Ramnaam Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ramnaam

રામનામ

ગાંધીજી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકાશનું નિવેદન

રામનામ વિશેની શ્રદ્ધાંનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઇ રંભા હતી. એ વિશેની ઉલ્લેખ ગાંધીજીએ પોતે’આત્મકથા’ માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે.

રામ નામ વિશેની ગાંધીજીની આ શ્રદ્ધા વ્યક્ત કરનારાં લખાણોનું શ્રી ભારતન કુમારપ્પાએ અંગ્રેજીમાં સંપાદિત કરેલું પુસ્તક નવજીવન કાર્યોલયે પ્રસિદ્ધ કર્યું છે. આ પુસ્તક તેને આધારે તૈયાર કર્યું છે. નોંધવા જેવી એક હકીકત એવી છે કે રામનામ વિશેનાં પોતાનાં કેટલાયે લખાણ ગાંધીજીએ ગુજરાતીમાં લખેલાં અને તેમનું અંગ્રેજી કરવામાં આવેલું. એવા લખાણોનું મૂળ ગુજરાતી જ આ સંગ્રહમાં આપવાની કાળજી રાખવામાં આવી છે.

ગાંધીસાહિત્યના અને રામનામના ચાહકોને આ સંગ્રહ ઘણો રુચશે એવી ખાતરીથી તે પ્રસિદ્ધ કર્યો છે.

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીઓને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકાયો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

-ગાંધીજી

સંપાદકની નોંધ

મુશ્કેલી આવી પેડ ત્યારે રામનામ લેવાનું ગાંધીજીએ બચપણમાં જ શીખવવામાં આવ્યું હતું. એક સત્યાગ્રહી કે દૃઢતાથી સત્યને અથવા ઇશ્વરને દિવસના ચોવીસે કલાક વફાદાર રહેવાનું વ્રત ધારણ કરનાર તરીકે અનુભવે ગાંધીજીએ જોયું કે પોતાની મુશ્કેલીમાં કાયમ રામાધાન આપનાર ઇશ્વર છે. પોતાની તપસ્યાની શરૂઆતમાં એમની પહેલવહેલી કસોટી બ્રહ્મચર્યપાલનને અંગે થઇ. એમણે પોતે આપણને કહ્યું છે કે મનમાં બૂરા વિચાર ઊઠતા અટકાવવામાં અને ઊઠે ત્યારે તેમની સામે થવામાં રામનામની મને મોટામાં મોટી ઓથ હતી. ઉપવાસોની માનસિક વ્યથામાંથી અને સામાજિક, ધાર્મિક, આર્થિક તેમ જ રાજદ્ધારી ક્ષેત્રમાં નવો ચીલો પાડનારા એકાકી રાહદારી તરીકે એમને ભાગે આવેલાં આત્મમંથનોમાંથી રામનામે જ એમને પાર ઉતાર્યા. પરંતુ ગાંધીજી ઇશ્વરનું શરણું જેમ વધારે સ્વીકારતા ગયા તેમ તેમ છેલ્લે એમણે એવી શોધ કરી કે શરીરના વ્યાધિઓ મટાડવાનો ઇલાજ પણ રામનામ જ છે.

સત્યની શોધ દરમ્યાન અને માનવપ્રાણીની શારીરિક પીડામાંથી તેને રાહત આપવાની તાલાવેલીમાંથી ગાંધીજીએ તાજી હવા, માલિસ, સ્નાન, ઉપવાસ, આહારનિયમન, માટીના પાટા અને એવા જ બીજા બીમારી મટાડવાના સાદા અને ખરચમાં સાવ સસ્તા પડે તેવા ઇલાજો ઘણા ઢબે નફો કરવામાં હેતુથી આજે કારખાનાંઓમાં બનાવવામાં આવતી પાર વગરની દવાઓની માણસના શરીરયંત્ર પર આખરે માઠી અસર થાય છે અને તેના કરતાં આ સાદાસસ્તા ઇલાજો કુદરતને અથવા ઇશ્વરી કાનૂનને અનુસરનારા હોઇ ફાયદો આપનારા છે.

પરંતુ ગાંધીજીએ બીજી એક પ્રતીતિ પણ હતી કે માણસ એટલે એકલું એનું શરીર જ નથી અને તેથી તેની બીમારીના કેવળ શારીરિક ઇલાજો પૂરતી નથી. દરદીના મનનો તેમ જ આત્માનો પણ ઇલાજ કરવો જરૂરી છે. મન અને આત્મા તંદુરસ્ત હોય તો શરીર પણ તંદુરસ્ત રાખવાનો રામનામ અથવા ઇશ્વરરૂપી મહાન વૈદ્ય પર ભક્તિપૂર્ણ શ્રદ્ધા રાખવા જેવો તેમ જે તેણે શરણે જવા જેવો બીજો રામબાણ ઇલાજ નથી. માણસ પોતાને પૂરેપૂરો ઇશ્વરને હવાઢો કરી દે, ખોરાક, અંગત સ્વચ્છતા અને શરીરની સંભાળ, ખાસ કરીને રાગદ્ધેષો તેમ જ મનના બીજા આવેગો પર ને સામાન્ય રીતે જાત પર કાબૂ અને બીજા માણસો સાથેના સંબંધો એ બાબતોમાં ઇશ્વરના કાનૂન મુજબ ચાલે તો તે બીમારીમાંથી ઊગરી જાય એમ ગાંધીજી ચોક્કસપણે માનતા. આવી નીરોગી દસા સિદ્ધ કરવાને તેઓ હંમેશ મથતા. વળી, બીજા લોકો પણ એવી દશા મેળવી શકે તેટલા ખાતર પોતાની નિસર્ગોપચારની પદ્ધતિ ઉપરાંત દરદીઓને રામનામના ગુણ જ્યાં શીખવવામાં આવે એવી નિસર્ગોપચારની પોતાની છેલ્લી સંસ્થા ઊરુળીકાંચનમાં તેમણે સ્થાપી. રામનામને વિશેના ગાંધીજીના વિચારો તેમ જ અનુભવ તેમના પોતાના શબ્દોમાં વાચકોની ગાંધીજીના વિચારો તેમ જ અનુભવ તેમના પોતાના શબ્દોમાં વાચકોની આગળ મૂકવાની આ નાની ચોપડીમાં નમ્ર કોશિશ કરવામાં આવી છે.

મુંબઇ

ભારતન કુમારપ્પા

અનુક્રમણિકા

પ્રકાશકનું નિવેદન

અભ્યાસી પ્રત્યે

સંપાદકની નોંધ

૧. બીજ

૨. નીતિરક્ષાનો ઉપાય

૩. સહેલો મંત્ર

૪. રામનામ અને રાષ્ટ્રીય સેવા

૫. રામની મદદ યાચો

૬. જપની ખૂણી

૭. રામનામનો જપ

૮. રામધૂન

૯. યૌગિક ક્રિયાઓ

૧૦. સચોટ મદદ

૧૧. રામનામની હાંસી

૧૨. રામનામ ને જંતરમંતર

૧૩. રામનામનો પ્રચાર

૧૪. મારો રામ

૧૫. રામ કોણ ?

૧૬. દશરથનંદન રામ

૧૭. મારો રામ કોણ ?

૧૮. ઇશ્વર ક્યાં ને કોણ ?

૧૯. રામનામ અને નિસર્ગોપચાર

૨૦. કુદરતી ઉપચાર

૨૧. રામનામ રામબાણ

૨૨. બધા રોગોનો ઇલાજ

૨૩. કુદરતી ઉપચારમાં રામનામ

૨૪. આમજનતાનું વૈદું

૨૫. રામબાણ ઉપાય

૨૬. આયુર્વેદ અને નૈસર્ગિક ચિકિત્સા

૨૭. ઊરુળીકાંચનમાં

૨૮. ઊરુળીકાંચનમાં કુદરતી ઉપચાર

૨૯. ગરીબો માટે કુદરતી ઉપચાર

૩૦. કુદરતી ઉપચાર અને આધુનિક ઉપચાર

૩૧. અંતદૃષ્ટિ કેળવો

૩૨. કુદરતના નિયમો

૩૩. બાધાઆખડી વિ૦ રામનામ

૩૪. રામનામ વિશે સમજનો ગોટાળો

૩૫. વ્યાકુળ કરે તેવો દાખલો

૩૬. નામસાધનાનાં ચિહ્‌ન

૩૭. સર્વધર્મસમભાવ

૩૮. સાચી રોશની

૩૯. અવસાનને આગલે દિવસે

૪૦. પ્રાર્થનાપ્રવચનોમાંથી

૧. રામનામ - એનાં નિયમ અને શિસ્ત

૨. રામબાણ ઇલાજ

૩. તાલીમની જરૂર

૪. આંતરબાહ્ય શુદ્ધિ

૫. રામનામનો ગેરઉપયોગ

૬. રામનામ કેવી રીતે લેશો ?

૭. મૌન વિચારનું સામર્થ્ય

૮. રામનામનો મંત્ર

૯. સર્વ પ્રાર્થનાનો મર્મ

૧૦. નર્યો દંભ

૧૧. ઇશ્વરના નામરૂપી અમૃત

૧૨. શ્રદ્ધાનો મર્મ

૧૩. રામનામનું રહસ્ય

૧૪. અંતરની અને બહારની સ્વચ્છતા

૧૫. રામબાણ ઇલાજ

૪૧. રોજનો સુવિચાર

૪૨. બે પત્રો

પરિશિષ્ટ

૧. રામનામ મનુબહેન ગાંધી

૨. ‘રામ ! રામ !’ પ્યારેલાલ

સુચી

૧. બીજ

છે કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુધી અભ્યાસ કર્યો, પણ ક્યાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઇએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંતી કંઇક ને કંઇક તો મળ્યાં જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઇએ. ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.

મારો જન્મ વૈષ્ણવ. સંપ્રદાયમાં, એટલે હવેલીઓ જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મને ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યું.

પમ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભૂતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોધ રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોધ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઇએ રોપેલું બીજ ગણું છું....

પણ જે વસ્તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભક્ત, બીલકેશ્વરના લાધા મહારાજ કરીને હતા. તેમને વિશે એમ કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાને બદલે તેમણે બીલેશ્વરનું બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઊતરતાં તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્યાં ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નીરોગી હતું. લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઇ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઇ જતા અને અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણશ્રવણ મારા વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણશ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.

આત્મકથા (૧૯૫૬ની આવૃત્તિ), પૃ. ૨૯-૩૦

૨. નીતિરક્ષાનો ઉપાય

મારા વિચારના વિકારો ક્ષીણ થતા જાય છે પમ નાશ નથી પામ્યા. જો હું વિચારો ઉપર સામ્રાજ્ય મેળવી શક્યો હોત તો છેલ્લાં દસ વરસ દરમ્યાન જે ત્રણ દરદો : પાંસળાનો વરમ, મરડો ને ‘ઍપેન્ડિક્સ’નો વરમ, મને થયાં તે ન જ થાય. હું માનું છું કે નીરોગી આત્માનું શરીર પણ નીરોગી હોય. એટલે જેમ આત્મા નીરોગી - નિર્વિકારી - થતો જાય તેમ તેમ શરીર પણ નીરોગી થતું જાય. આનો અર્થ એવો નથી કે નીરોગી શરીર એટલે બળવાન શરીર. બળવાન આત્મા ક્ષીણ શરીરમાં જ વસે છે. જેમ આત્મબળ વધે તેમ શરીરક્ષીણતા

હું પૂર્ણત્વથી તો બહુ છેટે છું, પૂર્ણત્વનો હું એક નમ્ર સાધક છું. અને મને સાધનની પણ ખબર છે. પણ સાધન જાણ્યું એટલે સાધ્યને પહોંચ્યા એવું તો નથી જ. જો હું પૂર્ણ હોત, જો મેં મારા પણ પૂર્ણ - સ્વસ્થ હોત. હું વિનાસંકોચે કબૂલ કરું છું કે મારે દરરોજ મારા વિચારો ઉપર કાબૂ મેળવવાને મારા મનની પુષ્કળ શક્તિનો વ્યય કરવો પડે છે. જો આમાં મને કદી સફળતા મળે તો સેવા માટે કેવડો મોટો શક્તિનો ભંડાર ખુલ્લો ખુલ્લો થશે ! ‘ઍપેન્ડિસાઇટિસ’નો રોગ વિચાર અથવા મનની નબળાઇને લીધે થયો એમ હું માનું છું, તેમ જ એ પણ કબૂલ કરું છું કે હું શસ્ત્રક્રિયાને વશ થયો તેયે મારા મનની એક વધુ નબળાઇ હતી. જો મારામાં અહંતાનો અવશેષ જ રહ્યો ન હોત તો તો બનવાકાળ બનશે એમ માનીને હું નિશ્ચિત બેસી રહ્યો હોત. પણ મારે તો મારો આ દેહ ટકાવી રાખીને જ જીવવું હતું. સંપૂર્ણ અનાસક્તિ એ કાંઇ યાંત્રિક ક્રિયા નથી. એ તો સતત, અનવરત પ્રયત્ન અને પ્રાર્થનાએ જ પ્રાપ્ત કરી શક્યા

નવજીવન, ૬-૪-૧૯૨૪

વધે. સંપૂર્ણ રીતે નીરોગી શરીર ઘણું ક્ષીણ હોઇ શકે. બળવાન શરીરમાં ઘણે ભાગે રોગ તો હોય જ. રોગ ન હોય તોપણતે શરીર ચેપો વગેરેનો ભોગ તુરત થાય, જ્યારે સંપૂર્ણ રીતે નીરોગી શરીરને ચેપ લાગી તુરત થાય, જ્યારે સંપૂર્ણ રીતે નીરોગી શરીરને ચેપ લાગી જ ન શકે. શુદ્ધ લોહીમાં એવા જંતુને દૂર રાખવાનો ગુણ હોય છે....

બ્રહ્મચર્યનો લૌક્કિ અથવા પ્રચલિત અર્થ તો એટલો જ માનવામાં આવે છે કેવિષયેન્દ્રિયનો મન, વચન, કાયાથી સંયમ, સ્વાદેન્દ્રિય-સંયમ ઉપર એટલો જ ભાર નથી મુકાયો, તેથી વિષયેન્દ્રિય-સંયમ વધારે મુશ્કેલ બન્યો છે, લગભગ અશક્ય જેવો થઇ ગયો છે....

મારો અનુભવ તો એવો છે કે જેણે સ્વાદને જીત્યો નથી તે વિષયને જીતી શકતો નથી. સ્વાદને જીતવો બહુ કઠિન છે. પણ એ વિજયની સાથે બીજો વિજય સંભવે છે. સ્વાદ જીતવાને સારુ એક તો એ નિયમ છે કે મસાલાઓનો સર્વથા અથવા બને તેટલો ત્યાગ કરવો. અને બીજો વધારે જોરાવર નિયમ એ છે કે માત્ર શરીરપોષણને સારુ જ આપણે ખાઇએ છીએ પણ સ્વાદ સારુ કદી નહીં ખાઇએ એવી ભાવના હમેશાં પોષવી. આપણે હવા સ્વાદને સારુ નથી લેતા પણ શ્વાસ સારુ. પાણી તરસ મટાડવા તેમ જ અન્ન કેવળ ભૂખ મટાડવા લેવાય. બચપણથી જ આપણને માબાપ એથી ઊલટી ટેવ પાડે છે. આપણા પોષણને સારુ નહીં પણ પોતાનું વહાલ બતાવવા આપણને અનેક જાતના સ્વાદ શીખવી આપણને બગાડે છે. આવા વાતાવરણની સામે આપણે થવાનું રહ્યું છે.

પણ વિષય જીતવાનો સુવર્ણ નિયમ તો રામનામ અથવા એવો કોઇ મંત્ર છે. દ્ધાકશ મંત્ર૧ પણ એ જ અર્થ સારે છે. જેને જેવી ભાવના તે પ્રમાણે તે મંત્ર જપે. મને બચપણથી રામનમ શીખવવામાં આવેલ હોવાથી ને એનો આધાર મને મળ્યા જ કરે છે તેથી મેં તે સૂચવ્યો છે. જે મંત્ર લઇએ તેમાં આપણે તલ્લીન થવું જોઇએ. ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યા કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જપ જપ્યા જ કરશે તે અંતે વિજય મેળવશે એમાં મને લેશ પણ શંકા નથી. એ મંત્ર તેની જીવનદોરી થશે અને બધાં સંકટોમાંથી તેને બચાવશે.૨ એવા પવિત્ર મંત્રનો ઉપયોગ કોઇએ આર્થિક લાભને સારુ ન જ કવરો જોઇએ. એ મંત્રનો ચમત્કાર આપણી નીતિને સુરક્ષિત કરવામાં રહેલો છે. અને એ અનુભવ દરેક પ્રયત્નવાનને થોડી જ મુદતમાં મળી રહેશે. હું, એટલું યાદ રાખવું જોઇએ કે એ મંત્ર પોપટની માફક ન પઢાય.

૧. ૐ નમો ભગવતે વાસુદેવાય ।

૨. એક બ્રહ્મચારીને બ્રહ્મચર્ય સાધવાનાં સાધનો ગણાવતાં ગાંધીજીએ લખ્યું :

(અ) “ચોથું (સાધન) સત્સંગ સેવે. સારાં પુસ્તકો વાંચે ને આત્મદર્શન વિના વિકારોનો સર્વથા નાશનથી જ એમ જાણી રામનામાદિ હમેશાં રટી ઇશ્વરપ્રસાદની યાચના કરે.” - ‘નવજીવન’, ૪-૪-૧૯૨૬

(બ) એક દુઃખીને લખ્યું :

“રામની મદદ લઇને રાવણનો વધ કરવાનો રહ્યો છે. અને તે શક્ય છે. જો રામની ઉપર ભરોસો રાખી શકો ને રાખો તો પછી તમે નિશ્ચિંતપણે રહેજો. ખાવામાં ખૂબ માપ જાળવજો; ઘણી જાતની વાનીઓ ન ખાશો.”

-‘નવજીવન’, ૨૩-૧૨-૧૯૨૮

તેમાં આત્મા પરોવવો જોઇએ. પોપટ યંત્રની જેમ એવો મંત્ર પઢે છે, આપણે તેને જ્ઞાનપૂર્વક પઢીએ; ન જોઇતા વિચારોનું નિવારણ કરવાની ભાવના ધરીને અને તેમ કરવાની મંત્રની શક્તિમાં વિશ્વાસ રાખીને.

નવજીવન, ૨૫-૫-૧૯૨૪

૩. સહેલો મંત્ર

જ્યાં મનુષ્યત્ન કંઇ જ નથી કરતો ત્યાં ઇશ્વરની કૃપા કામ આવે છે. તેથી મેં ધારાળાઓને, અંત્યજોને તેમ જ કાળીપરજને રામનામનો જપ જપવાની ભલામણ કરી છે. સવારમાં સૂર્યોદય પહેલાં ઊઠી, દાતણ કરી, મોં સાફ કરી ઇશ્વર પ્રત્યે પ્રાર્થના કરે કે તે તેઓને પ્રતિજ્ઞાપાલનમાં સહાય કરે ને તેઓ રામનામ જપે. આમ જ રાતે સૂતી વેળાએ કરે. રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઇ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે. જેને ઉચ્ચાર ન આવડે, જે દ્ધાદશ મંત્ર પણ યાદ ન કરી શકે, ‘ઇશ્વર’ શબ્દનો ઉચ્ચાર જેમને અઘરો લાગે, તેવાને સારુ પણ ‘રામ’ શબ્દનું ઉચ્ચારણ

“તમારી કામવૃત્તિઓ તમારા પર સવાર થાય અને તમને લાચાર બનાવી મૂકે ત્યારે પગે પડીને તમે ઇશ્વરની મદદ માગજો. રામનામ અચૂક મદદરૂપ નીવડે છે. બહારની મદદ તરીકે તમે કટિસ્નાન કરજો, એટલે કે, ઠંડા પાણીથી ભરેલા ટબમાં તમે તમારા પગ બહાર રાખીને બેસજો.”- ‘સંતતિનિયમન’, પૃ. ૨૫૮

સહેલું છે. શ્રદ્ધાપૂર્વક જે એ નામનો જપ જપે તે હમેશા સુરક્ષિત છે એમ હું માનું છું.

નવજીવન, ૨૫-૧-૧૯૨૫

૪. રામનામ અને રાષ્ટ્રીય સેવા

પ્ર૦-કેવળ રામનામ લઇને, રાષ્ટ્રીયસેવા કર્યા વિના સ્ત્રી-પુરુષ મોક્ષ મેળવી શકે ખરાં કે ? આ પ્રશ્ન હું એટલા જ માટે પૂછું છું કે મારી કેટલીક બહેનો કહે છે કે ઘર સંભાળવું અને કોક કોક વાર ગરીબની ઉપર દયાભાવ બતાવવો એ ઉપરાંત કશું કરવાની જરૂર નથી.

ઉ૦-આ પ્રશ્ને સ્ત્રીઓને જ નહીં પણ ઘણા પુરુષોને પણ મૂંઝવ્યા છે. અને મને પણ એ પ્રશ્ન ઉકેલતાં બહુ મહેનત પડી છે. હું જાણું છું કે એક વિચારસંપ્રદાય એવો પડ્યો છે કે જે સંપૂર્ણ નિવૃત્તિનો અને પ્રવૃત્તિમાત્રની નિરર્થકતાનો ઉપદેશ કરે છે. એ ઉપદેશનઈ કિંમત મને સમજાઇ નથી, જોકે એનો સ્થૂલ સ્વીકાર કરવો હોય તો એનો મારો પોતાનો અર્થ કરી હું સ્વીકારી કરવો હોય તો એનો મારો પોતાનો અર્થ કરી હું સ્વીકારી છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વિકાસને માટે પ્રવૃત્તિની જરૂર છે, અને તે પણ ફલાભિસન્ધિરહિત પ્રવૃત્તિની. ‘રામનામ’ અથવા એવો જ કોઇ મંત્ર, બોલવાની ખાતર બોલવાની જરૂર નથી, પણ આત્મશુદ્ધિની ખાતર બોલવાની જરૂર છે, પ્રવૃત્તિને મદદ મળે તે માટે, ઇશ્વર સન્માર્ગે પ્રેરે તે માટે જરૂર છે. જો પ્રવૃત્તિમાત્ર મિથ્યા હોય તો કુટુંબનો ભાર ઉપાડવાની અને કોક કોક વાર ગરીબને મદદ આપવાની પ્રવૃત્તિ પણ શા સારુ ? આ પ્રવૃત્તિમાં જ રાષ્ટ્રીય સેવાનું બીજ રહેલું છે. અને બધી રાષ્ટ્રીય સેવામાં સમાજસેવા રહેલી છે, જેમ કુટુંબની નિઃસ્વાર્થ સેવાનો પણ એ જ અર્થ છે. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા ઉપરથી ઊતરી પડતો નથી. મોક્ષ તો હું ગરીબમાં ગરીબની સેવા વિના અને તેમની સાથે તાદાત્મ્ય વિના અશક્ય સમજું છું.

સેવાકાર્ય કે નામસ્મરણ ?

પ્ર૦-સેવાકાર્યના કઠણ પ્રસંગોએ ભગવદ્‌ભક્તિનો નિત્ય નિયમસાચવી ન શકાય તો તેથી કશું નુકસાન ખરું ? સેવાકાર્ય અને નામસ્મરણ બેમાં પ્રધાનપદ કોને આપવું ?

ઉ૦-કઠણ સેવાકાર્ય હોય કે એથીયે કઠણ પ્રસંગ હોય તોય ભગવદ્‌ભક્તિ એટલે કે રામનામ બંધ થઇ જ ન શકે. હ્ય્દયમાં અંકિત થઇ ચૂક્યું, પછી થોડું જ માળા છોડવાથી છૂટવાનું છે ?

હરિજનબંધુ, ૧૭-૨-૧૯૪૬

૫. રામની મદદ યાચો

ગાડાં ભરીને ચોપડીઓ વાંચી તેમાંની માહિતી પોતાના મગજમાં ઠાંસવાથી પોતે કેવા ભાંગી ગયા છે એ વિશે હિંદભરમાંથી વિદ્યાર્થીઓ તરફથી મારા પર કાગળો આવે છે. એમાંના કેટલીકે મગજનું સમતોલપણું ગુમાવ્યું છે. બીજા કેટલાક પાગલ બની ગયા છે અને બીજા થોડા લાચાર બની મેલું જીવન ગાળે છે. ગમે તેવી કોશિશ કરવા છતાં અમારા દિલમાં ઘર કરી ગયેલા સેતાનને અમે હઠાવી શકતા નથી તેથી અમે જેવા છીએ તેવા ને તેવા રહીએ છીએ એમ એ લોકો લખે છે ત્યારે તે સૌને મારું હ્ય્દય દ્રવે છે. આજીજી કરી ્‌્‌એ લોકો કહે છે, “આ સેતાનને કેમ કાઢ્યો, અને અમને ઘેરી વળેલી અશુદ્ધિને કેમ મારી હઠાવવી તે અમને બતાવો.” હું એ લોકોને કહું છું કે રામનામ લો અને ઇશ્વરને ચરણે પડી તેની સહાય યાચો, ત્યારે તેઓ મને કહે છે : “ઇશ્વર ક્યાં વસે છે તે અમે જાણતા નથી. પ્રાર્થના કરવી એટલે શું તે પણ અમે જાણતા નથી.” આવી લાચાર દશા આ લોકોની થઇ છે....

એક તામિલ વચન હંમેશને માટે મારા દિલમાં કોતરાઇ ગયું છે. તેનો અર્થ છે : “સર્વ અસહાય લોકોને સહાય કરનારો ઇશ્વર છે.” એની સહાય યાચતી વખતે તમે જેવા હો તેવા, તમારું હ્ય્દય પૂરેપૂરું ખુલ્લું કરી તમારે તેની પાસે પહોંચવું જોઇએ, કોઇ પણ જાતની ચોરી રાખ્યા વિના તમારે તેની મદદ યાચવી જોઇએ, કોઇ પણ જાતની ચોરી રાખ્યા વિના તમારે તેની સહાય કરે એવા વહેમનો ડર તમારા દિલમાં જરાયે ન રહેવા દેવો જોઇએ. પોતાની પાસે સહાય મેળવવાને આવતા કોટ્યવધિ જીવોને જેણે સહાય કરી છે તે તમને છેહ દેશે કે ? પોતાને શરણે આવનાર કોઇને તે સહાય કર્યા વિના રહેતો નથી અને તેથી તમે જોશો કે તમારી એકેએક પ્રાર્થના તે મંજૂર રાખશે. આ બધું હું મારા અંગત અનુભવ પરથી કહું છું. એ નરકની

કેટલાક માને છે કે મંદિરમાં ગયા, આરતી ઉતારી, ભજનમાં ભળ્યા, રામનામ લીધું એટલે પ્રાર્થના થઇ ગઇ. પણ ભજન, રામનામ વગેરે બધાં પ્રાર્થનાનાં સાધન છે, સાધ્ય ઇશ્વરની સાથે અનુસંધાનિ છે. શબ્દ વિનાની પણ હ્યદયથી થતી પ્રાર્થના ચાલે, હ્યદય વિનાની પણ શબ્દડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે. આત્માનાં પડને ઉખેડવાનો જાગ્રત પ્રયત્ન હોય તો જ પ્રાર્થના સાર્થક છે. એમાં દંભ ન હોય, આડંબર

યાતના મેં પણ ભોગવી છે. એટલે પ્રથમ રામનુું શરણ સ્વીકારો એટલે બાકીનું બધું પાછળથી તમને મળી રહેશે.

યંગ ઇન્ડિયા, ૪-૪-૧૯૨૯

૬. જપની ખૂબી

સેરેસોલ : “આ એકની એક વસ્તુ ફરીફરીને ગવાય છે એ મારા કાનને રુચતું નથી. એ મારા બુદ્ધિવાદી ગણિતી સ્વભાવની ખામી હોઇ શકે. પણ મને એકના એક શ્લોકો ફરીફરીને ગવાય એ ગમતું નથી. દાખલા તરીકે બાકના અદ્‌ભુત સંગીતમાં પણ એકનું એક ભજન ફરીફરીને ગવાય છે ત્યારે મારા મન પર એની અસર પડતી નથી.”

ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું : “પણ તમારા ગણિતમાં પુનરાવર્તી દશાંશ હોય છે ને !”

સેરેસોલ : “પણ દરેક દશાંશ ફરી આવે છે ત્યારે નવી જ વસ્તુ સૂચવે છે.”

ગાંધીજી : “એ જ રીતે દરેક જપમાં નવો અર્થ હોય છે. દરેક જપ માણસને ઇશ્વરની વધારે સમીપ લઇ જાય ન હોય. જેમ ભૂખ્યા માણસને ભોજન મળ્યે સ્વાદ આવે છે, તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનાનો સ્વાદ ્‌આવવો જોઇએ. હ્ય્દયમાંથી થતી પ્રાર્થના પોતાને સ્વચ્છ કર્યા વિના રહેતી જ નથી. હું મારા પોતાના અને મારા કેટલાક સાથીઓના અનુભવથી કહું છું કે જેને પ્રાર્થના હ્યદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે. જો ભૂલેચૂકે પણ પ્રાર્થના વિના તેનો દિવસ જાય છે તો ચિત્તશુદ્ધિ કરીને તે પોતાના આત્માનો મળ કાઢે ત્યારે જ તેને શાન્તિ થાય છે. - ‘નવજીવન’, ૨૬-૧-૧૯૩૦

છે. આ ખરેખરી હકીકત છે; અને હું તમને કહું કે તમે કોઇ સિદ્ધાંતવાદીની સાથે વાત નથી કરતા પણ એવા માણસની સાથે વાત કરો છો જેણે આ વસ્તુનો જીવનની પ્રતિક્ષણે અનુભવ કર્યો છે-એટલે સુધી કે આ અવરિત ક્રિયા બંધ થવી જેટલી સહેલી છે એના કરતાં જીવ નીકળી જવો વધારે સહેલો છે. એ આત્માની ભૂખ છે.”

“એ હું બરાબર સમજી શકું છું, પણ સામાન્ય માણસને માટે એ પોપટિયા ગોખણ થઇ જાય છે.”

“સાચું, ફણ સારામાં સારી વસ્તુનો દુરુપયોગ થવાનો સંભવ રહે જ છે. ગમે તેટલા દંભને માટે અવકાશ છે ને ! અને હું તો જાણું છું કે દશ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્વાસન મળતું હશે. એ તો મકાન બાંધવા માટે પાલખ જોઇએ જ એના જેવી વાત છે.”

સેરેસોલ : “પણ તમે આપેલા ઉપમાં જરા આગળ લઇ જાઉં. મકાન બંધાઇ રહે ત્યારે પાલખ ખસેડી લેવી જોઇએ ને ?”

“હા, જ્યારે આ દેહ ખસી જાય ત્યોર એ પણ ખસે.” “એમ કેમ ?”

વિલકિનસન આ સંવાદધ્યાનપૂર્વક સાંભળતા હતા. એમણે કહ્યું : “એટલા માટે કે આપણે નિરંતર બાંધ્યા જ કરીએ છીએ.”

ગાંધીજી : “એટલા માટે કે આપણે નિરંતર પૂર્ણતા માટે મથ્યા કરીએ છીએ. ઇશ્વર એકલો પૂર્ણ છે, મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી.”

હરિજનબંધુ, ૨૬-૫-૧૯૩૫

૭. રામનામનો જપ

પ્ર૦-કોઇની સાથે વાતચીત કરતી વખતે, કંઇ કઠણ કામમાં મગજ રોકાયેલું હોય ત્યારે અથવા ઓચિંતા ગભરાટના વગેરે પ્રસંગોએ પણ હ્ય્દયમાં રામનામનો જપ થઇ શકે ? આવી સ્થિતિમાં કોઇ જપ કરતા હોય તો તે કેમ કરતા હશે ?

ઉ૦-અનુભવ કહે છે કે માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઇ હોય ને રામનામ હ્ય્દયસ્થ થઇ ગયું હોય તો જ્યાં સુધી હ્ય્દય ચાલે છે ત્યાં સુધી હ્ય્દયમાં રામનામ ચાલતું રહેવું જોઇએ. એમ ન બને તો કહેવું જોઇએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે; અથવા કોઇ કોઇ વાર હ્ય્દય સુધી પહોંચતું હોય તોપણ હ્ય્દય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્ય્દયનો કબજો મેળવ્યો હોય તો પછી ‘જપ કેમ થાય’ એવો પ્રશ્ન પૂછવો ન જોઇએ. કારણ કે નામ જ્યારે હ્ય્દયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે, આ પ્રમાણે રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેને વિશે મને જરાય શંકા નથી. માત્રન ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્ય્દયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાગ પરિશ્રમની જરૂર છે, ધીરજની પણ આવશ્યકતા છે. પારસમણિ મેળવવો છે ને ધીરજ ન રાખીએ તે કેમ ચાલે ? ને રામનામ પારસમણિ કરતાં કેટલુંયે અમુલ્ય છે !’

હરિજનબધું, ૧૭-૨-૧૯૪૬

રામનામ

પ્ર૦-રામનામ હ્ય્દયસ્થ હોય એટલે બસ નથી ? એને મોઢે ઉચ્ચારવામાં ખાસ કંઇ છે ?

ઉ૦-રામનામ લેવામાં ખૂબી છે એમ હું માનું છું. જે માણસ ખરેખર એમ માને છે કે રામ તો તેના હૈયામાં રહ્યા છે, તેને સારુ રામનામ રટણની જરૂર નથી, એ હું કબૂલ કરું છું. પણ એવો માણસ મેં હજુ જોયો નથી. આથી ઊલટું, મારા અંગત અનુભવ પરથી હું કહી શકું કે, રામનામ-રટણમાં કંઇક ચમત્કાર છે. તે કેમ છે અને શો છે તે જાણવાની જરૂર નથી.

હરિજનબધું, ૧૪-૪-૧૯૪૬

૮. રામધૂન

આજની કેટલાયે લાખ માણસોની બનેલી સભા ઘણા વખત સુધી શાન્ત રહી હતી, પરંતુ ગાંધીજીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે લોકો ચંચળ બની ગયા અને વિખેરાવા લાગ્યા હતા. ગાંધીજીએ તેથી પોતાનું પ્રવચન ટૂંકમાં જ આટોપી લીધું. પ્રવચનમાં તેમણે કહ્યું કે સભામાંના થોડા પુરુષો રામધૂન બરાબર ઝીલતા હતા ને બરાબર તાલ પ્રમાણે તાળી પાડતા હતા ત્યારે સ્ત્રીઓમાંથી ભાગ્યે જ કોઇ ધૂન ઝીલતું હતું જેમને થોડોસરખોયે અનુભવ થયો છે એ સૌ રામધૂનમાં એટલે કે ઇશ્વરના નામનું હ્યદયના ઊંડાણમાંથી રટણ કરવામાં કેવી તાકાત રહેલી છે તે જાણે છે. પોતાના બૅન્ડના સૂરની સાથે તાલમાં પગલાં માંડતા લાખો લશ્કરી તાકાતે દુનિયામાં હોય છે તે મને ખબર છે. પરંતુ લશ્કરી તાકાતે દુનિયામાં કેવી તારાજી કરી છે તે રસ્તે ચાલનારો કોઇ પણ આદમી જોઇ શકે છે. આજે યુદ્ધનો અંત આવ્યો છે એમ કહેવાય છે, પણ યુદ્ધોત્તર દશા પ્રત્યક્ષ યુદ્ધ ચાલતું હતું તે દરમિયાન થયેલી દશાથીયે બદતર છે. લશ્કરી તાકાતની નાદારી આ પરથી સાબિત થાય છે.

જરાયે સંકોચ વિના હું આ સ્થળેથી જાહેર કરવા માગું છું કે માનવજાતના લાખો માણસો સાથે મળીને બરાબર તાલમાં રામધૂન જગાવે છે ત્યારે લશ્કરી તાકાતના કરતાં જુદા પ્રકારની પણ અનંતગણી ચડિયાતી શક્તિપ્રગટ થાય છે. અને બિજું, હ્યદયના ઊંડાણમાંથી ઊઠતી ઇશ્વરના નામની આ ધૂન આજે જેખાના ખરાબી ને વિનાશ જોવાનો મળે છે તેને ઠેકાણે કાયમની શાન્તિ અને સુખ નિર્માણ કરશે.

હરિજનબંધ, ૩૧-૮-’૧૯૪૭

૯. યૌગિક ક્રિયાઓ

એક મિશનરી મિત્રે ગાંધીજીને પૂછ્યું : “તમે કોઇ યૌગિક ક્રિયાઓ કરો છો કે કેમ ?” તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું :

યોગની ક્રિયાઓ હું જાણતો નથી. હું જે ક્રિયા કરું છું તે તો બાળપણમાં મારી દાઇ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો. એટલે એ મનેે કહેતી : ‘ભૂત જેવું કંઇ છે જ નહીં, છતાં તને ડર લાગે તો રામનામ લેજે.’ હું બાળપણમાં જે શીખ્યો તેણે મારા માનસિક આકાશમાં વિશાળ રૂપ ધારણ કર્યું છે. એ સૂર્યે મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઇશુનું નામ લેતાં ને મુસલમાનને અલ્લાના નામમાંથી મળે. આ બધી વસ્તુઓનો

ઇસ્લામનો અલ્લા તે જ ખિસ્તીઓનો ‘ગૉડ’ અને હિંદુઓનો ઇશ્વર છે. હિંદુ ધર્મમાં જેમ ઇશ્વરનાં અનેક નામ છે તેમ ઇસ્લામમાં પણ ખુદામાં ઘણાં નામ છે; એ નામોથી જુદી જુદી વ્યક્તિઓનું નહીં

અર્થ તો એક જ છે, નેસમાન સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે, માત્ર એ નામસ્મરણ તે પોપટિયા ન હોવું જોઇએ, પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઇએ.

હરિજનબંધુ, ૬-૧૨-૧૯૩૬

૧૦. સચોટ મદદ

ઇશપ્રાપ્તિમાં રામનામ ખાતરીલાયક મદદ આપે છે, એમાં શક નથી. હ્યદયથી તેનું રટણ કરીએ તો તે અસદ્‌ વિચારને ભગાડી મૂકે છે. અને અસદ્‌ વિચાર જ ન હોય તો અસદ્‌ આચાર ક્યાંતી સંભવે ? મન નબળું હોય તો બાહ્ય મદદ નકામી છે, મન શુદ્ધ હોય તો તેની જરૂર નથી. એનો અર્થ એ નથી કે, શુદ્ધ મનવાળો માણસ ગમે તે છૂટ લઇનેયે સુરક્ષિત રહી શકે. આવો માણસ પોતાની જાતની સાથે છૂટ લે જ નહીં. તેનું આખું જીવન તેની અંતરની શુદ્ધતાની અચૂક સાખ પૂરશે. ગીતામાં એ જ સત્ય કહેલું છે કે, મનુષ્યનું મન જ તેને તારે છે કે મારે છે. એ જ વિચાર અંગ્રેજ કવિ મિલ્ટને બીજી રીતે મૂક્યો છે. તે કહે છે કે, ‘માનવીનું મન ચાહે તો નરકનું સ્વર્ગ ને સ્વર્ગનું નરક કરી શકે છે.’

હરિજનબધું, ૧૨-૫-૧૯૪૬

પણ ઇશ્વરનાં જુદાં જુદાં લક્ષણોનું સૂચન થાય છે; અને સર્વસમર્થ ઇશ્વર સર્વ લક્ષણોથી પર, અવર્ણનીય અને માપી ન શકાય એવો હોવા છતાં બિચારા માનવે તેના પર અનેક લક્ષણોનું આરોપણ કરી તેનું વર્ણન કરવાની અદના કોશિશ કરી છે. - હરિજન, ૧૨-૮-૧૯૩૮

૧૧. રામનામની હાંસી

સ૦-બનારસની રામનામ બૅન્ક, રામનામ છાપેલું કાપડ, જે રામનામી કહેવાય છે, તે પહેરવું અથવા શરીર પર રામનામ લખીને ફરવું, એ રામનામની હાંસી નથી ? અને એમાં આપણું પતન નથી ? આ પરિસ્થિતિમાં રામનામનો પ્રચાર કરીને આપ આ ઢોંગી લોકોના ઢોંગને ઉત્તેજન નથી આપતા ? અંતઃપ્રેરણાથી નીકળતું રામનામ જ રામબાણ થઇ શકે, અને હું માનું છું કે આવી અંતઃપ્રેરણા સાચા ધાર્મિક શિક્ષણથી જ મળશે.

જ૦-આ વાત સાચી છે. આજકાલ આપણામાં વહેમ અને દંભ એટલાં વધી ગયાં છે કે, સાચું કામ કરતાં પણ ડરવું પડે છે. પણ આમ ડરતા રહીએ તો સત્યનેયે છુપાવવું પડે. એટલે સોનેરી નિયમ તો એ છે કે, આપણને ખરું લાગે તે નીડર બનીને કરીએ, દંભ અને જૂઠાણું તો જગતમાં ચાલતાં જ રહેવાનાં. આપણે ખરી વસ્તુ કરીશું, તો તેથી દંભ અને અસત્ય કાંઇકેય ઓછાં થશે; વધશે તો નહીં જ. એટલું જોવું જોઇશે કે, જ્યાં ચારે કોર અસત્ય ફેલાયેલું છે. ત્યાં આપણે પણ તેમાં ફસાઇને પોતાની જાતને છેતરીએ નહીં, ઢીલાશને કારણે અજાણપણેયે ભૂલ ન કરી બેસીએ. દરેક સંજોગોમાં સાવધ રહેવું એ જ કર્તવ્ય છે. સત્યનો પૂજારી બીજું કરી જ ન શકે. રામનામ જેવું રામબાણ ઓસડ લેવામાં સતત જાગૃતિ નહીં હોય, તો રામનામ ફોકટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.

હરિજનબધું, ૨-૬-૧૯૪૬

૧૨. રામનામ ને જંતરમંતર

મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઇ પણ રૂપમાં હ્ય્દયથી ઇશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઇ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે. હા, એટલું ખરું કે, હ્ય્દયથી નામ લેવાની વાતો કરવી સહેલી છે, કરવું કઠણ છે. પણ ગમે તેટલું કઠણ હોય તોયે સર્વોપરી વસ્તુ એ જ છે.

હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬

૧૩. રામનામનો પ્રચાર

રામનામનો મહિમા મારે શીખવાપણું નથી એમ મને ભાસે છે. કારણ કે એનું મને અનુભવજ્ઞાન છે. તેથી જ મારો અભિપ્રાય એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન થઇ શકે. આ અતિશય કઠિન કાળમાં રામનામ પણ અવળું જ જપાય છે. એટલે કે એ પણ ઘણે ઠેકાણે આડંબરને ખાતર, કેટલીક જગાએ પોતાના સ્વાર્થને ખાતર અને કેટલીક જગાએ વ્યભિચારને પોષવાને ખાતર પણ જપાયેલું મેં ભાળ્યું છે. જો માત્ર અક્ષર જ અવળા જપાઇ જાય તો તો કાંઇએ કેહવાપણું ન રહે. શુદ્ધ હ્ય્દયવાળા અવળો જાપ જપીને પણ મુક્તિ મેળવી ગયા છે એમ આપણે વાંચીએ છીએ. અને અમે આપણે માની પણ શકીએ. પણ શુદ્ધોચ્ચારણ કરનારા પાપી પાપને ખાતર રામનામનો મંત્ર જપે તેનુંં શું કહીએ ? તેથી જ રામનામના પ્રચારથી હું ડરી જાઉ છું. જે માણસો એમ માને કે મંડળમાં બેસી નામનો શોર કરી મૂકીએ એટલે ભૂતકાળનાં, ચાલતાં અને ભવિષ્યનાં બધાં પાપ ધોવાઇ જાય છે અને શોર ઉપરાંત કાંઇ જ કરવાપણું નથી રહેતું એ દૂરથી વંદના કરવા યોગ્ય છે. એનું અનુકરણ ન કરાય....

.... તેથી જે રામનામનો પ્રચાર કરવાને ઇચ્છે તેણે પોતે એ પ્રચાર પોતાના હ્યદયમાં કરી કામનું સામ્રાજ્ય ત્યાં સ્થાયી પ્રચાર કરવો. એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામનામ જપશે. પણ જ્યાંત્યાં અને જેમતેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડને ઉમેરી રામનામને નિંદવું અને નાસ્તિકતાનો ધોધ ચાલી રહ્યો છે તેનો વેગ વધારવો.

નવજીવન, ૧૫-૧૧-૧૯૨૫

૧૪. મારો રામ

એક વખત એવો સવાલ પુછાયો કે, “રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય ?” તેનો જવાબ આપતાં ગાંધીજી બોલ્યા :

જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઇશ્વર એક જ છે. કતેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.

મારો રામ-જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઇએ શા સારું વાંધો ઉઠાવવો જોઇએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઇએ માત્ર રામનામથી જ ઇશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે. પણ ધૂનના સંગીતને કોઇ ન બગાડે.

હરિજનબંધુ, ૫-૫-૧૯૪૬

૧૫. રામ કોણ

પ્ર૦-આપ કહ્યા કરો છો કે, પ્રાર્થનામાં જે રામનું નામ લેવામાં આવે છે તે દશરથપુત્ર નહીં, પણ જગન્નિયંતા પરમેશ્વર છે. પણ અમે બરાબર જોયું છે કે, રામધૂનમાં ‘રાજા રામ, સીતારામ’નું કિર્તન થાય છે અને ‘સિયાવર રામચંદ્રકી જય’ બોલાય છે. હું નમ્રતાપૂર્વક પૂછું છું કે, આ સિયાવર રામ કોણ ? રાજા રામ કોણ ? શું એ દશરથપુત્ર રામ નથી ? ઉપરનાં વાક્યોનો સ્પષ્ટ અર્થ તો એ જ જણાય છે કે, પ્રાર્થનામાં જે રામની આરાધના થાય છે તે જાનકીપતિ રામ જ છે.

ઉ૦-રામધૂનમાં જે ‘રાજા રામ’, ‘સીતારામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ ? આનો ઉત્તર તુલસીદાસજીએ તો આપ્યો છે. પણ મારે મારો અભિપ્રાય જણાવવો જોઇએ. રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઇશ્વરનાં અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે. વળી તે લોકો માને છે કે, દશરથના પુત્રરૂપે ઇશ્વરે પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુક્તિ મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઇતિહાસ, દંતકથા અને સત્ય એટલાં બધાં ઓતપ્રોત થઇ ગયાં છે કે, તેમને છૂટાં પાડવાં અસંભવિત છે. હું તો બધાંનામો કાયમ રાખીને બધાંમાં નિરાકાર, સર્વવ્યાપી રામને જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો છતો સર્વશક્તિમાન ઇશ્વર જ છે. એનું નામ હ્ય્દયમાં હોય, તો સર્વે દુઃખો નાશ પામે છે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

ગાંધીજીએ આગળ ચાલતાં ફરી સ્પષ્ટ કર્યું કે સર્વ આધિવ્યાધિના રામબાણ ઇલાજ લેખે જેનું નામ રટવાનું મેં બતાવ્યું છે, તે ઇતિહાસમાં થઇ ગયેલા અયોધ્યાના રાજા રામચંદ્ર નથી, કે જંતરમંતરવાળા જેનું નામ લખી તાવીજમાં બાંધી આપે છે તે રામ પણ નથી. સર્વ દર્દના સર્વોપરી ઇલાજ તરીકે જેનું નામ લેવાનું હું સૂચવું છું તે જગન્નિયંતા પરમેશ્વર છે, જેના નામનો જપ કરી ભક્તોપોતાના હ્યદયનો મેલ સાફ કરે છે અને શાંતિ મેળવે છે. વળી મારો એવો છે કે એ જ પરમેશ્વરના નામનું રટણ મનની, આત્માની કે તેમની સર્વ આધિ, વ્યાધિ કે ઉપાધિનો સચોટ ઇલાજ છે. દાકતર કે વૈદ્યની મદદથી શરીરના વ્યાધિ અલબત્ત મટાડી શકાય. પણ રામનું નામ લેવાથી માણસ પોતાનો વૈદ્ય અથવા દાકતર બની પોતાની જાતમાંથી જ સર્વ વ્યાધિનું નિવારણ કરનારું ઔષધ મેલવવાને સમર્થ થાય છે. અને શારીરિક દૃષ્ટિથી અસાધ્ય હોવાને કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસતેને મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે. “જેને રામનામનો ઇતબાર છે તે ગમે તે ઉપાયે પોતાનું આવરદા લંબાવવાને ખાતર એક નામાંકિત દાકતરને બારણેથી બીજાને બારણે કે એક વૈદ્યને ત્યાંથી બીજાને ત્યાં ધકકા નહીં ખાય. વળી વૈદ્ય કે દાક્તકનું હવે કશું ચાલતું નથી એમ જોઇ, ચાલો હવે રામનું નામ લઇએ, એ રીતે લેવાનો એ લાચારીનો ઇલાજ પણ નથી, રામનામનું રટણ તો તે બંને વિના ચલાવી લેવાની તાકાત મેળવવાને સારુ છે. રામનામના રામબાણ ઉપાય પર ભરોસો રાખનારને સારુ તે પહેલો તેમ જ છેલ્લો ઇલાજ છે.”

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૧૬. દશરથનંદન રામ

એક આર્યસમાજી ભાઇ કહે છે :

“અવિનાશી રામને આપ ઇશ્વરરૂપ માનો છો. એ દશરથનંદન સીતાપતિ રામ કેમ હોઇ શકે ? આવા મનના મૂંઝારામાં હું આપની પ્રાર્થનામાં બેસું છું પણ રામધૂનમાં ભાગ નથી લેતો. પણ મને એ વાત ખૂંચે છે. કેમ કે બધા એમાં ભાગ લે એમ આપ કહો છો, એ બરોબર છે. બધા ભાગ લઇ શકે એવું આપ ન કરી શકો ?”

બધાનો અર્થ મેં કહી દીધો છે. જે અંતરની ઊલટથી ભાગ લઇ શકે, એકસૂરમાં ગાઇ શકે, એ જ ભાગ લે ભાગ લઇ શકે, એકસૂરમાં ગાઇ શકે, એ જ ભાગ લે. બાકીના શાંત રહે. પણ આ તો નાની વાત થઇ. મોટો સવાલ એ છે કે, દશરથનંદન અવિનાશી કેમ હોઇ શકે ? આ પ્રશ્ન તુલસીદાસજીએ ઉઠાવ્યો અને પોતે જ તેનો જવાબ પણ દીધો. આવા પ્રશ્નોના જવાબ નથી બુદ્ધિથી અપાતા, કે નથી બુદ્ધિને અપાતા. આ હ્ય્દયની વાત છે, અને હ્ય્દયની વાત હ્ય્દય જાણે. મેં રામને સીતાપતિના રૂપમાં જોયો. પણ જેમ જેમ મારું જ્ઞાન વધતું ગયું ને અનુભવ પણ વધતો ગયો, તેમ તેમ મારો રામ અવિનાશી, સર્વવ્યાપક થયો અને છે. ેએની મતલબ એ કે, તે સીતાપતિ નથી મટ્યા, પણ સીતાપતિનો અર્થ વ્યાપક થયો. સંસાર આમ જ ચાલે ને વિકસે છે. જેનો રામ દશરથ રાજાનો કુમાર જ રહ્યો, તેનો રામ સર્વવ્યાપી ન થઇ શકે. પણ સર્વવ્યાપી રામના પિતા દશરથ પણ સર્વવ્યાપી થઇ જાય છે. આ બધા મનના તરંગ છે, એમ કહી શકાય. જૈસી જિસકી ભાવના વૈસા ઉસકા હોય. આમાં બીજો ઉપાય હું નથી જોતો. બધા ધર્મ આખરે એક જ હોય, તો બધાનું ્‌એકીકરણ કરવાનું છે. જુદા તો પડ્યા જ છીએ. અને જુદા સમજીને એકબીજા સાથે લડીએ છીએ. થાકીએ ત્યારે નાસ્તિક બનીએ છીએ. પછી તો નથી ઇશ્વર રહેતો કે નથી બીજું કંઇ. રહે છે ખાલી અહં, જ્યારે એમ જાણીએ કે, આપણે કંઇ જ નથી, જે છે તે ઇશ્વર જ બધું છે, ત્યારે દશરથનંદન રામ સીતાપતિ છે, ભરતલક્ષ્મણના ભાઇ પણ છે અને નથી પણ. જે દશરથનંદન રામને ન માનવા છતાં બધાની પ્રાર્થનામાં બેસે છે તેની બલિહારી. આ બુદ્ધિવાદ નથી. હું જે કરું છું, માનું છું, તે બતાવી રહ્યો છું.

હરિજનબંધુ, ૨-૯-૧૯૪૬

૧૭. મારો રામ કોણ ?

મારી તમને સલાહ છે કે તમે સૌ ગમે તે નામથી ઓળખાતા પણ એકમાત્ર સર્વસમર્થ ઇશ્વરની ગુલામી સ્વીકારો. પછી તમે કોઇ એક માણસ અગર માણસોની ટોળી સામે તમારી ગરદન કોઇ નહીં ઝુકાવો. હું ખુદાને કેવળ માનવ એવા રામની સાથે જોડું છું એમ માનવામાં અજ્ઞાન છે. મેં હજાર વાર ખુલાસો કર્યો છે કે, મારો રામ તે મારો ઇશ્વર જ છે. એ રામ પહેલાં હતો, આજે છે અને સનાતનકાળ રહેવાનો છે. તેને જન્મ નથી. તેને કોઇએ બનાવ્યો નથી કે નિર્માણ કર્યો નથી. તેથી તમે સૌ જુદા જુદા ધર્મો પ્રત્યે સહિષ્ણુ થઇ તે એકેએકને આદર આપો. હું જાતે મૂર્તિભંજક છું પણ બુતપરસ્તોને નામે ઓળખાતા માણસોને વિશે પણ મને સરખો જ આદર છે. જે માણસો મૂર્તિઓની પૂજા કરે છે તે સૌ પણ સર્વ સ્થળ વ્યાપી રહેલા બલકે એક કાદવના ગોળામાં, અરે માણસની આંગળીએથી ઉતારેલા નખમાં પણ વાસ કરતા ઇશ્વરને જ ભજે છે. રહીમ, રહેમાન અને કરીમ માનવાળા મારા મુસ્લિમ મિત્રો છે. તે મિત્રોને હું તેમનાં નામ લઇને બોલાવું તો શું મેં તેમને ખુદા સાથે જોડી આપી શિર્કનો ગુનો કર્યો ગણાશે ?

હરિજનબંધુ, ૨૩-૨-૧૯૪૭

૧૮. ઇશ્વર ક્યાં ને કોણ ?

ઇશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઇ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય છે ઇશ્વર કોઇ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઇશ્વરપણું જોઇએ છીએ. ઇશ્વર તો સર્વવ્યાપી હોઇ બધેય ને બધામાં છે. એ અર્થમાં આપણે બધા જઇશ્વરના અવતાર કહેવાઇએ. પણ એમ કહેવાથી કશો, અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઇ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યક્તિ થઇ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઇ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતા આપણે જોખમભરેલે રસ્તે ચડી જઇએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઇશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી.

વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ૮ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસસ, જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઇશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઇએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઇ ન કરે. રામનામ સર્વવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે એ તો ઊરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન લાગે.

આમ વિચાર કરતાં હું કહી શકું છું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે. ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હ્ય્દયમાં વસે ત્યારે જ તેનો પૂરો ચમત્કાર જણાય છે.

હરિજનબંધુ, ૨૨-૬-૧૯૪૭

૧૯. રામનામ અને નિસર્ગોપચાર

બીજી બધી બાબતોની માફક કુદરતી ઉપચારનો મારો ખ્યાલ પણ ક્રમે વિકાસ પામતો ગયો છે. વળી વરસોથી હું માનતો આવ્યો છું કે માણસ પોતાના અંતરમાં ઇશ્વરના પ્રત્યક્ષ વાસનો અનુભવ કરતો હોય અને એ રીતે તેણે કામક્રોધાદિ ઇન્દ્રિયોના આવેગો વિનાની જીવનની દશા સિદ્ધ કરી હોય તો લાંબા આયુષ્યની આડે આવતા સર્વ અંતરાયોને તે ઓળંગી જાય. જીવનના અવલોકનને તેમ જ ધર્મશાસ્ત્રોના વાચનને આધારે હું એવા ચોક્કસ અનુમાન પર આવ્યો છું કે ઇશ્વરની અદૃશ્ય સત્તા વિશે માણસની પૂરેપૂરી શ્રદ્ધા બેસે અને તે કામક્રોધાદિ આવેગોથી મુક્ત થાય ત્યારે તેના શરીરનું અંદરથી રૂપાન્તર થાય છે. માત્ર ઇચ્છા રાખવાથી આ દશા સિદ્ધ થઇ જતી નથી. એ સિદ્ધિને માટે અખંડ જાગૃતિ અને અભ્યાસની જરૂર છે. અને અખંડ જાગૃતિ તેમ જ કઠોર અભ્યાસ છતાંય ઇશ્વરની કૃપા માણસ પર ન ઊતરે ત્યાં સુધી તેની બધીય કોશિશ મિથ્યા નીવડે છે.

છાપાનો હેવાલ, ૧૨-૬-૧૯૪૫

૨૦. કુદરતી ઉપચાર

કુદરતી ઉપચાર એટલે એવા ઉપચાર અથવા ઇલાજ કે જે મનુષ્યને સારુ યોગ્ય હોય. મનુષ્ય એટલે મનુષ્યમાત્ર. મનુષ્યમાં માનવી શરીર તો છે; ઉપરાંત તેમાં મન છે, અને આત્મા પણ છે. તેથી સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધાર્યો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્ય્દયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ. રામનામ એટલે ઇશ્વર, ખુદા, અલ્લાહ, કે ‘ગૉડ’. ઇશ્વરનાં ઘણાં નામ છે એમાંથી જેને જે ઠીક લાગે તે લે; તેમાં હાર્દિક શ્રદ્ધા હોવી જોઇએ. તેના પુરાવારૂપે તેની સાથે પ્રયત્ન હોવો જોઇએ.

તે કેમ કરાય એમ કોઇ પૂછે તો જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયું છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જ સાથે રામનામ પણ ચાલુ રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનો નાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે, અમર માત્ર આત્મા છે. તેને કોઇ હણી ન શકે. તેની આસપાસ શુદ્ધ વાયુમંડળ રચવાનો પ્રયત્ન સહુ કોઇ કરી શકે. આવો પ્રયત્ન કુદરતી ઉપચારને સહેજે મર્યાદિત કરે છે, પછી માણસ મોટી ઇસ્પિતાલ, મોટા ડૉક્ટરો વગેરેમાંથી બચી જાય છે. દુનિયાના અસંખ્ય લોકો બીજું કશું કરી પણ નથી શકતા. અને જે એ ન કરી શકે, તે થોડા કેમ કરે ?

હરિજનબંધુ, ૩-૩-૧૯૪૬

૨૧. રામનામ રામબાણ

નૈસર્ગિક ઉપચારમાં મેં રામનામને વ્યાધિઓ શાંત કરવામાં સ્થાન આપ્યું છે તે અને મારું લખાણ જોઇને વૈદ્યરાજ ગણેશશાસ્ત્રી જોશી મને કહે છે કે આને લગતું ને મળતું સાહિત્ય આયુર્વેદમાં ઠીક પ્રમાણમાં જોવામાં આવે છે. રોગનિવારણમાં નૈસર્ગિક ઉપચાર મોટું સ્થાન ભોગવે છે ને તેમાંય રામનામ. જ્યારે ચરક, વાગભટ ઇત્યાદિએ લખ્યું ત્યારે ઇશ્વરને રામનામની ઓળખવાની રૂઢિ નહોતી પડી એમ ગણવું જોઇએ. એ વિષ્ણુનામનો મહિમાં હતો. બચપણથી મેં તો રામનામથી જ ઇશ્વરને ભજ્યો, પણ હું જાણું છું કે ૐથી માંડીને ગમે તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી આ દેશની કે બીજા દેશની ભાષામાં જપીએ તોયે પરિણામ એક જ આવે છે. ઇશ્વરને નામની દરકાર ન હોય. એ અને એનો કાયદો એક જ છે. એટલે એનું પાલન એ એનો જપ. તેની કેવળ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં જે તેના કાયદામય થાય છે તેને જપની આવશ્યકતા નથી. અથવા જેને જપ ઉચ્ચારણ શ્વાસોચ્છ્‌વાસ જેવું સ્વાભાવિક થઇ ગયું છે તે ઇશ્વરમય થયો છે. એટલે ઇશ્વરની નીતિને તે સહેજે ઓળખે છે, સહેજે પાળે છે. જે એમ વર્તે છે તેને બીજું ઔષધ શાને જોઇએ ?

આમ છતાં જે ઔષધોમાં રાજા છે તેને જ આપણે ઓછામાં ઓછો જાણીએ છીએ. જે જાણે છે તે તેને ભજતો નથી, જે ભજે છે તે માત્ર જિહ્વાથી ભજે છે, હ્ય્દયથી નહી; તેથી તે પોપટના સ્વભાવને અનુસરે છે, પોતાના સ્વભાવને નહીં. તેથી તે બધા સર્વરોગનિવારણરૂપે ઇશ્વરને ઓળખાતા નથી.

ઓળખે પણ કેમ ? નથી એ દવા વૈદ્ય આપતા, નથી આપતા હકીમ કે દાક્તર. તેઓને પોતાને તેની ઉપર આસ્થા નથી. ઘર બેઠાં ગંગા જેવી દવા આપે તો એનો ધંધો એમ ચાલે ? એટલે તેની નજરે તેની પડીકી કે શીશી તેની રામબાણ દવા. એ દવા તેનું પેટ ભરે ને દરદીને તુરત ફળ પણ જોવામાં આવે. ફલાણાએ મને ફાકી આપી ને હું સારો થયો એમ કહેનાર થોડા નીકળી પડે અને વૈદ્યનો વેપાર ચાલે.

વૈદ્ય-દાક્તર રામનામ રટવાનું કહે તેથી દરદીનું દળદર ન જાય. જો વૈદ્ય પોતે તેનો ચમત્કાર જાણતો હોય તો જ દરદીને તેના ચમત્કારની ખબર પડે. રામનામ પોથી માંહેલાં રીંગણાં નથી, એ અનુભવની પ્રસાદી છે. જેણે એ અનુભવ મેળવ્યો છે તે જ તે દવા આપી શકે છે, બીજા નહીં.

આટલું લખીને વૈદ્યરાજે મને ચાર મંત્ર આપ્યા છે. તેમાં ચરઋષિનો સીધો ને સરળ છે. તેનો અર્થ આ પ્રમાણે છે :

ચરાચરના સ્વામી એવા વિષ્ણુનાં હજાર નામમાંથી એકનો પણ જપ કરવાથી સર્વ રોગ શાંત થાય છે.

()

હરિજનબંધુ, ૨૪-૩-૧૯૪૬

૨૨. બધા રોગોનો ઇલાજ

ગાંધીજીએ લકશમ સ્ટેશને દર્શન કરવા તથા સાંભળવા એકઠા મળેલા લોકોને કહ્યું કે, “તમારા દિલમાંથી ભયને તમે દૂર કરો, તો તમે મને ભારેમાં ભારે મદદ કરી ગણાશે.” પણ કઇ જાદુઇ વસ્તુ તેમનામાં એ વસ્તુ સાધી શકે ? ગાંધીજીનો અમોધ મંત્ર ‘રામનામ’ એ વસ્તુ છે. “તમે કદાચ કહેશો કે અમને એમાં શ્રદ્ધા નથી. તમને એની ખબર નથી, પરંતુ તેના વિનાતમે એક શ્વાસ પણ ન લઇ શકો. ચાહોતો એને ઇશ્વર કહો યા અલ્લા, ‘ગૉડ’ કે અહુરમઝ્‌દ કહો. દુનિયામાં જેટલાં માણસો છે તેટલાં અગણિત તેનાં નામો છે. એની સમાન વિશ્વમાં બીજું કાંઇ નથી. એ જ એક મહાન છે, વિભુ છે. એનાથી મોટો જગતમાં બીજો કોઇ નથી. તે અનાદિ, અનંત, નિરંજન અને નિરાકાર છે. એવો મારો રામ છે. તે જ એક મારો સ્વામી અને માલિક છે.”

નાનપણમાં પોતે કેવા બીકણ હતા અને પડછાયાનો પણ તેમને ડર લાગતો હતો તથા તેમની આયા રંભાએ ભયના મારણ તરીકે રામનામનું રહસ્ય શીખવ્યું હતું, એ પ્રસંગનો ગાંધીજીએ લાગણીવશ થઇને ઉલ્લેખ કર્યો. “રંભા મને કહેતી કે, ‘બીક લાગે ત્યારે રામનામ લેજે. તે તારી રક્ષા કરશે.’ એ દિવસથી રામનામ એ હરેક પ્રકારના ભય માટે મારો અમોઘ આશરો થઇ પડ્યું છે.”

“પવિત્ર લોકોનાં હ્ય્દયમાં તે સદાયે વસે છે. બંગાળમાં જેમ શ્રીચૈતન્ય તથા શ્રીરામકૃષ્ણ પરમહંસનું તેમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હિંદુઓમાં જેમનું નામ ઘેર ઘેર પરિચિત છે, તે ભક્તશિરોમણિ તુલસીદાસે પોતાની અમર રામાયણમાં આપણને રામનામનો મંત્ર આપ્યો છે. રામનામનો ડર રાખીને તમે ચાલો, તો જગતમાં તમારે રાજા શું કે રંક શું, કોઇનાથીયે બીવાપણું નહીં રહે. ‘અલ્લા હો અકબર’ના પોકારોથી તમારે શાને ડરવું જોઇએ ? ઇસ્લામનો અલ્લા તો નિર્દોષ લોકોનો રક્ષક છે. પૂર્વ બંગાળમાં જે બન્યું છે, તેને પેગમ્બર સાહેબે ઉપદેશેલા ઇસ્લામની મંજૂરી નથી.”

“ઇશ્વર પર તમારી શ્રદ્ધા હોય, તો તમારી પત્ની તથી દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે ? એથી કરીને તમે મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામમાં મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હુંરાખું છું. રામનામમાં જો તમને શ્રદ્ધા હોય તો બંગાળ છોડી જવાનો વિચાર તમારે ન કરવો ઘટે. જ્યાં તમે જન્મ્યાં અને મોટાં થયાં ત્યાં જ તમારે રહેવું જોઇએ અને જરૂર પડે તો બહાદુર સ્ત્રીપુરુષોને છાજે તે રીતે પોતાની આબરૂની રક્ષા કરતાં કરતાં ત્યાં જ મરવું જોઇએ. જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવુંં, એ માણસજાત પરની, ઇશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. શ્રદ્ધાનું આવું દેવાળું કાઢવા કરતાં માણસે ડુબી મરવું, એ બહેતર છે.”

હરિજનબંધુ, ૨૪-૧૧-૧૯૪૬

૨૩. કુદરતી ઉપચારમાંં રામનામ

નિસર્ગોપચારીના ઇલાજોમાં સૌથી અકસીર ઇલાજ રામનામ છે. આમાં કોઇએ અચરજ પામવા જેવું નથી. એમાં નામાંકિત આયુર્વેદી વૈદ્યે હમણાં જ મને કહેવડાવ્યું : ‘આખી જિંદગી મેં મારી પાસે આવનારા દરદીઓને જાતજાતની દવાઓની પડીકીઓ આપવામાં કાઢી. પણ તમે શરીરના વ્યાધિઓ મટાડવાને રામનામની દવા બતાવી ત્યારે મને પણ યાદ આવ્યું કે તમારી વાતને ચરક અને વાગ્ભટજેવા આપણા પ્રાચીન ધન્વંતરિઓનાં વચનોથી સમર્થન મળે છે.’ આધ્યાત્મિક આધિઓને મટાડવાને રામનામના જપનો ઉપચાર અત્યંત પ્રાચીનકાળથી ઊતરી આવેલો છે. પણ મોટી વાતમાં નાની વાત સમાઇ જાય છે અને તેથી મારો દાવો છે કે આપણા શરીરના વ્યાધિઓ દૂર કરવાને માટે પણ રામનામનો જપ સર્વોપરી ઇલાજ છે. નિસર્ગોપચારી દરદીને એમ નથી કહેવાનો કે મને બોલાવે તો તારો બધો રોગ હું મટાડી દઉં. તે દરદીને કેવળ પ્રાણીમાત્રમાં વાસ કરી રહેલું સર્વ વ્યાધિઓને હરનારું તત્ત્વ દેખાડશે, અને તેમ જાગ્રત કરી પોતાના જીવનની પ્રેરક શક્તિ બનાવી પોતાનો રોગ કેમ મટાડવો તે બતાવશે. હિંદ એ તત્ત્વના સામર્થ્યને ઓળખતું થાય તો આપણે સ્વતંત્ર તો થઇશું જ, ઉપરાંત આજે આપણો મુલક રોગને નબળી શરીરપ્રકૃતિનું ઘર થઇ બેઠો છે તેને બદલે નીરોગ, સુદૃઢ શરીરવાળી પ્રજાનો મુલક બનશે....

રામનામની શક્તિને અમુક જાતની મર્યાદા છે અને તેની અસર થાય તે માટે કેટલીક શરતો પૂરી કરવી જોઇએ. રામનામ એ મેલી વિદ્યા કે જાદુ નથી. ખાઇ ખાઇને જેને બાદી થઇ છે ને તેની આપદામાંથી ઊગરી જઇ ફરી પાછો ભાતભાતની વાનીઓના સ્વાદ ભોગવવાને જે ઇલાજ ખોળે છે તેને સારુ રામનામ નથી. રામનામનો ઉપયોગ સારા કામને માટે થાય. ખોટા કામને માટે થઇ શકતો હોત તો ચોરલૂંટારા સૌથી મોટા ભગત થઇ જાત. રામનામ તેમને માટે છે જે હ્ય્દયના ચોખ્ખા છે અને જે દિલની સફાઇ કરી હમેશ શુદ્ધ રહેવા માગે છે. રામનામ કદી ભોગવિલાસની શક્તિ કે સગવડ મેળવવાનું સાધન ન થઇ શકે. બાદીનો ઇલાજ પ્રાર્થના નથી, ઉપવાસ છે. ઉપવાસનું કાર્ય પૂરું થાય પછી જ પ્રાર્થનાનું શરૂ થાય. પ્રાર્થનાથી ઉપવાસ સહેલો થાય ને હળવો થાય એ જોકે સાચું. એ જ પ્રમાણે એક બાજુથી તમારા શરીરમાં તમે દવાના બાટલા રેડ્યા કરો ને બીજી બાજુથી રામનામ બબડ્યા કરો તે પણ એક અર્થ વગરના ફારસ જેવું થાય. જે દાકતર દરદીની બદીઓને પંપાળવાને પોતાની આવડત વાપરે તે પોતે નીચો પડે છે અને પોતાના દરદીને અધોગતિએ પહોંચાડે છે. પોતાના શરીરને પોતાના સરજનહારની પૂજાને અર્થે મળેલું એક સાધન માનવાને બદલે તેની જ પૂજીકરવી અને તેને કોઇ પણ ભોગે ચાલતું રાખવાને પાણીની માફક પૈસો વેરવો એનાથી અકદી અધોગતિ બીજી કઇ ? એથી ઊલટું રામનામ દરદને મટાડે છે, તેની સાથે માણસની શુદ્ધિ કરે છે અને તેથી તેને ઊંચે ચડાવે છે. આ જ રામનામનો ઉપયોગ અને આ જ તેની મર્યાદા.

હરિજનબંધુ, ૭-૪-૧૯૪૬

આપણે તો શરીરની મરામત કરનારા કરતાં આત્માની મરામત કરનારા જોઇએ છે. ઇસ્પિતાલો અને દાકતરો વધે તેથી સાચો સુધારો વધે છે એમ માનવાની જરૂર નથી. આપણે આપણાં શરીરને જેમ બને તેમ ઓછાં જ પંપાળીએ, તો આપણે અને જગતને બંનેને માટે સારું છે.-નવજીવન,૨-૧૦-૧૯૨૭

૨૪. આમજનતાનું વૈદું

ચાળીસ વરસ પર ક્યુનેનું ‘ન્યૂ સાયન્સ ઑફ હીલિંગ’ (ઉપચારની નવી વિદ્યા) અને જુસ્ટનું ‘રીટર્ન ટુ નેચર’ (કુદરતને ખોળે પાછા ફરો) એ બે પુસ્તકો મારા વાંચવામાં આવ્યાં ત્યારથી હું કુદરતી ઉપચારને દૃઢતાથી માનતો થયો છું એ જાણીને તમે રાજી થશો. મારે કબૂલ કરવું જોઇએ કે ‘રીટર્ન ટુ નેચર’ નો અર્થ હું પૂરેપૂરો સમજી શક્યો નથી તેનું કારણ એવું ન માનશો કે મારી સમજવાની ઇચ્છા નથી. પણ તેનું કારણ ંમારું અજ્ઞાન છે. હમણાં હિંદના કરોડો ગરીબોને ફાવે એવી કુદરતી ઉપચારની પદ્ધતિ ખીલવવાના પ્રયાસમાં હું રોકાયો છું. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ એ પંચમહાભૂતોમાંથી નીપજે એવાં કોઇક ઇલાજ પૂરતો જ મારો પ્રચાર મર્યાદિત રાખવાની મારી કોશિશ છે. આમાંથી માણસને સહેજે સમજાય છે કે સર્વ રોગોનોસર્વોપરી ઇલાજ જેને અહીંના કરડો રામના નામથી અને બીજા કરોડો અલ્લાના નામથી ઓળખે છે તે ઇશ્વરના નામનું સાચા દિલથી રટણ કરવાનો છે. એવા સાચા દિલના રટણમાંથી માણસને માટે કુદરતે ફરમાવેલા કાનૂનને સમજવાનો અને તેને પાળવાનો ધર્મ આપોઆપ ફલિત થાય છે. આ વિચારસરણીમાંથી આખરે એવું અનુમાન પણ ફલિત થાય છે કે રોગ થાય પછી તેને સારો કરવાનાં ફાંફાં મારવા કરતાં તેને થતો અટકાવવો એ જ બહેતર છે. તેથી, આખરે માણસ અનિવાર્યપણે તંદુરસ્તીના અને સફાઇ તેમ જ સ્વચ્છતાના એટલે કે શરીરની, મનની અને તે બંનેની આસપાસની પરિસ્થિતિની શુદ્ધિના નિયમોના પ્રચાર તરફ ખેંચાય છે.

હરિજનબંધુ, ૧૫-૬-૧૯૪૭

૨૫. રામબાણ ઉપાય

“આપે આમ લખ્યું છે :

“ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્યદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ’ (‘હરિજનબધું’, ૩-૩-’૪૬).

“ ‘જે પાંચ તત્ત્વોનું મનુશ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે’ (‘હરિજનબંધુ’, ૩-૩-’૪૬).

“ ‘આપણા શરીરના વ્યાધિઓ દૂર કરવાને માટે પણ રામનામનો જપ સર્વોપરી ઇલાજ છે’ (‘હરિજનબંધુ’, ૭-૪-’૪૬).

“આપે કુદરતી ઉપચારમાં જ્યારે આ નવો સૂર કાઢ્યો ત્યારે, પ્રથમ તો મને એમ લાગ્યું કે, શ્રદ્ધા પર રચેલી સાઇકોથેરેપી૧ અને ક્રિશ્ચિયન સાયન્સ૨ જેવી આ એક પદ્ધતિ છે. નામ માત્ર જુદું છે એટલું જ.

આવી વસ્તુને દરેક ઔપધશાસ્ત્રમાં સ્થાન હોય છે. પહેલા ઉતારાનો અર્થ મેં એ રીતે કર્યો. બીજો ઉતારો સમજવો મુશ્કેલ છે.

૧. એટલે માનસિક ઉપચાર. મનોવિશ્લેષણ તથા ઇચ્છાશક્તિ દ્ધારા કેટલાક શારીરિક ને વ્યાધિઓનું મૂળ કાઢી નાખવાનું શાસ્ત્ર.

૨. શ્રદ્ધા દ્ધારા કરેલી એક ચિકિત્સાનું નામ. ખ્રિસ્તના સ્પર્શથી શ્રદ્ધાળું લોકો સાજા થઇ જતા. ‘નવા કરાર’માં એવો ઉલ્લેખ છે. આના ઉપર ‘ફેઇથ હીલિંગ’-શ્રદ્ધાથી વ્યાધિનો નાશ થઇ શકે એવી માન્યતા-રચાયેલું છે.

કારણ છે પંચમહાભૂતોની મદદ આપ દર્દ મટાડવામાં લેવા માગો છો એ પંચમહાભૂતોમાંથી જ બધાંય ઔષધો બને છે.

“શ્રદ્ધા એટલે કોઇ વસ્તુ બાબત નિશ્ચય કરવો એમ હોય તો મારે કંઇ કહેવાપણું નથી. સાજા થવા સારુ દરદી શ્રદ્ધાાપૂર્વક સહકાર આપે એ જરૂરનું છે. પણ શ્રદ્ધા જ શારીરિક દર્દને મટાડી શકે, એ સિદ્ધાંત ંમાન્ય રાખવો મુશ્કેલ છે. બે વર્ષ પહેલાં મારી નાની દીકરીને લકવો થયેલો. આધુનિક ઢબના ઉપચારને લઇને જ એ બાળક જિંદગીભરના અપંગપણમાંથી બચી ગયું. લકવામાંથી બચવા સારુ અઢી વર્ષના બાળકને રામનામ લેવાનું કહેવું નકામું છે, એ તો આપ કબૂલ કરશો. અને આવે પ્રસંગે ફકત રામનામ રટ્યા કરે એમ કોઇ પણ માને આપ સમજાવી શકો તો તે જોવું મને ગમે.”

“૨૪ માર્ચના અંકમાં આપે ચરકનો શ્લોક પ્રમાણભૂત સમજીને ડાંક્યો છે, તેની મારા પર બહુ અસર થતી નથી. મારું હ્યદય જે વસ્તુ ન માને તે ગમે તેટલી પ્રાચીન ને પ્રમાણભૂત હોય તોપણ ન સ્વીકારવી એમ આપે જ મને શીખવ્યું છે.”

જુવાનોના એક શિક્ષક ઉપર પ્રમાણે લખે છે.

રામનામ એ ફેઇથ હીલિંગ અને ક્રિશ્ચિયન સાયનસ જેવું

ગઇ કાલે વાતવાતમાં લૉર્ડ લોધિયને ક્રિશ્ચિયન સાયન્સ વિશે ગાંધીજીનો મત પૂછ્યો : “મનુષ્ય ઇશ્વરની સાથે અવિચ્છિન્ન રીતે જોડાયેલો છે. એટલે જેટલે અંશે તે ઇશ્વર સાથેનો અવિચ્છિન્ન સંબંધ સમજે ને સ્વીકારે તેટલે અંશે તે પાપ અને રોગથી મુક્ત રહે. શ્રદ્ધાથી રોગ મટે છે તે એ રીતે. ઇશ્વર એ સત્ય, પ્રેમ અને આરોગ્યની મૂર્તિ છે.”

છે એવો ભાસ થાય છે ખરો, પણ એ બંનેથી તદ્દન ભિન્ન છે. રામનામનો જપ એ તેમાં રહેલા સત્યનું પ્રતીકમાત્ર છે. હ્યદયમાં વસેલા ઇશ્વરનું જે ક્ષણે માણસને ભાન થાય છે તે

“અને એ વૈદ્ય પણ છે,” ગાંધીજીએ કહ્યું. “ખ્રિસ્તી વિજ્ઞાનની જોડે મારે કશો ઝઘડો નથી. મેં ઘણાં વરસ પર જોહાનિસબર્ગમાં કહેલું કે હું એ સિદ્ધાંત સોએ સો ટકા સ્વીકારું છું, પણ એવા ઘણા ખ્રિસ્તી વૈજ્ઞાનિકો પર મને આસ્થા નથી. બૌદ્ધિક શ્રદ્ધા હોવી એ એક વસ્તુ છે, અને સત્યને હ્યદયમાં ઉતારવું એ બીજી વસ્તુ છે. માંદગીમાત્ર પાપ છે. માણસને ખાંસી થાય છે એ પણ પાપનું પરિણામ છે એ હું સમજી શકું છું. એ વાતની હું બેધડક હા પાડી શકું છું. મારું લોહીનું દબાણ એ અતિ પરિશ્રમનું પરિણામ છે. પણ મારે અતિશ્રમ શા સારુ કરવો જોઇતો હતો ? ઇતિશ્રમ અને ઉતાવળ એ પાપ જ છે. અને મને બરાબર ખબર છે કે હું દાક્તરોને બિલકુલ એ પાપ જ છે. અને મને બરાબર ખબર છે કે હું દાક્તરોને બિલકુલ બોલાવ્યા વિના ચલાવી શકત. ખ્રિસ્તી વૈજ્ઞાનિકોને વિશે હું નથી સમજી શકતો તે એ કે તેઓ શારીરિક આરોગ્ય અને વ્યાધિને એકંદરે વધારે પડતું મહત્ત્વ આપે છે.”

લૉર્ડ લોધિયન : “જ્યાં સુધી રોગ એ પાપ છે એમ માનીએ ત્યાં સુધી બધું ઠીક જ છે. ગીતા પણ કહે છે કે માણસે પંચેન્દ્રિયના વિષયોને તજવા જોઇએ કેમ કે માયા છે. ઇશ્વર એ જીવન, પ્રેમ અને આરોગ્યરૂપ છે.”

ગાંધીજી : “મેં એ વાત કંઇક જુદી રીતે મૂકી છે. ઇશ્વર સત્યરૂપ તો છે જ, કેમ કે અમારાં શાસ્ત્રો કહે છે કે સત્ય સિવાય બીજું કંઇ છે જ નહીં. એ જ વાત બીજા શબ્દોમાં કહીે તો ઇશ્વર એ જ જીવન છે. વળી મેં કહ્યું છે કે સત્ય અને પ્રેમ એ એક જ સિક્કા બે બીજુઓ છે; સત્ય એ સાધ્ય છે અને પ્રેમ એ સાધન છે.” - ‘હરિજનબંધુ’, ૩૦-૧-૧૯૩૮

જ ક્ષણે તે ત્રિવિધ તાપમાંથી મુક્ત થાય છે. દુનિયામાં એવો દાખલો જડતો નથી, તેથીએ સત્ય કંઇ મટી જતું નથી. જેમને ઇશ્વરમાં શ્રદ્ધા નથી, તેમને સારું મારી દલીલ નકામી છે, એ કબૂલ કરવું જોઇએ.

ક્રિશ્ચિયન સાયન્સ, ફેઇથ હીલિંગ ને સાઇકોથેરેપીમાં માનનારા રામનામની અંંદર રહેલા સત્ય વિશે કંઇક અંશે સાક્ષી પૂરશે. વાચકને હું બુદ્ધિથી બહુ સમજાવી શકું એમ નથી. જેણે સાકર યાખી નથી તેને તે ખાવાનું કહીને જ તેનું ગળપણ સિદ્ધ કરાય ને ?

એ પવિત્ર નામોચ્ચારણ સારુ જે શરતો પાળવી જોઇએ તે ફરી વાર અહીં લખવાની જરૂર નથી જોતો.

રામનામમાં શ્રદ્ધા હોય તેને જ સારુ ચરકનું પ્રામાણ્ય કામનું છે. બીજાઓ તે પર ધ્યાન છો ન આપે.

અણસમજુ બાળકોને માટે રામનામ છે જ નહીં. લાચાર હોવાને કારણે તેઓ માબાપની માયા પર નભે છે. આ બતાવી આપે છે કે, બાળકો પ્રત્યે ને સમાજ પ્રત્યે માબાપની ભારે જવાબદારી હોય છે. પોતાના રામનામ-ઉચ્ચારણથી બાળકોનું દર્દ મટી જશે એવું માનનારાં માબાપોને હું જાણું છું.

પંચમહાભૂતમાંથી બધું બને છે એટલે દવા પણ તેમાં આવી જાય છે માટે વપરાય એમ કહી વાત ઉડાવી દેવાય ખરી, પણ તેથી કંઇ કુદરતી ઉપચારનો છેદ ન ઊડી શકે.

હરિજનબંધુ, ૫-૫-૧૯૪૬

૨૬. આયુર્વેદ અને નૈસર્ગિક ચિકિત્સા

ઇશ્વરસ્તવન ને સદાચારપ્રચાર એ દરદમાત્ર અટકાવવાનું સારામાં સારું ને સસ્તામાં વૈદું છે, એમાં મને જરાયે શક નથી. દુઃખ એ છે કે વૈદ્યો, હકીમો ને દાક્તરો આ સસ્તા ઉપાયનો ઉપયોગ કરતા જ નથી. ઊલટું, એ ઉપચારને તેઓના પુસ્તકમાં સ્થાન નથી, અથવા છે તો તેણે મંતરજંતરનું રૂપ લઇ લોકોને વહેમકૂપમાં ઉતાર્યા છે. ઇશ્વરસ્તવન કે રામનામને વહેમની સાથે કશો સંબંધ નથી. એ તો કુદરતનો સુવર્ણ કાયદો છે. જે તે પાળે છે તે રોગમુક્ત રહે છે, જે નથી પાળતા તે રોગગ્રસ્ત રહે છે. જે કાયદો નીરોગી રહેવાનો છે તે જ કાયદો રોગ થયા પછી તેમાંથી મુક્તિ પામવાને લાગુ પડે છે. સવાલ એ થાય કે, જે રામનામ લે છે ને સદાચાર પાળે છે, તેને રોગ થાય જ કેમ ? એ સવાલ યોગ્ય છે. માણસ સ્વભાવે જ અપૂર્ણ છે. વિચારવાન પૂર્ણતા તરફ દોડે છે, પણ સંપૂર્ણકદી થતો નથી. તેથી, અજાણપણે પણ ભૂલો કરે છે. સદાચારમાં ઇશ્વરના બધા કાયદા આવી જાય છે. પણ બધા કાયદા જાણે એવો સંપૂર્ણ પુરુષ આપણી પાસે નથી. જેમ કે, હદ ઉપરાંત કામ ન કરવું એ એક કાયદો. હદ છૂટી, એમ કોણ જાણે ? એ વસ્તુ માંદા પડ્યે જ જણાય. મિતાહાર ને યુક્તાહાર બીજો કાયદો છે. એ મર્યાદા ક્યારે કેમ જાણું ? આવા દાખલા તો ઘણા કલ્પી શકાય. તે બધાનો સાર એ જ કે, દરેક માણસે પોતાના વૈદ્ય થઇ પોતાને લગતો કાયદો શોધી કાઢવો. જે એ શોધી શકે ને તેનું પાલન કરી શકે, તે ૧૨૫ વર્ષ જીવે જ.

દાક્તર મિત્રો દાવો કરે છે કે, તેઓ સંપૂર્ણપણે નિસર્ગોપચાર કરનારા છે, કેમ કે, ઔષધમાત્ર કુદરતે બનાવ્યાં છે. દાક્તરો તેના પર્યાય કરે છે. એમાં ખોટું શું ? આ રીતે બધી વસ્તુ ઉડાવી શક્યા. હું તો આટલું કહું કે, રામનામ ઉપરાંત જેટલું કરાય એ નિસર્ગ કે કુદરતની વિરુદ્ધ છે. આ મધ્યબિંદુથી જેટલે દૂર જઇએ, એટલે દૂર ગયા. આ વિચારશ્રેણીએ ચાલતાં પાંચ મહાભૂતોનો મૂળ ઉપયોગ એ નૈસર્ગિક ઉપચારની હદ હું બાધું. પણ આગળ જનાર વૈદ્ય પોતાની આસપાસ જે ઔષધિ ઊગતી હોય કે ઊગી શકે, તેનો ઉપયોગ પૈસા કમાવા નહીં, કેવળ લોકસેવાર્થે કરે તે પણ પોતાને નૈસર્ગિક ઉપચારક ગણાવી શકે. એવા વૈદ્ય ક્યાં છે ? આજે તો તેઓ પૈસા કમાવાની ધડામારમાં પડ્યા છે. શોધખોળ કરતા નથી ને તેમને આળસે ને લોભે આયુર્વેદ કંગાળ સ્થિતિ ભોગવે છે.

હરિજનબંધુ, ૧૯-૫-૧૯૪૬

૨૭. ઊરુળીકાંચનમાં

ગાંધીજીએ પ્રાર્થનામાં એકઠા મળેલા ઊરુળીકાંચનના લોકોને શરીરના વ્યાધિઓને હરનારી અવ્વલ નંબરની કુદરતી ઔષધિ તરિકે રામનામની ભેટ ધરી. “આપણે હમણાં જે ભજન ગાયું તેમાં ભક્ત કહે છે કે ‘હે હરિ ! લોકોનાં દુઃખનો હરનારો તું છે.’ આમાં અપાયેલો કોલ સર્વ દુઃખોને લગતો છે. કોઇ એક ખાસ આધિ કે વ્યાધિની આમાં વાત નથી.” વળી ગાંધીજીએ તે લોકોને કુદરતી ઇલાજમાં સફળ થવાની શરતો જણાવી. રામનામની અસરનો આધાર તમારી તેના પર જીવંત શ્રદ્દા છે કે નથી તે વાત પર રહેલો છે. “તમે ક્રોધને વશ થાઓ, કેવળ શરીર નભાવવાને નહીં પણ મોજને ખાતર ખાઓ ને ઊંઘો તો જાણજો કે રામનામનો સાચો અર્થ તમે પામ્યા નથી. એ રીતનો રામનામનો જપ કેવળ હોઠેથી હશે, હૈયામાંથી નહીં હોય. રામનામનું ફળ મેળવવાને તે જપની વખતે તમારે તેમાં લીન થઇ જવું જોઇએ અને તેમારા આખા જીવનવહેવારમાં તે દેખાવું જોઇએ.”

પહેલો દરદી

બીજે દિવસે સવારતી દરદીઓ આવવા લાગ્યા. ત્રીસેક હશે. તેમાંના પાંચ કે છને ગાંધીજીએ તપાસ્યા ને તે બધાને માંદગીનો પ્રકારન જોઇ થોડો ફેર કરી તેના તે ઇલાજો સૂચવ્યા. એટલે કે, રામનામનો જાપ, સૂર્યસ્નાન, ઘર્ષણસ્નાન, કટિસ્નાન, દૂધ, છાશ, ફળોનો રસ અને પીવાને સારી પેઠે ચોખ્ખું તાજું પાણી. સાંજની પ્રાર્થનાસભા આગળ તેમણે ખુલાસો કર્યો : “ખરેખર એવું જોવામાં આવ્યું છે કે મનના અને શરીરના સર્વ આધિવ્યાધિઓનું સર્વસામાન્ય કારણ એક જ છે. તેથી તે સર્વને માટે એક સામાન્ય ઇલાજ હોય તે પણ સ્વાભાવિક છે. જેવી રોગોની તેવી ઇલાજની એકરૂપતા હોય જ. તેથી આજે સવારે મારી પાસે જે દરદીઓ આવ્યા તે બધાને રામનામ અને લગભગ એક જ જાતનો ઉપચાર બતાવ્યો. પણ જીવનવહેવારમાં શાસ્ત્રો ફાવતાં આવતાં નથી ત્યારે તેમનો મનમાનતો ખુલાસો મેળવી લેવાની કળા માણસે કેળવી છે. આપણા મન પર આપણે એક એવા ભ્રમને સવાર થવા દીધો છે કે શાસ્ત્રો કેવળ આવતા જન્મમાંં જીવનનું આધ્યાત્મિક કલ્યાણ થાય તે માટે અને ધર્મનું પાલન મરણ પછી કામ આવે તેવા પુણ્યની કમાણી કરવાને માટે છે. મારો મત એવો નથી. આ જીવનમાં ધર્મનો વહેવારમાં ઉપયોગ ન હોય તો આવતા જન્મમાં મારે તેનો શો ખપ ?”

“શારીરિક કે માનસિક આધિવ્યાધિથી તદ્દન મુક્ત એવો આ દુનિયામાં કોઇ વિરલો હશે. કેટલાક આધિવ્યાધિનો તો દુન્યવી ઇલાજ જ નથી. દાખલા તરીકે ખંડિત થયેલું એકાદું અંગ પાછું ઉગાડવાનો ચમત્કાર રામનામમાં થોડો જ છે ? પણ એથીયે મોટો ચમત્કાર કરી બતાવવાની તેની શક્તિ છે. અંગો ખંંડિત થયાં હોય કે દર્દો થયાં હોય છતાં આખા આયુષ્યભર અનિર્વચનીય શાંતિતી જીવવાની અને આયુષ્ય પૂરું થાય ને સૌને જ્યાં જવાનું છે તે ધામમાં જવાનો વારો આવે ત્યારે મરણમાં રહેલા ડંખનું અને ચિંતાના વિજયના ભયનું તે નિવારણ કરે છે એ નાનોસૂનો ચમત્કાર છે ? વહેલું કે મોડું મરણ જો આવવાનું જ છે તો તે ક્યારે તેની ફિકરમાં આગળથી જ શાને મરી જવું ?”

તે પછી તેમણે તે લોકોને કુદરતી ઇલાજનાં મૂળ તત્ત્વો વિશે પહેલું પ્રવચન આપ્યું. તેનો સાર નીચે આપ્યો છે :

કુદરતી ઉપચારનાં મૂળતત્ત્વો

“માણસનું ભૌતિક શરીર પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ એ પાંચ તત્ત્વો જે પંચમહાભૂતોને નામે ઓળખાય છે તેમનું બનેલું છે. એમાંનું તેજ તત્ત્વ શરીરને શક્તિ આપે છે. આત્મા તેને ચેતન આપે છે.”

“એમાં સૌથી જરૂરી હવા છે. માણસ ખોરાક વિના અઠવાડિયાં

ઇશ્વરના નામ જેવો શાન્તિની સ્થાપનાનો બીજો ચમત્કારી ઇલાજ મેં જાણ્યો નથી. - છાપાનો હેવાલ, ૧૦-૧-૧૯૪૬

જીવી શકે, પાણી વિના પણ થોડા કલાકો કાઢી શકે. હવા વગર થોડી મિનિટમાં તેનો દેહ અટકી પડે. ઇશ્વરે તેટાલ ખાતર હવા સૌને સહેજે મળે તેવી બનાવી. અન્નની ને પાણીની ખાતર હવા સૌને સહેજે મળે તેવી બનાવી. અન્નની ને પાણીની તંગી કોઇક વાર પડે, હવાની કદી નથી પડતી. આમ છતાં બેવકૂફોની માફક આપણે ઘરની અંદર બારીબારણાં વાસીને સૂઇએ છીએ ને ઇશ્વરની સાક્ષાત્‌ કૃપા જેવી તાજી ને ચોખ્ખી હવા ગુમાવીએ છીએ. ચોરની બીક લાગે તો રાત્રે ઘરનાં બારીબારણાં ભલે બંધ રાખો પણ તેથી જાતે તેમાં પુરાવાની શી જરૂર ?”

“ચોખ્ખી તાજી હવા મેળવવાને માણસે ખુલ્લામાં સૂવું. પણ ખુલ્લામાં સૂવું. અર્થ નથી. તેથી તમે જે જગા પર સૂવાનું રાખો ત્યાં ન ધૂળ હોય ન મેલ હોય. ધૂળ અને ટાઢથી બચવાને ઠેઠ માથે લગી ઓઢવાને કેટલાક લોકોને આદત હોય છે. મૂળ રોગના કરતાંય આ ઇલાજ ભૂંડો છે. બીજી બૂરી કુટેવ મોઢેથી શ્વાસ લેવાની છે. મોઢું ખોરાકપાણી શરીરમાં લેવાનું અંગ છે, શ્વાસ લેવાનું નથી. નસકોરાં વાટે ફેફસાંમાં પહોંચતી હવા ગળાઇને ચોખ્ખી થઇને અને વળી જોઇએ તેટલી ગરમી પકડીને જાય છે.”

“જે કોઇ ફાવે ત્યાં ફાવે તેમ થૂંકી, કચરો કે ગંદવાડ નાખી, અથવા બીજી રીતે હવાને બગાડે છે તે કુદરતનો ને માણસનો ગુનેગાર છે . માણસનું શરીર ઇશ્વરનું મંદિર છે. એ મંદિરમાં જનારી હવાને દૂષિત કરનાર મંદિરને પણ અભડાવે છે. તેનું રામનામ લીધેલું મિથ્યા છે.”

હરિજનબંધુ, ૭-૪-૧૯૪૬

૨૮. ઊરુળીકાંચનમાં કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારમાં બે પાસાં છે : એક, ઇશ્વરશક્તિ. એટલે કે રામનામથી રોગ મટાડવા, અને બીજું, રોગ થાય જ નહીં એવા ઇલાજ લેવા. મારા સાથીઓ લખે છે કે, કાંચન ગામના લોકો સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે. જ્યાં શરીરની ચોખ્ખાઇ, ઘરની સફાઇ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઇ સાથે દિલની સફાઇ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઇ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય તો વૈદ, હકીમ કે દાક્તરની જરૂર રહેતી નથી.

કાંચનમાં ગાયોની સંખ્યા નહીં જેવી છે. આને હું એક કમનસીબી લેખું છું. થોડી ભેંશો છે ખરી; પણ મારી પાસે જે પુરાવો છે તે પરતી જણાય છે કે એ બેમાં ગાય વધારે ઉપયોગી જાનવર છે. વળી, ગાયનું દૂધ તંદુરસ્તીને પોષક છે, અને ગાય જેટલી ઉપયોગી છે તેટલી ભેંશ નથી. બીમારોને માટે તો વૈદો ગાયના દુધનો ઉપયોગ કરવાનું જ કહે છે. માટે તો વૈદો ગાયના દૂધનો ઉપયોગ કરવાનું જ કહે છે. એટલે હું આશા રાખું છું કે કાંચનવાસીઓ ઊરુળીમાં ગાયોનું એક ધણ રાખશે જેથી સૌને ગાયનું તાજું સ્વચ્છ દૂધ મળે. તંદુરસ્તી જાળવવા માટે દૂધની ઘણી જરૂર રહે છે.

કુદરતી ઉપચારના મૂળમાં એે વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઇ રહે. અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાની કે શહેરની આદર્શ રચના સમાઇ જાય છે. અલબત્ત એ રચનાનું મધ્યબિંદુ તો ઇશ્વર જ હોય.

હરિજનબંધુ, ૨૬૫-૧૯૪૬

૨૯. ગરીબો માટે કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારમાં જીવનપરિવર્તનની વાત તો છે જ. આ કંઇ વૈદનું પડીકું લેવાની અથવા ઇસ્પિતાલમાંજઇને મફત દવા લેવાની કે ત્યાં રહેવાની વાત નથી. મફત દવા લેનારી ભિખારી બને છે, કુદરતી ઉપચાર કરનારો કદી ભિખારી નથી બનતો. તે પોતાની પ્રતિષ્ઠા વધારે છે ને સારા થવાનોઉપાય પોતાની મેળે કરી લે છે. તથા શરીરમાંથી ઝેર કાઢી નાખી ફરી વાર માંદો ન પડે એવો પ્રયત્ન કરે છે. વળી કુદરતી ઉપાયમાં મધ્યબિંદુ તો રામનામ છે ને ? રામનામથી માણસ સલામતી મેળવે છે. પણ નામ અંતરમાંથી નીકળવું જોઇએ.રામનામ અંતરમાંથી નીકળે તે માટે નિયમપાલનની જરૂર રહે છે, અને ત્યારે જ માણસ નીરોગી થાય. આમાં મહેનતની કે ખર્ચની વાત નથી. મોસંબી ખાવી એ ઉપચારનું અનિવાર્ય અંગ નથી, પથ્ય ખોરાક, યુક્તાહાર એ અનિવાર્ય અંગ છે ખરું. આપણે જેવા કંગાળ છીએ તેવાં કંગાળ આપણાં ગામડાં છે. ગામડાંમાં શાકભાજી, ફળ વગેરે પેદા કરવાં એ કુદરતી ઉપચારનું ખાસ અંગ છે. તેમાં જે સમય જાય છે તે વ્યર્થ જતો નથી, એટલું જ નહીં તેનાથી બધાં ગ્રામવાસીઓને અને અંતે આખા હિંદુસ્તાનને લાભ છે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૩૦. કુદરતી ઉપચાર અને આધુનિક ઉપચાર

આ વાત કેવળ ગામડિયાઓ સારુ, ગામડાં સારુ છે, એટલે એમાં સૂક્ષ્મદર્શક યંત્ર, ‘ક્ષ’ કિરણો વગેરેને કશું સ્થાન નથી. ક્વિનાઇન, ઇમેટિન, પેનિસિલીન જેવી દવાઓને પણ નેચર ક્યારેમાં સ્થાન નથી. ગ્રામસફાઇ, ઘરસફાઇ, અંગસફાઇ અને આરોગ્યરક્ષણને પ્રથમ સ્થાન છે અને તે પૂરતાં છે. એટલું થઇ શકે, તો વ્યાધિ આવ્યો હોયતો તેને કાઢવાને ખાતર કુદરતના બધા નિયમોને જાળવવા છતાં રામનામ એ મૂળ ઉપચાર છે. ઉપચાર સાર્વજનિક ન થઇ શકે, જ્યાં લગી રામનામની સિદ્ધિ પોતાનામાં ઉપચારકને ન આવી હોય. એટલે રામનામરૂપી ઉપચાર એકાએક સાર્વજનિક ન થઇ શકે. પણ પંચમહાભૂતોમાંથી એટલે પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુમાંથી જે દોહન કરી શકાય તે શક્તિનું દોહન કરીને વ્યાધિ મટાડવાનો આ પ્રાયસ છે અને ત્યાં મારી દૃષ્ટિએ કુદરતી ઉપચારનો અંત આવી જાય છે. એટલે જે પ્રયોગ અત્યારે ઊરુળીકાંચનમાં ચાલી રહ્યો છે, તે ગ્રામવાસીઓને સ્વાસ્થ્યરક્ષાની કળા શીખવવાનો અને રોગી છે, તેનો રોગ પંચમહાભૂત મારફત મટાડવાનો છે. એમાં જરૂર જણાતાં ઊરુળીની ઉપસ્થિત વનસ્પતિઓનો ઉપયોગ થશે, ને આમાં પથ્યાપથ્યનો સમાવેશ થઇ જાય છે.

હરિજનબંધુ, ૧૮-૮-૧૯૪૬

૩૧. અંતદૃષ્ટિ કેળવો

જે કંઇ કરવું હોય તેમાં પશ્ચિમ તરફ નજર કરીએ તો જ આગળ વધી શકાય, એ ભ્રમ કાઢી નાખવા જેવો છે. કુદરતી ઉપચાર શીખવા સારુ જો પશ્ચિમમાં જવું પડે, તો તે ઉપચાર હિંદુસ્તાનને કામ આવે એમ હું માનતો નતી. હંમેશાં ન હોવી જોઇએ. દરેક માણસ શીખી લઇ શકે એવી એ સહેલી વસ્તુ છે. રામનામ લેતાં શીખવા વિલાયત જવું જોઇએ, તો આપણા બાર જ વાગી જાય ના ? રામનામ મેં પાયો ગણ્યો છે. તેમ જ પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુના ઉપચારને સારુ દરિયાપાર જવાની જરૂર હોઇ જ ન શકે, એ સાફ સમજાય એવું છે. જે બીજું શીખવાનું હોય તે અહીં જ છે, ગામડાંમાં છે. ગામડાંનાં વસાણાં કંઇ બહારથી નથી મળવાનાં. તે તો આયુર્વેદમાં છે જ. આયુર્વેદીઓ ધૂર્ત હોય તો તે કંઇ કબૂલ કરશે. પણ તે શીખવાનાં પુષ્કળ સાધનો આ દેશમાં મળી શકે છે. મતલબમાં, પશ્ચિમમાં જે કંઇ સારુ છે, તે એવું હોવું જોઇએ ને એવું છે કે બધી જગ્યાએ શીખી શકાય. વળી એટલું અહીં કહી જવું જરૂરનું છે કે કુદરતી ઉપચાર શીખવા સારુ શરીરશાસ્ત્ર શીકવાની જરૂર છે, એવું કંઇ જ નથી.

ક્યુને, જુસ્ટ, ફાધર કનાઇપ વગેરે લેખકોએ જે લખ્યું છે, તે સાર્વજનિક ને સર્વવ્યાપક છે, સીધું છે. તે જાણવાનો આપણો ધર્મ છે. કુદરતી ઉપચાર જાણનારની પાસે એનું થોડુંઘણું જ્ઞાન હોય છે, હોવું જોઇએ. કુદરતી ઉપચારે હજુ ગામડાંમાં પ્રવેશ કર્યો જ નથી. એ શાસ્ત્રમાં આપણે ઊંડે ઊતર્યા જ નથી, કરોડોની દૃષ્ટિએ તેનો વિચાર થયો નથી. તેનો આરંભ જ થયો છે. છેવટે તે ક્યાં જઇને ઊભશે, એ કોઇ કહી જોઇએ તેમ તપ જોઇએ. નજર પશ્ચિમ તરફ ન જાય પણ અંદર જાય.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૩૨. કુદરતના નિયમો

“આપની સૂચના મુજબ રામના-સચ્ચિદાનંદના નામનું રટણ કરવાના મારા પ્રયાસો ચાલુ છે, ને મારી ક્ષયરોગની બીમારીમાં સુધારો થતો આવ્યો છે. ખરું કે, સાથે તબીબી ઉપચારો પણ ચાલું છે. પણ આપ કહો છો કે, યુક્તાહાર ને મિતાહારથી માનવી રોગમુક્ત રહી શકે ને પોતાનું જીવન લંબાવી શકે. હું તો આજ પચીસ વર્ષ થયાં મિતાહારી રહ્યો છું, છતાં આજે આવી માંદગીનો ભોગ બન્યો. એને શું પૂર્વજન્મનું કે આ જન્મનું કમનસીબ કહેવાય ? વળી આપ ૧૨૫ વર્ષ જીવી શકાય એમ પણ કહો છો. તો આપને સ્વ. મહાદેવભાઇની ઘણી જરૂર હતી એમ ઇશ્વર જાણતો હોવા છતાં, તેણે તેમને ઉપાડી લીધા. યુક્તાહારી ને મિતાહારી સ્વ. મહાદેવભાઇ આપને ઇશ્વરરૂપ સમજી જીવતા હતા, છતાં બ્લડ પ્રેશરનો એટલે કેલોહીના દબાણની બીમારીનોભોગ બની કેમ ચાલી ગયા ? ભગવાનનો અવતાર મનાતા રામકૃષ્ણ પરમહંસ ક્ષયના જેવા જ જીવલેણ મનાતા કૅન્સરનો ભોગ બની કેમ મૃત્યુવશ થયા ? એઓ કૅન્સરનો સામનો કેમ ન કરી શકયા ?”

હું તો સ્વાસ્થ્ય જાળવવામાં જે પોતેજાણું છું તે નિયમ બતાવી રહ્યો છું. પણ મિતાહાર કે યુક્તાહાર કોને કહેવો એ દરેક વ્યક્તિને વિશે જાણવું ઘટે. બહુ વાચન કર્યું હોય ને વિચાર્યું હોય તો સારામાં સારી રીતે પોતે જ જાણી શકે; પણ એનો અર્થ એ ન થયો કે એ જ્ઞાન શુદ્ધ છે અથવા પૂર્ણ છે. આથી જિંદગીને કટેલાક પ્રયોગસાળા કહે છે. અનેકના અનુભવનો સંગ્રહ કરી એમાંથી જાણવાનું જાણી લઇને આગળ વધીએ. પણ એમ કરતાં સફળતા ન મળે તોયે કોઇને દોષ ન દઇએ, આપણે પોતે પણ ન ઓઢીએ. નિયમ ખોટો છે એમ કહેવાનું ઝટ સાહસ ન કરીએ. પણ બુદ્ધિપૂર્વક એમ લાગે કે એ નિયમ ખોટો છે તો ખરો શો છે તે બતાવવાની શક્તિ મેળવીને તેનો પ્રચાર કરીએ. તમારે પોતાને વિશે ક્ષયરોગથવાનાં ઘણાં કારણો હોઇ શકે. પંચમહાભૂતોનો તમારે વિશે તમે જોઇએ તેવો ઉપયોગ કર્યો છે કે નહીં એ પણ કોણ કહી શકે ? એટલે જ્યાં લગી કુદરતના નિયમો હું જાણું છું ને ખરા માનું છું, ત્યાં લગી મારે તો એમ જ મનાવવાનું રહ્યું કે ક્યાંક પણ પંચમહાભૂતોનો ઉપયોગ કરવામાં તમે ભૂલ કરી છે. મહાદેવ ને રામકૃષ્ણ પરમહંસ વિશે તમે શંકા ઉઠાવી છે એનો જવાબ પણ મેં જે ઉપર લખ્યું છે તેમાં આવી જાય છે. એમણે પણ ક્યાંક ભૂલ કરી હશે એમ માનવું એ નિયમ કંઇ મારો બનાવેલો નથી; કુદરતનો એ નિયમ છે એમ ઘણા અનુભવીઓએ કહ્યું છે. અને એ વચન માનીને હું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાકી સાચી વાત એ જ છે કે બીજો કોઇ, અપૂર્ણ માનવી, તે કેમ જાણી શકે ? દાક્તરો એને નથી માનતા. અથવા માને છે તો બીજો અર્થ કરે છે. એની અસર મારા પર કંઇ થતી નથી. નિયમનું આમ સમર્થન કરવા છતાં, મારા કહેવાનો એ અર્થ નથી નીકળતો, ન કાઢવો જોઇએ કે ઉપરની એકે વ્યક્તિનું મહત્ત્વ ઓછું છે.

હરિજનબંધુ, ૪-૮-૧૯૪૬

૩૩. બાધાઆખડી વિ૦ રામનામ

એક મિત્ર સરસ હળવી મજાક કરે છે કે,

“કુદરતી ઉપચારને, શ્રદ્ધા એટલે કે બાધાઆખડીનો ઉપચાર કહેવામાં આવે છે, તેની સાથે નિકટનોસંબંધ છે કે કેમ, એવો પ્રશ્ન મારા મનમાંઊઠે છે. કોઇ પણ પ્રકારના ઉપચારમાં શ્રદ્ધાની આવશ્યકતા રહે છે એ નિર્વિવાદ છે. પણ કેટલાક ઉપચારો કેવળ બાધાઆખડીના જ હોય છે. દાખલા તરીકે બળિયા અને પેટના દુખણાના ઉપચારો. આપને કદાચ ખબર હશે કે, ખાસ કરીને દક્ષિણમાં, બળિયાને માટે કોઇ પણ પ્રકારના વૈદ્યકીય ઉપચારો કરવામાં આવતા નથી. એ ઇશ્વરની લીલા મનાય છે. એના ઉપચાર તરીકે અમે મરિયમ્મા દેવીની પૂજા કરીએ છીએ અને અજાયબીની વાત એ છે કે મોટા ભાગના દરદીઓ તેથી સાજા થાય છે. લાંબા વખતથી ઘર કરી બેઠેલા પેટના દુખણાના દરદને માટે પણ ઘણા તિરુપતિની દેવીની માનતા માને છે અને દરદમાંતી સાજા થઇ લોકો દેવીને માન્યો હોય તેવો ભોગ ધરાવે છે. મારી માનો જ દાખલો આપું. તે એવા જ પેટના દુખણાના દરદથી પીડાતી હતી. પણ તિરુપતિ જઇ આવ્યા પછી તેનું દુખણું મટી ગયું છે.”

“કૃપા કરીને આ બાબતમાં આપ મને સમજૂતી આપશો ?અને હું આપને પૂછી શકું ખરો કે, કુદરતી ઉપચાર ઉપર પણ આવી જ શ્રદ્ધા રાખી વારંવાર કરવા પડતા દાક્તરના ખરચમાંથી લોકોએ ઊગરી કાં ન જવું ? ચૉસરે (એક અંગ્રેજ કવિ) દાક્તરને વિશે કહ્યું છે કે, દરદીને સદાયે દરદી રાખવાને - જે પ્રાપ્ત પરિસ્થિતિનો એક ભાગ જ છે - તે ફાર્મસીવાળાઓ સાથે કાવતરું ચલાવ્યે રાખે છે.”

ઉપર ટાંકવામાં આવેેલા દાખલાઓ નથી કુદરતી ઉપચાર કે નથી રામનામ, જેનો મેં તેમાં સમાવેશ કર્યો છે. પરંતુ એ ઉદાહરણ ખસૂસ બતાવે છે કે, કોઇ પણ પ્રકારના ઉપચાર વિના ઘણા દાખલાઓમાં, કુદરત આપોઆપ દરદ મટાડે છે. એ દાખલાઓ, હિંદીઓના જીવનમાં વહેમ કેવો ભાગ ભજવે છે એ વસ્તુ પણ, અલબત્ત બતાવે છે. રામનામ, જે કુદરતી ઉપચારનું કેન્દ્ર છે, તે વહેમનો શત્રુ છે. અપ્રામાણિક લોકો બીજી કોઇ વસ્તુ કે પ્રથાનો દુરુપયોગ કરે, તે જ પ્રમાણે રામનામનો પણ દુરુપયોગ કરવાના. કેવળ મોઢેથી રામનામ બબડવું એને ઉપચાર સાથે કશો સંબંધ નથી. હું બરાબર સમજતો હોઉં તો માનતાકે બાધાઆખડીનો ઉપચાર, એ પેલા મિત્રે વર્ણવ્યો છે, તેવો આંધળો ઇલાજ છે અને તે જીવતાજાગતા ઇશ્વરના જીવંત નામની હાંસી છે, રામનામ કલ્પનાનું તૂત નથી. એનો નાદ હ્ય્દયમાં ઊઠવો જોઇએ. એ ઇશ્વર પરની જીવંત શ્રદ્ધા છે, તથા તેના કાયદાનું જ્ઞાન છે. એ જ્ઞાન તથા એ શ્રદ્ધા બીજી કોઇ વસ્તુની સહાય વિના સંપૂર્ણપણે દરદ મટાડે છે. એ કાયદો એ છે કે, સંપૂર્ણ મન પર શરીરની સંપૂર્ણ તંદુરસ્તીનો આધાર છે. પૂર્ણ મન પૂર્ણ હ્ય્દયમાંથી ઉદ્‌ભવે છે. દાક્તરના સ્ટેથોસ્કોપની જાણી શકાય છે તે હ્ય્દય આ નથી. આ તો ઇશ્વરનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે હ્ય્દયમાં ઇશ્વરનું મંદિર છે. એવું કહેવામાં આવે છે. કે હ્ય્દયમાં ઇશ્વરનો સાક્ષાત્કાર થાય એટલે માણસના મનમાં મેલો કે નકામો વિચાર પ્રવેશ કરી શકતો નથી. વિચારની શુદ્ધિ હોય ત્યાં રોગ અશક્ય બની જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ હોય એમ બને. પરંતુ એનો સ્વીકાર કરતાંની સાથે તંદુરસ્તીના શિખર પર ચડવાને પહેલું થાય. અત્યાર સુધીમાં માણસે ખોળી કાઢેલા કુદરતના નિયમોનું પાલન જીવનમાંઆવો ધરમૂળનો ફેરફાર કરતાંની સાથે સ્વાભાવિક રીતે જ થાય છે. એ નિયમોની સાથે રમત કરનાર કોઇ પણ પોતાનું હ્ય્દય નિર્મળ છે એવો દાવો ન કરી શકે. વળી એમ પણ કહી શકાય કે એ જ રીતે હ્ય્દય નિર્મળ હોય તો રામનામ વિનાયે ચાલે. શુદ્ધતા પ્રાપ્ત કરવાનો બીજો રસ્તો હું જાણતો નથી. પ્રાચીન કાળનઆ દુનિયાભરના શાધુસંતોએ એ જમાર્ગ અખત્યાર કર્યો છે તેઓ ધર્માત્મા હતા, વહેમી માણસો કે ધુતારા નહોતા.

આ જો ક્રિશ્ચિયન સાયન્સ કહેવાતું હોય તો એની સામે મારે કશો વાંધો નથી.રામનામનો માર્ગ કંઇ મારી શોધ નથી ઘણું કરીને, એ શોધ ખ્રિસ્તી યુગથી ઘણી પુરાણી છે. એક પત્રલેખક એવો પ્રશ્ન પૂછે છે કે, ખરેખર શસ્ત્રક્રિયાની જરૂર હોય તે રામનામ ફરી પાછો જેવો ને તેવો ન કરી શકે. ઘણા દાખલાઓમાં શસ્ત્રક્રિયા બિનજરૂરી હોય છે. જ્યાં એની જરૂર હોય ત્યાં તે કરવી રહી. પણ ઇશ્વર પર આસ્થાવાળો માણસ પોતાનું એકાદ અંગ ગુમાવી બેસે તો તેની ચિંતા કરતો નથી. રામનામનું રટણ કંઇ ઊંટવૈદું કે કામચલાઉ ઇલાજ નથી.

હરિજનબંધુ, ૯-૬-૧૯૪૬

૩૪. રામનામ વિશે સમજનો ગોટાળો

એક મિત્ર લખે છે :

“મલેરિયાના ઇલાજ તરીકે તમેબતાવેલા રામનામના ઇલાજને વિશે મારી મૂંઝવણ એવી છે કે મારા શારીરિક વ્યાધિઓને માટે મારાથી એક આધ્યત્મિક શક્તિનો આધાર કેમ લેવાય તે હજી મારી સમજમાં બેસતું નથી. વળી, રોગમાંથી મુક્ત થવાને માટે હું લાયક છું કે નથી અને મારા દેશનાં ભાઇબહેનો આટલા બધા દુઃખમાં સબડે છે તે વખતે મારી મુક્તિને માટે પ્રાર્થના કરવામાં હું વાજબી છું કે નથી એ વિશે મને ખાતરી નથી. જે દિવસે રામનામનું રહસ્ય હું પામીશ તે દિવસે તેમની મુક્તિનેખાતર હું પ્રાર્થના કરીશ. નહીં તો મને એમ લાગ્યા કરશે કે, આજે હું જેટલો સ્વાર્થી છું તેનાથી સાજા થવાને પ્રાર્થના કરવામાં અથવા રામનામ લેવામાં વધારે સ્વાર્થી ઠરું છું.”

અંતરની ઊલટથી જે સત્યની શોધ કરે છે, એમ માનું છું, તેવા મિત્રની પાસેથી આ લખાણ આવ્યું છે. તેની મુશ્કેલી હું જાહેરમાં એટલા ખાતર ચર્ચું કે તેમના જેવા ઘણાની મૂંઝવણનો આ એક નમૂનો છે.

બીજી સર્વ શક્તિઓની માફક આધ્યાત્મિક શક્તિ પણ માણસની સેવાને અર્થે મોજૂદ છે. શરીરના વ્યાધિઓના ઇલાજ તરીકે તેનો જમાનાઓથી વત્તીઓછી સફળતાથી ઉપયોગથી શરીરના વ્યાધિઓ સફળતાપૂર્વક મટાડી શકાતા હોય તો તેનો તે માટે ઉપયોગ ન કરવાની વાતમાં મૂળે જ દોષ રહેલો છે. કારણ એ કે માણસના બંધારણમાં જડ પદાર્થ અને આત્માના ચેતન તત્ત્વનું મિશ્રણ છે, તે બંને એકબીજા પર કાર્ય કરે છે અને બંનેની એકબીજા પર અસર થયા કરે છે. જે લાખો લોકોને ક્વિનાઇન મળતું નથી તેમનો વિચાર કર્યા વિના ક્વિનાઇન લઇને મલેરિયામાંથી સાજા થવાય તો લાખો અથવા કરોડો લોકો જે ઇલાજનો અજ્ઞાનને કારણે ઉપયોગ કરતા નથી તેનો આશરો લેવાનો ઇન્કાર તેમ શા માટે કરો ? બીજા લાખો લોકો પોતાના અજ્ઞાનને કારણે અથવા કહો કે પોતાની આડાઇને કારણે સ્વચ્છ ને સાજા ન રહે માટે તમે પણ શું સ્વચ્છ અને સાજા રહેવાનું માંડી વાળશો ? માનવસેવાના ખોટા ખ્યાલોથી તે જ લાખો લોકોની સેવા કરવાની ફરજ તમે ચૂકતા નથી ? સાચે જ, આધ્યાત્મિક દૃષ્ટિથી સ્વચ્છ અથવા સાજા રહેવાનો ઇન્કાર કરવો એ શરીરની દૃષ્ટિથી ચોખ્ખા અને સાજા રહેવાનો ઇન્કાર કરવાના કરતાં બદતર છે.

મુક્તિ એટલે હરેક રીતે અથવા હરેક દષ્ટિથી સાજા રહેવું, એના કરતાં કશું વધારે નથી, કશું ઓછું નથી. વળી, સાજા રહીને તમે બીજા લોકોને સાજા રહેવાનો રસ્તો બતાવી શકે અને તે રસ્તો બતાવવા ઉપરાંત તમારી તંદુરસ્તીને કારણે વધારામાં તમે તેમની ખરેખર સેવા બજાવો તો જાતે સાજા રહેવાનો ઇન્કાર કરવાનું બીજું કારણ શું છે ? પણ બીજા લોકોને પેનિસિલીન મળવાનું નથી એની પાકી ખાતરી હોવા છતાં તે લઇને સાજા થવામાં પૂરેપૂરી સ્વાર્થી વૃત્તિ જરૂર રહેલી છે.

મારા પર પત્ર લખનાર ભાઇની દલીલમાં રહેલો સમજનો ગોટો તદ્દન ઉઘાડો છે.

પરંતુ સાચી વાત એવી છે કે ક્વિનાઇનની એક અથવા વધારે ગોળી લેવાનું કામ રામનામના ઉપયોગનું જ્ઞાન મેળવવાના કામ કરતાં ઘણું સહેલું છે. ક્વિનાઇનની ગોળી પૈસા આપીને ખરીદવાના કરતાં રામનામનો બરાબર ઉપયોગ કરવાનું શીખવામાં કેટલોયે વધારે પ્રયાસ કરવો પડે છ. જેમને નામ અને જેમની વતી મારા પર પત્ર લખનાર ભાઇ રામને પોતાના હ્ય્દયનાં દ્ધાર બંધ કરી તેમાંથી બહારરાખવા માગે છે તે જ લાખો લોકોને ખાતર એ પ્રયાસ કરવા જેવો નથી શું ?

હરિજનબંધુ, ૧-૯-૧૯૪૬

૩૫. વ્યાકુળ કરે તેવો દાખલો

થોડા મહિનાની ગેરહાજરી બાદ સેવાગ્રામ આશ્રમમાં અમે પાછા ફર્યા, તો ત્યાંના એક સેવકના મગજની હાલત બગડી ગયેલી જોવામાં આવી. તે જ્યારે પહેલવહેલા આશ્રમમાં આવેલા, ત્યારેય તેમની સ્થિતિ તેવી જ હતી. ઉન્માદનો આ બીજો હુમલો હતો. તેમની સ્થિતિ એવી થઇ હતી કે તે કાબૂ બહાર જતા રહ્યા ને તેથી તેમને અંગે કશોક નિર્ણય ઝટ કરી લેવાની જતા રહ્યા ને તેથી તેમનેઅંગે અશોક નિર્ણય ઝટ કરી લેવાની જરૂર ઊભી થઇ હતી. એટલે વર્ધાની સરકારી ઇસ્પિતાલના વડા દાક્તરની (સિવિલ સર્જનની) સલાહ લેવામાં આવી.તેમણે જણાવ્યું કે, વર્ષાની સરકારી સિવિલ હૉસ્પિટલમાં તો આ દરદીને મારાથી ન રખાય પણ જેલની ઇસ્પિતાલમાં તેમને રાખો હું તેમની સંભાળ લઇ શકું ને કંઇક ઇલાજ કરું. એટલે ખુદ દરદીના હિતમાં અને આશ્રમના હિતમાં તેમને જેલમાં મોકલવા પડ્યા. ગાંધીજીને માટે જીવતો દાંત ખેંચી કાઢવાના જેવી આ વ્યથા થઇ પડી, પણ બીજો કોઇ રસ્તો નહોતો. તેમણે પોતાની મૂંઝવણ આશ્રમના લોકો ્‌આગળ મૂકી. “એ ભાઇ સરસ સેવક છે. ગયે વરસે તે સાજા થયા પછી આશ્રમનો બગીચો સંભાળતા હતા અને દવાખાનાનો હિસાંબ રાખતા હતા. તે ખંતથી પોતાનું કામ કરતા અને પોતાના કામમાંથી આનંદ મેળવતા. તેમને મલેરિયા થયો એટલે તેમને ક્વિનાઇનનું ઇંજેક્ષન આપવામાં આવ્યું હતું. કારણ કે, મોઢેથી ક્વિનાઇન પીવા કરતાં સોયથી સીધું લોહીમાં લેવાથી તેની અસર ઝટ થાય છે. ભાઇ કહે છે કે, મગજ પર ખોટી અસર થઇ છે. આજે સવારે મારી ઓરડીમાં હું કામ કરતો હતો ત્યારે મેં તેમને બહાર બૂમો પાડતા ને હાથ આમતેમ ગમેતેમ ઉછાળતા ફરતા દીઠા. હું બહારનીકળી તેમની સાથે ફરવા લાગ્યો તેથી તે શાંત પડ્યા. પણ જેવો હું તેમનાથી છૂટો પડીને પાછો ગયો તેવા તે પાછા પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી બેઠા ને કોઇના કહ્યામાં ન રહ્યા. તે તોફાને ચડી જાય છે ને કોઇની વાત સાંભળતા નથી એટલે તેમને જેલમાં મોકલવા ને કોઇની વાત સાંભળતા નથી. એટલે તેમને જેલમાં મોકલવા પડ્યા.”

“આપણા જ એક સેવકને જેલમાં મોકલવો પડે એ વિચારથી કુદરતી રીતે જ મને વ્યથા થાય છે. કોઇ પણ મને પૂછી શકે કે, ‘તમે તો દાવો કરો છો કે, રામનામ બધા રોગનો રામબાણ ઇલાજ છે. હવે તમારું કયાં ગયું ?’ મને આ દાખલામાં નિષ્ફળતા મળી છે તે છતાં હું ફરીને જાહેર કરું છે કે, મારી શ્રદ્ધા જેવી ને તેવી અખંડ છે. રામનામ નિષ્ફળ જાય નહીં. નિષ્ફળતાનો અર્થ એટલો જ કે આપણામાં જ કંઇ ખામી છે. નિષ્ફળતાનું કારણ આપણે આપણી અંદર શોધવું જોઇશે.”

હરિજનબંધુ, ૧-૯-૧૯૪૬

૩૬. નામસાધનાનાં ચિહ્‌ન

રામનામ જેના હ્ય્દયમાંથી નીકળે તેની ઓળખ શી ? જો આપણે આટુલં ન જાણી લઇએ તો રામનામ બહુ વગોવવાનો સંભવ છે. આમ પણ વગોવાય તો છે જ. માળા પહેરી, તિલક તાણી, રામનામનો બબડાટ કરનાર ઘણા મળે છે. તેમાં વળી હું વધારો તો નહીં કરતો હોઉં ? એ ભય જેવોતેવો નથી. અત્યારના મિથ્યાચારમાં શું કરવું ઘટે ? પૌનસેવન ઠીક ન હોય ? હોઇ શકે. પણ તે કૃત્રિમપણે કદી નહીં જીવંત મૌનને સારુ પ્રૌઢ સાધના જોઇએ. તેની ગેરહાજરીમાં હ્ય્દયગત રામનામની ઓળખ વિચારીએ.

એક વાક્યમાં કહીએ તો એમ કહેવાય કે રામભક્તિ અને સ્થિતપ્રજ્ઞમાં ભેદ ન હોય. વિવેચનમાં પડતાં જોઇએ કે રામભક્ત પંચમહાભૂતનો સેવક હશે. તે કુદરતને અનુસરશે તેથી તેને કોઇ જાતનો વ્યાધિ નહીં હોય અને હશે તો તેને પાંચ મહાભૂતોથી નિવારશે. ગમે તે ઉપાયથી ભૌતિક દુઃખનું નિવારણ કરવું તે દેહીનું લક્ષણ નથી. દેહનું ભલે હોય, એટલે કે જેને મન દેહ જ દેહી છે, દેહથી ભન્ન દેહધારી આત્મા જેવું કંઇ તત્ત્વ નથી તે તો દેહને નિભાવવા પૃથ્વીની પ્રદક્ષિણા કરી છૂટશે, લંકા જશે. એથી ઊલટું જે દેહધારી એમ માનતો હશે કે આત્મા એ દેહમાં હોતો છતોદેહથી ભિન્ન છે, નિત્ય છે, અનિત્ય દેહમાં વસે છે, યથાયોગ્ય દેહની રક્ષા કરતો છતો દેહ જાય તો મૂંઝાતો નથી. દુઃખ માનતો નથી ને સહેજે તેનો ત્યાગ કરે છે, તે દેહધારી દાક્તર-વૈદ્યોમાં ભટકતો નથી, પોતે જ પોતાનો દાક્તર બને છે; સર્વ કર્મ કરતો તે આત્માનો જ વિચાર કરે છે. એ મૂર્છામાંથી ઊઠેલાની જેમ વર્તન રાખે છે.

આમ કરનાર પ્રત્યેક શ્વાસે રામરટણ કરે છે. ઊંઘતાં પણ તેનો રામ જાગે છે; ખાતાંપીતાં, ગમે તે ક્રિયા કરતાં તે સાક્ષી તો તેને મેલશે જ નહીં. તે સાક્ષીનું અલોપ થવું તે ખરું મૃત્યુ છે.

એ રામને પોતાની પાસે રાખવા સારુ કે પોતાને રામની પાસે રાખવા સારુ તે પંચમહાભૂતોની મદદ લઇ સંતોષ પામશે. એટલે તે માટી, પાણી, હવા, અજવાળું ને આકાશનો સહજ નિર્મળ અને વિધિસર ઉપયોગ કરી જે મળે તેથી સંતોષ માને. આ ઉપયોગ રામનામનો પૂરક ન ગણવો પણ રામનામની સાધનાની નિશાની છે. રામનામનેઆ સહાયકોની દરકાર નથી ને રામનામનો દાવો કરે એ બંધ બેસે તેમ નથી.

એક જ્ઞાનીએ મારું લખાણ વાંચી એમ લખ્યું કે રામનામ એવો કીમિયો છે કે તે શરીરનું પરિવર્તન કરે છે. જેમ કે વીર્યનો માત્ર સંગ્રહ દાટી રાખેલા ધનની જેમ છે. તેમાંથી અમોધ શક્તિ તો રામનામ જ ઉત્પન્ન જ ઉત્પન્ન કરી શકે. એકલો સંગ્રહ અકળામણ પેદા કરે, એનું પતન ગમે ત્યારે થાય. પણ તે જ્યારે રામનામના સ્પર્શથી ગતિમાન થાય છે. ઉર્ધ્વગામી થાય છે ત્યારે તેનું પતન અસંભવિત થાય છે.

શરીરપુષ્ટિને સારુ શુદ્ધ લોહીની જરૂર છે, આત્માની પુષ્ટિને સારુ શુદ્ધ વીર્યશક્તિનીજરૂર છે. આને દિવ્ય શક્તિ કહીએ. એ શક્તિ બધી ઇન્દ્રિયોની શિથિલતા મટાડી શકે છે. તેથી કહ્યું છે કે રામનામ હ્ય્દયમાં અંકિત થાય એટલે નવું જીવન શરૂ થાય. આ નિયમ જુવાન, બુઢ્ઢા, સ્ત્રી, પુરુષ બધાંને લાગુ પડે છે.

આનું સમર્થન પશ્ચિમમાં પણ મળે છે. ક્રિશ્ચિયન સાયન્સ નામે સંપ્રદાય એ જ નહીં તો એવું કંઇક કહે છે.

હિંદને આ સમર્થનની જરૂર નથી એમ માનું છું. કેમ કે હિંદમાં આ દિવ્ય વિદ્યા પ્રાચીન કાળથી ચાલી છે.

હરિજનબંધુ, ૨૯-૬-૧૯૪૭

૩૭. સર્વધર્મસમભાવ

(પ્રાર્થનાસભાને સંબોધીને કરેલા પોતાના પ્રવચનમાં) ગાંધીજીએ જણાવ્યું કે મારા પર કાગળોનો અને રોષે ભરેલા સવાલોનો ધોધ છૂટ્યો છે. મને પૂછવામાં આવે છે કે તમે તમારી જાતને મુસલમાન કહીને કેમ ઓળખાવો છો ? રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી એમ તમે શા માટે માનો છો ? ‘મને પોતાને કલમો પઢવાનો જરાયે વાંધો નથી’ એવું કહેવાની હદે તમે શા સારુ ગયા ?અને તમે પંજાબ કેમ જતા નથી ? એટલે તમે એક અધૂરા હિંદુ નથી કે ? તમે હિંદુ સમાજમાં પાંચમી કતારિયાનું કામ નથી કરતા કે ? અને તમારી અહિંસાથી હિંદુઓ નામરદ બનતા નથી કે ? આવા સવાલોવાળા કાગળો ઉપરાંત એક પરબીડિયું તો ‘મહમદ ગાંધી’ ને સરનામે મને મોકલવામાં આવ્યું હતું !

આ બધા સવાલો પૂછનારાઓ સાથે શાંતિથી કામ લાઉં છું ને તેમને ધીરજથી જવાબ આપું છું. હું સામેથી પૂછું છું કે થોડા લોકોનાં પાપને કારણે આખા ઇસ્લામ ધર્મને કેમ વખોડી શકાય ? હું પોતે સનાતની હિંદુ છું. અને હિંદુ ધર્મનો જ નહીં, સર્વધર્મનો સાર સર્વધર્મસમભાવ છે તેથી મારો દાવો છે કે હું એક સારો હિંદુ છું તેથી એક સારો મુસલમાન છું ને સારો ખ્રિસ્તી પણ છું. બીજાના કરતાં આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે. અહિંસાને માટે નમ્રતા પરમ આવશ્યક છે. અને હિંદુશાસ્ત્રોમાં કહ્યું નથી કે ઇશ્વરનાં સહસ્ત્ર નામ છે ? અને એક રહીમ શા સારુ ન હોય ? કલમામાં માત્ર ઇશ્વરની સ્તુતિ છે અને તેમાં મહમદને તેના રસૂલ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ઇશ્વરની સ્તુતિ કરવામાં અને બુદ્ધ તેમ જ જરથુષ્ટ્રને ઇશ્વરના પેગંબર તરીકે સ્વીકારવામાં મને વાંધો નથી તેવી જ રીતે મહમદને ખુદાના રસૂલ તરીકે સ્વીકારવામાં મને જરાયે સંકોચ થતો નથી

હરિજન, ૧૨-૪-૧૯૪૭

૩૮. સીચા રોશની

અફસોસ ! આજે હિંદમાં રામરાજ્ય નથી; તો પછી આપણે દિવાળીનો ઉજવણી કઇ રીતે કરી શકીએ ? રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલા હોય. કેમ કે માણસોનાં દિલને અથવા આત્માને અજવાળવાને એક ઇશ્વર જ સમર્થ છે અને એ અજવાળાની જ કિંમત છે. આજે પ્રાર્થનામાં ગવાયેલા ભજનમાં કવિ ઇશ્વરમાં કવિ ઇશ્વરમાં કવિ ઇશ્વરના દર્શનની વાત પર ભાર મૂકે છે. ટોળેટોળાં માણસોએ જલાવેલા દીવાની રોશની જોવાને જાય છે. પરંતુ આજે આપણને માણસના દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. એવું અજવાળું તમે સૌ તમારા દિલમાં પ્રગટાવો તો જ આજના દિવસે મુબારકબાદી મેળવવાને લાયક બનો. આજની ઘડીએ હજારો બલકે લાખો લોકો કારમી આફતમાં ઘેરાયા છે. તો શું તમારામાંથી એકેએક જણ હ્યદય પર હાથ મૂકીને કહી શકશે કે એ આફતમાં સપડાયેલાંઓમાં હિંદુ છે કે શીખ છે કે મુસલમાન છે એ વાતની જરાયે પંચાત ન કરતાં અમે તે બધાંને અમારાં ભાઈબહેન માનીએ છીએ ? આ તમારે સૌને માટેની કસોટી છે. રામ અને રાવણ દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચે માણસના દિલમાં ચાલતા આવેલા સનાતન દ્ધંદ્ધયુદ્ધનાં પ્રતીક છે અને તેથી અજવાળું એ દિલમાંથી પ્રગટ થવું જોઇએ.

હરિજનબંધુ, ૨૩-૧૧-૧૯૪૭

૩૯. અવસાનને આગલે દિવસે

(તા. રજીને દિવસે કિશોરલાલભાઇને મળેલા ગાંધીજીના હાથના લખેલા પોસ્ટકાર્ડની નકલ ઉતારી છે.-તંત્રી)

નવી દિલ્હી, ૨૯-૧-’૪૮, ચિ. કિશોરલાલ,

આજનો પ્રાર્થના પછીનો સમય કાગળો લખવાનો દઇ રહ્યો છું. શંકરનજીની દીકરીના મૃત્યુના સમાચાર તમે ઠીક આપ્યા. તેને કાગળ લખીનાખ્યો છે. મારા ત્યાં આવવાની વાત ઉડાઉ સમજજો. ત્યાં ૩-૧૨ લગી રહેવાની વાત ચલાવી રહ્યો છું. દિલ્હીમાં કર્યું કહેવાય તો પ્રતિજ્ઞાપાલન અર્થે રહેવાનું ન હોય. એનો આધાર અહીંના સાથીઓ ઉપર છે. કાલે નિશ્ચય કદાચ કરી શકાય. આવવાપણું રચનાત્મક કામ કરનારી સંસ્થાઓ ભેળ થઇ શકે કે નહીં એ વિચારવા ને જમનાલાલની તિથિ અર્થે રહે છે. મને શક્તિ ઠીક આવી રહે છે. આ વેળા કિડની ને લિવર બંને બગડ્યાં. મારી દૃષ્ટિએ રામનામની કચાશ.

બંનેને આશીર્વાદ

(નોંધ : શ્રી શંકરન સેવાગ્રામમાં હિંદુસ્તાની તાલીમી સંઘમાં શિક્ષક છે. ‘બંનેને આશીર્વાદ’ એટલે કે શ્રી કિશોરલાલને અને શ્રી ગોમતીબહેનને.)

હરિજનબંધુ, ૮-૨-૧૯૪૮

૪૦. પ્રાર્થનાપ્રવચનોમાંથી

૧. રામનામ - એનાં નિયમ અને શિસ્ત

પોતાના પ્રાર્થનાપ્રવચનમાં ગાંધીજીએ કહ્યું કે શરીરની બીમારીમાં રામનામ માણસને સહાયરૂપ થાય છે. પણ એને અંગેના નિયમો તેમ જ શિસ્ત તેણે પાળવાં જોઇએ. અકરાંતિયાની માફક ખાઇ માણસ ‘રામ રામ’ કરે અને પેટનો દુખાવો ન મટે તો મારો વાંક ન કાઢી શકે. વળી રામનામ લેતો કે મુક્તિની આશા ન રાખી શકે. જેઓ આત્મશુદ્ધિને માટે જરૂરી નિયમપાલનને માટે તૈયાર હોય તેમને માટે જ રામનામનો ઇલાજ છે.

મુંબઇ, ૧૫-૩-૧૯૪૬

૨. રામબાણ ઇલાજ

ઊરુળીકાંચનમાં પ્રાર્થનાસભાને સંબોધીને ગાંધીજીએ કહ્યું કે, શરીરના તેમ જ મનના સર્વ આધિવ્યાધિને માટે રામધૂન રામબાણ ઇલાજ છે. વળી ઔષધોથી માણસને સાજો કરવાની કોઇ દાક્તર કે વૈદ્ય બાંયધરી આપતા નથી. પછી આગળ ચાલતાં તેમણે ઉમેર્યું કે, “તમે ઇશ્વરની અંતરથી પ્રાર્થના કરો તો તે તમને તમારી બીમારીમાંથી કે ચિંતમાંથી ઉગાર્યા વિના નહીં રહે.” પરંતુ રામધૂનમાં પૂરા દિલથી ભાગ લે તો જ. પ્રાર્થના સફળ થાય અને માણસને શાંતિ તેમ જ સુખનો અનુભવ થાય.

આ ઉપરાંત રામનામનો ઇલાજ પૂરો અસરકારક બનાવવા બીજી પણ કેટલીક શરતો પાળવાની રહે છે. તે માટે માણસે યોગ્ય આહાર લેવો જોઇએ, પૂરતી ઊંઘ લેવી જોઇએ અને ક્રોધને વશ ન થવું જોઇએ. ઉપરાંત, માણસે કુદરત સાથે પૂરો મેળ સાધી તેના નિયમોનું પાલન કરવું જોઇએ.

પૂના, ૨૨-૩-૧૯૪૬

૩. તાલીમની જરૂર

પ્રાર્થના પૂરી થયા બાદ પ્રાર્થના માટે એકઠી મળેલી સભાને સંબોધીને ગાંધીજીએ જણાવ્યું કે, પ્રામાણિક તેમ જ સાચા દિલનાં સ્ત્રીપુરુષો મને આવીને કહે છે કે ગમે તેટલી કોશિશ કરવા છતાં રામનામ અમારા અંતરમાંથી ઊઠતું નથી. એવાં ભાઇબહેનોનેહું કહું છું કે તમારી કોશિશમાં અખૂટ ધીરજથી મંડ્યાં રહો. એક વિદ્યાર્થીને સારો દાક્તર થવાને સોળ વરસ સુધી સખત અભ્યાસ કરવો પડે છે. તો પછી વિચાર કરો કે રામનામને હ્યદયમાં સ્થિર કરવાને કેટલા વધારે સમયની જરૂર પડે !

નવી દિલ્હી, ૨૦-૪-૧૯૪૬

૪. આંતરબાહ્ય શુદ્ધિ

રામનામનો જપ કરી અંતરની શુદ્ધિ કરનારો માણસ બહારની ગંદકીને કેમ નભાવી લેશે ? લાખો લોકો અંતરની સાચી ઊલટથી રામનામ લે તો સમાજનેલાગુ પડેલી બીમારી જેવાં હુલ્લડો ન થાય અને કોઇની બીમારી પણ ન આવે. પછી આ પૃથ્વી પર રામરાજ્યનો સાચો અમલ શરૂ થાય.

નવી દિલ્હી, ૨૧-૪-૧૯૪૬

૫. રામનામનો ગેરઉપયોગ

ગાંધીજીએ ત્યાર પછીનાં પોતાનાં બે પ્રવચનોમાં કુદરતી ઉપચાર અથવા આધ્યાત્મિક, માનસિક તેમ જ શારીરિક સર્વે આધિવ્યાધિને મુખ્યપણે રામનામના ઇલાજથી મટાડવાનો વિષય ચર્ચ્યો. એક પત્ર લખનારે ગાંધીજીને જણાવ્યું હતું કે કેટલાક લોકો વહેમના માર્યા પોતાનાં કપડાં પર રામનામ લખે છે ને ‘પોતાના હ્ય્દયસરસું રામનામને રાખવાને’ તે કપડું છાતી પર પહેરે છે ! બીજા વળી ખૂબ ઝીણા અક્ષરે કરોડો વખત રામનું નામ એક કાગળના ટુકડા પર લખી જાય છે, પછી તે કાગળના કાપીને ઝીણા ઝીણા કટકા કરે છે તે બધા કકડાને ગળી જાય છે અને પછી એવો દાવો કરે છે રામનામે અમારા શરીરના અણુએ અણુમાં પ્રવેશ કર્ય ! બીજા એક લખનારે ગાંધીજીને પુછાવ્યું હતું કે, તમે રામનામનો રામબાણ ઇલાજ સર્વ આધિવ્યાધિને માટે સૌને બતાવો છો, તે રામ ઇશ્વરના કૃપાપાત્ર હતા અને દશરથના વંશજ તેમ જ અયોધ્યાના રાજા હતા તેથી, કે બીજા કોઇ હેતુથી ? એમ માનનારા લોકોયે છે કે, ગાંધીજી જાતે ભ્રમિત પાગલ છે અને હજારો વહેમોથી લદાયેલા આ મુલકમાં એક વધારે વહેમનો ઉમેરો કરી બીજા લોકોને ભરમાવે છે. આવી ટીકાનો ગાંધીજી પાસે શો જવાબ હોય ? તેમણે માત્ર પોતાની જાતને કહ્યું કે, બીજા સત્યનો લગી દુરુપયોગ કરે અને તેને નામે દગો રમે એમાં તારે શું ? જ્યાં લગી તને તારા સત્યને વિશે ભરોસો છે ત્યાં લગી તેનો દુરુપયોગ થશે યા તે કોઇને ઊંધું સમજાશે, એવા ડરના માર્યા તારાથી તેને જાહેર કર્યા વિના કેમ રહેવાય ? “આ દુનિયામાં સ્વતંત્ર, નિરપેક્ષ સત્યનો માલિક કોઇ નથી. તે કેવળ ઇશ્વરનું લક્ષણ છે. આપણે તો આપણી મર્યાદા સાપેક્ષ સત્યને જ જાણી શકીએ. તેથી આપણે જેવું જોઇએ તેવા સત્યને આધારે જ ચાલીએ. સત્યની આવી ઉપાસના કોઇને આડે માર્ગ કેમ લઇ જાય ?”

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૬. રામનામ કેવી રીતે લેશો ?

બીજે દિવસે ગાંધીજીએ પોતના પ્રવચનમાં, માણસ જે આધિ, વ્યાધિ તેમ જ ઉપાધિ એમ મનના, તનના અને હ્ય્દયના વિકારોને આધીન છે, તેમનો રામનામ સચોટ ઇલાજ થાય તે માટેની શરતોનો ખુલાસો કર્યો. પહેલા શરત તો એ કે, રામનામ અંતરના ઊંડાણમાંથી, દિલથી લેવું. પણ અંતરના ઊંડાણમાંથી અથવા દિલથી લેવું એટલે શું કરવું ? પોતાના શરીરનાં દર્દો, જે મનનાં તેમ જ આત્માનાં દર્દો કરતાં નજીવાં ગણાય, તેમનો ઇલાજ શોધવાને સારુ માણસો આખી ધરતી ખૂંદી વળવામાં પાછું ફરીને જોતા નથી. “માણસનો આ દેહ આખરે નાશવંત છે. તે છે જ એવો કે, કાયમ ટકે નહીં. છતાં માણસો તેને જ પોતાનું સર્વસ્વ માનીને વળગે છે અને અંતરમાં રહેલા અમર આત્માને વિસારી મૂકે છે.” રામનામને માનનારો દેહને કદી પોતાનું સર્વસ્વ ન માને, ઇશ્વરની સેવા કરવાને આપણને આ એક ઉમદા સાધન મળેલું છે એમ માને, અને તે સેવાને માટે શરીરને સંપૂર્ણ ઓજાર બનાવવાને રામનામ જેવો રામબાણ ઉપાય બીજો નથી.

રામનામને હ્ય્દયમાં કાયમનું અંકિત કરવામાં અખૂટ ધીરજ જોઇએ. તેમાં યુગના યુગ વહી જાય એમ બને. પણ તે છતાં એ મહેનત કરી જોવા જેવી છે. અને છતાં સૌ યાદ રાખજો કે આખરનું ફળ આપવાનું કેવળ ઇશ્વરના હાથમાં છે અને તેની કૃપા પર અવલંબે છે.

અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે. દરરોજ સાંજે પ્રાર્થનામાં આપણે સૌ ભેગા મળીને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવનારા શ્લોકો બોલીએ છીએ. તમારામાંનાં એકેએક સ્ત્રી કે પુરુષ, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, કેવળ સેવા કરવાના હેતુથી શરીર નભાવવાને ખાતર ખાઓ કે પીઓ, આનંદ કે આરામ લો તો સ્થિતપ્રજ્ઞ થાઓ એમાં જરાયે શક નથી. માણસનો પોતાના મનમાં ચાલતા વિચારો પર કાબૂ ન હોય, વળી ધારો કે, માણસ ઉંદરના દર જેવા ઘરમાં બધાં બારીબારણાં વાસીને સૂઇ જાય ને મેલી હવા પોતાનાં ફેફસાંમાં ભર્યા કરે અને પાણી સ્વચ્છ ન પીતાં મેલું પીએ તો તેનું રામનામ લીધેલું ફોકટ સમજજો.

પણ આનો એવો અર્થ ન કરશો કે ચાલો આપણામાં તો જોઇતી શુદ્ધિ કે ચોખ્ખાઇ નથી, તો રામનામ લેવામાં ફાયદો નથી એટલે તે મૂકી દઇએ. એ શુદ્ધિ મેળવવા માટે પણ રામનામનું રટણ એ જ ઉપાય છે. “જે પોતાના દિલથી રામનું નામ રટે છે તેને તપ અને સંયમ સહેલાં થઇ જાય છે અને તંદુરસ્તીના ને તેને સાચવવાના નિયમોનું પાલન તેના સ્વભાવનું અંગ બને છે. તેનું જીવન સીધે સરળ રસ્તે ચાલે છે. તે કોઇને ઇજા કરવાની ઇચ્છા નહીં રાખે. બીજાનાં દુઃખોનું નિવારણ કરવાને ખાતર જાતે દુઃખ સહન કરવાનું તેના જીવનનો એક ભાગ બની તેને અનિર્વચનીય એવી શાશ્વત શાન્તિથી ભરી દેશે.” તે પછી ગાંધીજીએ આખરે જણાવ્યું કે, આથી તમે સૌ જાગતા હો તે દરમિયાન ખંતથી રામનામ લેવાનું અખંડ ચાલુ રાખો. પછી આખરે તે તમારા દિલમાં જડાઇ જશે, ઊંઘમાંયે તેનું તમને વિસ્મરણ નહીં થાય અને તમે ઇશ્વરની કૃપાના એવા અધિકારી થશો કે તમારાં શરીર, મન અને આત્મા સંપૂર્ણપણે નીરોગ રહેશે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૭. મૌન વિચારનું સામર્થ્ય

રવિવારે સાંજે પોતાનો કાર્યક્રમ જાહેર કરતાં તેમણે જણાવ્યું કે, મારી સાથે રામનામની ધૂનમાં જોડાવાને અથવા કહો કે ધૂન કેમ ગાવી તે શીખવાને તમે સૌ અહીં આ પ્રાર્થનાસભામાં આજ સુધી રોજ આવતાં હતાં. રામનામ મોઢાના બોલથી શીખવી શકાતું નથી. પરંતુ મોઢાના બોલ કરતાં મૌન વિચાર વધારે સમર્થ છે. “એક જ સાચો વિચાર આખી દુનિયાને છાઇ વળે. તે કદી મિથ્યા જતો નથી. વિચારને શબ્દોમાં કે કાર્યમાં ઉતારવાના પ્રયાસમાં જ તે કુંઠિત થાય છે. શબ્દોથી કે કાર્યથી પોતાના વિચારને સંપૂર્ણપણે વ્યક્ત કરવાનું તમે જાણ્યો છે ખરો ?”

પછી ગાંધીજી આગળ બોલ્યા, “તો કાયમનું મૌન લઇ કાં ન બેસી જઇએ ? તાત્ત્વિક રીતે એ બની શકે. પણ કર્મનું સ્થાન મૂક વિચાર પૂરેપૂરું લઇ શકે તે માટેની શરતો પૂરી કરવાનું કામ બહુ કઠણ છે.” વિચારની જરૂરી એકાગ્રત કે તેના પર જરૂરી કાબૂ મેળવ્યાનો દાવો હુંનથી કરી શકતો. મારા મનમાં નકામા કે અપ્રસ્તુત વિચારોને આવતા તદ્દન અટકાવવાનું હજી મારાથી બનતું નથી. તે દશા સિદ્ધ કરવાને માટે અખૂટ ધીરજ, અખંડ જાગૃતિ અને કઠોર તપશ્ચર્યાની જરૂર છે.

એ જ વિષય ચાલું રાખી તેમણે આગળ જણાવ્યું કે, ગઇ કાલે મેં તમને કહ્યું કે રામનામની શક્તિનો કોઇ અંત નથી ત્યારે એ કોઇ ઇતિશયોક્તિની કે અલંકારની ભાષા નહોતી. પણ તે શક્તિ અનુભવવાને માટે રામનું નામ તદ્દન સ્વચ્છ હ્ય્દયમાંથી નીકળવું જોઇએ. એવી સ્થિતિ મેળવવાને હું મથ્યા કરું છું. મારા મનમાં એ સ્થિતિની કલ્પના હું કરી શકું છું. પણ આચારમાં હજી તે સિદ્ધ થઇ નથી. એ દશાએ પહોંચ્યા પછી રામનામ લેવાની પણ જરૂર રહેતી નથી.

હું આશા રાખું છું કે મારી ગેરહાજરી દરમિયાન તમારે ત્યાં પોતપોતાને ઘેર તમે સૌ એકલા એકલા કે બીજાઓ સાથે ભેગા મળીને રામનામ લેવાનું ચાલુ રાખશો. સામુદાયિક પ્રાર્થનાનું રહસ્ય એ છે કે પ્રાર્થના દરમિયાન એક વ્યક્તિમાંથી બીજા પર પહોંચતો મૂક પ્રભાવ સૌને પોતપોતાની આધ્યાત્મિક સાધનામાં સહાયરૂપ થાય છે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૮. રામનામનો મંત્ર

આજે પ્રાર્થનાપ્રવચનમાં રામનામનો શાંતિવાહક સંદેશો આપતાં ગાંધીજીએ કહ્યું, “રામનામ કેવળ થોડા માણસોને માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે તે પોતાને માટે ખજાનો એકઠો કરે છે. એ ખજાનો એવો છે જે કદી ખૂટતો નથી. તેમાંથી જેટલું કાઢો તેટલું ભરાયા કરે છે. તેનો અંંત નથી. જેમ ઉપનિષદ કહે છે તેમ, ‘પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોયે પૂર્ણ જ શેષ રહે છે,’ રામનામ શરીરના, મનના અને આત્માના, એમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિનો શરતી ઇલાજ છે.”

રામનામનો જપ પણ અંતરાયરૂપ થઇ પડે એવા સમયની હું ઉત્સુકતાથી વાટ જોઇ જ રહ્યો છું. રામ વાણી અથવા શબ્દથીયે પર છે એ મને સાક્ષાત્કાર થશે ત્યારે મારે તેનું નામ જપવાની જરૂર નહીં રહે. - ‘યંગ ઇન્ડિયા’, ૧૪-૮-૧૯૪૨.

પણ તેની શરત છે. તે એ કે, રામનું નામ દિલમાંથી ઊઠવું જોઇએ. “બૂરા વિચારો તમારા મનમાં આવે છે ? કામ અને લોભ તમને સતાવે છે ? એ દશામાં રામનામ જેવો બીજો કીમિયો નથી.” પછી પોતાનું કહેવાનું ગાંધીજીએ એક દાખલો આપીને સમજાવ્યું. “ધારો કે તમને લાલચ થઇ આવી કે, વગર મહેનતે, બેઇમાનીને રસ્તે, લાખો રૂપિયા જોડી લઉં. પણ તમે વિચાર કરો કે, મારાં બૈરીછોકરાંને માટે આવો પૈસો શું કામ એકઠો કરું ? બધા મળીને તે ઉડાવી નહીં મારે ? સારી ચાલચલગત, સારી કેળવણી અને સરસ તાલીમના રૂપમાં તેમને માટે એવો વારસો કેમ ન મૂકી જાઉં કે બચ્ચાં મહેનત કરીને પ્રામાણિકપણે પોતાની રોજી કમાય ? આવું બધું તમે જરૂર વિચારતા હશો પણ તેનો અમલ નથી કરી શકતા. પરંતુ રામનામ અખંડ રટશો તો એક દિવસ તે તમારા કંઠમાંથી હ્ય્દય સુધી ઊતરી જશે અને પછી રામબાણ બની જશે, તમારા બધા ભ્રમ ટાળશે, જુઠો મોહ અને અજ્ઞાન જે હશે તેમાંથી તમને છોડાવશે. પછી તમને તરત સમજાશે કે, હું કેવો પાગલ કે મારાં બાળબચ્ચાંને માટે જેની કિંમત કોઇથી થઇ નથી, જે મનને એક ડાળ પરથી બીજી પર વાંદરાની જેમ ભટકવા દેતો નથી, જે મુક્તિનો આપનાર છે, તે રામનામરૂપી ખજાનો મૂકી જવાને બદલે કરોડો રૂપિયા એકઠા કરીને મૂકી જવા ધારતો હતો ! પછી તમારા આનંદનો પાર નહીં રહે. તમે તમારાં બાળકોને અને પત્નીને કહેશો કે, ‘હું કરોડો કમાવા નીકળેલો પણ તે ભૂલી ગયો; પણ બીજો કરોડોનો ખજાનો લાવ્યો છું.’ તમારી સ્ત્રી તમને પૂછશે, ‘બતાવો તો ખરા ! એ હીરો કેવો છે ?’ જવાબ આપતાં તમારી આંખો હસે છે, મોં મલકાય છે. ધીરેથી તમે તેને કહો છો, ‘જે કરોડોનો પણ ધણી છે તેને હ્યદયમાં બેસાડીને લાવ્યો છું. હવે તું ને હું અને બાળકો સૌ આનંદથી રહીશું.’”

હરિજનબંધુ, ૧૬-૬-૧૯૪૬

૯. સર્વ પ્રાર્થનાનો મર્મ

સાંજની પ્રાર્થના પૂરી થયા પછી પ્રાર્થનાસભામાં એકત્ર થયેલાં ભાઇબહેનોને સંબોધીને ગાંધીજી બોલ્યા કે, તમે સૌ રોજ સાંજસવાર તમારે ઘેર નિયમિત રીતે પ્રાર્થના કરતાં રહો એવી હું અપેક્ષા રાખું છું. એ માટે તમારે ન શીખવા હોય તો સંસ્કૃત શ્લોકો શીખવાની જરૂર નથી. એ માટે રામધૂન પૂરતી છે. પ્રાર્થનામાત્રનો મર્મ એટલો જ છે કે આપણે આપણા અંતરમાં રામની સ્થાપના કરીએ. એટલું તમે સૌ કરી શકો તો તમારું, સમાજનું અને જગતનું કલ્યાણ થયા વિના ન રહે.

મસૂરી, ૮-૬-૧૯૪૬

૧૦. નર્યો દંભ

રામનું નામ લેવું ને રાવણનું કામ કરવું, એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી નહીં શકીએ.

હરિજનબંધુ, ૨૩-૭-૧૯૪૬

૧૧. ઇશ્વરના નામરૂપી અમૃત

પ્રાર્થના પછી ગવાયેલા મીરાંબાઇના ભજન ઉપર વિવેચન કરતાં ગાંધીજીએ કહ્યું કે, આ ભજનમાં ભક્ત પોતાના આત્માને ઇશ્વરના નામરૂપી અમૃત ધરાઇને પીવાને કહે છે. ભૌતિક ખોરાક અને પીણાંઓથી માણસ ઓચાઇ જાય છે. (એટલે કે તેને તે ખોરાક અને પીણાંની સૂગ આવવા માંડે છે અને વધારે પડતુ ખાવાથી કે પીવાથી માણસ બીમાર પડે છે. પરંતુ ઇશ્વરના નામરૂપી અમૃત પીવાને એવી કોઇ મર્યાદા નથી. એ અમૃતની ખૂબી એવી છે કે તે જેમ પિવાય તેમ તેની તરસ વધે છે, પરંતુ એની શરત એ કે એ અમૃત હ્ય્દય વસી જવું જોઇએ. એમ થાય ત્યારે આપણા સર્વ ભ્રમો, આપણી સર્વ આસક્તિઓ, કામ, ક્રોધ અને મત્સર વગેરે ખરી પડે છે. જરૂર માત્ર ધીરજથી મંડ્યા રહેવાની છે. આવા પ્રયાસને સફળતા મળ્યા વિના કદી ન રહે.)

નવી દિલ્હી, ૧૮-૬-૧૯૪૬

૧૨. શ્રદ્ધાઓ મર્મ

આજે પ્રાર્થનાસભા આગળના પ્રવચનમાં ગાંધીજીમાં અસીમ શ્રદ્ધાનીછાય જણાતી હતી. ભાગવતના શણગારરૂપ ગજેન્દ્ર અને ગ્રાહના રૂપકનું રહસ્ય સમજાવતાં તેમણે કહ્યું, “એ વાતનો બોધ એ છે કે ઇશ્વર કસોટીની વેળાએ પોતાના ભક્તોને છેહ દેતો નથી. શરત એટલી કે ઇશ્વર પર જીવંત શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોવાં જોઇએ. શ્રદ્ધાની કસોટી એ છે કે, આપણું કર્તવ્ય બજાવ્યા પછી ઇશ્વર જે કંઇ મોકલે તે વધાવી લેવાને આપણે તત્પર હોવું જોઇએ. પછી તે હર્ષ હોય કે શોક, સુભાગ્ય હોય કે દુર્ભાગ્ય. જનક રાજાને જ્યારે ખબર આપવામાં આવી કે તમારી રાજધાની ભડકે બળી રહે છે ત્યારે તેમણે કહ્યું કે એમાં મારે શું ? એવું નિર્લેપ વલણ તો જ આપણે રાખી શકીએ. તેમની આ નિર્લેપતા અને સમતાનું રહસ્ય એ જ છે કે, તે સદાયે જાગ્રત હતા, પોતાના કર્તવ્યના પાલનમાં કદી ચૂકતા નહીં. પોતાનું કર્તવ્ય બજાવ્યા પછી બાકીનું તે ઇશ્વર ઉપર છોડી શકતા.”

“દયામય વિધાતા ઘણુંંખરું ભક્તોને આપત્તિમાંથી ઉગારશે જ, પરંતુ આપત્તિ આવી જ પડે, તો પોતાના દુર્ભાગ્યનાં રોદણાં ન રડતાં સ્વસ્થ ચિત્તે અને જેવી હરિઇચ્છા એમ કહીને આનંદથી તે સહેશે.”

હરિજનબંધુ, ૭-૭-૧૯૪૬

૧૩. રામનામનું રહસ્ય

પૂનામાં પ્રાર્થનાસભા સમક્ષ કરેલા પોતાના એક પ્રવચનમાં ગાંધીજીએ સવાલ કર્યો કે, “શું હું ખરેખર એકનવા વહેમનો પ્રચાર કરું છું ? ઇશ્વર કોઇ એક વ્યક્તિ નથી. તે સર્વવ્યાપી, સર્વશક્તિમાન પરમાત્મા છે. જે કોઇ તેને પોતાના હ્યદયમંદિરમાં સ્થાપે છે, તેને વરાળ અને વીજળીની ભૌતિક શક્તિ સાથે સરખાવી શકાય તેવી, છતાં તે શક્તિઓથી કેટલીયે સૂક્ષ્મ અદ્‌ભૂત શક્તિનો ભંડાર પ્રાપ્ત થાય છે.” રામનામ કંઇ ધંતરમંતર નથી. રામનામમાં જે જે કંઇ સમાય છે તે બધું સ્વીકારીને તેનું રટણ કરવું જોઇએ. રામનામ ગણિતવિદ્યાના સૂત્ર જેવું છે, જેમાં અનંત શોધખોળ અને અનંત પ્રયોગોનાં પરિણામોનો અત્યંત ટૂંકમાં સાર ભેગો કરેલો હોય છે. કેવળ પોપટની જેમ યંત્રવત્‌ રામનામ લેવાથી બળ મળતું નથી. એ બળ અથવા શક્તિ મેળવવાને સારુ રામનામના રટણની શરતો સમજી લઇ તેમનો અમલ કરી, તેમને જીવનમાં ઉતારવી જોઇએ. ઇશ્વરનું નામ લેવું હોય તો લેનારે ઇશ્વરમય જીવન ગાળવું જોઇએ.

હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૬

૧૪. અંતરની અને બહારની સ્વચ્છતા

ડૉ. દિનશા મને કહેતા હતા કે, ‘અહીંનાં જાજરૂ એવાં મેલાં છે કે મારાથી વાપરી શકાતાં નથી. અહીં એટલી બધી માખી છે કે તમને કશોક ચેપલાગી જશે ને તમે માંદા પડી જશો એવી મને ધાસ્તી રહે છે.’ આની તો મને ઝાઝી ફિકર નથી. આજે મારી સંભાળ બે દાક્તરો રાખે છે, છતાં હું તો એક ઇશ્વર વિના બીજા કોઇના પર આધાર રાખતો નથી. તે સર્વ શક્તિમાન મારી તબિયતની સંભાળ રાખનારો બેઠો છે. પણ મારા સાથીઓને મારા જેવો ઇશ્વર પર ઇતબાર નથી. એટલે તેમની મને ચિંતા રહે છે. હું એમ વિચાર કરું છું કે, હવે ફરી અહીં આવું ત્યારે હું અહીં એકલો જ રહીશ. આજે મને એક મુકાદમના ઘરમાં ઉતારો મળ્યો છે. મને નવાઇ થાય છે કે એ મુકાદમ અને અહીંની સફાઇના કામની જવાબદારી જેમની છે તે લોકો અને ઇજનેર ખાતાના લોકો આવી ગંદકી શું જોઇને ચલાવી લેતા હશે ? હું અહીં આવીને રહું અને છતાં આ જગાને તંદુરસ્તીને અનુકૂળ અને સ્વચ્છ રાખવાને તમને સમજાવી ન શકું, તો મારું અહીં આવ્યું ન આવ્યું સરખું જ છે.

હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૬

પ્રાર્થના પૂરી થયા બાદ પોતાનું પ્રવચન શરૂ કરતાં ગાંધીજી બોલ્યા કે, મને થયેલી ઉધરસ હઠતીનથી તેથી પોતાને ચિંતા થાય છે એવી મતલબના કાગળો તેમ જ સંદેશાઓ મિત્રો તરફથી મને હમણાં હમણાં મળે છે. આ લાઉડસ્પીકર મારા બોલ સૌને સંભળાય એ રીતે ફેલાવે છે તેની સાથે મને આવતી ઉધરસનો અવાજ પણ ઘણા કાન પર પહોંચાડી દે છે. અલબત્ત, સાંજને પહોરે ખુલ્લામાં ઘણી વાર ઉધરસનો ઉપદ્રવ વધે છે. પાછલા ચાર દિવસથી જોકે ઉધરસનું જોર નરમ પડ્યું છે. તેનાથી મને થતી હેરાનગતિ પણ ઓછી થઇ છે અને હું આશા રાખું છું કે હવે તે તદ્દન મટી જશે. મારી ઉધરસ હઠતી નથી અને ચાલુ રહી તેનું એક કારણ એ છે કે એને માટે દવા લેવાનો મેં ઇન્કાર કર્યો હતો. ડૉ. સુશીલા નય્યર મને કહે છે કે, ઉધરસ અને શરદીની શરૂઆતમાં જ તમે પેનિસિલીન લઇ લીધું હોત તો ત્રણ દિવસમાં તમે સાજા થઇ જાત. એ નહીં લો તો સાજા થતાં ત્રણ દિવસને વિશે મને જરાયે શંકા નથી પરંતુ હું એવું પણ માનું છું કે રામનામ સર્વ આધિ, વ્યાધિ ને ઉપાધિનો રામબાણ ઇલાજ છે અને તેથી બાકીના બીજા બધા ઉપચારોથી ચઢિયાતો છે. આજે મારી આસપાસ ચારે કોર દાવાનળ સળગી રહ્યો છે ત્યારે ઇશ્વરને વિશે જ્વલંત શદ્ધા રાખવાની મારે વિશેષ જરૂર છે. એક ઇશ્વર જ એ દાવાનળ ઠારવામાં લોકોને સહાય કરવાને સમર્થ છે. તેને મારી પાસે કામ લેવું હશે તો તે મને જીવતો રાખશે અને નહીં તો પોતાની પાસે તેડી લેશે.

અત્યારે જ પ્રાર્થનામાં તમે સૌએ જે ભજન સાંભળ્યું તેમાં કવિ માણસને રામનામને વળગી રહેવાનો આગ્રહ કરે છે. તે જ એક માણસનો આધાર છે. તેથી આજને કટોકટીને વખતે મારો ઇરાદો દવાદારૂનો ઇલાજ ન કરતાં કેવળ ઇશ્વરને શરણે જવાનો છે.

હરિજનબંધુ, ૨૬-૧૦-૧૯૪૭

૪૧. રોજનો સુવિચાર

બીમારીમાત્ર માણસને માટે શરમની વાત હોવી જોઇએ. બીમારી કોઇ પણ દોષની સૂચક છે. જેનું તન, મન, સર્વથા સ્વસ્થ છે તેને બીમારી થવી ન જોઇએ.

-સેવાગ્રામ, ૨૬-૧૨-’૪૪

વિકારી વિચાર પણ બીમારીની નિશાની છે. તેથી, આપણે સૌ વિકારી વિચારથી દૂર રહીએ.

-સેવાગ્રામ, ૨૭-૧૨-’૪૪

વિકારી વિચારથી દૂર રહેવાનો એક અમોધ ઉપાય-રામનામ-છે. નામ કંઠમાંથી જ નહીં, પણ હ્ય્દયમાંથી નીકળવું જોઇએ.

-સેવાગ્રામ, ૨૮-૧૨-’૪૪

વ્યાધિ અનેક છે, વૈદ અનેક છે, ઉપચાર પણ અનેક છે. વ્યાધિને એક જ ગણીએ ને તેને મટાડનારો વૈદ એક રામ જ છે એમ સમજીએ તો ઘણી માથાફૂટમાંથી બચી જઇએ.

-સેવાગ્રામ, ૨૯-૧૨-’૪૪

વૈદ્યો ને દાક્તરો જેઓ મરે છે તેમની પાછળ આપણે ભટકીએ છીએ. પણ રામ જે મરતો નથી, હંમેશાં જીવે છે અને જે અચૂક વૈદ છે એને આપણે ભૂલી જઇએ છીએ, એ આશ્ચર્યની વાત છે.

-સેવાગ્રામ, ૩૦-૧૨-’૪૪

એથીયે વધારે આશ્ચર્યની વાત તો એ છે કે આપણે જાણીએ છીએ કે આપણે પણ મરવાના તો છીએ જ, બહુ કરીએ તોયે તેને માટે ખુવાર થઇએ છીએ.

-સેવાગ્રામ, ૩૧-૧૨-’૪૪

એ જ રીતે વૃદ્ધ, બાળક, યુવાન, ધનિક, ગરીબ સૌને મરતાં જોઇએ છીએ તોપણ આપણે સંતોષથી બેસવા માગતા નથી. પણ થોડા દિવસ જીવવાને માટે રામને છોડીને બીજા બધા પ્રયત્નો કરીએ છીએ.

-સેવાગ્રામ, ૧-૧-’૪૫

આટલું સમજીને આપણે જે વ્યાધિ આવે તે રામભરોસે રહીને વેઠી લઇએ અને આપણું જીવન આનંદમય બનાવીને ગુજારીએ તો કેવું સારું !

-સેવાગ્રામ, ૨-૧-’૪૫

ધાર્મિક મનાતો માણસ માંદો પડે તો તેનામાંં કંઇક ને કંઇક ધર્માચરણની ખામી રહી ગઇ છે એમ સમજવું જોઇએ.

-સેવાગ્રામ, ૨૨-૪-’૪૫

માણસના પ્રયત્ન છતાં તેનું મન મેલું રહેતું હોય તો રામનામનો જ તેણે આશરો લેવો રહ્યો.

-મદ્રાસ પહોંચતાં, ૨૧-૧-’૪૬

જેમ જેમ વધારે વિચાર કરું છું તેમ તેમ મને વધારે ને વધારે ભાન થતું જાય છે કે અંતરથી ને સમજપૂર્વક રામનામ લેવું એ સર્વ પ્રકારના વ્યાધિઓનો ઇલાજ છે.

-ઊરુળી, ૨૨-૩-’૪૬

આસક્તિ, રાગ, દ્ધેષ વગેરે પણ રોગો છે અને શરીરના રોગો કરતાંય ભૂંડા છે. રામનામ વિના એમને માટે બીજો ઇલાજ નથી.

-ઊરુળી, ૨૩-૩-’૪૬

શરીરના મેલ કરતાં મનનો મેલ વધારે નુકસાન કરે છે; શરીરની બાહ્ય સ્વચ્છતા જોકે અંતરની સ્વચ્છતાની દ્યોતક છે.

-ઊરુળી, ૨૪-૩-’૪૬

ઇશ્વરનું શરણું લેવાથી જે આનંદ અને સુખનો અનુભવ થાય છે તેનું વર્ણન કોણ કરી શકશે ?

-ઊરુળી, ૨૪-૩-’૪૬

રામનામનું રટણ કરવાની શરતો જે પૂરી કરે છે તેમને જ તે સહાયરૂપ થાય છે.

-નવી દિલ્હી, ૮-૪-’૪૬

રામને છાજે એવી સેવા ન થતી હોય તો રામનામનું રટણ મિથ્યા છે.

-નવી દિલ્હી, ૨૧-૪-’૪૬

માંદગીને લીધે મરે છે તેના કરતાં માંદગીના ડરથી વધારે માણસો મરણને શરણ થાય છે.

-સિમલા, ૭-૫-’૪૬

આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેને માટે રામનામ રામબાણ ઇલાજ છે.

-નવી દિલ્હી, ૨૪-૫-’૪૬

રામનામને શરણે જનારની બધી આશા પૂરી પડે છે.

-નવી દિલ્હી, ૨૫-૫-’૪૬

રામનામરૂપી અમૃતનું પાન કરવાની આકાંક્ષા રાખનારે કામક્રોધાદિ શત્રુઓને અંતરમાંથી હાંકી કાઢવા જોઇએ એમાં કંઇ શક છે કે ?

-નવી દિલ્હી, ૨૦-૫-’૪૬

બધાં રૂડાં વાનાં હોયત્યોર અલબત્ત સૌ કોઇ ઇશ્વરનું નામ લે છે; પણ જ્યારે બધું વાંકું પડવા બેઠું હોય ત્યારેયે ઇશ્વરનું નામ લેવું ન છોડે તે જ સાચો ભક્ત છે.

-મુંબઇ, ૬-૭-’૪૬

રામનામનું અમૃત આત્માને આનંદ આપનારું અને દેહના રોગોને હરનારું છે.

-પૂના, ૯-૭-’૪૬

૪૨. બે પત્રો

યરવડા મંદિર,

નવેમ્બર ૧૨, ૧૯૩૦

પ્રિય . . .

તારા શરીરના આરોગ્યને માટે તારે સિટ્‌ઝ અને સૂર્યસ્નાન કરવું જોઇએ. અને મનની શક્તિને માટે રામનામ જેવી બીજી ઔષધિ નથી. કામક્રોધ કે રાગદ્ધેષ જેવો કોઇ આવેગ તને કનડે ત્યારે તારી જાત પર કાબૂ રાખ. ઇશ્વરના છત્ર નીચે ચાલવાનો એકમાત્ર રસ્તો તેની સૃષ્ટિની સેવા કરવાનો છે. બલકે, ઇશ્વરની રહેમ અથવા તેના જ્ઞાનનો બીજો અર્થ જ નથી.

બાપુના આશીર્વાદ

સેવાગ્રામ,

જાન્યુઆરી ૯, ૧૯૪૫

પ્રિય . . .

તમારો કાગળ મળ્યો. તમે સાજા થાઓ કે ન થાઓ એ કંઇ મહત્ત્વની વાત નથી. ઇશ્વર પર આપણે જેટલો વધારે આધાર રાખીએ તેટલી વધારે મનની શક્તિ આપણને મળે. વૈદ્યો ને દાક્તરો તો અલબત્ત છે જ; પણ એ બધા આપણને ઇશ્વરથી વધારે ને વધારે દૂર કરવાવાળા કહેવાય. એથી મેં તમને ત્યાં મોકલવાનું વધારે નજીક લઇ જનારી છે. એ પદ્ધતિ આપણને ઇશ્વરની વધારે નજીક લઇ જનારી છે. એ પદ્ધતિનો આધાર લીધા વિનાયે આપણું કામ સસ્તું હોય તો વળી વધારે સારું. એમાં મારે વાંધો લેવાનો ન હોય. પણ ઉપવાસથી ડરવું શું ? ને વધારે ચોખ્ખી હવા લેવાની મળે તે શા સારુ ટાળવું ? કુદરતી ઉપચારનો અર્થ કુદરતની એટલે કે ઇશ્વરની વધારે નજીક જવું એ જ નથી કે ? આમાં હું કેટલો સફળ થાઉં છું તે આપણે જોવું રહ્યું. હું વધારે પડતી તાણ વહોરવાનો નથી એટલી ખાતરી રાખજો.

બાપુના આશીર્વાદ

પરિશિષ્ટ

૧. રામનામ

નોઆખલીમાં આમકી કરીને એક ગામડું છે. તે ગામમાં બાપુજી માટે મને બકરીનું દૂધ ક્યાંય ન મળ્યું. આસપાસ ઘણી તપાસ કરાવી. અંતે હારીને બાપુજી પાસે ગઇ અને એમને એ વાત કહી. બાપુજીએ મને કહ્યું : “એમાં શું ? નાળીયેરનું દૂધ બકરીના દૂધની ગરજ બરાબર સારશે. અને બકરીના ઘીને બદલે આપણે નાળિયેરનું તાજું તેલ કાઢીને ખાશું.”

એ તૈયાર કરવાની રીત બાપુજીએ મને શીખવી અને મેં નાળિયેરનું દૂધ તથા તેલ તૈયાર કરી બાપુજીને આપ્યાં. બાપુજી બકરીનું દૂધ હંમેશ આઠ ઔંસ લેતા, એ રીતે નાળિયેરનું દૂધ આઠ ઔંસ લીધું, પણ એ દૂધ પચવામાં ઘણું ભારે પડ્યું અને બાપુજીને દસ્ત થવા લાગ્યા. એથી સાંજ સુધીમાં એટલી બધી નબળાઇ આવી ગઇ કે બાપુજી બહારથી ઝુંપડા સુધી અંદર આવતા હતા ત્યાં તેમને ચકરી આવી ગઇ.

બાપુજીને જ્યારેજ્યારે ચક્કર આવતાં ત્યારે ત્યારે એની નિશાની રૂપે એમને બગાસાં બહુ આવવા લાગે, પસીનો પુષ્કળ થાય, હાથપગ ઠંડા પડી જાય અને ક્યારેક આંખો ચડી જાય. એ પ્રમાણે ચક્કર આવવાની શરૂઆતની સૂચના તો બગાસાં ખાવા લાગ્યા એટલે મને મળી ચૂકી. પણ મારા મનમાં એમ કે, હવે ચાર જ ફૂટ પથારી દૂર છે ત્યાં સુધી તો પહોંચી જ જવાશે. પણ એ ગણતરી ખોટી નીવડી, અને બાપુજી મારે ટેકે ચાલતા હતા તે પડવા લાગ્યા. મેં સંભાળથી માથું પકડી રાખ્યું અને બૂમ મારી નિર્મળબાબુને બોલાવ્યા. એ આવ્યા અને અમે બંનેએ મળી બાપુજીને પથારીમાં સુવાડ્યા. પછીમને થયું કે, લાવને ડૉ. સુશીલાબહેન પાસેના ગામડામાં ખપીશ. એ હિસાબે ચિઠ્ઠી લખવા બેઠી. તે મોકલાવવા નિર્મળબાબુના હાથમાં જેવી આપી તેવા જ બાપુજી જાગ્યા. મને બોલાવી, “મનુડી ! (બાપુજી જ્યારે લાડથી બોલાવતા ત્યારે હંમેશાં મને મનુડી કહેતા) તે બૂમ મારીને નિર્મળબાબુને બોલાવ્યા એ મને માફી આપી શકું છતાંયે તારી પાસેથી તો આવા સમયે મને કંઇ જ ન કરતાં હ્ય્દયથી રામનામ લેવાની આશા રાખું. હું તો મનમાં રામનામ લેતો જ હતો. પણ તેં નિર્મળબાબુને બોલાવવાને બદલે રામનામ લેતો જ હતો. પણ તેં નિર્મળબાબુને બોલાવવાને બદલે રામનામ લેવું શરૂ કરી દીધું હોત તો મને અત્યંત ગમત. હવે તું આ વિશે સુશીલાને ન કહેતી કે ન લખીને બોલાવતી, કારણ મારો સાચો દાક્તર તો રામ જ છે. એને મારી પાસેથી કામ લેવાની ગરજ હશે ત્યાં સુધી જિવાડશે અને નહીંતર ઉપાડી લેશે.”

‘સુશીલાને ન લખતી’ એ શબ્દ કાન ઉપર પડ્યા અને હું ઘડીભર કંપી ગઇ. નિર્મળબાબુના હાથમાંથી ચિઠ્ઠી ઝૂંટવી લીધી. ચિઠ્ઠી ફાટી ગઇ. બાપુજીએ કહ્યું : “કેમ, તેં લખી પણ નાખ્યું હતું ને ?” મેં લાચારીએ હા પાડી.

મને કહે, “આજે તને અને મને ઇશ્વરે બચાવ્યાં. જોકે આ ચિઠ્ઠી વાંચીને સુશીલાબહેન તો પોતાનું કામ છોડી મારી પાસે દોડતી આવી જાત, પણ મને એ જરાયે ન ગમત. તારી ઉપર અને મારી ઉપર હું ચિડાત. આજે મારી કસોટી થઇ. જો રામનામ મંત્ર મારા હ્ય્દયમાં સોંસરવો ઊતરી જશે તો હું કદી માંદો પડીને મરવાનો નથી. આ નિયમ દરેક માણસ માટે છે, મારા એકને માટે નહીં. માણસ જે ભૂલ કરે, તેનું ફળ એને ભોગવ્યે જ છૂટકો છે. એ રીતે મેં દુઃખ સહન કર્યું. માણસના આકરના શ્વાસ સુધી રામનું નામસ્મરણ હોવું જોઇએે, પણ પોપટની માફક નહીં, હ્યદયથી. જેમ રામાયણમાં છે કે, જ્યારે સીતાજીએ હનુમાનજીને માળા આપી ત્યારે તે તેમણે તોડી નાખી, કારણ તેમાં રામ શબ્દ છે કે નહીં તે તેમને જોવું હતું. તે પ્રસંગ સાચો હશે કે નહીં તેની પંચાતમાં આપણે શા માટે પડીએ ? હનુમાનજી જેવું પહાડી શરીર કદાચ આપણે નકરી શકીએ. પણ આત્મા તો પહાડી કરી શકીએ. માણસ ધારે તો ઉપરનું ઉદાહરણ સિદ્ધ કરી શકે. સિદ્ધ કદાચ ન કરી શકે તોપણ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે તોયે બસ છે. ગીતા માતાએ કહ્યું છે ને કે માણસે પ્રયત્ન કરે તોયે બસ છે. ગીતા માતાએ કહ્યું છે ને કે માણસે પ્રયત્ન કરે તોયે બસ છે. ગીતા માતાએ કહ્યું છે ને કે માણસે પ્રયત્ન કરવો, ફળ ઇશ્વરના હાથમાં સોંપવું. એ રીતે તારે, મારે અને બધાએ પ્રયત્ન કરી જ છૂટવું જોઇએ.”

“હવે તું સમજી હશે કે મારી, તારી, કે કોઇ પણ દરદીની માંદગીમાં મારું શું માનસ છે.”

અને એક માંદી બહેનને કાગળ લખતાં એમણે અંદર લખ્યું, “રામબાણ દવા તો જગતમાં એક જ છે. તે રામનામ. અને એ નામ રટનારે અધિકાર પરત્વે જે નિયમોનું પાલન કરવું જોઇએ તે નિયમો નું તે પાલન ન કરે; પણ એ રામબાણ દવા આપણે બધા ક્યાંં કરી શકીએ છીએ ?”. . . (મારી રોજની નોઆખલીની નોંધપોથીમાંથી)

ઉપરનો પ્રસંગ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ બનેલ. બરોબર એ જ દિવસ એક વર્ષ અગાઉ !

રામનામ વિશેની આવી અચળ શ્રદ્ધા એમની આખરી પળ સુધી રહી. ૧૯૪૭ની ૩૦મી જાન્યુઆરીને દહાડે ઉપરનો મીઠડો પ્રસંગ બની ગયો અને ૧૯૪૮ની ૩૦ મી જાન્યુઆરીને દિવસે મને કહેલ કે, “છેલ્લા શ્વાસ સુધી રામનામ રટવું જોઇએ.” એમ બે વખત અને પછી ત્રીજી વખત આખરે એ જ મુખેથી છેલ્લા શ્વાસે પણ રા. . .મ મારે જ કાને સાંભળવાનો કારમો અવસર આવશે તેની શી કલ્પના ! ઇશ્વરની ગતિ એવી ગહન છે.

‘બાપુ - મારી મા’માંથી, મનુબહેન ગાંધી

૨. ‘રામ ! રામ !’

પ્રાર્થનાર્થીઓની કૉર્ડન કરેલી હારમાં થઇને તે જતા હતા ત્યારે પ્રાર્થનાર્થીઓના નમસ્કારના વળતા નમસ્કાર કરવાને તેમણે બે બાળાઓના ખભા પરથી પોતાના હાથ ઉપાડી લીધા. એકાએક જમણી બાજુઓથી જોરથી માર્ગ કરતો એક માણસ ટોળામાંથી આવ્યો. ગાંધીજીના પગને સ્પર્શ કરવાને માટે તે આવ્યો છે એમ સમજીને મનુએ પ્રાર્થનાનું મોડું થવા છતાંયે તમે આવી રીતે વખત લો છો એવી મતલબનું ઠપકારૂપે તેને કહ્યું અને તેનો હાથ પકડીને આ ધસી આવનારને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે તેને જોરથી હડસેલી મૂકી. એથી કરીને તેના હાથમાંની ભજનાવલિ, બાપુની થૂંકદાની તથા માળા નીચે પડી ગયાં. એ વસ્તુઓ લેવાને તે નીચે વળી એટલામાં પેલો બાપુની છેક સામે આવીને ઊભો. બાપુની એટલો સમીપ તે આવ્યો હતો કે ગોળીનું એક ખાલી કોચલું બાપુના કપડાની ગડીમાંથી મળી આવ્યું હતું. સાત બારની ઑટોમેટિક પિસ્તોલમાંથી ધડાધડ ત્રણ બાર થયા. પહેલા ગોળી મધ્ય રેખાથી સાડા ત્રણ ઇંચ જમણી બાજુએ નાભિથી અઢી ઇંચ ઉપર પેટમાંં વાગી હતી. પહેલી અને બીજી મધ્ય રેખાથી એક ઇંચ દૂર વાગી હતી. પહેલી અને બીજી ગોળી શરીરની આરપાર નીકળી ગઇ હતી. ત્રીજી ફેફસામાં ભરાઇ રહી હતી. પહેલી ગોળી વાગી ત્યારે જે પગ ગતિમાં હતો તે વળી ગયો. બીજી ગોળી વખતે પણ તે ઊભા હતા અને પછી તે ઢગલોથઇને પડ્યા. ‘રામ, રામ’ એ તેમના છેલ્લા બોલ હતા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો.

હરિજનબંધુ, ૧૫-૨-૧૯૪૮, પ્યારેલાલ