દીકરી મારી દોસ્ત
...
જાહેર સ્વીકાર... શીતળ લહેરખી...બંધ આંખોએ પણ... અનુભવાતી.
બેટા ઝિલ,
લીલાછમ્મ સ્મરણોની પીઠી ચોળીને ઉભો હોય તેવો ઉનાળાનો તડકો આપમેળે સડક પર કર્ફયુ લાદી દે છે. મનમાં સ્મરણોની વસંત ઉગી છે. અને હું ગણગણી રહુ છું..શ્રી માધવ રામાનુજની આ મનગમતી લાઇન.. ” સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા, ભીના દીધા રે અમને સંભારણા..” આજે તારી છેલ્લી પરીક્ષાનું છેલ્લું પેપર હતું. પેપર સારું જ ગયું હશે એની ખાત્રી હોવા છતાં છ વાગે પેપર પૂરુ થવાના સમયની વ્યાકુળતાથી રાહ જોતી હતી. તને અમારી હમેશની તાકીદ રહેતી કે પેપર પૂરું થાય , હોલમાંથી બહાર નીકળ..એટલે પહેલું કામ ફોન થી ખબર આપવાનું કરવાનું. પછી બધા મિત્રો સાથે ચર્ચા કરવાની કે ગપ્પા મારવાના..! કયારની આંટા મારતી હતી. આજે ઘડિયાળ બંધ પડી ગઇ છે કે શું ? કે ધીમી પડી ગઇ છે ? હજુ છ કેમ નહોતા વાગતા ? તે દિવસે યે સાંજે છ વાગેલ.તું દસમા ધોરણમાં હતી. રોટરી કલબ દ્વારા યુ.એસ.ની સીનસીનાટી યુનીવર્સીટી તરફથી લેવાતી પરીક્ષામાં ખૂબ પ્રેસ્ટીજીયસ એવોર્ડ તને મળેલ.(અને પછી ના વરસે તારા ભાઇને..મીત ને..એક જ ઘરમાં બે વાર એ એવોર્ડ ગયા હોય તેવો રેકોર્ડ પ્રથમવાર બન્યો.) અત્યાર સુધીમાં તમે ભાઇ બહેને મેળવેલ મેડલોથી ઘરનું શો કેસ અને સર્ટીફિકેટોથી ફાઇલો ભરાઇ ગઇ હતી. ભણવાથી માંડી..દરેક પ્રવૃતિઓમાં તમને ઇનામ..મેડલ ન મળ્યા હોય તેવું ન બનતું. અને હું..અમે... દરેક મા બાપની જેમ ફૂલ્યા ન સમાતા.
તે દિવસે સાંજે છ વાગે યોજાયેલ સત્કાર સમારંભમાં તારે બોલવાનું હતું.. આ એવોર્ડ તું મેળવી શકી તેના કારણ આપવાના હતા. માઇક પરથી રેલાતા તારા અવાજે મે મહિનાની ગરમીમાં યે મારા મનમાં શીતળતા..ઠંડક પ્રસરાવી દીધી હતી. આજે યે એ અવાજ મારા મનમાં ગૂંજે છે,
’ this credits goes to my mother only ’ ત્યારે આપણા પ્રેસીડેન્ટે પૂછયું,’ why only mother ? why not father ? ’ તેં જવાબ આપ્યો, ‘ as father is devoted to company..Tata chemicals ’
મારી આંખોમાં પાણી છલકાઇ આવ્યા. તું સ્ટેજ પરથી દોડીને આવી અને મને પગે લાગી અને પપ્પાનેં ભેટી પડી ‘ papa, dont u feel bad ne ? ’ ત્યારે પપ્પાએ કહેલ, ‘ ના, બેટા, આજે તેં તારી મમ્મીને ગૌરવ આપ્યું છે. જાહેરમાં તેની મહેનતનો સ્વીકાર કરીને..i am also happy and proud of you, beta. ’ અને હું સાતમા આસમાને વિહરતી હતી. દરેક મા બાપ પોતાના બાળકના વિકાસ માટે, કોઇ અપેક્ષા વિના બધું કરતા જ હોય છે..પણ બાળક જયારે જાહેરમાં એનો ઋણ સ્વીકાર કરે ત્યારે મા બાપ ને એનું ગૌરવ અને આનંદ જરૂર થાય છે. કોઇ બાળક કહેશે..મારી સખત મહેનતનું પરિણામ છે...ત્યારે યે એમાં દ્રશ્ય કે અદ્રશ્ય રીતે મા બાપનો ફાળો હોય જ છે. બાળક એ સ્વીકારે કે ન સ્વીકારે..એ એના સંસ્કાર પર આધારિત છે. પણ એથી હકીકત બદલાતી નથી. એટલે એ મંગલ ક્ષણે તારા એ જાહેર સ્વીકારે મારા માતૃત્વને ગૌરવવંતુ બનાવ્યું ને મારી જીવનક્ષણો મહેકી ઉઠી હતી..એક ક્ષણમાં..એ એક વાકયમાં મેં કેટલું માણી લીધું હતું.! અને હમણાં મારા હાથમાં તમારા નાનપણની તમે લખેલી ડાયરીઓ આવી. અને વાંચતાની સાથે જ હું ને પપ્પા હસી પડીને એ દિવસોમાં પહોંચી ગયા. યાદ છે...? તમે નાના હતા ચોથા ને પાંચમા ધોરણમાં હતા ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં કેટલા સારા કામો કર્યા ને આજે કેટલા તોફાન કર્યા..તેની એક ડાયરી રાખતા.
એમાં બે વિભાગ રાખેલા.” GOOD DEED “ : “ BAD DEED ”
“ બેડ ડીડ ” મતલબ તોફાન મસ્તી...કે ભાઇ બહેન ઝગડયા કે એવી કોઇ પણ નાની વાતનો એકરાર..તમારે તમારી જાતે કરવાનો રહેતો..ને પછી દરેક ગૂડ ડીડ બદલ મારે તમને એક રૂપિયો આપવાનો..ને દરેક બેડ ડીડ બદલ એક રૂપિયો કાપવાનો. અને અંતે ચેક કરવાનું..કે તમને કેટલા રૂપિયા મળે છે? આ આખી પ્રોસેસ આપણો સારો એવો સમય લેતી. અને ભાઇ બહેન બરાબર ચેક કરતા કે હિસાબ કિતાબ બરાબર થાય છે કે નહીં ?” ના,ના, મમ્મી, આજે ઝિલ ને તો કેટલીવાર લેશનનું કહેવું પડયું હતું? જાતે કંઇ નહોતું કર્યું...એટલે એ એ એનું બેડ ડીડ થયું.
”અને આજે મીત “પ્રાર્થના કર્યા સિવાય સૂતો હતો..એ એનું બેડ ડીડ થયું...” બંને પોતા કરતાં બીજાનો હિસાબ બરાબર રાખતા.! અને એમાંથી મારે જે જાણવું હોય તે મને મળી રહેતું.
( આજે યે મારી પાસે આ ડાયરીઓ મોજુદ છે. સમય આવ્યે તમારા બાળકોને આપીશ હું..)
રોજ સાંજે બહાર હીંચકા પર બેસી મારે “પેડલ પર પૃથ્વી પરિક્રમા” ચોપડીના એકાદ બે પ્રકરણ વાંચવાના. અને રાત્રે લે મિઝરેબલની વાર્તા કરવાની.!! અને તમે ઉંઘભરી આંખે ‘ મમ્મી, હજુ થૉડીવાર કહે ને.. ’ ની ડીમાન્ડ કરતા રહેતા. ચકા ચકીની વાર્તાઓથી માંડીને ક.મા. મુનશીની ગુજરાતનો નાથ કે દર્શકની “ બંધન અને મુક્તિ ” સુધી ની ભાવસૃષ્ટિમાં આપણે સાથે વિહરતા. સાંજે તો આપણા ઘરમાં લાઇબ્રેરી હોય તેવું જ વાતાવરણ રહેતું. આમે ય નાનપણથી રમકડા કરતા પુસ્તકો સાથે તમારો પરિચય વધારે જ રહ્યો છે ને ? જે આજે યે જળવાઇ રહ્યો છે બંનેમાં. આજે યે તમને પુસ્તકોની દુનિયામાં ખોવાઇ જવું ગમે જ છે ને ?
પપ્પા તો જેટલીવાર બહારગામ જાય તેટલીવાર તમારા માટે સરસ અંગ્રેજી પુસ્તકો ખાસ લઇ જ આવે.. ટપાલની નવી નવી ટિકિટો લાવવાનું પણ કયારેય ન ભૂલે. સરસ મજાના મોટા આલ્બમો આજે યે ઘરમાં સચવાયેલ છે. તમે કેટલું યે લખ્યું છે એમાં.
આવી બધી સ્મૃતિઓ દરેક માતા પિતા પાસે હોય જ છે. તમને અત્યારે આ બધી વાતો કદાચ આજે ગૌણ લાગે..પણ અમારે માટે એ યાદો નો અમૂલ્ય ખજાનો છે.અને આવતી કાલે જ્યારે તમે મા બાપ બનશો ત્યારે તમને યે અતીતની ગલીઓમાં થોડીવાર વિહરવું જરૂર ગમશે. અને તમારા બાળકોને તમારી વાત કરવાનું પણ ગમશે જ. આ સિલસિલો ચાલુ જ રહે છે. બાળકને માતા પિતાની આંખોમાં મોટા થતા વાર લાગે છે. આ સાથે કયાંક વાંચેલ એક પ્રસંગ યાદ આવે છે .જે ટાંકવાનો લોભ જતો કરી શકતી નથી.
” એક યુવાન ધોમ તડકામાં છાપરા પર કામ કરી રહ્યો હતો.પિતા નીચેથી તેની ચિંતા કરતા હતા.અને ઘરમાં અંદર આવી જવા વિનવતા હતા. પણ યુવાન નીચે ઉતરવાનું નામ નહોતો લેતો. અંતે પેલા વૃધ્ધ પિતાએ ઘરમાંથી તે યુવાનના નાના બાળકનું ઘોડિયુ જેમાં બાળક સૂતેલ હતું તે બહાર લાવી ને તડકામાં મૂકયું. પેલો યુવાન ગુસ્સે થયો..કે નાના બાળકને આમ તડકામાં મૂકાય ? અને પિતાએ જવાબ આપ્યો. ’ તારા બાળકને એક મિનિટ તડકો લાગ્યો ..તો તને કેટલું દુ:ખ થયું..! મારે માટે તું આ બાળક સમાન જ છે. અત્યારે તું પણ એક પિતા છે..અને હું પણ એક પિતા છું. તેથી આપણા બંનેની ચિંતા સમાન છે. “
યુવાન કંઇ બોલ્યા સિવાય નીચે ઉતરી ગયો. કહેવાનો અર્થ એટલો જ કે..અત્યારે કદાચ તમને અમારી લાગણી ન સમજાય...પણ જયારે તમે અમારી જગ્યાએ આવશો ત્યારે આ જ લાગણીઓ જરૂર અનુભવશો. દરેક દીકરા કે દીકરી બંને માટે આ જીવનનું પરમ સત્ય છે. અમે પણ એક જમાનામાં અમારા માતા પિતાને ..તેમની ભાવનાઓને નહોતા સમજી શકતા. તમારી જેમ “એમાં શું ? “ એમ કહી દેતા. .પણ આજે ...આજે દીવા જેવું સ્પષ્ટ દેખાય છે..સમજાય છે.
અરે,આ શેનો અવાજ ? શું વાગે છે ? ઓહ.. છ વાગી ગયા.. તારો ફોન..હું કયાં ખોવાઇ ગઇ હતી? અતીતની કઇ ગલીઓમાં ઘૂમી આવી ? મોડુ કેમ થયું ? એવા મારા પ્રશ્નના જવાબમાં તે કહ્યું, ‘ મમ્મા, બરાબર છ વાગે શુભમનો ફોન આવી ગયો હતો. ’ અને મને યાદ આવી ગયું..હા, હવે તું કંઇ મારી એકલીની નથી રહી. મારા એકાધિકારમાં કોઇ ભાગીદાર આવી ગયું છે.. દરેક માના એકાધિકારમાં કોઇ અજનબી અચાનક આવીને ભાગ પડાવી જાય છે. ત્યારે દીકરી માની મટી નથી જતી. પણ કોઇની થઇ જરૂર જાય છે. પ્રકૃતિનો એ તકાજો છે. કુદરતનો એ નિયમ છે. એનો સહર્ષ સ્વીકાર કરી મા એ દીકરીના બદલાતા ભાવ જગતને પ્રેમથી આવકાર આપવો જ રહ્યો. દીકરીની યૌવન સહજ લાગણીઓનો સહજ સ્વીકાર આનંદિત હ્રદયે થવો જ જોઇએ ને?
“સંગ જો હોય સાજનનો ને, ગરમાળામાં ફૂલો રે; વૈશાખી વહાલપની મોસમ, બાકી સઘળું ભૂલો રે..” સાજનના સંગમાં વહાલથી વિહરતી રહે એ આશીર્વાદ સાથે અહીં જ વિરમું ?
“ બેટા, આજે બાળઉછેર વિષે થોડી વાત કરીશ. બાળકને કેટલી સ્વતંત્રતા આપવી ? બાળક પર કોઇ બંધન હોવું જોઇએ કે નહીં ? કે પછી તેની દરેક ઇચ્છા પૂર્ણ કરવી જોઇએ ? તેને કોઇ વાતમાં અટકાવવું જ નહીં ?
બાળકને સ્વતંત્રતા આપવામાં તેની શક્તિઓ ખીલે..તેનો સમતોલ વિકાસ થાય એ હેતુ આપણી સમક્ષ હોવો જોઇએ. પણ જો એ જ હેતુ બંધન આપવાથી સિધ્ધ થતો હોય તો બંધન જરૂર આવકાર્ય ગણાય. બાળકને સ્વતંત્રતા પણ પ્રેમપૂર્વક આપવી અને અંકુશ પણ પ્રેમપૂર્વક મૂકો. કોઇ પણ વસ્તુ માટે ના પાડવી એ મા બાપનો ધર્મ છે. એમાં જ ઘણીવાર બાળકનો વિકાસ ..બાળકનું હિત રહેલ હોય છે. બાળક પ્રત્યે પ્રેમ દર્શાવવા જતાં આપણે તેને એદીપણું ન આપી બેસીએ તેનો ખ્યાલ રાખવો જ રહ્યો. જો તેનો દરેક શબ્દ ઝીલી લઇ એ તો આપણે તેને પરિપકવતા ને બદલે બેજવાબદારી શીખવીએ છીએ. બાળકને ફકત પોતાના વિષે જ નહીં. બીજા વિશે પણ વિચારતા શીખવવું જોઇએ. બીજાની દ્રષ્ટિથી પણ તે જોઇ શકે...સમજી શકે તે બહુ જરૂરી છે. બીજાને મદદ કરવામાં, થોડું જતું કરવામાં, કે રાહ જોવામાં પણ આનંદ છે એ બાળકને અનુભવવા દો. બાળકને નાના નાના આનંદો માણતા જરૂર શીખડાવવું જોઇએ. ”