કેમ SWATI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેમ

કેમ ???

ચારે કોર દોડધામ ચાલતી હતી , ધીમાં ધીમાં શરણાઈ નાં સુર વહેતાં હતાં .મીતા ધીર ગંભીર એક બાજુ બેઠી વિચાર કરતી બેઠી ...

આમ પણ જેનાં લગ્ન લીધાં હોય તેણે તો કંઈ કરવાનું હોયજ નહિ .નાની બહેન દીપા ની હસીમજાક ચાલતી હતી પણ મીતા તો પોતાનાં શમણાં માં ખોવાયેલી !!!

દરેક સ્ત્રી સાસરે જાય ત્યારે મનમાં એક જુદા જ પ્રકારનાં સ્વપ્ન ને આંખ માં આંજીને જતી હોય તેમ મીતા પણ સુનીલ નો પ્રેમ અને એક સંયુક્ત કુટુંબમાં પગરણ માંડવા પોતાની જાતને જાણે માનસિક રીતે તૈયાર કરવાં માં મશગુલ . કાન માં ઢોલનો અવાજ જતો નહોતો .

પિતા નયનભાઈ ને માતા હેમાબહેન નો હરખ માતો નહોતો . સુનીલ જેવાં જમાઈ રૂપે જાણે દીકરો મળ્યો .

જાનૈયા નાં સ્વાગત ની તૈયારી માં બધાં ડૂબેલા ને મીતાને પોતાનાં વિચારો માં ખોવાયેલી જોઈ તેની પ્રિય સહેલી નિશા બોલી ," ઓય મીતા , આજે તો જરા હસતું મોઢું રાખ. સાવ ખોવાયેલી બેઠી છું તે !! હવે પરાઈ થઈશ તો મને યાદ તો કરીશ ને ! . જોજે પાછી સુનીલકુમાર નાં પ્રેમ માં મારી ગણતરી રાખજે . રોજ સમય મળે ફોન પર વાત કરતી રહેજે ." હજી નિશા નાં શબ્દ પૂરા થયાં ન થયાં ને મીતાની આંખમાં થી શ્રાવણ ભાદરવો વહેવો શરુ થઈ ગયો . તેણે નિશા ને કહ્યું ," મારી મનોવ્યથા તું નહી સમજે તો કોણ સમજશે !! મારાં સાસરિયાં ને હું ખૂશ કેમ રાખીશ તે વિચાર મને છોડતો નથી , પણ સાથે એક વિશ્વાસ સાથે જાઉં છું કે હવે મારે સુનીલના કુટુંબ ને અપનાવી સુનીલનો પ્રેમ અને વિશ્વાસ અડગ રાખવાનાં છે ."

હેમાબહેન હમેંશ મીતા ને કહેતા ," દીકરી લગ્ન કંઈ છોકરા સાથે ચાર ફેરા ફરવાથી સંપૂર્ણ નથી થતાં . ઘરનાં બધાં સદસ્ય ને તું તારા પોતાના બનાવીશ અને અપનાવીશ ત્યારે જ તારા લગ્ન સંપૂર્ણ ને સુખી ગણાશે . "

મીતા એ બસ માતા ની આ શિખામણ ગાંઠે બાંધી દીધી ....

જાનૈયા એ ખુબ લગ્ન માણ્યા , સહુકોઈ આયોજન નાં વખાણ કરતાં ત્યાં તો કન્યા વિદાય વેળા આંસુ ભરી આંખે હેમાબહેન દિવ્યાબહેન ને કહે," મારી દીકરી આજથી તમારી થઇ ,કાંઈ ભૂલચૂક થાય તો દીકરી સમજી માફ કરશો ."

દીવ્યાબહેનનો હરખ સમાતો નહોતો ," અરે આ શું બોલ્યા , મીતા રૂપે મને દીકરી મળી અને ઘરમાં સાથીદાર પણ , દિવસ આખો એકલી રહેતી હતી તે હવે સારી કંપની મળી ."

મીતા ના સસરા દીપકભાઈ એક ઉમદા વિચાર ધરાવતી વ્યક્તિ .. તેમને હમેશાં રહેતું કે જાન નીકળે ત્યારે સહુ બેન્ડવાજા વગાડતાં માંડવે જાય પરંતુ વહુને લક્ષ્મી રૂપે પોતાને ઘરે લાવતાં એક ઢોલી પણ ના બોલાવો તો કેમ ચાલે , તેમણે તો મીતાના સ્વાગત માટે બેન્ડ બોલાવી રાખ્યું હતું તે લઈ ચાલ્યાં પોતાને ઘરે , લોકો આ અનેરી પ્રથા જોઈ મોમાં આંગળી નાખી ગયા ને મીતા તો લજ્જાથી પાણીપાણી ...

સસરા દીપકભાઇને તો જાણે બે દીકરા ઉપર એક દીકરી મળી તે મનમાં જેટલાં દીકરીને ઉછેરવાનાં કોડ હતાં તે પૂરા કરવાનો સમય મળી ગયો . ને દીવ્યાબહેન ને ઘરમાં એક નવી સાથીદાર રુપે મીતા મળી . પ્રેમાળ એવી મીતા એ ઘરનો બધો ભાર ઉપાડી લીધો જેથી દીવ્યાબહેન ને પણ થોડો સમય ફ્રી મળવા લાગ્યો .

દીવ્યાબહેન ને પોતાની દિવ્ય જ્યોત ઝળહળતી કેમ રહે તેમાં વધારે રસ તેથી હંમેશા કાર્યરત રહેવું પસંદ કરતાં. મીતા ફટાફટ ઘરકામ પતાવી સહેજ ફ્રી પડે કે દીવ્યાબહન એક દિવસ કહે ચાલ બેટા આજે થોડા પાપડ બનાવીએ તો બીજા દિવસે કહે ચાલ થોડી વડી બનાવી એ , કશું કામ ન જડે તો કબાટો સાફ કરવાનું કામ કાઢે .. આમ મીતા રાત દિવસ કામ માં રહેવા લાગી માતા હેમાબહેન ની વાત ગાંઠે બાંધી હતીને કે ઘરનાં નો પ્રેમ જીતવો ..

સુનીલ પણ મીતાની આ ઘેલછા થી અકળાઇ જતો. તે ઘણીવાર મીતા ને કહેતો કે ," સંબધો નિભાવવા માટે અનેક સમાધાન કરવાં પડે પણ, તેની પણ એક સીમા હોય . મને તારી પારદર્શકતા , નિખાલસતા અને દંભ વિનાનો આ ચહેરો બહુ ગમે છે . હું પણ એક પંખીની જેમ સાંજ પડે તારી હુંફ મેળવવા પોતાના માળા માં સમાઈ જવા ઈચ્છું છું ." પણ મીતા ને મન તો બસ આખા પરિવારની સેવા અને ખુશી .

દીયર જતીન જ્યારે જ્યારે હોસ્ટેલમાંથી આવતો ત્યારે દીવ્યાબહેન બદલાઇ જતા . મેડીકલ કોલેજના અભ્યાસ અંગે દીયર ભોજાઇ ને ઘણી વાતો થતી . જતીનને પૂરણપોળી બહુભાવે તો આજે એ બનશે , વળી ખમણ તો જતીનને બહુ પ્રિય આમ મીતા ખૂબ ચીવટ પૂર્વક રસોઇનું આયોજન કરતી . ત્યાં એક દિવસ દિયર અને ભોજાઇ વાતો કરતાં હતાં તે વાતમાં ને વાતમાં મીતા ને જાણવા મળ્યું કે હવે દેરાણી લાવવાનો સમય નજીક છે . જતીન એક ઇશા નામની પ્રેમ કરતો હતો જે એની સાથે મેડીકલ માં ભણતી હતી . પરંતુ જ્યાં સુધી ડોક્ટર ના બનીજવાય ત્યાં સુધી આ સંબધ ની ચર્ચા ઘરમાં ના કરવી તેમ મીતાને સમજાવી દીધું હતું .

સુનીલ તો સવારથી ફેકટરી પર જાય તો રાતનાં પાછો આવે ને દીપકભાઇ બપોરે એનું ટીફીન લેતા જાય . એક રવિવારનો દિવસ એવો હોયકે જેની મીતા શનિવાર થી આતુરતા પૂર્વક રાહ જોતી હોય , કે ચાલો આજે તો બેઉ જણા શાંતિ થી સાથે ભાવતા ભોજન જમીશું . કોઈ સારી ફિલ્મ આવી હશે તો તે જોવા જઈશું ને મનમાં શરુ થઇ જાય કે સુનીલને શ્રીખંડ ને બટાટાવડા બહુ ભાવે તો એજ બનાવીશ .

સવારમાં કૂકર ચડાવતા જ દીવ્યાબહેન સાથે મેનુ ની વાત કરવી શરુ કરી ત્યાંજ દીવ્યાબહેને કહ્યું ," જતીન નો રાતે ફોન હતો આજે એ ઘરે જમવા નથી આવવાનો અને એને ટીફીન મોકલવાનું છે, આજે એની મેસ બંધ હોવાથી કયાં જમે !! મેં એને કહી દીધું છે કે પૂરણપોળી ને ખમણ જેવું મોકલીશ ,એ બીચારો કયાં ખાય !! " મીતાને માટે તો દીવ્યાબહેનનો શબ્દ એટલે ફાઇનલ . સુનીલને તો એ ભલો ને એનું કામ ભલું . સમય અને વહેતી નદીને કોણ રોકી શકે !!

સમય જતાં વાર નથી લાગતી . મીતાનાં લગ્ન ને વરસ થઇ ગયું અને સમય જાણે ક્યાં વીતી ગયો ..

ઈશા અને જતીન ખુબ ખંત થી ભણી અને ડોક્ટર થઇ ગયાં . જતીન કાર્ડિયાક ફિઝીશ્યન થયો ને ઈશા એ ડેન્ટીસ્ટ થવાનું પસંદ કર્યું .

ઈશા ઘણીવાર જતીન નાં ઘરે આવતી અને મીતાની સાથે એને ઘણું સારું બનતું થઇ ગયું હતું . મીતા પણ હરખાતી કે ચાલો આવી સરસ દેરાણી મળશે ...

રાંદલ માતા એ પણ આશીર્વાદ આપ્યાં ને મીતા ને સારા દિવસ રહ્યાં . બન્ને કુટુંબ માં તો ખુશી છવાઈ ગઈ . સુનીલ મીતાને ખૂબ સાચવે .. ઘરમાં ડોક્ટર હોવાથી ફાયદો પણ ઘણો . એક દિવસ મીતા અને દીવ્યાબહેન કબાટ સાફ કરતાં જતીન ની વાતો એ ચઢ્યાં , મીતાને થયું કે ,"લાવ મોકો સારો છે અને મમ્મી નો મૂડ પણ " , તેણે જતીન અને ઈશા નાં પ્રેમની વાત કરી . વાત સાંભળતા જ દીવ્યાબહેન ખૂબ ખુશ થઇ ગયાં . અને જતીન નાં ઘડિયાં લગ્ન લેવાં નો નિર્ણય ઘરમાં બધાં ને જણાવી દીધો . એમની ગણત્રી એવી હતી કે હજી મીતા ની ડીલીવરી ને વાર છે તો લગ્ન સમયે જરા સારું રહે .

જતીન અને ઈશા એક જ સરકારી હોસ્પિટલ માં કામ કરતાં હતાં .તેઓને એમ હતું કે સરકારી હોસ્પિટલ માં કામ ની શરૂઆત કરીએ તો વધારે અને સારો અનુભવ મળે . લગ્ન નિમિત્તે જતીને અઠવાડિયા ની રજા લીધી ને ઇશા ને દસ દિવસ ની રજા સેન્કશન થઇ હતી .

માંડવા બંધાયા , મીતા ના હરખનો પણ પાર નહી . સુનીલ પણ ખુશખુશાલ .

રંગેચંગે લગ્ન પતી ગયાં. મીતાએ સુનીલને કહી જતીન ને હનીમુન પર બાલી જવાનું આયોજન કરી રાખ્યું હતું. સુનીલે જતીનને કહ્યું કે,"અમારા તરફથી તારા હનીમુનની આખી ટ્રીપ ગીફ્ટ કરું છું ."

જરા ડઘાઈ ગયેલાં દીવ્યાબહેન ખૂશ થયાં નો દેખાવ કરી રૂમ ભેગાં થઇ ગયાં . રૂમમાં જતાં વેત દીપકભાઈ ને કહેવા લાગ્યાં કે ," લો આપણને તો આ બધી ખબર જ નહોતી !!" દીપકભાઈ હસવા લાગ્યાં ને કહે ," અરે ગાંડી આવી વાતો મન પર ન લેવાય , ઉપરથી બે ભાઈઓ નો પ્રેમ જોઈ આપણે ખુશ થવાનું " તેઓ પણ દિવ્યાબહેન નાં ઇગોને સારી રીતે જાણતા હતાં , એટલે વાત પ્રેમથી વાળી લીધી .

બે દિવસ બાદ જતીન અને ઈશા હનીમુન પર બાલી જવા રવાનાં થયાં . મીતા આવનાર બાળક નાં સપનાં સેવે અને રૂટીન ઘરનું કામ તો ખરું જ .

જતીન અને ઈશા ખૂબ આનંદ માં બાલી ને માણતાં હતાં . હોટેલ "ધ કાયાના" માં ચાર દિવસ નું પેકેજ ખુબ સારું લાગ્યું . ડોક્ટર હોવાને લીધે નાનું વેકેશન હોવાનો અફસોસ હોટલ જોતાં વેંત ઉડી ગયો . પ્રાઇવેટ પુલ સાઈડ વિલા જોઇને ઈશા અને જતીનનો આનંદ બેવડાઈ ગયો . વહેલી સવાર માં સુર્ય ને દરિયા પર જોતાં પ્રફુલ્લિત મને જતીન અને ઈશા હાથ માં હાથ નાંખી ફરતાં , ઘણાં વર્ષો ની ઓળખ પણ બેઉની વાતો જાણે ખૂટે જ નહી .ઈશા ને પહેલીથી ભણવા પ્રત્યે વધારે રુચિ અને તેનાં ઘરમાં પણ જેને જે કરવું હોય તે કરે તેવું વાતાવરણ . તેમ વાતો કરતાં જતીને જાણ્યું . બપોરે ઊંઘી ઉઠીને પાછા બેઉ દરિયા કાંઠે ફરતાં . સુર્યાસ્ત નાં સમયે એકદમ જતીન વિચારે ચઢી ગયો . ઈશા તો એની મસ્તીમાં બેઠી હતી . ત્રણ દિવસ ક્યાં પસાર થઇ ગયાં તેનો બે માંથી કોઈને ખ્યાલ ન રહ્યો . નીકળવાની આગલી સાંજે દરિયા નાં ઉછળતા મોજાં જોતાં જતીને પોતાનાં મનની વાત ઈશાને કહી દેવાનું વિચારી લીધું . અને પ્રેમ પૂર્વક ઈશાને કહ્યું ," ઇશા આપણે પણ સરખાં સેટલ થઈ ભાઈ અને ભાભીને આવી કોઈ સુંદર ગીફ્ટ આપીશું ." ઈશા સહેજ ખચકાઈ ને બોલી ," હા શ્યોર , કેમ નહી !! " પછી ધીરે રહીને પ્રેમથી જતીનને કહે ," ભાભી જેટલું ઘરનું કામ અને તે પણ આટલી જવાબદારી પૂર્વક મારાથી થશે કે કેમ !! મારે શું હવે ડોકટરી છોડી દેવાની ?? " જતીને ઈશાને આલિંગન આપતાં કહ્યું ," અત્યારથી આવા વિચાર કેમ કરવાં ? એતો બધું એની મેતે ગોઠવાઈ જશે ." સૂર્ય દરિયા માં જાણે સમાઈ જઈ વાતને અટકાવવા માંગતો હોય તેમ ઢળી ગયો ને ઈશા પણ સૂનમૂન થઈ જ્તીનનો હાથ પકડી દરિયાની ભીની રેતી પર ડગમાંડતી રૂમ તરફ જવાં લાગી . સવાર માં ચેક આઉટ કરી એરપોર્ટ પર આવી બેઠાં . ઘરે પણ એક ફોન કરી જણાવી દીધું .

મીતા અને સુનીલ નાં આનંદ માં વધારો થયો . જતીને ઘરે આવતાંની સાથે ભાભી નાં ખબર પૂછ્યાં , ને પ્રવાસ નો થાક ઉતારવા રૂમ ભેગાં થઇજતાં દીવ્યાબહેન ને જરાક ઓછું આવ્યું પણ પોતે કંઈ બોલશે તો દીપકભાઈ ને નહિ ગમે તે વિચારે જરા અટક્યાં . મીતાની તબિયત સારી રહેતી , સવાર પડતાં રૂટીન જીવન શરુ . ઈશા હજુ રજા પર હતી .પરંતુ જતીન ને હોસ્પિટલ સમયસર હાજર થવાનું હોવાથી ઈશા પણ ઉઠીને મીતાને રસોડામાં મદદ કરવાં ચાલી . સવાર સવાર માં બે ટીફીન તૈયાર કરીને આપવાં ટેવાયેલી મીતા ને માટે આ રમતવાત હતી પણ ઈશા ને તો કોઈ અનુભવ નહોવાથી જરાક મુઝાંયેલી હતી . મીતા ને અણસાર આવી જવાથી તેણે ઈશાને ધીમેથી કહ્યું ," ગભરાઈશ નહીં , હું છું ને !! બધું સંભાળી લઇશ . તું ખાલી સવાર નાં ચાહ અને નાસ્તા નું કર . " ઈશાને ઘડીક શાંતિ વળી , પરંતુ મનમાં ચિંતા દીવ્યાબહેન ની રહેતી કે તેઓને કેવું લાગશે !!

રાતનાં જતીન આવ્યો એટલે ઈશાએ તેની મુંઝવણ જતીન ને કહેતાં કીધું , " જતીન , ભાભી જેટલું કામ ફટાફટ કરતાં મને તો ગભરામણ થાય છે , મેં તો કોઈ દિવસ આટલી રસોઈ પણ નથી કરી , મમ્મી ને જાણ થશે તો મારા માટે કેવું સમજશે !! " જતીનનો તો એજ જવાબ , " બધું ગોઠવાઈ જશે તું એ બધી ચિંતા ન કર ." પણ વિચારોએ ઈશાની ઊંઘ ઉડાડી દીધી હતી . જતીન ની મનમાં ગણતરી હતી કે હવે બેચાર દિવસ નો સવાલ છે પછીતો ઈશાની જોબ શરુ થઇ જશે એટલે બધું ગોઠવાઈ જશે .આમ પણ જતીન અને ઈશા ની પોતાની પ્રાઇવેટ પ્રેક્ટીસ માટે ક્લિનિક ખોલવાનું સ્વપ્ન હતું . જતીન ની ગણત્રી હતી કે ઈશા અને પોતાની આવક માંથી બચત કરી સ્વપ્ન સાકાર કરશે ...

બે દિવસ બાદ ઈશાની પણ જોબ ચાલુ થઇ , સવારે નવ વાગે ટીફીન લઇ ને નીકળવું પડતું તે સાંજે છ વાગે પાછી આવતી . દીવ્યાબહેન ને તો કમાતી વહુ વહાલી લાગે . ઈશા પણ હોંશિયાર , " મમ્મી આજે તો તમારે માટે સફરજન લાવી છું , ને બીજા દિવસે ભાભી તમારે માટે ઓરેન્જ લાવી છું ... તમારી તબિયત માટે સારી ,હવે ભાભી તમારી તબિયત સાચવો ને સરખું ખાવ પીવો ." બસ આમ મીઠું મીઠું બોલી ને બધાં કામ કઢાવી લેતી . જતીન પણ ક્યારેક ઇલેક્ટ્રિક નું બીલ તો ક્યારેક ટેલીફોન નું બીલ ભરવી દેતો ને બધાને ખુશ રાખતો . પણ એ સિવાય ઘરખર્ચ ન આપતો . જોકે સુનીલ કે મીતા કોઈને એ બાબતે વિચાર પણ નહોતો આવતો . દીપકભાઈ તો આવી વાતો થી જાણે નિર્લેપ . મીતા પોતાની ફરજ રૂપે કામકાજ કરે રાખતી . પણ જેમજેમ ગર્ભ નો વિકાસ થવા લાગ્યો તેમ તને પણ કામનો થાક વર્તાવા લાગ્યો પણ બોલે તો મીતા શેની !!!

એક દિવસ મીતા ને સવારે ઉઠવામાં થોડું મોડું થયું , ને તે એકદમ ફાળ સાથે ઉભી થઇ ને બાથરૂમ માં નિત્યક્રમ પતાવવા ઘુસી . સુનીલ હજી ઊંઘ માં હતો ને એકદમ એને મીતાની ચીસ સંભળાઇ . બાથરૂમ અંદર થી બંધ હોવાને કારણે સુનીલ ગભરાઈ ગયો અને તેણે જતીન અને ઈશાને બુમ લગાવી બોલાવ્યાં . મહેનતે મીતા એ અંદરથી બારણું ખોલ્યું , ઇશા અંદર જઈ જુવે તો મીતા લોહીથી લથપથ ... તરત 108 બોલાવી તેને હોસ્પિટલ લઇ ગયાં ... આનંદ ભર્યા કુટુંબ પર જાણે કોઈની નજર લાગી ગઈ .દીવ્યાબહેન અને દીપકભાઈ થિયેટર ની બહાર બેઠા હતાં ને આંખ માંથી જાય અનરાધાર આંસુ . દીવ્યાબહેને અંબાજી મા ની બાધા રાખી . ઈશા સુનીલ ને દિલાસો આપે ," મોટાભાઈ જોજોને ભાભી ને બધું ઠીક થઇ જશે " મનમાં તો બધાં ગભરાતાં . જતીન ઓપરેશન થિયેટર માંથી બહાર આવ્યો ને એકદમ દીપકભાઈને અને સુનીલને પકડી કહેવા લાગ્યો કે ," ભાભી ની તબિયત સારી છે , પણ .... બાળક ને બચાવી ન શકાયું ." આખું કુટુંબ ઘેરા શોક માં ડૂબી ગયું .

મીતાને રૂમમાં લાવતાં સુનીલે પોતાનાં દુઃખને છુપાવતા મનથી જ નક્કી કર્યું કે , મારે મન મીતા બચી ગઈ તે વિશેષ છે ." આજ વાત તેણે ઘરનાં બધાં ને કહી .ઈશાએ પણ સમજાવ્યું કે અત્યારે મીતાને સાચવવી વધારે જરૂરી છે . ભાનમાં આવતાં સૂનમૂન મીતા બસ છત સામે જોતી પડી રહી . ...

કહેવાય છે ને કે દરેક ઘા ની સૌથી સારી દવા સમય છે . સુનીલ અને બધાં નાં પ્રેમથી મીતા શારીરિક રીતે સ્વસ્થ થઇ , પણ માનસિક આઘાત ને કારણે થોડી સૂનમૂન રહેવા લાગી , ઈશાને તો એની કેરિયર ભલી . દીવ્યાબહેન ઓરીજીનલ મૂડ માં આવી ગયાં હતાં . ને ચાલી એજ ઘટમાળ ...

આજે મીતા અને સુનીલનાં લગ્નની બીજી એનીર્વસરી હતી .

બપોરે નવરાશની પળમાં સખી સખી નિશા સાથે વાતો તો બહુ કરી પણ ફોન મૂક્યા પછી એકાએક એનું મન અર્વણનિય બેચેની અનુભવવા લાગ્યું ને હૈયે માંડ્યુ વિતેલા બે વરસનું સરવૈયું... શું મેળ્વ્યું ને શું ગુમાવ્યું !! એમ એસ સી ની ડીગ્રી શું આમ ઘર સંસાર ને ચલાવવા ને મશીનની જેમ કામ કરવા પૂરતી જ !! દીપકભાઇ જેવા સસરા મેળવી ધન્યતા અનૂભવી તો વિચાર આવ્યો કે પતિ સુનીલ ને કેટલો પામી શકી !! વિતેલા દિવસો માં ખોવયેલી મીતા ને લાગ્યું કે દીવ્યાબહેન ને તો જતીન જ વધારે વહાલો , સુનીલ નાં ગમા અણગમા અંગે બોલતા તો તેમને કદી જોયા જ નથી ...અને આ વિચાર સાથે મનમાં એક પ્રકારની ખારાશ આવી ગઇ કે કોઇ મા પોતાના બે સગા દીકરા વચ્ચે આટ્લો ભેદભાવ કેમ કરતાં રાખી શકે , કલ્પના માત્રથી મન જરા આળું થઇ ગયું.

બે વરસ માં પિયર જાય તો પણ સુનીલ ના વિચારે રાત પડે પોતાને ત્યાં પાછી આવી જતી .ક્યાં કેટલો કોનો પ્રેમ મળ્યો તે વિચાર માત્ર તેનાં મગજ માંથી ખસતો નહતો .સવારે રસોડામાં દીવ્યાબહેન સાથે ટીફીન માટે શું કરવું તે વાત માં મીતા તુરંત બોલી ઉઠી ," મમ્મી આજે સુનીલ માટે ટીંડોળાનું શાક મોકલવું છે , સવારે નાસ્તો પણ સરખો નથી કર્યો તે ભાવતું શાક જોઇ મન ભરી ખાશે ." દીવ્યાબહેન તો તુરંત તાડુક્યા કે મીતા આજે તો જતીનને પણ ટીફીન મોકલવાનું છે , માટે મેં ભીંડા સમારી રાખ્યા છે બે શાક શેનાં માટે કરવાં !!!" મીતા ને થયું જે સુનીલ રાત દિવસ એક કરી ફેક્ટરી ચલાવી ચાર પેઢી ચાલે તેટ્લું કમાઇ લાવે છે તેનાં માંટે એક શાક ઘરમાં વધારે બને તો કાંઇ વાંધો નથી આવવાનો તો આ મોંઘવારી નાં રોદણાં રડવાથી મમ્મીને શું મળતું હશે !!

રોજ બન્ને સાથે જમતા પણ આજે દીવ્યાબહેને એકલાં વહેલા જમી લીધું , ને શરુ થઈ એક જુદાજ પ્રકારની હવા. રોજની આવી ઘટના થી મીતા વ્યાકુળ થવા લાગી. એને સતત વિચાર આવે કે ડોક્ટરથયેલાં જતીન કરતાં ૧૦૦ માણસો પાસે ફેક્ટરી માં કામ કરાઇ આટ્લું કમાઇ ઘર આખા નો ભાર ઉપાડતો સુનીલ કોઇ વાતે ઉણો ઉતરે તેવો નથી , પછી કેમ આવો પક્ષપાત !!

આજે રજાનો દિવસ હોવાથી દિપકભાઇ જરા ફ્રી હતાં એટલે મીતાને પિતા સમાન પૂજ્ય એવા દીપકભાઇ સાથે વાતે બેસવાની ઇચ્છા થઇ . દીપકભાઇ પણ મીતા વાતો કરવા આવી તો ખૂબ ખૂશ થઇ ગયાં , આમ પણ દિપકભાઇ અને મીતા ઘણી વાર જીવનની ફિલોસોફી,ધર્મની વગેરે વાતો કરવા ઘણીવાર સાથે બેસતાં પણ છેલ્લા કેલાક વખતથી સમયના અને અશાંત મનને કારણે મીતા શાંતિ થી તેમની સાથે બેસવાનું ટાળતી હતી. દીપકભાઈ એ જ વાતની શરુઆત મીતાને વિવિધ પ્રશ્નો પૂછવાનું મનથયું પણ મીતાનો ચહેરો જોઇ અટ્ક્યાં અને વિચાર્યું કે આજે મીતાને જ મનની મુંઝવણ સામેથી કહેવા પ્રેરે .વાત નો દોર ચાલુ થયો. જીવનમાં ભણતર અને કાર્યકિર્દી વિશે આજે મીતા એ ચર્ચાની શરુઆત કરી . ઘણા લોકો ના વ્યવસાય વિકાસ ના ઉદાહરણ બાદ મીતાએ પોતાનો પ્રસ્તાવ રજુ કરતા કહ્યું," પપ્પા હું પણ એમ.એસ.સી. સુધી ભણી પણ શું ફાયદો ?? મારી જીંદગી તો રાંધી ખવડાવવામાં જ પૂરી થશે ને !! શું સમય મેનેજ કરીને હું પણ સુનીલને ફેક્ટરીમાં મદદ ન કરી શકું જેથી ભણ્યું લેખે લાગે ." હજી તો વાતનો દોર શરુ થાય છે ત્યાંજ દીવ્યાબહેને દલીલ કરવી શરુ કરી ને ઘર ચલાવવા નાં ફાયદા વેગેરે ગણાવવા લાગ્યાં , આમ પણ કેટલાક દિવસથી મનમાં મીતા પરની નારજગી તો હતી જ . મીતાને પણ ચર્ચા શરુ કરવાનો પસ્તાવો થયો કે એક ઘરમાં રહેવું ને શું કામ મનદુઃખ કરવું, તે ધીમેથી કામ છે એમ બહાનું કાઢી વાત નો અંત લાવી ઉભી પોતના કામે લાગી . રાતનાં સુનીલ આવ્યો તેને પ્રેમથી જમાડી બેઉ હીંચકે બેઠા હતાં ને મીતાનું મન પણ વ્યગ્રતાનાં હીલોળે ... તેવા માં દીવ્યાબહેન સુનીલને કહેવા આવ્યાં કે દીપકભાઇ રુમમાં બોલાવે છે . બન્ને દિપકભાઇ ની રુમમાં ગયાં એટલે દિપકભાઇએ પત્તાં રમવાનો પ્રસ્તાવ મૂક્યો . સુનીલે પ્રેમથી ના પાડતા કારણ દર્શાવ્યું કે પોતે બહુ થાકી ગયો છે . દીપકભાઇ તો આજ જવાબની રાહ જોતાં હતાં ને તેમણે કહ્યું," બેટા સુનીલ , આ આટલી ભણેલી વહુ છે તે શું દાળ ઉકાળવા જ ! અરે એને ફેક્ટરીમાં લઇ જા તો તને મદદ કરી તારો ભાર હળવો કરાવી શકે અને એને પણ કાંઇક કર્યા નો જીવનનો આનંદ મળે. જે વસ્તુ હું ના કરી શક્યો તે તું હવે પૂરી કર , કેમ દીવ્યા શું કહેવું છે તારું ? તારી પણ મારી સાથે ફેક્ટરી માં મદદ કરવાની કેટલી ઇચ્છા હતી પણ મારી માતા ના રુઢિચુસ્ત વર્તનને કારણે તે શક્ય ન બન્યું . કાંઇ નહી પણ હવે આપણી દીકરી મીતા ને બીઝનેસમાં મદદ કરતી જોઇ દીવ્યા તારું યુવાની માં જોયેલું સ્વપ્ન પૂરું થતાં જોઇ સંતોષની લાગણી અનુભવીએ ."

દીક્મૂઢ અવસ્થામાં મીતા દીપકભાઇ સામે જોતી રહી ગઇ . અને મનમાં વિચારવા લાગી કે પપ્પા સાથે કેમ ભણી ગણીને સ્ત્રી કે છોકરી શું ઘર સાચવવા જ છે તે ચર્ચા કરી તો દીવ્યાબહેન ના અહમને સંતોષી ને કેવો સુંદર માર્ગ સૂચવ્યો . અને સર્વાનૂમતે બીજા દિવસ થી બપોરે ૧૨ થી ૫ મીતા ફેક્ટરી જાય તેવું નક્કી થઇ ગયું . મીતા સાસુ નું અને પોતાનું સ્વપ્ન પુરુ કરવા બીજા દિવસે વડીલો નાં આર્શીવાદ લઇ દિલોજાન થી કામ કરતી થઇ પણ વિચાર તો આવ્યોજ કે " હું આ 'કેમ' નાં વંટોળમાં વીંટળાઇ હતી અને મેં જો પપ્પાને વાત જ ન કરી હોત તો હજી ગુંગળાતી રહી હોત ...