નિષ્ટિ - 30 Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - 30

નિષ્ટિ

૩૦. પાર્ટી ટાઈમ – ૨

નિશીથ, મિષ્ટી અને ત્રિનાદ તાજ હોટલ પહોંચીને કારમાંથી ઊતરીને અંદર પ્રવેશ્યા ત્યાં ઓફીસના સિનીયર એકાઉન્ટન્ટ હસમુખભાઈ મળ્યા.. મજાકિયા સ્વભાવના ત્રિનાદ માટે એ ઓલ ટાઈમ ગ્રેટ સોફ્ટ ટાર્ગેટ હતા. અહીં પણ ત્રિનાદ મોકો ચૂકવા નહોતો માગતો. ત્રિનાદે સૌ પ્રથમ સપરિવાર આવેલા હસમુખભાઈને સાગમટે નમસ્કાર કર્યા અને પછી ફટકાબાજી શરુ કરી.

‘અરે હસમુખ કાકા? આ શું? આજે કેમ તમે લેડીઝ ઘડિયાળ પહેરી છે? કાકીની ઘડિયાળ લાગે છે... શું આજે મેરેજ એનવર્સરી છે કે કાકીનો જન્મદિવસ છે તે કાકીને ખુશ રાખવા એમની ઘડિયાળ પહેરી લીધી? જે હોય એ કહી દો એટલે ભેગાભેગી એની પણ ઊજવણી તાજ હોટલમાં શાનદાર રીતે થઇ જાય..’

‘તું ય શું ચાલુ પડી જાય છે? આ તો આજે ઓફિસેથી ઘરે ગયા પછી અહીં આવવા માટે તૈયાર થતી વખતે તારી કાકીએ કહ્યું કે શું તમે કાયમ એક સરખી સ્ટાઈલમાં રહો છો? જિંદગીમાં સમયાનુસાર અલગ અલગ રૂપ ધારણ કરવાં જોઈએ... તમેય શું કાયમ એક સરખાં જ કપડાં, એક સરખી હેર સ્ટાઈલ, એ જ જુના ચશ્મા... ક્યારેક તો બદલાઓ..? હવે તાત્કાલિક અહી આવવાનું હોવાથી એ બધું તો હું કરી શકું એમ નહોતો એટલે વિચાર આવ્યો... પેલું હિન્દી પિકચરનું ગીત છે ને??... ‘HER ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી...’. બસ એટલે જ તારી કાકીનું ઘડિયાળ પહેરી લીધું...’

‘વાહ કાકા... દાદ દેવી પડે તમારી બુદ્ધિને..’ કહી ત્રિનાદ ત્યાંથી સરકી ગયો.. બેન્કવેટ હોલમાં સ્ટાફ મેમ્બર્સ સહ પરિવાર પ્રવેશી રહ્યા હતા... ધીરે ધીરે પાર્ટીનો માહોલ જામી રહ્યો હતો. ત્રિનાદ જ્યુસની મજા માણી રહેલ લાલ કપડાંમાં સજ્જ રીસેપ્શનીસ્ટ લીલી પાસે જઈ પહોચ્યો..

‘હાય.. લીલી.. આજ તો લાલ લાલ થઈને આવી છે ને કંઈ?’

‘હાય હું લાલ થાઉં કે લીલી...તને શું વાંધો છે?’

‘વાંધો? મને શું વાંધો હોય? બાકી શું ચાલે છે?’

‘બસ મજા... અત્યારે તો આ વેલકમ જ્યુસ પી રહી છું..’

‘વેલ....... કમ જ્યુસ પીના .. અભી બહોત લોગ બાકી હૈ.. ખતમ હો જાયેગા તો બાકી લોગ રહ જાયેંગે..’

‘યુઉઉ...... તું ક્યારેય નહિ સુધરે... ચલ હટ અહીંથી.’ કહી લીલીએ જ્યુસ ભરેલો ગ્લાસ ત્રિનાદ તરફ ઉગામ્યો... ત્રિનાદે હોટલમાં પ્રવેશ્યા પછી નવાં કપડાં પહેરી લીધાં હતા એટલે લીલી ખરેખર ગ્લાસ એની પર ઢોળે અને પોતે જ્યુસ-તરબોળ થઇ જાય એ પહેલાં એ ત્યાંથી ભાગ્યો..

બેકગ્રાઉન્ડમાં મંદમંદ સુમધુર સંગીત રેલાઈ રહ્યું હતું જે પાર્ટીની રંગતમાં વધારો કરી રહ્યું હતું... નિશીથ અને મિષ્ટી નવાં કપડાંમાં સજ્જ થઈને હોલમાં પ્રવેશી ચૂક્યાં હતાં.. નિશીથ વેલવેટ કલરના શુટમાં અત્યંત સોહામણો લાગી રહ્યો હતો... તો મિષ્ટી એ જ રંગના પાર્ટી ગાઉનમાં એટલી સુંદર લાગી રહી હતી કે પાર્ટીમાં ઉપસ્થિત સૌ અચંબિત થઇ ગયા..

ત્યાં જ એનાઉન્સમેન્ટ થયું.. ‘લેડીઝ એન્ડ જેન્ટલમૅન... હવે થોડી જ ક્ષણોમાં આપણો કાર્યક્રમ શરુ થઇ રહ્યો છે.. મહેરબાની કરીને સૌ પોત પોતાનું સ્થાન ગ્રહણ કરી લે... થોડી જ ક્ષણોમાં સિંહા સાહેબ પધારી રહ્યા છે... એમના આગમન બાદ તુરંત જ આપણો પ્રોગ્રામ શરુ થશે..’

એન્કરીંગનો કાર્યભાર ત્રિનાદ સંભાળી રહ્યો હતો. એના એનાઉન્સમેન્ટ બાદ એક નાનકડા સ્વાગત ગીતની રજૂઆત થઇ.. ત્યાર બાદ સિન્હા સાહેબનો પ્રવેશ થયો.. આયોજન મુજબની જ વ્યવસ્થા જોઈ તેઓ સંતુષ્ટ થયા. ત્યારબાદ તેમણે માઈક સંભાળ્યું..

‘સોપાન પરિવારના મારા કર્મયોગીઓ અને એમના પરિજનો... આપ સૌનું હું અંત:કરણ પૂર્વક સ્વાગત કરું છું.. આપ સૌ જાણો જ છો એમ સોપાન વર્ષોવર્ષ સફળતાના અવનવા સોપાન સર કરતું આવ્યું છે અને પાંચ વર્ષ પૂર્વે પરિવારમાં નિશીથના આગમન પછી તો પ્રગતિએ જે ગતિ પકડી છે એ અવર્ણર્નીય છે. છેલ્લાં વર્ષોમાં આપણે નિશીથની જોઈનીંગ ડેટ વખતે નાનું મોટું સેલિબ્રેશન આયોજિત કરીએ છીએ પણ આજે તો આપણા સૌ માટે અનોખો દિવસ છે. નિશીથે સોપાન પરિવારમાં પહેલું કદમ માંડયે આજે પાંચ વર્ષ પૂર્ણ થયાં.. એ માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.’

સિન્હા સાહેબે વક્તવ્ય અધવચ્ચે અટકાવી નિશીથને સ્ટેજ પર બોલાવ્યો અને બુકે અર્પણ કર્યું. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો. નિશીથ સિંહા સાહેબના ચરણસ્પર્શ કરવા ઝૂક્યો તો સિંહા સાહેબે એને અધવચ્ચે જ અટકાવી ઊભો કર્યો અને એને ભેટી પડ્યા. હોલ ફરી એક વાર તાળીઓથી ગંજી ઊઠ્યો. નિશીથે સૌનું અભિવાદન ઝીલ્યું અને પોતાની સીટ પર પરત ફર્યો. સિંહા સાહેબે ભાષણ આગળ ધપાવ્યું..

‘હું નિશીથ અને એના પરિવારનો આભારી છું કે જેની આવડત અને સંસ્કારનો અમૂલ્ય લાભ સોપાન પરિવારને સાંપડ્યો છે. નિશીથની શુદ્ધ અને સંસ્કારી વિચારધારાની મારી અંગત જિંદગી પર પણ અમીટ છાપ પડી છે. અને એની અસરરૂપે જ મેં કેટલાક અગત્યના નિર્ણયો લીધાં છે જે હું આશા રાખું કે આપ સૌને પણ મંજૂર રહેશે. મિત્રો, છેલ્લા થોડા સમયથી હું કંપનીના રોજબરોજના કામોમાં પૂરતું ધ્યાન નથી આપી શક્યો અને લીગલ એડવાઈઝાર જોડેની વારંવારની મીટીંગ્સથી આપ સૌને ખલેલ પડી રહી હતી એ પણ હું જાણું છું. પણ આ સમય દરમ્યાન અમે ખૂબ જ અગત્યના નિર્ણયો લેવામાં વ્યસ્ત હતા. એ નિર્ણયો કયા હતા એ અંગે હું આજે તમને જણાવી રહ્યો છું. સૌ પ્રથમ તો મારા એક્સ પાર્ટનર અને મિત્ર એવા સદગત શ્રી સુહાસભાઈ પટેલ જે બીઝનેસમાં પચાસ ટકા ભાગ ધરાવતા હતા એમનું અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું.. એમનો સમગ્ર પરિવાર પણ એ ગંભીર અકસ્માતમાં એમની સાથે જ સ્વર્ગે સીધાવ્યો. તો સુહાસભાઈના ભાગની પચાસ ટકાની પાર્ટનરશીપ હું મારા વ્હાલા કર્મચારીઓ એટલે કે આપ સૌને સમર્પિત કરું છું.. આ અંગેની લીગલ એક્ટીવીટીઝ પણ પૂર્ણ થઇ ચૂકી છે જે અંગે આપને ટૂંક સમયમાં ડીટેઇલમાં માહિતી આપવામાં આવશે.. હવેથી તમે બધા મારા કર્મચારીઓ નહિ પણ મારા પાર્ટનર છો.’

આ વખતે તાળીઓનો ગડગડાટ અવિરત ચાલ્યો...

‘મિત્રો, મેં મારા ભાગે બાકી રહેલ પચાસ ટકા અંગે પણ એક નિર્ણય કર્યો છે. નિશીથ જોડેની વાતચીત અને એની સામાજિક પ્રવૃત્તિઓ થકી હું એટલું સમજી શક્યો છું કે આપણે જીવનમાં ગમે તેટલું કમાઈએ પણ પરિવારના બે ટંકના ભોજન અને મોભા પ્રમાણે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળની ખરીદી માટે જરૂરી ઉપરાંતની કમાઈ જો સુષુપ્ત પડી રહે અને એ જરૂરિયાતમંદ સમાજ અથવા તો દેશ માટે કામ ના આવે તો એ સમાજ કે દેશ પ્રત્યેની ગદ્દારી લેખાશે. એટલે હવેથી હું મારી અંગત કમાણીમાંથી જરૂરિયાત ઉપરાંતની તમામ રકમ સમાજ સેવા માટે ખર્ચીશ. મારા પરિવારની સાથે પણ મેં આ અંગે મસલત કરી છે અને એ સૌનો મને સંપૂર્ણ ટેકો છે. મારા પુત્રની વાત કરું તો મને પૂર્ણ વિશ્વાસ છે કે એને જે શિક્ષણ અને સંસ્કાર મળેલ છે એના થકી એ એનો માર્ગ જાતે જ બનાવી લેશે. મને ખુશી થશે જો એ પણ કારકિર્દીના ઘડતરની સાથે સેવાનો માર્ગ અપનાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરશે.. આપ સૌએ કર્મ યોગી બનીને મને આ સ્તર સુધી પહોચાડવામાં જે મદદ કરી છે એ માટે સૌનો હું ખૂબ ખૂબ આભારી છું..’

સિંહા સાહેબની અકલ્પનીય જાહેરાતના પ્રત્યુત્તર રૂપે હોલ તાળીઓ અને ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો. ગુંજારવના પડઘમ શમ્યા પછી સિન્હા સાહેબ આગળ વધ્યા..

‘આ પ્રસંગ નિશીથ માટે જ યોજવામાં આવ્યો હોય અને એના માટે કોઈ સ્પેશીયલ જાહેરાત ના થાય તો ચાલે કંઈ?’

‘ના ચાલે...ના ચાલે..’ ઓડીયન્સનો પ્રતિસાદ

‘તો કંપનીને આપેલા પોતાના અભૂતપૂર્વ યોગદાન બદલ આજથી નિશીથ કંપનીનો ક્રિએટીવ હેડ મટીને એક્સીક્યુટીવ ડાઈરેક્ટર છે.’

ફરી તાળીઓનો વરસાદ...

‘અરે તમે હજુ આનાથી પણ વધુ તાળીઓ સ્ટોકમાં રાખી મૂકજો.. હવે પછીની જાહેરાત ખૂબ જ અગત્યની છે. પહેલાં એ જાહેરાત હું ખુદ જ કરવાનો હતો પણ પછી મને એ યોગ્ય ના લાગ્યું એટલે મેં એ માટે ખાસ મહેમાનો આમંત્રિત કર્યા છે. હવે હું એ ખાસ મહેમાનોને સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું.. આશા રાખું કે આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરવામાં પાછીપાની નહિ કરો...

થોડી વારમાં સ્ટેજ પર નિશીથ અને મિષ્ટીનાં મમ્મી-પપ્પા ઉપસ્થિત થયાં. નિશીથ અને મિષ્ટી માટે પણ આ આશ્ચર્ય સમાન હતું.. બંનેએ એકબીજા સામે જોઇને રહસ્ય જાણવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. હોલમાં ઉપસ્થિત મોટાભાગના લોકો આ વયસ્ક લોકોને ઓળખતા નહોતા પણ તેમણે રહસ્યને કોરાણે મૂકીને ધોધમાર તાળીઓથી એમનું સ્વાગત કર્યું.. નિશીથ અને મિષ્ટી પણ એમાં જોડાયાં..

સિન્હા સાહેબે વધુ એક વખત ધૂરા સંભાળી.... ‘મિત્રો, તમારામાંથી ઘણા ખરા લોકો ઉપસ્થિત વડીલ મહાનુભાવોને નહિ ઓળખતા હોય.. એમાંથી એક કપલનો હું પરિચય આપું છું... આ છે શ્રીમાન ગુણવંતભાઈ અને શ્રીમતી ગીતાબેન.. આપણા લાડીલા નિશીથ મેહતાનાં મમ્મી પપ્પા.. સોપાન પરિવાર આપનું સ્વાગત કરે છે.. હવે પછીનો કાર્યક્રમ શ્રીમાન ગુણવંતભાઈ આગળ ધપાવશે..’ કહીને સિન્હા સાહેબે માઈક ગુણવંતભાઈના હાથમાં સોંપ્યું.

હવે શું જાહેરાત થશે એ જાણવા સૌ આતુર હતા.. નિશીથ અને મિષ્ટીની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ.. ગુણવંતભાઈએ માઈક સંભાળતાં શરૂ કર્યું..

‘નમસ્કાર મિત્રો... આપ સૌએ મારા પુત્ર નિશીથ એટલે કે તમારા પ્યારા નિષ્ટિને સોપાન પરિવારમાંના એના કાર્યકાળ દરમ્યાન એને જે પ્રેમ આપ્યો છે એ માટે હું આપનો આભારી છું અને આજના આ પ્રસંગે આપ સૌની એકતા અને પ્રેમભાવ જોઇને ગદગદિત થયો છું... આજે જે જાહેરાત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એ ખરેખર ખૂબ જ મોટી સરપ્રાઈઝ છે.. હું સમગ્ર મહેતા પરિવાર તરફથી અત્રે ઉપસ્થિત શ્રી મનોજભાઈ અને મનોરમાબહેન કે જેઓ સોપાન પરિવારના અભિન્ન અંગ સમી મિષ્ટી પંડ્યાના માતા-પિતા છે તેમની સમક્ષ મારા પુત્ર નિશીથ માટે તેમની અત્યંત તેજસ્વી અને સંસ્કારી પુત્રી મિષ્ટીનો હાથ માંગું છું... હું આશા રાખું છું કે આ સંબંધના પ્રસ્તાવ પર તેઓ મંજૂરીની મહોર મારીને અમારા મહેતા પરિવારને રત્નમંડિત કરવામાં સહભાગી બનશે.’

આ જાહેરાત તો સૌ માટે આશ્ચર્યના સુનામી સમાન હતી. નિષ્ટિ અને મિષ્ટી માટે તો આ અણધારી ક્ષણ બેભાન થઈને ઢળી પાડવા માટે પર્યાપ્ત હતી પણ બંને એ એકબીજાને બાહોમાં લઈને સંભાળી લીધાં. ‘ઓહ માય ગોડ....’ એ સિવાય શું બોલવું એ બંનેમાંથી કોઈને નહોતું સુઝી રહ્યું.

હવે વારો મિષ્ટીનાં મમ્મી-પપ્પાનો હતો. મનોજભાઈ અને મંજુબેન આગળ આવ્યા. મનોજભાઈએ માઈક હાથમાં લીધું. ‘ગુણવંતભાઈ, તમારા પ્રસ્તાવ માટે ખૂબ ખૂબ આભાર... અમે ખુશી ખુશી તમારા પ્રસ્તાવનો સ્વીકાર કરીએ છીએ. અમારું સદનસીબ છે કે અમને અમારી મિષ્ટી માટે નિશીથ જેવો સર્વગુણ સંપન્ન જમાઈ મળી રહ્યો છે... સૌનો ખૂબ ખૂબ આભાર..’

ફરી એક વાર તાળીઓનો ગડગડાટ. હવે નિશીથ અને મિષ્ટીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. તેમણે સૌ વડીલોના આશીર્વાદ લીધા. આજનો દિવસ ખરેખર ખુશીઓના તરેહ તરેહના હુમલાઓનો હતો.. સિન્હા સાહેબ વધુ એક વખત માઈક લઈને ઉપસ્થિત થયા..

‘મિત્રો, આજનો દિવસ આપણા સૌ માટે અને ખાસ કરીને નિશીથ અને મિષ્ટી માટે અપાર ખુશીઓ લઈને આવ્યો છે. મને ખુશી છે કે હું આયોજનબદ્ધ આ કામ પર પડી શક્યો.. નિશીથ અને મિષ્ટી બંને ખૂબ જ હોશિયાર, સંસ્કારી અને ખાસ તો મેઈડ ફોર ઈચ અધર છે. એમને એક કરવામાં આપણી ઓફીસના નટખટ કાનુડા ત્રિનાદનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ત્રિનાદ ના હોત તો કશું શક્ય ના બન્યું હોત. મેં કંઈ વધુ પડતું કર્યુ હોય તો માફી ચાહું છું. આજના નિર્ધારિત કાર્યક્રમોમાં સૌથી મહત્વનો ભાગ હજુ બાકી છે. અને એ છે નિષ્ટિ અને મિષ્ટીની રીંગ સેરીમની. અરે પણ એ માટે હું રીંગ એરેન્જ કરવાનું તો ભૂલી જ ગયો.. અરે હા.... યાદ આવ્યું... ત્રિનાદે એની પણ વ્યવસ્થા કરી લીધી છે.. તો આપ સૌની સમક્ષ નિષ્ટિ અને મિષ્ટી માટે ડાયમંડ રીંગ લઈને ઉપસ્થિત થઇ રહ્યાં છે ભારતના ડાયમંડ સીટીથી ખાસ પધારેલ ક્રિષાનાં મમ્મી પપ્પા.. શ્રીમાન સુમનભાઈ અને શ્રીમતી મૃદુલાબેન..’

બે-ચાર દિવસ અગાઉ જ ત્રિનાદે ઓફિસમાં બધાને આડકતરી રીતે નિશીથ અને ક્રિષાની સ્ટોરી અંગે માહિતગાર કરી રાખ્યા હતા જેથી કરીને તાજ હોટલના આ પ્રોગ્રામ દરમ્યાન કોઈને કન્ફયુઝન ના થાય. સુમનભાઈ અને મૃદુલાબેનના સ્ટેજ પર આગમન સાથે જ સૌએ ઊભા થઇ તાળીઓ વરસાવી તેમનું સ્વાગત કર્યું... સૌની આંખો ભીની હતી. નિશીથ અને મિષ્ટીએ બંનેના ચરણ સ્પર્શ કર્યા. તેમણે બંનેને એક એક ડાયમંડ રીંગ આપી.

એ પછી નિશીથ અને મિષ્ટીએ એકમેકને વીંટી પહેરાવી અને કેક કાપી.. ત્યારબાદ ત્રિનાદે જાહેર કર્યુ.. ‘હવે નિષ્ટિભાઈ આજના કાર્યક્રમના સેન્ટર ઓફ એટ્રેક્શન એવા નિષ્ટિભાઈ આજના કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપશે.’

નિશીથ આજે અત્યંત ખુશ હતો. આમ તો તે ભાષણ આપવાના મૂડમાં નહોતો. પણ એ પોતાની ફરજો નિભાવવાનું બખૂબી જાણતો હતો. તેણે શરુ કર્યું..

‘ઉપસ્થિત વડીલો અને મિત્રો.. આજનો દિવસ મારા માટે ખુશીઓનો ખજાનો લઈને આવ્યો છે અને ખુશીની આ ક્ષણોમાં તમે સહભાગી બન્યા છો.. આપ સૌની શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે હું સૌનો આભારી છું. વડીલ શ્રી સિંહાસાહેબ અને અંગત મિત્ર એવા ત્રિનાદનો આ બધા માટે જીવનનભર ઋણી રહીશ. મિષ્ટીએ ઓફીસના રોજીંદા કામકાજમાં મને ઉમદા સહયોગ આપ્યો છે. આશા રાખું કે હવે મારી જીવનસંગીની બનીને ઉમળકાભેર મારો સાથ નિભાવશે.

સોપાન પરિવારની વાત કરું તો સિંહા સાહેબે જે કર્યુ છે એ કોઈપણની ઉમ્મીદથી ઘણું વધારે છે. તેઓ સાચા અર્થમાં એક સફળ વ્યક્તિત્વના માલિક છે. એક બીઝનેસમેન તરીકે સફળતા વધુમાં વધુ રૂપિયા કમાવામાં સમાયેલી નથી પણ ખરી સફળતા એ કમાયેલા રૂપિયાનો કેવો સદુપયોગ કરવામાં આવે છે એના પર છે. એક તરફ આપણા દેશમાં લાખો લોકો માંડ બે ટંક રોટલા ભેગા થઇ શકતા હોય તો તેમના માટે કંઈ કરી છૂટવું એ આપની ફરજ બની રહે છે. જો થોડા વર્ષો સુધી આર્થિક રીતે સદ્ધર લોકો જરૂરિયાત મંદોને ટેકો કરી પગભર બનવા સહાય કરે અને સાથે સાથે ભ્રષ્ટાચારીઓને નનૈયો ભણે તો આપનો ભારત દેશ આસાનીથી સમૃદ્ધ દેશોની પંગતમાં બેસી શકે. વ્યક્તિગત રીતે આપને પૂરી નિષ્ઠા અને લગનથી આપનું કાર્ય કરવું જોઈએ. જો દેશનો પ્રત્યેક નાગરિક રોજબરોજ સારપને અનુસરશે તો ગરીબી, ભૂખમરો, હત્યા, લૂંટફાટ, ભ્રષ્ટાચાર વગેરે જેવા અનેક અનિષ્ટોરૂપી સર્પના ભરડામાંથી મુક્ત થઇ શકશે. આ પ્રસંગે મારા માતા પિતા ઉપરાંત અભ્યાસકાળ દરમ્યાન મારામાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં મહત્વનો ફાળો આપનાર આદરણીય શિક્ષકોનો પાડ માનું છું. અને જેણે સતત પ્રેરણાત્મક પીઠબળ પૂરું પાડ્યું છે એવા મારા માસીના દીકરા દિપ્ત મહેતા માટે જેટલા શબ્દો કહું એટલા ઓછા પડે એટલે એમની વાત ફરી કોઈ વખત શાંતિથી કરીશ.. અત્યારે તો.. આ બધા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર... હવે આપણે જેટલા લાભાન્વિત થયા છીએ એટલી જ આપણી જવાબદારીઓ વધી છે અને સામે એટલા જ પડકારો પણ રહેશે.. અંતે હું ઉપસ્થિત વડીલોને અરજ કરું છું કે આપણ સૌને આશીર્વાદ આપે કે આપણે સિન્હા સાહેબે આપણા પર મૂકેલા વિશ્વાસણી એરણ પર ખરા ઊતરીએ.. ખૂબ ખૂબ આભાર’

નિશીથનું ધમાકેદાર વક્તવ્ય સમાપ્ત થયું... સૌએ ફરી એક વાર ઊભા થઈને તાળીઓના અવાજથી હોલને ગજવી મૂક્યો... સૌ નિશીથ અને મિષ્ટીને અભિનંદન આપવા પડાપડી કરવા લાગ્યા... નિશીથના આશ્ચર્યની વચ્ચે અમદાવાદથી એના મિત્રો પણ પધાર્યા હતા જેમાં ત્રિનાદને ક્રિષાના મમ્મી પપ્પા સુધી પહોચવામાં જરૂરી મદદ કરનાર નિશીથનો જીગરી રાજેશ પણ સામેલ હતો...

ત્યારબાદ તરેહ તરેહની વાનગીઓથી સજ્જ ભોજન સમારંભ શરુ થયો. જે બધાંએ સ્વાભાવિક પણે મન ભરીને માણ્યો.... આશ્ચર્યોના ઉપરાઉપરી સુખદ હુમલાઓથી ભરપૂર કાર્યક્રમનો હવે અંત આવ્યો હતો. મોટાભાગના લોકો બેન્કવેટ છોડીને ચાલ્યા ગયા હતા. નિશીથ, મિષ્ટી, ત્રિનાદ અને સૌ વડીલો પણ હોટલની બહાર આવીને ઊભા હતા.. મિષ્ટી નિશીથનો હાથ પકડીને આનંદભેર ચાલી રહી હતી.. ત્યાં અચાનક નિશીથની નજર આકાશ તરફ મંડાઈ.. આકાશના ચંદલીયામાં એને ક્રિષાનાં દર્શન થયાં.... ઐશ્વર્યસભર સ્મિત થકી જાણે એ નિશીથની સામે એવી રીતે નિરખી રહી હતી કે નિશીથના મિષ્ટી સાથે રચાયેલાં સંબંધોથી તેના આત્માને અસીમ શાતા મળી હોય... વળી પાછી એ એના ઓરીજીનલ નટખટ મૂડમાં આવી ગઈ.. એણે હળવે રહીને નિશીથને ફલાયિંગ કીસ કરી.. નિશીથે પણ ફલાયિંગ કીસ થકી પ્રત્યુત્તર વાળ્યો. એ અશ્રુભરી આંખોએ ક્રિષાના ઝળહળતા ચહેરાને એકીટશે નિહાળી રહ્યો હતો અને ક્રિષાએ એની આગવી અદામાં એનું ધ્યાન ભંગ કર્યું....

‘એય બબૂચક.... આમ મારી સામે શું જોઈ રહ્યો છે.... આ તારી બાજુમાં તને ટીંગાઈને ઊભી છે એને સંભાળ.......’ પછી આંખ મિચકારીને બોલી....

‘મિષ્ટીના નિષ્ટિ......’

સંપૂર્ણ.......

આભાર...સર્વે મિત્રોનો....