Youva Josh-1 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Youva Josh-1

યુવા જોશ-1

યુવાશક્તિ સમાજ અને દેશ માટે ઉપકારક

લેખકઃ- મહર્ષિ દેસાઈ

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે “કોઈ પણ રાષ્ટ્ર કે પ્રદેશની ખરી શક્તિ શસ્ત્ર કે સાધન-સરંજામમાં નથી, પરંતુ તે દેશના યુવાનો જ સાચી શક્તિ છે.”

જે દેશના યુવાનોમાં જોશ હશે, ઉત્સાહ અને ઉમંગ હશે તે જ યુવાનો દેશને અગ્રેસર બનાવી શકે અને સાથે સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ પણ કરી શકે. આપણે યુવા-જોશની વાત કરીએ તો દુનિયાની સૌથી વધુ વસતીવાળો દેશ ચીન છે, પરંતુ દુનિયામાં સૌથી વધુ યુવાનો-યુવતીઓની વસતીવાળા દેશ તરીકે આપણા ભારત દેશની ગણના થાય છે. યુવાશક્તિ સમાજ અને દેશ માટે હંમેશા ઉપકારક રહે છે. ઉત્સાહનું બીજું નામ એટલે યુવાની.

મહાત્મા ગાંધી બાપુએ સામાજિક સમરસતા અને સામાજિક વિકાસ માટે સામાજિક વિજ્ઞાનને મહત્વ આપતા કહ્યું હતું કે “દેશના વિકાસનાં મૂળ સમાજના છેવાડાના માનવીમાં અને છેવાડાના પેલા પરિવારમાં રહેલાં છે. સમાજનો સહિયારો વિકાસ થશે તો જ દેશનો ખરો વિકાસ થયો ગણાશે. આ માટે તમારે સહુએ જ્ઞાતિ-જાતિનાં બંધનો ફગાવવાં પડશે અને દરેક ભેદભાવ પણ મીટાવવા પડશે. એ વિના તમે વિકાસ પણ નહીં કરી શકો અને દેશને એક તાંતણે બાંધી પણ નહીં શકો.”

ગાંધીજીએ કહેલી આ જ વાતને ડો.બાબાસાહેબ આંબેડકરે પણ કહી હતી, તેઓએ પણ કહ્યું હતું કે “સમાજના બધા જ થરનો સમતોલ વિકાસ એ જ બધી સમસ્યાનો ઉકેલ છે. સમાજના કોઈ એક વર્ગને પાછળ રાખીને તમે (દેશ) આગળ જઈ શકો નહીં.” આજના યુવાનો-યુવતીઓ પાસે જોશ અને ઉમંગ છે, ઉત્સાહ છે. એમને યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શનની જરુર છે.

આપણા દેશની કુલ વસતી સવા અબજ છે, એમાં ટીનેજર્સથી માંડીને આઘેડ ઉંમરના એટલે કે તેર વર્ષથી માંડીને પિસ્તાળીસ વર્ષની વયજુથના નાગરિકોની ટકાવારી આપણે ત્યાં પોણા ભાગની વસતીથી પણ વધુ છે. જ્યારે સૌથી વધુ માનવશક્તિવાળા ચીનમાં યુવાનો-યુવતીઓની વસતી કુલ વસતીના માંડ વીસથી પચ્ચીસ ટકા જ છે.

મેનફોર્સ કોઈ પણ સંસ્થા-ઓફિસ કે ફેકટરી અથવા સમાજ યા દેશનું ગ્રોથ-એન્જિન ગણાય. આ દૃષ્ટિએ ચીનને યુથ-પાવરની કમી વિકાસમાં બાધારુપ બની છે. ભલે ચીનનો ગ્રોથ-રેટ આપણને મોટો જોવા મળતો હોય, પરંતુ હવા ભરેલા બલૂન-ફૂગ્ગામાંથી જેમ હવા નીકળી જાય ત્યારે છત્રી-બલૂન ધરતી ઉપર પછડાટ પામે છે, એમ બધું કડડભૂસ થઈને તૂટી પડવાની સંભાવના પુરી છે. જ્યારે સામે પક્ષે આપણા દેશની યુવાશક્તિ દિન-રાત દેશને ડેવલપમેન્ટ-ગ્રોથમાં આગળ લઈ જઈ રહી છે.

યુથની કમી એ માત્ર ચીનની જ વાત છે, એવું નથી. પશ્ચિમના દેશોમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ ઉપરાંત જાપાન અને રશિયા વગેરે દેશોમાં પણ માનવવસતીનો યુથ-ગ્રાફ ભારતથી ઉલટો છે. ભારત સિવાયના આ દેશોમાં તમે જોઈ શકો કે પચાસ અને સાહીઠથી મોટી ઉંમરની વસતી સિત્તેરથી એંસી ટકા જેટલી છે. તમને આ દેશોમાં જાહેર સ્થળોએ વૃદ્ધ અને ઉંમરલાયક પુરુષો અને સ્ત્રીઓ જ સૌથી મોટી સંખ્યામાં જોવા મળે.

આપણા ભારતીય ઉપખંડના ઈતિહાસમાં શહીદ ભગતસિંહ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને એવા સંખ્યાબંધ યુવાન પાત્રો થઈ ગયા કે જે ભારતીય યુવાનો અને યુવતીઓને સાહસ, શક્તિ, દેશપ્રેમ અને ઉત્સાહનો પ્રાણસંચાર કરી આપે છે. ઈતિહાસ માત્ર ભણવા માટે નથી. યુવાનોના બાહુબળમાં એ તાકાત હોય છે કે તેઓ દેશમાં ઈતિહાસ રચી બતાવતા હોય છે અને જુદા જુદા રેકોર્ડ કરી બતાવતા હોય છે.

યુવાની માત્ર વિદ્યાર્થી તરીકે ઈતિહાસ ભણવા માટે નહીં પરંતુ ઈતિહાસ રચવા માટે છે. યુવાનો જ કોઈ પણ દેશનું ભવિષ્ય ગણાય છે. યુવાન ડરપોક કે કાયર નહીં પણ ધૈર્યવાન અને હિઁમતવાન જોઇએ. યુવાનોમાં આક્રમકતાનો ગુણ શૌર્ય અને સ્વાભિમાનનો પુરક બની રહે છે. યુવાનોએ કંઈ યુદ્ધ લડવાના છે, એવું નથી, પરંતુ કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિથી ગભરાયા વિના હરેક પરિસ્થિતિનો મક્કમ મનોબળ સાથે સામનો કરવા માટે પોતાની આત્મશક્તિને જાગૃત કરવાની છે.

સ્વામી વિવેકાનંદજી આપણા યુવાનો-યુવતીઓ માટે યુવાશક્તિ તરીકે એક અમર પાત્ર છે. સમગ્ર દુનિયામાં એક વાર આપણો ભારત દેશ વિશ્વ-ગુરુના સ્થાને બિરાજે એ માટે સ્વામી વિવેકાનંદજીએ ખુલ્લી આંખે સપનું નિહાળ્યું હતું. તેઓએ કહેલું અમર વાક્ય આજે પણ સૌને હોઠે રમી રહ્યું છે કે “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રવૃત્ત-કાર્યરત રહો.”

યુવાનોએ શું કરવું જોઈએ? એવો સવાલ સહજપણે થાય એ સ્વાભાવિક છે. કેટલીક ટિપ્સ યુવાનો-યુવતીઓને ઉપયોગી બની રહે એવી છે.

(1) હંમેશા હકારાત્મક અભિગમ રાખો, પોઝિટિવ મેન્ટલ એપ્ટિટ્યુડ. નકારાત્મકતાથી બચવું. કોઈ આપણાથી આગળ નીકળી જાય છે અને ઓવરટેક કરે છે, તો કરવા દો. તમારી જીવનની ગતિ અને સ્પીડ ઉપર તમારો કન્ટ્રોલ હોવો જોઈએ. એમાં બીજાનું અનુકરણ જરુરી નથી.

(2) જે વ્યક્તિમાં ટેલેન્ટ હશે તેમને હંમેશા તકો મળી જ રહેતી હોય છે. ટેલેન્ટેડ વ્યક્તિ હંમેશા પોતાના ગોલ-લક્ષ્યને પાર પાડીને જ ઝંપે છે. જિનિયસ વ્યક્તિ જ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે. આ બાબત તરત નજરે પડતી નથી.

(3) સત્ય હંમેશા પ્રામાણિકતા અને ઉદારતાને સાથ આપે છે. સત્યની નિંદા હંમેશા થવાની જ છે. યુવાનોએ જ્યારે કોઈ સારું કાર્ય હાથમાં લીધું હશે ત્યારે સમાજ-સોસાયટી તેની વિરુદ્ધ બોલવાના જ અને તેનો રસ્તો રોકવાની કોશિશ પણ કરશે. પરંતુ યુવાનોએ આવી વિપરીત પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢીને આગળ વધવાનું છે.

(4) મહાન લોકો એ બાજ પક્ષી જેવા હોય છે. બાજ જેમ પોતાનો માળો-ઘર-રહેઠાણ એવા સ્થળે નથી બનાવતા કે જ્યાં ખુબ શાંતિ હોય. મહાન લોકોના નસીબમાં એકલા જ રહેવાનું હોય છે. જો તમે બાજની માફક ઊંચે આકાશમાં સફળતાનું ઉડ્ડયન કરવા માગતા હો તો તમારે એકલા ચાલવાની તૈયારી રાખવી જ પડે. હિન્દીમાં એક ગીત છે ને કે “મેં તો ચલા થા અકેલા હી જાનિબે-મંઝિલ કી તરફ, લોગ જુડતે ગયે, ઔર કારવાં બનતા ગયા.”

(5) મૃત્યુ બાદ તમે એ જ બની જવાના છો, જેવા તમે જન્મતા પૂર્વે હતા. એનો અર્થ એ છે કે જન્મ અને મૃત્યુની વચ્ચેની આપણને મળેલી જિંદગીની સફર આપણે કેવી રીતે પાર કરવાની છે, તે પણ દરેક વ્યક્તિના હાથની વાત હોય છે.

(6) માનવીના સુખ-આનંદના બે જ દુશ્મનો છે, એક તો કંટાળો-બોરડમ અને દુઃખ. જો તમે કોઈ પણ કાર્ય કરવામાં કંટાળો અનુભવતા હો તો તમે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મોડું જ કરવાના છો. બીજી મહત્વની વાત એ કે જીવનમાં ક્યારેય દુઃખ આવે તો પણ દુઃખને હસતા મુખે સ્વીકારી લેવાની ટેવ પાડો.

(7) ધન અને ખ્યાતિ એક જ ત્રાજવાના બે પલ્લાં છે. આપણે જેટલું પાણી પીએ છીએ તેટલી જ તરસ ગણાય. એટલે કે તરસનું માપ પાણીની માત્રા ગણાય. ખ્યાતિ અને ધનનાં ત્રાજવા પણ તમારી તરસ કેટલી છે, એના ઉપર આધાર રાખે છે.

(8) દરેક કાર્યને ગમતી બાબત અથવા શોખ તરીકે સ્વીકારી લેવામાં આવે તો એ કાર્ય કરવાનો પણ અનેરો આનંદ આવશે. અન્યથા કોઈ કાર્યને જો બોજ તરીકે હાથ ધરવામાં આવે તો ખરેખર એ કાર્ય તમારા માટે બોજારુપ જ બનીને આવે છે.

(9) આપણા માટે દરેક દિવસ એક નવી જિંદગીની શરુઆત છે એમ માનવાનું રાખો. જ્યારે આપણે સવારે ઊઠીએ ત્યારે એમ જ સમજવું કે આપણો આ નવો જન્મ થયો છે અને રાત એટલે મૃત્યુનું પ્રતીક. દરેક સવાર આપણા માટે આશાનું કિરણ લઈને આવનારી હોય છે. દરેક સવાર આપણા જીવનમાં યુવાની બનીને આવે છે, એવું ફિલ કરવાની જરુર છે.

કોઈ પણ કાર્ય આપણે હસતા મુખે કરીએ ત્યારે એની મજા જ કોઈ ઓર હોય છે. અંગ્રેજીમાં આપણે કહીએ છીએ કે જોબ સેટિસ્ફેક્શન. કાર્યસંતોષ. કાર્ય કરવા બદલ આપણને મળતો સંતોષ. કોઈ પણ કાર્ય આપણે હસતા મોંઢે કરીએ તો આનંદ મળે છે. એનાથી વિપરીત સ્થિતિ વિચારો કે કોઈ પણ કાર્ય આપણે દુઃખ અને વેદના સાથે કરીશું તો એનો ભાર-બોજ આપણને જ પરેશાન કરી મૂકે છે. કોઈ પણ કાર્યની સફળતાનો આધાર તમે કોઈ પણ ટાસ્કને કેવી રીતે ટેકલ કરો છો, એના ઉપર પણ રહેલો હોય છે.