દીકરી મારી દોસ્ત - 15 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત - 15

દીકરી મારી દોસ્ત

  • ..
  • ખળખળ વહેતું ઝરણું...
  • ધોમ ઉનાળે, તપતી બે આંખોને...અર્પે ટાઢક..

    વહાલી ઝિલ, ઋતુઓની આવનજાવન થતી રહે છે. કેલેન્ડરના પાનાઓ ફાટતા રહે છે.

    વર્તમાન અતીત બની સરતો રહે છે..જીવનની સુંદર ક્ષણોને રોકી નથી શકાતી અને નરસી ક્ષણોને ઝડપથી પસાર નથી કરી શકાતી. જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી. ઇશાની વાયરા સામે એક જ દલીલ થઇ શકે..ધાબળો વીંટી લેવાની. પવનને આપણે દિશા ન આપી શકીએ પરંતુ આપણા શઢ તેને અનુકૂળ જરૂર કરી શકીએ..જે કામ આપણે નથી કરતા તેનો થાક અનુભવીએ છીએ..જે કામ કરીએ છીએ..કરી લઇએ છીએ તેનો નહીં..ઋતુઓની જેમ મનમાં પણ આવા કેટલાયે વિચારોની આવનજાવન ચાલતી રહે છે.

    ” બહાર બારે મેઘ ખાંગા થઇ જતા,

    ત્યારે મનમાં ઉગે એક સંભારણું. ” આજે જૂની કેસેટો કાઢી હતી. અને...અને અમે યે કદાચ ભૂલી ગયા હતા..ત્યાં તમારા બંનેનો કાલોઘેલો અવાજ રૂમમાં અને મનમાં ગૂંજી રહ્યો. હું સીધી પહોંચી ગઇ એ સરસ મજાની દુનિયામાં..તમારી સંગાથે. તમે બંને નાના હતા..ત્યારે તમે જે ગીતો ગાતા, જે જોડકણા ગાતા એ બધું અમે રેકોર્ડ કરી લેતા. એકવાર તમારે બંનેને ગાવું હતું..અને પહેલાં કોનું રેકોર્ડ થાય છે એ જોવું હતું. કેમકે ત્યારે હજુ બાળકની વિસ્મયની દુનિયા એટલી નાની નહોતી બની. રેકોર્ડ કરેલ તમારો પોતાનો અવાજ તમે આશ્ર્વર્ય અને આનંદથી સાંભળી રહેતા. પણ તે દિવસે પહેલા કોણ ગાય એ નક્કી નહોતું થતું. હું તો હમેશની જેમ કંઇ બોલું જ નહીં ને... એવી ભૂલ થૉડી કરાય ? એટલે હું તો મોંમાં મગ ભરીને બેસી ગઇ. આરામથી..અને તેં ફરી એક વાર તારા ભાઇલાને પ્રેમથી પટાવી લીધો. ‘ ભઇલા,જો..ત્યાં દૂર બેસીને ગાઇએ ને તો બહુ સરસ સંભળાય..’ અને નાનકડા ભાઇલાને બેન પર અખૂટ વિશ્વાસ.! અને ભાઇલો એક ખૂણામાં બેસી કલાક સુધી લલકારતો રહ્યો. અને બેનબા ટેપ પાસે બેસી આરામથી ગાઇ રહ્યા. અને પોતાનું ગાવાનું પૂરુ થયા પછી ભાઇલાને નજીક બોલાવી કહ્યું, ‘ હવે અહીં બેસી ને ગા તો..ભાઇલા .’ હસી પડી ને ખડખડાટ? પણ ભાઇલો આજે યે ગુસ્સે થશે હોં. અને તેં કંઇ આ પ્રસંગ યાદ કરીને મારા લાડલાની મસ્તી કરવાનું કયારેય છોડયું નથી .

    “બાળપણ પંખી બનીને ઉડી ગયું., સ્મૃતિઓ ટહુકાય પાને પાને.” એક દિવસ પા પા પગલી માંડતી તું હવે શુભમની સાથે રેશમગાંઠે બંધાઇ ને સહજીવનની સફરે સાત સાગર પાર ઉડી જઇશ ત્યારે દરેક માની જેમ તારી મા પાસે પણ રહી જશે યાદોના અંબાર. કાળના પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતા જળના ઝરણાની જેમ. આ ખળખળ વહેતું ઝરણું... શબ્દની સાથે આંખોમાં એ મધુર દિવસોની સ્મૃતિઓ ઉતરી આવે છે..તું અંગ્રેજી માધ્યમમાં ભણતી પરંતુ મારા ગુજરાતી સાહિત્યનો શોખ તને વારસામાં મળ્યો હતો. અને ઘરમાં ચોપડીઓનો તો કયાં પાર હતો ? તું ગુજરાતી પુસ્તકો પણ રસથી વાંચતી. કેમકે નાનપણમાં ક.મા.મુનશી.થી માંડીને લે મિઝરેબલ જેવી વાર્તાઓ તમને હું સંભળાવતી. હપ્તાવાર.પરીક્ષા વખતે પણ છાનીમાની તું એ બધી ચોપડીઓ વાંચ્યા કરતી.(જે એક જમાનામાં હું કરતી..તે મારી દીકરી કરતી થઇ ત્યારે ઉપરથી ગુસ્સો અને અંદરથી હસવું આવતું હતું.)

    ત્યારે ઉષા શેઠનું “મૃત્યુ મરી ગયું” પુસ્તક વાંચી તારી આંખો છલકાઇ આવી હતી. એમાં નીતા નું બોલાયેલ વાકય તને બહુ સ્પર્શી ગયેલ..યાદ છે એ વાકય? ”જીવન એટલે ખળખળ વહેતું ઝરણું..માર્ગમાં કોઇ ભેખડ નડે તો એ નવો વળાંક લે , પણ વહેવાનું બંધ ન કરે....” વાંચતા વાંચતા તારી આંખોમાં ઝરણું ઉતરી આવતું. અત્યારે એ યાદ કરતાં કરતાં મારી આંખોમાં યે ઝરણુ વહી રહ્યું નદી સપાટ મેદાનોમાં વહીને દરિયામાં ભળી શકે. પણ ઝરણું નહીં. એનો માર્ગ કયારેય સીધો..સપાટ ન હોઇ શકે. એને તો ગાવાનું છે. એનો ધર્મ છે વહેવાનો. એને તો ડુંગરો કોરી ને બહાર છલકવાનું હોય. કેટલાયે અવરોધો પસાર કરવાના હોય. કાળમીંઢ ખડકો વચ્ચેથી પોતીકો રસ્તો કરવાનો હોય ને વાટમાં જે મળે તેને પરમ પ્રસન્નતાની લહાણી પણ કરવાની હોય. ગીતના ગુંજારવે એને લીલાછમ્મ કરવાના હોય.અને મુશ્કેલીઓની વચ્ચે થી વહીને જીવન સંગીત પ્રગટાવવાનું હોય. બસ..બેટા, તારું જીવન પણ એ છલકતું ને મલકતું ઝરણું બની રહો.

    ”ખળખળતા ઝરણાઓ, ને સાથ મળે શમણાઓ.” જીવનમાં અવરોધો તો આવવાના જ..પણ એ તારી જીવન શક્તિ ખીલવતા રહે, દરેક દિશાએથી મંગલ સૂરો ગૂંજી રહે. અને આંતરચેતના છલકી રહો, સ્વાતિનક્ષત્રમાં પડેલ જલબિંદુએ મોતી સમાન ચળકી રહો. હમેશા યાદ રાખજે..બેટા, તારે જીવનનું સાચું મોતી થવાનું છે.

    નાની હતી ત્યારે દરિયા કિનારે રેતીમાંથી સરસ મજાના રંગબેરંગી છીપલા, શંખલા તું વીણતી રહેતી. અને તને એ સતત સરસ મજાના મળતા રહેતા. આમે ય શોધવાથી શું નથી મળતું? બસ..જીવનની પ્રત્યેક પળમાંથી પણ આનંદના શંખલા વીણતી રહે....ને વહેચતી રહે અને તને એ સતત મળતા રહે. કયારેય એ છીપલાની ખોટ ન પડે. તને કે વિશ્વની કોઇ પણ દીકરી ને આનંદની ક્ષણોની ખોટ ન પડે. એ પ્રાર્થના ઉદભવી રહી છે. અત્યારે અંતરના અતલ ઉંડાણમાંથી..

    ”ચૈતર ચંપો મહોર્યો,ને મહોરી આંબાડાળ; મઘમઘ મહોર્યા મોગરા,જૂઇ ઝળૂંબી માંડવે; કોયલ કૂંજે કૂંજમાં,ને રેલે પંચમ સૂર....”

    બાલમુકુંદ દવેની આ મારી માનીતી પંક્તિ હું અત્યારે ગણગણી રહું છું. તારા ગૌર વર્ણને લીધે તું નાની હતી ત્યારે કોઇ તને જૂઇની કળી કહેતું..તો કોઇ ચંપાની કળી..અને હું...”ચંપુ....કેવી ? હસી પડી ને ? એ તો આપણા મા દીકરીના રાઝની વાત છે ને ? આમ જાહેરમાં કહીં દઉં તો..?

    દીકરીનો સાદ ગમે તેટલો દૂરથી આવતો હોય તો પણ મા અચૂક સાંભળી શકે છે..ઓળખી શકે છે..

    અત્યારે તો શ્રાધ્ધપક્ષ ચાલે છે. પિતૃ તર્પણના આ દિવસો. આપણા પૂર્વજોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પવાના આ દિવસો. આપણા પર આપણા પૂર્વજોનું ઋણ છે. જેમણે આપણને જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા,જેમણે રાત દિવસ જોયા વિના આપણી પ્રગતિ માટે જે થઇ શકે તે કરીને ભોગ આપ્યો. સતત આપણા ક્ષેમકુશળની ચિંતા કરી..તેમને પ્રેમથી સ્મરણ કરવાના તેમના ઋણસ્વીકાર કરવાના આ દિવસ પાછળ ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવના ના દર્શન થાય છે.

    બે દિવસ પછી તારો પ્રિય તહેવાર નવરાત્રિ શરૂ થાય છે. તમારે તો પરીક્ષા ચાલે છે એટલે આવી નહીં શકાય. મારે નવ દિવસના કપડા, દાગીના તૈયાર કરવાની મહેનત બચી ગઇ ને ? ના,,ના..આ તો ખાલી મજાક કરું છું હોં. તમે હો તો જ ઘરમાં કોઇ તહેવાર જેવું લાગે. તૈયારી કરવાની મજા આવે. ઉત્સવનું વાતાવરણ અનુભવાય.એકલા હોઇએ ત્યારે તો ઘણીવાર તહેવાર કયારે આવીને કયારે ચાલ્યો જાય એ પણ ખબર નથી પડતી. મનમાં ઉત્સવ ન હોય તો બહાર બધું ફિક્કુ જ લાગવાનું ને ?

    સમય પ્રમાણે તહેવારો નું સ્વરૂપ પણ બદલાતું રહે છે. આજે નવરાત્રિના તહેવારમાંથી ભક્તિ ,આરાધના, વિગેરે તત્વો ઓછાથઇ ગયા છે. ગરબાનું સ્થાન ડીસ્કો એ લીધું છે. આજે માતાજી ના તહેવારને બદલે નવરાત્રિ એ યૌવનનો ઉત્સવ બની ગયો છે. એના પર ટીકાટિપ્પણો થતા રહે છે. પણ અંતે તો બધો આધાર માણસના પોતાના પર જ છે ને ? અને પરિવર્તન જીવનના કયા ક્ષેત્રમાં નથી આવ્યું ? તો પછી ફરિયાદ શાને ?

    દરેક વાતમાં સારું ને ખરાબ..શુભ ને અશુભ બંને તત્વ હોય જ છે. એમાંથી આપણે શું ગ્રહણ કરવું તે આપણા હાથની જ વાત છે ને ? આજે લોકો ને ટીકા પણ કરવી છે..અને એ વસ્તુ છોડવાની પણ તૈયારી નથી. જેમકે આજે એકતા કપૂરની સીરિયલની ટીકા કરવાની જાણે એક ફેશન થઇ ગઇ છે. પણ લોકો એ જોવાનું છોડી શકે છે ખરા ? જો કોઇ જોતું જ ન હોય તો એ સીરિયલો એની જાતે જ બંધ થઇ જાય. પ્રેક્ષકો વિના કોઇ સીરિયલ ટકી શકે જ નહીં. દરેક વાત માટે આ સાચું છે..ટી.વી. કે કોમ્પ્યુટર જેવા ઉત્તમ માધ્યમનો આપણે ધારીએ તેવો ઉપયોગ કરી શકીએ. સાધન કોઇ ખરાબ નથી હોતું. મૂળ વાત તો સાધક એનાથી શું સાધ્ય કરે છે એના પર છે. દરેક માણસ પોતાની વિવેકબુધ્ધિ મુજબ એનો ઉપયોગ કરી શકે ને એમાંથી કંઇક ઉપયોગી તત્વ તારવી શકે.

    બેટા, લગ્ન પછી તારે ઘણે દૂર જવાનું છે. તારી ઇચ્છા થાય ત્યારે તું તરત ન પણ આવી શકે. વરસમાં એકાદ વાર જ તું આવી શકીશ. પણ મને વિશ્વાસ છે કે જયાં પણ જઇશ ત્યાં તું અનુકૂળ જરૂર થઇ જઇશ..અને થવું જ જોઇએ. આખરે વતન , સ્વજનો, સગા, ઘર બધી મનની માયા છે. માનવી જયાં જાય છે ત્યાં એની આસપાસ એની દુનિયા આપમેળે ઉભી થઇ જ જાય છે. જેમ પાણી જે જમીન પરથી વહે છે તેનો રંગ એ ધારણ કરી લે છે. પોતાના મૂળ વહેણના રંગને યાદ કરીને એ નથી થીજી જતું કે નથી વહેવાનું છોડી દેતું.

    હા...કયારેક ઘરની ..વતનની યાદ જરૂર આવવાની જ. પણ તમારી પેઢી તો નશીબદાર છે.તમારી સેવામાં અનેક સાધનો હાજર છે જ ને ? અને જીવનનું એ પરમ સત્ય છે કે જે વસ્તુ કે વ્યક્તિ હાજર ન હોય ત્યારે જ એની કિમત સમજાય. વતનથી દૂર ગયા પછી વતનની કિમત વધુ સારી રીતે સમજાય છે. એ હકીકત છે. પરદેશ વસેલ ઘણાં લોકો વતન ઝૂરાપો અનુભવતા હોય છે. પરંતુ ભૌતિક સમૃધ્ધિનું આકર્ષણ એને ત્યાં રહેવા મજબૂર કરે છે, જકડી રાખે છે. ખેર.

    આજે તમારા બંનેની બહુ યાદ આવે છે. તમે બંને ડોકટર થઇ ગયા છો. અમારા જીવનનું એક કામ, એક સપનું પૂર્ણ થયું છે. એનો સંતોષ તો છે જ. સાથે સાથે તમે બંને હમેશ માટે દૂર રહેવાના છો..એ ખ્યાલ પણ મનમાં છે જ. તમારું ઉજ્જવળ ભાવિ જોઇ અમે દૂર રહીને પણ હરખાતા રહીશું. અને કયારેક તમારા માળામાં અમે પણ થૉડા સમય માટે ઉડી આવીશું. તમને ઉડવા માટે મજબૂત પાંખો ઇશ્વરકૃપાથી મળી શકી છે. હવે ઉડવાનું કાર્ય તમારું. અનંત આકાશ તમારે માટે છે. પણ દ્રષ્ટિ નીચે ..ધરતી પર જ હમેશાં રાખવી રહી. મેડીકલમાં એડમીશન લેતી વખતે પણ મેં તમને બંને કહ્યું હતું કે ફકત પૈસાની જ ભાવના મનમાં હોય તો બીજા ઘણાં ક્ષેત્ર છે. પણ જો સાથે થોડી પણ સેવાની ભાવના હોય..તો જ આ ક્ષેત્ર પસંદ કરજો. બેટા, કયારેય માનવતા ચૂકશો નહીં .બસ...મમ્મીની આ વાત યાદ રાખશો ને હંમેશા ? જોકે મને પૂરો વિશ્વાસ છે જ. તમારા બંને પર. અને છતાં વારંવાર કહેતી રહું છું..કહેવાઇ જાય છે.

    પપ્પા દેહરાદૂન ગયા છે કંપનીના કામે. મારી સવાર સ્કૂલમાં વીતે છે અને સાંજ લાઇબ્રેરીમાં. આપણે ચારે ય ઘરમાં સાથે હોઇએ ત્યારે પણ ઘરમાં સાંજે લાઇબ્રેરીનું વાતાવરણ જ હોય છે ને ? આપણા ચારેના હાથમાં પુસ્તક અચૂક હોય જ .ખરેખર પુસ્તકની દુનિયામાં ડૂબીને તરી જવાય. એમાં કોઇ શંકા નથી જ.

    આજે ખબર નહીં કેમ અચાનક મારી પાંપણે આંસુના મોતી પરોવાઇ ગયા છે.

    આશિષોની છલકતી હેલી સાથે આજે અહીં જ વિરમીશ. ”લખિતંગ લખવાની જગ્યાએ, ઓચિંતુ આંખથી ટપકયું એક આંસુ;

    પળમાં તો કાગળ પર માય નહીં એમ,

    જાણે છલકેલ લાગણીનો સિંધુ.”

    “ બેટા, લગ્ન કરવા માત્રથી જીવનના એક અધ્યાયનું પૂર્ણવિરામ નથી આવી જતું. હકીકતે લગ્ન એ તો નવજીવનની શરૂઆત છે. જીવનનું મંગલાચરણ છે. એકબીજાના ગુણદોષને સહી લેવાની વૃતિ જો હોય તો જ લગ્નજીવન સફળ બની શકે છે. “ With all thy faults , i love thee “ એ જ તમારા બંને નો જીવનમંત્ર હોવો જોઇએ. એમાં કોઇ શરતો ન હોય. life is nothing but an adjustment. જીવનમાં સારી રીતે ગોઠવાવું..એ પણ એક કલા છે. અંતરમાં વહેતું સ્નેહઝરણું કયારેય સૂકાવું ન જોઇએ. સફળતા કે નિષ્ફળતા...કોઇ પણ સમયે પતિ પત્ની મનથી જોડાયેલ જ રહેવા જોઇએ. અને એકબીજાને પૂરા આદરથી સ્વીકારવા જોઇએ. લગ્નમાં કદાચ પુરુષ કરતાં સ્ત્રીનું પ્રદાન વિશેષ છે. કેમકે સ્ત્રી એ બીજી જગ્યાએ જઇ તેમાં પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખવાનું છે. પુરુષની જીવનના શૂન્યાવકાશને ભરવાનું કાર્ય સ્ત્રી નું છે. પતિ પત્ની ના સંબંધો પ્રેમની ઉષ્માથી છલોછલ, ભાવની ભીનાશથી ભરપૂર, વિશ્વાસપૂર્ણ અને સંશયથી પર હોવા જોઇએ. લગ્ન એ આજીવન આનંદથી સાથે રહેવાનું વ્રત છે. અને એ વ્રત સફળ બનાવવા માટે બંનેએ સમાન પ્રયત્ન કરવા જ રહ્યા. પતિ, પત્નીવ્રત...અને પત્ની, પતિવ્રતની દીક્ષા લે તો જીવનબાગ મહોરી ઉઠે. અન્ય તરફ દ્રષ્ટિ નાખ્યા સિવાય આપણી પાસે જે છે તે સ્વીકારી એને અનુરૂપ જીવનચર્યા ગોઠવીએ તો જીવનમાં કયારેય કોઇ અભાવ ન સાલે. ”