જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

મોજ – ૨૦ : સ્કૂલ ટુર – મીઠું ગુલકંદ

છેલ્લે એ મોજ કરી કે,

( ક્રિષ્ના સાથે બાયોલોજીના ક્લાસમાં સ્થાન મળ્યું – તેની વાત સાંભળીને કૉલ માટે સમજાવી – ધારા નામની ન્યૂ એડમિશન છોકરીનું રિસેસમાં આવવું – બંને વચ્ચે ઝઘડો થવો – ઝઘડાના મૂળમાં મારું નામ આવવું – વાતચીત દરમિયાન પરિસ્થતિ સોલ્વ થવી – સ્કૂલ ટુરની જાહેરાત થવી – ક્રિષ્નાના ઘરેથી ટુર માટે જવાની પરમિશન ન મળવી – મારું સ્કૂલના એક શિક્ષક બનીને તેના પપ્પાને કૉલ કરવો – તેઓની પરમિશન મળવી )

બીજે દિવસે ક્રિષ્નાએ રજીસ્ટ્રેશન કરાવી દીધું. કન્ફર્મ થઇ ગયા પછી તે બહુ ખુશ હતી. સાથે-સાથે તેની બધી ફ્રેન્ડ્સ પણ આનંદમાં હતી. રિસેસમાં તેઓ વાતો કરી રહ્યા હતા કે, કેવી રીતે પપ્પા માન્યા ?

ક્રિષ્ના એ કહ્યું કે, પપ્પા પર સ્કૂલમાંથી કોઈ સરનો કૉલ આવેલો. આપણે વાત કરી હતી તેમને એટલે કદાચ તેમણે કૉલ કર્યો હોવો જોઈએ તેવી અટકળ ચાલી. તેમની પાસે જઈને મેં ક્રિષ્નાને ‘બોન્ટી’ ચોકલેટ આપી. લગભગ, અઠવાડિયે બે-ત્રણ વખત ‘બોન્ટી’ અથવા ‘સફારી’ આપતો.

નજીક જઈને ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સને કહ્યું, “સરને થેંક યુ તો કહી આવો. આફ્ટર ઓલ, તેમણે ટુર કન્ફર્મેશનની પરમિશન અપાવવા માટે મદદ કરી છે. ઘરે ફોન કરીને પપ્પાને વાત કરી તેને લીધે જ ક્રિષ્ના ટુરમાં આવી શકશે.”

તેઓ કનુભાઈ સર પાસે ગયા. થેંક યુ કહીને આવ્યા તો ખરા, છતાં કોઈ મિસ્ટ્રી હોય તેવા તેમના ચહેરા હતા. તેઓને કોઈ વાત સમજાઈ ન હોય તેવું લાગ્યું.

“શું થયું ? સરને વાત કરી દીધી ?”

“હા, કરી. પરંતુ, તેમણે કૉલ નથી કર્યો એવું તેઓ કહે છે.” હું મનમાં હસ્યો. કારણ કે, હજુ સુધી કોઈને ખબર નહોતી પડી કે મેં એ કૉલ કર્યો હતો. તેથી મેં વાતને પૂરી કરી અને કહ્યું, “બીજા કોઈક સર દ્વારા થયો હશે, કૉલ ! મેઈન વાત એ છે કે, પરમિશન અને કન્ફર્મેશન બંને થઇ ગયા છે.”

“હા, એ વાત સાચી છે. મેઈન ટેન્શન એ જ હતું કે ક્રિષ્ના ટુરમાં આવશે કે નહિ ?”

“હવે ટુરની તૈયારી કરો. મોજ-મસ્તીનું ‘ટુ ડુ’ લિસ્ટ બનાવો.”

એ પછીનું અઠવાડિયું એકદમ મસ્તીમાં જ ગયું. કોઈ ધ્યાનથી ભણ્યું નહિ અને માત્ર ટુરની જ વાતો ચાલી. કોની સાથે કોનું ચાલે છે ? ક્યા-ક્યા લવ બર્ડઝ આવવાના છે ? કોણ નથી આવી શકવાનું ? જેઓ સિંગલ હતા તેમની પાસે વાતોના મુદ્દાઓ તરીકે ‘લવરિયા’ પબ્લિક હતી. અને જેઓ, જોડકાંમાં હતા તેઓ ત્યાં સ્પેસ શોધીને કઈ-કઈ મસ્તી કરવા માંગે છે તે વિચારી રહ્યા હતા.

અંતે, એ દિવસ આવી પહોંચ્યો. સવારે અમે બધા સવારે ચારેક વાગ્યે સ્કૂલના ગેટ પાસે મળ્યા. પહોંચી ગયા પછી સ્કૂલ બસ ઉપડે એ સમય બહુ મહત્વનો હોય છે. તે સમયમાં કોણ-કોણ બાકી છે તે ચેક-લિસ્ટ બને. જેને પહોંચવામાં લેટ થયું હોય તેમના ઘરે ફોન થાય. અંતે, મહત્વની વાત – જેમાં કોણ કઈ બસમાં બેસશે ? તે નક્કી થાય. ગર્લ્સ હંમેશા ઓછી હોય. તેનું કારણ ઘરેથી ન મળનારી પરમિશન જ હોય છે. તેથી અમુક બોય્ઝને ગર્લ્સની બસમાં બેસવાનો ચાન્સ મળે જ ! આ ચાન્સ મને બાલમંદિરના એક-દિવસીય પ્રવાસથી માંડીને આજ સુધી મળ્યો હતો. પરંતુ, ત્યારે બાળક હતા તેથી ફર્ક-ફેક્ટર ઇફેક્ટિવ નહોતું. આ વખતે TVમાં જોયેલી સ્કૂલ ટુરની અસલી મસ્તી કરવાની ઈચ્છા હતી. તેથી આ વખતે ગર્લ્સ બસમાં બેસવાનો ચાન્સ મળે તે મહત્વનું હતું. ઉપરાંત, આ સ્કૂલ ટુર જીવનની છેલ્લી ટુર હતી. કારણ કે, તે પછી કોઈ સ્કૂલ ટુર શક્ય નહોતી.

કનુભાઈ ચેક-લિસ્ટ લઈને આવ્યા. તેઓ નામ બોલવા લાગ્યા. બધી ગર્લ્સ એક બસમાં બેસી ગઈ. ત્યારબાદ બીજી બસમાં બેસવા માટે બોય્ઝના નામ લેવાતા ગયા. હું પ્રાર્થના કરતો હતો કે તે બસમાં નંબર ન આવવો જોઈએ. અને, હંમેશની જેમ ‘હિરો કિ માફિક’ ફરીથી ગર્લ્સ બસમાં એન્ટ્રી લીધી. મને જોઇને બધી ગર્લ્સ ક્રિષ્ના તરફ જોઇને તેને ચીડવવા લાગી. સીટ નજીક-નજીક જ હતી. પરંતુ, જેવી બસ લાઈટ ઓફ થઇ એટલે અમે જગ્યા ફેરવી લીધી. ગર્લ્સમાં લાસ્ટ સીટ પર ક્રિષ્ના અને શ્રુતિ બેઠા. હું તેની પાછળની સીટમાં હતો. અમે બંને આગળ-પાછળની વિન્ડો સીટ પર બેઠા હતાં. વિન્ડો બંધ કરતી વખતે અમારા બંનેના હાથ એકબીજાને સ્પર્શ્યા. એક વર્ષ પછી પહેલી જ વાર શરીરનું કોઈ અંગનો સ્પર્શ થયો હતો. તિખારાની જેમ સીધો હાર્ટ-એટેક આવ્યો. વિન્ડો કર્ટેઇન્સની પાછળ હાથ હતો. ટચલી આંગળીનું ટેરવું તેના હાથને સ્પર્શ્યું.

છેલ્લી આંગળીને ક્રોસ કરીને હું આગળની સીટ પર માથું રાખીને સૂતો. લગભગ સવાર પડી ગઈ. એ આંગળી હજુ એ જ સ્થિતિમાં હતી. એ ગાંઠ છૂટી નહિ. સવારે સીધા અમે ફ્રેશ થઈને ગાંધીનગર અક્ષરધામ મંદિર પહોંચ્યા. એ સવારે પણ એક્દમાં ફ્રેશ લાગતી હતી. પહેલી જ વખત આટલી નજીકથી જોઈ. વ્હાઈટ હેર-બેન્ડ, લોંગ ટોપ, સ્કિની લેગિન્સ, શૂ વિથ ફ્લાવર એસેન્ટ, ક્રોસ બેલ્ટ ઓન વેઇસ્ટ, બ્લેક ફૂલ રિમ સ્પેક્સ અને મેં ગિફ્ટ આપેલી વોચ. અક્ષરધામ મંદિરની પ્રદર્શની જોવામાં અમે આગળ-પાછળ જ હતા. અમારી બંને પાસે ફોન નહોતો. પરંતુ, મારી પાસે રિલાયન્સના બે કાર્ડ હતા. મિત્ર મનોજ પાસે મોટોરોલાનો સ્લાઈડર ફોન હતો. રાત્રિ-રોકાણ વખતે તેમાંથી ફોન પર ફૂલ નાઈટ વાતો કરીશું તેવું નક્કી કર્યું હતું. પ્રશ્ન એ હતો કે, મોબાઈલનું સિમ-કાર્ડ કઈ કઈ રીતે આપવું તે હું વિચારી રહ્યો હતો. કારણ કે, આજુબાજુ ઘણા બધા લોકો હતા. છેવટે, એક પ્રદર્શનીમાં મેં પર્સ કાઢ્યું. તેમાંથી એક કાર્ડ કાઢીને નીચે ફેંક્યું. તેને ત્યાંથી ઉઠાવી લેવાનો ઈશારો કર્યો. તેણે જાતે કરીને પોતાનું પર્સ નીચે પાડ્યું અને સાથે-સાથે એ સિમ-કાર્ડ પણ કલેક્ટ કર્યું.

મંદિરમાં બીજી પ્રદર્શનીમાં ઘોર અંધકાર આવ્યો. ત્યાં નીલકંઠવર્ણી જંગલમાં હોય તેવો સેટ બનાવ્યો હતો. ત્યાં મેં તેનો હાથ પકડ્યો. અંધકારમાં એ હાથનો સ્પર્શ કંઇક જાદુની છડી ફેરવતો હતો. બંને હાથની આંગળીઓ બિડાયેલી હથેળીને બંધ કરતી હતી. હાથ પકડીને જ આગળ વધ્યા. બહાર નીકળ્યા ત્યારે તેની અમુક ફ્રેન્ડ્સ અમને બંનેને જોઈ ગઈ. કારણ કે, તેઓ આગળ નીકળી ગઈ અને અમે બંને પાછળ હતા. તેથી તેઓ અમારા હાથની ગાંઠને જોઈ હસ્યા. તે શરમાઈને ફરી તેમની ફ્રેન્ડ્સ જોડે ચાલી ગઈ. મંદિરની પ્રદર્શની જોઇને ફરી બધા બસ પાસે આવ્યા. બપોરે જમીને ફરી અમે બસમાં બેઠા. મહુડી તરફ બસ દોડી નીકળી.

મહુડી મંદિર સુખડી માટે પ્રખ્યાત છે. સ્કૂલ ટુરમાં એમ પણ વધુ મજા એડવેન્ચરમાં જ આવે. મંદિરે કંટાળો જ આવતો હોય છે. પરંતુ, અહી સુખડીની મજા હતી. પેટ ભરીને સુખડી ખાધી. ત્યાંથી અમે ત્યાની કોઈ ધર્મશાળામાં ગયા. ટુરના બ્રોશરમાં હોટેલમાં સ્ટે કરવાનું લખેલું હતું. તેથી ‘ટુર મેનેજર’ બનેલ દરેક શિક્ષકને બહુ ગાળ પડી. ઉપરાંત, એ કડકડતી ઠંડીમાં ગરમ પાણીની વ્યવસ્થા નહોતી. છતાં, એ એડવેન્ચર મજાનું હતું. દરેકને રૂમની વહેંચણી થઇ. રૂમની વહેંચણી થતાની સાથે જ અમુક થાકીને સુઈ ગયા. બાકીના લોકો માટે ધર્મશાળાના મોટા મેદાનમાં ગરબાનો પ્રોગ્રામ ગોઠવાયો. લાઉડસ્પીકરના તાલે બધા નાચ્યા. ક્રિષ્ના અને તેના ફ્રેન્ડ્સ પણ દોઢિયા અને ગરબા કરવા માટે જોડાયા. વચ્ચે તાપણું કરેલું હતું. તેની આસપાસ બધા ગરબા લઇ રહ્યા હતા. તે સમયે અંધારામાં દૂર એકલા બેસીને ક્રિષ્નાને ગરબા લેટી જોવાનો આસ્વાદ માણ્યો. એ તાપણાની આગના પ્રકાશની આડે ક્રિષ્ના આવતી ત્યારે બ્લેક & વ્હાઈટ લેન્ડસ્કેપમાં તેને ફ્રેમ પર સેકન્ડમાં પોઝ કરીને જોવાની મજા જ અલગ હતી. ઝૂમતા પગના ખુલ્લા તળિયા જયારે જમીન પરની ઠંડી ધૂળને સ્પર્શતા ત્યારે અંધકારમાં પણ એ ધૂળ આહલાદક લાગતી હતી. થોડીવાર રહીને તે હાંફતી-હાંફતી મારી નજીક આવી. હું એકલો બેઠો હતો. એક દીવાલને ટેકે તે પણ બાજુમાં આવીને બેઠી. ફરી હાથની ગાંઠ વળી. તે સમયે મેં એક રાઝ ખોલ્યો.

મેં કહ્યું, “મજા આવી, ક્રિષ્ના ?”

“મજા જ આવે ને, તું સાથે છે એટલે !”

“જો તું ન આવી શકી હોતે તો ?”

“પણ આવી ગઈ ને, જોયું !”

“અચ્છા. પછી ખબર પડી કે સ્કૂલમાંથી પપ્પાને કૉલ કોણે કર્યો હતો ?”

“ના. કેમ ?” ત્યાં જ હું ગાલમાં હસ્યો. તે પણ આશ્ચર્યચકિત થઇ. તે પણ હસી. કન્ફર્મ કરવા માટે તે બોલી, “તે જ કરેલો એ કૉલ ?”

“ના, રે ! હું શા માટે કરું ? તું ન આવે તો ચાલે. મારે અહી બીજી કોઈ છોકરીને લાઈન આપવા થતે ને !”

“એમ હું શાની તને એકલો મૂકું ? અને હા, થેંક યુ. કૉલ કરવા બદલ !”

‘થેંક યુ’નો લય હવા સાથે ફરી-ફરી સંભળાઈ રહ્યો હતો. ગરબાનો કાર્યક્રમ પૂરો થયો. લગભગ રાત્રિના અગિયાર થયા હશે. ધર્મશાળા બહુ મોટી હતી. તેમાં એક મંદિર હતું. વાત થયા મુજબ તેણે મનોજના ફોનમાં કૉલ કર્યો. મનોજનો ફોન લઈને હું એ મંદિરની બેંચ પાસે બેઠો. તે સમયે લગભગ રાત્રિના દોઢ થયા હશે. આ મંદિર રહેઠાણથી થોડું દૂર હતું. બલ્બની મંદ-મંદ પીળી રોશની બેંચ પર પડી રહી હતી. હું ફોન લઈને ત્યાં બેઠો. ક્રિષ્નાને કૉલ કર્યો. લગભગ એકાદ કલાક વાત થઇ હશે, ત્યારબાદ ફોન ડિસ્ચાર્જ થવા આવ્યો. તેથી રૂમની બહાર આવવા કહ્યું. થોડી આનાકાની પછી છુપાઈને તે રૂમની બહાર આવી. ફટાફટ દોડીને હું જે મંદિર પાસે બેઠો હતો ત્યાં આવી. કડકડતી ઠંડીમાં રાત્રિના ત્રણેક વાગ્યા હશે. એ બલ્બ પણ ધીરે-ધીરે બંધ થયો. અમારી વાતોમાં ભવિષ્ય ઘડાતું હતું. સપનાઓ જોવાયા. ઘણી ઇચ્છાઓને, લાગણીઓને ભાવનું સ્વરૂપ આપીને આગળ વધવાની ઈચ્છા હતી. કોઈ શારિરિક આકર્ષણને પ્રાધાન્ય આપ્યા વિના જ માત્ર સ્વરસેતુ ! જીવનના સૌથી સારા એ બે કલાક હતા. જીવનની બધી જ અવસ્થામાં કઈ રીતે વર્તીશું તે વાતો કરી. જીવનની શરૂઆતથી તેના અંત સુધીનો ડાયાગ્રામ વિશ્વાસની બ્લુ-પ્રિન્ટ પર ઘડાયો. હા, એકદમ ઈનોસેન્ટ વાતો હતી. તેમાં કોઈ તથ્ય નહોતું. કોઈ ઠોસ કે નક્કર મુદ્દો નહોતો. બાળવાર્તા જ હતી, જે ધરતી પર અવતરી હતી. કોઈ મેચ્યોર વાત નહોતી. જીવનમાં તકલીફો વિષે કોઈ ચર્ચા જ નહોતી. જે શ્વાસ ચાલતો હતો, તે જ માત્ર પોતાનો હતો. બાકી, સમગ્ર ડોર માતા-પિતા અને સમાજના હાથમાં હતી. શું થશે ? એ વિષે કોઈ વાત જ નહોતી. આવતીકાલે ઉઠીને શું થવાનું છે એ ચર્ચા કરતી વખતે જો રસ્તામાં આવનારી કઠિનાઈઓ વિષે અંદાજ ન હોય તે સોદો હંમેશા ફોક જ થાય. છતાં, એ એન્જોયમેન્ટ હતું. તે સામે દરેક પળ જીવાતી હતી. તે એક જીવતી વાર્તા હતી. જેમાં એક પાત્ર બનીને રહેવું એ ગમતું હતું. અંતે, ખાધું, પીધું ‘ને રાજ કર્યું જ હોય છે – તે ખ્યાલ હતો.

છેવટે, ભેટીને એક ભેટ આપતી ગઈ. લગભગ સવારના સાડા ચાર થઇ ચૂક્યા હતા. છતાં, સમય થંભી ગયો હોય તેવી અનુભૂતિ થતી હતી. તે વીતેલી ક્ષણો હજુ વધુ ને વધુ માણવી હતી. ઘણી બધી વાતો હતી. છતાં, અમે પોતપોતાની રૂમમાં ગયા. ઊંઘ આવી નહિ. સવાર પડવાની રાહ જોઈ રહ્યો હતો. રજાઈ ઓઢીને હું રૂમના આગળના ઓટલે પિલરના ટેકે બેઠો હતો. એક સ્વપ્ન હોય તેવું લાગી રહ્યું હતું. સવાર પડતાની સાથે જ હું ફટાફટ તૈયાર થઇ ગયો. બીજે દિવસે પહેરવા માટે વધુ સારા કપડાં રાખ્યા હતા.

પ્રિન્ટેડ ટી-શર્ટનો તે સમયે જમાનો હતો. ઉપરાંત, ક્રિઝ પડેલ ચોળાઈ ગયેલ ટી-શર્ટ્સ હજુ નવા-નવા આવ્યા હતા. સાથે પહેલી જ વખત લીધેલું બ્લુ નેરો જીન્સ. બુટકટ પેન્ટ મને હજુ ગમતા હતા. તૈયાર થઈને અમે બધી રૂમમાં દરેકને જગાડવા નીકળ્યા. ગર્લ્સ બોઈલરનું ગરમ પાણી લેવા માટે આવી રહી હતી. ગર્લ્સના સવારે સહેજ સોજાયેલ આંખના પોપચાંમાં ભરેલી ઊંઘ જોવાની મજા આવતી હતી. એ વાતાવરણ જ એટલું મજાનું હોય કે બીજી કોઈ તકલીફવાળી વાત જ યાદ ન આવે. ફરી બીજા દિવસે બધા તૈયાર થઈને બસ પાસે પહોંચ્યા.

બીજે દિવસે સવારે અંતાક્ષરી શરુ થઇ. ક્રિષ્ના પોતાની સીટ પરથી ઉભી થઈને આગળની સીટ તરફ ગઈ. મારી સામે ચહેરો કરીને સીટના ટેકે ઉભી રહી. દરેક ગર્લ્સ અને બોય્ઝ બસ વચ્ચેની જગ્યામાં ઉભા થઈને ડાન્સ કરવા લાગ્યા. તેમાં હું અને ક્રિષ્ના એકબીજાને જોઈ રહ્યા હતા. કનુભાઈ સરને અમારા બંને વચ્ચે કોઈ ખિચડી રંધાઈ રહી હોય તેવું લાગ્યું. કારણ કે, ગઈકાલના સર અમને બંનેને નોટિસ કરી રહ્યા હતા. હું દર વખતે સરની સામે નજર ઝુકાવી દેતો. એક વખત એવું બન્યું કે, તેઓ સામે આવીને ઉભા રહ્યા. તે સમયે હું ક્રિષ્ના તરફ જોઈ રહ્યો હતો. બાકીના બધા અંતાક્ષરી રમી રહ્યા હતા. અમે એકબીજાને કોઈ ઈશારા કરી રહ્યા હતા. તેણે મારા તરફ જોઇને આંગળીથી ‘મસ્ત’ની મુદ્રા કરી. મેં તેને ફલાયિંગ કિસ આપવા માટે હથેળી આગળ કરી ત્યાં જ તેઓ જોઈ ગયા. પરંતુ, તે સમયે તેઓ હસ્યાં. ‘નો પ્રોબ્લેમ’ની સાઈન આપીને તેઓ હટી ગયા.

સીધા અમે સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક બસ ઉભી રહી. ગર્લ્સને ફૂલ કોસ્ચ્યુમ આપવામાં આવ્યું. અમને માત્ર નિકર કોસ્ચ્યુમ તરીકે મળ્યું. મજાની વાત ત્યારે હતી જયારે અમે ‘ડાન્સિંગ શાવર’માં સાથે થઇ ગયા. એકદમ અંધારી ઓરડીમાં કલરફૂલ લાઈટ્સ અને DJ મ્યુઝિક સાથે ડાન્સ થઇ રહ્યો હતો. આજુબાજુના લોકો ન જોઈ શકે તેટલું અંધાર હતું. તેમાં ફર્સ્ટ રેઇન ડાન્સ કર્યો. બહાર નીકળીને જાણે કઈ જ ન બન્યું હોય તેવી રીતે છૂટા પડ્યા. તે સમયે સૌથી વધુ ગુસ્સો શાંતિલાલ ‘સજીવ’ સર પર આવ્યો. તેઓ ગર્લ્સની ટીમમાં પહેલેથી રહેતા. બાયોલોજીના સ્ટુડન્ટ્સ મોસ્ટલી ગર્લ્સ)ને વોટર-રાઇડ્સમાં બેસાડીને વચ્ચે પોતે બેસતા. બધા જ બોય્ઝની એ સમયે બળી જતી. કારણ કે, આવી સિચ્યુએશનમાં તેઓ પોતાને ઈમેજીન કરી રહ્યા હોય. સ્કૂલમાં સથે હોય તેના પર પોતાનો વર્ચ્યુઅલ હક હોય જ, તેવું વિચારતા મિત્રો આવું કંઇક જુએ એટલે ધૂંધવાઈને ગાળો જ આપે. ત્યારબાદ, બરફ બનાવીને એકબીજાને મારવાની મજા લીધી. નિકરમાં ગર્લ્સ સામેથી પસાર થવું શરૂઆતમાં થોડું શરમજનક લાગ્યું. પરંતુ, ત્યારબાદ શરમ છોડીને બેફિકરાઈથી રાઈડિંગ શરુ થઇ. રાઇડ્સમાં ગર્લ્સની પાછળ જ તરત બેસીને પાણીમાં તેના પર પડવાની ઘણી ઘટનાઓ બની અને આનંદ વહેંચાઇ પણ ગયો. કોઈએ ગાળ પણ ખાધી અને કોઈને મજા પણ મળી. અંતે, સૂર્ય આથમવા લાગ્યો.

ત્યાંથી બસ સાયન્સ સિટી પહોંચી. ૩D મુવી જોવા માટે હું અને ક્રિષ્ના સાથે બેઠા હતા. પહેલા તો કોઈ જોઈ જશે તેનો ડર લાગ્યો. છતાં, હિંમત કરીને ક્રિષ્નાની બાજુની સીટમાં બેઠો. પાછળથી સ્કૂલનો મસ્તીનો બાદશાહ નિકુંજ બોલ્યો, “બસ, માપમાં કંદર્પ !” આવું કહીને તેણે હ્યુમરસ એટ્મોસ્ફિઅર ક્રિએટ કર્યું. જો કે, અમે બંને વ્યવસ્થિત મુદ્રામાં જ બેઠા હતા. માત્ર હાથ વીંટળાયો હતો, મારા હાથ સાથે ! હવે મસ્તી-મજા પૂરી થવા આવી હતી. બે દિવસ અને રાતની ઊંઘ એકસાથે એકઠી થઇ હતી. તેથી બસમાં ફરી બેસતાની સાથે જ બધા ઊંઘી ગયા. સીધું સવાર પડ્યું. બસ સુરતમાં પહોંચી ગઈ હતી. સોસાયટી પાસે બસ ઉભી રહી. ક્રિષ્નાના ચહેરાને જોઈ તેના માથા પર હાથ મૂકીને હું નીચે ઉતર્યો. બસની બહારથી તેને ‘બાય’ કર્યું. આ ટુર સ્કૂલ લાઈફની સૌથી વધુ મજેદાર ટ્રીપ રહી. જે છેલ્લી હતી, પણ જીવનભર યાદ રહે તેવી હતી.

(ક્રમશ :)

*****

Contact: +919687515557

E-mail: