નાજુક નમણી પ્રિયતમા - 11 Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાજુક નમણી પ્રિયતમા - 11

નાજુક નમણી પ્રિયતમા - ૧૧

મનગમતું – ૨

ગતાંકથી ચાલુ..

થીયેટરમાંથી પિકચર જોઇને નીકળ્યા બાદ તેં મને ઘર સુધી છોડવા આવવાની વાત કરી અને મેં એના કોઇ જ અર્થઘટનોના ચક્કરમાં પડ્યા વગર સ્વીકારી લીધી.દિલની વાત હોય ત્યારે દિમાગને પોરો ખાવા દેવાનો હોય ને !

રસ્તામાં આઇસક્રીમના પાર્લર પર નજર પડતાં જ તેં મારી સામે આઇસક્રીમ ખાવાની ઓફર મૂકી..આ તો સોનામાં સુગંધ - એક ઓર મનગમતી વાત.. ના કેમની પાડું ? રંગબિરંગી નવી નવી ફ્લેવર્સના આઇસ્ક્રીમમાંથી એક આઇસક્રીમ પર પસંદગી ઢોળી અને થોડી વારમાં તો આપણે બેય જણ ટેબલની સામ-સામે આઇસક્રીમ લઈને ગોઠવાઈ ગયાં.

આજે મારી સાથે એક અજબ વાત થઈ રહી હતી જે કહેવાતી પણ નહતી અને સહેવાતી પણ નહતી. મારી નજર તારી નજરનો સીધો સામનો જ નહતી કરી શકતી, તારી વાતોનો જવાબ આપતી વેળા સતત આંગળી દુપટ્ટો વીંટાળવામાં વ્યસ્ત થઈ જતી હતી. વાક્યોની ગોઠવણમાં પણ ગરબડ થઈ જતી હતી. હું રહી શબ્દે શબ્દ તોલીને બોલનારી વ્યક્તિ તો આજે આવું કેમ? તારું ધ્યાન ના હોય ત્યારે છુપાઇને તને વારંવાર જોઇ લેવાની એ ચોરટી ચેષ્ટા પર મનોમન નવાઇ પણ લાગતી હતી કે તું તો મારો વર્ષો જૂનો મિત્ર..આ બધું મારી સાથે આજે શું થઈ રહ્યું છે. કંઇ જ સમજાતું નહતું, જોકે દિલમાં કંઇક મીઠી મીઠી ખુશીની તરંગો ઉઠતી હતી અને જે ના સમજાય એ સમજવા માટે તસ્દી લેવાની સહેજ પણ ઇચ્છા પણ થતી નહતી એ વાત મને બરાબર સમજાતી હતી. દિમાગના દરવાજા આજે સજ્જડપણે બંધ જ થઈ ગયેલા હતાં અને ચોતરફ દિલની દુનિયાનું સામ્રાજ્ય રાજ કરતું હતું.

જો કે આ બધી ભાંજગડમાં મારા હાથમાંથી આઇસક્રીમ પીગળી પીગળીને મારા ટી-શર્ટ પર પડવા લાગ્યો..પણ મુજ દિવાનીને એ ભાન જ ક્યાં..!! એ વિચારતંદ્રા તો તારા હાથના ઉષ્મા ભર્યા સ્પર્શથી તૂટી. તૂટી તો એવી તૂટી કે આઇસક્રીમ પરની પકડ સાવ જ છૂટી ગઇ અને એ અડધો જમીન-દોસ્ત ને અડ્ધો તેં એને બચાવવા લંબાવેલા હાથ પર પ્રસરી ગયો..તું ખડખડાટ હસી પડ્યો ને તોફાની સ્વરમાં બોલી ઉઠ્યો,

‘ખરી છે તું પણ..લિફ્ટમાં મારા ગાલ તારા ગરમાગરમ, અસ્ત-વયસ્ત શ્વાસોચ્શ્વાસથી ભરી દીધેલા અને અત્યારે મારો હાથ ઠંડા ઠંડા આઇસક્રીમથી..’

અને હું શરમથી રાતીચોળ..પાછું મનમાં એક વિચારે ચૂંટીયો ખણ્યો : ‘તારી આ વાતોનો સંદર્ભ હું સમજું છું એ જ છે કે આમાં પણ હું મારી મચડીને મરો કોઇ મનગમતો અર્થ શોધુ છું..?’

ત્યાં તો અચાનક તું ઉભો થઈને મારી બાજુની ખુરશી પર બેઠો..મારો હાથ પકડી લીધો અને બોલી ઉઠ્યો,

‘સુગંધી, બહુ વખતથી એક વાત દિલના ખરલમાં ઘૂંટાયા કરે છે તો થાય છે કે આજે કહી જ દઉં, એક મીનીટ મારી આંખોમાં જોને પ્લીઝ..’

નજરથી નજરનો તાર સંધાયો..

‘સુગંધી, તું..તું મને ગમે છે…બહુ જ ગમે છે… તારી વાતો, તારા આ સિલ્કી વાળ, ગોરા ખંજનયુકત ગાલ, તારા કાન પર ઝૂલતી રહેતી આ લટ, તારા હોઠની નીચેના ખૂણામાં રહેલો એક કાળો તલ, તારી કાળી કાળી લાંબી શી પાંપણો અને એ પાંપણ પર રહેલી કમાન શેઈપની આઇબ્રો...આ બધાથી હું બરાબર પરિચીત છું - કદાચ..તું પણ એ બધા વિશે નહીં જાણતી હોય એટલું હું જાણું - પહેચાનું છુ. તું મને આપણી પહેલી મુલાકાતથી ગમે છે.. શું તું મારી જીવનસંગીની બનીશ…? આ પીઘળતા આઇસક્રીમની સાખે તને વચન આપું છું કે તને હું મારા જીવથી પણ અદકેરી સાચવીને રાખીશ.દુનિયાની સર્વ ખુશીઓ તારા દામનમાં ભરી દઈશ..જો કે તારા પક્ષે ના પાડવાની પૂરી છૂટ છે. પણ એ પછી આપણે દોસ્ત નહી રહી શકીએ..કારણ જેને પ્રેમ કરતાં હોઇએ એને દોસ્ત તરીકે સ્વીકાર કરવો એ વાત સાવ જ પાયાહીન છે. તો હવે વિચારીને શાંતિથી જવાબ આપ..”

વળતા જવાબની માંગણીએ તારામૈત્રક તૂટી ગયું.

આવી વાતનો જવાબ શું અને કયા શબ્દોમાં અપાય ? હું તો આ બધા રસ્તાઓથી સાવ જ અપરિચીત, જીવનમાં પહેલી જ વાર આવો અણધાર્યો પ્રસંગ આવીને ઉભો રહી ગયો અને દિલની ધડકન મોઢા પર તાળું મારીને બેસી ગયેલી..સાવ જ ચૂપચાપ..મારા દિલની વાત આમ સાવ જ બેશરમ થઈને કેમની કહી દઉં ? આ અમૂલ્ય પળો મારા જીવનમાં પ્રથમ વખત અનુભવી રહી હતી. મારા જીવનબાગમાં આ વસંત પહેલવહેલી વાર ખીલી રહી હતી..ચોતરફ સંવેદનાના નાજુક પુષ્પો ખીલી રહ્યાં હતાં. આ પળોને ભરપેટ માણી રહેલી. આંખોમાં નશીલો ઉન્માદ છવાઇ ગયો..રાતા રાતા ટશિયા એની ચાડી ખાઇ જતા હતા.

પ્રાર્થનાના ફ઼ુલ જેવી પવિત્ર છે આ પળો,

આંખે અડાડીને માથે ચડાવું છું આ પળો.

ધડકન ઠેઠ કાનમાં આવીને પડઘાય,

આશકાના સ્પંદનો રોમે-રોમમાં ફ઼ેલાય,

પ્રભુની લગોલગ પહોંચાડી દેતી,

બહુ જ માસૂમ છે પ્રેમની આ પળો…!!

તું પણ સાવ જ નાદાન..મારા દિલમાં પણ તારા માટે પ્રેમના અંકુર ફૂટી નીકળેલા એ વાત સમજી કેમ નહતો શકતો..મને પણ તારો સાથ ગમતો હતો..પણ આ બધું…..નજર નીચી અને પગનો અંગૂઠો સતત જમીન કોતરવામાં વ્યસ્ત…છેલ્લે પગનો નખ પણ થાકીને બેવડ વળી ગયો..તૂટી ગયો….!! આઉચ, શું થયું…અહ્હ..કંઇ નહીં એ તો…

તું પણ સાવ જ નાદાન..મારી પ્રેમોર્મિની ઉષ્મા તને સંવેદાતી કેમ નહતી, બધું ય શબ્દોથી બોલવાનું હોય કે..સમજણને આંખ કાન હોય કે નહી…!!

અશબ્દ..અભિવ્યક્તિ..આ બેય વજનદાર પડની વચ્ચે મારી શરમ મને પીસતી રહી ત્યાં તો તારી ધીરજ ખૂટી ગઈ,

‘એક મીનિટ મારી આંખોમાં આંખો નાંખીને તો જો’

એ આદેશાત્મક ઘેરા અવાજના આકર્ષણમાં ખેંચાઇને મારી નજર તરત તારા ચહેરા તરફ ગઈ, પણ વળતી જ પળે પાંપણો લાજના ભારથી ઝુકી ગઈ.

‘નયન લાજથી ઝુકી-ઝુકી જાય છે,

સાજન હો નયનની સામે અને

દિલ એક ધડકન ચુકી ચુકી જાય છે.

‘તારા શારીરિક હાવભાવ સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે કે તારા દિલમાં પણ મારા માટે કંઇક તો છે જ..શું હું ખોટો છું..?’

‘….’

‘તો હું સાચો ને?’

‘……’

અને તું મારી વધારે નજીક આવ્યો.તારા શ્વાસ મારા ચહેરા પર અથડાવા લાગ્યા, મારા રુંવાડા ઉંચા થઈ ગયા, હૈયું એક ધબકાર ચૂકી ગયું, આંખો બંધ થઈ ગઈ ને એની કિનારથી આંસુની એક પતલી ધાર વહી ગઈ, હોઠ થરથરવા લાગ્યા પણ શબ્દો બહાર ના નીકળી શક્યા ને મારાથી મનોમન બોલાઇ ગયું..

આંખ બંધ કરું ને તું દેખાય,

આંખ ખોલું તો તું દેખાય,

મને તો બહુ સમજ નથી પણ,

લોકો કહે છે કે આને પ્રેમ કહેવાય..’

અને તેં નિર્ણયાત્મક રીતે મારો હાથ પકડી લીધો, મક્ક્મ અવાજે બોલ્યો..

‘તો આજથી આ નાજુક હાથ મારો.’

અને હું ના તો કંઇ બોલી શકી કે ના તો હાથ છોડાવી શકી..બસ વિચારી રહી,

‘બે પ્રેમીઓની હથેળી આપસમાં મળે ત્યારે

એ બેયની ભાગ્યરેખાઓ પણ એક

થઇ જતી હશે કે..’

સૃષ્ટિ-નિયંતા તું પણ જબરો કારીગર છે હોંકે.. આંખ, કાન જેવા બાહ્ય આકારના અવયવોના કાર્ય વિશે તો હું પૂર્ણ રીતે જાણકાર હતી.પણ સૌથી મહત્વના અવયવ હ્ર્દયને તેં ગુપ્ત રીતે ચામડીના આવરણો હેઠળ ઢબૂરી દીધું. આખે આખું તન જેની પર આધારીત એવા સૌથી નાજુક અંગ-હ્રદયમાં જીવન રક્ષક અને પોષક પ્રેમ-પદાર્થ મૂકીને તેં કમાલ જ કરી નાંખી છે.

એક પણ શબ્દ બોલ્યા વગર મારી હસ્તી જોડે જેના તાણાવાણા વણાવા લાગેલા એવી ‘મારી’..’તારી’…ના ના.. ‘આપણી’ નિર્દોષ-નિષ્છલ પ્રેમકહાનીના મંડાણ- અથશ્રી થયા..

‘કોઇ અક્ષત, કંકુના છાંટણે એને વધાવજો રે

રાજીપાના બે ગીતડા કોઇ ગાજો રે..’

સ્નેહા પટેલ – અક્ષિતારક