કાલ્પનિક વાસ્તવિકતા - ૨ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૨

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૨

-ભાર્ગવ પટેલ

“એનું નામ દિવ્યા હતું”

“હમ્મ્મ”

“અમે બંને સ્કૂલ ટાઈમથી એકબીજા સાથે પ્રેમમાં હતા”

“હમમ્મ”, અમી એકેક શબ્દમાં વચ્ચે સુર પુરાવતી હતી.

“એક્ચ્યુલી અમે બંને બારમા ધોરણના એક શાળા-પ્રવાસમાં પહેલી વાર વાત કરી હતી અને ત્યાંથી અમારી કહાની શરુ થઇ”

“બરાબર”

“ચાર વર્ષની લાંબી રીલેશનશીપમાં અમે એકબીજા માટે ઘણું જીવ્યા અને સાથે જીવવા મરવાના ઓરતા પણ સેવી લીધા હતા”, સંકેત અમી સાથેના સંબંધમાં પારદર્શિતા ચાહતો હતો અને એટલે જ એણે બધું કહેવાનું નક્કી કર્યું હતું.

“પછી? પછી શું થયું? તમે બંને અલગ કેમ થયા અને કેવી રીતે?”

“અમે બંને અલગ થયા એ સમય ઘણો કપરો હતો અમારા માટે. મેં મારા મમ્મી પપ્પા સાથે અમારી રીલેશનશીપ વિષે વાત કરી અને એણે એના મમ્મી પપ્પા સાથે!”

“તો એમણે શું કહ્યું?”, અમી જાણે કોઈ રહસ્યકથા સાંભળતી હોય એમ ઉત્કંઠા બતાવવા લાગી.

“અમારા બંનેના મમ્મી પપ્પા આંતરજ્ઞાતિય લગ્ન માટે રાજી નહતા અને અમે બંને એમની ખુશીના ભોગે એકબીજાના થવા માંગતા નહતા”

“બરાબર!”

“પછી એક સાંજે અમે મળ્યા અને અમે બંનેએ ઘરની અને બાકીના બધાની ખુશી માટે અલગ થવાનો નિર્ણય લીધો. એ સમય ઘણો કપરો હતો પણ અમે માં-બાપની સંમતિ વગર એકબીજા સાથે ખુશ રહી જ નહતા શકવાના એના કરતા બેટર છે કે ત્યાંથી જ પૂર્ણવિરામ મૂકી દઈએ”

“સાચી વાત”

“આટલી ચાર વર્ષની રીલેશનશીપમાં અમે ઘણી વાર એકબીજાની નજીક આવ્યા હોઈશું પણ અમે કોઈ મર્યાદાનું ઉલ્લંઘન નહોતું કર્યું, આઈ હોપ તું સમજી શકે છે”

આ સાંભળીને અમીએ કચવાતા અવાજે ‘હા’ ભણી.

“મારે જે કહેવું હતું એ હું કહી ચુક્યો.”, સંકેતે પોતાની કથની ટૂંકમાં પૂરી કરી અને કહ્યું, “જો તને હજીયે કંઈ સવાલ હોય તો પૂછી શકે છે, મારા પાસ્ટ વિષે કે બીજા કોઈ પણ મુદ્દા વિષે!! અને ઇફ યુ થીંક કે તું મારી સાથે ખુશ રહી શકીશ તો જ હું અહીંથી આગળ વધવા માંગુ છું.”, સંકેતે સીધું જ કહ્યું.

“એવું કંઈ નથી સંકેત, ઉપરથી તારી આ નિખાલસ કબુલાત મને વધારે ગમી”, અમી થોડી ગંભીર થઇ.

“આજે મેં પહેલો ફોન આટલા માટે જ કર્યો છે કે આપણે આપણા ભવિષ્યનો વિચાર કરતા પહેલા એકબીજાના ભૂતકાળને બરાબર સમજી શકીએ જેથી એક વિશ્વાસનો પાયો નંખાય, અને પ્રેમના સંબંધના પાયામાં વિશ્વાસ અગત્યનો છે”

“સાચી વાત છે તારી, અને એટલા માટે જ હું પણ તને કંઈક કહેવા માંગતી હતી”

“મને ખબર છે કે તારો પણ પાસ્ટ છે, અને એટલે જ મેં પહેલા મારી વાત કરી કે જેથી તું મને કંઈક કહેતા પહેલ સહેજ પણ ખચકાટ ના અનુભવે”

“તને કેવી રીતે ખબર?”, અમીએ અચંબિત લહેકામાં પૂછ્યું.

“તે જ્યારે કહ્યું કે ‘આપણે બંને....’ ત્યારે તારા બોલવાના લહેકા પરથી હું જાણી ગયો હતો કે તું આ વિષે જ કંઈક વાત કરવા માંગતી હતી. અને આજના જમાનામાં લગ્ન પહેલા પ્રેમસંબંધ હોવા એ સામાન્ય વાત છે, મુખ્ય વસ્તુ છે કે તમે હાલમાં જેની સાથે છો એની પ્રત્યે પૂરેપુરા વફાદાર છો કે નહી?”

“ખરી વાત”, અમીના મનમાં હાશ થયું. કારણ કે એ એના સમાજની બધી રીતભાતથી પરિચિત હતી. એમના સમાજમાં લગ્ન પહેલા પ્રેમને બહાલી આપવામાં આવતી નહતી. પણ, બરોડા રહ્યા પછી અમીની આ માનસિકતા રહી નહતી.

“હા તો તું કંઈક કહેતી હતી”, સંકેતે કહ્યું.

“કોલેજમાં મારી સાથે મારા ક્લાસમાં ભણતા એક છોકરા પ્રત્યે મને પ્રેમ હતો. અમે બંને કોલેજના પહેલા યુથ ફેસ્ટીવલમાં એક ટીમનો ભાગ હતા અને ત્યાંથી અમારો એક્બીજા સાથે કોન્ટેક્ટ વધ્યો અને અંતે પ્રેમમાં પરિણમ્યો.”

“નામ?”

“સૃજલ”

“હમ્મ્મ”

“અમે બંને બે વર્ષ સુધી રીલેશનમાં હતા, પણ...”, અમી આટલું બોલીને અટકી.

“શું થયું? કેમ અટકી ગઈ?”, સંકેતે પૂછ્યું.

“પણ બે વર્ષ પછી એનો સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો, એ વાતે વાતે મારી ઉપર શંકા કરતો હતો અને ઘણો પઝેસીવ થઇ ગયો હતો. અન્ય કોઈ છોકરા સાથેની મારી ફ્રેન્ડશીપ પણ એને ગમતી નહતી..”

“પછી?”

“પછી મને અમારી રીલેશનશીપ આ બધા બાદ દમ ઘૂંટતી લાગી રહી હતી, કારણ કે જે માણસ બે વર્ષથી મને પુરેપુરી જાણતો હોય એ મારા પર કોઈ દિવસ શંકા કરે એ મેં વિચાર્યુ નહતું, અને એટલે જ મેં રોજના ઝઘડા અને ઝીંકઝીંકથી કંટાળીને બ્રેક અપ કર્યું હતું.”

“હમ્મ્મ”

“એ સમય મારા માટે બીલીવ ઇટ ઓર નોટ જેવો હતો, એ મને લવ કરતો જ હતો એ વિષે મને ક્યારેય શંકા નહતી થઇ, પણ લવમાં જ્યારે પઝેસીવનેસ ભળી જાય ત્યારે પછી લવનો શ્વાસ રૂંધાઇ જાય છે”

“સાચી વાત”

થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. બંનેનો ભૂતકાળ એકમેકમાં ઓસરી રહ્યો હતો. અગાસી પર આવતો ઠંડો પવન, સંકેતના મનને શાતા આપી રહ્યો હતો. અમી એના ઘરની બહાર લીમડાના ઘટાદાર ઝાડ નીચે પલંગમાં બેઠી હતી. ઘડિયાળ લગભગ મધરાત થયાનો સંકેત આપતું હતું.

“તું ક્યા છે હમણાં?”

“બસ આ બહાર બેઠી છું, અને તું?”

“હું અગાસીમાં છું”

“તારે કંઈ પૂછવું નથી?”

“જે પૂછવાનું હતું કહેવાનું હતું એ બધું થઇ ગયું, હવે તું અને હું આવતીકાલથી આપણા સંબંધના છોડને જતનથી ઉછેરીશું!”

“હમમ્મ”

“તારી વાતોમાં ઘણા શબ્દો કોઈ લેખક કે કવિ જેવા આવે છે! આવું કેમ? તારું તો સાયન્સનું બેકગ્રાઉન્ડ છે ને? તો આ બધું કંઈ સમજ ના પડી”, અમીએ કુતુહલવશ પૂછ્યું.

“ખબર હતી કે આ સવાલ આવશે જ એમ!! ઘણા અનુભવ છે આવા”

“એટલે?”

“એટલે એમ કે જ્યારે પણ કોઈ છોકરી મારી સાથે પહેલી વાર વાત કરે છે ત્યારે એ બધીનો આ એક કોમન સવાલ છે!”

“બધીનો એટલે? કેટલીક છે એવી?”, અમીના અવાજમાં છણકો હતો.

“ફ્રેન્ડ સર્કલમાં હોય ને કેમ? ના હોય?”

“હોય જ ને! પણ તું મીકેનીકલમાં હતો ને! તો તારી બ્રાંચ પ્રમાણે છોકરીઓના વધારે કોન્ટેક્ટ ના હોય”

“એ તો હવે બધી ઉપજાવી કાઢેલી વાતો છે, એવો કંઈ હોતું નથી! હા બેશક ફ્રેન્ડ સર્કલમાં છોકરાઓ કરતા છોકરીઓ ઓછી હોય પણ એનો એવો મતલબ થોડો છે કે હોય જ નહી એમ?”, સંકેત હસ્યો.

અમી પણ હસી.

“હા! એન્જીનીયરની સાથે મને ગુજરાતીમાં લખવા વાંચવાનો શોખ પણ છે. આર્ટીકલ, સ્ટોરી અને કોઈક કોઈક વાર કવિતા પણ લખી નાખું!”

“ઓહો! સારું કહેવાય! એન્જીનીયરીંગ અને સાહિત્ય બંને એક જ નદીના બે કાંઠા જેવા લાગે છે, જે ક્યારેય મળતા નથી, છતાય તારામાં બંનેનો સમન્વય છે એ જોઈને સારું લાગ્યું”

“અરે હું એકલો નથી આવો! લાઈનો પડી છે મારા જેવાની બકા! કારણ કે આજકાલ બેચલર થયા પછી જ આપણે એકઝેટલી શું કરવું છે એની ખબર પડતી હોય છે”

“હા હા હા! રીયલી! તું ઘણું પ્રેક્ટીકલી વિચારે છે! તારા આ પાસાએ મને સારી એવી પ્રભાવિત કરી છે”, અમીએ સંકેતના વખાણ કર્યા.

“થેન્ક્સ”

“સારું ચલ તો હવે ઊંઘ આવવા લાગી છે, અને લગભગ સાડા બાર થવા આવ્યા છે, ઉપરથી મારે આવતીકાલે છ વાગ્યે છોકરાઓનું ટ્યુશન લેવાનું છે”

“અરે હા! એ વાત તો આખી ભુલાઈ જ ગઈ તારા ટ્યુશન વિષે, તારા રૂટીન વિષે, વગેરે!! સારું વાંધો નથી, કાલે વાત કરીશું એ બધા વિષે, ગૂડ નાઈટ, જય શ્રી કૃષ્ણ”

“જાય શ્રી કૃષ્ણ, ગૂડ નાઈટ”

“આ...”, સંકેત અટક્યો.

“શું?”

“કઈ નહી, બાય”

“બાય”

બંનેના ફોન કટ થયા. સંકેત સીડીના પગથિયા ઉતરીને નીચે ગયો. આ બાજુ અમીએ પણ હળવેકથી, ઘરમાં ઊંઘતા કોઈને ખલેલ ના પડે એ રીતે દરવાજો ખોલ્યો અને એટલી જ ચીવટથી બંધ કર્યો. થયેલી વાતો વાગોળતા બંને ક્યારે ઊંઘી ગયા એ ખબર જ ના રહી.

સવાર પડી. અજવાળું થયું. સંકેત હજી પથારીમાં હતો. મંગળવારની સવારનો તડકો અને મમ્મીના હાથનો સ્પર્શ બંનેએ સંકેતને જગાડ્યો.

“સંકેત! ઊઠ ચલ બેટા!, અજવાળું થઇ ગયું!”

સંકેતે સપનું જોતા ઝબકીને જાગ્યો હોય એમ અચાનક આંખો ખોલી,

“કેટલા વાગ્યા મમ્મી?”

“આઠ”

“ઓહ! આજે તો ખબર જ ના રહી”

“હમ્મ્મ! વાંધો નઈ! ચલ હવે બ્રશ કરીને ચા-નાસ્તો કરી લે!”

“હા”, કહેતા સંકેતે બગાસું ખાધું.

ચા-નાસ્તો પૂરો થયો. સંકેત નાહી-ધોઈને તૈયાર થયો અને પછી મોબાઈલ હાથમાં લીધો. એના પર એક અનનોન નંબર પરથી બે મિસ કોલ્સ હતા. સંકેતે સામે ફોન કર્યો,

“હલ્લો”

“હા! મિસ્ટર સંકેત સ્પીકિંગ?”, સામેથી કોઈ યુવતીનો અવાજ આવ્યો.

“યસ! હુ આર યુ?”, સંકેતે સવિનય પૂછ્યું. અસ્મિતાબેન છોકરાને ઈંગ્લીશમાં વાત કરતો સંભાળવા ઘસવાના વાસણો પડતા મૂકી બારણા પાસે આવીને ઉભા રહી ગયા.

“આઈ એમ દીપ્તિ ફ્રોમ મલ્ટીકેમ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ”

“ઓહ! યસ મિસ દીપ્તિ ટેલ મી વ્હોટ હેપન?”, અસ્મિતાબેન ગૂંચવાયેલા મોઢે વાર્તાલાપ ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

“યુ હેડ એપ્લાઈડ ફોર ધ ગ્રેજ્યુએટ ટ્રેઈની પોસ્ટ ઇન અવર ઇન્ડસ્ટ્રી, રાઈટ?”

“યસ મેડમ, આઈ હેડ એપ્લાઈડ ફોર અબાઉટ અ મન્થ એગો”

“કોન્ગ્રેચ્યુલેશન્સ મિસ્ટર સંકેત, યુ આર સિલેક્ટેડ ફોર ઇન્ટરવ્યુ ઓન નેક્સ્ટ મન્ડે”

“ઓહ! ઈઝ ઇટ? ધેટ્સ અ વેરી ગૂડ ન્યુઝ, થેન્ક્સ અ લોટ મિસ દીપ્તિ ફોર ધ ઇન્ફોરમેશન”

“નો પ્રોબ્લેમ સર, ઈટ ઈઝ માય ડ્યુટી! પ્લીઝ ડુ કમ એટ શાર્પ ટેન ઇન ધ મોર્નિંગ વિથ ઓલ યોર ડોક્યુમેન્ટ્સ”

“સ્યોર મિસ દીપ્તિ!! આઈ વિલ”, સંકેતની ખુશીનો પાર નહતો. જે સીટીમાં સેટલ થવાનું એનું સપનું હતું એ જ સીટીમાં એપ્લાય કરેલી પોસ્ટ માટે ઈન્ટરવ્યુનો કોલ હતો. અસ્મિતાબેન કઈ સમજે એ પહેલા સંકેતે એમને ઉચકી લીધા અને બે ચાર ચક્કર ફેરવી કાઢ્યા.

“અરે બેટા! નીચે ઉતાર મને અને બોલ તો ખરો કે શું વાત છે? આટલો ખુશ કેમ છે?”

“અરે મમ્મી! વાત જ એવી છે?”

“પણ શું છે એમ તો કહે?”

“હા કહું છું! પણ તને એકલીને નહી, પપ્પા ક્યા છે?”

“એ લગભગ બહાર તુલસીના ક્યારે જળ અર્પણ કરવા ગયા છે, બોલાવી લાવું?”

“હા! જલ્દી”

મુકેશભાઈ અને અસ્મિતાબેન બંને થોડી વારમાં ઉતાવળા પગે ઘરમાં દાખલ થાય છે.

“શું વાત છે બેટા હવે તો બોલ તારા પપ્પા પણ આવી ગયા”

“હા! તો મમ્મી અને પપ્પા! વાત એમ છે કે મેં બરોડાની જે કંપનીમાં નોકરી માટે એપ્લાય કર્યું હતું એમાં ઈન્ટરવ્યુ માટેનો કોલ આવ્યો કછે અને મારે સોમવારે ઈન્ટરવ્યુ માટે જવાનું છે”

“ઓહો! ખુબ જ સરસ! અભિનંદન બેટા!”, કહીને અસ્મિતાબેને સંકેતના માથે હાથ ફેરવી લીધો અને પછી બંને હાથ એના માથે ફેરવી પોતાના માથે મુક્યા.

“આ શું દર વખતે તું મમ્મી આમ કરે? ચાલે હવે!”

“એ તને ખબર ના પડે”

ઘરમાં ખુશી છવાઈ ગઈ. હજી ગઈકાલે જ સગાઇ નક્કી થઇ અને આજે નોકરી માટે ઈન્ટરવ્યુનો કોલ!! સોનામાં સુગંધ ભળી ગયા જેવું જ થયું.

“ત્યાં કહ્યું કે નઈ?”, મુકેશભાઈએ પૂછ્યું.

“હવે ત્યાં જ ફોન કરું છું પપ્પા!”

“હા કહી દે”

સંકેતે અમીને ફોન કરીને બધી વિગત જણાવી અને કહ્યું,

“અમી! તું સાચે જ મારા માટે નસીબદાર છે”

“હવે એ તો થવાનું હોય ને થાય સંકેત! એમાં હું કેમની તારા માટે નસીબદાર હોઉં? આતો તારી મહેનતનું પરિણામ છે”

“મહેનતને પણ સફળ કરવા માટે નસીબની જરૂર હોય છે! બંને એકબીજાના પુરક છે”

“સારું સારું લેખક મહોદય! થેંક યુ બસ! અને કોન્ગ્રેચ્યુલેશન, આઈ નો યુ વિલ રોક ધ ઇન્ટરવ્યુ”

“ડેફીનેટલી! તૈયારી ચાલુ જ છે”

“ઓકે”

હવે બંનેની વાતો રોજબરોજ સવાર બપોર સાંજ થતી રહેતી હતી. એમ ને એમ શનિવાર આવ્યો. એ સાંજે સંકેત અને અમી વાત કરી રહ્યા હતા.

“એક વાત કહું સંકેત?”

“હા બોલ ને”

“મારે તને મળીને એક વાત કહેવી છે”

“શું વાત છે?”

“ફોન પર નહી થાય! તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો કાલે આપણે મળી શકીએ?”

“હા! વાંધો નથી, તું કહે ત્યાં મળીશું બોલ!”

“મારા ગામથી જે રસ્તો તારા ગામ તરફ આવે છે ત્યાં વચ્ચે એક મોટું મંદિર છે અને ત્યાં એક સરસ ગાર્ડન પણ છે તો ત્યાં જ મળીશું! જનરલી ત્યાં અવરજવર પણ વધારે હોતી નથી”

“ઓકે સ્યોર! કેટલા વાગે?”

“લગભગસાંજે છ વાગે”

“ઓકે તો હું તને લેવા આવું તારા ઘરે કે તું આવી જઈશ?”

“ના હું આવી જઈશ”

“સારું તો મળીએ વાંધો નઈ, પણ વાત શેની છે એમ તો બોલ!”

“વાત મારા વિષે જ છે! મેં આખું અઠવાડિયું કહેવાની હિંમત કરી પણ ના કહી શકી, કદાચ એ વાત કરવા માટે મારે તને મળવું જરૂરી જ છે બસ!”, અમીના અવાજમાં અજુગતો ઉચાટ હતો.

“અરે હા! મળીશું આપણે! પણ શું વાત છે કોઈ હિન્ટ તો આપ”

“મારા પાસ્ટની જ એક વાત છે”

“પણ એ તો તે દિવસે તેં મને કહી હતી ને! હવે શું બાકી છે કહેવાનું! અને ડોન્ટ વરી, મને તારા પાસ્ટથી કોઈ પ્રોબ્લેમ નથી, આફટરઓલ મારે પણ એક ભૂતકાળ હતો જ, જેને પાછળ છોડીને હવે આપણે આગળ વધવાનું છે”

“હા! એ બધું જ બરાબર છે, પણ આ વાત એના કરતા વધારે અગત્યની છે, મારે કરવી જ પડશે તું સમજતો કેમ નથી સંકેત?”, અમીએ ગુસ્સો અને ચિંતા મિશ્રિત સ્વરમાં કહ્યું, “આ વાત પછી આપણી સગાઇ રહેવા પર પણ મને શંકા છે!”

“શું?”, સંકેત જરાક અસ્વસ્થ થયો.

“હા! સાચું કહું છું”

“એવી તો શું વાત છે? હવે મને એ સાંભળ્યા વગર જરાય ચેન નહી પડે!”

“બસ યાર પ્લીઝ! અત્યારે ફોન પર કોઈ જ ચર્ચા ના કરીશ! કાલે મળીને હું કહીશ તને! શું ખબર કાલે આપણે મળીએ પછી ફરીથી મળી પણ શકીએ કે નહી!”

“આ બધું તું શું બોલે છે અમી?”

“હવે સીધા આપણે કાલે મળીને જ વાત કરીશું, હવે કાલે સાંજ સુધી ફોન નઈ કરીએ એકબીજાને, પ્લીઝ હ!”

“ઓકે ઓકે, કઈ વાંધો નથી! ટેક યોર ટાઈમ! કાલે સાંજે મળીએ”

“સારું બાય”,કહીને અમીએ ફોન મુક્યો.

ફોન મુક્યા પછી સંકેતના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. શું હશે? શું નહી હોય? સગાઇ અંગે હવે શેની શંકા? વગેરે જેવા સવાલોએ એના મનને ઘેરી લીધું.

‘મમ્મી પપ્પા સાથે વાત કરું?’ જેવો વિચાર એણે ‘ના એમને હમણાં કાંઈ નથી કહેવું! કાલ સાંજે શું વાત થાય છે એ પછી જ એમને કહીશ’ કરીને માંડી વાળ્યો.........

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૨

-ભાર્ગવ પટેલ