સાહેબ કોણ !!! SWATI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહેબ કોણ !!!

સાહેબ કોણ !!!

સ્વાતિ શાહ

9429893871

"રમેશભાઈ તમારે જ અમારી સાથે ગાઈડ તરીકે આવવાનું છે, અમદાવાદ થી સાહેબ સાથે વાત કરી દીધી છે." સુશીલે ફોન પર પહેલેથી રમેશભાઈ સાથે વાત કરી રાખી હતી. હું તો ફટાફટ તૈયારી માં લાગી ગઈ .સાસણ જવું એટલે મને જાણે મારી જન્મભૂમી પર જતી હોઉં તેવો આનંદ થાય .વર્ષમાં એક્વાર સાસણ સિંહ જોવા જવુંજ એવું હું હંમેશા સુશીલને કહેતી .આ વર્ષે સુશીલે મારા જન્મદિવસે સાસણનો પ્રોગ્રામ બનાવી દીધો એટલે હુંતો જાણે સાતમા આસમાનમાં પહોંચી ગઈ .

અમદાવાદથી ગાડી લઇ જતાં એટલે નાસ્તાની વ્યવસ્થા પણ રાખતી .નાસ્તા ભરતાં વિચાર આવ્યો કે લાવ ચીકી નાં બે બોક્સ વધારે લઇ લઉં ,ત્યાં સુશીલ બોલ્યો ," રમેશભાઈને પેલા ડિસ્કો પાપડ બહુ ભાવે છે તે પણ લઇ લેજે ."

સવારમાં વહેલા નીકળી ચોટીલા નાસ્તો કરવા ઉભા હતા ને સુશીલના મોબાઈલમાં રમેશભાઈના ફોનની રીંગ વાગી ,” હુ સાહેબ કેટલે પહોંચ્યા ?તમારી વાટ જોઉસ .બસ વેલાસર આવી જાવ .આ કાલનું ઘરવાળીને કીધું છ કે તમ આવોસ .હાલો મળીયે ત્યાર ,હમ્ભાળી ને આવીજાવ.”

સિંહસદનમાં રહેવાનું બુકીંગ પહેલેથી કરાવી લીધું હતું એટલે હજીતો પહોચીને સામાન ખાલી કરીએ ત્યાં તો રમેશભાઈ આવી ગયા ને બપોરની સફારીની વ્યવસ્થા થઇ ગઈ .

“રમેશભાઈ સાથે ગીર નું જંગલ જોવાની મજા અનેરી છે" સુશીલ નાં આ વાક્યો આજે મને સિદ્ધ થયેલા લાગ્યાં . જંગલ માં "ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ " તરીકે ઓળખાતો કેસુડો જોઈ મનમાં વિશેષ ટાઢક ....

સફારી માં બીજી ગાડીઓ તરફ નજર પડે તો ઘણી છોકરીઓ કે બહેનો મોઢે દુપટ્ટો બાંધી બેઠેલી જોઈ , મેં સુશીલ ને કહ્યું ," યાર મને તો આ જંગલ ની ધૂળ જાણે ભેટવા આવતી હોય તેવું લાગે છે , આમ કેમ તેને રોકાય , હા જેવો જેનો ભાવ !!! " .

નજર તો સિંહ ને શોધ્યા કરે . રમેશભાઈ બોલી ઉઠ્યાં ,”આ માલવણભાઈ હામા આવછ .ઘડીક વાવડ જાણી લઈએ .” જંગલ ગાર્ડ માલવણભાઈ દેખાતાં રમેશભાઈએ ટહુકો દીધો ને કહ્યું ," આજ તો સાહેબને સ્પેશીયલ લાયો હુ, ન્ય કીધું હ કે સાવજ તો મલસે ,મોટીબેનને ખુસ કરી દઉં આજ. છે કઈ સગડ ? "

મેં નમસ્તે કરી કીધું ,"આજ સિંહ દેખાય તો દિલ ખુશ .મારો જન્મદિવસ સુધરી જાય અને આનંદ જ આનંદ . "

"અરે સાહેબ આ હું બોલ્યાં, તમે કેવાઓ આ રમેશના મેમાન તો પછ અમારા હું થાવ !! અમારા એ મેમાન , ને મેમાન નું દિલ ખુસ તો અમ ખુસ , આજ તો બતાડી દઉં સાવજ " . હું તો શબ્દો સંભાળતા જ ખુશ ,સુશીલને આંખ નાં ઇશારાથી પોતાની ખુશી દેખાડી . રમેશભાઈ જેવા જંગલ ગાઈડ સાથે સિંહ દર્શન થી ખુશી બેવડાઈ ગઈ .

માલવણભાઈ એ વોકીટોકી પર જાણ્યું કે પંચ્ચકી ( પવન ચક્કી) પાસે મા બેટી ભાળ્યા છે . રમેશભાઈ એ ગાડી ડ્રાઈવર ને વચ્ચે ઉભા રહ્યાં વગર સીધા ત્યાં પહોંચવા કીધું ને પાછા કહે કે " રહીમ , આ સાહેબ ને મોર જોવા માં રસ નથ , તું સીધી ગાડી પંચક્કી હાંક .મોરલા તો એમણે બઉ દેખ્યા ." પવન ચક્કી પાસે પહોચ્યા ને સામે ઝાડનાં છાંયે સિંહણ આરામ માં હતી ને આસપાસ એનાં બે બચ્ચા રમતાં હતાં .હું તો સ્તબ્ધ થઇ ગઈ .

બેવડી ખુશી નો ઉન્માદ કાંઈ જુદો જ હતો .એકતો સુશીલે ખાસ મારો જન્મ દિવસ ઉજવવા આ સાસણ ગીર ની ટ્રીપનું આયોજન કર્યું તેની ખુશી ને બીજી પહેલી જ જંગલ સફારી માં સિંહ જોવા મળ્યાં એની ખુશી ...

ફેરો સફળ કરી પાછા સિંહસદન આવ્યા ને રમેશભાઈ સાથે બપોરની સફારી નો પ્લાન કરતા હતા ને તેઓ બોલ્યા , "સાહેબ , આજ રાત જમવાનું આપને મારે ઘેર રાખવાનું છે ." એક હક સાથે વિનય પૂર્વક જ્યારે રમેશભાઈએ કહ્યું તો ના પાડવાનું કોઈ કારણ ન દેખાયું .ફટ કરતો રમેશભાઈએ મોબાઈલ જોડી એમના ઘરવાળા ને કીધું ," જો હું નાતો કેતો , સાહેબે જમવા આવવાની ના નો પાડે !! સમય નક્કી કરી ઘેર આઉછ ."

”અમે બંને બહુ ઓછુ ખાઈએ છીએ એટલે બહુ ધમાલ ના કરતાં ".

"અરે સાહેબ અમે જે રોટલો શાક ખાઈએ તે તમને ખવડાવીએ તેવી ઘરવાળી ની હૈયે હોંશ છે " .

બપોરની સફારી પણ સફળ રહી લગભગ છ વાગે જંગલમાંથી બહાર આવી રાતના આઠ વાગે રમેશભાઈ ને ઘરે પહોચવા નું નક્કી કરી છુટા પડયા . મને થયું સારું થયું મેં ડિસ્કો પાપડ લીધા હતાં કે જેથી એમનાં ઘરે જતાં લેતા જઈએ તો જરા સારું લાગશે , ને સુશીલ ને પુછ્યું આ એક ચીકી નો ડબ્બો લઇ જવો છે ?? તો તેણે કહી દીધું કે ના હવે રાખી મુકીએ તો કદાચ પછી કામ લાગે .

રમેશભાઈ નજીકમાં જ રહેતાં હોવાથી ફ્રેશ થઇ અમે ચાલતા એમના ઘરે જવા નીકળ્યાં . એમના ઘરની ગલીમાં અડધે પહોચ્યાં ત્યાં મોબાઈલ ની રીંગ સંભળાઈ. ઉપાડ્યો તો સામે રમેશભાઈ કહે ," સાહેબ ઉભા રેહો , આ બત્તી લઇ હામો આવું .."

અમે કીધું ,"અરે અજવાળું પુરતું છે વાંધો નથી અમે પહોંચી જ ગયાં છીએ ."

આવકાર આપતાં રમેશભાઈ સંકોચ સાથે કહેવા ," સાહેબ ઘર જરા નાનું છે ,પણ મને અને ઘરવાળીને હરખ હતો કે તમને સેર વાળાને અમારાં રોટલાં ખાવરાવીએ " .

આડીઅવળી વાતો કરતાં બેઠાં ત્યાં રમેશભાઈના મા મળવા આવ્યા ને વળી બેચાર અડોશપડોશના લોકો સાહેબજી કરવા આવ્યાં . બે મિનીટ માં તો થાળી તૈયાર ને બાજરીના ગરમ ગરમ રોટલા ઉતારવા શરુ , હું તો પીરસાયેલી વસ્તુ જોઇને જ ડઘાઈ ગઈ , રોટલાં , ઘરે બનાવેલું તાજું માખણ , કઢી , રીંગણ નું ભરતું , છોલે , બટાકાનું રસાવાળું શાક ,તાજી કેરી નું અથાણું ને જાત જાત ની ચટણી .... છાશ ની મોટી નળી ભરી મુકેલી , ખુબ આગ્રહ કરી પ્રેમથી જમાડ્યા ને પાછા ડિસ્કો પાપડ નું પેકેટ જોઈ કહે ,"મોટીબેન તમે ભારે કરી ,યાદ રાખી મારે હાટુ લઇ આવ્યાં !!"

ખુબ પ્રેમથી જમાડ્યાં ને પછી એક પછી એક મુખવાસ આપી કહેતા જાય કે પોતે જાતે મુખવાસ બનાવેલ છે એટલે ખવડાવી આનંદ થાય . શેકેલી વરીયાળી તલ નો મુખવાસ, આદુ આમળાની છીણ જેવાં વિવિધ પ્રકારના મુખવાસ રમેશભાઈની પત્ની સ્રરોજબહેને જાતે બનાવેલા હતાં.સુશીલે વળી બે વાર વખાણીને આદુ આમળાની છીણ ખાધી .

આવજો ની વિધિ પતાવતાં હતા ને આદુ આમળાની છીણ નાં મુખવાસ ની આખી મોટી બોટલ આપતાં કહે ,"બેન, જરા થોભો આ લેતા જાવ સાહેબને બહુ ભાવ્યું છે તે ...મેં કહ્યું ,” તમારા સાહેબને તો બધું બહુ ભાવે છે , આમ કઈ અમારાથી ના લેવાય .” હજીતો શબ્દ પુરા થાય ત્યાં રમેશભાઈ બોલી ઉઠ્યા ,” આમ હું બોલોછ બેન !આલીઆલી ને હું આલું છ .મારા હમ છે નોં લ્યોતો .” હવે લીધા વગર છુટકો નહોતો .

બીજા દિવસે સવારની સફારીમાં મળવાનું નક્કી કરી ખુબ ભરાયેલ પેટ અનેમાણેલી મહેમાન ગતિ સાથે હૈયામાં એક ભાર સાથે અમે નીકળ્યા . રસ્તા માં ચાલતા હું કે સુશીલ એક શબ્દ બોલી શક્યા નહી . મનમાં થયું ડિસ્કો પાપડ સાથે ચીકી નો એક ડબ્બો આપતાં અમે વિચાર કરતાં હતા ,ત્યાં આમણે તો મુખવાસની આખી મોટી બોટલ આપીદીધી ! મન ભરાઈ આવ્યું ને સવાલ થયો , ખરો સાહેબ કોણ ????