કોફી હાઉસ - ૧૫ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - ૧૫

કોફી હાઉસ પાર્ટ – 15

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

“ડોક્ટર સાહેબ મે આઇ કમ ઇન?” હું ઉદાસ તો હતો પણ ડોક્ટરને મળવુ પણ જરૂરી હતુ મારે. દાદાજીની અંતિમ ક્રિયા બાદ હું ડોક્ટરને મળવા આવ્યો. “યા કમ ઇન પ્રવીણ. હેવ અ શીટ પ્લીઝ.” ડોક્ટર પારસે નમ્રતાપુર્વક જવાબથી મને આવકાર્યો. “બહુ દુઃખદ ઘટના ઘટી ગઇ તમારા પરિવારમાં. હું જાણું છું કે તમારી સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. એક બાજુ તમારા ફાધરની હાલત અને બીજી બાજુ તમારા ગ્રાન્ડફાધરનું દુઃખદ અવસાનથી તમે લોકો ઘેરા શોકમાં છો પણ કુદરત પાસે અમે ડોક્ટર્સ પણ લાચાર છીએ.” ડૉ. પારસે મને સાંત્વના આપતા કહ્યુ. “હાસ્તો ડૉક્ટર સાહેબ, કુદરત પાસે તો આપણા હાથ બંધાયેલા જ છે. જીવન-મરણમાં આપણું વિજ્ઞાન હજુ ભગવાનથી પાછળ જ છે.” કહેતા મારો અવાજ થોડો ગળગળો થઇ ગયો. “કાલ્મ ડાઉન મિ.પ્રવીણ. બોલો મારી શી હેલ્પની જરૂર છે?”

“સર તમે કહ્યા મુજબ હું મારા ફાધરને અમદાવાદ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઇ જ જવાનો હતો પરંતુ દાદાજીના અવસાન બાદ તેમની ઉતરક્રીયા માટે થોડા દિવસ અહી રોકાવુ જરૂરી છે તો પ્લીઝ તમે થોડા દિવસ મારા ફાધરની અહી જ ટ્રીટમેન્ટ થઇ શકે તો વધુ સારુ રહેશે.” “હા પ્રવીણ. કોઇ પ્રોબ્લેમ નથી. તમે તમારા દાદાની ઉત્તરક્રીયા બાદ તમારા ફાધરને ટ્રીટમેન્ટ માટે લઇ જાઓ ત્યાં સુધી તમે નિશ્ચિંત રહો, તમારા ફાધરની અહી ટ્રીટમેન્ટ થશે જ.” ડો.પારસે કહ્યુ. “પણ સર જો કોઇ વધુ પ્રોબ્લેમ જણાય તો મને કહેજો, મારા દાદાજીને તો હું ખોઇ ચુક્યો છું, હવે મારા પપ્પાને ખોવા માંગતો નથી હું.” “મિસ્ટર પ્રવીણ, તમે નિષ્ફિકર રહો. એવી કાંઇ પ્રોબ્લેમ જણાશે તો હું જરૂરથી જણાવીશ કે તમે તમારા ફાધરને તાત્કાલિક અમદાવાદ લઇ જાઓ.” “થેન્ક્સ સર. થેન્ક્સ અ લોટ.” કહેતો હું ત્યાંથી નીકળી પપ્પા પાસે જઇને બેઠો હતો. મારુ મન હજુ એ માનવા તૈયાર જ ન હતુ કે દાદાજી હવે અમને છોડીને ચાલ્યા ગયા છે. સાથે સાથે મને એ ચિંતા પણ ખાઇ જઇ રહી હતી કે પપ્પાને દાદાજી વિષે ખબર પડશે ત્યારે તેમની હાલત શું થશે? અત્યારે તો મે મમ્મી અને મનુભાને અને બધાને કહી જ રાખ્યુ હતુ કે પપ્પાને આ બાબતે કોઇ કાંઇ કહે જ નહી અને આપણા ચહેરાના ભાવ પરથી પણ પપ્પાને એમ લાગવુ ન જોઇએ કે કાંઇક પ્રોબ્લેમ છે.”

“હા દીકરા, આવી નાજુક પરિસ્થિતિમાં જરાક જેટલો આઘાત પણ પ્રાણઘાતક નીવડે છે.” હેમરાજભાઇ બોલી ઉઠ્યા.

પંદર દિવસ સુધી દાદાજીની ક્રિયા ચાલી. પપ્પ્પાને પ્રાર્થનાસભાના દિવસે સવારે નાછુટકે મારે વાત કહેવી જ પડી. તે બહુ દુઃખી થયા અને તેમને મારી જીંદગીમાં મે પહેલી વખત રડતા જોયા. ડૉક્ટર્સની પરવાનગી મેળવી હું તેને પ્રાર્થનાસભામાં લઇ પણ ગયો. મમ્મી પણ મનથી ભાંગી પડ્યા હતા. પપ્પાની હાલતમાં સુધારો આવતો ન હતો અને એક બાજુ હું મામાના ઘરે રહેતો હતો એ મામાના ઘરમાં પણ શોકશર્કીટ થતા ઘરવખરી અને બધો સામાન બળી ગયો હતો એ સમાચાર સાંભળતા જ મમ્મીના તો રૂંવાડા ઉભા થઇ ગયા હતા. મામા અને તેમનો પરિવાર પણ ગામડે રહેવા જતા રહ્યા હતા. મમ્મી ચહેરા પરથી તો ખુશ રહેવાનો પ્રયત્ન કરતા હતા પણ શરીર તેને સાથ આપતુ ન હતુ. શરીરના નાના નાના રોગો હવે મોટુ રૂપ ધારણ કરવા લાગ્યા હતા. એક તો સાસરે આવ્યા ત્યારથી પપ્પાના ગુસ્સાભર્યા સ્વભાવને સહન કરે રાખવાના કારણે જ શરીર થોડુ નબળુ જ હતુ અને ઉપરથી પપ્પાની હેલ્થની ચિંતા અને સાથે સાથે દાદાજીનુ અવસાન. આ બધુ એક સાથે બનતા મમ્મી હેબતાઇ ગયા હતા. પપ્પા દવખાને હતા પણ હજુ તેમનો સ્વભાવ તો એવો જ હતો. તેમા રત્તીભાર પણ ફરક આવ્યો ન હતો. દવાખાનામાં પણ મમ્મી સાથે કટુતાભર્યો જ વ્યવહાર હતો તેમનો. એક તો કોઇ દિવસ આવો ખાટલો ભોગવ્યો ન હતો અને એકાએક ડોકટરની દેખરેખ હેઠળ આખો દિવસ બેડ પર પડ્યુ રહેવુ એ એમના મતે ખુબ જ મુશ્કેલ હતુ. અધુરામાં પુરુ પપ્પાને બીડી પીવાનુ વ્યસન હતુ અને ડોક્ટરની સખત મનાઇ હતી તેમને બીડી ન પીવા દેવાની. તો વ્યસન એકાએક છુટી જતા તેમનો સ્વભાવ વધુ ચીડીયો બની ગયો હતો. અને ઉપરથી દવાખાનાની કેન્ટિનનુ સાદુ જમણ એ પણ તેમને માફક આવતુ ન હતુ. પહેલા તો મમ્મી દરરોજ ઘરેથી જ જમવાનુ લાવતા પણ પપ્પાની ટેવ મુજબ વધુ તીખુ અને તળેલુ આપવાની ડોક્ટર્સે મનાઇ કરી હતી એટલે પછી કેન્ટિનમાંથી જ દર્દીને જે જમવાનુ આપે તે પપ્પા માટે આવવા લાગ્યુ અને પપ્પાને તે માફક ન આવતુ હતુ. પંદર દિવસ બાદ ડોક્ટર્સની પરવાનગી મેળવી હું પપ્પાને અમદાવાદ લઇ ગયો. ડૉક્ટર્સે તો મને સીવીલ હોસ્પિટલમાં જવા કહ્યુ હતુ પણ હું પપ્પાને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કર્યા. એક દિવસનો ત્યાંનો ખર્ચ વીસ હજાર હતો પણ મને પપ્પાની હેલ્થ બાબતે સગા-વ્હાલાઓએ સલાહ આપી હતી કે સરકારી કરતા ખાનગી હોસ્પિટલમાં સુવિધા વધુ મળી રહે તેથી હું પપ્પાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો. જો કે પૈસાની ખેંચ તો વર્તાઇ રહી હતી પણ પપ્પા માટે બધુ કરી છુટવા હું તૈયાર હતો. ત્યાં પપ્પાની સારવાર કરી રહેલા ડો. રૂસ્તમે પપ્પાના હાર્ટની સર્જરી કરવા બાબતની સલાહ આપી. તેનો ખર્ચ લગભગ બે લાખ જેવો કહ્યો અને બીજો રહેવાનો અને દવાનો ખર્ચ અલગથી કહ્યો. મમ્મી પણ મારી સાથે આવ્યા હતા, તેઓ થોડા ચિંતામાં હતા કે આટલી બધી રકમનો બંદોબસ્ત કઇ રીતે થશે. “મા, તું ચિંતા ન કર, પાપાનો ઇલાજ કરવા માટે પૈસાની તુ કોઇ ચિંતા ન કરજે. બધુ મારા પર છોડી દે.” “પણ બેટા, તને ઘરની પરિસ્થિતિનો પુરો ખ્યાલ ક્યાં છે? તારા ગયા પછી તારા પપ્પાએ ધંધામા કે ખેતીમાં કાંઇ ધ્યાન આપ્યુ જ નથી. દાદાજી ધંધે થોડો સમય બેસતા, બાકી તારા પપ્પાએ તો આરામ કરીને બેઠા બેઠા જ જીવન જીવ્યુ છે અને તુ તો જાણે છે કે બેઠા બેઠા તો રાજના ખજાના પણ એક દિવસ ખાલી થઇ જવાન છે તો આપણી મુડીની શી વિસાત.” “પણ મા, આ બધી વાત તે મને ક્યારેય કરી જ નહી. ક્યારેક તો વાત કરવી હતી મને. હું પપ્પાને સમજાવવા આવી જાત ઘરે.” “બેટા તેણે આજ સુધી કોઇનુ કહ્યુ માન્યુ છે તે તારુ માને? તને પણ મારી જેમ ખીજાઇને એક ખુણે બેસાડી દેવાના જ હતા અને બીજુ કે જો તને કહુ તો તારુ અભ્યાસમાં પણ ધ્યાન ન રહે એટલે તને નાહક હેરાન ન કરવાનુ જ મે વિચાર્યુ.” “તો મમ્મી હવે શું કરવું? પપ્પાના ઓપરેશનનો ખર્ચ બે લાખ છે અને બીજો રહેવાનો, દવાનો ખર્ચ અલગથી, ઉપરાંત અહી તો એક વ્યકિતને જ રહેવાની છુટ છે અને આમ પણ તારી તબિયત પણ થોડી નાદુરસ્ત રહે છે તો હું તો એમ વિચારતો હતો કે અહી નજીકમાં જ તારા માટે એક રૂમ ભાડે રાખી આપુ તો ત્યાં તુ આરામથી રહી શકે. પણ આ બધુ સાંભળયા બાદ હવે શું કરીશું?” હું પણ થોડો ટેન્શનમાં આવી ગયો. “દીકરા એક કામ કર. આપણી જમીન તારા પપ્પાએ મારા નામે કરી છે, તેને વેચી નાખે તો પૈસાનો બંદોબસ્ત થઇ જશે.” “પણ મમ્મી, જમીન વેચ્યા બાદ આપણું ગુજરાન....?” બોલતા બોલતા હું અટકી ગયો પણ મમ્મી મારો કહેવાનો અર્થ સમજી ગઇ હોય એમ જરા તેની આંખ ભીની થઇ ગઇ. “મા તુ ચિંતા ન કર. હું કાંઇક બંદોબસ્ત કરી છુટીશ પણ પપ્પાનું બાયપાસ સર્જરીનુ ઓપરેશન તો કરાવીને જ રહીશ.” નડિયાદના મારા એક મિત્ર કે જેના પપ્પા ખુબ ધનવાન હતા તેમની પાસેથી જમીનના દસ્તાવેજ ગીરવી મુકવાનુ કહી પાંચ લાખ મેળવી લીધા. થોડા દિવસ તો ડૉક્ટર્સે પ્રાથમિક સારવાર કરવાનુ કહીને પપ્પાનુ ઓપરેશન ટાળી દીધુ હતુ.

તે દિવસ મને બરોબર યાદ છે. હવે બે દિવસ બાદ પપ્પાનુ ઓપરેશન થવાનુ હતુ. તે દિવસે મારા મમ્મીના દૂરના કાકા અમદાવાદ આવ્યા હતા તો પપ્પાને જોવા માટે આવ્યા હતા. કાકા મને પપ્પાની હેલ્થ બાબતે પુછી રહ્યા હતા, મે તેમને બાયપાસ સર્જરીની બધી વાત કરી. તો તેમણે મને બહુ સારો ઉપાય સુઝવ્યો. “બેટા, એક વાત કહુ છું . જો આ બાયપાસ સર્જરીનુ ઓપરેશન ડોક્ટર્સ તો કહે છે કે સફળ જ રહે છે પણ મારી જાણ મુજબ ૧૦% કિસ્સામાં ઓપરેશન સફળ થતા નથી, જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ છે ત્યાં ઓપરેશન વિના હ્રદયની બ્લોકેજ નળીને ખોલવા માટેની પધ્ધતિ વિકસી છે, ત્યાં દર્દીને કસરત દ્વારા હ્રદયની નળીના બ્લોકેજ ખોલે છે. દૂર દૂરથી લોકો ત્યાં આવે છે અને ઠીક થઇને જાય છે, મારુ તો કહેવુ એમ છે કે તુ આ બધો ઓપરેશનનો ખર્ચ કરવા કરતા તારા પપ્પાને જામનગર લઇ જા તો વધુ સારૂ રહેશે. એક તો આ ખાનગી દવાખાનુ છે માટે ખર્ચ પણ બધુ વધુ હશે અને વળી ૧૦૦% ખાતરી ન મળે તેના કરતા ઓપરેશન વિના જ જો નળીનુ બ્લોકેજ દૂર થતુ હોય તો તને શું વાંધો છે. “કાકા તમારી વાત તો યોગ્ય છે પણ જામનગર રહ્યુ બહુ દૂર અને દાદાજી પણ વચ્ચેથી સાથ છોડીને જતા રહ્યા એટલે હવે એકલા હાથે બધુ સંભાળવુ બહુ કઠીન છે મારે.” “જો દીકરા, હું જાણું છું કે આ બધુ અઘરૂ છે પણ પપ્પાના જીવ કરતા તો વધુ કઠીન નહી હોય ને?”

“હાસ્તો કાકા, એ તો સાચુ. ચલો હું આ બાબતે તપાસ કરીને પપ્પાને જામનગર ટ્રીટમેન્ટ માટે લઇ જાવા બાબતે વિચાર કરું.” “ઠીક છે બેટા, ત્યાં તારે કોઇ ચિંતા પણ નહી રહે. મારો એક મિત્ર ત્યાં તે જ હોસ્પિટલમાં ઓર્થોપેડીક સેન્ટરમાં છે, ત્યાં પહોંચીને મને ફોન કરજે જેથી હું બધો બંદોબસ્ત કરાવી આપીશ. ચલ હવે હું નીકળું છું.” મને કાકાની વાત પર પહેલા તો વિશ્વાસ ન હતો પણ મોબાઇલમાંથી થોડુ સર્ચ કરીને અને સમર્પણ હોસ્પિટલના નંબર મેળવીને ત્યાં સ્થાનિક ડૉક્ટર્સ સાથે વાત કરીને મને વિશ્વાસ તો બેઠો અને આમ પણ અહી એક દિવસનો ખર્ચ પંદર હજાર આસપાસ હતો, ઉપરાંત મમ્મીને રહેવા માટે ફ્લેટનુ ભાડુ એ બધુ બહુ મોંઘુ થઇ જતુ હતુ. સાંજે જ્યારે મમ્મી દવાખાને આવ્યા ત્યારે કાકાએ કહેલે બધી વાત મે મમ્મીને કહી. મમ્મીએ તો મને રજા આપી દીધી કે પપ્પાને જામનગર લઇ જઇએ એટલે મે પણ મનોમન નિશ્ચય કર્યો કે હવે પાપાને જામનગર લઇ જ જઇશ. “મે આઇ કમ ઇન સર?” ડો. રૂસ્તમની કેબીનમાં જતા મે પરવાનગી માંગી. “યસ કમ ઇન.” રૂઆબભર્યો જવાબ મને સંભળાયો. “સર આઇ વોન્ટ માય ફાધર્સ ડિસ્ચાર્જ.”

“વ્હોટ??? આર યુ મેડ મિસ્ટર? કેવી વાતો કરી રહ્યા છો? તમને ખબર પણ છે કે આવી હાલતમાં તમે તમારા ફાધરનું ડિસ્ચાર્જ માંગો છો ત્યારે તમારા ફાધરની જાનને પણ ખતરો રહી શકે.” તેમણે મને ચેતાવણીભર્યા અવાજે કહ્યુ. “યા સર આઇ ક્નો ધીસ ઇઝ રીશ્કી પણ સાચુ કહુ તો મને ખાનગી હોસ્પિટલનો ખર્ચ પરવડે તેમ નથી.” મે આ રીતે કહ્યુ તો તે ભભૂકી ઉઠ્યા. “ખર્ચ પરવડે તેમ ન હતો તો અહી આવ્યા શું કામ? પહેલા ખબર ન હતી? અહી કાંઇ મફત સારવાર ન મળે. મફત સારવાર જોઇતી જ હતી તો સરકારી હોસ્પિટલમાં એડમિટ થવુ હતુ ને? અહી શું આવી ચડ્યા?” તેમનો ગુસ્સો તો જાણે આસમાને પહોંચી ગયો હતો. તેમની વાત પરથી તો હવે જાણે સાબિત થઇ રહ્યુ હતુ કે અહી તો એ બધા ખુલ્લી લુંટ મચાવવા જ બેઠા હોય. મે તેમનો ગુસ્સો તો બરદાસ્ત કરી લીધો અને ઠંડે કલેજે અહીથી છુટકારો મેળવવા માંગતો હતો. થોડી વાર બાદ તેમણે ડિસ્ચાર્જ માટેના પેપર્સ તૈયાર કરી દીધા. લગભગ એકાદ કલાકમાં જ અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને એમ્બ્યુલન્સ દ્વારા અમે લોકો જામનગર જવા નીકળી ગયા. થોડી થોડી વારે મને એ ચિંતા સતાવે જઇ રહી હતી કે રસ્તામાં પાપાને કોઇ પ્રોબ્લેમ ન થાય તો સારૂ. પણ ભગવાનની કૃપાથી અમે આસાનીથી કોઇ પણ ટેન્શન વિના અમે જામનગર પહોંચી ગયા અને પાપાને અમે સમર્પણ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધા. હું પહેલી વખત જામનગર આવ્યો હતો પણ મને દિલથી એક સુકુન મળી રહ્યુ હતુ અહી આવીને. હોસ્પિટલનો સ્ટાફ અને વાતાવરણ તથા સફાઇ બધુ ખુબ જ સારૂ હતુ. હાર્ટ વિભાગના હેડ ડો. મહેતાએ પાપાના પ્રાથમિક રિપોર્ટ્સ કરાવી ચેક કર્યા અને નળી બ્લોકેજ માટેની થેરાપી માટેની તારીખો ફાળવી દીધી.

પણ અહી એક પ્રોબ્લેમ હતી કે દર્દીને કે તેના સગા વ્હાલાઓને હોસ્પિટલમાં રહેવા મળતુ નહી એટલે મને પહેલુ ટેન્શન એ આવ્યુ કે અમારે હવે રહેવુ ક્યાં? ડોક્ટર સાહેબને મે મારી તકલિફ જણાવી પણ હોસ્પિટલમાં તો દર્દીને કે કોઇને રહેવાની મનાઇ હતી એટલે તે પણ મજબુર હતા. પરંતુ તે બહુ ભલા હતા, તેણે તેના મિત્ર કે જે મકાન દલાલીનું કામ કરતો હતો તેનો સંપર્ક મને કરાવી આપ્યો અને તેની મદદથી મે એક ફ્લેટ ભાડે રાખી લીધો. મનુભાને કહીને ઘરવખરીનો જરૂરિયાત મુજબ સામાન મોકલવાનુ કહી દીધુ. બીજા દિવસે જ બધો સામાન મનુભાએ મોકલી આપ્યો એટલે અમે બધા ત્યાં સેટ થઇ ગયા.

આ બાજુ હું તો ખુશ હતો કે અહી રહીને પાપાની તબિયત સારી થઇ જશે પણ મમ્મીની હાલત હવે ધીમે ધીમે ખરાબ થવા લાગી હતી. મમ્મીના શરીરને જોતા જ દેખાઇ રહ્યુ હતુ કે ખુબ જ નબળાઇ આવી રહી છે અને દુઃખ ટેન્શનના કારણે તેના મગજ પર પણ અસર થવા લાગી હતી.

એક દિવસ બપોરે મમ્મી દવાખાને પાપા પાસે હતા, જેવા તે બહાર આવ્યા કે અચાનક તેમને ચક્કર આવી ગયા. તેઓ ત્યાં જ ઢળી પડ્યા. મે દોડીને તેમને સંભાળી લીધા અને તેમને જનરલ વોર્ડમાં એડમિટ કર્યા. ડોક્ટર સાહેબે કહ્યુ કે ખુબ જ વીકનેશ છે અને મમ્મીને સંપુર્ણ બેડરેસ્ટ કરવાની સલાહ આપી પણ મમ્મી છે કે માનવા તૈયાર જ ન હતા, એક બે દિવસ આરામ કર્યો પણ પછી તો પપ્પાની સેવામાં અને તેમની ડાંટ ફટકાર સહન કરવા લાગ્યા. પપ્પાની ટ્રીટમેન્ટ તો શરૂ થઇ ગઇ હતી પણ પપ્પાને જરા પણ અહી ગમતુ ન હતુ અને આમ પણ કહેવાય છે ને કે દવાખાનુ સાજા-સારા માણસને પણ બિમાર પાડી દે છે તો પપ્પા તો ઘણા લાંબા સમયથી દવાખાનાનો બોઝ સહન કરે જઇ રહ્યા હતા અને વધુમાં અહી રહેવુ એ હવે તેમની સહનશકિત બહાર હતુ પણ અહી રહીને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હતી તેથી તે પણ નાછુટકે હોસ્પિટલમાં રહેતા તો હતા પણ કમને. તેમનો ગુસ્સો અમારા બન્ને પર પુરજોશથી ઉતરતો. મમ્મી તો મુંગા મોઢે સહન કરી લેતી પણ ક્યારેક હું મારી ધિરજ ખોઇ બેસતા તેમની સામે થઇ જતો.

“હા દિકરા સાચી વાત છે, દવાખનુ તો ભગવાન દુશ્મનને પણ ન બતાવે. હું ઓ એક જ દિવસ રહ્યો હતો હોસ્પિટલમાં પણ કંટાળી ગયો હતો.” ઓઝાસાહેબ બોલી ઉઠ્યા. “હાસ્તો કાકા, એકદમ સત્ય વાત છે. પણ પપ્પા જેવો ગરમ મિજાજી અને કોઇના પણ હાથમાં ન સમાય તેવા માણસને દવાખાનામાં પથારી પર પડ્યુ રહેવુ એ ખરેખર અશક્ય હતુ પણ તેમનો ઇલાજ પણ જરૂરી હતો.”

“પછી શું થયુ અંકલ? પાપાનો ઇલાજ સફળ રહ્યો ને?” શિલ્પાએ પુછ્યુ. “બેટા હવે કાલે કહું તો? આજે બહુ મોડુ થઇ ગયુ છે. તમે પણ મારી કથામાં ઓછુ અને અભ્યાસ પર ધ્યાન આપો તે તમારા માટે સારૂ છે, નહી તો ક્યાંક એવુ ન બને કે કોઇ દિવસ તમારા મમ્મી પપ્પા મને શોધતા આવશે અને કહેશે કે પ્રવીણભાઇ તમારી કથાને કારણે અમારા સંતાનોને ઓછા માર્કસ આવ્યા છે.” કહેતા પ્રવીણભાઇ હસી પડ્યા.

To be continued…………..