SEEMA books and stories free download online pdf in Gujarati

SEEMA

એક નાનકડી ઢીંગલીની લાંબી વારતા -સીમા (૧૯૫૫) -કિશોર શાહઃસંગોઇ

અમીય ચક્રબર્તીએ બિરાજ બહુ, કઠપુતલી જેવી સ્વચ્છ સામાજીક ફિલ્મો આપી છે. સીમા ફોર્મ્યુલા પ્રવાહ કરતાં વેગળી ફિલ્મ છે. સીમામાં એક નારીની લાચારી, લાગણીઓ, સહનશક્તિની પરાકાષ્ઠા અને એ સામેની લડત દર્શાવાઇ છે.

કલાકાર : નુતન-બલરાજ સહાની-સુંદર-પ્રતિમા દેવી-સી.એસ. દુબે-મુમતાઝ અલી-શુભા ખોટે અને અન્ય.

સંવાદ : ચન્દ્રકાન્ત

ફોટોગ્રાફી : વી. બાબાસાહેબ

ઍડીટીંગ : ડી.બી. જોશી

ગાયક્ : લતા મંગેશકર-મહમદ રફી-મન્ના ડે

ગીત : શૈલેન્દ્ર-હસરત જયપુરી

સંગીત : શંકર જયકિશન

વાર્તા-સ્ક્રીન પ્લે-દિગ્દર્શન-પ્રોડ્યુસર : અમીય ચક્રબર્તી

શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમા રહેતા ગરીબો અમીર બનવાના સપના જુએ છે. એમાંનો એક જુગારી છે, કાશીનાથ (કૃષ્ણકાન્ત). અનાથ રાધા(નુતન) કાકા-કાકી(પરવીન પૌલ) કાશીનાથ અને એની કર્કશા પત્ની સાથે રહે છે. સતત મહેણાં સાંભળતી રાધા એક ઘરમાં વાસણ માંજવાની નોકરી કરે છે. એની શેઠાણી પણ કડક છે. ત્યાં કામ કરતો નોકર રસોયો બાંકે (સી.એસ. દુબે) રાધાને વશમાં કરવા માગે છે. રાધા મચક નથી આપતી. વિસ્તારના બાળકોને રોજ નવી વાર્તા સંભળાવતી રાધા પ્રિય છે. કાકીથી પીડિત ભૂખી રાધા બાળકોને ‘‘છોટી સી ગુડિયા કી લંબી કહાની’’ સંભળાવે છે.

બાંકેના વશમાં રાધા ન આવતાં બાંકે કાવતરું કરી રાધાને ચોરીના આરોપમાં પકડાવે છે. રાધા સારી ચાલચલગતને હિસાબે એક વર્ષના બોન્ડ પર જામીન પર છૂટે છે. ચોરીનું કલંક ધરાવતી રાધાને કાકા-કાકી ઘરમાંથી કાઢી મૂકે છે. બેઘર બનેલી ઇમાનદાર રાધા જ્યાં જાય છે ત્યાં સાચો ઇતિહાસ કહે છે એટલે એને કોઇ નોકરી નથી આપતું. બે દિવસની ભૂખી બેઠેલી રાધાના પગ પાસે ગીત ગાતા ભિખારીને અપાયેલી ભીખનો સિક્કો પડે છે. રાધા પંજાથી સિક્કો ખેંચી લે છે પરંતુ એની ઇમાનદારી જાગ્રત થતાં એ સિક્કો ભિખારીને પાછો આપી દે છે. એ બાંકેના ઘરે જઇ પહોંચે છે. એ બાંકેને ફટકારે છે. બાંકે પોલીસને બોલાવી લાવે છે. રાધાની ફરી ધરપકડ થાય છે. આ વખતે કાકા-કાકી એને રાખવા તૈયાર નથી. રાધાને આશ્રમમાં મોકલી દેવાય છે.

ક્રોધમાં ઉધામાં કરતી રાધા સત્યાનંદ અનાથ આશ્રમમાં આવે છે. આશ્રમના વડા છે અશોક (બલરાજ સહાની). પ્રેમથી બધા એમને બાબુજી કહે છે. એ હૃદયરોગના દદર્ી છે. બાબુજીના સાથીદારો છે સુપ્રિન્ટેન્ડેન્ટ દીદી (પ્રતિમા દેવી) અને મુરલીધર (સુંદર). મનથી ઘવાયેલી અને બાંકે સામે બદલો લેવા માગતી રાધા આશ્રમમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. દીદી બાબુજીને રાધા વિશે કહે છે ત્યારે બાબુજી કહે છે : જબ ઇન્સાન, ઇન્સાનોં સે ઘીર જાતા હૈ તો જીંદગી સે ભાગના ચાહતા હૈ. રાધાના ઉધામા આખો આશ્રમ માથે લે છે. ફરી દલીલ કરતાં બાબુજી દીદીને કહે છે : હર ઇન્સાન કી જીંદગીમેં ઐસા વક્ત એક બાર આતા હૈ જહાં સે ઉસકી જીંદગી શુરૂ હોતી હૈ યા ફીર ખત્મ હો જાતી હૈ. આજ ઇસ લડકી કી જીંદગી મેં ઐસા હી વક્ત આયા હૈ. વો જીંદગી ઔર મૌત કી સીમા તક આ પહોંચી હૈ. અગર હમ ઉસકો થોડી સી મદદ કરેંગે તો શાયદ ઉસકી જીંદગી બચ જાયે. ઔર અગર નહીં તો હમેશ કે લીએ ખત્મ હો જાયેગી. હમ ચાહતે હૈ કી વો ફીર સે અપને પાંવ પર ખડી હો જાયે.

તોફાન કરવા માટે રાધાને એકાંતવાસની સજા થાય છે. એકાંત ઓરડામાં રાધા તોડફોડ કરે છે. આશ્રમના હૉલમાં ગીત ગાતા બાબુજીના શબ્દો રાધાના કાને પડે છે. તું પ્યાર કા સાગર હૈ. રાધાનું મન થોડું શાંત થાય છે. રાધા ભૂખ હડતાળ પર ઉતરે છે. એને મનાવવા ગયેલી પુતલી (શુભા ખોટે) સાથે લડી પડે છે. પુતલી ચોરીની સજા ભોગવતી હોય છે. રાધાની જીત પછી બન્ને મિત્રો બની જાય છે. બાબુજી એક નાનકડી કન્યા સાથે થાળી મોકલે છે. રાધા બાળકીને હડસેલી થાળી ફેંકી દે છે. રડતી બાળકી પ્રત્યે રાધાને સહાનુભૂતિ થાય છે. એ એને ગોદમાં લે છે. ભૂખ હડતાળ પૂરી થાય છે. રાધા અન્ય મહિલાઓ સાથે ભળતી થાય છે. પુતલી ગીત ગાઇ ખુશી ઉજવે છે. ‘‘બાત બાત પે રૂઠો ના.’’ બાબુજીનો આ પ્રથમ વિજય છે.

આશ્રમમાં સિવણ કળા, સંગીત, શિક્ષણ, પી.ટી. વગેરે શીખવાય છે. દિવસો પસાર થાય છે. વાદળો વિખરાય છે. રાધાની એકાંત શિક્ષા પૂરી થાય છે. રાધા બાંકે પર બદલો લેવા આશ્રમ બહાર જવાની માગણી કરે છે પણ એ માગણી મંજુર નથી થતી. બાબુજી પુરાવા ભેગા કરી પોલીસમાં અને કોર્ટમાં ગૌરી પરના આરોપને ખોટો સાબિત કરે છે. ગૌરી ખુશ થઇ જાય છે. એના પર આરોપ ન હોતાં બાબુજી એને આશ્રમમાંથી રજા આપવાની વાત કરે છે. ગૌરી ન જવાની જીદ કરે છે. ગૌરીને આશ્રમની નોકરીએ રાખી લેવાય છે.

એક રાત્રે પુતલીની મદદથી રાધા દિવાલ કુદાવી બાંકેના ઘરે જાય છે. રાધા લાકડીથી બાંકેને ઝૂડી નાખે છે. એ આશ્રમ પર પાછી ફરે છે ત્યારે આશ્રમના દરવાજે એને ભાગી જવાનું મન થાય છે. રાધા ભાગી ગઇ છે એની ખબર બાબુજીને પડે છે. એમને આશા છે કે રાધા પાછી ફરશે. તેઓ પોલીસને ખબર નથી આપતા. તેઓ પ્રાર્થના ખંડમાં પ્રભુ પાસે ગાય છે. કહાં જા રહા હૈ....રાધા પાછી ફરે છે. ભાગી જવા એની પૂછતાછ થાય છે. સજા રૂપે એકાંતની શિક્ષા થાય છે. એકાંતવાસના ઓરડામાં પુરાયેલી રાધા ગુસ્સામાં ફરી તોડફોડ કરે છે. અસ્વસ્થ હોવા છતાં બાબુજી એને મળવા જાય છે. રાધા ગાતી જાય ‘‘મન મોહના બડે જૂઠે’’ અને કાચ તોડતી જાય. હાથમાં ખડગની જેમ પકડેલા કાચથી હુમલો કરવા જતી રણચંડી જેવી રાધા સામે બાબુજી ઊભા રહી જાય છે. રાધા થીજી જાય છે. બાબુજી એના ગળાના વખાણ કરે છે. તેઓ રાધાને ગીત ગાવાનો આગ્રહ કરે છે. રાધા ગાય છે : મન મોહના બડે ઝૂઠે.....

એક દિવસ પુતલીને મળવા એનો ગામવાળો ચંદુલાલ આવે છે. ચંદુલાલ લાગ મળતાં આશ્રમની તિજોરીમાંથી ત્રણ હજાર રૂપિયા ચોરી કરે છે. પુતલી એને જોઇ જાય છે અને ચોરી ન કરવા સમજાવે છે. ચંદુલાલ સાયકલ પર નાસે છે. પુતલી બીજી સાયકલ પર એનો પીછો કરી એને પકડી પાડે છે. ચોર પકડીને આશ્રમના રૂપિયા બચાવવા બદલ પુતલીને પગભર થવા સીલાઇ મશીનની ભેટ મળે છે.

પત્નીને તેડવા આવેલા એક શરાબી સાથે ઉગ્ર વાદવિવાદ થતાં બાબુજીને હાર્ટ ઍટેક આવે છે. ડૉકટર એમને તદ્દન આરામની સલાહ આપે છે. બાબુજીની સેવા કરતી ગૌરી આડકતરી રીતે એમની સાથે જોડાઇ જવાનો પ્રસ્તાવ મૂકે છે. બાબુજી આ પ્રસ્તાવ ઠુકરાવે છે. બાબુજી એની પાસે વચન લે છે કે તેઓ જ્યાં કહેશે ત્યાં ગૌરી ઘર વસાવશે. બાબુજી મુરલીધરને રાધા સાથે લગ્ન કરવા દબાણ કરે છે. મથામણોના અંતે મુરલી માની જાય છે પણ રાધાનું મન માનતું નથી. મુરલી પણ એને બાબુજીને આપેલું વચન તોડવા અને બાબુજીને સાથ આપવા કહે છે. એ ગૌરીને બાબુજી સાથે બહારગામ જવા પ્રેરે છે. મુરલી રાધાને બહેન બનાવે છે. દરિયા કિનારે ફરવા ગયેલા બાબુજીને હાર્ટ ઍટેક આવે છે. તેઓ બાંકડા પર ફસડાઇ પડે છે. રાધા ત્યાં પહોંચી, બાબુજીને ટેકો આપી ઘરે લાવે છે. બાબુજીની લાકડી દરિયા કિનારે છૂટી જાય છે અને રાધા એમની ટેકણ-લાકડી બને છે.....

ગીત-સંગીત : અર્થપૂર્ણ પંક્તિઓ ધરાવતા મધુર ગીતોને શંકર-જયકિશને કર્ણપ્રિય સંગીતથી સજાવ્યા છે. એકાદ ગીત સીવાય બધા જ ગીતો લોકપ્રિય થયા હતા. બેકગ્રાઉન્ડ સંગીતમાં પણ સિતાર અને દેવળમાં વપરાતા ઓર્ગનનો સુંદર સાથ મળ્યો છે.

* સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની (લતા) : ફિલ્મમાં બે વખત ગવાયેલા ગીતનો આ કરૂણ ભાગ છે. આ ગીતમાં એક અનાથ અને ગરીબ કન્યાના ભગ્ન સપનાઓની વાત વ્યક્ત થઇ છે. આ ગીતને સિતારના સૂરો નિખારે છે.

* યે દુનિયા ગમ કા મેલા હૈ (રફી) : ફિલ્મમાં આ ગીત હારમોનિયમ ધરાવતા ભિક્ષુકના મુખે ગવાયું છે. એની પંક્તિઓ જોઇએ. ભરા હો પેટ તો સંસાર ઝગમગાતા હૈ/સતાયે ભૂખ તો ઇમાન ડગમગાતા હૈ/ભલાઇ કીજીયે દો દિન કે યે નઝારે હૈ.

* તું પ્યાર કા સાગર હૈ (મન્ના ડે-કોરસ) : આ અર્થપૂર્ણ ટાઇટલ ગીતમાં ઇશ્વર પાસે દયા-કરૂણાની યાચના કરાઇ છે. એની પંક્તિઓમાં કાવ્યત્મકતા અને ફિલોસોફી છલકે છે. કહે છે : ઘાયલ મન કા પાગલ પંછી ઉડને કો બેકરાર/પંખ હૈ કોમલ આંખ હૈ ધુંધલી જાના હૈ સાગર પાર/કાનોં મેં જરા કહે દે કી આયે કૌન દિશા સે હમ. અહીં તનની નહીં પણ મનની ઘાયલ અવસ્થા કહેવાઇ છે. કવિ ઇશ્વરને સંબોધી પૂછે છે : અમેે ક્યાંથી આવ્યા એની તો જાણ કર ! બીજી એક પંક્તિમાં પણ પ્રશ્નાર્થ છે. ઉધર ઝૂમ કે ગાયે જીંદગી, ઇધર હૈ મૌત ખડી/ કોઇ ક્યા જાને કહાં હૈ સીમા ઉલઝન આ ન પડી. જીવન અને મૃત્યુ વચ્ચેની સીમા શોધવાની વાતમાં તો કેટલાયે ગુરૂઓ અને ધર્મગ્રંથો મૂંઝાયા હશે !

* બાત બાત મેં રૂઠો ના (લતા) : શુભા ખોટે પર ફિલ્માવાયેલા આ ગીતમાં ઍકોર્ડિયનને મોકળું મેદાન મળ્યું છે. આ ગીતની કેટલીક પંક્તિઓ જોઇએ. ઢલતી હૈ રાતેં લેકર અંધેરા/લાયી બહારેં નયા સવેરા/જીવન સફર મેં સુખ હો યા દુઃખ હો/ કરના પડે ગા બસેરા. - ફુલ ખુશી કે હર કોઇ લે લે/ કોઇ ન દેખે આંસુ કે મેલે/તુમ જો હસોગે તો હસ દેગી દુનિયા/ રોના પડેગા અકેલે.

* સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની (લતા) : આ ગીત કન્યાના જીવનમાં વ્યાપતા સુખનું દર્પણ છે. જલતરંગ અને સિતાર આ ગીતને મધુરતા બક્ષે છે.

* તું પ્યાર કા સાગર હૈ (મન્ના ડે-કોરસ) : પ્રાર્થના રૂપે આ ગીત બેકગ્રાઉડમાં ગવાય છે. આ ગીતમાં બાબુજીને કેન્દ્રમાં રખાય છે.

* કહાં જા રહા હૈ તું અય જાનેવાલે (મન્ના ડે) : આ ગીત સંદેશાત્મક છે. એની પંક્તિઓમાં સંદેશ છે : જો ઠોકર ન ખાયે, નહીં જીત ઉસકી/જો ગીર કે સંભલ જાયે હૈ જીત ઉસકી.

* મન મોહના બડે ઝૂઠે (લતા) : આ ગીત સેમીક્લાસીકલ છે. સારંગી-સિતાર-ફ્લ્યુટ અને તબલાં આ ગીતને ઊંચાઇ બક્ષે છે.

સમયના ચમકારા : એ સમયે ૩૦ રૂપિયાના પગારમાં નભી જતું. બારીના કાચ આઠ રૂપિયા ચૌદ આને ડઝન મળતા. એક સ્થળે દાગ ફિલ્મનું પોસ્ટર દેખાય છે. સ્ત્રીઓમાં પરપુરૂષ સામે ઘુંઘટ કાઢવાની પ્રથા હતી. મુંબઇના રસ્તાઓ પર જરાયે ટ્રાફિક ન્હોતો. રોડ પર ગૅસના દિવાઓ હતા. આશ્રમના પ્રાર્થના ખંડમાં પગેથી ચાલતું ધમણવાળું હારમોનિયમ (રીડ ઑર્ગન) અને દત્ત ભગવાનની મૂર્તિ છે.

દિગ્દર્શન-ફોટોગ્રાફી-અભિનય : ફોટોગ્રાફીની વાત કરીએ તો આ બ્લેક-વ્હાઇટ ફિલ્મમાં કેમેરાને મોકળું મેદાન મળ્યું છે. પ્રથમ શોટથી જ ૧/૪-૩/૪ પરિમાણ જળવાયું છે. એ સમયના મર્યાદિત સગવડો ધરાવતા કૅમેરા અને લૅન્સો હોવા છતાં ફોટોગ્રાફી સુરેખ છે. એક સ્થળે ઓરડાની બહારની દિવાલ પર લાઇટ ઇફેક્ટ દ્વારા જાળીનો પડછાયો દર્શાવાયો છે. જાણે આશ્રમ પણ એક પ્રકારની જેલ હોય. નુતનના ક્લોઝઅપ પણ સુંદર છે. એક સ્થળે નૂતનના પગના પંજાનો અભિનય મેદાન મારી જાય છે. એ જમીન પર પડેલા સિક્કાને પગની આંગળીઓથી દબાવીને પોતા તરફ ખેંચે છે ત્યારે આંગળીઓની ભીંસ એવી દેખાય છે જાણે કોઇ શીકારી પ્રાણીએ પંજામાં પોતાના શિકારને દબાવ્યો હોય. આવો જ અભિનય નુતને બંદિનીમાં અંગુઠાથી જમીન ખોતરવાનો કર્યો હતો. નુતનના અભિનય બાબતે લખવાનું તો હોય જ નહીં. એ અભિનય તો માણવો જોઇએ. નુતન માત્ર ચહેરા દ્વારા પણ ઘણું કહી જતી હોય છે. એનું સ્મિત, એનો ગુસ્સો, એની ગંભીરતા અને એનો પ્રેમ ચહેરા દ્વારા જ પ્રગટ થતો રહે છે. બલરાજ સહાની યુવાન હોવા છતાં આધેડની ભુમિકામાં છવાય છે. સમગ્ર ફિલ્મમાં લાકડીના ટેકે ચાલવામાં ખોડંગાવું, ઉંમર દેખાડવા છાતી અંદર અને ખભા થોડા ઊંચા રાખવા, લાંબા સંવાદોની ડીલીવરીમાં પણ ચહેરા અને આંગિક અભિનયનું ધ્યાન રાખવું, કપાળ પરના સળો દ્વારા કશું કહ્યા વિના ચિંતા વ્યક્ત કરવી, આ બધી બાબતો કુશળ કલાકાર જ કરી શકે. શુભા ખોટેની આ પ્રથમ ફિલ્મ હોવા છતાં એની પાસે અનુભવી કલાકાર હોય એવું કામ લેવાયું છે. એ સમયે શુભા ખોટે નેશનલ સ્તરે સાઇકલીંગ ચેમ્પીયન હતી. દિગ્દર્શકે એની આ ક્ષમતાનો સુંદર ઉપયોગ કર્યો. સાયકલ પર ભાગતા ચોરને પકડવા શુભા ખોટે સાઇકલ પર પીછો કરે છે. આ પ્રસંગે દો બીઘા જમીનની રીક્ષા રેસ યાદ આવી જાય. શુભા ખોટેના મુખે બોલાતા ‘‘ક્યા, બાત હૈ.’’ વાક્યની ડીલીવરી દાદ માગી લે એવી છે. કોમેડીયન સુંદર પણ મર્યાદામાં રહી પાત્ર નિભાવી જાય છે.

પ્રેમીઓ અને ગુનાખોરીની ફિલ્મોના જમાનામાં સીમાએ સફળતાની સર્વ સીમાઓ તોડી નાખી. આ ફિલ્મ કેટલાક અંશે મનોવિજ્ઞાન પર પણ આધાર રાખે છે. ઇમાનદાર માણસને બેઇમાન સાબિત કરો તો એના મનમાં કેવી પ્રતિક્રિયાઓ થાય, કેવો વિદ્રોહ જાગે, એનું તાદૃશ ચિત્રણ અહીં કરાયું છે. આવા પ્રસંગોમાંથી પસાર થયેલી વ્યક્તિને આ ફિલ્મ પોતાની જ કથા લાગે. બલરાજ સહાની માત્ર આશ્રમના વડા નથી પણ ગુનેગાર માનસ ધરાવતી સ્ત્રીઓને દમદાટી કે માર્યા વિના સુધારવાના હિમાયતી છે. એમના પ્રયોગો સફળ પણ થયા છે. અહીં આવો જ પ્રશ્ન ધરાવતી ફિલ્મ ‘‘દો આંખેં બારા હાથ’’ યાદ આવી જાય. એ પણ અત્યંત સફળ પ્રયોગલક્ષી ફિલ્મ હતી. અહીં બાબુજી અને રાધા વચ્ચેનો પ્રેમ પણ પ્લુટોનીક પ્રેમ દર્શાવાયો છે. સમગ્ર ફિલ્મમાં વેવલાવેડા કે આછલકાઇ નથી ડોકાતી. ગીત-સંગીત આ ફિલ્મનું જમા પાસું છે. એ સમય સંગીતનો સોનેરી કાળ હતો. અમીય ચક્રબર્તી ચુસ્ત કથા, પટકથા, સંગીત, અભિનય વગેરે પાસાં સબળ રાખી, ફોર્મ્યુલા ફિલ્મનો રાહ ચાતરીને પણ સફળ રહ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED