Ek saty ghatna books and stories free download online pdf in Gujarati

એક સત્ય ઘટના

નિતી અને દિપ બન્ને કોલેજથી એકબીજાને ઓળખતા હતા આમ તો વર્ગ અલગ હતો છતાયે એ બન્નેની નઝદીકી વધતી ગઇ. નિતી અને દિપના સ્વભાવ થોડા ઘણા સરખા હતા અંતર્મુખી, ઓછાબોલા અને શાંત, પોતાના કામથી કામ રાખવાવાળા ,ખોટી ઝંઝટમા કયારેય ના પડે. કોલેજમા કયારેય કલાસ બંક કરીને ફરવા જવુ કે રસ્તા વચ્ચે વાતોના વડા તળવા એમના સ્વભાવમા નહોતુ. નિતી શાંત સ્વભાવની સમજુ છોકરી, નાનપણથી જ ભણવામા તેજ, દેખાવે સુંદર, એકવડીયા બાંધાની દેહયષ્ટી ધરાવતી હતી. દયા- કરુણા એના સ્વભાવને એના દેખાવને વધુ સુંદર બનાવતો હતો...!!!! વળી એ ઘરકામમા નિપુણ.. રસોઇ બનાવવી એ તો એના ડાબા હાથનો ખેલ. ઓફિસથી ઘરે આવે એટલે આરામ કરવાને બદલે મમ્મીને રસોડામા મદદ કરવા દોડી જાય. એનામા આળસ તો જરાયે નહી, ઝપાટાબંધ કામ પુરુ કરી નાખે, વળી ઘરમા પુરેપુરી આર્થિક સહાય કરતી. બસ આજ એની સારપ એણે પ્રેમમા પણ દર્શાવી.

બન્નેનો પ્રેમ પરીપક્વ થતો જતો હતો. એકમેકની નજર મળી, શરુઆતમા નઝરો ચોરાતી, ધીમેધીમે નઝરો સાથે મુસ્કુરાહટ ભળતી, તો કયારેક નિતી તરફથી શરમના શેરડાની મીલાવટ થતી ત્યારે દિપના હ્રદયમા ઝણઝણાટી પ્રસરી જતી. આ નઝર મેળાપ, આકર્ષણમા પરીણમ્યો તેઓ શાંત સ્વભાવના હોઇ આકર્ષણ મુગ્ધ પ્રેમમા બદલાય ગયો..... કહેવાય છે ને કે શાંત નીર વધુ ઉંડા..!!!!!!! નિતી અને દિપે નકકી કરી નાખ્યુ હતુ કે લગ્ન કરીશુ તો માતાપિતાની સંમતિ સાથે જ. ભાગીને પરણવાનુ તો સપનામા પણ વિચાર નહોતો કર્યો આખરે એમના પ્રેમની જીત થઇ.

બન્નેની જાતી અને બોલી જુદી હોવાથી માતાપિતા તરફથી મંજુરી મળવામા મુશ્કેલી નડી. છ વરસના પ્રેમને બીજા ચાર વરસ પ્રતિક્ષા કરવી પડી. દિપના ઘરમા માંસાહાર કરવો સામાન્ય વાત હતી જયારે નિતીના ઘરમા તો એ વાતથી જ ઉહાપોહ મચી ગયો, પણ આખરે સમય જતા બધુ થાળે પડતુ ગયુ. બન્નેના માતાપિતાની બેઠક થઇ અને વાતચીત ચાલુ થઇ, નિતીના ઘરની આર્થિક સ્થિતી મધ્યમ હતી એમના પિતાનો નાના પાયાનો બિસનેઝ હતો અને નિતી મદદ કરવા પાર્ટ ટાઇમ જોબ કરતી હતી. જયારે દિપનુ પરીવાર સધ્ધર હતુ. નિતીના પિતાની ગરીબ પરિસ્થિતીએ એમનુ મોઢુ સિવી નાખ્યુ. એના આલિશાન ફલેટને જોઇને તાગ મેળવી લીધો અને કહયુ કે પોતે આ સંબંધથી ખુશ છે, પણ આડકતરી રીતે કહી દીધુ કે પોતે આર્થિક રીતે સક્ષમ નથી જેનો દિપના ઘરવાળાને કઇ જ વિરોઘ નહતો, અને હોય પણ કયાથી એમને તો દિકરી લેવાની હતી દેવાની નહિ. બન્નેના માતાપિતાની બધી જ ચર્ચા થઇ ગઇ પણ સગાઈ કે લગ્ન વિષય પર વાતચીત નહોતી થઇ . દિપ અને નિતીની ખુશીનો પાર ન રહયો અને જેના સપના દસ વરસથી જોતા હતા એ હવે સાચા પડવાના હતા. નિતીના ઘરે તો આ પહેલો લગ્નપ્રસંગ હતો એટલે એના ઘરવાળાની ખુશીની કોઇ સિમા જ નહોતી એની માતા પણ જમાઇ ને પોખવા ખુબ જ આતુર હતી પોતાની પુત્રીના લગ્નની વરસોથી રાહ જોતી હતી અને હવે તો ખુબજ ઉતાવળી થઇ ગઇ હતી. દિકરી માટે આણાની વસ્તુ હોશે હોશે ભેગી કરવા માંડી હતી. જાતજાતના તોરણ, ચાકળા તો ગુથવાનુ ચાલુ જ કરી દિધુ હતુ, છેલ્લી ઘડીએ ઉતાવળ ના થાય તે માટે સાડીને ફોલ મુકવાનુ પણ ચાલુ કરી દિધુ. હજી તો લગ્નની તારીખ પણ નકકી થઈ નહોતી પણ છતાયે લગ્ન ગીતો વગાડતી હતી. નિતી સવારથી સાંજ ઓફીસમા વ્યસ્ત હોય અને રક્ષાબહેન લગ્ન ગીતો સાંભળતા ઘરમા હરખભેર આણાની તૈયારી કરતા હોય.

પોતે જોયેલા સપના આખરે સાચા પડ્યા બંનેના હ્રદય હરખી ઉઠ્યા. છાના છપના મળવાનું છોડી દીધું અને જાહેરમાં મળવાનું શરુ થયું. નિતી અને દિપ પણ સાથે ફરવા જતા હતા, એકબીજાના ઘરે જઈ ભાવિ યોજના ઘડતા હતા, ફોન પર કલાકો સુધી વાતો કરતા રહેતા અને એમના જીવનની ઉતમ ઘડીને માણતા આમ નીતિની સુંદરતા ખીલી ઉઠી.

નિતી અને દિપના માતાપિતાની બીજી બેઠક થઇ અને લગ્નની ચર્ચા ચાલુ થઇ. બંને પરભાષી હોવાથી લગ્નની રીતરસમમાં ઘણો જ ફર્ક હતો , એટલે વાતનો સાર એ આવ્યો કે બન્ને પક્ષ પ્રમાણે લગ્ન થશે છતાયે ફરી એક બેઠક યોજવાનું નક્કી કર્યું. વળી આ બેઠકમાં જ નિતીના પપ્પાએ કહ્યું હતું કે એ લગ્નમાં વધુ ખર્ચો કરી શકે એમ નથી જે દિપના ઘરવાળાને બહુ જ ખૂચ્યું. એટલે તેઓએ ખાસ એટલે દિપના પપ્પાએ ખાસ કહ્યું, “અમે તો જાનમાં બારસો જણા આવીશું”. અને એ સાથે જ નીતિના પપ્પા હિમ્મતભાઇની છાતીના પાટીયા બેસી ગયા. માંડ માંડ બોલી શક્યા કે અમારી એટલી શક્તિ નથી. તમે રાતના સત્કાર સમારંભમાં બારસો નહિ અને તેરસો માણસ લાવજોને, ત્યાતો દીપનો મોટો ભાઈ ગરજ્યો, “એટલે તમે કહેવા શું માંગો છો અમે લગ્નમાં અમારા ગણ્યા ગાંઠ્યા મહેમાન લાવીએ? અમારો વહેવાર મોટો છે અમારે સમાજમાં રહેવાનું છે અમારે મોભો સચવાય એમ લગ્ન લેવાના છે એટલે બરસો માણસ તો પાક્કા.” હવે નિતીના પપ્પાએ ચુપ રહેવાનો વખત આવ્યો. થોડીવાર ખંડમાં ચુપકીદી છવાય ગઈ ફરી દિપનો ભાઈ બોલ્યો, “આપણે લગ્ન કેવી રીતે કરીશું એ ચર્ચા પણ હમણાં કરી લઈએ.” પરિસ્થિતિ ચુકેલા નીતિના પપ્પા બોલ્યા, “આપણે બંનેની રીત પ્રમાણે લગ્ન કરીશું.” ત્યાં તો દીપના પપ્પા એ નનૈયો ભણી દીધો માણસના ક્યારેય બે લગ્ન ના થાય.

એક દિવસ સમય કાઢીને હિમ્મતભાઇ એના મિત્રને લઈ વેવાઈને ઘરે લઈ ગયા અને ચર્ચા માંડી પણ એ બધુ જ ફોગટ થયુ અને એમ જ ઘરે ફરવુ પડયુ એમનો પડેલો ચહેરો જોઇ રક્ષાબહેન સમજી ગયા કે ફરી કરેલી બેઠકમા કોઇ ભલીવાર થયો નથી અને હિમ્મતભાઇએ ઘરમા એલાન કરી દિધુ કે લગ્ન એ લોકોની રીતથી જ થશે નિતીએ વિરોધ કર્યો તો ચોખ્ખુ સંભળાવી દિધુ તને પરનાતમા પરણવાની છુટ આપી એનો પાડ માન અને જો હવે કોઇ એ પણ જીદ કરી કે પછી એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે તો આ લગ્ન માંડી વાળવામા આવશે. એ રાત નિતી અને રક્ષાબહેને રોતા રોતા જ કાઢી નિતી દિપને સમજાવવાની નાકામ કોશિશ કરતી રહી અને દિવસો વહેતા ગયા. રક્ષાબહેનને જેટલો ઉમંગ હતો ઘરમા વાતાવરણ એટલુ જ ગંભીર હતુ. રક્ષાબહેનને ઘણો ગુસ્સો આવતો, ભાવના દુભાતી પણ તેના હાથમા કયા કઈ હતુ જ??? બસ ભગવાનને મનોમન પ્રાર્થના કરતી રહેતી વળી નિતી સફેદ રંગના કપડામા ખુબ જ સુંદર દેખાતી હતી તેને નિતીને પાનેતરમા જોવી હતી આખરે લગ્નની તારીખ નકકી થઇ ગઈ નિતી દિપ વચ્ચે લગ્ન બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઇ જતી. નિતી દિપને દબાણ કરતી કયારેક કરગરતી પણ છતાયે લગ્નની રીત તો એમની પધ્ધતીની થવાની વાત થતી હતી. પણ નિતીને મનમા ખાતરી હતી કે દિપને એ ચોકકસ મનાવી લેશે. અહિ રક્ષાબહેન ચિંતિત હતા કારણકે લગ્નની તારીખ નકકી કરી નાખી હતી પણ સગાઈ વિશે કંઇ જ ચર્ચા થઈ નહોતી. અને હવે હિમ્મતભાઇ આ બાબતે કોઇ રસ જ લેતા નહોતા, એટલે એક દિવસ હિમત એકઠી કરી રક્ષાબહેને બોલી જ નાખ્યુ, “આપણે લગ્નની તારીખ તો નકકી કરી લીધી છે પણ સગાઈનુ શુ નકકી કર્યુ?” હિમ્મતભાઇ બોલ્યા, “સગાઈ લગ્નના દિવસે સવારે કરવાની છે વેવાઈ સાથે આ જ નકકી કર્યુ છે.” રક્ષાબહેન ગમ ખાઈ ગયા બાજી પુરી હાથમાથી સરકી ગઈ હતી એને પોતાના દિવસો યાદ આવી ગયા જયારે પોતાની સગાઈ થઈ હતી ત્યારે કેટલી ખુશ હતી સગાઈ અને લગ્નનો ગાળો કેટલો મહામુલો હોય છે કેટલી મીઠી મધુરી યાદોનો ખજાનો એ ગાળામા સમાયેલો હોય છે. તેણે તરત જ તક ઝડપી લીધી અને કહયુ, “તો લગ્ન કયારે લખવાના છે?” એ કંટાળાભરી નજર નાખી અને ત્યાથી ચાલી ગયા રક્ષાબહેનને થોડી આશા જાગી ચાલો ના તો નથી પાડી એટલે મનમા જ એક કાર્યક્રમ ઘડી નાખ્યો એ જાણતી હતી કે લગ્ન તો કોઇપણ ભોગે એ લોકોની રીતથી જ થવાના હતા. એટલે મનમા ઘડેલો કાર્યક્રમ પણ જો પાર પડે તો બસ હતુ સવારે હિમ્મતભાઇ છાપુ વાંચતા હતા ત્યારે ચા આપતા રક્ષાબહેનએ વાત કાઢી, “આપણે લગ્નની ખરીદી માટે શુ વિચાર કયો છે?” હિમ્મતભાઇ એ ટુંકો ઉતર આપ્યો, “બોલ તારો શુ વિચાર છે ?” રક્ષાબહેનએ અચકાતા જવાબ આપ્યો, “સાડીમા તો કઇ વધારે કઇ ખરીદી નથી નિતી ને ગમે એ સાડી બઝારમાથી ખરીદી જ લે છે ફકત સોનુ પાનેતર સેલા અને......” પા એ તિક્ષ્ણ નઝર રક્ષાબહેન પર નાખી ઢીલો પડી ગયેલો અવાજ ફરી ઉપાડતા એ બોલ્યા, “લગ્ન ભલેને એ લોકોની રીતથી કરીશુ આપણે દીકરીને આપણી રીતે આણુ તો આપીશુ જ ને.” “હમમમ આગળ બોલ બીજુ શુ વિચાર્યુ છે?” આખરે મનની વાત હોઠ પર લાવી જ દિધી, “હુ શુ કહુ છુ કે આપણે લગ્ન લખવાના દિવસે દિપને એના ઘરવાળાને જમવા બોલાવીએ તો સંબંધ બંધાયો છે તો વેવાઈને એઠા તો કરવા પડે ને અને એ બહાને આપણે એકબીજા સાથે સારી રીતે હળી મળી જઇશુ સાથે સાથે આપણી જમણથી થોડા પરિચિત થાશે.”

રક્ષાબહેન ખુબ જ ભાવુક થઈ ગયા, “ખબર જ ન પડી ને આપણી નિતી કયારે મોટી થઇ ગઈ કેટલી શાંત અને સમજદાર છે આપણી નિતી હવે પરાઇ બની જશે.” હિમ્મતભાઇ પણ થોડા ઉદાસ થઈ ગયા દુઃખ તો એમને પણ બહુ જ થતુ હતુ પણ શુ કરે નિતી આ ઘરની ફકત છોકરી જ નહી પણ એક છોકરાની પણ જવાબદારી નિભાવતી હતી એટલે હિમ્મતભાઇ જરા વધુ ચિંતિત હતા. રક્ષાબહેન બોલ્યા, “આપણી વહાલાસોયી દીકરીને આપણે આપણી રીતે વિદાઈ પણ નહિ કરવાની?” આંખો પાણીથી આંખો ભરાઈ આવી એટલે રક્ષાબહેનએ આશ્વાસન આપતા કહયુ, “ આપણે કંઇ નહિ તો સગાઈ તો આપણી રીતે કરીએ...”” તો હિમ્મતભાઇ એ કંઇ વિરોધ ના કર્યો એટલે રક્ષાબહેન આગળ વધ્યા, “એમને લગ્ન લખીયે એ દિવસે આમંત્રણ આપોને સાથે સગાઈની ચુંદડી ઓઢાડી દઇશુ ફુલ નહિ તો ફુલની પાંખડી”. હિમ્મતભાઇ વાત માની ગયા અને સામે પક્ષને જણાવી દિધુ અને એ લોકો એ સંમતિ પણ આપી દિધી એ સાથે જ રક્ષાબહેન અને નિતી રાજી ના રેડ થઇ ગયા એમને બરાબર જણાવી દિધુ હતુ કે સગાઇ માટે નાકની ચુંક સૉભાગયની નિશાનીમા ચાંદલો બંગડી અને લાલ સાડી લાવજો.

આખરે લગ્ન લખવાનો દિવસ આવી પહોચ્યો. અને ઘરમા દોડધામ મચી ગઈ સવારના ચાર વાગે ઉઠીને રક્ષાબહેને તૈયારી આરંભી દિધી. એક બાજુ દુધપાકને ઉકળવા મુકયો અને બીજી બાજુ ગઇકાલે આથેલા ઢોકળા ઉતારવા માંડી. નિતી પણ વહેલી ઉઠી ગઇ હતી. આજ તો એના જીવનનો સૌથી મહત્વનો દિવસ હતો. નહાઇને માતા પિતાને પગે લાગી, પછી મંદીરમા દિવો કર્યો, ભોગ ધરાવ્યો અને આજના સુંદર દિવસ માટે આભાર માન્યો, પછી મા ને રસોઇમા મદદ કરવામા વ્યસ્ત થઇ ગઇ, મહારાજ ના કહેવા પ્રમાણે ૧૦ થી બારનુ મુરત હતુ અને દિપના ઘરવાળા સાડા નવ સુધી મા આવી જવાના હતા વિધિ બે કલાકમા આટોપવાની હતી. ધીરે મહેમાન આવવા માંડયા. ઘરમા ચહેલ પહલ વધતી ગઇ. હિમ્મતભાઇ ઉમળકાથી બધાનુ સ્વાગત કરતા હતા, અને નિતી સાહેલી અને પિત્રાઇ બહેનો વચ્ચે બેસીને તૈયાર થઈ રહી હતી. સૌ રક્ષાબહેનને તૈયાર થવા કહી રહયા હતા, પણ એ તો લાપસી બનાવવામા જ વ્યસ્ત હતા કુટંબમા જયારે પણ કઈ પ્રસંગ હોઇ અને લાપસી બનાવવાની હોઇ ત્યારે રક્ષાબહેનને બોલાવવામા આવતા..!!! થોડી વારમા મહારાજ આવી ગયા. આખરે માંડ માંડ તૈયાર થયા, એમની સામે પુજાપાની અને વિધીની સામગ્ર મુકવામા આવી. નવથી બારનુ મુરત હતુ, બધી જ તૈયારી થઈ ગઇ હતી, સાડા નવ વાગી ગયા એટલે નિતીએ દિપને કૉલ કરીને પુછી લિધૂ કે કયા પહોચ્યા છે દિપના કહેવા મુજબ તેઓ અડધા કલાકમા ઘરેથી નીકળવાના હતા. બન્નેના ઘર વચે એક કલાકનુ અંતર હતુ શુકનમા જ વિધી આટોપાઈ જાય એટલે નિતીએ ઉતાવળી થતા જલદી નીકળવા કહયુ. સાડા દસની રાહ જોતા જોતા અગીયાર વાગી ગયા, છતાએ લોકો આવ્યા નહિ હવે હિમ્મતભાઇએ કૉલ કરી પૃચ્છા કરી તો ટ્રાફીકમા છે એમ જણાવ્યુ, હવે એક કલાક જ બાકી હતો એમા લગ્ન લખવાના હતા અને સગાઈ વિધિ પણ આટોપવાની હતી.......... મહારાજ જરા ગંભીર થઈ બોલ્યા, “એક જ કલાક બાકી છે અને બે વિધી આટોપવાની છે જરા ઉતાવળ કરો”. ઘરમાં ચિંતાનુ વાતાવરણ સર્જાય ગયુ. નિતી મૅસેજ પર મૅસેજ છોડતી હતી દિપને જેના મોડા મોડા અને ઉડાવ જવાબ મળતા હતા. “હા આવુ છુ બસ થોડીક વારમા પહોચીએ છે” આટલા વરસ હસતા હસતા કાઢી નાખેલા પણ હવે તો નિતીથી ધીરજ ધરાતી નહોતી. એક એક પળ વસમી લાગતી હતી..!!! અને ઘડીયાળનો કાંટો તો જાણે બસ દોડતો જ હતો ઘરમા બધા સુનમુન બેસી રહયા હતા. બધા એકબીજાના ચહેરા જોતા હતા. બે ત્રણ જણા તો બીજે હાજરી આપવાની છે કહીને ચાલ્યા પણ ગયા. હિમ્મતભાઇ રક્ષાબહેને એમને રોકાવા વિનંતી કરી પણ પ્રયત્ન વ્યર્થ થયો અને વીલે મોંએ બેસી રહયા અંદર બેસેલી નિતી ઉદાસ અને રાતીપીળી થઇ રહી હતી. બારના સાડા બાર થયા, એક થયો, પણ દિપના ઘરવાળાનો કઈ જ પતો નહોતો. આખરે મહારાજે પણ જવાની ઇચછા દર્શાવી હકીકત એમ હતી કે એક બીજે ઠેકાણે ત્રણ વાગે શુકન સાચવવાનુ હતુ. જો ત્યા પોતે સમયસર ના પહોચે તો એમનો પ્રસંગ બગડે જતા જતા કહેતા ગયા કે કઈ ચિંતા કરતા નહી કે કોઈ અમંગલ વિચાર પણ ના કરતા. આપણે ચુંદડી લગ્નમાં ઓઢાડી લઈશું અને પછી મહારાજે હોંશે હોંશે લગ્ન લખી નાખ્યા. કંકોત્રી વધાવી લીધી મોઢું મીઠું કરાવ્યું અને પછી વિદાઈ લીધી. મોડુ થાય અને મહેમાન ચાલ્યા જાય એ તો સાહજીક છે પણ વીધી કરનાર મહારાજ ચાલ્યા જાય એ કેટલુ મોટુ અપશુકન કહેવાય...!!!!! મહેમાનોની વચ્ચે હિમ્મતભાઇ અને રક્ષાબહેનની સ્થિતિ બહુજ ખરાબ થઈ હતી, પણ હસતે મો એ બેસી રહ્યા બે વાગ્યા અને હવે તો મહેમાન પણ જવાની તૈયારીમાં પડ્યા હવે બન્ને મૂંઝવણમાં પડ્યા જો આમ બધાજ ચાલ્યા જશે તો આજના પ્રસંગમાં રહેશે કોણ? લોકો કેવી કેવી વાતો કરશે ? ઈજ્જત શું રહેશે સમાજમા? અને સૌથી મહત્વનું એ કે અત્યારે નિતી પર શું વિત્તતી હશે???!!!! એના અરમાનોનું શું .......... બિચારી નિતીનો ફૂલ જેવો કોમળ ચહેરો કરમાઈ ગયો હતો ઉદાસીએ પૂર્ણપણે કબજો કરી લીધો હતો......... મોગરાના ડઝન ગજરા પણ કરમાઈ ગયા હતા. લાગણીને કાબુમાં રાખી હતી, પણ એની આંખો તો લાલઘૂમ થઇ ગઈ હતી. કદાચ આંસુ ખાળી રાખ્યા હશે એટલે નહી તો ગુસ્સો બે માંથી એક કારણ હતું જે રક્ષાબહેન કળી ના શકયા...............

શુ નિતીનો પ્રસંગ સારી રીતે પાર પડશે શુ રક્ષાબહેનની પ્રાર્થના ફળશે ખરી રાહ જુઓ આવતા અંકની.............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED