શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ?
કહેવાય છે કે પૃથ્વી ઉપર લગ્ન માટેના જોડા ઉપરથી નક્કી થઈને આવે છે. હકીકતમાં આ વાતમાં સત્ય કેટલું છે એ તો સાથે જીવનારી બે વ્યકિત જ નક્કી કરી શકે છે. છોકરીની મુગ્ધાવસ્થા અને છોકરાની કિશોરાવસ્થા પૂરી થતાં લગ્નની ઉંમરે પહોચતાં લગભગ દરેકને આ પ્રશ્ન થતો હશે લગ્ન પછીનું જીવન કેવું હશે? લગ્ન કોની સાથે કરવા? લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા? ક્યા લગ્ન ઉત્તમ ગણાય? લવ મેરેજ કે એરેન્જ મેરેજ?
ઘણાં એરેન્જ મેરેજ કરનારા એમ વિચારીને દુઃખી થતાં હશે કે મારા લવ મેરેજ થયા હોત તો હું મારું મનગમતું પાત્ર મેળવી શક્યો હોત. જ્યારે લવ મેરેજ કરનારા એમ વિચારીને અફસોસ કરતાં હશે કે મેં હાથે કરી કુહાડી મારા પગ ઉપર મારી.
એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એને ટકાવી રાખવાં સૌથી વધુ અગત્યનું પરિબળ છે પ્રેમ. લગ્ન એ પ્રેમ કરી અને તેને કાયમ ટકાવી રાખવાનું બંધન છે. કારણકે લાંબા ગાળાનાં એકધારા સહવાશ દરમિયાન પ્રેમને ટકાવી રાખવો એ જ સૌથી મુશ્કેલ કામ છે.
પ્રેમ એટલે શું?
એ કોઈ સબંધ છે કે બંધન છે ? કે મનનું મન સાથેનું ગઠબંધન છે…
આ વિચારવા જેવી બાબત છે. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિને દોષ આપતા પહેલા તેના દરેક પાસાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે …લવ મેરેજમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે.આવી સ્થિતિમાં જ્યારે બસ પ્રેમ થઈ જાય છે ત્યારે તેના સારા નરસા પરિણામોનો વિચાર કરવાની સુધબુધ પ્રેમીઓ ગુમાવી દેતા હોય છે. અને કેટલીક વખત માત્ર આકર્ષણને કારણે પાત્રની પસંદગીમાં થાપ ખાઇ જવાતી હોય છે. હકીકતમાં અઢારથી અઠ્ઠયાવીસ નાં દસકા વચ્ચેની ઉંમરનો માણસ પ્રેમ અને આકર્ષણની પાતળી ભેદ રેખાને સમજી શકતો નથી.
આકર્ષણનાં પાયા પર રચાયેલો લગ્ન સંબધ અને તેમાં આવતા પરિણામો જીંદગીમાં સુખને બદલે અસુખ નોતરે છે. થોડા વર્ષમાં આકર્ષણનો એ ઉભરો સમી જાય એટલે વિચારે કે આના કરતા એરેન્જ મેરેજ થયા હોત તો સારું હતુ. કમસે કમ માતાપિતા કે કુટુંબના કોઈ વડીલની સલાહ કે પસંદગીને ઘ્યાનમાં લેવાઈ હોત તો મને યોગ્ય પાત્ર મળ્યું હોત!!?
પ્રેમલગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય પણ ગમે તેવી કપરી સ્થિતિમાં સાથી સાથે હળવા મૂડમાં રહેવું જરૂરી છે.નહીતર ગમે તેવા સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી.ક્યારેય જો આપણે જોઇએ છીએ કે સામાન્ય પણે આપણી આજુબાજુ કાયમ ખુશમિજાજમાં રહેતા લોકો બીજાને વધુ પસંદ આવતા હોય છે.જ્યારે અકડું અભિમાની કે ગંભીર લોકોને મિત્રો બહુ ઓછા હશે.બસ આજ પરિબળ સુખી લગ્નજીવને માટે જરૂરી છે.સદા મળતાવડું અને હસમુખું પાત્ર તણાવ પામેલા લગ્નજીવનને ફરીથી ખુશીઓથી મહેકતું બનાવી શકે છે.
શોભા અને સંજીવનાં પ્રેમ લગ્ન હતા બંને કોલેજના દિવસોથી એકબીજા તરફ આકર્ષાયા હતા.ખાસ કરીને બંનેનાં શોખ અને રુચિ એકસરખા હતા આથી તેમને જોનાર દરેક માનતા કે આ જોડું બેસ્ટ કપલ બની શકે તેમ છે. બંનેના શોખ અને સ્વભાવ સરખા હતા પણ એક અસમાનતા હતી કે શોભા ઉચ્ચ મધ્યમ પિતાની પુત્રી હતી.જ્યારે સંજીવ મધ્યમવર્ગનાં પિતાનો ત્રીજા નબરનો પુત્ર હતો. તેનું પરિવાર સંયુક્ત હતું. આ અસમાનતા જોતા બંને પરિવારો આ લગ્નની વિરૂધ્ધમાં હતા. છતાં શોભા અને સંજીવની જીદ સામે બધાએ હાર કબુલી લીધી અને તેમના લગ્ન સાદાઈથી કરાવી આપ્યા. લગ્ન પછી થોડા સમય બધું બરાબર ચાલતું રહ્યું. છેવટે સંજીવને ગૃહસ્થજીવન જવાબદારી પૂરી કરવાં માટે બોજો માથે પડતા કેટલા વિસે સો થાય છે તે સમજાવવા લાગ્યું.આ જવાબદારીએ તેના હાસ્ય અને શોખને છીનવી લીધા.વધુ પૈસા કમાઈને પોતાનું ઘરનું ધર બનાવવામાં તે આખો દિવસ કામમાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.
આ તરફ નાનકડા ઘરમાં શોભા પણ મુઝાતી હતી.જેના સાથ માટે તે બધું છોડીને આવી હતી તે સંજીવ પોતાનાં કામસર હવે એનાથી દુર રહેતો હતો.પરિણામે એ વિચારતી કે હવે સંજીવ બદલાઈ ગયો છે.હવે એની પાસે મારી માટે સમય નથી અને તેના શોખ પુરા કરવા તેની પાસે જોઈતા રૂપિયા પણ એ આપવામાં ગલ્લાતલ્લા કરે છે.આ બધા અસંતોષમાં તેનો મૂળ સ્વભાવ બદલાઈ ગયો.એક હસતા રમતા જોડાને જાણે કોઈની નજર લાગી ગઈ અને રોજનાં તણાવ અને સમયના અભાવે તેમને બહુ જલ્દી અલગ કરી દીધા.
આવા સમયમાં શોભા અને સંજીવ પોતાના સંબંધમાં નિરસતાની ફરિયાદ કરવાને બદલે એકબીજાને સમજવાની કોશિશ કરી હોત અને બંનેએ કપરી પરિસ્થિતિમાં પોતનો મુળભૂત હસમુખો સ્વભાવ જાળવીને પરસ્પર થતી બોલાચાલી કે આક્ષેપોને ગંભિરતાથી લેવાને બદલે હળવા મુડમાં કે હસી-મજાક ગણીને અપનાવ્યા હોત તો આજે આ બે પ્રેમાળ હૈયાઓને આમ વિખૂટા પડવાનો દિવસ નાં આવ્યો હોત….એક બીજાની અણસમજનાં કારણે ઉદભવેલી પરિસ્થિતિને કારણે છેલ્લે તો દોષ દેવાયો લવમેરેજના લેબલને.
ઘણા યુગલો એવા હોય છે જેમાં કેટલીક વખત એકતરફી પ્રેમ હોય છે.તેવા સમયમાં જો લગ્ન નક્કી થયા તો તેના પરિણામો બહુ ઘાતક આવે છે પ્રેમમાં એક તરફી પાગલતા પણ સારી નહીં.એક તરફી પ્રેમનાં કારણે લગ્નજીવનમાં એક પાત્રની નિરસતાનાં કારણે જે સહજીવની અસલ મીઠાસ હોય છે એની સતત ગેરહાજરી જોવા મળે છે.
મારી આસપાસના કેટલાક યુગલોનાં જે અનુભવો હતા એ એકબીજાથી ભિન્ન હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, તો કેટલાક અસફળ રહ્યા તો કેટલાંક સમજુતીથી નિભાવ્યે રાખતાં હતાં.
માત્ર સમાજને દેખાડવા ખાતર અથવાં સંતાનો હોય તો એનાં ખાતર આવા લગ્નજીવન નિભાવતાં હોય છે.
પ્રેમ હોય કે લગ્ન જીવન હોય.જ્યારે અધિકાર ભાવના એક હદ કરતા આગળ વધી જાય છે ત્યારે ગમે તેવા મજબુત સબંધને તોડી નાખે છે.ત્યારે એમ જ લાગે કે જાણે વધારે પડતા ખેચાણને કારણે મજબુર રબર પણ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેડોળ બની ગયું છે.
આમ કરવાની કોશિશ બહુ ઘાતક પરિણામ આપી શકે છે.કેટલાક લોકોને ટેવ હોય છે કે મારી પત્ની કે મારો પતિ મારી મરજી મુજબ જીવે.હમેશા મને ગમતું એ કાર્ય કરે.મારી જ પસંદગીના કપડા પહેરે.શરૂઆતમાં સામેની વ્યક્તિ વધું પડતો સ્નેહ ભાવ સમજીને સાથીને હાવી થવા દે છે પરંતુ સમય જતા તેને આજ વસ્તુઓનો ભાર લાગે છે અને તેનામાં રહેલ હું બહાર આવવા કોશિશ કરે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે.છેવટે થતું નુકશાન બંનેએ ભરપાઈ કરવું પડે છે.
સીમા અને મહેશ વચ્ચે આવું જ કંઇક બન્યું હતું.બનેનાં લગ્નની શરૂઆતમાં સીમાનાં સાડી ડ્રેસથી લઇને ચપ્પલ સુધ્ધાની પંસદગીમાં મહેશ પોતાને ગમતાં રંગોની પહેરે એવો જ એનો આગ્રહ રહેતો હતો.શરૂઆત સીમાં મહેશને ગમે એ મને પણ ગમે એમ સમજીને મહેશની પંસદગીને પ્રાધાન્ય આપતી હતી.જેમ જેમ વરસો વિતતા જતાં હતા.ટીવીથી લઇને ઓનલાઇને શોપીંગ જાહેરાતોમાં અવનવી વસ્તુઓ જોઇને સીમાં પોતાને ગમતી વસ્તુંઓનો આગ્રહ રાખવા માંડી.પરિણામે નાની નાની પસંદગી બાબતનાં ઝઘડા મોટું સ્વરૂપ લઇ લેતાં હતાં.
સૌ પ્રથમ વિચારવું જોઈએ કે તમારો સાથી શું ઈચ્છે છે?તેને તમે સજાવવા માગો છો એ પ્રકારની સજાવટ એને પસંદ છે કે નહી? પતિ પત્ની એ પોતાની ઈચ્છા અનિચ્છા એકબીજા ઉપર લાદવાનો પ્રયત્ન નાં કરવો જોઈએ.કારણકે આ રીતે પડતી ગાંઠ જલદી ઉકેલાતી નથી એકવાર જો તે આ બાબતને લઇને નારાજ કે દુર થઇ ગયેલો સાથી પછી કદાચ તમારા લાખ પ્રયાસો પછી પણ મૂળ ભાવે તમારાથી ના પણ જોડાઈ શકે.
તમે અધિકારભાવથી સાથીદાર પંસદગી બદલી શકો છો પણ એનો મુળભૂત સ્વભાવ બદલી શકતા નથી.કદાચ એનો મુળભૂત સ્વભાવ અને આદત બદલવાં મજબૂર કરો તો એનું ધાતક પરિણામ આવી શકે છે…આવો જ એક દાખલો છે રજની અને રોકીનાં લગ્નજીવનનો છે.
રજની અને રોકીના લગ્નજીવનમાં આ એક વાત હોળી પ્રગટાવી ગઈ હતી.. ..
રોકી એક ફેશનેબલ યુવાન હતો.માતા પિતાની પસંદગી પ્રમાણે તેના લગ્ન એક સીધી સાદી રજની સાથે થયા.તે ભણેલી સંસ્કારી યુવતી હતી પરંતુ તેનો ઉછેર સંસ્કારોની આડમાં બહુ સામાન્ય રીતે થયો હતો.આથી રોકીને રજની ગામડીયણ લાગતી હતી.છેવટે માતાપિતાની સલાહ મુજબ તેણે રજનીને પોતાને ગમતી યુવતી બનાવાવનું બીડું ઝડપ્યું.તેથી રજની માટે આઘુનિક યુવતીને શોભે તેવા ટુંકા વસ્ત્રો રોકી લઇ આવતો.બ્યુટી પાર્લરમાં શારીરિક સાજ સજાવટ માટે સમયાંતરે લઇ જતો.આમ ધીરેધીરે રજની રોકીની પસંદ આવે એવી મોર્ડન બની ગઈ. હવે તે રોકી સાથે પાર્ટીઓમાં જવા લાગી અને ક્યારેક ડ્રીન્કસ પણ લેવા લાગી.રજનીની સુંદરતાથી અંજાઈ રોકીના મિત્રો ક્યારેક તેની સાથે છૂટછાટ લેતા તો રોકી અકળાઈ ઉઠતો.
પરંતુ આઘુનીકતાનો ચહેરો લગાવેલી રજનીને આ બધું સામાન્ય લાગતું હતું.તે રોકીના વર્તનને ઉલટી રીતે સમજવા લાગી. રજની હવે વિચારતી કે રોકી તેની ખુશીથી જલે છે તેને ઈર્ષા આવે છે કે પોતે બીજા સાથે મિત્રતા રાખે છે. બંને વચ્ચે નાં મતભેદ એ પછી મનભેદ સુધી પહોચી ગયા. રજની હવે રોકી વગર પણ પાર્ટીઓમાં જવા લાગી હતી અને આ બાબતે જ્યારે રોકી કે તેના પિતા રજનીને કઈ કહે તો જવાબમાં કહેતી હતી કે હું તો સીધી સાદી યુવતી હતી પણ આ બધું તમારા ઘરે આવીને હું શીખી છું. હવે જયારે આ જિંદગી મને માફક આવી ગઈ છે ત્યારે તમારા ઇશારે ફરી બદલાઈ જવું મને મંજુર નથી.હવે હું જેવી છું એવી જ અલ્ટ્રામોર્ડન સ્વીકારવી પડશે.
આમ સામાન્ય રીતે સુખી લાગતું યુગલ દેખાડા કરવા બદલ બરબાદીના રવાડે ચડી ગયું .આમ જોતા અહી એરેન્જ મેરેજ હતા છતાં પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ હતી .
મોટે ભાગે લગ્ન નિષ્ફળ નથી જતાં પરંતુ,લગ્ન કરીને જીવાતુ જિવન નિષ્ફળ હોય છે..બે વ્યક્તિઓ વચ્ચેની સમજ નિષ્ફળ જાય છે.કારણકે લગ્ન માત્ર સ્ત્રી અને પુરુષનું શારીરિક ઐક્યથી ટકતી કોઈ ઘટના નથી.તેમાં બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એકત્વ થવું જરૂરી છે.સાચુ ઐકય માનસિક રીતે તમારૂ બંધન કેટલુ મજબૂત છે,એના પાયા પર ટકેલુ રહે છે… કારણકે અહી બે અલગ વ્યક્તિઓનો વૈચારિક સંગમ પણ એટલો મહત્વનો બને છે..દરેકનું વ્યક્તિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે..અને મોટે એક બીજાથી સ્વતંત્ર હોય છે.આથી સ્વાભાવિક રીતે જ જીવન સમજવાની રીત પણ અલગ હોય છે ..આ અલગ દ્રષ્ટીકોણનું લક્ષ એક થવું જરૂરી છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું લગ્ન જીવન હશે તો પણ સફળ જશે .
સહજીવનમાં પ્રેમની ઈચ્છા અનિચ્છાઓ નું બેલેન્સ જાળવવું એ પણ એક કળા છે. પ્રેમમાં લાગણીઓનો અતિરેક કે પ્રદર્શન કરવાનું છોડી એકમેકને સાથ આપવાનું વધુ જરૂરી બને છે. સુખી લગ્ન જીવન માટે જરૂરી રહે છે કે સાથી સામે મનની વાત મનમાં છુપાવી રાખો નહી..અહી વિશ્વાસનું બંધન જેટલું મજબુત હશે તેટલું જીવન સરળ બનશે તે સાવ સાચું છે. જ્યાં વિશ્વાસનો જરા સરખો અભાવ જણાશે,તો ધીમે ધીમે પ્રેમમાં દુરત્વ પેદા થાય છે.“
અવિશ્વાસ અને ભરોસોના કમી એટલે કે જાણે ઉકળતા મીઠાં દુઘમાં ચમચી ખટાસ જે દુઘ અને પાણી અલગ કરે છે”
અને જયારે આ વાત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે, અને પ્રેમનો નાજુક છોડ લગ્નના બંધનમાં બંધાયા પછી પણ ખીલી શકતો નથી. આ સહજીવનનો છોડ આંબાની કલમની જેમ તમારા વર્ષો અને ધીરજની કસોટી કરે છે. તેને હંમેશા લાગણીનું ખાતર અને ધીરજનુ પાણી આપી માવજતથી ઉછેરવો પડે છે..અને જ્યારે આ છોડ વિકસીને ઝાડ બની જાય ત્યારે લગ્ન જીવનમાં મીઠાસનાં ફળો ઉગવા માંડે છે…અને એની મીઠાસ આજીવન માણવા મળશે..
નાની મોટી લડાઇ-ઝઘડા..રીસાવવુ..મનાવવું એ બધું અહી આવી ક્ષણભંગુર હોવું જરૂરી છે. લગ્ન જીવન પ્રેમ કર્યા પછી કરાયું હોય કે લગ્ન કર્યા પછી પ્રેમ થયો હોય બંને બાબતો માટે મહત્વનું છે કે, આ સબંધ માત્ર અપેક્ષાઓ સંતોષવા બનેલો નાં રહે. આવા સબંધ માત્ર અને માત્ર દુઃખ સિવાય કશું જ આપી શકતો નથી
અત્યારે યુવક યુવતીઓના લગ્નની ઉંમર સામાન્ય રીતે જે ૨૨થી૨૪ વર્ષની હતી તે વધીને ૨૪ કે ૨૮ ની થઇ ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે આજકાલના યુવક યુવતીઓ આધુનિક શિક્ષણ અને ટેરવાં પર પીરસાતા જ્ઞાનને કારણે જલ્દી પુખ્ત બની જાય છે.આ બધી વસ્તુઓ એમની વિચારસરણી પર મજબુતાઈથી પકડ જમાવતી હોય છે. જીવનમાં કૈક કરી બતાવવાની ભાવના સાથે તેમની પોતાની જીદગીને જોવાની અલગ દ્રષ્ટી કેળવતી જાય છે. જેના પરિણામે તેઓ બાંધછોડમાં બહુ માનતા નથી અને સો ટકા ગમતું પાત્ર મેળવવાની ઈચ્છામાં ઉમર વધતી જાય છે.
જેમ જેમ ઉમર વધતી જાય તેમતેમ તેમની માન્યતાઓ મજબુત બનતી જાય છે. પહેલા આપણે માનતાં કે કુમળો છોડ વાળીએ તેમ વળે.તે અહી લાગુ પડે છે. જ્યારે આ સત્ય અઠ્યાવીસ ત્રીસ વર્ષના પોતે કમાતા યુવાન યુવતીઓને સમજાવવું ભારે પડી જાય છે. પરિણામે લગ્નની ઉંમર વધતી જાય છે આજે આ સ્થિતિ અમેરિકામાં યુરોપ અને ભારત સહીત બધા જ દેશમાં આ સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે વિચાર આવે છે કે જો અરેંજ મેરેજની પ્રથા ચાલુ રહી હોત તો આવા યુવાન યુવતીઓ પોતાના જીવનમાં ક્યારના સ્થાઈ થઇ ગયા હોત. ગ્લોબલાઇઝેશનાં યુગમાં ઘણાં યુવક યુવતીઓ લગ્ન કર્યાં વિનાં એક બીજાને અનૂકૂળ હોય ત્યા સુધી સાથે રહે છે અને અનૂકૂળ ના આવે તો બંને છુટા પડી જાય છે.
એક રીતે જોઇએ તો અરેન્જ મેરેજની વાત આવે છે. ત્યારે સહુથી પહેલો વિચાર આવે છે કે શું આ પ્રકારનાં લગ્નો ક્યારેક અંધારી કેડી જેવા નથી લાગતા?
કારણકે જ્યાં આગળ ભાવિમાં શું હશે તેનો કોઈ ખ્યાલ આપણને હોતો નથી. મોટે ભાગે આપણા સગાવહાલાઓ આ સારા માણસો છે એવી ભલામણ કરી હોય છે,અને એના કહેવાં પર આવા લગ્નો નક્કી થતાં હોય છે. ઘણી વખત એવું બનતું હોત છે કે જેની સાથે આખો જન્મારો કાઢવાનો હોય તેવી વ્યકિતને એક જ મુલાકાતમાં મળીને માત્ર એક વાર કેમ છો? શું નામ તમારું? તમારો શોખ શું છે? જેવા સાવ સામાન્ય હસવું આવે તેવા સવાલો પૂછવામાં આવે છે અને બસ માત્ર દેખાવ અને એકબીજાના કુટુંબો જોઈ હા કહેવાઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં સૌથી વધારે દયાજનક સ્થિતિ સ્ત્રીની બને છે કે જેને એ જાણતી પણ નથી. એવી વ્યક્તિ સાથે લગ્ન થતાં,જે માતા પિતા એને ફૂલની જેમ સાચવે છે એ જ માતા પિતા તેને પરાયે ઘેર સાવ એકલી વળાવી દે છે અને તે પતિ કહેવાતા પુરુષને લગ્નની પહેલી રાત્રે પોતાનું સર્વસ્વ હસતા મ્હોએ સોંપી દેવાનું હોય છે. તેમાય બીજા દિવસે તેને એ પણ ખબર નથી હોતી કે જેની સાથે હવે આખી જીંદગી વિતાવવાની છે એ સવારમાં ચા પીવે છે કે કોફી? તેને શું પસંદ છે શું નાં પસંદ છે એ પણ જાણતી નથી હોતી. એક રીતે જોઇએ તો આ સામાજિક પરંપરા દ્રારા રચાતા લગ્નો સ્ત્રી માટે ટેમ્પરરી માનસિક આઘાત આપતા લાગે છે તે વાતને સાવ નકારી શકાતી નથી. છતાં પણ ભારતિય સર્વેનાં રીપોર્ટ પ્રમાણે એવું કહેવાય છે કે પ્રેમ લગ્નો કરતાં એરેન્જ મેરેજ વધું સફળ જોવા મળે છે.
આ બાબતે એક સ્ત્રી તરીકે મારૂં એવું માનવું છે કે લગ્ન ગમે તેવી સ્થિતિમાં થયા હોય પરંતુ બંને વ્યકિતએ એકબીજાને સમજવાનો સમય અવશ્ય આપવો જોઈએ. પરણીને પ્રેમ કરો કે પ્રેમ કરીને પરણી જાઓ ,તે મહત્વનું નથી પરતું મહત્વનું છે જેની સાથે જિંદગીભર રહેવાનું છે તેને સમજો તેની પસંદ નાપસંદ જાણો.તો જીવન આસાનીથી શરૂં થઇ શકશે અને હા તેનો અંત કેવી રીતે લાવવો એ તો તમારી સમજ અને ધૈર્ય ઉપર આધાર રાખે છે.લગ્ન જીવનની ગાડીને હાલકડાલક થાય નહી માટે આ બંને પૈડા વચ્ચે સમતોલન જાળવવુ અંત્યત જરૂરી છે. જો સ્વસ્થતા અને સમજદારીના સમતોલ ભારથી બેલેન્સ જાળવી જાણીએ તો જીદગીને સરળતાથી પાર કરી શકાય છે.
જો તમારામાં એક પ્રેમાળ હ્રદય હશે તો સમજ અને ધૈર્ય જેમ જેમ પરિથિતિ આગળ વધે એમ વધુને વધુ આવતા જશે..એક પ્રેમાળ હ્રદય જગત જીતવા માટે સક્ષમ છે.જ્યારે અહીંયા તો એક દિલને જીતવાની વાત છે…
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસેએ ) for review :