વમળ - પ્રકરણ -11 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

વમળ - પ્રકરણ -11

વમળ પ્રકરણ -11 લેખક - –અજય પંચાલ

શ્વેતા ખુબ જ વિહ્વળ હતી. દાદુ અને પિતા વચ્ચેના ટકરાવમાં ભલે એ દાદુના પક્ષે હતી પરંતુ પિતા આખરે પિતા હતા. એમને કઈ રીતે ભૂલાય? એ ભૂલવા પણ નહોતી માંગતી. એ પિતાની ખુબ જ લાડકી દીકરી હતી. પિતા વિદેશ ટુર પર હોય તો પણ એ ફોનથી, વિડીયો ચેટથી કે છેવટે smsથી પણ એમના સંપર્કમાં રહેતી જ. ઘણા દિવસોથી ડેડ સાથે વાતચીત નહોતી થઇ તેથી મન ખુબ જ ખાલીપો અનુભવતું હતું. એને પણ ખબર હતી જ કે સામે પક્ષે ડેડની હાલત પણ એ જ હશે. બાપ ગમે તે ગુનો કરે પણ દીકરીના મનમાં બાપ માટે જે પ્રેમભાવ હોય છે એમાં ક્યારેય કમી નથી આવતી. એનું મન સંબંધોના આ વમળમાં ગૂંચવાતું હતું. પિતાના ગમન પછી દાદુ પણ ગમગીન જ રહેતા હતા. એવું ય નહોતું કે બાપને દીકરા પ્રત્યે પ્રેમ નહોતો પણ એ હકીકત જાણીને પ્રજ્વળી ઉઠ્યા હતા. એમનો પુણ્યપ્રકોપ ફાટ્યો હતો અને ગુસ્સામાં વયસ્ક દીકરાને ઘર છોડવા માટે મજબુર કર્યો હતો. અફાટ સંપતિના માલિક વિનાયકને આમ તો ઘર છોડવા મા
ટે મજબુર કરી જ ન શકાય. એણે અથાગ પરિશ્રમથી બધી મિલકત ઉભી કરી હતી. પણ પિતા પ્રત્યેનો આદર અને સંબંધોના વમળમાં અટવાયેલા વિનાયકને એ સમયે એ જ ઠીક લાગ્યું હતું. શ્વેતા ઈચ્છતી હતી કે આ ટકરાવને કોઈપણ હિસાબે દુર કરી કોઈ ઉકેલ શોધવો જ જોઈએ. ઘણા મનોમંથનને અંતે તેને વિચાર્યું કે એણે ડેડનો સંપર્ક એમની ઓફિસે જ કરવો જોઈએ. એને થયું કે આમાં આર્યનની મદદ લેવી જોઈએ. એણે મનમાં થોડું વિચારીને આર્યનને ફોન લગાડ્યો.


“હેય આર્યન, હાવ આર યુ?”

“ઓહ માય ગોડ, શ્વેતા! આઈ વોઝ અબાઉટ ટુ કોલ યુ, એન્ડ યુ કોલ મી! વોટ અ ટેલિપથી!!”

એ સાંભળી શ્વેતા પોરસાઈ. એના સુંદર મુખ પર પ્રસન્નતાની આભા ફરી વળી. આર્યન એના જ વિષે વિચારતો હતો અને એને કોલ કરવા જતો જ હતો એ જાણીને મનોમન ખુશ થઇ. આર્યને કહ્યું. “સો….., હાવ આર યુ ડુઈંગ? આઈ વોઝ થીંકીંગ ટુ મિટ યુ સમવ્હેર. આર યુ અવેઈલેબલ?”

બંને આજના જમાનાના યંગસ્ટર હતા એટલે મોટાભાગની વાતો હમેશા અંગ્રેજીમાં જ થતી. શ્વેતાએ એને કહ્યું કે એ એના ડેડની ઓફિસે જાય છે. ત્યાંથી પછી બે કલાક બાદ એ એને મરીનલાઈન્સ પર એને મળશે.

આર્યને કહ્યું; ” હું તને એક મેક્ષિકન રેસ્ટોરંટનું એડ્રેસ sms કરું છું. તું મને ત્યાં જ મળજે.” આર્યનને ખબર હતી કે શ્વેતાને મેક્ષિકન ફૂડ પ્રત્યે ઘણો લગાવ છે. એને પણ એ બહાને મેક્ષિકોની યાદ તાજી કરવી હતી.


આર્યન સાથે ફોન પર વાત કર્યા પછી શ્વેતા ઘણી જ આનંદિત અને ઉત્સાહિત હતી. માનવમનની એક ખાસિયત છે કે જયારે વ્યક્તિ પોતાની મનપસંદ વ્યક્તિ સાથેની મુલાકાત થાય કે એના નામનો ઉલ્લેખ થાય એ મનને પ્રસન્નતા થી ભરી દે છે. શ્વેતાનું પણ એવું જ હતું. થોડીવાર પહેલાની ગમગીનીની છાયા એના મન પરથી અદ્રશ્ય થઇ ગઈ. ઝટપટ એ શાવરમાં ઘુસી. શાવરના હુંફાળા પાણીની ધારાઓ થી શ્વેતાનો અનાવૃત દેહ ભીંજાતો હતો અને એનું મન આર્યન સાથેની મુલાકાતના આનંદમાં ભીંજાતું હતું. એનું મન આર્યનના ખ્યાલમાં હતું. પાર્ટી પત્યાં પછીની આર્યન સાથે ગુજારેલી થોડીક ક્ષણો એના મગજ પર હાવી હતી એના સુંવાળા હાથ લીક્વીડ સોપ સાથે એના માંસલ અંગઉપાંગો પર ફરતા જતા હતા. અને શ્વેતા આર્યનના ખ્યાલમાં ઉત્તેજિત થતી હતી. વિશાળ બાથરૂમમાં શાવર નીચે શ્વેતા આર્યનમગ્ન થઇ ગઈ હતી. એનું રોમેરોમ આર્યનની મીઠી યાદથી પુલકિત થઇ ગયું. ખાસી વારે શ્વેતા શાવરમાંથી બહાર આવી. મુલાયમ ટર્કીશ ટોવેલથી એના બદનને આવૃત કરી બહાર આવી. ત્વરાથી એને ટોવેલ નીચે નાખ્યો અને આંતરવસ્ત્રો પહેર્યા. “વિક્ટોરિયા સિક્રેટ” એની મનપસંદ બ્રાંડ હતી. આર્યનને મળવાનું હતું એટલે એ વિચારવા લાગી કે આજે શું પહેરું? બહુ જ મથામણ ના અંતે એણે જાંબલી કલરનો ઘૂંટણથી સહેજ ઉપર આવે તેવો સ્લીવલેસ ડ્રેસ પસંદ કર્યો. હેર ડ્રાયરથી કાળા, લાંબા અને સુંવાળા વાળ સુકવ્યા. બ્રશ ફેરવીને એણે વાળ કર્લ કર્યા. ભગવાને એને મબલખ રૂપ આપ્યું હતું. અને આજે એ અભિસારિકા બની હતી એટલે તો અત્યંત રૂપાળી લાગતી હતી.



નરીમાન પોઈન્ટ તરફ સરી રહેલી કારમાં શ્વેતા ફરી વિચારોમાં મગ્ન થઇ ગઈ. એની પાછળ એક કાળા કલરની કાર અમુક અંતર રાખીને પાછળ આવતી હતી. ભારદ્વાજ એન્ટરપ્રાઈઝના પોર્ચમાં એણે કાર ઉભી રાખી. એની કારને જોતા જ દરવાન દોડી આવ્યો. એ ઝડપથી કારમાંથી ઉતરી, ચાવી દરવાનને સોંપીને એ અંદર પ્રવેશી. એને જોતાજ રીસેપ્શનીસ્ટ ઉભી થઇ અને ગુડ મોર્નિંગ કહીને એનું અભિવાદન કર્યું. શ્વેતાએ સ્મિત સાથે અભિવાદનનો જવાબ આપતા ભારદ્વાજ ફેમિલીની અંગત એલીવેટરમાં ઉપર ગઈ. 25માં માળે વિનાયક ભારદ્વાજની ઓફીસ હતી. એ વિશાળ ઓફિસની બહારના ભાગમાં એમની પર્સનલ સેક્રેટરી અને અન્ય સ્ટાફના ટેબલ્સ હતા. વિનાયકની ઓફિસની બાજુમાં જ બીજી એક ઓફીસ હતી જેમાં એમનો મેનેજર સાવંત બેસતો. ઉપર જઈને શ્વેતા વિનાયકની ઓફીસ તરફ વળી. પર્સનલ સેક્રેટરીએ હસીને અભિવાદન કર્યું. શ્વેતા ઓફિસનું ડોર ઓપન કરતી હતી ને પર્સનલ સેક્રેટરી મિસ ખંભાતાએ કહ્યું,
“સાહેબ તો ટુર પર ગયા છે મિસ શ્વેતા.”

“ઓહ, ડેડ નથી ઓફિસમાં?” શ્વેતાના ચહેરા પર નિરાશાના ભાવ પથરાઈ ગયા.

” વિનાયક સર તો કેન્યાની ટુર પર ગયા છે. તમે અંદર બેસો, હું મેનેજર સાવંતને મોકલું છું”
મિસ ખંભાતાને ખબર હતી કે શ્વેતા વિનાયક સરની લાડકી દીકરી છે. આમ તો શ્વેતા ઓફિસમાં આવતી નહિ પણ કોઈક વાર જો ઓફિસની નજદીકમાં હોય તો ડેડને મળવા અચાનક આવી પહોંચતી. શ્વેતા વિનાયકની કેબીનમાં દાખલ થઇ.

વિનાયક ઓફીસ ખુબ જ વિશાળ હતી. આમ તો એક વૈભવી એપાર્ટમેન્ટ જેવી જ સગવડો એ ઓફિસમાં હતી. એક વિશાળ કમરાની મધ્યે એક્ઝીક્યુટીવ ટેબલ હતું. એક તરફ વિનાયકની લેધરની રીવોલ્વીંગ ચેર હતી. ટેબલની સામેની બાજુ ચાર લેધર ચેર ગોઠવેલી હતી. પાછળની દીવાલ પર વિખ્યાત ચિત્રકાર Vincent van Goghનું The Starry Night પેઈન્ટીન્ગ હતું. આજુબાજુની દીવાલો પર પણ અન્ય વિખ્યાત ચિત્રકારોના ચિત્ર લટકાવેલા હતા. કમરાની એક તરફ મીની ગોલ્ફ સ્ટેશન હતું. વિનાયક ગોલ્ફ નો અત્યંત શોખીન હતો. બીજી તરફ એક કોર્નરમાં વિનાયકે બીઝનેસ વર્લ્ડમાં મેળવેલાં એવોર્ડઝ અને બીજી અત્યંત કિંમતી સુશોભનની ચીજવસ્તુઓ ગોઠવેલી હતી. એની બાજુમાં જ વિશાળ ફીશ ટેંક હતી જે રંગબિરંગી સોલ્ટ વોટર ફીશ અને લાઈટીંગથી શોભતું હતું. કમરાની બીજી તરફ વિનાયકનું અંગત વિશાળ બાથરૂમ હતું. બાથરૂમની બાજુમાં એક બીજો રૂમ હતો જ્યાં એક બેડ રાખેલો હતો. ઘણી વખત વિનાયક ત્યાં બપોરે આરામ કરતો. શ્વેતા ઓફિસમાં અંદર આવીને ડેડની ચીજવસ્તુઓ જોઈ જ રહી. એવું નહોતું કે એ પહેલી વાર આ ઓફિસમાં આવતી હતી. પણ આજે ડેડની હાજરી ન હતી. એ ડેડને મિસ કરતી હતી એટલે આ બધી વસ્તુઓ પણ એને આત્મીય લાગતી હતી. એ હળવેથી ડેડની રીવોલ્વીંગ ચેરમાં બેઠી.

થોડી ક જ વારમાં મેનેજર સાવંત ત્યાં આવ્યો. એના ચહેરા પર શ્વેતાને ઓફિસમાં જોઇને વિહવળતા આવી હતી.

“હેલો મિસ શ્વેતા, હાઉ ડુ યુ ડુ ? આવતા માં જ એમ કહીને એણે શ્વેતાને આવકારી. એણે પણ મિસ ખંભાતાની જેમ જ સ્ટોરી રીપીટ કરી.

“ઓહ, ડેડ ક્યારે પાછા આવવાના છે?”

સાવંતે ચહેરાની વિહવળતા છુપાવતા કહ્યું. “એમણે ટીકીટતો એક અઠવાડિયા પછીની બુક કરાવી છે. પણ સરનું કઈ નક્કી નહિ.”

શ્વેતાએ સાવંતના ચહેરા પરના ભાવો પરખ્યા.

“એવરીથિંગ ઈઝ ઓલરાઈટ, મી. સાવંત ? વાય આર યુ લુક લીટલ નર્વસ?”

સાવંત આમ તો કુશળ મેનેજર હતો. પણ એને વિનાયક સર માટે ખુબ જ લાગણી હતી. એ વિનાયક માટે ઘણા વરસોથી કામ કરતો હતો. વિનાયકે એને ખુબ જ કપરા સમયમાંથી બચાવ્યો હતો. એટલે એને વિનાયક માટે ખુબ જ લાગણી હતી. એમાંય શ્વેતા વિનાયકની ખુબ જ લાડકી હતી. એ ય શ્વેતાને એ નાની હતી ત્યારથી ઓળખતો. વિનાયક પર થયેલા હુમલા થી એ વ્યથિત હતો. એથી જ એ ચહેરા પરના ભાવો સંતાડી ના શક્યો. આખરે એણે શ્વેતાને વિનાયક પર થયેલા હુમલાની વાત કરી. વિનાયક સર આબાદ બચી ગયા. હોસ્પીટલમાં સહેજ સારવાર લઈને એ કેન્યા જવા માટે નિકળી ગયા ત્યાં સુધીની વાત કરી. એણે એ પણ વાત કહી કે એણે સાવચેત રહેવું. કુટુંબની સલામતી માટે ખાસ સીક્યોરીટી સ્ટાફ એણે રોક્યો છે એ પણ કહ્યું. શ્વેતા ખુબ જ વ્યથિત થઇ ગઈ. એને કલ્પના પણ નહોતી કે કોઈ ડેડ પર આવો હુમલો કરશે. એણે સાવંતને ઘણા પ્રશ્નો પૂછ્યા પણ સાવંત કોઈ ખાસ માહિતી આપી ના શક્યો. એને તરત જ ઘરે ફોન કરીને દાદુ અને શુબાન માટે સંદેશો પહોચાડ્યો. સાવંતે એના માટે કોફી મંગાવી એ પીધી. પછી એ ત્યાંથી નીકળી. એનું મન એ વિચારોમાં ખોવાયેલું રહ્યું કે આવું બની જ કેમ શકે?

આર્યન શ્વેતા સાથેની ફોનની વાતચીત વાગોળી રહ્યો હતો. શ્વેતાના મંજુલ અવાજથી એના હદયમાં એક અનેરી હલચલ થઇ જતી, પણ આજે મન થોડું ગૂંચવાયેલું હતું. ટુલુંમના દરિયાકિનારે જ્યારથી શ્વેતાને જોઈ હતી ત્યારથી એનું મન એના પ્રત્યે આસક્ત થયેલું હતું. અત્યાર સુધીની મુલાકાતો દરમ્યાન એને શ્વેતાના મનના ભાવો સ્પસ્ટ જણાયા નહોતાં. સૌન્દર્ય અને સૌમ્યતાની મુરત હતી શ્વેતા. આમેય શ્વેતાની પર્સનાલીટી જ એવી હતી કે કોઈનું પણ મન પહેલી જ મુલાકાતમાં મોહી જાય. આધુનિક ધનિક વાતાવરણમાં ઉછરતી સ્વરૂપવાન શ્વેતા ગજબની સુદર હતી. ઈશ્વરે એને ખુબ જ નિરાંતના સમયે ઘડી હતી. એની સુંદરતામાં બેય કાંઠે વહેતી નદીની સૌમ્યતા હતી. સલોની પણ ગજબની સુંદર હતી પણ એનું સૌન્દર્ય મારકણું હતું. એનામાં યૌવનનો તરવરાટ હતો, એનામાં પહાડીઓમાંથી વહેતા ઝરણાનો ઉન્માદ હતો. આર્યનનું સાગર જેવું મન નદી અને ઝરણાં વચ્ચે અટવાયેલું હતું. હદયના અંદરના ખેંચાણ અને ઇન્દ્રિયોની આસક્તિ વચ્ચે એક છૂપું દ્વંદ ચાલી રહ્યું હતું. અનિર્ણાયક મોડ પર હતું આર્યનનું મન. એણે માથું ઝટક્યું. આમે ય કોઈ નિર્ણય પર આવવું પડે એ આ ઘડી તો નહોતી જ. એને સલોનીના મનના ભાવોની તો ખબર હતી જ કેમકે એ સ્પષ્ટ હતી. પણ એનું મન શ્વેતાના ભાવોને પકડી શક્યું નહોતું. જોઈએ કિસ્મત ક્યાં લઇ જાય છે એમ વિચારી એણે બહાર જવાની તૈયારી કરી. કારમાં બેસીને શ્વેતાને ઝડપથી sms કર્યો ને ઝટકા સાથે એણે એની કન્વરટીબલ Audi s5 ગરાજમાંથી કાઢી. 333 હોર્સપાવરની કારે આર્યનના મનના વિચારોની જેમ જ ગતિ પકડી. આર્યનના હોઠ પર સ્મિત હતું. પુરપાટ વહેતો પવન આર્યનના વાંકડિયા ઝુલ્ફો સાથે રમત રમતો હતો.

શ્વેતા ઓફિસમાંથી બહાર નીકળી જ રહી હતી એટલામાં આર્યનનો sms રણક્યો. એણે રેસ્ટોરંટની ડીટેલ્સ મોકલી હતી. Aye Dios Mio મરીનલાઈન્સ પર આવેલું એક ઇટાલિયન-મેક્ષિકન પ્રખ્યાત રેસ્તોરંટ હતું. આમ તો એ રેસ્ટોરંટ નાનું હતું પણ ત્યાનું ફૂડ બહુ જ પ્રખ્યાત હતું. નરીમાન પોઈન્ટથી મરીનલાઈન્સ બહુ દુર નહોતું. થોડી ક જ વાર માં એ મરીનલાઈન્સ પહોંચી ગઈ. આર્યન ત્યાં એની રાહ જોતો જ ઉભો હતો. પિતાના હુમલા અંગેની વિહવળતા અને આર્યન તરફ જાગેલી આસક્તિના કારણે આર્યનને મળતા જ એ એને ભેટી. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરેલાં યંગસ્ટર માટે હગ કરવું એ આમ તો સામાન્ય બાબત હતી. પણ આજે આર્યનને શ્વેતાના અચાનક ભેટવામાં કૈક જુદી જ અનુભૂતિ થઇ. આમેય એનું મન પણ શ્વેતા તરફ આસક્ત હતું જ. શ્વેતાના સુંવાળા બદનના સ્પર્શથી એનું મન રોમાંચિત થઇ ગયું. થોડી વારમાં બંનેની પ્રેમસમાધિ તૂટી. આર્યનથી અલગ થઇ શ્વેતાને ખ્યાલ આવ્યો કે કંઈક ખુબ ઝડપથી બની રહ્યું હોય. એ થોડી ઝંખવાઈ. પણ આર્યને બાજી સંભાળી લીધી. એ શ્વેતાને રેસ્ટોરંટની અંદર દોરી ગયો.

એક કોર્નરમાં આવેલા ટેબલ પર બંને આમને સામને બેઠા. બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા. ક્યાય સુધી બે માંથી એકેય કઈ બોલ્યું જ નહિ. શ્વેતાએ માર્ક કર્યું કે આજે આર્યન વધુ સોહામણો લાગતો હતો. ક્રીમ કલરના પેન્ટ પર એણે લાઈટ બ્રાઉન કલરનું ટૂંકી બાંયનું શર્ટ પહેરેલું હતું. જે એના મજબુત અને કસાયેલા દેહને ખુબ આકર્ષક રીતે શોભતા હતા. એના વાંકડિયા વાળ પવનના કારણે અસ્તવ્યસ્ત થઇ ગયેલા હતા પણ એ પણ એના ચહેરાને અનેરો ઓપ આપતા હતા. ભેટતી વખતે જ વર્સાચીના Eau Fraiche ની ખુશ્બુ શ્વેતાના દિલોદિમાગ પર અસર કરી ગઈ હતી. આર્યન વસ્ત્ર પરિધાનમાંની બાબતે ખુબ જ ધ્યાન રાખતો ફાંકડો નવજુવાન હતો. એ હમેશા પોતાની જાતને ખુબ જ આગવા અંદાજમાં પેશ કરતો હતો. શ્વેતાના ચહેરા પરનું સ્મિત એના ચહેરાને વધુ સોહામણો બનાવતું હતું. જો વેઈટરે આવીને ઓર્ડર લેવાની દખલ ના કરી હોત તો એ બંને અબોલ રહીને એકમેકના રૂપની સમાધિમાં લીન જ રહ્યા હોત. શ્વેતાએ ફ્રોઝન માર્ગરીટા અને આર્યને ડર્ટી માર્ટીની ઓર્ડર કરી. બંને એ ફૂડ પણ ઓર્ડર કરી જ દીધું. જાણે એ વેઇટરને ત્યાંથી ભગાડવા ના માંગતા હોય. થોડીવારમાં ડ્રીંક સર્વ થયા. “ચીયર્સ ફોર અવર લોંગ લાસ્ટીન્ગ ફ્રેન્ડશીપ.” બંને એ ગ્લાસ ટકરાવ્યા. મેક્ષિકન રેસ્ટોરંટનું વાતાવરણ એમને પહેલી અને બીજી મુલાકાતની મેક્સિકોની એ રળિયામણી સાંજની મુલાકાતની યાદ અપાવી ગયું. બંનેની આંખોમાં પ્રેમની આસક્તિ હતી. શ્વેતાની કજરાળી આંખોમાં પ્રેમના ભાવો હતા. બંને જાણતાં હોવા છતાં એકબીજાના મનના ભાવોને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત શરુ થઇ. આર્યનનો પાર્ટી વિષે, પૌલ અને શિખા વિષે, તરેહ તરેહના વિષયો પર વાતચીત ચાલુ રહી. દરમ્યાનમાં વેઈટર એમને ઓર્ડર કરેલા બ્લેક બિન એન્ડ સાલસા સૂપ, ઇટાલિયન નાચોઝ, પેને અરેબીયાતા પાસ્તા, ચીઝ ક્વેસદિલાઝ અને બ્લેક આઈ બિન બરીતોઝ મૂકી ગયો. બંને એ ફૂડ ને ન્યાય આપવાનું શરુ કર્યું.

જમવાનું પત્યાં પછી ધીરેથી શ્વેતાએ આર્યનને એના ફાધર પર થયેલા હુમલા વિષે વાત કરી. એની વાત સાંભળીને આર્યન ચકિત જ રહી ગયો. આવી રીતે કોણ વિનાયક ભારદ્વાજ પર હુમલો કરી શકે. એના ડેડ ક્ષેમ કુશળ હતા એટલે રાહતની લાગણી અનુભવી. શ્વેતાનું ગૌર વદન પર ચિંતાની લકીરો છવાઈ ગઈ હતી. આર્યન શ્વેતાનું ચિંતાતુર મ્હો જોઇને ખુબ જ વ્યથિત થઇ ગયો.

‘શ્વેતા ડીયર” એનો નાજુક હાથ એના હાથમાં લઈને આર્યન બોલ્યો, “હું તારી પડખે છું શ્વેતા. તું ચિંતા ના કરીશ. હું હુમલો કરનારના સગડ મેળવીને જ ઝંપીશ.”

“આર્યન, હું ખુબ જ એકલી પડી ગઈ છું આ સંસારમાં.” કહેતા શ્વેતાની આંખોમાં આંસુ આવી ગયા. “મારી મોમ નો સહારો પરી પાસેથી છીનવાઈ ગયો. હું કોને મારા દિલની મુંઝવણો કહું?”

“અરે શ્વેતા, હું તારો ફ્રેન્ડ છું. તું મારી પાસે તારું દિલ હળવું કરી શકે છે. એટલો તો વિશ્વાસ છે ને તને મારી પર?” આમ તો એમની ઓળખાણ પીછાણ થયે ઝાઝો સમય નહોતો વીત્યો છતાં ટૂંક સમયમાં એમની વચ્ચે ઘનિષ્ઠતા કેળવાઈ હતી. થોડી વાતચીતો પછી બંને રેસ્તોરંટની બહાર નીકળ્યાં. બંને ચાલતા પોતાની કાર પાસે આવ્યાં. આર્યન શ્વેતાને આશ્વાસન આપતો જ રહ્યો. છેવટે બંને છુટા પડ્યા. શ્વેતા એની કાર પાસે આવી કારનું ડોર ખોલતી હતી. આર્યન ત્યાં જ ઉભો રહીને એની સોહામણી કાયાને જોતો હતો. શ્વેતાની નજર આર્યન તરફ વળી. આર્યનની નજરમાં શ્વેતા તરફની આસક્તિ હતી. અચાનક શ્વેતા દોડી ને આર્યનની કાયાને એમ વીંટળાઈ ગઈ જાણે લતા કેળ સ્તંભ પર વીંટળાઈ જાય. કંઈ પણ બોલ્યા વિના શ્વેતાએ ભેટીને પ્રેમની અભિવ્યક્તિ કરી દીધી. અને બીજી જ પળે એનાથી અળગી થઇ કારમાં બેસી ગઈ.

શ્વેતાની બ્લુ બેન્ટલી ભારદ્વાજ નિવાસ તરફ સરતી ગઈ.

ક્રમશ: –અજય પંચાલ