અંકઃ ૧૬. ઓગસ્ટ ૨૦૧૬.
હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક..
“આવો માણીએ યુવાનીનાં રવને”
અનુક્રમણીકા
૧). યોગસુયોગ – આરતિ માંડલિયા
૨). લો પંડિત – શ્ર્લોકા પંડિત
૩). વાંચે સખીરી – જાહ્નવી અંતાણી
૪). સૂક્ષમ વાત – મીનાક્ષી વખારીયા
૫). નાની નિનિ – કુંજલ છાયા
યોગ સુયોગઃ આરતી માંડલિયા
aartiman97@gmail.com
સદા યુવાન રહોઃ
હેલ્લો ડિયર પાવર પફ ગર્લ્સ!
હા બરાબર વાચ્યું ગર્લ્સ, લેડીસ આર ઓલ્વેઝ પાવરફુલ!
નાજુક શરીર અને મક્કમ મનોબળ, ગમે તેવી પરિસ્થિતિ ને સમજણપૂર્વક પહોચી
વળવાની ક્ષમતા અને એક સાથે અનેક મોરચે લડવાની કુશળતા! કુદરતની આ સુંદર
રચના ને સાચવવાની જવાબદારી પણ ખુદ ને જ નિભાવવાની છે.
ઘર, પતિ, બાળકો અને જો બહાર કામ કરતા હોય તો એ જવાબદારી. આ બધું જ કરતા જો તમે થાકી જતા હોય,કંટાળી જતા હોય, કે એમ થતું હોય કે મને તો ક્યાય શાંતિ જ નથી! તો તમે
ખુદની ભયંકર અવગણના કરી રહ્યા છો! શું તમે જાણો છો આપણી પાસે એક
અદ્ભુત ટેલેન્ટ છે?
તમને સવાલ થશે એવું કેવું અદ્ભુત જેનાથી આપણે બેખબર છીએ અને એનો નહીવત
ઉપયોગ કરીએ છીએ? તો એનો જવાબ છે "ટાઇમ મેનેજમેન્ટ"!
જી હા, સખીઓ રીસર્ચ અને શાસ્ત્રો યાની કી પ્રાચીન ગ્રંથો અને અર્વાચીન
વિજ્ઞાન બધા આ સાથે સહેમત છે. સ્ટડી કહે છે કે સ્ત્રીઓનું મગજ એ રીતે ડીઝાઇન થયેલું હોય છે કે એ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ સામાજિક વહેવારો તેમજ, સંબંધો ને સાચવી; સંભાળી શકવા સમર્થ હોય છે! એટલા માટે કે એની રચના માં ડાબી અને જમણી બંને તરફનું કનેક્શન સ્ટ્રોંગ હોય છે જે એને ચહેરાઓ, નામ અને લોકો ના વાણી વર્તન ને વધુ સારી રીતે સમજી અને યાદ રાખી શકે છે.
તો આ અદ્ભુત ટેલેન્ટ છે જેનો આપણે સાચી રીતે ઉપયોગ કરવાનો છે. ખુદના
ભલા માટે કેમ કે જ્યાં સુધી ખુદ નીરોગી અને ફીટ નહિ હોઈએ ત્યાં સુધી બીજાને ખુશ કેવી રીતે રાખી શકીશું બરાબર ને? તો ટાઇમ નથી કે,જવાબદારી વધારે છે કે, થાકી જવાય છે એવા દરેક બહાનાને
ફગાવી દો અને થઇ જાવ તૈયાર તમારા નવા રૂપને આવકારવા.
રોજની ફક્ત ૪૦ થી ૪૫ મિનીટ ખુદ માટે ફાળવો અને જુઓ પછી બમણી તાકાતથી
અને સ્ફુર્તીથી બધું કરી શકશો!
જી હા, આ ચમત્કાર શક્ય છે બસ થોડું ફીટનેસ પર ધ્યાન આપવાનું છે, ફક્ત બાહ્ય શરીરની જ નહિ પણ આંતરિક શરીરની પણ. કેમ કે જો મન શાંત અને મગજ ઠંડું હશે તો મોટાભાગની તકલીફ: તકલીફ જેવી લાગશે જ નહિ! તો આવો આપણે આજે એક સંકલ્પ લઈએ રોજ યોગ અને કસરત કરવાનો અને તન મન ફીટ એન્ડ ફાઈન બનાવવાનો.
આજે આપને નૌકસન શીખીશું જે ઘણી રીતે ફાયદાકારક છે.
૧. તાણ, થાક, કંટાળો દુર કરે
૨. પેટ, કમર અને સાથળ પરની ચરબી દુર કરે.
૩. મગજ તરફ બ્લડ સરક્યુંલેશન નિયમિત કરે
૪. ખભા, હાથ, પગ, પીઠ અને ગરદનના સ્નાયુઓ મજબુત કરે.
આસનની રીતઃ
એક મેટ પર ચતા સુઈ જાઓ અને આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લ્યો. પછી બંને પગને એકસાથે ૪૫ ડીગ્રી એન્ગલમાં ઊંચા કરો અને ઘૂંટણ સીધા રાખો. હવે ધીમે રહીને બંને હાથ ને સીધા કરી ને ઊંચા કરો અને હાથ ને ઘુટણ તરફ લઇ જઈ પીઠ અને ગરદન પણ ઊંચી કરો.
એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જયારે હાથ ઉપર તરફ ખેંચો ત્યારે ખભાથી ઉપર ઊઠવાનું છે ગરદનને સીધી જ રાખવાની છે. આમ આ પોઝીશનમાં ૫થી ૭ શ્વાસ લઇ રિલેક્ષ થવું અને ૧૦ સેકંડના વિરામ પછી રીપીટ કરવું. આવા ૪ રીપીટેશન કરવા અને આસન દરમિયાન પેટના સ્નાયુઓ થોડા અંદર ખેંચેલા રાખવા. સવારે કે સાંજે ખાલી પેટે અથવા જમ્યાના ૩ કલાક પછી કરવું હિતાવહ છે. હા તો આજે આપણે નૌકાસન એટલે કે બોટ પોઝ શીખ્યા, આવી રીતે આગળ બીજા આસનો પણ શીખીશું. તો ચાલો, શુભ શરૂઆત કરીએ ‘સ્વ’ના ઉત્સવની.
ટોપટીપઃ આખા દિવસ દરમિયાન ૪ લીટર જેટલું પાણી પીવા થી ૨-૩ મહિનામાં વજનમાં ઘટાડો નોંધાશે!
લો પંડિતઃ શ્ર્લોકા પંડિત
shlokapandit@gmail.com
યુવાનોમાં પ્રવર્તતો સાઈબર ક્રાઈમઃ
આશ્કાએ કાલ જ તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો, તેનો જન્મદિન ખુજ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો, તેને કૈક અલગ જ ફિલ થઇ રહ્યુ હતું, પતંગિયા જેવી પાંખો મળે તો હમણા ઉડવા જ લાગે. સ્કુલે પહોંચી તો તેની એક સહેલી એ કહ્યુંકે આશુ હવેતો ફેસબુકમાં અકાઉન્ટ ખોલી દે, તારા મોમ-ડેડએ પણ તને કહેલું ને કે ૧૬માં જન્મદિન પછી તને આ બધી છુટ્ટી મળશે. આશ્કાએ કહ્યુંકે હા ચલો આજે જ શુભ મુહ્રત છે તેના માટે.
તે બંનેએ મળીને ફેસબુકનું અકાઉન્ટ ખોલવાની શરૂઆત કરી, બધી માહિતીઓ ભરાતી ગઈ અને આશ્કાએ સરસ મજાનો પાઉટ વાળો ફોટો અપલોડ કર્યો અને લખ્યું કે “Free Bird. તેને કૈક નવું કર્યાની અનુભૂતિ થતી હતી, મુગ્ધાવસ્થાનો રંગ બરાબર ચડ્યો હતો. ફેસબુક એક આદત જ પડી ગઈ હતી. આખો દિવસ કઈનું કઈ સુજ્યા કરે, લખ્યા કરે, ફોટા અપલોડ કરે અને કોમેન્ટ્સ,લાઈક માટે તરસ્યા કરે. આની સાથે સાથે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પણ ઉમેરાયું હતું, જાણે એક અલગ જ દુનિયામાં રાચવા લાગી હતી આશ્કા. નવીનવી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવ્યા કરે અને તે હોશેહોશે સ્વીકાર્યા કરે, તેને લાગતુંકે જેટલા વધારે ફ્રેન્ડસ હશે તેટલી તે વધારે ફેમસ બનશે. આદી નામના છોકરાની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી અને સાથે સાથે મેસેન્જરમાં શાયરી સાથેનો એક મેસેજ પણ આવ્યો જેમાં આશ્કાના ખોબલે ખોબલે વખાણ કર્યા હતા. આશ્કા અને આદી થોડા જ દિવસોમાં ખુબ સારા મિત્રો બની ગયા. દિવસમાં આઠ દસ વખત એકબીજાને પીંગ ના કરે તો જાણે મજા જ ના આવે.
આદી ક્યારેય એના ફોટા ફેસબુક પર રાખતો નહોતો, એક વાર આશ્કાને આદીએ કહ્યુંકે આશુ મને તું ખુબ જ ગમે છે, આપણે થોડા સમયમાં જ મળીશું પણ તારો એક સરસ પીક મને મોકલ ને, આપણે જ્યાં સુધી ના મળીયે ત્યાં સુધી હું સતત તને જોવા માગું છું, એટલે આશ્કાએ ખુબ જ સુંદર ફોટો આદીને મોકલ્યો. આશકા મનોમન આદીને ચાહવા લાગી હતી, આદી ઘણી વખત તેની સાથે એડલ્ટ ચેટ કરે તે પણ તેને ગમવા લાગ્યું હતું, આદીએ તેનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો અને ઘરની દરેક વ્યક્તિની વિગત પણ મેળવી લીધી હતી અને તેની સાથે વોટ્સએપ માં પણ ચેટ કરતો હતો, તે સી.એ કરે છે તેવું એને કહેલું અને આશ્કાને લાગવા લાગ્યું હતું કે આદીને ભગવાને તેના માટે જ બનાવ્યો છે.
એક વાર વોટ્સએપમાં આદીએ આશ્કાને એક પોર્ન વિડીઓ મોકલ્યો અને નીચે લખ્યું સોરી બાય મિસ્ટેક. અને પછી ઘણી વાર સોરી કહેલું આશ્કાને. બસ ત્યારથી આદીએ દરેક પ્રકારની વાત શરુ કરી દીધી હતી આશ્કા સાથે.
એક વાર આશ્કાને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી આશ્કા નામ થી. જે ફોટામાં ચહેરો આશ્કાનો હતો અને આખું શરીર નગ્ન હોય તેવો ફોટો હતો. આ જોઇને આશ્કાનું માથું ભમવા લાગ્યું, તેને થયું કે તે હમણા જ પડી જશે,આખું શરીર પરસેવે રેબઝેબ, ડરતા ડરતા તેણે એ અકાઉન્ટ ચેક કર્યું તો બીજા અનેક આવા ફોટા હતા અને નીચે અભદ્ર કમેન્ટ્સ લખાયેલી હતી. તેને લાગ્યુંકે તેને મરી જવું જોઈએ.
એકદમ સુનમુન થઇ ગઈ. તેને પહેલો મેસેજ આદીને કર્યો કે આદી કોઈએ આવુ અકાઉન્ટ બનાવ્યું છે હું શું કરું? આદીએ કહ્યું કે હું પણ તને કહેવાનો જ હતો કે મારે પણ આવી રીક્વેસ્ટ આવી છે, અને કહ્યું કે આશ્કા આ બાબતે તું કોઈ ને કહીશ નહિ, નહિ તો બધા તારી મજાક ઉડાવશે. થોડો સમય જવા દે બધું થઇ જશે. આશ્કાને પણ લાગ્યું કે સાચી વાત છે, કઈ બોલવું નથી.
થોડા દિવસ પછી તેના ક્લાસમેટ્સને પણ આ રીક્વેસ્ટ આવવા લાગી અને તેમાંના એકએ આશ્કાને કહ્યું કે કોઈએ તારા ફોટાનો દુરુપયોગ કર્યો છે, અને એ સાંજે તો આશ્કાને કોઈ પોર્નસાઈટ પરથી ખરાબ ખરાબ ફોન આવવા લાગ્યા, તેને લાગ્યું કે હવે મોમ-ડેડને કહેવું જ પડશે. તેણે તેના મોમ-ડેડને બધી વાત કરી, તેઓએ તેને શાંત્વના આપતા કહ્યુંકે તું ચિંતા ના કર આપણે તેને પકડી પાડીશું.એ લોકો વકીલને મળવા ગયા અને બધી માહિતી આપી, તેમણે કહ્યું કે આમાં Information Technology Act, 2000 હેઠળ ફરિયાદ થાય, અને તેના માટે દરેક રાજ્યમાં સાયબર સેલ બનાવવામાં આવ્યા છે અને તેના માટે ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકાય છે. સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાની હોય પછી તેમાં સાયબર સેલના ઓફિસરને ફરિયાદ સોપવામાં આવે અને તે ઈન્વેસ્ટીગેશન કરે, આ કેસમાં ઈન્વેસ્ટીગેશન પ્રમાણે આવું અકાઉન્ટ આદીએ જ બનાવ્યું હતું, તે સાયકો હતો, છોકરીઓને પોતાની વાતમાં ફસાવી અને આવું બધું કરી ને વિકૃત આનંદ મેળવતો હતો. આખાબર પડતા જ આશ્કાને પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવ્યો અને હકીકત સમજાઈ કે તે કેવી રીતે શિકાર બની.
આમ, તરુણાવસ્થા એટલે કે ટીનએજમાં સોશીયલ મીડિયા પર સતત પોતાના લોકેશન શેર ના કરવા, વધારે ફોટા શેર ના કરવા, કોઈને પણ અંગત માહિતીઓ ના આપવી, કોઈ ઉપર આંધળો વિશ્વાસ ના મુકવો અને આવી કોઈ પણ સિચ્યુએશન આવે તો માતા-પિતાએ સપોર્ટ કરવો ખુબ જ જરૂરી છે અને બહાદુરીથી ફરિયાદ કરવી પણ ખુબ જરૂરી છે જેથી બીજા લોકો તેનો ભોગ ન બને.
વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
jahnviantani@gmail.com
પુસ્તક્નું નામ:મનની વાત
લેખક: સુધા મૂર્તિ/ સોનલ મોદી
પ્રકાશક: આર.આર. શેઠની કંપની,અમદાવાદ/મુંબઈ.
સખીઓ, ‘વાંચે સખીરી’માંમારાએકપ્રિય લેખિકાના પુસ્તક પરિચય કરાવવાનું મને ખુબ ગમશે. કદાચ વાંચવાની શોખીન દરેક સખીના એ પ્રેરણામૂર્તિ હશે. મારા તો છે જ, એ છે, સુધા મૂર્તિ. ૧૯૫૦માં જન્મેલા સુધાજીએ એ જમાનામાં કમ્પ્યુટર સાયન્સમાં M.Tech કરેલું.તાતાની કંપનીમાંઈજનેરતરીકે જોડાયા હતા. ત્યારબાદ એમના પતિ નારાયણ મૂર્તિ સાથે ઈન્ફોસીસકંપનીનાચેરપર્સનપણ રહ્યા હતા.એક શિક્ષકની દીકરી તરીકે એમણે આ હોદ્દાની સાથે સાથે શિક્ષિકાની નોકરી પણ સુપેરે નિભાવી હતી.
એમની સાત નવલકથાઓ, ચાર ટેકનીકલ પુસ્તક, અને ત્રણ પ્રવાસ વર્ણનો આપેલા છે. એમના પુસ્તકો સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાંલખેલા હોય છે, પરંતુ એમના મોટા ભાગના પુસ્ત નો અનુવાદ કે ભાવાનુવાદ અમદાવાદના સોનલ મોદી હમેશાં આપતા રહે છે.
ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં આવતી કોલમનું ‘મનની વાત’ તરીકે સંપાદન થયું છે. મૂળ પુસ્તક ‘WISE AND OTHERWISE’- A Salute to life- નો ગુજરાતી ભાવાનુવાદ છે.
‘મનની વાત’માં એમણે પોતાના દેશ વિદેશ, અને શિક્ષક તરીકેના અનુભવોનું આલેખન કર્યું છે. તેમની દરેક પ્રશ્નને એક અલગ જ નજરથીમુલવવાની આવડત અને હોશિયારી એમના લેખમાં ઉડીને આંખે વળગે છે. લેખિકા સુધા મૂર્તિ સંવેદનશીલ હોવાને લીધે ચેરીટી, ચેકથી કરવાને બદલે જાતે જ અંતરિયાળ વિસ્તારમાં ફરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.
એમના પુસ્તકમાં લેખના શીર્ષક પણ કેવા! આંખને ગમે અને હ્રદયને સ્પર્શે એવા. ‘સંસ્કારિતાની ઈજારાશાહી હોય ખરી?’, ‘તે હી ન દિવસો ગતા:’, ‘આ પર્વતો,આ પવન આ વરસાદ કોના છે?’, ‘ખાટલાનં ૨૪’,‘કાયદા હી કાયદા આખિર ક્યા ફાયદા’,‘એક યાદગાર લગ્ન’,‘સંવેદનશીલતાનો માપદંડ શો?’, છે ને સુંદર શીર્ષકો એમના અનુભવો જેવા જ અનોખા.
‘સંસ્કારિતાની ઈજારશાહી...’માં લખે છે, એક વર્તમાનપત્રમાં એક ફોટો જોઇને હોશિયાર અને જરૂરિયાતમંદ વિધાર્થી શૈલેષને કોલેજમાં ભણવા માટે કઈ રીતે મદદરૂપ થયા એની વાત આલેખી છે. સાથે સાથે શૈલેષની સચ્ચાઈ અને ઈમાનદારીને પણ વખાણી છે. કોઈ મદદ કરતું હોય ત્યારે પણ કઈ રીતે ઓછામાં ઓછા ખર્ચે રહેવાની વાત કરીને શૈલેષ જેવી વ્યક્તિઓની આ દુનિયાને ઓળખ કરાવી છે.
બીજા લેખમાં એમણે એક પોતાનો કૌટુંબિક પ્રસંગ બાજુ પર મૂકી અને સાઈટ પર ગયા એ મુકેલો છે. સાઈટ પર બધું જ વ્યવસ્થિત હોવા છતાં, વાતવાતમાં જ એ ભાઈની સચ્ચાઈની પરખ કરી લીધી.એ એમના ઘરે લઇ જાય છે ત્યારે ત્યાંબાળકની પરિસ્થિતિજોઇને લખે છે, ‘આપણે આપણા બાળકોને મહેમાન સામે કેવું પ્રદર્શન કરવાકહીએ છીએ, તું આ કવિતા ગાઈ બતાવ, આ ડાન્સ કરી બતાવ, પરંતુ બાળકોને આવા નાટકોમાં રસ હોતો નથી, અને સામેની વ્યક્તિએ પરાણે વખાણ કરવા પડે એવી પરિસ્થિતિ ઉભી કરીએ છીએ.’આ પ્રસંગ બહુ સરસ રીતે સમજાવ્યો છે. બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ એવી વાત દર્શાવી છે.
એ જ લેખમાં એ ભાઈ પોતે ગોલ્ડ મેળવી ચુકેલા છે એવી ખોટી વાત કહે છે અને સુધાજી એ જ કોલેજમાંએમની સાથે ભણ્યાં હોવાથી એ વાત પકડી પાડે છે.એ ગોલ્ડ મેડલ સુધાજીને મળેલો છે એવી વાત સાંભળતા પણ એ વ્યક્તિના મનમાં જરાય ભોઠપ નથી આવતી. ત્યારેત્યાંસુધાજીકહેછે, ‘ભાઈ દુનિયામાં સચ્ચાઈ, વિશ્વાસજેવી પણ કોઈ ચીજ છે, જે ખરીદી શકાતી નથી.’ બસ લેખિકાની આજ વાત ને કારણે એમના લેખોના પુસ્તકોના પુસ્તકો વાંચકનેવાંચવા મજબુર કરે છે.
એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘પરમાત્માના અસ્તિત્વ વિષેપ્રશ્ન કરીએ છીએ? અમૃતની મધુરપ, માની માણતા વડીલોના વાત્સલ્યના કોઈ પારખાં હોય?’ લેખમાં મુકેલા આવા પ્રશ્નો માનવને વિચારતા કરી મુકે છે.
બીજા એક લેખ, ‘સંવેદનશીલતાનો માપદંડ શો?’ એમાં ઇન્જિનીયર મિત્રના ઘરનાવાસ્તુની વાત લખી છે. ત્યાંબધા મિત્રો સાથે ત્યાં ગયા છે. પરંતુ સુધાજીનીનિરીક્ષણ શક્તિનેદાદ આપવી પડે એવી વાત કહી છે. એમની મિત્ર પૂજામાં બેઠી છે ત્યાં બે સ્ત્રીઓ આવી છે. જે વ્યક્તિને ત્યાં આવી છે એ જ વ્યક્તિની ઈર્ષ્યાભાવે નિંદા કરવાનું ચૂકતી નથી એ વાત અનાયાસે સુધાજી સાંભળી લે છે અને સર્જાયો આ લેખ. જેની ખુશીમાં સહભાગી થવા આવ્યા છીએ ત્યારે એ ખુશી કઈ રીતે મળી એવી વાતોની ચર્ચાઓ કરવા મંડીએ છીએ ત્યારે માનવજાત તરીકે આપણામાં સંવેદનશીલતા કેટલી?? એનો કોઈ માપદંડ ખરો? આવી નાની નાની વાતો પણ માનવના મનને બહુ અસર કરે છે. જાણે આપણા મનની સંવેદનશીલતા જડ તો નથી થઇ ગઈ એવું વિચારવા પ્રેરે છે.
‘મારું જીવન એજ મારો સંદેશ’ એ લેખમાં લખે છે, અમદાવાદમાં સી.જી. રોડ પર એમની બહેનપણી આશા સાથે જઈ રહ્યા હતા અને આશાને કોઈ મળે છે, આશાના ચહેરા પરના ભાવ જોઇને સુધાજીના પૂછવાથી આશા કહે છે, એ મારા ગણિતના શિક્ષક હતા, અને ત્યાં લેખિકા પોતાના ગણિતના શિક્ષકને આદર સાથે યાદ કરે છે અને કહે છે, “આજે હું જાતજાતની સભાઓમાં કોઈ પણ વિષય પર આત્મવિશ્વાસથી બોલી શકું છું તેના પાયામાં વર્ણેકરસાહેબ જેવા શિક્ષકો છે. જીવનના કોઈપણ પ્રશ્નો ઉકલેવા માટેની શક્તિનું સિંચન શાળામાં જ થાય છે.’ છે ને વજનદાર વાત? આટલી પ્રતિભાવાન વ્યક્તિ પોતાની પ્રતિભાનું શ્રેય કોને આપે છે, એના પરથી એમની નમ્રતા પરખાઈ જાય છે.
પુસ્તક વાંચતા જાણે પોતાના હાલતા ચાલતા અનુભવોની અભિવ્યક્તિ લેખિકા લખતા હોય એવું લાગે. આપણે એમની સાથે જે તે પ્રસંગમાં ત્યાં હાજર હોઈએ એવું અનુભવીએ છીએ. જો કે એ શાબાશી માટે સોનલ મોદીજી પણ એટલાં જ હકદાર છે. અનુવાદમાં પણ સુધાજીના શબ્દોનો અહેસાસ આપણા હ્રદય સુધી પહોંચાડે છે.
આશા છે આ આપણા પ્રેરણામૂર્તિ જેવા લેખિકાનું આ પુસ્તક વાંચવાનું તમને જરૂર ગમશે.
સૂક્ષ્મ વાતઃ મીનાક્ષી વખારીયા
vakhariaminaxi4@gmail.com
કેફિયતઃ
રોજ સવારના પહોરમાં સાત વાગ્યે કામ પર આવી જવાવાળી લક્ષ્મી, આમ તો મોડાં આવવાનું કહી ગયેલી, મોડું એટલે રોજ કરતાં બે અઢી કલાક મોડાં આવવાની વાત હતી. દસ વાગતા સુધીમાં એણે આવી જવું જોઈતું હતું, ન આવી એટલે સુમી અકળાઇ ગઈ. આમ તો લક્ષ્મી વચનની પાકકી હતી, કેમ ન આવી તે જ મોટો સવાલ હતો, એ સાજી માંદી હોય તો તેની દીકરી આશલીને મોકલે, એ પોતાનાથી થાય તેટલું કામ કરી જતી.
સુમીતાએ પોતાનાં બંગલામાં જ નોકરોની ઓરડીઓમાંથી એક ઓરડી લક્ષ્મીને રહેવા માટે આપેલી. લક્ષ્મીનાં પરિવારમાં તેનો પતિ કાળુ અને કિશોરાવસ્થાએ પહોંચેલી આંગળિયાત દીકરી આશલી જ હતાં. હા,આશલીનો બાપુ એક્સિડંટમાં મરી ગયો પછી નોધારી થયેલી લક્ષ્મીએ કાળું સાથે ઘરઘરણું કરેલું. કાળું પણ ગરીબીને કારણે પરણવામાં મોડો પડેલો, તો લક્ષ્મી સાથે મેળ પડી ગયો ને ઓરડી અને બૈરીનો જોગ થઈ ગયો. એકંદરે એમનાં વરણમાં હોય તેના કરતાં સંતોષી અને શાંત લોકો ! કાળુ બાજુનાં ગામમાં એક બિલ્ડરને ત્યાં મુકાદમની નોકરીએ હોવાથી રજા હોય ત્યારે જ આવતો.
સુમીતાએ બંગલાની પરસાળમાં ઉભે ઉભે જ આશલીને બૂમ મારી પણ કોઈ જવાબ ન મળ્યો, ‘આ સા.....નોકરોની જાત. સમયની કંઇ કિંમત જ ના સમજે.......બપોર થવા આવ્યા, કોણ જાણે ક્યારે પરવારી રહેશે’......એમ બબડતી સુમી તેની ઓરડીએ પહોંચી ગઈ, અને ત્યાં જ ‘લ.....ક્ષ્મી’ એમ બૂમ પાડી થંભી ગઈ. “લક્ષ્મી, શું થયું ? આટલું બધું લોહી ? કાળુ ક્યાં ગયો ?” લક્ષ્મીને જવાબ આપવાનાં હોંશ ક્યાં હતાં ? એનો રણચંડી જેવો લોહી તરસ્યો ચહેરો, ફાટેલાં ડોળા અને જમીન પર પડેલો લોહીવાળો છરો ને હાથમાં લોહી નિંગળતું‘----જોઈ સુમી ડરી ગઈ. ઓરડીનાં ખૂણે યૌવનનાં દરવાજે દસ્તક દઈ રહેલી, તેની આંગળિયાત આશલી, અસ્તવ્યસ્ત ફાટેલાં કપડા સાથે,રડી રડીને અર્ધી થઈ ગયેલી અવસ્થામાં કોકડું વાળીને બેઠેલી. સુમીને તરત જ પરિસ્થિતિનો તાગ આવી ગયો, શું કરવું શું ન કરવું તેની અસમંજસમાં જ હતી ત્યાં તો લક્ષ્મીએ જ ઓરડીમાંથી જ ચિત્કાર કરતી હોય તેમ સુમીને સંબોધીને કહ્યું, “બુન, કવ સુ, જરાય બીતાં નહીં અબઘડી બોલાવો પોલીશને, મારી ચિંત્યા ન કરતાં, જેલ જાવું પડહે તો જાવા, મેં કયરું સ ઇ ગનો ય માની લેવા..... હું ઝ..રા.....ય પાસી ની પડું. તમ તમારે ફોન કરી અબઘડી બોલાવો પોલીશને !”
સુમીએ ફોન કરતાં જ પોલીસ તેની ફોજ સાથે આવી પહોંચી અને સૌ પોતપોતાની ડ્યુટી પર લાગી ગયાં. સુમીએ બંગલાનાં ગાર્ડનમાં જ ખુરસીઓ મુકાવડાવી અને હંગામી પોલીસ ચોકી ઊભી થઈ ગઈ. લક્ષ્મીએ પોલીસ ઓફિસરને આખો કિસ્સો સંભળાવ્યો તે તેનાં જ શબ્દોમાં...........
“શાયબ, મેં મારા બુન કણે આજે હવારે મોડાં આવવાની રાજા લીધી હુતી, ગામ બા’રની જુગ્ગીમાં મારી મા રે’તી સે. ઇ માંદી હુતી, ઈને દવાયું પોંચાડવાની હુતી તે હું વે’લી હવારની ગયલી. મા ને દવાયું આલી પસી ઈના હાટુ રાંધવામાં રોકાઈ ઈમા જરીક વાર લાગી ગઈ ને આંય કણે તો ગજબ થઈ ગયો ! મારો નરાધમ ધણી મારી આંગળિયાત છોડીની લાજ લૂંટવાના વેંતમાં જ હુતો…..મારું તો માથું ભમી જ્યું, ચ્યાંથી જોશ ચયડું ને મેં ઈનું ભાયડાપણું વાઢી નાયખું, એક જ ઝાટકે હો............ આ જુઓ મારાં હાથમાં જ સે” એક શ્વાસે બોલી રહેલી લક્ષ્મીને અટકાવી ઓફિસરે તેને સવાલ કર્યો, “કાળું અત્યારે ક્યાં છે ?”
ઈવડો ઇ રોતો રોતો ભાયગો સ. ઈ રાખસને હોધી લાવો ને ગળે ફાંહો આલી દો…………… એની કેફિયત નોંધાતી ગઈ ને ...........સુમી બે વરસ પહેલાનાં ભૂતકાળમાં પહોંચી ગઈ. નાની ઉંમરમાં વિધવા થઈ જતાં માબાપનાં આગ્રહવશ તેણે ધનવાન, વિધુર સંજય સાથે બીજા લગ્ન કરેલાં, પોતાની જોડે અગિયાર વરસની રિંકીને લઈને આવેલી. શરૂઆતના દિવસો તો જાણે સ્વર્ગની સફર જેવા હતા. ઉંમરમાં આવેલી રિંકીનું યૌવન નીખરી રહ્યું હતું ને....એક દિવસ પોતાની ગેરહાજરીમાં સંજયે પણ આવું જ........ત્યારે ભણેલી ગણેલી,પોતે શું કર્યું ? જોયું ન જોયું કરી લોકલાજે ઘરમાં જ વાત દબાવી દીધી અને પોતાની ગભરુ ટીન એજર દીકરી રિંકીને મોં બંધ રાખવાનાં સોગંદ આપી પંચગિનીની રેસિડેન્શિયલ સ્કૂલમાં મૂકી દીધી, વેકેશન પડે તોય ઘરે ન લાવતાં જુદા જુદા હિલ સ્ટેશને ફરવા લઈ જતી. શું આને જ ઉજળિયાત વર્ગ ગણવો ?
કહેવાતી આબરૂના ઓઠા હેઠળ આવા હેવાનોને પોષી રહ્યો છે. લક્ષ્મીની હિંમત જોઈને તે પોતાની નજરે મૂઠી ઊંચેરી સાબિત થઈ ગઈ. પોતાની જાતને મનોમન ધિકકારી રહેલી સુમી, લક્ષ્મી સામે નતમસ્તક થઈ ગઈ ત્યારે તેની આંખે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો.
નાની નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
kunjkalrav@gmail.com
પ્રશ્નો-પરિક્ષા-પરિણામ
નિનિઃ જય શ્રી કૃષ્ણ નાનીબા.. ક્યાં છો?
આ વખતે પરિણામો ખુબ જ કડક આવવાનાં છે એવી અફવા હતી. અરે! અચંભિત કરી દે એવા આવ્યા. દાયકાનું સૌથી ઓછું પરિણામ આવ્યું ટકાવારી મુજબ. વિધ્યાર્થી કે પરિક્ષાર્થીઓનો જ ફક્ત વાંક? શિક્ષણ પધ્ધતિ કે શિક્ષકોનો દોષ કે પછી ઝડપથી થતા ઈલેક્ટ્રોનિકલ વિકાસ ઉપર આરોપોનો ટોપલો મૂકવો? મોબાઈલ ફોન સ્માર્ટ થતા જાય છે અને નવી પેઢી નાપાસ! નિનિની રાહ જોતે નાનીબા વિચાર મુદ્રામાં શીરો બનાવતાં હતાં.. નિનિની હાકલે ઝબક્યાં!
નાનીબાઃ આમ આવ રસોડામાં જો મેં શું બનાવ્યું? ફોરે છે કે નહીં?
શીરાની સ્વાદીષ્ટ ફોરમ પારખીને નિનિ રસોડા સુધી પહોંચી જ આવી હતી. નાનીબાએ શીરો વાટકીમાં કાઢીને નિનિને “લાલાને ધરાવ, હું આવું છું” કહી કામકાજ આટોપ્યું.
નાનીબાઃ લેં મોં મીઠું કર, તારા સરસ પરિણામ માટે જ પ્રસાદી બનાવી. બતાવ રીઝલ્ટ.
પ્રસાદીની વાટકી હાથમાં લઈ વહાલથી નિનિને ખવરાવતાં નાનીબા વાત્સલ્યની મૂર્તિ સમાં લાગતાં હતાં. નિનિ પણ કાયમ નાનીબાનાં આ ચાગને ખૂબ જ માણતી.
નિનિઃ આમ તો ૭૧% છે.. અને પર્સન્ટાઈલ તો ૮૭% છે.. પણ મને ન ગમ્યાં… નિનિએ કોળિયો મોંમાં લઈને કહ્યું. માર્કશીટ નાનીબાનાં હાથમાં મૂકી શીરો ખાવા લાગી.
એનકમાંથી અનુભવી આંખો ફેરવતાં નાનીબાએ વાંચ્યું.. કુમારી રીતુ…..
નિનિઃ આખું રિઝલ્ટ વાંચશો?
નાનીબાઃ સવારે તારી માનો ફોન હતો, કે’તી હતી કે તને રીઝલ્ટમાં મજા નથી આવી એટલે જ આજે જમવા બોલાવી. તને ક્યાં કચાશ લાગી તારા અભ્યાસમાં કે પરિક્ષાની તૈયારીમાં?
અધીરાઈથી પૂછેલ પ્રશ્ન પછી નિનિનું આખું પરિણામપત્રક વાંચ્યા વિનાં જ નાનીબાએ ચશ્મા અને રિપોર્ટકાર્ડ બાજુ પર મૂકી હળવેકથી વાત શરુ કરી. આમ તો નિનિને ગળથૂંથી તો નાનીબા એ જ આપેલી એટલે એને નખશીખ જાણતાં જ હોય. છતાંય પોતાનું ધાર્યું પરિણામ કેમ ન આવ્યું એનું પિષ્ટપીંજણ નાનીબા નિનિ જાતે જ કરે એવું ઈચ્છતાં હતાં.
નિનિઃ મેં તો આખું વરસ ખૂબ વાંચ્યું. દાખલાઓની પ્રેક્ટિસ, હોમવર્ક અને પ્રેસન્ટેશન પણ મારા વખણાંતા..
નિનિ જરા અટકી.. અને ફરી બોલી.
નિનિઃ સવારે વાતાવરણમાં ઓઝોન વાયુ પુષકળ પ્રમાણમાં હોય, તારે વહેલા જાગીને વાંચન-અભ્યાસ કરવું જોઈએ.. તમારી એ સલાહથી જ હું પરોઢે સાડા ચાર વાગ્યે ઉઠીને વાંચવા બેસતી.. સમજાતું જ નથી કે મારી મહેનત ક્યાં ઓછી પડી?
વાક્ય પૂરું કરતી વખતે નિનિ આંખે ઝળઝળિંયા આવી ગયાં !
નાનીબાઃ ચાલ, તને મજા આવે એવી એક રમત રમીએ જમતે જમતે..
તું કલ્પના કર કે અત્યારે તું પરિક્ષાખંડમાં બેઠી છે..
તારી પાસે ચાર વિકલ્પો છે અને એનાં પેટા બીજા બે વિકલ્પો પણ છે..
નિનિઃ ઓકે..
નાનીબાઃ જો તારી પાસે ૧૮૦ મિનિટ્સ છે. આખું વર્ષ તે યોગ્ય રીતે મહેનત કરી છે એને અહીં આવીને શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે.. બરાબર?
નિનિને નાનીબાની વાતમાં રસ પડ્યો. એ જમવાનાં કોળિયા ઝડપથી ચાવવા લાગી.
નિનિઃ હા, બરાબર ! હવે ચાર વિકલ્પો તો આપો…
નાનીબાઃ જો, વળી તે ઉતાવળ કરવા માંડી..! ધીમેધીમે ચાવીચાવીને જમ અને સાંભળ..
વહાલથી માથે હાથ મૂકીને નાનીબાએ વાત વધારી..
નાનીબાઃ તારા હાથમાં પરિક્ષાનું પેપર અવ્યું.. હવે આ ચાર વિકલ્પ જો –
તારો પ્રિય વિષય છે કે તારો અપ્રિય વિષય છે?
તૈયારી સારી કરી છે અથવા તૈયારી નબળી કરી છે?
તારી બાજુમાં બેઠેલ જાણીતી વ્યક્તિ છે કે અજાણી છે?
જાણીતી કે અજાણી વ્યક્તિ છોકરો છે કે છોકરી છે?
નિનિ વિસ્મય પૂર્વક નાનીબાને સાંભળી રહી.
નાનીબાઃ સાચું કહેજે, ઉપર અપેલ વિકલ્પો વિશે અગાઉ ધ્યાન આપ્યું હતું ક્યારેય? તને પરિક્ષા દરમિયાન મળેલ એ ૧૮૦ મિનિટસનું કેટલું મહત્વ છે?
નિનિઃ નાનીબા, આવું તો વિચાર્યું નથી કદી.. હવેથી ફક્ત પેરપમાં જ ધ્યાન આપીશ! તમે તો ‘ચક દે ઈન્ડિયા’નાં શાહરુખ ખાન જેવી વાત કરી…
નાની નિનિ કલરવ કરી ઉઠ્યાં.