
Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમ
૧.ભુલકણા !
૨.બાસુંદીમાંથી બંબો
૩.હરાજી
૪.પટેલને આ શું થયું !
૫.વાળંદના લેબાસમાં !
૬.લાખો રૂપિયાનું આંધણ !
ભુલકણા !
બકોર પટેલને એક-દિવસ જૂના ભાઇબંધનો ભેટો થઇ ગયો. એ ભાઇબંધનું નામ વાઘેલા. વાઘેલા અને બકોર પટેલ બન્ને નાનપણમાં જબરા તોફાની બારકસો! પછી મોટા થયા અને ધંધે વળગ્યા. એટલે તો ડાહ્યાડમરા બનવું જ પડે ને! બન્ને જણ છૂટા પડી ગયા. કોણ ક્યાં છે એની એમને ખબર ન રહી.
અચાનક એક દહાડો શ્રીમાન વાઘેલાજી દાદરના સ્ટેશન ઉપર બકોર પટેલ સાથે અથડાઇ પડયા. પટેલ પૂર દમામથી જતા હતા. સામેથી વાઘેલા મૂછો આમળતાં-આમળતાં આવતા હતા. બન્ને જણ એંજિન અથડાઇ પડે તેમ અથડાઇ પડ્યા!
બકોર પટેલનં ચશ્મા નાક ઉપરથી સરકીને છેક નાકની દાંડી સુધી ધસી આવ્યા અને વાઘેલાની હૅટ ઊછળીને નીચે પડી ને પૈડાની માફક ચક્કર-ચક્કર ફરતી ફરતી આધે જઇને પડી. વાઘેલા ડોળા કાઢી બરાડ્યા : “યૂ મેન! દેખતા નહિ હય ?”
પટેલ પણ ક્યાં ગાંજ્યા જાય તેવા હતા? એમણે મોટો ઘાંટો કાઢી જવાબ આપ્યો : “અબે અંધે! તુમ...”
પટેલ આગળ બોલવા ગયા પણ અટકી પડ્યા. એમણે વાઘેલા સામે જોયું. જૂની ઓળખાણ તાજી થઇ! એમણે થોડીવાર જોઇ રહી પૂછ્યું : “કોણ ? મિસ્ટર વાઘેલા તો નહિ ?”
હવે શ્રીમાન વાઘેલા ઝંખવાણા પડી ગયા. એમને લાગ્યું કે કોઇ ઓળખીતાનું અપમાન થઇ ગયું. એમની યાદશક્તિ બહુ સારી ન હતી. એ ભુલકણા બહુ હતા. એમણે પટેલ સામે જોઇ જવાબ આપ્યો : “હાજી, હું જ વાઘેલા. પણ માફ કરજો, મેં આપને ઓળખ્યા નહિ!”
પટેલ હસીને બોલ્યા : “બસ કે ? તું તો હજુ એવો ને એવો ભુલકણો જ રહ્યો, વાઘેલા! મારૂં નામ બકોર પટેલ. નિશાળમાં ધિંગામસ્તી કરવામાં આપણે સાથે જ હતા! હવે યાદ આવે છે!”
વાઘેલાએ આનંદમાં આવી જઇને પટેલના બરડામાં ધબ્બો મારતાં કહ્યું : “ઓહ યસ! તું કોઇ મોટા શેઠિયા જેવો થઇ ગયો, બકોર! ક્યાં રહે છે ? શું કરે છે ?”
પટેલ કહે : “ચાલ ઘેર! અહીં દાદરમાં જ રહું છું ઘેર વાત કરીએ. પછી જવું હોય ત્યાં જજે.”
વાઘેલાએ જવાબ આપ્યો : “ચાલ ત્યારે, હું બીજી લોકલ પકડીશ. મારૂ ટોપલુંય તેં તો ગબડાવી દીધું !”
આમ કહી વાઘેલાએ આઘે પડેલી પોતાની હૅટ ઉપાડી લીધી અને હસતાં-હસતાં એના ઉપરથી ધૂળ ખંખેરવા માંડી પછી બન્ને જણ વાતો કરતાં - કરતાં ચાલ્યા.
થોડીવારમાં પટેલનો બંગલો આવી પહોંચ્યો. એટલે શકરી પટલાણી સાથે વાઘેલાની ઓળખાણ કરાવી. પછી બન્ને જણ વાતોએ વળગ્યા. પટેલે પોતાની પેઢીની અને વેપારધંધાની વાત કહી સંભળાવી. પછી શકરી પટલાણી શરબત લાવ્યાં. શરબત પીતાં - પીતાં પટેલે પૂછ્યું : “તમે હાલમાં ક્યાં છો, વાઘેલા ?”
વાઘેલાએ શરબત પીતાં-પીતાં જબાવ આપ્યો : “હું અહીંના ગુર્જર સિનેમામાં મૅનેજર છું. તમને ફિલ્મ જોવાનો શોખ છે કે નહિ ?”
બકોર પટેલ આનંદથી ડોકી હલાવતાં બોલ્યા : “હોવે, એ શોખ કોને ન હોય ?
વાઘેલાએ કહ્યું : “તો તમે રવિવારે આવજો. હું હોઉં ને તમારે પૈસા શા માટે ખરચવા પડે ? સિનેમામાં મારી ફુલ સત્તા છે. હું કહું તે જ થાય. તમે બધાં આવજો. થિયેટર તો જોયું છે ને ?”
શકરી પટલાણી બોલી ઊઠ્યા : “ગુર્જર સિનેમાવાળું ને ? એમાં તો અમે ઘણીવાર આવ્યાં છીએ. ઠીક, પણ ત્રણ-ચાર જણ આવીએ તો વાંધો નથી ને ?”
વાઘેલાએ જવાબ આપ્યો : “ત્રણ ચાર શું દસબાર જણ આવજો ને ! હું ત્યાં છું પછી શો વાંધો ? રાતના એક-બે વાગ્યા સુધી થિયેટર પર જ હાઉં છું. ત્યાં આવીને વૉચમૅનને તમારૂં નામ દેશો એટલે મારી ઑફીસમાં આવી મને ખબર આપશે અથવા તમે ચિઠ્ઠી મોકલજો.”
પટેલ તથા પટલાણી રાજી-રાજી થઇ ગયાં. હવે તો વારેઘડીએ મફત સિનેમાં જોવા જઇ શકાશે એવા વિચારે એમની ખુશીનો પાર ન રહ્યો! વાઘેલા થોડીવાર બેસીને પછી ઘેર જવ માટે ઊઠ્યા.
એમ કરતાં - કરતાં રવિવાર આવી પહોંચ્યો.
પટલાણીએ પટેલને પૂછ્યું : ““આપણે એકલાં સિનેમા જોવા જઇએ, તે સારૂ ન કહેવાય. વાઘેલાભાઇએ કહ્યું છે કે વધારે માણસો હશે તોય વાંધો નથી. વાઘજીભાઇ વકીલનાં બેબી અને બાબો ઘેર રહે ને આપણાથી એકલાં જવાય ? વળી ગાડરભાઇને પણ ખોટું લાગશે. કહેશે કે આવું હતું, તો મારા બાબાને પણ લઇ જવો હતો ને!
પટેલે જવાબ આપ્યોઃ “તારી વાત બરાબર છે, પણ આપણાથી બધાંને સચવાશે શી રીતે ? વાઘજીભાઇનો બાબો કેવો તોફાની છે, તે ખબર નથી!”
શકરી પટલાણી બોલ્યાં : “આપણે ખુશાલબહેનને પણ સાથે લઇ જઇશું. એ બિચારાં પણ સિનેમા જોશે. વળી છોકરાંને પણ સાચવશે.”
બકોર પટેલ ખુશ થઇને બોલ્યાં : “વાહ! એ રસ્તો ઠીક છે. ખુશાલબહેનને પણ સાથે લઇશું. તું વાઘજીભાઇને તથા ગાડરભાઇને ત્યાં કહી આવ.”
શકરી પટલાણી કહેવા ગયાં કે છોકરાંને તૈયાર કરજો. ખુશાલબહેનને પણ કપડાં બદલવાનું કહ્યું. આ બાજુ બકોર પટેલે તૈયારી કરવા માંડી; મોં ધોયું. માથામાં સુગંધીદાર તેલ નાખી વાળ ઓળ્યા અને ધોયેલાં-ઇસ્ત્રી કરેલાં કપડાં પહેર્યાં.
એટલામાં શકરી પટલાણી આવી પહોંચ્યાં. એમણે કહ્યું : “વાઘજીભાઇ તો આજ સવારના બહારગામ ગયા છે. એમને ઓચિંતા જવું પડ્યું. વીજકોરબહેન ઘેર છે. એ કહે છે કે પૈસા ખરચવાના ન હોય તો હું પણ આવું! મેં કહ્યું કે સરસ, તમે પણ તૈયાર થાઓ. કંઇ વાંધો નથી ને?”
પટેલ બોલ્યા : “ના રે! કંઇ વાંધો નથી. એમને એકલાને રાખવાં ઠીક પણ નહિ. સારું થયું તું એમને કહી આવી.”
શકરી પટલાણીએ કપડાં બદલવાં માંડ્યા. થોડીવારમાં વાઘજીભાઇના પત્ની તથા એમનાં બાબો અને બેબી આવી પહોંચ્યાં. પટેલે મોટર મગાવી હતી. ગાડરભાઇનો બાબો આવી ગયો એટલે બધાં મોટરમાં પોટલાંની જેમ ખીચોખીમ ખડકાયાં. છૈયાંછોકરાં સાથે આટલાં બધા માય પણ શી રીતે ? ખુશાલબહેન પણ સાથે હતા ને!
મોટરે તો સડસડાટ ચાલવા માંડ્યું. રસ્તામાં વાઘજીભાઇનો બાબો મોટરની સીટ ઉપરથી ઊભો થઇ જાય! એનો હાથ પકડીને એની મમ્મી તેને બેસાડી દે ત્યાં વળી બેબી ઊભી થઇ જાય ! બન્ને બહુ સતપતિયાં હતાં, એટલે કોઇનું કહ્યું માને નહિ. એક બે વાર પટેલે ડોળા કાઢ્યા, પણ બન્ને એમની સામે જોઇને હસવા માંડ્યાં. છેવટે વાઘજીભાઇનાં પત્નીએ એમને બરડામાં કોપરાપાક આપ્યો ત્યારે બન્ને જણ સીધાં થયાં.
એમ કરતાં કાફલા સિનેમાઘર (થિયેટર) સુધી આવી પહોંચ્યો. પટેલ બધાંનને કમ્પાઉન્ડમાં લઇ જઇને ેક બાંકડા ઉપર બેસાડી આવ્યા. પછી વૉચમેૅનને એમણે કહ્યું : “અહીં વાઘેલાસાહેબ મૅનેજર છે, એમને ખબર આપો, કહો કે તમારા ફ્રૅન્ડ આવ્યા છે.”
વૉચમેને સલામ કરી કહ્યું : અચ્છા સા’બ!” આમ કહી તે મૅનેજરની ઑફિસમાં ગયો.
હવે વાઘેલાસાહેબ એ વખતે શું કરતા હતા ? એ દિવસે એમને ખૂબ કામ આવી પડ્યું હતું. છેક સવારથી રખડપટ્ટી ચાલી હતી! એમનું માથું ખૂબ દુઃખતું હતું. જરા ઑફિસમાં આરામ કરવા બેઠા હતા. એટલામાં વૉચમૅન આવીને સલામ કરી કહ્યું : “સા’બ! કોઇ આપકા પહીચાનવાલા (ઓળખાણવાળા) આયા હય!”
વાઘેલાએ ભવાં ચડાવીને પૂછ્યું : “કિતને આદમી હય?”
વૉચમૅને જવાબ આપ્યો : “સા’બ! વો ખુદ, સાથ મેં દો ઓરતાં (સ્ત્રીઓ) હય, તીન ચાર બચ્ચે ભી હય.”
બકોર પટેલ આવવાના છે એ તો વાઘેલા બિલકુલ ભૂલી ગયા હતા! એ મનમાં બબડ્યા : “હશે વળી કોઇ મફતિયો! લોકોને મફતિયા સિનેમા જોવાનો બહુ શોખ હોય છે! લ્યો! સિનેમા જોવા આવ્યાં ! પોતે તો આવ્યા પણ સાથે બૈરાં-છોકરાંનું લાવલશ્કર લઇને આવ્યા! ભલે આથડીને પાછાં જાય! નહિ તો પૈસા ખરચીને જોશે!”
વૉચમૅને પૂછ્યું : “ક્યાં કહું, સા’બ ?”
વાઘેલાએ જવાબ આપ્યો : “ઉસકું બોલ દો, મૅનેજરસા’બ નહિ હય! ાજ આનેવાલે ભી નહિ.”
“અચ્છા, સા’બ!” કહી વૉચમૅન બહાર આવ્યો.
વાઘેલાને ઓળખાણોય બહુ એટલે અનેક ઓળખીતાંપાળખીતાં મફતમાં સિનેમાં જોવા આવે! કેટલાક જણ તો પછી પેંધા જ પડેલા! આવા લોકો દર અઠવાડિયે આવે. કંઇ રોજરોજ બધાંને મફતમાં દાખલ કરાય! થિયેટરના માલિકને કેટલું ખરાબ લાગે! આથી એમણે કાયદો જ કરેલા. રજા સિવાય કોઇ પણ પોતાની ઑફિસમાં આવે નહિ, તેવુંપાટિયું બહાર લગાવી દીધેલું.
એટલે આવનારે સૌથી પહેલાં વૉચમૅનને કહેવું પડે. વાઘેલા કંઇક બહાનું શોધી કાઢે ને પેલા મફતિયાઓને પાછાં કાઢે! બકોર પટેલ તો વાઘેલાના લંગોટિયા મિત્ર! એમને તો પાછા કાઢવાના હોય જ નહિ, પણ પટેલ આવવાના છે એ વાત જ એ ભૂલી ગયેલા.
વૉચમૅને બહાર આવી પટેલને ખબર આપી : “મૅનેજરસા’બ આજ નહિ આયે. આજ આનેવાલી ભી નહિ!”
હવે શું થાય ? પટેલ તો મોટું લશ્કર લઇને આવેલા. એ તો એકદમ મૂંઝાઇ ગયા. આ બધાનાં પૈસા વગર મફતના ખરચવાના આવ્યા. અહીં આવ્યા પછી હવે સિનેમા જોયા વગર કંઇ પાછું જવાય ? પટેલે કડવું મોઢું કરી બાલ્કનીની ઊંચા દરની ટિકિટો લીધી. શકરી પટલાણીનો જીવ પણ બળીને ખાખ થઇ ગયો. સૌ અંદર જઇ સિનેમા જોવા બેઠાં. પણ પટેલ તથા પટલાણીનો જીવ ફિલ્મ ઉપર જરાયે ચોંટે નહિ.
ફિલ્મ તો ચાલવા લાગી. પટેલ વિચાર કરતાં-કરતાં બધું જોયા કરે. અડધી ફિલ્મે ઇન્ટરવલ પડ્યો. પટેલ ચા પીવા બહાર નીકળ્યા. બહાર એમણે લાઇટના અજવાળામાં વાઘેલાને ફરતા જોય. બન્નેએ એકબીજાને જોયા. પટેલને જોતાં જ વાઘેલાનું મોઢું પડી ગયું.
“અરેરેરેરે પટેલ! હું તો ભૂલી જ ગયો! તમે આવવાના છો એ યાદ જ ન રહ્યું!”
પટેલે ઠપકો આપતાં કહ્યું : “શું મારા મહેરબાન! આવી રીતે સિનેમા જોવા આવવાનું કહેવાય ? ક્યાં સુધી અમે અથડાયાં કર્યા! આવું હતું તો પહેલેથી કહેવું હતું! જોવા ન આવત!”
વાઘેલાએ એમને શાંત પાડતાં કહ્યું : “તમે જરા ધીરા પડો. આમ ગુસ્સે ન થાવ. અહીં મફતિયાં લોકો બહુ આવે છે. એટલે મેં નિયમ કર્યો છે. પહેલાં વૉચમૅન આવીને સિનેમામાં બેસાડવાના હોય તો ઑફિસમાં બોલાવું. પછી બધી ગોઠવણ કરી આપું. પણ તમારે તમારૂ નામ તો વૉચમૅન સાથે કહેવડાવવું હતું ? એ વગર કોણ આવ્યુ છે એની શી ખબર પડે ? હું તો નાનપણથી જ ભુલકણો છું, એટલે ભૂલી જાઉં. પણ તમે કેમ ભૂલી ગયા ?”
પટેલ માથું ખંજવાળતાં બોલ્યા : “ખરી વાત છે, નામ કહેવડાવવાનું કે નામની ચિઠ્ઠી મોકલવાનું તો હું પણ ભૂલી જ ગયો!”
“ત્યારે ભૂલનો ભોગ થયા ને!” કહી વાઘેલા મોટેથી હસ્યા.
પટેલને પણ પોતાની ભૂલ ઉપર હસવું આવ્યું. બન્ને પણ હસતાં-હસતાં સૌ બેઠા હતાં ત્યાં આવ્યાં.
શકરી પટલાણી તો વાઘેલાને જોઇને વિચારમાં પડી ગયાં. પણ પટેલે આખીયે કથા વિસ્તારથી કહી સંભળાવી. બધું સાંભળ્યા પછી પટલાણી પણ હસી પડ્યાં ને બોલ્યાં : “તમે કહેતા હતા કે વાઘેલા બહુ ભુલકણા છે, પણ તમે તો એમના કરતાં સવાયા ભુલકણા છો!”
બાસુંદીમાંથી બંબો
બકોર પટેલને બાસુંદી બહુ જ ભાવે. એમની વરસગાંઠ હોય ત્યારે તો ઘણુખરું બાસુંદી જ બનાવડાવે! આવા દિવસે ભાગ્યે જ કંઇ બીજું મિષ્ટાન્ન થાય.
એકવાર એમની વરસગાંઠ આવી. નિયમ મુજબ એ દિવસે બાસુંદી જ બનાવવાની હોય, પણ એ વખતે મોટી અડચણ આવી પડી હતી. પટેલનું કોઇ એકદમ નજીકનું સગું મરી ગયેલું. એટલે શોકને લીધે કંઇ સારૂ જમણ થાય નહિ.
શકરી પટલાણીએ કહ્યું : “આજે તમે બાસુંદી બનાવવાની કહો છો, પણ આગળ-પાછળનો વિચાર કર્યો ? કોઇ સગુંવહાલું આવીપડશે તો ! કુટુંબમાં શોક છે અને જો કોઇ બાસુંદી કરેલી જોઇ જાય તો આપણી ફજેતી જ થઇ જાય ને!”
પટેલે જવાબ આપ્યો : “ગમે તે થાય, પણ હું બાસુંદી ખાધા વગર નથી રહેવાને. વળી મરનારની ઉંમર તો કેટલી મોટી હતી. બારમા-તેરમાને દિવસે સૌ લાડવા ખાશે જ ને ! એટલે મારે તો આજે બાસુંદી ખાવી જ છે.”
આમ કહેતા તો બકોર પટેલના મોઢામાં પાણી આવ્યું. એમણે સુ..રુ..રુ..રુ..રુ.. કરીને મોટો સિસકારો બોલાવ્યો.
શકરી પટલાણી હસી પડ્યાં ને બોલ્યાં : “તમારો વિચાર છે ત્યારે બાસુંદી જ બનાવીએ. મને એક યુક્તિ સૂઝી છે.”
બકોર પટેલ બોલી ઊઠ્યા : “શી યુક્તિ સૂઝી છે ? હું જાણી ગયો છું! એમ જાણી ન જઇએ તો અમે વેપારી શાના?” પટેલ પેઢી ચલાવતા હતા, એટલે મોટા વેપારી તો કહેવાય જ ને!
પટલાણીએ હસીને પૂછ્યું : “શું જાણી ગયા છે, કહો જોઇએ!”
બકોર પટેલ મલકાતાં-મલકાતાં બોલ્યા : “તારો વિચાર એ છે કે આપણે બાસુંદી ઘેર બનાવવી નહિ. બજારમાંથી તૈયાર લાવવી. ઢાંકણવાળા ડબ્બામાં લાવવી. ડબ્બો ઝોળીમાં મૂકીને લવાય અને કોઇ જુએ પણ નહિ. કેમ, ખરી વાત ને!”
પટલાણીએ ખડખડાટ હસીને કહ્યું : “ખોટું! તદ્દન ખોટું! કેમ વેપારીસાહેબ, તમે મનની વાત જાણી જાવ છો ને!”
ચાટ (ભોંઠા) પડી જઇ પટેલ બોલ્યા : “ત્યારે ખરી વાત શી છે. તે કહે. બાકી મને તો બાજરની બાસુંદી જરાય ભાવતી નથી એ તો તું જાણે છે. હું તો કદી એવી બાસુંદી ખાઉં નહિ. ઘેર બનાવીએ તે જ સારી થાય. આપણે જેવી જોઇએ તેવી બનાવી શકાય.”
પટલાણીએ જવાબ આપ્યો : “ખરી વાત છે, આપણે બનાવીશું તો ઘેર જ. પણ મને એક યુક્તિ સૂઝી છે. આપણે બંગલાને બારણે તાળુ મારીએ. પછી પાછળને બારણેથી બંગલામાં દાખલ થઇએ. એ બારણું અંદરથી બંધ કરી દેવું. જે કોઇ આવે તે આગલે બારણેથી જ આવે!.. તાળું જોઇને બધાય પાછાં જશે. આપણે અંદર બાસુંદી બનાવીએ તેની કોઇને ખબર નહિ પડવાની. કોઇ જોઇ જાય, તો જ બધી પંચાત રહે ને!”
પટેલ રાજી થતાં-થતાં બોલ્યા : “શાબાશ! તે સરસ યુક્તિ શોધી કાઢી. તમે ઠીક લાગે તો ઉપરના માળે રાંધજે. પછી આપણે અગાશીમાં બેસીને જમીશું.”
આમ બધું નક્કી થઇ ગયું. પટેલે દૂધ મગાવી દીધું. પછી પટલાણીએ ગુપચુપ ઉપરના માળે રાંધવા માંડ્યું. બંગલાની બહાર તો તાળું જ મારેલું!
બાસુંદી લાકડાના તાપે સરસ થાય! લાકડાંનો તાપ જબરો લાગે, ને બાસુંદી ઝટ થઇ જાય. પટલાણીએ લાકડાં કાઢીને સળગાવ્યાં. ઉપર દૂધ મૂક્યું. બીજું કામ કરતાં જાય અને દૂધ હલાવતાં જાય. બાસુંદી તૈયાર થઇ રહી એટલે પટલાણી લોટ બાંધવા નીચે રસોડામાં આવ્યાં.
હવે વાત એમ બની કે પટલાણી પૂરીનો લોટ બાંધવા રહ્યાં, એટલામાં લાકડાં ધુમાવા લાગ્યાં. ભડકો બંધ થયો અને ધૂણી થવા માંડી. પટેલ તો ડ્રૉંઇગરૂમમાં જરા આડા પડેલા. ધૂણી તો ધીમે - ધીમે ઊંચે ચડવા માંડી.
એકાએક પટેલના ખાસ મિત્રને એમના પાડોશી વાઘજીભાઇની નજર એ ધૂણી ઉપર પડી. વાઘજીભાઇ પોતાના બંગલા આગળ લટાર મારતા હતા. એમણે ધૂણી જોઇ. તેઓ એકદમ ચમક્યા : “આ શું ? આ ધૂણી કેવી ! પટેલને ત્યાં તો લાકડાં બાળતાં નથી. એ લોકો તો ગૅસ જ વાપરે છે. ત્યારે આ ધૂણી આવી ક્યાંથી ?”
વાઘજીભાઇએ ઝટ વીજકોરને બોલાવ્યાં. વીજકોર દોડતાં આવ્યાં, એટલે વાઘજીભાઇએ પેલી ધૂણી બતાવી. ધૂણીનો મોટો ગોટો આકાશ તરફ જતો હતો. વીજકોર પણ ચમક્યાં : “આ શું ?”
બન્ને જણ વિચાર કર્યો કે ચાલો પટેલને કહીએ કે તમારા બંગલાના ઉપરના માળે ધૂણી નીકળે છે. બન્ને જણ ઝડપથી બંગલા પાસે આવ્યાં. જોયું તો બંગલે મોટું તાળું! વાઘજીભાઇ કહે : “આ શું ? પટેલ અને પટલાણી તો બહાર ગયાં લગો છે. નક્કી એમના બંગલામાં આગ લાગી છે!”
વીજકોર તો થરથર ધ્રૂજવા માંડ્યાં. વાઘજીભાઇ ઘડીમાં આમ દોડે ને ઘડીમાં તેમ દોડે. શું કરવું એની સમજણ પડે નહિ. વીજકોર ધ્રૂજતાં-ધ્રૂજતાં બોલ્યા : “એમ દોડાદોડ શું કરો છો ? કંઇ ઉપાય કરો ને!”
વાઘજીભાઇ બોલ્યા : “શું ઉપાય કરું ? પટેલ તો અત્યારે ક્યાંય હશે ! વળી આપણી પાસે એમના બંગલાની ચાવી પણ નથી. ચાવી હોત તો અંદર જઇને આગ ઠારવા પાણી છાંટવા માંડત!”
વીજકોર કહે : “પણ લાય-બંબા વાળાને બોલાવો ને! આપણે બંગલેથી ટેલિફોન કરો.”
વાઘજીભાઇ ને આ વાત બરાબર લાગી એ પોતાના બંગલા તરફ દોડ્યા. ટેલિફોન જોડ્યો. બંબાવાળાને ખબર આપી. ઠેકાણું પણ કહ્યું. પછી એ ને વીજકોર પટેલના બંગલા પાસે જઇને ઊભાં.
બન્ને જણ ઊંચે જુએ એટલે આવતાં જતાં બધાંય ઊંચે જુએ. સૌએ જાણ્યું કે પટેલના બંગલામાં આગ લાગી છે. જોતજાતોમાં તો સો-દોઢસોનું ટોળું ભેગું થઇ ગયું.
થોડીવારમાં ટ..ન..ન..ન..ન..ન.. કરતો બંબો આવી પહોંચ્યો. બધાં આઘાં ખસી ગયાં. બંબાવાળાઓએ અગાશી તરફ બંબાની હોજ-પાઇપ છોડી મૂકી.
હવે શકરી પટલાણી પાછાં અગાસી પર આવ્યાં. એટલામાં એમણે બંબાનો અવાજ સાંભળ્યો. પટેલ પણ ઊઠીને અગાશીમાં આવ્યા. એમણે પૂછ્યું : “ શું થયું ? આગના બંબા જેવો અવાજ આવ્યો, ખરું!”
પટલાણીએ જવાબ આપ્યો : “હા, છે તો બંબો! લોકોના કોલાહલ પણ સંભળાય છે. કંઇ હશે, પણ આપણાથી અગાશીની બહાર ડોકું કાઢીને કેવી રીતે જોવાય ? બહાર જોઇએ અને કોઇ આપણને જોઇ જાય તો ? કહેશે કે બંગલે તો તાળુ છે ને આ લોકો અંદર ક્યાંથી ?”
પટેલ નીચે બેઠા અને બોલ્યા : “હશે, જે હોય તે. આપણે શું ?”
આમ વાત ચાલે છે, એટલામાં તો સ..ર..ર..ર.. કરતો પાણીનો ધધૂડો બાસુંદીના તપેલામાં પડ્યો ! બાસુદીમાં પાણી-પાણી થઇ ગયું ને લાકડાં પર પણ પાણી છંટાઇ ગયું !
બંબાવાળા બંબાઇ હોજ-પાઇપ આઘી-પાછી કરીને પાણી છાંટતા જાય, એટલે પાણીનો એક મોટો ધધૂડો પટેલના માથા ઉપર પણ પડ્યો અને પટલાણી પણ પાણીથી તરબોળ થઇ ગયાં! હવે પટેલથી રહેવાયું નહિ. મોઢા પરથી પાણી લૂંછતાં-લૂછતાં એ અગાશીની પાળી આગળ દોડ્યા. ત્યાં જઇને નીચે જુએ છે તો દોઢસો-બસોનું ટોળું ઊભેલું ને બંબાવાળા પાણીનો મારો ચલાવે!
પટેલે જોયું તો ખરું, પણ એટલામાં તો બંબાના પાણીની સેર (ધાર) એમના મોઢા ઉપર આવી, ને પટેલ પાછા નાઠા! એમનું આખું મોઢું છંટાઇગયું હતું! દોડીને બીજે છેડે ગયા અને ત્યાંથી જેવા જોવા ગયા કે પાણીની સેર પાછી એ બાજુએથી પણ આવી!
બંબાવાળા ચારેય બાજુએ સેર છોડે ને! આમ ચાર-પાંચ વાર પટેલ દોડીને પાછા ખસી ગયા.
હવે શું કરવું ? બાસુંદીનું તપેલું તો પાણીનો ધધૂડો પડવાને કારણે છલકાઇ ગયું હતું અનેબાસુંદીનો રેલો ચાલવા માંડ્યો હતો! લોખંડના ચૂલાની આગ તો ક્યારની ય હોલવાઇ ગઇ હતી. છેવટે પટેલ નીચેના માળ તરફ દોડ્યા. એમની પાછળ શકરી પટલાણી પણ દોડ્યાં. બન્ને જણે ફટાફટ બારીઓ ઉઘાડી ને બહાર ડોકાં કાઢ્યાં.
બન્ને જણને ઘરમાં જોતા જ બધાં આશ્ચર્યચકિત થઇ ગયા. સૌને એમ થયું કે બંગલાની બહાર તાળું છે, ને આ બે જણ અંદર ક્યાંથી ? વાઘજીભાઇ તો બકોર પટેલને જોઇ રાજી રાજી થઇ ગયા અને બોલ્યા : “પટેલ, તમે ઉપર ક્યાંથી ? તમારા બંગલામાં આગ લાગી છે, તેથી મેં બંબો બોલાવ્યો.”
પટેલ બોલ્યા : “શું વાઘજીભાઇ તમે તો! અહીં આગ લાગી છે જ ક્યાં ? એ તો લાકડાંની ધૂણી હતી! મારો તો બંગલો આખો પલળી ગયો!”
પટેલનો ખુલાસો સાંભળી આખું ટોળું ખડખડાટ હસી પડ્યું. બંબાવાળા પણ ચાટ પડી ગયા. વાઘજીભાઇ તો કાપો તો લોહી ન નીકળે એવા થઇ ગયા! પણ હવે ઉપાય શો?
ધીમે-ધીમે ટોળું વિખેરાઇ ગયું. પછી પટેલ નીચે આવ્યા. પાછલે બારણેથી આગળ આવી બંગલો ઉઘાડ્યો, પછી વાઘજીભાઇ અને વીજકોરને અંદર બોલાવ્યાં.
વાઘજીભાઇ તો ખસિયાણા (છોભીલા) પડી ગયા હતા. પણ વીજકોરે પૂછ્યું :“હેં પટેલ! પણ તમે બંગલાને બહારથી તાળું કેમ માર્યું હતું ?”
જવાબમાં પટેલે બધી વાત ખરેખરી કહી સંભળાવી. એમનો ખુલાસો સાંભળી વાઘજીભાઇ અને વીજકોરબહેન ખૂબ હસ્યાં. પછી વાઘજીભાઇ હસતાં-હસતાં બોલ્યા : “ત્યારે હવે ચાલો અમારે ઘેર. તમારૂં નસીબ જબરું જોર કરતું લાગે છે. ણારે ત્યાં પણ આજે બાસુંદી બનાવી છે. તમે બન્ને અમારે ત્યાં જમજો...!
બાસુંદીનું નામ સાંભળી પટેલ કૂદ્યા.
“હેં ? બાસુંદી કરી છે ? ત્યારે તો ચાલો; આજે તમારે ત્યાં ધામા!”
એ દિવસે પટેલ પોતાની વરસગાંઠની બાસુંદી વાઘજીભાઇને ત્યાં ખાધી. આમ, પટેલની વરસગાંઠ ઊજવાઇ ગઇ અને બાસુંદીમાંથી બંબો પણ આવી ગયો!
હરાજી
એકવાર બકોર પટેલ થોડા દિવસ માટે પોતાના વતનમાં ગયા હતા. એમનું વતન તારાપુર. ત્યાંથી કામપ્રસંગે પાસેના કોઇ ગામે જવાનું થયું. પટેલે એક નાનકડી બૅગ તૈયાર કરી. પછી ગામ જવા ઊપડ્યા.
સ્ટેશને આવીને તેમણે ટિકિટ લીધી. સામાન્ય રીતે તો પહેલા વર્ગના ડબ્બામાં જ બેસતા; પરંતુ એ દિવસે એમને બીજા વર્ગમાં મુસાફરી કરવાનું મન થયું.
પટેલે ટિકિટ લીધી. થોડી વારે ગાડી આવી. બકોર પટેલ એક ડબ્બામાં બેસી ગયા. વખત થતાં ગાડી ઊપડી.
બીજા વર્ગના ડબ્બામાં જાતજાતના ફેરિયાઓ આવે. કોઇ દવા વેચતો હોય, કોઇ કંઇ ફળ વેચે. એક વળી પિપરમિન્ટની ગોળીઓ વેચવા આવેલો. એણે તો વળી વરિયાળીની મીઠી ગોળીઓ આખા ડબ્બામાં મફત વહેંચી!
આ બદું જોઇ પટેલને બહુ મજા પડી. એમને તો એમ પણ લાગ્યું કે ગોળીઓ બધાંએ મફતમાં ખાધી, છતાં કોઇ એની પાસેથી ગોળીઓ વેચાતી લેતું નથી! મારે એને ખટાવવો (ખટાવવું -ફાયદો કરાવવો) જોઇએ.
પટેલે હાથના ઇશારાથી ગોળીવાળાને બોલાવ્યો : “એઇ ભાઇ ગોળીવાળા! પેલી વરિયાળીની ગોળીઓના શો ભાવ છે ?”
ગોળીવાળો નજીક આવ્યો અને કહેવા લાગ્યો : “ફરમાવો શેઠ ! એક રૂપિયાનું પડીકું છે, બે રૂપિયાવાળું છે અને પાંચ રૂપિયાવાળું પણ છે. આપણે કયું જોઇએ?”
બકોર પટેલે જવાબ આપ્યો : “લાવો ત્યારે બે રૂપિયાવાળું પડીકું આપો.”
પેલાએ બે રૂપિયાવાળું પડીકું આપ્યું. પટેલે ગોળીઓ વેચાતી લીધી એટલે એ તો રાજી-રાજી થઇ ગયો. પટેલે એને પાંચ રૂપિયા આપ્યા. એણે ઝૂકીઝૂકીને લીધા.
એટલામાં સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી. ગોળીવાળો ઊતરીને બીજા ડબ્બામાં ગયો.
કેટલાક નવા મુસાફરો એ ડબ્બામાં ચડ્યા. પછી ગાડી ઊપડી.
બકોર પટેલે પેલું વરિયાળીની ગોળીઓનું પડીકું ખોલ્યું. ગોળીઓ એ જ ખાનામાં બેઠેલા ઉતારુઓને (મુસાફરોને) વહેંચવા માંડી. થોડી વધી, એ પોતે ખાધી.
આમ, ગાડીમાં વખત પસાર થવા લાગ્યો.
પણ પછી એક નવી જ બાબત જોવા મળી. બીજે સ્ટેશનેથી હરાજીવાળો ચડ્યો. એણે ચાલતી ગાડીએ હરાજી કરવા માંડી.
હરાજીવાળા પાસે જાતજાતની ચીજો હતી : રમવાના પત્તા, બૅટરી (ટૉર્ચ), ચપ્પુ, ઘડિયાળો, પાકીટો, અરીસા, સૂડી, કાંસકા, સ્નોની બાટલી, પાઉડરના સુંદર ડબ્બા વગેરે ઘણી વસ્તુઓ. એક એક વસ્તુ કાઢીને એણે હરાજી બોલાવવા માંડી. જોઇતી રકમ હરાજીમાં બોલાય નહિ, ત્યારે છેલ્લા બોલનારને માટે એ ઇનામ જાહેર કરતો. ઇનામ આપી પણ દેતો. દરેકે દરેક બોલનારને ઇનામ મળે નહિ; પણ છેક છેલ્લું, વધારેમાં વધારે રકમ બોલનારને ઇનામ મળે.
હરાજીવાળાએ ડબ્બાની વચ્ચેઊભા રહી શરૂ કર્યું : “મહેરબાનો, આ એક અસ્સલ કચ્છી ચપ્પુ, સરસ ધારદાર, પોલાદનું, બોલો શેઠિયાઓ, આ ચપ્પુના....”
“એક રૂપિયો !” એક જણ બોલ્યું.
“ભલે, એક રૂપિયો!” હરાજીવાળાએ માગણી ઝીલી લીધી, ને આગળ ચલાવ્યું : “આ કચ્છી ચપ્પુનો એક રૂપિયા! જોવાના પૈસા નથી, મહેરબના! આ એક...”
“બે રૂપિયા!” કોઇ બોલી ઊઠ્યું.
“ભલે, બે રૂપિયા, આ ચપ્પુના બે રૂપિયા, આ...”
“ત્રણ રૂપિયા!”
“ભલે. આ ચપ્પાના - આ ચપ્પાના ત્રણ રૂપિયા! ત્રણ રૂપિયા!”
“ચાર રૂપિયા!”
“ચાર રૂપિયા! હોય શેઠિયા, હોય! જેને જેટલા રૂપિયા બોલવા હોય - બોલે! સૌને છૂટ છે! ધણીનું કોઇ ધણી નથી, મારા મહેરબાન! આ એક ચપ્પાના ચાર રૂપિયા!”
“પાંચ રૂપિયા!ં”
“પાંચ રૂપિયા બોલનારને એક રૂપિયો ઇનામ! પાંચ રૂપિયા! પાંચ રૂપિયા!”
“સાત રૂપિયા!”
“સાત રૂપિયાની બોલી બોલનારને બે રૂપિયા ઇનામ!”
બકોર પટેલને આમા ભારે રસ પડ્યો. ઊંચા થઇ-થઇને બધો તાલ એ જોવા લાગ્યા. તેમને થયું કે ચપ્પુ આઠરૂપિયાનું લાગે છે જ. આપણે બોલવામાં શો વાંધો છે ?
આમ વિચાર કરી તેઓ બોલ્યા : “આઠ રૂપિયા!”
“આઠ રૂપિયા બોલનારને ત્રણ રૂપિયા ઇનામ ! બોલો મહેરબાનો ! આ એક ચપ્પુના આઠ રૂપિયા!”
હરાજીવાળાએ ચપ્પુ ઊંચું કરીને બધે ફેરવ્યું. બધાંને સંબોધીને ફરી એકવાર પૂછ્યું : “છે કોઇ બોલનાર ? છે કોઇ ? અરે ભગવાન! પચાસ રૂપિયાનું ચપ્પું આઠ રૂપિયામાં આવી દેતાં કેવી રીતે જીવ ચાલે ? ભલે મહેરબાનો! જેવી આપની મરજી! આ ચપ્પુ પાછું મૂકી દઉં છું. બીજી ચીજ કાઢું છું. આઠ રૂપિયા બોલનારને ત્રણ રૂપિયા ઇનામ આપવાનું મે જાહેર કરેલું, તે મુજબ આ ત્રણ રૂપિયા!”
આમ કહી એણે ગજવામાં હાથ નાખ્યો. ત્રણ રૂપિયા કાઢ્યા. બકોર પટેલને આપતાં-આપતાં એ બોલ્યો : “લ્યો શેઠ, આ ત્રણ રૂપિયા! વસ્તુ વેચાય કે નહિ એની વાત જુદી છે, પણ મારા ગુરૂએ શીખવ્યું છે કે વચન એટલે વચન ! ભગવાન જોઇતું આપી રહેશે.”
પટેલે ત્રણ રૂપિયા લીધા. જરા સંકોચ તો થયો, પણ ખિસ્સામાં સરકારી દીધા.
પછી હરાજીવાળાએ વીજળીની ટૉર્ચ કાઢી ઊંચી કરીને ચાંપ દાબી. ટૉર્ટમાંથી પ્રકાશના ઝબકારા કરી દેખાડ્યા.
“બોલો સાહેબો ! આ ત્રણ સેલની ઝગમગાટ કરતી ટોર્ચ! બજારમાં એની કિંમત આજે સાઠ રૂપિયા છે!”
“બે રૂપિયા!”
“હા બાપા ! બે રૂપિયા બોલો તો પણ કબૂલ ! આ ટોર્ટના બે રૂપિયા !”
બકોર પટેલને શૂર ચડ્યું એકદમ બોલી ઊઠ્યા : ‘પંદર!”
“પંદર બોલનારને બે રૂપિયા ઇનામ ! આ સાઠ રૂપિયાના માલના બે રૂપિયા! આગ મગને ભાવે મરી! છે કોઇ બોલનાર ?”
હરાજીવાળાએ આમતેમ જોયું.
ફરીથી તે બોલવા મંડ્યો. પણ પંદર રૂપિયાથી કોઇ આગળ વધ્યું નહિ!
આખરે થાકીને એણે ટૉર્ચ પાછી મૂકી દીધી. પછી બકોર પટેલને બે રૂપિયા આપી દેતાં બોલ્યો : “લ્યો શેઠ! સાઠ રૂપિયાનો માલ પંદરમાં આપી દેવો, તેના કરતાં બે રૂપિયાનું નાહી નાખવું સારું ! હવે ત્રીજી વસ્તુ કાઢું.”
આમ કહીને હરાજીવાળાએ થેલી ફંફોસવા માંડી. બકોર પટેલ આતુરતાથી એના તરફ જોઇ રહ્યા.
એણે એક અરીસો કાઢ્યો; સાથે પાઉડર, ક્રીમ અને દાંતિયો પણ રાખ્યાં. પછી ચારે ચીજો બધાંને બતાવતાં કહેવા માંડ્યું : “જુઓ મહેરબાનો! આ અસ્સલ બિલોરી કાચનો બેલ્જિયમ બનાવટનો અરીસો! આ સુગંધીદાર ક્રીમ! વળી, આ ગુલાબની મહેકવાળો પાઉડરનો ડબ્બો અને આ અસ્સલ રબરનો કાંસકો, બોલો સાહેબ!”
“પાંચ”
“આ ચાર ચીજોના પાંચ?”
“સાત!” બકોર પટેલ બોલ્યા.
“આઠ!” એક પ્રવાસી બોલ્યો.
બકોર પટેલ પેલાની સામે જોઇ રહ્યા. આઠ બોલનારે હિસાબ તો બરાબર ગણ્યો જ હશે ને!
ત્યાં તો હરાજીવાળો જ કહેવા લાગ્યો : “શું શેઠિયાઓ, અત્યાર સુધી એક પાઇ પણ કમાયો નથી. ઊલટા ગાંઠના મૂક્યા છે. અને આ ચાર-ચાર ચીજો માટે સાત અને આઠની વાતો કરો છો ! ખાલી આ અરીસો જ ચાળીસ રૂપિયાનો છે. ક્રીમની ડબ્બી પાંત્રીસ રૂપિયે મળે છે. પાઉડરનો ડબ્બો પણ ત્રીસ રૂપિયાનો અને આ દાંતિયો કંઇ પ્લાસ્ટિકનો નથી; અસ્સલ રબર છે. જોઇ લો મહેરબાન ! આ દાંતિયો કેટલો બધો વાળું છું, છતાં તૂટે છે ? આપણી પાસે હસકો માલ હોતો નથી. બોલો મહેરબાનો!”
બકોર પટેલ બોલ્યા : “સોળ રૂપિયા!”
પેલો મુસાફર કહે : “આપણા સત્તર!”
પટેલ કહે : “અઢાર!”
“ઓગણીસ”
“વીસ!”
“એકવીસ!”
“બાવીસ!”
“તેવીસ!”
પેલો ઉતારુ પણ બોલતો જ રહ્યો! પટેલ પણ વધ્યે જતા
હતા! બન્ને જણ વચ્ચે જબરી રસાકસી જામી હતી!
ડબ્બામાં બેઠેલા બીજા મુસાફરોને પણ ભારે મજા પડી. સૌ ખૂબ રસભેર આ બધું જોવા લાગ્યા.
હરાજીવાળો મોટેથી બોલાવા લાગ્યો : “આ ચાર ચીજોના તેવીસ! તેવીસ રૂપિયામાં સો રૂપિયાનો માલ! કોઇ તો બોલો!”
પણ હવે કોઇ એનાથી આગળ વધ્યું નહિ! બકોર પટેલ પણ ત્યાંથી જ અટકી ગયા હરાજીવાળાએ કહ્યું : “આ છેલ્લી વાર! તેવીસ! હજી કોઇને બોલવું છે ? છે કોઇ હરિનો લાલ? આ ચાર ચીજોના તેવીસ! આ ચાર-ચાર ચીજોના ફક્ત તેવીસ! તેવીસ એક વા...ર, બે વા....ર, ત્રણ વા...ર!”
આમ, ત્રણ વાર બોલીને હરાજીવાળાએ ચારેય વસ્તુઓ પેલા ઉતારુને આપી દીધી. ઉતારુએ રોફબંધ પાકીટ કાઢ્યું. પૈસા કાઢીને હરાજીવાળાને આપ્યા. પછી બકોર પટેલ સામે જોઇને હસ્યો. જાણે એમ કહેતો ન હોય કે ‘કેવા હંફાવ્યા તમને ! એમ કંજૂસાઇથી ચીજો લેવાય નહિ! ચીજો તો આમ લેવાય!’
એ બહુ ખુશમિજાજમાં લાગ્યો. પોતાના જોડીદાર સાથે કંઇ-કંઇ વાતો એણે કરવા માંડી. વાત કરતો જાય અને પટેલ સામે જોઇને મનમાં હસતો જાય!
બકોર પટેલને જરા લાગી આવ્યું. એમને થયું કે ચોવીસ બોલીને ચારે ચીજો લીધી હોત, તો ખોટું ન હતું. આબરૂ તો રહેત!
એમને મનમાં કંઇ-કંઇ થવા માંડ્યું. પરીક્ષામાં નાપાસ થઇએ, ત્યારે જીવ કેવો ચચરે! લડાઇમાં હારી જઇએ, ત્યારે મન કેવું થઇ જાય! પટેલને આવું જ કંઇ થવા માંડ્યું. જીવ બળવા લાગ્યો. એક વાર તો એમ પણ થયું કે રસાકસીમાં પેલા ઉતારુને હંફાવવો (હરાવવો). એ જે બોલે એનાથી વધારે જ બોલવું. છેવટે હંફાવીને જ જંપવું!
પટેલના મનમાં આવા વિચારો ચાલતા હતા. એવામાં હરાજીવાળાનો ઘાંટો પાછો સંભળાયો : “જોઇ લેજો મહેરબાન! આ જામનગરની સૂડી, હાથીદાંત જેવા સુંવાળાં પત્તાંની જોડ, આ અસલ પાર્કર ટાઇપની ઇન્ડિપેન અને આ પાકા ચામડાનું મજબૂત પાકીટ. આ ચારેય ચીજોની બોલી બોલો, સાહેબ!”
“એક રૂપિયો!” એક અવાજ આવ્યો.
“આપણા બે!” બકોર પટેલ બોલ્યા.
હવે પેલો જીતેલો પ્રવાસલ્ઝાલ્યો રહ્યો નહિ. એણે પણ હરાજીમાં ઝંપલાવ્યું. એ બોલ્યો : “ચાર રૂપિયા!”
પટેલે તક ઝડપી લીધી. ઝટ બોલવા માંડ્યું. સામેથી પેલા ઉતારુએ પણ બોલતા માંડ્યું. બન્ને જણ ચપોચપ બોલતા જાય અને વધતા જાય ! પટેલે યુક્તિ કરીને એક-એક રૂપિયો જ આગળ વધવાનું નક્કી કર્યું હતું. પણ પેલો ઉતારુ પણ માથાનો હતો ! એણેય ધીમે-ધીમે આગળ વધવા માંડ્યું !
પટેલ બોલ્યા : “પાંચ રૂપિયા!”
પેલો કહે : “છ!”
“સાત રૂપિયા!”
“આઠ રૂપિયા!”
“નવ રૂપિયા!”
“દસ રૂપિયા!”
“અગિયાર રૂપિયા!”
“બાર રૂપિયા!”
હવે પેલા ઉતારૂએ ધડાકો કર્યો ! એણે કહ્યું : “આપણા બાવીસ!”
એટલે બકોર પટેલનો વારો આવ્યો. બધાં એમના તરફ જોવા લાગ્યા. પટેલ મનમાં મૂંઝાવા લાગ્યા. એમને થયું કે આ વખતે પણ પેલો પોતાને હરાવી જશે ! જાણે પોતે મહાન લડાઇ જીત્યો હોય એવો દેખાવ કરશે ! માટે આ વખતે તો... જે થાય એ ખરું - આ પાર કે પેલે પાર! પટેલે એકદમ વધી જઇને કહ્યું : “આપણા બત્રીસ રૂપિયા!”
હવે પેલો મુસાફર ઝંખવાણો પરડી ગયો હોય તેવા દેખાયો. આગળ વધવાની એની હિંમત ચાલતી ન હોય તેમ જણાયું.
હરાજીવાળાએ મોટેથી કહેવા માંડ્યું : “બોલો શેઠિયાઓ! આ ચાર વસ્તુના બત્રીસ રૂપિયા! કોઇ તો બોલો ! એક-એક રૂપિયો
પણ નહિ ? અરે ભગવાન! બોલો છે કોઇ ? છે કોઇ હરિનો લાલ ? આ ચાર વસ્તુઓ જાય છે ફક્ત બત્રીસ રૂપિયામાં ! બત્રીસ રૂપિયા એક વાર, બે....વા....ર અને ત્રઅઅણ વા..ર!”
પછી હરાજીવાળા એ ચારે વસ્તુઓ બકોર પટેલને આપી દીધી.
હવે પટેલ અભિમાનથી પેલા તરફ જોયું. ગર્વથી નસકોરાં ફુલાવ્યા. પછી રોફબંધ પાકીટ કાઢીને પૈસા આપ્યા. ત્યારબાદ લીધેલી ચીજો તપાસી જોઇ. પછી બધી ચીજો પોતાની બૅગમાં મૂકી.
ત્યાર પછી એમણે પણ પેલા તરફ જોઇને વિજયી સ્મિત ફરકાવ્યું !
પેલો મુસાફર નરમ પડી ગયો હતો એનું મો ઊતરી ગયું હતું!
પટેલનો હરખ માતો ન હતો!
ગાડી સ્ટેશને - સ્ટેશને થોભતી હતી. મુસાફરો ચઢતાં અને ૂતરતાં.
પટેલ આ બધું જોતા બેઠા હતા, ત્યાં પાછો હરાજીવાળાનો અવાજ સંભળાયો.
એણે કઇ-કઇ ચીજો કાઢી છે, તે જોવા પટેલે ડોકું ઊંચું કર્યું. તો ચીજો જોઇને પટેલની આંખો આનંદથી ચમકી ઊઠી!
હરાજીવાળાએ ા વખતે નવી જ વસ્તુઓ કાઢી હતી. સોનાનો ઢાળ (ચળકાટ) ચડાવેલી સુંદર ચકચકતી ઘડિયાળ! છબી મઢવાની સોનેરી ફ્રેમ! ઉપરાંત હજામત કરવા માટેનો સેટ આકર્ષક ડબ્બીમાં!
તમામ વસ્તુઓ હરાજીવાળાએ ઊંચી કરી. જોનારાંનાં મોં આનંદથી મલકાઇ ઊઠ્યાં. સૌ
પોતપોતાની બેઠકમાં ટટ્ટાર થઇને બેઠાં.
હરાજીવાળો બોલ્યો : “જુઓ મહેરબાનો ! આ અસલ સ્વિટ્ઝર્લૅન્ડની અતિકીંમતી ઘડિયાળ! મોટી દુકાનમાં જાઓ તો એક હજાર રૂપિયાની ઓછી કિંમતે ઘડિયાળ ન જ મળે! આ આપની સુંદર છબી મઢવા માટે સોનેરી ફ્રેમ. ખોલવામાં કંઇ કડાકૂટ નહિ. અહીંથી આ ત્રણ ક્લિપ ખસેડો કે તરત ખૂલી જાય! - અને આ છે શેવિંગ (દાઢી કરવી) માટેનો સેટ. એમાં બ્રશ, સાબુ, રેઝર, નાનકડો અરીસો, રેઝરની બ્લેડ રાખવાની પ્લાસ્ટિકની સુંદર ડબ્બી, નેઇલકટર (નખ કાપવાનું સાધન), નાનકડી કાતર અને અસલ જર્મન સ્ટીલનું નાનકડું ચપ્પુ. હાથમાં લઇ તો જુઓ સાહેબો! જોવાના પૈસા નથી!”
આમ કહીને હરાજીવાળાએ એક જણવા હાથમાં પેલી ઘડિયાળ આપવા માંડી.
પેલો કહે : “ના, ના! ઘડિયાળ તો બરાબર હશે જ.”
હરાજીવાળો કહે : “પણ જુઓ તો ખરા સાહેબ! તમે કંઇ એ લઇને નાસી જવાના છો ? જાતે જુઓ. સાથે બેઠેલા પેલા સાહેબને જોવા આપો. પછી આગળ જવા દો. ભલે ને, બધા મહેરબાનો જુએ.”
હરાજીવાળાના આગ્રહથી પેલાએ ઘડિયાળ હાથમાં લીધી. તરત જ બાજુવાળાએ ડોકી વાંકી કરીને જોવા માંડી. બીજા પણ ડોકી ફેરવી-ફેરવીને જોવા લાગ્યા.
હરાજીવાળો બોલ્યો : “પાછળનું ઢાંકણું ખોલીને અંદરનું મશીન પણ જોઇ શકો, સાહેબનો.”
આમ કહી વધુ રાહ જોયા વગર જ તેણે એ ઘડિયાળ પાછી લીધી. પછી નાનકડા ચપ્પુથી ઘડિયાળનું પાછળનું ઢાંકણું ખોલ્યું.
“જુઓ, આ અંદરનું મશીન!”
પેલાઓએ હવે ઘડિયાળ બરાબર જોવા માંડી.
થોડી વારે એક જણ બોલ્યો : “ઘડિયાળ તો હાઇક્લાસ (ઊંચા પ્રકારની) લાગે છે!”
બીજો ધીમેથી કહેવા લાગ્યો : “જવા દેવા જેવા નથી!”
હરાજીવાળો તો બીજી બાજુ રોકાયેલો હતો. એણે બીજાઓને સોનેરી ફ્રેમ અને શેવિંગ માટેનો સેટ બતાવવા માંડ્યા હતાં.
બકોર પટેલની નજર ઘડિયાળ ઉપર હતી. ફરતી-ફરતી એ એમના હાથમાં આવી. એનો દેખાવ જોઇને પટેલ અંજાઇ ગયા. બહારનો ભપકો ઝગઝગાટ હતો.
પછી એમણે પાછળનું ઢાંકણું પૂરેપૂરું ખોલ્યું, આહાહા! શું અંદરનું મશીન! બધાં ચક્રો કેવા ચકચકાટ !ઘડિયાળનો અવાજ પણ કેવો મધુરો અને ધીમો !
ટિક ! ટિક ! ટિક ! ટિક !
કમાન કેવી મજાની ફરતી હતી! ઢાંકણાનો અંદરનો ભાગ તો એટલો ચકચકિત હતો કે એમાં બકોર પટેલનું મોઢું પણ દેખાયું! ઘડિયાળના મશીનનું પ્રતિબિંબ પણ દેખાયું.
બકોર પટેલને ઘડિયાળ ખૂબ ગમી ગઇ.
પટેલની બાજુમાં બેઠેલા મુસાફરને પણ ઘડિયાળ બહુ ગમી. એણે પણ ઘડિયાળ હાથમાં લીધી. મશીન તપાસ્યું, કાને ધરી જોયું, પછી અંગૂઠો અને આંગળી ભેગાં કરીને કહેવા માંડ્યું : “ઘડિયાળ તો એક નંબરની છે, મહેરબાન ! જવા દેવા જેવી નથી ! આ વખતે તો બોલજો જ!”
થોડીવાર પછી હરાજીવાળો ત્યાં આવ્યો. ઘડિયાળ પાછી લીધી. પછી મોટેથી કહેવા માંડ્યું : “આ એક અસ્સલ ઘડિયાળ, એક ફ્રેમ અને એક શેવિંગ માટેનો સેટ. નાખી દેતાં અઢી હજાર રૂપિયાનો માલ છે. શેઠિયાઓ! બોલો!”
“પચાસ રૂપિયા!” એક જણ બોલ્યો.
“આપણા પંચાવન રૂપિયા!”
“આપણા પાંસઠ!”
બોલવાની શરૂઆત થઇ ગઇ. બકોર પટેલને પણ વિચાર થયો કે બને તો આ ચીજો લઇ લેવી, પણ સિત્તેર રૂપિયાથી આગળ વધવું નહી.
તેઓ બોલ્યા : “છાસઠ રૂપિયા!”
હવે એમનો હરીફ સળવળી ઊઠ્યો. એણે પણ ઝુકાવ્યું. બોલ્યો “આપણા અડસઠ!”
“અડસઠ!”
“સિત્તેર!”
સિત્તેર રૂપિયા સાંભળી બકોર પટેલ ઠંડા થઇ ગયા. હવે આગળ બોલવાનો એમનો વિચાર ન હતો.
એ ચૂપ રહ્યા.
હરાજીવાળાએ ફરીથી બૂમ પાડી : “આગળ વધો, મહેરબાનો ! સિત્તેર રૂપિયા તો માત્ર ઘડિયાળના ખોખાના જ છે ! આવી તક ફરી-ફરી નહિ મળે. છે કોઇ હરિનો લાલ?”
પણ બધા ચૂપ રહ્યા. કોઇ કંઇ બોલ્યું નહિ.
“સિત્તેર રૂપિયા બોલનારને પાંચ રૂપિયા ઇનામ! છે કોઇ?”
ડબ્બામાં શાંતિ છવાઇ ગઇ.
હરાજીવાળાએ કપાળ કૂટ્યું. પછી ચીજો પાછી મૂકી દેતાં
કહ્યું : “આજે કોઇ લોભિયાના શુકન થયા હશે એવું લાગે છે લ્યો આ પાંચ રૂપિયા. સિત્તેર રૂપિયા કોણ બોલેલું ?”
“હું”
“લ્યો, સાહેબ!”
પેલા હરીફે પાંચ રૂપિયા લઇ ગજવામાં સેરવી દીધા. પટેલનો જીવ બળી ગયો.
બાજુમાં બેઠેલા મુસાફરે કહ્યું : “ઘડિયાળ બહુ સુંદર હતી. નકામું જવા દીધી!”
પટેલના બળતા હૃદયમાં વધારે ઘી હોમાયું.
હરાજીવાળો નિરાશ થઇને બેસી ગયો. બધાંને એના ઉપર દયા આવવા લાગી. સૌને થયું કે બિચારો એક પૈસોય કમાયો નહિ! ઉપરથી ગાંઠના પૈસા મૂક્યા!
થોડીવાર પછી હરાજીવાળો પાછો ઊભો થયો. પોતાની બૅગ ખોલી કંઇ ગડમથલ કરી. બીજી નથી ચીજો બહાર કાઢી; પછી મોટેથી બોલ્યો : “આ છેલ્લો દાવ છે સાહેબો - છેક છેલ્લો! નસીબમાં હશે તો સફળતા મળશે. નહિ તો આટલું તો નાહ્યો છું! જુઓ : આ ઘડિયાળ, ફ્રેમ અને શેવિંગના સેટ ઉપરાંત ઠંડક આપે એવાં કાચનાં ચશ્માં અને ભારે કિંમતની ઇન્ડિપેન! એકસાથે પાંચ ચીજો! હવે તો કોઇ બોલો!”
પેલા હરીફે જ શરૂઆત કરી : “સાઠ રૂપિયા!”
બકોર પટેલનું મન ઘડિયાળથી લલચાઇ ગયું હતું. તેઓ બોલ્યા : “સો રૂપિયા!”
“દોઢસો!”
“ત્રણસો!”
“ચારસો!”
“આઠસો!”
“નવસો!”
હવે સામાવાળો નરમ પડી ગયો. એ આગળ કંઇ બોલી શક્યો નહિ.
પટેલને મનમાં આનંદ થવા લાગ્યો.
હરાજીવાળાએ બૂમ પાડી : “આ પાંચ ચીજો જાય છે પાણીના મૂલે! છે કોઇ બોલનાર ? કોઇ તો બોલો! આ ગરીબ માણસને બે પૈસા તો રળવા દો!”
એણે ચારે બાજુ જોયું. પણ બધા ઠંડે કલેજે બેઠા હતા. કોઇની બોલવાની ઇચ્છા હોય એમ લાગતું ન હતું.
હરાજીવાળો કહે : “આ મોંધા મૂલનો (કિંમતનો) માલ પાત્ર નવસો રૂપિયામાં જાય છે! છે કોઇ હરિનો લાલ? કોઇ તો બોલો! બોલો, નહિ તો રહી જશો! સ્ટેશન પાસે આવે છે. મારે ઊતરી જવાનું છે. પાછળથી પસ્તાશો. ગયેલી તક ફરી-ફરી નહિ આવે. હાથમાં આવેલી તક ગુમાવશો નહિ. બોલો મહેરબાનો!”
“કોઇ નથી બોલતું ? ઠીક ત્યારે. જેવું આપણું નસીબ. આ નવસો રૂપિયા એકવાર, બે વાર, ત્ર..ણ...વાર! લ્યો મહેરબાન ! ભારે નસીબદાર છો ! નવસો રૂપિયામાં બે હજાર રૂપિયાનો માલ લઇ જાઓ છો. લાવો રૂપિયા. સ્ટેશન આવ્યું લાગે છે. મારે ઊતરી જવાનું છે.”
ચીજોનો ઢગલો જોઇ બકોર પટેલ રાજી-રાજી થઇ ગયા. પાકીટ ખોલીને હરાજીવાળાને નવસો રૂપિયા ગણી આપ્યા.
ગાડી ધીમી પડવા લાગી. સ્ટેશન આવ્યું હતું.
ગાડી અટકી, એટલે હરાજીવાળો ઊતરી પડ્યો.
બકોર પટેલે ઊભા થઇને પાટિયા પર મૂકેલી પોતાની બૅગ ઉઘાડી. પેલી ઘડિયાળ સાચવીને એમાં મૂકી દીધી, પછી બીજી વસ્તુઓ પણ બરાબર ગોઠવી દીધી. કંઇ તૂટેફૂટે નહિ, એ માટે ઉપર એક કપડું ગોઠવી દીધું. ત્યાર બાદ બૅગ વાસી દીધી.
છેલ્લે - છેલ્લા પણ પોતે મજાનો સોદો કર્યો એ વિચારે પટેલનું મન ખૂબ પ્રફુલ્લિત બની ગયું હતું. મનમાં એમ થયાં કરતું હતું કે કામ પતાવીને ક્યારે ઘેર પાછો ફરું અને ક્યારે શકરી પટલાણીને આ બધું બતાવું !
પછીપટેલને જવાનું હતું એ ગામે તેઓ પહોંચી ગયા અને કામ પતાવી દીધું. કામ પત્યા પછી તરત જ વળતી ટ્રેનમાં જ તેઓ પાછ ફર્યા.
જેમજેમ સ્ટેશનો પસાર થવા લાગ્યાં, તેમ તેમ તેઓ મનમાં ખૂબ મલકાવા લાગ્યા, કોઇ નવી વસ્તુ આપણે લાવ્યો હોઇએ, ત્યારે બધાને બતાવવા કેટલા આતુર બની જઇએ છીએ! બકોર પટેલ પણ એકદમ આતુર બની ગયા હતા.
આખરે સ્ટેશન આવ્યું. પટેલ ઝટ-ઝટ ઘેર પહોંચ્યા. ત્યાં જીવા પટેલ પણ એમની રાહ જોતા બેઠા હતા.
જીવા પટેલને જોઇને બકોર પટેલને બમણો આનંદ થયો. એમને થયું : “ચાલો, જીવા પટેલનેય બધી ચીજો બતાવાશે. એ પણ બધું જોઇને છક (આશ્ચર્યચકિત) થઇ જશે. એમને પણ થશે કે બકોર પટેલ સાવ સસ્તામાં કેટલી બધી ચીજો લઇ આવ્યા!”
હાથ મોઢું ધોઇને બેઠા પછી બકોર પટેલે જ વાત ઉપાડી : “જીવા પટેલ! આજે તો સાવ સસ્તામાં કેટલી બધી ચીજો ખરીદી લાવ્યો ! ચીજવસ્તુઓ એટલા સસ્તામાં લઇ આવ્યો છું કે સાંભળીને તમારી તબિયત ખુશ થઇ જશે!”
જીવા પટેલ એકદમ ઉત્સુક આતુર બની ગયા. એમણે પૂછ્યું : “એવું તે શું છે ?”
શકરી પટલાણી પણ જાણવા માટે આતુર બનીને બેઠાં.
બકોર પટેલે પોતાની બૅગ લીધી. પછી જેમ ઝોળીમાંથી મદારી એક પછી એક ચીજ કાઢે તેમ બધી ચીજ કાઢવા માંડી.
“આ ઠંડા ચશ્માં! આ હજામતનો ડબ્બો! આ ઇન્ડિપેન! આ ફ્રેમ!
શકરી પટલાણી તો આભાં બનીને જોઇ જ રહ્યાં.
છેલ્લે બકોર પટેલે ઘડિયાળ મુઠ્ઠીમાં સંતાડીને કહ્યું : “કહો, મારા હાથમાં શું હશે ?”
જીવા પટેલ બોલી ઊઠ્યા : “ઘડિયાળ!” પટેલ એકદમ ચમક્યા. જીવા પટેલને આ ખબર ક્યાંથી પડી?
જીવા પટેલે પૂછ્યું : “આ બધાનું શું આપ્યું, બકોરભાઇ ?”
“નવસો રૂપિયા!”
“નવસો ? હી હી હી હી હી..... ........ હો હો હોહોહો...!” જીવા પટેલ મોટેથી હસવા લાગ્યા. બકોર પટેલને કંઇ સમજ પડી નહિ. એ તો બાઘા બનીને જીવા પટેલ સામે જોઇ રહ્યાં!
જીવા પટેલે ઝીણી આંખો કરીને પૂછ્યું : “બધું હરાજીવાળા પાસેથી લીધું ને ?”
બકોર પટેલ હવે ગભરાવા લાગ્યા. એમણે જવાબ આપ્યો : “હા : હરાજીવાળા પાસેથી જ બધુ લીધું. પણ આ ઘડિયાળ તો જુઓ. કેવી સુંદર છે! દોઢ હજાર રૂપિયા આપતાં પણ ન મળે! એનું મશીન કેવું કીમતી છે!”
જીવા પટેલ મરક-મરક હસતાં કહ્યુંઃ “એ મશીન જરા બતાવો, જોઉં!”
પટેલે અંગૂઠાના નખ વડે જ ઘડિયાળનું પાછલું ઢાંકણું ખોલી નાખ્યું.
પણ આ શું ?
અંદર તોરૂ ભરેલું હતું !
પટેલે રૂ ઉપાડી લીધું એટલે ઘડિયાળનું ખોખું ખાલીખમ દેખાયું!
અંદર મશીન હતું જ નહિ!
જીવા પટેલ બોલ્યા : “જોયું ને, જાદું!”
“પણ આમ બન્યું કેવી રીતે ?”
“એ જ ખરી ખૂબી છે ને! હવે બીજી ચીજો બરાબર છે કે નહિ, તે તપાસી જુઓ.”
બકોર પટેલે ઠંડા ચશ્મા હાથમાં લઇને જોવા માંડ્યાં. ચશ્મા જોતાં જ તેઓ ચમક્યા. ગાડીમાં બધાંને બતાવેલાં તે ચશ્માં તો ભારે હતાં, જ્યારે આ તો તદ્દન હલકાં!
પછી બકોર પટેલે ઇન્ડિપેન તપાસી જોઇ.
પેન પણ દસેકવાળી હતી!
પછી એમણે હજામતનાં સાધનોની પેટી ખોલી જોઇ.
તેમા હતાં માત્ર સાવ સામાન્ય પ્રકારનું રેઝર અને સાબુનું ખોખું!
બાકીનું બધું ઊડી ગયું હતું!
બકોર પટેલનું મો અજાયબીથી પહોળું થઇ ગયું! કેટલીય વાર સુધી કપાળ પર હાથ મૂકી વિચારમાં ગરક થઇ ગયા.
શકરી પટલાણીથી હવે ન રહેવાયું. એમણે પૂછ્યું : “કેમ આમ બેઠા છો ? કંઇ વધારે ગયું ?”
બકોર પટેલ પાછા વિચારમાંથી જાગ્યા. એમણે જીવા પટેલને પૂછ્યું : “હે જીવા પટેલ! આનો ભેદ તમે જાણતા લાગો છો. ખરું શું છે તે તો કહો.”
જીવા પટેલ હસીને બોલ્યા : “બકોરભાઇ, અમે પણ આવી રીતે મૂંડાઇ ગયેલા, તેથી અમને ખબર! એ તો ઠોકર વાગે, ત્યારે સમજણ આવે ને ! કેટલાક હરાજીવાળા બહુ લુચ્ચા હોય છે. પહેલીવાર તમને જે ઘડિયાળ બતાવી, તે તદ્દન સાચી અને કીંમતી હતી.”
“ત્યારે આ ક્યાંથી આવી?”
“પછી તેણે ખૂબીથી બદલી નાખી! અસલ જેવું જ બીજું ખોખું એ તૈયાર રાખે છે. કંઇક બહાનું કાઢીને એ અસલ ઘડિયાળ પાછી મૂકી દે છે. પછી બીજી ચીજો ઉમેરવાને બહાને એ ઘડિયાળ બદલી નાખે છે, જાણે પેલી પહેલાંની જ ઘડિયાળ હોય, તેઓ ભાસ બધાંનાં મનમાં ઊભો કરે છે!”
“હં, હં હવે યાદ આવે છે. હરાજીવાળાએ આબાદ નાટક ભજવી બતાવ્યું! એણે તો કપાળ કૂટેલું અને કહેલું : ‘આજે તો કોઇ કંજૂસનું મોં જોઇને નીકળ્યો હોઇશ. લ્યો આ પાંચ રૂપિયા ઇનામ.’ આમ કહીને તેણે બધી ચીજો પાછી મૂકેલી. એવ ખતે એણે ઘડિયાળની ફેરબદલી કરી નાખેલી હશે!”
“હા; અને હજામતની ડબ્બીમાંની બીજી ચીજો પણ તે વખતે જ ખાલી કરી લીધી હશે!”
“બરાબર. એ ડબ્બીમાં પહેલાં તો નાનકડું ચપ્પુ, કાતર, બ્રશ, નાનકડો અરીસો, શેવિંગ કરવા માટેના સાધનો રાખવાનો પ્લાસ્ટિકનો સુંદર ડબ્બો, નેઇલ કટર વગેરે બધું હતું અત્યારે એમાનું કંઇ જ નથી! છે માત્ર બ્રશ, રેઝર અનેસાબુનું ખોખું!”
જીવા પટેલ હસીને બોલ્યા : “બાકીની ચીજો પણ એણે એ વખતે જ સિફતથી પાછી મૂકી દીધી હશે! અગર તો આવું જ બીજું ખોખું તૈયાર રાખ્યુંહશે, તે બઝાડી દીધું તમને!”
“આ માણસો ભારે ચાલાક!”
“ભારે ચાલાક તે કેવા! ને બીજું કંઇ તમે જાણો છો?”
“શું?”
“હરાજીમાં તમારી સામે હરીફાઇમાં બોલનારા કોઇકોઇ હતા ને!”
“હા. પણ તેથી શું!”
“એ બધા એના મળતિયા (સાથીદાર) જ હતા!”
“હેં!”
“હા, બકોરભાઇ! એ મળતિયા આજુબાજુનાં પાટિયાં પર આમતેમ ગોઠવાઇ જાય. કોઇને જરા પણ વહેમ ન પડે કે એ બધા હરાજીવાળાના મળતિયાઓ હશે. પછી બોલવાનું આવે, ત્યારે આગળ અને આગળ વધતા જાય!”
“આબાદ યુક્તિબાજ કહેવાય!”
“બીજું કંઇ જાણો છો ?”
“શું?”
“એકાદ-બે મળતિયાઓ હરાજીમાં કંઇ બોલે નહિ, પણ બાજુમાં બેઠા હોય, તે આપણને સલાહ આપે કે ચીજ સારી છે, જવા દેવા જેવી નથી! આપણે એમની સલાહથી દોરવાઇ જઇએ. આપણને તો લાગે કે આને કંઇ લેવાદેવા નથી. પ્રેમથી સાચી સલાહ આપે છે!”
“આ તો ભારે થઇ ગઇ! પણ આ બધી ખબર તમને ક્યાંથી પડી?”
“મેં કહ્યું ને, કે હું પણ આવી રીતે મૂંડાઇ ગયેલો! મારી પણ આમ હરાજી થઇ ગયેલી!”
“બાકી હતો ફક્ત હું - મારીય હરાજી થઇ ગઇ!” બકોર પટેલે હસતાં-હસતાં કહ્યું. જીવા પટેલ પણ પાછા ખૂબ મોટેથી હસી પડ્યા!
પટેલને આ શું થયું !
બકોર પટેલ રેલવે સ્ટેશનના ઉપહાર-ગૃહ (ચા-નાસ્તાની કૅન્ટિન)માં ચા પીવા બેઠા હતા. ખુદ એમને પણ ખબર ન હતી કે પોતે અહીં કેવી રીતે આવી પડ્યા ! એમને કંઇ સમજ પડતી ન હતી. મનમાં જાતજાતના વિચારો આવતા હતા.
એમની ખુરશી સામે મોટો અરીસો જડેલો હતો. એકાએક તેમની નજર એ અરીસા પર પડી. અરીસામાં જોતાં જ પટેલ ચમક્યા! એમણે જોયું કે પોતાના શરીર ઉપર એન્જિન-ડ્રાઇવર પહેરે એવાં કપડાં હતાં!
અત્યાર સુધી એમની નજર પોતાનાં કપડાં ઉપર નહોતી પડી, પણ હવે એમણે ધ્યાનથી અરીસામાં જોયું. એમણે જોયું કે પોતે રેલવેના એન્જિન-ડ્રાઇવરના યુનિફૉર્મમાં હતા!
પટેલ માથું ખંજવાળવા લાગ્યા. પોતાના શરીરે આ કપડાં આવ્યાં ક્યાંથી ?
પટેલે ગજવામાં હાથ નાખ્યો. એમાંથી પાકીટ નીકળ્યું. પાકીટમાં પટેલનું આઇડેન્ટિટી-કાર્ડ (ઓળખપત્ર) પણ હતું. કાર્ડમાં લખ્યું હતું :
બકોર પટેલ, એન્જિન-ડ્રાઇવર
વેસ્ટર્ન રેલવે
ઓત્તારીની! પોતે વળી એન્જિન-ડ્રાઇવર ક્યારે બન્યા!
આમ વિચાર કરે છે, એવામાં સામે બેઠેલો બિલાડજી ઊભો થયો.
એણે કહ્યું : “ચાલો સાહેબ, વખત થવા આવ્યો છે. આપણે એન્જિન સંભાળી લઇએ.”
પટેલ વિચારમાં પડી ગયા. શો જવાબ આપવો એ એમને સૂઝ્યું નહિ. બિલાડજી કાઉન્ટર પાસે ગયો. કાઉન્ટર પર બેઠેલા મૅનેજર પૈસા ચૂકવી દીધા. પટેલ પણ એની પાછલ-પાછળ દોરાયા.
ત્યાંથી એ બન્ને રેલવે-સ્ટેશનમાં દાખલ થયા. મેલટ્રેન તૈયાર થતી હતી. બન્ને સીધા એન્જિન પાસે પહોંચ્યા.
બિલાડજીએ એન્જિનમાં દાખલ થઇ કહ્યું : “સાહેબ તમે નિરાંતે બેસો, હું એન્જિન તપાસી જોઉં છું.”
પટેલ બેઠા ખરા, પણ એમને ચેન પડે નહિ. એમણે બેઠાંબેઠાં આજુબાજુ જોવા માંડ્યું.
બિલાડજીએ એન્જિનના જુદા જુદા ભાગો તપાસી જોયા. પાણીનો સ્ટૉક (જથ્થો) જોઇ લીધો. ભઠ્ઠી ખોલીને કોલસા સરખા કર્યા. ત્રણચાર જગ્યાએ ઑઇલ (તેલ) પૂરવા જેવું હતું, ત્યાં ઑઇલ પૂરી દીધું.
આખરે ગાડી ઉપાડવાની તૈયારી પણ થઇ ગઇ।
બિલાડજી ઉપરાંત બીજો પણ એક આસિસ્ટંટ (મદદનીશ) હાજર થઇ ગયો. બન્ને જણે મળીને કામ શરૂ કરી દીધું. નિયમ
પ્રમાણે બધી વિધિ પતાવી, પછી ઘડિયાળમાં જોઇને એક જણે એન્જિનની વિસલ મારી.
પટેલ જોયા કરતા હતા! એમને વિચાર આવ્યો કે અહીં આવી પડ્યા તો ભલે આવી પડ્યા; પણ આમ બાઘાની પેઠે બેસી રહીએ એ સારું નહિ; માટે જરા આમતેમ કંઇ કર્યા કરવું તો ખરું જ !
એમણે પૂછ્યું : “કેમ, બરાબર વખતસર છીએ ને ?”
બિલાડજીએ કાંડે બાંધેલી ઘડિયાળ પટેલ સામે ધરી. પછી બોલ્યો : “એમાં કહેવું ન પડે, સાહેબ! ગાડી આપણે રેટ ટેમ (રાઇટટાઇમ-વખતસર) જ ઉપાડી છે!”
પેલાએ એક હૅન્ડલ ફેરવ્યું. ગાડી “સીઇઇઇ છૂક્ છૂક્ છૂક્ છૂક્” કરતી ચાલવા લાગી!
બકોર પટેલ એન્જિન-ડ્રાઇવર તરીકે ગોઠવાઇ ગયા!
હવે એમને ગમ્મત પડવા માંડી. એમણે બરાબર ધ્યાન રાખવા માંડ્યું. સ્ટેશન આવે, ત્યારે બેમાંથી એક મદદનીશ ગાડી ઊભી રાખે. વળી, ગાર્ડની સીટી થાય, પછી ગાડી ઉપાડે. આમ શું-શું કરવાનું એ પટેલે જોઇ લીધું. એમને ખૂબ રસ પડવા લાગ્યો.
આમ સ્ટેશન પર સ્ટેશન આવવા અને જવા લાગ્યાં. રાતનો વખત. બહાર જોવાનું. ગાડી માટે સિગ્નલ આપ્યો હોય, તો ગાડી લઇ જવાની, નહિ તો ઊભી રાખવાની. આવો ક્રમ ચાલે. પટેલને તો મજા પડી ગઇ.
તેઓ ઊભા થયા. પોતે બધુ જાણતા હોય તેવો ડોળ કર્યો. બીજાનું જોઇજોઇને એમણે પણ ગાડી ચલાવી. બે-ત્રણ સ્ટેશનો સુધી તેમણે કામ બરાબર ગબડાવ્યું.
એમના હરખનો પાર ન હતો. પેલા બન્ને મદદનીશો હવે જરા થાક ખાવા બેઠા. એક જણ તો ઊંઘી પણ ગયો. થોડીવારે બીજો પણ જરા આડો પડ્યો.
બન્ને જણ ઘસઘસાટ ઊંઘી ગયા. ‘સાહેબ બરાબર ગાડી ચલાવશે,’ એવી એમને ખાતરી હતી.
બકોર પટેલને ભરોસે મેલટ્રેન દોડવા માંડી. પટેલે આનંદમાં આવી જઇ મોેંએથી સીટી વગાડી ગાયન ગાવા માંડ્યું!
પણ ત્યાં જ જબરો ગોટાળો થઇ ગયો! પટેલને ખબર નહિ કે મોટું સ્ટેશન હવે આવે છે! એ જાણે કે ગાડી થોભાવવાની નહિ હોય! હજુ હમણાં તો મોટું સ્ટેશન ગયું છે ત્યાં વળી તુરત પાછું મોટું સ્ટેશન ક્યાંથી આવે!
મોટું સ્ટેશન આવ્યું, પણ ગાડી ઊભી ન રહી, ધમધમાટ કરતી ચાલી ગઇ! સ્ટેશને ઊભેલાં મુસાફરો મોં ફાડીને જોઇ રહ્યા!
સ્ટેશન-માસ્તર, ગાર્ડ, ડેપ્યુટી સ્ટેશન-માસ્તર, મજૂરો વગેરે આભા બની ગયા!
વળી, થોડાંકને તો એ સ્ટેશને ઊતરવાનું પણ હતું. એ સૌ સામાન તૈયાર કરીને તો બારણાં પાસે આવીને ઊભાં રહ્યાં હતાં.
પણ ગાડી તો ઊભી જ ન રહી! પટેલે તો ફટાફટ કરતી મેલટ્રેન આગળ દોડાવ્યે જ રાખી!
સ્ટેશન ઉપર ભારે ધમાચકડી મચી ગઇ. સ્ટેશન-માસ્તર દોડાદોડ કરવા માંડ્યા ! વિસલો પર વિસલો મારી! બૂમાબૂમ કરી! પણ મેલટ્રેન ઊભી શાની રહે?
પટેલ પોતાના તાનમાં મસ્ત હતા. એમણે તો મોજથી સિસોટીમાં કોઇ ફિલ્મનું ગાયન વગાડવા માંડ્યું!
ગાડી આગળ ધસતી જ જતી હતી ! પાછળ ચેલ્લે ડબ્બે ગાર્ડ સાહેબ હતા. એમણે વિસલ પર વિસલ મારવા માંડી, લાલ ફાનસ હલાવવા માંડ્યું. પછી તો બહારના પાટિયા પર ઊભા ઊભા લાલ બત્તી હલાવ્યા જ કરી!
પણ પટેલ પાછું વળીને જુએ ત્યારે ને!
ગાર્ડના ડબ્બામાં ગાડી થોભાવવા માટે બ્રેક હોય છે. ગાર્ડે એ બ્રેક લગાવવાનો વિચાર કર્યો. પણ પોતે બહાર પાટિયા પર ઊભા હતા ત્યાંથી અંદર જવા ગયા કે તરત હાથ છટક્યો!
ગાર્ડસાહેબ ગબડી પડ્યા નીચે! અને ગાડી તો પૂરપાટ દોડી ગઇ.
આમ મેલટ્રેન દોડ્યે જ જાય છે, દોડ્યે જ જાય છે! પટેલ તો ભારે મૂડમાં આવી ગયા છે. તેમને ખબર નથી કે ગાડી ક્યાં અથડાઇ પડશે, તો શી દશા થશે!
પેલા સ્ટેશન-માસ્તરે આગળા સ્ટેશને ખબર આપી! જણાવી દીધું કે મેલટ્રેન ઊભી રહી નથી! કદાચ એન્જિન બગડ્યું હોય! માટે તૈયાર રહેજો!
આગલા સ્ટેશનના માસ્તર ગભરાઇ ગયા. એમના સ્ટેશનમાં પાટા પર ડબ્બા પડ્યા હતા. એ ડબ્બા એમણે હજી ખસેડાવેલા નહિ.
એ તો હાંફળાફાંફળા બની ગયા. એકદમ ડબ્બા ખસેડી નાખવાનો હુકમ આપ્યો. બધા ડબ્બાઓ તત્કાળ ખસેડી લેવાયા. પછી સ્ટેશન-માસ્તરને વિચાર આવ્યો કે ટ્રેન તો હમણાં આવી પહોંચશે. અહીં ઊભી તો રહેવાની નહિ. એન્જિન બગડ્યું છે એટલે સડસડાટ ચાલી જવાની! હવે કદાચ આગલે સ્ટેશને પાટા ઉપર ડબ્બા પડી રહ્યા હોય તો કેવી મોટી હોનારત (અકસ્માત) સર્જાય!
સ્ટેશન-માસ્તરે ઝડપથી વિચાર કરી લીધો. પછી નક્કી કર્યું કે મેલટ્રેની જોડે-જોડે બીજે પાટે બીજું એન્જિન દોડાવવું. એમાં બેઠેલો ડ્રાઇવર લાગ જોઇને પેલા એન્જિનમાં કૂદી પડે. પછી ગાંડાતૂર બનેલા એન્જિને થોભાવી દે!
સ્ટેશન-માસ્તરે ડ્રાઇવરને આ ગોઠવણ સમજાવી અને તેને તૈયાર રહેવા જણાવ્યું. ડ્રાઇવર તૈયાર જ હતો. ડબ્બાઓને બીજા પાટા ઉપર એ જ મૂકી આવેલો. એન્જિન પણ ત્યાં જ ઊભું રાખેલું, તેથી બીજી કંઇ તૈયારી કરવાની હતી નહિ.
ડબ્બા સાથે જોડેલું એન્જિન છૂટું કરી નાખ્યું. ડ્રાઇવર તૈયાર થઇ બેઠો.
એટલામાં દૂરથી મેલટ્રેનનો અવાજ સંભળાયો. ટ્રેન સૂસવાટા મારતી આવતી હતી! સ્ટેશન-માસ્તર લાલ ફાનસ લઇને તૈયાર થઇ ગયા. ત્રણચાર પૉર્ટરો પણ લાલ બત્તીઓ લઇને ઊભા!
ગાડી ધમધમાટ કરતી સ્ટેશનમાં દાખલ થઇ. સ્ટેશનમાસ્તરે જોરથી ફાનસ હલાવવા માંડ્યું. પૉર્ટરો બત્તીઓ હલાવવા મંડી પડ્યા! તેમણે કિકિયારીઓ પણ શરૂ કરી દીધી!
પણ બકોર પટેલ જેનું નામ! એ તો એમના તાનમાં મસ્ત હતા! ગાડીની વિસલ વગાડવાનું એમને બહુ મન થાય. એટલે થોડી વાર થાય અને તેઓ વિસલ વગાડે!
આવી રીતે એમણે વિસલ વગાડવી શરૂ કરી! પછી પૉર્ટરની બૂમો તેમને સંભળાય શાની!
ગાડી તો આગળ ધપી (ધસી) ગઇ અને પેલો તૈયાર રહેલો એન્જિન-ડ્રાઇવર પણ એન્જિન લઇને જોડેના પાટાઓ પર ઊપડ્યો!
જાણે હરીફાઇ જામી!
પણ પટેલનું ધ્યાન કશા તરફ હતું જ નહિ! એમણે તો ગાડી દોડાવ્યે જ રાખી!
હવે બન્યું એવું કે પાટાઓ પર થોડાક ડબ્બા પડેલા. ભારખાનાના (માલગાડીના) ડબ્બા એટલે આખરે મેલટ્રેન સીધી જ એ ડબ્બાઓ સાથે અથડાઇ પડી!
ભયંકર અકસ્માત થઇ ગયો!
ડબ્બા ઊથલી પડ્યા!
એન્જિન બાજુ પર ફસડાઇ ગયું! ડ્રાઇવર બકોર પટેલજી ઊછળીને પડ્યા નીચે!
એમના મોંમાંથી બૂમ નીકળી ગઇ! “ઓ બાપ રે, મરી ગયો!”
*
“શું થયું? શું થયું ? કરતાં શકરી પટલાણી આવી પહોંચ્યાં. પટેલ પોતાના બંગલામાં પલંગ પરથી ધબાક્ દઇને નીચે પડેલા! આંખો ઉઘાડીને જુએ છે, તો ન મળે એન્જિન કે ન મળે ગાડીના પાટા!
આ તો ભારે સપનું કહેવાય!
પટેલ હસતાં-હસતાં ઊભા થઇ ગયા. પછી શકરી પટલાણીને કહેવા લાગ્યા : “બહુ ભારે થઇ ગઇ! ભારે! બહુ ભારે! મહા ભારે! એવો ભારે અકસ્માત થયો કે જિંદગીભર યાદ રહી જાય!”
સપનાની બધી હકીકત એમણે કહી સંભળાવી, એટલે આ તો ભારે સપનું કહેવાય! પટલાણી પણ પેટ પકડીને હસવા લાગ્યાં!
રાતે પટેલ રેલવેનું ટાઇમટેબલ જોતાં-જોતાં ઊંઘી ગયેલા!
વાળંદના લેબાસમાં !
એક-રાત્રે બકોર પટેલ સૂતા, તેવા જ ઊંઘી ગયા. ઊંઘમાં પાછું સપનું શરૂ થઇ ગયું! પટેલ સપનાનો અનુભવ કરવા લાગ્યા!
એક વિશાળ દુકાન હતી. તેની નીચે જાતજાતની દુકાનો : પિપરમિંટની દુકાન, પાઉંબિસ્કીટની દુકાન, પુસ્તકોની દુકાન, પતંગની દુકાન, આવી દુકાનોની લાઇન. તેમાં વચ્ચે વાળ કાપવાનીય એક દુકાન.
પટેલને સપનું શરૂ થયું. જોયું તો પોતે પેલી હજામતની દુકાનમાં છે; હાથમાં કાતર છે અને ગ્રાહકની ખુરશી પાસે પોતે ઊભા છે !
પટેલ પળભર વિચારમાં પડી ગયા. એમને થયું કે આ વળી શું ? આ હજામતની દુકાન અને દુકાને હું હજામત કરનારો કારીગર!
વાહ ભાઇ - વાહ!
આ તો અજબ જેવું કહેવાય ! આ તે સપનું કે સત્ય ?
પટેલે શરીર ઉપર ચૂંટી ખણી જોઇ, પણ આ તો સપનાની ચૂંટી! પટેલને લાગ્યું કે પોતે સાચી ચૂંટી ખણી!
પટેલે જોયું કે હાથમાં કાતર લઇ તેના વડે પોતે ગ્રાહકના વાળ કટ્ કટ્ કટ્ કટ્ કાપતા હતા! આમ હજામત કરતાં પોતાને આવડ્યું ક્યાંથી!
પટેલ થૂંકવાને બહાને બહાર આવ્યા પછી દુકાન તરફ ફરીને પાટિયું વાંચ્યું.
કેશ કર્તનાલય
અહીં હોશિયાર કારીગરો દ્વારા ફૅશનેબલ વાળ
કાપવામાં આવે છે તથા દાઢી પણ મુલાયમ રીતે
બનાવવામાં આવે છે.
પટેલ દુકાનમાં પાછા આવ્યા. પેલા ગ્રાહકની હજામત શરૂ કરી. એમની કાતર પાછી ચાલવા માંડી.
કટ્ કટ્ કટ્ કટ્ કટ્ !
પટેલ હજામત કરતા જાય અને મનમાં વિચાર કરતા જાય! ‘સાલી મને આ વાળંદ વિદ્યા આવડી શી રીતે? કઇ કૉલેજમાં ભણીને પાસ થયો ?’
એમણે જાયું તો હજામત બરાબર ચાલતી હતી. એમાં જરા પણ ભૂલ આવતી ન હતી!
આમ વિચાર ચાલતા હતા, તેટલામાં ટીમું પંડિત ત્યાં વાળ કપાવવા આવી પહોંચ્યા.
ટીમુ પંડિત!
બકોર પટેલના ખાસ વહાલેશરી (હિતેચ્છુ)! પણ પટેલની મશ્કરી કરવાની એક તક ન છોડે! એવા સપડાવી નાખે કે વાત ન પૂછો!
એ અહીં ક્યાંથી?! માર્યા ઠાર!
ટીમુ પંડિતે આવતાંની સાથે જ ખડખડાટ હસવા માંડ્યું.
“હા! હા! હા! હા! પટેલ સાહેબ! ફાંફડું ફાવે છે ને અહીં? આ ધંધો બહુ સરસ! સહેજ પણ જોખમ નહિ. મહિનો થયે પગારના રૂપિયા ખડિંદ-ખડિંગ મળી જાય!”
બકોર પટેલ મનમાં બહુ ચિડાયા. પણ કરે શું ? દુકાનનો માલિક ત્યાં ખુરશી નાખીને બેઠો હતો. દરેક કારીગર પર બારીક નજર રાખતો હતો.
પટેલે મૂંગે મોઢે પોતાના ગ્રાહકની હજામત કરવા માંડી.
ટીમુ પંડિત ફરી હસીને કહેવા લાગ્યા : “પટેલ સાહેબ તો વાળંદવિદ્યાના પ્રોફેસર થઇ ગયા! હા હા હા હા! મહામુંડનિયા! એટલે બોલે શાના ?!”
હવે પટેલને જવાબ આપવો પડ્યો. તેમણે નરમાશથી કહ્યું : “પંડિતજી! આ તો કળાનું કામ છે! જે મહેનત કરે, તેને આવડે!”
ટીમું પંડિત કહે : “બરાબર ! બરાબર ! આજે હું તમારી પાસે જ હજામત કરાવીશ! જોઉં તો ખરો ! આજે વળી તમારા હાથનો લહાવો મળશે!”
પટેલ ખૂબ ચિડાયા. પરંતુ શું કરે ? કંઇ કહેવાય તેમ હતું નહિ. પરંતુ એમણે મનમાં ગાંઠ વાળી કે, ટીમુ પંડિતને ખબર તો પાડવી જ. આજે એમને બરાબરનો ચમત્કાર બતાવવો!
થોડીવારે પેલા ગ્રાહકની હજામત પૂરી થઇ. ખુરશી ખાલી થઇ. ટીમુ પંડિત ઊઠ્યા અને એ જ ખુરશીમાં ગોઠવાઇ ગયા!
પછી પટેલ તરફ ઝીણી આંખો કરી કહ્યું : “પટેલસાહેબ! હવે લગાવો તમારી કરામતે-હજામતે-સલામત!”
આમ કહીને ટીમુ પંડિત ખૂબ મલકાવા લાગ્યા. સામે અરીસો હતો. એમાં પંડિતનું મોઢું દેખાય. બકોર પટેલે અરીસામાં એમનું મોં મલકાતું જોયું. પટેલને ભારે ખીજ ચડી.
હજામત કરાવતાં પહેલાં શરીરની આસપાસ કપડું વીંટવું પડે છે. એ કપડું ગળાની આસપાસ ગોળ બાંધવું પડે. પટેલ ટીમુ પંડિતના ગળાની આસપાસ કપડું બાંધવા માંડ્યું. પછી ખેંચ્યું એવા જોરથી કે પંડિતજી “ઓ ઓ ઓ ઓ ઓ” થઇ ગયું!
પંડિત બોલ્યા : “તમે તે કેવા કારીગર છો! જરા ધીમેથી બાંધો ને!”
પટેલે જવાબ આપ્યો : “ભલે સરકાર, ભલે!” અને એમણે કપડું ઢીલું કર્યું.
પછી ટીમુ પંડિતની હજામત શરૂ થઇ. પટેલની કાતર ચાલી.
કટ્ કટ્ કટ્ કટ્ કટ્!
પટેલને દાઢ તો એવી ચડેલી કે જાણે હમણાં જ ટીમુ પંડિતને કાતર ઘોંચી દઉં!
પણ એમ કંઇ થોડું જ કરી શકાય ?
છતાં પટેલને એનાએ જ વિચારો આવવા લાગ્યા. એમ કરતાં જ એકવાર ટીમુ પંડિતની ચામડીમાં કાતર સહેજ પેસી ગઇ!
કાતરની અણી જરાક વાગી અને ટીમુ પંડિત ચીસ પાડી ઊઠ્યા :
“ઓ રે ! લોહી કાઢ્યું કે?”
પટેલ કહે : “કંઇ નહિ! કંઇ નહિ! આ તો કાતરની અણી સહેજ અડકી ગઇ!”
આમ, કામ આગળ ચાલ્યું, પણ પટેલે સાવ જુદો જ પ્લાન વિચારી રાખેલો. એમણે નક્કી કરેલું કે ટીમુ પંડિતના વાળ પાછળની એક બાજુ સાવ સફાચટ કરી નાખવા! ને બીજી બાજુ ઉંદરે કાતરી કાઢ્યા હોય તેવા વાળ રાખવા!
પટેલે તો એ પ્રમાણે જ કાતર ચલાવી. પાછળ બોચીનો ભાગ, એટલે ટીમુ પંડિતને દેખાય નહિ. પાછલને અડધો ભાગ પટેલે સફાચટ મેદાન જેવો કરી નાખ્યો! ને બાકીનો અડધો ઉંદર કાતરી ગયા હોય તેવો!
દેખાવ જોવા જેવો થઇ ગયો! એ જોઇને પટેલથી ‘ફુઉઉઉઉઉઉઉ’ દઇને હસી પડાયુ!
ટીમુ પંડિતને અરીસામાં પટેલનું મોં હસતું દેખાયું.
પંડિત ચમક્યા!
એમણે પૂછ્યું : “કેવી હજામત કરી છે ? જરા અરીસા બતાવો જોઇએ!”
પટેલે અરીસો લીધો. ટીમુ પંડિતની પાછળ ધર્યો. પંડિતના માથાના પાછળના ભાગનું પ્રતિબિંબ સામા અરીસામાં દેખાયું!
દુકાનમાં બીજા ગ્રાહકો પણ હજામત કરાવવા આવેલા. એમનું ધ્યાન પણ ખેંચાયું. પટેલે પંડિતની ચિત્રવિચિત્ર હજામત કરેલી જોઇને સૌ ખડખડાટ હસી પડ્યા.
ટીમુ પંડિત ચિડાઇ ગયા. તેઓ બોલી ઊઠ્યા : “આ શું ?”
પટેલે લલકારવા માંડ્યું : “જે જન મશ્કરી કરવા જાય, મોડો-વહેલો તે પસ્તાય!”
ટીમુ પંડિત તો પોતાના વાળ જોઇ ખૂબ ગુસ્સે થઇ ગયા. એમણે સામેના ટેબર પર જોરથી હાથ પછાડ્યો. ટેબલ પરની પાણીની વાડકી, પાઉડરનો ડબ્બો, અસ્ત્રો વગેરે ઊથલી પડ્યાં! હજામતનું બ્રશ ઊછળીને પટેલના મોં સાથે અથડાયું!
“ઓહ!”
પટેલ પાછા હઠી ગયા. પણ એમ કરતાં બિછાનામાંથી નીચે ગબડ્યા! સપનું ઊડી ગયું! ન મળે ટીમુ પંડિત કે ન મળે વાળંદની દુકાન!
પટેલ આંખો ચોળતાં-ચોળતાં હસી પડ્યા અને બબડ્યા! “વાહ ભાઇ -વાહ! આ તો સપનામાં વાળંદ બનવાનો લહાવો મળ્યો!”
લાખો રૂપિયાનું આંધણ !
ઘોડુમલ કરીને બકોર પટેલના એક વેપારી મિત્ર હતા. ઘોડુમલ ઘણા શ્રીમંત હતા. કરોડપતિઓમાં એમની ગણના થતી. અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર એમનો આલેશાન બંગલો હતો. પરદેશ સાથે એમનો વેપાર. વારંવાર એ ઍરોપ્લેનમાં મુસાફરી કરે. મુંબઇ આવે ત્યારે ઘણીવાર એ બકોર પટેલને ત્યાં ઊતરે. પટેલને તાજી જ ઓળખાણ થયેલી.
ખરી વાત એ હતી કે ઘોડુમલ છાની રીતે દાણચોરીનો ધંધો (કાયદેસરનો ટૅક્સ ભર્યા વગર કરવામાં આવતો બિઝનેસ) કરતા. ખુલ્લી રીતે તો બીજો ધંધો ચાલે; પણ અંદરખાનેથી દાણચોરીનો માલ લાવે અને વેચે.
બહાર કોઇને આ વાતની ખબર પડે નહિ. બકોર પટેલ પણ જાણે નહિ.
ભારે સિહતથી ઘોડુમલ પોતાનો ધંધો ચલાવે.
એક દિવસ ઘોડુમલ બકોર પટેલને ત્યાં આવી ચડ્યા. જમી-પરવારીને બેઠા બાદ, એમણે ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું.
તેમણે બકોર પટેલને કહેવા માંડ્યું : “પટેલ સાહેબ ! મારૂં આ પડીકું તમારે થોડા દિવસ માટે તમારી પાસે રાખવાનું છે.”
“એમાં શુ છે ?”
“હીરા?”
“હીરા?” કહેતાં પટેલ ચમક્યા : “તો અહીં કેમ રાખવાના છે ?”
“એવું છે પટેલ સાહેબ કે આ હીરા મારે ઘસાવવાના છે. અમદાવાદમાં કોઇ ઉત્તમ અને જાણીતા હીરાઘસુ કારીગરો છે જ નહિ. તેથી અહીં કારીગરો પાસે ઘસાવવા પડશે. હવે પછી હું અહીં આવીને અત્રેના કારીગરોને પહેલ પાડવા આપીશ. તેથી હાલ થોડા દિવસ અહીં રાખો. બૅન્કમાં તમારા લૉકરમાં મૂકી રાખજો ને!”
પટેલને કંઇ વહેમ પડ્યો નહિ. એમને ઘોડુમલની વાત સીધીસાદી લાગી. એમને શી ખબર કે આ દાણચોરીના હીરા હશે!
એમણે તો પડીકું લઇ લીધું. પછી બપોરે જઇને બૅન્કના લૉકરમાં મૂકી આવ્યા.
આ બાજુ ઘોડુમલ અમદાવાદ જવા વિદાય થયા.
આ વાતને કેટલાક દિવસ વીતી ગયા.
એક દિવસ એવું બન્યું કે કસ્ટમખાતાના ઇન્સ્પેક્ટર વાઘેલા, વાઘજીભાઇને ત્યાં આવી ચડ્યા. એમને અને વાઘજીભાઇને સારી દોસ્તી. પણ એકદમ સવારના પહોરમાં વાઘેલાને જોઇને નવાઇ લાગી!
“આવો, આવો,” વાઘજીભાઇએ આવકારતાં કહ્યું : “આજે સવારના પહોરમાં ભૂલ્યા પડ્યા ને કંઇ!”
વાઘેલાએ ગંભીરપણે કહેવા માંડ્યું : “વાઘજીભાઇ, એક ખાનગી વાત છે.”
“બોલો.” વાઘજીભાઇએ સીમા સાદે બોલ્યા.
આમતેમ જોઇ વાઘેલા બોલ્યા : “હાલમાં દાણચોરીના માલ માટે ગમે એની પેઢી પર દરોડા પાડવા માંડ્યા છે. માત્ર શંકા જાય કે, નનામો ફોન કે પત્ર પણ આવે કે દરોડો પડ્યો જ છે, સમજો! કદાચ એવું પણ બને કે બકોર પટેલની પેઢી પર પણ પડે. બકોર પટેલ તમારા ખાસ મિત્ર છે ને! તેથી તમને કહેવા આવ્યો છું કે બકોર પટેલને તમે ચેતવી દેશો.”
“એમ?”
“હા! એમની પાસે એવું કંઇ છે ખરું - પૂછજો. કાળુંનાણું, સોનું, વગેરે કંઇ લૉકરમાં રાખ્યું હોય તો સંભાળે. હું હવે જાઉં છું.”
આમ કહી વાઘેલા ઊભા થયા. “કેમ, બેસવું નથી ?”વાઘજીભાઇે પૂછ્યું.
“ના! હાલ વખત નથી. મારે તાકીદે જવાનું છે, સાહેબજી!” કહી વાઘેલા ઝટઝટ વિદાય થયા.
પટેલનું નામ આવતાં જ વાઘજીભાઇ જરા વિચારમાં પડી ગયા. બકોર પટેલ નીતિથી ધંધો કરતા હતા. કાળાબજાર કરવાનો મુદ્દલે વિચાર ન કરે. કાળુંનાણું એમણે ભેગું કર્યું જ નથી. એવી પોતાને ખબર હતી, તેમ છતાં ચેતવી દેવા તો જોઇએ, એમ વિચારી તેઓ ઊભો થયા.
બકોર પટેલ અને વાઘજીભાઇ, સામાન્ય પણે તો ફોનથી નાની બાબતો પતાવી લેતા. પણ સવારમાં પહોરમાં વાઘજીભાઇને ખુદને ત્યાં આવેલા જોઇને, બકોર પટેલ વિચારમાં પડી ગયા. કોઇ ખાસ વાત વગર વાઘજીભાઇ આવે નહિ.
એમણે વાઘજીભાઇ સામું જોયું ને વાઘજીભાઇએ ધીમે સાદે વાઘેલાની મુલાકાત તથા ચેતવણી અંગે જણાવ્યું.
દરોડાની વાત આવતાં બકોર પટેલ વિચારમાં પડી ગયા. તેઓ પોતે કાળાબજાર કરતા ન હતા. કાળું નાણું, એમની પાસે હતું જ નહિ પણ પેલું હીરાનું પડીકું...? એ પોલીસના હાથમાં આવે અને તેઓ જપ્ત કરી ઉપાડી જાય તો? તો ભારે થઇ જાય! કદાચ એ બાબતમાં કંઇ લોચો (ગરબડ, ગોટાળો) નીકળે તો?
આ બાબતમાં બાંકુભાઇની સલાહ લેવી સારી.
આમ વિચાર કરી બકોર પટેલ ઝટપટ પરવારી ગયા. પછી પોતાની પેઢીએ પહોંચી ગયા.
બાંકુભાઇ આવી યા હતા. બકોર પટેલે એમને પોતાની પાસે બોલાવ્યા. પછી બધી વાત કરી.
વાત સાંભળી બાંકુભાઇને આશ્ચર્ય થયું. તેઓ ઘોડુમલને દીઠે ઓળખતા ન હતા. પટેલને મોઢે માત્ર નામ સાંભળેલું. પટેલને ઘોડુમલ સાથે નવી જ ઓળખાણ થઇ હતી. ઘોડુમલ તો બારોબાર પટેલને બંગલે આવે અને ત્યાંથી બારોબાર જાય, એટલે બાંકુભાઇને ભેગા થવાનો પ્રસંગ આવ્યો ન હતો.
બાંકુભાઇ કહેવા લાગ્યા : “શેઠ સાહેબ! એ હીરાનું પડીકું આપણે એક દિવસ માટે પણ આપણી પાસે રાખવું ન જોઇએ. કદાચ દાણચોરીનો માલ હોય, તો લેવાદેવા વગર આપણી આબરૂના કાંકરા થઇ જાય!”
“તો પછી હવે શું કરવું ? પડીકું એમને આજે ને આજે પાછું આપી દેવું કેવી રીતે ? ઘોડુમલ તો છેક અમદવાદ છે!”
બન્ને જણ થોડીવાર વિચારમાં પડ્યા.
થોડીવારે પટેલને એક વિચાર સૂઝ્યો. એમણે બાંકુભાઇને કહ્યું : “બાંકુભાઇ, મને એક રસ્તો સૂઝે છે. તમે પડીકું લઇને આજે પ્લેનમાં અમદાવાદ જાઓ. ત્યાં એમને પડીકું આપીને પાછા આવો.”
“બરાબર છે,” થોડીવાર વિચાર કરીને બાંકુભાઇ કહેવા લાગ્યા : “આપણે એમ જ ગોઠવીએ, પણ કાલે સવારમાં અહીં મારી બહેનને ત્યાં લગ્ન છે. હસ્તમેળાપનો વખત સવારનો છે, તો...”
પટેલ પાછા વિચારમાં પડ્યા.
છેવટે એમને એક રસ્તો સૂઝ્યો. એમણે નક્કી કર્યું કે બાંકુભાઇએ પ્લેનમાં અમદાવાદ પહોંચવું, ને રાત્રે ગુજરાત મેલમાં પાછી ફરી જવું.
બાંકુભાઇ કહે : “તો તમે કરો શેઠ, એમને ફોનથી ખબર આપો કે ઍરપૉર્ટ પર સામા આવે. ત્યાં જ હું એમને પડીકું આપી દઉં. પછી હું છુટ્ટો.”
બકોર પટેલને આ ગોઠવણ ગમી ગઇ.
પટેલે ઘોડુમલને ફોન જોડ્યો. પણ એ વખતે જબરો ગોટાળો થઇ ગયો. ઘોડુમલનો નંબર જોડાવાને બદલે ભળતો નંબર જોડાઇ ગયો!
જેનો નંબર જોડાઇ ગયો, એ ભારે ઉસ્તાદ (કાબેલ, (અહીં) લુચ્ચો) હતો. પટેલ તો સમજ્યા કે ઘોડુમલનો નંબર જ છે. તેથી એમણે તો સીધી જ વાત કરી : “એલાવ! હું મુંબઇથી બકોર પટેલ બોલું છું. તમે ઘોડુમલજી કે ? એક ખાસ ખાનગી વાત છે.”
આમ તો પેલો ઉસ્તાદ સામેથી કહી દે કે આ ખોટો નંબર જોડાયે છે, પણ ‘ખાનગી’ શબ્દ આવ્યો, તેથી તેની ઇંતેજારી વધી ગઇ. ને વળી ફોન મુંબઇથી! એટલે શું હશે, જાણવા ખાતર એણે ભરમ (રહસ્ય) ખોલ્યો નહિ. એણે પણ સામેથી કહેવા માંડ્યું. “હાજી! કહો!”
પટેલે આગળ ચલાવ્યું : “પેલું હીરાનુ ંપડીકું તમે આપી ગયેલા ને! એ લઇને મારા એકાઉન્ટન્ટ બાંકુભાઇ આજે બપોરના પ્લેનમાં નીકળીને અમદાવાદ આવે છે. હમણાં-હમણાં સરકારી દરોડા બહુ પડે છે, એટલે એ પડીકું તમને પરત કરી દેવું છે. મારે ત્યાં દરોડા પડે, તો નાહક તમે તકલીફમાં મુકાઇ જાવ.”
હીરાનું નામ સાંભળી પેલો ઉસ્તાદ ચમક્યો. એણે ધ્યાનથી સાંભળવા માંડ્યું :
“તમે ઍરપૉર્ટ પર સામા આવજો. બાંકુભાઇ તમને હીરાનું પડીકું આપી દેશે. પણ એ તમને ઓળખતા નથી. કોઇ દિવસ તમને જોયલા નથી, તો શું કરવું ?” પટેલે પૂછ્યું.
પેલા ઉસ્તાદે હવે બુદ્ધિ દોડાવી. એણે ઝટ-ઝટ વિચાર ગોઠવી નાખીને જવાબ આપ્યો : “એમ કરો - ઍરપૉર્ટ પર બહારના ભાગમાં હાથમાં ચોપડીઓ લઇને હું ઊભો હોઇશ. બાંકુભાઇ ત્યાં આવીને ‘રામ’ એમ બોલે. હું સામે ‘રામ’ બોલીશ. આમ, ‘રામ’નો કોડ વર્ડ (સંકેત માટેનો શબ્દ) રાખીએ.”
“બરાબર; તો આમ નક્કી ! પછી એ તો ત્યાંથી નીકળી સીધા સ્ટેશને જ જશે. ને રાતની ગાડીમાં અહીં મુંબઇ પાછા આવશે.”
વાત પૂરી થઇ. ટેલિફોનમાં કોઇનો અવાજ પૂરો ક્યાં ઓળખાય છે!
બકોર પટેલે કહ્યું : “બાંકુભાઇ, તમે પ્લેનની ટિકિટ લઇ આવો. હું જઇને લૉકરમાંથી પડીકું લઇ આવું.”
આમ કહી બકોર પટેલ બૅન્કમાં ઊપડ્યા. આ બાજુ બાંકુભાઇ પ્લેનની ટિકિટ લઇ આવ્યા.
પટેલે પડીકું લાવીને બાંકુભાઇને આપ્યું. પછી કહેવા માંડ્યું : “તમે સમજ્યા ને! એ ‘રામ’ કહે, તો તમારે જાણવું કે એ ઘોડુમલ જ છે. ઝટ દઇને એમને પડીકું આપી દેજો. પોલીસખાતાનો મામલો છે, તેથી ત્યાં બહુ રોકાશો નહિ.”
“ભલે” કહી બાંકુભાઇ ઉપડ્યા.
આ બાજુ પેલો ઉસ્તાદ પણ હીરાનું પડીકું મેળવવાની તજવીજમાં બનીઠનીને ઍરપૉર્ટ પર આવ્યો.
પ્લેન આવવાનો વખત તયો, એટલે એ હાથમાં મોટી મોટી બે ચોપડીઓ રાખી બહાર નીકળનાર મુસાફરોનું ધ્યાન પડે એમ ઊભો રહ્યો.
બાંકુભાઇ પ્લેનમાંથી ઊતર્યા. બહાર નીકળ્યા ત્યાં જ એમની નજર હાથમાં ચોપડીઓ રાખીને ઊભેલા માણસ પર પડી. બાંકુભાઇ ધીમેધીમે એની પાસે આવ્યા અને એની પાસેથી પસાર થતાં-થતાં ધીમેથી બોલ્યા :
‘રામ!”
પેલો ઉસ્તાદ તરત સમજી ગયો કે આ જ બાંકુભાઇ હોવા જોઇએ! એણે તરત સામું કહ્યું :
“રામ!”
બાંકુભાઇ ઊભા રહી ગયા અને એમણે પડીકું તરત પેલાના હાથમાં મૂકી દીધું.
“આવજો, બાંકુભાઇ!” કહીને પેલો એકદમ ત્યાંથી સરક્યો.
બાંકુભાઇ પણ ત્યાંથી બહાર રસ્તા પર આવ્યા અને ટૅક્સી ભાડે કરીને સ્ટેશને પહોંચ્યા.
રાતની ગાડીમાં એ મુંબઇ પાછા ફર્યા.
બીજા દિવસે લગ્નમાં હાજરી આપી, છેક ત્રીજે દિવસે બપોરના તેઓ પેઢીમાં ગયા.
બકોર પટેલે પૂછ્યું : “કેમ, બાંકુભાઇ! ફતેહ?”
“હા શેઠ! ફતેહ! બલા ગઇ!” ને બકોર પટેલનો જીવ હેઠો બેઠો.
આ બનાવને થોડા દિવસો વીતી ગયા.
એક દિવસની વાત છે. પટેલ પોતાની પેઢીમાં બેઠા હતા, ત્યાં એકાએક ઘોડુમલ આવી પહોચ્યાં.
“આવો, ઘોડુમલજી!” પટેલે એમને આવકાર આપ્યો. ‘ઘોડુમલ’ નામ સાંભળી બાંકુભાઇ એકદમ ચમક્યા. આ ક્યા ઘોડુમલ? પેલા અમદાવાદવાળા તો ન જ હોય! જે હશે તે હમણાં જણાશે, એમ વિચારી એ કામ વળગ્યા.
થોડીવારે ઘોડુમલે ધીમા સાદે જણાવ્યું : “પટેલસાહેબ, પેલું પડીકું લેવા આવ્યો છું.”
“કયું પડીકું ?” પટેલ ચમક્યા.
“હીરાનું પડીકું! મેં તમને લૉકરમાં રાખવા આપેલું તે!”
“એ પડીકું તો તમને અપાઇ ગયું! મારા ઍકાઉન્ટન્ટ બાંકુભાઇ જ તમને આપવા અમદાવાદ આવેલા ને!”
ઘોડુમલને આશ્ચર્ય થયું.
એ બોલ્યા : “ના, ભાઇ! મને પડીકું મળ્યું જ નથી!”
બકોર પટેલે બાંકુભાઇ ને બોલાવ્યા.
“કેમ બાંકુભાઇ, તમે આ ઘોડુમલજીને હીરાનું પડીકું આપી આવેલા ને!”
બાંકુભાઇ વિચારમાં પડી ગયા.
તેઓ બોલ્યા : “ઘોડુમલજી આ ન હતા!”
“હેં? ત્યારે?”
“એ તો કોટ-પેન્ટ-ટાઇવાળા હતા! ને આમનાથી નીચા હતા!”
“હેં?” બકોર પટેલ ચમક્યા.
ઘોડુમલ પણ ચમકી ગયા! એમણે પૂછ્યું : “પણ તમારે પડીકું અમદાવાદ મોકલવાની કંઇ જરૂર?”
જવાબમાં બકોર પટેલે બધી વાત ખુલાસાથી કરી. બાંકુભાઇએ પણ પોતાની મુસાફરીની વિગત કહી સંભળાવી.
ઘોડુમલ ઘડીભર વિચારમાં પડી ગયા. એમણે કહ્યું : “પટેલસાહેબ! પણ મેં તો તમારી જોડે ફોન પર આજ દિન સુધીમાં ક્યારેય વાત કરી જ નથી!”
“તો પછી મારી સાથે કોણે વાત કરેલી?”
બાંકુભાઇ ચપટી વગાડીને બોલી ઊઠ્યા : “શેઠજી, હવે ભેદ પકડાયો. ઘણીવાર બને છે તેમ, આ વખતે પણ રૉંગ નંબર જોડાઇ ગયો હશે. કોઇ બીજાએ જ ફોનમાં વાત કરી, હીરાનું પડીકું ઝડપવાની બાજી ગોઠવી હશે! તેમ ન હોય તો આપણા કોડ વર્ડ ‘રામ’ની બીજા કોને ખબર પડે?”
ઘોડુમલને ખાતરી થઇ કે બાંકુભાઇનું અનુમાન બરાબર છે. તેઓ ટેલિફોન ઉપર ખૂબ જ ચિડાઇ ગયા! તેનું રિસીવર ઉપાડી ટેબલ ઉપર પછાડતાલ્બોલ્યા : “આ બધી ટેલિફોનની સગવડની જ મોકાણ છે! લાખોનું આંધણ કરાવ્યું!”
એમણે રિસીવર પછાડ્યું અને રિસીવરના બે ટુકડા થઇ ગયા!
ઘોડુમલ કરે પણ શું! લઇ જનારનય્ક્યાં શોધે? હીરા પણ દાણચોરીના જ હતા. પોલીસમાં ફરિયાદ પણ કેવી રીતે કરે? ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુએ, એવું એમનું થયું!