Featured Books
શ્રેણી
શેયર કરો

અંકઃ ૧૪ વિસ્તૃતિ: “આ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે......”

અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..


બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.

હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.

હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!

fmales.gmail@gmail.com


વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ
jrv7896@gmail.com

“આ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે......”

જુન માસ આવી ગયો અને દરેક શાળામાં ઘંટારવ થવાની તૈયારી થઇ ચુકી છે. એટલે બાળક રૂપી ફૂલ સાવધાન અને વિશ્રામની સ્થિતિ યાદ કરતા, શાળારુપી બગીચાને પોતાના કલબાલાટરુપી સુગંધથી મહેકાવવા તૈયાર! ત્યારે આ ગીત યાદ આવ્યું કે.... “આ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે......”

દિવાળીનું વેકેશન તો મધ્યાંતર કહેવાય. પણ ઉનાળાનું વેકેશન તો શૈક્ષણિક સત્રની સમાપ્તિ સાથે નવા વર્ષમાં જવાના આનંદ સાથે તાજગી સભર બનવા માટે આરામનો પુરતો સમય આપે છે.. મે મહિનામાં એક શૈક્ષણિક વર્ષ પૂરું થતા હાશકારો અનુભવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ પણ અનેક ફરવાના, પ્રવાસના વગેરે આયોજનો કરી, પુરા વર્ષનો થાક ઉતારે છે. મામા, માસીના ઘરે કે હવા ખાવાના સ્થળોએ ફરી, કુટુંબ અને મિત્રો સાથે હરી ફરી, મોજમસ્તી કરીને ફ્રેશ થવાની મજા હોય છે. ટીવી, મોબાઈલ, પિક્ચરનો આનંદ લેવાનો. વેકેશન કલાસીસમાં જોડાઈને મનગમતી પ્રવૃત્તિ કરવાની. વગર ટાઇમ ટેબલે જીવવાની મોકળાશને માણવાના દિવસો તો ઝડપથી પસાર થઇ ગયા અને ફરી પાછું ટાઇમ ટેબલ પ્રમાણે ચાલવાનો અને દોડવાનો સમય આવી ગયો એ ખબર જ ન પડી.

શિક્ષણ જગતમાં ઉનાળામાં,મેં મહિનામાં એક મહિના ઉપરાંતનું વેકેશન બાદ જુન મહિનામાં નવેસરથી ચહલપહલ શરુ થવાનો સમય આવી ગયો છે. શાળાઓમાં પ્રવેશોત્સવ, અભિવાદન, આવકારના કાર્યક્રમો, નવા વર્ષની સફળતાના શુભેચ્છાના કાર્યક્રમોની હારમાળા રચાશે. સમગ્ર રાજ્યમાં પ્રાથમિકથી ઉંચ્ચ માધ્યમિક સુધી અને કૈક અંશે કોલેજો પણ ખુલશે.

વર્ષો આવે છે ને જાય છે...એક પછી એક વર્ષ સમયના પડળને ખોલતું જાય છે. ત્યારે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, ’મનુષ્યના આંતરમનમાં રહેલા સમસ્ત જ્ઞાનને જાગૃત કરવા યોગ્ય વાતાવરણ નિર્માણ કરવું એ જ શિક્ષણકાર્ય છે. શાળાને બાળકનું બીજું ઘર કહેવાયું છે. એ અર્થમાં જોઈએ તો, શાળાને લઘુસમાજ બનાવી, સામાજિક ગતિવિધિઓનું કેન્દ્રબનાવી, બાળકમાં સામાજિક અને રાષ્ટ્રીય ભાવનાનું જાગરણ કરી રાષ્ટ્રના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, વ્યવસાયિક અને નૈતિક — એમ પંચમુખી શિક્ષણનો ઉદેશ્ય પાર પડે તો શિક્ષણ એ સાચા અર્થમાં કેળવણી બને. ઉત્તમ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું ધ્યેય પૂરું કરવા શાળાનો પરિવેશ એવો બનાવવો પડે કે જેથી સાચા અર્થમાં વિદ્યાર્થીને આદર્શ ભાવિ નાગરિક બનવા પોતાનું વર્તમાન જીવન ઉત્તમ રીતે વ્યતીત કરવાની ફરજ પડે. આજનો આદર્શ નાગરિક બનાવવા સમુહમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ સોપી, જવાબદારીની ભાવના, કર્તવ્યનિષ્ઠા, અન્યનું હિત ધ્યાનમાં રાખવાનો સ્વભાવ કેળવવા, પ્રેમ, સહયોગ જેવા સામાજિક ગુણોનો વિકાસ કરવો જોઈએ.

નવા વર્ષમાં દરેક વિદ્યાર્થીએ પોતાની કક્ષા પ્રમાણે સંકલ્પો લીધા હશે. વધુ ઉત્સાહ અને ઉમંગથી આગળ વધવા કટિબદ્ધ થયા જ હશે. તો સામે પક્ષે આદર્શ નાગરિક ઘડવાનો જેમના હાથમાં છે તેવા શિક્ષકો પણ નવા સુધારાઓ સાથે, નવી તાલીમ મેળવી વધુ સારું લેટેસ્ટ અપડેટ સાથે સજ્જ થયા હશે તો સંબંધિત પક્ષકારોની, સમાજની નવા શૈક્ષણિક વર્ષ માટે નવી અનેક અપેક્ષાઓ હશે.જે પૂરી કરવા .શૈક્ષણિક સંસ્થાઓ નવા વિઝન અને નવા મિસન સાથે પોતાની ગુણવત્તા વધુ ને વધુ ઉચી લઇ જવા કટિબદ્ધ બની હશે.

શિક્ષણ એક સાધના છે,વિદ્યાર્થી સાધક અને શિક્ષક તપસ્વી છે.આ ત્રિવેણી સંગમથી જ દેશનું ભાવી ઘડાય છે. વિશ્વના સ્ફોટક જ્ઞાનની પરિસ્થિતિમાં, સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા સહુએ ચિંતનશીલ, ઉદ્યોગશીલ અને સંસ્કારલક્ષી બનવું જ પડશે. શિક્ષણનો હેતુ માનવીય શક્તિઓને સંવર્ધિત કરવાનો ત્યારે જ સાર્થક થાય કે જયારે વિદ્યાર્થી, શિક્ષક, શાળા અને સમાજ એ બધા જ ધ્રુવો હળીમળીને આગળ વધે. તો ચાલો મિત્રો, થાવ સાબદા, ખરા અર્થમાં વિદ્યાનાં અર્થી બની એક ડગલું વધુ સારી રીતે આગળ વધવા તૈયારને?

નવું વર્ષ હકારાત્મક, અપેક્ષિત અને વધુ સારું, વધુ ઉન્નતિસભર બની રહે તેવી સત્રારંભે શુભેચ્છાઓ...