ઝંઝાવાત SWATI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝાવાત

ઝંઝાવાત

સ્વાતિ શાહ

swatimshah@gmail.com

કોરી ધાક્કોર આંખે આજે સારિકા કૈક ખોવાયેલી, થાકેલી બેઠી હતી , એને પણ ખબર નહિ કે તે શાને માટે કેટલાં સમય થી આમ બેઠી હતી. વહેલી સવાર નાં તપતાં સુરજ ને જોતી દિવસ ની શરૂઆત હજી થઇ નહોતી , ત્યાંજ તેનાં મોબાઈલ સ્ક્રીન પર કાદમ્બરી નું નામ ઝબકયું , વધુ રીંગ વાગે તે પહેલાં ફટ કરતો તેણે ફોન ઉપાડી ને કાને વળગાડ્યો જાણે કેટલાં સમય થી રાહ જોતી બેઠી હોય .

પહેલી રીંગ પર જ ફોન ઉપડવાથી કાદમ્બરી ને પોતાની મમ્મી ની મનોદશા નો તુરંત અણસાર આવી જતાં તે બોલી ઉઠી ,“ મમ્મી હવે બહુ થયું ,મુક આ જંજાળ અને અમારી પાસે અમેરિકા આવી જા . મને અને સાહિલ ને તું બહુ યાદ આવે છે .સાહિલ પણ મને કીધાં કરે છે કે મમ્મી ને આપણી પાસે બોલાવી લઈએ .હવે તારી જાત નો તો વિચાર કર .ક્યાં સુધી આમ ઢસરડા કરે રાખીશ !!! “ બીજી આડી અવળી વાત કરી સારિકા એ ફોન મૂકી દીધો. કરેલી કોઈ વાત તેને યાદ ન રહી ખાલી બસ “મમ્મી તું આવી જા બહુ થયું “ કાદમ્બરી નાં આ શબ્દો સારિકા નાં કાન માં ક્યાંય સુધી ગુંજ્યા કર્યા.ફોન મુક્યા ને પણ સમય થયો પણ સુનમુન સારિકા ઝંઝાવાતી ભૂતકાળ નાં વંટોળ માં ખોવાણી .

પરણી ને આવી ત્યારે બેઉ નણંદ નાં લગ્ન થઇ ગયા હતાં .ઘરમાં વિધવા સાસુ ,કુંવારા કાકાજી અને મોં બોલ્યા ફોઈજી . જતીન તો ઘણી વાર સારિકા ને કહેતો કે ,” આપણે વર વહુ એ તો બસ સિનીયર સિટીઝન્સ ની સાથે જ જીવન વિતાવવા નું છે .” સારિકા તુરંત જવાબ આપતી ,” વડીલો નાં આશીર્વાદ બધા ને નસીબ નથી હોતાં . આપણા ધન ભાગ્ય કે વડીલો થી ઘર શોભે છે .”

જતીન કોલેજ નાં છેલ્લા વર્ષ માં હતો ને તેણે પિતા નું છત્ર ગુમાવ્યું . ફાઈનલ પરીક્ષા પૂરી થઇ અને તેનાં માથે આખી ફેક્ટરી ચલાવવાની જવાબદારી આવી ત્યાં સુધી વ્યવસાય કેવી રીતે ચાલે છે કે વાપરવા પૈસા ક્યાંથી આવે છે તેનો તેને ખ્યાલ નહોતો . આમ પણ બે બહેનો ઉપર ખોટનો દીકરો હતો . માતા પિતાએ દૂધ માંગતા પાણી હાજર કર્યું હતું .

પતિનાં અકાળે મૃત્યુ પછી માતાને વહુ વહેલી લાવવાની ઉતાવળ આવી તેમાં જતીન જેવો ગ્રેજ્યુએટ થયોને સારિકા સાથે લગ્ન ગોઠવાઈ ગયા.ઉચો ,રૂપાળો જતીન સારિકાને એક નજરે ગમી ગયો અને ઘડિયા લગ્ન લેવાઈ ગયાં. જતીન સવારથી ફેક્ટરી જતો . એકાઉન્ટ જોવે કે પ્રોડક્શન પર ધ્યાન આપે ?? દિવસનાં અંતે મુંઝાઇ જતો . સાંજ પડતાં ઘરે આવીને થાકીને લોથ થઇ જતો .માનસિક થાક ઉતારવા મિત્રોનાં ચઢાવવાથી થોડો છાંટો પાણી કરવા લાગ્યો .ક્યારેક દારૂનો એક પેગ તો ક્યારેક બે ત્રણ .

હજી લગ્નને એક વર્ષ થયું ત્યાં સારિકાએ પરિવારમાં એક જણ ઉમેરાવાનાં સમાચાર આપતાં કહ્યું ,” હવે જરા ખર્ચા પર કાપ મુકવો પડશે , આમ ભાઈબંધો સાથે મિજબાની કરવાનું ઓછુંકરો .” ઘરમાં આવતાં પૈસા પરથી સારિકાને જતીનનાં વ્યવસાયમાં પડતી તકલીફ નો ખ્યાલ આવી ગયો હોવાથી જતીનનું ધ્યાન દોરવા તેણે જસ્ટ કીધું પણ લાટ સાહેબ માને તો ને .સારિકા એ કાદમ્બરી ને જન્મ આપ્યો .

જતીન એટલો રોફ જતાવતો કે એની પર્સનલ ખરીદી પણ સારિકા એ કરવી પડતી . સારિકા ને તો બસ આખા ઘરના સભ્યો ને સાચવવાના અને આનંદમાં રહેવાનું ગમતું કાર્ય ,પણ જતીનની સોબત જોઈ મુંઝવણ થતી !! જતીન મોજીલો હોવાથી ભાઈબંધ લોકો પણ વીંટળાયેલા રહેતા. ફેક્ટરી માં હિસાબ કિતાબ મેળવવામાં વધુ સમય જતો હોવાથી પ્રોડક્શન પર ધ્યાન ઓછું અપાતા પ્રોડક્શન ઘટવા લાગ્યું .

ભાઈબંધો એ ટેન્શન દુર કરવા દારૂની લત લગાડી દીધી હતી .સંસારમાં બીજાને પૈસે લહેર કરવા માટે ઘણાં લોકો હોય છે તેમ જતીનને પૈસે લીલાલહેર કરનાર મિત્રો કઈ શોધવા જવા પડે તેવું નહોતું .

જેમ જેમ ટેન્શન વધતું જતું તેમ તેમ દારૂની લત પણ વધવા માંડી હતી .જેનો સારિકા એ ઘણો વિરોધ કર્યો .મા થી દીકરા નું ટેન્શન જોવાતું નહોતું ,તે ઉપરાણું ખેંચવા લાગ્યાં. સારિકા એક બાજુ દીકરી કાદમ્બરી ને સાચવે અને બીજી બાજુ પતિને સાચવવા કોશિશ કરે . સાસુનો સપોર્ટ તો બાજુ પર પણ ઘરમાં બીજું કોઈ પણ જતીન ને કઈ કહી શકતું નહીં .

સમય અને નદી ને કોઈ રોકી શક્યું છે તે રોકાય . સારિકા કાદમ્બરી નાં ઉછેર પાછળ વધુ ધ્યાન આપવા માં વ્યસ્ત થઇ તેમતેમ જતીન તેનાં મિત્રો સાથે વધુ વ્યસ્ત રહેવા લાગ્યો .સારિકા વ્યસ્ત રહેતી પણ જતીન સામું જોતી નહિ તેવું થોડું બને ! જતીનનું આવું વર્તન તેને હવે અસહ્ય થઇ ગયું .કરે પણ શું ?સાસુ હંમેશા જતીન નો પક્ષ લઇ કહેતા ,” બિચારો થાક્યો પાક્યો ઘેર આવે છે ને તું પાછું ક્યાં લઇ માંડે છે .” સારિકા કહે પણ કોને ! પિયર તો બહારગામ એટલે માતા ને ફોન પર વાત કરી ચિંતા કરાવવું યોગ્ય ન લાગતું .હંમેશા ‘પોતાની ચિંતા પોતાની છે’ માતા કે પિતા ની નહિ તેવું તે વિચારતી .

સોબત તેવી અસર ,જતીનનું કામધંધા માં મન ઓછું થતું ગયું કારણ ખરાબ ભાઈબંધી અને દારૂનું વ્યસન.કહેવાયછે ને કે ,” દારૂડિયો દારુ નથી પીતો પણ દારુ જ દારૂડિયાને પીજાય છે .” ભાઈબંધ લોકો ને તો જતીન નાં પૈસે લીલાલહેર !! ને સારિકાને હૈયે દુકાળ. કાદમ્બરી નો ઉછેર અને તેમાં ફેક્ટરી ખોટ માં જવા લાગી.આવક ની સામે જાવક વધતાં સારિકા ની મુંઝવણ બેવડાતી ચાલી .થાકી ને એક દિવસ જતીન ને કહ્યું ,” હવે તો કાદમ્બરી પણ મોટી થવા લાગી છે .પરિવારનો કૈક તો વિચાર કરો ! આમ ને આમ ક્યાં સુધી ચાલશે?” હજી તો આગળ કઈ બોલે તે પહેલાં જતીન તાડુકી ઉઠ્યો ,” તને કઈ ખબર ના પડે ,હું સંભાળી લઈશ .” સારિકા ને થયું ,” જે પોતે પોતાની જાત નથી સંભાળી શકતો તે હવે શું કરશે ?”

હશે, જેવી પ્રભુ ની મરજી . ભગવાન ભરોસા સિવાય બીજો કોઈ ભરોસો દેખાતો નહોતો .નણંદો પોતાના સંસારમાં વ્યસ્ત અને સાસુ ,કાકાજી ને ફોઈજી ઘર નાં સભ્ય હોવાં છતાં નહતાં એવું સારિકા ને લાગતું .દિવસ કરતાં રાત લાંબી લાગવાં માંડી ને છેવટે મોટું હવેલી જેવું ઘર કાઢી ત્રણ બેડરૂમ ફ્લેટ માં રહેવાનો વખત આવી ગયો. કાદમ્બરી હવે સમજણી થઇ .સારિકા તેને સમજાવવા કોશિશ કરતી પણ જતીન અંગે કઈ બોલવામાં ક્ષોભ અનુભવતી .સમજુ ને ડાહી કાદમ્બરી મનમાં ઉઠતાં સવાલો નાં જવાબ મેળવ્યાં વગર જ મન વાળી લેતી અને બને તેટલો સારિકા ને સહારો આપવા કોશિશ કરતી .

જતીન ને દારૂ નાં વ્યસન નાં વળગાડ ની અસર ધંધા પર પડતાં નુકશાન જવા લાગ્યું અને તબિયત પર પણ અસર થવા લાગી .તેમાંથી ક્યારે સીરોસીસ ઓફ લીવર ની વ્યાધિ વધી ગઈ તેની સીરીયસનેસ જતીન ને ન થઇ. સારિકા ઘરનાં વડીલો નું ધ્યાન રાખે ને સાથે સાથે જતીનને હોસ્પિટલ માં દાખલ કરી એની સારવાર પ્રત્યે ધ્યાન આપે. હોસ્પિટલ માં જેટલો સમય સારિકા હોય તે દરમ્યાન કાદમ્બરી વડીલો ની જરૂરિયાત સાચવી લેતી .

નણંદો આવી ખબર કાઢી પાછી ચાલી જાય , જે ભાઈબંધો પહેલાં માખી ની જેમ આસપાસ ભમતાં હતાં તે બધાંએ દોસ્તી છોડી દીધી . સારિકા નાં માતા પિતા બહારગામ રહેતાં હોઈ જરૂરી મદદ કરે પણ સાથે આવી રહી અને સારિકા નાં કામ માં બોજો બનવા નહોતાં માંગતા.છેવટેતો દીકરી નું સાસરું કહેવાય ! હા, સારિકા નાં બેંક નાં ખાતાં માં સારિકાનાં વગર માંગે રૂપિયા જમાં કરાવી દેતાં . તેઓ જાણતા કે સારિકા કોઈ દિવસ હાથ નહિ લંબાવે .

જતીનનાં માતા ઘરે પોતાનાં દીકરા માટે ભગવાન ને પ્રાર્થના કરતાં કહે ,” પ્રભુ જરા જતીન સામું જો , એને જલ્દી સાજો કર .” આ બાજુ હોસ્પિટલ માં આઈસીયુ ની બહાર બેઠી સારિકા ભગવાન ને પ્રાર્થના કરતાં કહે ,” પ્રભુ મારા સંજોગો જોતાં તને યોગ્ય લાગે તેમ કર !! હિત કોનું શેમાં છે તે તમે વધારે જાણો !” છેવટે ભગવાને જતીન ને પોતાની પાસે બોલાવી લીધો અને વેદના ભર્યા જીવનથી મુક્તિ અપાવી .

રાત પડે કાદમ્બરી ને સોડમાં લેતાં સારિકા નાં મોં ઉપર એક પ્રકાર ની મુકિત નાં ભાવ છલકાઈ જતાં અને સાથે મુંઝવણ અને એકલતા પણ વધતી ચાલી .ઘરમાં ત્રણ વડીલ ને સાચવવાની જવાબદારી સારિકાની હતી,મન ચકરાવે ચડ્યું. કહેવાય છે ને કે જેનો પોતાનો સહારો ન રહ્યો હોય તેને બીજાં ઘણાં સહારા મળી રહે છે .જીતીનનાં વ્યસન ને કારણે ઘણાં સારા મિત્રો છુટી ગયાં હતાં તેમાંના સુરેશ અને નીમા સાથે સારિકા ને સારું બનતું હતું જતીન ની માંદગી દરમ્યાન નીમા એક સગી બહેન ની જેમ સારિકા ને પડખે રહી .જેમ જેમ દિવસ વિતતા જતાં હતાં તેમ તેમ સારિકા ની મુંઝવણ વધતી જતી હતી .

નીમા સારિકાની મનોદશા જોતાં એક દિવસ કહે ,” તું મારી સાથે પાર્ટનરશીપમાં કામ કરીશ ? મારું કામ હવે વધતું જાય છે ને મને કોઈ સાથીદારની જરૂર છે .હું તને શીખવાડી દઈશ કે ફેશિયલ કેમ કરવું , વેક્સિંગ કેમ કરવું , બધી મારી જવાબદારી .” સારિકાને તો પોતાનાં ડૂબતાં વહાણ ને જાણે સહારો મળ્યો .એણે કોઈને પૂછવાનું તો હતું નહિ બસ વડીલો ની જરૂરિયાત સાચવી ને કામ કરવાનું હતું અને કમાતી વહુ તો સૌને સારી લાગે , વાંધો પણ કયા બેઝ પર ઉઠાવે . સારિકા પૂરી ધગશ થી કામ શીખવા લાગી .

પિતા ની સલાહ માની કાદમ્બરી ને બારમાં ધોરણ પછી મન મક્કમ કરી તેને એન્જીનીયરીંગ નું ભણવા નડિયાદ હોસ્ટેલ માં મૂકી. સારિકાથી દુર જવા બદલ થોડા દિવસ કાદમ્બરી નારાજ રહી . સારિકાનાં સમજાવવાથી કાદમ્બરી મન લગાવી ભણવામાં આગળ વધવું નક્કી કરી રહેવા લાગી . દિવસમાં બેવાર કાદમ્બરી સારિકાને ફોન કરતી અને ફોન પર વાત, એજ એકબીજા ની હુંફ .કાદમ્બરી ઘણી વાર વાતવાત માં સારિકા ને ફરી લગ્ન કરવાનું સુચન કરતી અને સારિકા સાંભળ્યું ન સાંભળ્યું કરતી .કાકાજી તો સાવ નવરાં હતાં અને જતીન નાં જવા પછી એમને કોઈ કઈ કહી શકતું નહિ .

સારિકા ઘણીવાર થાકી જતી , એકવાર માતાપિતા મળવા આવ્યાં ત્યારે કાદમ્બરી ની સારિકા નાં બીજાં લગ્ન કરવા ની વાત સારિકાએ કરી તો તેનાં પિતાએ તેને એકજ લીટી કહી ,” બેટા તારી ભાભી ની આવી પરિસ્થિતિ થઇ હોય અને અમને છોડીદે તો તને કેવું લાગશે ?” બસ આ એકજ લિટી સારિકા માટે કાફી હતી . મનમાં ગાંઠ વાળી કે હવે કોઈ એવાં વિચાર કરવાં નહિ . આખો દિવસ કામ માં વ્યસ્ત રહેતી અને સાંજ પડે ઘરકામ ,ઉનાળા નો વાયરો વાય અને સારિકા ને થાય આ “ લુ અને એકલું બે બહુ આકરા લાગે છે .” તેવે સમયે નીમા ને ફોન કરતી ને તુરંત નીમા કહે ,”ચાલ આંટો મારવા જઈએ છીએ તો તને લેવા આવીએ છીએ .થોડું ફ્રેશ થઇ જવાશે .” નીમાનો અને સુરેશ નો તેને ખુબ સપોર્ટ મળતો .

કાકાજી ની કનડગત વધતી ચાલી પણ સાસુ એતો કહી દીધું હતું કે ,” હું જીવું છું ત્યાં સુધી કાકાને ઘરડા ઘરમાં નથી મોકલવાના “ એટલે સારિકા ને કઈ વડીલ અંગે વિચારવા નું નહોતું , બસ તેઓનાં આશીર્વાદ નીચે જીવે છે તેમ વિચારી હસતાં ચહેરે જીવન વિતાવવાનું .એનો હસતો ચહેરો જોઈ ઘણીવાર એની નાની નણંદ કહેતી , “ભાભી તમે કેવી રીતે હસી બોલી શકો છો ? તમને શું ભાઈ ની યાદ નથી આવતી ?” સારિકા આવા સવાલ થી ઘણીવાર અકળાઈ જતી તો સારિકા ની મમ્મી ફોન પર એને સમજાવતી કે ,”બોલ્યા કરવા દેવાની,ભગવાને તને બે કાન શા માટે આપ્યાં છે .તું તારે તારી ફરજ નિભાવ્યે રાખ .આપણે કઈ કહેવાનું નહિ .તું ભલી ને તારું કામ ભલું. મન પર નહિ લેવાનું , એમજ સંસાર ચાલે .”

બહુ વખત આમ સાંભળ્યા પછી એક સમયે સારિકા એ ખુબ નમ્રતાથી કીધું ,” બહેન હું રડું કે હસું દિવસ તો મારે કાઢવા નાં જ છે ને !! રોતી બેસીશ તો મને આગળ રસ્તો પણ નહી સુઝે ,એનાં કરતાં આવેલ સંજોગ ને હસતાં હસતાં સ્વીકારી ને જીવું તો સૌની જિંદગી માં શાંતિ ... હા, મને આ દુનિયાએ ઘણું શીખવાડ્યું છે ,હું પણ પતિ વગર નાં જીવન માં ઘણાં પ્રુરુષ થી મારી જાત ને બચાવતાં શીખી ગઈ છું , માટે બહુ ફિકર નાં કરતાં. “

એક દિવસ સારિકા નાં સાસુ એકાએક દેહત્યાગી ચાલ્યાં ગયાં .સારિકા ને કાકાજી ને સંભાળવા ની મુશ્કેલી ઉભી થઇ પરંતુ તે લાંબી નાં ચાલી , એક દિવસ સવારે નવ વાગ્યાં સુધી કાકાજી ઉઠ્યાં નહી આથી સારિકા ઉઠાડવા ગઈ ને જોયું તો ઉંઘ માંજ કાકાજીનું અવસાન થયું . રહ્યાં ખાલી મોં બોલ્યા ફોઈજી . સારિકા ને તેમનો થોડો સહારો , આમ તો પોતે નિવૃત પ્રોફેસર પણ કોઈ બચત નહિ અને જે હતી તે જતીન ની સારવાર માં થોડી ઘણી ખર્ચી હતી.

દીકરીની ઉંમર વધતાં સારિકા ને તેનાં હાથ પીળા કરવાની ઉતાવળ આવી સાથે વિચાર આવ્યો કે ,” બાપ વગર ની દીકરી , વળી પૈસે ટકે પણ ખોટ ,હા ગુજરાન ચલાવી જાણે . દાગીનો તો બધો જતીન ની સારવાર વખતે વેચી દેવો પડ્યો હતો , ભાડાનાં ફ્લેટમાં રહેવાનું .કેમ કરતાં છોકરો ગોતવો ? લગ્ન કેમ કરતાં થશે ? “ ભલે પોતે હવે કમાતી થઇ પણ તેની સામે કાદમ્બરીનો ખર્ચો વગેરે હતાં . ઇવન પોતાનાં પપ્પા ને પણ તેણે વિનંતી કરી કે ,”પપ્પા તમે બહુ કર્યું , હવે હું કમાતી થઇ છું .ખર્ચા નીકળે છે.હવે મારા બેંક નાં ખાતાં માં પૈસા જમા ન કરાવશો .

કાદમ્બરી દેખાવ માં જતીન ઉપર ગઈ હતી .રુપાળી ,નાજુક ચહેરો ને બદામી આંખ ,ગુલાબ ની પાંદડી જેવાં હોઠ. સારિકા ને થતું,” કાદમ્બરી એક વાર નોકરીએ લાગશે અને કોર્પોરેટ જગતમાં પગ માંડશે તો હું કેમ કરી તેને સાચવીશ ?”

કાદમ્બરી ની યાદ આવતાં એને ફોન લગાવ્યો .આમ પણ બીજા દિવસથી એની ફાઈનલ પરીક્ષા શરુ થવાની હતી. ફોન પર ટૂંકી વાત કરી કાદમ્બરી ને સવારે વહેલી પરીક્ષા હોવાથી બેસ્ટ ઓફ લક કહી દીધું . કાદમ્બરી તો આ વર્ષે એન્જીનીયર બનીને જોબ કરી પોતાની મમ્મીને આરામ આપવાનું વિચારવા લાગી હતી. ભાઈ નથી તો શું થયું પોતે એક છોકરા તરીકેની બધી જવાબદારી ઉપાડી લેશે તેવું કાદમ્બરીનું સ્વપ્ન હતું .

“ અરે સારિકા , જલ્દી દરવાજો ખોલ .” નીમા નાં શબ્દો સાંભળતા સારિકા પોતે કેવી હાંફળી થઇ દરવાજો ખોલવા દોડી હતી તે યાદ આવે છે . નીમા એકદમ સારિકા ને પકડી ને સોફા ઉપર બેસાડે છે .ગભરાઈ ગયેલી સારિકા ને પાણી આપતાં નીમા બોલી ઉઠે છે ,” ભગવાન ને ઘેર ધેર છે પણ અંધેર નહિ , આપણી કાદમ્બરી નું માંગું લઇને આવી છું .મારા કાકાનાં દીકરા લતેશભાઈનો દીકરો સાહિલ અમેરિકાથી પરણવા આવ્યો છે . મેં લતેશભાઈ સાથે આપણી કાદમ્બરીની વાત કરી . મારા મોબાઈલમાં જે ફોટો હતો તે બતાવ્યો તો જોતાવેત તેમણે તો હા પાડી દીધી અને સાહિલ ને પણ ફોટો બતાવી દીધો . તેને પણ કાદમ્બરી ખુબ ગમી ગઈ . ” એક શ્વાસે નીમા ને બોલાતી જોઈ સારિકા બાધી બની તેનું મોં જોઈ રહી . સારિકા ની આંખ આંસુ થી છલકાઈ ગઈ અને બોલી ઉઠી ,” નીમા , તારા કાકાનું ઘર તો ઘણું પૈસાદાર છે , પછી એવું ના થાય કે લાંબા સાથે ટુંકો જાય મરે નહિ તો માંદો થાય ! મારી આર્થિક પરિસ્થિતિ તો તું જાણે છે .”

વાત અટકાવતા નીમા એ કીધું ,” સારિકા તેઓ તારી પરિસ્થિતિ જાણે છે . મેં તેમને બધી વાત થી વાકેફ કર્યાં છે . તેઓ એકવાર તને મળવા માંગે છે . તું એકવાર મળી લે સાહિલ નો આ ફોટો જો અને મળ્યાં પછી નક્કી સંબંધ કરજે . ક્યાં કોઈ બળજબરી છે .તારા વિચાર માટે તું સ્વતંત્ર છું .” બે દિવસ પછી મળવા નું ગોઠવી નીમા ગઈ તેવો સારિકા એ કાદમ્બરી ને ફોન કરી વાત કરી તો કાદમ્બરી એ ઠંડા કલેજે કહી દીધું ,” હું હમણાં પરણવા નથી માંગતી .મારે પગભર થવું છે .વધુ વાત કાલે આવીશ એટલે કરીશું .” સારિકા ની આખી રાત પડખાં ઘસવા માં ગઈ , મગજમાં તો હજારો વિચાર નું ધમસાણ .સવાર પડતાં ઉઠી ત્યારે જાણે બહુ લાંબા પ્રવાસેથી આવી હોય તેવું લાગ્યું . નીમાને ફોન પર વ્યથા કહી તો એક વાક્યનો જવાબ મળ્યો ,” ચિંતા નાં કર,સૌ સારા વાના થશે .” સારિકા ને સવાર થી જાણે સમય પસાર કરવો મુશ્કેલ થઇ ગયો .સાંજ પડે કાદમ્બરી આવી ત્યાં સુધીમાં સારિકાએ ધીરજ કેળવી લીધી હતી .બસ ભગવાન પર છોડી દઈ મનમાં નક્કી કર્યું કે ,” જીવનમાં આટલી મુશ્કેલી પાર પડીછે તો પ્રભુ આ વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢશે .” રાત દરમ્યાન કાદમ્બરી સાથે કોઈ ચર્ચા ન કરવી તેવો મનમાં નિશ્ચય કર્યો .

બીજે દિવસે સવારે ચાહ પીતા પોતાનાં મન ની મુંઝવણ સારિકાએ કાદમ્બરી આગળ રજુ કરી સમજાવતાં કીધું કે ” એક વાર મળી તો જો ,બધું સારું લાગે તો જ આગળ લગ્ન સુધી વિચારવાનું છે ને ! “ સાંજે જયારે લતેશભાઈને ઘરે ગયાં તો તેમનો આગતા સ્વાગતા અને મિલનસાર સ્વભાવથી સારિકાની મુંઝવણ અડધી ઓછી થઇ ગઈ.લતેશભાઈએ સારિકાને ચોખું કીધું ,” બહેન અમારે કંકુ ને કન્યા બે જ વસ્તુ જોઈએ ,બસ કાદમ્બરી જેવી દીકરી લાવીને અમને ખુબ આનંદ થશે .સાહિલ તો જાણે વર્ષો થી કાદમ્બરી ને ઓળખતો હોય તેમ તેની સાથે વાતો કરવા લાગ્યો .નીમા સાથે સારિકા એ આંખનાં ઈશારાથી વાત કરી બીજે દિવસે ફોન કરવાનું કહી રજા લીધી .

ઘરે આવતાં રસ્તામાં ના એક શબ્દ સારિકા એ ઉચ્ચાર્યો કે ના કાદમ્બરી એ .દીકરીનાં હાવભાવ પરથી સારિકાને તેનો જવાબ મળી ગયો હતો .બીજે દિવસે સવારે કામ પર જતાં પહેલાં સારિકાએ કાદમ્બરીને પોતાની પાસે બેસાડી કહ્યું ,” નીમા માસીને હું ના પાડી દઉં છું . તું જોબ શોધવા માંગતી હોય તો મારી ના નથી .”હજી સારિકા નો નથી શબ્દ પૂરો થાય ત્યાં કાદમ્બરી શરમાઈને બોલી ,” મમ્મી તમારી ઈચ્છા હોય કે હું સાહિલ સાથે પરણું તો મને કઈ વાંધો નથી .”સારિકાની આંખ માં હરખ છવાઈ ગયો .ફટાફટ ગોળધાણા ખવાયા ને બીજા અઠવાડિયા માં લગ્ન લઇ લેવાં તેવું નક્કી થઇ ગયું .

લતેશભાઈ એબસ કંકુ અને કન્યા લીધી ને સારિકા ને હસ્તે કન્યાદાન કરાવી પ્રસંગ રંગેચંગે પાર પડ્યો .કન્યાદાન અને કન્યા વિદાય સારિકાને બહુ આકરા લાગ્યાં .પ્રસંગ પતાવી ઘરમાં આવતાં એકલતા ઘેરી વળી . સમય મુજબ મન મનાવી જીવતાં શીખી ગઈ હતી .દીકરીનું લગ્ન સારા ઘરે થયું તે વાત નો મનમાં સંતોષ હતો .બીજા દિવસે ફેરીઆણું કરવા જ્યારે કાદમ્બરી આવી ત્યારે તેના મોં પર પણ આનંદની રેખા જોઈ સારિકાને હાશકારો થયો .તે રાતે જ્યારે સાહિલ આવ્યો ત્યારે જ તેણે સારિકા સાથે ચોખવટ કરી લેતા કહ્યું હતું ,” મમ્મી હવે આજથી મને તમારે તમારો દીકરો સમજવાનો .અમને ખુશ રાખવા હોય તો તમારે હવે આંસુ નહિ પાડવાનું ,એક હુકમ કરી દેવાનો.તમારો આ દીકરો હવે તમારી કાદમ્બરીનો અર્ધો અંગ છે તે મુજબ તમારો પણ .”

સારિકા તો પ્રસંગ પતાવી પાછી પોતાને કામે લાગી ગઈ હતી એટલે સમય ક્યાં પસાર થઇ જતો તેનો તેને ખ્યાલ ન રહ્યો .સાહિલ મજાક માં સારિકા ને કહેતો ,”મમ્મી તમેતો વર્કોહોલિક થઇ ગયાં છો .” સારિકા હસતાં ચહેરે કહી દેતી ,”બેટા આ કામ જ હવે મારું જીવન છે .જુદાજુદા લોકોને મળતા રહેવાથી બહુ સારું લાગે છે .”છોકરાઓને અમેરિકા પાછા જવા નો સમય આવી ગયો. કાદમ્બરી ને રડતી જોઈ સારિકા સમજાવતી કે ,”બેટા જો આપણે બધું જોઇને જ આ લગ્ન કર્યાં છે હવે તું પરણી ગઈ અને મારી ચિન્તા છોડી તારા સંસારમાં મન પરોવી જીવનમાં આગળ વધ .મારી ચિન્તા જરાપણ ના કરીશ .”

આજે જ્યારે કાદમ્બરી નો ફોન આવ્યો ત્યારે ફોન મુકી ને ભૂતકાળ વાગોળતાં સારિકાને એક ઘડી મન પણ થઇ ગયું કે ચાલ હવે બધું છોડી દીકરી પાસે ચાલી જાઉં .

લગભગ આખી જીન્દગીમાં આવેલ આટલા ઝંઝાવાતમાં પોતાની રીતે ઝઝુમતી રહીને જીવી હોવાથી તુરંત વિચાર આવ્યો કે હવે શાને માટે દીકરી જમાઈ પર બોજ બનવું ,જ્યારે પોતે સક્ષમ છે ....

સ્વાતિ શાહ

swatimshah@gmail.com