કાલ્પનિક વાસ્તવિકતા - ૩ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૩

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૩

-ભાર્ગવ પટેલ

નોવેલ વિષે...

ભાર્ગવની આ નોવેલના બે ભાગ પ્રસ્તુત થઇ ચુક્યા છે અને ત્રીજો ભાગ હવે પ્રકાશિત થાય છે. અહી એક વાત જરૂર કહેવા માંગીશ કે ભાર્ગવ જે લખે છે એ એના મનનું પ્રતિબિંબ છે, પાત્રો એના મનમાં જન્મ લે છે, ફૂલે છે, ફાલે છે અને મૃત્યુ પામે છે. અમુક વાર વાચકો ભાર્ગવના અંગત જીવનને એના લખાણો સાથે સરખાવતા હોય છે, એ તમામને ભાર્ગવ એટલું જ કહેવા માંગે છે કે આ નવલકથા કે એના અન્ય કોઈપણ લખાણો દરેક વખતે એના જીવન સાથે સામ્યતા ધરાવતા હોતા નથી. મોટાભાગે આસપાસની ઘટનાઓ, કોઈ જાણીતા કે અજાણ્યા લોકોની કથનીઓ વગેરે એના મનમાં લખાણોનું બીજ રોપે છે અને ભાર્ગવ માત્ર પોતાની કલ્પનાશક્તિના પાણીથી એ બીજોને અંકુરિત કરીને એની શાખાઓ તમારા સુધી પહોચાડે છે. ભાર્ગવ એક માધ્યમમાત્ર છે અને એ ઘમંડરહિત થઈને ગુજરાતી ભાષાના મુળિયાં જમીનમાં એટલી હદે ધરબી દેવા મક્કમ છે.

ગયા ભાગમાં અમી સંકેતને એક વાત કહેવા માટે તત્પર હતી. એ વાત કદાચ એમની સગાઇ અંગે પ્રશ્નાર્થ પેદા કરી શકે એવી હતી. શું હતી એ વાત? જાણવા માટે ત્રીજો અધ્યાય તમારી સમક્ષ રજુ કરતા આનંદ થાય છે.

નામ- ભાર્ગવ પટેલ

નંબર- ૯૮૭૯૬૯૯૭૪૬

મેઈલ-

ભાગ ૩

દિવસ અને રાત બંને સંધ્યા કાળે લડી રહ્યા હતા. સૂરજ પશ્ચિમમાં ગળાડૂબ થવા આતુર હતો. લાલાશ પડતો પ્રકાશ મંદિરના સફેદ રંગ પર કંઈક અલગ જ છાપ છોડી રહ્યો હતો. મંદિરનું પ્રાંગણ મુખ્ય ગર્ભગૃહથી ઘણું દૂર અને અનેક જાતના પુષ્પ-છોડની છોળો ઉડાવતા બગીચાથી સુશોભિત હતું. પક્ષીઓ આખા દિવસની મહેનતથી થાકીને પાંખોની દિશા માળા તરફ ગતિમાન કરી રહ્યા હતા. બગીચામાં ઘણા બાંકડા મુકેલા હતા. એમાંથી કોઈક પર વૃદ્ધાવસ્થાનો ઠહેરાવ હતો, કોઈક પર બાળપણની ચુલબુલ હતી તો કોઈક પર જવાનીનો તરવરાટ. કોઈ બાંકડા પર ખુશીઓનો તોટો નહતો તો કોઈક પર ઉદાસીની ઝાંય હતી. ક્યાંક પ્રેમ પનપતો હતો, તો ક્યાંક પ્રેમ યુવાવસ્થામાં પ્રવેશ્યો હતો. બગીચો માત્ર બગીચો ન રહેતા જાણે કે જીવનના રંગોને પ્રદર્શિત કરતો એક રંગમંચ જ નિહાળી લો.

સંકેત અને એનો એક જીગરી મિત્ર જતીન, બંને બગીચાના મેઈન ગેટની બહાર બાઈક પાર્ક કરીને ઉભા હતા અને અમીના આવવાની રાહ જોઈ રહ્યા હતા. હર્ષ મોબાઈલમાં કંઈક મંતરતો હતો પણ સંકેતના મનમાં એક અજીબ ઉચાટ હતો, અનેઈ નજર સામા છેડાના રસ્તા પર જ મંડાયેલી હતી કે જ્યાંથી અમી આવવાની હતી. થોડીવારમાં એક સફેદ કલરની એકટીવા પર બે બુકાનીધારી છોકરીઓ આવતી દેખાઈ.

“અલા જતીન! એ આવી ગઈ લાગે છે”

જતીને ચશ્મા સરખા કરીને એ તરફ જોયું,

“હા લગભગ! ભાભી જ છે સંકેત!”

એકટીવા એ લોકો પાસે આવીને અવાજ કરતી બંધ થઇ. બંનેના મોં પરથી ઓઢણીનો પડદો હટ્યો. અમી બેક સીટ પર હતી અને એની ફ્રેન્ડ શ્રેયાના હાથમાં સ્ટીયરીંગ હતું.

“ઓહ! તમે તો એકઝેટ ટાઈમ પર આવી ગયા ને!”, જતીને નિર્ધારિત સમયથી મોડા પહોચેલા એ બંનેને ટોન્ટ માર્યો.

“હા! હ બસ હવે! આમેય વેઇટ કરવો એ તો છોકરાઓની ફરજમાં આવે”, શ્રેયાએ સટાક દઈને જવાબ આપ્યો.

અમી અને સંકેત બંને કંઈ બોલ્યા નહી. બંનેના મુખમંડળ પર ચિંતાની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. એ બંને આજે અહી શા માટે મળવાના હતા એ વાતથી જતીન અને શ્રેયા બંને અજાણ હતા.

“શું કહો છો જીજુ? તમે તો કંઈ ખાસા વહેલા જ મારી બહેનપણીને મળવા ઉતાવળા થઇ ગયા ને!”, શ્રેયાએ અમી અને સંકેતના નયનમિલાપમાં વિક્ષેપ પાડ્યો.

“અરે ના! એવું કંઈ નથી!”

“તમારી બહેનપણીથી રહેવાયું નઈ હોય”, જતીન મજાકના મૂડમાં હતો.

અમીએ મહામહેનતે નાની સરખી સ્માઈલ આપી.

“ચાલો હવે તમે બંને બેસો સારી જગ્યા શોધીને, ત્યાં સુધી અમે બંને આમ તેમ આંટા મારીએ આસપાસમાં, મુલાકાત પતે એટલે બંને ડ્રાયવરને ફોન કરી દેજો..”, શ્રેયાએ કહ્યું.

“અને જો મૂક્કા-લાત થઇ જાય તો તમે જાતે જ નીપટાવી લેજો. હા હા હા”, જતીને હળવો જોક માર્યો.

“હા! અમે ફોન કરી દઈશું, ડોન્ટ વરી”, સંકેતે ચુપકીદી તોડી.

બાઈક અને એકટીવાના એન્જીન સ્ટાર્ટ થયા અને ચક્રો ગતિમાન થયા. અમી અને સંકેત બગીચાના મેઈન ગેટથી અંદર પ્રવેશ્યા. આજુબાજુ નજર દોડાવી. અમીની નજર ગુચ્છાદાર ગુલમહોરના છાયડામાં રહેલા બાંકડા પર પડી. એ જગ્યા એકદમ શાંત લાગતી હતી અને આજુબાજુમાં બીજો કોઈ બાંકડો હતોય નહી એટલે પ્રાઈવસી માટે એ જગ્યા એકદમ બરાબર હતી.

“ચલ સંકેત ત્યાં બેસીએ”

“ક્યાં?”

“ત્યાં”, અમીએ આંગળી ચીંધી.

“હા! સરસ જગ્યા છે”, કહીને બંનેએ એ તરફ ડગ માંડ્યા. બંને ત્યાં બેઠા. અમી થોડેક દૂર રમતા બાળકો જોઈ રહી હતી.

“આ લોકોની લાઈફ કેટલી સરસ અને ટેન્શન વગરની છે!”, અમીએ કહ્યું.

સંકેતે એની નજર અમી જ્યાં જોતી હતી ત્યાં કેન્દ્રિત કરી અને બોલ્યો, “હા! સાચે જ! આપનું બાળપણ પણ ક્યા આવું નહતું?”

“કાશ! હું આખું જીવન નાની જ રહી શકતી હોત તો કેટલું સારું?”

“તો તો પછી બધા એમ જ કરતા અને પછી જીવનના ઘણા બધા પાસાઓથી આપણે વેગળા જ રહી જતા, સમય સાથે પરિવર્તન જરૂરી છે”

“તું ઘણો પ્રેક્ટીકલ છે, મારી જેમ સપનાઓની દુનિયા કરતા તું રીયલ લાઈફમાં વધારે જીવે છે”

“સપનાઓ ક્ષણભંગુર અને કાલ્પનિક હોય છે, જ્યારે જીવન વાસ્તવિક છે જેનાથી આપણે ક્યારેય મોં ફેરવી શકતા નથી, એનો મતલબ એવો પણ નથી કે મારા કોઈ સપનાઓ નથી. પણ હું વાસ્તવિકતાની જમીન છોડતો નથી એટલું જ.”

“હા! ખરેખર! તું આટલો સારો છે બસ એટલે જ મારે તને જે કહેવું છે એ કહેવાની હિંમત મેં ભેગી કરી છે! હું તને છેતરવા નથી માંગતી કે ન તો તને કોઈ વાતે અંધારામાં રાખવા માંગુ છું!!”

“હમમ્મ! પારદર્શિતા જ તો પ્રેમનો પાયો છે, એના વગર લાગણીની ઈમારત શક્ય નથી, અને એટલે જ મેં પહેલી વાતચીતમાં આપણો ભૂતકાળ શેર કરવાનો આગ્રહ રાખ્યો”, સંકેતે કહ્યું.

“મને એ બહુ જ ગમ્યું. તે દિવસે આપણે બધી જ વાત કરી હતી તેમ છતાં એક વાત મારા મનના એક ખૂણામાં ધરબાયેલી રહી ગઈ હતી. એ વાત એ જ દિવસે કરવાનું મને યોગ્ય ના લાગ્યું એટલે આજે મેં અહી સામસામે બેસીને કરવાનું નક્કી કર્યું”

“અરે એ વાતો તો થતી રહેશે બકા! આજે આપણે પહેલી વાર એકલા મળ્યા છીએ, તો થોડી વાર એ બધી વાતો સાઈડ પર મુકીને બીજી કોઈ વાત કરીએ?”, સંકેતે લાગણી વ્યક્ત કરી.

“ના પણ મને એ વાત કહ્યા વગર કંઈ ચેન નઈ પડે, અને એના પછી તારું શું રીએક્શન હશે એ બધા વિષે આમેય હું પહેલેથી ગૂંચવાયેલી છું”

“હા તો પછી તારે જે કહેવું હોય એ કહે, એ પછી આપણે વાત આપણી વાત કરીશું!”

“સારું”

“તો બોલ! શેની શું વાત કરવી છે? અને એવી તે કઈ વાત છે જેનાથી આપણી સગાઇ પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જશે?”

“મારા પાસ્ટની એક વાત છે જે એ દિવસે મેં તને નહતી કહી અથવા તો એ દિવસે તને કહેવા માટે મારી પાસે પુરતી હિંમત નહતી”

“બોલ! હું સાંભળું જ છું”, કહીને સંકેત ચુપ થયો.

“હું અને સૃજલ એક વખત અમારા એક કોમન ફ્રેન્ડના મેરેજમાં ગયા હતા. એનું નામ રીતેશ છે. ત્યાં લગભગ અમારા ફ્રેન્ડ સર્કલના બધા જ મિત્રો અમારી સાથે હતા.”

“હમ્મ્મ”

“બધાને અમારી રીલેશનશીપ વિષે ખબર હતી, જેનું મેરેજ હતું એ રીતેશને પણ ખ્યાલ હતો”

“બરાબર”

“અમે બધા એના ઘરેથી સાંજે જમીને નીકળી જ જવાના હતા, પણ જમ્યા પછી એના ઘરે રાસ ગરબાનો પણ પ્રોગ્રામ હતો એટલે એમાં એણે અમને નીકળવા ન દીધા અને બીજા દિવસે સવારે નીકળી જવા વિનંતી કરી.”

“હા એ તો બરાબર જ છે ને! એટલે દૂર ગયા હોય અને પ્રોગ્રામ અટેન્ડ ના કરો તો પછી ત્યાં જવાનો શું મતલબ?”

“હા! એમ વિચારીને જ અમે લોકો એને ત્યાં રોકાઈ ગયા. રસ ગરબા પછી અમે બધા અલગ અલગ રૂમમાં ઊંઘી જવાના હતા એવી અરેન્જમેન્ટ રીતેશે કરી આપી હતી. એમાં એણે મારી અને સૃજલની અલગ રૂમની વ્યવસ્થા કરી હતી. મેં એને કહ્યું હતું કે હું શૈલી સાથે એના રૂમમાં ઊંઘી જઈશ પણ એણે હું અને સૃજલ એકબીજા સાથે સમય પસાર કરી શકીએ એટલા માટે થઈને આવું કર્યું હતું.”, અમી ધીમા અને લાગણીવિહીન અવાજે બોલી રહી હતી. ડર એના શબ્દોમાં સાફ ઝળકતો હતો.

“હમ્મ્મ”

“અમે આમ તો ઘણી વાર એકલા મળ્યા હતા. પણ એ રાતે વાત કંઈક અલગ જ હતી. અમે બંને કોઈ પણ અજાણ્યા વ્યક્તિના આવી જવાના ભયથી મુક્ત હતા. માદક અંધારામાં વાતો કરતા કરતા અમે એકમેકની એટલા નજીક આવી ગયા કે ક્યારે બધી મર્યાદાઓ ઓળંગી ગયા એનો ખ્યાલ જ ના રહ્યો”, અમી આટલું કહેતા ગળગળી થઇ ગઈ. એના મનમાં રહેલી અપરાધભાવની લાગણી અશ્રુબિંદુ સ્વરૂપે આંખોમાંથી સરકીને ગાલના ફલક પર બેફામ પથરાવા લાગી.

સંકેત બધું જ સાંભળી રહ્યો હતો, પણ આવું સાંભળ્યા પછી એની મુખમુદ્રા પર જરા સરખો પણ ફરક નહતો પડી રહ્યો. અમી ઝળઝળિયાંથી ધૂંધળી બનેલી આંખોમાંથી એ જોઈ શકતી હતી. થોડીવાર સુધી માત્ર અમીના ડુસકા અને સંકેતના ધબકારા સિવાય બીજો કોઈ જ અવાજ સંભાળતો નહતો.

“પણ તું એમાં રડે છે શું કામ?”, એકદમ સૌમ્ય સ્વર અને ઠંડા કલેજે સંકેત બોલ્યો.

“તો?”, અમીને લાગ્યું જાણે કે સંકેત આઘાતમાં બોલે છે.

“શું તો?”, સંકેત હજી એવો જ હતો, જાણે કે મહાભારતનો સ્થિતપ્રજ્ઞ યુધિષ્ઠિર!

“મારી આટલી મોટી કબુલાતથી તને જરાય ફરક નથી પડ્યો?”, અમીના આશ્ચર્યનો પાર નહતો.

“મને શું ફરક પડે? અને બીજી વાત કે કેમ ફરક પડે?”, સંકેત અમી માટે વધારે અકળ થઇ પડે એવું વર્તી રહ્યો હતો.

“કેમ? તને શું કામ ફરક ના પડે? આજકાલના છોકરાઓ માટે છોકરીની વર્જીનીટી એટલી જ જરૂરી છે કે જેટલી એમની સેલ્ફ રીસ્પેક્ટ! તારું આ વર્તન મને જરાક નહી, ઘણું જ અજુગતું લાગે છે. ક્યાંક એમ તો નથી ને કે તું હવે કોઈ સંબંધ રાખવા નથી માગતો એટલા માટે તને આ વાતથી કોઈ ફરક નથી પડતો?”

“ઓ મેડમ! કયા ટ્રેક પર નીકળી ગઈ તું છેક? બ્રેક માર ગાડીને!”, સંકેતે કહ્યું.

“તો પછી કેમ તને કોઈ જ ફરક નથી પડતો?”, અમી હજીયે કંઈ સમજી શક્તિ નહતી.

“એના જવાબમાં મારી પાસે કારણો છે”

“કયા કારણો?”, અમી સંભાળવા તલપાપડ હતી.

“પેલ્લું કારણ તો એ કે આ વાત તારા પાસ્ટની છે અને આજકાલની રીલેશનશીપમાં મર્યાદા ઓળંગીને આગળ વધી જવું એ સામાન્ય વાત છે, બીજું કારણ એ કે તમે વર્તમાન સમયમાં જેની સાથે છો એને વફાદાર છો કે નહી એ વાત તમારા ભૂતકાળ કરતા વધારે મેટર કરે છે, અને છેલ્લું કારણ, કે હું એવો માણસ નથી કે જે છોકરીની વર્જીનીટીના આધારે એના કેરેક્ટરનું મુલ્ય આંકી લે”

અમી પલક ઝપકાયા વગર આ બધું સાંભળી રહી હતી. સંકેત આગળ બોલ્યો,

“અને એવું તો છે નહી કે મારે દિવ્યા સાથે સ્પર્શનો પણ સંબંધ નહતો! પણ હા, અમે મર્યાદાઓ ઓળંગી નહતી, પણ જે રીતે તે સૃજલને મારી સામે રજુ કર્યો છે એ જોતા મને તારી આ વાતથી જરાય આશ્ચર્ય થયું નથી”

“તો હું શું સમજુ? તે મને માફ કરી દીધી એમ?”, અમીએ વિસ્મયકારક સ્વરે પૂછ્યું.

“માફ કરવાની વાત જ ક્યાંથી આવે છે આમાં? તારી ભૂલ એટલી બધી અક્ષમ્ય નથી કે નથી એટલી બધી અનરીયાલીસ્ટીક! કારણ કે આજકાલ જમાનો એટલો ફાસ્ટ છે કે લવ થાય ત્યાં ફીઝીકલ રીલેશન ના હોય એવું સોએ પંદર-વીસ કિસ્સામાં જ બને! લગ્ન થાય ત્યાં સુધી વર્જિન જ રહેવું એવી બધી માન્યતાઓ ઘસાયેલી અને ઓર્થોડોક્સ લાગે”

“મને ખબર નહતી કે તું આટલો બધો ઓપન માઈન્ડેડ હોઈશ કે મારી આ વાતને આટલી સહજતાથી સ્વીકારી લઈશ”, અમીએ આભારવશ કહ્યું.

“સ્વીકાર એ પ્રેમનું પહેલું પગથીયું છે, જો તમે સામેવાળી વ્યક્તિને કે એની કોઈ વાતને સ્વીકૃતિ ના આપી શકો તો ખાક તમે એને પ્રેમ કરી શકો?”, સંકેતે કહ્યું.

આટલી વાતચીત થયા પછી બંને જણ એકમેકની આંખોમાં આંખો પરોવીને અકારણ નિહાળતા રહ્યા.

“એક વાત કહું?”, થોડી વાર પછી અમીના અવાજમાં એક અનોખી મધુરતા અને ચિંતારહિત મૃદુતા આવી ગઈ.

“હા”

અમી સંકેતની નજીક ગઈ. બંનેના ખભા વચ્ચેનું અંતર નહીવત થયું. અમીએ સંકેતનો હાથ એના હાથમાં લીધો અને કહ્યું,

“આઈ લવ યુ સંકેત”

“આટલું જલ્દી? હજી આટલી ઉતાવળ શું છે?”,સંકેતે મજાકમાં કહ્યું.

“ના! ઉતાવળ ક્યાં કરી જ છે મેં? આખા છ દિવસ થયા! જો હું તને સોમવારે જ આટલી ઓળખી ગઈ હોત તો એ જ દિવસે કહી દીધું હોત!!”

“હમ્મ્મ! આઈ લવ યુ ટુ અમી”, કહીને સંકેતે એના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક ઘન આકારનું નાનું, ગીફ્ટ રેપર ચઢાવેલું બોક્સ કાઢીને અમીના હાથમાં મુક્યું. રેપરના ખખડવાના અવાજે અમીની બંધ આંખો ખોલી.

“શું છે આમાં?”

“તું ઓપન તો કર”

અમીએ ફટાફટ બોક્સ ખોલ્યું. એમાં સફેદ અને લાલ રંગના આરસમાંથી બનેલી, આર્ટીફીસીયલ ડાયમંડથી સુશોભિત એવી ગણેશજીની નાની મૂર્તિ હતી.

“આપણા બંનેનો સંબંધ ગણેશજીની સાક્ષીએ આજથી શરુ થયો, ચાહું છું કે તેઓ આપણને વિઘ્નો સામે લડવાની શક્તિ આપે.”, સંકેતે વિશ્વાસપૂર્વક કહ્યું.

“થેંક યુ સો મચ સંકેત, આટલી સરસ ગીફ્ટ આપવા માટે!”

“યુ આર ઓલ્વેઝ વેલકમ ડીયર”

“એક મિનીટ ઉભો થા ને!”, અમીએ કહ્યું.

“કેમ?”

“અરે તું થા તો ખરો!”

“ઓકે”, કહીને સંકેત ઉભો થયો, અને તરત અમીએ ઉભા થઈને એક લાગણીથી તરબતર હગ આપ્યું. સંકેતે પણ એવો જ પ્રતિભાવ આપ્યો. પછી પોતે ક્યાં ઉભા છે એ ભાન આવતા જ બંને છુટા પડ્યા.

“ચલ હવે પેલા બંનેને ફોન કરીએ?”

“હા”

જતીન અને શ્રેયા ગેટ પાસે આવ્યા અને અમીએ ઓળખાણ કરાવી,

“બાય ધ વે, આ મારી બેસ્ટ ફ્રેન્ડ શ્રેયા! એ મારા ગામની છે અને મારા ઘરની બાજુમાં જ એનું ઘર છે!”

“ઓહ! સરસ, આ મારો ફ્રેન્ડ જતીન! હમણાં જ અમે સાથે જ એન્જીનીયરીંગ પતાવ્યું. એણે અમદાવાદમાં અને મેં ભરૂચમાં”

“બરાબર! તમને મળીને મજા આવી”, શ્રેયાએ કહ્યું.

“હજી તો શરૂઆત છે!”, જતીને કહ્યું.

“સારું તો અંધારું થવા આવ્યું છે, અમે નીકળીએ છીએ! મમ્મી પપ્પા રાહ જોતા હશે”, અમીએ કહ્યું.

“ઓકે બાય”, કહીને સંકેત પાછળની સીટ પર બેઠો.

જતા જતા, વળાંક આવે અને એકબીજાના ચહેરા જોઈ શકાય ત્યાં સુધી અમી અને સંકેત એકબીજાને નિહાળતા રહ્યા.....

(ક્રમશઃ)

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૩

-ભાર્ગવ પટેલ