આજની નારી Rekha Vinod Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજની નારી

આજની નારી, "ટુ ડેઝ વુમન"


અમેરિકા હોય કે ઇન્ડીયા હોય કે દુનિયાનો કોઈ પણ છેડો હોય સ્ત્રીઓની એક જ સરખી મનોદશા હોય છે. ઉપરવાળાએ સ્ત્રીનું હૈયું બહુ નાજુકાઈથી ઘડ્યું છે તે વાત સાવ સાચી છે. પરંતુ સાથે સાથે આઘાત ઝીલવાની અજીબ શક્તિ પણ સાથે આપી છે.
"
સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો છોડ છે જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટવૃક્ષ થઇ આખા કુટુંબ સાથે સમાજને છાંયડો આપવા સક્ષમ બની શકે તેમ છે અને એ જ સ્ત્રીઓને ઘરનાં એક ખૂણામાં એ નિર્જીવ ચીજની જેમ માનવામાં આવે તો એ જ નાજુક છોડ જેવી સ્ત્રીઓ એક સંવેદના વિહિન સુકાયેલા થડ જેવી બની જાય છે.કારણકે મોટે ભાગે સ્ત્રીઓ સંવેદનાં અને સજીવ લાગણીની ભાષાને વધારે પ્રાધાન્ય આપે છે.

આજની નારી,આજની આધુનિક નારી,ટુ ડેઝ વુમન લખેલા જાહેરાતોનાં હેડીગ ઠેરઠેર જોવા મળે છે.

પહેલા હંમેશા એકજ વાક્ય સાંભળવા મળતું હતું કે "દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” પરંતુ આજે સમીકરણ બદલાઈ ગયું છે "આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે". પોતાની કારર્કીદી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર ચેલેન્જીગ હોય છે. પુરુષો માત્ર ઘર બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝુમતા જોવા મળે છે. જ્યારે એ જ સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખૂબીથી સંભાળવા પડે છે. અને ત્યારેજ તે પોતાની કંઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે. પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમેતે ખૂણો હોય,પણ સ્ત્રીઓને સોપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ છે "પતિ, ઘર અને બાળકો". સ્ત્રી આ બધામાંથી સમય કાઢી પોતાની અલગ પહેચાન બનાવવા ઝઝૂમે છે તારે તેને બીરદાવવી જ રહી. મોટે ભાગે જેને હાઉસ વાઇફ કહીએ છીએ એ આ બધા જવાબદારી ભર્યા કામમાંથી બચેલા સમયનો સદુપયોગ કરીને પોતાનાં નિજાનંદ માટે અથવા કેરિયર લક્ષી કોઇ કામમાં સફળ થાય છે ત્યારે આ સ્ત્રીને સલામ કરવી જ પડે.

અમુક પુરુષ સમાજ એવો દાવો કરે છે કે સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવું ગમતું નથી એટલે સ્ત્રીઓ સ્વતત્રતાની આડે બહાર રહેવાના બહાના શોધે છે. અહીયાં મારૂં એવું માનવુ છે કે ખરેખર આવું નથી કે આજની સ્ત્રી ઘરકામની દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે. પણ હક્કીત એ છે એ સ્ત્રી ઘર ચલાવવાની સાથે વધારાની કમાણી કરીને ઘરમાં મદદરૂપ થવા પ્રયત્ન કરે છે અને આજ કારણે તે કામ કરવા મજબૂર બને છે. અને સાથે પોતાની અલગ પહેચાન કરવા પ્રેરાઈ છે .

આજની નારીએ સમાજના જુના રૂઢીચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ જાતે મોકળો કર્યો છે. તો સાથે પોતાની જવાબદારી થી દૂર નથી ભાગી, તો આજની નારીને બિરદાવવી રહી. પુરુષોના માથે તો સ્વતંત્રતાનો મુગટ સદિયોથી વરેલો હતો અને તેનો લાભ ગેરલાભ તેમણે આજ સુધી પુરતા પ્રમાણમાં લીધે રાખ્યો છે. પહેલાના વખતથી સ્ત્રીઓને પગની જુતી સમજીને,કે ભોજયેષુ માતા ,શયને શું રંભા ગણવામાં આવી છે. પણ હવે શિક્ષણ આ સમાજને સમાજના વિચારોને ઘીરે ઘીરે બદલી રહ્યું છે તે આનંદની વાત છે અને સાથે એવા ધણા સમજદાર પુરુષો પણ છે જે પોતાની સ્ત્રીને આગળ વધવાં એને જોઇતી મોકળાશ અને અન્ય સહારો આપવા તત્પર રહે છે.

સ્ત્રીઓની હમેશાં એક ખાસિયત રહી છે કે તેઓ એક સાથે અનેક કામ એક સમયે કરી શકે છે. ઘરકામ કરતા કરતા તે બાળકોને ભણાવી શકે છે પતિની વાતો સાંભળી તેને યોગ્ય સલાહ આપી શકે છે કે આજની વુમન તરીકે એક તરફ તેનું લેપટોપ રાખી ઓફીસ કામ કે તેનાથી વધી મિત્રો સાથે ચેટ પણ કરી સકે છે ,"
જ્યારે પુરુષ પોતે કામ કરતો હોય એવા સમયે જો બાળક તેના હોમવર્ક વિષે કઈ પણ પૂછવા આવે તો તેનો સીધો જવાબ મળી આવે છે હમણા હું બીઝી છું પછી પૂછજે . કે કામ કરતો હોય અને પત્ની કૈંક કહે તો " જોતી નથી કામ કરૂ છું, જા ચાય બનાવી લાવ " .


આનો અર્થ એ નથી કે પુરુષ તે કામમાં કાબેલ નથી, પણ તેને એક સાથે બધા કામ કરવાની આદત નથી. જ્યારે એક સ્ત્રી એક પત્ની એક માતા એક ગૃહિણી બધા રોલ સાથે નિભાવી શકે તેમ છે. થોડા હળવા શબ્દમાં કહું તો રસોડામાં ગેસ ઉપર શાકનાં વધારની સાથે રોટલી ચડાવતાં એ ટીવી સિરિયલ જોઇ શકે છે. તેમ છતા એની રસોઈ કાયમની માફક સ્વાદિષ્ટ થશે. એના એક પણ કામમાં કચાશ રહેતી નથી. દરેક કામમાં જાત રેડી દેવાની સ્ત્રીઓની આદત હોવાથી તેઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી શકે છે. “શિક્ષિત,પ્રતિભાસંપન્ન અને કાર્યદક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના અને કુટુંબના ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી તેની યોગ્યતાઓ ઘર,પરિવાર અને બાળકોને ધણી ઉપયોગી બની રહે છે

પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણય શકિતમાં લાગણીનો પ્રભાવ વધુ હોય છે. આથી તે જે કાર્ય હાથમાં લે છે તેને આગવી સૂઝ સાથે પુરેપુરી લગનથી પૂરું કરવા કટિબદ્ધ હોય છે.તેથી સ્ત્રીઓનાં કાર્યમાં એક ચોખ્ખી કાર્યદક્ષતા દેખાઈ આવે છે.એટલા માટે જ ઉચ્ચ કક્ષાએ પહોચેલી સ્ત્રીઓ બહુ સકસેસફૂલ હોય છે.

આજની જે પણ સુશિક્ષિત સ્ત્રીઓ સ્વાવલંબી બની છે તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી. હું પોતે એક સ્ત્રી તરીકે માનું છું કે સ્વાવલંબી બનવું મહત્વ નું છે પણ સ્વછંદી નહિ .... સ્ત્રીઓ એ પોતાનું સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે. આવા સમયે દરેકે એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી બને છે કે સ્ત્રીઓ એ પોતાની બુદ્ધિ અને વિચારશક્તિનો ઉપયોગ એવી રીતે કરવો જરૂરી બને છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે.

તેની પહેલી જવાબદારી છે પોતાના ઘરની ચાર દીવાલો બની તેમાં હૂફ અને લાગણીનું સર્જન કરવું જો આમ નાં કરવામાં આવે તો ઘર ભંગાણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.કારણ એક રીતે જોઇએ તો સ્ત્રી ઘરની એકતા અને સુખ શાંતિની પહેલી અને મજબુત કડી છે.

મોટા ભાગે દરેક પુરુષને એવી સ્ત્રી ગમે છે જે પોતાનાં અને રૂપ સાથે ગુણમાં અને વાક્ય ચાતુર્યમાં અવ્વલ હોય. અને એ સ્ત્રી પુરુષનાં દિલમાં આગવું સ્થાન બનાવે છે. દરેક પુરુષને આવી વર્કિંગ વુમન પસંદ હોય છે તેમની આગવી છટા અને ટેલેન્ટ થી લોભાઈ જતા હોય છે પરતું બેવડી વિચારધારા પ્રમાણે પોતાના ઘરની નારી તેમને ઘરમાંજ પુરાએલી ગમે છે. તેમની આ વિચારસરણી ને પ્રેમથી કાબુમાં લાવવી જરૂરી છે. કારણ પુરુષો સ્વભાવગત માલિક ભાવથી પીડાતા હોય છે. સાથે પ્રેમ અને સમજ થી બહુ જલદી વશ પણ થઇ જતા હોય છે. આ દરેક સમાજની સ્રીઓ એ શીખવું જરૂરી છે.

એકવીસમી સદીમાં વર્તમાન પત્રો, સામાયિકો,ટી.વી.. રેડિયો, ઇન્ટરનેટ જેવા ઇલેકટ્રોનિક મિડિયાનાં કારણે સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ઝડપથી આગળ આવી રહી છે.આજે આ બધા કારણે પોતાને લક્ષી કોઈ પણ જાતના પ્રશ્નોની ચર્ચા પણ તે ખુલ્લે આમ કરી પ્રશ્નોનું નિવારણ શોધી રહી છે

આજની નારી સમાજને બતાવી દેવા તૈયાર છે કે આજે તેની પહોંચની બહાર હવે કશું રહ્યું નથી.તે પુરુષ કરતા પણ વધુ ચાર ડગલાં આગળ ચાલી શકે તેમ છે,અને દરેક પ્રકારના મુશ્કેલીભર્યાં કામને એ સહજ રીતે કરી રહી છે. આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.

કાર્યક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી એક જ હોદો સંભાળતા હોય પણ સ્ત્રી હોવાને કારણે જે તે કાર્યક્ષેત્રને સ્ત્રીનાં કલાકો અને કાર્યદક્ષતાનો વધારાનો લાભ મળે છે.કારણકે સ્ત્રી થોડા થોડા સમયે ચાની તલપ નથી લાગતી.સ્ત્રી ઓફિસમાં પાન મસાલા કે સીગારેટ પીતી નથી. હા ગોસીપની શોખીન જરૂર હોય છે ,પરંતુ સ્ત્રીઓને ઓફીસ કામ પતાવી બીજો મોરચો સંભાળવા એટલેકે ઘર તરફ જવાની ઉતાવળ વધુ હોય છે આથી પરિણામે સ્ત્રીઓને તેમને સોંપેલા કામ ઝડપથી પૂરા કરવામાં વધુ રસ રહે છે .

ઈન્દિરા ગાંધી,માર્ગરેટ થેચર,શિરામાઓ ભંડાર નાયકે જેવી મનની સશક્ત અને અડગ નિર્શ્ચય ધરાવતી સાથે લોંખડી મનોબળ ધરાવતી મહિલાઓએ વર્ષો સુધી પોતપોતાના દેશ પર શાસન કર્યું હતું અને તેમના શાસન દરમિયાન તેમને હજારો પુરુષ નેતાઓ અને અધિકારીઓને પોતાના હાથ નીચે જ રાખેલા હતા.

ઇંદિરા ગાંધીનું ઉદાહરણ લઇએ ૧૯૭૧નાં ભારત પાકિસ્તાન યુધ્ધમાં પોતાની બાહોશી અને મુત્સદીગીરીથી ઘરમાં આવેલી કેકનાં બે ટુકડા કાપતાં હોય એમ પાકિસ્તાનમાંથી બાંગલાદેશ અલગ કરી નાખ્યુ. જ્યારે આવો યુધ્ધવિષયક નિર્ણય લેવા માટે લોંખડી મનોબળ જોઇએ. આ પ્રકારનો નિર્ણય લેવા માટે પુરુષ નેતાઓ પણ એક નહી અનેક વિચાર કરે.જ્યારે ઇંદીરાગાંધી આ નિર્ણય લેવાં જરા પણ સમય બગાડ્યો નહોતો.

આમ રાજકીય રીતે પણ સ્ત્રીઓ પોતાનું યોગદાન આપતી રહે છે. એટલું જ નહી,પોતાની કાબેલિયત દ્વારા સ્ત્રીઓને જુદી જુદા રાજકીય સંસ્થાઓમાં જોડાઇને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતી રહે છે.એ પછી કોઇ પણ પ્રકારની ચળવળ હોય કે રાજકીય મકસદ હોય,સ્ત્રીઓ એક શકિત બનીને ઉભરી આવે છે.એ પછી તસ્લીમા નશરીન હોય કે બેનઝીર ભૂટ્ટો હોય કે માયાવતી હોય કે સુષ્મા સ્વરાજ હોય કે સ્મૃતી ઇરાની હોય.

સ્ત્રીઓ વિશે દરેક દેશ હોય કે સમાજ હોય એક માન્યતા પહેલેથી જોવા મળે છે..એનું મુખ્ય કારણ એક જ છે.સર્જનહારેલી કરેલી સ્ત્રી શરીર રચના..ઇશ્વર જાણે છે કે સ્ત્રી સંતાનને જ્ન્મ આપવાથી લઇને અમુક મહારત વાળા કાર્ય પર સ્ત્રીઓનો સંપુર્ણ ઇજારો છે..

સાહિત્યકાર કાકાસાહેબ કાલેકર કહે છે "
અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે આત્મા સંકુચિત થાય છે"
બસ મિત્રૉ કાકાસાહેબનાં એક વાકય પરથી જોઇએ તો પુરુષો માટે સ્ત્રીઓનું સૌંદર્ય જેટલુ દ્રશ્યપ્રિય છે એટલુ જ એનાં પુરુષ અહમને નીચા દેખાડી શકવાં શક્તિમાન છે..કદાચ એટલે જ પુરુષો સ્ત્રીઓને રીઝવવાં એનાં બાહ્ય સૌંદર્યની પ્રશંસા કરતો જોવા મળે છે...સ્ત્રી ને રીઝવવા બળવાન અને બુદ્ધિમાન પુરુષ તેના ચરણોમાં પણ બેસી જાય છે. આનાથી વધુ નાજુક નામની સ્ત્રીનું મહત્વ હોઈ શકે. અને સ્ત્રીઓની બાબતમાં કહું તો મોટેભાગે સ્ત્રીઓને એવા પુરુષો ગમે છે જે એના સૌંદર્ય કરતાં એનાં આત્મિય સૌંદર્યને સમજી શકે, તેને લોલુપતા ત્યજી માનભરી નજરે જુવે અને તેના અંતરમન સુધી પહોચી શકે .આજની વુમનને કોઈ તેના રૂપના નહિ પણ ગુણ ના વખાણ કરે તેની શક્તિઓને બિરદાવે તે વધુ પસંદ હોય છે

આપણા પુરાણૉમાં પણ નારીઓનું મહત્વ અને પ્રદાન જરા પણ ઓછું ગણી શકાય એમ નથી. એ પછી રામચંદ્ર ભગવાનની સીતા હોય કે મહાભારતની પાંચાલી દ્રૌપદી હોય.પતિવ્રતામાં ગાંધારી હોય કે રાવણની પત્ની મંદોદરી હોય.અને પ્રેમ અને બલીદાનમાં રાધા હોય કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા હોય આપણાં પુરાણૉએ હમેશાં સ્ત્રીઓને શકિતનું સ્વરૂપ આપ્યું છે અને દરેકયુગમાં સ્ત્રીઓને મોકો મળતા પોતે આધ્યાશકિત છે એ પૂરવાર કરી બતાવ્યું છે.

આવી જ રીતે અમેરિકામાં સ્ટાર ઈન રાઈઝીંગ માં બિલ-હિલેરી ક્લિન્ટનને પણ સામેલ કરવામાં આવ્યા છે.આજે અમેરિકામાં ચાલતા ઈલેકશન વોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસને હિલેરી બરાબરની ટક્કર આપી રહી છે. જેમને એક વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટન ઉપર મુકાએલા આરોપો સામે અડગ ઉભા રહી પોતાના પતિને સમાજમાં જાહેરમાં સપોર્ટ કર્યો હતો.

એક પત્ની જ પતિની બધી ભૂલોને પોતાના ઘણી ચાર દીવાલોમાં સંતાળીને સાથ આપીને સમાજમાં તેને મહત્વનું સ્થાન પણ અપાવી શકે છે. અને તેજ રીતે પતિની વિરુધ્ધે ચડેલી પત્ની ભૂલ પકડાઈ જતા પતિનો સાથ પલભરમાં છોડી ને સમાજમાં હલકો પણ બતાવી શકે છે. આ સાબિત કરે છે "એક પત્ની પતિને જીતાવી શકે છે તો જીતેલા પતિને હરાવી પણ શકે છે.". જોકે પતિ પત્નીનો સાથે એક સિક્કાની બે બાજુઓ જેવો રહ્યો છે આથી આ વાત સ્ત્રી માટે પણ લાગુ પડી શકે છે.

બીલ ગેટ્સની અજાબો સંપતિના માલિક તેમની પત્ની મીલીંડા ગેટ્સ પોતાને ભાગમાં આવેલી અઢળક સંપતિને હસતા મ્હોએ દાનમાં આપી દેવાની ઉદારતાં દર્શાવીને પતિના પગલે ચાલવાની હિમત દર્શાવી છે. આવીજ રીતે મધર ટેરેસાને યાદ કરવાજ ઘટે છે. એક સ્ત્રી પોતાના મોજશોખને નેવે મૂકી દુઃખીજનો માટે જે કરી છુટ્યા છે તેમ કરવા માટે હ્રદયમાં કરુણાનો સાગર જોઈએ.

જ્યારે પણ વુમન્સ પાવરની વાત આવે છે ત્યારે આપણે ભારતના કલ્પના ચાવડાને કેમ ભૂલી શકાય? કલ્પના ચાવલા અમેરિકાના એક સ્પેસ મિશનની નિષ્ફળતાનો ભોગ બન્યા હતા અને તેને પરિણામે કલ્પના ચાવલા સહિત બીજા અવકાશીઓએ પણ જાન ગુમાવ્યો. જ્યારે રાતના અંધારામાં સ્ત્રીઓ બહાર જતા પણ ડરે છે ત્યારે કલ્પના ચાવડા પોતાના ફેમિલીને ટાટા કરી સ્પેશમાં કોઈ પણ ડર વિના જવા તૈયાર થઇ ગયા હતા.

આજ રીતે આજકાલ કોર્પોરેટ જગતમાં એક નામ મોખરે જણાય છે પેપ્સીકોલા ના સીઈઓ ઈન્દ્રા નુઈ. શ્રી નૂયી પોતે ભારતીય મહિલા છે તેમણે કરેલા એ ઈનોવેશન ને કારણે પેપ્સી કંપનીનેને ખાસ્સો ફાયદો થઈ રહ્યો છે .આજ રીતે બીજી અગ્રણી મહિલાઓમાં આઇસી આઇસી આઇ બેન્કના એમડી અને સીઈઓ ચંદા કોચરને ભારતની શક્તિશાળી બીઝનેસ વુમન જાહેર કરવામાં આવ્યા. એક્સીસ બેન્કના શીખા શર્મા તથા અરુણા જયંતી ,અનીતા ડોગરે જેવી કેટલીય બીઝનેસ વુમન પોત પોતાના ફિલ્ડમાં બહુ નામના કાઢી છે.રીલાઇન્સના મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી આજકાલ જાહેરક્ષેત્રની તથા શૈક્ષણીક અને સ્પોર્ટને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.નીતા અંબાણીની એક બીજી ખાસિયત છે.એની કોઇ પણ કંપનીનાં એમ્પલોઇસની સુવિધા માટેની જવાબદારી પણ સંભાળે છે.

અહીંયા અમેરિકામાં પણ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભે ખભા મિલાવી કામ કરે છે અને દરેક ક્ષેત્રમાં પોતાની નામના અલગ રીતે બનાવતા જાય છે.હાલ ચોકાવનારી વાત ફોર્ચ્યુન મેગેઝિને બહાર પાડી તે મુજબ 'વર્ષ ૨૦૧૪ની સૌથી શક્તિશાળી બિઝનેસ વિમેન'ની યાદી જાહેર કરી જેમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ ખૂબ જ મોટા કદની કંપનીઓનું સંચાલન કરે છે જે એક રેકોર્ડ છે.

ન્યૂયોર્કના મેરી બારા પ્રખ્યાત ઓટો મેકર જનરલ મોટર્સના સીઇઓ છે. તેઓ એપ્રિલ ૨૦૧૪નાં બારા ટાઇન્સ મેગેઝીનનાં દુનિયાના સૌથી વધુ ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં ચમકયાં હતાં.એન્જિનિયરિંગ અને ઇલેકટ્રીકલ અભ્યાસ પહેલા પુરુષોને હસ્તક ગણાતું હતું તેમાં આજે સ્ત્રીઓ પોતાનું વર્ચસ્વ ઘરાવતી થઇ ગઈ છે અને તે પણ આટલી મોટી પોસ્ટ ઉપર પોતાની નામના કાઢવી તે કઈ નાની સુની સિદ્ધિ તો ના જ ગણાય.

આજ રીતે ન્યુયોર્કમાં જન્મેલા જેનેટ યેલન અમેરિકાની ફેડરલ રીઝર્વ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રથમ ચેરપરસ બન્યા હતા.જે બીલ ક્લીન્ટનની સરકાર વખતે વ્હાઈટ હાઉસમાં કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઈઝર રહી ચુક્યા હતા. અમેરીકા જેવા દેશમાં આટલી મોટો પોસ્ટ ઉપર એક સ્ત્રીનું હોદ્દા ઉપર રહેવું તે ગર્વની વાત છે.

હેડમાર્ક તથા હેરાલ્ડરોબિસ જેવા પુરુષ નવલકથાકારોની જોનકાલિસ તથા એરિકા બીંગ્સ,અને શોભા ડે જેવી સ્ત્રી લેખિકાઓએ છુટ્ટી કરી દીધી છે.

આટલું બધું જોતા સામાન્ય રીતે એમ જ લાગે કે હવે મહિલાઓ સુરક્ષિત છે પોતાના પગ ઉપર ઉભી રહેલી સ્વતંત્ર બની છે... પણ નાં ! સાવ એવું નથી હોતું જે દેખાય છે.આવો આઘુનિક સમાજ આપણી વચ્ચે જુજ છે.આજની નારી કહેવાય છે વુમન પાવર,પણ હકીકતમાં આજે પણ પુરુષ સમાજથી દબાએલી કચડાએલ છે.કારણકે આજે પણ અમેરિકન હોય કે ભારતિય સમાજ હોય એ સમાજનાં મુળ પર આજે પણ પૈતૃક સમાજની પકડ જોવા મળે છે.

ભારત જેવા દેશોમાં તેમાય ખાસ જ્યાં પુરુષ પ્રઘાન સમાજ અસ્તિત્વમાં હોય તેવા સ્થળોએ ઘરેલું હિંસા થવી સામાન્ય વાત બની ગઈ છે.વિશ્વમાં દરેક જગ્યાએ સ્ત્રીઓ પર થતા પુરુષોના અત્યાચારોમાં જ્યારે અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર અને ઘરેલું હિંસાની વાતો સાંભળવામાં આવે ત્યારે સમજાય છે કે આજની નારી હજુ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પગભર નથી બની.

સમાજ વિકસી રહ્યો છે, પણ જે વર્ષો પુરાણી બદીઓ અને વિચારસરણીઓ માંથી હજુ સંપૂર્ણ રીતે મુક્ત નથી બન્યો.એ માટે શિક્ષણ સહુથી મોટી જરૂરીયાત છે.

જુના પુરાણા વિચારો ઘરાવતો સમાજ હજુ પણ માને છે કે સ્ત્રી પુરુષની દાસી માત્ર છે.જ્યાં પત્નીને ઘરસંસાર સંભાળવા સિવાય બાકીના કોઈ હક આપવામાં આવતા નથી.તેઓનું માનવું હોય છે કે ઘર સાચવવા રસોઈ શીખવાની જરૂર છે નહી કે વધારે ભણતરની…આજે પણ અમુક સમાજમા એવી માન્યતા પ્રર્વતે છે વધુ ભણેલી છોકરી અને ભણતર દ્રારા મેળવેલી કેળવણી એનું માનસ બગાડે છે અને એના વિચારોને સ્વછંદતા આપે છે..ભણતર થી સ્ત્રીઓમાં સ્વતંત્રતાનો જુસ્સો આવે છે.જેના કારણે સ્ત્રી મુક્ત અને કુકર્મો કરનારી બને છે.. આવા જડ વિચારોને તિલાંજલી આપવાની તાકીદે જરૂર છે. કારણ એક ભણેલી સ્ત્રી આખા વંશવેલાને સુધારી શકે તેમ છે.

આ સુધારેલો કહેવાતો સમાજ એક પત્નીને ઘરમાં રસોડાની રાણી અને અને સમાજમાં તેના બાળકોની માતા તરીકે ઓળખ આપીને ખુશ રહે છે અને એમ માણે છે કે સ્ત્રીઓનો ઉઘ્ઘાર કરી નાખ્યો …

હક્કીતમા સ્ત્રીઓનો ઉધ્ધાર જ કરવો હોય તો દરેક દીકરીને સાચી કેળવણી આપો..એને જ્યાં સુધી ભણવુ હોય એટલી સ્વતંત્રતા આપો…

ભણેલી ગણેલી દીકરી તેના બાળપણથી લઇ યુવાની સુધીના સફરમાં કોઈ પણ ખરાબ પગલું ભરતા પહેલા દસ વખત વિચાર કરશે અને એ જ દીકરી એના સાસરિયામાં પણ તેની બુધ્ધીમત્તાને અને સંસ્કારને કારણે માં બાપનું નામ ઊંચું રાખશે.

એક માતા સો શિક્ષકો ની ગરજ સારે છે..અને એક શિક્ષિત માતા હોય તો એક પ્રાધ્યાપકથી લઇને એક સાચા કેળવણીકારની ગરજ સારે છે. જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ઘરાવતી હશે તો તમારા બાળકોને તેમના જીવનપથ ઉપર આગળ વધવા મદદરૂપ બનશે.

પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ ચિંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શીની સાબિત થઇ શકશે.. પુરુષની કટોકટીનાં સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને કઈક અંશે ઓછો કરી શકશે!!!!

ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચ્તાને લઈને ખરાબ માર્ગ ઉપર જતા પહેલા સારા નરશા પાસાઓ ઉપર એક વાર જરૂર વિચાર કરશે..તે પોતાનો સ્ત્રી ધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી છોકરાંને કેળવણી આપી શકે છે.

અક્ષર જ્ઞાન સ્ત્રી માટે જરૂરી છે તેના કરતા વધુ જરૂરી સમાજના ઉધ્ધાર માટે છે. આજની સ્ત્રીને કોઈના ટેકાની જરૂર નથી માત્ર તેને પ્રેમ અને માં આપો થોકોદ વિસ્વાસ તેની પ્રગતિના માર્ગને મોકળો કરી દેશે.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ) (૨૫૨૨ શબ્દો )