કોફી હાઉસ - પાર્ટ-૧૪ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - પાર્ટ-૧૪

રૂપેશ ગોકાણી

gokanirupesh73@gmail.com

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 14

વિષય – લવ સ્ટોરી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે પ્રેયને ઘરેથી કોલ આવતા તે કોલેજ અને બધુ પડતુ મુકીને કોઇને કહ્યા વિના નડિયાદ જવા નીકળી જાય છે, બસ સ્ટેશન પર તેનુ વોલેટ અને મોબાઇલ ચોરાઇ જાય છે. ત્યાં જઇ તેને ખબર પડે છે કે તેના પપ્પાને ભારે હાર્ટએટેક આવ્યો હોય છે, ઘરની ભાગદોડી અને પપ્પાની સારવારમાં તે કુંજને કોલ કરવાનુ પણ ભૂલી જાય છે અને તેના મમ્મી, દાદાજી અને બિમાર પપ્પાની સેવામાં લાગી જાય છે, હવે વાંચો આગળ.)

“તે દિવસે રાત્રે મે બહુ જીદ્દ કરીને મમ્મી અને દાદાજીને ઘરે આરામ કરવા રાજી કર્યા. પહેલા તો તેઓ બન્ને માનતા જ ન હતા પણ મારી જીદ્દ સામે તેઓએ ઝુંકવુ જ પડ્યુ. આમ પણ આઇ.સી.યુ સેન્ટરમાં એક જ વ્યકિતને રહેવાની પરમિશન હોય છે તો હું જ તે દિવસે પપ્પા પાસે રોકાઇ ગયો.” બીજા દિવસે પ્રવીણભાઇએ પોતાની વાત આગળ ચલાવી. “મને પણ મુસાફરીનો થાક વર્તાતો હતો અને આખા દિવસની ભાગ દોડને કારણે હું પપ્પા પાસે ટેબલ પર બેઠા બેઠા જ ઝોંકા ખાવા લાગ્યો. મે એક હાથે પપ્પાનો હાથ પકડી રાખ્યો હતો. મારા આવ્યા બાદ પપ્પા હોંશમાં તો આવી ગયા હતા પણ ડોક્ટરની બોલવાની મનાઇ હોવાથી મે તેમને બહુ વાત કરવાની ના જ કહી હતી.” “અચાનક રાત્રે બે વાગ્યે પપ્પાનો હાથ ધૃજવા લાગ્યો ત્યાં મારી ઊંઘ ઊડી ગઇ. તેમનો શ્વાસ ફુંલી રહ્યો હતો જાણે તેને શ્વાસ લેવામાં ખુબ તકલિફ પડી રહી હોય. હું પણ થોડી વાર માટે ગભરાઇ ગયો. દોડીને મે નાઇટ ડ્યુટી પર હાજર રહેલ નર્સને બોલાવી. તે દોડીને આવી તો પહોંચી પણ પપ્પાની હાલત તેને પણ વધુ ગંભિર જણાતા તાત્કાલિક તેણે ડોક્ટર પારસને તેડાવી લીધા. “ડો. પારસે ફોન પર જ નર્સને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવાનુ કહી દીધુ અને તેઓ આવવા નીકળી ગયા. લગભગ પાંચ જ મિનિટમાં ડો.પારસ આવી પહોંચ્યા. મે મારા પપ્પાની હાલત બાબતે ડો. પારસને પુછ્યુ પણ તેમણે કાંઇ કહ્યુ નહી અને મને થોડી વખત બહાર રહેવા કહીને તે ટ્રીટમેન્ટ ક્રરવામાં બીઝી બની ગયા.”

“મને ખુબ ચિંતા થવા લાગી. રાત્રે બાર વાગ્યે મારે દાદાજી અને મમ્મીને જાણ કરવી કઇ રીતે? હું હાંફળો ફાંફળૉ થવા લાગ્યો. મારા મનને ચેન ન હતુ. શું કરવું શું ન કરવું તેનો યોગ્ય નિર્ણય હું લેવા સક્ષમ ન હતો. અચાનક એક નર્સ આવતા મે તેને મારી વાત કરી અને તેમને ફોન આપવા કહ્યુ. નર્સે મને ફોન આપ્યો અને મે ઘરે ફોન કરી દાદાજીને જલ્દી હોસ્પિટલ આવવા કહ્યુ. દાદાજી પણ મારો અવાજ સાંભળી સમજી ગયા હતા તેથી તેઓએ જલ્દી આવવાનુ કહી ફોન કટ કરી દીધો. મે નર્સને ફોન આપી દીધો અને ડો.પારસની બહાર આવવાની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં દાદાજી, મમ્મી અને મારા પડોશી મનુભા અને રાજલબા આવી પહોંચ્યા.

“શું થયુ દિકરા? તું કેમ પરેશાન છે? અચાનક મોહનને શું થઇ ગયુ?” દાદાજી ચિંતીત સ્વરે મને પુછવા લાગ્યા. તેમની પણ તબિયત સારી ન હોવાના લક્ષણો મને જણાયા.

“દાદાજી કાંઇ થયુ નથી. તમે બસ અહી બેસો અને આરામ કરો. ચિંતા જેવુ કાંઇ નથી.” “દિકરા તારી વાત હું કેમ માની શકુ? મારાથી કાંઇ છુપાવ નહી.” તેમનો અવાજ ફુલવા લાગ્યો. “દાદાજી તમે બેસો. હું તમને બધી વાત કહુ છું.” મે દાદાજીને ત્યાં વેઇટીંગ રૂમમાં બેસાડ્યા, તેમને પાણી આપ્યુ અને પછી પપ્પાની તબિયત વિષે વાત કરી. જેમ જેમ હું તેમને વાત કરતો હતો તેમ તેમ તેમના ચહેરાના હાવભાવ બદલાઇ રહેલા મને જણાયા. અચાનક તેઓ પણ મુંઝાવા લાગ્યા. તેમની હાર્ટબીટ વધતી મને જણાઇ. મનુભાએ દોડીને ફરજ પર હાજર અન્ય ડોક્ટરને બોલાવી દાદાજીને એડમિટ કરી દીધા. દાદાજી બસ મોહન મોહન એક જ નામ લઇ રહ્યા હતા.

“મને થયુ કે દાદાજીને વાત કરી મે ખોટુ કર્યુ છે પણ હવે તો કહેવાઇ ગયુ હતુ. મને ખુબ ચિંતા થવા લાગી. દાદાજી અને પપ્પાની ચિંતામાં કુંજનો ખ્યાલ સુધ્ધા હું ભૂલી ગયો હતો. મનુભા દાદાજી સાથે હતા અને હું ડો. પારસની રાહ જોઇ રહ્યો હતો. મમ્મીને તો રાજલબા સાથે વેઇટીંગ રૂમમાં જ રાખ્યા હતા. અચાનક ડો. પારસ તેની સહાયક ટીમના એક ડોક્ટર સાથે વાત કરતા બહાર નીકળ્યા. હું દોડીને તેમની સાથે વાત કરવા ગયો પણ “પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ અસ, વી વીલ ટ્રાય અવર બેસ્ટ” બસ આટલા જ શબ્દો કહી તેઓ કેબીન તરફ નીકળી ગયા. હું આઇ.સી.યુ. સેન્ટરમાં પપ્પાને મળવા દોડ્યો પણ ત્યાંથી પણ એક નર્સે મને રોકી દીધો. “મારુ મન ખુબ બેચેન બનવા લાગ્યુ હતુ. એક બાજુ પપ્પાની આવી હાલત અને બીજી બાજુ દાદાજી મોહન મોહન કરી રહ્યા હતા. મને એ સમજાતુ ન હતુ કે શું કરવું હવે? “મિસ્ટર પ્રવીણ, સર તમને કેબીનમાં બોલાવી રહ્યા છે.” નર્સના શબ્દ સાંભળતા જ હું દોડતો ડો. પારસને મળવા દોડ્યો. “આવો મિસ્ટર પ્રવીણ. હેવ અ શીટ.” “થેન્ક્સ સર. મારા ફાધરની હાલત હવે કેમ છે? અચાનક તેમની હાલતમાં સુધારો આવવાને બદલે કેમ???” હું વચ્ચેથી જ બોલતો અટકી ગયો. “મિસ્ટર પ્રવીણ તમારા ફાધરની હાલત ખુબ જ ક્રીટીકલ છે. તેમની હ્રદયની લગભગ બધી નળીઓ બ્લોક થઇ ચુકી છે. બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાવવુ ખુબ જરૂરી છે, નહી તો સાયદ......” “તેમનું એ અધુરૂ વાક્ય મારા મનમાં ખુંચી ગયુ. “સર તમે જ સજેસ્ટ કરો કે મારા ફાધર માટે બાયપાસ સર્જરીનુ ઓપરેશન કરાવવું કઇ હોસ્પિટલમાં યોગ્ય રહેશે? તમે પૈસાની ચિંતા ન કરજો, દુનિયાની બેસ્ટ હોસ્પિટૅલનુ નામ તમે સજેસ્ટ કરો. હું મારા પપ્પાની ટ્રીટમેન્ટ ત્યાં કરાવીશ.”

“મિસ્ટર પ્રવીણ, પહેલા તો તમને હું કહી દઉ કે બાયપાસ સર્જરીનો ખર્ચ એ કાંઇ નાનીસુની વાત નથી. અંદાજે ચાર થી પાંચ લાખ જેટલો તો માત્ર ઓપરેશનનો ખર્ચ રહેશે અને બીજો દવા અને અન્ય ખર્ચ અલગથી થશે.” “નો પ્રોબ્લેમ સર. ખર્ચની મને કોઇ ચિંતા નથી. તમે બસ કોઇ સારી હોસ્પિટલનું નામ મને સજેસ્ટ કરો. “આમ તો ઘણી જગ્યાએ આ ઓપરેશન શક્ય છે. આઉટ ઓફ ઇન્ડિયામાં પણ આ સર્જરી થઇ શકે છે પણ અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં બાયપાસ સર્જરીની સારી ટ્રીટમેન્ટ મળી શકશે તમને. મારુ તો કહેવુ એમ છે કે તમે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં તમારા ફાધરની ટ્રીટમેન્ટ કરાવો એ બહેતર છે.

“ઓ.કે. સર આઇ હેવ નો પ્રોબ્લેમ. હું પપ્પાને સીવીલમાં લઇ જવા રેડ્ડી છું.

“ઠીક છે મિસ્ટર પ્રવીણ. તમારા ફાધરને આવતી કાલે સવારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ સાથે તમે અમદાવાદ જવા નીકળજો. તમારી સાથે અહીથી એક ડૉક્ટરને સાથે મોકલવામાં આવશે જેથી રસ્તામાં કોઇ તકલિફ થાય તો ટ્રીટમેન્ટ મળી રહે.” “ઓ.કે. થેન્ક્સ સર. આઇ વીલ બી વેરી થેન્કફુલ ટુ યુ.” “ઇટ્સ ઓ.કે. પ્રવીણ.” “હું દોડીને નીકળ્યો અને આ વાત મમ્મી અને મનુભાને કહેવા જતો જ હતો. હું દોડીને વેઇટીંગ રૂમમાં ગયો ત્યાં મમ્મી કે રાજલબા હતા નહી એટલે હું દોડીને દાદાજીના રૂમમાં ગયો તો બધા દાદાજીના બેડ બાજુમાં એકઠા થઇ ગયા હતા અને મમ્મીનો રડવાનો અવાજ મને સંભળાયો. મને કાંઇ ઠીક ન લાગ્યુ એટલે હું દોડીને મમ્મી પાસે ગયો અને જોયુ કે દાદાજી.......................” કહેતા પ્રવીણભાઇની આંખ ભીની થઇ ગઇ અને અશ્રુધારા તેમની આંખોમાંથી નીકળવા લાગી.

“કાકા તમારા દાદાજીને શું થયુ હતુ? પ્લીઝ તમે આમ રડો નહી. અમને નહી ગમે કોઇને કે તમે આ રીતે દુઃખી થાઓ.” શિલ્પાએ કહ્યુ. “હે ભગવાન, બેટા આમ રડ નહી. અમે સમજી ગયા કે શું થયુ તે દિવસે. એ દિવસ જ તારા માટે ગોઝારો નીવડ્યો. એક બાજુ તારા પપ્પાની આવી હાલત અને બીજી બાજુ દાદાજીનું અવસાન થયુ. આ બધુ જીરવવુ ખુબ અઘરૂ છે અને એ પણ બહુ નાની ઉંમરમાં.” પ્રતાપભાઇએ પ્રેયને સાંત્વના આપતા કહ્યુ. “હા દિકરા અત્યારે હવે તારો જીવ કચાવય નહી. જરા શાંત થા અને લે પાણી પી લે. તારા દાદાજી અત્યારે તને આમ રડતો જોશે તો તેમને પણ દુઃખ જ થાવનુ છે ને દીકરા? તું તો બહુ સમજદાર છે, આ બધુ તુ સમજે છે. માટે નાહક દુઃખ ન કર.” હરદાસભાઇએ કહ્યુ. ‘હા દિકરા, આ દુનિયામાં જન્મ લેનારને એક દિવસ તો ભગવાનને ધામ જવાનુ જ છે. દુનિયાનો કોઇ વ્યકિત અમરપટ્ટો લખાવીને આવ્યો નથી. એક દિવસ બધાને એ ઇશ્વરના દરબારમાં હાજર થવાનુ જ છે.” ઓઝાસાહેબ બોલી ઉઠ્યા. “અંકલ રડો નહી તમે પ્લીઝ. તમારા આમ દુઃખી થવા પાછળ અમે બધા જ જવાબદાર છીએ. જો અમે તમારા જીવનના આ પન્ના પલ્ટાવ્યા ન હોત તો આજે તમે આ રીતે દુઃખી ન થાત.” પાર્થ બોલ્યો. “ના બેટા, તમારો કોઇ વાંક નથી. એવુ થોડુ છે કે તમને આ વાત કરુ છું ત્યારે જ મને મારો પરિવાર અને મારી કુંજ યાદ આવે છે. એ બધાને તો હું દરરોજ યાદ કરીને મનમાં ઘુંટાઉ છું, આજે તો બસ મારી ફીલીંગ્સ બહાર આવી. એકલા એકલા ઘુંટાવા કરતા આજે તમારી સાથે બધી વાત શેર કરુ છું તો મન થોડુ હલ્કુ થાય છે. તમે લોકો મારી જરા પણ ચિંતા ન કરો, આઇ એમ હેપ્પી.” જરા હસતા હસતા પ્રવીણભાઇ બોલ્યા. “હમ્મ્મ જો આ મારો સાચો પ્રવીણ્યો. તારા ચહેરા પર હાસ્યનો રેલાટ ન આવે તો તારો ચહેરો પણ પેલી કુંજળીના પિતાજી બાઘડ બીલ્લા જેવો જ લાગે છે.” હેમરાજભાઇ બોલ્યા ત્યાં બધા હસવા લાગ્યા અને સાથે સાથે પ્રવીણભાઇ પણ. “ચલ હેમરાજ આજે આપણે કાંઇક નાસ્તો કરીએ. શું કહે છે તું?” ઓઝાસાહેબે કહ્યુ. “અરે ઓઝા નેકી ઓર પુછ પુછ? નાસ્તો કરવાનું પુછવાનુ નહી, ઓર્ડર જ કરવાનો.”

“કાકા.............. કાકીને કહું આ બધુ???” પ્રવીણભાઇએ ગુસ્સાના ટોનમાં કહ્યુ. “એય પ્રવીણ્યા, કાકીની ધમકી કોને આપે છે હે??? લે આ રહ્યા નંબર. કર વાત તારી કાકી સાથે.” ઓઝાસાહેબે પોતાનો ફોન પ્રવીણભાઇ સામે આપતા કહ્યુ. “હા લાવો નંબર. હું મારા જ ફોનમાંથી વાત કરી લઉ.” “અરે...... તુ તો બધી વાતને ગંભીરતાથી લઇ લે છે. હું તો મજાક કરું છું. ઝીણી ઝીણી વાત પર ગંભીર થાવાનુ રહેવા દે અને બેસ છાંનોમાનો.” ઓઝાસાહેબની વાત સાંભળી બધા હસી પડ્યા. “જા વ્રજેશ, કાંઇક મસાલેદાર મંગાવ આજે. પ્રવીણ્યાનો મુડ ઠેકાણે લાવવો છે મારે.”

“ઓ.કે. દાદાજી.” થોડી જ વારમાં બટર કોર્ન, ચીઝ કોર્ન, મીઠા મકાઇ, મસાલા કોર્નની પ્લેટ્સ આવી ગઇ. “આહાહાહા....મારા મોઢામાં તો પાણી આવવા લાગ્યા. હવે મારાથી તો રહેવાય તેમ નથી. જલ્દી કરો હવે.” કહેતા ઓઝાસાહેબ તો નાસ્તો કરવા લાગ્યા. ચલ પ્રવીણ્યા હવે આમ જોવાનુ રહેવા દે નહી તો ખાલી પ્લેટ્સ જ તારા હાથમાં આવશે.” પ્રતાપભાઇએ કહ્યુ અને મસાલા કોર્નની એક પ્લેટ તેના હાથમાં થમાવી દીધી.

બધાએ હળવો નાસ્તો કર્યો અને આવતીકાલે મળવાના પ્રોમીસ સાથે બધા છુટા પડ્યા.

**********

વહેલી સવારે રૂટિન મુજબ પ્રવીણભાઇ પોતાના ઘર સમાન કોફીહાઉસ પહોંચી ગયા. કોફીહાઉસ પહોંચી નિયમાનુસાર ભગવાનને પ્રાર્થના અને અગરબતી કરી કેસ કાઉન્ટર પર બેસી ગયા અને તેમને જેનાથી નશો ચડતો તેવુ અખબાર લઇ બેસી ગયા. “સાહેબ લો તમારી કોફી. તમારી રોજની આદત મુજબ તમને પસંદ એવી કોફી તૈયાર છે.” પ્રવીણભાઇએ જોયુ તો સામુ કોફી લઇને ઉભો હતો. “અરે સામુ, તું ક્યારે આવ્યો? મને ન્યુઝ ન આપ્યા? કેમ છે તારા મા ને હવે?” “સાહેબ તમારી દયાથી ઓપરેશન સફળ રહ્યુ. હવે મારા મા ની તબિયત સારી છે. ડોક્ટરે કહ્યુ કે સારૂ થયુ વહેલા તમે આવી ગયા નહી તો ઓપરેશન સફળ થાત નહી. તમારુ સ્થાન મારા જીવનમાં ભગવાનથી જરા પણ ઓછુ ઉતરે એમ નથી. હું તમારો જેટલો ઉપકાર માનુ તેટલો ઓછો છે.” કહેતો સામુ પ્રવીણભાઇના પગે પડી ગયો. “અરે અરે સામુ. મારા પગે પડવાનુ રહેવા દે. આભાર માનવો જ હોય તો ભગવાનનો માન. હું તો બસ એક સાદોસીધો માણસ છું અને ભગવાને બતાવેલા સત્ય અને પરોપકારના માર્ગે ચાલવાનો પ્રયત્ન માત્ર કરી રહ્યો છું. આવા શબ્દો બોલી મને બહુ મહાન ન બનાવ સામુ.” પ્રવીણભાઇએ સામુને ઉભો કરતા કહ્યુ. “સાહેબ આટલુ માત્ર બોલવુ એ પણ બહુ અઘરૂ છે. તમે આ બધી વાતને ભૂલી શકો પણ હું તમારો આ ઉપકાર નહી ભુલુ.”

“હવે બસ કર, કહ્યુ ને. નહી તો મારવો પડશે તને.” કહેતા પ્રવીણભાઇ હસવા લાગ્યા. “ઠીક છે સાહેબ, હવે તમને મહાન નહી બનાવું પણ મારી એક વાત માનશો?” “હા બોલ ને સામુ, એક શું બે વાત માનીશ તારી, જો તુ મને મહાન બનાવવાનુ બંધ કરે તો.” “સાહેબ તમે બહુ ધનવાન છો. મારે કહેવુ તો ન જોઇએ છતા પણ છોટે મુંહ બડી બાત કરું છું કે તમે મારા ઘરે મારી મા ના હાથે બનાવેલુ વાળુ કરવા માટે આવશો???” “વાળુ? મતલબ ડિનર રાઇટ? યા શ્યોર આવીશ તારા ઘરે ડિનર માટે, આઇ મીન વાળુ કરવા માટે.” “ખુબ ખુબ આભાર સાહેબ તમારો. મારી માતા બહુ સારુ ગુજરાતી જમવાનુ બનાવે છે. તમે આંગળીઓ ચાટતા રહી જશો.” “વાહ ખુબ સરસ. હું તો દરરોજ મારા હાથેથી જમવાનુ બનાવીને કંટાળી જાંઉ છું અને આજે તારા ઘરે જમવાનો તો બહુ આનંદ આવશે.” “આભાર સાહેબ તમારો. એક ગરીબના ઘરે તમે આવો જાણે સુદામાના ઘરે ભગવાન કૃષ્ણ પધાર્યા હોય.” “વખાણ કરવાનુ રહેવા દે નહી તો જમવાનુ કેન્સલ હો કહી દઉ છું.”

“ઠીક છે સાહેબ. ચલો સાહેબ હું ઘરે કહી દઉ છું અને પછી કામે વળગુ, બહુ વાતો કરી લીધી મે.” કહેતો સામુ ત્યાંથી નીકળી ગયો.

તે દિવસે ઓઝાસાહેબ અને બીજા બધા નિવૃત કર્મચારીઓ નિવૃત કર્મચારી મંડળની મીટીંગમાં ગયા હોવાથી કોઇ સાંજે રૂટિન મુજ્બ મળ્યા ન હતા. સાંજે ૮.૦૦ વાગ્યે પ્રવીણભાઇ સામુના ઘરે પહોંચી ગયા. સાથે સામુના મમ્મી માટે એક સાડી અને ભગવાનનો પ્રસાદ તથા તેના બાળકો માટે ચોકલેટ મિઠાઇ લઇ તેઓ આવી પહોચ્યા. “ઍ આવો સાહેબ, બેસો બેસો.” કહેતો સામુએ એક ખુરશી લાવી આપી. “સાહેબ લો પાણી. આમ તો અમારા ઘરમાં અમે સાદુ પાણી જ રાખીએ છીએ પણ આજે તમે આવવાના હતા એ જાણી ખાસ બોટલવાળુ પાણી લાવ્યા છે.” સામુની પત્ની પાણી આપતા બોલી. “અરે બહેન મને સાદુ પાણી પણ ચાલ્શે. સામુને ખર્ચ કરાવવાની શી જરૂર હતી?” “દીકરા, તે મારા જેવી વૃધ્ધા માટે આટલા પૈસાનો ખર્ચ કર્યો તે કાંઇ ઓછો છે? અમે તો બસ આગતા-સ્વાગતા કરવાની કોશિષ કરીએ છીએ. ભૂલચુક રહી જાય તો માફ કરી દે’જે દીકરા.” સામુના મા રૂમની બહાર આવતા બોલ્યા. “અરે માજી, તમે આરામ કરો. એક કામ કરો અહી બેસો. “ કહેતા પ્રવીણભાઇ ઉભા થતા બોલ્યા. “ના દીકરા તુ બેસ એ ખુરશી પર. હું અહી નીચે જ બેસુ છું” કહેતા તે ત્યાં નીચે જ બેસી ગયા. “માજી વડિલો આ રીતે નીચે બેસે એ સારૂ ન કહેવાય, આવતા રહો અહી બેસો.” પ્રવીણભાઇએ સામુના માજીને હાથ પકડી ખુરશી પર બેસાડતા કહ્યુ. “દીકરા, ખરેખર તુ મહાન છે. જુગ જુગ જીવ તુ દીકરા, ભગવાન તારા બધા અરમાન પુરા કરે.” માજી હાથ જોડતા બોલી ઉઠ્યા. “અરે માજી, હાથ ન જોડો મારી સામે. વડિલોના હાથ અમારા માથે શોભે, આમ જોડાયેલા નહી.” કહેતા પ્રવીણભાઇ જરા ગળગળા બની ગયા. મા, ચાલો જમવાનુ તૈયાર જ છે, સાહેબ આવો જમવા. પછી આરામથી બેસી વાતો કરશું.” સામુ બોલ્યો. “હા ચાલો, “

“આહાહાહાહા.... રોટલા, રીંગણનો ઓળો, ખીચડી, કઢી, છાસ, પાપડ, અને ખીર , બહુ સરસ સામુ, જે મજા આપણા ગુજરાતી ખાણામાં છે તે બીજે ક્યાંય નથી. એક અલગ પ્રકારનો સંતોષ મળે છે આ દેશી ભોજનથી.”

“સાહેબ કાંઇ સ્વાદમાં ખામી હોય તો કહેજો, સંકોચ ન કરજો હો.”

“હા સામુ હા, તુ સંકોચ ન કર મનમાં તુ ભાભી અને માજી બધા આવો સાથે જમીએ.” “ના ના ના દીકરા, પહેલા મહેમાન પછી અમે.”

“માજી સાચી વાત કહું, આમ એકલો તો હું રોજ જમુ છું. મારે કોઇ પરિવાર નથી. હું એકલો જ રહું છું. એટલે મને તમારા સાથે જમવાનો વધુ આનંદ આવશે. તો પ્લીઝ તમે પણ બધા મારી સાથે જમો એટલે મને ખરા દિલથી આનંદ મળે.” “પણ સાહેબ, અમે કેમ તમારી સાથે.........???” “અરે સામુ શું તુ આમ બોલે છે? હવે ગુસ્સો કરવો પડશે મારે અને આપેલા પૈસા પણ વ્યાજ સહિત વસુલવા પડશે એવુ લાગે છે મને.” “ઠીક છે સાહેબ તમે કહો છો તો અમે બેસી જઇએ.” “હમ્મ્મ્મ્મ યે હુઇ ના બાત. અરે તારા છોકરાઓ ક્યાં છે? કોઇ દેખાતા કેમ નથી?” “સાહેબ એ અહી પડોશમાં રમતા હશે તેમની ટોળકી સાથે, થાકશે ત્યારે આવશે જમવું જમવું કહેતા....” બધા સાથે બેસી જમવા લાગ્યા. પ્રવીણભાઇને ખુબ આગ્રહ કરીને સામુ અને તેના પરિવારે જમાડ્યા. જમ્યા બાદ ફળિયામાં ખાટલો ઢાળી બધા બેઠા. ઘણો સમય બધાએ સુખદુઃખની વાતો કરી.

“ચલો માજી હવે તમે આરામ કરો. હું નીકળું છું.” પ્રવીણભાઇએ માજીને સાથે લાવેલી સાડી અને ભગવાનનો પ્રસાદ આપતા કહ્યુ. “દીકરા આ બધુ લાવવાની શી જરૂર હતી? અમારા પર બહુ ભારણ થાય છે. કઇ રીતે આ કર્જ ચુકવી શકશું અમે?” “આ જ રીતે મને જ્યારે ઇચ્છા થાય ત્યારે જમાડીને તમે કર્જ ચુકવજો.” પ્રવીણભાઇ હસતા હસતા બોલ્યા અને માજી પણ હસી પડ્યા.

“દીકરા તારુ જ ઘર છે, ગમે ત્યારે આવી જવાનુ તારે. હક બને છે તારો આ ઘર પર હવે.” “ઠીક છે માજી, જય શ્રી કૃષ્ણ” “જય શ્રી કૃષ્ણ દીકરા.” પ્રવીણભાઇ આજે ખુબ ખુશ હતા. જાણી જોઇને આજે તે ચાલીને આવ્યા હતા. જમ્યા બાદ પોતાના ઘરે ચાલતા ચાલતા જતા હતા. મનમાં ખુબ સુકુન હતુ. આજે ઘણા વર્ષો બાદ તે આ રીતે સાથે મળી જમ્યા હતા. પોતાના પરિવારની યાદોને વાગોળતા વાગોળતા આંખમાં આંસુ સાથે તેઓ પોતાના ઘર ભણી ચાલતા થયા.

To be continued……………….