Ank : 14 Anubhuti books and stories free download online pdf in Gujarati

અંક: ૧૪ અનુભૂતિ

અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..


બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.

હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.

હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!

fmales.gmail@gmail.com


અનુભૂતિઃ કીર્તિ ત્રાંબડીયા
kirtipatel.saraswati@gmail.com

આકાશની ઈચ્છા

આજ મને બસમાં જવાની ઈચ્છા થઈ. આમ તો ગાડી લઈને જ જાઉં છું. પરંતુ આ માંકડું મન છે ને ક્યારેક ઓટોમાં જવાની મજા લઉં, તો ક્યારેક બસ. કદાચ તમને પાગલ લાગીશ, પરંતું એક સિક્રેટ કહું જયારે આ મગજમાં ખુરપાત એટલે કે વિચાર આવતા બંધ થાય એટલે તાજા તાજા વિચાર માટે ક્યારેક પ્લેહાઉસ તો ક્યારેક બસ તો ક્યારેક ઓટો ક્યારેક મંદિર આ બધી જગ્યાએથી તાજા માજા વિચારોનો બહોળો ખજાનો મળે અને ફરી મારી પેન ચાલવા... અરે ચાલવા નહીં..... દોડવા લાગે.

છોડો હું તો આવી જ છું, કેમકે થોડુ પાગલપન મને પસંદ છે. ચાલો મારી મુલાકાતને તમે સૌ મારી નજરે નિહાળો.....

બસ સ્ટોપ પર જ મારી બાજુમાં એક નાનો છોકરાને પર્ક ખાતા જોયો. એક ચોકલેટ મારા તરફથી મળતાં તેમના ચહેરા પર તો જાણે વિશ્વ જીત્યાની ખુશી દેખાય. પોતાના હાથમાં રહેલ પર્ક અને બીજા હાથમાં ચોકલેટ બતાવી નેવું ડીગ્રીની સ્માઈલ આપતાં બોલ્યો.... જોયું દીદી હું તો રાજા થઈ ગયો... મારા ટીચરે કહ્યું છે કે, આપણી પાસે એક ચોકલેટ હોય તો જીદ કરવાની નહીં, આપણે તો રાજા કહેવાય....... રાજા કહેવાય....

ખરેખર, મને પણ તે કોઈ રાજાથી જરાયે ઓછું સુખી દેખાતો ન હતો. અમારી તો પાકી દોસ્તી જ સમજો.....

તેમનું બોલવાનું ચાલુ જ હતું, અલકમલકની કેટલીય વાતોનો જોડ કરી રહ્યો હતો. પરંતુ એક વાતનો પણ તાડામેળ બેસતો ન હતો. પરંતુ, હા...તેમની છેલ્લી વાત મને થોડી અજુગતી લાગી...

બધાંય મકાનો, બધાંની ગાડીઓ, બધાં કપડાં લાલ કલરથી રંગી નાંખીશ. રોડ બધાંય લાલ બધાંય ઝાડ.... ઝાડ તો લીલા જ રાખીશ, નહિતર બાને લાલ ફૂલ દેખાશે જ નહીં.

મને મનમાં જ હસવું આવ્યું.... તારું નામ શું બેટા...?

આકાશ...

સરસ નામ છે.

પરંતું....બધાંયના ઘરનો કલર લાલ કેમ ? તને લાલ કલર ગમે છે ?

દીદી બધાંય લાલ કલરના ઘર હોય પછી તો બધાંય સરખા જ થઈ ગયા કહેવાય ને ?

મને કાંઈ સમજ ન પડી ! અટલે ફરી પૂછ્યું કેમ ??? બધાંયના ઘર એક સરખા કેમ રંગવા છે ?

અરે દીદી.... તમને તો ખબર જ નથી પડતી... બધાંય લાલ કલરનું થઈ જાય પછી તો હું રત્યા સાથે રમી શકીશ ! મમ્મી વારંવાર ગુસ્સો કરે છે. રત્યા સામે બોલવાનું નહીં, રત્યા સાથે રમવાનું નહીં.

કેમ ????

તમને તો કાંઈ જ ખબર નથી... તે ખુબ ગરીબ છે ને ? રત્યો અને તેની મમ્મી થીંગડાવાળા કપડાં પહેરે છે ને એટલે...?

રત્યો કોણ છે ???

કમલીમાંનો છોકરો.

કમલીમાં કોણ છે ?

અરે દીદી, તમે તો કેટલાં બધાં સવાલો પુછો છો ???

શું કરું ? હું તો કમલીમાંને ઓળખતી નથી ને !

અમારા ફ્લેટમાં વાસણ સાફ કરવા આવે છે.

દીદી તમને ખબર છે.

શું ?

રત્યાને એક જાદુ આવડે છે.

કેવું જાદુ.....

તે એકવાર સાંભળે એટલે તેને બધું જ યાદ રહી જાય છે. મારો તો એ પાકો દોસ્તાર છે.

મારી નજીક આવી... સહેજ વળીને જીન્સની ચડ્ડીના ખીસ્સામાં અડધી ચોકલેટ બતાવતાં ધીમા અવાજે બોલ્યો, આ રત્યા માટે છુપાવી છે.

ઉપરોક્ત સંવાદ તમે જો વાંચ્યો હોય તો વિચારો જોઈએ કે, તમારો એક વિચાર, એ પણ અમીરી ગરીબીનો ભેદભાવ બાળકના મગજમાં કેટલી હદે કટુતા ભર્યો ઘર કરી જાય છે.

આપણે જ ભાષણ આપીએ છીએ, બધાંને સમાનતાની નજરે જોવાની, અને આપણે જ ભુલી જઈએ છીએ કે પછી સમાજનો ડર, કે પછી દેખાડો કરવાની આદત, કે પછી શરમ તે તો પોતાને જ ખબર નથી હોતી. આપણે જ આપણા બાળકોના મગજમાં ભેદભાવના બીજ રોપીએ છીએ. સલાહ તો આપીએ છીએ પણ અમલમાં મુકવાનો ભુલથી પણ વિચારસુદ્ધા કરતાં નથી, અને મનમાં ખુશ થઈએ છીએ કે, બાળકોને આપણે સારા સંસ્કાર આપીએ છીએ. કોઈ સારું કામ કરતાં હોય તેમ અહમનો તાજ પહેરીને ફરીએ છીએ.....

જિંદગી બહુ નાનક છે. નાના એવા આકાશને રત્યા સાથે રમવા માટેનો એક જ રસ્તો દેખાયો કે, રત્યો ગરીબ છે તે નાના મકાનમાં રહે છે. આપણે મોટા મકાનમાં રહીએ છીએ, એટલે બધાં ઘર લાલ રંગના રંગી નાખવા છે. એટલે રત્યા સાથે રમવા મળશે, મતલબ કે, આકાશ બધાંને એકતાના રંગે રંગવા માંગે છે.

આકાશ તો શું કદાચ આપણી સરકાર પણ બધું એક જ કલરનું કરી નાંખે તો પણ કોઈ ફર્ક પડવાનો નથી. કારણકે બાળક આપણી સલાહ કરતાં પણ વધુ ઝડપી આપણા અનુકરણને અમલમાં મુકે છે. જે ખરેખરતો રસ્તો જ ખોટો હોય છે.

ખરેખર તો એ જ સમજવાની વાત છે કે, તમે જેને બાળક ગણો છો, તે છે તો બાળક જ પરંતું તેમનું મગજની અંદર ન જાણે કેટલીય ગડમથલની આંટીઓ ગુંથાતી હોય છે. તમારા ઘરમાં તો કોઈ આકાશ તો નથીને?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED