રહસ્યજાળ-(૧૧) પાપનો પોકાર Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(૧૧) પાપનો પોકાર

પાપનો પોકાર !

ઉનાળાની ઋતુનો એ સૌથી ગરમ દિવસ હતો. આકાશમાંથી જાણે કે આગ વરસતી હતી. ગરમ હવાના થપેડા શહેર(વિશાળગઢ)ના સૂના રાજમાર્ગ પર વીંઝાતા હતા. આવા વાતાવરણમાં શહેર બહાર આવેલી સોસાયટીમાં કર્ફ્યું જેવો સોપો પડી ગયો હતો. કોઈ કરતાં કોઈ જ દેખાતું નહોતું. બળબળતી બપોરે દોઢેક વાગ્યે કિશોર નામનો એક યુવાન આકરા તાપની પરવાહ કર્યા વગર એક ઇમારતના પહેલા માળ પર જઈ પહોંચ્યો. આજુબાજુ નજર કરતાં ત્યાં આવેલા ત્રણેય ફલેટોના બારી-બારણા બંધ હતાં. ભેંકાર છવાયેલી ચુપકીદી વચ્ચે એણે મહાપ્રયાસે એક ફ્લેટની મેળવેલી ચાવીથી બારણું ઉઘાડ્યું અને બિલ્લીપગે અંદર દાખલ થઈને ફરીથી બારણું બંધ કરી દીધું.

મજકૂર ફ્લેટના માલિકનું નામ કમલ શર્મા હતું અને તે એક બ્લેક મેઈલર હતો. કમલ શર્મા ખૂબ જ સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવતો હતો. સારા સારા ઘરની યુવતીઓ એના મોહક વ્યક્તિત્વથી અંજાઈ જતી અને કમલ આવી ભલી-ભોળી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમને બ્લેક મેઈલ કરતો હતો.

આવી જ આરતી નામની એક યુવતી ફ્લેટમાં દાખલ થનાર કિશોરની ધર્મની બહેન હતી. આરતીની વીતકકથા સાંભળીને કિશોર કાળઝાળ બની ગયો હતો અને એણે નક્કી કર્યું હતું કે પહેલાં કમલના ફ્લેટમાં ચૂપચાપ પ્રવેશીને ત્યાંથી આરતી સહિત અન્ય યુવતીઓને બ્લેક મેઈલ કરતા ફોટા વગેરે શોધી કાઢીને કબજે કરી લેવા અને પછી કમલને સ્વધામ પહોંચાડી દેવો, જેથી ભવિષ્યમાં કોઈ યુવતી એનો શિકાર ન બને.

કમલ શર્મા દરરોજ સવારે દસથી સાંજના છ વાગ્યા સુધી ઘરની બહાર રહે છે એ વાત કિશોરે અગાઉથી જાણી લીધી હતી અને એટલે જ એણે પોતાનું કામ પાર પાડવા માટે બપોરનો સમય નક્કી કર્યો હતો.

પંદર-વીસ મિનિટની તલાશીમાં જ તેને આઠ-દસ યુવતીઓના કઢંગી હાલતના ફોટા, નેગેટિવ્સ વગેરે કબાટના ચોરખાનામાંથી મળી આવ્યાં, જેમાં આરતીના ફોટાનો પણ સમાવેશ થઈ જતો હતો. બીભત્સ તસ્વીરો જોઈને શરમથી એનું માથું ઢળી ગયું. એ તરત જ રસોડામાં ગયો અને કેરોસીનનું કેન ઊંચકી લાવ્યો. ફોટા, નેગેટિવ્સ વગેરે સળગાવી નાખવાનું જોખમ તે રસોડામાં કરી શકે તેમ નહોતો કારણકે ત્યાં ગેસનું સિલિન્ડર પડ્યું હતું.

તે કેરોસીનનું કેન, ફોટા વગેરે લઈને બાથરૂમમાં પહોંચ્યો. એણે બાથરૂમની ફર્શ પર ફોટા તથા નેગેટિવ્સનો ઢગલો કર્યો અને પછી કેન ઉઘાડીને એના પર થોડું કેરોસીન રેડીને દીવાસળી ચાંપી દીધી. થોડી પળોમાં જ બધું સળગીને રાખ થઈ ગયું. અલબત્ત, આ પ્રક્રિયા દરમિયાન કિશોરના બંને હાથ કેરોસીનવાળા થઈ ગયા હતા, એટલું જ નહીં, કેનનું ઢાંકણ ઉઘાડતી વખતે એનાં વસ્ત્રો પર પણ થોડું કેરોસીન ઊડ્યું હતું.

પરંતુ કિશોરને તેની પરવાહ નહોતી. પોતે જે કામ માટે આવ્યો હતો એ સફળતાપૂર્વક પાર પડી ગયાનો આનંદ એના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.

પરંતુ...આજે વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું.

ફોટા, નેગેટિવ્સ વગેરે સળગાવીને મનોમન હાશકારો અનુભવતો કિશોર રૂમમાં આવ્યો. બરાબર એ જ વખતે ધીમેથી દરવાજો ઊઘડ્યો અને કમલ શર્માએ અંદર પગ મૂક્યો. સામાન્ય રીતે દરરોજ સાંજે છ વાગ્યે પાછો ફરનારો કમલ આજે પોતાના અથવા તો કિશોરના કમનસીબે બપોરે જ ઘેર પાછો આવી ગયો હતો અથવા તો પછી એનું મોત તેને ઘેર પાછું ખેંચી લાવ્યું હતું.

પોતાના ફ્લેટમાં અજાણ્યા યુવાનને જોતાં જ પળભર માટે તો તે ડઘાઈ ગયો, પરંતુ પછી તરત જ એણે સ્વસ્થ થઈને કિશોર સામે જોતાં કર્કશ અવાજે પૂછ્યું, ‘કોણ છે તું અને આમ ચોરીછૂપીથી શા માટે મારા ફ્લેટમાં દાખલ થયો છે...?’

‘મારું નામ કિશોર છે...!’ કિશોર નીડર અવાજે બોલ્યો, ‘હવે રહી વાત ચોરીછૂપીથી તારા ફ્લેટમાં દાખલ થવાની...તો હું જે કામ માટે આવ્યો હતો તે પતી ગયું છે.’

‘કયું...કયું કામ...?’

‘ફોટા અને નેગેટિવ્સ સળગાવવાનું...! તું આજ સુધી જે ફોટાઓના આધારે આરતી જેવી માસૂમ યુવતીઓને બ્લેક મેઈલ કરતો હતો એ તમામ ફોટાઓ નેગેટિવ સહિત મેં સળગાવીને રાખ કરી નાખ્યા છે. એટલું જ નહીં, મારી ઈચ્છા તારી હાલત પણ એ ફોટાઓ તથા નેગેટિવ્સ જેવી કરવાની છે...!’ આટલું કહીને જાણે એની ઠેકડી ઉડાવતો હોય એ રીતે કિશોર હસ્યો.

એની વાત સાંભળીને કમલનો ચહેરો કાળઝાળ રોષથી તમતમી ઊઠ્યો. એની આંખોમાં લોહી ઊતરી આવ્યું.

જડબામાં આવેલો શિકાર છટકી ગયા પછી ભૂખ્યા વાઘની જે હાલત થાય એવી હાલત અત્યારે તેની થઈ ગઈ હતી.

કિશોરની વાતનો હથિયારથી જવાબ આપવા માટે એણે પોતાના ગજવામાં હાથ નાંખ્યો, પરંતુ એ હાથ બહાર નીકળે તે પહેલાં જ કિશોરે ફેંકેલી કાચની વજનદાર ફૂલદાની હવાની સપાટીને ચીરીને પૂરી રફતાર સાથે ખૂબ જોરથી એના કપાળ સાથે અથડાઈ.

પ્રહાર ખૂબ જ જોરદાર હતો.

કમલના મોંમાંથી એક કાળજગરી ચીસ નીકળીને ફ્લેટના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ગુંજી ઊઠી. ગજવામાં પહોંચેલો એનો હાથ ગજવામાં જ રહી ગયો. એની આંખોના ડોળા વિસ્ફારિત થયા. એનો દેહ પળભર હવામાં લહેરાઈ છેવટે કપાયેલા વૃક્ષની જેમ જમીન પર ઊથલી પડ્યો.

કિશોરે આગળ વધીને એના ધબકારા તપાસ્યા. એ હજી જીવતો જ હતો. તે કમલ જેવા શયતાનોને કોઈ કાળે જીવતો રાખવા નહોતો માગતો. ક્રોધાગ્નિમાં અત્યારે તે સારા-નરસાનો વિવેક ગુમાવી બેઠો હતો.

બરાબર એ જ વખતે બહારના ભાગમાં કોઇકના વજનદાર બૂટના પગલાંનો અવાજ ગુંજ્યો અને પછી કોઈકે જોરથી કમલના ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો.

‘કોણ છે....?’ કિશોરે શક્ય તેટલો પોતાના અવાજને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરતાં ઊંચા અવાજે પૂછ્યું.

‘પોલીસ....!’ બહારથી રૂઆબભર્યો અવાજ ગુંજી ઊઠ્યો, ‘અમે હમણાં જ આ ફ્લેટમાંથી કોઈકની ચીસ સાંભળી હતી. જલદી દરવાજો ઉઘાડો...!’

‘એવું કશુંય નથી બન્યું સાહેબ....!’ કિશોર પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘છતાંય આપ બે મિનિટ થોભો....હું કપડાં બદલીને દરવાજો ઉઘાડું છું...!’

ઇન્સ્પેકટરને જવાબ આપતાં-આપતાં કિશોરે પોતાના આગામી પગલાં વિશે વિચારી લીધું હતું.

બહાર ચુપકીદી છવાઈ ગઈ હતી. ઇન્સ્પેકટરને કદાચ એના જવાબથી સંતોષ થઈ ગયો હતો.

કિશોર પાસે હવે માત્ર બે જ મિનિટનો સમય હતો.

એણે જે કઈ કરવાનું હતું તે બે મિનિટમાં જ કરવાનું હતું. ઇન્સ્પેકટર બહુ બહુ તો એકાદ મિનિટ વધુ રાહ જોયા બાદ દરવાજો તોડીને પણ અંદર ધૂસી આવવાનો હતો.

કિશોર બેહદ સ્ફૂર્તિથી કમલના દેહને ઘસડીને બાથરૂમમાં લઈ ગયો. કેરોસીનનું કેન બાથરૂમમાં જ પડ્યું હતું. એણે ઝપાટાબંધ આખું કેન કમલના દેહ પર ખાલી કરી નાખ્યું અને પછી દીવાસળી પેટાવીને કેરોસીનથી તરબતર થઈ ગયેલા કમલના દેહ પર ફેંકી.

પળભરમાં જ કમલનો દેહ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો.

આટલું કર્યા પછી કિશોર રૂમમાં જવાને બદલે પાછળના ભાગમાં આવેલી બાલ્કનીમાં પહોંચ્યો.

એણે જોયું તો બાલ્કની અને જમીન વચ્ચે દસેક ફૂટ જેટલું અંતર હતું.

વળતી જ પળે તે બીજી તરફ લટકીને નીચે કૂદી પડ્યો. ગ્રાઉન્ડફ્લોર પર પહોચતાં જ જાણે પાંખો ફૂટી હોય એમ તે દોડીને પાછળના દરવાજેથી ઈમારતમાંથી બહાર નીકળી ગયો અને સતત દોડતો જ રહ્યો.

અચાનક એના કાને પોલીસની જીપના સાયરન સાથે કોઈકનો ઊંચો અવાજ સંભળાયો:

‘એ રહ્યો, સાહેબ...! જુઓ....એ જ પરાક્રમ કરીને નાસતો લાગે છે...!’

કિશોર તરત જ એક સાંકડી ગલીમાં દાખલ થઈ ગયો અને એક પછી એક નાની-મોટી ગલીઓ તથા સડક વટાવીને છેવટે તે રેલવેસ્ટેશનમાં પ્રવેશીને પ્લેટફોર્મ પર પહોંચ્યો ત્યારે એણે જોયું તો એક ટ્રેન સ્ટાર્ટ થઈને ધીમે-ધીમે પાટા પર સરકતી હતી.

તે દોડીને મહામહેનતે એક ડબ્બામાં ચડી ગયો. એણે જોયું તો એ જ વખતે એક વર્દીધારી ઇન્સ્પેકટર પોતાના બે સહકારીઓ સાથે પ્લેટફોર્મમાં દાખલ થયો હતો, પરંતુ હવે તેઓ પોતાના સુધી પહોંચી શકે તેમ નથી એવા વિચારથી કિશોરે મનોમન થોડી રાહત અનુભવી. એણે ટિકિટ નહોતી લીધી, પરંતુ એના ગજવામાં ટિકિટ ઉપરાંત દંડ ચૂકવવા માટે પૂરતા પૈસા હતા એટલે એની તેને કોઈ ફિકર નહોતી.

ટ્રેન કઈ હતી ને ક્યાં જતી હતી એની પણ તેને ખબર નહોતી.

અત્યારે એના મગજમાં એક જ વાત હતી – કોઈ પણ રીતે આ શહેરથી બને તેટલું દૂર પહોંચી જવું.

એણે ક્ષણિક આવેશમાં આવીને કમલનું ખૂન કરતાં તો કરી નાખ્યું હતું, પરંતુ ખૂન કર્યા પછી હવે મનોમન સહેજ ગભરાટ પણ અનુભવતો હતો. એને સૌથી વધુ ભય પોલીસનો હતો. જો અણીના સમયે પોલીસ કમલના ફ્લેટ પર ન આવી હોત તો બધું હેમખેમ પાર પડી જવાનું હતું.

પરંતુ, આ “જો” અને “તો”ની વાત જ હંમેશા માણસને છેતરતી હોય છે....!

કિશોરની હાલત પણ કંઈક એવી જ હતી. “જો” અને “તો” ની માયાજાળમાં એ પણ ગૂંચવાઈ ગયો હતો.

પોતે કમલનું ખૂન ન કર્યું હોત તો સારું હતું, એમ તેને લાગતું હતું.

પરંતુ બનવાકાળ બની ગયું હતું અને હવે એમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નહોતો.

કિશોર બરાબર વચ્ચેના ભાગમાં પહોંચીને એક ખાલી સીટ પર ગોઠવાઈ ગયો.

અડધો કલાક પછી ટ્રેન એક નાનકડા સ્ટેશન પર બે મિનિટ માટે થોભીને પુન: આગળ વધી ગઈ.

ટ્રેન સળંગ હોવાને કારણે તેમાં એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઈ શકાય તેમ હતું.

પંદર-વીસ મિનિટ પછી અચાનક જ ડબ્બાને એક છેડે એક વર્દીધારી ઇન્સ્પેકટર બે સિપાહીઓ સાથે આવીને ઊભો રહ્યો.

‘તમે બંને સામેની તરફથી તપાસ કરો...હું અહીંથી શરૂઆત કરું છું...!’ એણે બંને સિપાહીઓને સંબોધીને આદેશાત્મક અવાજે કહ્યું, ‘તપાસની સાથે સાથે બધા મુસાફરોના હાથ પણ સુંઘજો...! આપણને મળેલી બાતમી ખોટી હોય જ નહીં...!’

આ સાંભળીને કિશોર મનોમન થરથરી ગયો.

એના ગભરાટનો પાર ન રહ્યો. એને ફોટા, નેગેટિવ્સ તથા કમલના જીવતાજીવત પોતે કરેલા અગ્નિસંસ્કાર વાળું દ્રશ્ય યાદ આવ્યું.

એણે ચોરીછૂપીથી પોતાનાં હાથ સુંઘી જોયા.

એના હાથ તો ઠીક, વસ્ત્રોમાંથી પણ કેરોસીનની ગંધ આવતી હતી.

હે ઈશ્વર...! હવે શું થશે...?

ભયથી એનું કાળજું કંપી ઊઠ્યું. એનું દિમાગ પોલીસ અહીં કેવી રીતે પહોંચી એના તાણાવાણા ગૂંથવા લાગ્યું.

કમલના ફ્લેટ પર અચાનક આવેલી પોલીસે દરવાજો તોડીને કમલની સળગેલી લાશ જોયા પછી છેક રેલવેસ્ટેશન સુધી પોતાનો પીછો કર્યો હતો. પરંતુ આ દરમિયાન પોતે ટ્રેનના ડબ્બામાં ચડી ગયો હતો, પરંતુ પોલીસે ચોક્કસ પોતાને ડબ્બામાં ચડતો જોઈ લીધો હતો. એણે તરત જ આગળના રેલવેસ્ટેશનની પોલીસને આ વાતની જાણ કરીને પોતાને ઝડપી લેવાનો આદેશ આપી દીધો હશે. પોતે ખૂનમાં કેરોસીનનો ઉપયોગ કર્યો છે એ વાત પણ જરૂર રનાવી હશે અને એટલા માટે જ અત્યારે તપાસ કરવા આવેલા ઇન્સ્પેકટરે પોતાનાં સિપાહીઓને દરેક મુસાફરના હાથ સુંઘવાની સૂચના પણ આપી છે. હવે પોતે પોતાના હાથમાંથી આવતી કેરોસીનની ગંધના આધારે પકડાઈ જશે.

આ દરમિયાન બંને સિપાહીઓ બીજે છેડે પહોંચીને કામે લાગી ગયા હતા.

ઇન્સ્પેકટરે પણ આ છેડેથી પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી.

કિશોર બંને તરફથી ઘેરાઈ ગયો હતો. હવે તો તે ઈચ્છા હોય તો પણ બીજા ડબ્બામાં જઈ શકે તેમ નહોતો.

બંને સિપાહીઓ કરતાં ઇન્સ્પેકટર વધુ સ્ફૂર્તિથી કામ કરતો હતો. તે ઉપરના ભાગે તથા સીટ નીચે નજર કરવાની સાથે સાથે દરેક મુસાફરોના હાથ પણ સુંઘતો જતો હતો.

તપાસ કરતો કરતો છેવટે તે કિશોર પાસે આવીને ઊભો રહ્યો. જાણે કેરોસીનની ગંધ પારખીને તેની ખાતરી કરવા માગતો હોય એ રીતે એણે જોરથી ઊંડો શ્વાસ ખેંચ્યો.

‘હં....’ એના ગળામાંથી હુંકારો નીકળ્યો. પછી તે વેધક નજરે કિશોર સામે તાકી રહેતાં બોલ્યો, ‘દાળમાં કંઈક કાળું લાગે છે...અમને જે ઇસમ વિશે બાતમી મળી છે તે તમે જ લાગો છો. હવે ભલા થઈને મને તમારા હાથ પણ સુંઘાડી દો...! તમારા કપડામાંથી તો કેરોસીનની ગંધ આવે જ છે...! અમારે માટે તો એટલું જ પૂરતું છે, છતાંય હું પૂરી ખાતરી કર્યા પછી જ તમને તમારી કરણીની સજા કરાવવા માગું છું. આજે તો તમારી ખો ન ભુલાવી દઉં તો મારું નામ ઇન્સ્પેકટર દેવીસિંહ નહીં....!’

કિશોરના મોતિયા મરી ગયા.

એણે ઇન્સ્પેકટર દેવીસિંહને પોતાનાં બંને હાથ સુંઘાડ્યા. એટલું જ નહીં, તેને ટૂંકમાં બધી વિગતો જણાવ્યા બાદ પોતાનો ગુનો પણ કબૂલી લીધો.

એની વાત સાંભળીને દેવીસિંહ પણ ઘડીભર તો સ્તબ્ધ બની ગયો.

‘તો તમે જ વિશાળગઢ ખાતે કમલ શર્મા નામના એક બ્લેક મેઈલરનું કેરોસીન છાંટી તેને સળગાવી ખૂન કર્યું છે, એમ ને...?’

‘હા, ઇન્સ્પેકટર સાહેબ...! મેં જે ગુનો કર્યો છે એ હવે મારે કબૂલ કરવો જ રહ્યો...!’ કિશોર નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

‘દેવીસિંહસાહેબ...!’ અચાનક બીજે છેડે તપાસ કરવા ગયેલા બેમાંથી એક સિપાહીનો ઊંચો અવાજ સંભળાયો, ‘જરા અહીં આવજો...!’

દેવીસિંહ કિશોરનું બાવડું પકડીને તેને ધકેલતો ધકેલતો તેમની પાસે પહોંચ્યો.

‘આ તમે કોને પકડી લાવ્યા, સાહેબ....??’ સિપાહી કિશોર સામે જોતાં બોલ્યો. પછી એણે ત્યાં બેસેલ બે ગામડિયા જેવા દેખાતા માણસો સામે આંગળી ચીંધતા કહ્યું, ‘અસલી ગુનેગાર તો આ બેય નંગ છે. તેઓ સરકારની મનાઈ હોવા છતાંય કેરોસીનની હેરાફેરી કરે છે. તેઓ ચાદર ઢાંકીને કેરોસીનના બે ડબ્બા લઈને આ ટ્રેનમાં મુસાફરી કરે છે. હવે બેટમજીને ખબર પડશે કે આ ગેરકાયદેસર રીતે કેરોસીનની હેરાફેરી કરવાનો શો અંજામ આવે છે...! ટ્રેનમાં કોઈ પણ જાતના જ્વલનશીલ પદાર્થ સાથે મુસાફરી કરવાની મનાઈ છે.’

ત્યાર બાદ એણે એ બંને મુસાફરોની સીટ નીચેથી કેરોસીનના બે ડબ્બા પાછા કાઢી બતાવ્યા.

દેવીસિંહે એ બંને (સિપાહીઓ)ને શાબાશી આપી.

જ્યારે કિશોર મનોમન ગુનાનો એકરાર કરવા બદલ પશ્ચાતાપ અનુભવતો હતો.

પરંતુ હવે શું થાય...? પાપે છાપરે ચડીને પોકાર કર્યો હતો....!

તીર તો કમાનમાંથી છટકીને નિશાન પર પણ ચોંટી ગયું હતું.

એણે દેવીસિંહ પાસે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ વાતના ઘણા સાક્ષીઓ પણ હતા.

‘આ કોણ છે, સાહેબ....?’ સિપાહીએ ફરીથી કિશોર તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘પતાસું....!’ દેવીસિંહ સ્મિતસહ બોલ્યો.

‘એટલે...??’ સિપાહીએ મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘એટલે એમ કે આ....’ દેવીસિંહે કિશોર સામે આંગળી ચીંધતા જવાબ આપ્યો, ‘આ એક એવું પતાસું છે કે જે બગાસું ખાતાં અનાયાસે જ મારા મોંમાં આવી ગયું છે....!’

*

સાચી વાત તો એ હતી કે દેવીસિંહ કિશોરને પકડવા માટે નહીં, પણ ટ્રેનમાં અમુક મુસાફરો ગેરકાયદેસર રીતે કેરોસીન લઈ જાય છે એવી બાતમી મળી હોવાથી એ મુસાફરોને પકડવા માટે જ ટ્રેનમાં ચડ્યો હતો !!

***

- કનુ ભગદેવ

(Facebook/Kanu Bhagdev)