યુવા જોશ-2 Youva Josh - 2 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુવા જોશ-2 Youva Josh - 2

યુવા જોશ-2

ટાઈટલઃ- હેડિંગઃ- યુવાનો પાસે તકોનો ખજાનો છે

લેખકઃ- મહર્ષિ દેસાઈ

અમેરિકાના લોકપ્રિય નેતા અબ્રાહમ લિંકને એક વાર કહ્યું હતું કે “કોઈ પણ દેશની સાચી તાકાત જેમ આર્મી ગણાય છે, એમ દેશની ખરી તાકાત તે દેશના યુવાનો-યુવતીઓ છે. યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય ઉપર જ દેશને કેવો બનાવી શકાય તેનો આધાર રહેલો છે.”

ભારતવર્ષના મહામનિષી અને યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજીએ તો પોતાની યુવાવયે જ આજથી સવા સો (125) વર્ષ પહેલા કહ્યું હતું કે “મારી આંખે જોઈ શકું છું કે મારી ભારતમાતા વિશ્વવિજેતાના રુપમાં બિરાજમાન છે. મને મારા દેશના યુવાનો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે.”

દેશના યુવાનો માટે આપણે વિઝન ડોક્યુમેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટીની વાત કરીએ. સને 2020માં તો દેશ જ નહીં દુનિયાભરમાં આમૂલ પરિવર્તન જોવા મળશે. આજે આપણા દેશમાં કુલ વસતીના પચાસ ટકા વસતી તો શહેરોમાં વસવાટ કરી રહી છે. આ વસતીનું પ્રમાણ આગામી પાંચ વર્ષમાં દસ ટકા વધી જવાનું છે. એટલે કે પાંચ વર્ષ પછી શહેરી વિસ્તારોમાં વસતા દેશના લોકો સાહીઠ ટકા જેટલા થઈ જાય. આ સમયમાં તો દેશની કુલ વસતીમાં પણ વીસેક ટકાનો વધારો નોંધાવાનો છે. સને 2011માં દેશની વસતી 121 કરોડ નોંધાઈ હતી એ હવે સને 2021માં વધીને 140 કરોડથી વધુ થવાનો અંદાજ છે.

વસતીનો વધારો આપણે યુવાનોના ભાવિનિર્માણ સંદર્ભમાં પણ સમજીએ. વધતી વસતી સાથે દેશ સમક્ષ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આવાસ સહિત આંતરમાળખાગત સુવિધાઓના પ્રશ્નો પણ ઉભા થવાના છે. માત્ર પ્રશ્ન જ નહીં, આ તમામ ક્ષેત્રોમાં વિપુલ તકોનું નિર્માણ પણ થવાનું છે. એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે અને આ સમયમાં ટેકનોલોજી સાથે કામ પાર પાડવા માટે સ્કિલ્ડ પર્સન્સને રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં વધતી રહેવાની છે. મહિલાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આથી મહિલાઓમાં પણ રોજગારીની તકો સમાન રીતે વધતી રહેવાની છે. યુવાનો અને યુવતીઓ માટે જુદા જુદા ક્ષેત્રોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો એ સાથે રોજગારીની તકો પણ ઉભી થતી રહે છે.

એકવીસમી સદી યુવાનોની સદી છે અને આજના સમયગાળામાં જેન્ડર બાયસ એટલે કે જાતિગત અસમાનતા કે જાતિગત ભેદભાવ પણ ઘટતો ગયો છે. તમે જોઈ શકો છો કે આજે યુવતીઓ સ્પેસમાં પણ જાય છે અને ફાઈટર પ્લેન પણ ઊડાડે છે. યુવતી પાઈલોટ પણ હોય છે અને યુવતી ટ્રેન ડ્રાઈવર કે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ અથવા ઓટોરિક્ષા ડ્રાઈવર તરીકે પણ કામ કરી રહી છે. કામકાજના આ બધા ક્ષેત્રો આજ પહેલા પુરુષો જ આ કામ કરી શકે એવી માનસિકતાવાળા હતા. જેમાં આજે પરિવર્તન આવી ગયું છે.

તમે આજે હવે પુરુષો જ કરતા હોય એવા કામકાજ પણ યુવતીઓ કરતી હોય એવું જોઈ શકશો. જેમ કે પ્લમ્બરનું કામ, ઈલેક્ટ્રિશિયન તરીકેનું કામકાજ, ઓટો મિકેનિક અને ફિટર કે ટર્નર જેવા કામકાજમાં હંમેશા શારીરિક બળ એટલે કે ક્ષમ વધુ કરવો પડતો હોય છે. આવા મેનફોર્સ યા તો હ્યુમન પાવર જરુરી હોય એવા મહેનત કરવાના કામકાજમાં પણ યુવતીઓએ કદમ મૂક્યા જ છે. રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (રાજ્ય એસ.ટી.નિગમ)એ તો ઓટો મિકેનિક તરીકે કાયદેસર રીતે યુવતીઓની ભરતી કરીને તેમને નોકરી પણ આપી છે. આ મહિલા ઓટો મિકેનિક એસ.ટી. બસનું રિપેરિંગ પણ કરે છે અને એસ.ટી.બસનું ટાયર પંકચર થાય તો ટાયર પણ બદલી નાખે છે. યુવાશક્તિ અને મહિલાશક્તિનો આ ચમત્કાર છે.

આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રિટ-વેન્ડર, ફેરિયા તરીકે મહિલાઓ કામ કરે જ છે. હમણા મુંબઈમાં પિન્ક રિક્ષા પ્રોજેક્ટ અમલમાં આવ્યો. જેમાં યુવતીઓ ઓટોરિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ રિક્ષાઓ જો કે માત્ર લેડિઝ પેસેન્જર માટે જ છે. દક્ષિણ ભારતમાં બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ લેડિઝ ઓટોરિક્ષા ડ્રાઈવર કામકાજ કરે જ છે. બ્યુટી સલુનમાં તો યુવતીઓ કામ કરતી હોય એવું દેશના દરેક શહેરમાં આપણે જોઈ શકીએ છીએ.

આપણે જ્યારે યુવાનોની અને યુવાશક્તિની વાત કરીએ ત્યારે એકલા યુવાનો જ નહીં, યુવાનો અને યુવતીઓની યુવાશક્તિની વાત કરીએ છીએ. સ્કિલ્ડ વર્ક અને અનસ્કિલ્ડ વર્કના ફિલ્ડમાં યુવાનો અને યુવતીઓ એક સમાન રીતે કોઈ જ ભેદભાવ વિના રોજગારી મેળવી રહ્યા છે. કહેવાનો અર્થ એટલો જ કે હવે કોઈ પણ ફિલ્ડમાં માત્ર પુરુષ જ કામ કરે કે માત્ર સ્ત્રી જ કામ કરે એવું રહ્યું નથી. સોશિયલ રિફોર્મ્સનું આ નવું ઉદાહરણ આપણને આજે જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયાના વેગ સાથે સોશિયલ રિફોર્મ્સ એટલે કે સામાજિક બદલાય યા પરિવર્તન પણ જોડાયેલું જ છે. શિક્ષણ અને રોજગારીની તકોમાં વધારો થવાની સાથે સાથે યુવાનો અને યુવતીઓમાં એજ્યુકેશનનું પ્રમાણ પણ વધ્યું છે તો એ સાથે યુવાનો-યુવતીઓમાં ઈકોનોમિકલી સ્ટેન્ડ-અપ પોઝિશનમાં પણ સુધારો આવ્યો છે. આજના યુવાનો-યુવતીઓ સારી જોબ સાથે સારો સેલરી પણ કમાઈ રહ્યા છે. આર્થિક રીતે યુવાનોને આઝાદી પણ મળી રહી છે, એ એકવીસમી સદીનું ચેન્જિંગ ડાયમેન્શન છે.

એકવીસમી સદીમાં આપણે આપણો દેશ કેવો બનાવવા માગીએ છીએ, તેનો આધાર આપણા દેશના યુવાનોના વર્તમાનકાળ ઉપર આધાર રાખતો હોય છે. આ માટે (1) શિક્ષણ, (2) રોજગારી, (3) આયોજન, (4) સ્કિલ ડેવલપમેન્ટ, (5) ટેકનિકલ સપોર્ટ જેવા મુદ્દાઓ મહત્વના છે. સ્વામી વિવેકાનંદજીએ તો ભારતવર્ષને વિશ્વવિધાતા તરીકે જોવાનું સપનું સેવ્યું હતું. તેમનું સપનું સાકાર કરવાનું કાર્ય યુવાનો જ કરી શકે એમ છે. રાહ મુશ્કેલ નથી તો રાહ આસાન પણ નથી. ભારતને દુનિયામાં સુપર પાવર કન્ટ્રી બનાવવાનું દેશના યુવાનોના હાથમાં જ છે.

ભારતીય મૂળના યુવાનો અને યુવતીઓ સુંદર પિચાઈ અને ઈન્દ્રા નૂઈ સહિતના લોકો દુનિયાની નંબર-વન ગણાતી કંપનીઓ ગૂગલ અને પેપ્સીકોમાં ટોપ પોઝિશન ઉપર પહોંચ્યા છે. આ કોઈ જેવી તેવી વાત નથી. રાષ્ટ્રપ્રેમ અને મહેનતથી દેશને દુનિયામાં ટોપ કન્ટ્રી તરીકે સ્થાન અપાવવાનું કાર્ય આપણા દેશના યુવાનો જ કરી શકે એમ છે. આમ તો “ડી” ફોર “ડોલર” એમ જ માનવામાં આવે છે. પરંતુ આજના યુવાનો-યુવતીઓ પાસે પાંચ “ડી” હોય એ અનિવાર્ય છે. જો આમ બને તો આપણા દેશના યુવાનો-યુવતીઓ ધારે તે કરી શકે એમ છે. આ પાંચ “ડી” એટલે શું એ પણ સમજીએ.

 • Devotion – શ્રદ્ધા
 • Dedication – સમર્પિતતા
 • Determination – દૃઢ નિર્ણયશક્તિ
 • Diligence – પરિશ્રમ, ખંત
 • Discipline – શિસ્ત
 • આપણા દેશના યુવાનો માટે પહેલો પોઈન્ટ શ્રદ્ધાનો છે. દેશ માટે કંઈક કરી છુટવા માટેની શ્રદ્ધા તો દરેક યુવાનો-યુવતીઓમાં હોય એ સ્વાભાવિક છે. દેશ-પ્રદેશ, ઘર-પરિવાર દ્વારા પણ શ્રદ્ધા પ્રગટ થવી જોઈએ. રાષ્ટ્રનો વિકાસ કે વ્યક્તિત્વવિકાસ એક રાતમાં થઈ જાય એવો કોઈ જાદુ તો નથી જ. પરિવર્તન હંમેશા સમય માગી લે છે. રાતોરાત કશું થઈ શકે નહીં. જીવનમાં ઉચ્ચ મૂલ્યો અને જીવનધોરણમાં બદલાવ માટે પણ શ્રદ્ધા અનિવાર્ય છે. તમને તમારામાં પણ શ્રદ્ધા હોવી જોઈએ અને તમારી આસપાસ રહેલા તમામ લોકોમાં પણ શ્રદ્ધા હોવી જ જોઈએ.

  બીજો મહત્વનો પોઈન્ટ સમર્પિતતાનો છે. યુવાનો-યુવતીઓ પાસે સમર્પિતભાવ હોય તો જ કાર્યસફળતા મેળવી શકે છે. ડેડિકેશન આજના સમયમાં અત્યંત જરુરી ગુણ છે. જીવનમાં ગતિ અને પ્રગતિ માટે તમારી પાસે સમર્પણભાવ નદી જેવો નમ્ર અને વિશાળ જોઈએ. સમર્પણભાવના કારણે જ નદીને દરિયાનો વિશાળ પટ મળે છે. સમર્પણનું ફળ વિશાળ મળે છે. સમર્પણના કારણે જ દરિયા જેવી વિશાળતા આપણને પ્રાપ્ત થઈ શકે છે.

  યુવાનો જે કોઈ પણ કામ કરે, પછી એ સ્ટડી હોય કે જોબ હોય, એ દરેક કામકાજમાં સમર્પણનો ભાવ ખુબ જરુરી હોય છે. સ્વામી વિવેકાનંદજીએ એક વાર કહેલું કે મને નચિકેતા જેવા દસ યુવાનો આપો તો હું ભારત દેશની કાયાપલટ કરીને બતાવીશ. આપણા દેશમાં આજે કુલ વસતીમાં પાંસઠ ટકા વસતી તો યુવાનો અને યુવતીઓની છે. દેશના આ પાંસઠ ટકા યુવાનો જો પોતાના કોઈ પણ કામકાજમાં ડેડિકેશન રાખે તો પણ દેશની કાયાપલટ કરી શકવાનું સામર્થ્ય તેમની પાસે છે.

  ત્રીજો પોઈન્ટ દૃઢ નિશ્ચયનો છે. ડિટરમિનેશન તો યુવાનોની મૂડી છે અને સાચી શક્તિ છે. યુવાનો પાસે તો હિમાલય જેવો હિમાલય પણ ઝુકાવી દેવાની તાકાત રહેલી હોય છે. યુવાનોએ તો ઉચ્ચ સામાજિક મૂલ્યો અને આદર્શો માટે નિશ્ચય કરવાનો હોય છે. કારણ કે નિશ્ચય વિનાનું જીવન તો શ્વાસ વિનાના શરીર જેવું ગણાય છે. જે રીતે રસ વિનાનું ફળ નકામું હોય છે, એમ જીવનના દરેક ક્ષેત્ર અને જીવનની હર ડગર ઉપર આપણે કરેલા નિશ્ચય જ આપણને નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચાડે છે.

  ચોથો પોઈન્ટ પરિશ્રમ છે. ડિલિજન્સ પણ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી, એમ કહેવાય છે. આપણી માતૃભૂમિ પાસેથી આપણને પરિશ્રમનો પાઠ શીખવા મળે છે. આપણી જન્મભૂમિ, આપણે જ્યાં પગ મૂકીએ છીએ એ ધરતી અને ધરતીની માટીની સુગંધ આપણા પૂર્વજોના પરસેવાની ખરી સુગંધ ગણાય છે. પૂર્વજોના પરિશ્રમનાં ફળ આજે આપણે ચાખી રહ્યાં છીએ ત્યારે આ પરિશ્રમમાં પણ ઉત્તરોત્તર વધારો થવો જ જોઈએ. માટી એટલે પૂર્વજોના પરસેવાનો પ્રસાદ અને પરિશ્રમ એટલે જીવનનું અમૃત. પરસેવા અને પરિશ્રમમાં પ્રામાણિકતાની સુવાસ પણ ભળી જતી હોય છે. એમાં તાજગી અને તંદુરસ્તી પણ આવી જતી હોય છે. પરિશ્રમનો મહિમા અને પરિશ્રમની પૂજા આપણું અનિવાર્ય અંગ બની રહે એ જરુરી છે. પરિશ્રમના પાયા ઉપર જ સફળતાની ઈમારત બંધાતી હોય છે.

  પાંચમો પોઈન્ટ શિસ્ત છે. ડિસિપ્લિન વિનાનું જીવન નકામું છે. શિસ્ત હંમેશા આપણા જીવનનું મહત્વનું અંગ ગણાય છે. જેમ મસ્તક વિના આખા શરીરની શોભા નથી, એ જ પ્રમાણે શિસ્ત વિના જીવનની કશી શોભા નથી. શિસ્ત શણગાર છે, શિસ્ત આભૂષણ છે. શિસ્ત થકી જ ભારતવર્ષના નવોદય અને નવનિર્માણનું કાર્ય થઈ શકે એમ છે. આધુનિક અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરવાનું કાર્ય યુવાનોએ જ ઉપાડી લેવું જોઈએ. આપણે શક્તિશાળી ભારતનો પાયો ઘડીએ તો એ પાયા ઉપર જ વિશ્વવિજેતા મા ભારતી, ભારતમાતાનું સિંહાસન સ્થાપી શકીશું. આમ કરવા માટે હર કોઈના જીવનમાં શિસ્ત અને સંયમ જરુરી છે. શિક્ષણ, નોકરી, વ્યવસાય એમ જીવનના બધા જ ક્ષેત્રોમાં શિસ્તનો પાયો મહત્વનો છે.

  આપણા દેશમાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો બંધારણીય અધિકાર છે. પરંતુ તેની સાચા અર્થમાં પૂર્તિ થાય એ જરુરી પણ છે. કુમળા છોડને વાળો તેમ વળે. આ નીતિબોધ અનુસાર આજનો ધોરણ-આઠનો વિદ્યાર્થી પાંચ કે સાત વર્ષ પછી દેશનો જવાબદાર નાગરિક બનતો હોય છે. એ પછી યુવાનમાં શીલ, સંયમ, સદાચાર, પ્રામાણિકતા અને રાષ્ટ્રભક્તિ જેવા ગુણોનું સિંચન કરવાની પ્રાથમિકતા ભારતનિર્માણ માટે અગત્યની બને છે. શિક્ષણને જીવનમાં ઊર્ધ્વગતિ તરફ લઈ જનારું એક સશક્ત માધ્યમ બનાવવાનું છે. આમ દેશના વિકાસ માટે યુવાનો ઉપર ખુબ જ જવાબદારી છે.

  એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે ત્યારે નવા સમયમાં આજના વિદ્યાર્થીઓ ક્લાસરુમની ચાર દીવાલોમાં બેસીને બંધિયાર શિક્ષણ મેળવે એવું નહીં, પરંતુ યુવાનો-વિદ્યાર્થીઓમાં રહેલા આંતરિક કૌશલ્યને પણ ખીલવવાની તક તેમને મળવી જોઈએ, એવું શિક્ષણ હોવું જોઈએ. દેશના યુવાનો માટે ફોર્મલ એજ્યુકેશન તો મહત્વનું છે જ. પરંતુ સાથે સાથે યુવાનોને ઈનફોર્મલ એજ્યુકેશન પણ મળી રહે તેના ઉપર ભાર મૂકવાની જરુરીયાત ઉભી થઈ છે. જેમ કે યુવાનોને પોતાના ઘર નજીક જ કૌશલ્ય વર્ધન કેન્દ્રો એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર મળી રહે અને તેમાં મફત અથવા મામૂલી ફીમાં જુદી જુદી સ્કિલ્સ શીખવા મળે તો યુવાનોને રોજગારી મેળવવામાં કોઈ તકલીફ પણ નહીં પડે. કેરિઅર ઓરિએન્ટેડ સ્કિલ્સ એજ્યુકેશન આજે ખુબ જરુરી બન્યું છે.

  છેક વીસમી સદીના છેલ્લા દસકામાં પણ દુનિયાના દેશોની નજર ભારત ઉપર હતી. એકવીસમી સદીમાં પણ દુનિયાના દેશો ભારતને સુપર પાવર તરીકે નિહાળવાના છે. જો કે હજુ મંઝિલ દૂર છે અને આ મંઝિલ સુધી પહોંચવાનું કાર્ય યુવાનો જ કરી શકવાના છે. સવા સો કરોડ ભારતીયોનો અવાજ કન્વિન્સિવ વોઈસ છે. દુનિયાને ઝુકાવી શકવાની તાકાત ભારતમાં છે, એમાં યુવાશક્તિનો ફાળો નાનો સૂનો નથી. આથી જ ભારતમાં એકવીસમી સદીને યુવાનોની સદી કહેવામાં આવે છે.

  દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે દેશના યુવાનો-યુવતીઓ ઉપર શ્રદ્ધા રાખતા કહ્યું હતું કે આપણે યુથ એડવેન્ચર ઉપર ભાર મૂકવો જોઈએ અને યુથને એમ્પાવર કરવું જોઈએ, યુથને સ્કિલ્ડ પર્સન બનાવવા જોઈએ. યુવાનો પાસે જો કલા કે કૌશલ્ય નહીં હોય તો એવો દેશ ખુદ માયકાંગલો બની જાય છે. કારણ કે માત્ર એકેડેમિક કેરિઅર રિયલ લાઈફમાં દર વખતે કામ લાગતી નથી. આપણે તો ઉત્સાહ અને તરવરાટથી થનગનતા નવલોહીયા યુવાનો-યુવતીઓનો દેશ જોઈએ છે.

  વિકાસ એટલે શું... માત્ર રસ્તા, પુલો, વીજળી, પાણીની સગવડ એટલે વિકાસ નહીં. લોકોના દિલોમાં દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના ધબકતી હોય એવો વિકાસ વિશ્વાસનો શ્વાસ બને એ જરુરી છે. એનો અર્થ એવો પણ નથી કે રોડ, બ્રિજ, ઈલેક્ટ્રિકસિટી કે પાણીની કોઈને જરુર નથી. ઈન્ફ્રાસ્ટ્રકચરની પણ જરુર છે અને યુવાનોના આંતરકૌશલ્યની પણ એટલી જ જરુર છે.

  વિકાસ એટલે જરુરીયાતમંદ લોકોને સવલતો-સગવડો મળે એવું નહીં, એમને તકો મળી રહેવી જોઈએ. જો મફતની સગવડો કે સવલતો મળતી રહેશે તો દેશના નાગરિકો કોઈની મદદ ઉપર જીવતા અને કોઈના ઉપર આધાર રાખનારા બની જશે. જેમ પંખી તેના બચ્ચાને ઊડતા શીખવે છે, એમ દેશના દરેક નાગરિક આત્મનિર્ભર, સ્વનિર્ભર બને એ દિશામાં પ્રયાસો થવા જોઈએ.

  ગરીબોને પાકું મકાન મળે, ગરીબ દર્દીઓને સારવાર-દવા મળી રહે, ગરીબને વીજળી-પાણી મળે તો એમાં કશું ખોટું નથી. પરંતુ આવા નાગરિકોને પણ સ્વનિર્ભર બનાવવાનું કામ થવું જોઈએ. જે યુવાનો કરી શકે એમ છે. જ્યારે કોઈ નવી ઈન્ડસ્ટ્રીઝનો બાંધકામનો પાયો નાખવામાં આવે છે ત્યારે માત્ર એક ઈમારત જ નથી બનતી, પરંતુ તેની સાથે સાથે બીજા હજારો લોકોને રોજગારી મળવાની તકો પણ ઉભી થાય છે. યુવાનોને પગભર કરવા માટે જુદી જુદી કંપનીઓ અને સરકાર પણ અનેકવિધ પ્રકલ્પ હાથ ધરે છે.

  સામાન્ય રીતે તો કોઈ યુવાન કે યુવતી પોતાનો નવો ઉદ્યોગ સ્થાપવા માગતા હોય ત્યારે તેમને બેન્ક લોન લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમને જલદી ગેરન્ટર મળતા નથી અને કોઈ તેમના માટે ગેરન્ટી આપવા જલદી તૈયાર પણ થતું નથી. જો કે હવે તો સરકાર ખુદ ગેરન્ટર બનીને નવા ઉદ્યોગસાહસિક યુવાનો-યુવતીઓ માટે મદદરુપ બને છે. આ રીતે સરકાર ગેરન્ટર બને છે, એ પ્રોત્સાહન જ યુવાસાહસિકો માટે મહત્વનું છે. એક સ્ટડી રિપોર્ટ અનુસાર આજે દેશમાં સ્કિલ્ડ એન્જિનિયર, લેબર વર્કર, ડોક્ટર્સ-નર્સ અને ટીચર્સની પચાસ ટકાની ઘટ છે. એટલે કે આજે જેટલા છે, તેના કરતા બીજા એટલી જ સંખ્યામાં ડોક્ટર્સ-નર્સ, એન્જિનિયર, લેબર વર્કર વગેરેની જરુર છે. એનો અર્થ એટલો જ કે આપણે ત્યાં યુવાનો-યુવતીઓ માટે તકો બેસુમાર છે. તકોનો કોઈ પાર જ નથી.

  ખરા અર્થમાં રાષ્ટ્રનિર્માણ એટલે જ યુવાનિર્માણ. સ્વામી વિવેકાનંદજીના સપનાનું ભારત ઘડવું એ દેશના યુવાનોના હાથમાં જ છે. દેશના વિકાસનો રોડ-મેપ તો તૈયાર જ છે. માત્ર અમલની જ વાર છે. માત્ર સૂકા આદર્શો અને કોરી કોરી વાતોથી કામ થવાનું નથી. દેશપ્રેમની ચિનગારી દિલમાં જલતી રહેવી જોઈએ. આપણે રોજ રાતે એટલા માટે ચેનથી ઊંઘતા હોઈએ છીએ કેમ કે સરહદ ઉપર સેનાના જવાનો આંખનું મટકું માર્યા વિના દિવસ-રાત ખડા પગે જાગતા હોય છે.

  ---------------------------------------------------------------------------------