Bakor Patel - Kathao Dr. Hariprasad Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bakor Patel - Kathao

બકોર પટેલ

બકોર પટેલની કથાઓ

હરિપ્રસાદ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧. અમથા પટેલનો વિવાહ

ર. લીલે તોરણે પાછા !

૩. અમથાનાં લગ્ન

૪. પટેલે મિજબાની આપી !

પ. મસાણમાંથી પાછા

૬. પટેલે બંગલો બદલ્યો !

૭. ગાંડાની હૉસ્પિટલ

અમથા પટેલનો વિવાહ

એક દિવસ બકોર પટેલ બહુ આનંદમાં આવી ગયા. ઘેરથી ઑફિસે જવા નીકળ્યા ત્યારે એમનું મોઢું હસું-હસું થઈ રહ્યું હતું; જાણે લાપશી ખાતા ન હોય ! એમને આટલો બધો હરખ થવાનું એક કારણ હતું. એમના ભત્રીજા અમથા પટેલનો વિવાહ થવાનો હતો.

સોજીત્રા ગામમાં બેચર પટેલ નામના ટેકીલા પટેલ રહેતા હતા. એમને એક દીકરી હતી. બેચર પટેલ આપણા બકોરભાઈનું નામ સાંભળ્યું હતું. મોટા વેપારી તરીકે બકોર પટેલની ખૂબ નામના (પ્રતિષ્ઠા, આબરૂ) હતી. વળી, ન્યાત (જ્ઞાતિ)ના કામમાં પટેલ વારંવાર પૈસા આપતા, એ હકીકત પણ બેચર પટેલે જાણી હતી. એટલે એમણે એકવાર બકોરભાઈને જાતે મળવાનો વિચાર કર્યો. બકોર પટેલને મળવા એ મુંબઈ આવ્યા.

મુંબઈમાં બેચર પટેલ એમના ભાઈબંધને ત્યાં ઊતર્યા. બેચર પટેલ આમ તો ગામડાગામના, પણ ક્યાંય પાછા પડે નહીં ! સુરત, ભરૂચ, વડોદરા વગેરે શહેરોમાં પણ જઈ આવેલા. પૂછતા-પૂછતા ઠેઠ શ્રીલંકા પહોંચી જાય એવા ! પણ સોજિત્રા જેવા ગામમાં રહેલા એટલે મુંબઈ જેવા મોટા શહેરમાં એમને અતડું-અતડું બહુ લાગે !

એ જમાનામાં તાર-ટેલિફોન ગામડાંઓમાં હજુ પહોંચેલા નહિ એટલે બેચર પટેલને ટેલિફોન કરતાં આવડે નહિ. જાણે ખરા, કે ટેલિફોનમાં વાત થાય છે. એમણે પોતાના ભાઈબંધની પાસે બકોર પટેલનો નંબર જોડાવ્યો. પછી રિસીવર હાથમાં લઈને વાત કરવા માંડી : “એલાવ, કોણ ? બકોરભાઈ કે...હા જી; હું બેચરદાસ. હા, આજે સવારે જ આવ્યો. આજે બપોરે બે વાગ્યે તમારી ઑફિસે મળવા આવીશ. એકબીજાને મળાશે. ખૂબ વાતો થશે... હા જી. મારી પાસે તમારી ઑફિસનું સરનામું છે. સારું ત્યારે રામ-રામ !”

આમ કહી બેચર પટેલે ટેલિફોન મૂકી દીધો. બપોરે બે વાગ્યે બકોર પટેલને મળવા જવાનું નક્કી કર્યું.

બકોર પટેલે શકરી પટલાણીને વાત કરી. શકરી પટલાણીને ખબર મળેલી કે બેચર પટેલને દીકરી છે. એનું લગ્ન અમથા જોડે કરવાનો એમનો વિચાર છે. પોતે અમથાને જોવા માટે મુંબઈ આવવાના છે એમ પણ લખેલું. એટલે અમથાનો વિવાહ હવે જરૂર થઈ જશે, એમ એમને લાગ્યું.

ટેલિફોન આવ્યો એ દહાડે પટેલ રાજી-રાજી થઈ ગયા. ઑફિસે જતાં-જતાં એમનું મોં હસું-હસું થયાં કરતું હતું, એનું કારણ પણ આ જ હતું. અમથાને અમેણે પોતાની સાથે લીધો હતો. ગ્રાંટરોડ સ્ટેશનેથી ઊતરીને બન્ને જણા બસમાં બેઠા. બસમાં પણ પટેલને અમથાના લગ્નના જ વિચાર આવ્યા કરે.

પટેલ મનમાં વિચાર કરે : ‘બસ ! અમથાનાં લગ્ન વખતે તો હું આખા તારાપુર ગામને જમાડીશ. વરઘોડો પણ સરસ કાઢીશ. મુંબઈથી બધા મહેમાનો આવશે, એટલે ઠાઠમાઠથી સાજનમાજન લગ્નમાં મહાલશે. મારે તો વળી સાફો બાંધવો પડશે ! હા ! હા! હા ! હા !’

આમ વિચાર કરતાં કરતાં પટેલ મનોમન રાજી થવા લાગ્યા. થોડીવારે બસકંડકટર આવ્યો એણે પટેલ સામે હાથ લાંબો કરી કહ્યું : “શેઠ, ટિકિટ !”

પટેલે ગજવામાંથી (ખિસ્સામાંથી) ઝટ પૈસા કાઢીને આપ્યા અને બોલ્યા : “બે બોરીબંદર.”

કંટક્ટરે પટેલ સામે ઝીણી નજરે જોયું અને પછી કહ્યું : “શેઠ, યે બસ ગોવાલિયા ટૅન્ક જાયેગી, ગોવાલિયા ટૅન્ક !”

“હેં ?” કહી પટેલ ઊભા થઈ ગયા. પોતે ભૂલમાં ને ભૂલમાં બીજી બસમાં બેસી ગયા હતા ! પટેલ ગભરાઈને ઊભા થઈ ગયા. બસમાં બેઠેલાં બધાં હસવા લાગ્યાં. અમથો પણ મોઢું પહોળું કરીને ઊભો થઈ ગયો. થોડેક જતાં કોઈ સ્ટૅન્ડ આવ્યું. એટલે બસ થોભી. બન્ને જણ હાંફળાફાંફળા ઊતરી પડ્યા. પછી પટેલે હસીને કહ્યું : “અમથા, તનેય ભાન ન રહ્યું ?”

અમથો બિચારો શરમાઈ ગયો. એ શું બોલે ? થોડીવારે બોરીબંદર જવાની બસ આવી એટલે બન્ને જણ એમાં બેઠા.

એ બસમાં પણ જોવા જેવી થઈ. બસમાં બેઠેલા મુસાફરોમાંથી એક જણનો પગ અમથાથી કચરાયો. કંડક્ટરે એકદમ ઘંટડી વગાડેલી, તેથી અમથાએ ધાર્યું કે બસ ઝટ ઊપડશે, એટલે અમથો ધક્કામુક્કી કરતો ચડેલો. જેવો સીટ પર બેસવા ગયો કે તરત જ ભૂલથી એક જણના પગ ઉપર એનો પગ પડ્યો. અમથાએ એડીવાળા બૂટ પહેરેલા અને પેલાએ પહેરેલી ચંપલ. અમથાના બૂટની એડી નીચે પેલાનો અંગૂઠો ચંપાઈ ગયો. પેલો તો “ઓ બાપા રે !” કહીને ઊભો થઈ ગયો.

બધાં ઊંચી ડોકે જોવા લાગ્યાં. અમથો શિયાવિયા થઈ ગયો (ભોંઠો પડી ગયો). પેલો તો પગ ઊંચો લઈને : “ઓ બાપ રે ! મરી ગયો રે ! મારો પગ કચડી નાખ્યો રે!” એમ કરવા લાગ્યો. એણે અમથા સામે ડોળા તતડાવ્યા અને ઘાંટો પાડીને કહ્યું : “કેમ, અલ્યા ! સૂઝતું નથી ? આંખો છે કે બાકોરાં ? આંધળો છે ?”

આ સાંભળી અમથાભાઈનો મિજાજ ગયો. એણે તરત સારો જવાબ આપ્યો : “આંધળો કોને કહે છે ? આંધળો તારો બાપ !”

પેલો : “તું આંધળો !”

અમથો કહે : “તું આંધળો !”

“તું !”

“તું !”

“તું !”

આમ સામસામે તું...તું ચાલ્યું. બસમાં બેઠેલાંઓ આ તમાશો જોવા લાગ્યાં અને હસવાં લાગ્યાં. છેવટે બકોર પટેલ વચ્ચે પડ્યા અને પેલાને સમજાવવા લાગ્યા : “હશે, ભાઈ ! હવે ધીરા પડો. આમ તપી શું જાઓ છો ? પગ કચરાયો કંઈ ન કચરાયો થવાનો છે ? તમે આવડા મોટા થઈને આ છોકરાને આંધળો કહો છો તે શરમ નથી આવતી ?”

પેલાએ હાથનો ચાળો કરી કહ્યું : “અરે, વાહ રે ! આ તો ચોર કોટવાળને દંડે એવી વાત થઈ ! ચોરી પર શિરજોરી તે આનું નામ ! એક તો પગ કચર્યો, અને ઉપરથી પાછા મને ઠપકો આપો છો ? શરમ નથી આવતી ?”

બકોર પટેલે સામો દમ મારતાં કહ્યું : “બેસી રહો છાનામાના, મિસ્ટર ! આંધળો કોઈ બીજાને કહેજો ! બેસવાની રીત તો જાણતા નથી ! બસમાં ટાંટિયા લાંબા કરીને બેસાય ? આ કંઈ ઘર નથી, સમજ્યા ?”

આમ બોલાચાલી વધી પડી. બંને વચ્ચે ખૂબ ટપાટપી થઈ. છેવટે બીજાઓ વચ્ચે પડ્યા અને બંનેને શાંત પડ્યા. કંડક્ટરે પટેલને એક ખૂણે અને પેલાને બીજે ખૂણે, એમ બંનેને આઘે-આઘે બેસાડ્યા. આમ છતાંય બંને જણે દૂર બેઠાં-બેઠાં એકબીજા સામે ડોળા તો કાઢ્યા કર્યા.

થોડીવારમાં જ બોરીબંદર આવ્યું. પટેલ પેલા સામે ઘૂરકતા હોય એવું મોઢું કરીને બસમાંથી ઊતરી પડ્યા. અમથો પણ ઊતર્યો. પેલાએ બસમાં બેઠે-બેઠે બારીમાંથી હાથ બહાર કાઢ્યો અને પટેલને મુક્કી બતાવી કહ્યું : “બચ્ચાજી, જોઈ લઈશ !”

તરત બસ ઊપડી ગઈ.

પટેલ ઑફિસે પહોંચ્યાં, પણ એમનું મન જરા ખાટું થઈ ગયું. આજે વળી આવો બનાવ ક્યાં બન્યો ? આમ વિચાર કરતાં-કરતાં પટેલને પાછી અમથાના વિવાહની વાત યાદ આવી. પાછું એમનું મોઢુ મલક્યું. પટેલ આનંદમાં આવી જઈ મોટેથી હસી પડ્યા. એમનું મન પાછું હતું તેવું પ્રફુલ્લિત થઈ ગયું.

ટપાલ જોઈને પટેલે એકાઉન્ટન્ટ બાંકુભાઈને કાગળો પાછા આપ્યા. જેમને જવાબ લખવાના હતા એ કાગળો જુદા તારવી શું લખવાનું છે તે સમજાવ્યું. પછી ઘડિયાળ તરફ જોતા બેઠા. મનમાં થતું હતું : “હજુ બે કેમ વાગતા નથી ?”

એમ કરતાં-કરતાં બે વાગવામં પાંચેક મિનિટ ઓછી રહી, ત્યાં વિઠુ વાછરડો આવ્યો અને સલામ કરીને કહેવા લાગ્યો : “શેઠ, બહાર કોઈ આવ્યું છે. આપને મળવા માગે છે. પોતાનું નામ કહેતો નથી. કહે છે કે તું તારે જઈને શેઠને કહે.”

બકોર પટેલ તો આનંદથી ઊભા થઈ ગયા. વિઠુ વાછરડો પૂરું બોલી રહે, એ પહેલાં એમણે એનો હાથ પકડ્યો. પછી એને બારણા તરફ ધકેલીને કહ્યું : “જા, જા, મૂરખના સરદાર ! એમને ઝટ અંદર લઈ આવ ! એ કોણ છે તેની તને ખબર છે ? જા, સલામ કરજે, હો ?”

વિઠુ તો ગાભરો-ગાભરો બહાર નાઠો. પટેલે કપડાં ઠીકઠાક કર્યાં. કપડાં ઉપર કરચલી પડી હતી તે સીધી કરી. શર્ટનો કૉલર ઠીકઠાક કર્યો. એકબે વાર ખોંખારા ખાધા, પછી જાણે ફોટો પડાવવા બેઠા હોય તેમ ભપકાબંધ બેઠા. મોઢું પણ સહેજ હસતું રાખ્યું જ તો ! અમથાભાઈ પણ ટટાર થઈને વટબંધ બેઠા.

થોડીવારે વિઠુ એક જણને અંદર લઈ આવ્યો. પટેલ એકદમ ઊભા થઈ ગયા.

“ઓહોહોહો ! આવો ! આવો ! પધારો ! તમને જોઈને બહુ આનંદ થયો !” આમ કહી પટેલે સામેની ખુરશી તરફ હાથ કર્યો. પેલા

ભાઈ એમાં ધીમેથી બેઠા. પટેલે વાત ઉપાડી : “કહો કેમ છે ?”

પેલાએ જવાબ આપ્યો : “સારું છે.”

પટેલ બોલ્યા : “તમારો ટેલિફોન મને મળ્યો હતો. તમે બરાબર વખતસર આવી પહોંચ્યા !”

પેલો કંઈક ગૂંચવાઈને બોલ્યો : “મશ્કરી શું કરો છો ? મેં ટેલિફોન નથી કર્યો !”

પટેલ મોટેથી હસી પડ્યા અને બોલ્યા : “વાહ, બેચર પટેલ, વાહ ! તમે પણ બડા ગમ્મતી લાગો છો !”

પેલાનું તો મોઢું ઊતરી ગયું. એણે બે હાથ જોડી કહ્યું : “શેઠજી, આપની કંઈ ભૂલ થતી હોય એમ લાગે છે. મારું નામ બેચર પટેલ નથી. હું તો ખાઈખવડાવી દેશનો ઉદ્ધાર કરનારી મંડળીનો મંત્રી છું, અને મંડળી માટે ફાળો ઉઘરાવવા માટે આવ્યો છું.”

“ફાળો ?” પટેલ ચમક્યા.

“હાજી, આ રહી પહોંચબુક ! આપના જેવા મોટા બિઝનેસમૅન (વેપારી) પાસે મોટી આશા લઈને આવ્યો છું.”

આ ગોટાળાથી પટેલ ગુસ્સે થઈ ગયા. એમણે પહોંચબુક ફેંકી દીધી અને ટેબલ ઉપર હાથ પછાડી કહ્યું : “તમે તો ખરા માણસ છો ! પહોંચબુક લઈને પૂછ્યા-ગાછ્યા વિના દોડી આવ્યા !”

પેલો નરમ થઈને બોલ્યો : “પણ શેઠ, દેશના ઉદ્ધારનું કામ છે...”

“બસ, જાઓ ! મારે કશું સાંભળવું નથી. એકદમ અહીંથી ચાલ્યા જાઓ !”

પટેલે ઘાંટો પાડી ફરીથી ટેબલ ઉપર હાથ પછાડ્યો. પેલા મંડળીવાળા મહેરબાન તો ગભરાઈને બહાર નાઠા. બહાર બેઠેલા સૌ કર્મચારીઓ પણ ગભરાઈ ઊઠ્યા. એમને થયું કે શેઠે તેને આવકાર તો બહુ આપ્યો, પણ પાછળથી આમ એકદમ ગુસ્સે કેમ થઈ ગયા ?

પટેલનું મગજ જરાક ઠંડું પડ્યું. ત્યાં તો પાછું બીજું કોઈ આવી પહોંચ્યું. વિઠુને અંદર જઈને ખબર આપતાં બીક લાગી, પણ કરે શું ? થર-થર ધ્રૂજતો ધ્રૂજતો એ અંદર ગયો. સલામ કરીને બોલ્યો : “શેઠ, કોઈ આવ્યું છે.”

પટેલ ડોળા કાઢીને બોલ્યા : “કોણ છે ? નામ પૂછ્યું હતું ?”

વિઠુ જાણે રડતો હોય એવા અવાજે બોલ્યો : “હા, શેઠ ! કહે છે કે મારું નામ બેચર પટેલ !”

“બેચર પટેલ !”

બકોર પટેલ ભારે આનંદમાં આવી ગયા અને કહ્યું : “જા, જા, એમને માનપાનથી અંદર લઈ આવ ! જા, સલામ કરજે, હાં કે ? પેલાને તેં નકામી સલામ ભરી!”

શો ગોટાળો થયો હતો, તે વિઠુ હવે સમજ્યો. એ ઝટપટ બહાર ગયો. થોડીવારે બેચર પટેલ બારણામાં દેખાયા. અંદર બકોર પટેલે જોતાં જ બેચરભાઈનું મોઢું અજાયબીથી કાર્ટૂન જેવું થઈ ગયું ! એ બારણામાં જ ઊભા રહી ગયા ! એમનાથી બોલી જવાયું : “કોણ? તમે જ બકોરભાઈ ? અને આ તમારા ભત્રીજા અમથાલાલા ?”

બકોર પટેલનું મોઢું પણ બેચરભાઈને જોતાં જ ગભરાટથી પહોળું થઈ ગયું ! એમનાથી પણ બોલી જવાયું : “તમે ? તમે જ બેચર પટેલ ?”

આ બેચર પટેલ તે બીજા કોઈ નહિ, પણ અમથાએ બસમાં જેનો પગ કચરી નાખ્યો હતો તે જ હતા ! એમને બકોર પટેલ કે અમથો બેમાંથી કોઈ દીઠે ઓળખે નહિ, તેથી એમની સાથે બરાબરની જામી ગયેલી ! બકોર પટેલે ઊભા થઈને આવકાર આપ્યો અને કહ્યું : “બેચર પટેલ, આવો, બેસો ! આપણે નકામા વઢી પડ્યા ! કોઈ દિવસ દીઠેલા નહિ, તેથી ગોટાળો થઈ ગયો. આવો અહીં.”

પણ બેચર પટેલ તો બારણામાં જ ઊભા રહ્યા. એમણે ડોકું ધુણાવીને કહ્યું : “હવે અંદર આવવાની જરરૂ નથી. મારે જોવું હતું તે જોઈ લીધું. તમારા ભત્રીજા બહુ ડાહ્યા છે. ઘન્ના-ઘન્ના ડાહ્યા છે ! મેં આજે બરાબર જોઈ લીધા !”

પટેલે જાણ્યું કે બેચરભાઈ છટકી જશે, ને વિવાહ વિવાહને ઠેકાણે રહેશે. તેથી એમણે બેચરભાઈ પાસે જઈને વિવેક કરવા માંડ્યો : “એમ તે થાય, પટેલ ! આવો તો ખરા ! ગઈ ગુજરી ભૂલી જાઓ ! અમારી ભૂલ થઈ ને તમારીયે ભૂલ થઈ !”

બેચરભાઈ કહે : “ના ભાઈ, ના ! અમે કંઈ આંધળા નથી કે આવા ઉદ્ધતને જમાઈ બનાવીએ ! પાછા અમને બીજી વાર આંધળા બનાવે !”

આમ કહી બેચરભાઈ તો સડસડાટ ચાલ્યા ગયા. બકોર પટેલ મોઢું વકાસી વીલે મોઢે જોતા જ રહ્યા! અમથો તો ઠંડોગાર જ થઈ ગયો !

પટેલ લમણે હાથ દઈને ખુરશીમાં બેઠા. વિવાહ ચોક્કસ થઈ જ જવાનો હતો. અને આ વળી વચ્ચે પથરો ક્યાંથી પડ્યો ? પટેલ ખૂબ અકળાયા. આખો દિવસ ક્યાંય ચેન પડ્યું નહિ. સાંજે તેઓ ઑફિસેથી વહેલા નીકળી ગયા અને અમથાને લઈને ઘેર આવ્યા. એ દિવસે શકરી પટલાણીએ એમને સવારે કહેલું કે બેચર પટેલને તેડીને ઘેર આવજો. તેથી પટલાણીએ કંસાર રાંધવા માંડેલો. ભાતભાતની બીજી વાનગીઓ પણ તૈયારકરવા માંડેલી. એટલામાં પટેલ તથા અમથો ડાઘુઓ (મૃત્યુ પામેલી વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે સ્મશાને ગયેલાઓ) જેવાં મોઢાં લઈને આવી પહોંચ્યા. એમના આવા રોતલ ચહેરા જોઈને પટલાણી ચમક્યાં અને પૂછવા

લાગ્યાં : “કેમ ? બેચર પટેલ ક્યાં ગયા? નથી આવ્યા ?”

પટેલ કહે : “શું આવે, મારું કપાળ ! એ વિવાહ હવે થઈ રહ્યો. એની આશા છોડી દેજો.”

પટલાણીએ આંખો ફાડીને પૂછ્યું : “પણ છે શું ? વાત તો કરો.”

પટેલ હીંચકે બેઠા અને એમણે પહેલેથી માંડીને છેલ્લે સુધીની તમામ વાત કહી સંભળાવી. વાત સાંભળીને પટલાણી ભારે વિચારમાં પડ્યાં. પછી એમણે કહ્યું : “તમે હવે અહીં જ રહો. બેચર પટેલ ઊતર્યા છે ત્યાં હું જઈ આવું, અને સમજાવી જોઉં !”

પટેલ હસીને બોલ્યા : “ગયાં ગયાં હવે ! અમારાથી ન થયું તો તમે શું કરવાનાં હતાં ? એ બેચરકાકો માને એવો જ નથી ને ! એ તો બહુ જક્કી લાગે છે !”

પટલાણીએ હસીને જવાબ આપ્યો : “જોઉં તો ખરી કે એ શું કહે છે ? મને આ વાતની ખબર પડી છે એવું હું જણાવવાની જ નથી.”

આમ કહી પટલાણી જવા માટે તૈયાર થયાં. સરસ સાડી પહેરી. કપાળમાં ચાંલ્લો કર્યો. પગમાં ચંપલ પહેર્યાં. પટલાણી તો ઊપડ્યાં.

આ બાજુ બકોર પટેલને મળીને બેચર પટેલ ભાઈબંધને ઘેર પાછા આવ્યા. એમને જોઈ ઝવરી પટલાણી કહે : “કેમ, મુરતિયો કેવોક છે ? ઠીક હોય તો હું જોવા આવું. આપણે જઈએ.”

બેચર પટેલે ગુસ્સામાં ને ગુસ્સામાં જવાબ આપ્યો : “મુરતિયામાં શું જોવાનું છે, કપાળ મારું ! કેવો છે તે કહું ? જો, આ મારો પગ કચરી નાખ્યો ! આવા મુરતિયાને તારે જોવા જવું છે ?”

ઝવરી પટલાણી કહે : “શું ? તમારો પગ કચરી નાખ્યો ? સાચું કહો છો ?”

બેચર પટેલ પલાંઠી વાળીને બેઠા ને ઝવરી પટલાણીને બધી વાત કહી સંભળાવી. એટલામાં તો શકરી પટલાણી આવી પહોંચ્યાં. શકરી પટલાણીએ અગાઉ ઝવરી પટલાણીને દીઠેલાં (જોયાં) હતાં. તેથી એ એમને ઓળખતાં હતાં. પણ બેચર પટેલને ઓળખતાં ન હતાં. શકરી પટલાણીએ ઝવરી પટલાણીને જોઈને એકદમ કહ્યું : “ઓહોહો ! કેમ છો, ઝવેરબહેન ! તમે અહીં કેમ ઊતર્યાં ? સીધાં અમારે ત્યાં કેમ આવ્યાં નહિ ? અમારે ત્યાં જ આવવું જોઈએ. અમે મુંબઈમાં હોઈએ અને તમે બીજે ઊતરો એ બને જ કેમ ?”

ઝવરી પટલાણી જરા ગૂંચવાઈ ગયાં. એમણે કહેવા માંડ્યું : “પ...ણ..... પણ...પણ.....”

શકરી પટલાણી બોલ્યાં : “એ પણબણ નહિ ચાલે. ચાલો, ઊઠો. અત્યારે જ અમારે ત્યાં ચાલો. મુંબઈ રહો એટલા દિવસ અમારે ત્યાં જ રહેવાનું.”

શો જવાબ આપવો તે ઝવરી પટલાણીને ન સમજાયું.

એમણે વિચાર કરી કહ્યું : “જરા બેસો તો ખરાં, પછી વાત.”

શકરી પટલાણી બેઠાં. એમણે વિચાર કર્યો કે હવે વાત ઉપાડવી તેમાં જ લાભ છે. શકરી પટલાણી કહે : “ઝવેરબહેન, તમે બેચર પટેલને પૂછવાનો વિચાર કરતાં હશો, પણ એ તો મારે ઘેર જવાના છે. ઑફિસમાંથી બન્ને જણ સાથે ઘેર આવવાના છે. તમે મારી જોડે ચાલો. બેચરભાઈ પણ મારે ત્યાં પહોંચી ગયા હશે.”

ઝવરી પટલાણી શરમાઈને બોલ્યાં : “એ તો આ બેઠા !”

શકરી પટલાણીએ કહ્યું : “ઓહો ! એમ કે ? ત્યારે તો ચાલો ને ? બેચર પટેલ, અમારું ઘર મૂકીને તમારાથી બીજે ઊતરાય જ કેમ ?”

બેચર પટેલે હવે શકરી પટલાણીને ઓળખ્યાં. પણ એમને જવાબ શો આપવો એની એમને ઘડીભર સમજ ન પડી. છેવટે એમણે ધીમેથી કહ્યું : “હું ઑફિસે જઈ આવ્યો. મુરતિયો જોયો. હવે અમારો વિચાર નથી.”

શકરી પટલાણીએ ખૂબ નવાઈ પામવાનો દેખાવ કરી કહ્યું : “સાચું કહો છો ? મુરતિયો ન ગમ્યો ? કાણો છે ? લૂલો છે ? કંઈ ખોડખાંડપણ છે ?”

ઝવરી પટલાણીએ એમને ટૂંકમાં બધી વાત કહી. શકરી પટલાણી તો જાણતાં જ હતાં, છતાં એમણે મોટેથી ખડખડાટ હસીને કહ્યું : “વાહ ! બેચર પટેલ, વાહ ! આવી ધૂળ જેવી વાતમાં સંબંધ તોડવા તૈયાર થયા છો ? હા હા હા હા હા ! વાતમાં કંઈ માલ નથી ને તમે તો ખોટું લગાડી બેઠા ! મેં તો જાણ્યું કે શુંનું શું થઈ ગયું હશે !”

આમ કહી પટલાણી ખૂબ હસવા લાગ્યાં. બેચરભાઈ શરમાઈ ગયા. એમને લાગ્યું કે જરા ખોટું થયું.

શકરી પટલાણીએ આગળ કહેવા માંડ્યું : “અરે બેચર પટેલ, આવી વાતોમાં તો અણસમજુ રિસાય ! હું હોઉં તો આવા જમાઈને પહેલો પસંદ કરું. એ ડરી ગયો હોત તો તમને ગમત ? એવો ગેંગે-ફેંફે કરતો માઇકાંગલો મુરતિયો શા કામનો ? હું તો આવો માથામાં મારે તેવો જોરાવર જમાઈ પહેલો પસંદ કરું.”

બેચરભાઈને લાગ્યું કે શકરી પટલાણીની વાત ખોટી તો નથી જ. તેઓ મોટેથી હસી પડ્યા અને બોલ્યા : “હશે, ચાલો; તમે કહો છો તે ખરું છે. અમે તમારે ત્યાં આવીએ છીએ. એ વખતે મારુંય મગજ જરા ભમી ગયું હતું !”

ઝવરી પટલાણી પણ રાજી-રાજી થઈ ગયાં. સૌ ત્યાંથી ઊઠીને શકરી પટલાણીને ત્યાં જવા નીકળ્યાં.

બકોર પટેલ અને અમથો - બંને સડેલા તડબૂચ જેવાં મોઢાં કરીને ખુરશી પર બેઠા હતા. જ્યારે શકરી પટલાણી બધાંને તેડીને આવ્યાં, ત્યારે પટેલ આનંદથી ખુરશીમાં કૂદ્યા! એમને થયું કે ઓત્તારી, શી રીતે પટલાણી આ બધાંને સમજાવી લાવ્યાં હશે ? પટેલે સૌને આવકાર આપ્યો. પટેલ અને બેચર પટેલ ભેટ્યા. ઘરમાં પાછો આનંદ છવાઈ ગયો.

પછી તો બધાંએ ખૂબ વાતો કરી. બેચર પટેલે વિવાહ નક્કી કરી નાખ્યો. શુકનનો રૂપિયો પણ આપી દીધો. રાત્રે બધાં ભેગાં મળી કંચાર, ઘી અને ખાંડ જમ્યાં.

આમ છેવટે, આપણા અમથા પટેલનો વિવાહ તો થઈ ગયો !

લીલે તોરણે પાછા !

અમથા પટેલનો વિવાહ તો થયો. વિવાહ થયા પછી થોડા વખતમાં જ એનાં લગ્ન લેવાયાં. એટલે પટેલ તારાપુર આવ્યા. પટેલ રહેતા હતા મુંબઈમાં, પણ લગન-મરણ જેવા સારા-માઠા પ્રસંગે પોતાના વતનમાં આવે. સારા-માઠા પ્રસંગો વતનમાં જ કરે.

તારાપુર આવીને પટેલે ધમાલ કરી મૂકી. રંગકામના એક જાણીતા અને બાહોશ કારીગરને પટેલ મુંબઈથી તેડી લાવ્યા હતા. એમણે પટેલનું આખું મકાન રંગીને ભભકાદાર બનાવી દીધું.

શકરી પટલાણી મુંબઈથી ખુશાલબહેનને તેડી લાવ્યાં હતાં. ગામમાંથી પણ ત્રણેક નોકર રાખી લીધા હતા. એ બધાએ મળી દાણોદૂણી (અનાજ વગેરે ખોરાકનો સામાન) પણ સાફ કરી નાખ્યાં હતાં. આમ લગ્નની તડામાર તૈયારીઓ થઈ રહી હતી.

છેવટે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. બકોર પટેલે સુરતથી જાણીતી બૅન્ડપાર્ટીને બોલાવી હતી. એમના ભાઈ અજાજી પોતાની સાથે જ બૅન્ડ-પાર્ટીવાળાને તેડી લાવ્યા હતા. સાજન-માજન (લગ્નપ્રસંગે આવેલા મહેમાનો) પણ જોવા જેવું હતું. મુંબઈથી ગજરાજ મિલવાળા હાથીશંકર, ગાડરભાઈ ઘીવાળા, વાઘજીભાઈ વકીલ, ડૉક્ટર ઊંટડિયા વગેરે આવ્યા હતા. બકોર પટેલની કંપનીના એકાઉન્ટન્ટ બાંકુભાઈ, શકરાભાઈ, વિઠુ વગેરે પણ આવ્યા હતા. ગામમાંથી પણ ઘણા જણ હાજર હતા.

એ બધાંની વચ્ચે બકોર પટેલ સાફો અને બંધ ગળાનો કોટ પહેરીને આમથી તેમ અને તેમથી આમ ઘૂમતા હતા !

બૅન્ડવાળાએ ગીત વગાડવા માંડ્યું, અને પછી ધીમે-ધીમે ચાલવા માંડ્યું. બૅન્ડવાજાંની પાછળ સાજનમાજન ! ત્યાર બાદ વરરાજા હતા.

એમની પાછળ જાનરડીઓ (જાનમાં આવેલી સ્ત્રીઓ) ગીત ગાતી-ગાતી શકરી પટલાણી હતાં. એમણે જરીભરતની સુંદર સાડી પહેરી હતી. માથે મોડ (લગ્ન વગેરે શુભ પ્રસંગે સ્ત્રીને માથે મુકાતો સળીઓનો એક ઘાટ) પહેર્યો હતો. હાથમાં રામણદીવો (વરઘોડામાં વરનાં માતાના હાથમાં શોભતો મંગલદીપ) ઝાલ્યો હતો. એમને હરખ ક્યાંય માતો ન હતો !

વરઘોડો આખા ગામમાં ફર્યો. પછી ભાગોળે (ગામની હદ પૂરી થતી હોય ત્યાં આવેલું પાદર) આવ્યો. ભાગોળે ભાડાની મોટરો ઊભી હતી. જાન સોજીત્રા ગામે બેચર પટેલને ત્યાં જવાની હતી.

વરઘોડો ઊતરી રહ્યા પછી બધાં પરવાર્યાં, એટલે પટેલે સૌને તૈયાર થઈ જવા કહ્યું. જેઓ જાનમાં જવાના હતા, તેઓ જુદી-જુદી મોટરમાં એક પછી એક બેસી ગયાં. બધી મોટરો ભરાઈ ગઈ એટલે પટેલને પૂછીને ડ્રાઇવરોએ મોટરો દોડાવી મૂકી.

હવે પટેલને વાત કરવાની ફુરસદ મળી. એમણે બધાંનાં ખબરઅંતર પૂછ્યાં. મુંબઈથી આવેલાંને મુંબઈના સમાચાર પૂછ્યા. પછી બહુ વાતો થઈ. સોજીત્રા કેટલું આઘું છે, વેવાઈ કેવા છે એ અને એવી બીજી બહુ પૂછપરછ થઈ.

આમ કરતાં-કરતાં અડધો રસ્તો કપાયો. એક નાની હોટેલ આવી. એટલે પટેલે મોટરો ઊભી રખાવી. પટેલ કહે : “બધાં નીચે ઊતરી પડો. સૌ થોડો-થોડો નાસ્તો કરી લો. પછી ચાપાણી પીશું.”

પટેલે સુરતથી ખાસ બરફી મગાવી હતી. નાસ્તામાં બધાંને એ આપવાની હતી. અમથાના લગ્ન વખતે પટેલ બહુ ઉદાર બની ગયા હતા. સૌ મોટરમાંથી નીચે ઊતર્યાં. થોડા હોટેલમાં અને થોડા બહાર ખુરશી ટેબલ હતાં ત્યાં ગોઠવાયાં. પછી પટેલે વિઠુને કહ્યુંઃ “વિઠુ, પેલો બરફીનો ટોપલો લાવ, જોઈએ !”

વિઠુએ મોટરમાં આમતેમ ટોપલો ખોળવા માંડ્યો, પણ ટોપલો જ ન મળે ! વિઠુ ગભરાઈ ગયો.

પટેલ કહે : “કેમ, અલ્યા ! આટલી વાર ?”

વિઠુ ધ્રૂજતાં-ધ્રૂજતાં બોલ્યો : “શેઠ, અહીં તો ટોપલો નથી !”

પટેલ ચમક્યા. એમણે બધી મોટરોમાં જોયું, પણ ટોપલો ન મળે ! હવે શું થાય? એમણે વિઠુ સામે ડોળા કાઢીને પૂછ્યું : “તેં કઈ મોટરમાં ટોપલો મૂક્યો હતો ?”

વિઠુએ બે હાથ જોડીને જવાબ આપ્યો : “શેઠ, મેં ખુશાલબહેનને કહ્યું હતું કે આ ટોપલો જાળવીને લાવજે !”

ખુશાલબહેન ગભરાઈને ઊભી થઈ અને કહેવા લાગી : “ના, શેઠ ! મેં તો ચોખ્ખું કહ્યું હતું કે હું કંઈ ન જાણું ! એ તો અમથાભાઈ શેઠનાં કપડાંની બૅગ પણ મને આપતો હતો. હું ક્યાં એ બધું સંભાળ્યા કરું ?”

“કપડાંની બૅગ પણ રહી ગઈ છે કે શું ?”

તપાસ કરતાં જણાયું કે કપડાંની બૅગ પણ રહી ગઈ છે ! પટેલ તો એકદમ ગુસ્સે થઈ ગયા. હવે શું થાય ? એ તો આમથી તેમ દોડે ને તેમથી આમ દોડે !

છેવટે બાંકુભાઈએ એમને શાંત પાડ્યા અને કહ્યું : “શેઠ, ગભરાવાનું કારણ નથી. એક મોટરમાં વિઠુને પાછો મોકલીએ છીએ. એ જઈને બધું લઈ આવશે. બરફી રહી ગઈ એનો વાંધો નહિ, પણ અમથાભાઈનાં કપડાં જ રહી ગયાં, એટલે એ લેવા જવું જ પડશે.”

આમ કહી બાંકુભાઈએ એક મોટરવાળાને સમજાવ્યો. એને વધારાનો ચાર્જ આપવાનું નક્કી કર્યું. મોટરવાળો કબૂલ થયો. બાંકુભાઈએ વિઠુને અમથાનાં કપડાં અને બરફીનો ટોપલો લેવા તારાપુર મોકલ્યો !

આ બાજુ સૌ નાસ્તાની રાહ જોતાં બગાસાં ખાતાં બેઠાં હતાં.

હોટેલના છોકરાઓ થોડી-થોડી વારે પાણી આપ્યા કરતા હતા. એકે કહ્યું : “નાસ્તો જવા દઈએ, ખાલી ચા-પાણી પીએ. ત્રણ મોટરોને ઉપાડીએ, બાકીનાં પછી આવશે.”

પાછળ કોણ રહે અને કોણ નહિ, એનો મોટો સવાલ ઊભો થયો. બધાંને સાથે જ જવું હતું. છેવટે ચારે મોટરો સાથે ઉપાડવાનું નક્કી કર્યું અને બાકીના બધા ગપ્પાં મારવા બેઠા. પટેલ મનમાં વિચાર કરે આ તો ખરું થયું !

જોતજોતામાં તો તારાપુર મોકલેલી મોટર પાછી આવી પહોંચી. સાથે અમથાનાં કપડાંની બૅગ તથા બરફીનો ટોપલો લઈને વિઠુ પણ આવી પહોંચ્યો. પટેલે ઝટઝટ બધાંને બરફીનો નાસ્તો કરાવ્યો. ચા તો તૈયાર જ હતી. નાસ્તો કરી, ચા-પાણી પીને પછી એકદમ મોટરો ઉપાડી. આમ કરતાં-કરતાં સોજીત્રા આવી પહોંચ્યું. ગામને પાદરે જાન ઊતરી. વેવાઈને ઘેર ખબર પહોંચી ગઈ.

થોડીવારે ન્યાતના માણસો સાથે વેવાઈ સામૈયું કરવા આવી પહોંચ્યા.

સામૈયું એટલે શું એ જાણો છો ? બન્ને વેવાઈપક્ષનાં માણસો સામસામાં એકબીજાંને મળે તે. ગામડામાં તો વરવાળા સૌ સાથે ઊભા રહે. કન્યાવાળા ચાલતાં-ચાલતાં સામે જાય. હાથમાં હાથ મેળવે. નમસ્કાર કરે, કોઈ તો એકબીજાને ભેટે પણ ખરા.

બેચરભાઈ તો બકોર પટેલને પ્રેમથી વળગી જ પડ્યા. પટેલ મુંબઈ રહેલા, તેથી આવું ન ગમે, પણ કરે શું ?

સામૈયું કર્યા પછી બધાંને જાનીવાસે લઈ ગયા. જાનીવાસો એટલે જાનને ઊતરવા માટે જે મકાન નક્કી કર્યું હોય તે.

પછી કલવો (પરણવા આવેલા વરને કન્યાપક્ષ તરફથી મોકલાતો કંસાર) પીરસાયો અને વરરાજા ચોરી (વરકન્યા પરણવા બેસે છે તે મંડપ)માં પણ જઈને બેઠા. વરરાજા ચોરીમાં બેઠા પછી ખરીગમ્મત થઈ. બકોર પટેલ અને બેચર પટેલ વચ્ચે પહેરામણીની બાબતમાં વાંધો પડ્યો ! લગ્નમાં કેટલાક ખોટા રિવાજો ચાલતા હતા, તેમાં એક રિવાજ પહેરામણી એટલે કન્યાના પિતા તરફથી ભેટ રૂપે અપાતી રોકડ રકમ.

બકોર પટેલ ઊંચા કુળના હતા. એમનું કુટુંબ અમીર (પૈસાદાર) કુટુંબ કહેવાતું. ન્યાતની પટલાઈ (જ્ઞાતિના કામકાજમાં આગળ પડતો ભાગ ભજવવો - જ્ઞાતિના પ્રશ્નોના ઉકેલ માટે કામ કરવું તે) કરે એટલે બધાં અએમને ‘પટેલ’ કહે. એમનાં કુટુંબીઓને પરણતી વખતે પહેરામણી મળે. હજાર, બે હજાર, પાંચ હજાર, દસ હજાર, પચ્ચીસ હજાર, પચાસ હજાર - જેવો મુરતિયો.

અમથાનો વિવાહ કરતી વખતે બકોર પટેલે પચાસ હજાર પહેરામણીમાં લેવાના નક્કી કરેલા. માંડવાખર્ચના દસ હજાર જુદા. બેચર પટેલ માંડખાવાર્ચના રૂપિયા ભેગા સમજેલા. એટલે એમણે આપવા માંડ્યા પચાસ હજાર, અને આપણા બકોરભાઈ માગે સાઠ હજાર !

આ બાબતે ભારે માથાકૂટ થઈ. વાત કેમે કરી ન ઊકલે. બેચર પટેલ બહુ ટેકીલા આદમી હતા. એ કહે : “લાખ રૂપિયા નક્કી કર્યા હોત તો લાખ રૂપિયા આપત. પણ તમે ખોટી રીતે દસ હજાર વધારે માગો છો તે મળે નહિ !”

પટેલ કહે : “તમારા કરતાં હું વધારે સ્વમાની છું. તમે કહીને હવ ફરી જાઓ છો ? હું સાઠ હજારમાં એક રૂપિયો પણ ઓછો લેવાનો નથી !”

બંનેને બધાંએ બહુ સમજાવ્યા. બકોર પટેલને બાંકુભાઈ સમજાવવા લાગ્યા : “હશે, સાહેબ ! એમ સમજો ને કે દસ હજાર નહોતા કમાયા !

તમારે શી ખોટ છે ? કબૂલ કરી લો ને ?”

પટેલ કહે : “ના, બાંકુભાઈ ! આમાં તમે ન સમજો. આ દસ હજારનો સવાલ નથી પણ નાકનો (આબરૂનો) સવાલ છે નાકનો, સમજ્યા ? બેચર પટેલની વાત આમ કબૂલી લઉં તો મારું નાક કપાઈ જાય !”

બેચર પટેલ કહે : “મારે પણ નાક છે, હાં કે ? બકોરભાઈ, દસ નહિ વીસ હજાર દાનમાં આપી દઉં, પણ પહેરામણીમાં તો હવે એક રૂપિયોય વધારે નહિ મળે.”

બકોર પટેલ ગુસ્સે થઈને બોલ્યા : “એએએમ ? આટલી બધી ખુમારી રાખો છો? તો અમે અમથાને પરણાવ્યા વગર પાછો લઈ જઈશું.”

બેચરભાઈએ જવાબ આપ્યો : “તો પટેલ, આ રહ્યો સીધો રસ્તો ! તમને ના કોણે કહી ? જાઓ, રસ્તે પડો !”

પટેલને બહુ લાગી આવ્યું. ચોરીમાં બેઠેલા અમથાને એમણે ઉઠાડી દીધો : “ચાલ, અમથા ! બીજી એક્યાશી કન્યાઓ મળશે.”

અમથો વીલે (ઉદાસ) મોઢે ચોરીમાંથી પરણ્યા વિના ઊભો થઈ ગયો. બધા જાનૈયાઓ પણ મંડપમાં ઊભા થઈ ગયા. સૌ ઊતરેલે મોઢે ઉતારે પાછા આવ્યા અને ગાંસડાં-પોટલાં બાંધી પાછા તારાપુર જવાની તૈયારી કરવા લાગ્યાં.

બેચર પટેલે વધારે પહેરામણી ન આપી, તે ન જ આપી ! જાન માટે રસોઈ રંધાવી હતી તે ગામલોકોને ખવડાવી દીધી. આમ અમથાભાઈ હાથમાં નાળિયેર લઈને લીલે તોરણે પાછા ફર્યા !

અમથાનાં લગ્ન

અમથા પટેલ પરણ્યા વગર લીલે તોરણે પાછા ફર્યા. માંડવેથી સૌ ઉતારે આવ્યા. ઉતારે આવીને બધાંએ તારાપુર પાછા જવાની તૈયારીઓ કરવા માંડી. બકોર પટેલ તો છેક નરમઘેંશ થઈ ગયા ! ભત્રીજો પરણ્યા વગર પાછો ફરે, તે કંઈ એમને સારું લાગે ?

બધાંનો સામાન પૅક થયો હતો, એટલામાં ગરબડ પટેલ આવી પહોંચ્યા. ગરબડ પટેલ મૂળ વસો ગામના રહીશ. એ બેચર પટેલને ઘેર લગ્નમાં આવેલા. એમને આ બનાવની ખબર હતી, તેથી એ બકોર પટેલ પાસે આવી પહોંચ્યા. એમણે કહ્યું : “બકોરભાઈ, તમારે ગળે ઊતરે તો મારે એક વાત કહેવાની છે.”

પટેલ કહે : “કહો, શું કહો છો ?”

ગરબડ પટેલ કહે : “તમે આમ પાછા જાઓ તે સારું દેખાશે નહિ. એને બદલે અહીંથી ચાલો મારે ગામ, વસો. મારી દીકરી હું અમથા પટેલ જોડે પરણાવીશ. દહેજ, પહેરામણી વગેરે કુધારાઓ (ખરાબ રિવાજ)ને તિલાંજલી આપીએ. વળી લગ્નનો દહાડો પણ એળે નહિ જાય. આપણે અહીંથી થોડીવારમાં જ વસો પહોંચી જઈશું. આજે રાતે ને રાતે જ આપણે લગ્ન આટોપી લઈશું.”

બકોર પટેલ તો રાજી-રાજી થઈ ગયા. આવી તક શા માટે ગુમાવવી ? અમથાને કન્યા તો બહુ મળે. ઉપરથી પહેરામણીના રૂપિયા પણ વધારે મળે. પણ અત્યારે ? અત્યારે તો ધોયેલા મૂળા જેવા બનીને ઘેર પાછા જવું પડે ને ? એક વાર તો નાક કપાઈ જાય ! એને બદલે ગરબડ પટેલને હા કેમ ન પાડવી ?

પટેલે ધીમે રહીને બાંકુભાઈના કાનમાં કહ્યું : “બાંકુભાઈ ! કેમ

કરીશું ? ગરબડ પટેલની વાત તમે સાંભળીને ?”

બાંકુભાઈ કહે : “હા શેઠ ! એમને હા પાડી દો અને ચાલો અત્યારે વસો. આબરૂનો સવાલ છે. આવી તક ફરીફરીને નહિ મળે. વળી, સામાજિક કુરિવાજો નાબૂદ કરવાનો જશ તમને મળશે.”

“પણ બાંકુભાઈ આ લગ્નમાં તો પહેરામણી અંગેના વટને કારણે જ આપણે ભાંગી પાડ્યું.”

“છે એવું, પણ આ બનાવને કારણે આપણું ધ્યાન એક કુરિવાજ તરફ દોરાયું. ભગવાને તમને કુરિવાજને દૂર કરવાની તક આપી એમ જ સમજો ને ! તમારા જેવા નાતના આગેવાન આ કુરિવાજને તિલાંજલિ (રજા) આપવાની પેલ કરશે તો આખી જ્ઞાતિ પર એની અરસ પડશે ને ધીરેધીરે જ્ઞાતિમાંથી આ કુરિવાજ દૂર થશે. આ સુધારાનો જશ તમને મળશે. એટલે પ્રભુની ઇચ્છા ગણી આ વાત વધાવી લો.”

બાંકુભાઈની સલાહ બકોર પટેલના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. ગરબડ પટેલ પાસે આવીને બકોર પટેલે કહ્યું : “ગરબડભાઈ, તમારી માગણી અમે કબૂલ રાખીએ છીએ. ચાલો ત્યારે, અહીંથી વસો !”

ગરબડ પટેલ તો રાજી-રાજી થઈ ગયા. જાનૈયામાં પણ આનંદઆનંદ થઈ રહ્યો. બધાં પોતપોતાના સામાન સાથે તૈયાર જ હતાં. સૂચના મળતાં જ સૌ મોટરમાં ગોઠવાઈ ગયાં. ગરબડ પટેલ પણ એમની સાથે જ બેસી ગયા. મોટરો ઊપડી.

થોડીવારમાં સૌ વસો આવી પહોંચ્યાં. ગરબડ પટેલે સપાટાબંધ લગ્નની તૈયારી કરવા માંડી. એક ઓળખીતાનું મકાન ઉઘડાવ્યું. એમાં જાનને ઉતારો આપ્યો. બ્રાહ્મણને બોલાવી ચોરી તૈયાર કરાવી. ગામમાં એમનાં ઘણાં સગાંવહાલાં હતાં, ઓળખીતાં હતાં. સૌ એમની મદદ આવી પહોંચ્યાં. બધાં કામે વળગી ગયાં. ઝટપટ મંડપ બંધાઈ ગયો. રસોઈ પણ રંધાવા માંડી; અમથાભાઈને મંડપમાં પધરાવ્યા.

હજી કન્યાને પધરાવી ન હતી. જાનૈયાઓ એક બાજુ બેઠા-બેઠા વાતો કરતા હતા. બાંકુભાઈ કંઈક વિચાર કરતા હતા. એમણે બકોર પટેલને કાનમાં પૂછ્યું : “શેઠ, તમે ગરબડ પટેલની છોકરીને જોઈ છે ખરી ?”

પટેલે ડોકું ધુણાવી જવાબ આપ્યો : “ના, ભાઈ ! છોકરી તો નથી જોઈ.”

બાંકુભાઈ કહે : “ત્યારે લગ્ન શી રીતે થાય ? છોકરીમાં કંઈ ખોડખાંપણ હોય તો ? આપણામાંથી કોઈકે તો જોવી જોઈએ ને ? નહિ તો પછી ઓલામાંથી ચૂલામાં પડવા જેવું થશે.”

બકોર પટેલને પણ આ શંકા બરાબર લાગી. એમણે ગરબડ પટેલને બોલાવ્યા અને ધીમેથી કહ્યું : “ગરબડ પટેલ, અમે કન્યાને તો હજી જોઈ નથી. અમારામાંના કોઈને કન્યા તો બતાવો.”

ગરબડ પટેલ કહે : “અરરર ! બકોરભાઈ, આ શું બોલ્યા ? આપણી ન્યાતમાં લાજ કાઢવાનો રિવાજ. વહુ મરી જતાં સુધી પણ કોઈને મોઢું ન બતાવે. વળી, અમારા કુળનો બાપદાદાનો રિવાજ એ છે કે લગ્નને દહાડે તો કન્યાનું મોં એની મા પણ ન જોઈ શકે. પછી તમે મોઢું જોવાની વાત કરો તે કેવું કહેવાય ?”

બકોર પટેલ તો આ સાંભળીને ચૂપ જ થઈ ગયા. પણ બાંકુભાઈની શંકા વધુ દૃઢ થઈ ગઈ. એ બોલ્યા : “એ કંઈ ચાલે ? કન્યા તો જોવી જ પડશે !”

ગરબડ પટેલ કહે : “તો જાઓ ઘેર પાછા. લ્યો ભાઈ, હું તમારી આબરૂ જાળવવા નીકળ્યો ત્યારે તમે વળી નવી પંચાત ઊભી કરી. બોલો, શું કરવું છે ?”

બકોર પટેલ ને બાંકુભાઈ વિચારમાં પડી ગયા. એક ખૂણે જઈ વાતો કરી. પછી પાછા આવી કહ્યું : “હશે ગરબડ પટેલ. તમારા પર અમને ભરોસો છે.” જોકે એમ કહેવા છતાં એ વિશે બાંકુભાઈ તો ગુપચુપ વિચાર કરવા બેસી રહ્યા.

થોડીવારે ગોરે બરાડા પાડીને કહ્યું : “કન્યાને પ...ધ...રા...વો...!”

ગોરની બૂમ સાંભળી કન્યાના મામા ઊઠ્યા અને ઘરમાં જઈને કન્યાને લઈ આવ્યા. કન્થાને મંડપમાં પધરાવી.

બાંકુભાઈ કન્યાનું મોઢું જોવા ઊંચાનીચા થવા માંડ્યા. પણ પેલીએ તો લાંબો ઘૂમટો કાઢેલો હતો એટલે કંઈ જોઈ શકાયું નહિ. બાંકુભાઈએ મનમાં વિચાર કર્યો કે, “આ તો ઠીક કહેવાય નહિ. કંઈ યુક્તિ તો કરવી જ પડશે. હજી કંઈ હસ્તમેળાપ થયો નથી, એટલે વાંધો નથી.” બાંકુભાઈ ત્યાંથી ઊઠ્યા અને થોડે દૂર જઈ કંઈક રસ્તો શોધવાની મથામણમાં પડ્યા. એટલામાં ત્યાં ગોધાજી નામનો જાનમાં આવેલો કિશોર આવી પહોંચ્યો. એ બડો ટીખળી હતો. એણે હસતાં-હસતાં પૂછ્યું : “કેમ, બાંકુકાકા ! કંઈ માલપાણી ઝાપટવા જવાનો વિચાર કરતા હો, તો મને તડી જજો !

આમ કહી એ ખિસ્સામાંથી રબરનો સાપ કાઢીને એના વડે રમવા માંડ્યો. રબરનો સાપ જોઈને બાંકુભાઈને તરત યુક્તિ સૂઝી.

એ બોલ્યા : “અલ્યા, આ શું છે ? સાપ લાવ્યો છે ? જોજે, કંઈ ચંદરવા ઉપરથી નીચે વરકન્યા ઉપર ફેંકતો નહિ, નહિ તો બધાં ગભરાઈને દોડાદોડ કરી મૂકશે સમજ્યો? તું રહ્યો ટીખળી, અને નામ મારું આવશે.”

ગોધાજી હતો થોડો વિચિત્ર. એણે હસીને કહ્યું : “હું તો નાખવાનો જ ! તમારું નામ નહિ આવે. જરા જોવાની ગમ્મત તો પડશે.”

બાંકુભાઈ કહે : “ના, ભાઈ ના ! હું તને ઓળખું છું તો ! તારું નામ ન આવે એટલા માટે તું વેવાઈના મકાનની મેડી પર જઈને ચંદરવાની વચ્ચેથી સાપ સરકાવે એવો છે ! હું તને ન ઓળખતો હોઉં, જાણે ! તું તો બહુ પહોંચેલી બુટ્ટી છે. બધાંને દોડાદોડ કરાવવાનો તારો વિચાર લાગે છે !”

ગોધાજી કહે : “આપણે તો ગમ્મત કરવાના ! તમે કોઈને કહો તો તમને સોગંદ છે.”

આમ કહી એ રમતો-રમતો વેવાઈના મકાનમાં ગયો. મેડીની બારી પાસે જઈને એણે તો બે ચંદરવાની વચ્ચેથી સાપને નીચે સરકાવ્યો.

ગોધાજી મકાનમાં ગયો, તે પછી બાંકુભાઈ પાછા ચોરી પાસે જ આવ્યા હતા. એમણે ચમકીને ઊંચે જોયું. એકાએક ચારે બાજુથી બૂમાબૂમ થઈ રહી.

“સાપ છે રે, સાપ ! નાસો, આઘા ખસો !”

બધાં ઊઠીને આમતેમ દોડવા લાગ્યા. વરકન્યા પણ ઊભાં થઈ ગયાં. તરત રબરનો સાપ નીચે પડ્યો. બાંકુભાઈએ બધી ખબર જ હતી. એમણે બકોર પટેલનો હાથ પકડી રાખ્યો અને શાંત રહેવાની સંતલસ કરી; પણ પટેલ તો “બાપ રે ! ખાધો !” કરતા ઊંચાનીચા થાય. એટલામાં કોઈ મોટી લાકડી લઈ આવ્યું. એણે લાકડીથી પેલા સાપને દબાવ્યો. બાંકુભાઈ પણ સાપ હતો ત્યાં ગયા. એક જણ કહે : “સાપ મરી ગયો લાગે છે. હાલતો ચાલતો નથી.”

બાંકુભાઈએ નીચા નમી જોયું. પછી હસીને બોલ્યા : “અરે ! આ તો રબરનો સાપ છે ! આપણે નકામી ભાગંભાગ કરી મૂકી ! કોઈએ મશ્કરી કરી લાગે છે !”

બધાંએ હસવા માંડ્યું. સૌ પોતપોતાની જગ્યાએ આવીને બેસવા લાગ્યાં. આ ધમાલમાં સાપ જોવા માટે કન્યાએ મોઢા ઉપરથી ઘૂમટો કાઢી નાખ્યો હતો. બાંકુભાઈને તો એટલું જ જોઈતું હતું. કન્યાનું મોઢું જોઈને તેઓ ચમક્યા ! કન્યા એક આંખે કાણી હતી! એમણે બકોર પટેલને મોટેથી કહ્યું : “જોયું શેઠ ! કન્યા તો કાણી છે ! ગરબડ પટેલ આપણને નહોતા બતાવતા, એનું કારણ તમે સમજ્યા ?”

“હેં એં એં એં એં ?” બકોર પટેલનું મોઢું પહોળું થઈ ગયું.

પોતાની પોલ પકડાઈ ગઈ છે એમ ગરબડ પટેલે જાણ્યું, એટલે એ તો બહુ ગભરાઈ ગયા.

બકોર પટેલે એમની સામે ડોળા તતડાવીને કહ્યું : “ગરબડભાઈ ! આવો દગો? અને તે મારી સાથે ? મેં તમને આવા નહોતા ધાર્યા !”

ગરબડ પટેલે બે હાથ જોડી કહ્યું : “પટેલ ! ભૂલ થઈ ગઈ. માફ કરો. મારી પાઘડી તમારા ખોળામાં ઉતારું છું.”

બકોર પટેલ કહે : “એટલે શું હું આ કાણી છોકરી સાથે મારા ભત્રીજાને પરણાવું? કદી ન બને. અમે તો જઈએ છીએ પાછા !”

ગરબડ પટેલે કરગરીને કહ્યું : “બકોરભાઈ, ગઈગુજરી ભૂલી જાઓ. હું બીજો રસ્તો કાઢું છું. મારી બીજી દીકરી છે. એને કંઈ પણ ખોડખાંપણ નથી. એને હું ચોરીમાં પધરાવું. તમારે જોવી હોય, તો જોવાની પણ છૂટ છે.”

પટેલનો ગુસ્સો જરા નરમ પડ્યો. એમણે જવાબ આપ્યો : “હું જરા વિચાર કરી જોઉં.” આમ કહી પટેલે બાંકુભાઈને બાજુ ઉપર બોલાવ્યા. બન્ને જણાએ ગુસપુસ વાતો કરવા માંડી.

બાંકુભાઈએ ધીમેથી કહ્યું : “શેઠ, વાત કંઈ ખોટી નથી. અમથાને અહીંથી ધોયેલા મૂળા જેવો લઈ જઈએ, એના કરતાં પરણાવીને લઈ જવો શો ખોટો ? બીજી કન્યા સારી હશે જ. આપણે ખાતરી કરીએ. પણ એક બીજી વાત મારા ધ્યાન પર આવે છે.”

“કહો, શું ?”

બાંકુભાઈ બોલ્યા : “તમારા પડોશી એમના પેલા લંગડા દીકરાને લઈને જાનમાં આવ્યા છે. તો પેલી કાણી દીકરીનું લગ્ન આ લંગડા સાથે ગોઠવી દો ! બિચારાને કન્યા નથી મળતી. આવો લાગ ફરી-ફરી ક્યાં મળવાનો છે ? અને બાપના વાંકે બિચારી નિર્દોષ કન્યાની જિંદગી પણ નહિ બગડે !”

પટેલ આનંદથી તાળી પાડીને બોલ્યા : “હા, હા ! એ તમને ખરું સૂઝ્‌યું !”

પટેલે ગબરડ પટેલ પાસે આવીને કહ્યું : “જુઓ, ગરબડભાઈ ! તમારી બીજી દીકરી અમને બતાવો. કંઈ વાંધા જેવું નહિ હોય, તો અમે તૈયાર છીએ. પણ બીજી શરત છે.”

“કઈ ?”

“તે એ કે તમારી આ કાણી દીકરી છે તેનાંય લગ્ન કરી નાખો. અમે મુરતિયો બતાવીએ.” આમ કહી પટેલે પોતાની ઇચ્છા જણાવી. પેલા લંગડાને પણ બતાવ્યો.

પટેલના પાડોશી તો પોતાના લંગડા દીકરાના લગ્નની વાત સાંભળી રાજી-રાજી થઈ ગયા ! ગરબડ પટેલે વિચાર કર્યો કે આ પણ ખોટું નથી. કાણીને કોઈ પરણતું નથી, તો પછી આ લંગડો છોકરો શો ખોટો ? તેઓ તરત કબૂલ થઈ ગયા.

બકોર પટેલે બીજી દીકરી જોઈ. એમણે હા પાડી દીધી. પછી તો વરકન્યા ગોઠવાઈ ગયાં. અપંગ છોકરાને પણ પરણવાનું મળ્યું, તેથી આનંદમાં ઘોડી કુદાવતો-કુદાવતો મંડપમાં જઈને બેસી ગયો !

રાત બહુ થઈ હતી. એટલે ગરબડ પટેલે ગોરમહારાજના કાનમાં ફૂંક મારી : “ગોર મહારાજ, હવે ઉતાવળ કરો.”

ગોરમહારાજને કંઈ કહેવું પડે તેમ ન હતું. એમણે અગડંબગડં

શ્લોક ભરડવા માંડ્યાં. બરાડા પાડીને એમણે કંકુ છાંટ્યું; ચાંલ્લા કર્યાં; પાણીનું આચમન કરાવ્યું, ને પછી “વરકન્યા સાવધાન !”ની બૂમો પાડીને ફેરા ફેરવી નાખ્યા. લગ્ન પતી ગયાં. વરકન્યા બધાંને પગે લાગ્યાં.

ગરબડ પટેલે ત્રણ દિવસ જાનને રોકીને રૂડી આગતાસ્વાગતા કરી. ચોથે દિવસે બધાંને વિદાય કર્યા. સૌથી વધારે હરખ બકોર પટેલને થતો હતો. અમથાને લીલું નાળિયેર પકડાવીને પાછો લાવવો પડત, એને બદલે એને પરણાવીને લાવ્યા, તેથી એમનું મોઢું આનંદથી મલક-મલક થતું હતું.

પણ બાંકુભાઈ ન હોત તો ? તો આપણા અમથા પટેલ પેલી કાણીબાઈને પરણીને જ આવત ને ?

પટેલે મિજબાની આપી !

એકવાર બકોર પટેલ ખૂબ આનંદમાં આવી ગયા. કારણ એ હતું, કે પટેલે એક મોટી રકમનો સોદો કર્યો હતો, અને તેમાં એમને સારો એવો નફો થાય એમ હતું. પટેલને ખુશમિજાજમાં બેઠેલા જોઈ એમના એકાઉન્ટન્ટ બાંકુભાઈ બંદરે વાત ઉપાડી.

બાંકુભાઈ કહે : “શેઠ, આ સોદામાં ખૂબ નફો થવાનો છે. વળી, આ વર્ષે આપણે સરસ કમાણી કરી છે. માટે એકવાર આપણા ઓળખીતાં-પાળખીતાંઓને પાર્ટી આપીએ.”

પટેલે જવાબ આપ્યો : “બાંકુભાઈ, પાર્ટી આપવાની મારી ના નથી .પણ મોટો જમણવાર નથી રાખવો. ચા-નાસ્તો રાખીએ. ઝાઝી માથાકૂટ કરવી નહિ. જોકે ભલે નાની પાર્ટી રાખીએ, પણ પાર્ટી કરીએ સરસ એવી મારી ઇચ્છા છે.”

બાંકુભાઈ કહે : “ભલે ! પણ એક વાર બધાને પાર્ટી તો આપો જ. બધા વેપારીઓને બોલાવીએ. આપણા મોટા-મોટા ગ્રાહકોને આમંત્રણ આપીએ. બહુ સારું દેખાશે. દિવાળી હવે પાસે આવી પહોંચી છે. મારું માનો તો દિવાળીને દિવસે જ પાર્ટી રાખો.”

પટેલ ખૂબ આનંદમાં હતા. એમણે કહ્યું : “ભલે, દિવાળીને દિવસે બપોરના ત્રણ વાગ્યે આપણા બંગલે જ પાર્ટી રાખીએ. પાર્ટી માટે સુરતની ઘારી મગાવીએ અને વડોદરાથી સોલાપુરી ચેવડો મંગાવીએ; કેમ, એ ઠીક લાગશે ને ?”

પટેલને સુરતની ઘારી બહુ ભાવે. વડોદરાના ચેવડાના પણ પટેલ જબરા શોખીન! એટલે એમણે પોતાની ભાવતી ચીજો કહી બતાવી.

બાંકુભાઈએ હા પાડી, એટલે પટેલે તરત જ કાગળ લખાવ્યા. એક કાગળ વડોદરા ને બીજો સુરત. બન્ને વેપારીઓને લખાવ્યું કે બરાબર દિવાળીને દિવસે મળે એમ પાર્સલ મોકલવાં. પટેલના કહેવા મુજબ બાંકુભાઈએ પત્રો લખી નાખ્યા.

ત્રીજે દિવસે બન્ને વેપારીના જવાબ પણ આવી ગયા. એમણે લખેલું કે “પાર્સલો બરાબર કાળીચૌદશને દિવસે રવાના કરીશું. પાર્સલ તરત મગાવી લેજો. માલ તાજો જ હશે, એટલે બપોરે ઉપયોગમાં લઈ શકાશે.”

પટેલને તો ઘારીનાં જ સપનાં આવે ! દિવાળીને હવે ત્રણ-ચાર દિવસ જ બાકી હતા. પટેલે પાર્ટીના નિમંત્રણપત્રો છપાવી, દિવાળીને દિવસે બપોરે ત્રણ વાગ્યે વેપારીઓને, ઓળખીતાઓને અને મિત્રોને પાર્ટીમાં બોલાવ્યા. નિમંત્રણપત્રો બાંકુભાઈ જાતે બધે આપી આવ્યા. બધાને આવવા માટે આગ્રહ કર્યો. મોટા વેપારીઓ, ગ્રાહકો અને મિત્રોને નિમંત્રણો દેવાઈ ગયાં. બધાંને બાંકુભાઈએ કહેલું કે સુરતની ઘારી અને વડોદરાનો ચેવડો મગાવ્યો છે. બકોર પટેલે જ બધાને એવું કહેવાનું કહેલું.

દિવાળીનો દિવસ આવ્યો. સવારની ટપાલમાં બન્ને પાર્સલની રસીદો આવી પહોંચી. પટેલે વિઠુને પાર્સલ લેવા માટે સ્ટેશને મોકલ્યો. વિઠુ પાર્સલ લેવા સ્ટેશને ગયો.

બાંકુભાઈએ પટેલના બંગલામાં નોકરો પાસે ટેબલો ગોઠવાવવા માંડ્યાં. મોટાં અને લાંબાં-લાંબાં ટેબલો ઉપર સફેદ દૂધ જેવી ચાદર પથરાવી દીધી. બન્ને બાજુ સામસામી ખુરશીઓ ગોઠવવી દીધી. ખુશાલબહેન પાસે કાચની ડિશો પણ ધોવડાવીને સાફ કરાવી રાખી. થોડીવારે વિઠુ પણ બંને પાર્સલો મજૂરો પાસે ઊંચકાવીને આવી પહોંચ્યો. બાંકુભાઈએ પાર્સલો એક બાજુએ મુકાવ્યાં. પછી વિઠુને પાનનાં બીડાં વાળવા બેસાડ્યો.

પટેલે ઘડિયાળમાં જોઈને કહ્યું : “બાંકુભાઈ, હજી તો એક વાગ્યો છે એટલામાં તો તમે ટકોરાબંધ તૈયારી કરી નાખી !”

બાંકુભાઈ કહે : “હાજી, પાછળથી દોડાદોડ કરવી પડે, એ કરતાં સમયસર તૈયાર રહેવું સારું !”

આમ વાત ચાલતી હતી, એટલામાં શકરી પટલાણી આવ્યાં. આખા ઓરડામાં ચેવડાની સુગંધ મઘમઘી રહી હતી. પટલાણીએ કહ્યું : “આ પાર્સલ છોડીને થોડો ચેવો તો આપો ! કેવી સરસ સુગંધ આવે છે ! મારા મોડામાં તો પાણી આવ્યું !”

પટેલે સિસકોરા બોલાવતાં કહ્યું : “અમનેય શું ખાવાનું મન નહિ થતું હોય ? મારા મોઢામાં પણ પાણી આવી ગયું છે. પણ હમણાં પાર્સલ ખોલીએ, તો ચાર-પાંચ કિલો ઘારી ને ચેવડો સાફ થઈ જાય ! માટે હમણાં ખોલશો નહિ. બધા આવી જાય પછી જ પાર્સલ ખોલજો.”

પટેલની ઑફિસમાં શકરાભાઈ શિયાળ નામનો ક્લાર્ક કામ કરતો હતો. ચા-પાણીની વ્યવસ્થા એને માથે હતી. શકરાભાઈએ પણ જોઈતાં ચા-ખાંડ મગાવી રાખ્યાં હતાં. દૂધ પણ લાવી રાખ્યું હતું. ગૅસ પર ચાનું પાણી ઉકાળવાનું હતું. છએક બીજા નોકરો પણ તૈયાર રાખેલા. છેક છેલ્લી ઘડીએ કંઈ લાવવું પડે, તો કોણ દોડાદોડ કરે !

અઢી વાગ્યા એટલે બધા ધીમે-ધીમે આવવા લાગ્યાં. પટેલ તથા પટલાણી સરસ કપડાં પહેરીને બંગલાનાં બારણાં આગળ ઊભાં રહી બધાંને હસીને આવકાર આપતાં હતાં. શકરી પટલાણીએ એમની બહેનપણીઓને નિમંત્રણો પાઠવેલાં, એટલે એ બહેનપણીઓ પણ સમયસર આવી પહોંચી. બધાં ખુરશી પર ગોઠવાયાં.

વિઠુએ પટેલ પાસે આવીને કહ્યું : “શેઠ, ડિશો ભરવા માંડીએ ? હમણાં ભરી રાખવી સારી. પાછળથી ઉતાવળ થશે.”

બકોર પટેલે જવાબ આપ્યો : “હા; એક ડિશમાં ચેવડો અને બીજીમાં બબ્બે ઘારી એમ ભરવા માંડો.”

વિઠુ ગયો. પટેલ પાછા બધાંને આવકાર આપવામાં ગૂંથાયા. બાંકુભાઈ આવનારાંઓને બેસાડતા હતા. આમ ધમાલ ચાલતી હતી.

એટલામં વિઠુ દોડતો પાછો આવ્યો. અને કહેવા લાગ્યો : “શેઠ, શેઠ ! ગગ-ગ- ગ-ગ-ગ-ગ-ગોટાળો થઈ ગયો... છે !”

પટેલ એકદમ ચમક્યા. આંખો ફાડી એમણે વિઠુને પૂછ્યું : “શું થયું...છે ?”

વિઠુ ધ્રૂજતો-ધ્રૂજતો કહેવા લાગ્યો : “શેઠ...! મારો વાંક નથી. મને શી ખબર પડે ? શેઠ ! હું...”

પટેલે ગભરાઈને કહ્યું : “પણ શું થયું, એ બોલ ને !”

આમ વાત ચાલતી હતી એટલામાં ડૉ. ઊંટડિયા આવી પહોંચ્યા.

એ બોલ્યા : “કેમ છો, પટેલ ?”

પટેલે પરાણે હસીને જવાબ આપ્યો : “આવો, ડૉક્ટરસાહેબ ! પધારો.”

પટેલે હસીને આવકાર તો દીધો, પણ પેટમાં તો જાણે ગરમ તેલ રેડાયું હોય તેવું થતું હતું. એમનું મોઢું ઢીલું થઈ ગયું હતું. ડૉક્ટરને પટેલનું ઢીલું મોં જોઈને નવાઈ લાગી. એમણે પટેલનો હાથ પોતાના હાથમાં લીધો. નાડી તપાસી અને પટેલના મોં સામું જોઈ કહ્યું : “પટેલ ! આજે આમ કેમ છે ? કંઈ તાવબાવ આવ્યો છે કે શું ? મોઢું કેમ નરમઘેંશ થઈ ગયું છે ? અરે ! તમારી છાતીના ધબકારા બહુ જોરમાં ચાલતા લાગે છે ! થયું છે શું ?”

પટેલ મનમાં અકળાવા લાગ્યા. એમણે જેમ - તેમ કરી હસતું મોં રાખીને જવાબ આપ્યો : “કંઈ થયું નથી, ડૉક્ટરસાહેબ ! આજે ધમાલમાં પડ્યો છું, તેથી એવું લાગે. આપ પધારો, હું હમણાં જ અંદર આવું છું.”

ડૉક્ટર અંદર ગયા, એટલે વિઠુએ કહ્યું : “શેઠ, ઘારીના પાર્સલમાંથી ઘારીને બદલે પાપડ નીકળ્યા !”

“હેં ! પટેલે મોઢું ફાડીને કહ્યું. એમના પગ ઢીલા થઈ ગયા. મહેમાનો આવી પહોંચ્યા હતા.હવે છેક છેલ્લી ઘડીએ થાય શું ?”

પટેલ ગભરાઈ ગયા. એમને કંઈ સમજણ પડે નહિ. ઘડીમાં આમ જાય ને ઘડીમાં તેમ જાય ! શકરી પટલાણી પણ વાત સાંભળીને મૂંઝાઈ ગયાં. આ તો ગ્રહણ વખતે સાપ નીકળવા જેવું થયું !

એકાએક પટેલને બાંકુભાઈ યાદ આવ્યા. બાંકુભાઈ બંદર બધાંને બેસાડતા હતા અને વાતો કરતા હતા. પટેલે ઇશારત કરી એમને બોલાવ્યા. બાંકુભાઈ આવ્યા એટલે એમને બધી વાત કરી. એ પણ મૂંઝાયા.

બાંકુભાઈ કહે : “આ ગોટાળો થયો શી રીતે ?”

બાંકુભાઈ અને પટેલ પાર્સલવાળા ઓરડામાં ગયા. ત્યાં જઈ પાર્સલ ઉપરનું નામ વાંચ્યું.

બાંકુભાઈ હસીને બોલ્યા : “પાર્સલ આપવામાં ક્લાર્કની ભૂલ થઈ લાગે છે. આ પાર્સલ કોઈ ‘બી. પાટીલ’નું છે. આપણું પાર્લ તો ‘બી. પટેલ’ના નામનું હોય. એટલે બે પાર્સલો અદલબદલ થઈ ગયાં લાગે છે ! વિઠુ, ચેવડાનું કેમનું છે ?”

વિઠુ બોલ્યો : “ચેવડો તો બરાબર છે !”

પટેલે બાંકુભાઈને પૂછ્યું : “પણ હવે કરવું શું ? બધાંને સુરતની

ઘારીનું નામ દીધું છે. સૌ આવી પણ ગયાં છે. હવે શું થશે ?”

બાંકુભાઈ હસીને બોલ્યા : “એમાં ગભરાવાનું શું છે, શેઠ ! તમે શાંતિ રાખો. હું બધું સંભાળું છું.”

પટેલ તો મોઢું ફાડીને ઊભા રહ્યા. બાંકુભાઈએ શકરા શિયાળને બોલાવ્યો. શકરાના હાથમાં રૂપિયા આપી કહ્યું : “શકરાભાઈ, તમે જાઓ ટૅક્સીમાં જજો. જુમા મસ્જિદ પાસે મીઠાઈવાળાની દુકાનો છે, ત્યાંથી સારી જોઈને ઘારી લઈ આવો. ઘારીની છાબડીઓ ટૅક્સીમાં જ લેતા આવજો. જરાય વખત ન લગાડતા. ખોટો રૂપિયો પાછો આવે તેમ આવજો; સમજ્યા ? અને આ વાત કોઈ જાણે નહિ.”

શકરાભાઈ તો રૂપિયા લઈને ઊપડ્યા. આ બાજુ બાંકુભાઈ પટેલને તેડીને બધાંની પાસે ગયા. બધાં સાથે હસીહસીને વાતો કરવા લાગ્યા. જાણે કશું બન્યું જ નથી.

આવેલા મહેમાનો ઘારી અને ચેવડાની ડિશોની જ રાહ જોતાં હતાં. સૌના પેટમાં બિલાડાં બોલતાં હતાં. પણ શકરાભાઈ ઘારી લઈને આવે ત્યારે થાય ને ? બાંકુભાઈએ યુક્તિ કરી. એમણે કહ્યું : “વહાલા મહેમાનો, આપણે હવે જરા સંગીતની મોજ માણીએ. પછી ઘારી ને ચેવડા ઉપર હાથ તો મારવાનો જ છે ને !”

આમ કહી બાંકુભાઈ ડીવીડી પ્લેયર ઊંચકી લાવ્યા ! પછી સારી-સારી સીડી મૂકીને વગાડવી શરૂ કરી. બધાં સંગીતની મોજ માણવા લાગ્યાં.

બાંકુભાઈએ આમ રંગ જમાવ્યો એટલામાં શકરો આવી પહોંચ્યો. પાછલે બારણેથી ઘારી અંદર લઈ ગયો. શકરાએ ટૅક્સનું હૉર્ન વગડાવેલું. હૉર્ન સાંભળીને પટેલના જીવમાં જીવ આવ્યો. એમને હવે શાંતિ થઈ. એમનું મોઢું મલક-મલક થવા લાગ્યું !

બાંકુભાઈએ જાણ્યું કે શકરો આવી પહોંચ્યો છે. એટલે તરત ડીવીડી પ્લેયર બંધ કર્યું. શકરાભાઈ તાજી સરસ ઘારી લઈ આવેલા. વિઠુએ અને બીજા નોકરોએ ડીશો ભરી. પાંચ મિનિટમાં તો ટેબલ પર ડિશો ગોઠવાઈ ગઈ. શકરાભાઈ ચા તૈયાર કરવા લાગ્યા. બધાંએ આનંદથી વાતો કરતાં-કરતાં ઘારી અને ચેવડાને ન્યાય આપવા માંડ્યો. આમ આખીય પાર્ટી આનંદથી પૂરી થઈ. પછી સૌ વિખેરાયાં.

બધાંના ગયા પછી શકરી પટલાણીએ પટેલને કહ્યું : “તમે ઘારી ને ચેવડો ખાધાં કે નહિ ? તમારા મોઢામાં તો પાણી આવતું હતું ને ?”

પટેલ હસીને બોલ્યા : “ઘારીને બદલે પાપડ નીકળ્યા એટલે મારી તો ભૂખ જ ઊડી ગઈ હતી ! પણ બાંકુભાઈની બુદ્ધિએ મારી મૂંઝવણ દૂર કરી. ચાલો, પાર્ટી તો સારીરીતે પતી ગઈ. પણ પેલા પાપડનું શું કરીશું ?”

બાંકુભાઈ બોલ્યા : “શેઠ, એ ‘પાટીલ’ આપણી ઘારી લઈ ગયો તે કંઈ પાછી આપવા થોડો આવવાનો ? માટે આપણેય એના પાપડ શેકીને ખાઈ જવાના ! ભલે એ ને એનાં કુટુંબીજનો ઘારી ખાતાં ! એય દિવાળીની મોજ ભલે માણે !”

બાંકુભાઈની વાત સાંભળી સૌ હસી પડ્યાં.

પટેલ કહે : “હવે તો ઘારી ઝાપટવા દો ! ચાલો, બધાં ગોઠવાઈ જાઓ.”

પટેલના કહેવા પ્રમાણે બાંકુભાઈ, શકરાભાઈ, વિઠુ, ખુશાલબહેન અને બીજાં નોકરચાકરો ટેબલની ફરતાં ગોઠવાઈ ગયાં. પટેલ અને શકરી પટલાણી પણ એમની સાથે બેસી ગયાં. આમ, પટેલની દિવાળી સારી રીતે ઊજવાઈ !

મસાણમાંથી પાછા

બકોર પટેલ દાદરમાં રહેતા હતા. દાદર એ મુંબઈનું પરું છે. થોડા વખતથી પરામાં ધાડ પડતી હતી. અંધારી રાતે ધાડપાડુઓ (લૂંટારાઓ) આવતા. બેચાર બંગાઓમાં ધાડ (લૂંટારાની ટોળીનો હુમલો) પાડતા. અંદરનાં રહીશોને ચાકુ કે રિવૉલ્વર બતાવતા. પછી માલમતા લૂંટી લઈને નાસી જતા.

અત્યાર સુધીમાં આજુબાજુમાં ધાડ પડેલી. દાદરમાં હજી ધાડ પડી ન હતી. તેમ છતાં ત્યાંના રહીશો બહુ ગભરાતા. બધા ભેગા મળે કે ધાડની જ વાત કરે. વાઘજીભાઈ વકીલનો બંગલો બકોર પટેલના બંગલાની સામે જ હતો. રાતે બન્ને જણા મોડે સુધી ગપ્પાં મારે, તેમાંય ધાડપાડુઓની વાતો જ હોય. પટેલને પણ બહુ બીક લાગતી.

રાતે સૂતી વેળા પટેલ બારીબારણાં બંધ રાખતા. પથારી પાસે ટૉર્ચ રાખી મૂકતા. વાઘજીભાઈ લાકડી લાવ્યા હતા, તેથી પટેલ પણ એક મજબૂત લાકડી લાવ્યા હતા. આજબાજુના ઘણાખરા લોકો લાકડીઓ લાવ્યા હતા.

પટેલ લાકડી પથારી પાસે રાખીને સૂઈ જતા. રાતે જરાય ખખડાટ થાય કે પટેલ ચમકતા. કોઈકોઈ વાર તો એમને ઊંઘ પણ આવે નહિ.

એક દિવસ એવું બન્યું કે એક બિલાડી રસોડામાં ભરાઈ રહેલી. રાતે એણે વાસણ ગબડાવ્યાં. થાળીઓ, લોટા, પવાલાં વગેરે પડવાથી ઠણણણણ દઈને મોટો અવાજ થયો. પટેલ એકદમ ચમકીને જાગ્યા. શકરી પટલાણી પણ જાગ્યાં. પટલાણીએ પટેલને કહ્યું : “ઊઠો ને ! જુઓ તો ખરા, કે કોણ છે ?”

પટેલ ધ્રૂજતા-ધ્રૂજતા બોલ્યા : “તું ઊઠીને જો તો ખરી ! હું આવું છું.”

પણ પટલાણી શાના ઊઠે ? એમનેય બીક લાગતી હતી. એમણે ઓશીકા પાસેથી ટૉર્ચ લીધી અને ચાંપ દાવી. અજવાળું થયું એટલે પટેલ ઊભા થયા. એમણે ધીમેથી પૂછ્યુંઃ “કેમ કરીશું? કોઈને બૂમ પાડીએ કે રસોડામાં પહેલાં જોઈએ ?”

શકરી પટલાણીએ જવાબ આપ્યો : “કોણ છે તે જોયા વગર બૂમ પડાય શી રીતે? વાસણો એની મેળે ગબડ્યાં હોય તો ? તમે રસોડાનું બારણું તો ઉઘાડો !”

પટેલ ધ્રૂજવા લાગ્યા. છેવટે હિંમત એકઠી કરીને રસોડા તરફ ચાલ્યા. એટલામાં તો રસોડાનું બારણું સહેજ ઊઘડ્યું. બંને ખૂબ ચમક્યાં. પટેલે હાથમાંની લાકડી ઊંચી કરી, ત્યાં તો ‘મ્યાંઉં !’ કરીને બિલાડી દોડતી-દોડતી બહાર નીકળી ગઈ !

“હત્તારીની !” લાકડી નીચે મૂકીને પટેલ હસતાં-હસતાં બોલ્યા : “બિલાડીએ નકામા આપણને ગભરાવી માર્યાં ! હવે રસોડામાં કંઈ પડ્યું હોય તે સરખું ગોઠવી દો.”

બન્ને રસોડામાં ગયાં. સ્વિચ દાબીને લાઇટ કરી. વાસણો આમતેમ ગબડી ગયાં હતાં, તે પાછાં ગોઠવી દીધાં. પછી પાછાં પોતાને ઠેકાણે આવીને સૂઈ ગયાં.

કેટલી વાર સુધી તો પટેલને ઊંઘ આવી નહિ. વારેવારે ધાડપાડુઓના જ વિચાર આવ્યા કરે. એમ કરતાં-કરતાં એમને ઊંઘ આવી ગઈ. શકરી પટલાણી પણ ઊંઘી ગયાં.

છેક મોડી રાતે કોઈએ એમનાં બારણાં જોરથી ઠોક્યાં. રાતના સાડાત્રણ વાગ્યા હશે. પટેલ ઊછળીને ઊભા થઈ ગયા. શકરી પટલાણી

પણ ઊઠ્યાં. એમણે લાઇટ કરી. પછી પટેલને પૂછ્યું : “અત્યારે કોણે બારણાં ઠોક્યાં હશે ?”

પટેલ ગભરાઈને બોલ્યા : “કોણ જાણે ! ધાડપાડુઓ તો નહિ હોય ?”

પટલાણી કહે : “એમ પણ હોય, હમણાં બારણું ઉઘાડશો નહિ.”

એટલામાં તો પાછું ફરીથી કોઈએ બારણું ઠોક્યું. પટેલે ધ્રૂજતા હાથે લાકડી ઉપાડીને પકડી રાખી. બહારથી કોઈએ બૂમ પાડી : “બકોર પટેલ, બારણું તો ઉઘાડો. એ તો હું વાઘજીભાઈ છું.”

પટેલે વાઘજીભાઈનો અવાજ ઓળખ્યો. એમણે ગભરાઈને શકરી પટલાણીને કહ્યુંઃ “વાઘજીભાઈના બંગલામાં ધાડપાડુઓ પેઠા લાગે છે, તેથી એ બોલાવવા આવ્યા હશે.”

આમ કહી એમણે ત્યાં ઊભા-ઊભા જ વાઘજીભાઈને પૂછવા માંડ્યું : “કોણ, વાઘજીભાઈ કે ?”

વાઘજીભાઈએ જવાબ આપ્યો : “હાજી. બારણાં ઝટ ઉઘાડો.”

પટેલે પૂછ્યું : “કેટલા ધાડપાડુ લાગે છે ? બીજા બંગલાવાળાઓને ખબર કરી ?”

વાઘજીભાઈ બોલ્યા : “ધાડપાડુ કેવા ને વાત કેવી ! તમે બારણું ઉઘાડો ને ! મારે કામ છે.”

હવે પટેલના જીવમાં જીવ આવ્યો. એમણે ધીમેથી બારણું ઉઘાડ્યું.

વાઘજીભાઈ બોલ્યા : “પટેલ, જલદી મારે ઘેર આવો. પિતાજી બેભાન થઈ ગયા છે.”

પટેલે મોઢું ફાડીને કહ્યું : “એમ ! ચાલો ત્યારે, અમે બેય આવીએ છીએ.”

શકરી પટલાણીએ તાળું લીધું. પછી બારણાં વાસી, બધાં બહાર નીકળ્યાં. પટેલે ટૉર્ચ પણ સાથે લીધેલી. તાળું મારી બધાં વાઘજીભાઈને ઘેર ગયાં.

વાઘજીભાઈના પિતા પથારીમાં પડ્યા હતા.પાસે વાઘજીભાઈનાં પત્ની વીજકોર બેઠાં હતાં. પટેલ આવ્યા એટલે વીજકોર ઊઠ્યાં. એ અને શકરી પટલાણી બાજુના ઓરડામાં બેઠાં. પટેલ અને વાઘજીભાઈ પથારી પાસે બેઠા.

બાપાનું મોઢું જોઈ પટેલ ચમક્યા. એમણે બાપાનો હાથ પકડી નાડી જોઈ કપાળે હાથ મૂક્યો; છાતી ઉપર હાથ મૂક્યો. પછી ડોકી હલાવી બોલ્યા : “વાઘજીભાઈ, બાપા તો ગયા ! શરીરમાં હવે જીવ નથી. બાપા ગુજરી ગયા છે !”

વાઘજીભાઈને રડવું આવી ગયું. વીજકોરે પણ છેડો વાળ્યો. પિતાજીના મૃતદેહ (શબ)ને પલંગમાંથી નીચે ઉતાર્યો. પટેલે સૌને આશ્વાસન આપવા માંડ્યું. પછી એમણે વાઘજીભાઈને કહ્યું : “વાઘજીભાઈ, તમારાં સગાં અને ઓળખીતાં-પાળખીતાંઓને ટેલિફોનથી ખબર આપી દો. બધાં વહેલાં આવે, તો આપણે શબને વહેલું લઈ જઈ શકીએ.”

વાઘજીભાઈએ ઊઠીને બધે ટેલિફોન કરવા માંડ્યા. વીજકોર બીજી તૈયારીમાં ગૂંથાયાં. પાસે રહેતાં ચારપાંચ જણ તો આવી પણ પહોંચ્યાં. વાઘજીભાઈએ દરેકને કંઈને કંઈ કામ સોંપી દીધું. આમ મળસ્કે પાંચ વાગે તો બાપાની નનામી બાંધીને સૌ ‘રામ બોલો; ભાઈ, રામ !’ કરતા સ્મશાનમાં પહોંચી ગયા.

આ વાતની ડૉક્ટર ઊંટડિયાને ખબર પડી કે તરત એ પણ સ્મશાને જઈ પહોંચ્યા. ત્યાં નનામી ઉતારીને બે-ત્રણ જણે મૃતદેહને છોડવા માંડ્યો. પણ ત્યાં તો એકદમ મૃતદેહે મોઢું ખોલ્યું ને “ઓહ !” એવો અવાજ કર્યો ! બધા ચમકીને ઊભા થઈ ગયા. પટેલ પણ હોઠ લાંબા કરતા ત્યાં આવ્યા ને જોવા લાગ્યા. થોડી વાર પછી શબ સળવળવા માંડ્યું. પછી બેઠું થઈ ગયું ! પટેલ તો ચમકીને ઊછળ્યા ! બીજા બધાય ગભરાઈ ગયા. સૌએ નાસભાગ કરવા માંડી. આઘુંપાછું જોયા વિના બધા દોટ મૂકીને નાઠા. ચારપાંચ જણથી તો મોટી ચીસ પડાઈ ગઈ !

હવે ત્યાં બીજી ગમ્મત થઈ. હજી પાંચ વાગ્યા હોવાથી બધે અંધારા જેવું જ હતું. ત્યાંના રહીશો બધા હજી સૂતા જ હતા. ચીસાચીસ થવા લાગી; બધા દોડવા લાગ્યા, તેથી આઘેથી ચાલીના રહીશો જાગી ઊઠ્યા. એમને લાગ્યું કે નક્કી ધાડપાડુઓ આવ્યા ! ચાલીઓમાં રહેનારાં બધાં ભેગા થયાં.

કોઈ લાકડી લાવ્યું, તો કોઈ ધારિયું લઈને આવ્યું. કોઈ વાંસડો લઈને, તો કોઈ પિસ્તોલ લઈને - એમ જે હાથમાં આવ્યું એ લઈને સૌ બહાર નીકળ્યા. સ્મશાન તરફથી ચીસાચીસ સંભળાતી હતી. બધા એ તરફ ‘મારો ! મારો !’ કરતા દોડ્યા.

સામેથી પેલા ડાઘુઓ (શબનો અગ્નિસંસ્કાર કરવા આવલા પુરુષો) દોડતા આવતા હતા. સૌની આગળ બકોર પટેલ હતા. તેઓ બધા આ નવી આફત જોઈ ગભરાઈ ગયા અને એકદમ ઊભા રહ્યા. એમણે બધાએ માથે ધોતિયાં ઓઢેલાં તેથી અંધારામાં ધોળા-ધોળા આકાર દેખાતા. ચાલીવાળાઓએ જાણ્યું કે ધાડપાડુઓ બુકાની બાંધીને ઊભા છે !

ડાઘુઓમાં ગાડરખાં ઘીવાળા પણ હતા. બધાથી થોડે છેટે-છેટે એ ચાલ્યા આવતા હતા. એ તરત સમજી ગયા કે કંઈક ગોટાળો થયો છે. અમેણે પોતાની પાસેની ટૉર્ચની ચાંપ દબાવી. એકદમ બધે અજવાળુંઅજવાળું થઈ ગયું. પેલા ડંડા-લાકડીવાળાઓએ હવે જાણ્યું કે આ તો ડાઘુઓ છે ! પછી તેઓ પાસે આવ્યા ને પૂછપરછ કરી. એક જણે કહ્યુંઃ “સ્મશાનમાં શબ બેઠું થઈ ગયું છે ! ભૂતબૂત હશે, તેથી અમે ગભરાઈને નાઠા !”

પેલા ડંડા-લાકડીવાળાઓને પણ નવાઈ લાગી. એક જણે કહ્યું :

“ચાલો, જોઈએ તો ખરા, ભૂત છે કે નહિ !”

બધા હો...હો કરતા સ્મશાન તરફ ચાલ્યા. બકોર પટેલ તથા વાઘજીભાઈ પણ ચાલ્યા.

પણ બધા થોડેક આઘે ગયા ત્યારે વળી ઓર ગમ્મત થઈ ! સામેથી ડૉક્ટર ઊંટડિયા આવતા હતા અને એમને ખભે હાથ મૂકીને વાઘજીભાઈના પિતાજી ધીમે-ધીમે ચાલતા હતા. બાપા એકલા જ આવતા હોત, તો બધા “ભૂત ! ભૂત” કહીને કૂટી જ મારત ! પણ આ તો ડૉક્ટર ઊંટડિયા સાથે હતા એટલે બધા ચુપચાપ ઊભા રહ્યા.

ડૉક્ટર ઊંટડિયા પાસે આવીને બોલ્યા : “વાઘજીભાઈ, તમારા પિતાજી તો જીવે છે ! એમનો જીવ ગયો નહોતો ! એ મરી ગયા એવું કોણે કહ્યું હતું ?”

બકોર પટેલનું મોઢું પડી ગયું. એમને શી ખબર કે આવો ગોટાળો થશે ! વાઘજીભાઈ સમજી ગયા. એમણે કહ્યું : “નાડી ચાલતી ન હતી. શ્વાસ પણ બંધ હતો, તેથી અમને બધાને એવું લાગ્યું.”

ડૉક્ટર ઊંટડિયા હસીને બોલ્યા : “એવી ભૂલ કદી ન કરવી. ઘણીવાર ઊંડે-ઊંડે પણ જીવ હોય છે. એક વાર ડૉક્ટરને બોલાવીને પૂરી ખાતરી કરી લેવી. પોતાનું ડહાપણ ડહોળવું નહિ.”

વાઘજીભાઈ તો એમના પિતાની ડોકે વળગી જ પડ્યા. ત્યાંથી બે જણાએ બાપાને ઊંચકી લીધા. પાછળ બધા હસતા-હસતા ચાલવા લાગ્યા. જાણે મોટું સરઘસ જ તો !

વીજકોર તો પોતાના સસરાને જીવતા આવેલા જોઈ મોઢું ફાડીને જોઈ જ રહ્યાં! શકરી પટલાણીને પણ બહુ નવાઈ ઊપજી. પટેલની પાછળ-પાછળ એ ઘેર આવ્યાં. પછી પટેલને બધું પૂછ્યું.

પટેલે હસતાં-હસતાં બધું કહી બતાવ્યું. વાત સાંભળીને પટલાણીનું હસવું તો માય જ નહી. એમણે કહ્યું : “તમે પણ ઠીક બાપાને જીવતા ને જીવતા નનામીમાં બંધાવી સ્મશાનમાં મોકલ્યા !”

પટેલ હસીને બોલ્યાં : “તેમાં હું શું કરું ? જાણીજોઈને કંઈ એવું કર્યું છે ? હવે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીશું ! હવે કોઈ સાજુંમાંદું હોય ત્યારે એવું ડહાપણ ડહોળવું હરામ છે ! એમ કહે ને કે અમે આબાદ બચી ગયા ! નહિ તો ધાડપાડુઓ સમજીને પેલાઓએ અમને કૂટી માર્યા હોત, તો !”

“તો તમારાં હાડકાં જરૂર ખોખરાં થઈ જાત !” પટલાણી બોલ્યાં, એટલે પટેલ હસી પડ્યા !

પટેલે બંગલો બદલ્યો !

બકોર પટેલ જે બંગલામાં રહેતા હતા એ બંગલો બહુ મજાનો હતો. કોઈ બાબતની અગવડ ન હતી. બંગલામાં કોઈ જાતની મુશ્કેલી ન હતી. આમ છતાં પટેલે બંગલો બદલવાનો વિચાર કર્યો.

વાત એમ બની કે પટેલે દાદરમાં જ એક ખાલી બંગલાનું પાટિયું જોયું. “બંગલો ભાડે આપવાનો છે,” એમ પાટિયા ઉપર લખેલું હતું. બંગલો બદલવાનો પટેલનો વિચાર નહોતો, છતાં એમને થયું કે ભાડું તો પૂછી જોઈએ ! એ ખાલી બંગલાનો માલિક ત્યાંથી થોડે દૂર બીજા બંગલામાં રહેતો હતો. પટેલે જઈને તપાસ કરી. ભાડા માટે પૂછપરછ કરી, તો પોતાના બંગલા કરતાં આ બંગલાનું ભાડું ઓછું નીકળ્યું. પટેલ લલચાયા.

પેલો બંગલાવાળો પટેલને ખાલી બંગલામાં લઈ ગયો. તાળું ઉઘાડીને બધું બતાવ્યું. એ બંગલો કંઈ ખોટો નહોતો. વળી, મહીને પાંચસો રૂપિયા ભાડું ઓછું આપવાનું હતું ! પટેલે તો નક્કી કરી નાખ્યું. પહેલી તારીખે બંગલો બદલવાનું નક્કી થયું.

પટેલે ઘેર આવી શકરી પટલાણીને વાત કરી. પટલાણીને આ બંગલામાં ગમી ગયેલું, તેમ છતાં પટેલનું મન રાખવા એ પણ તૈયાર થઈ ગયાં. બાજુવાળા વાઘજીભાઈ વકીલે બહુ સમજાવ્યા, પણ પટેલ માને શાના ? આવા મજાના પડોશી જતા રહેશે, એવો વિચાર કરતાં વાઘજીભાઈ બહુ દિલગીર થયા પણ પટેલ માન્યા નહિ એટલે શું થાય !

એમ કરતાં કરતાં પહેલી તારીખ આવી પહોંચી. એ દિવસે ખરી ધમાલ થવા માંડી. પટેલે ઑફિસેથી વિઠુ વાછરડાને બોલાવેલો, પણ નવ વાગ્યા તોય વિઠુભાઈનો પત્તો નહિ ! વિઠુને ખબર પડેલી કે શેઠ બંગલો બદલવાના છે. એણે વિચાર કર્યો કે, આજે નોકરી ઉપર જઈશું તો કામ કરીકરીને આપણું તેલ નીકળી જશે. એટલે એ ભાઈસાહેબ એ દિવસે માંદા પડી ગયા અને ગાપચી મારી ગયા. પટેલ તો વિઠુની રાહ જોયા જ કરે. વિઠુ આવે ત્યારે બધો સરસામાન બંધાય ને ? કામ કરનારી બહેન ખુશાલ આવેલી, પણ એ એકલી કેટલું કરે !

રાહ જોતાં-જોતાં દસ તો વાગી ગયા. પટેલે ઑફિસે ટેલિફોન કર્યો. બંગલાના ટેલિફોનનું કનેક્શન તો બે દિવસ ઉપર કપાવી નખાવેલું અને નવા બંગલામાં ટેલિફોન જોડવાની અરજી પણ આપી દીધેલી. એટલે પટેલ વાઘજીભાઈને ત્યાં જઈને ટેલિફોન કરી આવ્યા. એમને ખબર પડી કે વિઠુભાઈસાહેબ તો આજે પધાર્યા નથી. એટલે એમણે શકરાભાઈને બોલાવ્યા. શકરાભાઈ આપણા બકોર પટેલની પેઢીમાં ક્લાર્ક હતા.

પટેલ ટેલિફોન કરીને આવ્યા, ત્યારે શકરી પટલાણી ખૂબ અકળાયેલાં હતાં. એમણે લાંબા-લાંબા હાથ કરીને કહ્યું : “આ જુઓ ને ! દસ તો વાગ્યા ! આજે ને આજે બંગલો ખાલી કરીને કેવી રીતે સોંપીશું ? તમારો વિઠલિયોય આજ આવ્યો નહિ. એકલી ખુશાલબહેન શું કરશે ?”

પટેલે કહ્યું : “આમ બૂમાબૂમ શું કરે છે ? વિઠુ નથી આવ્યો, પણ શકરાભાઈને બોલાવ્યા છે. એ કોઈ મજૂરને પકડી લાવશે. સાંજ સુધીમાં તો બંગલો ખાલી કરી નાખીશું.”

પટલાણી જરા શાંત થયાં. બંગલો બદલવાનો હોવાથી એમણે ઝાઝું રાંધ્યું નહોતું. એકલી ખીચડી બનાવેલ. પટેલે જમી લીધું, એટલામાં શકરાભાઈ પણ આવી પહોંચ્યા.

પટેલે એને બધી સમજ પાડી. શકરાભાઈ જઈને ટ્રકવાળાને પકડી લાવ્યા. એક વધારાનો માણસ પણ બોલાવી લાવેલા. ગધુ એનું નામ. બધાંએ મળીને સરસામાન બાંધવા માંડ્યો.

પટેલે પેલા ગધુને કહ્યું : “અલ્યા, બધું સાચવીને બાંધજે. કોઈ ચીજ તૂટે-ફૂટે નહિ.”

ગધુના મોઢામાં પાનનો ડૂચો હતો. ડૂચાને લીધે પૂરું બોલાય પણ નહિ. પાન નીકળી ન પડે એ માટે એણે હોઠ દાબીને કહ્યું : “બરા શેઠ, તુમી કસાલા ગભરાતા છે? આમી ચાંગલા કરીને લેઈ જસું. ગાભરૂ નકા !”

ગધુ અને બીજાંઓએ મળીને સામાન પૅક કરવા માંડ્યો. એક કોથળામાં વાસણ ભેગી ચોપડીઓ નાખી. બીજામાં તેલ-ઘીની બરણીઓ નાખી, ને તેમાં જ પકડાંનાં પોટલાં નાખ્યાં. એક કોથળામાં દવા, તેલ, અત્તર વગેરેની શીશીઓ ભરી દીધી. એના ભેગો ફિનાઈલનો શીશો, શાહીનો બાટલો અને માથામાં નાખવાના તેલનો શીશો પણ ઝીંકી દીધો ! પટેલ આઘાપાછા હોય એટલે જુએ કોણ ? શકરી પટલાણી તો ખુશાલબહેનને પોટલાં બંધાવતાં હતાં. શકરાભાઈ બહાર ટ્રક પાસે ઊભા હતા. ઊભા ન રહે તો કોઈ કંઈ લઈને રસ્તે પડી જાય ને !

પોટલાં તૈયાર થયાં, એટલે બહાર લાવી-લાવીને ઝીંકવા માંડ્યાં. એક જણ ભરે અને બીજો ઊંચકી જાય. કોથળામાં શું છે તે ખબર ન પડે ! પછી જોરથી ફેંકે તેમાં શી નવાઈ !

એમ કરતાં શીશીઓના કોથળા ઉપર એક જાણે ધમ દઈને અનાજનું પીપળું નાખ્યું! તડાકા સાથે શીશીઓ ફૂટી. અંદરથી તેલ, ફિનાઈલ અનેશાહી બહાર નીકળ્યાં. ટ્રકમાંથી રેલો ઊતરીને નીચે ટપકવા માંડ્યો !

શીશીઓ ફૂટવાનો અવાજ થયો ને પટેલપટલાણી ચમક્યાં. બન્ને જણ દોડીને બહાર આવી જુએ છે તો તેલ ને શાહીનો રેલો ચાલેલો ! શકરાભાઈ ઊભા-ઊભા પેલા ગધુને ધમકાવે ! ગધુએ જાણ્યું કે આમાં તેલ છે. એટલે એણે નીચે બેસીને તેલ માથા ઉપર ઘસવા માંડ્યું. પટેલનો મિજાજ ગયો. એ મોટેથી બોલ્યા : “તદ્દન બાઘા જેવો છે કે શું ! એટલું ભાન ન રહ્યું ? કેટલું બધું નુકસાન થયું ! જા, ઊઠ હવે. આમ ફેંકાફેંક ન કરીશ.”

શિયાવિયા થતો (ગભરાતો) ગધુ ઊઠ્યો અને અંદરથી બીજો સામાન લાવવા માંડ્યો. એમ કરતાં એક ટ્રક ભરાઈ ગઈ. પછી પટેલ બોલ્યા : “શકરાભાઈ ! તમે ટ્રક સાથે જાઓ. થોડે દૂરના બંગલામાં એક બંગલાનો માલિક રહે છે. એની પાસેથી ચાવી લેજો. પછી તમે ત્યાં જ બેસજો. ટ્રકવાળા અહીં પાછા આવશે. એની સાથે બીજો સરસામાન મોકલીશું. ખુશાલબહેન એમની સાથે ફેરો ખાશે.”

શકરાભાઈ ટ્રકવાળા સાથે ઊપડ્યા. ટ્રક પેલા ખાલી બંગલા પાસે જઈ પહોંચી.

હવે ત્યાં જબરી ગમ્મત થઈ. પેલા બંગલાના માલિકને ત્યાં તાળું મારેલું. શકરાભાઈ ચાવી પણ કોની પાસે માગે ? એમણે માથું ખંજવાળવા માંડી વિચાર કરવા માંડ્યો કે હવે શું કરવું ? સરસામાન ક્યાં મુકાવવો ?

છેવટે બંધ બંગલાના ઓટલા ઉપર એમણે બધો સામાન મુકાવ્યો. મજૂરોએ ત્યાં કોથળા ખડકી દીધા - જાણે મોટો ડુંગરસ્તો ! શકરાભાઈએ ત્યાં આમતેમ ટહેલવા માંડ્યું. ચોકીપહેરો ભરવો પડે ને !

આ બાજુ ટ્રકવાળા પાછા આવ્યા, એટલે પટેલે પૂછ્યું : “કેમ, બધું ગોઠવાઈ ગયું કે ?”

ટ્રકવાળો કહે : “હોઈ, હોઈ, શેઠ !” એ લોકોએ કહ્યું નહિ કે ચાવી નહોતી, તેથી બધું બહાર મૂક્યું છે. એમ કહે તો બીજી ટ્રક ભરવાનું બંધ રહે. એમની મજૂરી પણ જાય ને ! એમણે તો બીજી ટ્રક ભરવા માંડી.

પટલાણી બિચારાં થાકી ગયાં હતાં. એટલે એ થોડીવાર માટે આરામ લેવા બેઠાં. પટેલ પણ વાતોએ ચડ્યા. એ દરમિયાન પેલામજૂરોએ સામાન ભરી દીધો. પણ એ લોકોએ કશી કાળજી ન લીધી. પટેલના ગ્રામોફોન વાજાની રેકર્ડો હતી. એ બધી રેકર્ડ મોટા-મોટા ચોપડાઓમાં મૂકેલી. પેલા મજૂરો જાણે કે ચોપડાઓ છે. એમણે છેક નીચે એ ચોપડાઓ મૂક્યા. એના ઉપર બીજી ચીજો મૂકી. બધી રેકર્ડના ચૂરેચૂરા થઈ ગયા ! શેકેલા પાપડ ઉપર કંઈ ભાર મૂકીએ અને જેવા કકડા થઈ જાય તેવા કકડા જ તો !

પછી કબાટનો વારો આવ્યો. કબાટ ગોઠવ્યું તો સાચવીને, પણ દોરડું બાંધતાં દબાયું. વચ્ચે એક પોટલી આવી ગઈ. કબાટનો કાચ જોવા જેવો થઈ ગયો. કાચમાં મોટી તિરાડ પડી ગઈ. મોરના પગ તમે જોયા છે ? આબાદ મોરના પગ જેવો જ ઘાટ એના ઉપર ચીતરાઈ ગયો !

પછી ટીવીની દશા બેઠી. ગાદલાના વીંટા ઉપર છેક ઊંચે ટીવીના ખોખાને એ લોકોએ “હે...લ્લો...હેઇસાં !” કરીને ચડાવ્યું. ટ્રક ઉપાડી. ખુશાલબહેન પણ સાથે નીકળ્યાં.

પણ પટેલના સરસામાનની જાણે પનોતી જ બેઠી હતી. બંગલા પાસે આવીને દોરડું છોડતાં જ ઉપરથી ટીવી પડ્યું અને જમીન ઉપર પછડાયું. એક મજૂર ત્યાં ઊભો હતો. એનાપગ ઉપર જ ટીવી પડ્યું. એટલે એના આંગળાં છૂંદાઈ ગયાં. “મરુન ગેલા રે આઇ” કરીને બૂમ પાડી એ બેસી ગયો. શકરાભાઈ બાઘા જેવા ઊભા રહ્યા. મજૂરને વાગ્યું હતું. એટલે એને ઠપકો પણ શી રીતે આપવો ?

એમણે બધો સામાન પાછો ત્યાં ગોઠવ્યો. ડુંગર તો ધીમે-ધીમે મોટો થતો જતો હતો. ટ્રકવાળા પાછા ગયા. આમ, બે-ચાર આંટાફેરા થયા. ખુશાલબહેન જાય અને આવે. ખુશાલ બિચારી પટેલને કહેવાનું ભૂલી ગઈ કે સરસામાન બધો બંગલાની બહાર ગોઠવ્યો છે !

છેવટે સાંજ પડી. છેલ્લા ફેરા વખતે જૂનો બંગલો તદ્દન ખાલી થઈ ગયો. પછી પટેલ અને પટલાણી નીકળ્યાં. જૂના બંગલાને વંદન કર્યાં. વાઘજીભાઈને પણ મળી લીધું. બીજા પાડોશીઓને પણ પટેલે છેલ્લી સલામ કરી.

હવે આ બાજુ નવે બંગલે આવીને પટેલ જુએ છે તો સરસામાનનો મોટો પર્વત બની ગયેલો ! બંગલાને તો હજી તાળું મારેલું હતું ! પટેલની આંખો પહોળી થઈ ગઈ. એમને કંઈ સમજણ ન પડી. આ શું કહેવાય ! પટલાણી તો મોઢું ફાડીને જોઈ જ રહ્યાં !

પટેલે શકરાભાઈને પૂછ્યું : “પણ આ બધું બહાર કેમ મુકાવ્યું ? ચાવી માગી લાવીને બધું અંદર મુકાવવાનું હતું ને !”

શકરાભાઈ ગભરાતા-ગભરાતા બોલ્યા : “પ... પ... પ... પ...ણ શેઠ ! એ બંગલાવાળા નથી. એમને ત્યાં તાળું છે !”

“શું ઉં ઉં ઉં ઉં ઉં ઉં ઉં !” પટેલના પગ ઢીલા થઈ ગયા.

“હાજી ! તમને મેં આ મજૂરો જોડે કહેવડાવેલું હતું. એમણે કહ્યું નથી ?”

પટેલ કહે : “ના રે ! કોઈએ કંઈ કહ્યું નથી. લાવો; હું જઈને ખબર કાઢી આવું.”

પટેલ બાજુના બંગલામાં ગયા. એ બંગલાવાળા મિસ્ટર દામુભાઈ ડુક્કર બહુ લુચ્ચા હતા. પટેલને જોયા એટલે એમણે ઊભા થઈને કહ્યું : “ઓહોહોહોહો ! આવો, આવો, પધારો પટેલસાહેબ, કેમ છો ?”

પટેલ કહે : “દામુભાઈ, પેલા બંગલાની ચાવીઓ આપો. અમે બધો સરસામાન લાવ્યા છીએ. તમને પહેલી તારીખનું કહ્યું હતું ને ?”

દામુભાઈ હેંહેંહેંહેં હસીને બોલ્યા : “હાજી, પટેલસાહેબ ! પણ જાણે એમ છે ને, કે પછી તો બહુ જણ એ બંગલો માગવા આવી ગયા, અને મારે તો હજાર રૂપિયા ભાડું વધારે ઊપજે છે. તમને હું ના કહેતો નથી. ચાવી તો આ રહી ! લઈ જાઓ ! પહેલો હક તમારો ! ભાડું હજાર રૂપિયા વધારે પડશે.”

આમ કહી દામુભાઈએ ચાવી આપી. પણ પટેલ તો સજ્જડ જ થઈ ગયા. હજાર રૂપિયા વધારે ! હવે કરવું શું ? એમણે કહ્યું : “દામુભાઈ, કહીને હવે ફરી જાઓ છો ?”

દામુભાઈ કહે : “પટેલસાહેબ, આ તો વ્યવહાર છે, જે વધારે આપે એ લઈ જાય. આપણે ક્યાં કંઈ લખાણ કર્યું છે ? લખાણ કર્યું હોય ને ફરી જતો હોઉં તો કહો.”

“વારુ, (ઠીક)” કહી પટેલ ઢીલા થઈને પાછા આવ્યા. બંગલો ઉઘાડ્યો પણ એમનામાં બોલવાના હોશ ન હતા. પેલા મજૂરો સરસામાન ગોઠવવા જતા હતા. તેવામાં પટેલના એકાઉન્ટન્ટ બાંકુભાઈ બંદર આવી પહોંચ્યા. સાંજે ઑફિસ બંધ કરીને એ શેઠનો નવો બંગલો જોવા વહેલા આવ્યા હતા. શેઠને ઢીલા જોઈને બાંકુભાઈને લાગ્યું કે જરૂર કંઈક થયું છે. એમણે ધીમેથી પટેલને પૂછ્યું : “કેમ, શેઠ ! આ સરસામાન બહાર કેમ મૂક્યો છે ?”

પટેલ કપાળે હાથ દઈને બધી હકીકત ટૂંકમાં કહી સંભળાવી. પછી દામુભાઈએ ભાડાની વાત કરેલી તે પણ કહી દીધી. શકરી પટલાણી તો આ વાત સાંભળી ચિડાઈ જ ગયાં. એમણે કહ્યું : “ત્યારે પહેલેથી લખાણ કરવું હતું ને ! મારે તો કંઈ આ બંગલામાં રહેવું નથી. ચાલો પાછા ! મારે તો જૂનો બંગલો સારો !”

પટેલ કહે : “એમ તે કંઈ પાછું જવાય ? હવે તો જે થાય તે ખરું.”

પણ બાંકુભાઈ તો બેઠા-બેઠા વિચાર કર્યા કરતા હતા. એમને એક સરસ યુક્તિ સૂઝી. એ બોલ્યા : “શેઠ, આપણે ચાલો પાછા જૂના બંગલામાં. પેલા દામુભાઈને હું સીધાદોર કરી નાખું છું.”

પટેલ કહે : “કેવી રીતે ?”

બાંકુભાઈ બોલ્યા : “તમે જોયા કરો. આ બધો સરસામાન લાવ્યા હતા તેમ પાછો લઈ જઈએ. આ નવા રાખેલા બંગલાને આપણું તાળું મારી દો. પછી ચાલો દામુભાઈ પાસે.”

પટેલ કહે : “જેમ તમે કહો તેમ. મને તો કંઈ સમજ પડતી નથી.”

બાંકુભાઈએ શકરાભાઈને બધી સમજણ પાડી. શકરી પટલાણીને પણ સમજાવ્યું. બધાં ટ્રકવાળા સાથે પાછા જવા તૈયાર થયાં. ટ્રક પાછી ભરવા માંડી. એટલે પટેલ અને બાંકુભાઈ પેલા દામુભાઈને ત્યાં ગયા.

પટેલ કહે : “લ્યો દામુભાઈ, આ તમારા તાળાકૂંચી.”

દામુભાઈ કહે : “આવો, શેઠ ! તમારા જેવા અહીં રહેવા આવ્યા એ ઠીક થયું. કાલે હવે ભાડાચિઠ્ઠીનો કાગળ લેતા આવજો. આપણે ભાડાચિઠ્ઠી કરી નાખીશું.”

હવે બાંકુભાઈ બોલ્યા : “દામુભાઈ ! અમે તો હવે પાછા પેલે બંગલે રહેવા જઈએ છીએ. એ બંગલો હજી ખાલી છે. એના માલિકને કાલે સમજાવી દઈશું. એ તો ખાલી કરવાની ના જ કહેતા હતા.”

દામુભાઈએ ચમકીને પૂછ્યું : “ત્યારે આ મારા બંગલાનું શું ? તમે ભાડે તો રાખ્યો છે ને ?”

બાંકુભાઈ હસીને બોલ્યા : “હાજી, રાખ્યો છે ! અમારું તાળું પણ અમે લગાવી દીધું ને !”

દામુભાઈ ગૂંચવાઈને બોલ્યા : “પણ એમ કેમ ? બે બંગલા રાખશો ?”

બાંકુભાઈએ હવે ભવાં ચડાવીને (ગુસ્સે જઈને) વાત કરવા માંડી. એમણે કહ્યુંઃ “દામુભાઈ ! તમે એમ સમજો છો કે અમે બધા મૂરખ છીએ ?

અમને મૂરખ બનાવવા માગતા હો તો ખાંડ ખાઓ છો ખાંડ, સમજ્યા ? અમે તાળું માર્યું છે, એ તમારાથી તોડાય નહિ. તોડો તો તમારા ઉપર ફરિયાદ કરીશું. વળી, તમે ભાડું માગશો તો તે અમે આપીશું, પણ એ પહેલાં નક્કી થયું છે એ મુજબ જ, સમજ્યા ? તમારી પાસે ભાડાચિઠ્ઠી ક્યાં છે ? અમે કહીશું કે આટલા જ ઠરાવ્યા હતા ! હવે તમને તો બરાબર બતાવી આપીશું.”

દામુભાઈને હવે બરાબર જુલાબ લાગ્યો. પોતે આબાદ સપડાઈ ગયા હતા. એમણે ગભરાઈને કહ્યું : “શેઠ, મારી ભૂલ થઈ. મને માફ કરો.”

હવે બકોર પટેલ ખીલ્યા. એમને હસવું આવી ગયું. એમણે કહ્યું : “હું કંઈ ન જાણું. આ અમારા બાંકુભાઈ કહે એ ખરું.”

બાંકુભાઈ કહે : “દામુભાઈ ! પાંચ હજાર રોકડા મૂકી દો, તો તાળું ખોલી આપીએ; નહિ તો નહિ.”

દામુભાઈ કરગરી પડ્યા : “એટલા બધા રૂપિયા હોય ?”

બાંકુભાઈ કહે : “જીહા ! અમને તો સામાન ફેરવવામાં ઘણું નુકસાન થયું છે. પણ તમને જવા દઈએ છીએ. પાંચ હજાર રૂપિયા આપો, નહિ તો અમે આ ચાલ્યા !”

દામુભાઈ ઝટ ઊભા થયા અને કબાટમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને લાવ્યા. બાંકુભાઈએ નોટો ખીસામાં મૂકી અને ‘સાહેબજી’ કહીને ચાલવા માંડ્યું.

દામુભાઈ દોડતા દોડતા પાછળ આવીને બોલ્યા : “શેઠ ! તમારું તાળું તો ઉઘાડી નાખો !”

પટેલ કહે : “હા, ખરી વાત, ખરી વાત; ચાલો !”

પટેલે તાળુ ઉઘાડી દીધું અને પાંચ હજાર રૂપિયા દામુભાઈને પાછા આપતાં બાંકુભાઈ બોલ્યા, “લ્યો સાહેબજી, તમારા પૈસા પાછા ! અમારે એવા હરામના પૈસા ન ખપે. પણ હવે પછી બીજા કોઈ સાથે આવો વ્યવહાર કરશો નહિ.”

દામુભાઈએ પટેલનો ને બાંકુભાઈનો આભાર માન્યો, બંનેની માફી માગી ને હવે પછી કોઈ સાથે આવો વ્યવહાર નહિ કરવાની ખાતરી આપી. બાંકુભાઈએ શકરાભાઈને સામાનની બરાબર સોંપણી કરી. ટ્રકવાળાએ ફરી આંટાફેરા કરીને સામાન પાછો મૂળ બંગલે પહોંચાડી દીધો.

બધાં ઘેર આવ્યાં. વાઘજીભાઈ એકદમ દોડતા આવી પહોંચ્યા. સામાન પાછો આવતો જોઈ એ બોલી ઊઠ્યા : “અરે પટેલ ! આ શું ? પાછા કેમ ?”

પટેલ કહે : “એમ જ તો ! એ નવો બંગલો અમે પાછો આજે બદલી નાખ્યો ! શેઠ ક્યાં, તો કહે ઘેરના ઘેર !”

પટેલની વાત સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં.

ગાંડાની હૉસ્પિટલમાં

એકવાર બકોર પટેલને ત્યાં એમના એક જૂના ભાઈબંધનો પત્ર આવ્યો. પત્ર નીચે પ્રમાણે હતો :

દીવાનાશાળા, સીતાપુર

વહાલા દોસ્ત બકોર પટેલ,

ઘણે વખતે તમને પત્ર લખું છું. મારી બદલી અહીં સીતાપુરમાં થઈ છે. અહીંના પાગલખાનાના ડૉક્ટર નિમાયો છું. તમારે આ તરફ આવવાનું થાય ત્યારે જરૂર આવજો. ઘણા વખતથી મળ્યા નથી, તેથી મળાશે. ને તમને અહીંના દીવાનાશાળા પણ જોવા મળશે. જરૂર આવજો. હાલ એ જ.

લિ.

રીંછોલકરના પ્રણામ

પાગલખાનું એટલે ગાંડાઓને રાખવાની જગ્યા. અંગ્રેજીમાં એને ‘મૅડહાઉસ’ કહે છે. જેઓ ગાંડા થઈ જાય, એમને પાગલખાનામાં મોકલવામાં આવે. અહીં એમની સારવાર થાય; જાતજાતની દવાઓ આપે. એમ કરતાં-કરતાં કેટલાક સુધરી પણ જાય - કોઈ-કોઈ ગાંડા પાછા ડાહ્યા થઈ જાય.

એ પાગલખાનું જોવાની બકોર પટેલને ઇચ્છા થઈ. ડૉક્ટર રીંછોલકરનો પત્ર વાંચી પટેલ ત્યાં જવા તલપાપડ થઈ રહ્યા. એમને થયું કે ક્યારે એ બાજુ જવાનું થાય અને સીતાપુર ઊતરું !

પટેલ આમ વિચાર કર્યા કરે છે, તેવામાં એમને સીતાપુર જવાની તક મળી ગઈ. વેપારને અંગે રામપુર જવાનું હતું. રસ્તામાં સીતાપુર આવે. પટેલે વિચાર કર્યો કે વચ્ચે સીતાપુર ઊતરીશું. પાગલખાનું જઈશું ને ટ્રેન મળતી હશે તો તે જ દિવસે રામપુર ઊપડી જઈશું.

નક્કી કરેલે દિવસે પટેલ સીતાપુર પહોંચી ગયા. ડૉક્ટર રીંછોલકરે નોકરને સ્ટેશને સામો મોકલેલો. પટેલને એ ગાંડાની હૉસ્પિટલમાં લઈ આવ્યો. બહુ વરસે પટેલ પોતાના જૂના મિત્રને મળ્યા. રીંછોલકર સાથે હાથ મિલાવતાં પટેલે કહ્યું : “ડૉક્ટરસાહેબ! તમને મળવાથી બહુ આનંદ થયો. આ જગ્યા તમને ઠીક મળી ગઈ.”

રીંછોલકરે જવાબ આપ્યો : “ઠીક છે; અહીં એકંદરે સારું છે. હવાપાણી બહુ સારાં છે. પગાર પણ સારો મળે છે. એટલે આપણે તો હવે અહીં જ ઠરીઠામ થવાનો વિચાર કર્યો છે.”

આમ, થોડીક વાતચીત કરી રીંછોલકરે પટેલને પોતાને બંગલે મોકલ્યા. એમનો રહેવાનો બંગલો પાગલખાનાના કમ્પાઉન્ડમાં જ હતો. પટેલ નાહીધોઈ, ચા પીને પાછા આવ્યા એટલે રીંછોલકર બોલ્યા : “કેમ, પટેલસાહેબ ! તમારે હવે અમારું પાગલખાનું જોવું છે ને ? જાતજાતના ગાંડાઓ અહીં છે. બધાને અહીં રાખીએ છીએ; દવા કરીએ છીએ. કોઈક સુધરી પણ જાય છે. એક નોકરને તમારી સાથે મોકલું છું. એ તમને બધું બતાવી દેશે. પછી તમે જાતે જ બધે ફરજો. ગાંડાઓ સાથે વાતચીત કરજો.”

પટેલ બોલ્યા : “ઠીક ત્યારે પઅઅઅ...ણ... કોઈ ગાંડો મારફાડ કરે તેવો તો નથી ને ? પહેલેથી તમને પૂછી લેવું સારું. કદાચ કોઈ પાછળથી પથરો ઠોકી દે તો ટાલકું રંગાઈ જાય !”

ડૉક્ટર રીંછોલકરે હસીને કહ્યું : “જરા પણ ગભરાશો નહિ. એવા તોફાની ગાંડાને તો ઓરડીમાં પૂરી રાખ્યા છે. જરાય ગભરાશો નહિ.”

પછી નોકરને બોલાવી કહ્યું : “અલ્યા સુંદર ! આ પટેલસાહેબને આપણી હૉસ્પિટલ બતાવ.”

પટેલ તો સુંદર સાથે પાગલખાનું જોવા નીકળ્યા. પાગલખાનાને ફરતી સળિયાની વાડ કરી લીધેલી. છેક પાછળની બાજુએ ગાંડાઓને રાખવાની રૂમો હતી. ત્યાં આગળ આવીને સુંદર બોલ્યો : “જુઓ, સાહેબ ! પેલા બધા બઠા છે એ ગાંડાઓ છે. જાઓ એમની પાસે. વાતો કરો; પૂછપરછ કરો; પછી દવાખાને પાછા આવજો.”

આમ કહી સુંદર ગયો.

પટેલ પેલા ગાંડાઓ તરફ ગયા. સાતઆઠ ગાંડાઓ ટોળે વળીને વાતો કરતા બેઠા હતા. ઘણાએ કપડાં ગમેતેમ પહેર્યાં હતાં.

પટેલને આવતા જોઈ એક ગાંડો ઊભો થયો ને બોલ્યો : “અલ્યા એઈ ! નેપાળભૂતાનના મહારાજા પધારે છે ! ઊઠ, ઊભો થા ! પગે લાગ !”

આમ કહી કમ્મરેથી વાંકો વળીને એ પટેલને સલામ કરવા લાગ્યો. પછી મોટેથી બોલ્યો : “સોનેકી છડી, રૂપેકી છડી, સેનાખાસખેલ શમશેરબહાદુર, નેપાળભૂતાનના મહારાજાને ઘણીઈઈઈઈ ખમ્મા.....”

પછી હાથથી પટેલને આવકાર આપતાં બોલ્યો : “આઈયે ! આઈયે ! મહારાજાસાહેબ ! હુકમ ફરમાઈએ !”

પટેલને બહુ ગમ્મત પડી. એટલામાં બીજો ગાંડો પટેલને જોઈને બોલી ઊઠ્યો : “અરે આ તો ફોજદારસાહેબ છે ! હત્‌ ગાંડા ! એમને ઓળખ્યાય નહિ ? આવો સાહેબ! સોડાબોડા પીશો ?” એમ કહીને તેણે હાથથી સોડાની બૉટલ ફોડવાનો દેખાવ કર્યો. ચાર-પાંચ વાર એવું કરીને એ બોલ્યો : “અરે, બૉટલેય કેવી છે ! માળી ફૂટતી જ નથી !”

પટેલે એક જણને પૂછ્યું : “તમારું નામ શું ?”

પેલો પટેલના મોં સામું થોડી વાર તાકીને જોઈ રહ્યો. પછી પોતાની જોડેના ગાંડાને ધીમેથી કહ્યું : “અલ્યા, ચાલ, આપણે ઘેર ! આ તો આપણું નામ જાણી લેશે. ચાલ ચાલ, ઝટ મોટરમાં ઘેર જતા રહીએ.”

આમ કહી એણે પેલા જોડેવાળાનો હાથ પકડ્યો. પછી મોટર ચલાવતો હોય તેમ સુરૂરૂરૂરૂરૂ અવાજ કર્યો, ને પછી બંને જણા પોતાના રૂમમાં જઈને સંતાયા !

પટેલને ભારે ગમ્મત પડવા લાગી. ત્યાંથી થોડે આગળ ચાલ્યા. કોઈ ગાંડો બહુ ડાહી વાતો કરે ! કોઈ માથા પર ઝાડનાં પાંદડાંનો મુગટ પહેરીને ફરે ! પટેલને લહેજત આવી. ગાંડાઓ પર દયા પણ આવી.

પટેલ વિચાર કરતાં-કરતાં બીજી બાજુએ વળ્યા. ત્યાં સામેથી કોઈ આવતું જણાયું. આવનારે કપડાં સારાં પહેરેલાં હતાં. એનું નામ ચિત્તરંજનલાલ ! એ ડૉક્ટર રીંછોલકરનો ઓળખીતો હતો. એ પણ પાગલખાનું જોવા આવેલો.

પણ ચિત્તરંજન વિશે પટેલ ઊંધું જ સમજ્યા ! એમણે ધાર્યું કે એ કોઈ ગાંડો છે, પણ ફરે છે ડાહ્યોડમરો થઈને !

ભારે ગમ્મત થઈ. પેલો ચિત્તરંજન પણ પટેલ વિશે ઊંધું જ સમજ્યો ! એણેય પટેલને ગાંડા જ ધારી લીધા ! મનમાંમાની લીધું કે એ પણ કોઈ ચક્રમસેન છે ! અહીં જરા ડાહ્યોડમરો થઈને ફરે છે !

બંને જણાનો સામસામો મેળાપ થયો. પટેલ ચિત્તરંજન સામું જોયા કરે અને ચિત્તરંજન પટેલ સામું જોયા કરે. થોડી વારે પટેલે પૂછ્યું : “તમારું નામ શું ?”

પેલાએ જવાબ આપ્યો : “મારું નામ ચિત્તરંજન !”

પટેલ મનમાં વિચાર કરવા લાગ્યા કે, વાહ ચિત્તરંજનભાઈ, વાહ! તમે ગાંડા કેમ કરતા થઈ ગયેલા ?

પટેલની પેઠે પેલો પણ મનમાં વિચાર કરવા લાગ્યો કે વાહ ! આ ભાઈ તો જાણે ડાહી માના દીકરા ! અજાણ્યો તો એને ગાંડો કહે જ નહિ !

પટેલે મજાક કરવા પૂછ્યું : “ક્યાં રહો છો ? શું કરો છો ? નોકરી ?”

પેલાને થયું કે આ ગાંડો ખરો ! મારું ઠેકાણું પૂછે છે ! વળી ધંધો પૂછે છે ! શી એની ઠાવકાઈ ! લાવો, ખુલાસો તો કરીએ. પછી જોઈએ કે એ શું કહે છે ! આમ વિચારી ચિત્તરંજને આંખો ફાડી-ફાડી પટેલ સામે જોઈ કહેવા માંડ્યું : “હું રહું છું તો મુંબઈમાં ભૂલેશ્વરમાં અને નોકરી કરું છું સાબુના કારખાનામાં, ફક્કડ સોપ ફૅક્ટરીમાં.”

પટેલે જવાબ આપ્યો : “એમ ? એ સાબુના કારખાનાના માલિકને હું ઓળખું છું. એમનું નામ ફક્કડખાન. મારા ભાઈબંધ છે.”

પછી ગમ્મત ખાતર પટેલે કહ્યું : “ફક્કડખાનનું કંઈ કામબામ હોય તો મને કહેજો. એમના ઉપર કાગળ લખી આપીશ.”

ચિત્તરંજનને થયું કે આ ગાંડાભાઈ ખૂબ ખીલ્યા લાગે છે. ચક્રમભાઈ મારા શેઠ ઉપર કાગળ લખી આપશે ! હા હા હા હા હા !! આમ વિચાર કરતાં-કરતાં એનાથી મોટેથી હસી દેવાયું. એના મોટા ડોળા જોઈ પટેલ ગભરાયા.

પટેલના મનમાં થયું : “માળો આ ગાંડો વિફર્યો-બિફર્યો, તો મારી પાડશે. માટે અહીંથી ખસો આઘા !”

પટેલ તો ત્યાંથી સરક્યા. ચિત્તરંજન પણ હસતો-હસતો બીજી બાજુ ગયો.

બાકીનો ભાગ પટેલે જોઈ લીધો. પછી બધે ફરીને રીંછોલકર પાસે જવા ઊપડ્યા.

પણ રીંછોલકર પાસે પહોંચતાં જ એ ચમક્યા ! પેલો ચિત્તરંજ તો ડૉક્ટર સાથે વાતો કરતો ખુરશી પર બેઠો હતો ! પટેલે ધાર્યું કે ડૉક્ટર તેની તબિયત તપાસતા હશે. ચિત્તરંજન પણ પટેલને આવેલા જોઈ ચૂપ થઈ ગયો ! એણે ધાર્યું કે આ ગાંડાભાઈ પોતાની રોજની દવા લેવા આવ્યા છે.

છેક ડૉક્ટરની ખુરશીની પાસે ખુરશી લઈ પટેલ બેઠા. પછી ડૉક્ટરે કાનમાં કહેવા લાગ્યા : ડૉક્ટર ! આ ગાંડો છે જબરો, હો ! મને કહે કે ફક્કડ સોપ ફૅક્ટરીમાં છું, નોકરી કરું છું.” આટલં બોલતાં-બોલતાં તો પટેલથી ફુઉઉઉઉઉઉ દઈને હસી દેવાયું.

પટેલનું કહેવું સાંભળીને રીંછોલકર ચમક્યા ને પૂછવા લાગ્યા : “ક્યો ગાંડો ?”

આંખની ઇશારતથી ચિત્તરંજનને બતાવતાં પટેલે કહ્યું : “કેમ વળી ? આ બેઠો છે તે !”

ડૉક્ટર તો આ સાંભળી ખડખડાટ હસી પડ્યાં. એમણે ધીમેથી પટેલના કાનમાં કહ્યું : “એ ગાંડા નથી. એ ડાહ્યા છે, મારા મિત્ર છે. તમારી પેઠે પાગલખાનું જોવા આવ્યા છે.”

આટલા શબ્દો સાંભળતાની સાથે જ પટેલ ચમક્યા : હેં ! આ શો ગોટાળો થઈ ગયો ?

પટેલ અને ડૉક્ટર વચ્ચે આ નાટક ચાલતું હતું. એ જોઈ ચિત્તરંજનને પણ હસવું આવ્યું. એ પણ ડૉક્ટરની પાસે પોતાની ખુરશી લાવ્યો. પછી એમના કાનમાં ધીમેથી કહેવા લાગ્યો : “ડૉક્ટરસાહેબ ! આ ગાંડાલાલ ચક્રમશંકર શી માથાફોડ કરે છે ? મારી સાથે વાતો તો બહુ ડાહી-ડાહી કરી ! હૉસ્પિટલમાં જ ભરાઈ રહે છે અને બહાર ચાલ્યા જતા નથી, એટલું સારું છે !”

ડૉક્ટર વળી ચમક્યા ! આ ગોટાળો જાણી એમનું હસવું તો માય નહિ. હસ્યાં જ કરે, હસ્યાં જ કેર ! હસતાં-હસતાં એમની આંખમાં પાણીય આવી ગયાં. પછી બોલ્યાઃ “ચિત્તરંજનભાઈ ! આ મારા મિત્ર બકોર પટેલ.”

પછી પટેલ તરફ મોં ફેરવી બોલ્યા : “અને બકોરભાઈ, આ મારા મિત્ર ચિત્તરંજનલાલ ! તમે એકબીજાને ગાંડા ધારી લીધા, પણ બંને છો ડાહ્યા ! સો ટકા ડાહ્યાડમરા !”

બધો ગોટાળો બંને જણાની સમજમાં આવી ગયો. એટલે પટેલ હસતા-હસતા ઊભા થયા. એમણે ચિત્તરંજન સાથે હાથ મિલાવી ગમ્મતમાં કહ્યું : “ચાલો, ચિત્તરંજનભાઈ ! ડૉક્ટરસાહેબે આપણને પ્રમાણપત્ર આપ્યું કે આપણે ગાંડા નથી, પણ ડાહ્યાડમરા નંબર વન છીએ. એટલે હવે આપણે આ ગાંડાની હૉસ્પિટલમાં રહેવાની જરૂર નથી.”

ડૉક્ટર કહે : “ના, તમારે અહીં રહેવાની જરાય જરૂર નથી. પણ, હા ! એક વાત ધ્યાનમાં રાખવાની. પ્રાણીમાત્રમાં ગાંડપણનો થોડોક અંશ તો હોય છે જ. હું ૧૦ ગ્રામ ગાંડો છું, ને તમે બંનેય પ-પ ગ્રામ તો ગાંડા હશો જ. એમાં શંકા નથી !”

આ સાંભળી બંને પાછા ખડખડાટ હસી પડ્યા. પછી ટ્રેનનો સમય થવાથી બંને જણે રજા લીધી !