આંધળો પ્રેમ .... SWATI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંધળો પ્રેમ ....

આંધળો પ્રેમ ....

સ્વાતિ શાહ

swatimshah@gmail.com

9429893871.

" હેલો , ચાલ પછી વાત કરું , અત્યારે બધા જાગે છે . મોડેથી ફોન કરું . બાય ." શિલ્પા નાં રૂમ ની પાસેથી રાતે સુવા જતા નીતાબહેને કાંઈક આવા શબ્દો સાંભળ્યાં ." મનમાં પ્રશ્ન તો થયો કે ,"આવું કોણ હશે જેની સાથે શિલ્પા આવી રીતે વાત કરે છે ?? હશે કોઈ ફ્રેન્ડ " .

પણ સવાર પડતાંની સાથે આજે નીતાબહેનના મનમાં કંઈક અજીબ મુંઝવણ શરુ થઇ હતી .

સાસુ અને સસરા બહારગામ રહેતાં અને પાછું સસરાની નાનકડા ગામમાં ગવર્મેન્ટ જોબ હોવાથી પતિ હરેશભાઈ ની નાની બહેન શિલ્પાને અમદાવાદ જેવાં મોટાં શહેરમાં પોતાની પાસે રાખી ભણાવાની જવાબદારી નીતાબહેને ઉપાડી હતી . સસરા પોતે પણ એન્જીનીયર હોવાથી ભણતર ને પ્રથમ સ્થાન અપાતું . નીતાબહેનના પતિ હરેશભાઈ વ્યવસાયે વકીલ અને ખૂબજ સરળ સ્વભાવના હોવાથી નીતાબહેનને સામાજિક જવાબદારી નિભાવવામાં અનુકુળતા રહેતી .

વ્યવસાય માં ઠરીઠામ થવા મહેનત કરવામાં હરેશભાઈ નો દિવસ કયાં નીકળી જતો તેની ખબર નાં રહેતી .નીતાબહેન પોતાનાં બે બાળકો અને શિલ્પાની દેખરેખમાં વ્યસ્ત રહેતાં .સવારનો સુરજ ઉગ્યો પણ કંઈક નીતાબહેનના મનમાં મુંઝવણ લઈને ઉગ્યો હતો . બંને બાળકોને શાળાએ મોકલવાની તૈયારી કરીને શિલ્પાને નાસ્તો કરવા બોલાવી . કોલેજ જવાની તૈયારી કરતી શિલ્પાએ તરત બૂમ મારી જવાબ આપતાં કહ્યું ," ભાભી હમણાં થોડી વારમાં આવું છું ."

ગેસ પર ચાહ ઉકળતી હતી તેમ નીતાબહેનના મનમાં પણ વિચારોનો ઉકળાટ વધતો હતો . ગઈકાલની સાંજ વિશે વિચાર કરતાં તેમને શિલ્પાના વર્તનમાં બદલાવ જણાયો હતો અને એ વિચારે નીતાબહેન નાં મગજ ઉપર હાવો બોલાવી દીધો હતો . છેવટે જેમતેમ નાસ્તો પતાવી શિલ્પાને કોલેજ માટે વિદાય કરી અને રસોડામાં બપોરની રસોઈની તૈયારીમાં લાગી જવાનું વિચારી રસોડામાં પગ મુકતાં એમની નજર બહારીની બહાર પડે છે ...

શિલ્પા પડોશી વિજય સાથે તેની મોટર સાયકલ પર બેસી વિજયની કમરે હાથ ભરાવીને જતી જોઈ ને તેમની આશંકા દ્રઢ થતી ગઈ . જમાનાને સમજતાં નીતાબહેનને શિલ્પા અને વિજયનાં સંબંધ નો અંદાજો તુરંત આવી ગયો . દિવસ દરમ્યાન અનેક વિચાર આવ્યાં . પહેલા થયું કે ," લાવ આજે શિલ્પા સાથે ચોખવટ કરી દઉં કે વિજય અંગે એનું શું માનવું છે !!! " પછી વિચાર કરતાં લાગ્યું કે હજી કાચી ઉંમર છે જરા સમજાવીને કામ લેવું પડશે . આમ વિચાર ની ગડમથલમાં દિવસ ક્યાં પૂરો થઇ ગયો તેની ખબર નાં રહી . રાતના હરેશભાઈ ઘરે આવ્યાં તેવું નીતાબહેને મનમાં નક્કી કર્યું કે પહેલાં હરેશભાઈ સાથે જ વાત કરી લેવી .

જમવાનું પતાવી પાન ખાવા બહાર જવા નો બંને નો નિત્યક્રમ . રસ્તામાં નીતાબહેને આજે જોયેલી શિલ્પા અને વિજયની વાત હરેશભાઈ ને કરી . વાત સાંભળતાં ની સાથે હરેશભાઈ એ કહ્યું ," મને પણ આ વાત નો શક થયો હતો , હું તને કહેવાનો જ હતો કે હવે શિલ્પા મોટી થઇ છે . વિજયની બાબતે વિચાર કરીએ પણ તેની ઘણી બધી વાત આપણા કુટુંબ સાથે મેચ નથી થતી , તેનો ઉછેર ઘણી જુદી રીતે થયો છે વળી ભણતર !!!! આપણે તો આપણી છોકરીનો પ્રેમ જોઈ કદાચ આ સંબંધ અપનાવી લઈએ પણ વિજયની માતા પુષ્પાબહેન આ સંબંધ ક્યારેય નહિ સ્વીકારે . આપણે આ બધી વાત શિલ્પાને કરીશું તો તે તેનાં સ્વભાવ પ્રમાણે તે આ સંબંધ માટે મનથી વધારે મક્કમ થઇ જશે . એનાં કરતાં આપણે બીજા સારા છોકરા અંગે તપાસ કરીએ પછી આગળ જોઈશું . " નીતાબહેનને હરેશભાઈ ની વાત યોગ્ય લાગી અને એક પ્રકારનો હાશકારો અનુભવ્યો .

બીજા જ દિવસથી શરુઆત થઈ એક સારા મુરતિયાની શોધ ની . જેમજેમ દિવસ પસાર થવા લાગ્યાં તેમતેમ અજંપા નો વધારો થતો ગયો . શિલ્પા ને ક્યાંય બહાર જવું હોય તો નીતાબહેન હંમેશા પોતાની મોટી દીકરીને શિલ્પા સાથે મોકલતાં , જેથી વિજય અને શિલ્પા ને એકાંત ના મળે . પણ આ મોબાઈલ નાં જમાના માં બીજો તો કોઈ ઉપાય નહોતો , ઠીક છે ,ઈશ્વર માં શ્રધ્ધા રાખતા નીતા બહેને મન મનાવી લીધું .

એવા માં એક દિવસ નીતાબહેનના નાતીલા મામા હરેશભાઈને મુંબઈ થી મળવા આવ્યાં . આગતા સ્વાગતા પતાવી ને હરેશભાઈએ તેમને પોતાને ઘરે જ રોકાવાનું છે તેવું આગ્રહ પૂર્વક કહ્યું . રાતે બધાં જમીને ગપાટા મારતાં હતા તેમાં જ વાતો વાતો માં નીતાબહેને તેમના દીકરા તેજસ વિષે પૂછ્યું . એન્જીનીયર થઇ સારી કંપની માં જોબ કરતો જાણ્યો અને ભવિષ્યમાં અમેરિકા જવા નો તેજસ નો વિચાર છે તે જાણતાં જ નીતાબહેન નાં મગજમાં શિલ્પા માટે તેજસ વસી ગયો .

તેજસ ને જોવાં અને મળવા જવાનું હરેશભાઈ એ મુંબઈ જવાનું આયોજન કરવા નીતાબહેન ને કહ્યું . નીતાબહેન કહે કે," આપણે પપ્પાને સીધા મુંબઈ બોલાવી લઇ એ જેથી નિર્ણય લેવા માં સારું રહે ." પછીનાં અઠવાડિયે લોંગ વિકેન્ડ આવતો હોવાથી નીતાબહેને મુંબઈ વાત કરી જવાની યોજના ગોઠવી , અને તે પણ શિલ્પાને બહુ વહેલું નથી જણાવવું તેમ નક્કી પણ કરી લીધું .

હરેશભાઈ ને એમ હતું કે છોકરા ઓને પણ રજા આવશે તો તેમને પણ સાથે લઇ જઈએ .હજી એવો પ્રસ્તાવ રજુ કરવાનો વિચાર કેરે છે ત્યાંજ નીતાબહેને કીધું ," મારી નાની બહેન સીમા અહી રહેવા આવી જશે , "સીમા ને બાળકો સાથે ખુબ બનતું .

નીતાબહેને તૈયારી શરુ કરી અને હવે છેલ્લી ઘડી એ રેલ્વે ટીકીટ ના થઇ એટલે હરેશભાઈ એ તો ને ગાડી તૈયાર કરી દીધી . આમ પણ બાય રોડ ફરવાનાં શીખીન તો ખરા . શિલ્પા ને થોડા સારી જોડ કપડા લેવાનું સુચન કરી દીધું હતું અને આમ પણ મુંબઈ જવાનું હોય તેટલે એવીજ ફેશન મુજબના કપડા લેવાનાને .

બસ જવાના એક દિવસ આગળ નીતાબહેન ની બહેન સીમા આવી ગઈ . બાળકો ને તો માસી એટલે શું વિસાત , બધાં લાડ લડવા મળે એટેલે બાળકોના મનનો સંતોષ જોઈ નીતા ને સહેજ હાશ થઇ .સીમા અને શિલ્પા ને પણ સારું બનતું . જવાના બે દિવસ આગળ સીમા નીતાબહેન ને ઘરે રહેવા આવી ગઈ અને ઘરનો બધો ભાર ઉપાડી લીધો જેથી બધાં બહારગામ જવાની તૈયારી કરી શકે .પડોશ માં રહેતાં પુષ્પાબહેન સાથે પણ સારો ઘરોબો એટલે આમ બહુ ચિંતા નહોતી , બસ મુંબઈ જઈ બધું સમું સુતરું પાર પડે એટલે ગંગા ન્હાયા એવા વિચાર સાથે નીતાબહેન દિવસ પૂરો કરતા .

મુંબઈ માં હરેશભાઈ નાં મોટાભાઈ રહેતા આથી સીધા એમના ઘરે જવાનું નક્કી જ હતું . મુંબઈ પહોચી નીતાબહેને મામા ને ફોન કરી પોતે પહોંચી ગયા નાં સમાચાર જણાવી દીધા અને બીજે દિવસે તેમનાં ઘરે સમયસર પહોંચી જશે તેમ જણાવી દીધું .

શિલ્પા ને તો પોતાના પપ્પા મળ્યા અને મુંબઈ આવવા મળ્યું તેનો આનંદ હતો . સવારમાં વહેલાં ઉઠી હરેશભાઈ એ તેમના પપ્પા ને વિગતવાર વાત જણાવતા કહ્યું ," ભાઈ તમે ગુસ્સો ન કરતાં , આવા મામલા માં કળ થી કામ લેવું પડશે . હું શિલ્પાને સમજાવીશ અને તે આપણી સાથે આવશે ."

"શિલ્પા , આપણે ભાઈ ને મળવા નું તો અહી ગોઠવાયું છે પણ સાથે સાથે તારી ભાભી નીતા નાં મામા જે આપણે ત્યાં આવી ગયાં હતા તેમના દીકરા તેજસ ને તારા માટે જોવા આવ્યાં છીએ , અત્યારે તને એટલા માટે આ વાત કરું છું કે જેથી તું તેજસ ને સમજી શકે ." વાર્તાલાપ પત્યો ને શિલ્પા નાં મનમાં તો અનેક વિચાર છવાઈ ગયા . તેનાં મનમાં તો વિજય વસી ગયો હતો પણ ભાઈ અને ભાભી નું મન રાખવા તેજસ ને જોવા જવા તૈયાર થઇ .

સમય સાચવવા નાં આગ્રહી હરેશભાઈ બધાને લઇ ને સમયસર પહોંચી ગયા . નીતાબહેન નાં મામા અને મામી એ સસ્નેહ સ્વાગત કર્યું . શિલ્પા તો પોતાના વિચારો માં મસ્ત બેઠી હતી , એનાં મનમાં તો વિજય વસેલો હતો , તેજસ ને જોવાની ફોર્માલીટી પતાવી ક્યારે વિજય ને ફોન કરે તેની આતુરતા હતી . તેજસ ની મોટીબહેન નું સાસરું બહારગામ હતું એટલે ઘરમાં ત્રણ જણા જ . હસમુખો તેજસ બધાં માટે પાણી લઇ ને આવ્યો .

મોટીબહેન સાસરે ગઈ પછી તેજસ બધાં કામ માં માતા ને પણ મદદ કરાવતો . શિલ્પા સામે તેજસે જોયું અને તુરંત એને થયું કે," હવે પરણું તો આને જ ." હરેશભાઈ , નીતાબહેન અને એમના સસરા બધાનાં મનમાં હસમુખો એવો તેજસ જમાઈ રૂપે વસી ગયો . પણ નીતાબહેને ધીમે રહી કહ્યું ," ઘરે જઈ શિલ્પાનો વિચાર જાણી જવાબ આપીશું ."

મુંબઈ ગામ માં વર્ષોથી પોતાનું ત્રણ બેડરૂમ નું ઘર હોવાથી તેજસ નાં કુટુંબ ની એક શાખ હતી . મામાને અને તેજસ ને આવજો કરી નીકળ્યાં પછી ગાડીમાં આખો રસ્તો બધાં પોતાનાં વિચારનાં ઘોડા દોડાવતાં ઘરે પાછા આવ્યાં . આદત મુજબ હરેશભાઈ એ બીજા દિવસે ચર્ચા કરવાનું નક્કી કરી સૌ ઊંઘી ગયાં . પણ શિલ્પા ની ઊંઘ હરામ થઇ ગઈ હતી . તે મનમાં તેજસ અને વિજય ની સરખામણી કરવા લાગી હતી .

દેખાવ માં તેજસ વધારે હેન્ડસમ લાગ્યો , વળી મુંબઈ માં રહેવાનું આકર્ષણ ને સાથે એન્જીનીયરીંગ ની ડીગ્રી પણ ખરી !!! આમાંથી વિજય પાસે કશું નહતું . કોલેજ માં રખડી ખાવાનું , રોમિયો બની મોટરસાયકલ પર આખો દિવસ પપ્પા નાં પૈસે ફરવાનું ને મિત્રો પર રોફ જમાવવાનું કામ વિજય નું આજે શિલ્પા ને લાગ્યું , પહેલાં તો બસ વિજય એટલે તેનો પ્રેમ એજ ભાવના માં જીવતી હતી . આખી રાત તેજસ અને વિજય ની સરખામણી કરતાં પડખાં ફરી ને વિતાવી .

સવારે નાસ્તા નાં ટેબલ પર નીતાબહેને વાત કાઢવા પ્રયત્ન કર્યો પણ હરેશભાઈ એ વાત અટકાવતાં કીધું ," એકવાર શિલ્પા અને તેજસ એકલાં મળે પછી શિલ્પા જે નક્કી કરે તેમ કરીશું ." શિલ્પાના મોં ઉપરની રેખાઓ કહેતી હતી કે તે થોડીક પીગળી છે , અને માણસ પારખું હરેશભાઈ ને તેજસ પર વિશ્વાસ હતો કે તે બીજી મુલાકાત માં શિલ્પાનું દિલ જીતી લેશે . નીતાબહેને મામાને ત્યાં ફોન કરી કહ્યું કે તેઓની ઈચ્છા છે કે તેજસ અને શિલ્પા એકવખત એકલાં મળી લે તો સારું ...

આજે પહેલી વાર એવું થયું કે રાતનાં આવેલાં વિજય નાં ફોન નો જવાબ આપવાની ઈચ્છા સુધ્ધા શિલ્પાને ના થઇ . સવારે વિજયનાં દસ મિસ્ડ કોલ્સ હતાં પણ શિલ્પાનું મન તો તેજસ અને વિજય ની સરખામણી માં વ્યસ્ત હતું તે જવાબ ક્યાંથી આપે !! આજે રવિવાર હોવાથી તેજસને પણ જોબ પર રજા હતી એટલે તેણે શિલ્પાને સાંજે છ વાગે લેવાજવા નું નીતાબહેન સાથે નક્કી કરાવ્યું . નીતાબહેને શિલ્પાને કહ્યું ," તેજસ તને સાંજે છ વાગે લેવા આવશે , તું સમયસર તૈયાર થઇ ને રહેજે ."

શિલ્પા ને તો આજે સમય જાણે થંભી ગયો હોય તેવું લાગવા ની અનુભૂતિ થઇ , મનમાં અજંપો અને એકબાજુ તેજસ ને મળવા જીવ તલસવા લાગ્યો ને બીજી બાજુ વિજયના ફોન કોલ્સ જોતાં અકળામણ અનુભવવા લાગી . છેવટે થાકી ને મોબાઈલ બંધ કરી ને બપોરે શાંતિ થી રાતના ઉજાગરા ને કારણે થોડું સુઈ લેવા પ્રયત્ન કરવા લાગી . પણ મરકટ જેવું મન ઊંઘવા દે તો ને !! છેવટે થાકી હારી ને ત્રણ વાગ્યાથી ઉભી થઇ નીતાબહેન સાથે વાતો એ વળગી ," ભાભી , કેવાં કપડાં પહેરું તો તેજસ ને ગમશે ?? " નીતાબહેન પરિણામ તો સમજી ગયાં !!! " અરે શિલ્પા તું તો જે પહેરે તેમાં સુંદર લાગે છે , પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તેજસ ને મોર્ડન દેખાવ કરતાં સાદગી વધુ પસંદ હશે . તે પ્રમાણે તૈયાર થજે ."

સાડા પાંચ થતાં તો શિલ્પા તૈયાર થઇ ને બેઠકરૂમ માં ગોઠવાઈ ગઈ . હરેશભાઈ અને નીતાબહેન એકબીજાની સામે જોઈ મરકતાં બેઠાં . બરાબર છ વાગે તેજસ શિલ્પાને લેવા આવી ગયો ને લગભગ સાડા આઠ વાગતાં શિલ્પા ને પાછી મૂકી જશે તેવું કહી શિલ્પા ને લઇ ને બિલ્ડીંગ ની નીચે ઉતર્યાં . શિલ્પા તો તેજસ ને જોતાં જ મૂંગી થઇ ગઈ હતી .... ગાડી માં બેસતાં તેજસ બોલ્યો ," શિલ્પા રીલેક્સ . કેમ આટલું ટેન્શન અનુભવો છો ? ચાલો તમને વાંધો ના હોય તો થોડું દરિયા કિનારે ચાલી તાજી હવા ને માણીએ . "

દરિયા કિનારે ફરતાં શરૂઆત માં ઔપચારિક વાતો ચાલી ને તેજસની નજર તો હવા માં ઉડતી શિલ્પાની વાળ ની લટ માં ખોવાઈ ગઈ અને શિલ્પા તેજસ ની વાતો માં !!! થોડું ફરી પાળી ઉપર બેઠક જમાવતાં તેજસ બોલ્યો ," શિલ્પા , તને મારી જીવન સંગીની બનવું ગમશે ? હા હું દેખાઉં છું તેટલો સાદો નથી , મારાં શમણાં ઘણાં ઊંચા છે અને તે ઉંચાઈ પર આપણે સાથે જઈએ તેવી મારી ઈચ્છા છે . તારું શું માનવું છે ? મને અમેરિકા જઈ સેટલ થવું છે અને ખૂબ બધું કમાઈ તને રાણી ની જેમ રાખવી છે . તું કોઈ પ્રકાર નું દબાણ ના અનુભવીશ . અને મને હાલ ને હાલ તારા જવાબ ની રાહ પણ નથી , ટેઈક યોર ટાઇમ ."

બસ આડી અવળી વાતો ચાલી ને હોટલ માં જમવા જતાં સુધીમાં તો શિલ્પા તેજસ મય થઇ ચુકી હતી અને ઘરે પહોંચતા ભાભી ને વળગી શિલ્પા એ મંજુરી ની મોહર લગાવી દીધી . ગોળધાણા ખાવા ની વિધિ પતાવી અમદાવાદ પાછા જવું તેવું નક્કી પણ થઇ ગયું ને તાત્કાલિક વિધિ પતાવી દેવાઈ . હરેશભાઈ અને નીતાબહેને ભાઈ અને પિતાજી સાથે બધું રંગે ચંગે પતાવી દીધું ને હરખ ભેર અમદાવાદ પાછા આવવાં નીકળ્યાં . ગાડી જેમજેમ અમદાવાદ ભણી આગળ વધતી ચાલી તેમતેમ શિલ્પા વાસ્તવિક જીવન માં આવતી ગઈ . તેજસ સાથે જોયેલાં સપનાં સાકાર કરવાં મન આતુર બન્યું તો બીજીબાજુ વિજય નાં ફોન આવ્યાં કરતાં હોવા થી મન બેચેન બન્યું .

તેજસ નાં ફોન આવે તે ખાતર પણ મોબાઈલ ચાલુ રાખવો જરૂરી હતો ... ને પછી વધારે બેચેની ગૂંગળાવતી હોવાથી વિજય નો નંબર બ્લોક કરી દીધો ને મનમાં વિચારી લીધું કે હવે વિજય નાં વિચાર કરવાં નથી . બસ હું ને તેજસ .... નીતાબહેન તો હળવા ફુલ થઇ ગયાં હતાં , હરખ નાં માર્યાં આખો રસ્તો લગ્ન ના પ્લાનીંગ ની વાતો કરતાં અમદાવાદ ક્યાં આવી ગયું તેનો પણ ખ્યાલ ન આવ્યો . નીતાબહેન ની નાની બહેન સીમા એ આખા ઘરનો ભાર સુન્દર રીતે ઉપાડ્યો હોવાથી નીતાબહેન ને ઘર અને બાળકો ની પણ શાંતિ હતી .

સીમા ને વધુ થોડા દિવસ રોકાઈ જવાનો આગ્રહ નીતાબહેને કર્યો . ને પોતે લગ્નની તૈયારી કરવાં અને બધાને ફોન કરી ખુશીના સમાચાર આપવાં માં વ્યસ્ત થઇ ગયાં . સવાર પડતાં વિજય આવ્યો ને શિલ્પા એ મોળો આવકાર આપી વાત કરવી ટાળી અને તુરંત સીમાને કહ્યું ," જરા વિજય સાથે વાત કરને , હું જરા ભાભી ને મદદ કરું છું ." ને તે બીજા રૂમમાં ચાલી ગઈ . મનમાં સમસમી ગયેલો વિજય ઉભો થવાં જતો હતો ત્યાં સીમા એ પ્રેમપૂર્વક પાછો બેસાડ્યો .

સીમા ઘરમાં ચાર ભાઈ બહેન માં સૌથી નાની હતી . તેનાં પિતા નાની ઉંમર માં ગુજરી ગયાં હોવાથી મા ને શિરે બધી જવાબદારી ને કારણે બાળકો જાણે પોતપોતાની રીતે મોટાં થતાં ગયાં . સીમા ઘણી પ્રેમ ભુખી , જરાક અમથો પ્રેમ મળતાં ઓળઘોળ થઇ જતી અને તેથી જ નીતાબહેન અને તેમના બાળકો સાથે તેને ઘણું બનતું . વિજય સાથે વાતો કરવા માં પણ તેને ઘણો આનંદ આવતો .

થોડીવાર બેસી ને વિજય ચાલ્યો ગયો ને રૂટીન પતાવી સીમા અને શિલ્પા બપોરે આડેપડખે થયાં ત્યારે શિલ્પા એ સીમા ને કહ્યું ," મારી તેજસ ની સાથે સગાઇ નક્કી થઇ તેથી વિજય ને માઠું લાગ્યું લાગે છે . હું પણ શું કરું ? તું જરા વિજયને સાચવી લેજે ને!!"

ભોળી એવી સીમાને એમ થયું કે વિજય ને આવા સમયે કંપનીની જરૂર છે , અને વાતો કરતાં વિજય ને સારું લાગતું હોય તો પોતાને શું ફરક પડે ! પાડોશી જ તો છે . અને સીમા અને વિજય ની દોસ્તી ગહેરી થતી ગઈ .

નીતાબહેન તો શિલ્પાનાં લગ્નની તૈયારી માં ગળાડૂબ થઇ ગયાં અને આ બાજુ સીમા અને વિજય નાં હરવાફરવા નાં દિવસો શરુ ... વિજયનું મન પણ હવે શિલ્પાને ભૂલી સીમા નાં પ્રેમમાં ડૂબી ગયું હતું . શિલ્પાનાં લગ્ન રંગેચંગે પતિ ગયાં અને નીતાબહેન ને કામની કળ વળે ત્યાં સીમા અને વિજયનાં સંબંધની જાણ થઇ . નીતાબહેને બંને ને બેસાડી વાત કરી તો તેઓ એ એકબીજાને લગ્ન નો વાદો કર્યાં નું જણાવ્યું . વિજયે વચન આપતાં કહ્યું ," હું ખુબ મહેનત કરી પપ્પાનો ધંધો વિકાસવીશ અને સીમા ને ખુબ ખુશ રાખીશ ." પિતા વગરની નાની બહેન સીમાની જવાબદારી નીતાબહેન નિભાવતાં હોવાથી આ સંબંધ અંગે પાછી મુંઝવણ! જે નીતાબહેન પોતાની નણંદ ને વિજય સાથે પરણાવવા નહોતા માંગતા તેમણે પરાણે આ વાત સ્વીકારવી અઘરી થઇ ગઈ ...

હરેશભાઈ અને નીતાબહેનને લાગ્યું કે કંઈ નહીં આ સંબંધ સ્વીકારી લે તો સીમા આંખ આગળ તો રહેશે , અને જયારે વિજયે આટલાં આત્મવિશ્વાસ થી વાત કરી છે તો સૌ સારા વાના થશે .... પણ જયારે નીતાબહેને આ વાત વિજયનાં માતા પુષ્પાબહેન ને કરી તો તેમનો પિત્તો આસમાને ગયો . પણ પુખ્તવયના પુત્ર માટે કંઈ કહી ન શકવાથી મૌન સેવાવામાંજ હિત લાગ્યું . નીતાબહેન ને પુષ્પાબહેન ની વાત પરથી ખ્યાલ આવી ગયો અને તેમણે પણ ચુપ રહેવાનું ઉચિત માન્યું . મનમાં ને મનમાં પોતાની બહેન નાં જીવન અંગે અફસોસ કરવાં લાગ્યાં કે જે સંબંધ ની બીક મારી પોતાની નણંદ માટે હતી તે આજે પોતાની સગી બહેન ની જિંદગી સામે આવી ઉભી છે . તેવામાં સીમાની કોલેજ માંથી પ્રવાસ ગોઠવાયો અને સીમાને તેમાં મોકલવાનું હરેશભાઈએ ઉચિત માન્યું .

આબાજુ સીમા પ્રવાસે ગઈ ને શાંત રહેલાં પુષ્પાબહેને વિજયની ઓળખાણ વર્ષા સાથે કરાવી . વિરહ માં ઝુરતાં વિજયને રૂપાળી વર્ષા માં આકર્ષણ જન્મ્યું . આમ પણ ભાઈ સ્વભાવે તો ચંચળ .... મા દીકરાની પ્રકૃતિ સારી રીતે જાણતી એટલે રૂપાળી , શાંત અને આર્થિક રીતે જરા તેમનાં થી નબળાં ઘરની વર્ષાની પસંદગી કરી હતી . વિજય નાં વર્ષા પ્રત્યેનાં આકર્ષણ ની જાણ થતાં પુષ્પાબહેને ઘડિયા લગ્ન લઇ ને વિજય અને વર્ષા ને પરણાવી ને મનની મુરાદ પૂરી કરી .

નીતાબહેનના મનમાં હાશકારો થયો પણ સીમાને કેમ કરી સમજાવશે તેનો પ્રશ્ન કીડાની જેમ મનને કોરવા લાગ્યો . પ્રવાસેથી પાછી ફરેલી સીમાને વિજયનાં લગ્નનાં સમાચારથી ઘણો આઘાત લાગ્યો . એકદમ સુનમુન રહેવા લાગી . જ્યારે નીતાબહેને જાણ્યું કે સીમા નું ચિત્ત ક્યાંય લાગતું નથી તો તેમણે સીમાને પોતાનાં ઘરે રહેવા બોલાવી , તેમને થયું કે ભલે બે સોસાયટી દુર રહે છે પણ પોતાની સાથે રહેશે તો બાળકો સાથે થોડું મનફેર થશે .

લગ્ન નાં બીજે જ દિવસે વિજય અને વર્ષા સિમલા ફરવાં નીકળી જાય તેવી ગોઠવણ પણ પુષ્પાબહેને કરી દીધી હતી .વિજય ને તો બહારગામ જવાનો ખુબ શોખ ને તેમાય રૂપાળી પત્ની સાથે .... રાતે પત્ની ને પ્રેમ કરવાનો અને દિવસે રખડવાનું !!! સિમલા માં માલ રોડ પર ફરતાં વિજય એકદમ એક દુકાન પાસે ઊભો રહી થોડાં કપડાં જોતાં ને વર્ષા ને પાસે બોલાવી કહે છે ," અરે, આ જરા સ્કર્ટ ટ્રાય કરી જોને , તારા ઉપર સરસ લાગશે ."સંકુચિત માનસ ધરાવતી વર્ષા મોં બગાડી બોલી ઉઠી ," હાય રામ , આવાં કપડાતે કંઈ પહેરતા હશે !!! ના રે , આતો તમારું મન રાખવા પંજાબી પહેરું છું અને તે પણ બહારગામ હોં , ઘેર જઈ આવા ઘેલાં ના કાઢતાં . "

વિજય મનમાં જ ધૂંધવાઈ હોટેલ પર પાછા ફરતાં અમદાવાદ પુષ્પાબહેન ને ફોન કરી પોતે વહેલાં પાછો વળે છે તે નિશ્ચય જણાવી દે છે . અને પાંચમાં દિવસે તો અમદાવાદ પહોંચી જાય છે . અને બસ વિજયનું મન સીમા અને વર્ષા ની તુલના કરવા લાગે છે . થોડાં દિવસ તો વર્ષની સોસાયટી નાં આંટા મારે છે પણ તેની સામે જવાની હિંમત ભેગી કેમ કરી કરવી ?? રાત દિવસ આજ વિચાર માં ખોવાયેલો વિજય વર્ષાનાં વર્તન થી વધારે ને વધારે અકળામણ અનુભવે છે . ઘણી વખત પુષ્પાબહેન પર પણ ગુસ્સો કરી બેસે . પણ હવે પરણી ગયાં પછી શું !!! શારીરિક ભુખ હજી સંતોષાય પણ માનસિક હાલત બગડતી જાય .

એક દિવસ સીમાને બારી પાસે દુઃખદ મોં એ ઉભેલી જોઈ વિજય હિંમત એકઠી કરી સીમા ને મળવા નો ઈશારો કરે છે . હિજરાતી સીમા તો ભાવવિભોર થઇ ફટાફટ વિજય પાસે પહોંચી જાય છે . વિજય ગળગળા અવાજે બોલ્યો ," સીમા હું તારી માફી માંગવા ને લાયક પણ નથી , તારી ગેરહાજરી માં એટલું બધું બની ગયું કે હું બયાન પણ નથી કરી શકતો , પણ હજી હું તને કેટલો પ્રેમ કરું છું તેનો તને ખ્યાલ પણ નહીં આવે , વર્ષા ને પરણી ને મારી તો જીંદગી બગડી ગઈ છે . તું મારી મિત્રતા સ્વીકારીશ? " પ્રેમ ભૂખી સીમા શું બોલે !!! તેને લાગેલા આઘાત પર જાણે ઠંડો મલમ લાગ્યો ....

વિજય ને પણ સીમા નો એક સહારો મળ્યો ને બંને ની મિત્રતા ગહેરી બનતી ચાલી . વિજયને દુનિયા નાં ભયને કારણે સીમા સાથે વધુ સમય વિતાવી શકાતો નહતો . સીમાની બહુ જીદ રહેતી કે વિજય તેની સાથે વધુ સમય વિતાવે .ઘણાં વિચારો નાં અંતે વિજયે સીમા ને કહ્યું ," સીમા તું આગળ અભ્યાસ વિદ્યાનગર હોસ્ટેલ માં રહી ને કરે તો આ કાંઈ માથાકૂટ ના રહે ." સીમા એ કહ્યું મોટી બહેન ને વાત કરી જોઉં , જોઈએ શું કહે છે ? "

નીતાબહેન ને સીમાના બદલાયેલ વર્તન નો અણસાર આવી ગયો હતો , એટલે તેઓ પણ મુંઝાયેલા રહેતાં હતાં . તેવામાં સીમા તેમની પાસે બેસી બોલી ," મોટીબહેન મને હવે અહીં રહેવું બહું કષ્ટ આપે છે , હું વિદ્યાનગર ભણવા ચાલી જાઉં તો મન ને શાંતિ અને અભ્યાસ પણ વ્યવસ્થિત કરી શકું . જો આપ જીજાજી ને કહી બા ની મંજુરી અપાવો તો સારું .... પછી તમને યોગ્ય લાગે તેમ !!! " નીતાબહેન ને પણ સીમાની વાત ગળે ઉતરી , ને બધાને સમજાવી સીમા વિદ્યાનગર હોસ્ટેલમાં અભ્યાસ માટે ચાલી ગઈ.

વિજયને તો મણિનગર શું ને વિદ્યાનગર શું !! એતો ધંધો વિકસાવવા ને બહાને બહારગામ જાઉં છું કહી ને ઉપાડી જતો સીમા નાં પ્યારમાં ડુબવા ને વર્ષા થી છુટકારો પામતો . અવારનવાર સીમા માટે ગીફ્ટ માં ફેન્સી કપડાં લઇ જતો . અને દિવસ રાત સીમા સાથે વિતાવતો . મહિના માં છ સાત દિવસ ઘરે વિતાવતો ને બાકી ના સીમા સાથે . સીમા ને તો વિજયનો આટલો બધો પ્રેમ મળતાં અનેરો આનંદ થતો , એક ક્ષણ તો એવી આવી ગઈ કે વિજય પરિણીત છે તે પણ સીમા ભુલતી ચાલી . બસ એની દુનિયા એટલે વિજય ....

સીમા ને ક્યારેક થતું કે તે ઘરનાં ને શું જવાબ આપશે ?? હવે તો ઘરેથી પણ લગ્ન કરવા નું દબાણ થવાં લાગ્યું હતું . વિજયે સીમા ને પટાવી મંદિર માં લગ્ન કરી લીધાં અને કાયદાથી અજાણ એવી સીમા મનથી અને તનથી તો વિજયને વરી ચુકી હતી પણ હવે પરણેતર ની ભાવના દ્રઢ થઇ . નીતાબહેન જ્યારે પણ સીમા સાથે લગ્ન ની વાત કરતાં અને સીમા પ્રેમ પુર્વક ના પાડી દેતી , કારણ હવે તો વિજય પ્રત્યે ના પ્રેમની કોઈ સીમા જ નહોતી અને હવે તો તે પરિણીત છે તેવાં ભાવમાં જ જીવતી . વિજય અમદાવાદ જાય ત્યારે તેની રાહ તેની પાછા આવવાની રાહ માં અને એમ .એ નાં અભ્યાસ માં સીમા નો સમય વીતી જતો .

વિજય અમદાવાદ આવી વર્ષા ને બરાબર પટાવી જાણતો . જાણે ખૂબ થાકી ને આવ્યો હોય અને બહુ કામ કર્યું હોય .... સીમાનું એમ.એ . ભણવાનું પતી જવા થી હવે તો તેણે પાછા આવવું જોઈએ તેવો નીતાબહેન આગ્રહ કરવા લાગ્યાં . સીમા એ વિજય ને કહ્યું ," હવે શું જવાબ આપીશ ?? મને તો બહુ ડર લાગે છે . " વિજય સીમાને કહેવા લાગ્યો ," અરે આટલી હિંમત થી તું અહીં મારી સાથે રહી છું તો અમદાવાદ માં પણ રહી જ શકીશ ને . હું તારા માટે એક ફ્લેટ ની ગોઠવણ કરી દઉં એટલે આપણે મોટી બહેન ને વાત કરી દઈશું ."

અમદાવાદ આવી ને બાને અને મોટી બહેન ને ભેગા બેસાડી સીમા એ હિંમત પૂર્વક કહ્યું ," મેં વિજય સાથે મંદિર માં લગ્ન કરી લીધા છે અને તેને મારો પતિ સ્વીકારી લીધો છે . માટે મને હવે આગ્રહ નહીં કરતાં . વિજયે મારા માટે ફ્લેટ પણ ખરીદી લીધો છે અને હું ત્યાં રહીશ . " બા અને નીતાબહેને વર્ષા ની વાત કાઢી તો સીમા એ કીધું એતો વિજય છે ને બધું પતાવી દેશે અને વર્ષા સાથે થી છુટો થઇ જશે . પુખ્ત વયની દીકરી સાથે દલીલ પણ કેટલી થાય એમ વિચારી અને સીમા ની મક્કમતા પર બાને અને નીતાબહેન ને નમતું જોખવું પડ્યું . નીતાબહેન દ્વારા આ વાત જ્યારે અમેરિકા રહેતી શિલ્પા એ જાણી તો તેણે એક રાહત નો શ્વાસ લીધો અને એક હાશકારો લીધો કે ચાલો પોતે તો બચી ગઈ અને તેજસ જેવો સારો પતિ મેળવી સુખી થઇ ...

વર્ષા તો વિજય ની પત્ની હતી જ તેણે એક પુત્રી ને જન્મ આપ્યો . પુષ્પાબહેન ની ખુશી નો કોઈ પાર નારહ્યો . હવે તેમને વિશ્વાસ જાગ્યો કે વિજય જરા જંપી ને રહેશે . પણ વિજય તો અડધો સમય સીમા સાથે ને અડધો સમય વર્ષા સાથે એમ બે ઘર વચ્ચે ....વર્ષા ને પણ હવે વિજય અને સીમા ના સંબંધ ની ખબર પડી જ ગઈ હતી . શરૂઆતમાં કકળાટ કર્યો પણ પછી પુષ્પાબહેને સમજાવી કે વિજય કકળાટ થી નહીં માને , જરા પ્રેમ થી વાળવો પડશે .

ને એક દિવસ પુષ્પાબહેન સીમા નાં ઘરનું સરનામું જાણી એનાં ઘરે ઓચિંતા જઈ ચઢ્યાં . હબક ખાયેલી સીમા એ પાણી આપી સ્વાગત કર્યું પણ દિલ માં એક મુંઝારો અનુભવ્યો , એને તો ખબર જ નહોતી કે વિજય ની પત્ની વર્ષા એ પુત્રીને જન્મ આપ્યો છે !!! પુષ્પાબહેને જ્યારે આ સમાચાર સીમા ને આપ્યા ત્યારે સીમા ને આઘાત લાગ્યો , કારણ તે પણ પ્રેગ્નન્ટ હતી .

વિજય નાં પ્રેમ માં અંધ બનેલી સીમા ને કોઈ અંદાજો નારહ્યો કે વિજયે શું માંડ્યું છે . તેણે પુષ્પાબહેન ને પોતાની પરિસ્થિતિ ની વાત કરી , પુષ્પાબહેને તેને ગર્ભ નો નિકાલ કરવાં સલાહ આપી અને વિજય નો પીછો છોડવા જરા કડક શબ્દો માં કહ્યું ," આવનાર બાળક ને પિતાનું શું નામ આપીશ ?? વિજય વર્ષા નો કાયદેસર નો પતિ છે , તારું સ્થાન શું ??? મારાં ઘર માં તો તારો સમાવેશ થશે નહીં , માટે હવે જરા વિચાર "

પુષ્પાબહેન નાં જવા પછી સીમા તો સુનમુન બેસી રહી , બસ આગળ અંધારું અને દૂર વિજયના પ્રેમ નો દીવો હવે શું કરશે ? આવનાર બાળક નું શું !! ના, જન્મ તો આપવો જ રહ્યો ... પુષ્પાબહેન તો જાણે યુધ્ધ જીતી આવ્યાં હોય તેવાં ભાવ સાથે ઘરે જઈ બધી વાત વર્ષા ને કરવાં લાગ્યાં . હબકાયેલી વર્ષા ને વિજયે પોતાની સાથે દગો કર્યો છે તેનો ગુસ્સો પણ આવ્યો પણ શું થાય , કહે તો કોને !!! મનમાં વર્ષાને પુષ્પાબહેન પર અકળામણ પણ ઘણી થઇ

સીમા એના આંધળા પ્રેમ માં મશગુલ જીવન જીવતી હતી અને વર્ષા એના ... વિજય તો માતેલા સાંઢ જેવો . એને રાશ કોણ બાંધે ??? શરૂઆત માં થોડા દિવસ બંને ઘરે ઉચાટ અને કકળાટ નું વાતાવરણ રહ્યું . પણ પછી વર્ષાથી ન રહેવાયું અને પહોંચી સીમા ને મળવા . વાતો કરતાં બંને ને ખ્યાલ આવ્યો કે આંધળા પ્રેમ નું પરિણામ કેટલું અઘરું છે , સીમા તો મુંઝવણ ની મારી કંઈ બોલી શક્તિ નહોતી , તેવામાં વિજય પણ સીમા ને ઘરે આવે છે અને વર્ષા ને ત્યાં જોતાં આશ્ચર્ય પામે છે .

સીમા ની સામું જોઈ વર્ષા તેને કહે છે ," બહેન , હું એક વાત કરવા આવી છું , હું પણ એક સ્ત્રી છું ,તારી વેદના સમજી શકું છું , તું આવી હાલત માં આ દુનિયા માં ક્યાં જઈશ ? " વિજય તો જેને ગમાર વર્ષા સમજતો હતો તેની સામું આશ્ચર્ય થી જોઈ રહ્યો .

વર્ષા એ હિંમત ભેર વિજય ને થોડી વાર બહાર જવાનું કહ્યું અને કીધું ," અમને બેઉ ને થોડો એકાંત આપો ." અને સીમાને કહે છે ," આપણા બેઉ નાં આ આંધળાં પ્રેમ નું પરિણામ હવે આપણે ભોગવવું જ રહ્યું , ચાલ સુખે દુઃખે જીવન વિતાવી દઈશું , તું તો આટલું બધું ભણેલી છું , મને અભણ ને ખ્યાલ ના આવે પણ તું પણ સમજી નાં શકી ??? વિજય આપણા બંને ની લાગણી અને શરીર સાથે રમતો આવ્યો , હવે જ્યારે આપણે બંને જાણી ગયાં છીએ તો આનો કંઈ ઉપાય તો આપણે કાઢવો જ રહ્યો !! શું માનવું છે તારું ? "

સીમા તો શું બોલે , વિચાર માં પડી ગઈ કે કયા હક માગું વિજય પાસે !!! વર્ષા ની વાત તો સો ટકા ની સાચી હતી . વર્ષા તરત તેનો મનોભાવ કળી ગઈ . અને બોલી ," હું ભલે ગામડા ની હોઉં , પણ પતિ ની આવી ચાલચલગત તો હવે સહન નથી જ થતી . હું તેનાં થી છુટી રહી તેને પાઠ ભણાવવા નું નક્કી કરી ને જ તારી પાસે આવી છું .તેણે આપણું ભરણપોષણ તો કરવું જ રહ્યું અને ઘર તો આ છે જ તો ચાલ બહેન આપણે સાથે રહી જીવન વિતાવીશું અને તારું આવનાર બાળક પણ મારું જ રહશે .અને હા આ વિજય ને છુટાછેડા તો નથી જ આપવાની અને તેની સાથે કોઈ વ્યવહાર પણ નથી રાખવો .... જેથી કાલ ઉઠી બીજી કોઈ સ્ત્રી ને તારી જેમ છેતરે નહીં "સીમા ની આંખ આગળથી પ્રેમનાં પડળ ખસતાં તે પણ વર્ષા ની વાત સાથે સહમત થઇ .

કલાકેક થતાં વિજય જ્યારે સીમા ને ત્યાં પાછો આવ્યો ત્યારે સીમા નું મોં જોઈ ને જ કંઈ અજુગતું બનવાનું છે તે કળી ગયો .સીમા બોલી ઉઠી કે ," અમારાં તારા પરનાં આંધળા પ્રેમ નું પરિણામ તો હવે અમે ભોગવીશું જ પણ હવે બહુ થયું અમે બંને એ નક્કી કર્યું છે કે તારી આ બે બાજુ ની રમત નો અંત લાવવો જ રહ્યો ....તું તારા ઘરે જા અને અમારે હવે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો , આવનાર બાળકની જવાબદારી તારે શિરે રાખીશું એટલે તને પણ યાદ રહે કે કુટુંબ શું ચીજ છે અને તેને ગુમાવી શું મળે છે , બહેન વર્ષા તમે સમાન લઇ ને આવો હું તમારી અને બેબીની રાહ જોઉં છું . ..."