Soor, Shabdne Sathavare books and stories free download online pdf in Gujarati

સૂર, શબ્દને સથવારે - હેપ્પી બર્થડે માધુરી

અંકઃ ૧૩ મે, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..

‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..

જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!


સૂર, શબ્દને સથવારેઃ હેપ્પી બર્થડે માધુરી - સૌમ્યા જોષી
jsaumya762@gmail.com

વર્ષો અગાઉ, સંગીતકાર રવિએ તેમની પ્રથમ ફિલ્મ 'વચન'ના એક ગીત, 'ચંદામામા દૂર કે, પુએ પકાએ બુર કે....'ની ધૂન બનાવતી વખતે ઇન્ટરલ્યૂડમાં, મહારાષ્ટ્રના તહેવાર ગણેશોત્સવની ઉજવણી વખતે સાર્વજનિક રીતે વગાડવામાં આવતી એક લોકપ્રિય ધૂનનો ઉપયોગ કર્યો હતો. એ ગીત વિશે આજની પેઢી કદાચ સાવ અજાણ હોય એવું બને, પરંતુ વર્ષો પછી સંગીતકાર બેલડી લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે એ જ સુમધુર ધૂનનો ઉપયોગ કરીને એક ગીત રચ્યું, જે હિંદી ફિલ્મજગતમાં સ્વયં એક ઇતિહાસ બની ગયું! ગીત વિશે વાત કરીએ એ પહેલા થોડીક રસપ્રદ વાત, એ ગીત કઈ રીતે બન્યું એ વિશે કરીએ.

ફિલ્મજગતમાં સામાન્ય શિરસ્તો એ છે કે કોઈ પણ ગીતની ધૂન પહેલા તૈયાર કરી લેવામાં આવે છે. ત્યારબાદ ગીતકાર-સંગીતકાર એકસાથે બેસીને ફિલ્મની વાર્તાની માંગ મુજબ એ ધૂન પર કેવા શબ્દો બંધબેસતા થશે એની ચર્ચા કરે છે અને ત્યારબાદ ગીતકાર પોતાની કલ્પનાના રંગો ભરીને આખુંયે ગીત તૈયાર કરે છે. વાત છે 1988ની. યુવા નિર્દેશક એન. ચંદ્રાની ફિલ્મ માટે એલપી એટલે કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સંગીત તૈયાર કરી રહ્યાં હતા. ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તરને એલપીએ એક ધૂન સંભળાવી. એક, દો, તીન.... લા..લા...લા...

તૈયાર ધૂન પર બેસાડેલા આવા 'ડમી' શબ્દોને પકડીને ગીતકાર જાવેદે મથામણ આદરી. એક... દો.... તીન... ચાર.... પાંચ.... છે.... સાત.... ગીતની ધૂન ડમી શબ્દો વડે ગણગણતા જાવેદ અખ્તરને અચાનક શું સૂઝયું તો આ ગણતરી આગળને આગળ વધારી. એક મહિનાના ત્રીસ દિવસ અને આ ત્રીસ દિવસમાંથી કેટલાયે દિવસો નાયિકા, નાયકની પ્રતીક્ષામાં વીતાવે છે. એ વિચારને પકડીને એક જબરજસ્ત ગીત જાવેદ અખ્તરની કલમે અક્ષરદેહ ધારણ કરી ચૂક્યું. ધૂન તો અફલાતૂન હતી જ. એ સમયની નવીસવી ગાયિકા અલકા યાગ્નિકના તાજગીભર્યા સ્વરમાં આ ગીત રેકોર્ડ થયું. હવે બધો દારોમદાર નૃત્યનિર્દેશક અને અભિનેત્રી પર હતો.

ફિલ્મની વાર્તા મુજબ, અભિનેત્રી આ ગીતમાં સ્ટેજ પર ઉત્તેજક નૃત્ય કરે છે. કોરિયોગ્રાફર સરોજખાનને શંકા હતી કે કથ્થક નૃત્યમાં નિપુણ એવી અભિનેત્રી બોલીવુડ સ્ટાઇલમાં લટકાઝટકા કરી શકશે કે કેમ. લગાતાર રિહર્સલ અને દિવસરાતની મહેનત પછી જે પરિણામ આવ્યું તે આભૂતપૂર્વ હતું! ફિલ્મ રજૂ થયાના પહેલા જ દિવસથી ટિકિટબારી પર ટંકશાળ પડી! 'એક, દો, તીન, ચાર...' ગીત પર થિરકતી ફિલ્મની નાયિકા 'મોહિની' માધુરી દીક્ષિતની લોકપ્રિયતાનો જુવાળ એવો તો ઉમટયો કે આબાલવૃધ્ધ સૌ કોઈ તેના દિવાના બની ગયા!

15 મે, 1967ના રોજ મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિય બ્રાહ્મણ પરિવારમાં ચોથા અને સૌથી નાના સંતાન તરીકે જન્મેલી 'બબલી', માત્ર ત્રણ વર્ષની ઉંમરે મોટી બહેનોને નૃત્ય કરતા જોઈને પગ થિરકાવતી થઈ ગઈ. કળાપ્રેમી માતાપિતાએ દીકરીના રસરૂચિ પારખીને નૃત્ય શીખવા માટે જરૂરી પ્રોત્સાહન અને સવલત આપ્યાં. લગાતાર આઠ વર્ષ કથ્થકની આકરી તાલીમ ઉપરાંત માઈક્રોબાયોલોજીના વિષય સાથે સ્નાતક થયેલી બબલીનું સ્વપ્ન તો ડોકટર થવાનું હતું પણ કિસ્મતને કંઈક ઓર મંજૂર હતું. નૃત્યકળાના મંચ પરથી સિનેમાના રૂપેરી પડદે ચમકીને છવાઈ જવાનું હતું!

એ 1984ની સાલ હતી. રાજશ્રી પ્રોડક્શનના નેજા હેઠળ નવોદિત કલાકારોને લઈને એક ફિલ્મ બની, 'અબોધ'. ફિલ્મ તો સરિયામ નિષ્ફળ રહેલી પણ ફિલ્મની ભલીભોળી, અત્યંત માસૂમ દેખાતી અભિનેત્રી તરફ ફિલ્મજગતના ઘણા લોકોનું ધ્યાન ખેંચાયુ. બે ચાર ફિલ્મોમાં કામ મળ્યું પણ સફળતાનો સ્વાદ હજુ ચાખવા મળ્યો ન હતો. સંઘર્ષના એ દિવસોમાં, 'અંકુશ' અને 'પ્રતિઘાત' જેવી ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા નિર્માતા-નિર્દેશક એન.ચંદ્રાને પોતાની આગામી ફિલ્મ 'તેઝાબ'માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે એક નવા, તાજગીભર્યા ચહેરાની તલાશ હતી. મનમોહક સ્મિત અને સહજ સુંદરતાના બળે અભિનયની દુનિયામાં પા પા પગલી ભરતી બબલી એટલે કે માધુરી દીક્ષિત એમની આંખોમાં વસી ગઈ! અને પછી જે થયું તે તદ્દન અણધાર્યુ અને આશ્ચર્યજનક હતુ!

'એક, દો, તીન, ચાર....' ગીતમાં મુક્તમને નાચતી 'મોહિની'ના રૂપમાં માધુરી આખી દુનિયામાં છવાઈ ગઈ! આ ગીત, આ ફિલ્મે પાયાના પથ્થરનું કામ કર્યું, જેના પર એક સુદીર્ઘ, સફળ, ઝાકઝમાળ ભરી કારકિર્દીની એવી એક મજબૂત ઇમારત ખડી થઈ કે જેણે હિંદી ફિલ્મ જગતના ઇતિહાસમાં એક નવા જ યુગનો પ્રારંભ કર્યો.

માધુરી દીક્ષિત.... આ નામ દિમાગમાં આવતાવેંત ફિલ્મોમાં તેણે ભજવેલી વિવિધ ભૂમિકાઓ અને અભૂતપૂર્વ નૃત્યગીતોની ઝલક તાજી ન થઈ આવે તો જ નવાઈ! સંજય લીલા ભનસાળીની ફિલ્મ 'દેવદાસ'ની તેની ભૂમિકા માટે કલાગુરુ બિરજુ મહારાજે પોતાની કારકિર્દીમાં સૌપ્રથમ વાર નૃત્યનિર્દેશન કર્યું હતું, જે કોઈપણ કલાકાર માટે સન્માનની બાબત છે! કારકિર્દી દરમિયાન કુલ તેર વખત ફિલ્મફેર અવોર્ડ માટે નામાંકન મેળવવા ઉપરાંત છ – છ વખત ફિલ્મફેર જીતવા ઉપરાંત ભારત સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે પદ્મશ્રી પુરસ્કારથી પણ જેને નવાજવામાં આવી છે એવી આ અભિનેત્રીએ કારકિર્દીના એક તબક્કે માતાપિતાએ પસંદ કરેલા જીવનસાથી સંગે સંસાર વસાવ્યો, એટલું જ નહીં, કોઈ પણ જાતના સ્ટારડમ વિના વિદેશની ધરતી પર એક સામાન્ય ગૃહિણીની જેમ જીવવાનો આનંદ લેતા લેતા બે દીકરાઓનો ઉછેર કર્યો.

માતા અને પત્ની તરીકેની ફરજો સુપેરે બજાવ્યા બાદ ફરી એક વખત રૂપેરી પડદાની મોહિની આ પ્રતિભાશાળી અભિનેત્રીને પોતાના તરફ ખેંચી લાવવામાં સફળ રહી. જો કે આ વખતે સિનેમાને બદલે ટીવીના ટચૂકડા પડદાએ '80 અને '90ની આ રૂપસુંદરીને ઘરેઘરમાં પહોંચાડી. 'ઝલક દિખલા જા' નામના ડાન્સ શોમાં જજની ભૂમિકામાં એક સમયની પોતાની 'ડ્રીમગર્લ'ને જોતાં કેટલાયે દર્શકોના સુતેલા અરમાન ઝંકૃત થઈ ગયા હશે, એ તો ઠીક, તાજેતરમાં જ ટીવી પર શરૂ થયેલા એક નવા જ ડાન્સ શોમાં ભાગ લઈ રહેલા નવી પેઢીના સ્પર્ધકો તેમજ દર્શકોમાં પણ માધુરીના આ નવા અવતાર માટેનો અહોભાવ સ્પષ્ટ જોઈ શકાય છે.

જિંદગીના પચાસમા વર્ષમાં પ્રવેશી રહેલી 'ધક ધક ગર્લ'ને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ હો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED