Youth-7 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Youth-7

યુવા જોશ-7

ટાઈટલ- ટાઈમને સંપત્તિ અને ચાન્સને પ્રોફિટ સમજો

લેખક- મહર્ષિ દેસાઈ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ

ટાઈમને સંપત્તિ અને ચાન્સને પ્રોફિટ સમજો તો યુવાનીમાં તમારે સમય સિવાય કશું ગુમાવવાનું નહીં આવે. સમયની કિંમત યુવાનીમાં જેમને સમજાય છે, એમને આંબા વાવ્યા હોય એમ વર્ષો પછી એ જ સમય નામનું વૃક્ષ કેરી બનીને ફળ આપતું રહેતું હોય છે. યુવાનીમાં તમને મળેલી દરેક તકો યા દરેક ચાન્સ તમારે એક પ્રકારના નફા યા પ્રોફિટ તરીકે જોવાનું અને સમજવાનું છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના ચુસ્ત સમર્થક અને વિશ્વપ્રસિદ્ધ દાનવીર અને બિઝનેસમેન વોરન બફેટ (જન્મ-1930) 86મા વર્ષે પણ નિયમિત પોતાની બર્કશાઈર હેથવે કંપનીની ઓફિસે જાય છે અને રોજિંદું કામ કરે છે. તેમની ડિક્ષનરીમાં “નવરાશ”, “કંટાળો”, “ટાઈમપાસ” કે “બિઝી છું.” એવા શબ્દો આવતા નથી.

વોરન બફેટ ભલે ઈન્વેસ્ટર રહ્યા, તેઓ અર્થશાસ્ત્રની જે સમજ ધરાવે છે, તે જ સમજ આપણા સામાન્ય જીવન અને વ્યવહારમાં પણ એટલી જ ઉપયોગી બને છે. તેઓ કહે છે કે “ઈન્વેસ્ટમેન્ટનો બેઝિક આઈડિયા જ એ છે કે તમે તમારી સામે પડેલા સ્ટોકને એક બિઝનેસ તરીકે જ જુઓ. માર્કેટના ચઢાવ-ઉતારને તમે તમારા ફાયદામાં, તમારી તરફેણમાં જુઓ અને માર્જિનની સલામતી માટે હંમેશા જાગૃત તથા ચિંતિત રહો.”

વોરન બફેટની આ જ વાત આપણે વ્યક્તિત્વ-વિકાસ અને યુવાવિકાસના એંગલથી પણ વિચારી શકીએ. યુવાનો પાસે હંમેશા ટાઈમ જ ટાઈમ હોય છે. ખરેખર તો આ ટાઈમ જ યુવાનોની સૌથી મોટી એસેટ્સ હોય છે. જેને મોટા ભાગના યુવાનો કદાચ વેડફી નાખતા પણ હોય છે. બફેટ કહે છે એમ, તમારી સામે પડેલા ટાઈમ નામના સ્ટોકને તમે એક બિઝનેસ અથવા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ. તમારી પાસે જે ટાઈમ છે, તેનું પ્રોડક્શન યા રિ-પ્રોડક્શન કરી શકાવાનું નથી. મળેલા સમયનો જ તમારે સદુપયોગ કરવાનો છે.

બફેટની વાતમાંથી પોઝિટીવ થિન્કિંગ એ લેવાનું છે કે માર્કેટના ચઢાવ-ઉતારને તમે તમારા ફાયદામાં નિહાળો. સાવ સીધો અને સરળ અર્થ લઈએ કે આપણી આસપાસની દુનિયામાં બનતી ઘટના, બનાવો, પ્રસંગોને આપણે આપણી તરફેણમાં, આપણા ફાયદામાં લઈએ અને વિચારીએ એ ગુણ પણ આપણો પોઝિટીવ એપ્રોચ જ ગણાય.

હા, બફેટની આ વાત પણ મહત્વની છે કે માર્જિનની સલામતી માટે તમારે ચિંતિત અને જાગૃત રહેવું પડે. જો તમે કોઈ પણ કામ કરો તેની પાછળ તમારો અમૂલ્ય સમય ખર્ચાય અને તમને એના થકી જો કોઈ જ ફાયદો થવાનો ના હોય કે ના થયો હોય તો એવા કાર્યનો કોઈ અર્થ નથી. દરેક કાર્ય અને દરેક ટાઈમ શેડ્યુલનું મહત્વ તમારે જાતે જ નક્કી કરવાનું હોય છે, કે એમાંથી તમને શું ગેઈન મળશે.

બફેટને દુનિયાના સૌથી સફળ અને મોટા રોકાણકાર તરીકે ફોર્બની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિને તેમને દુનિયામાં સૌથી વધુ સુખી અને સૌથી વધુ વગદાર વ્યક્તિ તરીકે સ્થાન આપેલું છે. યુવાવિકાસ માટે અને યુવાજાગૃતિ માટે આવી મહાન અને સફળ વ્યક્તિઓનું જીવન અને તેમના જીવનના નાના નાના પ્રસંગો પણ પ્રેરણાનું ઝરણું સાબિત થતા હોય છે.

બફેટ દુનિયાના સૌથી મોટા દાનવીર તરીકે પણ જાણીતા છે. તેમના દાનેશ્વરી સ્વભાવના સંખ્યાબંધ કિસ્સાઓ છે. તેઓ દુનિયાની સૌથી મોટી જેટ વિમાન કંપનીના માલિક હોવા છતા તેમણે પોતાની માલિકીનું એક પણ જેટ વિમાન ખરીદ્યું નથી કે વસાવ્યું નથી. તેમનું કહેવું છે કે “મારે જ્યારે જરુર હોય ત્યારે હું સામાન્ય નાગરિકની જેમ જ એરપોર્ટ ઉપર પહોંચી શકું છું અને ટિકિટ લઈને ફ્લાય કરી શકું છું, તો પછી મારે જેટ યા બીજું ખાનગી વિમાન ખરીદવાની કે વસાવવાની શું જરુર છે. મારે કોઈ સંપત્તિનો દેખાડો કરવો નથી.”

બફેટનો અમેરિકામાં વૈભવી વિલા છે, પણ તેમ છતા તેઓ સાદગીમાં માને છે. તેમને પોતાના કામ જાતે જ કરવાની આદત છે. નમ્રતા તેમનો સદગુણ છે. ધીમા સ્વરે વાતચીત કરવી એ તેમનો સ્વભાવ છે. તેઓ માને છે કે પોતાના વ્યક્તિત્વથી અને પોતાના વ્યવહારથી તેઓ લોકોને કશુંક શીખવી શકે. તેઓ ઉપદેશ આપવામાં કે લોકોને સલાહો આપવામાં માનતા નથી. માત્ર પોતાનો વ્યવહાર એવો હોવો જોઈએ કે લોકો એને અનુસરે.

સને 2012માં તેમણે બિલ ગેટ્સ ફાઉન્ડેશન મારફતે પોતાની 99 ટકા સંપત્તિનું જરુરીયાતમંદ લોકોના કલ્યાણ અર્થે વાપરવામાં આવે એ રીતે દાન કરેલું છે. રાજનેતા નહીં હોવા છતા વોરન બફેટ ડેમોક્રેટિક પાર્ટીના અને તેના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના ચુસ્ત સમર્થક રહ્યા છે.

ટાઈમને સંપત્તિ અને ચાન્સને પ્રોફિટ સમજો તો યુવાનીમાં તમારે સમય સિવાય કશું ગુમાવવાનું નહીં આવે. સમયની કિંમત યુવાનીમાં જેમને સમજાય છે, એમને આંબા વાવ્યા હોય એમ વર્ષો પછી એ જ સમય નામનું વૃક્ષ કેરી બનીને ફળ આપતું રહેતું હોય છે. યુવાનીમાં તમને મળેલી દરેક તકો યા દરેક ચાન્સ તમારે એક પ્રકારના નફા યા પ્રોફિટ તરીકે જોવાનું અને સમજવાનું છે.

જ્યારે તમે જિંદગીમાં કોઈ ચાન્સને અલવિદા કરી દો છો, ત્યારે તમને સૌપ્રથમ તો ખબર જ પડતી નથી કે તમે શું ગુમાવી રહ્યા છો. પરંતુ તમને મળેલો ચાન્સ તમે ઈનકાર કરવાના કારણે તમારા જ મિત્ર, દોસ્ત યા પ્રતિસ્પર્ધીને મળી જાય છે અને એ ચાન્સને સામી વ્યક્તિ સારી રીતે નિભાવીને સફળતાની ટોચ ઉપર પહોંચી જતો તમે નિહાળી રહ્યા હોવ ત્યારે તમને તમારી ભુલનો ખરો અહેસાસ થતો હોય છે. પરંતુ એ વખતે અફસોસ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે ગયેલો ચાન્સ અને ગયેલો સમય તમારા હાથમાં કદીય ફરી પાછો આવતો નથી.

ઘણી વાર પામ્યા કરતા ગુમાવ્યાનો આનંદ પણ બમણો હોય છે. બધો આધાર તમારા દૃષ્ટિકોણ ઉપર રહેલો હોય છે. પોઝિટીવ થિન્કિંગ અને પોઝિટીવ એપ્રોચ તમારી જિંદગી બદલી શકે છે. એક સરસ મજાની વાત છે. એક બાળકને તેના માતા-પિતાએ રોબો-ટાઈપ ટોય-કાર અપાવી હતી. બાળક ખુશખુશાલ હતો અને આખો દિવસ એ રમકડાંની કાર સાથે રમ્યા કરતો. રાતે સૂતી વખતે પણ બાળક પોતાની સાથે જ કાર લઈને સૂવે.

એક દિવસ એવું બન્યું કે પેલા બાળકની રમકડાંની કાર ખોવાઈ ગઈ. તેની સાથે રમવા માટે પડોશમાંથી આવતો તેનો મિત્ર તો આ જાણીને ખુબ દુઃખી દુઃખી થઈ ગયો. તેને એમ થયું કે હવે પેલી ઓટોમેટિક કાર રમવા નહીં મળે. પરંતુ જેનું રમકડું ખોવાયું હતું તે બાળકને તો કાર ખોવાયાનું કે કાર ગુમાવ્યાનું ઝાઝું દુઃખ નહોતું. તેના પડોશી મિત્રએ પૂછ્યું પણ ખરું કે “તારી કાર ખોવાઈ ગઈ તો પણ તને કશું દુઃખ થતું નથી?”

આ બાળકે ખુબ સરસ એવો પોઝિટીવ રિપ્લાય આપ્યો કે “હા, દુઃખ તો જરુર થાય. પરંતુ મારાં મમ્મી-પપ્પા હમણા ઘરે આવશે ને એમને ખબર પડશે કે રમકડાંની કાર ખોવાઈ ગઈ છે, તો તેઓ મને કાલ સવારે બીજી કાર લાવી આપશે. આથી મને એની કોઈ ચિંતા નથી.”

જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી વાર આપણને દુઃખ થાય એવી ઘટનાઓ બનતી હોય છે. કેટલીક ઘટના તો આપણી આસપાસ બનતી હોય અને એમાંની કેટલીક ઘટના તો આપણી સાથે જોડાયેલી હોય છે. જેના કારણે આપણે દુઃખી થઈએ કે ઘડીભર ભાંગી પડતા હોઈએ છીએ. પરંતુ જો આ બાળક જેવો બાળક પણ દુઃખ આવ્યું હોવા છતા પોઝિટીવ એપ્રોચ રાખીને મક્કમ મનોબળ રાખી શકતો હોય તો આપણે કેમ ન રાખી શકીએ. મહત્વની વાત પોઝિટીવ થિન્કિંગની છે. જે બની ગયું છે તે કાળ કે સમય તો આપણે પાછો લાવી શકવાના નથી, તો પછી ગયેલા સમય વિશે વિચારીને દુઃખ કરવાના બદલે આવનારા સમય વિશે નવેસરથી આયોજન કરવા ઉપર ફોકસ કરવું જ હિતાવહ છે.

યુવાની એટલે ઉછળતો સમંદર અને પહાડ જેવડી ભરતીની લહેરો. આ લહેરો ઉપર સવાર થઈને વિહાર કે સફર કરવી એ યુવાસાહસ કરી બતાવવાની ઘડી છે. યુવાનીના જોશમાં સાહસ, હિંમત, ધૈર્ય અને સત્ય જેવા ગુણો વિકસે એ માટે પોઝિટીવ થિન્કિંગ અને પોઝિટીવ એપ્રોચ જીવનનો એક ભાગ બને એ જરુરી છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++