Gyaan Vasiyat books and stories free download online pdf in Gujarati

જ્ઞાન વસિયત - National Story Competition-Jan

જ્ઞાન વસિયત

વિજય શાહ

મારા પપ્પા એટલે મારા જ પપ્પા!

તે દિવસે રાત્રે મને તેઓ સ્વપ્નામાં આવીને કહે “જો શીતુ તું મારા ઘરે બહું મોડી આવી એટલે તારા માટે મને સતત એવું રહે કે બીજાઓનાં કરતા તને મળવું જોઇએ એટલું વહાલ ઓછુ મળ્યુ.. પણ એટલું માનજે કે તું મારી દીકરી નહિં પણ દીકરો છે.”

“પણ પપ્પા આ કેવો વેશ કર્યો છે?”

“ જો બેટા મને તો જિંદગી એ બધું જ આપ્યુ છે એટલે તો કહું છું હવે ગમે ત્યારે ઉપરથી તેડુ આવે અને તમારા બધાનો સંગ છુટે તો અફસોસ ના કરીશ.”એમનું મન મોહક હાસ્ય વેરતા તેઓ બોલ્યા.”લીલી વાડી છે અને કોઇ અફસોસ બાકી નથી. પ્રભુએ માંગ્યા કરતા ઘણું આપ્યુ છે.

“એવું ના બોલોને પપ્પા.”

“ જો બેટા આયુષ્ય કર્મથી વધુ એક મીનીટ પણ આયુષ્ય મળતું નથી..હવે ૮૦ તો થયા.તમે બધા તમારી દુનિયામાં ખુશ છો અને કુદરતનો નિયમ છે ને વડવાઓએ નવાંગતુકોને જગ્યા આપવીજ રહી અને તેથી જ મૃત્યુ ને હસતા મોએ સ્વીકારવું રહ્યું”

“પપ્પા તમે તો કહી દીધું પણ મને તો વિચાર માત્રથી કમ કમીયા આવે છે, તમારો છાંયડો જઈ શકે છે.”

“ હા સ્વિકારવું જ રહ્યું જન્મ્યું છે તે જવાનું જ છે કોઇ વહેલું કે કોઈ મોડું.”

“પપ્પા મોટી બેનોનાં જેટલો મને તમારો છાંયડો નહીં?”

સ્વપ્નમાં જાણે દૂંદૂભી વાગતી હોય અને ભવાઇનો પડદો પડે તેમ અચાનક દ્રશ્ય બદલાયુ અને શીતલ એકદમ જાગી ગઈ. વહેલી પરોઢનું સ્વપ્ન …તેનું મન તે સંકેતોને સમજવા મથતું હતું

તરત ભારત ફોન જોડ્યો..ફોન મમ્મીએ ઉપાડ્યો અને શીતલથી ડુસકું મુકાઇ ગયું.

કુમુદ બા બોલ્યા “કેમ બેટા સવારનાં પહોરમાં ડુસકું?”

“બા સવારનાં પહોરમાં આવું વિચિત્ર સપનું આવ્યું..પપ્પાને ભવાઇમાં વેશ ભજવતા જોયા અને વાતો મૃત્યુની કરતા હતા.. હેં મમ્મી વહેલી પરોઢ્નું સ્વપ્નુ હતું તેથી જરા ડરી ગઈ.”

કુમુદબા તરત બોલ્યા “તને તારા બાપા પર બહુ પ્રેમ છે ને એટલે આવા ડરામણા સ્વપ્ના આવે્છે. ખરેખર તો આવું સ્વ્પ્ન આવે તો તેમની ઉંમર વધે તેથી રડના.”.

***

શીતુ મોટી ઉંમરે જન્મી હતી એના જન્મ વખતે મોટી બહેન કોલેજનાં છેલ્લા વર્ષમાં હતી.પુત્રેષણાની તે અકસ્માતે આશાઓ વધારી દીધી હતી, પણ તેવું બન્યુ નહોંતુ. બુધ્ધીજીવી પ્રોફેસરને તો તે વાતનો જરાય ગમ નહોંતો..તેમણે તો ચારેય છોકરીને સરખીજ માવજત આપી હતી પણ ક્યારેક કુમુદબાને ઓછું આવી જતું.. ભગવાને વારસ આપ્યો હોત એમનો વંશ ચાલતેને?

કુમુદ બાને રાજી રાખવા પ્રોફેસર કદીક શીતલને દિકરાની જેમ રમાડતા. શીતલ દીકરો પણ હોય અને દીકરી પણ હોય..તેનાથી શું ફેર પડે?

પણ સ્કુલમાં એક નાટક્નાં દ્રશ્યમાં છોકરો બનવાનું હતું ત્યારે બૉય કટ વાળ કર્યા પછી તે અદ્દલ છોકરો લાગતી ત્યારે કુમુદ બાનું મન ભરાઇ આવેલું..ત્યારથી પ્રોફેસર બાપ પણ વહાલમાં શીતલ દીકરો કહેતા.તે વખતે રક્ષા બંધને કુમુદબા એ તેને રાખડી બાંધી. આવતે ભવ મારા પેટે દિકરો થઈને આવજે નાં આશિષ દીધા હતા.

તે દીવાળી એ ઘરમાં સૌ પત્તા રમતા બધા બેઠા હતા ત્યારે પપ્પા બોલ્યા “પત્તાની રમત વ્યસન બને ના તે રીતે રમવી જોઇએ પણ તે આયોજન કરતા શીખવે છે અને સાથે સાથે ટેબલ ઉપર આખા કુટંબ ને એક સાથે ભેગા રહેતા શીખવે છે.સાથે સાથે એક વાત એ પણ સમજવી કે પત્તા સાથે નાણા ન રમવા જોઇએ આગળ જતા એ જુગટું બને..”

***

એક્ બે વરસે ફોન ઉપર મૃત્યુ વિશે ચર્ચા કરતા પપ્પા બોલ્યા “ શીતલ સમાજમાં ગમે તે દેખાય પણ મારા મૃત્યુ પછી અગ્ની દાહ બધી બહેનો સાથે દેજો.”

“પપ્પા આવી વાતો કરવી જરુરી છે?”

જો બેન આયોજન બધ્ધ રહેતા મેં મારી જિંદગી કાઢી છે. અને હું માનું છું કે પહેલેથી વિચાર્યુ ન હોય તો તે ઘટનાઓનો જગકાજી સમાજ બને અને ક્યારેક દુખતી રગ ખોટી રીતે દબાય તેથી આજે આ વાત સૌને જણાવી દીધી. હું માનું છું તમે સૌ મારું જ પંડ છો અને મારા પૈસા મિલ્કત્નાં સાચા અધિકારી કુમુદ પછી તમે છો તેથી તે રીતનું વીલ બનાવ્યું છે.

“પપ્પા તમારી સાથે દીદી છે અને તેના ઉપર મને પણ પુરો ભરોંસો છે તેથી આવી બધી વાતો મને ના કરી દુઃખી ના કરો”.

“આયોજન એવી રીતે કરવું જોઇએ કે જગ છુટ્યે કોઇ મનદુખ રહેવું ન જોઇએ”

કુમુદ બાએ સંમતિ દર્શાવતા કહ્યું “ બાકીની ત્રણ બહેનો અહીં ભારતમાં, પણ તું અમેરિકામાં તેથી બધી માહીતિ પુરે પુરી તારે પણ જાણવી જોઇએ.

ડબ ડબાતી અંખે શીતલ બોલી. “મારે તો તમારો છાંયડો લાંબા સમય માટે જોઇએ.” ફોન નાં બેઉ છેડા આંસુ સારતા હતા.

પપ્પા બોલ્યા.”સંપીને રહેજો અને મન મોટૂં રાખજો.અને શક્ય તેટલું ધર્મમય ભાવે જીવજો”

“ પપ્પા હજી ઘણું લાંબુ તમે જીવવાનાં છો.”

હા એટલી જ લાંબી મારે તમને સૌને જ્ઞાન વસિયત આપવાની છે. તેથી જ્યારે આંતર મન આપવા સક્રીય થાય ત્યારે તેને ધ્યાન દઈને સાંભળો..ધન દોલત તો નજરે ચઢશે પણ આ જ્ઞાન વસિયતતો જ્યારે ઉદય થશે ત્યારેજ સંભળાશે.

.જિંદગીનાં અંતિમ તબક્કે સૌને મારું શ્રેષ્ઠ છે તે આપવું છે પણ મને ખબર નથી અંતિમ તબક્કો ક્યારે આવશે. .જ્યારે આવશે ત્યારેની રાહ ન જોતા હાલ સંભળાવી દઉં કે હવે જે સાથે નથી આવવાનું તેના ઉપરનો મોહ ઘટાડો અને જે સાથે આવવાનું છે તેને ઓળખો. તે પાપ અને પૂણ્યને સાથે લઈ જવા પછેડી બાંધો. ઉર્ધ્વ ગામી બનવા હલકા થાવ અને પાપગામી કશાયો છોડો. મુસ્લીમ ધર્મનાં સંત પુરુષો કહે છે કયામતનાં દિવસે ઉજળા રહેવા એવું કશું જ ના કરો કે જેનાથી ભાર વધી જાય.

ખુબ જ અંદરથી આવતી વાણીને સાંભળતી શીતલ ગળ ગળા અવાજે પુછી બેઠી પપ્પા તમને કંઈક થઈ ગયુ હોય અને અમારે તમારી પાસે આવવું હોયતો કેવી રીતે અવાય?

પપ્પા કહે મેં આજ પ્રશ્ન મારી મા ને પુછ્યો હતો તો બે ચોપડી ભણેલ માએ એક જ વાત કહી હતી…કર્મો ખપાવ્યા પછી સાચા હ્રદયે સૌને માફ કર્યા અને માફી માંગી લીધી પછી આત્મા પરમાત્માનાં શરણે પહોચે છે ત્યાં પરમાત્મા સાથે મિલન થાય ત્યારે હું તને મળીશ.

શીતલ સ્તબ્ધ હતી પણ આ બધુ થાય તેને માટે થતો વિલંબ તેને ખપતો નહોંતો.

પપ્પા જાણે તેના ચહેરા ઉપર આ વાત વાંચી રહ્યા હોય તેમ બોલ્યા. મોહનાં તાંતણાં સૌથી સુંવાળા પણ અત્યંત મજબુત હોય છે. તારો આત્મા તે મોહબંધને ભેદવા સમર્થ થશે તો ક્ષણ માત્રનોય વિલંબ નહીં થાય.

હું તો આ મોહનાં રેશમધાગાને હણી રહ્યો છું અને તેજ રીતે તમને પણ કટીબધ્ધ થવા કહી રહ્યો છું.

વાત પુરી થઈ પણ હજી પપ્પાનાં અવાજ્ને સાંભળવો હતો.. ફોન ફરી લગાડ્યો…

ફોન મમ્મીએ ઉપાડ્યો.

અતિ ભારે અવાજે મમ્મીએ કહ્યું “ પપ્પા તો તારી સાથે વાતો કરતા કરતા સુઈ ગયા છે. ડોક્ટર કહે છે તેમને સુઈ રહેવા દો. એ જાગશે ત્યારે ફરી ફોન કરાવીશું”

શીતલને લાગતું હતું પપ્પા હવે કદાચ નહીં જાગે. તેમની લાડલીને તેમની જિંદગીનાં સર્વ સત્યો સમજાવી પપ્પા અનંતને માર્ગે નીકળી ગયા હતા. તેણે નવકાર ગણ્યા અને જય જીનેંદ્ર. કહી ફોન મુક્યો.

કથા બીજ -પીનુ ( ભક્તિ શાહ)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED