દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6) Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6)

દીકરી મારી દોસ્ત

  • ...મમ્મી, તું કોની ?
  • રંગબેરંગી પતંગિયુ ...ઊડતું રહેતું, અમ આકાશે.

    પ્રિય ઝિલ,

    શુભમ દસ દિવસ પછી યુ.એસ.જવાનો છે. એટલે તું ત્યાં જ રોકાવાની હતી. બે દિવસની રજા પડે તો પણ તું ઘેર દોડી આવતી. આજે તને અહીં આવવાની ઇચ્છા નથી થતી.!.બહુ સ્વાભાવિક છે..કુદરતે કેવી માયા મૂકી છે.! લાગણીનું.. પ્રેમનું..આ વહાલ ઝરણું હ્રદયના કયા અજ્ઞાત ખૂણામાં સંતાયેલ રહેતું હશે આટલા વરસો સુધી ? કવિઓને એટલે જ સોળ વરસની છોકરીઓના ગીત આકર્ષતા હશે. ને લખાતા હશે. આજે મમ્મીને યે જલ્દી આવજો કહી ને, હાથ હલાવી તું શુભમ સાથે ગાડીમાં દોડી જાય છે..અને..અને હું એ દ્રશ્યને દિલથી, હરખથી સ્વીકારી પણ રહી છું.

    હા, અને એક દિવસ તેં યે કંઇક એવો જ સ્વીકાર કર્યો હતો....કરવો પડયો હતો. ત્યારે તું પૂરુ બોલતાં પણ નહોતી શીખી. અને તારા ભાઇનો આ દુનિયામાં પ્રવેશ થયો. મારી પાસે કોઇ બીજાને સૂતેલું જોઇ તારી નાનકડી આંખોમાં આશ્ર્વર્યના જે ભાવ ઉમટી આવ્યા હતા..એ હું આજે પણ નથી ભૂલી શકી. પલંગ પાસે આવી નાનકડા બે પગ પર ઉંચી થઇ ને તેં જોયું હતું..કે આ અહીં કોણ આવી ગયું છે ? મેં તને પાસે બોલાવી પ્રેમથી..પણ જયાં સુધી મારી પાસે “ બીજુ કોઇ ” હોય ત્યાં સુધી તું મારી પાસે આવવા તૈયાર નહોતી. એટલે દોડીને મોટી મમ્મી પાસે પહોંચી ગઇ. અને પછી તો દિવસમાં દસ વાર એ સિલસિલો ચાલુ રહ્યો. થોડી થોડી વારે મારા પલંગ પાસે આવી , ઉંચી થઇ ને તું ખાત્રી કરી લેતી કે “ પેલું કોઇ ”મારી પાસેથી ગયું કે નહીં ? આ અચાનક મારી મા ની પાસે કોણ આવી ગયું..તે પ્રશ્ન તારી આંખોમાં હું જોઇ શકતી હતી...મારો અધિકાર કોણે છીનવી લીધો ?

    પપ્પા આવ્યા તો તું દોડીને હાથ પકડી જાણે કંઇક બતાવવું હોય તેમ મારી પાસે ખેંચી લાવી..ને ઉંચા થઇ બતાવ્યું..કદાચ પપ્પા પાસે ફરિયાદ કરી કે અહીં તો મારો હક્ક છે. તને કદાચ આશા હતી કે પપ્પા આ અન્યાય દૂર કરશે.! પપ્પા તો હસીને તને તેડીને બતાવવા લાગ્યા કે તારો ભાઇ....! તેં ડોકુ ધુણાવી તેનું અસ્તિત્વ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો. ને પપ્પાની સાથે પણ ગુસ્સે થઇ હોય તેમ ફરી પાછી મોટી મમ્મી પાસે દોડી ગઇ.

    અંતે પાંચ છ દિવસે થાકી ને તારા બાળમાનસે સ્વીકારી લીધું કે હવે આ અહીંથી જાય તેવું લાગતું નથી.! એટલે આટલા દિવસોથી કેટલાય પ્રયત્નો કરવા છતાં મારી પાસે ન આવતી તું અંતે મારી પાસે આવી ને વળગી પડી..અને પછી તો તેં પૂરા પ્રેમથી નાનકડા ભાઇને અપનાવી લીધો. તું અચાનક જાણે મોટી બની ગઇ અને ભાઇના નાના હાથ ,પગ જોવા માંડી અને મને બતાવવા લાગી. ઓહ ! આ તો મારો ભાઇલો છે..! અને ભાઇલાના અસ્તિત્વનો સ્વીકાર તેં કરી લીધો હતો.

    આજે મારે યે આમ જ સ્વીકાર કરવાનો હતો ને ! ઝિલ હવે મારી એકલીની નથી. નાનપણમાં પપ્પા ભાગ પડાવતા હતા..આજે શુભમ ! પણ જોકે અંદરથી તો બંને વખતે હું હરખાતી જ હતી ને ! અને આજે યે તું પૂછતી રહે છે, મમ્મી, તું કોની ? તારો હમેશનો પ્રિય પ્રશ્ન. અને મારો જવાબ હમેશા અલગ અલગ જ હોય. ખાસ તને ગુસ્સે કરવા જ. અને તું મને હેરાન કરી મૂકતી અને મારી પાસે ‘ મમ્મી ઝિલની હોં ‘ એ શબ્દો બોલાવી ને જ છૂટકો કરતી..અને હું ખોટેખોટું ખીજાતી, ’તું કહે એમ જ મારે બોલવાનું હોય, તો પછી પૂછે છે શું કામ ? નકામું મારે ખોટુ બોલવું પડે.! ‘ અને તું છણકો કરી, રિસાઇને બીજા રૂમમાં ભાગી જતી. અને હું પછી મસ્કા મારી મારી ને થાકી જતી.શું થાય ? મારા કર્યા મારે ભોગવવાજ પડે ને ?

    “ રોમ રોમ રણઝણી ઉઠે, બત્રીસ કોઠે દીવા, ભીતર કંઇ ઓગળી જતું ” જોકે રિસાવાના પ્રસંગોની ખોટ તો તારે કયારેય કયાં પડતી હતી ? ખાસ કરીને પૂ. બા અમેરિકાથી આવે ત્યારે બધા માટે સ્વાભાવિક રીતે જ કંઇક લાવે. અને બા નો છોકરાઓ માટે નો પક્ષપાત તો આખા કુટુંબમાં જાણીતો હતો જ. અને બા એને છૂપાવવાની તકલીફ પણ કયાં કયારેય લેતા હતા ? અને એટલે મીત માટે હમેશા વધારે જ લાવ્યા હોય..અને તને ફોસલાવતા હોય...બીજી વાર જઇશ ત્યારે તારા માટે જ વધારે લેતી આવીશ.હોં. ..અને એ બીજીવાર કયારેય આવતી જ નહીં.! બીજીવાર આવે ત્યારે પણ પાછી એ જ વાત હોય. અમે તો તારા અને મીત વચ્ચે કયારેય એવો કોઇ ભેદભાવ કયાં રાખ્યો હતો ? એટલે તને બહુ લાગી આવતું. તું બા થી અને મારાથી ત્યારે બહું રિસાતી. બા મનાવવાની વાતો કરતા ‘ તું તો બહુ ડાહી છે ને ? ભાઇને આપી દે ને..’ અને ભાઇ તો બા હોય ત્યારે પૂરેપૂરો સલામત..! એટલે એણે તો કંઇ બોલવાનું હોય જ નહીં. બા જેવા વકીલાત કરતા હોય એની પછી એને શું ચિંતા હોય ? પણ તને ડાહ્યું થવું કેમ ગમે ? ગુસ્સે થઇ ને તું બીજા રૂમમાં ચાલી જતી. અને મારા મનામણા ચાલુ રહેતા.

    બાનો કાગળ આવે ત્યારે પણ તું હમેશા કહેતી, ‘ છેલ્લે લખ્યું હશે, ઝિલ મજામાં હશે...’ આખો કાગળ તો મીતનું ધ્યાન રાખજો...ની સૂચનાઓથી જ ભર્યો હોય. અને તું ગુસ્સે થતી, ’તારા લાડલા નું ધ્યાન રાખ ‘ તારો ગુસ્સો ત્યારે જોકે ખોટો નહોતો જ. પણ બા દીકરાઓ માટે હમેશા પક્ષપાતી હતા. દીકરીઓને વળી ચાગ શું ? કાલે સાસરે જશે ત્યારે...? હા, આપણા ઘરમાં ભલે છોકરા છોકરીના બિલકુલ ભેદભાવ તેં નથી જોયા..પણ સમાજમાં આજે યે આ તફાવત મોટા ભાગના ઘરોમાં હોય જ છે..એનો ઇન્કાર મારાથી કરી શકાય તેમ કયાં છે ? છોકરો એટલે સ્વર્ગની સીડી ચડાવનાર... પોતાનો વંશ વધારનાર , પોતાની પાછળ પાણી રેડનાર..અગ્નિદાહ દેનાર..અને ઘડપણની લાકડી બનનાર. આ સામાન્ય માન્યતા થી ઘેરાયેલ આપણો સમાજ......સ્ત્રીઓ સુધ્ધાં એમાથી કયાં બાકાત છે ? ખુદ સ્ત્રી પોતે દીકરો ઝંખતી હોય છે. કેમકે નાનપણથી એના માનસમાં એ જ માન્યતાઓ દ્રઢ થતી આવી છે ..કે કરાતી આવી છે. પછી ભલે ને એ દીકરો મોટો થયા પછી ટેકણલાકડી થવાને બદલે લાકડી ઉગામતો થાય.! આજે વધતા જતા વૃધ્ધાશ્રમોની સંખ્યા શું સૂચવે છે ? હવે થોડો ફરક આવ્યો છે..પણ એ ફરક ફકત ઉપલા વર્ગમાં...શિક્ષિત વર્ગ પૂરતો જ સીમિત રહ્યો છે. દીકરી વહાલનો દરિયો..માન્યતા સીમિત ન રહેતા સમાજના બધા વર્ગમાં પ્રસરી રહે એવો શુભ દિવસ ..સોનલવર્ણો સૂરજ કયારે ઉગશે ? આજે તો ગર્ભમાં દીકરી છે જાણી તેનું અસ્તિત્વ જ મિટાવી દેવાય છે.

    સદીઓથી ઉપેક્ષિત રહેલ દીકરી ધીમે ધીમે વહાલનો દરિયો બનવા તરફ ધીમી છતાં મક્કમ ગતિ કરી રહી છે..એ સંકેત મંગલ નથી ? અલબત્ત દિલ્હી હજુ ઘણું દૂર છે. પણ યાત્રાની શરૂઆત થઇ ચૂકી છે ..એ વાત પણ ઓછી આશ્વાસનજનક નથી. શિક્ષણનો વ્યાપ જેમ વધતો જશે..તેમ સમાજમાં જાગૃતિ આવતી જશે. બાકી ખાલી કાયદો એકલો આમાં શું કરી શકે ? કાયદો તો સ્ત્રી સમાનતા.....સ્ત્રી અનામત... વિગેરે પ્રયત્નો એની રીતે કરે છે ને કરશે.. પણ માનવીની...આમજનતાની વિચારસરણી ન બદલાય...સમાજના અમુક રીતિરિવાજો ન બદલાય સ્ત્રી પોતે ન બદલાય ...જાગૃત ન થાય ત્યાં સુધી તો ...બધું પોથી મા ના રીંગણ જેવું જ રહેવાનું ને ?

    જોકે દરેક ક્રાંતિને એની પ્રસવ પીડા હોય છે. એ પીડા ની વેદના વેઠયા પછી જ નવા વિચારનો જન્મ શકય બનતો હોય છે. આજે સાંપ્રત સમાજ આ પ્રસવપીડામાંથી પસાર થઇ રહ્યો હોય એવું લાગે છે. કેમકે એક તરફ સમાજમાં દીકરીને વહાલથી વધાવતા લોકો હવે પુત્રી જન્મ ને પ્રેમથી આવકારે છે. દીકરીની લાગણીનો એહસાસ ધીમે ધીમે થઇ રહ્યો છે એ ચોક્કસ વાત છે. દીકરાથી તરછોડાયેલ મા બાપ ને ઘણીવાર દીકરી વિસામા સમાન બની રહે છે. એવા ઉદાહરણોની સમાજમાં આજે ખોટ નથી. મારી સાથે જ ભણાવતા પુનિતાબહેનને સંતાન નહોતું . અમે ઘણીવાર એ વિષય પર ચર્ચા કરતા. એક દિવસ તેઓ અનાથાશ્રમમાંથી બાળકીને દત્તક લઇ આવ્યા ત્યારે હું તો બહું ખુશ થઇ ગયેલ મેં તેમને ખૂબ અભિનંદન આપેલ. હવે ઘણાં કુટુંબો દીકરી દત્તક લેવાનું પસંદ કરતા થયા છે એ આનંદની સાથે બદલાતા જતા સમાજનો પણ સંકેત આપી જાય છે. ખેર ! અહીં આજે તેની ચર્ચા નથી કરવી...આ તો બાના પુત્રપ્રેમની વાત યાદ આવતા હું એ પ્રવાહમાં તણાઇ ગઇ.

    બાકી મને આજે યે યાદ છે..રવિવારે કયારેક તું રોટલી કરતી ત્યારે ભાઇલાને એમાં ઘી ચોપડવાનું કામ કરવું જ પડતું. અને ભઇલો જોકે હોંશે હોંશે એ કામ કરતો.અને રોટલી ફૂલે એટલે ખુશ થઇ ને જોશથી આવતી તેની બૂમ ” મમ્મી, ફૂલી;;;ફૂલી..” ના પડઘા આજે યે મારા કાનમાં ગૂંજે છે. અને તમે બંને ખુશખુશાલ થતા. આ નાની નાની ખુશીનું મૂલ્ય જીવનમાં જરાયે ઓછું નથી..એ ક્ષણો જ જીવનને તરોતાજા રાખે છે. જીવંત બનાવે છે.

    દરેક મા દીકરીના અંતરમાં સુગંધની આવી કેટલીયે અવનવી ક્ષણો દરિયો બની ને છલકી રહેતી હોય છે.

    “ સુગંધના સોગંદ દીધા ને, તો યે કૂંપળ ફૂટે મુગ્ધપણાના મોં સૂંઝણામાં, ઝરમર કેમ વછૂટી ? ”

    સમય આવે અને દરેક દીકરીના તન, મનમાં મુગ્ધતાની કૂંપળ ફૂટતી રહે છે. કોઇ નો અજાણ્યો સાદ મનમાં સંભળાતો રહે છે. આંખોમાં સોનેરી સોણલાઓ ફૂટતા રહે છે. કંઇક મીઠી પળોના સથવારે સમય રેતીની જેમ સરતો રહે છે..સરતો રહે છે........દરેક મા દીકરી વચ્ચે રિસામણા, મનામણા તો ચાલતા જ રહેતા હશે ને ? મા અનેક કારણોસર ખીજાતી રહેતી હોય અને દીકરી અનેક કારણોસર ગુસ્સે થતી રહેતી હોય. પરંતુ લડતા ઝગડતા...ખીજાતા ને રિઝાતા....મા દીકરી વચ્ચે સ્નેહનો ઝરો થોડીવાર પૂરતો છૂપાઇને પણ રહે છે તો અકબંધ અને સદા છલોછલ જ ને ? “ પળ, દિવસ, વરસની વણઝાર ચાલી જાય, છલોછલ અવસર ભરેલી પોઠયું ખાલી થાય. ”

    “ બેટા, હમેશા યાદ રાખજે...કોઇનો સ્નેહ કયારેય ઓછો હોતો નથી..આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. સાવ અપેક્ષા વિના તો કોઇ માનવ જીવી ન શકે..પણ આપણી કોઇ અપેક્ષા પૂર્ણ ન થાય ત્યારે........ એને મારી પડી જ નથી......કે એનો પ્રેમ લાગણી ઓછા થઇ ગયા છે.. એવું કયારેય વિચારીશ નહીં. એ વિચાર દુ:ખ સિવાય કંઇ જ નહીં આપી શકે. Give And Take...આપો અને મેળવો નો સિધ્ધાંત કયારેય ભૂલીશ નહીં. અને કયારેક જીવનમાં આપવા છતાં ન મળે તો પણ મન મોટુ રાખીને ભૂલી જતાં શીખજે.. બીજાને સમજવાનો પ્રયત્ન કરજે.. અને આપોઆપ સુખના દરવાજા ખૂલતા રહેશે. માની વાત પર શ્રધ્ધા રાખી શકીશ ને ? બીજા તને સમજે એનો આગ્રહ રાખવાને બદલે તું બીજાને સમજવાનું ચાલુ કરીશ તો આપોઆપ બધા તને સમજી શકશે જ. ” કોઇ મને ચાહે ને સમજે, માણસનો એક જ અભિલાષ.” આ ચાહનાર અને સમજનારની ખોટ કયારેય જીવનમાં ન સાલે...”