Gram Swaraj Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gram Swaraj

ગ્રામ સ્વરાજ

ગાંધીજી

સંકલન

હરિપ્રસાદ વ્યાસ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકાશકનું નિવેદન

દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં પંચાયતી રાજનો આરંભ થયો છે; ત્યારે ગ્રામપંચાયતો વિષે મહાત્મા ગાંધીએ અવારનવાર જે લેખો લખ્યા છે તેનો સંગ્રહ તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી થાય એ ખ્યાલથી ‘ગ્રામ સ્વરાજ’ ની અંગ્રેજી આવૃત્તિ ગયા ડિસેમ્બર માસમાં નવજીવન ટ્રસ્ટે પ્રગટ કરી હતી. આ તેની ગુજરાતી આવૃત્તિ છે. તેની હિંદી આવૃત્તિ આ પછી બહાર પડશે. સામાન્ય જનતા અને ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે.

ર૩-૩-’૬૩

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકયો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરવા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

ગાંધીજી

આમુખ

‘ગ્રામ સ્વરાજ’ વિષે મહાત્મા ગાંધીના લખાણોનો સંગ્રહ પુસ્તકાકારે નવજીવન ટ્રસ્ટ પ્રગટ કરે છે એ ખરેખર આનંદની વાત છે. આ પુસ્તકમાં ખેતી, ગ્રામોદ્યોગ, પશુપાલન, વાહનવહેવાર, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વચ્છતા વગેરે ગ્રામજીવનની વિવિધ બાબતો પર ગાંધીજીના વિચારોનો સમાવેશ થયો છે. આપણે રાજકીય અને આર્થિક સત્તાના વ્યાપક વિકેન્દ્રીકરણની ભૂમિકા પર ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે આ પુસ્તક સંખ્યાબંધ સરકારી અને બિનસરકારી કાર્યકર્તાઓને અવશ્ય ઘણું મૂલ્યવાન થઇ પડશે. સામૂહિક વિકાસના આંદોલનને મોટે ભાગે પશ્ચિમનાં લોકશાહી રાષ્ટ્રોમાંથી દાખલ કરેલો કોઇક પ્રકારનો કાર્યક્રમ ન લેખવો જોઇએ. હિંદની પરિસ્થિતિ અને પરંપરાના પાયા પર તેનું આયોજન થાય એ જરૂરનું છે. તેથી આ આંદોલનમાં ભાગ લેવા માટે જે કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવે છે તે સૌએ ગ્રામપુનર્ઘટનાનાં વિવિધ પાસાંઓ પરત્વે ગાંધીજીના વિચારોનો વ્યાપક પરિચય કરવો એ ઘણી મહત્ત્વની વસ્તુુ છે. ભારતીય આયોજનની બાબતમાં ગાંધીજીના અનુભવો અને આદર્શો પ્રત્યે આપણે દુર્લક્ષ સેવીએ અને ઉપેક્ષા કરીએ તો એથી સંગીન પાયા પર ઊભી થતી આપણી લોકશાહીના વિકાસને ભારે હાનિ પહોંચ્યા વગર ન રહે.

આધુનિક ઉધોગીકરણ વિષે ગાંધીજી જૂનાપુરાણા વિચારો ધરાવતા હતા એમ માનવું ભૂલભરેલું છે. ખરી વાત એ છે કે, તેઓ યંત્ર તરીકે યંત્રની વિરુદ્ધ નહોતા; તેમનો જે પ્રખર વિરોધ હતો તે ‘યંત્રોની ઘેલછા’ માને હતો. ગામડાંના લાખો કારીગરોને રોજગારી આપે એવાં નાનાં ઓજારોમાં હરકોઇ સુધારણા થાય તેને તેઓ આવકારતા હતા. મોટાં કારખાનાં મારફત થતા જથ્થાબધ ઉત્પાદનને સ્થાને લોકો પોતે પોતાના ઘરમાં અને ઝૂંપડીઓમાં ઉત્પાદન કરે તેની તેઓ હિમાયત કરતા હતા. ભારતના એકેએક સશક્ત નાગરિકને પૂરી રોજગારી મળે એ માટે ગાંધીજી સૌથી અધિક ચિંતાતુર હતા; અને તઓ કહેતા કે એ ધ્યેય ગ્રામપ્રદેશમાં કાર્યક્ષમ રીતે ગ્રામઉદ્યોગો સંગઠિત કરીને જ સિદ્ધિ કરી શકાય. ગ્રામવિસ્તારમાં નકામી પડેલી માનવશક્તિનો જેમાં પૂરેપૂરો ઉપયોગ થાય નહીં તેને સાચું કે બુદ્ધિપૂર્વકનું આયોજન કહેવાય નહીં. ગાંધીજીએ કહ્યું છે કે, “ભુખેથી પીડાતા ધંધા વગરના લોકોનો પરમેશ્વર તો યોગ્ય ધંધો અને તેને પરિણામે મળતું અનાજ જ હોઇ શકે.” (‘સિલેકશન્સ ફ્રૉંમ ગાંધી - નિર્મલકુમાર બોઝ, પૃ. ૪૯’) પૂરી રોજગારીના આ આદર્શનો પશ્ચિમના અર્થશાસ્ત્રીઓએ આયોજિત આર્થિક વિકાસના પાયા તરીકે સ્વીકાર કર્યો છે. વિશાળ અને વધતી જતી વસ્તીવાળા અણવિકસિત દેશોની બાબતમાં તો ખાસ કરીને તેનો સ્વીકાર કર્યો છે. પ્રો. ગાલ્બ્રેથ એ મતના છે કે, “ઉત્પાદનની માત્રા વધતી રહે અને તેની સાથે બેકારી પણ રહે તે સ્થિતિ કરતાં પૂરી રોજગારી આપી શકાય એ વધારે સારી વાત છે.” (‘ધી એફલ્યુઅન્ટ સોસાયટી,’ પૃ. ૧૫૫)

મહાત્મા ગાંધી ગ્રામપંચાયતોની સ્થાપના દ્ધારા આર્થિક અને રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની જોરદાર હિમાયત કરતા હતા. તેમનો નિશ્ચિત મત હતો કે, ભારતમાં પંચાયત પદ્ધતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિથી અમલ કરવામાં આવે તો તેથી ગ્રામપ્રદેશોની સામાજિક અને આર્થિક શક્તિ દૃઢ થાય એટલું જ નહીં, પણ વિદેશી આક્રમણના જોખમ સામે રાષ્ટ્રિય સંરક્ષણની શક્તિ પણ મજબૂત બને. આચાર્ય વિનોબા ભાવે પણ ગ્રામદાન દ્ધારા સહકારી સમૂહજીવનના ધોરણે હિંદના ગામડાંઓની રચના કરવાની તાકીદની જરૂરિયાત છે તે પર ઘણો ભાર મૂકે છે. વિકેન્દ્રિત લોકશાહી અથવા પંચાયતી રાજના આદર્શને મધ્યયુગીન વિચારો પર રચાયેલી ભાવનામય વસ્તુ લેખવી જોઇએ નહીં. પશ્ચિમના આધુનિક આર્થિક અને રાજકીય વિચારનું અધ્યયન કરીએ તો એ જોઇ શકાય છે કે સ્થાયી પાયા પર લોકશાહીની સ્થાપના કરવા માટે વિકેન્દ્રીત સંસ્થાઓને કસોટીરૂપ ગણવામાં આવે છે. પ્રો. જોડ કહે છે કે, “સામાજિક કાર્યમાં માણસની શ્રદ્ધા પુનજીર્વિત કરવી હોય તો રાજ્યના કટકા કરવા જોઇએ અને તેના કર્યો વહેંચી નાખવાં જોઇએ. (‘મૉડર્ન પોલિટિકલ થિયરી,’ પૃ. ૧૨૦-૨૧) તેમના ‘ફેબિયન સોશિયાલિઝમ’ નામના પુસ્તકમાં પ્રો. કોલ ભારપૂર્વક કહે છે કે, સામૂહિક કાર્યની શક્તિનો સામાન્ય સ્ત્રીપુરુષોમાં વ્યાપક ફેલાવો કરવા માટે “આપણે નાની લોકશાહીઓ પર આપણા સમાજનું ઘડતર કરવા લાગી જવું જોઇએ.” આ દૃષ્ટિએ હિંદમાં ગ્રામપ્રદેશમાં ઉત્સાહ અને પુરુષાર્થથી પંચાયત રાજનો જે પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે તે ગાંધીજીએ કલ્પેલા ‘ગ્રામ સ્વરાજ’ ના ધ્યેયની દિશામાં એક સાચું કદમ છે.”

સૌ પ્રથમ આપણને આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઇએ કે, ગાંધીજી માત્ર ભૌતિક મૂલ્યો પર રચાયેલી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું માત્ર ભૌતિક મૂલ્યો પર રચાયેલી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું સમર્થન કરતા નહોતા. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારતા આદર્શને સદા માન્ય કર્યો છે અને ઉંચા જીવનધોરણ માટે જ નહીં પણ જીવનના ઉચ્ચ ધોરણ માટે તેઓ કામ કરતા રહ્યા. ગાંધીજીએ કહ્યું છેઃ “સાચા અર્થમાં સંસ્કૃતિ જરૂરિયાતો વધારવામાં નહીં પણ તેના સમજપૂર્વક અને ઐચ્છિક સંયમમાં રહી છે.”

કમનસીબે આર્થિક જીવનની આ નૈતિક અને સદાચારની બાજુ પ્રત્યે અવગણના થઇ છે અને પરિણામે સાચા માનવ કલ્યાણને નુકસાન થયું છે. વિશાળ પાયા પર અને ઝડપથી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે અર્વાચીન અર્થશાસ્ત્રીઓ હવે “માલમાં રોકાણ ” કરવા ઉપરાંત “માણસમાં રોકાણ” કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પ્રો. શુમ્પિટર સાચું વિધાન કરે છે કે, આર્થિક અને રાજકીય લોકશાહીની સફળતા માટે માટે, “પૂરતી ક્ષમતા અને નૈતિક ચારિત્ર્યવાળી વ્યકિતઓ પૂરતી સંખ્યામાં હોવી જોઇએ.” (‘કેપિટેલિઝમ, સોશિયાલિઝમ ઍન્ડ ડેમોક્રસી’) એ જ વિચાર મિ. ક્રોસલેન્ડે જોરદાર ભાષામાંઆ પ્રમાણે વ્યકત કર્યો છે : “વિપુલતા નિર્માણ કરવામાં વિપુલતાનો ઉપભોગ કેવી રીતે કરવો એ શીખવનારાં મૂલ્યો જ આપણી ખોઇ બેઠા હોઇએ એ સ્થિતિ જોવા માટે આપણે કાંઇ વિપુલતાના યુગમાં પ્રવેશ કરવા ઇચ્છતા નથી.” (‘ ફયુચર ઑફ સોશિયાલિઝમ,’ પૃ. ૫૨૯) તેથી ગાંધીજીના સ્વપ્નનું નવભારત નિર્માણ કરવાના ભગીરથ કાર્યમાં પડેલા સૌ કાર્યકરોએ, સરકારી તેમ જ બિનસરકારી અમલદારોએ આપણી આયોજનની આ માનવ અને નીતિને સ્પર્શતી બાજુઓ હ્ય્દયમાં નિરંતર અંકિત કરી રાખવી જોઇએ.

નવી દિલ્હી, ૧૩-૧૧-૧૯૬૨

શ્રીમન્નારાયણ

પ્રસ્તાવના

માનવ એકતાના આદર્શ આજે મુત્સદ્દી તથા સામાન્ય માનવીનું તેમ જ વિજ્ઞાની અને વિદ્રાનનું તીવ્રતાપૂર્વક એકસરખું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. શ્રી અરવિંદના શબ્દોમાં “માનવ એકતાનો આદર્શ, આપણી ચેતનાના મુખ-ભાગ પ્રત્યે વત્તેઓછે અંશે અસ્પષ્ટપણે આગળ માર્ગ કરતો રહ્યો છે. આ યુગના બૌદ્ધિક અને ભૌતિક સંજોગોએ, ખાસ કરીને વિજ્ઞાનની શોધોએ, જ્ેમણે આ પૃથ્વી એટલી નાની કરી નાખી છે કે, તેના વિશાળમાં વિશાળ વિસ્તારવાળાં રાજ્યો પણ આજે એક જ દેશના પ્રાંતો જેવાં બની ગયાં છે, તેમણે આપણી ચેતનાને એને માટે તૈયાર કરી છે અને લગભગ અના પર એ લાદી છે.”૧ આર્નોલ્ડ ટૉયન્બી સાચું વિધાન કરે છે કે, “હુન્નરવિજ્ઞાનમાં પશ્ચિમની શક્તિએ, કાવ્યમય ભાષામાં કહીએ તો, ‘અંતરન અંત આણ્યો છે’ અને સાથે સાથે ઇતિહાસમાં પહેલા વાર માનવીના હાથ એવાં શસ્ત્રોથી સજજ કર્યા છે જે માનવજીતિનું નિકંદન કાઢી શકે.... આપણે અત્યારે તાકીદે એકતા જોઇએ છે એનું રોમાંચક અને સાધારણ એવું બેવડું કારણ છે. ‘કાં તો એક જગત, અથવા કોઇ નહીં.’ આ સૂત્રવાક્યમાં આ વિચાર વ્યકત કરવામાં આવ્યો છે. આજે જગતમાં રાજકીય પરિબળોથી પરિચિત દરેક સ્ત્રી કે પુરુષ સમજે છે કે, અણુયુગમાં આપણે જો યુદ્ધનો નાશ નહીં કરીએ તો યુદ્ધ આપણો નાશ કરશે.”૨ જગતને જે વિકટ સમસ્યા મૂંઝવી રહી છે તેનું બ્યાન પિટિરીમ સૉરોકીન પોતાની અનોખી ભાષામાં આ પ્રમાણે આપે છેઃ “યુદ્ધના જખમથી માનજાત આજે લોહીલુહાણ થઇ છે; સંહારક અણુશક્તિના

૧. ‘ધી આઇડિયલ ઑફ હ્યુમન યુનિટી’

૨ ‘વન વર્લ્ડ ઍન્ડ ઇન્ડિયા’. ટૉયન્બીનાં બધાં અવતરણો આ પુસ્તકમાંથી લેવામાં આવ્યાં છે.

ભસ્મસુરના ભયથી ડરી ગઇ છે; તે મૃત્યુજાળમાંથી મુક્ત થવાનો માર્ગ શોધવા માટે ફાંફાં મારે છે. તે બેહાલ મૃત્યુંને બદલે જીવન ઝંખે છે, તે યુદ્ધને શાંતિ ચાહે છે. તે ઘૃણાની નહીં પણ પ્રેમની ભૂખી છે. અવ્યવસ્થાની જગ્યાએ તે વ્યવસ્થા સ્થાપવા અભીપ્સા સેવે છે. તે ઉચ્ચતર માનવતાનાં, અધિક ડહાપણનાં, તથા પોતાના દેહ પર યંત્રામાનવની સભ્યતાનાં લોહીથી ખરડાયેલાં ચીંથરાને બદલે વધુ ઉદાત્ત, સંસ્કારી વસ્ત્ર પરિધાન કરવાનાં સ્વપ્ન સેવે છે. પોતાની જ મૂર્ખતાને કારણે તે મૂત્યુની જાળમાં ફસાઇ ગઇ છે અને ‘હસ્તીનાસ્તિ’ નો કઠણ કોયડો તેની સામે આવીને ઊભો છે. તેથી પહેલાં કદી નહીં અનુભવેલી હતાશાથી જીવન અને અમરતાની સનાતન ખોજમાં નીકળવાની એને ફરજ પડી છે.

મૃત્યુ નિપજાવનારાં સંહારક શસ્ત્રોએ માનવજાતને પડકાર ફેંક્યો છે ત્યારે જો આપણે વેળાસર ચેતીને ખરો માર્ગ ગ્રહણ કરવામાં ચૂકીશું તો સર્વનાશ જ સર્જાશે. વિશ્વ સરકારની સ્થાપના કરીને જ માનવજાત ઊગરી શકે એમ છે. યુદ્ધને નિર્મૂળ કરવું હોય તો એ વિના છૂટકો નથી. સાચી વિશ્વ-સરકારની સ્થાપનાની સાથે વર્તમાન રાજ્યોના રાષ્ટ્રીય સાર્વભૌમત્યના વિસર્જનનો સવાલ અનિવાર્યપણે સંકળાયેલો છે.

વિશ્વ-સરકારની સ્થાપના કેવી રીતે કરવી એ મહત્ત્વનો સવાલ છે. કેમ કે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનુપં વિસર્જન કરવું સહેલું નથી. મહાત્મા ગાંધી જેવા થોડા રાજદ્ધારી પુરુષો હોય જેઓ કહે છે કે, “આપણા દેશના વતી કોઇ મહાન વસ્તુનો દાવો કરવા હું માગતો નથી. પણ સંપૂર્ણ સ્વતંત્રતા કરતાં અન્યોન્યાશ્રયી વિશ્વ-કુટુંબના કુટુંબી થવાની આપણી તૈયારી જાહેર કરવામાં મને તો મહાન વગર અશક્ય એવું કશું જ દેખાતું નથી...” “પોતાના સ્વાર્થનો ત્યાગ કરવાની ભાવનામાંથી એવું પરિણામ આવવું જોઇએ કે, વ્યક્તિ પોતાની કોમની સેવાને અર્થે સ્વાર્થત્યાગ કરે, કોમ જિલ્લાના હિતને અર્થે પોતાનો સ્વાર્થ છોડે, જિલ્લો પ્રાંતની સેવાને અર્થે પોતાનો સ્વાર્થ જતો કરે, અને પ્રાંત રાષ્ટ્રને અર્થે તથા રાષ્ટ્ર દુનિયાને માટે સ્વાર્થત્યાગ કરે.”

‘રિકન્સ્ટ્રકશન ઓંફ હ્યુમેનિટી’

આર્નોલ્ડ ટૉયન્બી કહે છેઃ “અણુયુગમાં આપણા રાજપુરુષોમાં અશોકે દર્શાવેલી (અહિસાની) ભાવનાની જરૂર છે. આપણને એકતા વિના ચાલી શકે એમ નથી એ ખરું. પણ આ આવશ્યક ઉદ્દેશની સિદ્ધિ માટે બળના માર્ગોનો આશ્રય લેવાથી આપણું કામ ચાલે એમ નથી. માનવજાતની એકતા નિર્માણ કરવા માટે આજે આપણી સમક્ષ બળના પ્રયોગનો નહીં પણ હ્ય્દયપરિવર્તનનો એક માત્ર માર્ગ ખુલ્લો છે. અણુયુગમાં બળનો આશ્રય લેવામાં આવે તો તેનું પરિણામ એકતામાં નહીં પણ આત્મવિનાશમાં જ આવે. સમ્રાટ અશોકે પોતાના જમાનામાં માત્ર અંતરાત્માની પ્રેરણાથી જેનો સ્વીકાર કર્યો હતો તે નીતિનો આશ્રય લેવાની આ યુગમાં ભય તેમ જ અંતરાત્મા બંને ફરજ પાડે છે. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે, હિંસાનો રસ્તો માનવજાત માટે સદાકાળ બંધ થયો છે. શ્રી ભારતન કુમારપ્પાના ‘વિલેજિઝમ’ નામના અંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવનામાં મહાત્મા ગાંધીએ લખ્યું છેઃ “આપણી પેઢીનાં ગયાં બે યુદ્ધોએ આવી અર્થવ્યવસ્થાઓનું સમૂળું દેવાળું સાબિત કર્યું છે. સાથે સાથે યુદ્ધોએ યુદ્ધની જ નાદારી સિદ્ધ કરી છે એમ મને જણાય છે.” શું આપણે એમ કહી શકીએ કે, હવે અહિંસાનો યુગ બેઠો છે ? દુનિયાના ડહાપણડાહ્યા મુત્સદ્દીઓ આજ દિન લગી અહિંસાની હાંસી ઉડાવતા હતા. હવે આજે તેમને જ અહિસાનો અખૂટ ખજાનો ખોજવાવારો આવ્યો છે ! ગાંધીજી માનતા હતા કે, ભારતનું જગતમાં એક વિશિષ્ટ કાર્ય છે. તેેમણે કહ્યું છે કે, “જાગ્રત અને સ્વતંત્ર ભારતે ત્રસ્ત જગતને શાંતિ અને શુભેચ્છાનો સંદેશ આપવાનો છે.” બીજે પ્રસંગે તેમણે કહ્યું છે, “મને મારા અંતરમાં ઊંડે ઊંડે એવી પ્રતીતિ થાય છે કે... જગત યુદ્ધથી અતિશય ત્રાસી ગયું છે અને તેમાંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યું છે. મને લાગે છે કે, શાંતિના ભૂખ્યા જગતને માર્ગ બતાવવાનું માન કદાચ હિંદ જેવા પ્રાચીન દેશને ફાળે જશે.” આર્તોલ્ડ ટૉયન્બીના અભિપ્રાય પ્રમાણે “ભારતનો વિશિષ્ટ ફાળો તેની હ્યદયની ઉદારતા અને મનની વિશાળતા હશે. સંયુક્ત માનવજાતને ભારતની આ લાક્ષણિક ભેટ મળી છે એમ પાછળથી ભાવી પઢીઓ સ્વીકારશે એમ હું માનું છું.”

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કલહોનું નિરાકરણ લાવવા માટે લશ્કરી બળનો આશ્રય લેવામાં આવશે, ત્યાં સુધી વિશ્વ-સરકાર દ્ધારા શાંતિ સ્થાપવાની વાત હવામાં બાચકા ભરવા જેવી રહેશે. આપણે કાયમી શાંતિ સ્થાપવા ઇચ્છતા હોઇએ તો લશ્કરી બળનો ઉપયોગ તદ્દન રદબાતલ કરવો જોઇએ. નૈતિક તાકાતની પીઠબળવાહી વિશ્વ સરકાર જ કાયમી શાંતિની ખાતીર આપી શકે. નાનાં-મોટાં બધાં ઘટક એકમોની સમાનતા અને બંધુતાના પાયા પર વિશ્વસમૂહતંત્ર રચાય એ વિશ્વશાંતિની દિશામાં મોટું મહત્ત્વનું ચરણ બને. પણ એટલા માત્રથી કાયમી શાંતિ સ્થપાઇ જશે એમ નથી. વિશ્વસરકાર એની બાંયધરી ન આપી શકે, કેમ કે યુદ્ધનાં મૂળ રાષ્ટ્રોની સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં પડેલાં હોય છે. જ્યાં સુધી સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં આમૂલાગ્ર ક્રાંતિ કરવામાં ન આવે ત્યાં સુધી વિશ્વશાંતિનો આશા આકાશકુસુમવત્‌ રહે. તેથી વિશ્વસંસ્થાએ સાચી લોકશાહીનો અમલ સુરક્ષિત કરવો જોઇએ અને દરેક પ્રકારનું શોષણ નિર્મૂળ કરવું જોઇએ. નાનાં એકમો સાચી લોકશાહીના અમલ માટે અનુકૂળ છે તથા વ્યક્તિઓના પૂર્ણ વિકાસ માટે તે ક્ષેત્ર પૂરું પાડે છે. જેમ એકમો મોટાં, તેમ તેમાં વ્યક્તિઓની આપસૂઝ અને સ્વતંત્રતાને અવકાશ ઓછો. મોટી વ્યવસ્થાઓ અનેે રચનાઓનું વલણ હમેશાં વ્યક્તિઓને તથા નાના સમૂહોને કચડવા તરફ રહે છે. કારણ કે તેઓ નિયમના જડ પાલનનો આગ્રહ રાખે છે અને સૌને એક બીબામાં ઢાળવા ઇચ્છે છે. તેઓ અંતે વધુ ને વધુ નિષ્પ્રાણ, જડ અને જર્જરિત બને છે. તેથી સ્થાયી વિશ્વાશાંતિ સ્થાપવા માટે વર્તમાન રાજકીય અને આર્થિક વ્યવસ્થાઓને બદલીને તેમને સ્થાને નાનાં વિકેન્દ્રિત એકમો નિર્માણ કરવાનું અનિવાર્ય બને છે. એમ ન બને તો વિશ્વશાંતિનો મૂળ ઉદ્દેશ જ છિન્નભિન્ન થઇ જાય અને વિશ્વસરકારની હસ્તી જોખમમાં આવી પડે અને પરિણામે મોટી વિકટ સમસ્યાઓ ઊભી થાય. આમ, વિકેન્દ્રિત રાજકીય અને આર્થિક એકમો ઉપર અનિવાર્યપણે પસંદગી ઊતરે છે.

માનવજાતનો અનુભવ સાક્ષી પૂરે છે કે, નાનાં એકમોમાં અને વધુ સાદાં સંગઠનોમાં સમૂહજીવન કેન્દ્રિત થયું હોય ત્યારે તે વધુ પ્રાણવાન, વૈવિધ્યશાળી અને ફળદાયી હોય છે. નાનાં એકમોમાં જ જીવનનો ધબકાર વરતાયો છે. મોટા વિસ્તારોમાં લોકજીવનની રચના થાય છે ત્યારે તેમાંથી અસ્મિતા અને સર્જકતા લોપ પામે છે.

પ્રાચીન ગ્રીસનાં નગરરાજ્યો અને ભારતનાં ગ્રામ પ્રજાસત્તાકો સમૃદ્ધ અને પ્રભાવશાળી જીવનના સવાર્ંગી વિકાસનાં ઉદાહરણ છે.

પંડિત જવાહરલાલ નેહરુ લખે છે :

“ગ્રામ સ્વરાજ્યની આ પ્રથા આર્ય રાજકારણના પાયા સમાન હતી. એનાથી જ તેને બળ મળતું રહેતું. આ ગ્રામસભાઓ પોતાની સ્વતંત્રતા માટે એટલી બધી જાગૃતિ અને ચીવટ રાખતી હતી કે ખુદ રાજાની પરવાનગી વિના કોઇ પણ સૈનિક કોઇ પણ ગામમાં દાખલ ન થઇ શકે એવો નિયમ કરવામાં આવ્યો હતો. વળી ‘નીતિસાર’ કહે છે કે, કોઇ પ્રજાજન અમલદાર સામે ફરિયાદ કરે તો ‘રાજાએ અમલદારનો નહીં, પણ પ્રજાજનનો પક્ષ લેવો જોઇએ.’ અને જો કોઇ અમલદાર સામે ઘણા લોકો ફરિયાદ કરે તો તેને બરતરફ કરવો જોઇએ, કેમ કે ‘નીતિસાર’ કહે છે તેમ, ‘અધિકારની મદિરા પીને કોને નશો નથી ચડતો ?’ આ ડહાપણભર્યા શબ્દો છે. આ શબ્દો આપણા દેશમાં જે સંખ્યાબંધ અમલદારો આજે આપણી સાથે પરિવર્તન ચલાવે છે અને ગેરવહીવટ કરે છે તેમને લાગુ પડતા હોય એમ લાગે છે.”

“છેક ૧૮૩૦ની સાલમાં બ્રિટિશ ગવર્નર સર ચાર્લ્સ મૅટકાફ ગ્રામપંચાયતોનું આ પ્રમાણે વર્ણન કરે છેઃ”

‘ગ્રામપંચાયતો નાનાં નાનાં પ્રજાતંત્રો છે; પોતાને જરૂરી લગભગ બધી જ વસ્તુઓ તેમનામાં મોજૂદ છે અને બહારના સંબંધોથી તેઓ લગભગ સ્વતંત્ર છે. જ્યાં બીજી કોઇ વસ્તુ ટકી નથી ત્યાં એ (ગ્રામપંચાયતો) કાયમ ટકી રહેતી હોય એમ જણાય છે. જેમાં હરેક પંચાયત સ્વતઃ એક નાનકડા અલગ રાજય સમાન છે, એવો ગ્રામપંચાયતોનો એ સંઘ તેમની સુખશાંતિ, સ્વાયત્તતા અનેસ્વતંત્રતાના ઉપભોગ માટે ઘણે અંશે ઉપકારક છે.’

“પ્રાચીન ગ્રામવ્યવસ્થાનું આ બ્યાન અતિશય પ્રશંસાભર્યું છે. આપણી આંખો આગળ લગભય કાવ્યમય પરિસ્થિતિનું ચિત્ર ખડું થાય છે. ગામડાંઓને જેટલી સ્થાનિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા હતાં, એ બહુ સારી વસ્તુ હતી, એમાં લેશમાત્ર પણ શંકા નથી. વળી એ ઉપરાંત, બીજી પણ સારી વસ્તુઓ એમાં હતી..... (ગ્રામ સ્વરાજ્યનાં) નવરચના અને નવસર્જન કરવાનું કામ આપણે માટે હજી બાકી જ છે.”

ગાંધીજીએ ગ્રામ સ્વરાજ્યના ચિત્રની જે કલ્પના કરી છે તે પ્રાચીન ગ્રામપંચાયતોને પુજર્જીવિત કરવાની નહીં, પણ આધુનિક જગતના સંદર્ભમાં સ્વરાજ્યનાં નાનાં નાનાં સ્વતંત્ર ગ્રામ એકમોના નવસર્જનની છે. ગ્રામ સ્વરાજ એ રાજકારણ, અર્થશાસ્ત્ર અને સમાજકરણનાં ક્ષેત્રોમાં અહિંસાનું પ્રગટ સ્વરૂપ છે.

ગાંધીજીના મત મુજબ આદર્શ સમાજ એ રાજ્યસત્તાવિહીન લોકતંત્ર છે, પ્રબુદ્ધ શાસનમુક્તિની સ્થિતિ છે, જેમાં સમાજજીવન એટલી પરિપૂર્ણતાએ પહોંચે છે કે, તે આત્મનિયંત્રિત હોય છે. “આદર્શ સ્થિતિમાં રાજકીય સત્તા જ નથી હોતી, કારણ કે ત્યાં રાજ્ય જ નથી હોતું.” ગાંધીજી માનતા કે આદર્શની સંપૂર્ણ સિદ્ધિ અશક્ય છે. “યુક્લિડે વ્યાખ્યા કરી છે કે, જેને પહોળાઇ નથી, તે લીટી. પણ એ લીટી આજ સુધી કોઇ દોરી શક્યું નથી, અને હવે પછી પણ કોઇ દોરી શકવાવું નથી છતાં એવી લીટીનો આદર્શ ખ્યાલમાં રાખવાથી જ ભુમિતિના જ્ઞાનમાં પ્રગતિ થઇ શકી છે. એ જ વાત દરેક આદર્શની બાબતમાં સાચી છે.” રાજનીતિના ક્ષેત્રમાં તેમણે આપણને તેમની રાજ્યસત્તાવિહીન લોકશાહીના આદર્શની કલ્પના નજીક પહોંચતું ગ્રામ સ્વરાજ આપ્યું જે ઓછામાં ઓછું શાસન કરે તે સર્વોત્તમ સરકાર એમ ગાંધીજી માનતા. સામ્યવાદી ફિલસૂકી પ્રમાણે આખરી અવસ્થા “રાજ્યનું વિલીનીકરણ” છે. પરંતુ રશિયાના આજના સર્વસત્તાધારી રાજ્ય તરફ જોઇએ છીએ ત્યારે ત્યાં તો આપણે રાજ્યમાં બધી સત્તા કેન્દ્રિત થયેલી દેખાય છે. ત્યાં ક્યારેય પણ રાજ્યસત્તા વિસર્જન પામશે એવું માનવું કઠણ

* ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’

પડે છે. મહાત્માં ગાંધી વ્યવહારુ આદર્શવાદી હતા તેથી તેમણે રાજ્યવિહીન લોકશાહીના આદર્શની ઉપયોગિતા સમજી લીધી અને આપણને ‘ગ્રામ સ્વરાજ’ની કલ્પનાની ભેટ આપી, જે “રાજ્યનું વિકેન્દ્રિકરણ” છે. આમ ગ્રામ સ્વરાજના રૂપમાં એ “રાજ્યના વિલીનીકરણ” ના દૂરના ધ્યેયને બદલે વ્યવહારુ ભૂમિકા ઉપર પ્રાપ્ત આદર્શને સિદ્ધ કરવાનો અમલી કાર્યક્રમ તેમણે આપ્યો છે.

આધુનિક લોકતંત્રો ચૂંટણી-કેન્દ્રી, પક્ષ-પ્રધાન, સત્તાલક્ષી, કેન્દ્રિત જટિલ તંત્રરચનાઓ છે. રાજ્યવ્યવસ્થા મૂડીવાદી, સમાજવાદી કે સમયવાદી હોય, પણ આ હરેક રાજકીય વ્યવસ્થા અતિશય મોટી અને ભારે મથાળાવાળી છે અને તેમાં સત્તાના કેન્દ્રીકરણનો દોષ ઘર કરી બેઠો છે. તેમાં વ્યક્તિઓની કશી ગણના હોતી નથી; ભલે મતદાતાઓ તરીકે તેમને માલિકનું નામ આપવામાં આવતું હોય. મતદારો મુદતે મુદતે થતી ચૂંટણી વખતે મતપત્રકમાં ચોકડી કરવા હાજર થાય છે અને પછી બીજી ચૂંટણી થતાં સુધી ઊંઘી રહે છે. અમુક ઠરાવેલી મુદતમાં ચોકડી કરવાનું હોય છે. તે પણ કેન્દ્રિત પક્ષ પદ્ધતિની સૂચના મુજબ અને કેન્દ્રિત આર્થિક સત્તાઓના મોટે ભાગે હાથરૂપ વર્તમાનપત્રોની ઘડવામાં વ્યક્તિનો ભાગ્યે જ અવાજ હોય છે, બલકે બિલકુલ હોતો નથી. કલ્યાણરાજ્યમાં કે કુલ સરમુખત્યારશાહી શાસનમાં વ્યક્તિ બાપડી, મનુષ્ય રૂપમાં સાર હ્ય્ષ્ટપુષ્ટ, મૂક અને બીજો દોરે એમ દોરાતા પ્રાણી જેવી બની રહે છે.

ગાંધીજી ભારતમાં સાચી લોકશાહી સ્થપાય એમ ઇચ્છતા હતા. તેથી તેમણે કહ્યું, “સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠે બેઠે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા. તે ઠેક નીચેથી હરેક ગામના લોકોએ ચલાવવી રહેશે.” ગ્રામ સ્વરાજમાં દરેક ગામડું સર્વ અધિકાર ધરાવતું નાનું વિકેન્દ્રિત રાજકીય એેકમ એકમ છે. તેથી એમાં પ્રત્યેક વ્યક્તિને હાથે પોતાની સરકારનું ઘડતર થાય છે. તે નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરના સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે બધાં જાહેર કર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. તેમાં શિક્ષાની કોઇ પદ્ધતિનો અમલ નહીં હોય. તેથી તે પંચાયત જ પોતે ગામની ધારાસભા, ન્યાયાધીશી અને કારોબારી મંડળ બનશે.

આવી રાજ્યવ્યવસ્થામાં જે નાગરિકો હશે તે આત્મનિયંત્રિત હશે સત્તા-નિયંત્રિત નહીં હોય; દરેક વસ્તુ માટે લાચાર બનીને સરકાર સામે મીટ માંડીને બેસી રહેનારા તે નહીં હોય પણ પોતાની આપસૂઝથી કામ કરનારા અને નાગરિક તરીકેની જવાબદારીનું ઊંચું ભાન ધરાવનારા હશે.

સાચી રાજકીય વ્યવસ્થાનું જે અંતિમ ચાલક બળ વ્યકિત છે તેનાં પૂર્ણ સ્વાતંત્રય અને વિકાસ માટે સાચી લોકશાહી હમેશાં કાર્યશીલ હોય છે.

ગાંધીજીની કલ્પનાનું ગ્રામ સ્વરાજ આમ સાચી અને શક્તિશાળી લોકશાહી છે, જેમાં આજની રાજકીય વ્યવસ્થાઓમાં જોવા મળે છે તે બધાં રાજકીય દૂષણોનો રામબાણ ઇલાજ રહેલો છે. આવી સાચી વિકેન્દ્રિત લોકશાહીમાં સમગ્ર માનવજાત માટે આશાનો સંદેશ પડેલો છે.

ગાંધીજીે મન રાજકીય સત્તા એ સાધ્ય નહીં, પણ સાધન માત્ર હતી. વિવિધ ક્ષેત્રોમાં લોકોની ઉન્નતિ સાધી શકાય એ માટે તેઓ સત્તાનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા. તેથી તેમના છેલ્લા પ્રસિદ્ધ વસિયતનામામાં તેમણે કહ્યું કે, હિંદે જોકે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, પણ તેણે “શહેરો તથા કસબાઓથી ભિન્ન એવાં તેનાં સાત લાખ ગામડાંઓની દૃષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિદ્ધ કરવાની હજી બાકી છે.” તે વસિયતનામામાં તેમણે ગ્રામ સ્વરાજ અથવા પંચાયતરાજ એટલે કે સંપૂર્ણ રાજકીય સત્તા ધરાવતા અહિંસક સ્વાવલંબી આર્થિક એકમની રૂપરેખા અને તે સિદ્ધ કરવાનો કાર્યક્રમ આપ્યાં. ગાંધીજીની કલ્પનાનું ગ્રામ સ્વરાજ પશ્ચિમની જેમ સંપત્તિકેન્દ્રી અર્થરચના નથી, પણ માનવ કેન્દ્રી અર્થવ્યવસ્થા જીવનને પોષનારી છે.

ગાંધીજીના સ્વપ્નની ગ્રામવ્યવસ્થામાં સ્વાભાવિક રીતે જ ગ્રામસેવકનું સ્થાન ચાવીરૂપ છે. તેનાં કર્તવ્યોનું નિરૂપણ કરતાં તેઓ કહે છે કે, ગ્રામસેવક ખેતી તેમ જ ગૃહઉદ્યોગો દ્ધારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને એ રીતે તેમને સંગઠિત કરશે, ગ્રામવાસીઓને સફાઇ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે અને તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે અને નઇ તાલીમને ધોરણે જન્મથી પર્યંતની સઘળા ગ્રામવાસીઓની કેળવણીનો પ્રબંધ કરશે.

જગતના જે રાજનીતિઓ વિશ્વશાંતિ માટે ઉત્સુક હોય તેઓ ટોચથી તળિયે જવાની યોજના કરવાનો વિચાર કરે, જ્યારે ગાંધીજીએ પાયાથી શરૂ કરી તે ઉપર ચણતર કરવાનું ધાર્યું. તેથી તેમણે કહ્યું : “સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનું એકેએક ગામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઇ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય અને તે રક્ષણ પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય, આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે.” ગાંધીજીને મન “સ્વરાજ એટલે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સ્વરાજ સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.” ગ્રામ સ્વરાજમાં અંતિમ સત્તા વ્યક્તિની હશે. તેણે ‘ગ્રામ સ્વરાજન’નું સંપૂર્ણ ચિત્ર પ્રત્યક્ષ કરવું હશે તો તેણે પોતે પ્રથમ પોતાનામાં ‘સ્વરાજ પ્રાપ્ત કરવું જોઇએ. યથા પિંડે તથા બ્રહ્માંડે, એ સનાતન સત્ય મૂજબ ગ્રામ સ્વરાજમાં તેના ઘટક એવા પ્રજાજનો પોતાના નિત્યજીવનમાં સ્વરાજની ભાવનાનું આચરણ કરતા હશે તે જ પ્રગટ થશે. તેની ગ્રામસેવકે ખરી કેળવણી ઉપર પોતાનું ધ્યાન એકત્રિત કરવું જોઇએ. ખરી કેળવણી એટલે મસ્તિષ્ક, હ્ય્દય અને હાથની શક્તિઓનો સુસંવાદી વિકાસ. નઇ તાલીમ એ ગાંધીજીની તપસ્યાનું ફળ છે. ગાંધીજી મનુષ્યની પાયાની વિવિધ શક્તિઓના સુસંવાદી પૂર્ણ વિકાસની મૂર્તિ હતા; દહેધારી પૂર્ણચેતના હતા. પાયાની કેળવણી જે હાથઉદ્યોગ વાટે બાળકનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટએ સર્વાંગી વિકાસ કરવા ઇચ્છે છે તેની આખી યોજનામાં અહિંસાનો આત્મા ઓતપ્રોત થયેલો છે આ યોજના પ્રમાણે જેમને કેળવણી મળી એવા નાગરિકો ગ્રામ સ્વરાજ નિર્માણ કરવમાં મૂળ મૂડીનું કામ આપે’

‘ગ્રામ સ્વરાજ’ માનવકેન્દ્રી, શોષણમુક્ત, વિકેન્દ્રિત, સાદી અર્થવ્યવસ્થા છે. તેમાં દરેક નાગરિકને પૂરી રોજગારી આપવાનો પ્રબંધ હોય. તેનું કામ ઐચ્છિક સહકારની ભૂમિકા પર ચાલતુ હોય. અન્નવસ્ત્ર અને બીજી પાયાની જરૂરિયાતોની બાબતમાં તે આત્મનિર્ભર થવા પ્રયત્નશીલ હોય.

આધુનિક અર્થવ્યવસ્થાઓ ભોગવિલાસ, ભૌતિક જરૂરિયાતની વુદ્ધિ અને નીતિશાસ્ત્ર તથા અર્થકારણ વચ્ચેના વિચ્છેદના પાયા પર ઊભેલી હોવાથી તે મોટા પાયા પરનાં યાંત્રિક, કેન્દ્રિત અને જટિલ સંગઠનો બની બેઠી છે. બેકારી, અર્ધ-બેકારી, ગરિબાઇ, શોષણ, બજારો કબજે કરવાની તથા કાચા માલ માટે મુલકો જીતવાની ગાંડી હરીફાઇનાં દૂષણો એમને વળેગલાં છે. સ્પર્ધા, સંઘર્ષ અને વર્ગવિગ્રહથી સમાજનો જીવનતંતુ ખવાઇ જાય છે. તેમાં વ્યક્તિની ગુલામી રહી છે, માણસને યંત્રના મોંમાં કોળિયો મૂકનાર હાથ તરીકે લેખવામાં આવે છે. યંત્રનો જાણે કે એ માત્ર બહારનો ભાગ ન હોય એવો એને મૂકે છે. આત્માને હણી નાખતા એકધારા કામને લીધે તેની સૂક્ષ્મ સંવેદનાઓ તે ખોઇ બેસે છે. પરિણામે કારખાનાના કંટાળાજનક કામના કષ્ટની તાણ હળવી કરવા માટે તે નીતિનાશક, સિનેમાઘરો, દારૂની દુકાનો અને ગણિકાઘરો તરફ દોડે છે. સમાજ ગરીબ અને તવંગર, સુખસગવડ ભોગવનારા અને અગવડ વેઠનારા એવા બે ભાગમાં વહેંચાઇ જાય છે. આજે જોવા મળે છે એટલી માત્રામાં આર્થિક વિષમતા અગાઉ કદી નહોતી. આજે એક બાજુએ કરોડપતિ શ્રીમંતો મોજશોખ અને આનંદપ્રમોદ કરે છે અને હેતુવિહીન જીવન ગાળે છે, બીજી બાજુએ સખત મહેનત કરનાર મજૂરને હાડચામ ભેગાં રાખવા પેટપૂર ખાવા પણ ભાગ્યે મળે છે. હુન્નરકળાની દૃષ્ટિએ ઘણા આગળ વધેલા એવા ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા દેશોને પણ હજુ બેકારીનો સવાલ ઉકેલવાનો બાકી છે. ભારતમાં તો આ સવાલની માત્રા અનેકગણી વધી જાય છે. કારણે કે અહીં અનાદિ કાળથી મુખ્યત્વે ખેતી પર જીવનારાં સાત લાખ છૂટાંછવાયાં ગામડાંમાં વિસ્તરેલી કરોડોની સંખ્યાની રોજગારી સમસ્યા છે.

ગ્રામ સ્વરાજ એ ભારતની ભૂખથી પીડાતી કરોડોની જનતા સાથે હ્ય્દયની એકતા સાધીને તેનાં સુખદુઃખ સાથે એકરૂપ થવાની જીવન સાધનાના ફળરૂપે મહાત્મા ગાંધીને લાધેલી જડીબુટ્ટી છે. તેમાં ભારતના જ નહીં પણ સમગ્ર જગતના, જેના ઇતિહાસમાં ખેડૂતવર્ગનું હમેશાં સર્વત્ર શોષણ થયું છે અને તે હંમેશાં ભૂખમરાનો ભોગ બનતો આવ્યો છે તેના રોગનું અચૂક ઔષધ સમાયું છે.

પંડિત નેહરુને તા. ૫-૧૦-’૪૫ને રોજ પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું :

“હું માનું છું કે હિંદુસ્તાને અને તેની મારફત દુનિયાએ પણ સાચી સ્વતંત્રતા મેળવવી હોય તો આજે નહીં તો કાલે ગામડાંમાં જ રહેવું પડશે; ઝૂંપડીમાં રહેવું પડશે, મહેલોમાં નહીં કહજો માણસો શહેરોમાં અને મહેલોમાં સુખશાંતિથી કદી નહીં રહી શકે; ન એકબીજાનું ખૂન કરીને એટલે કે હિંસાથી, ન જૂઠથી એટલે કે અસત્યથી રહી શકે. એ જોડી (એટલે સત્ય અને અહિંસા) વિના માણસજાતનો વિનાશ જ છે એમાં મને લેશ પણ શંકા નથી. એ સત્ય અને અહિંસાનાં દર્શન આપણે ગામડાંની સાદાઇમાં જ કરી શકીએ છીએ. એ સાદાઇ રેંટિયામાં અને તેમાં જે જે વસ્તુ સમાઇ જાય છે તેમાં રહેલી છે. દુનિયા ઊલટી બાજુ જતી દેખાય છે એથી હું ડરતો નથી, એમ તો જ્યારે પતંગિયું પોતાના વિનાશ તરફ જાય છે ત્યારે સૌથી વધારે નાચે છે અને એમ કરતાં બળી જાય છે. એમ બને કે હિંદુસ્તાન એ પતંગનૃત્યમાંથી ન બચી શકે. મારો ધર્મ છેલ્લા શ્વાસ સુધી એને એની મારફત જગતને બચાવવાની કોશિશ કરવાનો છે.”

“મારા કહેવાનો સાર એ છે કે મનુષ્યના જીવન માટે જે આવશ્યક ચીજો છે એના પર એનો પોતાનો કાબૂ હોવો જ જોઇએ. ન હોય તો વ્યક્તિ બચી જ ન શકે. છેવટે તો જગત વ્યક્તિઓનું જ બનેલું છે. જો બિંદુ નથી તો સાગર નથી. આ તો મેં દેખીતી વાત જ કહી, કંઇ નવું નથી કહ્યું.”

આમ ગાંધીજી જીવનમાં સાદાઇ અને ઐચ્છિક ગરીબાઇનો આગ્રહ રાખતા. એનો અર્થ એ નથી કે, માણસને જીવનને જરૂરી સગવડો ન મળવી જોઇએ. તેમણે કહ્યું કે દરેક માણસને યુક્તાહાર, આવશ્યક વસ્ત્ર અને આશ્રય મળવાં જોઇએ. તેઓ માનતા કે દરેક જીવંત પ્રાણીને આજીવિકાનો અધિકાર છે. તેમણે એક જગ્યાએ કહ્યું છે : “હિંદની બલકે આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઇએ કે જેથી કોઇને પણ અન્નવસ્ત્રનો અભાવ વેઠવો ન પડે, એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉદ્યમ મળી રહે અને એવી સ્થિતિ આખા જગતને માટે આપણે ઇચ્છતા હોઇએ તો અન્નવસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક માણસની પોતાની પાસે રહેવાં જોઇએ. તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપત્તિનો લોભ મુદ્દલ રાખવો ન જોઇએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે અથવા હોવો જોઇએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઇએ. તેનો ઇજારો કોઇ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એ ન્યાય નહીં, અન્યાય છે. આ સરળ સિદ્ધાંતનો અમલ અને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી આ અભાગી દેશમાં જગતમાંના ત્રીજા ભાગોમાં પણ ભૂખનું દુઃખ જોવા મળે છે. ”

જેમાં બધા નાગરિકોને પૂરી રોજગારી મળી રહે એવી અહિંસક અર્થરચના નિર્માણ કરવા માટે તેમણે ઉદ્યોગવાદ, કેન્દ્રિત ઉદ્યોગો અને અનાવશ્યક યંત્રોનો છેદ ઉડાડી દીધો. તેમનો મત હતો કે શહેરો માત્ર ગામડાંના લોકોનું લોહી ચૂસીને જીવનારાં છે. તેમણે શહેરોને દેશના સમાજદેહ પરનાં ગૂમડાં પણ કહ્યાં છે, તેમણે સૂચવ્યું છે કે, ભાવિ વિશ્વવ્યવસ્થાની આશા ગામડાં એટલે કે નાનાં શાંતિમય સહકારી એકમોમાં રહી છે; જ્યાં કશી જબરદસ્તી કે બળનો ઉપયોગ થતો નથી, પણ જ્યાં સઘળી પ્રવૃત્તિ ઐચ્છિક સહકારની ભૂમિકા પર ચાલે છે. ગ્રામ સ્વરાજની સમગ્ર ઇમારતમાં પ્રેમનું સામ્રાજ્ય હોય, તેથી તેમાં ન કોઇ ઊંચ હોય ન કોઇ નીચ હોય, સૌ એકસરખા હોય, તેમાં ન હોય જ્ઞાતિઓના વાડા કે ન હોય વર્ગના ભાગલા; તેમાં ન હોય અસ્પૃશ્યતા કે ન હોય હિંદુૃ-મુસ્લિમના કલહો. તેમાં સૌ કોઇ પોતાની સ્વાભાવિક ઉચ્ચતા અને સ્થાન પર પહોંચ્યા હશે.

ગ્રામ સ્વરાજ જ્ચારે સોળે કળાએ ખીલી ઊઠશે ત્યારે તેની સુવાસ જગતમાં ચોમેર ફેલાશે અને જગતને અનુકરણીય આદર્શ મળશે. ત્યારે જગતની સેવામાં ભારત પોતાની પુષ્પાંજલિ અર્પણ કરશે. તે વખતે જગતનાં સ્વશાસન કરતાં ગ્રામએકમો મળીને એક ઉચ્ચ સંસ્કાર સંપન્ન, બુદ્ધિમાન અને પરાક્રમી સ્ત્રી અને પુરુષોનું ચૈતન્યપૂર્મણ ભ્રાતૃમંડળ બનશે. આવા સમાજમાં જીવવું એ પણ શિક્ષણ અને જીવનકૃતાર્થતા હશે. એમાં જીવન એટલે વ્યક્તિની બધી શક્તિઓની પૂર્ણ અભિવ્યક્તિ અને પરસ્પરઆદરની અને પરસ્પર સેવાનાં કૃત્યો દ્ધારા પ્રેમની ભાવનાનો વિનિમય હશે. સંસ્કૃતિ, કળા, કાવ્ય, ચિત્રકળા અને વિજ્ઞાન સૌ તેમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરશે. તે પૃથ્વી પર પ્રભૂનું પ્રત્યક્ષ રાજય હશે.

ગ્રામ સ્વરાજમાં બાપુએ આવું અદ્‌ભુત સ્વપ્ન નિહાળ્યું છે. તેમાં આવી ઊંચી શક્યતા છૂપી પડી છે તેને બહાર લાવવાનું અને પ્રત્યક્ષ કરવાનું આપણું સૌનું કાર્ય છે. આપણે ભારતવાસીઓ જેઓ રાષ્ટ્રપિતાના વારસદારો છીએ, જેમણે તેમની પાસેથી મસૃદ્ધ અને અમર વારસો મેળવ્યો છે તેમણે રાષ્ટ્રપિતાનું આ સ્વપ્ન પરિપૂર્ણ કરવાનું રહે છે.

તેથી વર્તમાન રાજ્ય સરકારોએ વધુ સત્તાવાળી ગ્રામપંચાયતોની સ્થાપના કરતા કાયદાઓ ઘડ્યા છે એ યોગ્ય કદમ ભર્યું છે. આપણે આશા રાખીએ કે, ગ્રામ પંચાયતો ગાંધીજીએ આલેખેલા ગ્રામ સ્વરાજના ચિત્રને પોતાની નજર સામે રાખશે અને તેમણે ચીંધેલા માર્ગે કામ કરશે.

ગાંધીજીએ જે ભાવનાથી ગ્રામ સ્વરાજની કલ્પના કરી છે તે ભાવના આચરણમાં ઉતારીને ગ્રામ સ્વરાજનો અમલ કરવો જોઇએ. ગ્રામપંચાયતોનો કારભાર જવાબદારી જેમને વહન કરવાની આવશે તેમનામાં નિઃસ્વાર્થ સેવાવૃત્તિનો અને નાતજાત, ધર્મપંથ, પક્ષ-વિપક્ષની વાડોથી પર ઊઠનાર પ્રેમભાવનો અભાવ હશે તો ગ્રામસ્વરાજનાં મીઠાં ફળની ગાંધીજીએ જે અપેક્ષા રાખી છે તે અધૂરી રહેશે.

ગ્રામ વ્યવસ્થાઓ સંબંધમાં પંડિત નેહરુના શબ્દો યાદ કરી લેવા જરૂરી છે : “કોઇ એક વ્યકિત સમૂહ જેટલે અંશે પોતપોતાનામાં જ મશગૂલ રહે તેટલે અંશે તે સ્વરત, સ્વાર્થી અને સંકુચિત મનનો થવાનો સંભવ રહે છે.” આપણાં ગામડાંઓ અત્યારે સામાજિક ઝઘડા, ન્યાતજાતવાદ અને સંકુચિતતાના દોષોથી પીડાય છે. ગ્રામપંચાયતોને યશસ્વી બનાવવાનું કાર્ય સરળ નથી, પણ ઘણું વિકટ છે. ગ્રામપ્રદેશના અગ્રણીઓમાં તે માટે ખરો મિશનરી જુસ્સો જોઇશે. આ પ્રાચીન ભૂમિ અપેક્ષા પ્રમાણે ઊંચે ઊઠે, ભારતનું મિશન પરિપૂર્ણ કરે અને જગતની સેવા માટે કાર્ય કરીને ખરા યશની ભાગીદાર બને !

મહાત્મા ગાંધીએ ‘નવજીવન’, ‘હરિજનબંધુ’ ઇ૦ સાપ્તાહિકો અને પુસ્તકોમાં વખતોવખત જુદા જુદા વિષયો પર પોતાના વિચારો વ્યકત કર્યા છે. તેમાંથી ‘ગ્રામ સ્વરાજ’ને લગતાં લખાણો એકત્રિત કરીને આ સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. બને ત્યાં સુધી વિચારો એકબીજા સાથે સંકળાયેલા રહે એ રીતે ફકરાઓ ક્રમબદ્ધ કરવાની કોશિશ કરવામાં આવી છે. સામાન્ય વાચકને તથા ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે. શ્રી શ્રીમન્નારાયણે આ સંગ્રહનું આમુખ લખી આપ્યું છે તે માટે તેમનો આભાર માનું છું.

૨૧-૩’૬૩

હરિપ્રસાદ વ્યાસ

‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’

અનુક્રમણિકા

પ્રકાશકનું નિવેદન

આમુખ શ્રીમન્નારાયણ

પ્રસ્તાવના

૧. સ્વરાજનો અર્થ

૨. આદર્શ સમાજનું ચિત્ર

૩. શાંતિનો માર્ગ કયો ?

૪. શહેરો અને ગામડાંઓ

૫. ગ્રામ સ્વરાજ

૬. ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો

૧. માનવનું સૌથી અધિક મહત્ત્વ - પૂરી રોજગારી

૩. સમાનત

૪. ટ્રસ્ટીપણું

૫. વિકેન્દ્રીકરણ

૬. સ્વદેશી

૭. સ્વાવલંબન

૮. સહકાર

૯. સત્યાગ્રહ

૧૦. સૌ ધર્મોનું સરખું સ્થાન

૧૧. પંચાયતરાજ

૧૨. પાયાની કેળવણી

૭. જાતમહેનત

૮. સમાનતા

૯. વાલીપણાનો સિદ્ધાંત

૧૦. સ્વદેશીભાવના

૧૧. સ્વાવલંબન અને સહકાર

૧૨. પંચાયતરાજ

૧૩. પાયાની કેળવણી

૧૪. ખેતી અને પશુપાલન - ૧

૧૫. ખેતી અને પશુપાલન - ૨

૧૬. ખેતી અને પશુપાલન - ૩

૧૭. ખેતી અને પશુપાલન - ૪

૧૮. ખેતી અને પશુપાલન - ૫

૧૯. ખાદી અને હાથકાંતણ

૨૦. બીજા ગ્રામોદ્યોગો

દુગ્ધાલય

હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીનો લોટ

મિલનું તેલ અને ધાણીનું તેલ

ગોળ અને ખાંડસારી

મધમાખીનો ઉછેર

ચર્માલય

સાબુ

હાથકાગળ

શાહી

૨૧. ગામડાનો વાહનવહેવાર

૨૨. નાણું, વિનિમય અને કર

૨૩. ગ્રામસફાઇ

૨૪. ગામડાનું આરોગ્ય

૨૫. ખોરાક

૨૬. ગ્રામસંરક્ષણ

૨૭. ગ્રામસેવક

૨૮. સરકાર અને ગામડાં

૨૯. હિંદ અને દુનિયા

સ્વરાજનો અર્થ

સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે, અને એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે. ‘ઇન્ડિપેન્ડન્સ’ નો અર્થ જેમ કેટલીક વાર સંપૂર્ણ નિરંકુશતા થાય એવું ‘સ્વરાજ’ નું નથી.૧

જેમ દરેક દેશ ખાવાપીવાને અને શ્વાસ લેવાને લાયક છે તે જ પ્રમાણે દરેક રાષ્ટ્રને પોતાનો વહીવટ ચલાવવાનો અધિકાર છે, પછી ભલે તે ગમે એટલો ખરાબ વહીવટ ચલાવે.૨

પોતાનાં નામે મતદાર તરીકે નોંધવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ. . . . વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકો એ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે. . . .બીજા શબ્દોમાં કહું તો સામાન્ય વર્ગને રાજ્યાધિકારીઓનાં મર્યાદામાં રાખવાની તથા તેમના ઉપર પોતાનો અંકુશ રાખવાની શક્તિનું પૂરેપૂરું ભાન કરાવવાથી સ્વરાજ મળી શકે તેમ છે.૩

રાજપ્રકરણી આઝાદી એ પણ હિંદુસ્તાની હોય, એ યુરોપીય નમૂનો ન હોય, અંગ્રેજી પાર્લમેન્ટ કે સોવિયેટ રશિયા કે ઇટાલીનો નમૂનો હું કેમ લઉં ? મારી રાજકીય આઝાદી આ જાતની ન હોય. એ તો હિંદુસ્તાનની ભૂમિને ભાવે એવી હશે. આપણે ત્યાં સ્ટેટ તો હશે પણ કારભાર કેવા પ્રકારનો હશે એ હુંં આજે ન બતાવી શકું. . . મારી કલ્પના પ્રમાણે તો એમાં ઉમરાવ અને ગરીબ બંને એક ઝંડાની સલામી કરે છે. પંચ કહે તે પરમેશ્વર. એટલે આપણે ત્યાંના ભલા માણસ, હિંદુસ્તાનને જાણવાવાળ કરોડો માણસો જે માગે તેવું તંત્ર આપણને જોઇએ. એ રાજકીય આઝાદી. એમાં એક આદમીનું નહીં, પણ સૌનું રાજ્ય હશે.૪

સ્વરાજ માત્રનો આધાર સર્વાંશે આપણી પોતાની જ આંતરિક શક્તિ પર છે, ભારેમાં ભારે સંકટો સામે લડી પાર ઊતરવાની આપણી તાકાત પર છે. ખરું જોતાં જ સ્વરાજને મેળવવામાં અને ટકાવવામાં એવા પુરુષાર્થની જરૂર નથી તેને સ્વરાજ જ નહી શકાય. તેથી મેં વાણીથી તેમ જ કર્મથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાજકીય સ્વરાજ - એટલે કે સ્ત્રીપુરુષોની મોટી સંખ્યાનું સ્વરાજ એ વ્યક્તિગત સ્વરાજ કરતાં જરાયે જુદી વસ્તુ નથી, અને તેથી વ્યક્તિગત સ્વરાજને માટે જે સાધનોની જરૂર છે તે જ સાધનોથી આ રાજકીય સ્વરાજ પણ મેળવવાનું છે.૫

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુકત થવાનો સતત પ્રયાસ; પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સ્વરાજ સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.૬

મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. હું અનેક નવી વસ્તુઓ લખવા માગું છું પણ તે હિંદી ધરતી ઉપર જ લખાવી જોઇશે. પશ્ચિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પાછી શકીશ ત્યારે પશ્ચિમની પાસે કરજ લેતાં હું નહીં અચકાઉં.૭

સ્વરાજ ત્યાં જ જાળવી શકાય કે ક્યાં ઘણાં માણસો સાચાં ને

સ્વદેશાભિમાની એટલે પ્રજાના હિતમાં પોતાનું હિત સમજનારાં હોય ને થોડાં જ લાલચુ, સ્વાર્થી ને અપ્રામાણિક હોય. સ્વરાજનો એક અર્થ તો એ છે કે ‘ઘણાનું રાજ્ય’. એ ઘણા જો અનીતિમાન અથવા સ્વાર્થી હોય તો રાજ્યમાં અંધાધૂંધી જ હોય એ ચોખ્ખું છે.૮

મારા. . . આપણા સ્વપ્નના સ્વરાજમાં જાતી કે ધર્મના ભેદભાવને સ્થાન નથી. તેમ જ તે ભણેલાનો કે ધનિકનો ઇજારો નહીં હોય. સ્વરાજ બધાને માટે હશે. બધામાં ખેડૂતોનો અને ખાસ કરીને લૂલાલંગડા, આંધળા, અને ભૂખે મરતા કરોડો મહેનતુ લોકોનો સમાવેશ થઇ જાય છે.૯

કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઇ હોઇ શકે ? જો આ વાત સાચી હોય આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે.૧૦

જો સ્વરાજ આપણી સભ્યતાનેસ્વચ્છ અને સ્થાયી કરવાને માટે ન હોય તો તે નકામું છે. આપણી સભ્યતાનો અર્થ કે નીતિને વ્યવહારમાત્રમાં - ધર્મ, રાજ્ય, સમાજ, તમામ વ્યવહારમાં - સર્વોપરી સ્થાન આપવામાં આવે છે.૧૧

પૂર્ણ સ્વરાજ. . . ‘પૂર્ણ’ એટલા માટે કે જાતિ, ધર્મ કે દરજ્જાના કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર એ જેટલું રાજા માટે તેટલું જ ખેડૂત માટે, જેટલું ધનિક જમીનદાર માટે તેટલું જ ભૂમિહીન ખેડૂત માટે, જેટલું હિંદુ માટે, તેટલું જ મુસલમાન માટે, જેટલું પારસી અને જૈન માટે, તેટલું જ યહૂદી અને શીખ માટે છે.૧૨

સ્વરાજ શબ્દનો અર્થ પોતે તથા એને સિદ્ધ કરવા માટેનાં સાધનો - સત્ય અને અહિંસા - જેના પાલન માટે આપણે પ્રતિજ્ઞા - બદ્ધ છીએ તે બધું - સ્વરાજ કોઇને માટે ઓછું તો કોઇને માટે વધારે, અમુકને માટે લાભદાયી અને બીજાને માટે નુકસાનકારક હોવાની બધી શક્યતાઓને અસંભવ બનાવી દે છે. ૧૩

મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિક વર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે, તે તમને પણ સુલભ હોવી જોઇએ. પણ એનો અર્થ એવો નથી કે તેઓની માફક તમારે પણ મહેલો હોવા જોઇએ. સુખને માટે તેની જરૂર નથી. તમે કે હું એમાં ભૂલા પડીએ. પણ તમને ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો મળવી જોઇએ. એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી જે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડો ની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ પૂર્ણ સ્વરાજ નથી.૧૪

મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એકલવાયું સ્વાતંત્રય નથી પણ નીરોગી અને પ્રતિષ્ઠિત સ્વાતંત્રય છે, મારો રાષ્ટ્રવાદ ઉગ્ર છે છતાં એકલપેટો નથી, કોઇ પણ પ્રજા કે વ્યક્તિને હાનિ કરવાનો તેનો ઉદ્દેશ નથી. કાયદાનાં સૂત્રો જેટલાં કાયદાનાં નથી તેટલાં સદાચારનાં સૂત્રો છે. ‘તારા પડોશીની મિલકતને હાનિ ન પહોંચે એવી રીતે તારી મિલકત ભોગવે,’ એ સૂત્રના સનાતન સત્ય પર મારો વિશ્વાસ છે.૧૫

સત્ય અને અહિંસા વડે સંપૂર્ણ સ્વતંત્રતાની સિદ્ધિ એટલે ન્યાયજાત, વર્ગ કે ધર્મના ભેદ વિના રાષ્ટ્રના એકેએક ઘટકની, અને તેમાંયે તેના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતાની સિદ્ધિ. આવી સ્વતંત્રતામાંથી કોઇનેયે અળગા રાખવાપણું ન હોય. અને તેથી રાષ્ટ્રની બહાર બીજાં રાષ્ટ્રો સાથેના અને પ્રજાની અંદર તેના જુદા જુદા વર્ગોના પરસ્પરાવલંબન સાથે એ સ્વતંત્રતાનો પૂરેપૂરો મેળ હશે. અલબત, જેમ આપણે દોરેલી કોઇ પણ લીટી યુક્લિડની તાત્ત્વિક વ્યાખ્યાની લીટીના કરતાં અધૂરી હોય તેમ તાત્ત્વિક સિદ્ધાન્તના કરતાં તેનો વહેવારમાં અમલ અધૂરો રહે છે. તેથી જેટલા પ્રમાણંમાં આપણે સત્ય ને અહિંસાનો વહેવારમાં અમલ કરીશું તેટલા જ પ્રમાણમાં આપણે મેળવેલી સ્વતંત્રતા સંપૂર્ણ હશે. ૧૬

એ બધાનો આધાર આપણે પૂર્ણ સ્વરાજનો શો અર્થ કરીએ છીએ અને તેની મારફતે શું સિદ્ધ કરવા માગીએ છીએ તેના પર છે. આપણે જો પૂર્ણ સ્વરાજનો અર્થ આમજનતાની જાગૃતિ અને તેનામાં તેમના સાચા હિતની સમજ અને તે હિતને માટે આખી દુનિયા સામે ઊભા રહેવાની શક્તિ એવો કરતા હોઇએ તથા પૂર્ણ સ્વરાજ દ્ધારા સંપ, અંદરના કે બહારના આક્રમણથી મુક્તિ, અને આમજનતાની આર્થિક હાલતમાં ઉત્તરોત્તર સુધારો ચાહતા હોઇએ, તો આપણે આપણું ધ્યેય રાજકીય સત્તા વગર અને ચાલુ સત્તા પર સીધો પ્રભાવ પાડીને હાંસલ કરી શકીએ. ૧૭

સ્વરાજ, પૂર્ણ સ્વરાજ કે આઝાદી એટલે આપણા ઉપર કોઇ પરદેશી સલ્તનત રાજ ન કરે. એ આઝાદી ચારે બાજુની હોવી જોઇએ : ૧. એમાં અર્થસિદ્ધિ હોવી જોઇએ. ૨. બીજી રાજ્યપ્રકરણી આઝાદી. ૩. સ્વરાજનો ત્રીજો ભાગ નૈતિક કે સામાજિક સ્વાતંત્રયનો છે. ૪. ચોથો ખૂણો ધર્મનો છે. તેમાં હિંદુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તીધર્મ વગેરેનો સમાવેશ થાય છે. છતાં તે બધાથી શ્રેષ્ઠ છે. . . આપણું સ્વરાજ ચતુષ્કોણ હોય. . . ચારે ખુણાને આપણે બરોબર સંભાળવાના છે એને કોઇ કાનસ લગાવીને ઘસી નાખી નહીં શકે. એ તો સૌ ૯૦ અંશના કાટખૂણાઓ છે. એ ચાર ખૂણાઓનું બનેલુંં જે રાજ્ય તેને સ્વરાજ કહો; હું એને રામરાજ્ય કહું. ૧૮

મારી કલ્પનાનું સ્વરાજ ત્યારે જ આવશે જ્યારે આપણે સૌ દૃઢપણે માનીશું કે એકમાત્ર સત્યઅહિંસા થકી જ સ્વરાજ મેળવાય, ચલાવાય અને નભાવાય. ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે. એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યકિતગત નિર્ભળ અહિંસામાંથી જ પરિણમે. ૧૯

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાળવવાપણું નથી હોતું. પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઇ ફરજ એવી નથી કે જેને છેડે કંઇક હક ન હોય. અને ખરા હક કે અધિકાર એ કેજ ે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જે સેવાધર્મ પાળે છે તેને જ શહેરીના ખરા હક મળે છે, ને તે જ તેને જીરવી શકે છે. જૂઠૂું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન થાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જે પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે. અને તેવા માણસ પોતાના અધિકારને પણ સેવા સારુ વાપરે છે, સ્વાર્થ સારુ કદી નહીં.

પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિના શહેરી તરીકેના ધર્મના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઇને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય નથી હોતો. અધિકાર આવશ્યક હોય ત્યારે એની મેળે દોડી આવે છે.૨૦

અહિંસક સ્વરાજમાં કોઇ કોઇના દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળે ભરે. કોઇ નિરક્ષર ન હોય. ઉત્તરોત્તર તેનું જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય. કંગાલ કોઇ હોય નહીં. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મદ્યાપન, વ્યભિચાર ન હોય; વર્ગવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે, ભોગવિલાસ વધારવામાં કે અતિશય રાખવામાં નહીં. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને હજારો કે લાખો લોક હવાઅજવાળું ન હોય એવાં અંધારિયામાં રહે એમ ન હોય. . . કોઇના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઇ તરાપ ન મારી શકે. એથી ઊલટું કોઇ ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. જ્યાં તંત્ર વ્યવસ્થિત છે ત્યાં ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું. ૨૧

આદર્શ સમાજનું ચિત્ર

(નવી દિલ્હીમાં, ભંગી કૉલોનીમાં સાંજની પ્રાર્થનામાં એક દિવસે ગાવામાં આવેલા ભજનમાં ગાંધીજીએ તેમના આઝાદ હિંદનું ચિત્ર તેના મહત્ત્વના અંશોમાં મૂર્ત થતું ભાળ્યું. એ ચિત્ર તેમના ચિત્તમાં ચોેંટી ગયું. તેમણે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો અને તે લૉર્ડ પૅથિક લૉરેન્સને મોકલી આપ્યો. એ ભજન આ પ્રમાણે છે)

(હિન્દ)

(જે ઉદ્‌ભવ્યું એ, તેમના સ્વપ્નના હિંદનું ચિત્ર હતું.)

એ જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજનું, જેમાં ઊર્ઘ્વગામી (વર્ટિકલ) વિભાગો બિલકુલ ન હોય, પણ સમાન્તર (હોરિઝોન્ટલ) વિભાગો હોય તથા જેમાં કોઇ ઊચુંં કે કોઇ નીચું ન હોય, એવા સમાજનું ચિત્ર હતું. એમાં બધી સેવાઓનો દરજ્જો સમાન હશે. તથા તેને માટે એકસરખું વેતન મળતું હશે, જેમની પાસે વધારે હશે તેઓ પોતાના એ લાભનો ઉપયોગ પોતાને માટે નહીં કરે, પણ જેમની પાસે ઓછું હોય તેમની સેવા માટે ટ્રસ્ટ તરીકે કરશે. ધંધોરોજગાર પસંદ કરવા પાછળનો આશય, અંગત બઢતી નહીં પણ સમાજની સેવા દ્ધારા આત્મ-અભિવ્યક્તિ અને આત્મસાક્ષાત્કાર હશે.

એવા સમાજમાં બધી સેવાઓનો દરજ્જો તથા તેને માટે મળતું વેતન સરખાં હશે. એટલે, વંશપરંપરાથી ઊતરી આવેલાં કળા કૌશલ્યનો, અંગત ફાયદાને લોભે ભોગ આપવાને બદલે તે પેઢી દર પેઢી સાચવી રાખવામાં આવશે તેમ જ વિકસાવવામાં આવશે. બેલગામ અને હૈયાસૂની હરીફાઇનું સ્થાન સમાજની સેવાનો સિદ્ધાંત લેશે. દરેક જણ મહેનત મજૂરી કરતો હશે, પરંતુ કેળવણી અને સંસ્કારિતા માટે તેને પૂરતી નવરાશ, તક અને સગવડો મળી રહેશે. ગૃહઉદ્યોગની તતા નાના પાયા પરની સઘન ખેતીની સહકારી મંડળીઓની એ અદ્‌ભુત દુનિયા હશે અને તેમાં કોમવાદ અથવા જ્ઞાતિઓને કશું પણ સ્થાન નહીં હોય. છેલ્લે, એ સ્વદેશીની દુનિયા હશે, જેમાં આર્થિક સીમાઓ બહુ નજીક નજીક આવેલી હસે, પરંતુ વ્યક્તિસ્વાતંત્ર્યના ક્ષેત્રની સીમા વધારેમાં વધારે વિસ્તારવામાં આવી હશે; પ્રત્યેક વ્યક્તિ પોતાની સાવ નજીકની વસ્તુસ્થિતિ માટે જવાબદાર હશે અને સઘળી વ્યક્તિઓ સમાજ માટે જવાબદાર હશે. હકો તથા ફરજોનું નિયમન પરસ્પરાવલંબન તથા અન્યોન્યાશ્રયના સિદ્ધાંત દ્ધારાં કરવામાં આવતું હશે. સમગ્ર વસ્તુ અને તેનાં અંગ વચ્ચે ઘર્ષણ નહીં હોય, રાષ્ટ્રવાદ સંકુચિત, સ્વાર્થી કે આક્રમણકારી થવાનો અથવા આંતરરાષ્ટ્રીયવાદ, જેના ગગનવિહારના ઘૂમસમાં નક્કર વસ્તુ ખોવાઇ જાય. એવી કેવળ તાત્ત્વિક કલ્પના બની જવાનો કશો પણ ભય નહીં હોય.૨

તેમાં કોઇ ગરીબ નહી હોય, ભિખારી નહીં હોય; કોઇ ઊંચો નહીં હોય ને કોઇ નીચો નહીં હોય; કોઇ તેમાં કારખાનાનો કરોડાધિપતિ માલિક નહીં હોય, ને કોઇ અંધે પેટે કામ કરનારો મજૂર નહીં હોય; નહીં તેમાં દારૂ જોવાને મળે, નહીં બીજી કેફી ચીજો જોવાની જડે; તેમાં સૌ રાજીખુશીથી મને અભિમાનથી પોતાનો રોટલો કમાવાને અંગમહેનત કરતાં હશે; એ સ્વર્ગમાં જેવો પુરુષોનો દરજ્જો હશે ને તેમનાં માનઆબરૂ હશે તેવાં જ સ્ત્રીઓનાં હશે; એમાં સ્ત્રી અને પુરુષ બન્નેની પવિત્રતાની પૂરતી સંભાળ રાખવામાં આવતી હશે. ઉંમર પ્રમાણે હરેક સ્ત્રીને એમાં વસતા હરેક ધર્મને અનુસરનારા પુરુષો પોતાની મા, બહેન અગર દીકરી ગણશે; એ દેશમાં અસ્પૃશ્યતા નહીં હોય ને સર્વ ધર્મોનો સરખો આદર રાખવામાં આવશે. જે કોઇ આ બધું સાભળે અગર વાંચે તે સૌ સૂર્યના જીવનદાયી તડકામાં પડ્યો પડ્યો હું આ કાલ્પનિક ચિત્રના આનંદની લહેરમાં ઘસડાયો તે માટે મને માફ કરે. ૩

શાંતિનો માર્ગ ક્યો ?

ઉદ્યોગવાદ

મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે, એક પ્રજા બીજી પ્રજાને લૂંટે એ હમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લાં થવા પર, અને હરિફોના અભાવ પર છે. આ વસ્તુઓ ઇંગ્લંડને માટે દહાડે દહાડે ઓછી થતી જાય છે તેથી દરરોજ એનાં બેકારોની સંખ્યા વધતી જાય છે. હિંદુસ્તાનનો બહિષ્કાર એ તો ફક્ત ચાંચડનો એક ચટકો હતો. એ જો ઇંગ્લંડની એ દશા હોય તો હિંદુસ્તાન જેવો વિશાળ દેશ મોટા પાયા પર ઉદ્યોગો દાખલ કરીને લાભ ખાટવાની આશા ન રાખી શકે. ખરું જોતાં હિંદુસ્તાન જ્યારે બીજી પ્રજાઓને લૂંટવા માંડશે - અને જો મોટા પાયા પર ઉદ્યોગો ચલાવે તો તેણે તેમ કર્યે જ છૂટકો - તો તે બીજી પ્રજાઓને શાપરૂપ અને જગતને ત્રાસરૂપ થઇ પડશે, અને બીજી પ્રજાઓને લુંટવા માટે હિંદમાં મોટા ઉદ્યોગો દાખલ કરવાનો વિચાર હું શા માટે કરું ? આજની દુઃખદ સ્થિતિ તમે નથી જોતા ? આપણે આપણા ત્રીસ કરોડ બેકારો માટે કામ શોધી શકીએ છીએ, પણ ઇંગ્લંડ તેના ત્રીસ લાખ માટે કશું કામ નથી શોધી શકતું અને તેની સામે જે સવાલ આવી પડ્યો છે તે ઇંગ્લંડના ભારેમાં ભારે બુદ્ધિશાળી લોકોને હંફાવી રહ્યો છે. ઉદ્યોગવાદનું ભાવી કાળું છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મનીએ ફતેહમંદ ફરિફો ઇંગ્લંડ મળ્યા છે. હિંદની મૂઠીભર મિલોની પણતેની સામે હરિફાઇ છે. અને જેમ હિંદમાં જાગૃતિ થઇ છે તેમ દક્ષિણ આફ્રિકામાં પણ જાગૃતિ થશે. તેની પાસે તો અનેક ગણી વિશાળ સમૃદ્ધિ - કુદરતી ખાણોની તેમ જ મનુષ્યની - પડેલી છે. કદાવર અંગ્રેજો આફ્રિકાની કદાવર કોમો આગળ સાવ વેંતિયા દેખાય છે. તમે કહેશો કે તેઓ કંઇ નહીં તો ખાનદાન જંગલીઓ છે. તેઓ ખાનદાન અવશ્ય છે, પણ જંગલી તો નથી. . . અને થોડાં જ વરસમાં પશ્ચિમની પ્રજાઓ જોશે કે તેમનો માલ. . . ઓછા ભાવે વેચવાનું દ્ધાર બંધ થઇ ગયું છે. અને જો ઉદ્યોગવાદનું ભાવિ પશ્ચિમમાંકાળું હોય તો હિંદને માટે તો એથીયે કાળું ન નીવડે ?૧

‘આજની અંધાધૂંધીનું શું કારણ ?’ ચૂસણનીતિ. દુર્બળ રાષ્ટ્રોને શક્તિશાળી રાષ્ટ્રો ચૂસે છે તેની વાત હું નહીં કરું, પણ એક રાષ્ટ્ર પોતાના ભાઇબંધ બીજા રાષ્ટ્રને ચૂસે છે તેની વાત કરું છું. યંત્રોને લીધે જ એક રાષ્ટ્ર બીજાં રાષ્ટ્રોને ચૂસી શકે છે ને વસ્તુસ્થિતિને કારણે જ યંત્રો સામે મારો વિરોધ છે. એમ તો એ નિર્જીવ વસ્તુ છે એનો સારો અને ખોટો બંને ઉપયોગ થઇ શકે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એનો ખોટો ઉપયોગ સહેલાઇથી થઇ શકેે છે.૨

ખરે આજે તો પશ્ચિમ ઉદ્યોગવાદથી અને શોષણવાદથી ઓચાઇ ગયું છે. જો પશ્ચિમને એ રોગોની દવા ન મળતી હોય તો પશ્ચિમની નિશાળે ભણનારા આપણે નવા નિશાળિયા એ રોગનું નિવારણ શી રીતે કરી શકીશું ? એ આખો ઔધોગિક સુધારો એક ભારે રોગ છે, કારણ એ નિષ્ટાણય છે, મોટાં મોટાં નામોથી આપણે રખે ઠગાતા ! આગબોટ અને તારની સાથે મારે અદાવત નથી. ઉદ્યોગવાદ અને તેની સાથે જે અનિષ્ટપરંપરા લાગેલી છે તે બાદ રાખીને જો આગબોટ અને તાર રાખી શકાતાં હોય તો રાખીએ. એ કાંઇ સાધ્ય નથી. આગબોટ અને તારની ખાતર આપણે ચુસાવાનું કબૂલ ન કરી શકીએ. માનવજાતિના શાશ્વત કલ્યાણને માટે એ અનિવાર્ય વસ્તુઓ નથી. વરાળ અને વીજળીના ઉપયોગ આપણે જાણીએ છીએ એટલે યોગ્ય પ્રસંગે જ, અને વિદ્યોગવાદમાં તણાયા વિના, તેનો ઉપોયગ આપણે કરી જાણવો જોઇએ. એટલે ઉદ્યોગવાદમાં તણાયા વિના, તેનો ઉપયોગ આપણે કરી જાણવો જોઇએ. એટલે ઉદ્યોગવાદનો કોઇ પણ રીતે આપણે નાશ કરવો જ રહ્યો.૩

જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્ત્વકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઇત્તરોત્તર વધતો જતો એવો એક જાગ્રત વર્ગ છે.

પણ એ સંસ્કૃતિ સારી હોય કે ખોટી, હિંદનું ઉદ્યોગીકરણ પશ્ચિની રીતે શા માટે કરવું જોઇએ ? પશ્ચિમની સંસ્કૃતિ શહેરી છે. ઇંગ્લંડ કે ઇટાલી જેવા નાના દેશો તેમની પદ્ધતિઓને શહેરી બનાવે તે પરવડે. આછી વસ્તીવાળા અમેરિકા જેવા મોટા દેશને પણ એમ જ કરવું પડે. પણ ગીચ વસ્તીવાળા વિશાળ દેશને, જેની પ્રાચીન પ્રણાલિકાઓ ગ્રામીણ છે અને જે તેને આજ સુધી ઉપયોગી થતી આવી છે, તે દેશે પશ્ચિમના નમૂનાનું અનુકરણ કરવાની જરૂર નથી, ન કરવું જોઇએ. એક સ્થિતિમાં રહેલા દેશ ંમાટે જે સારું છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોય જ એમ નથી છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોય જ એમ નથી. એકનો ખોરાક તે બીજા માટે ઝેર હોઇ શકે. દેશની ભૌગોલિક સ્થિતિ તેની સંંસ્કૃતિ ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. ધ્રુવ પ્રદેશોમાં રહેનાર માટે રુવાંટીનો ડગલો (ફર-કોટ) જરૂરી થઇ પડે; પણ વિષુવવૃત્તના પ્રદેશમાં રહેનારને તે ગૂંગળાવી નાખે.૪

હાલની દુઃખદાયક દશા અસહ્ય તો છે જ. ગરીબીનો નાશ થવો જ જોઇએ. પણ ઉદ્યોગવાદ એનો ઉપાય નથી. આપણે બળદગાડાં વાપરીએ છીએ તેમાં દોષ નથી રહ્યો, દોષ તો આપણી સ્વાર્થી વૃત્તિ, અને આપણા પડોશીઓના સ્વાર્થ પ્રત્યેના દુર્લક્ષમાં રહ્યો છે. જો આપણને આપણા પડોશીને વિષે પ્રેમ ન હોય તો ગમે તેવું જબરદસ્ત પરિવર્તન પણ આપણને લાભ કરી શકે તેમ નથી.૫

મારી પાસે તાકાત હોય તો આજે જ હું આવા આ તંત્રને મિટાવું અને તેમ કરવામાં જીવલેણમાં જીવલેણ હથિયારો વાપરતાં આંચકો ન ખાઉં, - જો તેનાથી તેનો નાશ થવા વિષે મને ખાતરી હોય. તેવાં સાધનોનો ઉપયોગ હું તેટલા સારુ કરતો નથી કે એવું સાધન એ તંત્રના અત્યારના સંચાલકોનો નાશ કરે તોપણ તંત્રને તો કાયમ જ કરે. જે લોકો માણસોની બૂરાઇનો નાશ કરવાને બદલે તેવાં માણસોનો જ નાશ કરવા માગે છે તેઓ પોતે જ પેલાઓની બૂરાઇઓ અખત્યાર કરે છે અને માણસોને મારવાથી તેમનામાંની બૂરાઇઓ મરશે એવી ભ્રમણમાં તેઓ જેમનો નાશ કરે છે તેમને વટાળે એવા પંડે બની બેસે છે. બૂરાઇનાં મૂળ ક્યાં છે એ વાતની એમને સમજ નથી હોતી.૬

વિશાળ ઉદ્યોગોની સાથે હરીફાઇ અને ખપતના પ્રશ્નો આવશે, એટલે ગ્રામવાસીઓનું સીધું કે આડકતરું શોષણ થયા વિના નહીં જ રહેવાનું. તેથી આપણે ગામડાંને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભોગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામઉદ્યોગનું આ રૂપ જળવાઇ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપીર શેક એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્ર એ બીજાને ચૂસવાનાં સાધન તરીકે ન વાપરવાં જોઇએ.૭

કોઇ પણ દેશને કોઇ પણ પ્રસંગે યંત્રોદ્યોગો ખીલવવાની જરૂર હોય, એમ હું માનતો નથી. હિંદને તો આ વસ્તુ વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. ખરેખર, ગૃહઉદ્યોગો દ્ધારા પોતાનાં લાખ્ખો ઝૂંપડાંઓની ખિલવણી કરી, સાદું પણ ઉમદા જીવન અપનાવીને તથા દુનિયા જોડે સુલેહશાંતિથી રહીને જ સ્વતંત્ર હિંદ ત્રાહિ ત્રાહિ પોકારી રહેલી દુનિયા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી શકશે, એમ હું માનું છું. લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવા જટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી. આપણે ઉમદા જીવન જીવવાની કળા શીખીએ, તો જ જીવનનું સઘળું માધુર્ય પ્રગટાવી શકીશું.

ઠીસી ઠીસીને સશસ્ત્ર બનેલી દુનિયા તથા તેના ઠાઠમાઠ અને આડંબર સામે વિસ્તાર અને વસ્તીમાં ચાહે એટલા મોટા પણ એકલદોકલ રાષ્ટ્રને માટે આવું જીવન શક્ય છે કે નથી, એ અશ્રદ્ધાળુના મનમાં શંકા ઉપજાવે, એવો સવાલ છે. એનો જવાબ સીધો અને સરળ છે. સાદાઇનું જીવન જો જીવવા જેવું હોય તો એ પ્રયત્ન કરવા જેવો છે; પછી એવો પ્રયાસ કરનાર ભલેને એક જડ વ્યકિત કે ગણીગાંઠી વ્યક્તિઓનું એક નાનકડું જૂથ હોય.૮

યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છે, પણ જો આપણે એની નકલ કરવા જઇશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. આમ કહેવાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારું અને બાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઇ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે; અને હું હિંમતબેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઇને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આપવું પડશે. મારે અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. ‘સાદી રહેણી અને ઊંચા વિચાર’ એ એક પશ્ચિમના ફિલસૂફનું સૂત્ર આપણે આપણાં હ્યદય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોક્કસ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો - જેઓ આમવર્ગને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ - ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઇ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ.૯

આપણા ઘણા દેશવાસીઓને મેં એમ કહેતા સાંભળ્યા છે કે આપણે અમેરિકાની જેટલી સમૃદ્ધિ મેળવીશું પણ તેની કાર્યપદ્ધતિઓ આપણે ટાળીશું. હું કહેવાની હિંમત કરું છું કે, એવો પ્રયાસ જો કરવામાં આવશે તો તે ખચીત નિષ્ફળ નીવડવાનો છે. આપણે એક ક્ષણમાં ‘’શાણા, મર્યાદાશીલ અને ઉશ્કેરાયેલા’ બની શકીએ નહીં. . . જે દેશને મિલોનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાએ અને કારખાનાંના ઘોંઘાટે કદરૂપો બનાવી મૂક્યો છે, તથા પોતે શું કરી રહ્યા છે તેની મોટે ભાગે જેમને કશી ગતાગમ હોતી નથી એવા, તેમ જ ઘણી વાર શુન્યમનસ્ક હોય એવા, માણસોથી ખીચોખીચ ભરેલા સંખ્યાબંધ ડબ્બાઓ જેના રસ્તાઓ પરથી એંજિન ઘસડી લઇ જતાં હોય એવા દેશમાં દેવો વસતા હોય એવા કલ્પના કરવાનું શક્ય નથી. એ રીતે ઘેટાંબકરાંની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાંઆવેલા માણસો એકબીજાથી સાવ અપરિચિત હોય છે અને ભારે અગવડ ભોગવતાં હોવાને કારણે, બની શકે તો સૌ એકબીજાને તેમાંથી ધકેલી કાઢવાને તાકતાં હોય છે. આ બધી વસ્તુઓનો ઉલ્લેખ હું તેટલા માટે કરું છું કે, તેમને ભૌતિક પ્રગતિની નિશાની રૂપ લેખવામાં આવે છે. પરંંતુ તેનાથી આપણા સુખમાં રતીભાર પણ વધારો થતો નથી.૧૦

પંડિત નહેરુને વિશાળ યાંત્રિક ઉદ્યોગો જોઇએ છે, કેમ કે તે માને છે કે એે ઉદ્યોગો પર જો રાજ્યની માલિકી સ્થાપનવામાં આવે તો તે મૂડીવાદનાં અનિષ્ટોથી મુક્ત રહેવા પામે. મારો પોતાનો મત એવો છે કે એ અનિષ્ટોથી મુક્ત રહેવા પામે. મારો પોતાનો મત એવો છે કે એ અનિષ્ટો વિશાળ યંત્રોદ્યોગો જોડે સ્વભાવતઃ જડાયેલાં છે, ને રાજ્યની માલિકી કરો તોયે તે નાબૂદ થઇ શકે એમ નથી.૧૧

આજે રશિયામાં મોટા યંત્રોદ્યોગો પરાકાષ્ઠાએ પહોંચેલા છે એમ કહી શકાય.એ રશિયા સામે નજર નાખું છું તો ત્યાંનું જીવન આકર્ષક લાગતું નથી, બાઇબલની ભાષામાં કહું તો ‘માણસ આખું જગત જીતે પણ જો પોતાનો આત્મા ગુમાવે તો એથી એનું શું શ્રેય થવાનું હતું ?’ આધુનિક ભાષામાં કહીએ તો માણસ પોતાનું વ્યક્તિત્વ ગુમાવે અને યંત્રના છેક જડ ખીલા જેવો બની જાય તો એના મનુષ્ય તરીકેના ગૌરવને એબ લાગે. દરેક વ્યક્તિ સમાજનો પૂર્ણ સંસ્કારી, પૂરો વિકાસ પામેલો અંશ બને તેમ હું તો ઇચ્છું છું. ગામડાંઓએ સ્વાશ્રયી, સ્વયંપૂર્ણ બનવું જ જોઇએ. અહિંસાને રસ્તે કામ લેવું હોય તો એથી બીજો ઉકેલ હું જોતો જ નથી. મારા મનમાં તો એ વિષે લવલેશ શંકા નથી.૧૨

ઇશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિંદુસ્તાનથી બચાવે. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લંડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો તેત્રીસ કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.૧૩

હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી - પશ્ચિમ જ એથી કંટાળ્યું છે - પણ સાદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઇને એ જીવી ન શકે. એટલે ‘પશ્ચિમના હુમલાના સામે અમારાથી ન ટકી શકાય’ એમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કમર કસવી જોઇએ.૧૪

યંત્ર

‘આદર્શ તરીકે આપ સંચાનો સદંતર ત્યાગ ન ઇચ્છો ?’

આદર્શ તરીકે તો હું કબૂલ કરું કે સંચાનો સર્વથા ત્યાગ હોવો જોઇએ, જેમ આદર્શ તરીકે શરીરનોયે સર્વથા ત્યાગ આવશ્યક છે. કારણ શરીર મોક્ષમાં અંતરાયરૂપ નીવડે તો તે ત્યાજય જ છે અને એ વિચારે તો સાદામાં સાદા સંચાનો - હળ અને સોય જેવાનો પણ હું ત્યાગ કરું. પણ એ વસ્તીઓ રહેવાની - જેમ શરીર રહે છે - એક અનિવાર્ય અનિષ્ટ તરીકે એ વસ્તુઓ રહેવાની.૧૫

યંત્રોને માટે સ્થાન છે, તે કાયમ થઇ ગયાં છે. પણ તેમને માનવીના આવશ્યક પરિશ્રમનું સ્થાન લેવા દેવું જોઇએ અહીં. સુધારવામાં આવેલું હળ સારી વસ્તુ છે. પરંતુ કોઇ માણસ પોતાની કોઇક અણધારી યાંત્રિક શોધ દ્ધારા હિંદની બધી જમીન ખેડી શકે અને ખેતીની સઘળી પેદાશ પર પોતાનો કાબૂ જમાવે તથા લોકોને માટે બીજો કશો રોજગાર રહે નહીં તો તેઓ ભૂખે મરશે અને આળસું રહેવાને કારણે ઠોઠ થઇ જશે. કેટલાક તો આજેયે એવા થઇ જ ગયા છે. પણ એ સ્થિતિમાં બીજા અનેક લોકો એવી દુર્દશામાં મુકાઇ જવાનું હરપળે જોખમ રહે છે.

ઘરગતુ યંત્રમાં હરેક પ્રકારના સુધારાને હું વધાવી લઉં, પરંતુ એની સાથે સાથે જ આપણે કરોડો ખેડૂતોને તેમને ઘરઆંગણે બીજો કંઇ રોજગાર આપવાને તૈયાર હોઇએ તે સિવાય નૈસર્ગિક શક્તિથી ચાલતી ત્રાકો દાખલ કરીને હાથના પરિશ્રમને સ્થાનભ્રષ્ટ કરવો એ ગુનો છે એમ હું સમજું છું.૧૬

જે યંત્ર સૌના હિતમાં ઉપયોગી થાય એમ હોય તેનો જ ઉપયોગ વાજબી ગણાય.૧૭

એથી જો હિંદનું દારિદ્ય અને તેમાંથી પેદા થતું આળસ ટાળી શકાતું હોય તો હું ચાહે તેટલા અટપટા યંત્રના ઉપયોગની તરફેણ કરું મેં રેંટિયો ગરીબાઇ દૂર કરવાના તથા કામ અને સંપત્તિના દુકાળને અશક્ય કરી મૂકવાના એકમાત્ર ઉપલબ્ધ સાધન તરીકે સૂચવ્યો છે, ખુદ રેંટિયો પણ કીમતી યંત્ર છે. અને હિંદની વિશિષ્ટ પરિસ્થિતિને અનુકુળ હોય એવા સુધારાઓ તેમાં કરવાનો મેં મારી રીતે યત્કિચિત્‌ પ્રયાસ કર્યો છે.૧૮

‘તમે યંત્રોની વિરુદ્ધ છો ?’

ઉત્તરમાં હું ઘસીને ‘ના’ કહું છું. પણ યંત્રો વિચાર વિના વધાર્યે જવાની હું વિરુદ્ધ છું, અને યંત્રોની દેખીતી સફળતાથી હું અંજાવાને તૈયાર નથી. વળી દરેક હિંસક યંત્રની સામે મારો હડહડતો વિરોધ છે. પણ વ્યક્તિની મહેનત બચાવે, અને કરોડો ઝુંપડાંવાસી ગામડિયાઓનો બોજો હલકો કરે તેવાં સાદાં હથિયાર અને સાધનોને હું જરૂર વધાવી લઉં.૧૯

મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી. પરિશ્રમનો બચાવ કરનારાં કહેવાતાં યંત્રોની ઘેલછા સામે મારો ઝઘડો છે. પરિશ્રમ એટલે દરજજે બચાવ્યા જાય છે કે આખરે હજારો અને લાખોને બિચારાઓને ભૂખે ટળવળવું પડે છે, અને અંગ ઢાંકવાનું પણ કશું મળતું નથી. મારે સમય અને પરિશ્રમનો બચાવ જરૂર કરવો છે, પણ તે ખોબા જેટલા માણસોને માટે નહીં, પણ સમસ્ત માનવજાતિ માટે; સમય અને પરિશ્રમનો બચાવ થઇ ખોબા જેટલા લોક ધનાઢ્ય થઇને બેસે એ મને અસહ્ય છે - હું તો સૌનો પરિશ્રમ અને સમય બચે એ ઇચ્છું, સૌ કોઇ ખાઇ શકે. મને પહેરી ઓઢી શકે એ ઇચ્છું, સર્વોદ્ય ઇચ્છું. આજે યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોક સવાર થઇને બેઠા છે અને તેમને રગડે છે, કારણ એ યંત્રો ચલાવવા પાછળ લોભ રહેલો છે, ધનતૃષ્ણા રહેલી છે, જનકલ્યાણ નથી રહેલું.

‘ત્યારે આપ યત્રોના દુરુપયોગ વિરુદ્ધ છો, સદુપયોગ વિરુદ્ધ નહીં.’

હા, પણ અને ઠીક સમજી લો. વિજ્ઞાનની શોધો એ ધનપ્રાપ્તિનાં સાધન પહેલાં મટવાં જોઇશે. એ ધનપ્રાપ્તિનાં સાધન મટશે ત્યારે જ યંત્રોનો સદુપયોગ થશે. ત્યારે જ કારીગરોને અસહ્ય કામનો બોજો ન રહે, ત્યારે કારીગરો કામદારો મટી માણસ બનશે. યંત્રો કલ્યાણસાધક હોય તો ભલે હો. એટલે યંત્રોનો સદંતર નાશ નહીં પણ એની ંમર્યાદા બંધાય એમ હું ઇચ્છું છું.

‘તો છેવટે પછી યંત્રમાન અનિષ્ટ છે એમ નહીં કહેવું પડે ?’

કદાચ કહેવું પડે. પણ યંત્રો જ્યાં સુધી માણસના ઉપર હુમલો નથી કરતું ત્યાં સુધી સહ્ય છે, તે માણસને અપંગ નથી કરી મૂકતું ત્યાં સુધી સહ્ય છે. એટલે કેટલાંક યંત્ર તો ઉપયોગી રહેવાનાં જ. સિંગરનો સીવવાનો સંચો લો. એ અતિશય ઉપકારક વસ્તુઓમાંની એક છે અને એની શોધની આસપાસ કેવી પ્રેમશૌર્યની કથા રહેલી છે. સિંગરે પોતાની સ્ત્રીને કપડાં ઉપર વાંકી વળી આખો દિવસ ધીમે ધીમે આંખ તાણતી, ટાંકા મારતી, સીવીને થાકીને લોથ થતી જોઇ. તે તેને સાલ્યાં કીધું. અને આખરે તેણે પોતાના અતિશય પ્રેમના બળે કરીને સીવવાનો સંચો ઉત્પન્ન કર્યો. તેમ કરીને તેણે કેવળ પોતાની સ્ત્રીની જ મહેનત બચાવી એટલું જ નહીં પણ દરેક જણની બચાવી.

‘પણ એવા સંચાને આપણે સ્વીકારીએ તો પછી એવા સંચા બનાવવાનાં કારખાનાંને પણ સ્વીકારવાં પડે ના ?’

હા, પણ આવાં કારખાનાં તો કોઇ ખાનગી શખસોની માલિકીનાં ન હોય, પણ સરકારીની જ માલિકીનાં હોય એટલું કહેવા જેટલો ‘સોશિયાલિસ્ટ’ હું છું જ. તો જ એ વ્યાપારને અર્થે ઉત્પન્ન થતાં થાય. એટલે જ હું કહું છું ના કે યંત્રો ભલે હોય, પણ તે તો નવા જ સમાજ બંધારણમાં હોઇ શકે, કેવળ લોકકલ્યાણ અર્થે ચાલતાં હશે એટલે તેમાં મજૂરનું કલ્યાણ પણ લક્ષમાં રાખવામાં આવતું હશે જ. જેને મજૂરી કરવાની હશે, જેને તે સંચા ચલાવવાના હશે, તે તો આદર્શ અને આક્રમણ મનમોહક સ્થિતિમાં કામ કરતા હશે.

સિંગરનો સંચો તો કેવળ એક જ દાખલો લીધો. બીજા પણ એવા અનેક દાખલા લેવાય. દાખલા તરીકે ત્રાક અનેક વાર ઠરડાય છે, ઘણાં કાંતનારાને એ ભારે મૂંઝવણ થઇ પડે છે. તેને સીધી કરતાં ખૂબ વખત જાય છે. એ ત્રાકને તુરત સીધી કરનારું કોઇ યંત્ર હોય તો એ તૂટી જાય એમ નહીં, પણ દરેક કાંતનારાની પાસે જ આવી ત્રાકની ઠરડ મટાડનારું યંત્ર હોય તો તે બહું ઉપયોગી થઇ પડે.૨૦

‘ત્યારે તો આપ આ યંત્રયુગની જ સામે છો !’

એ તો તમે મારા વિચારને વિકૃત રૂપ આપ્યું. મને યંત્ર સામે વિરોધ નથી, પણ યંત્ર જ્યારે આપણું શેઠ થઇ બેસે ત્યારે તેની સામે મારો પૂરેપૂરો વિરોધ છે.

‘આપ હિંદુસ્તાનને ઉદ્યોગપ્રધાન નથી બનાવવા માગતા ?’

બનાવવું છે, પણ તે મારી ઢબે. જૂનાં ગામડાંનાં મહાજનો જે નાશ પામ્યાં છે તેને સજીવન કરવાં જોઇએ. હિંદુસ્તાનનાં ગામડાં દેશનાં કસબા ને શહેરોને જોઇએ એટલો બધો માલ પેદા કરીને પૂરો પાડતાં. અમારાં શહેરો જ્યારે પરદેશોના માલનાં હાટ થઇ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડી ને એ વાટે ગામડાંનું ધન શોખવા માંડ્યું ત્યારથી હિંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું.

‘ત્યારે આપ કુદરતી અર્થવ્યવસ્થા પર પાછા જવા માગો છો ?’

હા, નહીં તો મારો શહેરમાં પાછા જવું જોઇએ. મોટું વેપારનું કે ઉદ્યોગનું સાહસ ખેડવાની શક્તિ મારામાં પૂરેપૂરી છે, પણ એ લાલસા મેં જાણીબૂજીને જતી કરી છે. એ જતી કરી છે તે ત્યાગની ભાવનાથી નહીં, પણ મારા હ્ય્દયે જ એની સામે બળવો ઉઠાવ્યો તેથી. કેમ કે પ્રજાની જે લૂંટ રોજરોજ ચાલી રહી છે તેમાં મારાથી ભાગ લઇ શકાય એમ હતું જ નહીં. હું ગામડાંમાં ઉદ્યોગોનો બહોળો ફેલાવો કરવા માગું છું, પણ તે જુદી રીતે.૨૧

ક્ષણભર માની લો કે મનુષ્યની જેટલી હાજતો છે તે બધી યંત્રો વાટે પૂરી પડે છે. છતાં યંત્રોથી થતી પેદાશ તો અમુક પ્રદેશોમાં જ થઇ શકે, અને તેથી તમારે એ માલની વહેંચણી માટે અટપટો રસ્તો લેવો જ પડે. પણ જો માલ જે જગ્યાએ જોઇએ ત્યાં જ પેદા થાય ને ત્યાં જ વહેંચાય તો દગાને માટે ઓછો અવકાશ રહે. અને સટ્ટો તો કોઇ કરી જ ન શકે. . . જે જગ્યાએ માલ પેદા થાય ત્યાં જ વપરાય એવી સ્થિતિ આવશે ત્યારે ઉત્પત્તિનો વેગ અમર્યાદપણે અને ગમે તે ભોગે વધારવાની લાલચ નહીં રહે. આજની આપણી આર્થિક વ્યવસ્થાને લીધે જે પાર વિનાની મુસીબતો ને ગૂંચવાડા ઊભા થાય છે તે પણ પછી તો ટળી જશે. . . મોટા પ્રમાણમાં ઉત્પાદન તો જરૂર જોઇએ. . . રેંટિયાનો સંદેશો એ જ છે. એમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન છે પણ તે લોકોનાં ઘરમાં થાય છે. એક માણસ જે માલ પેદા કરે છે તેને તમે દસ લાખથી ગુણો તો એ પ્રચંડ ઉત્પાદન ન થયું ? . . . પણ તમે “મોટ પ્રમાણમાં ઉત્પાદન” એ શબ્દો વાપરો છો તે એના રૂઢ અર્થમાં, એ અર્થ એ છે કે “અતિશય અટપટાં યંત્રોની મદદથી બને તેટલા ઓછામાં ઓછા માણસોએ કરેલું ઉત્પાદન. . .” મારું યંત્ર તો એવું હોવું જોઇએ કે જે સાદામાં સાદું હોય અને કરોડો ઘરોમાં રાખી શકાય એવું હોય.૨૨

એક સામાન્ય બુદ્ધિના માણસ તરીકે, હું જાણું છું કે, માણસ ઉદ્યોગો વિના જીવી શકે નહીં. એથી કરીને, હું ઉદ્યોગીકરણનો વિરોધ ન કરી શકું. પણ યંત્રોદ્યોગો દાખલ કરવાની બાબતમાં મને ભારે ચિંતા થાય છે. યંત્રો વધારે પડતી ઝડપથી ઉત્પાદન કરે છે અને સાથે સાથે એક એવી અર્થવ્યવસ્થા નિર્માણ કરે છે જે હું સમજી શકતો નથી. જેના ફાયદા કરતાં જેની બૂરી અસર વધારે પ્રમાણમાં હોય એવી કોઇ પણ વસ્તુ સ્વીકારવા હું માગું નહીં. આપણા દેશની કરોડોની મૂક આમજનતા તંદુરસ્ત અનેે સુખી બને તથા આધ્યાત્મિક દૃષ્ટિએ તેની પ્રગતી થાય એ હું માગું છું. અને એ હેતુ પાર પાડવા માટે આપણને યંત્રોની જરૂર નથી. અસંખ્ય લોકોને કામ મળતું નથી, તેઓ બેકાર છે. પણ આપણી સમજ વધતાં આપણને યંત્રોની જરૂર લાગે, તો જરૂર આપણે તે અપનાવીશું. આપણને ઉદ્યોગ જોઇએ છે, આપણે ઉદ્યોગી બનીએ. આપણે વધારે સ્વાશ્રયી બનીએ તો પછી આપણે બીજા લોકોથી આટલા બધા દોરવાઇશું નહીં. આપણે જ્યારે પણ યંત્રોની જરૂર લાગશે ત્યારે આપણે તે દાખલ કરીશું. એક વાર આપણે અહિંસા પ્રમાણે આપણું જીવન ઘડીએ પછી યંત્રોને કેવી રીતે નિયમનમાં રાખવાંં તેની આપણને જાણ થશે.૨૩

શહેરો અને ગામડાંઓ

દુનિયામાં બે વિચારધારા મોજૂદ છે. એક વિચારધારા જગતને શહેરોમાં વહેંચવા ઇચ્છે છે, બીજી ગામડાંમાં વહેંચવા ઇચ્છે છે. ગ્રામ સંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ તદ્દન ભિન્ન વસ્તુઓ છે. એક યંત્ર અને ઉદ્યોગીકરણ પર આધાર રાખે છે, બીજી હાથઉદ્યોગો પર. આપણે બીજી પસંદ કરી છે.

આમ તો ઉદ્યોગીકરણ અને મોટા પાયાનું ઉત્પાદન એ હજુ તાજેતરની પેદાશ છે. આપણા સુખમાં તેણે કેટલો વધારો કર્યો છે એ આપણે જાણતા નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે એની પાછળ છેલ્લાં બે વિશ્વયુદ્ધો આવ્યાં. બીજું વિશ્વયુદ્ધ તો હજુ પૂરું નથી થયું, અને પૂરું થાય તોપણ આપણે ત્રીજા વિશ્વયુદ્ધની વાત સાંભળવા લાગ્યા છીએ.

આપણો દેશ આજે જેટલું દુઃખી અને કફોડી હાલતમાં છે તેટલો કયારેયે નહોતો. શહેરોના લોકોને મોટા નફા અને સારા પગાર મળતા હશે. પણ એ બધુૂં ગામડાંનું લોહી ચૂસીને થઇ શક્યું છે. આપણે લાખો અને કરોડો ભેગા કરવા નથી. આપણે આપણા કામ માટે આપણું જીવન હોમવા તૈયાર વાત કંઇ જ નથી. આપણને શ્રદ્ધા હોવી જોઇએ અને આપણે આપણી જાતને વફાદાર રહેવું જોઇએ. આપણી પાસે આટલી વસ્તુઓ હોય તો ત્રીસ લાખની આપણી મૂડી ગામડાંમાં વિકેન્દ્રિત કરીને આપણે ત્રણસો કરોડની રાષ્ટ્રીય સંપત્તિ નિર્માણ કરવાને શક્તિમાન થઇશું. એ મુખ્ય વસ્તુ કરવા માટે જે જરૂરી છે તે એ કે ગામડાંને સ્વાવલંબી અને સ્વાશ્રયી કરવાં. પણ યાદ રાખજો કે, સ્વાવલંબનની મારી કલ્પના સંકુચિત નથી. મારા સ્વાવલંબનમાં સ્વાર્થ અને અભિમાનને અવકાશ નથી.૧

હિંદુસ્તાનનાં શહેરોમાં જે સંપત્તિ જોવામાં આવે છે તેથી આપણે છેતરાઇએ નહીં. તે ઇંગ્લંડ કે અમેરિકાથી આવતી નથી. તે અત્યંત ગરીબ લોકોના લોહીમાંથી આવે છે. હિંદુસ્તાનમાં સાત લાખ ગામડાં છે એેમ કહેવામાં આવે છે. તેમાંના કેટલાંકનું તો નામનિશાન પણ રહ્યું નથી. બંગાળ, કર્ણાટક અને બીજી જગ્યાએ ભૂખમરો અને રોગને કારણે હજારો મરી ગયા છે તેની તો ક્યાંય કશી નોંધ નથી. ગામડાંના લોકો કેવી હાલતમાં દિવસો કાઢી રહ્યા છે તેનો કશો ખ્યાલ સરકારી દફતરો આપી શકે એમ નથી. પણ હું જાતે ગામડાંમાં રહેનારો રહ્યો એટલે હું ગામડાંની હાલતથી વાકેફ છું. હું ગામડાંનું અર્થશાસ્ત્ર જાણું છું. હું તમને કહું છું કે, ઉપરનું દબાણ તળિયાના લોકોને કચડી નાખે છે.

જે જરૂર છે તે એ કે તેમની પીઠ ઉપરથી ઊતરી જવું.૨

મુંબઇની મિલોમાં જે મજૂરો કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાંઓ તેમાં કામ કરે છે તેમની દશા જોઇ હરકોને કમકમાટી આવશે. મિલોનો વરસાદ નહોતો વરસ્યો ત્યારે કંઇ તે ઓરતો ભૂખે નહોતી મરતી. આ સંચાનો વાયરો વધે તો હિંદુસ્તાનની બહુ દુઃખી દશા થશે. મારી વાત ભારે પડતી જણાશે, પણ મારે કહેવું જોઇએ કે આપણે હિંદુસ્તાનમાં મિલો કરીએ તેના કરતાં હજુ માન્ચેસ્ટરમાં પૈસા મોકલી તેનું સડેલું કાપડ વાપરવું એ ભલું છે, કેમ કે તેનું કાપડ વાપરવાથી આપણો પૈસો હિંદુસ્તાનમાં રહેશે રહેશે, પણ તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઇ જશે. જેઓ મિલમાં કામ કરે છે તેમની નીતિ કેવી છે તે તેઓને પૂછવું. તેઓમાંથી જેઓએ પૈસો એકઠો કર્યો છે તેઓની નીતિ બીજા પૈસાદાર કરતાં સરસ હોવાનો સંભવ નથી. અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઇ ઊતરે એમ માનવું એ તો અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાન છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર જ નથી.

મને તો લાગે છે કે આપણે કબૂલકરવું પડશે કે અંગ્રેજી રાજ્યને નિભાવી રાખનાર તે પૈસાદાર માણસને રાંક બનાવે છે. એવી બીજી વસ્તુ તો દુનિયામાં વિષય છે. એ બંને વિષય વિષમય છે. તેનો દંશ સર્પના દંશ કરતાં ભૂંડો છે. સર્પ કરડે ત્યારે દેહ લઇને છૂટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે છે ત્યારે દેહ, જીવ, મન, બધું લેતાં પણ છૂટકારો થતો નથી. એટલે આપણા દેશમાં મિલો થાય તેથી ખાસ રાજી થવા જેવું રહેતું નથી.૩

ગરિબ ગામડિયાઓને પરદેશી સરકાર ને તેમના પોતાના દેશબાંધવો, એટલે કે શહેરોના રહેનારાઓ, બંને ચૂસે છે. ગામડિયાઓ અનાજ પકવે છે ને જાતે ભૂખ્યા રહે છે. તેઓ ઢોરની સાથે જેવા થઇ દૂધ મેળવે છે જેંમાંનું ટીપું તેમનાં છોકરાં જોવા પામતાં નથી. આ નામોશીનો કંઇ પાર નથી. હરેક માણસને પૂરતો પોષણવાળો આહાર, રહેવાનું સુઘડ ઘર, પોતાનાં બાળકોની કેળવણી માટે સગવડ અને માંદગી વખતે પૂરતી તબીબી રાહત, એ બધું મળવું જોઇએ.૪

આપણાં આજનાં દસપાંચ શહેરો તો આપણા પ્રજાશરીર પર બાઝેલો મેલનો પોપડો છે અને આપણાં ગામડાંનો જીવનરસ ચૂસવાનું પાપકાર્ય જ કરી રહ્યાં છે. . . અત્યારે તો અનેક લોહી ઉકાળનારા જુલમોથી સસડતાં શહેરો ગામડાંની પ્રજાના જીવન અને સ્વાતંત્ર્યને રાતદિવસ ભયરૂપ છે.૫

દુનિયાભરમાં યુદ્ધને માટે ગામડાનો માણસ હરગિજ જવાબદાર નથી પણ શહેરનો માણસ જવાબદાર છે.૬

મારી દૃષ્ટિથી શહેરો વધ્યાંછે. તે બૂરું થયું છે. એ માનવજાતની અને દુનિયાની કમનસીબી છે; ઇંગ્લંડની કમનસીબી છે અને હિંદુસ્તાની કમનસીબી તો છે જ છે. એનું કારણ એ કે, ઇંગ્લંડે હિંદુસ્તાનને તેનાં શહેરોમારફતે જ ચૂસ્યું છે, અને શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાંના લોહીની સિમેન્ટ વડે જ શહેરોની મોટી મોટી મહોલાતો બંધાઇ છે. મારી એવી ઉમેદ છે કે, જે લોહીથી શહેરોની નાડીઓ ફૂલી ગઇ છે, તેને પાછું ગામડાંની નાડીઓમાં વહેવડાવવું.૭

‘શહેરોને આપે સમાજશરીર પરના ફોલ્લા કે ગૂમડાં તરીકે વર્ણવ્યાં છે. એ ફોલ્લાઓ યા ગૂમડાંનું શું કરવું ?’

તમે દાક્તરને પૂછો, તો તે કહેશે કે ફોલ્લા યા ગૂમડાંનું શું કરવું. એમને કાપીને કે એના પર મલમપટ્ટી કે પોટીસ લગાવીને મટાડવાં જોઇએ. એડવર્ડ કોર્પેન્ટરે સુધારાને વ્યાધિ તરીકે વર્ણવ્યો છે અને ઉપાય કરીને તેને સાજો કરવા જણાવ્યું છે. મોટાં મોટાં શહેરો ઊભાં થવાં, એ એ રોગની નિશાની છે. કુદરતી ઉપચારવાળો હોઇને સ્વાભાવિક રીતે હું આખી વ્યવસ્થાને શુદ્ધ કરી, તેને કુદરતી રીતે સુધારવાના પક્ષનો છું. શહેરવાસીઓનાં હ્ય્દયનાં મૂળ ગામડાંઓમાં રહેલાં હોઇ, જો તેઓ ખરેખર ગ્રામવૃત્તિવાળા બને, તો બીજી બધી વસ્તુ તો આપમેળે થઇ રહેશે અને ફોલ્લો કે ગૂમડું તરત જ બેસી જશે.૮

હું માનું છું ને મેં અસંખ્ય વાર કહ્યું છે કે હિંદુસ્તાન એનાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં નહીં પણ સાત લાખ ગામડાંઓ વસે છે. પણ આપણે અહીં ભેગા થયા છીએ તે ગ્રામવાસીઓ નથી પણ શહેરવાસીઓ છીએ. આપણે શહેરોમાં વસનારાઓએ માની લીધું છે કે હિંદુસ્તાન એનાં શહેરોમાં વસે છે અને ગામડાં તો આપણી હાજતો પૂરી પાડવાને સરજાયેલાં છે. આપણે કદી એમ પૂછવા નથી બેઠા કે એ ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં અને એમને તડકો ને વરસાદથી રક્ષણ કરવા છાપરું છે કે નહીં.૯

મેં જોયું છે કે શહેરવાસીઓને સામાન્ય રીતે ગ્રામવાસીઓને લૂંટ્યાં છે; વસ્તુત : તેઓ ગરીબ ગ્રામવાસીઓની મહેનત પર, તેમની સંપત્તિ પર જીવેે છે. ઘણા અંગ્રેજ અમલદારોએ હિંદુસ્તાનના લોકોની સ્થિતિ વિષે લખ્યું છે. પણ મારી જાણ પ્રમાણે કોઇએ એમ નથી કહ્યું કે હિંદુસ્તાનનાં ગામડાંના લોકોને પેટ-પૂરતું ખાવા મળે છે. ઊલટું એમણે કબૂલ કર્યું છે કે ગામડાંની વસ્તીનો મોટો ભાગ ભૂખમરા જેવી સ્થિતિ ભોગવે છે અને દશ ટકા અડધે પેટે રહે છે, અને કરોડોને ચપટી ગંદું મીઠું, મરચાં ને ચાવલ કે સત્તુ ખાઇને સંતોષ માનવો પડે છે.

પંચોતેર ટકા વસ્તી ખેડૂતોની છે. પણ જો આપણે તેમની પાસેથી તેમની મહેનતનું લગભગ પૂરું ફળ લઇ લઇએ અથવા બીજાઓને લઇ લેવા દઇએ તો આપણામાં સ્વરાજની ભાવના છે એમ ન કહેવાય.૧૧

શહેરો પોતાની સંભાળ રાખવા સક્તિશાળી છે. આપણે તો ગામડાંઓ તરફ વળવાનું છે. આપણે તેમને તેમના પૂર્વગ્રહો, વહેમો અને સંકુચિત દૃષ્ટિમાંથી મુકત કરવાના છે. આ બધું આપણે તેમની વચ્ચે વસીને, એમના સુખદુઃખમાં ભાગ લઇને અને તેમનામાં કેળવણી અને ઉપયોગી માહિતીનો ફેલાવો કરીને જ કરી શકીએ, બીજી કોઇ રીતે નહીં.૧૨

આપણે આદર્શ ગ્રામવાસી બનવાનું છે. સામાન્ય ગ્રામવાસીઓને તો આજે સફાઇ વિષે વિચિત્ર ખ્યાલ છે, અથવા કહો કે બિલકુલ ખ્યાલ નથી. તેઓ શુંખાય છે ને શી રીતે ખાય છે એનો તેઓ વિચાર જ કરતા નથી. એવા આપણે થવાનું નથી. તેઓ જેમ ગમેે તેમ રાંધે છે, ગમે તેમ ખાય છે, ગમે તેમ રહે છે, એવું આપણે કરવાનું નથી. આપણે એમને આદર્શ ખોરાક બતાવવો જોઇએ. આપણે કરવાનું નથી. આપણે એમને આદર્શ ખોરાક બતાવવો જોઇએ. આપણે જે ગમે તે કર્યું, ન ગમે તે છોડી દીધું, એમ આપણે ન ચલાવવું જોઇએ, પણ ઊંડા ઊતરીને એ રુચિઅરુચિનાં કારણો તપાસવાં જોઇએ.૧૩

સૂરજના પ્રખર તાપમાં કેડે વળીને કાળી મજૂરી કરતા ગ્રામવાસીઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઇએ અને જે ખાબોચિયામાં તેઓ નહાય છે, તેમનાં કપડાં-વાસણો ધુએ છે તથા જેમાં તેમનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો પણ આપણે વિચાર કરવો જોઇએ. એમ કરીશું ત્યારે જ આપણે આમજનતાના સાચા પ્રતિનિધિ ગણાઇશું અને ત્યારે આપણી દરેક હાકલનો તેઓ જરૂર જવાબ વાળશે.૧૪

એમને આપણે બતાવવું જોઇએ કે તેઓ કેમ પોતાની જરૂર જોગાં શાકભાજી, ઝાઝા ખર્ચ વિના ઉગાડી શકે ને એ ખાઇને તંદુરસ્તી જાળવી શકે. આપણે એમને એ પણ બતાવવું જોઇએ કે તેઓ લીલી શાકભાજીને રાધે છે એટલે તેમાંનાં વિટામિન ઊડી જાય છે.૧૫

સમય, આરોગ્ય ને ધનનો બચાવ કેમ થઇ શકે એ આપણે એમને શીખવવાનું છે. લાયોનલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તો ઉકરડા છે અને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણાં ગામડાંની આસપાસ તાજી હવાની કંઇ ખોટ છે ? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી. એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે, છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખોરાકની બાબતમાં હું મિશનરીની પેઠે બોલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમુના બનાવવા એ મારું ધ્યેય છે, મારું જીવનકાર્ય છે.૧૬

ભારતવર્ષનાં ગામડાંની આવી દુર્દશા હમેશા હતી કે કેમ એ શોધી કાઢવાથી કશો લાભ નથી. જો આથી સારી એમની દશા કદી ન હોય તો આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિને માટે અભિમાન રાખીએ છીએ તેની એ એબ ગણાય. પણ જો એમની દશા આથી સારી કદી ન હતી, તો આપણે સૈકાંઓથી જે પડતી અને વિનાશ આપણી આસપાસ જોઇ રહ્યા છીએ. . . તેની સામે એ ગામડાં ઝીક ઝીલીને જીવતાં શી રીત રહી શક્યાં છે?

દરેક સ્વદેશપ્રેમીની સામે કામ એ છે કે આ પડતી શી રીતે અટકાવવી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભારતવર્ષનાં ગામડાંની નવેસર રચના એવી રીતે કેમ કરવી જેથી શહેરમાં રહેવામાં જેવી સુખસગવડ મનાય છે તેવી જ ગામડાંમાં રહેવામાં લાગે. દરેક દેશદાઝવાળા માણસની સામે આજે એ એક જ કામ છે. કદાચ એવો એવો સંભવ હોય કે આ ગામડાંનો ઉદ્ધાર થવો શક્ય જ ન હોય, ગામડાંની સંસ્કૃતિનો જમાનો આથમી ગયો હોય, અને સાત લાખ ગામડાં પોષતાં સાતમો સુવ્યવસ્થિત શહેરો સ્થપાય એવું બનવાનું હોય. ભારતવર્ષને નસીબે એમ થવાનું હશે તોયે તે એક દિવસમાં નહીં બને. ઘણાં ગામડાં અને ગ્રામવાસીઓને ભૂંસાઇ જવાને અને બાકીનાનું શહેરો અને શહેરીઓમાં રૂપાંતર થવાને વખત લાગશે જ.૧૭

ગામડાંની હિલચાલ એ જેટલી ગ્રામવાસીઓની તેટલી જ શહેરવાસીઓની કેળવણીને માટે છે. શહેરમાંથી આવતા સેવકોએ ગામડાંનું માનસ કેળવવું રહ્યું છે અને ગ્રામવાસીઓની ઢબે રહેવાની કળા શીખી લેવી રહી છે. આનો અર્થ એવો નથી કે તેમણે ગામડાંના લોકોની પેઠે ભૂખે મરવું પણ એનો અર્થ એવો તો અવશ્ય છે કે જૂની રહેણીમાં ધરમૂળથી પલટો થવો જોઇએ.૧૮

એક જ માર્ગ આપણે માટે છે : એમની વચ્ચે વાસ કરી ધામાં નાખવા; એમનાં ભંગી, એમના નર્સ, એમના નોકર - એમના શુભેચ્છું નહીં - એવા બનીને અડગ શ્રદ્ધા રાખી, આપણા ગમા-અણ્ણમાં ભૂલી જઇ, કામ કૂટ્યે જવું. એક વાર તો સ્વરાજની વાત પણ આપણે જાણે ભૂલી જઇએ; અને ડગલે ને પગલે જેમની હાજરી આપણને નડે છે એવા અમલદાર વર્ગોને જરૂર વિસારી દઇએ, તેઓ તો જ્યાં છે ત્યાં છે. આ મોટા પ્રશ્નોની પંચાત કરનારાં તો ઘણાં પડેલાં છે. આપણે તો નાનુંસરખું ગામડાનું કામ ઉકેલવા લાગીએ, કેમ કે એ આજ જરૂરનું છે અને આપણા ધ્યેયને પહોેચ્યા પછી પણ જરૂરનું રહેવાનું છે. ખરેખર, આ ગ્રામસેવાનું કામ જ્યારે સફળ થશે ત્યારે તે જ આપણને આપણા ધ્યેય નજીક લઇ જવાનું છે.૧૯

જૂનાં ગામડાંનાં મહાજનો જે નાશ પામ્યાં છે તેને સજીવન કરવાં જોઇએ. હિંદુસ્તાનનાં ગામડાં દેશનાં કસબા ને શહેરોને એટલો બધો માલ પેદા કરીને પૂરો પાડતાં. આપણાં શહેરો જ્યારે પરદેશોના માલનાં હાટ થઇ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડીને એ વાટે ગામડાંનું ધન શોષવા માંડ્યું ત્યારથી હિંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું.૨૦

શહેરો ગામડાં પર નિર્ભર રહે પોતાના બળનું સિંચન ગામડાંમાંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોેતે ગામડાને ખાતર વટાવાય તો અર્થ સિદ્ધ થાય ને અર્થશાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાળકોના ઉદ્યોગને ગામડાના ઉદ્યોગો સાથે સીધો સંબંધ હોવો જોઇએ.૨૧

આપણે એક પ્રાચીન ગ્રામ સભ્યતાના વારસ છીએ, આપણા દેશનો વિસ્તાર, જનસંખ્યા ભૌગોલિક સ્થિતિ અને આબોહવા ઉપરથી તે ખાસ ગ્રામ સભ્યતાને માટે જ વિધાતાએ નિર્મલો લાગે છે. આ સભ્યતાને અંગે દોષો પેદા નથી થયા એમ કહેવા હું નથી માગતો પણ આ દોષો સહેજે મટાડી શકાય તેવા છે. આપણી પ્રાચીન ગ્રામ સભ્યતાને મૂળથી ઉખેડી તેની જગ્યાએ શહેરી સભ્યતા સ્થાપવી એ મને તદ્દન અશક્ય લાગે છે. વિનાશક ઉપાયોથી હિંદુસ્તાનની ત્રીસ કરોડની જનસંખ્યા ઘટાડી ત્રીસ કે ત્રણ લાખ જેટલી કરી નાખવા માટે આપણે તૈયાર હોઇએ તો તે એક જુદી વાત છે. એટલે હું મારી બધી સૂચનાઓ કરતી વખતે એ માની જ લઉં છું કે આપણે આપણી પ્રાચીન સભ્યતાનો આશ્રય કોઇ દિવસ છોડવાના નથી, અને તેમાંના દોષો દૂર કરવાનો પૂરેપૂરા પ્રયત્ન કરવાના છીએ.૨૨

ગ્રામ સ્વરાજ

ગામડાંનું સ્થાન

ગામડાંનું સેવા કરતી એટલે સ્વરાજની સ્થાપના કરવી. બીજું બધું મિથ્યા છે.૧

હું કહેતો આવ્યો છું કે ગામડાનો નાશ થશે તો હિંદુસ્તાનનો પણ નાશ થશે. પછી એ હિંદુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઇ જશે.૨

આપણે ગામડાંમાં વસતું હિંદ જે ભારતવર્ષના જેટલું જ પ્રાચીન છે તેની વચ્ચે અને શહેરો કે જે વિદેશી સત્તાએ ઊભી કરેલી સૃષ્ટિ છે તેની વચ્ચે પસંદગી કરવી રહી છે. આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે અને તેને ચૂસી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. મારું ખાદીમાનસ મને એમ સૂચવે છે કે, એ વિદેશી સત્તાના અસ્ત સાથે શહેરોએ પણ હિંદનાં ગામડાંની સેવાના વાહનરૂપ બનવું પડશે. ગામડાંની ચૂસ એ જ મોટી સંગઠિત હિંસા છે. જો આપણે અહિંસાની ભૂમિકા ઉપર સ્વરાજની રચના કરવી હોય તો આપણે ગામડાંઓને તેમનું યોગ્ય સ્થાન પાછું આપ્યે જ છૂટકો છે.૩

હું માનું છું કે હિંદુસ્તાને અને તેની મારફત દુનિયાએ પણ સાચી સ્વતંત્રતા મેળવવી હોય તો આજે નહીં તો કાલે ગામડાંમાં જ રહેવું પડશે; ઝૂંપડીમાં રહેવું પડશે, મહેલોમાં નહીં. અબજો માણસો શહેરોમાં અને મહેલોમાં સુખશાંતિથી કદી નહીં રહી શકે; ન એકબીજાનું ખૂન કરીને એટલે કે હિંસાથી, ન જૂઠથી એટલે કે અસત્યથી રહી શકે. એ જોડી (એટલે સત્ય અને અહિંસા) વિના માણસજાતનો વિનાશ જ છે એમાં મને લેશ પણ શંકા નથી. એ સત્ય અને અહિંસાનાં દર્શન આપણે ગામડાંની સાદાઇમાં જ કરી શકીએ છીએ. એ સાદાઇ રેંટિયામાં અને તેમાં જે જે વસ્તુ સમાઇ જાય છે તેમાં રહેલી છે. દુનિયા ઊલટી બાજુ જતી દેખાય છે એથી હું ડરતો નથી. એમ તો જ્યારે પતંગિયું પોતાના વિનાશ તરફ જાય છે ત્યારે સૌથી વધારે નાચે છે અને એમ કરતાં બળી જાય છે. એમ બને કે હિંદુસ્તાન એ પતંગનૃત્યમાંથી ન બચી શકે. મારો ધર્મ છેલ્લા શ્વાસ સુધી એને એની મારફત જગતની બચાવવાની કોશિશ કરવાનો છે.

ગ્રામ સ્વરાજ

ગ્રામ સ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઇએ. પોતાના જીવનની અત્યંત મહત્ત્વની જરૂરિયાતો માટે એ પ્રજાસત્તાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે, પરંતુ જે બાબતોમાં સહકાર્ય અનિવાર્ય હશે તે બધાં કાર્યોમાં પાડોશીઓ સાથે પરસ્પર સહાયથી કાર્ય કરશે. એ મુજબ પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની તેની પહેલી ફરજ ગણાશે. પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાંઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય એવા પાકો લેવાશે - ઉપયોગી એટલે કે, તેમાં ગાંજોસ, તમાકું, અફીણ વગેરે જેવા પાકો નહીં આવે. દરેક ગામ પોતાનું એક નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઇ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કુવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. બની શકે ત્યાં સુધી દરેક દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિનાં સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. આજે છે તેવી અસ્પૃશ્યતાની ચડતી ઊતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. દરેક ગ્રામસમાજની સત્તા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે. ગામે રાખવામાં આવતી યાદીમાંથી ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કિ કરવામાંઆવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેરકાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઇ પદ્ધતિનો અમલ નહીં હોય, એટલે આ પંચાયત પોતાના અમલના એક વર્ષને માટે ગામની ધારાસભા, ન્યાયાધીશી અને કાર્વાહક મંડળ બનશે. કોઇ પણ ગામ આજે જ આવું પ્રજાસત્તાક બની શકે અને તેંમાં હાલની સરકાર - જેનો ગામ સાથેનો એકમાત્ર સક્રિય સંબંધ જમીનની મહેસૂલ ઉઘરાવીને ખેંચી જવા પૂરતો જ છે - પણ બહુ અંતરાય નહીં નાખે. પડોશનાં ગામો સાથેના અને જે હોય તે કેન્દ્ર સાથેના સંબંધનો વિચાર મેં અહીં નથી કર્યો. મારો હેતું તો ગ્રામ સ્વરાજ અથવા ગ્રામ સરકારની રૂપરેખા રજૂ કરવાનો જ છે. દરેક વ્યક્તિની સ્વતંત્રતાના પાયાઉપર રચાયેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ લોકશાહી રહેલી છે. એમાં પ્રત્યેક વ્યક્તિને હાથે પોતાની સરકારનું ઘડતર થાય છે. તે અને તેની સરકાર અહિંસાના નિયમને વશ છે. તે અને તેનું ગામ આખી દુનિયાના બળનો સામનો કરી શકે છે, કેમ કે પોતાના ગામના અને તેની આબરૂના રક્ષણને સારુ દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધાં ગ્રામવાસીઓ બંધાયેલાં હશે.

પણ અહીં જે ચિત્ર દોરેલું છે તેમાંં સ્વભાવતઃ એવું કશું નથી, કે જેથી તેની સિદ્ધિ અશક્ય બને. આવા પ્રકારના ગામના આદર્શ નમૂનાને પહોંચતાં કદાચ આખી જિંદગી કાર્ય કરવું પડે. સાચી લોકશાહી અને ગ્રામ જીવનનો આશક જો એકાદ ગામ પકડીને તેના જ ઘડતરને પોતાની સર્વસૃષ્ટિ અને સમગ્ર કાર્ય ગણીને બેસી જાય તો તે સારાં પરિણામો મેળવી શકશે. તેણે શરૂઆત ગામના ભંગી, કાંતણ-શિક્ષક, ચોકિયાત, વૈદ અને શાળા-શિક્ષક એ બધાનાંં કાર્યો એકીસાથે આરંભીને કરવી જોઇએ. એની સાથે તરત કોઇ ન જોડાય તો ગામનું ભંગીકામ અને કાંતણ કરતા રહીને તે સંતોષ મેળવશે. ૫

આદર્શ ગામડું

ભારતવર્ષના આદર્શ ગામડાની રચના એવી હશે કે સંપૂર્ણ સ્વચ્છતાં જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતા હવાઅજવાળાવાળી ઝૂંપડીઓ હશે, ને તે આસપાસના પાંચ માઇલના ઘેરાવામાંથી મળતી સાધનસામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓને વાડા રાખેલા હશે જેથી તેમાં વસનાર માણસો તેમના ઘરના ઉપયોગ પૂરતાં શાકભાજી ઉગાડી શકે ને ઢોર રાખી શકે. ગામડાંનાં રસ્તા ને શેરીઓ જેટલાં ધૂળ વિનાનાં બનાવી શકાય એટલાં બનાવાશે. ગામમાં ગામની જરૂરિયાત પૂરતા કૂવા હશે ને તેમાંથી પાણી ભરવાની સૌને છૂટ હશે, ઢોરને ચરવા માટે ગોચર હશે, સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ધાલય, ઔધોગિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને ચાલતી પ્રાથમિક ને માધ્યમિક શાળાઓ, અને ઝઘડા પતાવવા માટે પંચાયતો એ ગામડાંમાં હશે. ગામડું પોતાના ખપ પૂરતાં અનાજ, શાકભાજી ને ફળ પકવી લેશે, ને પોતાના વાપર પૂરતી ખાદી પેદા કરી લેશે. આદર્શ ગામડા વિષેની મારી કલ્પનાની રૂપરેખા છે. . . મારી પાકી ખાતરી છે કે જો એમને બુદ્ધિપૂર્વક દોરનાર કોઇ હોય તો તેઓ વ્યક્તિઓની આવકથી ભિન્ન એવી આખા ગામડાની આવક બમણી તો કરી જ શકે આપણાં ગામડાંમાં સાધનસામગ્રીનો અખૂટ ભંડાર પડેલો છે. બધાનો વેપારી દૃષ્ટિએ ઉપયોગ ન થઇ શકે; પણ સ્થાનિક ને ઘરગથ્થુ ઉપયોગ તો લગભગ એમાંથી એકેએક ચીજનો લોકો એમની સ્થિતિ સુધારવાને જરાયે રાજી જ હોતા નથી.

ગ્રામસેવક સૌથી પહેલાં સફાઇના પ્રશ્નનો નિકાલ કરશે. ગ્રામસેવકને હંફાવી રહેલી ને લોકોનાં શરીરની પાયમાલી કરીને રોગનાં ઘર ઘાલનારી અનેક વસ્તુઓમાં સૌથી વધારે ઉપેક્ષા આની થઇ છે. ગ્રામસેવક જો સ્વચ્છાએ ભંગી બને તો તે ગામના મળ ઉઠાવી તેનું ખાતર બનાવવાના ને ગામની શેરીઓ વાળવાની કામથી આરંભ કરશે. શૌચાદિક માટે કયાં જવું ને એ ક્રિયાઓ કેવી રીતે કરવી એ તે લોકોને કહેશે, અને સફાઇની ઉપયોગિતા સમજાવી એ વિષે બેદરકારી રાખવાથી થતા ભારે નુકસાનનો ચિતાર તેમને આપશે. ગ્રામવાસીઓ પોતાનું કહેવું સાંભળે કે ન સાંભળે તોયે ગ્રામસેવક પોતાનું કાર્ય કર્યે જશે.૬

મારી કલ્પનાના ગામમાં વસતો માણસ જડ નહીં હોય - શુદ્ધ ચૈતન્ય હશે તે ગંદકીમાં, અંધારા ઓરડામાં જાનવરની જેમ જિંદગી ગુજારતો નહીં હોય.સ્ત્રી અને પુરુષ બન્ને સ્વતંત્રપણે જીવન જીવશે અને આખા જગતની સાથે ટક્કર લેવાને તૈયાર હશે. ત્યાં નહીં કૉલેરા હોય, નહીં મરકી હોય, નહીં શીતળા હોય. કોઇ આળસુ થઇને પડી નહીં શકે, ન કોઇ એશઆરામમાં રહેશે. બધાને શરીરશ્રમ કરવો પડશે. કદાચ રેલવે પણ હશે, ટપાલ પણ હશે.૭

ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો

૧.માનવનું સૌથી અધિક મહત્ત્વ - પૂરી રોજગારી

આપણે જે કાંઇ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઇએ.૧

ધ્યેય તો માણસોનું સુખ અને સાથે સાથે તેમનો સંપૂર્ણ માનસિક ને નૈતિક વિકાસ સાધવાનું છે. ‘નૈતિક’ શબ્દ હું ‘આધ્યાત્મિક’ ના પર્યાયરૂપે વાપરું છું, આ ધ્યેય તો જ સધાય જો આ યોજનાની વ્યવસ્થા ગામડાં માંકામ કરાનારાઓના હાથમાં રહે. એક હાથમાં કે ઘણા થોડા હાથમાં અધિકાર કે વ્યવસ્થાનાં સૂત્રો રહે એ વસ્તુનો સમાજની અહિંસક રચના સાથે મેળ ખાય એમ નથી.૨

આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઇએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં, એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉદ્યમ મળી રહે. અને જો આવી સ્થિતિ આખા જગતને વિષે આપણે ઇચ્છતા હોઇએ તો અન્નવસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક મનુષ્યને પોતાની પાસે રહેવાં જોઇએ. તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપત્તિનો લોભ મુદ્દલ રાખવો ન જોઇએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે અથવા હોવો જોઇએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઇએ. તેનો ઇજારો કોઇ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એન્યાય નહીં પણ અન્યાય છે. આ મહાન સિદ્ધાંતનો અમલમાંઅને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી જ આ દેશમાં અને જગતમાંના બીજા ભાગમાં પણ ભૂખનું દુઃખ વર્ત્યા કરે છે.૩

નૈતિક આંકને કોરે મૂકે છે અગર તેની ઉપેક્ષા કરે છે તે અર્થશાસ્ત્ર ખોટું છે. અર્થશાસ્ત્રના પ્રદેશમાં અહિંસાનિયમનો વિસ્તાર કરીએ તો એનો અર્થ ચોખ્ખો છે કે આંતરરાષ્ટ્રીય વેપારવણજના નિયમનમાં પણ નૈતિક આંકનો ભાવ પુછાય.૪

દરેક માણસને જીવવાનો અધિકાર છે; અને તેથી તે પોતે અન્ન, અને જ્યાં જરૂર હોય ત્યાં વસ્ત્ર તથા આશ્રય મેળવી શકે એ માટે જરૂરી ધંધો મેળવવાનો એને અધિકાર છે.૫

‘આવતી કાલની ચિંતા ન કરો’ એ આદેશનો પડઘો આપણને દુનિયાનાં લગભગ બધાં ધર્મશાસ્ત્રીમાંથી સાંભળવા મળે છે. સુવ્યવસ્થિત સમાજમાં પોતાના નિર્વાહ માટે રોજી મેળવવાનું દુનિયામાં સહેલામાં સહેલું હોવું જોઇએ, અને એમ જાણવા મળે છે પણ ખરું. સાચે જ, દેશની સુવ્યવસ્થાની કસોટી તેમાં કેટલા કરોડપતિઓ છે એ નહીં પણ તેની આમજનતામાં ભૂખમરો ન હોય એ છે.૬

જે યોજનામાં દેશના માણસોની હકીકતમાં વધારે સમર્થ શક્તિને અવગણીને કેવળ દેશનાકાચા માલનો વધારેમાં વધારે ઉપયોગ કરી લેવાનો આશય રાખવામાં આવ્યો હશે તે એકાંગી હશે એટલે કે તેમાં એક જ બાજુનો વિચાર થયો હશે અને તેનાથી માણસોમાં સમાનતા આવવાની નથી. . . .

તેથી હિંદુસ્તાનમાં વસતાં કોટયવધિ માણસોની સમગ્ર શક્તિને એકત્રિત કરી તેનો સારામાં સારો ઉપયોગ કરવામાં. . . . સાચું આર્થિક નિયોજન સમાયેલું છે.૭

એક પણ સશક્ય પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખોરાક વગરનાં રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઇએ.૮

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરકો હક જેટલો પશુંપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઇલાજ જાણી લેવાના જ હોય છે; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઇલાજો શોધી કાઢવાનાં જ રહ્યાં. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો અલાજ છે.૯

૨. જાતમહેનત

મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ?૧૦

‘તારો રોટલો પરસેવો પાડી મહેનત કરીને કમાજે,’ એમ બાઇબલ કહે છે. યજ્ઞો ઘણા પ્રકારના હોઇ શકે. સૌ કોઇ પોતાનો એક સહેજે રોટલો કમાવાની મજૂરી હોઇ શકે. સૌ કોઇ પોતાનો રોટલો મેળવવા પૂરતી જ મજૂરી કરે ને તેથી વધારે ન કરે તો સૌ કોઇને પૂરતો ખોરાક અને પૂરતી નવરાશ મળે. પછી વધારેપડતી વસ્તીની બૂમ નહીં રહે, રોગ ને બીમારી નહીં રહે, અને આજે ચારે કોર જોવામાં આવે છે તેવું દુઃખ પણ નહીં રહે. આવી મજૂરી ઉત્તમ પ્રકારનો યજ્ઞ બને. પોતાના શરીર મારફતે અગર મન મારફતે માણસો બેશક બીજાં ઘણાં કામો કરતાં રહેશે, પણ એ બધી સર્વના ભલાને માટે પ્રેમથી કરેલી મજૂરી અથવા સેવા હશે. પછી કોઇ તવંગરને કોઇ ગરીબ, કોઇ ઉંચા ને કોઇ નીચા, કોઇ સ્પર્શ્ય ને કોઇ અસ્પર્શ્ય જોવાના નહીં મળે.૧૧

દુઃખથી રિબાતાં હિંદનાં કરોડો બાળક એક જ કાવ્યની આશા રાખે છે - સત્ત્વ આપનારા અનાજની. એ અનાજની ભેટ થઇ શકે તેમ નથી. તેઓએ તો કમાવું જોઇએ. અને તે કમાવા પૂરતી મજૂરી જ તેઓ માગે છે.૧૨

‘ગામડાંમાં પાછા જાઓે’ નો અર્થ છે : રોટી મજૂરી અને તેમાં જે જે અર્થ સમાયેલો હોય તે બધાને સ્પષ્ટ અને સ્વચ્છાપૂર્વકનો સ્વીકાર.૧૩

બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું જ મહત્ત્વનું ને જરૂરી છે અને જીવનની સળંગ યોજનામાં બેશક તેનું સ્થાન છે. પણ મારોઆગ્રહ હરેક માણસે પોતાના શરીર વડે મજૂરી કરવી જોઇએ એવો છે. મારો દાવો છે કે કોઇ પણ માણસ શારીરિક શ્રમ કરવાની ફરજમાંથી મુક્ત ન હોય.૧૪

ઇશ્વરે માણસને પોતાના પેટને સારુ મજૂરી કરવા પેદા કર્યો છે, અને તેણે કહ્યું છે કે, જેઓ મજૂરી કર્યા વિના ખાય છે તે ચોર છે.૧૫

૩. સમાનતા

જેમ બધું સાચું નીતિશાસ્ત્ર, તેના નામ પ્રમાણે, સારું અર્થશાસ્ત્ર પણ હોવું જોઇએ તેમ સાચું અર્થશાસ્ત્ર ઊંચામાં ઊંચા નૈતિક ધોરણને વિરોધી ન હોય. જે અર્થશાસ્ત્ર ધનપૂજનો ઉપદેશ કર્યા કરે છે અને નબળાઓને ભોગે જબરાઓને ધનસંચય કરવા દે છે તે ખોટું શાસ્ત્ર છે. એ ઘાતક છે. બીજી બાજું સાચું અર્થશાસ્ત્ર સામાજિક ન્યાયને માટે ખડું છે, તે નબળામાં નબળા સહિત સૌનું ભલું કરવાનો પ્રયત્ન કરે છે તેમ જ સભ્ય જીવન માટે તે અનિવાર્ય છે.૧૬

મારે તો સૌનો દરજ્જો સમાન બનાવવો છે.૧૭

મારો આદર્શ તો સમાન વહેંચણીનો જ છે પણ હું જોઇ શકું છું ત્યાં સુધી એની પ્રાપ્તિ સંભવિત નથી. તેથી હું ન્યાય્ય વહેંચણીના ધોરણ પર કામ લઉં છું.૧૮

આર્થિક સમાનતાનો મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાનેમાટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવાનો. એનો અર્થ એવો થાય છે કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો કર્યો છે તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધાં ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલું રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજ્યવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમનીપડખે જ આવેલાં ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ ઘોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બન્ને આપમેળે રાજીખુશીથી છોડી દઇ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું.

ટ્રસ્ટીપણાના મારા સિદ્ધાન્તને ઘણો હસી કાઢવામાં આવ્યો છે છતાં હું હજી તેને વળગી રહું છું. તેને પહોંચવાનું એટલે કે તેનો પૂરેેપૂરો અમલ કરવાનું કામ કપરું છે એ વાત સાચી છે. અહિંસાનું એવું નથી ? પણ ૧૯૨૦ની સાલમાં સીધું ચઢાણ ચઢવાનો આપણે સંકલ્પ કર્યો.૧૯

આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપત્તિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપત્તિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઇ શકે અને બીજાને વીસ તોલા જોઇએ, તો બંનેને પોતપોતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઇએ, બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઇએ, અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે સામાજિક અહિંસા સિદ્ધ કરી કહેવાય.૨૦

૪. ટ્રસ્ટીપણું

આર્થિક સમાનતાની જડમાં ધનિકનું ટ્રસ્ટીપણું રહ્યું છે. એ આદર્શ પ્રમાણે ધનિકને પોતાના પાડોશી કરતાં એક કોડી પણ વધારે રાખવાનો અધિકાર નથી. ત્યારે શું વધારાનું એની પાસેથી છીનવી લેવું ? એમ કરતાં હિંસાનો આશ્રય લેવો પડે. અને હિંસા વડે એમ કરવું સંભવે તોય સમાજને તેથી ફાયદો ન થાય. કેમ કે દ્ધવ્ય એકઠું કરવાની શક્તિ ધરાવનાર એક માણસની શક્તિને સમાજ ખોઇ બેસે. એટલે અહિંસક માર્ગ એ થયો કે માન્ય થઇ શકે એટલી તેની હાજત પૂરી પાડી બાકીનાનો તે પ્રજાની વતી ટ્રસ્ટી બને. જો પ્રામાણીકપણે સંરક્ષક બને તો જે દ્ધવ્ય તે ઉત્પન્ન કરશે તેનો સદ્‌વ્યય પણ કરશે. વળી જ્યારે મનુષ્ય પોતાને સમાજના કલ્યાણને અર્થે ધન કમાય, સમાજના કલ્યાણને અર્થે તે વાપરે ત્યારે તેની કમાણીમાં શુદ્ધતા આવશે, તેના સાહસમાં પણ અહિંસા હશે. આ પ્રમાણે જો કાર્યપ્રણાલી ગોઠવાય તો સમાજમાં વગર ઘર્ષણે મૂક ક્રાન્તિ પેદા થાય.

પણ ઘણા પ્રયત્ન છતાં જો ધનિક લોકો ખરા સંરક્ષક ન બને અને અહિંસાને નામે ભૂખે મરતાં કરોડો વધારે ને વધારે કચરાતાં જાય તો શું કરવું ? એ કોયડાનો ઉકેેલ શોધતાં જ અહિંસક અસહકાર અને અહિંસક કાનૂનભંગ સાંપડ્યા. કોઇ ધનવાન સમાજના ગરીબોના સહકાર વિના ધન નથી કમાઇ શકતો. મનુષ્યને પોતાની હિંસક શક્તિનું ભાન છે, કેમ કે તે તો તેને લાખો વર્ષ પૂર્વે વારસામાં ઊતરી. તેના ચાર પગ મટીને જ્યારે તેના બે પગને હાથનો આકાર મળ્યો ત્યારે તેનામાં અહિંસાની શક્તિ પણ આવી. હિંસાશક્તિનું તો તેને મૂળથી ભાન હતું. પણ અહિંસાનું ભાન ધીમે ધીમે પણ અચૂક રોજ વધવા લાગ્યું. એ ભાન ગરીબોમાં પ્રસરે એટલે તે બળિયા થાય ને જે આર્થિક અસમાનતાના તેઓ ભોગ થયા છે તેને અહિંસક માર્ગે દૂર કરતાં શીખે.૨૧

૫. વિકેન્દ્રીકરણ

જો હિંદુે અહિંસક ધોરણે પોતાનો અભ્યુદય સાધવો હોય તો હું કહું છું કેએણે ઘણી બાબતોમાં કેન્દ્રીકરણને નહીં પણ વિસ્તૃતીકરણ કરવું પડશે. કેન્દ્રીકરણને પૂરતા પ્રમાણમાં બળનો ઉપયોગ કર્યા વગર નભાવી કે બચાવી શકાય નહીં. સાદાં ઘર અને કુટુંબો જેમની પાસેથી લૂંટી લઇ જવા જેવું કશું જ ખાસ ન હોય તેની રક્ષાને સારુ પોલીસની જરૂર ન પડે. ધનિકોની મહેલાતો ઘાડલૂંટથી સાચવવા મજબૂત ચોકિયાતો રાખવા પડે. તેવું ગંજાવર કારખાનાં વિષે. લશ્કરી દરિયાઇ તેમ જ હવાઇ બળોથી શહેરી ધોરણે સંગઠિત થયેલા હિંદના કરતાં ગ્રામરચનાને ધોરણે સંગઠિત થયેલા હિંદને વિદેશી હુમલાનું જોખમ ઓછું નડશે.૨૨

તમે અહિંસાની રચના મિલોની સંસ્કૃતિ પર કરી શકવાના નથી, પણ એ સ્વાશ્રયી ગામડાં પર રચી શકાશે. . . મેં કલ્પેલી છે તેવી ગામઠી અર્થવ્યવસ્થામાં શોષણનો પૂરેપૂરો છેદ ઉડાવી દીધેલો છે શોષણ આવ્યું કે હિંસા આવી જ.૨૩

૬. સ્વદેશી

સ્વદેસી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિનો ત્યાગ કરવા પ્રેરે છે.

આપણે સ્વદેશી સિદ્ધાંતનું પાલન કરતા હોઇએ, તો તમારી અને મારી આ ફરજ કે, આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે એવા પડોશીએ શોધી કાઢવા જોઇએ. તથા જેઓને તે કામ કરતાં નથી આવડતું તેઓને તે શિખવાડવું જોઇએ. આમ કહેવા ટાણે, હું એમ માની લઉં છું કે, આપણા કેટલાક એવા પડોશીઓ છે કે જેઓ ઉપયોગી ધંધાની શોધમાં છે. આમ થશે ત્યારે જ હિંદનું દરેક ગામડું પોષણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે. આ બધામાં તમને ઘેલછા જણાશે. ગમે તેમ હો, પણ હિંદ તો ઘેલો દેશ છે. કોઇ માયાળુ મુસલમાન પીવા માટે ચોખ્ખું પાણી આપવા તૈયાર હોય, તોયે તે ન લેતાં તરસ વેઠી પોતાનું ગળું સૂકવી નાખવું,એ ગાંડાઇ છે. છતાં હજારો હિંદુઓ મુસલમાનોનાં ઘરનું પાણી પીવા કરતાં તરસથી મરી જવું પસંદ કરે છે. આ જ ઘેલા માણસોને જો એક વખત એવી ખાતરી થઇ જાય કે, તેઓનો ધર્મ માત્ર હિંદમાં જ બનેલાં કપડાં પહેરવાનો અને હિંદમાં જ ઉત્પન્ન થયેલો ખોરાક લેવાનો છે, તો પછી તેઓ બીજાં કોઇ કપડાં પહેરવાનો અથવા બીજો કોઇ ખોરાક લેવાને લલચાશે નહીં.૨૪

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડુબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકાષ્ટથી જ બની શકે તે પરદેશના દ્ધેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્ધેષ કરશે જ નહીં, એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઇનો દ્ધેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.૨૫

૭. સ્વાવલંબન

સમાજનું એકમ એક કાલ્પનિક ગામ યા જૂથ હોવું જોઇએ. તે એકમ સ્વાવલંબી રહી શકે અને જૂથની અંદર પરસ્પરાવલંબન તો રહેવું જ જોઇએ.૨૬

પોતાની જરૂરિયાતો જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની દરેક ગામની પહેલી ફરજ ગણાશે.૨૭

ખાદીનું મૂળ તત્ત્વ જ એ છે કે દરેક ગામને અન્ન અને વસ્ત્રના સંબંધમાં સ્વાશ્રયી બનાવી દેવું.૨૮

કાંતનારાઓ પોતે કપાસ ઉગાડતા ન થઇ જાય અથવા તો દરેક ગામમાં કપાસનું વાવેતર ન હોય તો એ સ્વાવલંબી ખાદી સફળ નથી થવાની. એટલે સ્વાવલંબી ખાદીની દૃષ્ટીએ તો દરેક ઠેકાણે કપાસની ખેતી થવી જ જોઇશે.૨૯

દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય.૩૦

૮. સહકાર

બની શકે ત્યાં સુધી દરેકે દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે.૩૧

ખેડૂતોનેમાટે સહકારી પદ્ધતિની ઘણી વધારે જરૂર છે. હું ચોક્કસ માનું છું કે જમીનની માલકી રાજ્યની હોય. એટલે તેના પર સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો જ વધારેમાં વધારે નીપજ થાય.

વળી એ પણ યાદ રાખવું જોઇએ કે સહકારી પદ્ધતિ ચૂસ્ત અહિંસાના પાયા પર જ રચવી જોઇએ.૩૨

૯. સત્યાગ્રહ

દરેક ગ્રામસમાજની સત્તા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે.૩૩

૧૦. સૌ ધર્મોનું સરખું સ્થાન

દરેક ધર્મનું સરખા દરજ્જાનું તેમ જ ઘટતું સ્થાન રહેશે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જેવાં છીએ અને તેનાં મૂળ પાતાળમાં પૃથ્વીના હ્ય્દય સુધી પહોંચેલા હોવાથી, તેના થડને હલાવવાને કોઇ સમર્થ નથી. ગમે તેવા જોરાવર. તોફાની પવનથી તે હાલે તેમ નથી.૩૪

૧૧. પંચાયતરાજ

નિયમ પ્રમાણેની નક્કિ કરવામાંઆવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે.૩૫

આ પંચાયતને જરૂરી બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઇ પદ્ધતિનો અમલ નહીં હોય, એટલે આ પંચાયત પોતાના અમલના એક વર્ષને માઢે ગામની ધારાસભા, ન્યાયાધીશી, અને કાર્યવાહક મંડળ બનશે.૩૬

ગ્રામવાસી હોય એવાં અથવા ગ્રામવાસીના માનસવાળાં પુખ્તવયનાં પાંચ સ્ત્રી-પુરુષોની બનેલી પ્રત્યેક પંચાયત એક ઘટક બનશે.

પાસે પાસેની આવી પ્રત્યેક બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી મંડળી બને.

આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનની દોરવણી નીચે કાર્ય કરે. આખું હિંદ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતોનાં આવાં જોડકાં રચ્યે જવામાં આવે અને પછી રચાતું પંચાયતોનું પ્રત્યેક જૂથ પહેલાની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટયે જાત. બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદને માટે એકત્ર રીતે કામ કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે. તેમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે. તે તેને ચૂંટનારાઓ ઇચ્છે ત્યાં સુધી બધાં જુથોને વ્યવસ્થિત કરે તેમ જ તેમને દોરવણી આપે.૩૭

૧૨. પાયાની કેળવણી

કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઇ કેળવણી નથી. એટલે હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઇક ઉપયોગી હાથઉદ્યોગ શીખવીને અને તેની કેળવણીનોઆરંભ થાય તે ક્ષણેથી એને કંઇક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક નિશાળ સ્વાવલંબી થઇ શકે. માત્ર શરત એ છે કે એ નિશાળોએ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઇએ.૩૮

જાતમહેનત

કુદરત ઇચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઇએ, તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલાં જ પાઠના ભંગ સમાન છે. . . જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કસો અર્થ નથી, અને આળસું માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે.૧

રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ. શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે, એ મુળ શોધ ટૉલ્સટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહિં યજ્ઞનોઅર્થ જાતમહેનત અથવા રોટી મજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે હો, આપણા આ વ્રતની એ ઉત્પત્તિ છે.

બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઇ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? બાઇબલ કહે છે : ‘તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.’ કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટ્યા કરે ને તેના મોંમાં કોઇ ખાવાનું મૂકે ત્યારે ખાય તો તે લાંબો વખત ખાઇ નહીં શકે, તેને તેમાં રસ પણ નહીં રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથમોં હલાવીને. જો આમ કોઇક રીતે અંગકસરત રાય-રંક બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહું કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે. ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનું કોઇ કહેતું નથી. અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસોનો નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ બાકીના દસ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીયનો ભેદ ટળી જાય. અત્યારે તો જ્યાં ઊંચનીચની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઇ છે.

માલિક-મજૂરનો ભેદ સર્વવ્યાપક થઇ પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઇ કરે છે. જો સહું રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય. ને પછી ધનિક વર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે.

જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરું તો ખેતી જ છે. પણ સહું તે નથી કરી શકતા એવી અત્યારે તોસ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરશે એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ. સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઇએ. ખાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે જ પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે.

જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્ય, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે.૨

હકનું સાચું મૂળ કર્તવ્યપાલનમાં રહેલું છે. જો આપણે બધાં આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હકો શોધવા બહુ દૂર નહીં જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે. અને તેની પાછળ જેટલાં વધારે પડીશું તેટલા તે આપણાથી દૂર ને દૂર રહેશે. શ્રીકૃષ્ણે આજ ઉપદેશ નીચેના અમર શબ્દોમાં આપ્યો છેઃ

‘તારો અધિકાર કેવળ કર્મનો છે, ફળનો નહીં,’ અહીં કર્મ એટલે ફરજ; ફળ એટલે હક.૩

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશું-પંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેના ઇલાજ જાણી લેવાના જ હોય છે; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઇલાજો શોધી કાઢવાના જ રહ્યા. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઇલાજ છે.૪

સૌ પોતપોતાની રોટી માટે શરીરશ્રમ કરે તો સૌને પૂરતો ખોરાક અને પૂરતી ફુરસદ મળી રહે. પછી વધારે પડતી વસ્તીની બુમ નહીં હોય, રોગ નહીં અને ચારે બાજુ નજરે પડતાં દુઃખો નહીં હોય. આ મજૂરી યજ્ઞનું ઊંચું સ્વરૂપ હશે. અલબત્ત, માણસ તેના શરીર દ્ધારા બીજી અનેક વસ્તુઓ કરશે. પણ તે બધી સાર્વજનિક લાભને માટે કરેલી મહેનત હશે. પછી કોઇ તવંગર નહીં હોય ને કોઇ ગરીબ નહીં હોય; કોઇ ઊંચ ને કોઇ નીચ નહીં હોય; કોઇ સ્પૃશ્ય ને કઇ અસ્પૃશ્ય નહીં હોય.

આ આદર્શને પહોંચવું કદાચ ન હોય. પણ તેથી આપણે તેને માટે મથતા અટકવું ન જોઇએ. યજ્ઞના નિયમનો એટલે કે માનવ જીવનના નિયમનો સંપૂર્ણ અમલ ન કરી શકીએ, પણ આપવી રોજેરોજેની રોટી માટે પૂરતો શરીરશ્રમ કરીએ તોયે આ આદર્શની ઘણા નજીક પહોંચી જઇએ.

આમ કરીએ તો આપણી જરૂરિયાતો ઘણી ઓછી થઇ જશે. આપણો ખોરાક સાદો થશે. પછી આપણે જીવવા માટે ખાઇશું, ખાવા માટે નહીં જીવીએ. આ સિદ્ધાંતની સચ્ચાઇ વિશે જેને શંકા હોય તે પોતાના ગુજરાન માટે પરસેવો પાડી જુએ. શરીરશ્રમ કરીને કમાયેલો રોટલો તેને મીઠો લાગશે, તેની તબિયત સુધરશે અને તેને ખાતરી થશે કે જે અનેક ચીજો તે ખાતો હતો તેમાંથી ઘણી ખરેખર બિનજરૂરી થશે કે જે અનેક ચીજો તે ખાતો હતો તેમાંની ઘણી ખરેખર બિનજરૂરી હતી.૫

બુદ્ધિપૂર્વક કરેલી ‘બ્રેડ લેબર’ એ ઊંચમાં ઊંચા પ્રકારની સમાજસેવા છે.

‘શ્રમ’ની આગળ ‘બુદ્ધપૂર્વક કરેલો’ એ વિશેષણ લગાડ્યું છે તે એમ બતાવવાને માટે કે શ્રમ એ સમાજસેવામાં ત્યારે જ ખપી શકે જ્યારે એની પાછળ સેવાનો નિશ્ચિત હેતુ રહેલો હોય. નહીં તો દરેક મજૂર સમાજસેવા કરે છે એમ કહેવાય. એક રીતે તો એ સમાજની સેવા કરે જ છે, પણ જે સેવાની અહીંયાં વાત છે તે ઘણા ઊંચા પ્રકારની છે. જે માણસ સર્વના હિતને અર્થે શ્રમ કરે છે તે સમાજની સેવા કરે છે, અને તેનું પેટ ભરાય એટલું મેળવવાનો હક છે. તેથી એવા પ્રકારની ‘બ્રેડ લેબર’ સમાજસેવાથી ભિન્ન નથી.૬

માણસ બૌદ્‌ધ્ક શ્રમ કરીને રોટલો ન કમાઇ શકે ? ના. શરીરની જરૂરિયાત શરીર દ્ધારા જ પૂરી પાડવી જોઇએ. ‘રાજાનું હોય તે રાજાને સોંપો,’ એ કહેવત કદાચ અહીં બરાબર બંધ બેસે છે.

કેવળ માનસિક, એટલે કે બૌદ્ધિક શ્રમ આત્માને માટે છે અને તે શ્રમ કરતાં થતો સંતોષ તે જ તેનો બદલો છે. બીજા બદલાની અપેક્ષા રાખવાની ન હોય. આદર્શ રાજ્યમાં દાકતરો, વકીલો વગેરે કેવળ સમાજના લાભ માટે જ કામ કરશે, સ્વાર્થ માટે નહીં. રોટી-મજૂરીના નિયમનું પાલન કરવાથી સમાજના બંધારણમાં મૂક ક્રાંતિ થઇ જશે. જીવનસંગ્રામને બદલે પરસ્પરની સેવા માટે મથવામાં માણસની ફતેહ ગણાશે. પશુના કાયદાનું સ્થાન મનુષ્યનો કાયદો લેશે.

‘ગામડામાં પાછા જાઓ’ નો અર્થ છે : રોટી-મજૂરી અને તેમાં જે અર્થ સમાયેલો હોય તે બધાનો સ્પષ્ટ અને સ્વેચ્છાપૂર્વકનો સ્વીકાર. પણ ટીકાકર કહે છે : “ભારતનાં કરોડો સંતાનો આજે ગામડામાં જ રહે છે. તેમ છતાં તેઓ અર્ધ ભૂખમરો વેઠે છે.” આ વાત તદ્દન સાચી છે, એ દુઃખની વાત છે. સદ્‌ભાગ્યે આપણે એટલું જાણીએ છીએ કે તેઓ સ્વચ્છાએ ત્યાં રહેતા નથી. તેમનું ચાલે તો તેઓ મજૂરી કરવાનું છોડી દઇને નજીકના શહેરમાં સગવડ મળે તો ત્યાં દોડી જાય. માલિકનો હુકમ ફરજિયાત ઉઠાવવો પડે એ ગુલામીની દશા છે; પિતાની આજ્ઞાનું રાજીખુશીથી પાલન કરવું એ પુત્રત્વનું ગૌરવ છે. તે જ રીતે રોટી-મજૂરીના કાયદાનું ફરજિયાત પાલન કરવું ગરીબાઇ, રોગ અને અંસતોષ પેદા કરે છે. એ ગુલામીની સ્થિતિ છે. તે જ કાયદાનું સ્વચ્છાપૂર્વક પાલન કરવામાં આવે તો તે સંતોષ અને તંદુરસ્તી આપે. અને તંદુરસ્તી એ જ ખરી દોલત છે; સોનારૂપાનાં ચકરડાં નહી.૭

ભિક્ષાવૃત્તિ

પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સત્તા હોય તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી, આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉત્તેજન આપ્યું છે. આવાં અપાત્ર દાનથી દેશની ભૌતિક કેઆધ્યાત્મિક સંપત્તિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે જ્યાં ભોજન માટે કામ કરવા ઇચ્છતાં સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામ આપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય ! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલયમાં ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વણવા સુધીની કોઇ પણ ક્રિયા આદર્શ ઉદ્યોગ ગણાય. પણઆ તેમને પસંદ ન હોય તો બીજું કોઇ પણ કામ કરાવી શકાય. શરતમાત્ર એટલી કે, ‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’

જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક મજૂરી કરવાની હોય એવી સંસ્થા - પરિશ્રમાલય - ચલાવવી એ અઘરું કામ છે. આર્થિક દૃષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતા અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઇને તેમને ભોજન આપવાનું ઘણું મોંઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઇ રહેલી રખડુઓની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.૮

મને લાગે જ છે કે ભીખને ઉત્તેજન આપવું ખોટું છે, છતાં હું ભિખારીને કામ અને અન્ન આપવાની તૈયારી બતાવ્યા વિના ન જવા દઉં. એ જો કામ ન કરે તો એને હું ભૂખ્યો જવા દઉં. જે અપંગ છે, લૂલાંપાંગળાં છે, આંધળા છે તેમને સરકાર પોષવાં જોઇએ. પણ અંધાપાના ઢોંગને નામે કે ખરા અંધાપાને નામે ઘણો દગો ચાલે છે. કેટલાયે આંધળા લોકો અયોગ્ય રીતે મેળવેલા પૈસાથી તવંગર થઇ ગયા છે. એમને આ લાલચમાં પાડવા એના કરતાં એમને કયાંક અનાથાશ્રમમાં લઇ જવા એ સારું છે.૯

સમાનતા

સમાજની મારી કલ્પના એ છે કે આપણે બધા સરખા જન્મેલા છીએ, એટલે કે આપણનેસરખી તક મેળવવાનો અધિકાર છે, છતાં સૌની શક્તિ સરખી નથી. એ વસ્તુ સ્વભાવતઃ જ અશક્ય છે. દાખલા તરીકે સૌની ઉંચાઇ, રંગ કે બુદ્ધિ સરખી ન હોઇ શકે. એટલે કુદરતી રીતે કેટલાકની શક્તિ વધારે કમાવાની હશે અને કેટલાકની ઓછું કમાવાની. બુદ્ધિશાળી માણસોની હશે અને તેઓ પોતાની બુદ્ધિનો એ માટે ઉપયોગ કરશે. તેઓ જો રહેમ રાખીને બુદ્ધિ વાપરશે તો તેઓ રાષ્ટ્રની સેવા કરશે. એવા લોકો રક્ષક તરીકે જ રહી શકે, બીજી કોઇ રીતે નહીં. હું બુદ્ધિશાળી માણસને વધારે કમાવા દઉં. હું તેની બુદ્ધિના વિકાસને રોકું નહીં. પણ જેમ બાપના બધા કમાતા દીકરાની આવક કુટુંબના સહિયારા ખાતામાં જમા થાય છે તેમ એમની વધારે કમાણીનો મોટો ભાગ રાષ્ટ્રના હિત માટે વપરાવો જોઇએ. તેઓ પોતાની કમાણી રક્ષક તરીકે જ રાખી શકે.૧

આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપત્તિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપત્તિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઇ શકે અને બીજાને વીસ તોલા જોઇએ, તો બંનેને પોતોપાતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઇએ. બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઇએ. અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે સામાજિક અહિંસા સિદ્ધ કરી કહેવાય.૨

આવકની સમાનતા

તમારી બુદ્ધિને પૈસામાં વટાવવાને બદલે તેને દેશસેવામાં વાપરો. તમે ડોકટર હો તો તમારી બધી ડોંકટરી આવડત ખપી જાય એટલા રોગો હિંદુસ્તાનમાં ભરેલા છે. તમે વકીલ હો તો હિંદુસ્તાનમાં રગડા-ઝઘડા ઓછા નથી. એમાં ઘી હોમવાને બદલે તમે એ ઝઘડા સાંધો અને લોકોને અદાલતમાં જતા રોકો. તમે ઇજનેર હો તો આપણા લોકોની સંપત્તિ અને હાજતોને બંધબેસતા અને છતાં આરોગ્યદાયી અને સ્વચ્છ હવાવાળઆં નમૂનેદાર ઘરો બાંધો. તમે શીખ્યા હો એવી કોઇ વસ્તુ નથી જેનો ઉપયોગ દેશસેવામાં ન થઇ શકે. (જે મિત્રે આ સવાલ પૂછેલો તેઓ હિસાબનીસ હતા.) મહાસભા અને તેના સહાયક મંડળોના હિસાબો તપાસવાને ઠેરઠેર હિસાબનીસોની અતિશય જરૂર છે. હિંદુસ્તાન આવો, હું તમને પૂરતું કામ આપીશ, અને રોજનું ચાર આનાનું મહેનતાણું પણ ્‌આપીશ. હિંદુસ્તાનમાં કરોડો લોકોને મળે છે તેના કરતાં આ રોજી ઘણી વધારે છે.૩

વકીલાત કરવાનો અર્થ, ગામડાનો સુતાર કે એવો કારીગર પોતાના મહેનતાણા દાખલ જે રોજી લે તેના કરતાં વધુ કમાણી કરવાનો ન જ હોવો જોઇએ.૪

હિંદુસ્તાનને બીજા લોકોને ધડો લેવા જેવું ને દુનિયાને આરત થાય એવું સ્વતંત્રતાનું આદર્શ જીવન ગાળવું હશે તો બધા ભંગીઓને દાક્તરોને, વકીલોને, શિક્ષકોને, વેપારીઓને અને બીજાઓને એક દિવસની પ્રામાણિક મજૂરીના બદલામાં સરખો પગાર, વેતન અથવા મજૂરી મળવી જોઇશે. એ વિષે મારા મનમાં રજભાર શંકા નથી. હિંદી સમાજ એ ધ્યેયને પૂરપૂરું સિદ્ધ ન કરી શકે એમ બને. પણ હિંદુસ્તાનને સુખની ભૂમિ બનાવવી હોય તો સૌ કોઇએ બીજા કોઇ નહીં પણે એ જ એક ધ્યેય તરફ નજર રાખીને કૂચ કરવી જોઇએ.૫

વાલીપણાનો સિદ્ધાંત

ધારો કે વારસામાં, અથવા તો વેપાર ઉદ્યોગ વાટે મને ઠીક ઠીક ધન મળ્યું છે. મારે જાણવું જોઇએ કે એ બધા ધનનો હું માલિક નથી, મારો અધિકાર તો આજીવિકા મળી રહે એટલું લેવાનો જ છે, અને એ આજીવિકા પણ બીજાં કરોડો માણસને મળી રહી છે એના કરતાં વધારે ન હોવી જોઇએ. મારી બાકીની સંપત્તિ પર માલિકી સમાજની છે, ને તેનો ઉપયોગ સમાજના કલ્યાણને સારુ થવો જોઇએ. જમીનદારો અને રાજાઓ જે સંપત્તિનો કબજો ભોગવે છે એને વિષે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ મૂકવામાં આવ્યો ત્યારે મેં આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. સમાજવાદીઓને તો આ ખાસ હકો ને સુખસગવડો ભોગવનારા વર્ગો નાબૂદ કરવા છે. હું એ વર્ગો પાસે એવી અપેક્ષા રાખું છું કે તેઓ તેમનાં લોભ અને માલિકીની ભાવના છોડે, અને પોતે ધનિક હોવા છતાં શ્રમજીવી વર્ગોની હારમાં આવીને બેસે. મજૂરે એમ સમજવું રહ્યું છે કે મજૂર તેની પોતાની સંપત્તિ એટલે કે શ્રમ કરવાની શક્તિનો જેટલો માલિક છે તેના કરતાં ધનિક માણસ એના ધનનો ઓછો માલિક છે.

આ વ્યાખ્યા પ્રમાણેના ખરા ટ્રસ્ટી કેટલા માણસ બની શકે એ સવાલ અસ્થાને છે. આ સિદ્ધાંત જો સાચો હોય તો એનો અમલ ઘણા કરે છે કે ફકત એક જણ કરે છે એ નજીવી વસ્તુ છે. સવાલ તો અંતરની આસ્થાનો છે. તમે જો અહિંસાનો સિદ્ધાંત સ્વીકારતા હો તો તમારે એનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જ જોઇએ - પછી ભલે તમેં એમાં સફળ નીવડો કે ન નીવડો. આ સિદ્ધાંતમાં બુદ્ધિને અગમ્ય એવું કંઇ જ નથી. હા, એનું આચરણ કરવું કઠણ છે એમ તમે કહી શકો છો.

તમે કહી શકો છો કે ટ્રસ્ટીશિપ કાયદાશાસ્ત્રની એક કલ્પનામાત્ર છે. પણ જો લોકો એને વિશે સતત વિચાર કરે અને તેનો અમલ કરવાનો પ્રયાસ કરે તો જીવનમાં પ્રેમની આણ વર્તશે. સંપૂર્ણ ટ્રસ્ટીશિપ યુક્લિડના બિંદુની વ્યાખ્યા જેવી કલ્પના છે અને તેના જેટલી જ અપ્રાપ્ત છે પરંતુ આપણે કોશિશ કરીએ તો દુનિયામાં સમાનતા આણવા માટે બીજી કોઇ પણ પદ્ધતિ કરતાં આ રીતે આગળ જઇ શકીશું. ંમારી પાકી ખાતરી છે કે જો રાજ્ય મૂડીવાદને હિંસાથી દાબી દેશે તો રાજય પોતે હિંસાના વમળમાં ફસાઇ જશે અને અહિંસાનો વિકાસ કરવામાં ક્યારેય સફળ નહીં થાય. રાજ્ય હિંસાને કેન્દ્રિત અને સંગઠિત રૂપમાં રજૂ કરે છે. વ્યક્તિને આત્મા છે, પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે એટલે તેની પાસે હિંસા છોડાવી શકાય નહીં કારણ તેનું અસ્તિત્વ એટલે તેની પાસે હિંસા છોડાવી શકાય નહીં, કારણ તેનું અસ્તિત્વ જ તેને આધારે ટકેલું છે. તેથી હું ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત પસંદ કરું છું. રાજ્ય પોતાની સાથે મતભેદ રાખનાર સામે વધારેપડતી હિંસા વાપરે એવી બીક હમેશાં રહે છે. આ પ્રશ્ન સાથે સંબંધ ધરાવતા લોકો ટ્રસ્ટી તરીકે વર્તશે તો હું ઘણો રાજી થઇશ; પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો હું માનું છું કે આપણે રાજ્ય મારફત ઓછામાં ઓછી હિંસા કરીને તેમની સંપત્તિ પડાવી લેવી પડશે. . . (તેથી જ મેં ગોળમેજી પરિષદમાં કહ્યું હતું કે દરેક સ્થાપિત હિતની તપાસ થવી જોઇએ અને આવશ્યક હોય ત્યાં. . . જ્યાં જેવી જરૂર હોય તે રીતે, બદલો આપીને કે આપ્યા વગર, રાજ્યે તે જપ્ત કરવાનો હુકમ કરવો જોઇએ.) અંગત રીતે, રાજ્યના હાથમાં સત્તા આવે તે કરતાં ટ્રસ્ટીશિપની ભાવનાનો વિકાસ થાય તે મને ગમે. કારણ કે મારા અભિપ્રાય મુજબ રાજ્યની હિંસા કરતાં ખાનગી માલિકીની હિંસા ઓછી નુકસાનકારક છે. છતાં રાજ્યની માલિકી અનિવાર્ય જ હોય તો હું તે બને તેટલી ઓછી રાખવાના મતને ટેકો આપું.૨

સમાજનું સંગઠન અહિંસાની પદ્ધતિથી ન થઇ શકે એમ કહેવાની આજકાલ ફેંશન થઇ પડી છે. હું તેમાં સંમત થતો નથી. કુટુંબમાં પિતા જ્યારે પોતાના અપરાધી પુત્રને તમાચો મારે છે ત્યારે પુત્ર તેનું વેર લેવાનો વિચાર નથી કરતો. તે તેના પિતાની આજ્ઞા પાળે છે તે પોતાને પડેલા તમાચાને કારણે ફરીથી અપરાધ કરતાં ડરે છે એટલા માટે નહીં, પણ તે પોતાના પિતાના પ્રેમને લાગેલો આઘાત જુએ છે તેથી. મારા અભિપ્રાય મુજબ સમાજની વ્યવસ્થા આ રીતે ચાલે છે, અથવા ચાલવી જોઇએ. ઉપરનો દાખલો એ તેનું નાનું સ્વરૂપ છે. કુટુંબ માટે જે સાચું છે તે સમાજ માટે પણ સાચું હોવું જોઇએ; કારણ કે સમાજ એ વિશાળ કુટુંબ જ છે.૩

અહિંસા એ કેવળ વ્યક્તિગત સદ્‌ગુણ છે એવું હું માનતો નથી. એ સામાજિક સદ્‌ગુણ પણ છે ને બીજા સદ્‌ગુણોની માફક એને પણ પ્રયત્નપૂર્વક કેળવવો પડે છે. બેશક સમાજના માંહોમાંહેના વ્યવહારમાં મોટે ભાગે અહિંસાથી જ કામ ચાલે છે. એ અહિંસાનો વિસ્તાર કરીને તેનો વિશાળ, એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પ્રયોગ કરવો જોઇએ એટલી જ મારી માગણી છે.૪

મારો ‘વાલીપણા’નો સિદ્ધાંત કામચલાઉ ઉકેલ નથી. ધોખાની ટટ્ટી તો નથી જ નથી. મારો તો વિશ્વાસ છે કે બીજા બધા ઉકેલોથી એ વધુ ચિરંજીવ નીવડશે. એની પાછળ તત્ત્વજ્ઞાન અને ધર્મની પ્રતિષ્ઠા રહેલી છે. ધનિકોએ સિદ્ધાંતને અપનાવ્યો નથી કે એનો અમલ નથી કર્યો એ બીના એની વ્યર્થતા સિદ્ધ નથી કરતી. એ તો ધનિકોની નબળાઇ માત્ર સિદ્ધ કરે છે. બીજા એકે સિદ્ધાંતનો અહિંસા જોડે મેળ બેસે એમ નથી. અહિંસાની રીતમાં બૂરાઇ કરનાર જો કરેલી બૂરાઇનું ક્ષલન કરતો નથી તો પોતાને જ હાથે પોતાનો અંત સાધે છે. કારણ કે કાં તો અહિંસક અસહકારને પરિણામે એને એની ભૂલ જોવાની ફરજ પડે છે, નહીં તો એના તમામ સંબંધો છૂટી જઇને એ સાવ એકલો અટૂલો થઇ પડે છે.૫

સામાન્ય રીતે શ્રીમંત માણસો પોતે શી રીતે ધન કમાય છે તે બાબતમાં સારાનરસાનો કશો નિયમ નથી પાળતા, એ વિધાનને ટેકો આપતાં મને સંકોચ નથી લાગતો. પણ અહિંસક પદ્ધતિને લાગુ પાડવામાં એમ માનીને ચાલવાનું હોય છે કે ગમે તેવા અધોગતિને પામેલા માણસને પણ પ્રેમળ અને કુશળ ઉપાયો વડે સુધારી શકાય. સારું પરિણામ આવશે જ એવી આશા રાખી મનુષ્યમાં રહેલા સદ્‌ અંશને આપણે જગાડ્યા કરવો ઘટે. દરેક માણસ પોતાનુંબધું બુદ્ધિકૌશલ્ય પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવા નહીં, પણ સાર્વજનિક હિત માટે વાપરે, તેમાં સમાજનું ભલું જ થાય ઇચ્છતો જેમાં દરેક માણસ પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા અસમર્થ થાય અથવા તેવો તેને બનાવવામાં આવે. એવો સમાજ છેવટે નાશ જ પામે. તેથી હું સૂચવું છું કે મેં ધનિકોને જે સલાહ આપી છે કે તેઓ ભલે કરોડો કમાય (અલબત્ત, પ્રામાણિકપણે) પણ તે જગતને અર્પણ કરે, તે સાચી જ છે. . . તેન ત્યક્તેન ભુંજીયાઃ નો મંત્ર અસામાન્ય જ્ઞાનમાંથી સ્ફુરેલો છે. આજની સમારજરચનામાં દરેક માણસ પોતાના પડોશીનું શું થાય છે તેનો જરાયે ખ્યાલ કર્યા વિના પોતાનાં જ સુખ અને સ્વાર્થ માટે જીવે છે. તેની જગ્યાએ સર્વોદય સાધનાર સમાજરચના સ્થાપવી હોય તો તેને માટે આ જ નિશ્ચિત રીતે છે.૬

૧૦

સ્વદેશીભાવના

સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિ નો ત્યાગ કરવા પ્રેરે છે. દાખલા તરીકે, મારામાં સ્વદેશીભાવના હોય તો ધર્મના વિષયમાં, મારે મારા બાપદાદાના ધર્મને જ વળગી રહેવું જોઇએ. તેમ કરવાથી હું મારી નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરું છું. જો મને તેમાં ખામી જણાય, તો તે દૂર કરીને મારે તેની સેવા કરવી જોઇએ.રાજકીય વિષયમાં મારે દેશી સંસ્થાઓનો જ ઉપયોગ લેવો જોઇએ, અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને મારે તેની સેવા કરવી જોઇએ. આર્થિક વિષયમાં મારે મારી પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઇએ, અને જે ઉદ્યોગમાં ન્યૂનતા જણાય તે દૂર કરી તેને પગભર કરી મારે તેની સેવા કરવી જોઇએ. એમ કહેવામાં આવ્યું છે કે, જો સ્વદેશીભાવના અનુસાર આચરણ કરવામાં આવે, તો સત્યયુગ જલદી આવે. . . .

સ્વદેશીના ઉપર વર્ણવેલાં ત્રણ ક્ષેત્રોનો આપણે ટૂંકમાં વિચાર કરીશું. હિંદુ ધર્મ પરંપરાને જાળવી રાખે છે, તેથી કરી તે જબરદસ્તી સત્તાવાળો થયો છે. આમ થવાનું કારણ એ છે કે તેના મૂળમાં સ્વદેશીભાવના રહેલી છે. તે અત્યંત સહિષ્ણુ છે, કારણ કે તે કોઇ પાસે ધર્મની ફેરબદલી કરાવતો નથી, અને જેમ તેનો વિકાસ ભૂતકાળમાં થતો જણાયો છે તેમ આજે પણ થઇ શકે છે. કેટલાક ખોટી રીતે માને છે તેમ, હિંદુ ધર્મે બૌદ્ધ ધર્મને હાંકી કાઢયો નથી, પરંતુ તેણે તે ધર્મને પોતામાં જ મેળવી દીધો છે. સ્વદેશીભાવનાને લઇને હિંદુ પોતાનો ધર્મ બદલવા ના પાડે છે. તેમ કરવામાં તેની એવી કંઇ ખાસ માન્યતા હોતી નથી કે હિંદુ ધર્મ સર્વોત્તમ ધર્મ છે : પરંતુ, તે જાણે છે કે તે પોતે તેમાં સુધારા દાખલ કરીને તેને ન્યૂનતારહિત બનાવી શકે છે. આ જે હિંદુ ધર્મ વિષે કહ્યું છે તે, હું માનું છું કે, જગતના બીજા મોટા ધર્મોને પણ લાગુ પડે છે. છતાં, એટલું તો ખરું કે, હિંદુ ધર્મની બાબતમાં આમ ખાસ કરીને છે. જે કહેવાને હું મથી રહ્યો છું તે હવે હું જણાવી શકીશ. હિંદમાંની મોટી ધર્મપ્રચારક સંસ્થાઓએ હિંદ માટે જે કંઇ કર્યું છે અને કરે છે તે વાસ્તે હિંદ તેનો બહુ ઋણી છે. પરંતુ, જે મેં કહ્યું છે તેમાં કંઇ સાર હોય તો, આ સંસ્થાઓ ધર્માંતર કરાવવાની પ્રવૃત્તિ છોડી દઇ માત્ર પરોપકારી કર્યો ચાલુ રાખે, તો શું તેઓ વધારે સારી રીતે ન કરી શકે ?. . . .

સ્વદેશીભાવનાનું પાલન કરતો હોવાથી હું દેશી સંસ્થાઓ ઉપર મારું લક્ષ આપું છું; એટલે હું ગ્રામપંચાયતોને જ વળગી રહું છું હિંદ ખરેખર એક પ્રજાસત્તાક દેશ છે, અને તેને લઇને જ તે અત્યાર સુધી તેના પર કરવામાં આવેલ દરેક પ્રહાર સામે ટકી શક્યું છે. રાજા અને અમીરો, પછી તેઓ હિંદી હો કે પરદેશી હો, તેઓ માત્ર કર ઉઘરાવવાના પ્રસંગ ઉપર વિશાળ જનસમૂહના સંબંધમાં આવતા; અન્યથા તેવું ભાગ્યે જ બનતું. પ્રજા પણ રાજાને રાજાનો ભાગ આપી છૂટતી, અને પછી પોતાની રુચિમાં આવેતેનું ઘણુંયે કરતી. જ્ઞાતિનું વિસ્તૃત બંધારણ પ્રજાની ધાર્મિક જરૂરિયાતો પૂરી પાડતું એટલું જ નહીં, પરંતુ તેની રાજકીય આવશ્યકતાને પણ પહોંચી વળતું. ગ્રામજનો ગ્રામવ્યવહાર જ્ઞાતિબંધારણ દ્ધારા ચલાવતા; અને તેનાથી જ તેઓ રાજ્યસત્તાના જુલમની સામે થતા. જે પ્રજા જ્ઞાતિવ્યવસ્થા કરવાની અદ્‌ભુત શક્તિ નથી એમ કહેવું અધટિત છે. ગયે વર્ષે હરદ્ધારમાં ભરાયેલા મોટા કુંભમેળામાં કોઇ ગયું હતે તો તેને જણાતે કે જે વ્યવસ્થાને લીધે દશ લાખ કરતાં પણ વધારે યાત્રાળુઓને, કોઇ પણ દેખીતા પ્રયત્ન વિના, ખોરાક પૂરો પાડવાનું કામ બની શક્યું હતું, તેવી વ્યવસ્થા રચવામાં કેટલી બધી ચતુરાઇ વાપરવામાં આવી હશે. છતાં અમારામાં પ્રકારની કેળવણી મળી છે, તેઓ માટે આમ કહેવું, મને લાગે છે કે, અમુક અંશે વાજબી છે.

સ્વદેશીભાવનાના ત્યાગથી અમને બહુ હાનિ પહોંચી છે; અમે કેળવાયેલા લઇને અમારે ભારે મુશ્કેલી વચ્ચે કામ કરવું પડ્યું છે. અમે કેળવાયેલા વર્ગે અમારું શિક્ષણ વિદેશી ભાષા મારફત લીધું છે. પરિણામે અમારા જનસમૂહ ઉપર અસર કરી શક્યા નથી. અમે જનસમૂહના પ્રતિનિધિ થવા ઇચ્છિએ છીએ, પરંતુ તેમાં અમે નિષ્ફળ નીવડીએ છીએ. લોકો અંગ્રેજી અમલદારોની જેટલી કદર કરે છે તેના કરતાં અમારી કદર વધારે કરતા નથી. આ બેમાંથી એકે વર્ગ તેઓના અંતરપટ ઉપર સંસ્કાર પાડી શકતો નથી. તેઓની અભિલાષાઓ અમારી અભિલાષા નથી. એટલે અમારી વચ્ચે અંતરાય પડ્યો છે. ખરી રીતે જોતાં તમને જણાશે કે, અમારામાં વ્યવસ્થા કરવાની શક્તિ નથી એમ નથી. પરંતુ પ્રતિનિધિઓ અને જેઓના અમે પ્રતિનિધિ થવા ઇચ્છીએ છીએ તેઓ બંને વચ્ચે સંબંધ નથી. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન અમને અમારી માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવ્યું હોત, તોઅમારા વડીલોને, અમારા નોકર-ચાકરોને, અમારા પાડોશીઓને અમારા જ્ઞાનનો લાભ મળ્યો હોત. બોઝ (જગદીશચંદ્ર) અને રાય (પ્રફુલ્લચંદ્ર) જેવાની શોધો રામાયણ અને મહાભારતની પેઠે ઘરઘરનો ખજાનો થઇ પડી હોત. અત્યારે તો, તે શોધો પરદેશીઓએ કરેલી શોધો જેટલી જ લોકોને અજાણી છે. વિષયમાત્રનું શિક્ષણ માતૃભાષા દ્ધારા આપવામાં આવ્યું હોત, તો હું એમ કહેવા હિંમત કરું છું કે, તેનો વિકાસ આશ્ચર્યકારક રીતે થયો હોત : ગ્રામસુખાકારી અને એવા બીજા પ્રશ્નનો નિવેડો કયારનો આવી ગયો હોત; ગ્રામપંચાયતો અત્યારે વિશેષ રીતે જીવંત સંસ્થાઓ બની હોત; અને હિંદ અત્યારે પોતાની પરિસ્થિતિનેઅનુકૂળ એવું સ્વરાજ ભોગવી રહ્યું હોત, અથવા તો ભોગવવાની તૈયારીમાં હોત; અને તેની પવિત્ર ભૂમિ ઉપર યોજનાપૂર્વક થતી ખુનામરકી જોવાનો શરમાવનાર પ્રસંગ આવ્યો ન હોત. ભૂલ સુધારવા માટે હજી પણ મોડું થયું નથી.

હવે હું સ્વદેશીની છેલ્લો ભાગ હાથ ધરું છું. આર્થિક અને ઔદ્યોગિક જીવનમાં સ્વદેશીનો ત્યાગ કરવાથી દેશને હાનિપહોંચી છે. લોકોની અત્યંત ગરીબાઇ તેને આભારી છે. હિંદની બહારની એક પણ જણસ વ્યાપાર અર્થે અહીં લાવવામાં આવી ન હોત, તો હિંદ આજે દહીંદુધથી છલકાવી ભૂમિ થઇ રહી હોત. પરંતુ તેવું ભાગ્ય જ ન હતું; આપણે લોભી બન્યા હતા. ઇંગ્લંડનું પણ તેમ જ હતું. ઇંગ્લંડે હિંદ સાથે સંબંધ દેખીતી રીતે કુદૃષ્ટિથી બાંધ્યો હતો; પરંતુ હવે સંબંધ ચાલુ રાખવામાં તેની દૃષ્ટી તેવી નથી રહી. તેણે પોતાની નીતિ જાહેર કરી છે કે, હિંદીઓના હિત માટે જ તે હિંદને સંભાળે છે. જો આ ખરું હોય, તો લૅંકેશાયરને વચ્ચેથી ખસી જવામાં કંઇ નુકસાન નહીં થાય, જોકે ક્ષણભર તો તેને ધક્કો પહોંચવા જેવું લાગશે. વેર લેવાના ભાવથી ઉપાડવામાં આવેલી બૉયકોટની ચળવળ જેવી સ્વદેશીની ચળવળ હું લેખતો નથી. હું તો તેને સૌ કોઇને પાળવાના ધાર્મિક નિયમ તરીકે માનું છું. હું અર્થશાસ્ત્રી નથી; પણ મેં એવા કેટલાક ગ્રંથો વાંચ્યા છે, કે જેના ઉપરથી મને જણાય છે કે, ઇંગ્લંડ પોતાને જોઇતી બધી વસ્તુ ઉપજાવીને પોતાનું પોષણ કરી શકે એમ છે. આ વાત સાવ હસી કાઢવા જેવા લાગશે. અને તેમાં સત્ય ન હોઇ શકે એનો સૌથી સરસ પુરાવો આ આપવામાં આવશે કે, દુનિયાના સૌથી મોટા આયાત કરનારા દેશો માંહેનો તે એક છે. પરંતુ હિંદ પોતાનો નિભાવ ન કરી શકે ત્યાં સુધી તેને માટે લૅંકેશાયર કે પછી બીજા કોઇ દેશની ઉપાધિ કરવી શક્ય નથી. અને પોતાની હદમાં જ પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જોઇતી દરેક વસ્તુ તે પેદા કરે, અને તેમ કરવામાં આવે તેને મદદ કરવામાં આવે તો જ હિંદ પોતાનો નિભાવ કરી શકે. ગાંડી અને નાશકારક હરીફાઇ, જે અંદર અંદર લડાવી મારે છે, જે ખાર અને બીજા અનેક દોષોને પોષે છે, તેના વમળમાં હિંદને પડવાની જરૂર નથી, હિંદ પડવું નહીં જોઇએ. પરંતુ, તેના મોટા કરોડાધિપતિઓને દુનિયાની સાથે હરિફાઇમાં ઊતરતાં કોણ રોકી શકશે ? ખચીત કાયદાથી તેમ થઇ શકશે નહીં. છતાં પ્રજામતનું દબાણ અને યોગ્ય શિક્ષણ મનમાનતું ઘણંયે કરી શકે એમ છે. સાળનો ઉદ્યોગ મરવા પડ્યો છે. ગયે વર્ષે મારી મુસાફરી દરમ્યાન જેટલા બને તેટલા વણકરોને મળવા મેં ખાસ પ્રયત્ન કર્યો હતો. તેઓની સંખ્યામાં ઘટાડો થતો જોઇ તથા એક પછી એક કુટુંબને એક વખત આબાદી ભોગવતા આબરૂદાર ધંધામાથીં ફારગ થતા જોઇ, મારું હૈયું પીડાયું હતું.

આપણે સ્વદેશી સિદ્ધાંતોનું પાલન કરતા હોઇએ, તો તમારી અને મારી આ ફરજ છે કે, આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે એવા પાડોશીઓ શોધી કાઢવા જોઇએ. તથા જેઓને તે કામ કરતાં નથી આવડતું તેઓને તે શિખવાડવું જોઇએ. આમ કહેવા ટાણે, હું એમ માની લઉં છું કે, આપણા કેટલાક એવા પાડોશીઓ છે કે જેઓ ઉપયોગી ધંધાની શોધમાંછે. આમ થશે ત્યારે જ હિંદનું દરેક ગામડું પોષણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે. આ બધામાં તમને ઘેલછા જણાશે. ગમે તે હો, પણ હિંદ તો ઘેલો દેશ છે. કોઇ મયાળુ મુસલમાન પીવા માટે ચોખ્ખું પાણી આપવા તૈયાર હોય, તોયે તે ન લેતાં તરસ વેઠી પોતાનું ગળું સૂકવી નાખવું. એ ગાંડાઇ છે. છતાં હજારો હિંદુઓ મુસલમાનના ઘરનું પાણી પીવા કરતાં તરસથી મરી જવું પસંદ કરે છે. આ જ ઘેલા માણસને જો એક વખત એવી ખાતરી થઇ જાય કે, તેઓનો ધર્મ માત્ર હિંદમાં જ બનેલાં કપડાં પહેરવાનો અને હિંદમાં જ ઉત્પન્ન થયેલો ખોરાક લેવાનો છે, તો પછી તેઓ બીજાં કોઇ કપડાં પહેરવાને અથવા બીજો કોઇ ખોરાક લેવાને લલચાશે નહીં.

ભગવદ્‌ગીતામાં એક એવો શ્લોક છે કે, જેનું તાત્પર્ય આ છે, કે લોક શિષ્ટોને પગલે ચાલે છે. પ્રજાનો વિચારશીલ વર્ગ સ્વદેશીવ્રત અંગીકાર કરે, - જોકે તેમ કરવા જતાં તેને થોડોક વખત ઘણી અગવડ વેઠવી પડે એમ છે, - તો આ દોષ દૂર કરવો સહેલો છે. જીવનની કોઇ પણ પ્રવૃત્તિમાં કાયદો વચ્ચે પડે એ મને ઇષ્ટ નથી. કાયદો ગમે તેવો હોય, તોપણ તે એક પ્રકારનું અનિષ્ટ જ છે. તેમ છતાં, પરદેશી માલ ઉપર કડક આયાતવેરો નાખવામાં આવે, તો હું તેને ચલાવી લઇશ, બલકે વધાવી લઇશ, તેનો બચાવ કરીશ. નાતાલના બ્રિટિશ સંસ્થાને, મોરિશિયસ નામના બીજા બ્રિટિશ સંસ્થાનમાંથી આવતી ખાંડ ઉપર જકાત નાખી પોતાના ખાંડના ઉદ્યોગનું રક્ષણ કર્યું હતું. હિંદનો વ્યાપાર હિંદની મરજી ઉપરાંત અરક્ષિત રાખી ઇંગ્લંડે હિંદના વ્યાપાર હિંદની મરજી ઉપરાંત અરક્ષિત રાખી ઇંગ્લંડે હિંદના સંબંધમાં પાપ કર્યું છે. તેમ કરવામાં વખતે તેને અમૃત મળ્યું હસે, પરંતુ આ દેશને તો તે ઝેરરૂપ થઇ પડ્યું છે.

ઘણી વાર એમ કહેવામાં આવ્યું છે કે, આર્થિક જીવનમાં તો હિંદ સ્વદેશીનો સ્વીકાર કરી શકે એમ નથી. જેઓ તરફથી આ વાંધો રજૂ કરવામાં આવે છે, તેઓ સ્વદેશીને જીવનના એક નિયમ તરીકે નથી ગણતા. તેઓની નજરે આ કેવળ દેશાભિમાનથી પ્રેરાયેલો પ્રયત્ન છે, અને તેમાં કોઇ પણ જાતનો આત્મત્યાગ કરવો પડે, તો તે છોડી દેવો જેવો છે. આગળ આપવામાં આવેલાં લક્ષણ પ્રમાણે, સ્વદેશી એક ધાર્મિક નિયમ છે, અને કદી કોઇ વ્યકિતને શારીરિક અગવડ વેઠવી પડે. તોપણ તેનો વિચાર કર્યા વિના તેનું પાલન કરવાનું છે. અને તેમ કરવા જતાં, એક સોય કે ટાંકણી વાપરવી છોડી દેવી પડે, - કારણ કે આ વસ્તુઓ હિંદમાં નથી બનતી, - તો તેથી આપણને મૂંઝવણ થવી ન જોઇએ. સ્વદેશી વ્રત પાળનાર સેંકડો જણસો, જે આજે તેને જરૂરની જણાય છે, તે વિના ચલાવી લેતાં શીખે છે. વળી, સ્વદેશી ધર્મ પાળવો શક્ય નથી એવી દલીલ કરી જેઓ સ્વદેશી છોડી દે છે તેઓ ભૂલી જાય ચે કે, સ્વદેશી તો એક લક્ષ્ય છે જેની પ્રાપ્તિ માટે એકસરખો પ્રયત્ન કરવાનો છે. આપણા દેશમાં મળી શકતી ન હોય એવી વસ્તુઓ માટે હાલ તુરત તો છૂટ મૂકી, અમુક નક્કિ કરેલી વસ્તુઓના સંબંધમાં આપણે સ્વદેશીનું પાલન કરીશું, તોપણ આપણે આપણા લક્ષ્ય ભણી જતાં થઇશું.

સ્વદેશી સામે રજૂ કરવામાં આવતા વાંધાઓમાં હવે એક જ વાંધાનો વિચાર કરવો બાકી છે. વિરોધીઓ તેને એક અતિ સ્વાર્થિ નિયમ તરીકે ગણે છે, અને કહે છે કે, તેને માટે ચડિયાતા નીતિશાસ્ત્રમાં પ્રમાણ નથી. તેઓના મતે તો, સ્વદેશીનું પાલન કરવું એ જંગલી દશા પાછી સ્વીકારવા સમાન છે. હું આ દલીલનું વિસ્તારથી પૃથક્કરણ કરવા નથી ઇચ્છતો. છતાં હું એટલું જણાવીશ કે, સ્વદેશીએ એક જ એવો સિદ્ધાંત છે કે, જે નમ્રતા અને પ્રેમને અનુકૂળ છે. હું મારા કુટુંબની ભાગ્યે જ સેવા કરી શકતો હોઉં, તેવે વખતે આખા હિંદની સેવા કરવા બહાર પડવા વિચાર કરવો એ મદ જ કહેવાય. હું મારા કુટુંબને જ મારા પ્રયત્નનું લક્ષ્ય બનાવું, અને તેમ કરીને હું એમ માનું કે હું આખા રાષ્ટ્રની સેવા કરું છું, બલકે આખી માણસજાતની સેવા કરું છું, તો તે વધારે સારું કહેવાય. આમાં જ નમ્રતા છે, આમાં જ પ્રેમ છે. કર્મના સારાસારનો નિર્ણય વૃત્તિ ઉપરથી કરાય છે. બીજાઓને હું પીડા કરતો હોઉં છતાં, તે ઉપર ધ્યાન આપ્યા વિના, મારા કુટુંબની સેવા કરવી મારે માટે શક્ય છે. જેમ કે, હું એક એવું કામ લઉં કે જેને લઇ હું લોકો પાસેથી પૈસા કઢાવી શકું, અને તેમ કરી હું પૈસાદાર બનું અને પછી કુટુંબની કે નથી કરતો પૂરી પાડું. આમ કરવાથી હું નથી સેવા કરતો કુટુંબની કે નથી કરતો રાજ્યની. અથવા, હું એમ માનું કે મારા તથા જેઓ મારા ઉપર આધાર રાખે છે તેઓના ભરણપોષમ માટે કામ કરવા વાસ્તે જ ઇશ્વરે મને હાથપગ આપ્યા છે, તો પછી હું મારું તથા જેઓ ઉપર હું સીધી અસર કરી શકું તેઓનું જીવન એકદમ સાદું કરી નાખું. આમ કરવાથી બીજા કોઇને હાનિ કર્યા વિના હું મારા કુટુંબની સેવા કરું છું. દરેક જણ આવા પ્રકારનું જીવન અંગીકાર કરે, તો આપણું રાજ્ય તરત જ આદર્શરૂપ બને. બધા આ સ્થિતિએએક વખતે જ નહીં પહોંચી શકે. પરંતુ આપણામાંથી જેઓને એમાં સત્ય જણાય છે અને જેઓ તેને અમલમાં મૂકે છે, તેઓ તે પુણ્યશાળી દિવસ ક્યારે આવશે તેનો ખ્યાલ અચૂક રીતે કરી શકશે તથા તે જલદીથી આવે એમ કરશે. જીવનરેખા આ પ્રમાણે દોરવાથી, બીજા બધા દેશોને બાતલ કરી હિંદની સેવા કરતો જણાવા છતાં, હું બીજા બધા દેશોને બાતલ કરી હિંદની સેવા કરતો જણાવા છતાં, હું બીજા કોઇ દેશને નુકસાન પહોંચાડતો નથી. મારું દેશાભિમાન વ્યાવર્તક તેમ અભિવ્યાપક છે. મારી જન્મભૂમિની સેવામાં હું મારું ચિત્ત પૂર્ણ નમ્રતાથી પરોવું છું : એટલે તે વ્યાવર્તક છે. પરંતુ મારી સેવા સ્પર્ધા કે વિરોધ - રૂપે નથી; એટલે તે અભિવ્યાપક છે. ‘તમારી પ્રવૃત્તિ એવી રીતે ગોઠવો કે જેથીતમારા પડોશીને ખલેલ ન પહોંચે.’ આ સૂત્ર કેવળ કાયદાનું જ નથી, પરંતુ એ તો જીવનનો એક મહાન નિયમ છે. અહિંસા અથવા પ્રેમનાં યોગ્ય પાલનની એ કૂંચી છે.૧

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહી જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકાષ્ટથી જ બની શકે તે પરદેશના દ્ધેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશીના ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્ધેષ કરશે જ નહીં. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઇનો દ્ધેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.૨

૧૧

સ્વાવલંબન અને સહકાર

સત્ય અને અહિંસા મારી વિચાર મુજબની વ્યવસ્થાના પાયારૂપ છે. આપણી પહેલી ફરજ એ છે કે આપણે સમાજને ભારરૂપ ન થવું જોઇએ. એટલે કે આપણે સ્વાવલંબી બનવું જોઇએ. આ દૃષ્ટીએ સ્વાવલંબન એ જ એક પ્રકારની સેવા છે. સ્વાવલંબી બન્યા પછી આપણે આપણો ફૂરસદનો સમય બીજાની સેવામાં ગાળી શકીએ. જો બધા જ સ્વાવલંબની બને તો કોઇને મુશ્કેલી નહીં રહે. એ સ્થિતિમાં કોઇની પણ સેવા કરવાની જરૂર નહીં રહે. એ સ્થિતિએ પહોંચ્યા નથી અને તેથી આપણે સમાજસેવાનો વિચાર કરવાનો રહે છે. આપણે સંપૂર્ણ સ્વાવલંબી થઇ શકીએ તોપણ મનુષ્ય સામાજિક પ્રાણી છે તેથી, કોઇ ને કોઇ રૂપમાં આપણે સેવા સ્વીકારવી જ પડશે. એટલે કે માણસ જેટલો સ્વાવલંબી છે તેટલો જ પરસ્પરાવલંબી પણ છે. સમાજની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે જ્યારે અવલંબન જરૂરી બને છે ત્યારે તે અવલંબન નથી રહેતું પણ એ સહકાર બને છે.

સહકારમાં મધુરતા છે; જેઓ સહકાર કરે છે તેમાં કોઇ સબળું કે કોઇ નબળું નથી, બધાં સરખાં છે. અવલંબનમાં લાચારીનો ભાવ હોય છે. કુટુંબના સભ્યો જેટલા સ્વાવલંબી છે તેટલા જ પરસ્પરાવલંબી છે મારા-તારાની ભાવના ત્યાં હોતી નથી. બધા એકબીજા સાથે સહકાર કરનારા હોય છે. તેવી જ રીતે આપણે સમાજને, રાષ્ટ્રને અથવા આખી માનવજાતને કુટુંબ ગણીએ તોબધા માણસો સહકાર્યકર બને છે. જો આપણે આવા સહકારના ચિત્રની કલ્પના કરીએ તો આપણે જોઇશું કે નિર્જીવ યંત્રની મદદની આપણે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું અને એમાં જ સમાજની સાચી સલામતી અને આત્મરક્ષા રહેલાં છે.૧

મારી કલ્પના એટલી જ છે કે વસ્ત્ર, અનાજ, વગેરે પાયાની આવશ્યકતાઓને ગામલોકો પોતાને ત્યાં જ પેદા કરી લે. આને જ આપણે સ્વાવલંબી કહીશું. પણ આનો પણ અનર્થ થવાનો સંભવ છે, એટલા માટે વસ્તુને સારી રીતે સમજી લેવી જરૂરી છે સ્વાવલંબનનો અર્થ કૂપમંડૂકતા નથી. કોઇ પણ સ્થિતિમાં આપણે બધી ચીજો પેદા કરી શકીએ નહીં અને આપણે કરવી પણ નથી. આપણે તો પૂર્ણ સ્વાવલંબનની નજદીક પહોંચવું છે. જે વસ્તુઓ આપણે પેદા ન કરી શકીએ એના બદલામાં આપવા માટે આપણે આપણી આવશ્યકતાથી વધારે પેદા કરવું જ પડશે.૨

આદર્શ સ્થિતિ તો એ જ છે કે દરેક કુટુંબ જેમ પોતાની જમીન ખેડી, અન્ન ઉપજાવી, પોતાની ઘંટી ઉપર તેને દળી પોતે જ તેના રોટલા ઘડી લે, તેમ પોતાને સારુ પોતે જ રૂ ઉગાડી પોતે તે કાંતે અને પોતે જ તે સૂતરને વણી કપડું પણ તૈયાર કરી લે.૩

આપણે ત્યાં પૂરતી ફળદ્ધુપ જમીન છે, પાણીની પણ કંઇ ખોટ નથી અને માણસોની વસ્તીનો પાર નથી એ સંજોગો છતાં આપણે ત્યાં અનાજની તંગી કેવી ?પરંતુ આપણે જનતાને સ્વાશ્રયી બનવાની કેળવણી આપવી જોઇએ. પ્રજાને એક વાર ભાન થાય કે આપણે બીજા કોઇના પર આધાર રાખવાનો નથી, આપણા પોતાના જોર પર જ કૂદવાનું છે તો વાતાવરણમાં જાણે કે વીજળીનો સંચાર થશે. પોતાની જરૂરના કરતાં હિંદ વધારે કપાસ પેદા કરે છે. એ કપાસમાંથી લોકોએ પોતે સૂતર કાંતી કાપડ વણી લેવું જોઇએ. . . . ગમે તે કારણે લોકો પોતાનાં અન્નવસ્ત્ર જાતે પેદા કરી લેવા માંડશે એટલે તેમની આખી દૃષ્ટિમાં પલટો આવશે.૪

સ્વયંપૂર્ણતા એ મોટો શબ્દ છે. . . ગામડાં જો તેમની પ્રાથમિક જરૂરિયાતોને વિષે સ્વયંપૂર્ણ ન થાય, અને કજિયાકંકાસ ને રોગચાળાથી થતા આંતરિક ઘસારા સામે તથા ચોરડાકુલા બાહ્ય ભય સામે રક્ષણની બાબતમાં સ્વાશ્રયી ન બને તો તેઓ ઘસડાઇ જશે. એટલે સ્વયંપૂર્ણતાનો અર્થ એ છે કે રૂ પરની બધી ક્રિયાઓ કરવી અને મોસમી પાક તથા ઢોરને માટે ઘાસચારા ઉગાડવા. આટલું ન કરવામાં આવે તો ભૂખમરો થવાનો. અને સ્વાશ્રયનોઅર્થ એ છે કે સામુદાયિક સંગઠન કરવું. ગામડાના શાણા માણસોની લવાદી દ્ધારા માંહોમાંહેના કજિયાનો તેમની પાસે નિકાલ કરાવવો, અને સફાઇ તથા સામાન્ય રોગો તરફ સામુદાયિક ધ્યાન આપીને ગામની સ્વચ્છતા જાળવવી. આને માટે કેવળ વ્યક્તિગત પ્રયત્નથી ચાલવાનું નથી. અને એ બધા ઉપરાંત ગ્રામવાસીઓ પાસે તેમનાં ગામડાં ચોરડાકુ સામે સુરક્ષિત બનાવવાના સંયુક્ત પ્રયત્ન કરાવીને તેમને પોતાનું બળ ઓળખતાં શીખવવું જોઇએ. આ વસ્તુ સારામાં સારી સામુદાયિક અહિંસા વડે બની શકે. પણ જો અહિંસાનો રસ્તો કાર્યકર્તાઓને સ્પષ્ટ ન દેખાતો હોય તો તેઓ હિંસા વડે સામુદાયિક બચાવ કરવા માટે જરૂરી સંગઠન કરતાં આંચકો ન ખાય.૫

કાંતનારાઓ પોતે કપાસ ઉગાડતા ન થઇ જાય અથવા તો દરેક ગામમાં કપાસનું વાવેતર ન હોય તો એ સ્વાવલંબી ખાદી સફળ નથી થવાની. એટલે સ્વાવલંબી ખાદીની દૃષ્ટિએ તો દરેક ઠેકાણે કપાસની ખેતી થવી જ જોઇશે. આને સારુ જે ગામડામાં કામ ચાલતું હોય એનું વસ્તીપત્રક બનાવવું જોઇશે. કારણ કે કંઇ દરેક કાંતનાર કે વણનાર પાસે કપાસ વાવી શકાય એવો સોગંદ ખાવાનો પણ જમીનનો ટુકડો નથી હોતો. ખાદીની સ્વાવલંબન પદ્ધતિ એ વિશાળ પ્રશ્ન છે. કેવળ એટલા પ્રશ્નના ઉકેલ માટે જ ચરખા સંઘની હસ્તી યોગ્ય ગણાય. આજ સુધી એ દિશામાં ચરખા સંઘે કહેવા જેવા પ્રયત્ન કર્યા નથી.૬

ઇશ્વરની સૃષ્ટિનો જે ભાગ આપણી નજીકમાં નજીક હોય તે જેને આપણે સૌથી વધારે જાણતા હોઇએ તેની જ સેવા આપણે કરી શકીએ. આપણે આપણા સાખપડોશીથી શરૂઆત કરીએ. આપણે આપણું આંગણું સાફ કરીને જ સંતોષ ન માનવો જોઇએ, પણ આપણા પડોશીનું આંગણું સાફ થાય એની પણ ભાળ રાખવી જોઇએ. આપણે આપણા કુટુંબની સેવા કરીએ, પણ કુટુંબને ખાતર ગામને નુકસાન ન પહોંચવા દઇએ. આપણા ગામનું માન સચવાય તેમાં જ આપણું માન રહેલું છે. પણ આપણે દરેક જણે આપણી મર્યાદા સમજવી જોઇએ. જે જગતમાં આપણે રહીએ છીએ તેને વિષેના આપણા જ્ઞાનથી આપણી સેવાશક્તિની મર્યાદા આપોઆપા બંધાઇ જાય છે. પણ આ વાત હું સાદામાં સાદી ભાષામાં મૂકું. આપણે આપણા સાખપડોશીના કરતાં આપણો પોતાનો વિચાર ઓછો કરીએ. આપણા આંગણાનો કચરો પડોશીના આંગણામાં ઠાલવવો એ માનવજાતિની સેવા નથી પણ અસેવા છે. આપણા પડોશીઓની સેવાથી આપણે આરંભ કરવો જોઇએ.૭

ખેતીમાં આજે કેવળ અરાજકતા છે. બધી જમીનના ટુકડા થઇ રહ્યા છે. ભાઇ ભાઇ અલગ થાય છે અને ખેતરોના ટુકડા થતા જાય છે. . . આ ટુકડા પાડવાની નીતિથી તો આપણે મરી જઇશું. ગામડાંમાં લોકોએ મળી સમજીએ ખેતી કરવાનો સિદ્ધાંત અપનાવવો જોઇશે. ગ્રામસેવક પોતાને ત્યાંની પરિસ્થિતિની પૂરી તપાસ કરશે અને લોકોને સહકારી ખેતી કરવા સમજાવશે.૮

ગામડું પોતાને માટેનો કપાસ સહકાર કરી ઉગાડી શકે. જો આમ થાય તો એટલું તો સહેજે સમજાઇ કેઆવી રીતે ગામડાંમાં જ તૈયાર થયેલા કાપડને વિદેશથી આવેલું કોઇ પણ કાપડ કિંમત કે ટકાઉપણામાં આંટી ન શકે. આ ક્રિયામાં શક્તિનો વધારેમાં વધારે સંયમ થાય છે.૯

માણસની સામાજિક પ્રકૃતિ તેને પશુસૃષ્ટિથી જુદો પાડે છે, એ આપણે ભૂલીએ નહીં. સ્વતંત્ર થવાનો તેનો જો વિશેષ હક છે, તો પરસ્પરાવલંબી થવાની પણ તેની એટલી જ ફરજ છે. કેવળ અભિમાની માણસ જ અન્ય સૌથી સ્વતંત્ર અને સ્વંયપૂર્ણ હોવાનો દાવો કરી શકે. . . ગામડાં અલગ અલગ નહીં પણ અમુક ગામડાં મળીને તેમની કાપડની જરૂરિયાત પૂરતાં સ્વયંપૂર્ણ થઇ શકે એ રીતે આપણાં ગામડાંની પુનર્ઘટના કરવાનું શક્ય છે.૧૦

ગયે વર્ષે (૧૯૨૫માં) મદ્રાસમાં એક સહકારી મંડળી સાથે વાત કરતાં મેં કહ્યું હતું કે હાથકાંતણ દ્ધારા હું દુનિયામાં મોટામાં મોટી સહકારી મંડળી સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દાવો ખોટો નથી. કારણ કે લાખો લોકો કાંતણમાં સાચો સહકાર કરે નહીં તો હાથકાંતણનો ખરો ઉદ્દેશ બર આવે નહીં. સહકાર તો શરૂઆતથી જ હોવો જોઇએ.

એક સામાન્ય કેન્દ્રની કાર્યપદ્ધતિ લઇએ. કેન્દ્રીય કાર્યાલયમાં કાંતનારાઓ માટે કપાસ ભેગો કરવામાં આવે છે. કદાચ કેન્દ્રમાં જ કપાસ લોઢનારા તે લોઢે છે. પછી એ પીંજારાઓને વહેંચી દેવામાં આવે છે જેઓ એમાંથી પૂણી બનાવે છે. પછી તે કાંતનારીઓને આપવામાં આવે છે જેઓ દર અઠવાડિયે તેમનું સૂતર લઇ આવે છે અને બદલામાં નવી પૂણી તેમ જ તેમની મજૂરી લઇ જાય છે. આવી રીતે મેળવાયેલું સૂતર વણકરોને વણવા આપવામાં આવે છે અને તે ખાદીના રૂપમાં વેચવા માટે પાછું આવે છે. આ ખાદી હવે પહેરનારાઓને - સામાન્ય જનતાને વેચવામાં આવે છે. આવી રીતે કેન્દ્રીય કાર્યાલયને જાતિ, રંગ કે ધર્મનો ભેદ રાખ્યા વગર ખૂબ બહોળા માનવ સમુદાયના સતત સજીવ સંપર્કમાં રહેવું પડે છે. કારણ કે કેન્દ્રને તો નફો કરવાનો હોય છે કે ન તો ગરીબો સિવાય કોઇની ચિંતા કરવાની હોય છે. કેન્દ્રે ઉપયોગી બનવું હોય તો દરેક અર્થમાં શુદ્ધ રહેવું જોઇએ. કેન્દ્ર અને આ વિશાળ સંગઠનનાં અંગો વચ્ચે શુદ્ધ આધ્યાત્મિક અને નૈતિક સંબંધ હોય છે. કાંતણ કેન્દ્ર એ એવી રીતે સહકારી મંડળી છે જેના સભ્યો લોઢનારા, પીંજનારા, કાંતનારા, વણનારા અને ખરીદનારાઓ છે - જેઓ બધા પરસ્પર સદ્‌ભાવ અને સેવાના બંધને બંધાયેલા છે.૧૧

સહકારી મંડળીઓને સફળ બનાવવાની ખુબી એ છે કે, તેના સભ્યો પ્રામાણિક હોવા જોઇએ; તેમને સહકારમાં રહેલા ગુણની જાણ હોવી જોઇએ; અને તેમની સામે એક નિશ્ચિત પ્રગતિનું ધ્યેય હોવું જોઇએ. વધારે પૈસા કરવા સારુ ભારે વ્યાજનો દર આકારીને સહકારી મંડળી કાઢી પૈસાની રકમ રોકવી, એને હું ખોટો આદર્શ ગણું છું. પણ સાથે મળીને જમીન ખેડવી કે ગોશાળા ચલાવવી, એ નિઃસંશય સારો આદર્શ છે અને રાષ્ટ્રને માટે હિતકર છે. આવાં ઉદાહરણો ઘણાં આપી શકાય. . . સહકારી સંસ્થાઓ કેવી હશે, તે હું જાણતો નથી. પોતાનું કામ બરાબર સમજીને કરે, એવા તપાસણીદારો તેમાં છે ખરા ? એટલું કહેવું જરૂરી છે કે, એવી સંસ્થાઓની વ્યવસ્થા અપ્રામાણિક લોકોના હાથમાં હોય, ને તેનો આદર્શ શંકાસ્પદ હોય, ત્યારે તેનું પરિણામ ઘણે ભાગે હાનિકર નીવડ્યું છે.૧૨

૧૨

પંચાયતરાજ

આઝાદી પહેલાંની પંચાયતો

પંચાયત એ આપણે એક પ્રાચીન શબ્દ છે; એની સાથે અનેક મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. એનો શબ્દાર્થ છે : ગામડાંના લોકો દ્ધારા ચૂંટાયેલી પાંચ વ્યક્તિઓની સભા. આવા પંચ કે પંચાયતો દ્ધારા હિંદુસ્તાનનાં અસંખ્યા ગ્રામ-પ્રજાસત્તાકોનો કારભાર ચાલતો હતો, પરંતુ બ્રિટિશ સરકારે, મહેસૂલ વસૂલ કરવાની એની કઠોર પદ્ધતિથી આ પ્રાચીન ગ્રામ-પ્રજાસત્તાકોનો લગભગ નાશ કરી નાખ્યો; મહેસૂલ વસૂલાતની એ પદ્ધતિનો આઘાત ગ્રામ-પ્રજાસત્તાકોથી સહી શકાયો નહીં. હવ મહાસભાવાદીઓ ગામડાના આગેવાનોને દીવાની અને ફોજદારી અધિકાર આપીને, પંચાયત પદ્ધતિને સજીવન કરવાનો અધકચરો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્ન સૌથી પહેલાં તો સને ૧૯૨૧માં કરવામાં આવેલો પરંતુ તે અસફળ નીવડ્યો હતો. ફરી એ પ્રયત્ન કરવામાં આવેલો પરંતુ તે અસફળ નીવડ્યો હતો. ફરી એ પ્રયત્ન કરવામાં આવે છે; પરંતુ જો તે વ્યવસ્થિત અને સારી રીતે - ‘વૈજ્ઞાનિક રીતે’ નહીં કહું-નહીં કરવામાં આવે તો નિષ્ફળ નીવડશે.

નૈનીતાલમાં મને કહેવામાં આવ્યું હતું કે સંયુક્ત પ્રાંતમાં કેટલીક જગ્યાએ બળાત્કાર જેવા ફોજદારી મુકદ્દમા પણ કહેવાતી પંચાયતો ચલાવે છે. અજ્ઞાન અને હિત ધરાવતી અથવા પક્ષપાતી પંચાયતોએ આપેલા બધું કેટલાક વિચિત્ર અને તરંગી ચુકાદાઓ વિષે પણ મેં સાંભળ્યું. જો આ બધું સાચું હોય તો ખરાબ કહેવાય. આવી અનિયમિત અને નિયમવિરુદ્ધ કામ કરનારી પંચાયતો તો પોતાના જ વધારેપડતા બોજા નીચે કચડાઇને ખતમ થઇ જશે. તેથી હું ગ્રામસેવકોના માર્ગદર્શન સારુ, નીચેના નિયમો સૂચવું છું :

૧. પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની લેખિત પરવાનગી વિના કોઇ પણ પંચાયતની રચના કરવી ન જોઇએ.

૨. સૌથી પહેલાં, દાંડી પીટીને ખાસ બોલાવવામાં આવેલી જાહેર સભામાં પંચાયતની ચૂંટણી કરવી જોઇએ.

૩. આવી પંચાયત માટે તહેસીલ સમિતિએ ભલામણ કરવી જોઇએ.

૪. આવી પંચાયતોને ફોજદારી મુકદ્દમા ચલાવવાનો અધિકાર ન હોવો જોઇએ.

૫. જો પક્ષો સંમત થઇને પંચાયત સમક્ષ દીવાની મુકદ્દમાઓ રજૂ કરે તો જ પંચાયત તેવા મૂકદ્દમાં ચલાવી શકશે.

૬. કોઇને, પંચાયત સમક્ષ કોઇ પણ બાબત રજૂ કરવાની ફરજ પાડી શકાશે નહીં.

૭. કોઇ પણ પંચાયતને દંડ કરવાનો અધિકાર ન હોવા જોઇએ. દીવાની મુકદ્દમાઓના ચુકાદાઓનો અમલ કરાવવા માટેનું એકમાત્ર બળ તે તેનો નૈતિક અધિકાર, અણિશુદ્ધ નિષ્પક્ષપાત અને લાગતાવળગતા પક્ષોનું સ્વેચ્છાપૂર્વકનું આજ્ઞાપાલન હશે.

૮. હાલતુરત કોઇનો સામાજિક કે બીજા કોઇ પણ પ્રકારનો બહિષ્કાર ન કરવો જોઇએ.

૯. દરેક પંચાયત નીચેની બાબતો પર ધ્યાન આપે એવી અપેક્ષા રાખવામાં આવશે :

(અ) પોતાના ગામનાં છોકરા-છોકરીઓની કેળવણી;

(બ) ગામની સ્વચ્છતા ને આરોગ્ય;

(ક) ગામની દવાદારૂની જરૂરિયાત;

(ડ) ગામના કૂવાઓ અથવા તળાવોની સારસંભાળ અને સાફસૂફી;

(ઇ) કહેવાતા અસ્પૃશ્યોની ઉન્નતિ અને રોજબરોજની જરૂરિયાતો.

૧૦. જો કોઇ પંચાયત, પોતે ચૂંટાઇને આવે તેના છ મહીનાની અંદર, કોઇ પણ વાજબી કારણ વિના, નિયમ ૯માં દર્શાવેલી જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપવામાં નિષ્ફળ નીવડે અથવા બીજી કોઇ રીતે ગામલોકોની સદ્‌ભાવ ગુમાવે અથવા તો પ્રાંતિક કૉંગ્રેસ સમિતિને પૂરતું લાગે એવા કોઇ કારણસર નિંદાપાત્ર ઠરે તો તેને વિખેરી નાખવામાં આવે અને તેની જગ્યાએ બીજી પંચાયત ચૂંટવામાં આવે.

શરૂઆતના તબક્કાઓમાં પંચાયતોને દંડ કરવાનો કે કોઇનો સામાજિક બહિષ્કાર કરવાનો અધિકાર આપવામાં ન આવે તે જરૂરનું છે. ગામડાંમાં અજ્ઞાન અને સિદ્ધાંત વિનાના લોકોના હાથમાં સામાજિક બહિષ્કારનું શસ્ત્ર એક ખતરનાક હથિયાર બની જતું જણાયું છે. દંડ કરવાનો અધિકાર પણ હાનિકારક નીવડે અને નિયમ ૯માં બતાવેલાં રચનાત્મક કાર્યોને લીધે પોતાની લોકપ્રિયતા વધારતી હશે ત્યાં તેની નૈતિક પ્રતિષ્ઠાને લીધે લોકો તેના ચુકાદ ચુકાદા અને અધિકારોને માન આપશે. અને આ જ ખરેખર સૌથી મોટું બળ છે જે કોઇ પણ ધારણ કરી શકે છે અને જે કોઇ પાસેથી ઝૂંટવી શકાતું નથી.૧

સ્વતંત્ર હિંદુસ્તાનમાં પંચાયતો

સ્વતંત્રતાનો અર્થ હિંદુસ્તાનના લોકોની સ્વતંત્રતા હોય, તેમના પર આજે જેમનો અમલ ચાલે છે, તેમની સ્વતંત્રના ન હોય. શાસકોની એડી તલે કચરાતા લોકાની ઇચ્છા કે મરજી પર શાસકો પોતાની હસ્તી માટે આધાર રાખે. આમ, શાસકો લોકોની મરજી પ્રમાણે ચાલવાને તત્પર, એવા એમના સેવકો બની રહે.

સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનુંએકેએક ગામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો, આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઇ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય. આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યકિત બને છે. પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જે મદદ આપે, તે લેવાની વાતમાં સમાઇ જાય છે. આ સ્થિતિ સ્વેચ્છાએ પરસ્પર સહાય કરનારાં બળોની એકબીજા પરની અસરનું ફળ હશે. એ અનિવાર્ય છે કે, આવી જાતનો સમાજ ખુબ સંસ્કારી હોય અને તેમાં દરેક સ્ત્રી કે પુરુષ પોતાને શું જોઇએ છે, તે વિષે ખબરદાર હોય, અને સૌથી વિશેષ તો આવી સમજવાળાં હોય કે, એેક જ જાતની મજૂરીથી જે બીજાને ન મળી શકે, તે આપણને પણ ન મળે.

આ સમાજની રચના સ્વભાવિક રીતે જ સત્ય અને અહિંસાના પાયા પર થાય અને મારો એવો અભિપ્રાય છે કે, ઇશ્વર એટલે કે, દુનિયાએ જાણેલાં સર્વ પ્રકારનાં બળોમાં જે વસે છે, પોતાની શક્તિ વડે જ જેની હસ્તી છે, જે વસ્તુમાત્રનું જ્ઞાન ધરાવેછે, જે કોઇના પર આધાર રાખતી નથી, અને જે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી, અથવા તેમની અસર જણાતી અટકી જશે, ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે, તે જીવંત શક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્ય ને અહિંસા સંભવિત નથી. સર્વને પોતાના તેજથી પ્રકાશિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિષેની શ્રદ્ધા વિના હું મારી પોતાની હસ્તીનું કારણ આપી શકતો નથી.

અસંખ્ય ગાંમડાઓની બનેલી આ સમાજરચનાની આકૃતિ એક એકથી ઊંચે જતાં વર્તુળોની નહીં, પણ ્‌એકબીજાથી વિશા થતાં જતાં અને નાનાને મોટામાં સમાવી લેતાં વર્તુળોની હશે. જીવનનો ઘાટ, જ્યાં ટોચ પાયાને કચડીને ઊંચી રહે છે તેવા પિરામિડનો નહીં હોય. તેનો ઘાટ સમુદ્રનાં અનંત સીમાં સુધી વિસ્તરતાં જતાં ંમોજાંઓનાં વર્તુળનો હશે, જેના કેન્દ્રમાં પોતાના ગામને સારુ ખપી જવાને હરહમેશ તત્પર એવી વ્યક્તિ હશે, અને ગામ વળી બીજાં ગામોના બનેલા પોતાના વર્તુળને માટે ખપી જવાને તત્પર રહેશે, અને આખરે આ રચનામાં સર્વ વર્તુળો મળીને એક જ પ્રાણવાળું એક શરીર બનશે. એ રચનામાં જે વ્યક્તિઓનો સમાવેશ થશે, તે પોતાના અહંકાર અથવા ઘમંડમાં કોઇ બીજાના પર આક્રમણ નહીં કરે, હમેશ નમ્ર રહેશે અને સમુદ્રના વિશાળ વર્તુળમાં સમાયેલા સમસ્ત જીવનની ભવ્યતા પોતાના અંતરમાં અનુભવી, તે વર્તુળના અંગરૂપ ઘટક બની રહેશે.

તેથી, આ વર્તુળાત્મક રચનામાં બહારની સીમા પર આવેલું સૌથી મોટું વર્તુળ પોતાની અંદર સમાતાં વર્તુળને કચડી નાખવાને પોતાનું સામર્થ્ય નહીં વાપરે, પણ અંદરના સર્વને બળ આપશે અને પોતાનું સામર્થ્ય પણ કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓમાંતી મેળવશે. કોઇ એવો ટોણો મારશે કે, આ તો આદર્શ થયો, સંપૂર્ણતાનું તરંગી ચિત્ર થયું, અને તેને વિષે વિચાર કરી નાહક વખત બગાડવાની જરૂર નથી. યુક્લિડની વ્યાખ્યાનું બિંદુ દોરી બતાવવાને માણસ સમર્થ નથી, છતાં તેનું કદી ઘટે નહીંતેવું મૂલ્ય છે. તેવી રીતે માણસજાતને જીવવું હોય, તો મારા આદર્શ ચિત્રની પણ કદી ઓછી ન થાય તેવી કિંમત છે. એ સાચા ચિત્રની અણિશુદ્ધ સંપૂર્ણ સિદ્ધિ કદી ન થવાની હોય, તોપણ હિંદુસ્તાન તેને માટે જીવે. આપણને જે કંઇ જોઇતું હોય, તેના જેવું કંઇકેય મેળવી શકીએ તે પહેલાં આપણી પાસે તેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઇએ. હિંદુસ્તાનમાં એકેએક ગામનું પ્રજાસત્તાક સ્થાપવાની વાત સ્વીકારો, તો જ્યાં છેલ્લે આવનારો પહેલાના જેવો હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, જેમાં કોઇ પહેલો નથી ને કોઇ છેલ્લો નથી, તે મારું ચિત્ર વાસ્તવિક અને સત્ય છે, એવો હું દાવો કરું છું.

આ ચિત્રમાં દરેક ધર્મનું સરખા દરજ્જાનું તેમ જ ઘટતું સ્થાન રહેશે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જેવા છીએ અને તેનાં મૂળ પાતાળમાં પૃથ્વીના હ્ય્દય સુધી પહોંચેલાં હોવાથી, તેના થડને હલાવવાને કોઇ સમર્થ નથી. ગમે તેવા જોરદાર, તોફાની પવનથી તે હાલે તેમ નથી.

માણસની મજૂરીની જગ્યા લઇ લઇ તેને નકામી બનાવે, અને સત્તાને થોડા લોકોના હાથમાં એકઠી કરી આપે, તેવાં યંત્રોનેઆ ચિત્રમાં સ્થાન નથી. સુસંસ્કૃત માનવી સમાજકુટુંબમાં મજૂરીનું સ્થાન અનન્ય છે. જે યંત્ર હરેક વ્યક્તિને સહાયરૂપ થાય, તેને અહીં સ્થાન છે. પણ, તેનો વ્યવસ્થિત વિચાર કરવા હું કદી બેઠો નથી. સિંગરના સીવવાના સંચાનો વિચાર મેં કર્યો છે, પરંતુ તે પણ ઉપરચોટિયો અથવા કામચલાઉ કે તૂટક જ કહેવાય. મારું ચિત્ર પૂરું કરવાને હમણાં જ એ વિચાર કરવા બેસવાની જરૂર નથી.૨

જો આપણે પંચાયતરાજ ઇચ્છતા હોઇએ, લોકશાહી તંત્ર સ્થાપવા મથતા હોઇએ તો નાનામાં નાનો હિંદી એ મોટામાં મોટા હિંદી જેટલો જ હિંદનો રાજા છે. એટલા સારુ એ શુદ્ધ હોવો જોઇએ, ન હોય તો થવો જોઇએ. જેવો શુદ્ધ તેવો શાણો હોય. તેથી તે જાતિભેદ, વર્ણભેદ નહીં ગણે, બધાને પોતાના સરખા ગણે, બીજાઓને પોતાના પ્રેમપાશમાં બાંધે. એને મન કોઇ અસ્પૃશ્ય નહીં. તેમ એને મન મજૂર અને મહાજન એકસરખા હોય. તેથી એ કરોડો મજૂરોની જેમ પરસેવાનો રોટલો કમાઇ જાણશે અને કલમ અને કડછી સરખાં ગણશે. એ શુભ અવસરને નજીક લાવવા સારુ પોતે ભંગી થઇ બેસશે. શાણો હોય એટલે અફીણ કે શરાબને અડે જ કેમ ? સહેજે સ્વદેશી વ્રત પાળે. પોતાની પત્ની ન હોય એ બધી જ સ્ત્રીઓને વય પ્રમાણે માતા બહેન કે દીકરી સમાન ગણે. કોઇની ઉપર કુદૃષ્ટિ ન કરે. મનમાંયે બીજી ભાવના ન સેવે. જે હક પોતાના તે સ્ત્રીના સમજે. વખત આવ્યે પોતે મરશે, બીજાને કદી નહીં મારે. અને બહાદુર એવો હશે કે ગુરુઓના શીખ જેવો એકલો સવા લાખની સામે ઊભો રહેશે અઇને એક ડગલુંય હઠશે નહીં. એવો હિંદી પૂછશે નહીં કે આ યત્નમાં મારે શો ભાગ ભજવવો.૩

પંચાયતની ફરજ

પ્રાચીન જમાનામાં યુનાનથી, ચીનથી અનેબીજા દૂર દૂરના મુલકોમાંથી નામાંકિત મુસાફરો અહીં આવતા હતા. ઘણી મુશ્કેલીઓ વેઠી અહીંથી જ્ઞાન મેળવવાને તે આપણા મુલકમાં આવતા. તેમણે લખ્યું છે કે હિંદ એક એવો મુલક છે જ્યાં કોઇ ચોરી કરતું નથી, કોઇ પોતાની ચીજોને તાળામાં રાખતું નથી ને સૌ પ્રામાણિકપણે રહે છે. આ વાતો લગભગ બે હજાર વર્ષ જેટલો પુરાણી છે. તે જમાનામાં ફકત ચાર વર્ગો હતા. આજે તો એટલા બધા થઇ ગયા છે કે ન પૂછો વાત. પંચાયતઘર બાંધીને તમે તમારે માથે મોટી જવાબદારી લીધી છે. તમે તમારી એ પંચાયતને શોભાવજો. અહીં તમારી અંદર અંદર તકરાર કે ટંટો તો હોય જ નહીં. અને ધારો કે થતો તો પંચ મારફતે તેનો નિકાલ કરાવજો. એક વરસ પછી હું તમને પૂછીશ કે તમારે ત્યાંથી કોઇ કોર્ટમાં ગયા હતા ? અને ધારો કે એવા કોઇ ગયા હશે તો માની લેવું પડશે કે પંચાયતે પોતાનું કામ બરાબર બજાવ્યું નથી. પંચ ત્યાં પરમેશ્વર એવી એક ગુજરાતી કહેતી છે. એટલે કે પંચ પરમેશ્વરનું કામ કરે છે. તમારે માટે તો એક જ અદાલત હોય ને તે તમારી પંચાયત. એમાં ન્યાય મેળવવામાં કોડીનું ખર્ચ નહીં ને કામનો નિકાલ ઝટ. એવું થાય તો પછી ન પોલીસની જરૂર ન લશ્કરની.૪

વળી, તમારાં જાનવરોને પૂરું ખાવાનું મળે છે કે નહીં એ પણ તમારે જોવું રહેશે. આપણી ગાયો આજે પૂરું દૂધ નથી આપતી કારણ તેમને પૂરું ખાવાનું મળતું નથી. અસલમાં વિચાર કરો તો ખાટકીનું કામ હિંદુઓ કરે છે, મુસલમાનો કે બીજા કોઇ નથી કરતા. હિંદુઓ ગાયને સારી રીતે રાખતા નથી, તેની જોઇએ તેવી ચાકરી કરતા નથી અને એ રીતે તેને રિબાવી રિબાવીને મારે છે. આ તો એેકે ઝાટકે કાપી નાખવા કરતાંયે બૂરી વાત થઇ. ગાયને હિંદુસ્તાનમાં જેવી વિટંબણા વેઠવી પડે છે તેવી બીજા કોઇ મુલકમાં વેઠવી પડતી નથી. આજે એક ગાય દિવસના બે ટંક મળીને માંડ ત્રણ શેર દૂધ આપતી હશે. પણ એક વરસ પછી તમારે ત્યાંની ગાયો રોજનું છ શેર આપતી થાય તો મારે કહેવું પડે કે ના, તમે લોકોએ તમારું કામ બજાવ્યું ખરું.

એવી જ રીતે જમીનમાં આજે જેટલું અનાજ પેદા થાય છે તેથી બમણું આવતી સાલ કાઢો. એ કેમ થાય તે મીરાંબહેને બતાવ્યું છે. દિલ્હીમાં મળેલી એક કૉન્ફરન્સમાં માણસ ને જાનવરનાં મળમૂત્ર અને કચરાના મિશ્રણમાંથી સોના જેવું કીમતી ખાતર કેમ બનાવી શકાય તે બતાવવામાં આવ્યું હતું. એવા ખાતરથી જમીનની ઊપજ કેવી રીતે વધે છે તે પણ કૉન્ફરન્સમાં દર્શાવવામાં આવ્યું હતું,

ત્રીજો વિચાર તમારે એ કરવાનો છે કે આપણે ત્યાંના બધાયે લોકોની તંદુરસ્તી સારી રહે છે કે નહીં ? તેઓ બહારથી સ્વસ્થ દેખાય પણ અંતરથીયે સ્વસ્થ રહે છે કે નહીં ? વળી અહીંના રસ્તાઓ પર ધૂળ, છાણ કે કચરો કશું રહેવું ન જોઇએ. આ બધા કામમાં ઝાઝો ખર્ચ નથી થતો.

ઉપરાંત, હું આશા રાખું છું કે અહીં સિનેમાઘર નહીં નીકળે. સિનેમામાંથી આપણે અનેક બૂરી બાબતો શીખીએ છીએ. મને કહેવામાં આવે છે કે સિનેમા કેળવણીનું મોટું સાધન બની શકે. એ તો જ્યારે બનવાનું હશે ત્યારે બનશે પણ આજે તો તેમાંથી એકલી બૂરાઇ લોકો શીખે છે. હું આશા રાખું છું કે તમારે ત્યાં દારૂ, ગાંજો વગેરે અમલની કેફી ચીજે પણ નહીં હોય. તમારું ગામ એવું નમૂનેદાર બનાવો કે તેને જોવાને (બહારથી) લોકો દોડ્યા આવે. ને એવું કહેતા થાય કે ચાલો આવું સાદું સરળ જીવન જીવવાનું મળે છે તો અહીં, હિંદુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી સૌ ભાઇ-ભાઇની જેમ રહેશે. આ બધું તમે કરી શકશો તો સાચી સ્વતંત્રતાનો સાચો અર્થ કરી તેનો અમલ તમે કર્યો ગણાશે. પછી હિંદભરમાંથી લોકો તમારું ગામ જોવા આવશે.૫

૧૩

પાયાની કેળવણી

બુનિયાદી કેળવણીનો સામાન્ય પણે એવો અર્થ કરવામાં આવે છે કે હાથકામના કોઇક હુન્નર મારફતે કેળવણી આપવી. પણ એ તો એનો અમુક અંશ પૂરતો જ અર્થ થયો. નઇ તાલીમનાં મૂળ એથીયે વધારે ઊંડાં જાય છે. એનો પાયો છે સત્ય અને અહિંસા. વ્યક્તિગત સામાજિક બંને જીવનનો પણ એ જ પાયો છે. મુક્તિ આપે તે જ ખરી વિદ્યા - સા વિદ્યા યા વિભુક્તયે ! જૂઠ અને હિંસા માણસને બંધનમાં જકડે છે. એ બંનેને કેળવણમાં કોઇ સ્થાન ન હોય. કોઇ ધર્મ એવું નથી શીખવતો કે બચ્ચાને જૂઠાણાની અને હિંસાની કેળવણી આપો. વળી, સાચી કેળવણી હરેકને સુલભ હોય. થોડા લાખ શહેરીઓને માટે નહીં, ગામડાંના કરોડો રહેવાસીઓ માટે તે ઉપયોગી હોવી જોઇએ. એવી કેળવણી ચોપડીઓનાં ખાલી થોથાંમાંથી થોડી જ મળે છે ? વળી, વાડાબંધી કરનારા સંપ્રદાયો સાથે પણ એને કોઇ સંબંધ નથી. નવી તાલીમ ધર્મના તે વિશ્વવ્યાપી અને વિશ્વમાન્ય સિદ્ધાંતોની કેળવણી આપે છે જેમાંથી બધાયે સાંપ્રદાયિક ધર્મો નીકળ્યા છે. આવી કેળવણી જીવનના ગ્રંથમાંથી જ મળે. એને સારુ કોઇ ખર્ચ કરવાનો નથી હોતો અને કોઇ શક્તિ એને છીનવી લઇ શકતી નથી.૧

બુદ્ધિનો ખરો વિકાસ હાથ પગ કાન ઇત્યાદિ અવયવોના સદુપયોગથી જ થઇ શકે. એટલે કે, શરીરનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરતાં બુદ્ધિનો વિકાસ સારામાં સારી રીતે નેવહેલામાં વહેલો થાય. આમાંય જો પારમાર્થિક વૃત્તિ ન ભળે તોય શરીર ને બુદ્ધિનો વિકાસ એકતરફી થાય છે. પારમાર્થિક વૃત્તિ એ હ્ય્દયનું એટલે આત્માનું ક્ષેત્ર છે. તેથી એમ કહી શકાય કે બુદ્ધિના શુદ્ધ વિકાસને સારુ આત્માનો અને શરીરનો વિકાસ સાથે સાથે ને એકસરખી ગતિએ ચાલવો જોઇએ. એટલે કોઇ કહે કે આ વિકાસો એક પછી એક થઇ શકે, તો તે ઉપરની વિચારશ્રેણી પ્રમાણે બરોબર ન હોવું જોઇએ.

હ્ય્દય, બુદ્ધિ અને શરીર વચ્ચે મેળ ન હોવાથી જે દુઃસહ પરિણામ આવ્યું છે તે પ્રસિદ્ધ છે. છતાં અવળા સહવાસને લીધે આપણે તે જોઇ નથી શકતા. ગામડાંના લોકો પશુંઓમાં ઊછરી માત્ર શરીરનો ઉપયોગ યંત્રવત્‌ થઇ શકે છે; બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી, કરવો પડતો નથી, હ્ય્દયની કેળવણી નહીં જેવી છે; એટલે નહીં તાંબિયાના, નહીં ત્રણના, નહીં તેરના, ને નહીં છપ્પનના મેળના, એવું તેઓનું જીવન વહે છે. બીજી તરફથી આધુનિક કૉલેજ લગીની કેળવણી જોઇએ તો ત્યાં બુદ્ધિના વિલાસને વિકાસને નામે આળખાવવામાં આવે છે. બુદ્ધિના વિકાસની સાથે શરીરને કંઇ મેળ નથી એમ ગણાય છે. પણ શરીરને કસરત તો જોઇએ જ, તેથી ઉપયોગ વિનાની કસરતોથી તેને નિભાવવાનો મિથ્યા પ્રયોગ થાય છે. પણ ચોમેરથી મને પુરાવો મળ્યા જ કરે છે કે, નિશાળોમાંથી પસાર થયેલાઓ મજૂરોની બરોબરી કરી શકતા નથી, જરા મહેનત કરે તો માથું દુખે છે, ને તડકામાં રખડવું પડે તો ચક્કર આવે છે.આ સ્થિતિ સ્વાભાવિક મનાવવામાં આવે છે. હ્ય્દયની વૃત્તિઓ, વણખેડાયેલા ખેતરમાં જેમ ઘાલ ઊગે છે તેમ, એની મેળે ઊગ્યા ને કરમાયા કરે છે. ને આ સ્થિતિ દયાજનક ગણવાને બદલે સ્તુતિપાત્ર ગણાય છે.

આથી ઊલટું, જો બચપણથી બાળકોનાં હ્ય્દયની વૃત્તિઓને જોઇતું વલણ મળે, તેઓને ખેતી રેંટિયા ઇ૦ ઉપયોગી કામમાં રોકવામાં આવે, અને જે ઉદ્યોગ વડે તેમનાં શરીર કસાય તે ઉદ્યોગની ઉપયોગિતા ને તેને અંગે વપરાતાં ઓજારો વગેરેની બનાવટ વગેરેનું જ્ઞાન આપવામાંઆવે, તો બુદ્ધિનો વિકાસ સહેજે સધાય ને નિત્ય તેની કસોટી થાય. આમ કરતાં જે ગણિતશાસ્ત્ર ઇત્યાદિના જ્ઞાનની આવશ્યકતા હોય તે અપાતું જાય ને વિનોદાર્થે સાહિત્યાદિનું જ્ઞાન અપાતું હોય, તો ત્રણે વસ્તુની સમતોલતા સધાય ને અંગ વિકાસ વિનાનું ન રહે. મનુષ્ય માત્ર બુદ્ધિ નથી, માત્ર શરીર નથી, માત્ર હ્ય્દય કે આત્મા નથી. ત્રણેના એકસરખા વિકાસમાં મનુષ્યનું મનુષ્યત્વ સધાય. આમાં ખરું અર્થશાસ્ત્ર છે.૨

આપણે જો ગામડાંને અનુકૂળ અને લાભદાયી એવી કેળવણી આપવી હોય, તો વિદ્યાપીઠને ગામડાંમાં લઇ જવી જોઇએ. આપણે એને એવા અધ્યાપનમંદિરનું રૂપ આપવું જોઇએ કે જેમાં આપણે શિક્ષકોને ગ્રામવાસીઓની હાજતોને અનુકૂળ એવું શિક્ષણ આપવાની તાલીમ આપી શકીએ. શહેરમાં અધ્યાપનમંદિર રાખીને ગામડાંમાં ગામડાંને અનુકૂળ એવી ઢબે શિક્ષણ આપનારા શિક્ષકો તૈયાર ન કરી શકાય. શહેરમાં રહેનારા માણસોને ગામડાંના પ્રશ્નોમાં રસ લેતા ને ગામડાંમાં રહેતા કરવા એ કંઇ સહેલું કામ નથી. આનો પુરાવો મને સેગાંવમાં રોજ મળ્યાં કરે છે. એમ સેગાંવમાં એક વરસ રહ્યા એથી ગ્રામવાસી બની ગયા છીએ કે ગામડાંના લોકો સાથે સાર્વજિક હિતની બાબતોમાં તાદાત્મ્ય સાધી શક્યા છીએ, એમ હું ખાતરીપૂર્વક તમારી આગળ કહી શકતો નથી.

પછી પ્રાથમિક શિક્ષણની વાત. મારો તો દૃઢ અભિપ્રાય છે કે, કક્કા અને વાચનલેખનથી બાળકના શિક્ષણનો આરંભ કરવાથી તેની બુદ્ધિનો વિકાસ કુંઠિત થાય છે. બાળકોને ઇતિહાસ, ભૂગોળ, લેખાં ને કાંઇક કળા (દા. ત. કાંતવાની)નાં મૂળતત્ત્વો ન આવડે ત્યાં લગી હું એમને કક્કો ન શીખવું. આ ત્રણ વસ્તુઓ મારફતે હું એમની બુદ્ધિનો વિકાસ સાધું. તકલી કે રેંટિયા વાટે એમની બુદ્ધિનો વિકાસ શી રીતે થઇ શકે, એ પ્રશ્ન કદાચ પુછાય. કાંતવાનું જો જડ યંત્રવત્‌ ન શીખવવામાં આવે, તો એ વાટે તો બુદ્ધિનો અદ્‌ભુત વિકાસ થઇ શકે. દરેક ક્રિયા કેમ ને શા માટે થાય છે એ બાળકને સમજાવતા જાઓ, તકલી કે રેંટિયાની રચના સમજાવો, રૂનો અને સંસ્કૃતિ સાથેના એના સંબંધનો ઇતિહાસ એને સંભળાવો, કપાસ જ્યાં ઊગતો હોય એ ખેતરમાં એને લઇ જાઓ, એ કાંતે એ તાર ગણતાં શીખવો, તો તમે એને એમાં રસના ઘૂંટડા આપી શકો ને મનને કેળવણી પણ આપી શકો. આ પ્રારંભિક શિક્ષણને માટે હું છું મહિના આપું. તે પછી બાળક કદાચ વાંચવા ને કક્કો શીખવા તૈયાર થઇ રહે. એને ઝપાટાબંધ વાંચતાં આવડે એટલે તે સાદાં ચિત્રો દોરવાનું શીખવા તૈયાર થાય. ભૂમિતિની આકૃતિઓ ને પંખી વગેરેનાં ચિત્રો દોરતાં આવડે એટલે પછી એ જે મૂળાક્ષરો શીખશે તે ભૂંડા જેવા નહીં કાઢે, પણ સુંદર ચિત્રની પેઠે દોરશે. મને બચપણમાં કક્કો શીખવવામાં આવેલો એ દિવસો મને યાદ છે. એ શીકતાં મને કેટલી મુસીબત પડેલી એ હું જાણું છું. મારી બુદ્ધિ કેમ કટાઇ જતી હતી એ સમજવાની કોઇને પરવા નહોતી. હું માનું છું કે લેખન એ એક સુંદર કળા છે. આપણે નાનાં બાળકોને પરાણે કક્કો શીખવીને અને એનાથી જ શિક્ષણનો આરંભ કરીને એ કળાનો ઘાત કરીએ છીએ. આમ આપણે જ્યારે બાળકને કવેળાએ કક્કો શીખવવા મથીએ છીએ, ત્યારે લેખનકળાને હણીએ છીએ અને બાળકનો વિકાસ થતો રોકીએ છીએ.૩

ગામડાંનાા ઉદ્યોગોને શિક્ષણના મધ્યબિંદુ તરીકે ગણવા જોઇએ, એ વિષે મને તો લવલેશ શંકા નથી. હિંદુસ્તાનની નિશાળોમાં જે પદ્ધતિ ચાલે છે તેને હું કેળવણી - એટલે કે મનુષ્યમાં રહેલું હીર બહાર લાવવું - કહેતો નથી; એ તો બુદ્ધિનો વ્યભિચાર છે. બાળકોનાં મગજમાં ગમે તેમ હકીકતો ઠાંસવામાં આવે છે. જ્યારે આરંભથી ગ્રામઉદ્યોગ કેન્દ્રમાં રાખીને મનને કેળવવાની પદ્ધતિ મનનો સીધો અને વ્યવસ્થિત વિકાસ સાધે છે, અને તેની બુદ્ધિશક્તિ તેમ જ પરોક્ષ રીતે આત્મશક્તિ પણ એળે જતી અટકાવે છે ને એ શક્તિમાં વધારો કરે છે.૪

મારી કલ્પના પ્રમાણેની નિશાળમાં બાળકોને જે હાથઉદ્યોગ શીખવવામાં આવે તેની મારફતે તેમને દરેક પ્રકારનું શિક્ષણ મળશે ! એમાં અક્ષરજ્ઞાનનો સમાવેશ થઇ જાય છે. મારી યોજના અનુસાર હાથ ચિત્ર પાડે કે અક્ષર લખે તે પહેલાં તે ઓજાર વાપરવા લાગશે. આંખ જેમ જગતની બીજી વસ્તુઓને જુએ છે, તેમ અક્ષરો અને શબ્દોનાં ચિત્રો વાંચશે. કાન ચીજો અને વાક્યોનાં નામ અને અર્થો ઝીલી લેશે. આ આખી શિક્ષણપ્રગતિ સ્વાભાવિક હશે, બાળકને રસ પમાડે એવી હશે, ને તેથી દેશમાં ચાલતી બદ્ધતિઓના કરતાં એ વધારે વેગવાળઈ ને સસ્તી હશે. એટલે મારી નિશાળનાં બાળકો જેટલી ઝડપથી લખશે એના કરતાં ઘણી વધારે ઝડપથી વાંચશે. અને તેઓ લખશે ત્યારે હું અત્યારે પણ (મારા શિક્ષકોને પ્રતાપે) બિલાડાં ચીતરું છું તેમ તેઓ નહીં ચીતરે, પણ તેઓ જેમ પોતે જોયેલી ચીજોનાં યથાર્થ ચિત્રો દોરશે તેમ શુદ્ધ ને સુરેખ અક્ષરો પણ ચીતરશે. મારી કલ્પના પ્રમાણેની નિશાળો કદી પણ અસ્તિત્વમાં આવે તો હું કહેવાની હામ કરું છું કે, તેઓ વાચનની બાબતમાં સૌથી આગળ વધેલી નિશાળોની સાથે હરિફાઇ કરી શકશે : અને જો લેખન આજે ઘણીખરી જગાએ થાય છે તેમ અશુદ્ધ નહીં પણ શુદ્ધ હોવું જોઇએ એમ સૌ સ્વીકારે, તો મારી નિશાળો લેખનની બાબતમાં સુધ્ધાં કોઇ પણ નિશાળની બરોબરી કરી શકશે.૫

પ્રાથમિક શિક્ષણનો ક્રમ વધારીને ઓછામાં ઓછાં સાત વરસનો કરવો જોઇએ; મૅંટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ અને ઠીક ઠીક ઉદ્યોગ શિક્ષણ ઉમેરીએ એટલું સામાન્યજ્ઞાન એટલા વખતમાં અપાવું જોઇએ.

બાળકો અને બાળાઓના સર્વાંગી વિકાસને સારુ સર્વ શિક્ષણ, બની શકે ત્યાં લગી, કંઇક લાભદાયક ઉદ્યોગો દ્ધારા અપાવું જોઇએ. બીજા શબ્દોમાં કહીએ તો, ઉદ્યોગો બેવડી ગરજ સારે - એક તો વિદ્યાર્થી પોતાના પરિશ્રમના ફળ દ્ધારા પોતાના શિક્ષણનું ખરચ આપી શકે; અને બીજું સાથે સાથે નિશાળમાં શીખેલા ઉદ્યોગથી તેનામાં રહેલું પુરુષત્વ કે સ્ત્રીત્વનો સર્વાંગી વિકાસ થાય.

જમીન, મકાનો અને સાધનસામગ્રીની કિંમત વિદ્યાર્થીની મહેનતની કમાણીમાંથી નીકળે એવો ઇરાદો રાખેલો નથી.

રૂ, ઊન અને રેશમની બધી ક્રિયાઓ - વીણવું, સાફ કરવું, (કપાસને લોઢવો), પીંજવું, કાંતવું, કાંજી પાવી, તાણી કરવી; ભરત, સીવણ, કાગળની બનાવટ, ચોપડીઓ બાંધવી, સુતારી, રમકડાંની બનાવટ, ગોળની બનાવટ, ચોપડીઓ બાંધવી, સુતારી, રમકડાંની બનાવટ, ગોળની બનાવટ વગેરે અવશ્ય એવા ઉદ્યોગ છે જે ઝાઝી મૂડીના રોકાણ વિના સહેલાઇથી શીખી ને ચલાવી શકાય.

છોકરાછોકરીઓ જે ઉદ્યોગો શીખે તેમાં તેમને કામ આપવાની બાંયધરી રાજ્ય આપે, કે રાજ્યે ઠરાવેલી કિંમતે એમણે બનાવેલો માલ ખરીદી લે, તો આ પ્રાથમિક કેળવણી એ છોકરાછોકરીઓને આજીવિકા કમાઇ લેવા જેટલું શિક્ષણ જરૂર આપે.૬

પણ આપણે પ્રજા તરીકે કેળવણીમાં એટલા પછાત છીએ કે, એ વિષયના કાર્યક્રમનો આધાર જો પૈસા પર રહેવાનો હોય તો આપણે એ બાબતમાં પ્રજા પ્રત્યેના આપણા કર્તવ્યનું પાલન કરવાની આશા કદી ન રાખી શકીએ. એટલે, મેં મારી રચનાકાર્ય કરવાની શક્તિ વિષેની સઘળી પ્રતિષ્ઠા ગુમાવી બેસવાનું જોખમ વહોરીને પણ કહેવાની હામ કરી છે કે, કેળવણી સ્વાવલંબી હોવી જોઇએ. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષાને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઇ કેળવણી નથી. એટલે હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઇક ઉપયોગી હાથઉદ્યોગી શીખવીને અને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઇક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક નિશાળ સ્વાવલંબી થઇ શકે. માત્ર શરત એ છે કે, નિશાળોએ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઇએ. હું માનુું છું કે, આ શિક્ષણપદ્ધતિમાં મન અને આત્માનો ઊંચમાં ઊંચો વિકાસ સાધવો શક્ય છે. માત્ર દરેક હાથઉદ્યોગ આજે શીખવાય છે તેમ જડ યંત્રવત્‌ નહીં પણ શાસ્ત્રીય રીતે શીખવાવો જોઇએ. એટલે કે, બાળકને દરેક ક્રિયા શા માટે કરવામાં આવે છે તે સમજાવવું જોઇએ. આ હું કંઇક આત્મવિશ્વાસપૂર્વક લખું છું કેમ કે એની પાછળ મારો અનુભવ પડેલો છે. જ્યાં જ્યાં મજૂરોને રેંટિયા પર કાંતતાં શીખવવામાં આવે ત્યાં બધે આ પદ્ધતિ ઓછીવત્તી દાખલ કરવામાં આવી છે. મેં જાતે એ પદ્ધતિએ ચંપલ સીવતાં ને કાંતતાં પણ શીખવ્યું છે, ને તેનાં સારાં પરિણામ મેળવ્યાં છે. આ પદ્ધતિમાં ઇતિહાસ ભૂગોળના જ્ઞાનનો બહિષ્કાર નથી પણ હું જોઉં છું કે, એ વિષયો મોઢામોઢ સામાન્ય માહિતી આપવાથી જ સારામાં સારી રીતે શીખવી શકાય છે. વાચન લેખનના કરતાં આ શ્રૌત પદ્ધતિથી દસ ગણું જ્ઞાન આપી શકાય છે. બાળક કે બાળા જ્યારે સારાસારનો ભેદ પાડતાં શીખે ને તેની અભિરુચિનો કંઇક વિકાસ થાય પછી તેને કક્કો શીખવવો જોઇએ. આ સૂચના આજની શિક્ષણપદ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનારી છે. પણ એથી પાર વિનાની મહેનત બચી જાય છે, અને વિદ્યાર્થીને જે વસ્તુ શીખતાં ઘણો વધારે વખત લાગે તે આ રીતે એક વરસમાં શીખી શકે છે. આને પરિણામે બધી રીતની બચત થાય છે. બેશક વિદ્યાર્થી હાથઉદ્યોગ શીખતો જાય તેની સાથે સાથે ગણિતનું જ્ઞાન તો મેળવે જ.

પ્રાથમિક શિક્ષણને હું સૌથી વધારે સ્થાન આપું છું. મારી કલ્પના પ્રમાણે, એ શિક્ષણ અત્યારના મૅટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ એના જેટલું હોવું જોઇએ. બધા કૉલેજિયનો એકાએક એમનું ભણતર ભૂલી જાય તો, થોડાક લાખ કૉલેજિયનોની સ્મૃતિ આમ એકાએક ભૂંસાઇ જવાને લીધે જે નુકસાન થાય તે એક બાજુ મૂકો, ને બીજી બાજુ પાંત્રીસ કરોડ માણસોની આસપાસ જે અંધકારનો સાગર ઘેરાઇ વળેલો છે તે મૂકો; તો પહેલું નુકસાન બીજાની આગળ કશી વિસાતમાં નથી. દેશમાં જે નિરક્ષરતા વર્તે છે તેના આંકડા પરથી લાખો ગામડાંમાં પ્રવર્તી રહેલા ઘોર અજ્ઞાનનો પૂરતો ખ્યાલ આવી શકે એમ નથી.

હું તો કૉલેજની કેળવણીમાં ધરમૂળથી પલટો કરું ને એનો દેશની જરૂરિયાતોની સાથે મેળ સાધું. યંત્રશાસ્ત્રના ને બીજા ઇજનેરોને માટે પદવીઓ રખાય. એમને જુદા જુદા ઉદ્યોગોની જોડે જોડી દીદેલા હોય, ને એ ઉદ્યોગોને જે ગ્રૅજ્યુએટો જોઇએ તેમને તાલીમ આપવાનું ખરચ એ ચલાવનારા જ આપે. દાખલા તરીકે, ટાટા કંપનીની પાસે એવી અપેક્ષા રખાય કે, તેમને જે ઇજનેરો જોઇએ તેમને કેળવવાને માટે તે રાજ્યની દેખરેખ નીચે એક કૉલેજ ચલાવે. તે જ પ્રમાણે મિલમાલિકોનાં મંડળ મળીને પોતાને જોઇતા ગ્રૅજ્યુએટો કેળવવાની કૉલેજ ચલાવે. એવું જ બીજા અનેક ઉદ્યોગોને વિષે. વેપારને માટે પણ કૉલેજ હોય. પછી ‘આર્ટ્‌સ,’ ડૉક્ટરી ને ખેતીવાડી રહ્યાં. આજે કેટલીયે ખાનગી ‘આટર્‌સ’ કૉલેજો સ્વાવલંબનપૂર્વક ચાલી રહેલી છે. એટલે રાજ્ય પોતાની આટ્‌ર્સ કૉલેજો ચલાવવી બંધ કરે. ડૉક્ટરી કૉલેજો પ્રમાણપત્રવાળાં ઇસ્પિતાલોની સાથે જોડેલી હોય. એ કૉલેજો ધનિકોમાં લોકપ્રિય છે એટલે તેઓ એ કૉલેજોને નભાવવા માટે સ્વચ્છાએ પૈસા આપે એવી અપેક્ષા રખાય. અને ખેતીવાડીની કૉલેજો સ્વાવલંબી હોય તો જ એનું નામ સાર્થક થાય. મને કેટલાક ખેતીવાડીના ગ્રૅજ્યુએટોનો કડવો અનુભવ થયેલો છે. એમનું જ્ઞાન છીછરું હોય છે. એમને વહેવારુ અનુભવ હોતો નથી. પણ જો તેમને સ્વાવલંબી ને દેશની જરૂરિયાતો પૂરી પાડનારી વાડીઓમાં ઉમેદવારી કરવી પડી હોય, તો તેમને પદવી મેળવ્યા પછી ને જેની નોકરી કરતા હોય તેને ખરચે અનુભવ મેળવવાની જરૂર ન રહે.

યોગ્ય પ્રકારના શિક્ષકો મળી રહે તો આપણાં બાળકોને શરીરશ્રમમાં રહેવું ગૌરવ શીખવવામાં આવશે, તેઓ શરીરશ્રમને બુદ્ધિના વિકાસનું એક અવિભાજ્ય અંગ અને એક સાધન માનતાં શીખશે, અને સમજતાં થશે કે, પોતે જાતે મહેનત કરીને પોતાના શિક્ષણની કિંમત આપવી એમાં દેશની સેવા રહેલી છે. મારી સૂચનાના સારરૂપ વાત એ છે કે, બાળકોને હાથઉદ્યોગ શીખવવાના છે તે કેવળ એમની પાસે કંઇક ઉત્પાદક કામ કરાવવાને સારુ નહીં, પણ એમની બુદ્ધિનો વિકાસ સાધવા માટે. બેશક, જો રાજ્ય સાત અને ચૌદ વરસની વચ્ચેનાં બાળકોને પોતાના હાથમાં લે, અને ઉત્પાદક શ્રમ દ્ધારા એમનાં શરીર અને મનને કેળવે, તો નિશાળો સ્વાવલંબી થવી જ જોઇએ; ન થઇ શકે તો એ નિશાળો ધતિંગ હોવી જોઇએ ને શિક્ષકો બેવકૂફ હોવા જોઇએ.૮

અત્યાર સુધી આપણે છોકરાંનાં મગજમાં બધી જાતની માહિતી ઠાંસી ઠાંસીને ભરવાનો જ પ્રયત્ન કર્યા કર્યો છે, ને એમનાં મગજ જાગ્રત થાય ને એનો વિકાસ કેમ થાય એનો વિચાર કદી કર્યો જ નથી. હવે આપણે ‘રુક જાઓ’ નો પોકાર કરીએ અને શારીરિક કામ દ્ધારા બાળકને યોગ્ય કેળવણી આપવા પર આપણી બધી શક્તિ વાપરીએ. શારીરિક કામ એ ગૌણ પ્રવૃત્તિ ન હોય, પણ બૌદ્ધિક શિક્ષણનું મુખ્ય સાધન હોય.૯

હું જે જાતની નિશાળોની હિમાયત કરું છું તેમાં તો, છોકરાઓ હાઇસ્કૂલમાં અંગ્રેજી બાદ કરતાં જેટલું શીખે છે તે, અને તે ઉપરાંત કવાયત, સંગીત, આલેખન અને બેશક, એકાદ ઉદ્યોગ એટલું શીખશે.૧૦

હું માનું છું કે, કેળવણી ફરજિયાત અને મફત હોવી જ જોઇએ, પણ બાળકોને ઉપયોગી ઉદ્યોગ આપી તે મારફતે જ તેમનાં મન ને શરીર કેળવાવાં જોઇએ. હુંઅહીં પણ પૈસાની ગણતરી કરું છું તે અસ્થાને ન સમજવી જોઇએ. અર્થશાસ્ત્ર નૈતિક અને અનૈતિક હોય છે. નૈતિક અર્થશાસ્ત્રમાં બંને પાસાં સરખાં જ હોય, અનૈતિકમાં બળિયાના બે ભાગ તો હોય જ. એનું પ્રમાણ તેના બળ ઉપર આધારે રાખે છે. અનૈતિક અર્થશાસ્ત્ર જેમ ઘાતક છે તેમ જ નૈતિક આવશ્યક છે. તે વિના ધર્મની ઓળખ ને તેનું પાલન હું અસંભવિત માનું છું.૧૧

પ્રશ્ન એક રહે છે. ક્યા ઉદ્યોગ શહેરોમાં સગવડપૂર્વક શીખવી શકાય ? મારી પાસે તો ઉત્તર તૈયાર જ છે. હું જે ઇચ્છું છું તે ગામડાંઓનું બળ. આજ ગામડાં શહેરો સારુ નભે છે, તેની ઉપર નિર્ભર છે. આ અનર્થ છે. શહેરો ગામડાં ઉપર નિર્ભર રહે, પોતાના બળનું સિંચન ગામડાંમાંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોતે ગામડાંને ખાતર વટાવાય તો અર્થ સિદ્ધ થાય ને અર્થશાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાળકોના ઉપયોગને ગામડાંના ઉદ્યોગો સાથે સીધો સંબંધ હોવો જોઇએ. આમ થવાને સારુ મને જે અત્યારે સુઝે છે એ તો પીંજણથી માંડીને કાંતણ સુધીના ઉદ્યોગો છે. આજે પણ એવું તો કંઇક થાય જ છે. ગામડાં કપાસ પૂરો પાડે છે અને મિલો તેમાંથી કાપડ વણે છે. આમાં આરંભથી અંત લગી અર્થનો નાશ કરવામાં આવે છે. કપાસ જેમ તેમ વવાય છે, જેમ તેમ વિણાય છે, ને જેમ તેમ સાફ થાય છે. એ કપાસને ખેડૂત ઘણી વાર ખોટ ખાઇને રાક્ષસી જિનોમાં વેચે છે. ત્યાં તે બીજથી છૂટો પડી, કચરાઇ, અધમૂઓ થઇ મિલોમાં ગાંસડીબંધ જાય છે. ત્યાં તે વીંખાય છે, કંતાય છે, વણાય છે. આ બધી ક્રિયાઓ કેવી રીતે બને છે કે કપાસના હીરને બાળે છે ને તેને નિર્જીવ કરે છે. મારી ભાષાનો કોઇ દ્ધેષ ન કરે. કપાસમાં તો જીવ છે જ. એ જીવના પ્રત્યે કાં તો માણસ કોમળતાથી વર્તે, અથવા તો રાક્ષસની જેમ. અત્યારના વ્યવહારને હું રાક્ષસી વ્યવહાર ગણું છું.

કપાસની કેટલીક ક્રિયાઓ ગામોમાં તેમ જ શહેરોમાં થઇ શકે.આમ થતાં શહેર-ગ્રામનો સંબંધ નૈતિક ને શુદ્ધ થાય. બંનેની વૃદ્ધિ થાય ને આજનાં અવ્યવસ્થા, ભય, શંકા, દ્ધેષ નિર્મૂળ થાય અથવા મોળાં પડે. ગામડાંઓનો પુનરુદ્ધાર થાય. આ કલ્પનાનો અમલ કરતાં જૂજ દ્ધવ્યની જરૂર રહે છે. તે સહેજે સાધી શકાય છે. પરદેશી બુદ્ધિની કે પરદેશી યંત્રોની જરૂર નથી રહેતી. દેશની પણ અલૌકિક બુદ્ધિની ગરજ નથી પડતી. એક છેડે ભૂખમરો ને બીજે છેડે જે તવંગરી ચાલી રહ્યાં છે તે મટી બંનેનો મેળ સધાય. ને વિગ્રહ તથા ખુનામરકીનો જે ભય આપણને સદાય થથરાવી રહ્યો છે તે દૂર થાય. પણ બિલાડીને ગળે ટોકરી કોણ બાંધી શકે ? શહેરસુધરાઇનાં હ્યદય મારી કલ્પના ભણી કઇ રીતે વળે ? એનો જવાબ હું સેગાંવમાં બેઠો આપી શકું તેના કરતાં વધારે સારી રીતે તો શહેરના વિદ્યારસિક નાગરિક જ આપી શકે.૧૨

આવી કેળવણી અપાય તોતેનું સીધું પરિણામ એ આવે કે, તે સ્વાવલંબી બને. પણ એની સફળતાની કસોટી એ નથી કે તે સ્વાવલંબી બને; પણ શાસ્ત્રીય રીતે હાથઉદ્યોગનું શિક્ષણ આપતાં આપતાં બાળકની અંદર રહેલો સર્વાંગી મનુષ્ય બહાર આણેલો હોય, એ એની સફળતાની કસોટી છે. વસ્તુતઃ, જે શિક્ષક એને ગમે તેમ કરીને સ્વાવલંબી બનાવવાનું વચન આપે, તેને તો હું રાખું જ નહીં. શિક્ષણ સ્વાવલંબી નીવડે એ તો વિદ્યાર્થી પોતાની દરેક શક્તિનો ઉપયોગ કરતાં શીખ્યો હોય તેમાંથી ગૌણ રૂપે ફલિત થાય. જે છોકરો રોજના ત્રણ કલાક હાથઉદ્યોગનું કમ કરે, તે જો પોતાની આજીવિકા જેટલું કમાઇ શકે, તો જે છોકરો કામની સાથે સાથે મન અને આત્માનો વિકાસ પણ સાધે, તે તો કેટલું વધારે મેળવે !૧૩

પાયાની કેળવણીની ઉત્પત્તિ આ મુલકના વાતાવરણમાંથી થઇ છે, તેથી તેને પહોંચી વળવા સારુ થઇ છે. આ વાતાવરણ હિંદનાં સાત લાખ ગામડાં ને તેમાં વસનારા કરોડો ગામડિયામાં છવાયું છે. તેને ભૂલો એટલે ભીંત ભૂલ્યા. હિંદ તેનાં શહેરોમાં નથી, તેનાં ગામડાંમાં છે.

પાયાની કેળવણીના પાયા વિચારી જઇએ :

(૧) બધી કેળવણી સ્વાશ્રયી હોવી જોઇએ, એટલે કે સરવાળે મૂડી બાદ કરતાં બધું ખર્ચ પોતે ઉપાડે.

(૨) એ કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલે કે હાથ વડે કંઇક ઉદ્યમ છેવટ લગી થતો હોય.

(૩) કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલે કે હાથ વડે કંઇક ઉદ્યમ છેવટ લગી થતો હોય.

(૪) આમાં સાંપ્રદાયિક ધર્મને સ્થાન નથી. સાર્વજનિક નીતિને પૂરું સ્થાન હોય.

(૫) આ કેળવણી એવી છે કે જેને બાળક કે બીજા શીખે એટલે તે વિદ્યાર્થીના ઘરમાં ને ગામમાં પ્રવેશ કરે.

(૬) વળી, આ કેળવણી લેતા કરોડો વિદ્યાર્થીઓ પોતાને હિંદુસ્તાનનું અવિભાજ્ય અંગ ગણશે. તેથી બધા પ્રાંતના વિદ્યાાર્થી સમજી શકે એવી એક ભાષા હોવી જોઇએ. આ ભાષા બંને લિપિ-નાગરી અને ઉર્દૂમાં લખાતી હિંદુસ્તાની જ હોઇ શકે.૧૪

બધા શિક્ષણનો કોઇક પાયાના ઉદ્યોગ સાથે સંબંધ સાધવો જોઇએ એમ મેં કહ્યું છે એ સાચું છે. તમે જ્યારે કોઇ ઉદ્યોગ વાટે સાત કે દસ વરસના બાળકને જ્ઞાન આપતા હો ત્યારે, શરૂઆતમાં, એ વિષયની સાથે જેનું અનુસંધાન ન સાધી શકાય એવા બધા વિષયો તમારે છોડી દેવા જોઇએ. એમ રોજેરોજ કરવાથી, તમે શરૂઆતમાં છોડી દીધેલી એવી ઘણી વસ્તુઓનું અનુસંધાન ઉદ્યોગ જોડે સાધવાના રસ્તા તમે શોધી કાઢશો. આવી રીતે તમે શરૂઆતમાં કામ લેશો તો તમે તમારી પોતાની ને વિદ્યાર્થીઓની શક્તિ બચાવી શકશો. આજે તો આપણી પાસે જેનો આધાર લઇ શકાય એવાં પુસ્તકો નથી, આપણને રસ્તો બતાવે એવાં અગાઉનાં દૃષ્ટાંતો નથી. તેથી આપણે આસ્તે આસ્તે ચાલવું રહ્યું છે. મુખ્ય વસ્તુ એ છે કે, શિક્ષકે પોતાના મનની તાજગી સાચવી રાખવી જોઇએ. જેનું ઉદ્યોગની સાથે અનુસંધાન ન કરી શકાય એવો કોઇ વિષય તમારી આગળ આવે તો તમે એથી ખિજાશો કે નિરાશ થશો નહીં, એને છોડી દેજો ને જે વિષયોનું અનુસંધાન સાધી શકો તે આગળ ચલાવજો સંભવ છે કે, બીજો કોઇ શિક્ષક ખરો રસ્તો શોધી કાઢશે ને એ વિષયનું ઘણાના અનુભવનો સંગ્રહ કરશો પછી તમને રસ્તો બતાવવાને પુસ્તકો પણ મળી રહેશે, જેથી તમારી પછી આવનારાઓનું કામ વધારે સરળ થઇ પડશે.

તમે પૂછશો કે, જે વિષયોનું અનુસંધાન ન સાધી શકાય તે ટાળી મૂકવાની ક્રિયા અમારે કેટલો વખત ચલાવવી ? તો હું કહું કે જિંદગીભર. અંતે તમે જોશો કે, ઘણી ચીજો જે તમે પહેલાં શિક્ષણક્રમમાંથી બાતલ રાખેલી તેનો તમે સમાવેશ કર્યો હશે, જેટલી વસ્તુઓ સમાવેશ કરવા યોગ્ય હતી તે બધીનો સમાવેશ થઇ ચૂક્યો હશે, અને તમે આખર સુધી જે બાતલ રાખી હશે તે બહું નિર્જીવ ને તેથી બાતલ રાખવા લાયક જ હશે. આ મારો જિંદગીનો અનુભવ છે. મેં ઘણી ચીજો બાતલ ન રાખી હોત તો હું જે ઘણી વસ્તુઓ કરી શક્યો છું તે ન કરી શક્યો હોત.

આપણી કેળવણીમાં ધરમૂળનું પરિવર્તન થવું જ જોઇએ. મગજને હાથ વાટે કેળવણી અપાવી જોઇએ. હું કવિ હોત તો હાથની પાંચ આંગળીઓમાં રહેલી અદ્‌ભુત શક્તિ વિષે કવિતા લખી શકત. મગજ એ સર્વસ્વ અને હાથપગ કંઇ નથી એવું તમે શા સારુ માનો છો ? જેઓ પોતાના હાથને કેળવતા નથી, જેઓ કેળવણીની સામાન્ય ‘ઘરેડ’માં થઇને પસાર થાય છે, તેમનું જીવન સંગીતશૂન્ય રહે છે, તેમની બધી શક્તિઓ કેળવાતી નથી. કેવળ પુસ્તકિયા જ્ઞાનમાં બાળકને એટલો રસ નથી પડતો કે એનું બધું ધ્યાન એમાં રોકાઇ રહે. મગજ ખાલી શબ્દોથી થાકી જાય છે, આંખ ન જોવાનું જુએ છે, કાન ન સાંભળવાનું સાંભળે છે; અને તેઓ અનુક્રમે જે કરવું, જોવું ને સાંભળવું જોઇએ તે કરતાં, જોતાં ને સાંભળતાં નથી. તેમને સાચી પસંદગી કરતાં શીખવવામાં આવતું નથી, અને તેથી તેમની કેળવણી ઘણી વાર તેમનો વિનાસ કરનારી નીવડે છે. જે કેળવણી આપણને સારાનરસાનો ભેદ કરતાં, સારું ગ્રહણ કરતાં ને નરસું તજતાં શીખવતી નથી તે ખરી કેળવણી જ નથી.

નિશાળમાં ચાલતા સામાન્ય અભ્યાસક્રમમાં એકાદ હાથઉદ્યોગ ઉમેરી દેવો એ જૂની કલ્પના હતી.એટલે કે, હાથઉદ્યોગને કેળવણીથી છેક જ અલગ રાખીને શીખવવાનો હતો. મને એ ગંભીર ભૂલ લાગે છે. શિક્ષકે ઉદ્યોગ શીખી લેવો જોઇએ અને પોતાના જ્ઞાનનું અનુસંધાન એ ઉદ્યોગ જોડેકરવું જોઇએ, જેથી તે પોતે પસંદ કરેલા ઉદ્યોગ દ્ધારા એ બધું જ્ઞાન પોતાના વિદ્યાર્થીઓને આપી શકે.

કાંતણનો દાખલો લો. મને ગણિત ન આવડે ત્યાં સુધી મેં તકલી પર કેટલા વાર સૂતર કાંત્યું, અથવા એના કેટલા તાર થશે, અથવા મેં કાંતેલા સૂતરનો આંક કેટલો છે, તે હું કહી ન શકું. એ કરવા માટે મારે આંકડા શીખવા જોઇએ, અને સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર પણ શીખવા જોઇએ. અટપટા દાખલા ગણવામાં મારે અક્ષરો વાપરવા પડશે, એટલે એમાંથી હું અક્ષરગણિત શીખીશ. એમાં પણ હું રોમન અક્ષરોને બદલે હિંદુસ્તાનની અક્ષરોના વાપરનો આગ્રહ રાખીશ.

પછી ભૂમિતિ લો. તકલીના ચકતા કરતાં વર્તુળનું વધારે સારું પ્રદર્શન શું હોઇ શકે ? એ રીતે હું યુક્લિડનું નામ પણ દીધા વિના વિદ્યાર્થીને વર્તુળ વિષે બધું શીખવી શકું.

વળી તમે કદાચ પૂછશો કે, કાંતણ મારફતે બાળકને ઈતિહાસ ભૂગોળ કેવી રીતે શીખવી શકાય ? થોડાક વખત પર ‘કપાસ - મનુષ્યનો ઇતિહાસ’ એ જાતનું એક પુસ્તક મારા જોવામાં આવ્યું હતું. એ વાંચતાં મને બહુ જ રસ પડ્યો. એ નવલકથા જેવું લાગ્યું. એની શરૂઆતમાં પ્રાચીનકાળનો ઇતિહાસ આપેલો હતો; અને પછી કપાસ પહેલો કેવી રીતે ને ક્યારે વવાયો, એનો વિકાસ કેવી રીતે થયો, જુદા જુદા દેશો વચ્ચે રૂનો વેપાર કેવો ચાલે છે, વગેરે વસ્તુઓ ર્વણવેલી હતી. જુદા જુદા દેશોનાં નામ હું બાળકને સંભળાવું તેની સાથે સ્વાભાવિક રીતે એ દેશોનાં ઇતિહાસભૂગોળ વિષે પણ કંઇક કહેતો જાઉં. જુદા જુદા કાળમાં જુદી જુદી વેપારી સંધિઓ કોના અમલમાં થઇ ? કેટલાક દેશોમાં બહારથી રૂ મંગાવવું પડે છે ને કેટલાકમાં કાપડ મંગાવવું પડે છે એનું કારણ શું ? દરેક દેશ પોતપોતાની જરૂર પૂરતું રૂ કેમ ઉગાડી ન શકે ? આ ચર્ચા મને અર્થશાસ્ત્ર અને કૃષિશાસ્ત્રનાં મૂળતત્ત્વો પર લઇ જશે. કપાસની કઇ જુદી જુદી જાતો છે, તે કેવી જાતની જમીનમાં ઊગે છે, તેને કેમ ઉગાડાય, તે ક્યાંથી મેળવાય, વગેરે માહિતી હું વિદ્યાર્થીને આપીશ. આમ તકલીકાંતણ પરથી હું ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આખા ઇતિહાસ પર ઊતરું છું. એ કંપની અહીં કેમ આવી, તેણે આપણા કાંતણના ઉદ્યોગનો નાશ કેવી રીતે કર્યો, તેઓ આર્થિક ઉદ્દેશથી હિંદુસ્તાનમાં આવ્યા ને તેમાંથી રાજકીય સત્તા જમાવવાની આકાંક્ષા કેમ સેવતા થયા, એ વસ્તુ મોગલ અને મરાઠાની પડતીમાં, અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં, અને પછી પાછા આપણા જમાનામાં જનસમૂહના ઉત્થાનમાં કારણરૂપ કેમ નીવડી છે, એ બધું પણ મારે વર્ણવવું પડશે. એમ આ નવી યોજનામાં શિક્ષણ આપવાનો અપાર અવકાશ પડેલો છે. અને બાળક એ બધું એનાં મગજ અને સ્મરણશક્તિ પર અનાવશ્યક બોજો પડ્યા વિના કેટલું વધારે જલદી શીખશે !

એ કલ્પના વધારે વિસ્તારથી વર્ણવી બતાવું. જેમ કોઇ પ્રાણીશાસ્ત્રીએ સારા પ્રાણીશાસ્ત્રી થવા માટે પ્રાણીશાસ્ત્રી ઉપરાંત બીજાં ઘણા શાસ્ત્રો શીકવાં જોઇએ, એ તો તે જ પ્રમાણે પાયાની કેળવણીને જો એક શાસ્ત્ર માનવામાંઆવે તો તે આપણને જ્ઞાનની અનંત શાખાઓમાં લઇ જાય છે. તકલીનો જ દાખલો વિસ્તારીને કહીએ તો, જે વિદ્યાર્થી શિક્ષક કેવળ કાંતણની યાંત્રિક ક્રિયા પર જ પોતાનું લક્ષ એકાગ્ર નહીં કરે (એ ક્રિયામાં તો બેશક એણે નિષ્ણાત થવું રહ્યું જ છે), પણ એ વસ્તુનું હાર્દ ગ્રહણ કરવા મથશે, તે તકલી અને તેનાં અંગઉપાંગનો અભ્યાસ કરશે. તકલીનું ચકતું પીતળનું અને ત્રાક લોખંડની કેમ હોય છે એ પ્રશ્ન તે પોતાના મનને પૂછશે. અસલ જે તકલી હતી તેનું ચકતું ગમે તેવું બનાવતું. એથી પણ પહેલાંની પ્રાચીન તકલીમાં વાંસની સળીની ત્રાક અને સ્લેટનું કે માટીનું ચકતું વપરાતાં. હવે તકલીનો શાસ્ત્રીય ઢબે વિકાસ થયો છે, અને ચકતું પીતળનું ને ત્રાક લોખંડની બનાવાય છે તે સકારણ છે. એ કારણ વિદ્યાર્થીઓએ શોધી કાઢવું જોઇએ. તે પછી વિદ્યાર્થીએ એ પણ તપાસ કરવી જોઇએ કે, એ ચકતાનો અમુક જ વ્યાસ કેમ રખાય છે ને ઓછોવત્તો કેમ રખાતો નથી. આ પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આણે ને પછી એ વસ્તુનું ગણિત જાણે એટલે તમારો વિદ્યાર્થી સારો ઇજનેર બને છે. તકલી એની કામધેનું બને છે. એની વાટે પાર વિનાનું જ્ઞાન આપી શકાય એમ છે. તમે જેટલી શક્તિ ને શ્રદ્ધાથી કામ કરશો તેટલું જ્ઞાન એ વાટે આપી શકશો. તમે અહિંયાં ત્રણ અઠવાડિયાં રહ્યા છો આ યોજના પાછળ મરી ફીટવા સુધીની તમારી તૈયારી થવા લાગી તમારામાં એ યોજના વિષે આસ્થા આ નિવાસ દરમ્યાન આવી હોય તો તમારું અહીં રહ્યું સફળ ગણાશે.

મેં કાંતણનો દાખલો વિસ્તારથી સમજાવ્યો છે એનું કારણ એ છે કે મને એવું જ્ઞાન છે. હું સુથાર હોઉં તો મારા બાળકને આ બધીં વસ્તુઓ સુથારી મારફતે શીખવું, અથવા કાર્ડબોર્ડનું કામ કરનાર હોઉં તો એ કામ મારફતે શીખવું.

આપણને ખરી જરૂર તો એવા કેળવણીકારોની છે જેમનામાં નવું નવું સર્જવાની ને વિચારવાની શક્તિ હોય, સાચાં ઉત્સાહ અને ધગશ હોય, અને જેઓ રોજ રોજ વિદ્યાર્થીને શું શીખવવું એ વિચારી કાઢે એવા હોય. શિક્ષકને એ જ્ઞાન જૂનાં થોથાંમાંથી નહીં મળે. તેણે પોતાની નિરીક્ષણની ને વિચાર કરવાની શક્તિનો ઉપયોગ કરવાનો છે. અને હાથઉદ્યોગની મદદ વડે જીભ મારફતે બાળકને જ્ઞાન આપવાનું છે આનો અર્થ એ છે કે, શિક્ષણપદ્ધતિમાં ક્રાંતિ થવી જોઇએ, શિક્ષકની દૃષ્ટિમાં ક્રાંતિ થવી જોઇએ. અત્યાર સુધી તમે નિરીક્ષકો (ઇન્સ્પેક્ટરો) ના રિપોર્ટોથી દોરવાતા આવ્યા છો. નિરીક્ષકને ગમે એવું કરવાની ઇચ્છા તમે રાખી છે, જેથી તમારી સંસ્થા માટે તમને વધારે પૈસા મળે અથવા તો તમને પોતાને પગારમાં વધારો મળે. પણ નવો શિક્ષક એ બધાની પરવા નહીં કરે. તે તો કહેશે, ‘હું જો મારા વિદ્યાર્થીને વધારે સારો માણસ બનાવું ને તેમ કરવામાં મારી સર્વ શક્તિ વાપરી નાખું તો મેં મારું કર્તવ્ય કર્યું ગણાશે. મારે માટે એટલું બસ છે.’૧૫

ગામડાંનાં બાળકોને ઘડીને નમૂનેદાર ગામવાસીઓ બનાવવાનો આ કેળવણીનો આશય છે. તેની યોજના મુખ્યત્વે તેમનો ખ્યાલ રાખીને કરવામાં આવી છે. એ યોજનાની મૂળ પ્રેરણા પણ ગામડાંઓમાંથી આવી છે. જે મહાસભાવાદીઓ સ્વરાજની ઇમારતનું ઠેઠ પાયામાંથી ચણતર કરવા માગે છે તેમને દેશનાં બાળકોની ઉપેક્ષા કરવી પરવડે તેવી નથી. પરદેશી અમલ ચલાવનારા લોકોએ, અજાણપણે ભલે હોય, કેળવણીના ક્ષેત્રમાં પોતાના કાર્યની શરૂઆત અચૂકપણે ઠેઠ નાનાં છોકરાંઓથી કરી છે. આપણે ત્યાં પ્રાથમિક કેળવણીને નામે જે નમૂનો ઓળખાય છે તે એક ફારસ છે; ગામડાંઓમાં જે હિંદુસ્તાન વસે છે તેની જરૂરિયાતો કે માગણીઓનો જરાયે વિચાર કર્યા વિના તેની યોજના થઇ છે; અને આમ જુઓ તો શહેરોનો પણ તેમાં કશો વિચાર થયેલો નથી. પાયાની કેળવણી ગામડાંમાં શું કે શહેરોમાં શું, હિંદુસ્તાનનાં બધાંયે બાળકોને હિંદના જે કંઇ ઉત્તમ તેમ જ કાયમનાં તત્ત્વો છે, તેમની સાથે સાંકળી દે છે. એ કેળવણી બાળકનાં મન તેમ જ શરીર બંનેનો વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે; અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરેક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે.૧૬

૧૪

ખેતી અને પશુપાલન - ૧

કિસાન

ગામડાંના લોકોનું ગુજરાન ખેતી પર ચાલે છે અને ખેતીનું ગાય પર હું આ વિષયમાં આધળા જેવો છું. જાતઅનુભવ મને નથી. પરંતુ એવું એક પણ ગામ નથી જ્યાં ખેતી નથી અને ગાય નથી. ભેંસો છે પણ તે કોંકણ વગેરે સિવાય ખેતીને માટે વધારે ઉપયોગી નથી. છતાં ભેંસોનો આપણે બહિષ્કાર કર્યો છે એવું નથી. એટલા માટે ગામડાના પશુધનનો, ખાસ કરીને પોતાના ગામનાં ઢોરોનો આપણા કાર્યકર્તાએ પૂરો ખ્યાલ આપવો પડશે. આ ઘણી મુશ્કેલ સવાલને જો આપણે હલ નહીં કરી શકીએ તો હિંદુસ્તાનની બરબાદી થવાની છે. અને સાથે સાથે આપણી પણ, કારણ કે એવી સ્થિતિમાં આપણે માટે આ પશુઓ આર્થિક દૃષ્ટિએ બોજારૂપ બનતાં હોઇ, તેમની પશ્ચિમના દેશોની જેમ કતલ કર્યા સિવાય બીજો ઉપાય નહીં રહે.૧

મને પહેલેતી જ શ્રદ્ધા છે કે આ દેશના વાસીઓને માટે ખેતી જ એકમાત્ર અતૂટ અને અટલ સહારો છે. એની પણ ખોજ કરીશું અને જોઇશું કે એને સહારે ક્યાં સુધી જઇ શકાય છે. જો આપણા લોકો ખાદીને બદલે ખેતીમાં પારંગત થઇને લોકોની સેવા કરશે તો મને અફસોસ નહીં થાય. હવે ખેતી તરફ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આજ સુધી હું માનતો હતો કે જ્યાં સુધી સરકારી તંત્ર આપણા હાથમાં આવે નહીં ત્યાં સુધી દેશની ખેતીમાં સુધારો કરવો શક્ય નથી. હવે મારા એ વિચારોમાં કાંઇક પરિવર્તન થઇ રહ્યું છે. હું જોઇ શક્યો છું કે વર્તમાન પરિસ્થિતિમાં પણ આપણે અમુક હદ સુધી સુધારો કરી શકીશું. એમ થાય તો ખેડૂત મહેસૂલ વગેરે આપીને પણ જમીનની મદદથી પોતાને માટે કંઇક બચાવી શકશે. જવાહરલાલ કહે છે કે ખેતી સુધારશો તોપણ જ્યાં સુધી વિદેશી સરકાર આપણા પર છે ત્યાં સુધી તે ગમેતે બહાને ખેડૂતની કમાઇ લૂંટવાની. હવે હું વિચાર કરું છું કે એટલા ખાતર શું ખેતી વિશેના જ્ઞાન અને માહિતીનો પ્રચાર કરતા અટકી જઇશું ?સરકાર ભલે આપણું કર્યું કારવ્યું લૂંટી લે. લૂંટશે તો આપણે લડીશું. લોકોને લડવા કહીશું, શીખવશું, સરકારને જણાવી દઇશું કે તમે આવી રીતે નહીં લૂંટી શકો. એટલે હવે આપણે એવા કાર્યકર્તા શોધવા છે કે જેને ખેતીમાં રસ હોય.૨

ગામડાંના લોકોની સ્થિતિ સુધારવા માટે ખેતી, ગોપાલન અને બીજા ઉદ્યોગો ગામડાંમાં કેવી રીતે બેઠા થાય તેનો વિચાર કરું છું. બે ચાર ગામોમાં પણ સફળ થાઉં તો તો મારી સમસ્યાનો ઉકેલ મળી જશે. ‘યથા પિંડે તથા બ્રહ્માંડે.’૩

જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા તેવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે - એટલે કે કાંતવાની, વણવાની, સુથારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ.૪

ઘણાં વરસો પર મેં એક કવિતા વાંચી હતી, જેમાં ખેડૂતને જગતના તાત તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઇશ્વરજો આપનાર છે, તો ખેડૂત તેના હાથ છે. તેનું ઋણ ચૂકવવા માટે આપણે શું કરીશું ? આજ સુધી આપણે એની મજૂરીના પરસેવા પર જીવ્યા. આપણે ખેતીથી આરંભ કરવો જોઇતો હતો, પણ તે ન કરી શક્યા. એ માટે, કંઇકે અંશે હું દોષિત છું.

કેટલાક લોકો કહે છે કે, રાજકીય સત્તા હાથમાં આવ્યા વિના ખેતીમાં મૂળભૂત સુધારો કરવો શક્ય નથી. વરાળ અને વીજળીનો મોટા પાયા પર ઉપયોગ કરીને મોટા ઉદ્યોગોના સ્વરૂપની ખેતીનાં સ્વપ્નાં આ લોકો સેવે છે. એકદમ લાભ લૂંટવાને લોભે જમીનની રસાળતાને વેચવામાં આવશે, તો છેવટે ભારે આપત્તિ આવી પડશે અને એ નીતિ ટૂંકી દૃષ્ટિની પુરવાર થશે. એને પરિણામ જમીનનો રસકસ ખૂટી જશે. ખોરાક પકવવા માટે જમીનમાં પરસેવાનું ખાતર પૂરવાની જરૂર રહે છે.

આ દૃષ્ટિની લોકો કદાચ ટીકા કરશે અને કહેશે કે, એ પ્રગતિવિરોધી છે અને એથી કામ બહુ મંદ ગતિથી થશે. એમાંથી કંઇક આંજી નાખે એવું પરિણામ આવવાની આશા નથી. આમ છતાંયે, એમાં ભૂમિની તેમ જ તેના પર વસતા લોકોની સમૃદ્ધિની ચાવી રહેલી છે. આરોગ્યદાયી તથા પોષક ખોરાક, એ ગામડાંની અર્થવ્યવસ્થાનો પાયો છે ખેડૂતની આવકનો મોટો ભાગ પોતાના અને પોતાના કુટુંબના ઉદરનિર્વાહમાં વપરાય છે. બીજી વસ્તુઓ એ પછી આવે છે. ખેડૂતને ધરાઇને ખાવા મળવું જોઇએ, તેેને પૂરતા પ્રમાણમાં તાજું સ્વચ્છ દૂધ, ઘી તથા તેલ મળવાં જોઇએ અને તે માંસાહારી હોય, તો મચ્છી, ઇંડાં, અને માંસ મળવું જોઇએ. દાખલા તરીકે, પેટ ભરિને અને પૂરેપૂરો પોષક ખોરાક ન મળતો હોય, તો સારાં સારાં કપડાં તેને શા ખપનાં ? પીવાના પાણીની જોગવાઇ અને બીજી વસ્તુઓ એ પછી આવે. આ પ્રશ્નોનો વિચાર કરતાં સ્વાભાવિક રીતે જ એ મુદ્દો ઊભો થશે કે, ટ્રેકટરથી જમીન ખેડવાને તેમ જ ખેતીને માટે મશીનથી પાણી પૂરું પાડવાને મુકાબલે ખેતીના બળદનું ને હળનું સ્થાન માટે મશીનથી પાણી પૂરું પાડવાને મુકાબલે ખેતીના બળદનું ને હળનું સ્થાન શું છે ? અને એ રીતે એક એક વસ્તુનો વિચાર કરતાં કરતાં ગામડાંની અર્થવ્યવસ્થાનું આખું ચિત્ર તમારી સમક્ષ ખડું થશે. એ ચિત્રમાં શહેરો તેના સ્વાભાવિક સ્થાને હશે - આજની પેઠે સમાજશરીર પર થયેલા ફોલ્લા કે ગૂમડાં જેવાં અસ્વાભાવિક નહીં લાગે. આજે તો આપણે આપણા હાથનો ઉપયોગ ભૂલી જવાની જોખમકારક સ્થિતિમાં આવી પડ્યા છીએ. જમીન કેમ ખોદવી તથા તેની બરદાસ કેવી રીતે કરવી એ ભૂલી જવું, એ આપણી જાતને ભૂલી જવા બરાબર છે. કેવળ શહેરોની સેવા કરી એટલે પ્રધાનનો હોદ્દો ધરાવ્યાનું કારગત થયું, એમ માનવું, એ સાચું હિંદ તેનાં સાત લાખ ગામડાંઓમાં વસે છે, એ વાતને વીસરવા સમાન છે. આત્મા ખોઇને માણસ આખી પૃથ્વી મેળવે, તો એ સોદામાં તે શું કમાયો ?૫

ભારતના ખેડૂતોની જોડે વાત કરો ને તેઓ બોલવા માંડે તે ક્ષણે તમે જોશો કે એમની જીભમાંથી જ્ઞાન ઝરે છે. બહારનો અણઘડપણાનો દેખાવ છે તેની પાછળ આધ્યાત્મિક વૃત્તિનો ઊંડો ઝરો પડેલો છે. એને હું સંસ્કારિતા કહું છું. એવી વસ્તુ તમને પશ્ચિમમાં નહીં જોવા મળે. યુરોપના કોઇ ખેડૂતની જોડે તમે વાત કરી જુઓ તો તમને દેખાશે કે એને ઇશ્વર કે આત્માની વાતમાં કશો રસ નહીં હોય.૬

હિંદી ગામડિયામાં તો અણઘડપણાના પોપડાની નીચે જુગજૂની સંસ્કારિતા છુપાયેલી પડી છે. એ પોપડો ઉખાડી નાખો, એ ગ્રામવાસીનાં દારિધ્ર ને નિરક્ષરતા દૂર કરો તો શિષ્ટ, સંસ્કારી, સ્વતંત્ર નાગરિક કેવો હોવો જોઇએ એનો સુંદરમાં સુંદર નમૂનો તમને જોવા મળશે.૭

સમય, આરોગ્ય ને ધનનો બચાવ કેમ થઈ શકે એ આપણે એમને શીખવવાનું છે. . . લાયોનલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તો ઉકરડા છે. એને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણા ગામડાંની આસપાસ તાજી હવાની કંઇ ખોટ છે ? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી. એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે, છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખોરાકની બાબતમાં હું મિશનરીની પેઠે બોલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમૂના બનાવવા એ મારું ધ્યેય છે, મારું જીવનકાર્ય છે.૮

આપણી સામે ગામડાને પોતાના જડબામાં જકડી રાખનાર આ ત્રિમૂર્તિ રાક્ષસ છે : (૧) સામુદાયિક સ્વચ્છતાનો અભાવ; (૨) ઓછો ખોરાક; (૩) આળસ ને જડતા. . . .

પોતાના જ ભલામાં એમને રસ નથી. આધુનિક સ્વચ્છતાના માર્ગોની એમને કદર નથી. કરતા આવ્યા છે એ જાતની મજૂરી ને જમીન ખેડી ખાવા ઉપરાંત શરીર તોડવા તે તૈયાર નથી. અને આ મુશ્કેલીઓ મોટી છે ને સાચી છે. પણ એનાથી આપણે પાછા પડવાનું નથી. આપણા કર્તવ્યમાં આપણે અખૂટ શ્રદ્ધા રાખવાની છે; ધીરજથી લોકો જોડે વર્તવાનું છે. અને આપણે પણ ગ્રામસેવાના કાર્યના નવા બિનઅનુભવી છીએ. ઘર કરી બેઠેલા રોગની દવા આપણે કરવાની છે. આપણી પાસે જો ખંત અને ધૈર્ય હશે તો મોટા વિઘ્નદુર્ગો પણ તૂટી જશે. રોગીને અસાધ્ય રોગ છે. માટે નર્સ શું એને છોડી જશે ? આપણું કામ પણ આવા નર્સ જેવું છે.૯

ગામડાંમાં તો મોટામાં મોટું શિક્ષણ એમાં રહેલું છે કે ગ્રામવાસીઓને આખું વરસ કાં તો ખેતીમાં, કાં તો ગામડાંને લગતા ઉદ્યોગમાં લાભ મળે એવી રીતે આખું વરસ કામ કરવાનું શીખવવું જોઇએ. ને તેમ કરવા તેમને સમજાવવા જોઇએ.૧૦

હું કામ કરીને એટલું કહું છું કે ગ્રામવાસીઓમાં જે અણઘડપણું દેખાય છે તે છતાં, એક વર્ગ તરીકે વિચાર કરતાં, મનુષ્યસ્વભાવનો જે સારો અંશ છે તેની બાબતમાં તેઓ જગતના કોઇ પણ દેશના ગ્રામવાસીઓને મુકાબલે કંઇક ચડે એવા જ છે. હ્યુએનસંગના કાળથી અત્યાર લગી જે પ્રવાસીઓએ પોતાના અનુભવ નોંધ્યા છે તેમાંના મોટા લગી જે પ્રવાસીઓએ પોતાના અનુભવ નોંધ્યા છે તેમાંના મોટા ભાગના લખાણ આ પુરાવાને ટેકો આપે છે. ભારતવર્ષનાં ગામડાં જે સ્વભાવસિદ્ધ સંસ્કારિતા બતાવે છે, ગરીબોનાં ઘરમાં જે કળાનું દર્શન થાય છે, ગ્રામવાસીઓ જે સંયમથી વર્તે છે, તે બધાનો યશ એમને અનાદિ કાળથી એક ગ્રંથિ વડે બાંધી રાખનાર ધર્મને જ છે.૧૧

ખેડૂત પોતે ભૂમિહીન હોય કે જાતે મજૂરી કરનારો જમીનમાલિક હોય, તેનું સ્થાન સૌથી મોખરે છે. તે ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઇએ - ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં. પણ અહિંસક પદ્ધતિમાં મજૂર જમીનદારને બળજબરીથી કાઢી મૂકી નહીં શકે. પણ તેણે એવી રીતે કામ કરવું જોઇએ કે જેથી જમીનદાર તેનું શોષણ કરી જ ન શકે. ખેડૂતો વચ્ચે ગાઢ સહકાર હોવો જરૂરી છે. એ ઉદ્દેશ પાર પાડવા માટે ખેડૂતોનું સંગઠન કરનારાં ખાસ મંડળો કે સમિતિઓ ન હોય ત્યાં રચવી જોઇએ અને હોય ત્યાં તેમાં સુધારો કરવાની જરૂર હોય તો કરવો જોઇએ. ખેડૂતો મોટે ભાગે નિરક્ષર છે. પ્રૌઢ તથા શાળામાં જવાની ઉંમરનાં બાળકોને કેળવણી આપવી જોઇએ - આમાં સ્ત્રીપુરુષ બન્ને આવી જાય. ભૂમિહીન ખેતમજૂરોના મજૂરીના દર એટલા વધારવા જોઇએ કે જેથી તેઓ સારી રીતે જીવન ગાળી શકે એટલે કે તેમને યુક્તાહાર મળે અને તંદુરસ્તીની દૃષ્ટિએ સંતોષકારક ઘર અને વસ્ત્ર મળી રહે.૧૨

મારું ચાલે તો આપણો વડો હાકેમ ગવર્નર જનરલ પણ ખેડૂત હોય, આપણો વડો પ્રધાન ખેડૂત હોય, બધા જ ખેડૂત હોય આનું કારણ એ કે અહીંનો, આ મુલકનો રાજા ખેડૂત છે. મને બચપણમાં એક કવિતા ભણાવવામાં આવી હતી કે “હે ખેડૂત તું બાદશાહ છે.” ખેડૂત જમીનમાંથી પેદા ન કરે તો આપણે ખાઇશું શું ? હિંદુસ્તાનનો સાચો રાજા ખેડૂત છે. પણ આજે આપણે તેને ગુલામ બનાવીને બેઠા છીએ. આજે ખેડૂત શું કરે? બી. એ. બને ? એવું થાય એટલે તે ખેડૂત મટ્યો. પછી તે કોદાળી નહીં ઊંચકે. જે આદમી પોતાની જમીનમાંથી પેદા કરીને ખાતો હોય તે જનરલ બને, પ્રધાન બને, તો હિંદની સૂરત પલટાઇ જાય. આજે જે સડો છે તે બધો નાબૂદ થાય.૧૩

૧૫

ખેતી અને પશુપાલન - ૨

જમીનનો સવાલ

જમીનની માલિકી

ખેડૂત ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઇએ - ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં.૧

જમીન અને બીજી બધી સંપત્તિ જે તેને માટે કામ કરે તેની છે. કમનસીબે મજૂરો આ સાદી અજ્ઞાત છે અથવા તેમને અજ્ઞાત રાખવામાં આવ્યા છે.૨

હું તો માનું છું કે જે જમીન તમે ખેડો છો તે તમારી માલિકીની હોવી જોઇએ. પણ ઘડીવારમાં એ ન બને. જમીનદારો પાસેથી તમે તે ખૂંચવી પણ ન શકો. અહિંસા અને તમારી પોતાની શક્તિ વિષેનું આત્મભાન એ જ એકમાત્ર રસ્તો છે.૩

ભલીભાંતે જીવવા રહેવા જોઇએ તે કરતાં વધુ જમીન કોઇ માણસ પાસે ન હોવી જોઇએ. આપણી આમપ્રજાનું દારુણ દારિદ્ય તેમની પાસે પોતાની કહી શકાય એવી કશી જમીન ન હોવાને કારણે જ છે એ વાતની કોનાથી ના પડાય એમ છે ?

પણ એ સુધારો એમ ઝટપટ કરાવી લેવાય તેવો નથી એ પણ સમજવું જરૂરી છે. જો એને અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમ જ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન મળવું જોઇએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહીં આવે. મુફલિસોને પણ સમજ મળવી જોઇએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમને ફરજ પાડવાનો કોઇને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તેઓ પોતાની મુક્તિ સાધી શકે છે.૪

જમીનદાર અને ખેડૂત

હું તમને કહું છું કે, તમારી જમીનની માલિકી જેટલી તમારી છે તેટલી જ તમારા ખેડૂતોની છે.૫

હું ફક્ત એટલું નથી માનતો કે જમીનદારો અને મૂડીવાદીઓ સ્વભાવે જ શોષકો હોય છે, અથવા તેમના અને પ્રજાના હિત વચ્ચે પાયાનો અથવા કદી મેળ ન ખાય તેવો વિરોધ હોય છે. તમામ શોષણનો આધાર શોષિતોના રાજીખુશીના કે બળજબરીથી લીધેલા સહકાર ઉપર છે. આપણને કબૂલ કરવાનું ન ગમે છતાં એ હકીકત છે કે લોકો શોષકની આજ્ઞા માનવાની ના પાડે તો શોષણ થાય જ નહીં. પણ આપણો સ્વાર્થ આડે આવે છે અને આપણે આપણી બેડીઓને ચીટકી રહીએ છીએ. આ બધું થવું જોઇએ. જરૂર જમીનદારો ને મૂડીવાદીઓનો નાશ કરવાની નથી, પણ તેમની અને લોકોની વચ્ચેના આજના સંબંધો બદલીને વધારે તંદુરસ્ત અને વધારે શુદ્ધ કરવાની છે.૬

મારો ઉદ્દેશ તમારા હ્ય્દયને સ્પર્શવાનો અને તમારું પરિવર્તન કરવાનો છે જેથી તમે તમારી બધી ખાનગી મિલકત તમારા ગણોતિયાના રખેવાળ તરીકે રાખો અને તેનો ઉપયોગ મુખ્યત્વે તેમના ભલા માટે કરો. હુંએ હકીકતથી વાકેફ છું કે, કૉંગ્રેસની અંદર જ સમાજવાદી પક્ષ નામનો એક નવો પક્ષ હસ્તીમાં આવ્યો છે, અને એ પક્ષ જો પોતાની સાથે કૉંગ્રેસને લઇ જવામાં સફળ થાય તો શું થાય તે હું કહી શકતો નથી. પણ હું તદ્દન સ્પષ્ટ છું કે જો આપણી લાખોની જનતાનો પ્રામાણિક અને ખરો પ્રજામત લેવામાં આવે તો મિલકત ધરાવનારા વર્ગની મિલકત સામુદાયિક રીતે લઇ લેવાના પક્ષમાં લોકો મત નહીં આપે હું મૂડીદાર અને મજૂરના અથવા જમીનમાલિક અને ગણોતિયાના સહકાર અને મેળ માટે કામ કરું છું.૭

પણ મારે ચેતવણીનો સૂર કાઢવો જોઇએ. મેં મિલમાલિકોને હમેશાં કહ્યું છે કે, તમે મિલના એકલા માલિક નથી, કામદારો પણ તેની માલિકીમાં ભાગીદારો છે. હું તમને કહું છું કે તમારી જમીનની માલિકી જેટલી તમારી છે એટલી જ તમારા ખેડૂતોની છે, અને તેમને જે કાંઇ નફો મળે તે તમારે મોજવિલાસ અને ઉડાઉ જીવન પાછળ ન વેડફવો જોઇએ, પણ ખેડૂતોના ભલા માટે વાપરવો જોઇએ. એક વાર તમે તમારા ખેડૂતોને તમારી સાથેની નિકટતાની લાગણી અનુભવાવો અને એક જ કુટુંબના સભ્ય તરીકે તમારે હાથે તેમનુંં હિત જોખમાશે નહીં એવી સલામતીની તેમને ખાતરી થઇ જાય તો તમે નિશ્ચિત રહેજો કે, તમારી અને તેમની વચ્ચે ઘર્ષણ થશે નહીં અને વર્ગવિગ્રહ થશે નહીં.૮

મારે જમીનદારનું નિકંદન કાઢવું નથી, તેમ જમીનદાર વિના ન જ ચાલી શકે એવું પણ મને લાગતું નથી. . . હું જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિંસક ઉપાયોથી પલટાવવાની આજ્ઞા રાખું છું, ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હું માનતો નથી. કેમ કે જેટલો વિરોધ ઓછો કરવો પડે એ રીતે કામ લેવું એ અહિંસાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે કે જ્યાં લગી અમે અને અમારાં બાળબચ્ચાં સુખે ખાઇએ, પહેરીએ ને કેળવણી પામીએ એટલું એમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ખેડવાનો, તો બિચારો જમીનદાર શું કરી શકે ? વસ્તુતઃ શ્રમજીવી ખેડૂત તેણે ઉપજાવેલા પાકનો માલિક છે. જો શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઇને જૂથ બાંધે તે તેમની શક્તિની સામે થવાની કોઇની તાકાત નથી. એ રીતે હું વર્ગવિગ્રહની આવશ્યકતા નથી માનતો. હું જો અને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં.૯

આદર્શ જમીનદાર ખેડૂતોનો આજનો બોજો ઘણોખરો ઓછો કરી નાખશે. તે ખેડૂતોના નિકટના સંપર્કમાં આવશે અને તેમની જરૂરિયાતો જાણી લેશે અને આજે તેમનો પ્રાણ નિચોવી રહેલી નિરાશાને બદલે તેમનામાં આશાનો સંચાર કરશે. ખેડૂતો સ્વચ્છતા અને આરોગ્યના નિયમો વિષે અજ્ઞાન છે એમ કહીને તે સંતોષ નહીં માને. ખેડૂતોને જીવનની જરૂરિયાતો મળી રહે તે માટે પોતે ગરિબાઇ સ્વીકારશે. પોતાના ખેડૂતોની આર્થિક સ્થિતિની તે તપાસ કરશે, શાળાઓ કાઢશે, જેમાં ખેડૂતોનાં બાળકો સાથે પોતાનાં બાળકોને ભણાવશે. તે ગામનાં કૂવા-તળાવ સાફ કરશે. તે ખેડૂતોને રસ્તા વાળવાનું ને જાજરૂ સાફ કરવાનું, પોતે આ આવશ્યક શ્રમ કરી બતાવીને, શીખવશે. તે પોતાના બગીચા ખેડૂતોના મુક્ત ઉપયોગ માટે કસા સંકોચ વગર ખુલ્લા મૂકશે. તે પોતાની મોજ માટે જે બિનજરૂરી ઇમારતો રાખી મૂકે છે તે બધાનો ઉપયોગ શાળાઓ, ઇસ્પિતાલો વગેરે માટે કરશે. જો મૂડીદાર વર્ગ સમયનાં એંધાણ ઓળખે, પોતાની સંપત્તિ પરના ઇશ્વરદત્ત અધિકાર વિશેની કલ્પના બદલે તો થોડા જ વખતમાં આજે જે ગામડાંને નામે ઓળખાય છે તે આઠ લાખ જ ઉકરડાને શાંતિ, સ્વાશ્રય અને આરામનાં સ્થળોનું રૂપ આપી શકાય. મને ખાતરી છે કે મૂડીદારો જાપાનના સેમુરાઇનું અનુકરણ કરે તો તેમને ખરેખર કંઇ હોવાનું નથી, બધું મેળવવાનું જ છે. બે જ શક્ય તાઓ છે : એક તો, મૂડીદારો પોતાનો વધારોનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને પરિણામે પોતાનો સર્વ લોકો સાચું પ્રાપ્ત કરે, બીજી એ કે જો મૂડીદારો વખતસર જ જાગે તો અજ્ઞાન અને ભૂખ્યાં કરોડો લોકો દેશને એવી અંધાધૂંધીમાં ધકેલી દે જેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે. આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે હિંદુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે.૧૦

જમીનદારો પાણી પહેલાં પાળ બાંધે તો સારું છે. તેઓ કેવળ ગણોત ઉઘરાવવાની સ્થિતિ છોડી દે. તેઓ પોતાના ખેડૂતોના રક્ષક અને વિશ્વાસપાત્ર મિત્ર બને. તેઓ પોતાના ખાનગી ખજાના પર મર્યાદા રાખે. વિવાહ અને બીજે પ્રસંગે પરાણે લીધેલી ભેટના રૂપમાં, કે એક ખેડૂત પાસેથી જમીન બીજા ખેડૂત પાસે જતાં અથવા ગણોત ન આપવા માટે ખેડૂતનેં કાઢી મૂક્યા પછી તેને જ પાછો રાખતાં નજરાણાના રૂપમાં તેઓ ખેડૂત પાસેથી મહેસૂલ ઉપરાંતના જે ગેરવાજબી કરો લે છે તે જતા કરે. તેઓ ખેડૂતોને ગણોતની મુદત બાંધી આપે, તેમના કલ્યાણમાં ખરેખરો રસ લે, તેમનાં બાળકોને માટે સુવ્યવસ્થિત શાળાઓ, પુખ્ત માણસોને માટે રાત્રીશાળાઓ, માંદાને માટે ઇસ્પિતાલો અને દવાખાનાં પૂરાં પાડે, ગામડાંની સફાઇની સંભાળ રાખે, અને અનેક રીતે તેમનામાં એ લાગણી પેદા કરે કે જમીનદારો તેમના સાચા મિત્રો છે, અને વિવિધ સેવાઓના બદલામાં ઠરાવેલું મહેનતાણું લેનારા છે. ટૂંકામાં, તેમણે પોતાના દરજ્જાની યોગ્યતા સિદ્ધ કરવી જોઇએ. તેમણે મહાસભાવાદીઓ પર વિશ્વાસ રાખવો ઘટે. તેઓ પોતે જ મહાસભાવાદી બને. અને જાણે કે મહાસભા એ પ્રજા અને સરકાર વચ્ચેનો સેતુ છે. પ્રજાનું સાચું હિત જેને હૈયે હોય તે સૌ મહાસભાની સેવાનો ઉપયોગ લઇ શકે છે. મહાસભાવાદીઓ પોતાના પક્ષે એટલી કાળજી રાખશે કે ખેડૂતો જમીનદારો જોડેના કરાર ધર્મબુદ્ધિથી પાર પાડે. કાયદેસર હોય એટલા જ કરાર પાળે એવો મારો આશય નથી, પણ જે કરાર તેમણે પોતે વાજબી ગણીને સ્વીકાર્યા હોય તે બધા પાળે. તેમની જમીન તેમના એકલાની છે ને જમીનદારોનું તેમાં કશું લાગતું નથી, એ સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કરવો જોઇએ. તેઓ એક સંયુક્ત કુટુંબનાં માણસો છે અથવા હોવા જોઇએ અને જમીનદાર એ કુટુંબનો વડીલ હોય અને તેમના હકોનું સંરક્ષણ કરતો હોય. કાયદો ગમે તે હોય, જમીનદારી જો સંયુક્ત કુટુંબની સ્થિતિ સમીપ પહોંચે તો જ તેનો અભાવ થઇ શકે.

રામ અને જનકનો આદર્શ મને ગમે છે. પ્રજાની સામે તેમની પાસે કશી મિલકત ન હતી. તેઓ પોેતે અને તેમનું સર્વસ્વ પ્રજાનાં હતાં. તેઓ પ્રજાની વચ્ચે તેના જીવનથી ઊંચે નહીં, પણ તેને મળતી સ્થિતિમાં રહેતા હતા. પણ તેમને કદાચ ઐતિહાસિક વ્યક્તિઓ ન ગણવામાં આવે, તો મહાન ખલીફ ઉમરનું દૃષ્ટાંત લઇને. તે પોતાના પ્રૌઢ બુદ્ધિકૌશલ્ય અને અજબ ઉદ્યોગથી પેદા કરેલી વિશાળ સલ્તનતના બાદશાહ હતા. છતાં તે ભિખારીની જિંદગી ગાળતા અને પોતાને ચરણ આગળ પડેલી અઢળક સમૃદ્ધિના માલિક કદી ગણતા નહીં. જે અમલદારો પ્રજાના પૈસા મોજશોખમાં વેડફી નાખતા તેમને તેઓ ત્રાસરૂપ હતા.૧૧

જમીનદારોને મારે એટલું જ જણાવવું છે કે તમારી સામે જ ફરિયાદો કરવામાં આવે છે તે સાચી હોય તો મારે તેમને ચેતવવા જોઇએ કે તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે, એમ જાણજો. કિસાનોના સ્વામી અને પ્રભુ તરીકે આજ સુધી તમે અમલ ભોગવ્યો, હવે તમારું એ વર્ચસ્વ ચાલું રહેવાનું નથી. ગરીબ કિસાનોના તમે ટ્રસ્ટી થઇને હું તમને નામધારી ટ્રસ્ટી થવાનું નથી કહેતો, સાચા ટ્રસ્ટી થવાને કહું છું. એવા ટ્રસ્ટીઓ પોતાની મહેનત અને મિલકતની સંભાળથી જે વધારે નહીં લે. ટ્રસ્ટી બનીને રહ્યા પછી તેમને સમજાશે કે કોઇ પમ જાતનો કાયદો તેમનો વાળ વાંકો નહીં કરી શકે. અરે, ખુદ કિસાનો તેમના મિત્રો બનીને રહેશે.૧૨

આજના રાજા વગેરે સંરક્ષક અથવા ટ્રસ્ટી બને એવી આશા જરૂર રખાય. કે નહીં એ સવાલ પૂછવા લાયક છે. મારી દૃષ્ટિએ આવી આશા જરૂર રખાય. એ લોકો પોતાની ઇચ્છાએ સંરક્ષક અથવા ટ્રસ્ટી નહીં બને તો કાળ તેમને એ માર્ગે ખેંચી જશે. એમ નહીં કરે તો તેઓ પોતાનો નાશ વહોરી લેશે. જ્યારે પંચાયતરાજ થશે ત્યારે પંચ બધું કરાવી લેશે. જમીનદાર, પૂંજીપતિ કે રાજા પોતાની તાકાત ત્યાં લગી જ નભાવી શકે, જ્યાંલગી પ્રજા પોતાની તાાકાત નથી ઓળખતી. લોક રૂઠે તો રાજા વગેરે શું કરી શકે ? પંચના રાજ્યમાં પંચ બધું પોતાના કાયદા વડે કરાવી લેશે.૧૩

આપણા પૂર્વજો આપણને સાચો સમાજવાદ આપી ગયા છે. તેમણે શીખવ્યું છે :

સબી ભોમ ગોપાલકી વાર્મે અટક કહાં ?

જાકે મનમેં ખટક રહી સોહી અટક રહા,

ગોપાળ એ તો ઇશ્વરનું નામ છે. આધુનિક ભાષામાં એનો અર્થ રાજ્ય એટલે કે લોકો થાય. આજે ભૂમિ લોકોની માલિકીની નથી એ ખરું. પણ તેમાં ઉપરના શિક્ષણનો દોષ નથી. આપણે જેઓ તેનો અમલ કરતા નથી તેમનોદોષ છે. ૧૪

ભાવિની અહિંસક સમાજવ્યવસ્થામાં જમીનની માલકી રાજ્યની રહેશે કેમ કે આપણે ત્યાં પહેલેથી કહેવાતું આવ્યું છે કે ‘સભી ભૂમિ ગોપાલકી’. નવી સમાજવ્યવસ્થામાં વિશેષ શક્તિઓ કે આવડતોનો અને મજૂરીનો એમ એકેનો બગાડ નહીં થાય. પણ હિંસાને રસ્તે એવું બનવાનો સંભવ નથી. તેથી હિંસા દ્ધારા જમીનદારો પૂરેપૂરા તારાજ થશે તેની સાથે આખરે મજૂરો પણ તારાજ થઇ જશે એમ કહેવામાં દેખીતી વાત ફરી કહેવા જેવું પિષ્ટપેષણ થાય છે. એટલે જમીનદારો જો ડહાપણથી ચાલશે તો કોઇ પક્ષને ગુમાવવાપણું નહીં રહે.૧૫

૧૬

ખેતી અને પશુપાલન - ૩

સહકાર

એક મોટો પ્રશ્ન એ ઊઠયો કે . . . ગોપાલન વૈયક્તિક હોય કે સામુદાયિક ? મેં અભિપ્રાય આપ્યો કે સામુદાયિક થયા વિના ગાય અને, તેથી, ભેંસ પણ - બચી શકશે જ નહીં. દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી શકે નહીં. ઘણાં કારણોમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે.

હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઇ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાંં સહકાર આવ્યો તો છે, પણે એવા વક્ર રૂપમાં કે એનો ખરો લાભ હિંદુસ્તાનના ગરીબોને મળ્યો જ નથી.

આપણી વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ખેડૂતની વ્યક્તિગત જમીન ઓછી થતી જાય છે. પરિણામે દરેક ખેડૂત પાસે પૂરતી જમીન રહી નથી. જે છે તે પણ અગવડભરી છે. આવો ખેડૂત પોતાના ઘર કે ખેતરમાં પોતાનાં ગાયબળદ રાખી શકતો નથી. જો રાખે તો ઢાર તેને પોતાને જ ખાઇ જાય છે. આ જ હાલત આજે હિંદુસ્તાનની છે. ધર્મ, દયા કે નીતિની દૃષ્ટિને છોડીને વિચારનાર અર્થશાસ્ત્રી તો પોકારીને કહે છે કે હિંદુસ્તાનમાં લાખો પશુઓનું અસ્તિત્વ મનુષ્યને ખાઇ રહ્યું છે. કારણ કે તેથી લાભ થતો નથી, પણ તેને ખવડાવવું તો પડે છે તેથી એને મારી નાખવાં જોઇએ. પણ ધર્મ કહો કે દયા કહો, આવાં નકામાં ગણતાં પશુઓને મારતાં રોકે છે.

આ સ્થિતિમાં શું કરવું ઘટે ? જવાબ એ છે કે બને એટલે પ્રયત્ન પશુઓને જીવતાં રાખવાનું અને બોજારૂપ ન બનવા દેવાનું કરી શકાય એમ કરવું. એ પ્રયત્નોમાં સહકારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.

સહકાર અથવા સામુદાયિક પદ્ધતિએ પશુપાલન કરવાથી -

૧. જગ્યા બચે. ખેડૂતને પોતાના ઘરમાં પશુ રાખવાં ન પડે. આજે તો જે ઘરમાં પોતે રહે છે તેમાં જ તેનાં ઢોર પણ રહે છે. આથી હવા બગડે છે અને ગંદવાડ રહે છે. માણ પશુ સાથે એક જ ઘરમાં રહેવાને સર્જાયો નથી. એમાં નથી દયા કે નથી જ્ઞાન.

૨. પશુની સંખ્યા વધતાં એક ઘર પૂરું પડતું નથી. આથી ખેડૂત વાછડાને વેચી દે છે અને પાડાને મારી નાખે છે કે મરવા માટે છોડી દે છે. આ અધમતા છે. સહકારથી આ અટકે.

૩. પશુને રોગ થાય તો તેનો શાસ્ત્રીય ઇલાજ વ્યક્તિગત પદ્ધતિમાં થઇ જ શકતો નથી. સહકારમાં ચિકિત્સા સહેલી થાય છે.

૪. દરેક કિસાન સાંઢ રાખી ન શકે. સહકારમાં ઘણાં પશુઓ માટે સારો સાંઢ સહેલાઇથી રાખી શકાય.

૫. દરેક ખેડૂતને ગોચર જમીન તો બાજુએ રહી, વ્યાયામની (ઢોરને પગ છૂટા કરવાનીયે) જમીન રાખવી અસંભવ છે. સહકારથી સહેલાઇથી બન્ને સગવડો મળી શકે.

૬. ઘાસ વગરનું ખર્ચ વ્યક્તિગત ખેડૂતને ઘણું આવે. તેની સરખામણીમાં સહકારમાં ઓછું પડે.

૭. વ્યક્તિગત ખેડૂત પોતાનું દૂધ સહેલાઇથી વેચી શકતો નથી. સહકારમાં સારી કિંમત મળે અને દૂધમાં પાણી વગેરે નાખવાની લાલચમાંથી ઊગરે.

૮. વ્યક્તિગત ખેડૂતના ઢોરની પરીક્ષા કરવી અસંભવ છે. પણ આખા ગામનાં ઢોરોની પરીક્ષા સહેલી છે, અને તેની ઓલાદ સુધારવાનો ઉપાય સહેલો થાય.

સામુદાયિક અથવા સહકારી પદ્ધતિના પક્ષમાં આટલાં કારણો પૂરતાં લાગવાં જોઇએ. પણ સૌથી મોટી અને સચોટ દલીલ તો એ છે કે વ્યક્તિગત પદ્ધતિને પરિણામે આપણી તેમ જ પશુઓની દસા દયાજનક થઇ છે. તેને ફેરવીએ તો જ આપણે બચી શકીએ અને પશુનેય બચાવી શકીએ.

મારી તો ખાતરી છે કે જો જમીનનેયે આપણે સામુદાયિક પદ્ધતિથી ખેડીએ તો જ તેમાંથી આપણે પૂરો લાભ ઉઠાવી શકીએ. એક ગામની જમીન સો ટુકડાઓમાં વહેંચાઇ જાય તેના કરતાં શું એ વધારે સારું નથી કે સો ખેડૂતો ગામની બધી જમીન સહકારથી ખેડે અને આવક વહેંચી લે ? જે ખેતીને તે જ પશુનેય લાગુ પડે છે.

એ બીજી વસ્તુ છેે કે સહકારી પદ્ધતિ પર લોકોને લાવવામાં મુશ્કેલીઓ છે. સાચી ચીજો કરવામાં મુશ્કેલીઓ હોય છે જ. ગોસેવાનાં સર્વે કામોમાં મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓ દૂર કરવામાં જ સેવાનો માર્ગ સાફ થઇ શકે છે. અહીં તો એટલું જ બતાવવું હતું કે સામુદાયિક પદ્ધતિ શી ચીજ છે, અને તે વૈયક્તિક પદ્ધતિથી શી રીતે વધારે સારી છે. એટલું જ નહીં, બલકે વૈયક્તિક ભૂલભરેલી છે અને સામુદાયિક સાચી છે. વ્યક્તિ પોતાની સ્વતંત્રતાની રક્ષા પણ સહકારનો સ્વીકાર કરીને જ કરી શકે છે. અહીં સામુદાયિક પદ્ધતિ અહિંસા છે, વૈયક્તિક હિંસા છે.૧

‘પોતાની બધી જમીન એકઠી કરીને પોતપોતાનાં ખેતરોના ક્ષેત્રફળના પ્રમાણમાં નીપજ વહેંચી લેવી ?’

સહકારી પદ્ધતિનો મારો ખ્યાલ એવો છે કે જમીનના માલિકો બધી જમીનની સહિયારી માલિકી ધરાવશે અને તેમાં ખેતી પણ સહકારને ધોરણે જ કરશે. એથી મજૂરી, મૂડી અને ઓજારો તેમ જ હથિયારો વગેરેને અંગે મોટી કરકસર થઇ શકશે. જમીનના માલિકો સહકારને ધોરણે ખેતી કરી મૂડી, ઓજારો, જનાવરો, બિયાવું વગેરે પણ સહકારને ધોરણે સહિયારું રાખશે.

મારા ખ્યાલ મુજબની સહકારી ખેતી આ ભૂમિની સૂરત બદલી નાખશે અને આપણી વચ્ચેથી ગરીબી ને આળસ અથવા જડતાને હાંકી કાઢશે, પણ લોકો પરસ્પર મૈત્રી ન કરે અને એક કુટુંબનાં અંગો જેવા ન બને તો આ બધું શી રીતે થાય ? એ સારો દિવસ ઊગશે ત્યારે કોમી સવાલનું ભૂંડું ચાંદુ આપણા દેશના શરીર પર નહીં હોય.૨

ખેડૂતોને માટે સહકારી પદ્ધતિની ગણી વધારે જરૂર છે. હું ચોક્કસ માનું છું કે જમીનની માલકી રાજ્યની હોય. એટલે તેના પર સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો જ વધારે નીપજ થાય.

વળી એ પણ યાદ રાખવું જોઇએ કે સહકારી પદ્ધતિ ચુસ્ત અહિંસાના પાયા પર જ રચવી જોઇએ. હિંસાથી ભરેલી સહકારી પદ્ધતિ કદી સફળ નહીં થાય. એવી પદ્ધતિ અજમાવનારાઓમાં હિટલરનો દાખલો બહુ યાદ રાખવા જેવો છે. તે સહકારી પદ્ધતિની નાહક વાતો કરતો હતો પણ તેણે તે પદ્ધતિ લોકો પર જબરજસ્તીથી લાદી. એને પરિણામે જર્મની ક્યે રસ્તે ચડી ગયું ને તેની કેવી અવદશા થઇ તે સૌને જાહેર છે.

આ સવાલને અંગે છેવટમાં મારે એટલું જ કહેવાનું છે કે હિંદુસ્તાન સહકારના પાયા પરની નવી સમાજરચનાના કાર્યમાં હિંસાનો ઇલાજ લેશે તો મોટા દુઃખની વાત થશે. સારા કામને માટેયે જબરજસ્તી કરવાથી માણસનું વ્યક્તિત્વ નાશ પામે છે. અહિંસક અસહકારની એટલે કેપ્રેમની સજાવટની પદ્ધતિથી સામાજિક ને એવા બીજા ફેરફારો થાય છે ત્યારે વ્યક્તિના વ્યક્તિત્વનો પાયો સચવાઇ રહે છે અને દુનિયાને સાચી તેમ જ કાયમની પ્રગતિની ખાતરી આપી શકાય છે.૩

૧૭

ખેતી અને પશુપાલન - ૪

ખાતર

કૉંમ્પોસ્ટ ખાતર

સાર્વજનિક પ્રચારાર્થે શ્રી મીરાંબહેનની પ્રેરણાથી ને ઉત્સાહથી દિલ્હીમાં આ માસમાં (ડિસેમ્બર ’૪૭) એક સભા બોલાવવામાં આવી હતી. તેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રમુખ હતા. સરદાર દાતારસિંહ, ડૉં આચાર્ય વગેરે આ કામના વિશારદ એકઠા થયા હતા. તેઓએ ત્રણ દિવસના વિચારવિનિમય પછી કેટલાક અગત્યના ઠરાવ પસાર કર્યો છે. તેમાં શહેરોમાં ને સાત લાખ ગામડાંમાં શું કરવું તે બતાવ્યું છે. શહેરોમાં અને ગામડાંઓમાં થતા મનુષ્યના ને અન્ય પ્રાણીઓના મળનું, શહેર કે ગામડાંના કચરા, ચીંથરાં, કૂચા, કારખાનાંઓમાંથી નીકળતા મેલનું મિશ્રણ કરવાની કરવામાં આવી છે. આ ખાતે એક નાનકડી પેટા સમિતિ બનાવવામાં આવી છે.

જો આ ઠરાવ માત્ર છાપામાં જ ગુમ નહીં થઇ જાય ને તેનો અમલ કરોડો કરે તો હિંદુસ્તાનનું રૂપ બદલાઇ જાય. આપણી બેખબરીથી કરોડોની કિંમતનું સોના જેવું ખાતર બરબાદ થાય છે તે બચી જાય, જમીન રસાળ થાય ને પાક મળે છે તેના કરતાં બહુ વધારે મળે. પરિણામ એ આવે કે ભૂખમરો છેક જાય ને કરોડોને પેટપૂરતું અનાજ મળે ને તે ઉપરાંત બહાર પણ જાય.

આજ જેવી માણસોની ને ઢોરોની કંગાળ હાલત છે તેવી આપણા પાકની છે તેમાં દોષ જમીનનો નથી પણ મનુષ્યનો છે. આળસ અને અજ્ઞાન નામના બે કીડા આપણને ખાઇ જાય છે.૧

આપણી જમીનને પૂરું ખાતર નથી મળતું. આપણે ખાતર પણ બહારથી આયાત કરીએ છીએ ! એથી કેટલોય પૈસો નાહક બરબાદ થાય છે. વધારામાં જમીન પણ બગાડે છે. . .

જાનવરોનાં છાણ અથવા વિષ્ટાની સાથે કચરો વગેરે ભેળીને લોકો ખાતર બનાવે છે તો ખબર સરખી નથી પડતી કે આ ખાતર છે. હાથમાં લો તો વાસ પણ નથી આવતી. આમ કચરામાંથી કરોડો રૂપિયા પેદા થાય છે.૨

ખાતરના ખાડા

(ગામડાંઓમાં ખાતરના ખાડા કરવાની જરૂરિયાત સંબંધમાં શ્રી બ્રેઇનની ભલામણ સાથે સામાન્ય સંમતિ દર્શાવતાં તેમના ૬ ફૂટ પહોળા અને ૬ ફૂટ ઊંડા ખાડાની તેમની ભલામણ સાથે અસંમતિ દર્શાવતાં ગાંધીજીએ લખ્યું :)

હું જાણું છું કે મિ. બ્રેઇન સૂચવે છે એવા ખાડાની ભલામણ સામાન્ય રીતે થાય છે. છતાં મારો મત એવો છે કે પૂરે જે એક ફૂટના છીછરા ખાડાની ભલામણ કરી છે તે વધારે શાસ્ત્રીય ને લાભદાયક છે. એમાં ખોદવાની મજૂરી પણ ઓછી બેસે છે, એને ખાતર કાઢવાની મજૂરી બિલકુલ બેસતી નથી, અથવા હું જ ઓછી બેસે છે. વળી આ મળનું ખાતર બની જતાં લગભગ અઠવાડિયું જ લાગે છે, કેમ કે જમીનની સપાટીથી છથી નવ ઇંચની ઉચાઇ સુધીમાં રહેનારાં જંતુઓ, હવા અને સૂર્યાકિરણ મળની ઉપર અસર કરે છે; અને ખાતર ઊંડું દાટવામાં આવ્યું હોય તેના કરતાં છીછરા ખાડામાં ઉપલા કારણને લીધે મીઠું ખાતર ઘણું જલદી બની જાય છે.

કચરો ઠેકાણે પાડવાની રીતમાં ગમે તેટલી વિવિધતા હોય, પણ મુખ્ય વસ્તુ યાદ રાખવાની તે એ છે કે બધો કચરો દટાવો જ જોઇએ. એમ કરવાથી બે અર્થ સરે છે - એક તો ગ્રામવાસીઓનું આરોગ્ય સચવાય છે, અને દાટેલા કચરામાંથી બનેલા ખાતરને લીધે પાકમાં વધારો થવાની તેમની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. એટલું યાદ રાખવું જોઇએ કે મળ સિવાયના જાનવરોનાં શરીરના અવયવો વગેરે જુદા દટાવા જોઇએ. સફાઇ એ ગામડાંની પુનર્ઘટનાનું પહેલું પગથિયું છે એમાં કશી શંકા નથી.૩

મળમાંથી ખાતર

ફાઉલર નામના એક લેખકે ‘સંપત્તિ અને દુર્વ્યય, નામની અંગ્રેજી ચોપડીમાં કહ્યું છે કે મનુષ્યના મળને સારી રીતે ઠેકાણે પાડવામાં આવે તો તેમાંથી વરસેદહાડે માથાદિઠ રૂ. ૨ ઊપજે. ઘણીખરી જગાએ તો આજે સોના જેવું ખાતર વેડફાઇ જાય છે ને બદલામાં રોગ વહોરવામાં આવે છે. આ લેખકે પ્રો. બ્રુલટીનીના ‘કચરાનો ઉપયોગ’ નામના પુસ્તકમાંથી ઉતારો આપ્યો છે. તેમાં કહેલું છે કે, દિલ્હીમાં વસતાં ૨,૮૨,૦૦૦ માણસોના મળમાંથી જે નાઇટ્રોજન પેદા થાય છે તેથી ઓછામાં ઓછા ૧૦ હજાર અને વધારેમાં વધારે ૯૫ હજાર એકર જમીનને ખાતર પૂરું પડે.’ પણ આપણે આપણા ભંગીઓ સાથે સારી રીતે વર્તતાં શીખ્યા નથી, તેથી પ્રાચીન કીર્તિવાળી દિલ્હી નગરીમાં એવા નરકકુંડો છે જેને સારું આપણે શરમથી માથું નીચું ઘાલવું પડે. જો આપણે બધા ભંગીઓ બનીએ તો આપણે પોતાની પોતાની પ્રત્યે કેવી રીતે વર્તવું એ તો જાણીએ જ, અને આજે જે ઝેર છે તેનું વનસ્પતિને માટે ઉત્તમ ખાદ્ય કેમ બનાવી દેવું એ પણ આપણને આવડે. આપણે માત્ર જો મનુષ્યના મળનો સદુપયોગ કરીએ તો ડૉ. ફાઉલરની ગણતરી પ્રમાણે હિંદુસ્તાનની ૩૦ કરોડની વસ્તી પાછળ દેશને વરસે ૬૦ કરોડ રૂપિયાનો લાભ થાય.૪

કૉમ્પોસ્ટ ખાતર બનાવવાની પદ્ધતિ

(ઇન્દોરમાં ‘ઇન્સ્ટિટયુટ ઑફ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી’ નામની એક વૈજ્ઞાનિક સંસ્થા છે. જેમની સેવા માટે તે કાઢવામાં આવી છે તેમને માટે તે વખતોવખત પત્રિકાઓ કાઢે છે. આમાંની પહેલી પત્રિકામાં ખેતરના કચરાપૂંજામાંથી મિશ્ર ખાતર બનાવવાની રીત અને તેનીં ઉપયોગિતાનું વર્ણન છે. છાણ અને મળ ઉઠાવનાર કે ઠેકાણે પાડનાર હરિજનો અને ગ્રામસેવકોને માટે તે બહુ ઉપયોગી છે તેથી ખાતર બનાવવાની પ્રક્રિયાના ચાલતા વર્ણનમાં નોંધો ઉમેરીને લગભગ આખી પત્રિકા નીચે ઉતારું છું. - મો૦ ક૦ ગાંધી)

હિંદુસ્તાનની ખેતીની જમીનનાં ખૂટી ગયેલાં પ્રાણિજ તત્ત્વો તેને વ્યવસ્થિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાછાં આપવાં એ ખેતીનું ઉત્પાદન વધારવા માટેની સફળ યોજનાનો એક ભાગ છે એ વાત લાંબા વખતથી સ્વીકારાયેલી છે. ખેતરમાં કે બીજે કરેલા ઉકરડાનું ખાતર જોઇએ તેટલા પ્રમાણમાં મળી શકતું નથી તથી તે તૈયાર કરવામાં તેમાંથી નાઇટ્રોજનનો મોટો ભાગ નાશ પામે છે અને છેવટે જે ખાતર તૈયાર થાય છે, એ વાત પણ એટલી જ સ્પષ્ટતાપૂર્વક સમજાઇ છે. લીલું ખાતર કદાચ આને બદલે ચાલે. પણ હિંદના ઘણાખરા ભાગમાં ચોમાસું અનિશ્ચિત હોવાને કારણે તે મળવું અનિશ્ચિત હોય છે. વળી લીલું ખાતર જમીનમાં સડે છે. આ સગવડની ક્રિયા છોડના ખોરાકનાં ખૂટતા તત્ત્વો પૂરાં પાડવાની કુદરતી પ્રક્રિયામાં તે વખત પૂરતી બાધક થાય છે. ઉષ્ણકટિબંધમાં આ કુદરતી પ્રક્રિયા જમીનની ફળદ્રૂપતા જાળવી રાખવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જમીન હ્યુમસ તૈયાર કરવાના બોજામાંથી મુક્ત થઇને ખોેયેલાં તત્ત્વો મેળવવામાં અને કરશણની વૃદ્ધિ કરવામાં બધી શક્તિ ખરચી શકે એ સારામાં સારો રસ્તો છે. આમ કરવાનો સાદામાં સાદો ઉપાય એ છે કે ખેતરનો કચરોપૂંજો જે બળતણ કે ચારા તરીકે જરૂરનો ન હોય તેમાંથી ખેતીના ચાલુ કામકાજ દરમ્યાન આડપેદાશ તરીકે હ્યુમસ બનાવી લેવામાં આવે.

અહીં એ વાત પર ભાર મૂકવો જોઇએ કે વાડાના ખાતરનું સ્થાન લેનારું ખાતર બનાવટમાં હ્યુમસને વધારેમાં વધારે મળતું એટલે કે તેના જેવા ગુણવાળું હોવું જોઇએ. ઇન્દોર પદ્ધતિનું આ જ ધ્યેય છે અને તે તે સિદ્ધ કરે છે. આમ ઇન્દોર પદ્ધતિનું ધ્યેય બીજી પદ્ધતિઓથી તદ્દન જુદું છે. બીજી પદ્ધતિમાં ધ્યેય ખૂબ નાઇટ્રોજનવાળું સક્રિય ખાતર તૈયાર કરવાનું હોય છે જેની ખાસ ઉપયોગિતા કૃત્રિમ ખાતરો જેવી જ હોય છે.

ઇંદોરની ‘ઇન્સ્ટિટયૂટ ઑફ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી’માં થયેલા કામથી જે મિ. એલબર્ટ હાવર્ડે આ દિશામાં ૨૦ વરસ સુધી કરેલી પ્રયાસોનું અંતિમ પરિણામ છે, - નિશ્ચિતપણે પુરવાર થયું છે કે આ સિદ્ધાંતોનો સેહલાઇથી અમલ થઇ શકે તેમ છે. કૉમ્પોસ્ટ બનાવવાની ઇંદોર પદ્ધતિ વહેવારુ પક્રિયા આપે છે અને વિકાસના નવા રસ્તા ખોલે છે. ખેતરો ને શહેરોમાં તથા ગામોમાં કચરાપૂંજાના તથા મળના રૂપમાં જે અપાર કુદરતી સાધનો મોજૂદ છે તેનો આમ મિશ્ર ખાતર બનાવીને ખેતીમાં ઉપયોગ કરી શકાય. ખોળની નિકાસ અને છાણનો બળતણ તરીકે થતો ઉપયોગ અટકાવ્યા સિવાય આ રીતે ઘણું ખાતર મળી શકે છે, અને કૃત્રિમ ખાતરોના ઉપયોગમાં કરકસર કરી શકાય છે, જે પ્રાણિજ તત્ત્વોની મદદથી જ સારામાં સારું પરિણામ બતાવી શકે છે.

‘યુટિલાઇઝેશન ઑફ એગ્રિકલ્ચરલ વેસ્ટ’ (હાવર્ડ ઍન્ડ વેડ, ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૩૧) નામના પુસ્તકમાં આ સિવાયના પ્રશ્નો અને તેની પાછળ રહેલા સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. આ લેખમાં હિંદુસ્તાનના ખેડૂતની સ્થિતિને લાગુ પડે એટલી આ પક્રિયાની ટૂંકી રૂપરેખા આપી છે.

હિંદુસ્તાનના બાગાયત ખેતીના પાકો માટે ઉકરડાનું ખાતર કીંમતી મનાય છે. પણ જરાયત ખેતીમાં પણ આવું થોડું ખાતર આપતા રહેવું એટલું જ જરૂરી છે. કૉમ્પોસ્ટ બનાવવાની ઇંદોરપદ્ધતિ સારું ખાતર મોટા જથ્થામાં જલદી જલદી તૈયાર કરે છે. આ ખાતર નાખતાંની સાથે મોલને લાભદાયક થઇ પડે છે. વાડાના ખાતરનું આવું નથી. યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો ઇંદોર કૉમ્પોસ્ટ ત્રણ માસમાં તૈયાર થાય છે, અને ત્યારે તે ઝાંખા ભૂરા રંગનું ને છૂટું છૂટું હોય છે. તેમાં લગભગ ૨૦ ટકા જેટલો અરધોપરધો સડેલો જાડો પદાર્થ હોય છે જે આંગળીઓ વડે દબાવવાથી સહેલાઇથી ભૂકો થઇ જાય છે. બાકીનો ભાગ ભીનો હોય (અને તેથી તેના કણ ફૂલેલા હોય) ત્યારે એક ઇંચમાં છ કાણાંવાળી ચાળણીમાંથી ચાળી શકાય એટલો બારીક હોય છે. આ ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ તેમાં વપરાયેલ કચરાપૂંજાના ગુણ મુજબ ૮ થી ૧૦ ટકા અથવા તેથી પણ વધારે હોય છે. બળદથી એક જોડનું તાજું છાણ, ૧૦૦ થી ૧૨૫ ગાડાં ખેતર તથા કોઢનો બધી જાતનો કચરો અને કોઢમાંથી કાઢેલી મૂતરવાળી માટીનો અરધો ભાગ - આમાંથી દર વરસે ૫૦ ગાડાં મિશ્ર ખાતર સહેલાઇથી બનાવી શકાય. મૂતરવાળી માટી પોતે પણ સારું ખાતર છે અને તે સીધી ખેતરમાં નાખી શકાય. આથી વધારે કચરો મળે તો બાકીનું બધું છાણ અને મૂતરવાળી માટી મળીને તેમાંથી ૧૫૦ ગાડાં મિશ્ર ખાતર બનાવી શકાય. ઇંદોરમાં ચાલતા મજૂરીના દર ઉપરથી (પુરુષને આઠ આના અને સ્ત્રીને પાંચ આના) આ ખાતરની પડતર કિંમત ગણીએ તો ગાડા દીઠ સાડા આઠ આના આવે છે.

ઇંદોર પદ્ધતિની રૂપરેખા

ખેતરના નકામાં કચરાને તાજું છાણ, લાકડાની રાખ તથા મૂતરવાળી માટી સાથે ખાડામાં ઝપાટાબંધ સડાવવો એ આ પક્રિયાનું મુખ્ય અંગ છે. ખાડા ૧૪ ફૂટ પહોળા અને ૨ ફૂટ કરતાં ઊંડા ન હોવા જોઇએ. લંબાઇ ૩૦ ફૂટ રાખવી ઠીક પડશે. ખાડાનું આ માપ મોટા પાયા પરના કે નાના પાયા પરના બંને જાતના કામ માટે અનુકૂળ પડશે. દાખલા તરીકે ખાડાનો ૩ ફૂટ જેટલો ભાગ બે જોડ બળદોની કોઢમાંથી જે છાણ તથા કચરો મલે તેનાથી છ દિવસમાં ભરી શકાય. પછી તેની જોડેનો ભાગ ભરવો. આવા દરેક ભાગને સ્વતંત્ર એકમ ગણવું જોઇએ. ખાડામાંની વસ્તુઓને છાણ, લાકડાની રાખ, મૂતરવાળી માટી તથા જે ખાડામાં કચરો સડવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેમાંની ફૂગ - આ બધું થોડું થોડું પાણીમાં નાખીને બનાવેલા મિશ્રણથી સરખી રીતે પલાળવામાં આવે છે. આ ઝપાટાબંધ સડતા ખાતર ઉપર ફૂગ આવવાથી તે જલદી સફેદ બની જાય છે. આ ફૂગવાળા ખાતરનો ઉપયોગ નવા ખાડામાના કચરાને જલદીથી સડાવવાના કામમાં કરવામાં આવે છે. પહેલી વાર જ્યારે સડાની ક્રિયા શરૂ કરાવનાર આ ફૂગવાળું ખાતર ન હોય ત્યારે ખાડામાં પહેલો થય પાથરતી વખતે થોડાં લીલાં પાંદડાં નાખવાથી ફૂગ લાવી શકાય છે. સડો શરૂ કરનાર આ ફૂગમાં પૂરો ગુણ ત્રણચાર વાર વપરાયા પછી જ આવે છે. ખાડાની સપાટી પર પાણી છાંટીને અને ખાડામાંની વસ્તુઓને ફેરવીને તથા ફેરવીને તથા બીજી વાર ફૂગ નાખીને ભીનાશ તથા હવાને નિયમિત બનાવીને સડવાની ક્રિયા ચાલું રાખવામાં આવે છે. આ વખતે ફૂગ ત્રીસ દિવસ પહેલાં શરૂ કરેલા ખાડામાંથી લેવામાં આવે છે. ખાડામાંનો ઢગલો જલદી ગરમ થઇ જાય છે અને લાંબા વખત સુધી ગરમ રહે છે વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવે તો એકસરખું સરસ મિશ્રણ તૈયાર થાય છે અને તેને ઘણી હવા પણ મળતી રહે છે. મધ્યમસર પાણી આપવાથી વસ્તુઓ સડવાનું એકદમ શરૂ થાય છે, જે છેવટ સુધી ચાલુ રહે છે. અને છેવટે એકસરખું ઉમદા તૈયાર થાય છે.

ખાડા બનાવવા

ઢોરો બાંધવાના માંડવા નજીક અને શક્ય હોય તો પાણીનું સાધન હોય ત્યાં સૂકી જમીન પસંદ કરવી. ૩૦ ટ ૧૪ ટ ૨ ફૂટના માપનો ખાડો કરવા માટે ૩૦ ટ ૧૪ના માપનો એક ફૂટ ઊંડો ખાડો ખોદી તેની માટી ચારે બાજુની ધારો પર પાથરવી એટલે ઊંડાઇ બે ફૂટ થશે. આવા ખાડાઓ બબ્બેની જોડીમાં કરવા અને તેમની લંબાઇ પૂર્વપશ્ચિમ રાખવી. બે ખાડા વચ્ચેનું અંતર છ ફૂટ હોવું જોઇએ, અને બે જોડકાં વચ્ચેનું અંતર બાર ફૂટ હોવું જોઇએ. તૈયાર થયેલા કૉંમ્પોસ્ટના ઢગલા અને વરસાદમાં કરવામાં આવતા ઢગલા ખાડાનાં બે જોડકાં વચ્ચેની આ ખુલ્લી જગ્યામાં કરવામાં આવે છે. આ જગ્યા દરેક ખાડામાંથી ખાતર સીધું ગાડામાં ભરીને લઇ જવા માટે પણ કામમાં આવે છે.

માટી અને ઢોરનું મૂતર

ઢોરોના મૂતરમાં ખાતરનાં કીમતી તત્ત્વો હોય છે, જે ખાતર બનાવવાની સામાન્ય પદ્ધતિમાં મોટે ભાગે નાશ પામે છે. ઢોરના માંડવાની જગ્યાનું ભોંયતળિયું પાકું બાંધવું એ ખરચાળ અને બળદો માટે સારું નથી હોતું. ઢોરોને ઊઢવા બેસવા અને ઊંઘવા માટે છૂટી માટીનું નરમ, ગરમ અને સૂકું પાથરણું સસ્તું બનાવી શકાય છે. આને માટે ખળામાંથી વાળેલો કચરો, ઢાળિયામાંનો કાંપ અને ઘાસ સાચવી રાખવા માટે કરેલા ખાડામાંથી માટી ઠીક પડે છે. આ માટીના થરમાંથી રોજ મૂતર પીધેલી માટી ઉઝરડી લઇને તેની જગ્યાએ તાજી માટી નાખી તેના ઉપર ઢોરોનો ઓગાટ પાથરવામાંઆવે તો છ ઇંચનો થર કશી ગંદકી વગર ઢોરોનું બધું મૂતર ચૂસી લેવા માટે પૂરતો છે. આ મૂતરવાળી માટી દર ચાર મહિને કાઢી લઇને નવો થર બનાવવો જોઇએ. મૂતરવાળી માટીનો બારીક ભાગ કૉંમ્પોસ્ટ બનાવવા માટે રાખીને મોટા ગાંગડા સીધા ખેતરમાં નાખવા. આ ખાતરની અસર તરત થવા માંડે છે. ખાસ કરીને બાગયત ખેતીમાં આ ખાતર ઉપરથી આપી શકાય છે.૫

છાણ અને રાખ

રોજ જે છાણ ભેગુંથાય તેમાંથી કેવળ તાજા છાણનો ઉપયોગ કરવાનો છે. તેને પાણીમાં પલાળીને પ્રવાહીરૂપે છાંટવામાં આવે છે. બાકીના છાણનાં, જોઇએ તો બળતણ માટે છાણાં બનાવી શકાય. રસોડામાંથી અને બીજેથી લાકડાની રાખ ચીવટપૂર્વક એકઠી કરવી જોઇએ, અને તે ઢાંકીને ભરી રાખવી જોઇએ.

ખેતરનો કચરો

ખેતરમાં બીજી રીતે ઉપયોગી ન હોય તેવા દરેક પ્રકારનાં ઘાસપાનનો કૉંમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગ કરી શકાય. જેવાં કે, નકામું ઊગી નીકળતું ઘાસ, કપાસના છોડની સાંઠી, તલસરાં, કસૂંબી, અળસી, સરસવ, ચણા-આ બધાનાં ડાંખળાં-પાંદડાં, શેરડી, જુવાર, મકાઇ વગેરેનાં સાંઠાના કૂચા તથા મૂળિયાં, ઝાડનાં પાંદડાં, ઘાસનો ઓગાટ, પરાળ વગેરે. આમાંની સખત વસ્તુઓ કચરવી પડશે. સિંધમાં કાચા રસ્તા ઉપર પણ ગાડાના ચીલામાં આવી વસ્તુઓ પાથરીને અને થોડે થોડે વખતે કચરાયેલો ભૂકો કાઢી લઇ નવી વસ્તુઓ ઉમેરતા જઇને આ કચરવાની ક્રિયા સરળતાપૂર્વક કરી લેવામાં આવે છે. મૂળિયાં અને ખાંપા વગેરે વધારે સખત ભાગને કચરાયા પછી ઓછામાં બે દિવસ સુધી પલાળી રાખવો જોઇએ. અથવા બે-ત્રણ મહિના સુધી પલાળી રાખવો જોઇએ. અથવા બે-ત્રણ મહિના સુધી ભીની માટીમાં દાટી રાખવો જોઇએ, પછી તે વાપરી શકાય. ચોમાસામાં આ સહેલાઇથી થઇ શકે. લીલી વસ્તુઓ થોડી સૂકવી લઇને તેની ઢગલી કરવી. જે વસ્તુઓ થોડી થોડી હોય તે બધી જુદી પાડીને તેમની એક ઢગલી કરવી અને જે ચીજો મોટા પ્રમાણમાં હોય તેમની દરેકની જુદી જુદી ઢગલી કરવી. આ બધું કૉમ્પોસ્ટના ખાડામાં લઇ જતી વખતે બધી વસ્તુઓનું મિશ્રણ લેવું અને કોઇ એક વસ્તુ કે કરતાં વધારે ન આવે તેનો ખ્યાલ રાખવો જોઇએ. પાણીમાં ભીંજવી રાખેલાં અથવા નરમ બનાવેલાં લેવાં જોઇએ. સામાન્ય રીતે મળી આવે એવી વસ્તુઓ એકઠી કરીને આંખું વરસ ચાલે એટલા પ્રમાણમાં વાપરવામાં આવે તો આ સહેજે થઇ શકે એમ છે. શણ અથવા એવા બીજા ખરીફ પાકના ઉપયોગથી કૉમ્પોસ્ટને વધારે ગુણકારી બનાવી શકાય છે. તે લીલા લીલા કાપવા જોઇએ અને સુકાય એટલે ઢગલો કરવો જોઇએ. આથી રવીની મોસમ વખતે સાફ જમીન મળશે અને શણના વાવેતરથી રવી પાકને ફાયદો થશે.

પાણી

જ્યાં કૉમ્પોસ્ટ બનાવવાનું હોય ત્યાં નજીકમાં એક નાનો ખાડો બનાવીને ઘરના વપરાશનું ગંદું પાણી એકઠું કરવામાં આવે, ને તે રોજ વાપરવામાં આવે તો ઘણી મહેનત બચી જશે. લાંબા વખત સુધી બંધિયાર રહેલું પાણી નુકસાનકારક છે. એટલે આથી વધારે પાણીની જરૂર હોય તો બીજી ગોઠવણ કરવી જોઇએ. એક ગાડું કૉંમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઋતુ પ્રમાણે ૪ ગૅલનનાં ૫૦ થી ૬૦ પીપ પાણીની જરૂર પડે છે.

વિગતવાર વર્ણન

ખાડા ભરવા

ચાર ફૂટ લાંબો અને ત્રણ ફૂટ પહોળો એક ટાટનો ટુકડો લો અને તેની લાંબી બાજુની બંને કિનારો ૭ાા ફૂટ લાંબા બે વાંસ સાથે સીવી લો એટલે સ્ટ્રેચર જેવું સાધન તૈયાર થશે. આને ઝોળી કહીશું. ઢોરના માંડવામાં બળદ નીચે એક અને ભેંસ નીચે ૧ાા ઝોળીના હિસાબે ખેતરનો કચરો રોજ પાથરો. આ કચરામાંં ઢોરનું મૂતર શોષાતું રહે છે. અને ઢોરો તેને કચરીને સરખો કરે છે. વરસાદમાં ઢોરોનું પાથરણું, તેને માટે ખાસ રાખી મૂકેલા સૂકા કચરાના બે થરોની વચ્ચે જરા ચીમળાયેલા લીલા કચરાનો થર નાખીને બનાવવામાં આવે છે. પ્રવાહી બનાવી લીધા પછી જે છાણ વધે તેનાં છાણાં બનાવી શકાય અથવા નાની નારંગી જેવડાં લોંદા કરીને તે ઢોરની નીચે પાથરી શકાય. પ્રવાહી બનાવ્યા પછી મૂતરવાળી માટી અને ફૂગવાળા ખાતરનો બચેલો ભાગ બીજે દિવસે સવારે ઢોરોના પાથરાણા ઉપર છાંટી દેવામાં આવે છે. પછી પાથરાણું પાવડાથી ઉઝરડી લઇને સીધું ખાડામાં આછું આછું પાથરી દેવામાં આવે છે. પછી લાકડાની રાખ, તાજું છાણ, મૂતરવાળી માટી અને ફૂગવાળું ખાતર બધું થોડું લઇ તેનું પ્રવાહી બનાવી તેનાથી દરેક થરને એકસરખો પલાળવામાં આવે છે. સૌથી ઉપરના થરને પાણી છાંટીને ભીંજવવામાં આવે છે અને સાંજે તથા બીજે દિવસે સવારે વધારે પાણી છાંટીને પૂરેપૂરો ભીંજવી દેવામાં આવે છે. જેટલો કચરો મળે એમ હોય તેના પ્રમાણમાં એક ખાડો અથવા તેનો અમુક ભાગ છ દિવસમાં પૂરેપૂરો ભરી દેવો જોઇએ. ત્યાર પછી ખાડાનો બીજો ભાગ અથવા બીજો ખાડો એ જ રીતે ભરવાનું શરૂ કરવામાં આવે. કચરો ભરતી વખતે કતેને પગથી દબાવવો નુકસાનકારક છે, કારણ કે, તેમ કરવાથી હવા અંદર જતી અટકે છે.

વરસાદમાં ખાડા પાણીથી ભરાઇ જાય છે. વરસાદ આવે એટલે ખાડામાંથી કચરો જમીન પર એકઠો કરવો જોઇએ. વરસાદમાં ૮ ટ ૮ ટ ૨ ફૂટના ઢગલા જમીન પર કરીને નવું કૉમ્પોસ્ટ બનાવવું જોઇએ. આ ઢગલા ખાડાનાં જોડકાંની વચ્ચેની જગ્યા પર પાસે પાસે અને સીધા કરવા જોઇએ જેથી તેમને ઠંડો પવન ન લાગે.

કૉમ્પોસ્ટને ફેરવવું અને તેના પર પાણી છાંટવું

સડતા કૉમ્પોસ્ટની ઉપર દર અઠવાડિયે પાણી છાંટીને તેનો ભેજ સાચવી રાખવામાં આવે છે. ખાડાની અંદર વચ્ચે વચ્ચે ભેજ અને હવા પહોંચાડવી જરૂરી છે એટલે ખાતરને પાણીના છંટકાવ સાથે ત્રણ વાર ફેરવવું જોઇએ જેથી ભેજ સચવાઇ રહે. વરસાદના દિવસોમાં પાણી ઓછું છાંટવું અથવા મુદ્દલ ન છાંટવું. પરંતુ પહેલી વાર ખાડો ભરવામાં આવે ત્યારે તો ગમે તે ઋતુ ચાલતી હોય. તોપણ પાણી છાંટવું જ જોઇએ.

પહેલી ફેરવણી - લગભગ ૧૫ દિવસ પછી

ખાડામાંથી ઉપરનો સડ્યા વગરનો થર કાઢી લઇ તેનો નવો ખાડો ભરવાના કામમાં ઉપયોગ કરવો. પછી ખુલ્લી થયેલી સપાટી પર ૩૦ દિવસનું જૂનું કૉમ્પોસ્ટ પાથરવું અને તેના પર એટલું પાણી રેડવું કે તે લગભગ છ ઇંચ સુધી સારી રીતે ભીંજાઇ જાય. પહેલા પલટા વખતે ખાડાના બે ઊભા કરવામાં આવે છે અને હવાની દિશા તરફનો અડધો ભાગ જેમનો તેમ રાખી બાકીનો અડધો ભાગ કાઢીને તેના ઉપર નાખવામાં આવે છે. (આ ફેરવણી માટે સેંથલો ઠીક પડશે.) કચરાનો એક એક થર વારાફરતી ન ઉપાડવો પણ ઉપરથી નીચે સોંસરો જેંસલો મારીને ઉપાડવો પણ ઉપરથી નીચે સોંસરો જેંસલો મારીને ઉપાડવો જેથી બધા થરમાંનો કચરો આવે. ફેરવાયેલા કચરાનો દરેક થર, જે લગભગ છ ઇંચનો હશે, તેને પાણી છાંટીને સારી રીતે પલાળવો જોઇએ. વરસાદમાં આખોય ઢગલો ફેરવવો.

બીજી ફેરવણી - એક મહિના પછી

ખાડાના અર્ધા ભાગનો કચરો ઉપર પ્રમાણે બાકીના ખાલી ભાગમાં સેંથલાથી ફેરવી નાખવો અને તેના પર પૂરતું પાણી છાંટવું. આમાં પણ ઉપરથી નીચે સુધીના ખાતરનું મિશ્રણ થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

ત્રીજી ફેરવણી - બે મહિના પછી

એ જ રાતે પાવડાથી કૉમ્પોસ્ટ ખાડાની પાસેની ખુલ્લી જગ્યા પાસે ફેલાવીને તેના પર પાણી છાંટવામાં આવે છે. બે ખાડાનું ખાતર કાઢીને તેની વચ્ચેની ખુલ્લી જગ્યા પર ૧૦ ફૂટ પહોળો અને ૩ાા પૂટ ઊંચો ઢગલો કરી શકાય. ઢગલાની લંબાઇ ગમે તેટલી રાખી શકાય. અમે આમ ઘણા ઠગલા સાથે સાથે કરી શકાય. સગવડ હોય તો ખાતરને સારી રીતે પાણી છાંટીને ખાડામાંથી ગાડામાં ભરીને સીધું ખેતરમાં લઇ જઇ શકાય. જે જમીનમાં ખાતર નાખવાનું હોય ત્યાં જ તેનો ઢગલો કરવો જોઇએ. એમ કરવાથી વાવણીની મોસમમાં કીમતી સમય બચી જશે. બધા ઢગલા સીધા અને ઉપરથી સપાટ હોવા જોઇએ જેથી તે વધારે સુકાઇ ન જાય અને કોહવાની ક્રિયા અટકી ન જાય.

સારા ખાતરમાં કોઇ પણ તબક્કે દુર્ગંધ નથી આવતી અને તેનો રંગ એકસરખો રહે છે. દુર્ગંધ મારે કે માખીઓ બેસે તો જાણવું કે તેને વધારે હવાની જરૂર છે; અને તેથી ખાડાના ખાતરને ફેરવવું જોઇએ અને તેમાં થોડી રાખ અને છાણ નાખવું જોઇએ.

દરેક દાખલામાં કચરો, છાણ, વગેરે કેટલા પ્રમાણમાં જોઇએ તે સાદી ગણતરીથી નીચેના આંકડાના આધારે સહેલાઇથી જાણી શકાશે.

૪૦ ઢોરો માટે જરૂરી માત્રા

છ દિવસ સુધી રોજ ખાડા ભરવા : ૪ તગારી (૧૮ ઇંચ વ્યાસવાળી અને છ ઇંચ ઊંડી) ફૂગવાળું ખાતર, ૧૫ તગારી મૂૂરતવાળી માટી અને બળતણમાં ન વપરાતું હોય તો, ફાલતું છાણ ખાડામાં પાથર્યા પછી તેના પર કોઢમાંનુું પાથરણું અને પાથરણું ઉઠાવ્યા પછી ઝાડુથી વાળીને એકઠો કરેલો બારીક કચરો એક દિવસમાં ખાડામાં નાખવાનું પ્રમાણ - ૪૦ થી ૫૦ ઝોળી.

મિશ્રણ : કોઢના એક દિવસના કચરા વગેરે માટે ૨૦ પીપ (૧૮ પીપ = ૪ ગૅલન) પાણી, ૫ તગારી છાણ, ૧ તગારી રાખ, ૧ તગારી મૂતરવાળી માટી અને ૨ તગારી ફૂગવાળું ખાતર.

પાણી : ઢોરની કોઢના એક દિવસના કચરા માટે ૬ પીપ ખાડો ભરવાની સાથે, ૧૦ પીપ સાંજે અને ૬ પીપ બીજે દિવસે સવારે.

ઉપરથી સપાટી પર છંટકાવ : દરેક વખતે પચીસ પીપ.

ફેરવણી વખતે પાણી : પહેલી ફેરવણી વખતે ઋતું અનુસાર ૬૦ થી ૧૦૦ પીપ, બીજી ફેરવણી વખતે ૪૦ થી ૬૦ પીપ, ત્રીજી ફેરવણી વખતે ૪૦ થી ૮૦ પીપ.

ફૂગવાળું ખાતર : પહેલી ફેરવણી વખતે ૧૨ તગારી.

કોષ્ટક

એક તગારીમાં જુદી જુદી વસ્તુઓ કેટલી ભરી શકાય.

વસ્તુ પોશ વજન પાઉંડમાં

તાજું છાણ ૬ થી ૭ ૪૦

મૂતરવાળી માટી ૨૦ થી ૨૧ ૨૨

લાકડાંની રાખ ૧૫ ૨૦

ફૂગવાળું ખાતર ૪ ૨૦

પહેલી ફેરવણી વખતે

ફૂગવાળું ખાતર ૬ ૨૦

કામનું સમયપત્રક

કામ

૧ લે દિવસે ખાડા ભરવાનું શરૂ થાય છે.

૬ ઠ્ઠે દિવસે ખાડા ભરવાનું પૂરું થાય છે.

૧૦ મે દિવસે ફૂગ જામે છે.

૧૨ મે દિવસે પાણીનો પહેલો છંટકાવ

૧૫ મે દિવસે પહેલી ફેરવણી અને એક મહિનાનું

૧૬ મે દિવસે જૂનું કૉમ્પોસ્ટ ઉમેરવું

૨૪ મે દિવસે પાણીનો બીજો છંટકાવ

૩૦,૩૨ મે દિવસે બીજી ફેરવણી

૩૮ મે દિવસે પાણીનો ત્રીજો છંટકાવ

૪૫ મે દિવસે પાણીનો પાંચમો છંટકાવ

૬૦ મે દિવસે ત્રીજી ફેરવણી

૬૭ મે દિવસે પાણીનો પાંચમો છંટકાવ

૭૫ મે દિવસે પાણીનો છઠ્ઠો છંટકાવ

૯૦ મે દિવસે કૉમ્પોસ્ટ તૈયાર

ઇંદોર પદ્ધતિ પૂરેપૂરી અમલમાં મૂકી શકાય એવા સંજોગો ન હોય ત્યારે નીચે આપેલી પદ્ધતિથી ઇંદોર પદ્ધતિના લાભ કેટલેક અંશે મેળવી શકાશે.

આ પદ્ધતિમાં અનેક પ્રકારના કચરાનું મિશ્રણ ઢોરોના પાથરણા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજે દિવસે સવારે આ કચરો ખસેડતા પહેલાં તેના પર આગળ વર્ણવ્યું છે તેમ જોઇતા પ્રમાણમાં છાણ, મૂતરવાળી માટી અને રાખ પાથરવામાં આવે છે. ત્યારે પછી આ બધો કચરો જે ખેતરમાં તેનો ઉપયોગ કરવાનો હોય તે ખેતરને શેઢે અથવા બીજી કોઇ સૂકી જગ્યાએ લઇ જવામાં આવે છે અને તેના ૮ ઇંચ પહોળા અને ૩ ઇંચ ઊંચા ઢગલા કરવામાં આવે છે. ઢગલાની લંબાઇ અનુકૂળતા પ્રમાણે ગમે તેટલી રાખી શકાય. વરસાદ શરૂ થયા પછી લગભગ એક મહિને તેના પર ફૂગ વળી જશે. પછી એક દિવસ, જ્યારે આકાશમાં વાદળાં ઘેરાયાં હોય અથવા થોડો વરસાદ વરસતો હોય ત્યારે તેનેસારી રીતે ઉપરતળે કરીને ફેરવી નાખવામાં આવે છે. એક મહિના પછી તેને ઉપર પ્રમાણે એકબે વાર ફેરવવામાં આવેછે, જેથી મોસમ પૂરી થતામાં જો વચ્ચે વચ્ચે સારો વરસાદ થયો હોય તો તે સડી જાય છે.

અલબત્ત ખાતર તૈયાર થાય તે પહેલાં એક વરસ થોભવું આવશ્યક છે. અને ચોમાસું નિષ્ફળ નીવડે તો વધારે પણ થોભવું પડે.

આ રીતે જે ખાતર તૈયાર થશેતે ઇંદોર પદ્ધતિથી બનાવેલા ખાતર કરતાં હલકું હશે, પણ વાડાના સામાન્ય ખાતર કરતાં જરૂર વધારે સારું હશે; કારણ કે આ પદ્ધતિથી પણ સખત વસ્તુઓ સહેલાઇથી કહોવડાથી શકાય છે અને આ રીતે ગામડામાં પ્રચલિત પદ્ધતિથી જે ખાતર તૈયાર થાય છે તેના કરતાં ઘણું વધારે ખાતર બને છે.૬

ગામડાના પાકો

પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની દરેક ગામડાની પહેલી ફરજ ગણાશે. પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાંઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય, એવા પાકો લેવાશે. ઉપયોગી એટલે કે તેમાં ગાંજો, તમાકુ, અફીણ વગેરે પાકો નહીં.

૧૮

ખેતી અને પશુપાલન - ૫

ખોરાકની તંગીનો સવાલ

અનાજની તંગી

કુદરતી અગર માણસની ભૂલોને કારણે પડેલા દુકાળનો અને તેમાંથી પેદા થતા ભૂખમરાને કારણે કરોડોનો નહીં તો લાકોનાં મરણનો અનુભવ હિંદને પહેલાંયે થયેલો છે. હું માનું છું કે, કોઇ પણ સુવ્યવસ્થિત સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો બંદોબસ્ત હમેશાં આગળથી કરી રાખવામાં આવેલો હોય. પણ સુવ્યવસ્થિત સમાજનું અને તેવો સમાજ આ બાબતમાં કેવી ઢબે કામ લે તેનું વર્ણન કરવાનો આ અવસર નથી. ઠીકઠીક સફળતાની આશા રાખી આજે કે નહીં એટલું જ આજે તો વિચારવાનું છે.

મને લાગે છે આપણે એવો ઇલાજ જરૂર કરી શકીએ. એને અંગે પહેલો પાઠ આપણે સ્વાશ્રય અને આત્મશ્રદ્ધાનો શીખવાનો છે. એ પાઠ બરાબર પચાવીએ તો પરદેશો પર ખોરાકની બાબતમાં આધાર રાખવાની અને આખરે તેમાંથી દેવાળું કાઢવાની આફતમાંથી આપણે તરત ઊગરી જઇએ. આ હું કંઇ ગુમાનમાં આવી જઇને કહેતો નથી, એ વસ્તુસ્થિતિ છે. આપણો દેશ કેવડો છે તેનો વિચાર કરો. બહારની મદદ પર પોતાની ખાધાખોરાકીને માટે નભી શકે એટલો એ નાનો નથી. આપણો મુલક એક ઉપખંડ જેવો વિશાળ છે અને આપણા રાષ્ટ્રની વસ્તી લગભગ ચાળીસ કરોડની છે. આપણે ત્યાં મોટી મોટી નદીઓ છે, ભાતભાતની ખેતી થઇ શકે એવી જાતજાતની જમીન છે અને આપણું પશુધન કદી ખૂટે એવું નથી. આપણાં ઢોર આપણી જરૂર જેટલું દૂધ આપતાં નથી તેમાં કોઇનો નહીં, આપણો પોતાનો જ વાંક છે. આપણે જેટલું જોઇએ તેટલું ટીપુંએ ટીપું દૂધ આપવીની આપણાં જાનવરોની ગુંજાશ છે. પાછલા થોડા સૈકા દરમિયાન આપણા મુલકની બરાબર સંભાળ રહી નથી. એની સંભાળ બરાબર રાખવામાં આવી હોત તો આજે આપણો દેશ પોતાની કુલ વસ્તીને પૂરતો કોરાક પૂરો પાડવાને સમર્થ થાત, એટલું જ નહીં, ગયા મહાયુદ્ધને પરિણામે આખી દુનિયાને માથે આજે ખોરાકના પદાર્થોની તંગીની જે આફત ઊતરી છે તેમાંથી તેને ઉગારી લેવાને જરૂરી એવું અનાજ પૂરું પાડવાના કામમાં પણ તેણે પોતાની ઘટતી ફરજ બજાવી હોત. દુનિયામાં વરતાતી અનાજની તંગીમાંથી તો આજે હિંદ પણ બાદ નથી. તંગીની આફત ઘટવાની વાત તો દૂર રહી, ઊલટી વધતી હોય એવાં લક્ષણો દેખાય છે. આ સવાલને અંગે હું જે દરખાસ્ત કરવા માગું છું તેમાં કોઇ પણ પરગજુ દેશ આપણને છૂટથી મફત અનાજપહોંચાડવા માગતો હોય તેને નગુરા થઇને ના પાડવાની વાત આવતી નથી. મારે એટલી જ વાત ભાર દઇને કહેવી છે કે આપણે ભીખ માગવાને જેની-તેની આગળ હાથ ન લંબાવીએ. એથી આપણી પ્રજા ભ્રષ્ટ થાય છે. આમાં વળી દેશમાં એક ઠેકાણેથી બીજા ઠેકાણે અનાજની હેરફેરની મુશ્કેલીનો ઉમેરો. એક સ્થળેથી બીજે સ્થળે ઝપાટાબંધ અનાજ લાવવા લઇ જવાને જરૂરી સાધનો ને સગવડ આપણી પાસે નથી. એમાં વળી ખાવાના કામમાં ન આવે તેવું અનાજ આપણે માથે પડે એ પણ કંઇ છેક ન બને તેવી વાત નથી. આ અનાજ આપવાલેવામાં આપણે સામાન્ય માનવસ્વભાવ સાથે કામ પાડવાનું છે એ ભૂલ્યે ચાલે નહીં. માનવીનો સ્વભાવ તદ્દન સંપૂર્ણ સારો અથવા લગભગ તેવો પણ દુનિયામાં કોઇ ભાગમાં જોવાનો મળતો નથી.

હવે પરદેશોમાંથી કેટલી મદદ મળી શકે તેનો આપણે જરા વિચાર કરીએ. મને જણાવવામાં આવ્યું છે કે, આપણી આજની જરૂરિયાતના ત્રણ ટકાથી વધારે સહાય બહારથી આપણને મળે તેવી નથી. આ માહિતી બીજા ઘણા નિષ્ણાતોને પૂછીને સાચી છે કે નહીં તેની મેં ખાતરી કરી લીધી છે. તો આ કેવળ ત્રણ ટકા પૂરતી સહાય મેળવવાને માટે ફાંફાં મારવાની આખી દલીલમાં કશો દમ રહેતો નથી. આપણે બહારની મદદ પર જરા જેટલોયે આધાર રાખવા જઇશું તો સંભવ છે કે અવળે રસ્તે ચડી જઇશું, આપણાથી દેશમાં ને દેશમાં જે બની શકે તે બધું કરી છૂટવાનું માંડી વાળીશું અને ખેતી થઇ શકે તેવી જમીનના તસુએ તસુમાં વેચીને નાણાં કમાવાના કામમાં આવે તેવા કપાસ વગેરે જેવા પાકો લેવાનું બંધ કરી રોજિંદા ખોરાકને માટે જરૂરી પદાર્થો ઉગાડવાનું પણ આપણને નહીં સૂઝે. જેને તરત ને તરત ખેડીને ખેતીના કામમાં લઇ શકાય તેવા ખરાબાઓમાં તો બેશક તરત ખેડાણ શરૂ થવું જોઇએ.

એક કેન્દ્રમાં ખોરાકની ચીજો એકઠી કરી ત્યાંથી જ બંદોબસ્ત કરવાથી મને ડર છે કે ઘણો બગાડ થશે. એથી ઊલટું અનેક કેન્દ્રી વ્યવસ્થા રાખવાથી સહેજે કાળાંબજારોને ફટકો પડશે અને અનાજની અહીંથી તહીં હેરફેર કરવાને અંગેના વખતનો અને ખરચનો બચાવ થશે. વળી હિંદના ગામડાનો વતની જે અનાજની ને કઠોળની ખેતી કરી જાણે છે તે ઉંદર, કોળ વગેરેથી પોતાના પાક કેમ બચાવી લેવા તે પણ બરાબર જાણે છે. એક સ્થળેથી બીજે સ્થળે એમ અનેક સ્થળો પર અનાજ લઇ જવામાં તેમાંનું ઘણું ઉંદરો વગેરે જીવ ખાઇ જાય એવો ભય રહે છે. આમાં દેશને કરોડોનું નુકસાન થાય છે અને આજે તો અનાજના એકએક દાણાની આપણને મોટી જરૂર છે ત્યારે ખાંડીબંધ દાણો નકામો જાય છે. જ્યાં જ્યાં ઊગી શકે ત્યાં એકેએક તસુમાં ખાઇ શકાય એવા પદાર્થો ઉગાડવાની આજે મોટી જરૂર ઊભી થઇ છે એ વાતનું એકેએક હિંદીને પૂરું ભાન થાય તો મુલકમાં ખોરાકની તંગી છે એ વાત પણ આપણે સંભવ છે કે ભૂલી જઇએ. વધારે અનાજ તેમ જ ખોરાકના પદાર્થો ઉગાડવાના મોહક તેમ જ રસમાં ડુબાડી દેનાર વિષયની મ અહીં બેશક પૂરી ચર્ચા કરી નથી. મેં જે કંઇ કહ્યું છે તેટલા પરથી મને આશા છે કે આ વખાણવાલાયક કામમાં હરેક માણસ કેવી રીતે ભાગ લઇ શકે એ હરેક સમજદાર માણસને સમજાશે અને હરેકના મનમાં એ વિષે રસ જાગશે.

હવે ત્રણ ટકા જેટલી ખાધનું અનાજ જે બહારથી મળી શકે એવો સંભવ છે તેને વિષે શું થઇ શકે તેહું બતાવું. હિંદુઓમાં દર પખવાડિયે અગિયારસને દિવસે આખો અથવા અરધા દીવસનો ઉપવાસ કરવાનો રિવાજ છે. મુસલમાનોને પણ ખાસ કરીને કરોડોની સેવા કરવાની છે ત્યારે ઉપવાસનો સંયમ પાળવાનો બંધી નથી. એટલે આખા દેશને આવા થોડા વખતને માટે ખાવામાં સંયમ પાળવામાં રહેલી ખૂબીનું ભાન થાય તો સ્વેચ્છાએ જે બહારની મદદ જતી કરશે તેથી પોતાને પડતી ખોરાકની ખાધને હિંદ પહોંચી વળશે એટલું જ નહીં, તેને વધારાની બચત થશે.

અંગત રીતે મને પોતાને લાગે છે કે માપબંધીનો ઉપયોગ નથી અને હશે તો નજીવો છે. અનાજ પેદા કરનારા વર્ગને પોતાની મેળે જેમ કરવું હોય તેમ કરવાની છૂટ આપવામાં આવે તો તે લોકો પોતે નિપજાવેલો માલ બજારમાં લઇ આવશે અને આજે સહેલાઇથી મળતો નથી તે સારો ખાવા લાયક દાણો સૌને મળી રહેશે.

ભુખે મરતી યુરોપની પ્રજાને માટે અત્યંત જરૂરી એવો દાણો બચાવવાને માટે અમેરિકાના લોકોએ રોટીઓછી ખાવાનું શરૂ કરવું એવી જે સલાહ પ્રેસિડન્ટ ટ્રમૅનેપોતાના રાજ્યની પ્રજાને આપ્યાના સમાચાર આવ્યા છે તેના તરફ ધ્યાન ખેંચીને હું આપણી ખોરાકની પરિસ્થિતિ વિષેનું આજનું ટૂંક વિવેચન પૂરું કરીશ. પ્રમુખ ટ્રમૅને વધારામાં કહ્યું છે કે આવા પોતે સૂચવેલા સંયમના ઇલાજથી અમેરિકાની પ્રજાની તબિયતને કોઇ જાતનું નુકસાન થનાર નથી. માનવસેવાની ભાવનાથી પ્રેરિત આવી સલાહ પોતાની પ્રજાને આપવાને માટે પ્રેસિડન્ટ ટ્રમૅનને હું અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપું છું. આ માનવસેવાની ભાવનાની ભીતરમાં ઊંડે ઊંડે અમેરિકાને માટે પૈસાનો ફાયદો કરાવી લેવાની હીનવૃત્તિ છુપાયેલી છે એવું જે સૂચન થાય છે તે મને મંજૂર નથી. માણસની પરીક્ષા કામને પ્રેરનારા આશયથી નહીં પણ પ્રત્યક્ષ કામ પરથી જ કરવી જોઇએ. કેમ કે, માણસોના હ્યદયને જાણનારો એક અંતર્યામી સિવાય બીજો કોઇ નથી. ભૂખે મરતા યુરોપને ખાતર અમેરિકા જો આવો સંયમ પાળવાને તૈયાર થાય તો શું આપણા પોતાના હિતને ખાતર આપણે એવો થોડો સંયમ નહીં કરીએ ? ઘણા લોકોને માટે ભૂખમરાથી મરવાનો ડર આવીને ઊભો હોય તે વખતે રાષ્ટ્રોને ઊંચે ચડાવનારા સ્વાશ્રયનો ઇલાજ ખાતર આપણે પણ જાત પર કાબૂ રાખવાને અંગે આપણાથી થાય તેટલું બધું કરી છૂટવાની પૂરી કોશિશ કરી હતી એવો યશ કેમ ન લઇએ ?૧

અછત સમયે શું ?

જે માણસ બચાવે છે તે તેટલું નફામાં મેળવે છે, એટલે કે તેટલું નિપજાવે છે. તેથી જેમને ગરીબો માટે લાગણી હોય, જેમને તેઓની સાથે એકતા સાધવી હોય તેમણે પોતાની હાજત પર કાપ મૂકવો ઘટે છે. એમ કરવાના ઘણા રસ્તા છે. એમાંના કેટલાકનો જ હું અહીં ઉલ્લેખ કરીશ.

ધનિકો ઘણો - વધારે પડતો - ખોરાક ખાય છે ને બગાડે છે. એક ટંકે એક જ અનાજ રાંધવું જોઇએ. સામાન્ય ઘરોમાં એકીસાથે રોટલી, ભાત, દાળ, દૂધ, ઘી, ગોળ ને તેલ ઉપરાંત શાકભાજી ને ફળ પણ વપરાય છે. આ મિશ્રણ આરોગ્યને હાનિકારક છે એમ હું માનું છું. જેમને દૂધ, પનીર, ઇંડાં કે માંસના રૂપમાં પ્રાણિજ પ્રોટીન મળી રહે છે તેમને દાળ ખાવાની કશી જરૂર રહેતી નથી. ગરીબ લોકોને કેવળ વનસ્પતિનાં પ્રોટીન જ મળે છે. જો ધનિકો દાળ અને તેલનો ત્યાગ કરે તો જે ગરીબોને પ્રાણિજ પ્રોટીન કે પ્રાણિજ ચરબી મળતાં નથી તેમનેઆ બે અતિ આવશ્યક વસ્તુઓ ખાવા મળી શકે. વળી જે અનાજ દાળના પાણીમાં કે શાકભાજીના રસામાં ભીંજવીને નહીં પણ કોરું ખાધું હોય, ત્યારે પ્રમાણમાં અડધા અનાજથી તૃપ્તિ થઇ રહે છે. કાંદા, ગાજર, મૂળા, સેલેડની ભાજી, ટમાટાં વગેરે કાચી વસ્તુઓના કચુંબર સાથે તે ખાઇ શકાય. અધોળ કે નવટાંક કચુંબર અચ્છેર રાંધેલા શાકની ગરજ સારે છે. રોટલી કે રોટલા દૂધ જોડે ન ખાવા જોઇએ. આરંભમાં, એક ટંક કાચાં શાક ને રોટલી કે રોટી, ને બીજે ટંકે બીજાં રાંધેલાં શાક સાથે દૂધ કે દહીં એવી યોજના કરી શકાય.

મિષ્ટાન્નનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. તેને બદલે થોડોક ગોળ કે ખાંડ દૂધ કે રોટલીની સાથે કે એકલાં લઇ શકાય.

તાંજા ફળ ખાવાં સારાં છે, પણ શરીરને પોષણ આપવા માટે તે થોડા જ પ્રમાણમાં લેવાં બસ હોય છે. એ ખર્ચાળ ચીજ છે, અને ધનિકો તે ઘણા વધારે પ્રમાણમાં ખાય છે તેને લીધે, ગરીબો ને માંદા જેમને એ ચીજની જરૂર ધનિકોના કરતાં ઘણી વધારે છે તેમને તે અલભ્ય થઇ પડી છે.

જેણે આહારશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એવો કોઇ પણ ડૉક્ટર એવું પ્રમાણપત્ર આપશે કે મેં જે આહાર સૂચવ્યો છે તેનાથી કોઇને કશું નુકસાન થવાનું નથી, પણ ઊલટું એથી આરોગ્યમાં સુધારો જ થશે.

આ તો આહારના પદાર્થોની બચત કરવાની માત્ર એક રીત થઇ. એ દેખીતી છે. પણ માત્ર એટલું કરવાથી નજરે જોઇ શકાય એવું ઝાઝું પરિણામ નહીં આવે.

દાણાના વેપારીઓએ લોભવૃત્તિ અને લેવાય એટલો નફો લેવાની ટેવ છોડવી રહી છે. જેટલો ઓછો નફો મલે તેટલાથી સંતોષ માનવો જોઇએ. તેઓ ગરીબોને માટે દાણાનો સંગ્રહ ને રક્ષા કરનાર હોવાની શાખ નહીં મેળવે તો લૂંટાવાનું જોખમ વહોરી લેશે. તેમણે પોતાની આસપાસના લોકોના સંસર્ગમાં રહેવું જોઇએ. મહાસભાવાદીઓએ પોતાના ગાળાના દાણાના વેપારીઓને મળીને તેમને યુગધર્મનો સંદેશો આપવો ઘટે છે.

આ કામનો સૌથી અતિમહત્ત્વનો ભાગ તો ગ્રામવાસીઓનએ એવી કેળવણી આપવાનો છે કે, તેઓ પોતાની પાસે જે કંઇ હોય તેનો સંચય કરી રાખે અને જ્યાં પાણીની સગવડ હોય ત્યાં નવા પાક ઉગાડે. આને માટે વિશાળ પ્રમાણમાં ને સમજપૂર્વક પ્રચારકાર્ય કરવાની જરૂર રહે છે. ઘણા લોકોને એ ખબર નથી કે કેળાં, બટાટા, બીટરૂટ, રતાળુ અને સૂરણ, અને અમુક અંશે કોળું, એ ખાદ્ય ચીજો છે ને સહેલાઇથી ઉગાડી શકાય છે. ભીડ પડ્યે તે રોટીની જગા લઇ શકે.

પૈસાની તંગી પણ છે. દાણા બજારમાં તો મળતા હોય પણ ગરીબો પાસે ખરીદવાના પૈસા નથી. પૈસા નથી કેમ કે ઉદ્યમ નથી. તે આપણે પૂરો પાડવો જોઇએ. એમાં કાંતણ સૌથી સુલભ ને સુગમ છે. પણ બીજા સ્થાનિક ઉદ્યોગ ધંધામાંથી પણ લોકોને મજૂરી આપી શકાય. જે જે કામ કાઢી શકાય એવું હોય તે કાઢવું જોઇએ, જેથી લોકોને ઉદ્યમનો તોટો ન રહે. કેવળ એદી લોકોને જ ભૂખ્યા રહેવાપણું હોય, ને તે રહેવા જોઇએ. આ વર્ગ જોડે પણ ધીરજપૂર્વક કામ લેવાથી તે પોતાનું એદીપણું છોડશે.૨

ખોરાકને અંગે કટોકટીના સંજોગોમાં નીચે ગણાવેલી બાબતો તરત હાથ પર લેવાવી જોઇએ.

૧. દરેક સ્ત્રી અને પુરુષે પોતાની તંદુરસ્તીને માફક આવે તે રીતે રોજની ખોરાકની ચીજોની સંખ્યામાં જેટલો કાપ મૂકી શકાય તેટલો મૂકી દેવો અને શહેરોની પેઠે જ્યાં જ્યાં દૂધ, શાકભાજી, તેલ અને ફળો મળી શકે ત્યાં અનાજ અને કઠોળમાં ઘટાડો કરી નાખવો. આ ઘટાડો સહેલથી કરી શકાય. ખોરાકમાં જરૂરી સ્ટાર્ચ અથવા ખાંડ તત્ત્વ ગાજર, શક્કરિયાં, બટાટા, સૂરણ અને રતાળુ જેવાં કંદો તેમ જ કેળાં વગેરેમાંથી મેળવી શકાય; આમાં ખ્યાલ એ છે કે આપણા ચાલુ ખોરાકની ચીજોમાંથી જે જે અનાજ તેમ જ કઠોળ બાદ રાખી ચલાવી શકાય તેમને સંઘરી ને ભરી રાખવાં. જ્યાં કરોડો લોકોને શાકભાજી જોવાનાંયે મળતાં નથી અને આજે તેમને માથે અનાજ તેમ જ કઠોળની અછતને લીધે ભૂખમરાની આફત ઝઝૂમી રહી છે ત્યાં શાકભાજી પણ મજા કે સ્વાદને ખાતર ઉડાવવાનાં હોય નહીં.

૨. જ્યાં જ્યાં જે જે પાણી મેળવી શકે તેણે, પુરુષોએ તેમ સ્ત્રઓએ પોતાના અંગત અથવા સામાન્ય વપરાશને માટે કંઇ ને કંઇ ખાદ્ય પદાર્થ ઉગાડવાની કોશિશ કરવા માંડવી. આને માટે સૌથી સહેલો રસ્તો એ છે કે થોડી ચોખ્ખી માટી એકઠી કરવી, જેમાં જ્યાં બની શકે ત્યાં થોડું પ્રાણિજ ખાતર મેળવવું - છાણાનો નાનો સરખો કટકો પણ સરસ પ્રાણિજ ખાતર છે - તેને એકાદ પતરાના ડબ્બામાં કે માટીના ઠીબામાં ભરવું અને તેના પર રાઇ અને કોઇ પણ જાણીતી ભાજીનાં બિયાં ભભરાવવાં, ને રોજ કૂંડામાં કે ડબ્બામાં માફકસર પાણી આપવું. આમ વાવેલાં બિયાં જે ઝડપથી પીલા કાઢે છે ને ખાઈ શકાય તેવાં પાંદડાં આપે છે તે જોઇને પ્રયોગ કરનારાં અજબ થઇ જશે; અને આ પાંદડાંઓને રાંધવાની પણ જરૂર પડતી નથી. તેમની કચુંબર કરીને સીધાં ખાઇ શકાય.

૩. એકેએક ફળઝાડના બગીચાને ખાદ્ય પદાર્થો ઉગાડવાને ઉપયોગમાં લેવો જોઇએ. અને આ બાબતમાં વાઇસરૉય, ગવર્નરો તેમ જ ઊંચા હોદ્દાવાળા અમલદારોને પહેલ કરી આગેવાન થવાને મારી ભલામણ છે. ઉપરાંત દરેક પ્રાંતિક ભાષામાં ખેતી કે બગીચાની વાત ન જાણનારા લોકોને પણ સહેલમાં કઇ કઇ ચીજો કેવી રીતે ઉગાડવી તે બતાવનારી પત્રિકાઓ ધોધમાર બહાર પાડવાને વડી તેમ જ પ્રાંતિક સરકારોનાં ખેતીવાડીખાતાંઓના વડાઓને કહેવું જોઇએ.

૪. ખોરાકની ચીજોમાં કાપ મૂકવાનું કામ એકલી મુલકી વસ્તીએ જ ઉપાડવાનું નથી; તેમનાથી વધારે પ્રમાણમાં નહીં તો તેમના જેટલા જ પ્રમાણમાં લશ્કરે પણ તે ઉપાડી લેવું જોઇએ. મોટા પ્રમાણમાં હું એટલા માટે કહું છું કે સૈન્યના સિપાઇઓ કડક લશ્કરી શિસ્તમાં કેળવાયેલા હોવાથી કાપકૂપનો અમલ રમતાં રમતાં કરી શકે.

૫. અત્યાર સુધીમાં તેલીબિયાં, તેલો, ખોળ, મગફળી અથવા મગફળી જેવી શિંગો વગેરે પદાર્થોની બધી નિકાસ અટકાવવામાં ન આવી હોય તો હવે એકદમ અટકાવી દેવી જોઇએ. તેલીબિયાં જેવાં કે તલ વગેરેમાંથી માટી ને બાજું એવું વિણામણ બરાબર ચાળી નાખવામાં આવ્યું હોય તો તેમનો ખોળ ઉત્તમ પ્રકારના પ્રોટીન તત્ત્વથી ભરેલો માણસોને માટેનો સરસ ખોરાક છે.

૬. જ્યાં જ્યાં બની શકે ને જરૂર હોય ત્યાં ઊંડા કૂવા પીતની ખેતીને માટે કે પીવાના પાણીને માટે સરકારે ખોદવવા જોઇએ.

૭. સરકારી નોકરો અને જાહેર જનતાનો ઊલટભેર સહકાર મળે તો દેશ આ મુશ્કેલીને પાર કરી જશે એમાં મને રજભાર શંકા નથી. જેમ નાહકનો ગભરાટ આ કામમાં પાછા પાડવાનો અચૂક રસ્તો છે તેવી જ રીતે બહોળી વસ્તી પર ઝઝૂપી રહેલા સંકટને સમયે ઘટતાં પગલાં તાબડતોબ લેવામાં નહીં આવે તોપણ આપણે ખત્તા ખાવાના છીએ. આ આફતનાં કારણોમાં અત્યારે ઊતરવાની જરૂર ન હોય. કારણ ગમે તે હો, હકીકત છે કે સરકાર તેમ જ જનતા આ વસમાં પ્રસંગનો મુકાબલો ખામોશી રાખીને હિંમતથી નહી કરે તો ભારે આફત ચોેક્કસ ઊતરવાની છે. આપણે આ પારકી સરકારનો આ એક સિવાય બાકીને બધે મોરચે સામનો જારી રાખીશું અને આ વિષયમાં પણ એ લોકો લાગણીશૂન્ય થઇને બેપરવા રહેશે અગર જનતાના સમજદાર અભિપ્રાયની અવગણના કરશે તો તેમની સાથે લડી લઇશું. સરકાર આજે જે બોલી બતાવે છે તેનો દેખીતી રીતે જે અર્થ થતો હોય તે આપણે સ્વીકારી લેવો અને સ્વરાજ થોડા જ મહીનામાં પ્રત્યક્ષ પ્રગટ થવાનું છે એવી શ્રદ્ધા રાખવી એ મારો અભિપ્રાય સ્વીકારીને ચાલવાની પ્રજાને મારી ભલામણ છે.

૮. અને સૌથી વધારે તો કાળાં બજાર અને અપ્રામાણિક વહેવાર સદંતર બંધ થવાં જોઇએ, અને આ કટોકટી પૂરતી સર્વ પક્ષો વચ્ચે ખુશીના સહકારની સર્વસામાન્ય થવી જોઇએ.૩

અન્નની તંગી અને અતિવસ્તી

વસ્તીમાં અઘટિત વધારો ન થાય એટલા માટે જનનમર્યાદા આવશ્યક છે એમ કોઇ કહે તો હું તેની ના પાડું છું. તે કોઇએ કદી સાબિત કર્યું નથી. મારા મત પ્રમાણે જમીનની યોગ્ય વહેંચણી થાય, ખેતી સુધરે અને તેને અંગે બીજો ઉદ્યોગ હોય તો આ જ દેશમાં અત્યારે છે તેથી બમણી વસ્તીનો નિર્વાહ થઇ શકે.૪

આપણો આ નાનો પૃથ્વીનો ગોળો એ કંઇ ગઇ કાલનું રમકડું નથી. એના અગણિત વર્ષોના જીવનમાં એણે વધી પડેલી વસ્તીની પીડા કદી અનુભવી નથી. ત્યારે કેટલાક લોકોના મનમાં એકાએક આ સત્યનો ઉદય ક્યાંથી થયો કે જો કૃત્રિમ ઉપાયોથી જન્મપ્રમાણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો પૃથ્વીનો નાશ થઇ જશે ?૫

૧૯

ખાદિ અને હાથકાંતણ

ખાદી એટલે દેશના બદા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાની શરૂઆત. પણ કોઇ વસ્તુ કેવી છે તે વાપરવાથી જણાય. ઝાડનું પારખું તેનાં ફળથી થાય. તેથી હું જે કંઇ કહું છું તેમાં સાચી વાત કેટીલ છે તે દરેક સ્ત્રીપુરુષ જાતે અમલ કરીને શોધી લે. વળી ખાદીમાં જે જે બાબતો સમાયેલી છે તે બધી સાથે ખાદીનો સ્વીકાર કરવો જોઇએ. ખાદીનો એક અર્થ એ છે કે, આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી જોઇએ ને રાખવી જોઇએ; એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. અત્યારે આ બાબતમાં આપણો જે ક્રમ છે તે ઉલટાવી નાખવાની આ વાત છે. એટલે કે આજે હિંદુસ્તાનના સાત લાખ ગામડાંઓને ચૂસીને પાયમાલ કરી હિંદનાં તેમ જ ગ્રેટ બ્રિટનનાં મળીને પાંચ પંદર શહેરો ગબ્બર થાય તેને બદલે તે બધાં ગામડાંઓ સ્વાવલંબી તેમ જ સ્વંયસંપૂર્ણ થાય અને બન્ને પક્ષને લાભ થાય તે રીતે પોતાની ખુશીથી હિંદનાં શહેરોને અને બહારની દુનિયાનેયે ઉપયોગી થાય.

આનો અર્થ એવો થાય છે કે આપણામાંથી ઘણાએ પોતાના માનસમાં તેમ જ રુચિમાં ધરમૂળથી પલટો કરવો જોઇશે. અહિંસાનો રસ્તો ઘણી બાબતોમાં બહુ સુતરો છે તો વળી બીજી ઘણી બાબતોમાં બહુ કપરો છે. તે હિંદુસ્તાનના એકેએક વતનીના જીવન પર ઊંડી અસર કરે છે, પોતાની અંદર સૂતેલી ને આજ સુધી અણછતી રહેલી શક્તિઓનું તેને ભાન કરાવી તે શક્તિ ને સત્તા આપણી પાસે છે એવા જ્ઞાનથી તેને ઉત્સાહ આપે છે અને હિંદી માનવસમૂહના મહાસાગરનાં અનેક ટીપાંમાંનું હું પણ એક છું એવા અનુભવથી તે મગરૂબ થાય છે. જમાનાઓથી જે માંદલી વૃત્તિને આપણી ભૂલમાં આપણે અહિંસા કહેતા હતા ને માનતા હતા તે અહિંસા આ નથી, માનવજાતિએ આજ સુધી જે અનેક શક્તિઓ જોઇ છે તે બધી કરતાં આ અહિંસા વધારે જોરાવર શક્તિ છે, ને તેના પર જ માનવજાતિની હયાતીનો આધાર છે. વળી આ અહિંસા તે શક્તિ છે જેનો મહાસભાને અને તેની મારફતે આખી દુનિયાને પરિચય કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે. મારે મને ખાદી હિંદુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતાનું પ્રતીક છે અને તેથી જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો ‘હિંદની આઝાદીનો પોશાક છે’.

વળી ખાદી માનસનો અર્થ થાય છે જીવનની જરૂરીયાતોની પેદાશ તેમ જ વહેંચણીનું વિકેન્દ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાન્ત ઘડાયો છે તે એ છે કે, દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાતો પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી.

આટલે સુધી ખાદીમાં કઇ કઇ બાબતો સમાયેલી છે તેની સમજૂતી આપીને હવે તેનું કાર્ય આગળ વધારવાને સહાસભાવાદીઓ શું શું કરી શકે ને તેમણે શું શું કરવું તે મારે બતાવવું જોઇએ. ખાદીની બનાવટમાં આટલી બાબતો આવે છે : કપાસ ઉગાડવો, કપાસ વણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઇ. આમાંથી રંગાટી કામ સિવાયનાં બાકીનાં બધાં કામો ખાદીને અંગે જરૂરી અંગે જરૂરી તેમ જ મહત્ત્વમાં છે, ને કર્યા વિના ચાલે તેવાં નથી. એમાંનું એકેએક કામ ગામડાંઓમાં સારી રીતે થઇ શકે તેવું છે; અને હકીકતમાં અખિલ ભારત ચરખા સંઘ હિંદભરનાં જે અનેક ગામડાંઓમાં કાર્ય કરે છે. તે બધાંમાં એ કામો આજે ચાલુ છે.

ખાદીના કામને અંગે મહાસભા તરફથી જે હાકલ કરવામાં આવી છે તેને મહાસભાવાદીઓ વફાદાર રહેવા માગતા હોય તો ખાદીકાર્યની યોજનામાં તેમણે કેવી રીતે ને કેટલો ભાગ લેવાનો છે તે વિષે જે જે સૂચનાઓ અખિલ ભારત ચરખા સંઘ તરફથી વખતોવખત કાઢવામાં આવે છે તેમનો તેમણે બરાબર અમલ કરવો જોઇએ. અહીં તો હું થોડાક સામાન્ય નિયમો જણાવું.

૧. જે જે કુટુંબ પાસે નાનો સરખોયે જમીનનો કકડો હોય તેણે ઓછામાં ઓછો પોતાના વપરાશ પૂરતો કપાસ ઉગાડી લેવો. કપાસ ઉગાડવાનું કામ પ્રમાણમાં બહુ સહેલું છે. એક જમાનામાં બિહારના ખેડૂતો પર કાયદાથી એવી ફરજ લાદવામાં આવી હતી કે પોતાની ખેડી શકાય તેવી જમીનના ૩/૨૪ ભાગમાં તેમણે ગળીનું વાવેતર કરવું. આ ફરજ પરદેશી નીલવરોના સ્વાર્થને ખાતર ખેડૂતો પર નાખવામાં આવી હતી. તો આપણે રાષ્ટ્રતા હિતને ખાતર આપણી જમીનના થોડા ભાગમાં આપમેળે સમજીને ખુશીથી કપાસ કેમ ન કરીએ ? અહીં વાચકના ધ્યાન પર એ વાત આવી જશે કે ખાદીકામમાં જુદાં જુદાં અંગોમાં વિકેન્દ્રીકરણનું તત્ત્વ છેક પાયામાંથી દાખલ થાય છે. આજે કપાસનું વાવેતર ને ખેતી એક જ ઠેકાણે મોટા પાયા પર કરવામાં આવે છે અને હિંદના દૂર દૂરના ભાગોમાં તે મોકલવો પડે છે. લડાઇ પહેલાં એ બધો કપાસ મોટે ભાગે ઇંગ્લંડ અને જાપાન મોકલવામાં આવતો હતો.પહેલાં કપાસની ખેતી કપાસનું વેચાણ કરીને રોકડ નાણું મેળવવાના હેતુથી કરવામાં આવતી હતી અને હજીયે તેમ જ થાય છે, અને તેથી કપાસ કે રૂના બજારની તેજીમંદી ખેડૂતની આવક પર અસર કરે છે. ખાદીકાર્યની યોજનામાં કપાસની ખેતી આ સટ્ટામાંથી અને જુગારના દાવ જેવી હાલતમાંથી ઊગરી જાય છે. એ યોજનામાં ખેડૂત પ્રથમ પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખેતી કરે છે. પોતાની જરૂરિયાતની ચીજોની ખેતી કરવાની પોતાની સૌથી પહેલી ફરજ છે એ વાત આપણા ખેડૂતોએ શીખવાની છે. આટલું શીખીને ખેડૂતો જો તે પ્રમાણે પોતાનું કામ કરતા થાય તો બજારની મંદીથી તેમને પાયમાલ થવાનો વારો નહીં આવે.

૨. કાંતનારની પાસે પોતાનો કપાસ ન હોય તો તેણે લોઢવાને માટે જોઇએ તેટલો કપાસ વેચાતો લઇ લેવો. લોઢવાનું કામ હાથ ચરખાની મદદ વિના પણ બહુ સહેલાઇથી થાય તેવું છે. એક પાટિયું ને એક લોઢાનો ટુંકો સળિયો દરેક જણને પોતાનો કપાસ પીલી લેવાને પૂરતું સાધન છે. જ્યાં આ કામ ન બની શકે ત્યાં કાંતનારે હાથે લોઢેલું રૂ ખરીદી લેવું ને તેને પીંજી લેવું. પોતાના વપરાશ પૂરતું પીંજણ નાનકડી ધનુષ પીંજણ પર ઝાઝી મહેનત વગર સરસ થાય છે. અનુભવ એવો છે કે મજૂરીની મહેનતની વહેંચણી જેટલી વધારે એટલે કે કામ જેટલા વધારે હાથે થાય તેટલા પ્રમાણમાં તેને માટે જરૂરી ઓજારો ને હથિયારો સોંઘાં ને સાદાં. પીંજેલા રૂની પૂણીઓ બનાવી લીધી કે કાંતણ શરૂ થાય.

હવે કાંતણ સુધીના જુદાં જુદાં કામોમાં આપણો આખો મુલક એકી સાથે મંડી જાય તો આપણા લોકોમાં કેટલી એકતા થાય ને તેમની કેટલી કેળવણી થાય તેનો ખ્યાલ કરો ! વળી ગરીબ ને તવંગર સૌ એક જ જાતનું કામ કરે તો તેમાંથી નીપજતા પ્રીતિના બંધથી બંધાઇ પોતપોતાના ભેદો ભૂલીને કેટલાં સરખાં થાય તેનો ખ્યાલ કરો !

મહાસભાવાદીઓ ખરા જિગરથી આ કામમાં લાગે તો કાંતવાનાં ને બીજાં ઓજારોમાં નવા નવા સુધારા કરતા રહેશે ને ઘણી નવી નવી શોધખોળ કરશે. આપણા દેશમાં બુદ્ધિ ને મજૂરીની છેક ફારગતી થઇ ગઇ છે. પરિણામે આપણું જીવન બંધિયાર ખાબોચિયાના પાણી જેવું થઇ ગયું છે. મેં અહીં સુધી દર્શાવ્યું છે તે ધોરણે તે બન્નેનું એટલે કે બુદ્ધિનું ને મજૂરીનું અતૂટ લગ્ન થાય તો તેનાં જે ફળ આવશે તેનો આંક બંધાય તેવો નથી.

સેવાને અર્થે કરવાના કાંતણની આ રાષ્ટ્રવ્યાપી યોજના પાર પાડવાને આપણાં સામાન્ય સ્ત્રી અથવા પુરુષે રોજ કલાકથી વધારે વખત આપવાની જરૂર રહેશે એમ મને નથી લાગતું.૧

રેંટિયાનો સંદેશ તેના પરિઘ કરતાં વધું વિશાળ છે એ તો છે જ. એ સંદેશ સાદાઇનો, માનવજાતિની સેવાનો, પોતાથી બીજા કોઇને ઇજા ન પહોંચે તેવી રીતે અહિંસાપૂર્વક જીવન ગાળવાનો, ગરીબ તવંગર વચ્ચે, મૂડીવાળા અને મજૂર વચ્ચે, રાજા અને ખેડૂત વચ્ચે અતૂટ સંબંધ બાંધવાનો છે. આ વિશાળ સંદેશો સ્વાભાવિકપણે જ સૌ કોઇને માટે છે.૨

સૌથી અદના માણસને પણ સૌથી શ્રેષ્ઠના જેવું જ મળી રહેવું જોઇએ, એ વિધાનમાં સમાયેલા અર્થને હું સંપૂર્ણપણે માનું છું. દુનિયા આપણી સાથે જેવી રીતે વર્તે એવી આપણે ઇચ્છા રાખીએ, તેવી જ રીતે આપણે જાતે સૌથી નાનામાં નાની વ્યકિત, અદનામાં અદના માણસ તરફ વર્તવું જોઇએ. એટલે કે, સૌને જીવનનો વિકાસ કરવાની અને જીવન સાર્થક કરવાની એકસરખી તક મળી રહેવી જોઇએ. તક આપવામાં આવે તો માણસમાત્ર સરખી રીતે પોતપોતાનો આધ્યાત્મિક વિકાસ સાધવાને સમર્થ થાય. રેંટિયો આ મહાન સત્યનું પ્રતીક છે.૩

વધારેમાં વધારે સ્વીકાર્ય અને ઉત્તમ શ્રમયજ્ઞ તરીકે મને રેંટિયો જ સૂઝે છે. આપણે બધા એક કલાક ગરીબોને જે મજૂરી કરવી પડે છે તે કરીએ અને એ રીતે તેમની સાથે તથા તેમની મારફત સમગ્ર માનવજાત સાથે એકતા સાધીએ એના કરતાં વધારે ઉમદા કે વધારે રાષ્ટ્રીય કંઇ હું કલ્પી શકતો નથી. ઇશ્વરને નામે મારે ગરીબોને માટે તેમની માફક મજૂરી કરવી જોઈએ. એનાથી વધુ સારી ઇશ્વરપૂજા હું કલ્પી શકતો નથી. રેંટિયા દ્ધારા દુનિયાની દોલતની વધુ ન્યાયી વહેંચણી થાય છે.૪

મારી પાકી ખાતરી છે કે હાથકાંતણ અને હાથવણાટના પુનર્જીવનથી હિંદુસ્તાનના આર્થિક અને નૈતિક પુનરુદ્ધારમાં વધારેમાં વધારે મદદ થશે. કરોડો પાસે ખેતીના પૂરક ધંધા તરીકે સાદો ઉદ્યોગ હોવો જોઇએ. કાંતણ વર્ષો પહેલાં ગૃહઉદ્યોગ હતો, અને જો કરોડોને ભૂખમરાથી બચાવવા હોય તો તેમનાં ઘરોમાં તેઓ કાંતણ ફરી દાખલ કરી શકે તેવી સ્થિતિ ઊભી કરવી જોઇએ. અને દરેક ગામે પોતાનો વણકર ફરી વસાવી લેવો જોઇએ.૫

હિંદુસ્તાનના હાડપિંજરનું ચિત્ર જો વાચક નજર સમક્ષ રાખે તો તેણે એંસી ટકા લોકો, જેઓ પોતાનાં ખેતરોમાં કામ કરે છે, અને જેમને વરસના ચાર મહિના લગભગ કાંઇ જ ધંધો નથી, અને તેથી જેમને લગભગ ભૂખમરો વેઠવો પડે છે, તેમનો વિચાર કરવો જોઇશે. આ સામાન્ય સ્થિતિ છે. આ ફરજિયાત વેઠવા પડતા આળસમાં વારંવાર પડતા દુકાળો ઘણો ઉમેરો કરે છે. એવું કયું કામ છે જે આ સ્ત્રીપુરુષો સહેલાઇથી પોતાના ઘરમાં બેસીને કરી શકે એમની ટૂંકી આવકમાં ઉમેરો કરી શકે ? હાથકાંતણ જ એ કરી શકશે. અને બીજું કંઇ નહીં કરી શકે, એ વિશે હજીયે કોઇને શંકા છે ?૬

જેમ ઘરમાં રંધાતું અન્ન મોંઘું પડતું નથી ને વીશીનો ખોરાક તેની ગરજ સારી શકતો નથી; તેમ કપડું પણ ઘરખૂણે કંતાય ને વણાય તો મોંઘું ન જ પડે. પચીસ કરોડથી વધારે પ્રજા પોતાના ખપજોગું સૂતર કાંતી લેશે ને તે સૂતરને પોતાના જ ગામના વણકરો પાસે વણાવી લેશે. આટલી પ્રજા પોતાના ગામને વળગીને જ રહેનારી છે અને વરસમાં ઓછામાં ઓછા ચાર મહિના તો તેમને નવરાશના મળે જ છે. એ નવરાશના દહાડામાં જો તેઓ સૂતર કાંતે ને તે વણાવીને પહેરે-ઓઢે, તો તેમની ખાદીની સાથે મિલનું કપડું કોઇ કાળે હરિફાઇમાં ટકી ન શકે. આ રીતે બનેલું કપડું તેમને સસ્તામાં સસ્તું પડ્યું હશે.૭

કાંતણનો દાવો છે કે તે :

૧. જેમને નવરાશ છે અને જેમને થોડા પૈસાની પણ જરૂર છે તેમને સહેલાઇથી ધંધો પૂરો પાડે છે;

૨. હજારો લોકોને એ આવડે છે;

૩. એ સહેલાઇથી શીખી શકાય છે;

૪. એમાં લગભગ કાંઇ જ મૂડી રોકવી પડતી નથી;

૫. રેંટિયો સહેલાઇથી અને સસ્તામાં બનાવી શકાય છે. આપણામાંથી ઘણાને ખબર નહીં હોય કે ઠીકરી અને વાંસની ચીપથી (એટલે કે તકલીથી) પણ કાંતી શકાય છે;

૬. લોકોને એની સામે અરુચિ નથી;

૭. દુકાળ અને અછતને વખતે એ તાત્કાલિક રાહત આપે છે;

૮. પરદેશી કાપડ ખરીદવામાં હિંદુસ્તાન બહાર જતા પૈસાને એ જ એક રોકી શકે છે;

૯. આવી રીતે બચેલા કરોડો રૂપિયા આપોઆપ જ સુપાત્ર ગરીબોમાં વહેંચાઇ જાય છે;

૧૦. તેમાં ઓછામાં ઓછી સફળતા મળે તો તેટલાથી પણ લોકોને તેટલો તાત્કાલિક લાભ થાય છે;

૧૧. લોકોમાં સહકાર કેળવવાનું એ એક પ્રબળ સાધન છે.૮

જનતા પૈસાના અભાવના રોગથી એટલી નથી પીડાતી જેટલી કામના અભાવના રોગથી પીડાય છે. મહેનત એ પૈસા છે. કરોડોને તેમનાં ઝૂંપડાંમાં પ્રતિષ્ઠિત મજૂરી આપનાર તેમને અનાજ અને કપડાં આપે છે એમ કહેવાય. અથવા તો એમ કહો કે પૈસો જ આપે છે. રેંટિયો આવી જ મજૂરી છે. જ્યાં સુધી એનાથી સારું કામ ન મળે ત્યાં સુધી રેંટિયો કાયમ રહેશે.૯

બધી બૂરાઇનું મોટામાં મોટું કારણ - એનું મૂળ - બેરોજગારી છે. જો એના નાશ કરી શકાય તો મોટા ભાગની બૂરીઇ વધારે પ્રયત્ન કર્યા વગર દૂર કરી શકાય. ભૂખે મરતા રાષ્ટ્રમાં આશા કે સૂઝ રહેતી નથી. ગંદકી અને રોગ તરફ તે ઉદાસીન બની જાય છે. બધા સુધારા વિષે એ કહે છે, ‘એનાથી શો લાભ ?’ જીવનદાયી રેંટિયો જ કરોડો માટે નિરાશાના અંધકારને સ્થાને આશાનો પ્રકાશ લાવી શકશે.૧૦

રેંટિયો એ શૂન્યમાંથી સાર વસ્તુ ઉપજાવનારી ચીજ છે. કારણ જો આ પ્રયત્નથી અંતે આપણે પ્રજાના સાઠ કરોડ રૂપિયા બચાવી શકીએ - અને આ અવશ્ય થઇ શકે એવું છે - તો આપણે એક જબ્બર રકમ પ્રજાની કેળવણીમાં ઉમેરી દઇએ એ સ્પષ્ટ છે. વળી આ કામ કરવા જતાં અનાયાસે આપણાં ગામડાંઓ સુસંગઠિત થઇ જાય અને ગરીબમાં ગરીબ વર્ગોમાં જ આ આખી આવક વહેંચાઇ જતી હોવાથી પ્રજામાં આવડા વિશાળ હિસ્સાની આપોઆપ સમાન વહેંચણી થઇ જાય તે જુદું. અને આ બધી ગણતરીમાં અંતે ધનની આવી સમાન વહેંચણીની પ્રજાકીય નીતિમત્તાની દૃષ્ટિએ જે નૈતિક કિંમત છે તે ઉમેરો અને પછી રેંટિયાની કિંમતનો આંક મૂકો એટલે આજે રેંટિયાની હિમાયત કેટલી અગત્યની છે અને તેનો પક્ષ કેટલો જડબેસલાખ છે તે તત્કાળ સમજાશે.૧૧

મારા પ્રવાસોમાં મેં જોયું છે કે કાંતણ અને વણાટના ઉદ્યોગ હજારો હરિજનોને ગુજારો આપે છે, અને જો એનું યોગ્ય સંગઠન કરવામાં આવે તો ઘણા વધારેને ગુજારો આપી શકે. કેટલીક જગાએ તો એવા વણકરો મળી આવે છે જેઓ તેમના ધંધાને કારણે જ અસ્પૃશ્ય ગણાય છે. એ લોકો મોટે ભાગે સાદી ભાત વિનાની, જાડામાં જાડી ખાદી વણનારા હોય છે. આ વર્ગ મરી ફીટવાની અણી પર હતો એટલામાં ખાદી વહારે આવી, અને એમણે બનાવેલા જાડા કાપડને માટે માગ પેદા થઇ. તે વખતે માલૂમ પડ્યું કે સંખ્યાબંધ હરિજન કુટુંબો એવાં છે જે સૂતર કાંતીને પણ રોજી મેળવેે છે, આમ ખાદી એ બે રીતે રંકની જીવાદોરી છે. રંકમાં રંકને અને રંકમાં પણ સૌથી અસહાય એવા હરિજનોને તે જિવાડે છે. હરિજનો અસહાય છે એનું કારણ એ છે કે ઘણા ધંધા જે બીજા કરી શકે છે તે હરિજન કરી શકતા નથી.૧૨

જેઓ બ્રહ્મચર્ય પાળવાને ઇચ્છે તેઓની પાસે હું રેંટિયો રજૂ કરું છું એ હાસ્યજનક નથી, પણ અનુભવનું વચન છે. જેને વિકારમાત્રનો ત્યાગ કરવો છે તેને શાંતિની આવશ્યકતા છે. તેનો ઉકળાટ શમી જવો જોઇએ. રેંટિયા પ્રવૃત્તિ એ એવી ધીમી અને શાંત પ્રવૃત્તિ છે કે ભાવનાપૂર્વક ચલાવનારના વિકારો તેથી શાંત થયા છે. . . વિકારનો વેગ વાયુના વેગ કરતાં પણ ચંપળ છે. તેને શમાવવા સારુ ધીરજ જોઇએ. એ ધીરજ કેળવવામાં રેંટિયો એ જબરદસ્ત સાધન થઇ પડે છે.૧૩

ખાદી વાટે બચાવ કરવો એટલે કરોડોનું સંગઠન, કરોડોની શક્તિનો સંગ્રહ, કરોડોમાં દેશસેવકોનું ઓતપ્રોત થવું. આવા મહાન કાર્યને સાંગોપાંગ ઉતારવું એટલે આપણને આપણી શક્તિનુંભાન થવું. ઝીણી ઝીણી ગૂંચવણો ઉકેલવાનું જ્ઞાન આપણે ન મેળવીએ, પાઇએ પાઇનો હિસાબ રાખવાનું આપણે ન શીખીએ, ગામડાંઓમાં રહેતાં આપણને ન આવડે, રસ્તામાં આવતી અનેક ખાઇઓ ન પૂરી શકીએ, અનેક ડુંગરો આપણે ન ખોદી શકીએ ત્યાં સુધી આ વસ્તુ અસંભવિત છે. રેંટિયો અને ખાદી એ આ શક્તિની ઉત્પત્તિનાં નિમિત્તમાત્ર છે.૧૪

એક એક ઉદ્યોગ લઇને તેના ગુણદોષ જોઇને અલગ કરતા જઇએ તો કરોડોને માટે સાર્વત્રિક ઉદ્યોગ કાંતવા સિવાય બીજો એકે નથી. એનો અર્થ એ નથી કે બીજા ઉદ્યોગોની કિંમત નથી અથવા નકામા છે. વ્યક્તિગત દૃષ્ટિથી તો કાંતવાના કરતાં બીજો કોઇ પણ ઉદ્યોગ વધારે રોજી આપનારો છે. ઘડિયાળ બનાવવાના ધંધામાંથી વધારેમાં વધારે પૈસા પેદા થાય અને વધારેમાં વધારે આનંદ આવે. પણ એમાં કેટલા કામે લાગી શકે ? એમાં કરોડો ગામડિયાઓને કામે લગાડી શકાય ? જો ગામડિયાઓ પોતાના ગૃહની પુનઃપ્રતિષ્ઠા કરી શકે, પોતાના બાપદાદા રહેતા તેમ રહેવા માંડે, તેઓ પોતાનો નકામો વખત કામમાં લગાડવા માંડે તો બીજા ઉદ્યોગોનો આપોઆપ ઉદ્ધાર થશે.૧૫

નવરચના કરવા માટે નિઃસ્વાર્થી, બુદ્ધિમાન, દેશભક્તિપરાયણ અને અનન્ય સેવાભાવથી રેંટિયાના સંદેશાને ગામેગામ ફેલાવીને ભાંગી ગયેલ ગામડાંને સજીવન કરવાના અને તેના દરિદ્રનારાયણોની નિસ્તેજ આંખોમાં અને તેમનાં હૈયામાં આશાના કિરણનો ઉજાસ પૂરવાના સંકલ્પવાળા હિંદીઓની સેના જોઇએ. આનું નામ જ વિશાળ પાયા પરની અને સાચા સ્વરૂપની સહકાર અને પ્રૌઢશિક્ષણ પ્રવૃત્તિ. આમાંથી રેંટિયાના મૂંગા, નિશ્ચિત અને જીવનદાયી ફેરાના જેવી જ મૂંગી અને નિશ્ચિત ક્રાંતિની નિપજ થશે.

રેંટિયા કામના વીસ વર્ષના અનુભવે મારા તરફથી રજૂ કરવામાં આવતી આ દલીલના ખરાપણા વિષે મારા અંતરમાં કશી શંકા રહેવા દીધી નથી. રેંટિયે ગરીબ મુસલમાન તેમ જ હિંદુને લગભગ સરખા જ પ્રમાણમાં ઓથ આપી છે. કશી હોહા વગર કે વાજાં વગાડયા વગર ગામડાંના આ લાખો કારીગરોનાં ગજવાંમાં તેણે અત્યાર લગીમાં પાંચ કરોડ રૂપિયા મૂકી દીધા છે.

તેથી જ હું વગર આનાકાનીએ કહું છું કે રેંટિયો જ બધા ધર્મોવાળી આપણી વિરાટ જનતાને એવું સ્વરાજ અપાવશે. રેંટિયો જ ગામડાંઓને તેના યથાયોગ્ય સ્થાને પાછાં સ્થાપશે અને રેંટિયો જ ઊંચનીચના ભેદોને ભૂંસશે.૧૬

રેંટિયો દેશની બરકતનું અને દેશની મુક્તિનું ચિહ્‌ન છે. દુનિયાના દેશોને દ્ધેષનો નહીં પણ પ્રીતિનો ને સ્વાશ્રયનો સંદેશો તેના મીઠા ગંભીર સૂરથી તે સંભળાવે છે. જગતની શાંતિમાં ભંગાણ પાડનાર દરિયાઇ કાફલાના અંગરક્ષકની તેને જરૂર નથી. કરોડોના એક એટલા દૃઢ નિશ્ચયની જ તેને જરૂર છે કે અમારા જ ઘરમાં આજે જેમ અમે અમારા કુટુંબ માટે અન્ન રાંધી લઇએ છીએ તેમ અમારા જ ઘરમાં અમે અમારા કુટુંબને માટે સૂતર કાંતી લઇશું. મારી ઘણી ભૂલચૂકોને માટે હું ભવિષ્યની પ્રજાના શાપને પાત્ર ભલે હોઉં, પણ રેંટિયાને સજીવન કરવાની સલાહ આપવા સારુ તો તેઓ મને આશિષ જ આપશે એવો મારો અચળ વિશ્વાસ છે. એના ઉપર મારું સર્વસ્વ હું વારી જાઉં છું. કેમ કે રેંટિયાને આંટે આંટે શાંતિના ને પ્રીતિના ને બંધુભાવના તાર કંતાય છે.૧૭

મારો એ દાવો છે કે (ખાદી અને બીજા ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાન કરીને) આપણે એટલો વિકાસ સાધી શકાશું કે સામાન્ય લોકોના દિલમાં સાદાઇ અને સ્વદેશીનો જે આદર્શ પડેલો છે, તેને અનુરૂપ રાષ્ટ્રીય જીવનનું પુનનિર્માણ કરી શકીશું. પછી આપણે એવા સામ્રાજ્યવાદમાં નહીં ઘસડાઇશું કે જેનો પાયો દુનિયાની નબળી જાતિઓના શોષણ પર ચણાયેલો છે, અને ન તો એ ભૌતિકતાવાદી સંસ્કૃતિ સ્વીકારીશું કે જેની રક્ષા શાંતિપૂર્ણ જીવનને લગભગ અશક્ય બનાવી દેનાર નૌકાદળ અનેહવાઇ દળ કરે છે. એથી ઊલટું, આપણે એ સામ્રાજ્યવાદને રાષ્ટ્રોના સંઘના ફેરવશું, જેમાં રાષ્ટ્રો જોડાશે તો તે દુનિયાને તેમની ઉત્તમ વસ્તુ આપવાને માટે અને જગતનાં નબળાં રાષ્ટ્રો અને જાતિઓનું, પશુબળથી નહીં પણ જાતે કષ્ટ ઉઠાવીને રક્ષણ કરવા માટે જોડાશે. આવી કાયાપલટ રેંટિયાની સંપૂર્ણ સફળતા પછી જ આવી શકે. આવો સંદેશો આપવાની હિંદની લાયકાત ત્યારે જ ગણાય જ્યારે તે પોતાની અન્ન અને વસ્ત્રની બે મુખ્ય જરૂરિયાતો પોતે પૂરી કરતું થાય, જેથી બહારના કોઇ દેશને તેના તરફ લાલચું નજર કરવાનું કે હુમલો કરવાનું કારણ નહીં રહે.૧૮

જ્યારે આપણે એક (ખાદીનો) ઉદ્યોગ સજીવન કરીશું ત્યારે બીજા બધા ઉદ્યોગો આપોઆપ એની પાછળ સજીવન થશે. હું રેંટિયાને પાયાનો ઉદ્યોગ બનાવીને તેના પર સુદૃઢ ગ્રામસજીવનની રચના કરવા ઇચ્છું, રેંટિયાને મધ્યબિંદુ બનાવીને તેની આસપાસ બીજા ઉદ્યોગોવિકસે એમ હું કરું.૧૯

ખાદીનો આદર્શ હંમેશા ગામડાંના ઉત્થાનના સૌથી સમર્થ સાધનનો અને તેની મારફત જનતામાં સાચી શક્તિ નિર્માણ કરવાનો રહ્યો છે, જે આપોઆપ સ્વરાજ પ્રાપ્ત કરે.૨૦

મારો અનુભવ મને એમ કહે છે કે, શહેરો અનેે ગામડાં બંનેમાં ખાદી સાર્વત્રિક કરવા માટે સૂતરના બદલામાં જ ખાદી મળવી જોઇએ. વખત જતાં લોકો પોતે જ સૂતરના ચલણ મારફત ખાદી ખરીદવાનો આગ્રહ રાખશે એવી હું આશા રાખું છું. પણ જો એમ નહીં થયું અને લોકો મન વિના સૂતર પેદા કરશે તો મને ડર છે કે, અહિંસા મારફત સ્વરાજ મેળવવાનું અશક્ય બનશે.

એ નક્કી છે કે, મિલો અને શહેરોની સંખ્યા વધવાથી હિંદુસ્તાનના કરોડો લોકોની સમૃદ્ધિમાં ઉમેરો નહીં થાય. ઊલટું, એથી બેકારોની ગરીબીમાં વધારો થશે અને ભૂખમરાને કારણે થતાબધા રોગો વધશે. આ દશા શહેરમાં રહેનારાઓ શાંત ચિત્તથી જોઇ શકે તો કશું વધુ કહેવાનું રહેતું નથી. એવી સ્થિતિમાં હિંદુસ્તાનમાં સત્ય અને અહિંસાનું નહીં પણ હિંસાનું રાજ્ય હશે. અને આપણે કબૂલ કરવું જોઇશે કે, એમાં સ્વાભાવિકપણે જ ખાદીને સ્થાન નહીં હોય. પછી તો લશ્કરી તાલિમ બધા માટે ફરજિયાત હશે. પણ આપણે કરોડો ભૂખ્યા લોકોની દૃષ્ટિએ જ વિચારવું જોઇએ. તેમને બેઠા કરવા હોય, તેમને જિવાડવા હોય તો રેંટિયાને મધ્યવર્તિ પ્રવૃત્તિનું સ્થાન આપવું જોઇએ અને લોકોએ સ્વેચ્છાએ કાંતવું જોઇએ.૨૧

આપણા કામનો આરંભ બહું નાના પાયા પર થયો હતો. મેં રેંટિયાનું કામ શરૂ કર્યું ત્યારે મારી સાથે વિઠ્ઠલદાસભાઇ અને થોડી બહેનો હતી. એમને હું મારી વાત સમજાવી શક્યો હતો. મગનલાલભાઇ વગેરે બીજા પણ હતા. તેઓ ક્યાં જવાના હતા. એમને તો મારી સાથે જીવવાનું ને મારી સાથે મરવાનું હતું. આજે કરોડ બે કરોડ માણસો રેંટિયાની અસર નીચે આવી ગયાં છે. રેંટિયામાં સ્વરાજ્ય મેળવવાની શક્તિ છે, એવું આપણે આજ સુધી કહેતા આવ્યા છીએ. રેંટિયા દ્ધારા આટલાં વર્ષોમાં ગામડાંના લોકોને ઘણા પૈસા પહોંચાડી શક્યા છીએ. શું આજે પણ આપણે કહી શકીએ છીએ કે રેંટિયા વગર સ્વરાજ્ય નહીં આવે ? જ્યાં સુધી રેંટિયો આપણે આપણો આ દાવો સિદ્ધ નહીં કરી શકીએ ત્યાં સુધી રેંટિયો આપણે માટે લાચાર માણસનો આધાર માત્ર બની જાય છે. એ મુક્તિમંત્ર બનતો નથી.

બીજી વાત એ છે કે આપણે આપણી આ વાત કરોડોને સમજાવી શક્યા નથી. આજે એ કરોડોને ન તો રેંટિયા વિષે કાંઇ જિજ્ઞાસા છે કે ન જ્ઞાન. કૉંગ્રેસે રેંટિયો અપનાવ્યો ખરો પણ શું તેણે એ પોતાની ખુશીથી અપનાવ્યો છે ? નહીં. એ તો રેંટિયાને મારી ખાતર સહન કરે છે. સમાજવાદીઓ તો એની હાંસી કરે છે. એની વિરુદ્ધ એમણે વ્યાખ્યાના પણ આપ્યાં છે, અને ઘણું લખ્યું પણ છે. એનો પ્રત્યક્ષ જવાબ આપણી પાસે નથી. હું એમને કેવી રીતે ખાતરી કરી આપું કે રેંટિયા દ્ધારા સ્વરાજ્ય પ્રાપ્ત થઇ શકે છે. આટલા વર્ષોમાં તો એ દાવો હું સિદ્ધ નથી કરી શક્યા.

હવે ત્રીજી વાત. અહિંસા કોઇ આકાશની વસ્તુ નથી. એ જો આકાશની વસ્તુ હોય તો તે મારા કામની નથી. હું ધરતીમાંથી આવ્યો છું અને એમાં જ મળી જવાનો છું. જો અહિંસા સાચેસાચ કોઇ વસ્તુ છે તો હું એનું દર્શન આ ધરતી પર, મારા જીવન દરમ્યાન જ કરવા ઇચ્છું છું, અને એ અહિંસા કરોડો લોકો જેનું પાલન કરી શકે તેવી હોવી જોઇએ. એ અહિંસા જે સમાજનાં કોમળતા આદિ ગુણો પડેલા છે ત્યાં તો નહીં બીજે ક્યાં હશે?

હિંસાવાદીને ઘેર જાઓ તો જોશો કે ક્યાંક વાઘનું ચામડું ટાંગેલું છે તો ક્યાંક હરણના શિગડાં, દીવાલ પર તલવાર ને બંદૂક છે. હું વાઇસરૉયને ઘેર ગયો છું; મુસોલિનીને ઘેર પણ મને લઇ ગયા હતા. ત્યાં મેેં ચારે બાજું શસ્ત્રો ટિંગાડેલાં જોયાં. મને શસ્ત્રોનો સલામી અપાઇ. કારણ એ જ એમનું પ્રતીક છે.

એવી જ રીતે આપણે માટે અહિંસાનું પ્રત્યક્ષ દર્શન કરાવનારું પ્રતીક રેંટિયો છે. પણ આપણે એવું કાર્ય કરી બતાવીએ ત્યારે જ એ સિદ્ધ થાયને ? મુસોલિનીના દરબારમાં તલવાર હતી તે કહેતી હતી - જો તું મને અડંકશે તો હું કાપી નાખીશ. એમાં હિંસાનું પ્રત્યક્ષ દર્શન થાય છે. તે કહે છે - મને અડકો અને મારો પ્રતાપ જુઓ. એવી જ રીતે આપણે રેંટિયાનો પ્રતાપ સિદ્ધ કરવો જોઇએ કે રેંટિયાના દર્શન માત્રથી અહિંસાનું દર્શન થવું જોઇએ. પરંતુ આજે આપણે કંગાળ બની ગયા છીએ. સમાજવાદીઓને શો જવાબ આપીએ ? એ લોકો કહે છે કે, આટલાં વર્ષોથી રેંટિયાનું રટણ કરીને તમે કઇ સિદ્ધિ મેળવી ?

મુસલમાનોના વખતમાં પણ રેંટિયા ચાલતા હતા. તે દિવસોમાં ઢાકાની મલમલ બનતી હતી. પઅણ ત્યારેય રેંટિયો કંગાલિયતની જ નિશાની હતો, અહિંસાની નિશાની નહોતો. બાદશાહો સ્ત્રીઓ પાસે અને નીચામાં નીચા વર્ગનાં માણસો પાસે વેઠ કરાવતા હતા. ત્યાર પછી ઇસ્ટ ઇંડિયા કંપનીએ પણ તેમ જ કર્યું. કૌટિલ્યના ્‌અર્થશાસ્ત્રમાં પણ વેઠની વાતનો ઉલ્લેખ છે. ત્યારતી જ રેંટિયો હિંસા અને જોર-જબરજસ્તીનું પ્રતીક બન્યો હતો. રેંટિયા ચલાવનારને મુઠ્ઠીભર અનાજ કે બે દમડી મળતી હતી. પણતેમના સૂતરની મલમલ ગજની ગજ પહેર્યા છતાં પણ બાદશાહોની બેગમો વસ્ત્રરહિત દેખાતી એટલી બારીક હતી.

પરંતુ તમને મેં જે રેંટિયો આપ્યો છે તે અહિંસાના પ્રતીક તરીકે આપ્યો છે. જો આ વાત આ પહેલાં મેં તમને ન કહી હોય તો તે મારી ભુલ છે. હું પાંગળો છું, ધીરે ધીરે ચાલનારો છું. તોપણ હું માનું છું કે આજ સુધી જે કામ થયું છે તે નકામુંં નથી ગયું.

હવે ચોથી વાત. રેંટિયા વગર સ્વરાજ્ય નહીં મેળવી શકાય એ વાત આપણએ સાબિત કરી નથી. કૉંગ્રેસવાળાઓને આ વાત નહીં સમજાવી શકો ત્યાંં સુધી એ સાબિત નહીં કરી શકાય. રેંટિયો અને કૉંગ્રેસ એ એકબીજાના પર્યાયવાચી શબ્દો બનવા જોઇએ.

અહિંસાની શ્રેષ્ઠતા સાબિત કરવાનું કામ અઘરું છે. જ્યાં સુધી આપણે એનો મર્મ સમજીએ નહીં ત્યાં સુધી એની સચ્ચાઇ આપણા ધ્યાનમાં આવવાની નથી. આજ સુધી આ વાતનું હું સમર્થન કરતો આવ્યો છું. જગત મારી પરીક્ષા કરશે. જો મારી આ રેંટિયાનીવાતમાં તે મારી મૂર્ખતા સિદ્ધ કરે તો ભલે કરે; પણ જે રેંટિયો સૈકાઓ સુધી કંગાલિયત, લાચારી, જુલમ અને વેઠનું પ્રતીક હતો તેને આપણે આધુનિક જગતની સૌથી મોટી અહિંસક શક્તિ, સંગઠન અને અર્થવ્યવસ્થાનું પ્રતીક બનાવવાનું બીડું ઝડપ્યું છે. અને આ બધું હું તમારી મારફત કરવા માગું છું.

આ બધી વાતો સાંભળ્યા પછી પણ જો તમે માનતા ન હો કે રેંટિયામાં સ્વરાજ્ય મેળવવાની શક્તિ છે તો તમે મને છોડી દેજો. આમાં તમારી પરીક્ષા છે. શ્રદ્ધા ન હોવા છતાં બતાવશો અને મને છેતરશો તો દેશનું ઘણું અકલ્યાણ કરશો. મારા અંતિમ દિવસોેમાં તમે મને છેતરો નહીં, એવી મારી તમને નમ્ર પ્રાર્થના છે.

જો આજ સુધીની કાર્યપ્રણાલીમાં દોષ રહ્યો હોય તો એને માટે જવાબદાર હું છું. કારણ કે આ બધું જાણવા છતાં પણ હું એનો પ્રમુખ રહ્યો છું. પરંતુ આપણે હવે ગઇગુજરી ભૂલી જઇએ. શું આજે આપણે સાચા દિલથી માનીએ છીએ કે રેંટિયો અહિંસાનું પ્રતીક છે ? એવું માનનારા આપણામાં કેટલા છે ?

આ જે આપણો ત્રિરંગી ઝંડો છે, એ શું છે ? અમુક ગજ પહોળો અને અમુક ગજ લાંબો એક ખાદીનો ટુકડો જ છે ને ? એને બદલે તમે બીજો પણ ચઢાવી શકો. પરંતુ એમાં ભાવના છે, એણે ભાવના પેદા કરી છે. એ સ્વરાજનું પ્રતીક છે. કોમી એકતાનું પ્રતીક છે, એને આપણે ભૂલીશું નહીં. એને માટે આપણે મરવા તૈયાર છીએ. એવી જ રીતે અહિંસાનું પ્રતીક આ રેંટિયો છે.

આ રેંટિયાને નામે મારા વિચારનો ધોધ તમારી પાસે વહી રહ્યો છે. એને સ્વાવલંબન કહો કે બીજું કાંઇ કહો. રાષ્ટ્રીય સંગઠન અને સ્વાવલંબનને નામે ખુદ પશ્ચિમના દેશોમાં અને એ દેશો તરફથી કરોડોનું રક્તશોષણ થઇ રહ્યું છે. આપણું સ્વાવલંબન એવું નથી. આ તો શોષણમાંથી અને જબરજસ્તીમાંથી છૂટવાનો માર્ગ છે. મારે શબ્દો સાથે સંબંધ નથી વસ્તુ સાથે છે. છતાં શબ્દોમાં ચમત્કાર ભરેલો હોય છે. શબ્દો ભાવનાને દેહ આપે છે, અને ભાવના શબ્દોની મદદથી સાકાર બને છે.

આપણા ધર્મમાં સાકાર-નિરાકારનો ઝઘડો હંમેશાં ચાલતો આવ્યો છે. સાકારવાદીઓ સગુણ ભક્તિને શ્રેષ્ઠ માને છે. એ ભાવના અનુસાર જો અહિંસાની ઉપાસના કરવી હોય તો રેંટિયાને એની સાકાર મૂર્તિ - એનું પ્રતીક-માનીને એને આંખ સામે રાખવું જોઇએ. હું અહિંસાનું દર્શન કરવા માગું છું ત્યારે મને રેંટિયાનું દર્શન થાય છે. જે નિરાકારવાદી છે તે તો કહેશે કે કૃષ્ણ કોણ છે ? એ તો પહાડાની ટોચ પર અને આકાશનાં વાદળાં પર ચાલવાવાળો છે. આપણે ધરતી પર ચાલવાવાળા છીએ. આપણે આપણી મર્યાદા સમજીને જે વસ્તુ આપણે માટે સાકાર ઇશ્વરનું - આપણી અમૂર્ત શ્રદ્ધાનું અને ભાવનાનું - પ્રતીક બને તેવી હોય તેને પસંદ કરીએ છીએ. તમે આ સત્યનું દર્શન કરી શકશો તો હું રેંટિયા પર આટલો ભાર શા માટે મૂકું છું તે સમજી જશો. જાજૂજી સાથે પણ મેં આટલી દૃઢતાથી પહેલાં કદી વાત કરી નહોતી. જેરાજાણી કહે છે કે હું ઉતાવળ કરી રહ્યો છું. પરંતુ રેંટિયાની મારી ઉપાસનાની પાછળ જે ભાવના છે એને પોતાના દિલમાં સ્થાન આપ્યા વગર સો વર્ષે પણ અહિંસાનું દર્શન થવાનું નથી. મને રેંટિયામાં અહિંસાની શક્તિનું જે દર્શન થયું છે તે તમે જ્યારે મારા જેવું હ્ય્દય લઇને એની પાસે જશો, એને ચલાવશો ત્યારે જ થશે ને ? એથી જ કહું છું કે કાં તો મને છોડી દો અથવા મને સાથ આપો. જો મારી સાથે ચાલવા માગતા હો, તો હું તમને યોજના આપીશ, બધું જ કરીશ. જો હજી તમે બધા સમજ્યા ન હો તો આખો દિવસ તમારી સાથે બેસીશ. સમજ્યા વગર કહેશો કે સમજી ગયા તો છેતરાશો અને છેતરશો. આપણે કાંઇ શંભુમેળો ભેગો કર્યો નથી. આપણે એવા પામર થોડા જ થઇ ગયા છીએ કે લૂખા-સૂકા ટુકડા માટે પડી રહીશું ? દેશમાં ઢગલાબંધ સેવાનું કામ પડ્યું છે. મારી શ્રદ્ધા મને ઊંચે લઇ જશે, તેમને નહીં. એટલા માટે ભ્રમમાં ન રહેશો. મને સારો રસ્તો કાપવા દો. જો એમ સાબિત થશે કે હું ભ્રમમાં રહ્યો, મારી રેંટિયા વિષેની માન્યતા નરી મૂર્તિપૂજા હતી, તો કાં તો તમે એ જ રેંટિયાના લાકડાથી મને બાળશો, અથવા તો હું જ જાતે એ રેંટિયાને મારે હાથે બાળીશ.

જો ચરખા સંઘ બંધ જ થવાનો હોય તો આપણે હાથે જ એને બંધ કરી દઇએ. સૂરજનો ઉદય થતાં ઝાકળબિંદુઓ નાશ પામે છે તેમ બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થશે. પછી જે રેંટિયાએ આપણને મૂંઝવણમાં નાખ્યા છે, તે થોડાક લોકોના હાથમાં રહી જશે. અને ત્યારે તેમના હાથમાં તે મોટું શસ્ત્ર પણ થઇ પડે. જો તમે એને મૂર્ખાઇભરી ચીજ માનતા હો તો હું એક મૂર્ખતાસંઘ ચલાવવા અને હિંદુસ્તાનને નીચે પાડવા નથી માગતો. જો તમે આ રેંટિયામાંથી અહિંસાનું દર્શન કરાવી શકશો તો તમારો રેંટિયો ફક્ત ચાલવા જ નહીં પણ દોડવા લાગશે. પછી તેને જીવતો રાખવાની ચિંતા તમારે કરવાની નહીં રહે.

હું ફરીથી કહું છું કે કાં તો સાથ તમે છોડી દો અથવા નવી વસ્તુ અપનાવીને મારી સાથે ચાલો. બે વર્ષની તપશ્ચર્યા પછી આ નવી ચીજ લઇને હું આવ્યો છું. એ તમને આપી શકીશ કે નહીં, એની મને ખબર નથી. પરંતુ આપવાની કોશિશ તો કરી જ રહ્યો છું. હવે મને સાથ આપવાની કોશિશ તો કરી જ રહ્યો છું. હવે મને સાથ આપવાનું તમારે માટે અઘરું થતું જાય છે. જો તમને સમજાવી શક્યો હોઉં તો એક કામ કરો. જેઓ ંમારી સાથે રહેવા માંગતા હોય તેઓ મને લખી આપો કે આજથી રેંટિયાને અમે અહિંસાનું પ્રતીક માનીએ છીએ. આજે તમારે નિર્ણય કરી લેવાનો છે, જો તમે રેંટિયાને અહિંસાનું પ્રતીક ન માનતા હો, ન માની શકતા હો, છતાં મને સાથ આપતા રહેશો તો તમે પોતે મુશ્કેલીમાં મુકાશો જ અને મને પણ ડુબાડશો.૨૨

ખાદીનો એક યુગ પૂરો થયો. ગરીબોના લાભને માટે ખાદીએ કાંઇક મેળવ્યું છે. હવે આપણે બતાવવાનું છે કે ગરીબો સ્વાવલંબી કેવી રીતે થઇ શકે, ખાદી કેવી રીતે અહિંસાનું પ્રતીક બની શકે, એ આપણું સાચું કામ છે. એને વિશેની આપણી શ્રદ્ધાનું પ્રત્યક્ષ પ્રમાણ આપવું જોઇશે.૨૩

મેં જોયું કે જ્યાં સુધી આપણે ચરખાનો સંદેશો ઘેરઘેર ન પહોંચાડીએ ત્યાં સુધી આપણું કામ અધૂરું જ છે.૨૪

આપણે સૌ એમ જ માનીએ કે રેંટિયો જ અન્નપૂર્ણા છે. જો ચાળીસ કરોડ જનતા એ સમજી જાય તો પછી રેંટિયાની પ્રવૃત્તિને માટે એક કોડી પણ ખર્ચવાની જરૂર નથી. તો પછી સલ્તનત તરફથી નીકળનારાં ફરમાનોથી ડરવાનું કાંઇ કારણ નથી. તેમ જ ધનિકોના મોઢા સામે તાકી રહેવાની પણ જરૂર નથી. આપણે પોતે જ કેન્દ્ર બની જઇશું અને લોકો દોડતા દોડતા આપણી પાસે આવશે. કામ શોધવા માટે પણ એમને બીજે જવું નહીં પડે. દરેક ગામડું આઝાદ હિંદુસ્તાનનું એક એક ચક્રબિંદુ બની જશે. મુંબઇ, સલકત્તા, જેવાં શહેરોથી નહીં પરંતુ સાત લાખ ગામડાંઓમાં, ચાળીસ કરોડ જનતાથી આઝાદ હિંદુસ્તાન ઓળખાશે. પછી હિંદુ-મુસલમાનનો પ્રશ્ન, અસ્પૃશ્યતાની સમસ્યા, ટંટાફિસાદ, ગેરસમજૂતીઓ, હરીફાઇ વગેરે રહેશે નહીં. આ જ કામને માટે સંઘની હસ્તી છે. એને માટે જ આપણે જીવવાનું છે અને મરવાનું પણ છે.૨૫

પહેલું સ્થાન રેંટિયાનું છે. એની સાધનામાંથી જ ગ્રામોદ્યોગ, નઇ તાલિમ વગેરે બીજી ચીજો પેદા થઇ છે. જો આપણે રેંટિયાને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરીશું તો ગામડાંઓને ફરીથી જીવતાં કરી શકીશું.૨૬

રેંટિયામાં સ્વરાજ મેળવવાની શક્તિ છે, એવું આપણે આજ સુધી કહેતા આવ્યા છીએ. રેંટિયા દ્ધારા આટલાં વર્ષોમાં ગામડાંના લોકોને ઘણા પૈસા પહોંચાડી શક્યા છીએ. શું આજે પણ આપણે કહી શકીએ છીએ કે રેંટિયા વગર સ્વરાજ્ય નહીં આવે ? જ્યાં સુધી આપણે આપણો આ દાવો સિદ્ધ નહીં કરી શકીએ ત્યાં સુધી રેંટિયો આપણે માટે એક લાચાર માણસનો આધાર માત્ર બની જાય છે. એ મુક્તિમંત્ર બનતો નથી.૨૭

એકલી ખાદી ગામડાંઓની ઉન્નતિ નહીં કરી શકે. આખા ગ્રામજીવનને બધા ગ્રામોદ્યોગને જીવંત કરીને જ ગ્રામવાસીઓને આપણે ઉદ્યમશીલ બનાવી શકીશું. અને ત્યારે જ ગામડાંની ઉન્નતિ થશે.૨૮

ખાદી કેવળ રોજી આપવાવાળો એક ઉદ્યોગ છે એ ખ્યાલ તો આપણે છોડી દેવો જોઇએ.૨૯

આજે લોકોને આળસના રોગમાંથી છોડાવવા માટે ખાદી એક મોટું સાધન છે. જનતામાં સ્વરાજ્યની શક્તિ પેદા કરનારી એ ચીજ છે. બીજી વસ્તુઓને પણ એવી જ શક્તિ પેદા કરનારી બનાવી દઇશું. ત્યારે જ ગામડું સ્વાવલંબી બનશે.૩૦

ખાદીનું સ્થાન સંકટનિવારણના સાધન તરીકે હંમેશને માટે છે એટલું તો તમે પણ બતાવી શકો. એ સ્થાન તો મટવાનું નથી, પરંતુ આપણે જે સિદ્ધિ કરવાનું છે તે તો છે ખાદીના અર્થશાસ્ત્રની અનિવાર્યત.૩૧

(રેંટિયા જયંતીની) ખરી ઉજવણી તો ત્યારે જ ગણાશે, જ્યારે ઘેર ઘેર સ્વતંત્રા અને અહિંસાના પ્રતીક રૂપે રેંટિયો ગુંજન કરે. થોડી ગરીબ બહેનો, ભલે એક કરોડ બહેનો, બે પૈસા મેળવવા કાંતની હોય, તેને સારુ ઉજવણી શી ? એમાં મહાભારત કામ શું થયું ? એવુું તો જુલમગાર રાજમાં પણ થઇ શકે, મૂડીવાદમાં તો એવું દૃશ્ય હોય જ. અબજપતિના વૈભવને સહ્ય કરવા સારુ ગરીબોને દાન હોય જ. ભલે તે દાન કંઇક મજૂરીનું રૂપ લે.

ઉજવણી તો જ દીપે, જ્યારે ધનિક ગરીબ બધા સમજે કે, ઇશ્વરે બધાને એકસરખા ગણાવા પેદા કર્યા છે, બધાને ઉચ્ચસ્થાન ભોગવવા સારુ મજૂરી કરવાની છે અને બધાની સ્વતંત્રતાની રક્ષા દારૂગોળો નહીં કરે, સૂતરના ગોળા કરશે; હિંસા નહીં પણ અહિંસા કરશે.૩૨

દેશી અને પરદેશી બન્ને જાતના મિલના કાપડની કિંમત લગભગ ત્રણસો કરોડ રૂપિયા થવા જાય છે. આ ત્રણસો કરોડની કિંમતનું કાપડ અહીં હિંદુસ્તાનનાં ગામડાંઓમાં આપણે હાથે જ આપણે પેદા કરી લઇએ, તો હિંદને કેટલી સંપત્તિ મળે, તેનો સૌ વિચાર કરો ને સમજો. આ કામમાં આપણે માટે ખાસી સોનાનાં નાણાંની ટંકશાળ પડેલી છે, અને સૌ લોકો જો ખાદી વાપતા થઇ જાય, તો આપણાં ગામડાંઓ અણદીઠ ઊંચાઇએ પડી જાય. આજે આપણી જનતા સાવ ગરીબીમાં સબડે છે, ને તેની આંખોમાં બુદ્ધિ કે આશાની ચમક દેખાતી નથી. કાંતનારાઓના શુદ્ધ હાથોથી તેમને માટે એ ચમત્કાર નીપજી શકે તેવા છે અને તેમાં સૌ કોઇ મદદ કરી શકે છે. ‘ખાદી જાડી ને ખરબચડી હશે, તોપણ તેમાં રહેલી સુંદરતા જોવાને તમારે સમભાવવાળું હ્યદય અને સમજવાળી આંખ કેળવવી જોઇશે. પછી સાચા અર્થમાં જે કદી તમારો નગ્નતાને ઢાંકી શકતું નથી, તે મિલના ઝીણા ને સુંવાળા કાપડના મોહમાં તમે નહીં ફસાઓ. તમારી નગ્નતા ઢાંકવાનો અને આપણા દેશમાંથી ભૂખમરાને હાંકી કાઢવાનો એકમાત્ર ઇલાજ તમારું અનાજ જાતે પકવી લેવાનો અને તમારું કાપડ તમારે હાથે તૈયાર કરી લેવાનો છે. આ અત્યંત સુખદ સિદ્ધિ આપણે મેળવી લઇએ, તો આંખી દુનિયાની નજર હિંદુસ્તાન તરફ વળશે’.૩૩

અહિં જે રેંટિયાવર્ગ પુરબહારમાં ચાલે છે, તેની આગળ મારે મને બીજું બધું ચેતન વગરનું ને મંદ લાગે છે. કેમ કે. તેમાં રેંટિયા પર ખેંચાતા એકેએક તારમાં મને મારો રામ રમતો દેખાય છે. મને તેમાંથી સ્વરાજનાં દર્શન થાય છે. ચાળીસ કરોડ હાથોએ કાંતેલા સૂતરના તારના સામર્થ્ય ને પ્રભાવનો હું ખ્યાલ કરું છું, ત્યારે મારું દિલ આનંદથી ઊભરાઇ જાય છે. પણ તમે હસશો ને કહેશો કે, જવા દો એ વાત ! વીસ કરોડ હિન્દીઓ કાંતવા માંડે, એ બનવાનું જ નથી! પણ આ શક્યતા માનવાનો ઇન્કાર કરીને આપણે આપણું અજ્ઞાન નથી બતાવતા ? આપણી શ્રદ્ધાની ખામી નથી સાબિત કરતાં ? આપણી અપેક્ષા રાખવામાં શું કંઇ અસંભવિત છે ? આપણી માતૃભૂમિને કાજે આટલો ત્યાગ કરવાની પણ આપણી તૈયારી કે શક્તિ ન હોય, તો આપણે તેને વિષેના પ્રેમની જે વાતો ઠોકીએ છીએ, તેમાં શો અર્થ છે ?૩૪

૨૦

બીજા ગ્રામોદ્યોગો

ગ્રામોદ્યોગ શા માટે ?

૧૯૨૦માં હુંસ્વદેશીની પ્રવૃત્તિનું પગરણ માંડવાવી તૈયારી કરી રહ્યો હતો તેવામાં મારે ફાઝલભાઇની સાથે વાત થયેલી. એ ચતુર રહ્યા એટલે મને કહ્યું, ‘તમે મહાસભાવાદીઓ અમારા માલની જાહેરાત કરનાર એજન્ટ બનશો તો અમારા માલના ભાવ વધારવા ઉપરાંત દેશને બીજો કશો લાભ તમે નહીં કરી શકો.’ એમની દલીલ સાચી હતી. પણ મેં એમને કહ્યું કે, ‘હું તો હાથે કાંતેલીવણેલી ખાદીને ઉત્તેજન આપવાનો છું. એ ઉદ્યોગ પડી ભાગ્યા જેવો છે, પણ જો કરોડો ભૂખે મરતાં બેકાર માણસોને કંઇક ઉદ્યમ આપવો હોય તો એ ઉદ્યોગને સમજીવન કર્યે જ છૂટકો છે.’ એ સાંભળીને તેઓ શાંત થયા.

પણ ખાદી એ કંઇ એક જ એવો જીવવાને ફાંફા મારતો મૃતપ્રાય ઉદ્યોગ નથી. તેથી મારી સૂચના તમને એ છે કે જેટલા નાના ગામઠી ઉદ્યોગોને આજે પ્રજાના ઉત્તેજનની જરૂર હોય તે બધા તરફ તમારે લક્ષ આપવું ને એનું કામ હાથમાં લેવું. એમને ટકાવી રાખવાને ને ઉત્તેજન આપવાને કંઇ પ્રયત્ન નહીં થાય તો એનો નાશ થઇ જશે. આજે મોટા પાયા પર ચાલતા ઉદ્યોગો પોતાના માલનો બજારોમાં ધોધ વહેવડાવી રહ્યા છે ને આ નાના ઉદ્યોગોમાંના કેટલાકને હઠાવી રહ્યા છે. તમારી મદદની ખરેખરી જરૂર તો એ નાના ઉદ્યોગોને છે.૧

આપણે નાના પાયા પર ચાલતા ઉદ્યોગોને મદદ કરીએ તો રાષ્ટ્રીય સંપત્તિમાં ઉમેરો થાય એ વિષે મારા મનમાં તલભાર શંકા નથી. આ ગૃહઉદ્યોગોને ઉત્તેજન આપવું ને તેને સજીવન કરવા એ જ સાચું સ્વદેશી છે. એ વિષે પણ મને કશો સંશય નથી. મૂંગાં કરોડોને મદદ કરવાનો એ જ એક રસ્તો છે. પ્રજાની સર્જનશક્તિ ને કળા કારીગરીના વિકાસનાં દ્ધાર એ રીતે જ ખૂલે એમ છે. દેશમો જે સેંકડો જુવાનો બેકાર પડ્યા છે તેમને પણ એ વાટે કંઇક ઉપયોગી વ્યવસાય મળી રહેશે. આપણી જે શક્તિ અત્યારે વેડફાઇ રહેલી છે તે બધીનો એ કામમાં ઉપયોગ કરી શકાશે. જેઓ અત્યારે બીજા ઉદ્યોગધંધા કરીને વધારે કમાણી કરતા હોય તેવા કોઇએ એ ધંધા છોડીને નાના ઉદ્યોગો કરવા મંડી જવું એવું હું કહેવા માગતો નથી. રેંટિયાને વિષે મેં કહેલું તેન આને વિષે પણ હું એમ જ કહું છું, કે જેઓ બેકારી ને દારિદ્ય ભોગવતા હોય તેઓ આમાંનો કોઇ ઉદ્યોગ હાથમાં લે અને પોતાની જૂજ જેવી આવકમાં ઉમેરો કરે.

આ ઉપરથી જોઇ શકાશે કે હું તમને તમારી પ્રવૃત્તિમાં જે ફેરફાર કરવાનો સૂચવું છું તેમાં મોટી મિલોના ઉદ્યોગોના હિત જોડે કોઇ પણ જાતનું ઘર્ષણ રહેલું નથી. હું તો આટલું જ કહેવા ઇચ્છું છું કે તમે રાષ્ટ્રીય સેવકો તમારી પ્રવૃત્તિ કેવળ નાના ઉદ્યોગો પૂરતી જ મર્યાદિત રાખો અને મોટા ઉદ્યોગો પૂરતી જ મર્યાદિત રાખો અને મોટા ઉદ્યોગો આજ સુધી પોતાની સંભાળ પોતે લેતા આવ્યા છે એમ એમને લેવા દો. મારી કલ્પના તો એવી છે કે નાના ગૃહઉદ્યોગો મોટા મિલઉદ્યોગને હઠાવીને તેની જગા નહીં લે, પણ તેમાં પૂર્તિ કરશે.૨

કાપડની, ખાંડની અને ચોખાની મિલોને આપણી મદદની જરૂર ન હોય; પણ જો અણમાગી મદદ આપણે આપવા જઇએ તો રેંટિયા, હાથસાળ અને ખાદીને, ગામડાંમાં ચાલતા ગામઠી કોલુને, જીવક અને પોષક તત્ત્વોથી ભરેલા ગોળને તથા એવાં જ તત્ત્વોથી ભરેલા હાથે ખાંડેલા ચોખાનો બહિષ્કાર કરીએ છીએ. એટલે આપણી ફરજ છે કે રેંટિયોસાળ, ગામઠી કોલુ, અને ગામઠી ખાંડણિયાને સજીવન કેવી રીતે રાખી શકાય તેની આપણે બરોબર તપાસ કરવી જોઇએ અને એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો જ પ્રચાર કરીને, તેના ગુણો પ્રગટ કરીને, તેમાં રોકાયેલા કામ કરનારાઓની સ્થિતિ તપાસીને, અને મિલોમાંથી બેકાર થઇ પડેલા કારીગરોની સંખ્યાની ગણતરી કરીને અને એ ગામઠી સાધનોને ગામઠી રાખીને તેમાં સુધારો કરવાની રીત શોધીને, મિલોની હરિફા સામે ટક્કર ઝીલવાને તેમને મદદ કરવી જોઇએ. એ ગ્રામઉદ્યોગો વિષે આપણે કેવી ભયંકર અને અક્ષમ્ય બેદરકારી બતાવી છે ! આમ એ ઉદ્યોગોને સજીવન કરવાના પ્રયાસમાં કાપડ કે ખાંડ, ચોખાની મિલની સામે વિરોધ નથી રહેલો. પરદેશી ખાંડ કે પરદેશી ચોખાના કરતાં તો મિલનાં છતાં આપણા દેશમાં બનતાં કાપડ, ખાંડ ને ચોખા જ વાપરવાં જોઇએ; જો પરદેશીના હુમલા સામે ઊભા રહેવાની તેની શક્તિ ન હોય તો તેને પૂરેપૂરી મદદ મળવી જોઇએ. પણ એવી મદદની જરૂર એ માલને આજે નથી. પરદેશી માલની સામે દેશી માલ બરોબર ટક્કર ઝીલી રહ્યો છે. જરૂર તો આજે ગ્રામઉદ્યોગોને રક્ષણ આપવાની છે, ગ્રામઉદ્યોગોમાં પડેલા રહ્યાસહ્યા કામ કરનારાઓને રક્ષણ આપવાની છે, અને પરદેશી કે સ્વદેશી મિલના હુમલાથી તેમને બચાવવાની છે. સંભવ એ છે કે ખાદી, ગોળ અને હાથે ખાંડેલા ચોખા મિલના એ જ માલ કરતાં ઊતરતા હોય અને તેથી તે તેની સામે ટકી નથી શકતા.

પણ ખરી વાત એ છે કે ખાદીના ઉદ્યોગ વિષે જેટલી શોધખોળ થઇ છે તેટલી ગોળ અને હાથે ખાંડેલા ચોખાના ઉદ્યોગ પાછળ રહેલા હજારો કામ કરનારાઓની સ્થિતિ વિષે નથી થઇ.૩

મેં મોટા પાયા પર ચાલતા સંગઠિત ઉદ્યોગોને બાતલ કર્યા છે એનું કારણ એ નથી કે એ સ્વદેશી નથી; પણ એમને ખાસ મદદની જરૂર નથી. એ પોતાના પગ પર ઊભા રહી શકે એમ છે, અને અત્યારની જાગૃતિની દશામાં તો એના માલનો ઉઠાવ સહેલાઇથી થાય એવો છે.૪

આ બધાનો સાર એ છે કે ગામડાંમાં બનતી હોય એવી જ ચીજો આપણે ખરીદવી ને એટલી જ વાપરીને ચલાવવું. એ ચીજોની બનાવટ અણઘડ પણ હોય. એ લોકોને એમની કારીગરીમાં સુધારા કરવાને આપણે સમજાવી જોવા. પરદેશી ચીજો કે શહેરોમાં એટલે કે મોટાં કારખાનાંમાં બનતી ચીજો ચડિયાતી હોય એટલા માટે ગામડાંની ચીજો ફેંકી દેવી કે એની સામે જ ન જોવું એ બરાબર નથી. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રામવાસીમાં જે કલા ને સર્જનશક્તિ રહેલી છે તેને આપણે જાગ્રત કરવી જોઇએ. આપણે માથે એમનું જે દેવું છે તે કંઇક અંશે પણ ફેડવાનો આ એક જ રસ્તો છે. આવા પ્રયત્નમાં આપણને કદી પણ સફળતા મળશે કે નહીં એ વિચારથી આપણે ભડકી જવાની જરૂર નથી. આપણા જમાનામાં જ આપણે એવા પ્રસંગો યાદ કરી શકીએ છીએ કે જ્યારે અમુક કામ રાષ્ટ્રની પ્રગતિને માટે થવું જ જોઇએ એમ જાણ્યા પછી આપણે વિઘ્નોથી અને મુસીબતોથી ડર્યા કે હાર્યા વિના આગળ ધપ્યા છીએ. તેથી, જો આપણે પોતે માનતા હોઇએ કે આપણે જીવવું હોય તો હિંદુસ્તાનના ગ્રામઉદ્યોગોને ફરી સજીવન કર્યે જ છૂટકો છે. એ રીતે જ આપણે અસ્પૃશ્યતાની જડ ઉખાડી શકીશું, એમ આપણે માનતા હોઇએ તો આપણે આપણાં મનને પાછાં ગામડાં તરફ વાળવાં જોઇએ, અને એમને શહેરી જીવનનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવાને બદલે આપણે ગ્રામજીવનને આદર્શરૂપ ગણીને તેને છાજે એવી રહેણી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. આ મનોવૃત્તિ જો સાચી હોય તો આપણે પંડથી જ આરંભ કરીશું અને, દાખલા તરીકે, મિલના બનાવેલા કાગળને બદલે હાથના બનાવેલા કાગળ વાપરીશું; બની શકે ત્યાં બધે ફાઉન્ટને પેન, ટાંક કે હોલ્ડરને બદલે બરુની કલમ વાપરીશું; મોટાં કારખાનામાં બનેલી શાહીને બદલે ગામડાંમાં બનેલી શાહી વાપરીશું; મોટાં કારખાનાંમાં બનેલી શાહીને ગામડાંમાં બનેલી શાહી વાપરીશું. આ જાતનાં ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ઘરમાં રોજના વાપરની એવી એકે ચીજ ભાગ્યે જ હશે જે ગ્રામવાસીઓ અગાઉ બનાવતા નહોતા, ને જે તેઓ આજે પણ બનાવી શકતા ન હોય. જો આપણે આપણી મનોદશા બદલીએ અને તેમના તરફ દૃષ્ટિ સ્થિર કરીએ તો આપણે તરત જ ગ્રામવાસીઓનાં ગજવાંમાં કરોડો રૂપિયા મૂકી દઇએ. આજે તો આપણે ગામડાંને શોષી રહ્યા છઈએ, અને બદલામાં એમને કશું આપતા નથી. આ પાયમાલી આગળ વધતી હવે અટકાવવી જોઇએ.૫

સામાન્ય ગ્રામવાસીઓ પણ આજે આથી કંઇ સારી સ્થિતિ ભોગવતા નથી. ધીમે ધીમે તેમને ભોંય ખણીને માંડ કોળિયા અનાજથી પેટનો ખાડો પૂરવાનો વખત આવતો જાય છે. આજે ઘણા ઓછાને ખબર હશે કે હિંદુસ્તાનનાં નાનાંને વાંકાંચૂકાં ખેતરો ને કયારડામાં ખેતી કરવામાં ખેડૂતને નફો થવાને બદલે ચોખ્ખી ખોટ જાય છે. ગામડાંના લોકો મરવાને વાંકે જીવે છે. એમના જીવનમાંથી આશા, ઉત્સાહ, સ્ફૂર્તિ, ઉમંગ ઊડી ગયા છે. તેઓ ભૂખમરાથી ધીમે મોતે મરી રહ્યા છે. એમના પર દેવાંના ઢગ વળી ગયા છે.૬

ગામડાંના ઉદ્યોગોનો લોપ થાય તો હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાંની પાયામાલી અધૂરી રહી હોય તો પૂરી થઇ જાય.૭

જે કામ કરવા ધાર્યું હોય તેને માટે પૂરતા માણસો ન હોય ત્યારે એ કામ સંચાથી લેવું એ સારું છે. પણ જેમ હિંદુસ્તાનમાં છે તેમ કામને માટે જોઇએ તે કરતાં વધારે માણસો પડેલાં હોય ત્યારે સંચા વાપરવાથી નુકસાન છે.૮

પણ જો મિલોમાં બનેલું કાપડ ગામડાંના માણસોનેબેકાર બનાવે છે, તો ચોખા ખાંડવાની ને આટો દળવાની મિલો હજારો સ્ત્રીઓની રોજી છીનવી લે છે, એટલું જ નહીં પણ સાટે આખી પ્રજાના આરોગ્યને હાનિ પહોંચાડે છે. જ્યાં લોકોને માંસાહાર કરવાનો વાંધો ન હોય ને એ આહાર પોસાતો હોય ત્યાં મેંદાથી અને પૉલિશ કરેલા ચોખાથી કદાચ કંઇ નુકસાન ન થતું હોય; પણ હિંદુસ્તાનમાં જ્યાં કરોડો માણસો એવા છે જેમને માંસ મળે તો તે ખાવામાં વાંધો નથી પણ જેમને માંસ જોવા મળતું નથી, ત્યાં તેમને આખા ઘઉંને આટો પૉલિશ કર્યા વિના હાથે ખાંડેલા ચોખામાં રહેલા પૌષ્ટિક અને ચેતનદાયી તત્ત્વો ન મળવા દેવાં એમાં પાપ છે. હવે તો ડૉક્ટરોએ અને બીજાઓએ મળીને લોકોને મેંદો અને પૉલિશ કરેલા સંચે ખાંડેલા ચોખા વાપરવાથી થતા નુકસાનનું ભાન કરાવવું જોઇએ.૯

ગ્રામવાસીઓને કામ આપવું હોય તો તે યંત્રો વાટે ન બની શકે; પણ તેઓ અત્યાર સુધી જે ઉદ્યોગો કરતા આવ્યા છે તેને સજીવન કરવા એ જ એનો સાચો રસ્તો છે.૧૦

તેથી મારા અભિપ્રાય પ્રમાણે અખિલ ભારત ગ્રામઉદ્યોગ સંઘનું કામ એ રહેશે કે જે ઉદ્યોગો અત્યારે હયાત છે તેમને ઉત્તેજન આપવું, અને જ્યાં શક્ય અને ઇષ્ટ હોય ત્યાં મરતા કે મરી ગયેલા ગ્રામોદ્યોગોને ગામડાંની પદ્ધતિએ, એટલે કે ગ્રામવાસીઓ પોતાનાં ઝૂંપડાંમાં અનાદિકાળથી કામ કરતા આવ્યા છે તે રીતે કરવા દઇને, સજીવન કરવા. જેમ હાથે લોઢવા, પીંજવા, કાંતવા, વણવાની ક્રિયાઓમાં ને ઓજારોમાં ઘણા સુધારા થયા છે તેમ ગ્રામોદ્યોગની પદ્ધતિમાં પણ કરી શકાય.૧૧

ખાદીએ ગામડાના નભોમંડળનો સૂર્ય છે, અને બીજા વિવિધ ઉદ્યોગો એ ગ્રહો છે. આ ઉદ્યોગરૂપી ગ્રહોને ખાદીરૂપી સૂર્ય પાસેથી જે ઉષ્મા અને જીવન મળે છે તેના બદલામાં તેઓ ખાદીને ટકાવી રાખે છે. ખાદી વિના બીજા ઉદ્યોગોનો વિકાસ થવો અશક્ય છે. પણ મારી ગઇ યાત્રામાં મેં જોયું કે જો બીજા ઉદ્યોગો સજીવન નહીં થાય તો હવે ખાદી વધારે આગળ નહીં વધી શકે. ગ્રામવાસીઓમાં પોતાના ફુરસદના વખતનો સદુપયોગ કરવાનાં સ્ફૂર્તિ અને સામર્થ્ય ઉત્પન્ન કરવાં હોય તો ગામડાંના જીવનનો બધી બાજુથી સ્પર્શ કરવો જોઇએ, ને તેમાં નવચેતનો સંચાર કરવો જોઇએ.૧૨

લોકો પરાણે આળસું બેસે કે સ્વેચ્છાએ, તોપણ તેઓ હમેશાં વિદેશી તેમ જ દેશી લૂંટનારાઓનો ભોગ થઇ પડવાના છે. એમને લૂંટનાર પરદેશનો હોય કે હિંદુસ્તાનનાં શહેરોનો હોય તોયે તેમની સ્થિતિ તો એની એ જ રહેવાની; એમને સ્વરાજ નહીં મળવાનું. એટલે મેં મનમાં કહ્યું, આ લોકો ખાદીમાં રસ લેવા માગતા ન હોય તો એમને બીજું કંઇક કરવાનું કહેવું જોઇએ. જે કામ એમના બાપદાદા કરતા પણ જે હાલ થોડા વખતથી બંધ થઇ ગયું હોઇ એવું કંઇક કામ તેઓ કરે. થોડાંક વરસ પહેલાં તેઓ રોજના વાપરની અનેક વસ્તુઓ જાતે બનાવી લેતા, પણ હવે એને માટે તેઓ બહારની દુનિયા પર આધાર રાખે છે. નાના કસબાના રહેવાસીના રોજના વાપરની એવી ઘણી ચીજે હતી જેને માટે તેઓ ગ્રામવાસીઓ પર આધાર રાખતા, પણ હવે તે શહેરમાંથી મંગાવે છે. જે ક્ષણે ગ્રામવાસીઓ પોતાનો બધો ફુરસદનો વખત કંઇક ઉપયોગી કામ કરવામાં ગાળવાનો નિશ્ચય કરશે, અને શહેરવાસીઓ એ ગામડાંમાં બનેલી ચીજો વાપરવાનો સંકલ્પ કરશે તે ક્ષણે ગ્રામવાસી અને શહેરવાસી વચ્ચેનો જે સંબંધ તૂટી ગયો છે તે પાછો બંધાશે.૧૩

શહેરના લોકોને હું એમ નથી કહેતો કે તમે જઇને ગામડાંમાં વસવાટ કરો. હું તો તેમને એટલું જ કહું છું કે તમારે માથે ગામડાંનું જે ઋણ છે તે અદા કરો. ગામડાં સિવાય બીજે ક્યાંયથી એમને કાચા માલની એક પણ ચીજ મળી શકે એમ છે ખરી ? જો ન હોય, તો પહેલાં જેમ ગામડાંના લોકો એ ચીજો જાતે તૈયાર કરી લેતા, ને આપણે એમના ઉદ્યોગધંધા પર તરાપ ન મારી હોત તો તેઓ આજે પણ કરી લેતા હોત, તે ચીજો એમને બનાવી લેવાનું કેમ ન શીખવીએ ?૧૪

આપણે એ પણ જોવું પડશે કે ગ્રામવાસીઓ સૌથી પહેલાં પોતાની હાજતો જાતે પૂરી પાડતા થાય, અને પછી જ શહેરવાસીઓની જરૂરિયાતો માટે માલ પેદા કરે.૧૫

ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઉદ્યોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉદ્યોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરૂપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ધાણીનો અને એવા જ બીજા સમાજજીવને જરૂરી તેમ જ મહત્ત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપૂર્ણ નહીં થાય એટલે કે તે સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાનો વતની હશે અથવા ગામડે જઇને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઇએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિષે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું.૧૭

આપણે સૌ એમ જ માનીએ કે રેંટિયો જ અન્નપર્ણા છે.૧૮

પહેલું સ્થાન રેંટિયાનું છે એની સાધનામાંથી જ ગ્રામોદ્યોગ, નઇ તાલીમ વગેરે બીજી ચીજો પેદા થઇ છે. જો આપણે રેંટિયાને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરીશું તો ગામડાંઓને ફરીથી જીવતાં કરી શકીશું.૧૯

કાર્યકર્તા એવો હોય જે ગામમાં જઇને આ બધાં કામોમાં - એટલે ગામડાના સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઇ જાય અને તેમ છતાં તે બધું કામ તેને બોજારૂપ ન લાગવું જોઇએ.૨૦

રેંટિયાને મેં ગામડાંઓના ઉત્કર્ષનું મધ્યબિંદુ એટલે કે સૂર્ય માન્યો છે. . . . એ સિવાય પણ પોતાના ગામમાં ક્યા ગ્રામોદ્યોગો ચલાવી શકાય એ પણ કાર્યકર્તાએ જોવું પડશે. એમાં પ્રથમ આવશે તેલધાણી. મગનવાડીના ઝવેરભાઇ પટેલે એનું પૂરું શાસ્ત્ર બનાવ્યું છે. એ પણ જાણવું પડશે ત્રીજો ઉદ્યોગ છે હાથ-કાગળનો. એ આખા હિંદુસ્તાનને કાગળ પૂરો પાડવાની દષ્ટિએ નહીં પણ પોતાના ગામને સ્વાવલંબી બનાવવા માટે અને થોડીક આવક વધારવાની દષ્ટિએ શીખવવાનો છે.

તેલ, હાથકાગળ ઉપરાંત અનાજ દળવાની હાથઘંટી દરેક ગામડામાં સજીવન કરવી જોઇએ. એ જો નહીં થાય તો અનાજ દળવાની મિલ આપણા નસીબમાં લખેલી જ છે. જેવું લોટનું તેવું જ ચોખાનું. જો આખા ચોખા ખાવાની ટેવ આપણે ગામડાંના લોકોને ફરીથી નહી પાડીએ તો ખોરાકના સવાલને આપણે હલ નહીં કરી શકીએ. મિલમાં છડેલી ચોખા, સફેદ ખાંડ વગેરે બધું મનુષ્યના સ્વાસ્થ્યને માટે ઘણું હાનિકારક છે, એ તો હવે સ્વીકારેલી હકીકત છે.૨૧

આપણે સૌએ ગામડાંના બધા પ્રશ્નો વિશેનું જ્ઞાન મેળવવું પડશે. ગામમાં થોડું સીવણકામ પણ ચાલશે. ગામન ખેડૂત, લુહાર, સુતાર ચમાર વગેરે બધાનો આપસમાં સહકાર કરાવીને એમની વચ્ચે મેળ કરાવવો એનો અર્થ છે ગ્રામસંગઠન. બધી વાત દેખાય છે મોટી પણ ખરી રીતે એવું નથી. નિશ્ચયી તથી શરીર અને બુદ્ધિ બન્નેથી પૂરું કામ લેનાર કાર્યકર્તાને એ બહુ અઘરી ન લાગણી જોઇએ.૨૨

હવેે આપણે બધું કામ સંપૂર્ણ ગ્રામોત્થાનની કલ્પનાની યોજનામાં ઢાળીને નવેસરથી કરવું છે. જોઇએ, કેટલું કરી શકીએ છીએ. હું એટલે સુધી કહું કે આ પરિવર્તનોને કારણે થોડા વખતને માટે જો આપણું કામ મંદ થઇ જાય, તો ચિંતા નહીં. ખાદીને વિશે જે ભાવના આપણે લોકોમાં પેદા કરી છે, તે ખરી હોવા છતાં પણ એની શક્તિ વિશે જે ખ્યાલ આપણે લોકોમાં પેદા કર્યા છે, એમાં જો ક્યાંક ભૂલ હોય તો આપણે ફરીથી વિચાર કરવો જોઇએ. આપણો દાવો જો ખોટો હોય તો જાહેર રીતે તે પાછો ખેંચી લેવો જોઇએ.

શહેરવાળાઓને હું કહું કે તમે તમારે માટે ખાદી જાતે બનાવી લો. જ્યાં ત્યાંથી ખાદી ભેગી કરીને શહેરવાસીઓને પહોંચાડવાનો લોભ હું છોડું. અને પછી આપણે ગામડાંઓમાં જઇને બેસી જઇએ. આ પરિવર્તનને કારણે કાર્યકર્તાઓ ભાગી જાય તો એમને જવા દઇએ. એટલે હદ સુધી આપણાં મન અને બુદ્ધિનું પરિવર્તન થશે ત્યારે જ આપણે જે ઇચ્છીએ છીએ તે પરિણામ આવશે. ચરખા સંઘ માત્ર નીતિનો સંરક્ષક રહેશે. કામનું જેટલું વિભાજન થઇ શકશે તેટલું કરી દઇશું અને બધો બોજો હલકો કરી નાખીશું. પછી આપણે આપણી બધી શક્તિ અને બધું ધ્યાન જે ગામડાંઓમાં આપણે બેઠા હોઇશું ત્યાં આસપાસ પાંચ માઇલના વિસ્તારમાં ચાલતાં કામોમાં આપીશું. ત્યારે જ આપણને ખબર પડશે કે આપણાં કામોમાં તજ્યાંશ કેટલો છે. . . . આજે તો જેટલી ઊંડી જડ નાખી શકાય તેટલી નાખવી છે.૨૩

ગામડાના લોકોની સ્થિતિ સુધારવા માટે ખેતી, ગોપાલન અને બીજા ઉદ્યોગો ગામડાંમાં કેવી રીતે બેઠા થાય તેનો વિચાર કરું છું બેચાર ગામોમાં પણ સફળ થાઉં તો તો મારી સમસ્યાનો ઉકેલ મળી જશે. ‘યથા પિંડે તથા બ્રહ્માડેં’૨૪

પોતાની જાતથી શરૂ કરો

કેટલાક સજ્જનો કાગળ લખીને, અને કેટલાક મિત્રો મળીને મને પૂછે છે કે ‘અમારે ગ્રામઉદ્યોગના કામનો આરંભ કેવી રીતે કરવો, ને સૌથી પહેલાં શું કરવું ?’

ચોખ્ખો જવાબ તો એ છે કે ‘તમારી જાતથી આરંભ કરો, ને તમારે માટે જે વસ્તુ સહેલામાં સહેલી હોય તે પહેલી કરો.’ પણ આ જવાબથી પૂછનારાઓને સંતોષ થતો નથી. તેથી હું વધારે સ્પષ્ટતાથી વાત કરું.

દરેક માણસ પોતાના ખોરાકની ચીજો, વસ્ત્રો અને રોજના વાપરની બીજી બધી વસ્તુઓ તપાસે; અને એમાંથી જે પરદેશની કે શહેરની બનાવટની હોય તે તજીને ગ્રામવાસીઓએ તેમનાં ઘરમાં કે ખેતરમાં તેમનાં સાદાં ને સહેજે વાપરી ને સુધારી શકાય એવાં ઓજારો વડે બનાવી હોય એવી વસ્તુઓ વાપરે. આ પરિવર્તન કરવામાં જ એને ઘણી કીમતી કેળવણી મળી રહેશે, અને એ સંગીન શરૂઆત થશે.

આ પછીનું પગથિયું તેને આપોઆપ જડી જશે. દાખલા તરીકે આ આરંભ કરનાર આજ સુધી મુંબઇના કારખાનામાં બનેલું તૂથબ્રશ વાપરતો હોય, તેને બદલે એને હવે ગામડાની બનેલી વસ્તુ વાપરવી છે. તેને સલાહ આપવામાં આવે છે કે તેણે બાવળનું દાતણ વાપરવું. તેના દાંત નબળા હોય કે પડી ગયા હોત તો દાતણ વાપરવું. તેના દાંત નબળા હોય કે પડી ગયા હોત તો દાતણને એક ગોળ પથરાવી કે હથોડીથી કૂટીને તેનો કૂચો બનાવે. બીજા છેડા પર ચપ્પુથી કાપ મૂકી રાખે. પછી બે ચીર થાય તેના વતી તે ઊલ ઉતારે. કારખાનામાં બનેલા અતિશય મેલાં ટૂૂથબ્રશને બદલે આ દાતણ તેને સસ્તાં ને બહુ જ ચોખ્ખાં લાગશે. શહેરમાં બનેલા ટૂથપાઉડરને બદલે તે કોલસાની ઝીણી ચાળેલી ભૂકી અને ચોખ્ખા મીઠાનું સરખે ભાગે મિશ્રણ કરીને વાપરશે; મિલના ખાંડેલા ચોખાને ઠેકાણે હાથના ખાંડેલ પૉલિશ નહીં કરેલા ચોખા અને ખાંડને ઠેકાણે ગોળ ખાશે.

આ તો મેં માત્ર દૃષ્ટાંતો આપ્યાં છે. એ ગણાવવામાં મારો ઉદ્દેશ આ પ્રશ્નને મારી સાથે ચર્ચનારાઓએ જણાવેલી મુશ્કેલીઓની ચર્ચા કરવાનો પણ છે.૨૫

દુગ્ધાલય

આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી. આપણા પાંજરાપોળો આપણી દયાવૃત્તિ ઉપર ખડી થયેલી સંસ્થાઓ છતાં તે વૃત્તિનો અતિ બેહૂદો અમલ કરનારી સંસ્થાઓ માત્ર છે. તેઓ નમૂનેદાર ગોશાળાઓ કે ડેરીઓ અને ધીકતી રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં ધર્માદા ખાતાઓ જ થઇ પડી છે ! . . . અત્યારે તો ગોરક્ષા ધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને તેના વંશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ.૨૬

આદર્શ ગૌશાળા પોતાના શહેરને પોતાનાં ઢોરોનું સસ્તું અને આરોગ્યદાયક દૂધ તથા મૂએલાં - કતલ કરેલાં નહીં- ઢોરના ચામડાનાં સસ્તાં અને ટકાઉ પગરખાં પૂૂરાં પાડશે. આવી ગૌશાળા શહેરની વચ્ચે અથવા તેની તદ્દન નજીક એક બે એકર જમીન પર આવેલી નહીં હોય પણ શહેરથી થોડે દૂર પચાસ કે સો એકરના વિસ્તાર પર આવેલી હશે, જ્યાં વેપારી અને રાષ્ટ્રીય ધોરણે દુગ્ધાલય અને ચર્માલય ચલાવવામાં આવતાં હશે. આમ તેમાં નફો કરવાનો કે વહેંચવાનો નહીં હોય તેમ જ ખોટ પણ ખાવાની નહીં હોય. લાંબે ગાળે હિંદુસ્તાનમાં ઠેકઠેકાણે આવી સંસ્થાઓ નીકળશે તો તે હિંદુ ધર્મનો વિજય અને ગાય એટલે કે ઢોરોની રક્ષાની બાબતમાં હિંદુઓની નિષ્ઠાની સાબિતી ગણાશે. વળી તે હજારો અભણ અને ભણેલાને પણ કામ આપશે. કારણ કે દુગ્ધાલય અને ચર્માલયના કામમાં કુશળ અને શાસ્ત્રીય જ્ઞાન ધરાવતા સેવકોની જરૂર પડે છે. દુગ્ધાલયના સુંદરમાં સુંદર પ્રયોગો કરવા માટે ડેન્માર્ક નહીં પણ હિંદુસ્તાન આદર્શ દેશ ગણાવો જોઇએ. હિંદ દર વરસે નવ કરોડ રૂપિયાનાં મૂએલાં ઢોરનાં ચામડાં નિકાસ કરે અને પોતે કતલ કરેલાં ઢોરનાં ચામડાંનો ઉપયોગ કરે તે શરમની વાત છે. આ પરિસ્થિતિ હિંદ માટે શરમજનક હોય તો હિંદુઓ માટે તે વધારે શરમજનક છે. હું ઇચ્છું છું કે ગિરિડિહમાં મને આપવામાં આવેલા માનપત્રના જવાબમાં મેં જે કહ્યું છે તે પર બધી ગૌશાળા કમિટીઓ ધ્યાન આપે અને પોતાની ગોશાળાઓને આદર્શ દુગ્ધાલયો ચર્માલયો અને ઘરડાં તથા અપંગ ઢોરોને માટે આશ્રયસ્થાનો બનાવે.૨૭

પ્રત્યેક ગોરક્ષણની સંસ્થામાં તેના પૂરતું ચર્માલય હોવું જ જોઇએ. એટલે કે જે ઢોર મરે તેનો પ્રાથમિક ઉપયોગ કરતાં સંસ્થાપકને આવડવું જોઇએ; આમ હોવાથી પ્રત્યેક ગોશાળામાં કેટલાં ઢોર હોવાં જોઇએ એ પ્રશ્ન ઊભો થતો જ નથી.

ગોશાળામાં મૃત્યુનું પ્રમાણ કેટલું છે તેની મને કાંઇ ખબર નથી, પણ એ પ્રમાણ ચર્માલયની આવશ્યકતા સિદ્ધ કરવાને સારુ જાણવું જરૂરી નથી. એક પણ ઢોર મરતું હોય તો જેમ તેના જીવતાં તેને ઘાસ ઇત્યાદિ આપવાની ક્રિયા ગોસેવક જાણે છે તેમ મરવા પછીની ક્રિયા પણ તેણે જાણી જ લેવી જોઇએ.

ગામમાં મરનારાં ઢોરનો કબજો પણ સહેજે આવી ધાર્મિક સંસ્થાઓ જ હોવો જોઇએ. તેમાં ચમારોનું, ઢોરનું, અને પ્રજાનું રક્ષણ છે. જ્યાં ગોશાળા અથવા ચર્માલય ન હોય ત્યાં જે ઢોર મરે તે ઢોર જો શહેરી ગોરક્ષાના ધર્મનો સ્વીકાર કરતાં હોય તો પાસેમાં પાસેની ગોશાળાને પહોંચાડે, અથવા તે ઢોરનાં મુડદાં ઉપર પ્રાથમિક ક્રિયા કરીને અવશેષ રહેલા ભાગો પહોંચાડે.

મેં સૂચવેલા નાના ચર્માલયને સારુ મોટી થાપણની જરૂર નથી. હા, એ શાસ્ત્રને જાણનારા ગોસેવકો તૈયાર કરવામાં જે વ્યય થાય તેની આવશ્યકતા છે.૨૮

હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીનો લોટ

સો ટકા સ્વદેશી પરના મારા લેખમાં મેં બતાવ્યું છે કે એનાં કેટલાંક અંગો તો તત્કાળ ખીલવી શકાય એવાં છે અને એથી દેશનાં ભૂખે મરતાં કરોડોને આર્થિક તેમ જ આરોગ્યની દૃષ્ટિએ લાભ થાય એમ છે. દેશના ધનિકમાં ધનિક લોકોને એ લાભમાંથી ભાગ મળી શકે એમ છે. એટલે જો ડાંગરને ગામડાંમાં જૂની ઢબે હાથે ખાંડવામાં આવે તો ડાંગર ખાંડનારી બહેનોને કમાણી મળે, અને ચોખા ખાનાર કરોડો માણસોને સંચે ખાંડેલા ચોખામાંથી નર્યો ‘સ્ટાર્ચ’ મળે છે તેને બદલે હાથે ખાંડેલા ચોખામાંથી કંઇક પૌષ્ટિક તત્ત્વો મળે. દેશના જે ભાગોમાં ડાંગર પાકે છે ત્યાં બધે ડાંગર ખાંડવાના બેહૂદા સંચા જામી ગયા છે એનું કારણ માણસનો લોભ છે.

એ લોભ જેને ચૂસે છે તેનાં આરોગ્ય કે સંપત્તિનો કશો વિચાર જ નથી કરતો. જો લોકમત બળવાન હોય તો તે હાથે ખાંડેલા ચોખા જ વાપરવાનો આગ્રહ રાખે; ડાંગર ખાંડવાનાં કારખાનાંના માલિકોને વીનવે કે જે ધંધો આખા રાષ્ટ્રના આરોગ્યને હાનિ કરે છે અને જે ગરીબ માણસોનું પ્રામાણિકપણે ગુજારો કરવાનું સાધન છીનવી લે છે તે ધંધો તેઓ બંધ કરે; અને આમ કરીને તે ડાંગર ખાંડવાના સંચા ચાલવા જ અશક્ય કરી મૂકે.૨૯

જો હજારો ગામડાંમાં લોટ દળવાના સંચાઓ હોય અને તે ઍંજિનથી ચાલતા હોય તો એને હું આપણી પામરતાની સીમા ગણું. એટલા સંચા કંઇ હિંદુસ્તાનમાં થતા નથી કે નથી થતાં ઍંજિન. . . ગામડાંમાં આવા ઍંજિન વસાવનારાનો અને ઘંટીસંચો વસાવનારાનો તે અતિલોભ સૂચવે છે. શું ગરીબ લોકોને આટલે લગી રઝળાવીને કમાણી કરી શકાતી હશે ? વળી આવા સંચા વસાવવાથી ચાલતી પથ્થરની ઘંટીઓ નકામી થઇ જાય. ઘંટી બનાવવાનો ઉદ્યોગ કરનારા નકામાં થઇ જાય. આમ તો ગ્રામના ઉદ્યોગો હોય એનો નાશ થાય. અને કળાનો લોપ થાય. એકનો લોપ થતાં બીજો ઉપયોગી ઉદ્યમ દાખલ થતો હોય તો કદાચ બહુ કહેવાપણું ન રહે. પણ એવું તો થતું મેં જોયું નથી. અને પથ્થરની ઘંટીનું સવારના પહોરમાં દળનારના ભજનની સાથે જે મધુરું સંગીત થતું હોય એ પણ જાય.૩૦

મિલનું તેલ અને ઘાણીનું તેલ

શ્રી ઝવેરભાઇએ ગામડાની બળદધાણીની પડતીનાં કારણો પણ તપાસ્યાં છે. સૌથી મોટું કારણ તો એમને એ જણાવ્યું છે કે ઘાણીવાળો ધંધાદારી પોતાના ખપને સારુ જરૂરી તેલીબિયાંનો જથ્થો નિયમિતપણે પોતાને ત્યાં સંઘરવાની શક્તિવાળો હોતો નથી. મોસમ ખલાસ થતાં જ તેલીબિયાં ગામડાંમાંથી તળિયાઝાટક શહેરોમાં ખેંચાઇ જાય છે. તેલી પાસે તેનો સંઘરો કરવાને સારુ પૈસા નથી હોતા, અને શહેરોમાંથી તેની ખરીદી કરવી એ તો તેને સારુ એથીયે વધુ મુશ્કેલ હોય છે. આ કારણથી તેનો ધંધો પડી ભાંગ્યો છે અને તે ગામડાંમાંથી ઝપાટાભેર ભૂંસાવા લાગ્યો છે. લાખો ઘાણીઓ આજે બેકાર થઇ પડી છે અને પરિણામે દેશની સાધનસામગ્રીનો ભયાનક દુર્વ્યય થઇ રહ્યો છે. બિયાંઓના જથ્થા તેની પેદાશના પ્રદેશોમાં સંઘરાવીને અને વાજબી ભાવે ગામડાંના તેલીઓને તે મળી શકે એવું કરીને ગામડાંની ઘાણીઓને સજીવન કરવી એ ખરેખર સરકારનું કામ છે. આવી મદદ આપવાથી સરકારને કશું જ નુકસાન નથી. શ્રી ઝવેરભાઇનું કહેવું છે કે આવી મદદ સરકાર સહકારી મંડળીઓ અગર ગ્રામપંચાયતો મારફત આપી શકે એમ છે. શ્રી ઝવેરભાઇનો ઘાણીકામના સંશોધન ઉપર બંધાયેલો અભિપ્રાય એવો છે કે આમ થાય તો ગામડાંનો તેલી સંચાની પેદાશના તેલ જોડે જરૂર હરીફાઇ કરી શકે અને ગામડાંના લોકોને જે સેળભેળિયું તેલ આજે માથે મારવામાં આવે છે તેનાથી તેઓ ઊગરી જાય. એ પણ યાદ રાખવું જરૂરનું છે કે ઘીચોપડની જગાએ ગ્રામવાસીને જો આજે કશું મળતું હોય તો તેલમાંથી જે કંઇ મળી શકે તેટલું જ છે. ઘી તો તે બિચારો કદી જોવા પામતો નથી.

મિલનું તેલ ઘાણીના તેલ કરતાં સસ્તું કેમ પડે છે તે તેમણે શોધી કાઢયું છે. તેઓ આનાં ત્રણ કારણ આપે છે જેમાંનાં બે અનિવાર્ય છે. એક તો મૂડી, અને બીજું બિયાંમાંથી તેલનું ટીપેટીપું અને તે પણ બળદઘાણીના કરતાં ઓછા વખતમાં કાઢી લેવાની મિલના સંચાની શક્તિ. આ લાભો મિલના માલિકનાં કમિશનોથી તથા આડતિયા તેમ જ વચલા દલાલોને આવા તેલનાં વેચાણોમાં જે દલાલી આપવી પડે છે તેનાથી ધોવાઇ જાય છે. ખરા, પણ શ્રી ઝવેરભાઇને સેળભેળની બૂરાઇને પહોંચી વળવાનો રસ્તો જડ્યો નથી; સિવાય કે તેઓ પોતે તેમ કરે. તેમ તો સ્વાભાવિકપણે જ તેઓ કદી ન કરે. તેથી તેઓ એમ સૂચવે છે કે ભેળસેળ કરવા સામે દાયકાથી બંધી થવી જોઇએ. ભેળસેળ વિરોધી કાયદો જ્યા હોય ત્યાં તેનો પાકો અમલ કરીને અને ન હોય ત્યાં તેવો કાયદો કરીને તેમ જ બધી તેલની મિલોને માથે પરવાના લેવાની અને પરવાનાની શરતો પાળવાની ફરજ નાખીને આ કરી શકાય.૩૧

ગોળ અને ખાંડસારી

ખાંડના ઉદ્યોગનો દાખલો લો. કાપડની મિલો પછી બીજા નંબરનો મોટો ઉદ્યોગ તે ખાંડ બનાવવામાં કારખાનાંનો છે. એને આપણી મદદની બિલકુલ ગરજ નથી. ખાંડનાં કારખાનાંની સખ્યા ઝપાટાબંધ વધી રહી છે. એ ઉદ્યોગનો વિકાસ પ્રજાકીય સંસ્થાઓની મદદને લીધે નથી થયો. એનો વિકાસ તો અનુકૂળ કાયદો થવાને લીધે થયો છે. અને આજે એ ઉદ્યોગ એટલો ધમધોકાર ચાલે છે ને એટલો ફાલતો જાય છે કે ગોળની બનાવટ છેક જ બંધ પડી જવા આવી છે. ગોળમાં ખાંડના કરતાં શરીરને પોષક તત્ત્વો વધારે છે એ નિર્વિવાદ વાત છે.

આ અતિશય કીમતી ગ્રામઉદ્યોગ તમારી મદદ માટે પોકાર કરી રહ્યો છે. એ એક જ ઉદ્યોગમાં સંશોધનને ને બીજી મદદને માટે પુષ્કળ અવકાશ પડેલો છે. એ ઉદ્યોગને જીવતો કેવી રીતે રાખી શકાય એ આપણે શોધી કાઢવાનું છે. એ ઉદ્યોગનેજીવતો કેવી રીતે રાખી શકાય એ આપણે શોધી કાઢવાનું છે. આ તો હું શું કહેવા માગું છું એ સમજાવવા માટે આપેલો ફક્ત એક જ દાખલો છે.૩૨

જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજૂરીના રસમાંથી બને છે. ખજૂરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધ રૂપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર એવી અસર મેં નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારના પી લે તો તેને બીજું કંઇ પીવા કે ખાવાની જરૂર ન રહેવી જોઇએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહું સરસ ગોળ પેદા થાય છે. ખજૂરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઊગે છે. તે બધામાંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તુરત પિવાય તો કંઇ જોખમ ન વહોરવું પડે. તેમાં માદકતા જલદી પેદા થઇ જાય છે. એટલે જ્યાં તેનો વપરાશ તુરત ન થઇ શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીના ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધું માત્રામાં તે ખાઇ શકાય છે. ગ્રામઉદ્યોગ સંઘની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમાણમાં થવો જોઇએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવ, તો હિંદુસ્તાનમાં ગોળખાંડની તૂટ આવે જ નહીં અને ગરીબોને સસ્તે ભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ ક્ષારો વિનાની સાકર સમજવી. ખોરાક જેમ તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.૩૩

મધમાખીનો ઉછેર

મધમાખીના ઉછેરના ઉદ્યોગનો આપણા દેશમાં પાર વિનાનો વિકાસ થઇ શકે એમ મને ભાસે છે. ગામડાંની દૃષ્ટીએ તો એનું મહત્ત્વ છે જ; પણ ધનિક યુવકયુવતીઓ શોખને ખાતર પણ એ કામ કરી શકે એવું છે. એમ કરતાં તેઓ દેશની સંપત્તિમાં વધારો કરશે, ને પોતાને માટે સુંદરમાં સુંદર આરોગ્યદાયી ખાંડ પેદા કરશે. તેઓ જો પરગજુ હોય તો પૌષ્ટિક ખોરાક તરીકે એ મધને હરિજન બાળકોમાં વહેંચી દે. મધ એ શ્રીમંતોના શોખની વસ્તુ, અથવા વૈદહકીમોના હાથમાંનું ખરચાળ ઔષધ જ શા સારુ રહેવું જોઇએ ? મને મળેલી નજીવી માહિતી પરથી અનુમાનો કરીને મેં આશા બાંધેલી છે એમાં શક નથી. ગામડાંમાં અને શહેરોમાં યુવકયુવતીઓ અખતરા કરે તેમાંથી ખબર પડી રહે કે મધ એ ખોરાકની સામાન્ય વસ્તુ થઇ શકશે કે આજની પેઠે દુર્લભ જ રહેશે.૩૪

ચર્માલય

આજે હિંદુસ્તાનમાંથી દર વરસે નવ કરોડ રૂપિયાનું કાચું ચામડું પરદેશ ચડે છે, અને એમાંનું ઘણું તૈયાર માલરૂપે આ દેશમાં પાછું આવે છે. આનો અર્થ એ છે કે આપણી સંપત્તિ જ નહીં પણ બુદ્ધિ પણ શોષાઇ રહી છે. ચામડાં કેળવવામાં અને રોજના વાપર માટે કેળવાયેલા ચામડાની અગણિત ચીજો બનાવવામાં આપણને જે તાલિમ મળવી જોઇએ તે મેળવવાની તક આપણે ગુમાવીએ છીએ.

ચામડાં કેળવવાના કામમાં ઘણા શાસ્ત્રીય જ્ઞાનની જરૂર વસે છે. આ વિશાળ ઉદ્યોગમાં રસાયણશાસ્ત્રીઓની આખી ફોજને પોતાની શોધકબુદ્ધિ અજમાવવાની તક મળી રહે એમ છે. એને ખીલવવાના બે રસ્તા છે. જે હરિજનો ગામડાંમાં રહે છે, અને ગામતળથી દૂર, સમાજના સંસ્કારથી અસ્પૃષ્ટ દશામાં ઘોલક જેવાં ઝૂંપડાંમાં ગંદકી અને અધઃ- પાતમાં સડતા પડી રહે છે ને માંડ પેટનો ખાડો પૂરે છે તે હરિજનોને મદદ આપી તેમને પગભર કરવા, એ એક રસ્તો છે. આનો અર્થ એ પણ છે કે ગામડાંના ઉદ્ધારમાં રસાયણશાસ્ત્રીઓની બુદ્ધિનો ઉપયોગ થાય. ચામડાં કેળવવાનું રસાયણ જાણનારે તેની સુધરેલી ક્રિયાઓ શોધી કાઢવી રહી. ગામડાંના રસાયણશાસ્ત્રીએ નમીને જીતવું રહ્યું. ગામડાંમાં ચામડાં કેળવવાની જે અણધડ કળા હજુ જીતવી છે, પણ જે ઉત્તેજનને અભાવે જ નહીં પણ દુર્લક્ષને કારણે પણ ઝપાટાબંધ મરતી જાય છે, ને કલા આ રસાયણશાસ્ત્રીએ શીખવી ને સમજવી જોઇએ. પણ એ અણધડ પદ્ધતિને એકાએક ફેંકી દેવી ઘટતી નથી; પહેલાં એની સમભાવપૂર્વક પરીક્ષા તો થવી જ જોઇએ. એ પદ્ધતિએ સેંકડો વરસ સુધી સારી રીતે કામ ચાલ્યું છે. એમાં કંઇ ગુણ ન હોત તો એ ચાલી ન શક્ત. મારી જાણ પ્રમાણે આપણા દેશમાં એક શાંતિનિકેતનમાં જ આ વિષયની શોધખોળ ચાલે છે. તે પછી અત્યારે બંધ થઇ ગયેલા સાબરમતીના આશ્રમને સ્થાને હવે હરિજન આશ્રમ હસ્તીમાં આવ્યું છે તેમાં એ કામ ફરી શરૂ થવાને પૂરો સંભવ છે. જે શોધખોળ કરી શકાય એવી છે તેનો વિસ્તાર સાગર જેટલો છે; તેમાં આ પ્રયોગ તો માત્ર બિંદુવત્‌ છે.

ગૌરક્ષા હિંદુ ધર્મનું એક અવિભાજ્યક અંગ છે. કોઇ પણ સાચો હરિજન ખોરાકને સારુ ઢોરને નહીં મરો. પણ અસ્પૃશ્ય બનીને તે મુડદાલ માંસ ખાવાની કુટેવ શીખ્યો છે. તે ગાયની હત્યા નહીં કરે પણ મરેલી ગાયનું માંસ બહુ જ સ્વાદથી ખાશે. શારીરિક દૃષ્ટિએ મુડદાલ માંસ ખાવું એના જેવી સૂગ ઉપજાવનારી વસ્તુ બીજી નહીં હોય. અને છતાં હરિજન ચમારના ઘરમાં જ્યારે મરેલી ગાય લાવવામાં આવે છે ત્યારે આખા કુટુંબનો આનંદ માતો નથી. બાળકો મુડદાની આસપાસ નાચે છે, અને ઢોરની ચામડી ઉતારવામાં આવે છે તે વખતે હાડકાં કે માંસના લોચા લઇને એકબીજા પર ફેંકે છે. અત્યાર હરિજન આશ્રમમાં રહેતો એક ચમાર તેના પોતાના હવે તજી દીધેલા ઘરનો ચિતાર આપતાં મને કહે છે કે એ મરેલું જાનવર જોઇને આખું કુટુંબ હરખધેલું બની જાય છે. હરિજનોમાં કામ કરતાં તેમની પાસે મુડદાલ માંસ ખાવાની આ આત્માને હણનારી કુટેવ છોડાવવી એ મનેે કેટલું કઠણ કામ લાગ્યું છે એ હું જાણું છું. ચામડાં કેળવવાનીરીતમાં સુધારો થાય તો મુડદાલ માંસ ખાવાનો રિવાજ આપોઆપ નાબૂદ થઇ જાય. આમાં ભારે બુદ્ધિનું અને મડદાં ચીરવાની કળાનું કામ રહેલું છે. આમાં ગૌરક્ષાની દિશામાં પણ એક ભારે પગલું રહેલું છે. જો આપણે ગાયની દૂધ દેવાની શક્તિ વધારવાની કળા શીખીએ નહીં, એની ઓલાદ સુધારીએ નહીં, ને બળદને ખેતીના તથા ગાડાં ખેંચવાના કામ માટે વધારે ઉપયોગી બનાવીએ નહીં, ગાયનાં છણમૂતરનો ખાતર તરીકે ઉપયોગ કરીએ નહીં, અને તે તથા તેનાં વાછડાં મરી જાય ત્યારે તેમનાં ચામડાં, હાડકાં, માંસ, આંતરડાં વગેરેનો સારામાં સારો ઉપયોગ કરવાને તૈયાર ન થઇએ, તો ગાય કસાઇને હાથે મર્યા વિના નહીં જ રહે.

અત્યારે તો હું ફક્ત મુડદાની જ વાત કરું છું. અહીં આટલું યાદ રાખવું ઘટે છે કે ઇશ્વરકૃપાએ ગામડાંના ચમારને કતલ થયેલા ઢોરનું નહીં પણ માત્ર મરેલા ઢોરનું જ ચામડું ઉતારવાનું હોય છે. તેની પાસે ઢોરના મુડદાને સુઘડ રીતે લઇ જવાનું સાધન નથી હોતું. એ એને ઊંચકે છે, ઢસડે છે, અને એમ કરતાં ચામડી ઉઝરડાય છે ને ઉતારેલા ચામડાની કિંમત ઘટે છે. ચમાર જે અમૂલ્ય અને ઉદાત્ત સમાજસેવા કરે છે તેનું જો ગ્રામવાસીઓ અને પ્રજાને ભાન હોય તો તેઓ તેને મુડદાં લઇ જવાની સહેલી અને સાદી રીતે શોધી આપશે, જેથી ચામડાને જરાયે નુકસાન થવા ન પામે.

ત્યાર પછીની ક્રિયા ઢોરનું ચામડું ઉતારવાની છે. આમાં ભારે કુશળતાની જરૂર રહે છે. મેં સાંભળ્યું છે કે ગામડાનો ચમાર એની ગામડિયા છરીથી આ કામ કરે છે તેના કરતાં એ વધારે સારું કે વધારે ઝડપથી બીજું કોઇ નથી કરી શકતું. શસ્ત્રવૈદ્ય પણ નથી કરી શકતા. જેમને એ બાબતનું જ્ઞાન જોઇએ તેમને મેં એ વિષે પૂછી જોયું છે. ગામડાના ચમાર કરતાં ચડી જાય એવી ઢબ તેઓ મને બતાવી નથી શકયા. આમ કહેવાનો અર્થ એ નથી ચડિયાતી ઢબ બીજી છે જ નહીં. હું તો માત્ર વાચકને મારા અતિ મર્યાદિત અનુભવનો લાભ આપું છું. ગામડાંનો ચમાર હાડકાંનો કશો ઉપયોગ કરી શકતો નથી. તે તેને ફેંકી દે છે. મડદાની ચામડી ઉતારાતી હોય તે વખતે કૂતરાં તેની આસપાસ ભમે છે, અને બધાં નહીં તો થોડાંક તો ઉઠાવી જાય છે. કૂતરાં એમનો ભાગ ઉઠાવી ગયા પછી જે બાકી રહે છે તે પરદેશ ચડાવવામાં આવે છે, અને હાથા, બટન ઇત્યાદિ રૂપે આપણે ત્યાં પાછું આવે છે.

બીજો રસ્તો આ મહાન ઉદ્યોગને શહેરોમાં લઇ આવવાનો છે. હિંદુસ્તાનમાં કેટલાંયે ચામડાંનાં કારખાનાં અત્યારે એ કામ કરી રહ્યાં છે. એની પરીક્ષા કરવાનો અહીં ઉદ્દેશ નથી. આમ એ ઉદ્યોગ શહેરોમાં લઇ આવવાથી હરિજનોને ભાગ્યે જ કંઇ લાભ થઇ શકે એમ છે; ગામડાંને તો એથીયે ઓછો થાય. એ ગામડાંનો બેવડો રંજાડ કરવાનો રસ્તો છે. હિંદુસ્તાનમાં ઉદ્યોગોને શહેરમાં લઇ આવવા ને મોટાં કારખાનાં મારફતે ચલાવવા એમાં ગામડાંનું અને ગામડાંની પ્રજાનું ધીમું પણ અચૂક મોત રહેલું છે. શહેરી ઉદ્યોગો હિંદુસ્તાનમાં સાત લાખ શહેરોમાં વસનારી તેની નેવું ટકાવસ્તીને કદી નભાવી નહીં શકે. આ ગામડાંમાંથી ચામડાં કેળવવાનો ને એવા બીજા ઉદ્યોગો ખસેડી લેવા એ હાથ ને બુદ્ધિના કૌશલ્યનો ઉપોયગ કરવાની જરાકે તક ગામડાંમાં હજુ રહી છે તે છીનવી લેવા બરોબર છે. અને જ્યારે ગામડાંના ઉદ્યોગો નામશેષ થઇ જશે ત્યારે ઢોર લઇને ખેતરમાં મજૂરી કરવી ને વરસના છ કે ચાર મહિના આળસમાં ગાળવા એટલું જ ગામડાંના લોકોના નસીબમાં રહી જશે; અને એમ થસે ત્યારે, મધુસૂદન દાસના શબ્દમાં કહીએ તો, ગામડાંના માણસ પશુના જેવા બની જ જવાનો; તેમને ન તો મનનું કે ન તો શરીરનું પોષણ મળવાનું, ને તેથી એમનાં આશા ને આનંદ પણ હણાઇ જવાનાં.

અહીં સો ટકા સ્વદેશીના પ્રેમીને માટે કામ પડેલું છે, અને એક મહાપ્રશ્ન ઉકેલવામાં શાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનો અવકાશ રહેલો છે. આ એક કામથી ત્રણ અર્થ સરે છે. એથી હરિજનોની સેવા થાય છે, ગ્રામવાસીઓની સેવા થાય છે, અને મધ્યમ વર્ગના જે બુદ્ધિશાળી લોકો રોજગારીની શોધમાં હોય તેમને આબરૂભેર કમાણી કરવાનું સાધન મળે છે. વળી બુદ્ધિશાળી લોકોને ગામડાંની પ્રજાના સીધા સંસર્ગમાં આવવાની સુંદર તક મળે છે એ લાભ તો જુદો જ.

સાબુ

ગામડાંઓ સાબુ જેવી વસ્તુ સાજીખારમાંથી ઘરમાં જ બનાવીને વાપરશે. એ સાબુમાં ટાટાના કે ગોદરેજના કારખાનાના સાબુ જેવી સુગંધ નહીં હોય, કે તેના જેવું સુંદર પૅંકિંગ નહીં હોય, પરંતુ ગામડાને માટે ખાદી જેટલી જ ઉપયોગિતા અને સ્વાવલંબન એમાં ભર્યા હશે.૩૬

હાથકાગળ

મને કહેવામાં આવ્યું છે કે હાથકાગળની પૂરતી મગા હોય તો તે મિલકાગળની કિંમતે પૂરો પાડી શકાય. હું જાણું છું કે કાગળની રોજરોજ વધતી જતી માગને હાથકાગળ કદી પહોેંચી વળી શકે નહીં. પણ સાત લાખ ગામડાં અને તેમના ઉદ્યોગોને ચાહનારાઓ, સહેલાઇથી મળી શકે તો, હાથકાગળ વાપરવા ઇચ્છે. હાથકાગળ વાપરનારા જાણે છે કે હાથકાગળમાં તેનું પોતાનું સૌંદર્ય છે. અમદાવાદના પ્રખ્યાત કાગળને કોણ નથી જાણતું ? ટકાઉપણામાં અને ઓપમાં ક્યો મિલકાગળ તેની બરાબર કરી શકે ?

જુની ઢબના ચોપડા હજી પણ આ જ કાગળના બને છે. પણ બીજા કેટલાક આવા ઉદ્યોગોની જેમ આ ઉદ્યોગ પણ નાશ પામતો જાય છે. થોડું ઉત્તેજન મળે તો તે નાશ ન પામે. હાથકાગળ બનાવવાની રીતો પર દેખરેખ રાખવામાં આવે તો તેમાં સુધારા થઇ શકે અને કેટલાક હાથકાગળમાં જે ક્ષતિઓ જણાય છે તે સહેજે સુધારી શકાય. આવા ઓછા જાણીતા ધંધાઓમાં પડેલા અસંખ્ય લોકોની આર્થિક સ્થિતિની તપાસ કરવા જેવી છે. તેમને દોરવણી અને સલાહ આપવામાં આવે તો તેઓ જરૂર સ્વીકારે અને તેમનામાં રસ લેનાર પ્રત્યે તેમને આભારની લાગણી થાય.૩૭

શાહી

હું જે ‘નીલ-કાલ’ શાહીથી લખું છું તે તેનાલી (આંધ્ર)થી આવે છે, એ કામમાંથી બારેક માણસનો નિભાવ થાય છે. મુશ્કેલીઓનો પાર નથી છતાં કામ આગળ વધતું જાય છે. બીજા કામ કરનારાઓએ મને શાહીના બીજા ત્રણ નમૂના મોકલેલા. એ બધા તેનાલીના મંડળની પેઠે માંડ માંડ નભી રહ્યા છે. મને એ વસ્તુમાં રસ પડ્યો. મેં એ લોકો જોડે પત્ર વહેવાર શરૂ કર્યો. પણ એમને એથી વધારે મદદ મારાથી ન થઇ શકી. સ્વદેશી સંઘ તો આ શાહીના નમૂનાઓની શાસ્ત્રીય રીતે થઇ શકી. સ્વદેશી સંઘ તો આ શાહીના નમૂનાઓની શાસ્ત્રીય રીતે પરીક્ષા કરે, એમાં રસ્તો બતાવે, અને સૌથી સારી જાત હોય તેને ઉત્તેજન આપે. આ સારો ને વિકાસ પામતો ઉદ્યોગ છે; એટલે એની પાછળ રસાયણશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ થવાની જરૂર છે.૩૮

ગ્રામ-પ્રદર્શનો

ગામડાં કેવળ ટકી ન રહે પરંતુ મજબૂત અને સમૃદ્ધ પણ બને એમ જો આપણે ઇચ્છતા હોઇએ અને માનતા હોઇએ તો તેને માટે ગ્રામદૃષ્ટી એ જ એકમાત્ર સાચી દૃષ્ટી છે. જો આ સાચું હોય તો આપણાં ગ્રામ-પ્રદર્શનોમાં શહેરોના ભપકા અને ઠાઠ માટે કોઇ સ્થાન નથી. એમાં શહેરોના ખેલતમાશા કે બીજાં મનોરંજનોની પણ કંઇ જરૂર ન હોવી જોઇએ. ગ્રામ-પ્રદર્શન એ તમાશો ન બને; એ કમાણી માટેનું સાધન પણ ન બને. વેપારીઓના માલની જાહેરાતનું સાધન તો એ કદીયે ન જ બનવું જોઇએ. ત્યાં કોઇ ચીજનું વેચાણ ન થવા દેવું જોઇએ. એટલે સુધી કે ખાદી કે ગ્રામોદ્યોગની ચીજો પણ એમાં ન વેચાણી જોઇએ. ગ્રામપ્રદર્શન એ કેળવણીનું સાધણ બનનું જોઇએ. એ આકર્ષક હોવું જોઇએ અને એ જોઇને અને એ જોઇને ગ્રામવાસીને એક અથવા બીજો ગ્રામોદ્યોગ અપનાવવાનું મન થાય એવું હોવું જોઇએ. આજના ગ્રામજીવનના તરી આવતા દોષો અને ઊણપો એમાં બતાવતાં જોઇએ અને તેને દૂર કરવાનો ઉપાય પણ બતાવવો જોઇએ. ગ્રામસુધારણાનો વિચાર જ્યારથી પ્રચલિત થયો છે એને થયો છે અને એનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી આજ સુધીમાં આ દોષો અને ઊણપો દૂર કરવામાં કેટલી સફળતા મળી છે એ પણત્યાં બતાવવું જોઇએ. ગ્રામજીવનને કળાપૂર્ણ અને સુંદર કેવી રીતે બનાવાય એ પણ પ્રદર્શનમાં શીખવવું જોઇએ.

ઉપરની શરતો મુજબ ગ્રામ-પ્રદર્શનમાં શીખવવું જોઇએ એ હવે જોઇએ.

૧. પ્રદર્શનમાં ગામોના બે નમૂનાઓ હોવા જોઇએ-એક આજના ગામડાનો નમૂનો અને બીજો સુધરેલા ગામડાનો નમૂનો. સુધરેલું ગામ આખું તદ્દન સ્વચ્છ અને સુઘડ હશે. એનાં ઘરો, એના રસ્તાઓ, એની આજુબાજુની જગ્યા અને એનાં ખેતરો બધું સ્વચ્છ હશે. ઢોરોની હાલત પણ સુધારવી જોઇએ. ક્યા ગ્રામઉદ્યોગમાંથી વધારે આવક થાય છે અને તે કઇ રીતે બધું બતાવવા માટે પુસ્તકો, ચિત્રો અને નકશાઓનો ઉપયોગ કરવો જોઇએ.

૨. જુદા જુદા ગ્રામોદ્યોગો કેવી રીતે ચલાવવા, એને માટેનાં જરૂરી ઓજારો ક્યાંથી મેળવવાં અને કેવી રીતે બનાવવાં વગેરે પ્રદર્શનમાં બતાવવું જોઇએ. દરેક ઉદ્યોગની બધી જ પ્રક્રિયા પ્રક્રિયા પ્રત્યક્ષ બતાવવામાં આવે. એની સાથે સાથે નીચેની બાબતોને પણ પ્રદર્શનમાં સ્થાન આપવું જોઇએ.

(ક) ગામડાનો આદર્શ ખોરાક

(ખ) ગ્રામ ઉદ્યોગો અને યંત્રઉદ્યોગની સરખામણી

(ગ) પશુપાલનનો પ્રત્યક્ષ પાઠ

(ઘ) કળા વિભાગ

(ડ) ગામડાના પાયખાનાનો નમૂનો

(ચ) ખાતર અને રાસાયણિક ખાતર

(છ) ઢોરનાં ચામડાં, હાડકાં વગેરેનો ઉપયોગ

(જ) ગ્રામ-સંગીત, જુદી જુદી જાતમાં ગ્રામ-વાજિંત્રો, ગ્રામનાટકો

(ઝ) ગામડાની રમતગમતો, ગામડાના અખાડાઓ અને જુદી જુદી કસરતો

(ઝ) નયી તાલીમ

(ટ) ગામડાનાં દવાદારૂ

(ઠ) ગામડાનું પ્રસૂતિગૃહ

ઉપર બતાવેલા ધોરણને અનુસરીને આ યાદીને હજી લંબાવી શકાય. મેં અહીં જે કંઇ સૂચવ્યું છે તે ઉદાહરણ તરીકે જ સૂચવ્યું છે. આને સંપૂર્ણ કે સર્વગ્રાહી માની ન લેવું જોઇએ. મેં ચરખા અને બીજા ગ્રામઉદ્યોગોનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે તે તો આવી જ જાય એમ માની લીધું છે. એ ન હોય તો પ્રદર્શન તદ્દન નકામું ગણાય.૩૯

૨૧

ગામડાનો વાહનવહેવાર

ગાડાના પક્ષમાં

વડોદરાવાળા શ્રી ઇશ્વરભાઇ અમીને મને પશુબળ વિ૦ યંત્રબળ વિશે લાંબી નોંધ મોકલી છે. એમાંથી પ્રસ્તુત ભાગ હું નીચે આપું છું :

“ખેતરોમાં કે ટૂંકા અંતરના કામમાં બળદો યાંત્રિક બળ કરતાં મોંઘા નથી પડતા. અને તેથી ઘણીખરી બાબતોમાં તે યંત્રો સાથે હરીફાઇ કરી શકે છે. અત્યારે તો લોકોનો ઝોક યાંત્રિક બળ તરફ વળતો જાય છે અને પશુબળની અવગણના થતી જાય છે.”

“આપણે એક બળદગાડાનો દાખલો લઇએ. તેમાં ગાડાના સો રૂપિયા અને બળદની જોડના બસો રૂપિયા ખરચ આવે છે. આ બળદો બંગાળી સો મણ ભાર ભરેલું ગાડું, ગામડાના ખાડાખૈયા ને દડવાળા રસ્તા ઉપર રોજના પંદર માઇલ ખેંચી શકે. એ કામમાં બે બળદના બાર આના; છ આના ગાડાવાળાના, અને ચાર આના ઘસારા ખાતે; કુલે એક દિવસના એક રૂપિયો ને છ આના. એક મોટરલૉરી પંદર માઇલે ઓછામાં ઓછું એક ગેલન પેટ્રોલ બાળે, થોડું લ્યુબ્રીકેટિંગ ઑંઇલ વપરાય, મરામતનો ખરચ ચડે, સાફસૂફીનું ખર્ચ મોંઘો હાંકનાર. પંદર માઇલ દોડવામાં લૉરીને નીચે પ્રમાણે ખરચ થાય. એક રૂપિયાો ને બાર આના પેટ્રોલ ને લ્યુબ્રીકેટિંગ ઑૅઇલના, આઠ કલાકના રોજના છ રૂપિયા લેખે ભાડાના બાર આના, અને ડ્રાઇવર, કલીનર, તથા માલ ભરનાર ને ઠાલવનાર મજૂરના મળી આઠ આના; આમ બંગાળી સોળ મણ ગાડું લૉંરીમાં લઇ જવાના બે રૂપિયા બાર આના થાય, ગામથી અડધા માઇલ પર આવેલા ખેતરમાં આખા દિવસમાં સાતથી આઠ વાર ખાતરનાં ગાડાં ભરીને લઇ જઇ શકાય. અને તેનું ખરચ એક રૂપિયો છ આના ઉપરાંત ભરવા ઠાલવવા માટે રાખેલા માણસના છ આના આવે. એટલા કામ માટે રોકેલી મોટર લૉંરીમાં કોઇ પણ રીતે એથી ઓછું ખરચ ન આવે. મૅટલના સારા રસ્તા ઉપર એકી સાથે લાંબો બોજો લઇ જવાનો હોય ત્યારે મોટર લૉંરી જીતી જાય ખરી. એવા કામમાં ગાડું બહું ધીમું ને મોંઘું ગણાય. વળી એકી વખતે બળદોને એટલો લાંબો પંથ કાપવો ઇષ્ટ નથી. તેની અસર તેમની કાર્યશક્તિ અને બળ ઉપર તરત જ દેખાય છે. ઘણે ઠેકાણે રેલવે સ્ટેશનોથી ઘણા દૂરદૂરના ભાગમાં ગાડાં મોટર લૉંરીની હરીફાઇમાં દિવસરાત ખેંચાખેંચ કરે છે, પરંતુ થોડી આવકના પ્રમાણમાં માલિક ખૂબ ઓછો ખોરાક આપતો હોઇ એવા બળદોની શારીરિક હાલત દયાજનક હોય છે. માલની નિકાસ અને માણસોની આવજા ખૂબ જ ઝપાટાબંધ થતી હોય ત્યાં કેવળ એક જવસ્તુ બળદગાડાની વિરુદ્ધ ઊભી રહે છે; તે તેમની ધીમાશ. જે લોકોનો મોટરની મુસાફરીથી બચેલો વખત પૈસા મળે એવા કામમાં જતો નથી, તેમણે ટૂંકા અંતરે તો પગે ચાલીને જ જવું જોઇએ. અને લાંબી મુસાફરી માટે ગાડાંનો ઉપયોગ કરવો જોઇએ. જે ખેડૂતને પોતાનું ગાડું છે તે જો તેમાં મુસાફરી કરે તો તેને કંઇ રોકડ નાણું ખરચવું ન પડે, પણ પોતાના જ ખેતરની ઊપજનો ઉપોયગ પોતાના બળદોને ખવડાવીને શક્તિ ઉત્પન્ન કરવામાં થાય. સાચે જ ખેડૂતે ઘાસ ને દાણાને પોતાનાં પેટ્રોલ, ગાડાંને મોટર લૉંરી, બળદોને ઘાસને શક્તિના રૂપમાં ફેરવનારાં ઍંજિન ગણવાં જોઇએ. યંત્ર કંઇ ઘાસ નહીં ખાય અને અત્યંત મહત્ત્વની વસ્તુ જે ખાતર તે એ પેદા નહીં કરે. વળી ખેડૂત પાસે બળદ તો હોવા જ જોઇએ; અને ઘાસ તો એની પાસે હોય જ છે. અને એનું ગાડું હોય તો તેથી ગામના સુથાર તથા લુહારને પણ એ પોષી શકે; વળી તેને ઘેર ગાય હોય તો ઘાસમાંથી માખણ ને ઘી તૈયાર કરનાર અને બળદ પેદા કરનાર યંત્રને તે પોષી રહ્યો છે એમ સમજવું; અને એમ એક પંથ ને દો કાજ થાય છે. ”

મોટરનો હુમલો સફળ થાય કે ન પણ થાય. જો બુદ્ધિશાળી કાર્યકર્તાઓ આ વિષયનો ઝીણવટથી અભ્યાસ કરશે ને ગ્રામવાસીઓને ચોક્કસ રસ્તો બતાવશે તો એક સારી સેવા થશે. શ્રી ઇશ્વરભાઇની નોંધથી એમાં સૂચવેલા વિષયનો અભ્યાસ કરવાની સર્વ વિચારશીલ ગ્રામસેવકોને હોંશ પેદા થવી જોઇએ.૧

મોટર વિ૦ ગાડું

‘ગ્રામઉદ્યોગ પત્રિકા’ના ઑંગસ્ટ (૧૯૩૯)ના અંકમાં ગામડામાં પ્રચાર અર્થે વપરાતા મોટર ખટારા અને ગાડાંના લાભાલાભ તપાસવામાં આવ્યા છે. તેમાંની પૂરેપૂરી દલીલ વાંચવા માગનારે પત્રિકાં મંગાવવી. દલીલનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :

“જે જિલ્લા લોકલ બોર્ડો અને બીજી સ્થાનિક સંસ્થાઓ ગ્રામસેવાના કામ માટે અમુક પૈસા ખરચવા માગતી હોય તે ગામડામાં વિવિધ પ્રચારકાર્યને માટે મોટરોના ખટારા ખરીદવામાં પૈસા ખરચે એ સારું કે નહીં, એ સવાલ અમને પૂછવામાં આવ્યો છે. આવી સંસ્થાઓ ગામડા પ્રત્યેનું પોતાનું કર્તવ્ય સમજવા લાગી છે. આવી છે, અને શહેર તથા ગામડાં વચ્ચે અને ભણેલા ને અભણ વચ્ચે અત્યારે જ વિશાળ અંતર છે તે ઓછુંકરવા માગે છે, એ એક સુચિહ્‌ન છે.”

“આપણે જે કાંઇ ખરચ કરીએ તેમાં - વિશેષ કરીને જ્યારે એ ખરચ ગામડાંની પ્રજાના લાભાર્થે કરવાનું હોય ત્યારે-ખરચાયેલા પૈસા ગ્રામવાસીની પાસે પાછા પહોંચે એટલી કાળજી રાખવી જરૂરની છે. જિલ્લા બોર્ડો વગેરે લોકો પાસેથી પૈસા મેળવે છે, એટલે તેમણે પોતાની ખરીદી એવી રીતે કરવી જોઇએ કે જેથી પૈસો લોકોની અંદર વહેંચાઇ જવામાં મદદ થાય. એથી ઊલટું, જો ગ્રામવાસીઓ પાસેથી કરરૂપે લીધેલા પૈસા જિલ્લાની બહાર મોકલવામાં આવે તો એથી પરિણામે લોકો ગરીબ બને અને એનો અર્થ એ ખસૂસ થાય છે કે જિલ્લા બોર્ડો વગરેની તિજોરીમાં આવનારા પૈસામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય.”

“કોઇ લોકલ બોર્ડ ગ્રામસેવાના કામ માટે થોડાક હજારથી વધુ રૂપિયા કાઢતી નથી. એ જો એ કામ માટે એક પણ મોટી મોટર ખરીદવાનું નક્કી કરે તો એ ખટારા માટે પાંચેક હજાર રૂપિયા પરદેશ જાય. અને વધારામાં ટાયર અને બીજા છૂટા ભાગનું ખરચ અને રોજેરોજનું પેટ્રોલનું ખરચ થાય તે જુદું. એ બધી ચીજો પરદેશથી લાવવી પડે એટલે એના પૈસા તાલુકા કે જિલ્લામાંથી તો ઘસડાઇ જ જાય. એ ખરચનો દેખીતો હેતુ તો ગ્રામપ્રજાનું હિત સાધવાનો હોય, પણ પ્રસંગોપાત્ત ખેતી, આરોગ્ય, દારૂબંધી, બાળસંગોપન અને સેવા બીજા વિષયો પર ભાષણ સાંભળવાને કે ગ્રામોફોન કે રેડિયો સાંભળવાને ગ્રાસવાસીને આ ભારે ખરચનો બોજો ઉઠાવવો પડે છે; જ્યારે એને ને એના કુટુંબને માસિક રૂ. ૨ની કમાણી પર નિર્વાહ કરતો પડતો હોય છે. ગ્રામવાસીને સૌથી મોટી જરૂર તો લાભદાયક કામધંધાની છે. આપણે પરદેશથી ચીજો આણીને હમેશાં એનો કામધંધો છીનવી લઇએ છીએ, અને એના વળતર તરીકે એને ભાષણો સંભળાવીએ છીએ, જાદુઇ ફાનસના ખેલ દેખાડીએ છીએ, ને હવાઇ ગાયન સંભળાવીએ છીએ; અને આપણે એનું કલ્યાણ સાધવા મથી રહ્યા છીએ એમ માની ગર્વ લઇએ છીએ. આથી વધારે હાંસીપાત્ર બીજું શું હોઇ શકે ?”

“હવે મોટર ખટારાની જગાએ બળદગાડું આ કામ માટે વાપરવામાં આવે તો શું બને તે જોઇએ. એથી કશી હોહા નહીં થાય, તેમ જ ગામડાંમાં કંઇ ચમત્કાર થઇ રહ્યો છે એવી ગાજવીજ પણ દુનિયામાં નહીં થાય. પણ જો આ કામમાં ઉદ્દેશ નાટક કરી બતાવવાનો ને દાંડી પીટવાનો ન હોય પણ ખરેખરું શાંત રચનાત્મક કામ કરવાનો હોય તો અમે કહેવા ઇચ્છીએ છીએ કે એ ગરજ બળદગાડાથી ઘણી વધારે સારી રીતે સરશે. બળદગાડું છેક ખૂણે પડેલાં ગામડાંમાં પણપહોંચી શકશે, પણ મોટર ત્યાં નહીં પહોંચી શકે. મોટરને માટે જોઇએ. એના કરતાં કેટલાયે ઓછા પૈસા ગાડા માટે જોઇએ. એટલે જરૂર પડે તો જિલ્લાનાં ગામડાંના અનેક સમૂહોને પહોંચી વળવાને ઘણાં બળદગાડાં પણ ખરીદી શકાય. ગાડાં પાછળ ખરચેલા પૈસા ગામડાના સુથાર, લુહાર ને ગાડું હાંકનારને મળે. એમાંથી એક પાઇ પણ જિલ્લા બહાર જવાની જરૂર ન રહે. ગાડું પણ જો શાસ્ત્રીય પદ્ધતિએ -સુધારેલાં પૈડાં લોખંડના બૉલબૅરિંગ, બરાબર ગોઠવેલી ધરી અને પૈડાના ઘાટીલા પ્રમાણબદ્ધ ભાગોવાળું-બનાવેલું હોય તો તે જ પ્રદર્શન રૂપે લોકોને બતાવી શકાય. પરિણામે ગાડાના સરંજામ પાછળ કરેલા ખરચથી ગામડાંમાંથી પૈસા બહાર વહી જવાને બદલે પૈસા ગામડાંની અંદર આવે. જ્યાં કામ કરવાને અંગે ઝડપ અતિ આવશ્યક હોય ત્યાં મોટરની જરૂર ખરી, પણ ગામડાંમાં ગ્રામોદ્ધારને સારુ કરવાના પ્રચારકાર્યને સારુ બહુ ઝડપની જરૂર રહે છે એમ ન કહી શકાય. એથી ઊલટું ધીરે ધીરે સંગીનપણે કામ ચલાવવાથી વધારે લાભ થશે. એ કામ કરનારા માણસો એક ગામથી બીજે ગામ દોડધામ કરી મૂકે એના કરતાં દરેક ગામમાં થોડોક વખત ગાળે એથી ગામડાના લોકોને વધારે લાભ થશે. એમ કરવાથી જ ગ્રામીણ પ્રજાનું જીવન ને તેને લગતા પ્રશ્નો સારી રીતે સમજી શકાય, ને એ પ્રશ્નોના ઉકેલ માટે કરેલું કામ વધારે ફળદાયી નીવડે.”

“એટલે ગ્રામસેવા અને મોટર એ બેનો મેળ બેસતો દેખાતો નથી. ખરી જરૂર વીજળી વેગ અને ખાલી આડંબરની નથી, પણ એકધારા રચનાત્મક પ્રયાસની છે. ગ્રામસેવા ને ગ્રામસંગઠનમાં સાચો રસ ધરાવનાર લોકલ બોર્ડો અને સાર્વજનિક સંસ્થાઓને અમારી ભલામણ છે કે તેઓ કેવળ ગામઠી બનાવટની ચીજો વાપરવાથી શરૂઆત કરે, ગામડાંમાં ગરીબાઇ શાથી નીપજે છે ને વધે છે એનો અભ્યાસ કરે, અને એ કારણો એક એક કરીન દૂર કરવા માટે એકાગ્ર પ્રયત્ન કરે. જ્યારે ગ્રામજીવનના પ્રત્યેક અંગને સજીવન કરવાને એકાગ્ર ને વિચારપૂર્વક કરેલા પ્રયત્નની જરૂર છે તે વખતે રાતોરાત ગ્રામોદ્ધાર કરવા મથનારી ઝડપભરી રીતો અજમાવવી ને તેની પાછળ પ્રજાના પૈસા વેડફી દેવા એમાં એ પૈસાનો દુર્વ્યય જ દેખાય છે.”

આપણે આશા રાખીએ કે ગામડાના હિતમાં રસ લેતા ભાઇઓ ગાડાના પક્ષમાં કરેલી આ સ્પષ્ટ દલીલ પર ધ્યાન આપશે. ગામડાંના કલ્યાણ માટે ઊભાકરેલા તંત્ર મારફતે જ ગામડાના અર્થકારણનો નાશ કરવો એ નરી નિર્દયતા ગણાય.૨

ભારવાહક તરીકે બળદનું સ્થાન

બળદો આજે પણ ગામડે તો ખેતી કરતા ને ગાડાં ખેંચતા જોવામાં આવે છે, પણ શહેરોમાં પણ જોવામાં આવે છે. સિમલા જેવી જગ્યા જે ૭,૦૦૦ ફૂટ ઊંચાઇ પર છે ત્યાં જતાં આખે રસ્તે પહાડી રસ્તાઓ પર પુષ્કળ ભારથીલાદેલાં ગાડાં ખેંચતા બળદો જોઇએ છીએ. આમ આપણે ત્યાં તો ભારવાહક તરીકે બળદ હંમેશાં રહેશે જ એમ લાગે છે. આપણું જીવન, આપણી સભ્યતા બળદની સાથે સંકળાયેલાં છે. એ ગ્રામઉદ્યોગ સભ્યતાને કાયમ રાખવી હોય તો બળદને પણ કાયમ રાખવો રહ્યો છે.

કોનાં જાનવર સૌથી સારાં છે તે તમેે જુઓ, કેમ સારાં છે તેની તપાસ કરો, અને તેમાંથી કાંઇ શીખો. કોની ગાય વધારે દૂધ દે છે એ એને શું ખાણ આપે છે, કેવી માવજત કરે છે એ બધું જાણો અને તેનો લાભ લો. સારામાં સારા બળદ અને ગાયને માટે ઇનામ કાઢો આદર્શ પશુઓ વિના આદર્શ ગામડું અશક્ય છે.૩

૨૨

નાણું, વિનિમય અને કર

મારી યોજનામાં ચલણી નાણું તે ધાતું નથી પણ શ્રમ છે. જે શ્રમ કરી શકે તેને એ નાણું મળે છે, તેને ધન પ્રાપ્ત થાય છે. તે પોતાના શ્રમનું રૂપાંતર કાપડમાં કરે છે, અનાજમાં કરે છે. તેને જો પૅરૅફીન તેલ જોઇએ ને એ તેનાથી પેદા ન થઇ શકતું હોય તો તે પોતાની પાસેનો વધારવાનો દાણો આપીને સાટે તેલ લેશે. એમાં શ્રમનો સ્વતંત્ર, ન્યાયી, અને સમાનભાવે વિનિમય છે; તેથી તે લૂંટ નથી. તમે વાંધો લેશો કે આ તો પાછા છેક જૂના જમાનાની માલનું સાટું કરવાની રીત પર આવ્યા. પણ આખો આંતરરાષ્ટ્રીય વેપાર સાટાની પદ્ધતિ પર ગોઠવાયેલો નથી ?૧

હિંદનું દરેક ગામડું તોપણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે.૨

મારો અનુભવ મને એમ કહે છે કે, શહેરો અને ગામડાં બંનેમાં ખાદી સાર્વત્રિક કરવા માટે સૂતરના બદલામાં જ ખાદી મળવી જોઇએ. વખત જતાં લોકો પોતે સૂતરના ચલણ મારફત ખાદી ખરીદવાનો આગ્રહ રાખશે એવી હું આશા રાખું છું.૩

ખરું જોતાં મજૂરી એ પણ ધાતુના સિક્કાના જેટલું જ દ્રવ્ય છે. કેટલાક લોકો અમુક કારખાનામાં પૈસા રોકે તો તમે એમાં તમારી મજૂરી રોકો છો. જેમ પૈસા વિના તમારી મજૂરી નકામી થઇ જાય, તેમ તમારી મજૂરી વિના જગતમાં તે બધા પૈસા નકામા થઇ પડે.૪

સ્વાવલંબનનો અર્થ કૂપમંડૂકતા નથી. કોઇ પણ સ્થિતિમાં આપણે બધી ચીજો પેદા કરી શકીએ નહીં અને આપણે કરવી પણ નથી. આપણે તો પૂર્ણ સ્વાવલંબનની નજદીક પહોંચવું છે. જે વસ્તુઓ આપણે પેદા ન કરી શકીએ એના બદલામં આપવા માટે આપણે આપણી આવશ્યકતાથી વધારે પેદા કરવું જ પડશે.૫

જેમ ટંકશાળામાં સોનુંરૂપું લેવાય, પણ તેમાંથી બહાર તો સોનારૂપાના સિક્કા જ જાય. તેમ સૂતરભંડારમાંતી માત્ર ખાદીરૂપી સિક્કા જ જઇ શકે.૬

અગાઉ કોડી અને બદામ ચલણી નાણા તરીકે વપરાતી, ને લોકો તેમ જ રાજ્યોની તિજોરીઓ તે સ્વીકારતાં. ઉપયોગિતાની દૃષ્ટિએ જોતાં એ ચીજોની કશી કિંમત ન હતી. લોકોની કંગાલિયત કેટલી ભારે છે એનું માપ એના પરથી નીકળતું. લોકો તાંબાનાં પાઇ પૈસા પણ મેળવી ન શકતા. પાંચ કોડી આપે એટલે જરાક શાકભાજી કે એકાદ સોય મળે. હવે મેં નાણાનું એક માપ સૂચવ્યું છે. તે કેવળ ધનના એક ચિહ્‌નરૂપે નહીં હોય પણ તેની ઉપયોગિતાની દૃષ્ટિએ હમેશાં તેની કંઇક કિંમત હશે અને તે બજારમાં વેચતાં તેના કંઇક દામ પણ ઊપજશે. એ અર્થમાં એ એક આદર્શ નાણું હશે. હાલતુરતને માટે, એક પ્રયોગ તરીકે, મેં સૂતરની તાણીના એક તારને નાનામાં નાના ચલણી નાણા તરીકે સૂચવ્યો છે. તેનો ઉપયોગ મુખ્યત્વે કાંતનારીઓ અને સામાન્યપણે ખાદીપ્રેમીઓ જોડેના વહેવારમાં થઇ શકે છે. કાંતનારીઓ અમુક વાર સૂતર આપે તો તેમને તેમની રોજની જરૂરિયાતની બધી ચીજો મળી રહે. આને માટે ચરખા સંઘે, ગ્રામઉદ્યોગ સંઘનો સહકાર મેળવીને અને આખરે જેઓ સાથ આપે તે બધાની સાથે મળીને, ભંડારો ચલાવવા પડશે. મારી કલ્પના પ્રમાણે આ પ્રથાને અમલ તો જ થઇ શકે જો એનો વહીવટ એકહથ્થું ન રાખતાં ગામડાંનાં મથકોને જ સોંપી દેવામાં આવે. એ વસ્તુ આ યોજનાનો અવગુણ નથી, પણ ગુણ છે.૭

મહેનતરૂપી કર પ્રજાને પુષ્ટ કરે છે. જ્યાં પ્રજાજન સ્વેચ્છાએ પ્રજાસમસ્તના કલ્યાણ અર્થે મહેનત કરે છે ત્યાં નાણાંની આપણે કરવાની ઓછી જરૂર રહે છે, કર વસૂલ કરવાની અને તેનો હિસાબ રાખવાની મહેનત બચી જાય છે; છતાં પરિણામ કર આપ્યા જેટલું જ આવે છે.૮

૨૩

ગ્રામસફાઇ

મજૂૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઇ છે તેથી ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં અને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદલો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગ સહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઇએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઇના નમૂના બનાવવાં જોઇએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજેરોજના જીવનમાં ભાગ લેવાની અથવા તેની સાથે એકરૂપ થવાની તેમણેપોતાની ફરજ કદી માની નથી. રાષ્ટ્રીય કે સામાજિક સફાઇને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણા રિવાજથી અમુક ઢબે નહાઇએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે શ્રદ્ધા ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઉપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગો આપણે તે દુર્ગુણનાં ફળરૂપે ભોગવીએ છીએ.૧

ગામડાંમાં આપણે કરવાનું એ છે કે તળાવ કૂવા સાફ કરવાં ને રાખવાં, અને ઉકરડા કાઢી નાખવા. ગ્રામસેવકો જો જાતે કામ શરૂ કરશે, દરરોજ પગારદાર ભંગીની પેઠે કામ કરશે, અને લોકોને એટલું સમજાવશે કે એમની પાસેથઈ પણ એ કામમાં જોડાવાની અને અંતે જાતે એ બધું કામ ઉપાડી લેવાની અપેક્ષા રખાય છે, તો ગ્રામસેવકો ખાતરી રાખે કે ગામડાના લોકો વહેલા મોડા એમને સહકાર આપ્યા વિના નહીં રહે.

રસ્તા અને શેરીઓ પરથી બધો કચરો ફેંકી દેવો જોઇએ, ને એનું વર્ગીકરણ કરવું જોઇએ. એમાં કેટલીક ચીજો એવી હોય છે જેનું ખાતર બની શકે; કેટલીક એવી હોય છે જેને દાટી દેવી જોઇએ, અને કેટલીક એવી હોય છે કે જેમાંથી તરત જ પૈસા પેદા થઇ શકે. જેટલાં હાડકાં મળી આવે તે કાચા સોના જેવાં ગણાય, ને એમાંથી ઉપયોગી વસ્તુઓ બને, અથવા એને વાટીને ભૂકો કરવાથી એનું સુંદર ખાતર બને. ચીંથરાં ને નકામાં કાગળમાંથી કાગળ બને, અને મળનું ગામડાંનાં ખેતરને માટે સોના જેવું ખાતર બને.

ગામડાના તળાવના પાણીને લોકો નાહવા, કપડાં ધોવા અને પીવા તથા રાધવા માટે ફાવે તેમ વાપરે છે. ઘણા ગામડાંનાં તળાવનો ઢોર પણ ઉપયોગ કરે છે. ભેંસો ઘણી વાર એમાં આળોટતી દેખાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગામડાંના તળાવનો આટલો ઘોર દુરુપયોગ થતો હોવા છતાં ગામડાં હજુ એવા ચેપી રોગોથી નાશ પામ્યાં નથી. બધા જ ડૉંકટરો એવો પુરાવો આપે છે કે ગામડાંને સ્વચ્છ પાણી જ મળે એવી વ્યવસ્થા આપણે કરી નથી શકતા તે જ ગામડાંના ઘણા રોગોનું મૂળ કારણ છે.

એટલું સૌ કબૂલ કરશે કે આ કામ એવું છે કે એમાં રસના ઘૂંટડા આવે, ઘણી કીમતી કેળવણી મળે, અને એમાંથી હિંદુસ્તાનની દુઃખી પ્રજાને પાર વિનાનો લાભ થાય. આ કામને પહોંચી વળવાના ઉપાયનું જે વર્ણન મેં કર્યું છે એટલું સ્પષ્ટ સમજાયું હશે કે જો કલમ કે સીસાપેનના જેટલાં જ સહેલાઇથી ને ગર્વથી સાવરણી અને પાવડો ચલાવવાનો તત્પર એવા ઉત્સાહી ગ્રામસેવકો આપણને મળી રહે તો ખરચનો સવાલ તો લગભગ આખો ઊડી જ જાય. સાવરણી, ટોપલી, પાવડો, ને કોદાળી અને કદાચ કંઇક ચેપ અટકાવનારી વસ્તુ એટલો જ સરંજામ આપણને જોઇએ. સૂકી રાખ એ કોઇ પણ રસાયણશાસ્ત્રી આપી શકે એના જેટલી જ અસરકાર રીતે ચેપ અટકાવનારી વસ્તુ હશે. પણ આ બાબતમાં પરગજુ રસાયણશાસ્ત્રીઓએ આપણને કહેવું જોઇએ કે ગામડાંના લોકો ગામડામાંથી જ મેળવી શકે એવી સૌથી અસરકારક અને સસ્તી ચેપ અટકાવનારી વસ્તુ કઇ ગણાય.૨

૨૪

ગામડાનું આરોગ્ય

જે સમાજ સુવ્યસ્થિત છે તેમાં સૌ શહેરીઓ તંદુરસ્તીના નિયમોને જાણે છે ને તેમનો અમલ કરે છે. હવે તો એ વાત નિર્વિવાદ સાબિત થઇ છે કે તંદુરસ્તીના નિયમોનું અજ્ઞાન અને ને નિયમોને પાળવાની બેદરકારી એ બેમાંથી જ માણસજાતને જે જે રોગો જાણીતા થયેલા છે તેમાંના ઘણાખરા થાય છે. આપણે ત્યાંનું મરણનું વધારે પડતું મોટું પ્રમાણ બેશક ઘણે ભાગે આપણા લોકોનાં શરીરોને કોતરી ખાતી ગરીબીનું પરિણામ છે પણ તેમને તંદુરસ્તીના નિયમોની કેળવણી બરાબર આપવામાં આવે તો એ પ્રમાણ ઘણું ઘટાડી શકાય.

મન નીરોગી તો શરીર નીરોગી એ સામાન્યપણે માણસજાતને માટેનો પહેલો કાયદો છે. નીરોગી શરીરમાં નિર્વિકારી મન વસે છે એ આપમેળે પુરવાર થાય તેવું સત્ય છે છે. મન અને શરીરની વચ્ચે અપરિહાર્ય સંબંધ છે. આપણાં મન જો નિર્વિકાર એટલે કે નીરોગી હોય તો એકેએક જાતની હિંસા તેમાંથી ખરી પડે અને પછી સ્વાભાવિક રીતે તંદુરસ્તીના નિયમોનુંં આપણે હાથે પાલન થાય ને કોઇ પણ જાતની ખાસ કોશિશ વગર આપણાં શરીરો તંદુરસ્ત રહે.૧

આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીરસુખાકારી. જેનું શરીર વ્યાધિરહિત છે, જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે રોજ દશ બાર માઇલ ચાલી શકે છે, સામાન્ય મજૂરી થાક વિના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઇન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે.૨

તંદુરસ્તીના કાયદા અને આરોગ્યશાસ્ત્રના નિયમો તદ્દન સરળ ને સાદા છે ને સહેલાઇથી શીખી લેવાય તેવા છે. મુશ્કેલી તેમના અમલની છે. આ રહ્યા તેમાંના થોડા નિયમો :

હમેશ શુદ્ધ વિચારો કરવા ને મનમાંથી બધા મેલા ને નકામાં વિચારો કાઢી નાખવા.

રાત અને દિવસ તાજામાં તાજી હવા લેવી.

શરીરના તેમ જ મનના કામની સમતુલા જાળવવી એટલે કે તેમનો મેળ બેસાડવો.

ટટાર ઊભા રહેવું, ટટાર બેસવું અને પોતાના એકેએક કામમાં સુઘડ અને સાફ રહેવું; વળી આ બધી ટેવો અંતરની સ્વસ્થતાના પ્રતિબિંબરૂપ હોવી જોઇએ.

તમારા જેવા તમારા માનવબંધુઓની કેવળ સેવાને ખાતર જિવાય તે માટે ખાવાનું રાખો. ભોગ ભોગવવાને માટે જીવવાનું કે ખાવાનું નથી. તેથી તમારું મન અને તમારું શરીર સારી સ્થિતિમાં રહે ને બરાબર કામ આપે તેટલા પૂરતું જ ખાઓ. જેવો આહાર તેવો આદમી.

તમે જે પાણી પીઓ, જે ખોરાક ખાઓ ને જે હવા લો, તે બધાં તદ્દન સ્વચ્છ હોય. વળી કેવળ પંડની ચોખ્ખાઇ રાખીને સંતોષ ન માનતાં તમારે પોતાને માટે જેટલી ચોખ્ખાઇ રાખો તે જ પ્રમાણમાં તમારી આજુબાજુના વાતાવરણને તેમ જ જગ્યાને એ વિવિધ ચોખ્ખાઇનો રંગ લગાડો.૩

કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારના કામમાં ઝાઝી પંડિતાઇની એટલે કે વાચનની અથવા ઊંચા દરજ્જાની યુનિવર્સિટી ડિગ્રીઓની જરૂર પડતી નથી. જે વસ્તુ આપને સૌને પહોંચાડવી છે, તેનું પ્રધાન લક્ષણ સાદાઇ હોય. કરોડોના લાભને માટે જે વસ્તુ છે તેમાં ઝાઝાં પોથા ઉથલાવીને મેળવેલું પાંડિત્ય હોય નહીં. એવું પાંડિત્ય બહુ ઓછા મેળવી શકે અને તેથી તે કેવળ તવંગરોને જ કામ આવે. પરંતુ હિંદ તો અજાણ્યાં, નાનકડાં, દૂર દૂર ઊંડાણમાં આવેલાં સાત લાખ ગામડાંઓમાં વસે છે. તેમાંથી કેટલાકની વસ્તી પાંચસો છસોથી વધારે હોતી નથી. અને થોડાંક તો સોનીયે અંદર હોય છે. મારું ચાલે તો હું એવા એકાદ ગામડાંમાં જઇ રહું છું. આ ગરીબ લોકોને ત્યાં તમે ઊંચી ડિગ્રીવાળા દાકતરો ને હોસ્પિટલોની મોંઘી સાધનસામગ્રીનો લાંબો પરિવાર કેવી રીતે લઇ જવાના હતા ? તેમને તો સાદા કુદરતી ઇલાજો અને રામનામનો જ આધાર છે.૪

જ્યાં શરીરની ચોખ્ખાઇ, ઘરની સફાઇ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઇ સાથે દિલની સફાઇ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઇ રામનામ વગર ન થયા, આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈદ, હકીમ કે દાકતરની જરૂર રહેતી નથી.

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઇ રહે અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાની કે શહેરની આદર્શ રચના સમાઇ જાય છે. અલબત્ત એ આદર્શ રચનાનું મધ્યબિંદુ તો ઇશ્વર જ હોય.૫

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, તેમાં ઓછામાં ઓછું ખરચ અને ઓછામાં ઓછી ધમાલ હોય. કુદરતી ઉપચારનો આદર્શ એ છે કે, ઉપચાર થઇ શકે એવાં સાધનો બનતા સુધી ગામડાંમાં જ હોવાં જોઇએ, અને ન હોય તો પેદા કરી લેવાં જોઇએ. કુદરતી ઉપચારમાં જીવન પરિવર્તનની વાત તો છે જ. આ કંઇ વૈદનું પડીકું લેવાની અથવા ઇસ્પિતાલમાં જઇને ભિખારી બને છે. કુદરતી ઉપચાર કરનારો કદી ભિખારી નથી બનતો. તે પોતાની પ્રતિષ્ઠા વધારે છે ને સારા થવાનો ઉપાય પોતાની મેળે કરી લે છે. તથા શરીરમાંથી ઝેર કાઢી નાખી ફરી વાર માંદો ન પડે, એવો પ્રયત્ન કરે છે.

પથ્ય ખોરાક, યુકતાહાર, એ (કુદરતી ઉપચારનું) અનિવાર્ય અંગ છે ખરું. આપણે જેવાં કંગાળ છીએ તેવાં આપણાં ગામડાં કંગાળ છે. ગામડાંમાં શાકભાજી, ફળ દૂધ વગેરે પેદા કરવાં, એ કુદરતી ઉપચારનું ખાસ અંગ છે. તેમાં જે સમય જાય છે, તે વ્યર્થ જતો નથી એટલું જ નહીં, તેનાથી બધા ગ્રામવાસીઓને અને અંતે આખા હિંદુસ્તાનને લાભ છે.૬

ગામડાંના લોકો માટે કુદરતી ઉપચારની મારી કલ્પના તો એવી છે કે, ગામડાંમાં જે કાંઇ સાધન મળી શકે, વીજળી ને બરફ વગર, તેમાંથી જેટલું થાય એટલું કરવું. કુદરતી ઉપચારની આ મર્યાદા છે. આ કામ તો મારું જ હોઇ શકે, જે ગામડિયો થોય છે અને જેનો દેહ શહેરમાં હોવા છતાં આત્મા ગામડામાં વસે છ.૭

કુદરતી ઉપચારની વાત કેવળ ગામડિયાઓ સારુ, ગામડાંઓ સારુ છે, એટલે એમાં સૂક્ષ્મદર્શક યંત્ર, ‘ક્ષ’ કિરણો વગેરેને કશુંસ્થાન નથી. કિવનાઇન, ઇમેટિન, પેનિસિલિન જેવી દવાઓને પણ નેચર કયોરમાં સ્થાન નથી. ગ્રામસફાઇ, અંગસફાઇ અને આરોગ્યરક્ષણને પ્રથમ સ્થાન છે અને સંપૂર્ણ છે. એટલું થઇ શકે, તો વ્યાધિ ન આવી શકે, એ એની પાછળ કલ્પના છે. અને વ્યાધિ આવ્યો હોય, તો તેનેકાઢવાને ખાતર કુદરતના બધા નિયમોને જાળવવા છતાં રામનામ એ મૂળ ઉપચાર છે. એ ઉપચાર સાર્વજનિક ન થઇ શકે, જ્યાં લગી રામનામની સિદ્ધિ પોતાનામાં ઉપચારકને ન આવી હોય. પણ પંચમહાભૂતોમાંથી એટલે પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુમાંથી જે દોહન કરી શકાય, તે શક્તિનું દોહન કરીને વ્યાધિ મટાડવાનો આ પ્રયાસ છે અને ત્યાં મારી દૃષ્ટિે કુદરતી ઉપચારનો અંત આવી જાય છે. એટલે જે પ્રયોગ અત્યારે ઉરુળીકાંચનમાં ચાલી રહ્યો છે, તે ગ્રામવાસીઓને સ્વાસ્થ્યરક્ષાની કળા શીખવાનો અને રોગી છે તેનો રોગ પંચમહાભૂત મારફત મટાડવાનો પ્રયોગ ચાલે છે. એમાં જરૂર જણાતાં ઉરુળીની ઉપસ્થિત વનસ્પતિઓનો ઉપયોગ થશે, ને આમાં પથ્યાપથ્યનો સમાવેશ થઇ જાય છે.૮

જે તત્ત્વોનું મનુષ્યરૂપી પૂતળું બન્યું છે, તે જ નૈસર્ગિક ઉપચારનાં સાધન છે. પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સૂર્ય) ને વાયુનું આ શરીર છે.૯

માટી

‘રીટર્ન ટુ નેચર’ નામના તેમના પુસ્તકમાં જુસ્ટે મુખ્યત્વે ભાર માટી ઉપર મૂક્યો છે. મને લાગ્યું કે એનો ઉપયોગ મારે કરી લેવો જોઇએ, બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મૂકવી. ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઊઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તુરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો.૧૦

માટીની લોપરી ત્રણ ઇંચ પહોળી ને છ ઇંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અરધો ઇચ કહો.૧૧

માથું દુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ પ્રયોગ કર્યો છે. માથું દુખાવાનાં અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્યપણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માંથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલિક લાભ આપે જ છે.

સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મૂકેલી છે. એવા ફોડા ઉપર મૂકવાને સારુ સાફ કપડું લઇ તેને હું પરમેંગનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મૂકું છું. ઘણે ભાગે ફોડા મટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઇ નિષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીના ડંખમાં મેં માટીનો ખૂબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હમેશની ચીજ થઇ પડેલ છે. જાણીતા બધા ઇલાજો ત્યાં રાખ્યા છે. કોઇને વિષે એમ ન કહી શકું કે તે તો અચૂક ફાયદો કરે જ છે. કોઇ ઇલાજોથી માટી ઊતરતી નથી એટલું કહી શકાય.૧૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા ઉપર, જો માથું દુખતું હોય તો, કર્યો છે. તેથી હમેશાં તાવ ગયો છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતિ તો થઇ જ છે. ટાઇફૉઇડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તોતેની મુદતે જ જાય છે, પણ માટીએ હંમેશાં દરદીને શાંતિ આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે.૧૩

માટીનો ઉપયોગ છૂટથી ઍંન્ટીફૂલોજિસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસિયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બિલકુલ નિર્દોષ બની જાય છે.૧૪

માટી ચીકણી ન હોવી જોઇએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુંવાળી રેશમ જેવી હોવી જોઇએ. તેમાં કાંકરી ન હોવી જોઇએ. તેથી એ છેક ઝીણી ચાળણીમાં ચાળવી જોઇએ. તદ્દન સાફ ન લાગે તો માટીને શેકવી.૧૫

સાફ ઝીણી દરિયાઇ રેતી એક બરની ખાવાનો પ્રયોગ દસ્ત લાવવાને સારુ કરાય છે, એમ જુસ્ટે લખેલું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે : માટી કંઇ પચતી નથી, એને તો કચરાની જેમ બહાર નીકળાવાનું જ છે. તે નીકળતાં મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગ કરવા ધારે તેણે વિચારપૂર્વક પ્રયોગ કરવો. એ બે વેળા અજમાવી જોવાથી કંઇ નુકસાન થવાનો સંભવ નથી.૧૬

પાણી

કયૂનેના ઉપચારોમાં મધ્યબિંદુ કટીસ્નાન અને ઘર્ષણસ્નાન છે.

‘આરોગ્યની ચાવી’માં ક્યુનેનું નામ લખ્યું છે. પણ તેની અંગ્રેજી આવૃત્તિમાં જૂસ્ટનું નામ છે, જે સાચું જણાય છે. તેને સારુ તેણે ખાસ વાસણ પણ યોજ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના કદ પ્રમાણે ત્રીસથી છત્રીસ ઇંચનું ટબ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઇએ તો મોટું લેવું. તેમાં ઠંડું પાણી ભરવું. ઉનાળામાં ખાસ ઠંડું રાખવાની જરૂર છે. તુરત ઠંડું કરવું હોય તો, ને મળે તો, થોડો બરફ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં ઠારેલું પાણી બરોબર કામ આપે છે. ટબમાં પાણી ઉપર કપડું ઢાંકી ઝપાટાબંધ પંખો કરવાથી તુરત ઠંડું કરી શકાય.

ટબ ભીંતની અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબું પાટિયું રાખવું, જેથી તેને અઢેલીને દરદી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને દરદી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ઢાંકેલો હોવો જોઇએ, જેથી ઠંડી ન વાય. જે કોટડીમાં ટબ રાખવામાં આવે તેમાં હવાની આવજા અને અજવાળું હોવાં જોઇએ. દરદીના આરામપૂર્વક બેઠા પછી તેના પેડુ ઉપર એક નરમ ટુવાલ વતી ધીમું ઘર્ષણ કરવું. પાંચ મિનિટથી ત્રીસ મિનિટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી ભીનો ભાગ સૂકવીને દરદીને સુવાડી દેવો જોઇએ.

આ સ્નાન ઘણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકસાન તો છે જ નહીં, અને લાભ પ્રત્યક્ષ મળે છે. સ્નાન ભૂખે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન ફાયદો કરે છે. અજીર્ણને મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટીસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સફળ થયો છે એમ નહીં કહી શકું, પણ સોમાંથી પંચોતેર ટકામાં સફળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થિતિ હોય તો, તાવ બે ત્રણ દોરા તો જરૂર ઊતરશે. સન્નિપાતનો ભય મટશે.૧૭

હવે ઘર્ષણસ્નાન ઉપર આવું. જનનેંદ્રિય બહુ નાજુક ઇંદ્રિય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઇક અદ્‌ભુત વસ્તુ રહેલી છે તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઇને ક્યુનેએ કહ્યું છે કે, ઇંન્દ્રિયના છેડા ઉપર (પુરુષના કેસમાં ઘૂમટ ઉપર ચામડી ચડાવી લઇને) તેની ઉપર નરમ રૂમાલ ભીંજવીનેે તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતિ આમ બનતી છે : ટબમાં પાણીની સપાટીથી થોડે ઊંચે તેની બેઠક આવે એવું સ્ટૂલ મૂકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઇંન્દ્રિયના છેડાનું ઘર્ષણ કરવું. જરાય ઇજા ન થવી જોઇએ. ક્રિયા ગમવી જોઇએ. આ ઘર્ષણથી સ્નાન લેનારને ઘણી શાંતિ મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને ક્યુનેએ કટીસ્નાન કરતાં ઊંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનનો થયો છે તેટલો ઘર્ષણસ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આળસ કર્યું છે. જેઓને તે ઉપચાર સૂચવ્યો છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો. ્‌એટલે પરિણામને વિષે અનુભવથી કંઇ નથી લખી શકતો. સૌએ આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીને તેથી ઘર્ષણસ્નાન લઇ શકાય. તેથી શાંતિ તો વળશે જ. માણસ આ ઇંન્દ્રિયની સફાઇ ઉપર બહુ ઓછુંધ્યાન આપે છે, જ્યારે ઘર્ષણસ્નાનથી એ ઇંન્દ્રિય સહેજે સાફ તો થશે જ. ચીવટ ન રખાય તો ઘૂમટને ઢાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પૂરી જરૂર છે. એ ઇન્દ્રિયના આવા સદ્‌ઉપયોગથી, એને વિષે કાળજી રાખવાથી બ્રહ્મચર્યપાલનમાં મદદ મળે છે, આસપાસના તંતુઓ મજબૂત અને શાંત થાય છે; અને એ ઇન્દ્રિય વાટે ફોકટ વીર્યસ્ત્રાવ ન થવા દેવાની ચીવટ વધે છે, કેમ કે એમ સ્ત્રાવ થવા દેવામાં રહેલી ગંદકી વિષે મનમાં અણગમો પેદા થાય છે,-થવો જોઇએ.૧૮

ચાદરસ્નાન શરીરમાં અળાઇ થઇ હોય, શીળસ થયું હોય, બહું ચળ આવતી હોય, અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય, તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છૂટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમાં ગુલાબી રંગ આવે એટલું પરમેંગનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઊકળતા પાણીમાં બોળી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઇ નાખવી જોઇએ.

લોહીનું ફરવું મંદ થઇ ગયું હોય ત્યારે, પગમાં બહુ કળતર થતી હોય ત્યારે બરફ ઘસવાથી ઘણો ફાયદો થયેલો જોયો છે. બરફના ઉપચારની અસર ઉનાળામાં વધારે સારી રીતે થાય છે. શિયાળામાં નબળા માણસની ઉપર બરફનો પ્રયોગ કરવામાં જોખમ હોઇ શકે.

હવે ગરમ પાણીના ઉપચાર વિષે વિચારીએ. ગરમ પાણીના સમજપૂર્વક ઉપયોગથી ઘણા રોગોની શાંતિ થઇ જાય છે. પ્રસિદ્ધ દવા આયોડીન જે કામ કરે છે તેમાનું ઘણું ખરું ગરમ પાણી કરે છે. સોજો હોય ત્યાં આયોડીન લગાડે છે, તે જ જગ્યાએ ગરમપાણીનું પોતું મૂકો તો આરામ થવાનો સંભવ છે. કાનમાં દરદ થાય ોત આયોડીનનાં ટીપાં નાખે છે ત્યાં જ ગરમ પાણીની પિચકારી મારવાથી શાંતિ થવાનો સંભવ છે. આયોડીનના ઉપયોગમાં કંઇક જોખમ છે, આમાં નથી, આમાં નથી. આયોડીન ડિસઇનફેકટન્ટ (જંતુનાશક) છે, તેમ જ ગરમ એટલે ઊકળતું પાણી ડિસઇનફેકટન્ટ છે. આનો અર્થ એમ સૂચવવાને સારુ નથી કે આયોડીન બહુ ઉપયોગી વસ્તુ નથી. એની ઉપયોગિતા વિષે મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ઘેર તે હોતું નથી. એ મોંઘી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુકાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો બધાયને ત્યાં હોવાથી દવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી બચી જવું જોઇએ. આપણા ઘરમાંપડેલા ઉપાયો જાણવાથી આપણે ઘણા ભયોમાંથી ઊગરીએ છીએ.૧૯

વરાળરૂપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધિવાથી જેનું શરીર ઝલાઇ ગયેલું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સાુ વરાળ ઉપયોગી વસ્તુ છે.

વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે : શણનો કે સીંદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે. પણ પાટીનોય ચાલે. તેની ઉપર ચોફાળ કે કામળ પાથરીને દરદીને તેની ઉપર સુવાડવો. ઊકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ખાટલાની નીચે મૂકવા. દરદીને એવી રીતે ઢાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોંયને અડકે, જેથી બહારની હવા ખાટલા નીચે ન જવા પામે, આમ લપેટયા પછી ઘડા કે તપેલા પરનું ઢાંકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. બરોબર વરાળ ન મળે તો પાણી બદલવાની જરૂર પડશે. બીજા ઘડામાં પાણી ઊકળતું હોય તે ખાટલા નીચે મૂકવું. સાધારણ રીતે આપણામાં રિવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મૂકે છે અને તેની ઉપર ઊકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો ડર રહ્યો હોય છે. એક તણખો પણ ઊડે ને કામળ કે કંઇક ચીજ બળે તો દરદીની જાન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોભ છોડીને મેં સૂચવેલી રીતનો ઉપયોગ કરવો.

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભવ્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઇ.

જેના પગ ઠંડા થઇ ગયા હોય, પગે કળતર થતી હોય, તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે એવાં ઊંડા વાસણમાં સહન થઇ શકે તેવા ગરમ પાણીમાં રાઇનો ભૂકો નાખીને પગ થોડી મિનિટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શમે છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળેખમ થયું હોય કે ગળું આવી ગયુૂં હોય તો કીટલીમાં ઊકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઇ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભૂંગળી લગાડવાથી તે ભૂંગળી વાટે વરાળ સુખેથી લઇ શકાય છે. આ ભૂંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભૂંગળીમાં લગાડવાથી વધારે સગવડ પડે છે.૨૦

આકાશ

આકાશ એટલે અવકાશ કહી શકાય.૨૧

આકાશથી આપણે ઘેરાયેલા ન હોઇએ તો ગૂંગળાઇને મરી જઇએ. જ્યાં કંઇ નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે દૂર દૂર આસમાની રંગજોઇએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, નહીં, તે આપણી અંદર પણ છે. પોલાણ માત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છે કે જે ખાલી દેખાય છે તે હવાથી ભરેલું છે.

આપણે હવાને નથી જોઇ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું ક્યાં છે ? એ આકાશમાં જ વિહાર કરે છે ના ? એટલે આકાશ આપણને છોડી જ નહીં શકતું, પણ આકાશને કોણ ખેંચી શકે ?૨૨

જેમ આકાશ અહીં છે તેમ આવરણની બહારપણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ જ છે. પછી

ભલે શાસ્ત્રીઓ સિદ્ધ કરે કે એ આવરણની બહાર પણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ જ છે. પછી ભલે શાસ્ત્રીઓ સિદ્ધ કરે કે એ ઉપર ઇથર નામનો પદાર્થ છે, અથવા બીજો કોઇ.તે પણ જેમાંવસે છે. એટલે એમ કહી શકાય કે, જો ઇશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.

એવું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશે કરી શકીએ તેટલે અંશે આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદૂર અને અદૂર વચ્ચે ને આપણી વચ્ચે કંઇ આવરણ ન આવવા દઇએ. એટલે કે, જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ ને સંતોષ ભોગવીશું.૨૩

આ વિચારશ્રેણી પ્રમાણે આપણે ઘરબાર, વસ્ત્રાદિના ઉપયોગમાં પુષ્કળ અવકાશ રાખીએ. કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જેવો ગરીબ માણસ તેમાં ગૂંગળાઇ જાય, એ વસ્તુનો ઉપયોગ ન સમજે. એને મને તો એ બધાં ધૂળ અને જંતુઓને એકઠાં કરવાનાં ભાજન ગણાય.૨૪

મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઇએ. ભીનાશ કે ટાઢથી બચવા પૂરતું ઢાંકણ ભલે રાખે. એક છત્રી જેવું ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી બધો વખત તેની છત્રી અગણિત તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઊઘડે ત્યારે તે પ્રતિક્ષણ નવું દૃશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં. છતાં તેની આંખ અંજાશે નહીં, શીતળતા ભોગવશે. તારાઓનો ભવ્ય સંઘ ફરતો જ દેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હ્યદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.

પણ જેમ આપણી આસપાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે. ચામડીમાં રહેલા એક એક છિદ્રમાં, બે છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ - અવકાશને આપણે ભરી મૂકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જો પણ આપણે આપણો આહાર જેટલો જોઇએ તેટલો જ લઇએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે. આપણને હંમેશાં ખબર નથી હોતી કે ક્યારે વધારે અથવા અયોગ્ય ખવાઇ ગયું છે. તેથી અઠવાડિયે, પખવાડિયે, કે સગવડ પડે તેમ અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જાળવી શકાય. પૂરા અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું ખાવાનું છોડી દેશે તોપણ લાભ મેળવશે.૨૫

તેજ

જેમ આપણે પાણીમાં સ્નાન કરી સાફ થઇએ છીએ તેમ સૂર્યસ્નાન પણ કરી શકાય. નબળો માણસ, જેનું લોહી ઊડી ગયું છે તે જો સવારનો તડકો નગ્ન દશામાં લે, તો તેની ફીકાશ ને નબળાઇ જશે ને હોજરી મંદ હશે તો તે જાગ્રત થશે. આ સ્નાન સવારના, તાપ બહુ ન ચડ્યો હોય ત્યારે લેવાનું છે. જેને ઉઘાડે શરીરે સૂતાં કે બેસતાં ઠંડી લાગે તે જોઇતું કપડું ઓઢીને સૂએ, બેસે ને જેમ શરીર સહન કરે તેમ કપડું ખસેડે. નગ્ન સ્થિતિમાં આંટા પણ મારી શકાય. કોઇ ન દેખે એવી જગ્યા શોધી ત્યાં આ ક્રિયા થઇ શકે. એવી સગવડ મેળવતાં દૂર જવું પડે, ને તેટલો વખત ન હોય તો ગુહ્ય ભાગો ઢાંકી શકાય એવી પાતળી લંગોટી પહેરીને સૂર્યસ્નાન લેવાય.૨૬

આવા સૂર્યસ્નાનથી ઘણા માણસોને ફાયદો થયો છે. ક્ષયના રોગમાં એનો બહોળો ઉપયોગ થાય છે.૨૭

કેટલીક વાર ગૂમડાં થયાં હોય તે રુઝાતાં જ નથી. તેને સૂર્યસ્નાન આપવાથી તે રુઝાયાં છે.૨૮

વાયુ

જેમ ચાર તેમ આ પાંચમું તત્ત્વ પણ અત્યંત ઉપયોગી છે. જે પાંચ તત્ત્વનું પૂતળું બન્યું છે તેમાંના એકેય વિના મનુષ્ય નભી ન જ શકે. એટલે વાયુથી કોઇએ ડરવું ન જોઇએ. જ્યાં જઇએ ત્યાં ઘરોમાં વાયુ અને પ્રકાશને આપણે બંધ કરી આરોગ્ય જોખમમાં નાખીએ છીએ. ખરું જોતાં બચપણથી જ હવાનો ડર ન રાખતાં શીખ્યા હોઇએ તો શરીર હવાની આવજાથી ટેવાઇ જાય છે, ને શરદી સળેખમ આદિથી બચી જાય છે.૨૯

દાક્તરી મદદ

અખિલ ભારત ગ્રામઉદ્યોગ સંઘની પ્રવૃત્તિનું મંગળાચરણ થતાંવેંત ઘણા કાર્યકર્તાઓએ ગામડાંમાં દવા આપવાના કામને પોતાની એકમાત્ર નહીં તો મુખ્ય પ્રવૃત્તિ બનાવી દીધી છે. ગામડાંના લોકોને ઍલોપથીની, આયુર્વેદની, યુનાની કે હોમિયોપથીની દવાઓ મફત આપવાની આ પ્રવૃત્તિ છે. એ દવાઓ વેચનારા વેપારીઓ પાસે ગ્રામસેવકો થોડીક દવાઓ લેવા જાય તો તેઓ એટલો ઉપકાર કરવા તત્પર હોય છે. એમાં એમને પૈસાનો ઘસારો તો કંઇ નથી; અને એ દાનનો તેઓ સ્વાર્થી દૃષ્ટિએ વિચાર કરે તો એથી એમને વધારે ઘરાક મળવાનો સંભવ રહે છે. બિચારા દર્દીઓ શુભેચ્છાવાળા પણ અધૂરા જ્ઞાનવાળા અથવા અતિ ઉત્સાહી ગ્રામસેવકોના ભોગ થઇ પડે છે. આ દવાઓમાંથી પોણા ભાગ કરતાં વધારેની કેવળ નકામી જ નથી હોતી, પણ જે શરીરમાં તે નાખવામાં આવે તેને દેખીતી રીતે નહીં તો અદૃશ્ય રીતે હાનિ કરનારી હોય છે. જ્યાં દર્દીઓને એથી કંઇક કામચલાઉ રાહત મળે છે ત્યાં એને બદલે ચાલી શકે એવી દવાઓ ગામડાંના બજારમાં મળતી હોય જ છે.

તેથી ગ્રામઉદ્યોગ સંઘે મેં વર્ણવી એવી દવાની મદદ આપવાનો વિચાર જ નથી રાખ્યો. આરોગ્ય અને કસકસરને વિષે લોકોને કેળવણી આપવી એકામ તરફ તે લક્ષ આપશે. એ બે એકબીજા સાથે સંકળાયેલાં નથી ? કરોડોને માટે આરોગ્યનો અર્થ સંપત્તિ નથી ? એમને ધન કમાવાનું મુખ્ય સાધન એમની બુદ્ધિ નથી પણ એમનાં શરીર છે. તેથી ગ્રામઉદ્યોગ સંઘ લોકોને રોગ થતા અટકાવવા કેમ એ શીખવવા મથશે. કરોડો માણસોના ખોરાકમાં પૌષ્ટિક તત્ત્વની ખામી છે એ જાણીતી વાત છે. તેઓ જે ખાય છે તેનો દુરુપયોગ કરે છે. ગામડાંની સફાઇની સ્થિતિ અતિશય ખરાબ છે. તેથી જો આ ખામીઓ દૂર થઇ શકે, અને લોકો સ્વચ્છતાના સાદા નિયમો પાળતા થઇ જાય તો તેઓ આજે જે રોગથી પીડાય છે તેમાંના ઘણાખરા તો કશા વધારે પ્રયત્ન કે ખરચ વિના દૂર થઇ જવાના. તેથી સંઘ દવાખાનાં ખોલવાનો વિચાર રાખતો નથી. ગામડાંમાં જ કઇ કઇ દવાઓ મળી શકે તેને વિષે હવે તપાસ ચાલી રહી છે. સતીશબાબુની સસ્તી દવાઓ એ દિશામાં એક પ્રયત્ન છે. એ દવાઓ અતિશય સાદી છે, છતાં સતીશબાબુ એ દવાઓની અસર ઘટાડવા વિના એની સંખ્યામાં ઘણો ઘટાડો કરવાના હેતુથી પ્રયોગો ચલાવી રહ્યા છે. તેઓ બજારની દવાઓનો અભ્યાસ કરે છે, તેને તપાસે છે, અને તેને એ જ જાતની અંગ્રેજી દવાઓ સાથે સરખાવે છે. એબધાની પાછળ સાદા ગામડિયાઓને અજાણી ગોળીઓ ને ઉકાળાના ભયમાંથી છોડવવાનો ઉદ્દેશ રહેલો છે.૩૦

જ્યાં તાવ, કબજિયાત કે એવા સામાન્ય રોગોના દર્દી ગ્રામસેવકોની પાસે આવે ત્યાં તેમણે બની શકે તો દવા આપવી જ પડશે. જ્યાં રોગના નિદાન વિષે ખાતરી હોય ત્યાં ગામડાના બજારની દવા સહુથી સસ્તી ને સારી છે, ને વિષે કશી શંકા નથી. જો દવાઓ પાસે રાખવી જ પડે તો એરંડિયું તો ગામડામાં મળી શકે. સોનામુખીનાં પાંદડાં પણ ચાલી શકે. ક્વિનીનનો ઉપયોગ હું ઓછો કરું. દરેક તાવ પર ક્વિનીનના ઉપચારની જરૂર હોતી નથી. દરેક તાવ ક્વિનીનથી જતો પણ નથી. ઘણાખરા તાવ આસપાસ કે અર્ધા અપવાસથી મટી જશે. અનાજ

‘હોમ ઍન્ડ વિલેજ ડૉક્ટર’ લેખક : સતીશચંદ્ર દાસગુપ્ત, ખાદી પ્રતિષ્ઠાન, ૧૫ કૉલેજ સ્કવેર, કલકત્તા. પૃષ્ઠ ૨૪૯ + ૧૨૮૭; કિંમત ૧૦.૦૦ અને દૂધ છોડવાં; અને ફળના રસ કે દ્રાક્ષનું ઊકળતું પાણી, અથવા તાજા લીંબુના રસ કે આમલીની સાથે ગોળનું ઊકળતું પાણી લેવું એ અર્ધો અપવાસ છે. ઊકળતું પાણી એ બહુ જ જલદ ઓસડ છે. એનાથી ઘણું કરીને દસ્ત ઊતરશે. એનાથી પરસેવા થશે ને તેથી તાવ ઓછો થશે. એ સહુથી સુરક્ષિત અને સોંઘામાં સોંઘી ચેપ અટકાવનારી વસ્તુ છે. ઊકળતું પાણી પીવાની જરૂર પડે ત્યાં એને નવશેકું થાય ત્યાં સુધી ઠરવા દેવું જોઇએ. ઉકાળતું એનો અર્થ એ નથી કે ફક્ત ગરમ કરવું. પાણી ઊકળવા માંડે એટલે તેના પર પરપોટા આવવા માંડે છે ને વરાળ નીકળવા લાગે છે.

જ્યાં સેવકોને શું કરવું એની ખાતરી ન હોય ત્યાં તેમણે ગામના વૈદને તેના ઉપચાર છૂટથી અજમાવવા દેવા જોઇએ. જ્યાં વૈદ ન હોય કે વિશ્વાસપાત્ર ન હોય અને સેવકો નજીકના કોઇ પરગજુ ડૉક્ટરને ઓળખતા હોય ત્યાં તેઓ તેની મદદ માગે.

પણ તેઓ જોશે કે રોગને મટાડવાનો સૌથી અસરકારક ઇલાજ સફાઇ કરવામાં રહેલો છે. તેઓ યાદ રાખે કે કુદરત એ સારામાં સારો વૈદ છે. તેઓ ખાતરી રાખે કે માણસે જે બગાડ્યું હોય તેને કુદરત સમારી રહી છે. માણસ જ્યારે એના કામમાં સતત વિઘ્ન નાખ્યા કરે ત્યારે તે નિરુપાય થઇ જતી લાગે છે. પછી તે મૃત્યુને મોકલે છે-કેમ કે જે વસ્તુ સમારી શકાય એવી રહી જ ન હોય તેનો નાશ કરવા માટે મૃત્યુ એ કુદરતનો છેવટેનો ને શીધ્રવેગી દૂત છે-અને મનુષ્યને નવા દેહરૂપી વસ્ત્ર આપે છે. તેથી દરેક માણસને ખબર હોય કે ન હોય, પણ સફાઇનું કામ સેવકો એ તેના સારામાં સારા વૈદ ને સારામાં સારા મદદગાર છે.૩૧

ગામડાંઓમાં કામ અથવા સમાજસેવા કરતી જુદી જુદી સંસ્થાઓ તરફથી જે હેવાલો મારી પાસે આવે છે તેમાંના ઘણામાં દવાદારૂની સહાયતા આપવાના કામને ખૂબ મહત્ત્વ આપેલું જણાય છે. આ સહાય દરદીઓને દવાદારૂ મફત પૂરાં પાડવાના રૂપમાં અપાય છે. અને જે કોઇ વ્યક્તિ દવાદારૂ મફત આપવાનું જાહેર કરે છે તેની પાસે આજુબાજુના લોકોનાં ટોળેટોળાં પહોંચી જાય છે. આનો અર્થ એ થાય છે કે આવી રીતે દવાદારૂ વહેંચનાર વ્યક્તિને કંઇ તકલીફ જેવું હોતું નથી. રોગો અને એનાં ખાસ લક્ષણો વિષેનું જ્ઞાન મેળવવાની અને જરૂર રહેતી નથી દવા તો દવાના દયાળું વેપારીઓ પાસેથી એને અવારનવાર વિનામુલ્યે મળતી હોય છે. ઝાઝો વિચાર કર્યા વગર પૈસા આપનાર દાતાઓ પાસેથી એને હંમેશાં ફંડફાળો મળી જાય છે અને એવા દાતાઓને, પોતે જે દાન આપે છે તેથી દીનદુખિયાંને મદદ થાય છે, એવા ખ્યાલથી આત્મસંતોષ થાય છે.

આ પ્રકારની સમાજસેવા મને આળસુમાં આળસુ અને ઘણી વાર નુકસાન પહોંચાડનારી જણાઇ છે. દરદી પાસે દવાનો ઘૂંટડો ગટગટાવી જવા સિવાય કશું કરવાની અપેક્ષા રાખવામાં ન આવે ત્યારે તે નુકસાનકર્તા નીવડે છે. દવા લેવાથી એનામાં કંઇ સમજ કે ડહાપણ આવતું નથી. ઊલટું કેટલીક વાર તો તે પહેલાં કરતાં કંઇક વધારે બગડે છે. અનિયમિતતાને કારણે કે પોતે કરેલી ભૂલોને કારણે આવેલી માંદગીની દવા નામની કિંમતે અથવા મફત મળી શકે છે, એ જ્ઞાન એને એવી ભૂલો ફરીથી કરવા લલચાવશે. આવી દવાદારૂની મદદ પોતે મફત લે છે, એ હકીકત દરદીનું સ્વમાન હણશે. સ્વામાની માણસ ફકત મળતી કોઇ પણ ચીજ લેવાની ના પાડે.

દવાદારૂની મદદનો એક બીજો પણ પ્રકાર છે અને તે આપણે માટે આશીર્વાદરૂપ છે. જે લોકો રોગો, એનાં લક્ષણો અને પેદા થવાનાં કારણો જાણે છે તે જ આવી મદદ કરી શકે છે. આ લોકો બીમારોને એમની અમુક બીમારી કે ફરિયાદ શા કારણથી છે અને તે કેવી રીતે ટાળી શકાય તે પણ સમજાવશે. આવા સેવકો રાતદિવસની પરવા નહીં કરે અને ગમે તે સમયે દરદીની મદદ કરવા દોડી જશે. આવી સમજ અને વિવેકભરી સહાય લોકોને સ્વચ્છતા કેમ રાખવી તેમ જ તંદુરસ્ત કેમ રહેવું તે શીખવે છે. આ સહાય સ્વાસ્થ્ય વિજ્ઞાનનું એક પ્રકારનું શિક્ષણ બની રહે છે. પરંતુ આવા પ્રકારની સેવા ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગના હેવાલોમાં તો દવાદારૂની સહાયનો ઉલ્લેખ જાહેરાત તરીકે હોય છે કે જેથી લોકો તે વાંચી એમને બીજી પ્રવૃત્તિઓ માટે દાન આપવા પ્રેરાય. એ પ્રવૃત્તિઓમાં પણ કદાચ દવાદારૂની સહાય આપવાની પ્રવૃત્તિની જેમ મહેનત કે જ્ઞાનની જરૂર નહીં હોય. સમાજસેવાના કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓને, પછી ગમે તો તેઓ ગામડાંઓમાં કામ કરતા હોય કે શહેરોમાં, હું આગ્રહપૂર્વક વીનવીશ કે દવાદારૂની સહાયને તેઓ એમનાં સેવાનાં કામોમાં ઓછામાં ઓછું મહત્ત્વનું કામ લેખે. બહેતર છે કે આવા પ્રકારની રાહતનો તમામ ઉલ્લેખ હેવાલોમાંથી ટાળવામાં આવે. કાર્યકર્તાઓ એમના વિસ્તારોમાં રોગો થતા અટકાવવાના રાખે તો સારું. તેમની પાસે દવાદારૂનો જથ્થો ઓછામાં ઓછો હોવો જોઇએ. જે દવાઓ ગામડાંઓમાં મળતી હોય તેમને વિષે અને તેમના ગુણો વિષે અને તેમના ગુણો વિષે તેમણે પૂરેપૂરી માહિતી મેળવી લેવી જોઇએ અને શક્ય હોય ત્યાં સુધીતે જ વાપરવી જોઇએ. એમ કરવાથી તેમને (વર્ધા નજીક આવેલા) સિંદી ગામમાં અમને થાય છે એવો અનુભવ થશે કે, ગરમ પાણી, સૂર્યનો તડકો, સ્વચ્છ મીઠું, સોડા તથા ક્યારેક એરંડિયાનું તેલ કે કિવનીનથી મોટા ભાગનાં દરદોમમાં કામ ચાલી રહે છે. ગંભીર રોગવાળા બધા દરદીઓને સિવિલ હૉસ્પિટલમાં મોકલવાનો અમે નિયમ કર્યો છે. મીરાંબહેન પાસે દરદીઓની ભીડ જામે છે. તેઓ તેમની પાસેથી આરોગ્ય જળવાઇ રહે અને રોગ થતા અટકે તેના પાઠ શીખે છે. ફકત પાઉડરનાં પડીકાં અને દવાના ડોઝ આપવાને બદલે આ પદ્ધતિ ગ્રહણ કરવાથી તે સામે તેમને અણગમો થતો જાણ્યો નથી.૩૨

૨૫

ખોરાક

હવાપાણી વિના મનુષ્ય જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નિર્વાહ તો ખોરાકથી જ થઇ શકે. અન્ન એનો પ્રાણ છે.

ખોરાક ત્રણ જાતનો કહેવાય : માંસાહાર, શાકાહાર, ને મિશ્રાહાર અસંખ્ય માણસા મિશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દૂધને કોઇ પણ રીતે આપણે શાકાહરમાં નથી ગણી શકતા. તેમ લૌકિક ભાષામાં એ કદી માંસાહારમાં નથી ગણાતું, સ્વરૂપે તો એ માંસનું જ એક રૂપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દૂધમાં છે. દાકતરી ભાષામાં એની ગણતરી પ્રાણિજ ખોરાક-ઍંનિમલ ફ્રૂડ-માં કરવામાં આવા છે. ઇંડાં સામાન્ય રીતેમાંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઇંડાં એવી રીતે પેદા કરવામાં આવે છે કે મરઘીને મરઘો બતાવવામાં નથી આવતો, છતાં તે ઇંડાં મૂકે છે. આ ઇંડાં કદી પાકતાં નથી. તેમાં મરઘું નહીં થઇ શકે. એટલે જેને દૂધ પીવાામાં હરકત નથી તેને આ બીજા પ્રકારનાં ઇંડાં લેવામાં કશી હરકત ન હોવી જોઇએ.

દાક્તરી મત મુખ્યત્વે મિશ્રાહાર તરફ ઢળે છે. જોકે પશ્ચિમમાં દાકતરોનો એક મોટો સમુદાય નીકળ્યો છે જેનો દૃઢ અભિપ્રાય છે કે મનુષ્યના શરીરની રચના જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહારી સિદ્ધ કરે છે. શાકમાં ફળોનો સમાવેશ કર્યો છે. અને ફળોમાં સૂકાં અને લીલાં બંને આવી જાય. સૂકાંમાં બદામ, પિસ્તાં, અખરોટ, ચિલગોજા વગેરેનો સમાવેશ છે.

મારો પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબૂલ કરવું પડ્યું છે કે, દૂધ અને દૂધમાંથી નીપજતા પદાર્થો-માખણ, દહીં વગેરે વિના મનુષ્યશરીરનો નિભાવ સંપૂર્ણ રીતે નથી થઇ શકતો. મારા વિચારોમાં આ મહત્ત્વનો ફેરફાર થયો છે. મેં દૂધઘી વિના છ વર્ષ ગાળ્યાં છે. તે વખતે મારી શક્તિમાં કશી ન્યૂનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનને લીધે હું ૧૯૧૭ની સાલમાં સખત મરડાનો ભોગ બન્યો. શરીર હાડપિંજર થઇ ગયું. હઠપૂર્વક દવા ન લીધી અને એટલી જ હઠપૂર્વક દૂધ કે છાશ ન લીધાં. શરીર કેમેય ન બાંધી શકાય. દૂધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, “પણ તે તો ગાયભેંસના દૂધને વિષે હોય.” “બકરીનું દૂધ કેમ ન લેવાય ?” ધર્મપત્ની ટાપસી પૂરી ને હું પીગળ્યો. ખરું જોતાં જેણે ગાયભેંસના દૂધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દૂધની છૂટ હોવી ન જોઇએ. કેમ કે એ દૂધમાં પદાર્થો એક જ જાતના હોય છે. ફરક કેવળ માત્રાનો જ છે. એટલે મારા વ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય. બકરીનું દૂધ તુરત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તિ આવી ને ખાટલેથી ઊઠ્યો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દૂધનો પક્ષપાતી થયો છું. પણ મારો દૃઢ વિશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતિઓમાં કોઇક તો એવી છે કે જે દૂધ અથવા માંસની સંપૂર્ણ ગરજ સારે અને તેના દોષથી મુકત હોય. પણ આ શોધ તો થાય ત્યારે ખરી.

મારી દૃષ્ટિએ દૂધ અને માંસમાં દોષ તો રહ્યા જ છે. માંસને સારુ આપણે પશુંપખીઓ નાશ કરીએ છીએ. અને માના દૂધ સિવાય બીજા દૂધનો અધિકાર આપણને ન હોય. આ નૈતિક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દૃષ્ટિએ રહ્યા છે. બંનેમાં તેના માલિકના દોષો ઊતરે જ છે. પાળેલાં પશુ સામાન્યપણે તંદુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુષ્કળ રોગો થાય છે. ઘણી પરીક્ષાઓ થતાં છતાં, ઘણા રોગો પરીક્ષકની નજર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવિત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. મિત્રોની મદદ સહેજે મળી રહે છે. પણ મારાથી ખાતરીપૂર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઊલટું એમ જોયું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સિદ્ધ થઇ છે. એ શોધ થતા પહેલાં તો રોગી ગાયના દૂધનો ઉપયોગ થયો હતો.

આસપાસના ખેડૂતો પાસેથી પણ દૂધ સેવાગ્રામ આશ્રમ લે છે. તેઓનાં ઢોરની પરીક્ષા કોણ કરે ? દૂધ નિર્દોષ છે કે નહીં એ પરીક્ષા કઠિન વસ્તુ છે. એટલે દૂધને ઉકાળીને જેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચલાવવું રહ્યું. બીજે બધે આશ્રમના કરતાં ઓછી જ પરીક્ષા હોવાનો સંભવ છે. જે દૂધ દેતાં પશુઓને વિષે લાગુ પડે છે તે માંસને સારુ કતલ થતા પશુઓને વિષે વધારે લાગુ પડે છે. પણ ઘણે ભાગે તો ભગવાન ભરોસે જ આપણું કામ ચાલે છે. મનુષ્ય પોતાના આરોગ્યની ચિંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સુરક્ષિત માને છે. તેની મોટી ચિંતા ધનપ્રતિષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચિંતા બીજી ચિંતાઓને ગળી જાય છે. એટલે જ્યાં લગી કોઇ પારમાર્થિક વૈદ્ય-દાક્તર-હકીમ વગેરેનો કોટ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષિત માને છે. તેની મોટી ચિંતા ધનપ્રતિષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચિંતા બીજી ચિંતાઓને ગળી જાય છે. એટલે જ્યાં લગી કોઇ પારમાર્થિક વૈદ્ય-દાક્તર-હકીમ ખંતપૂર્વક સંપૂર્ણ ગુણવાળી વનસ્પતિ શોધી નથી શક્યા, ત્યાં લગી મનુષ્ય માંસાહાર, દૂધહાર કર્યે જશે.

હવે યુક્તાહાર ઉપર વિચાર કરીએ. મનુષ્યશરીર સ્નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર,ક્ષારો આપનાર અને મળને કાઢનાર દ્ધવ્યો માગે છે. સ્નાયુ બાંધનાર દ્રવ્યો દૂધ, માંસ, કઠોળ તથા સૂકા મેવામાંથી માગે છે. દૂધ, માંસનાં દ્રવ્યો કઠોળાદિ કરતાં વધારે સહેલાઇથી પચે છે ને સર્વાંશે વધારે લાભદાયી છે. દૂધ અને માંસમાં દૂધ ચડી જાય છે. માંસ પચી ન શકે ત્યારે પણ દૂધ પચી શકે છે એમ દાક્તરો કહે છે, ને માંસાહાર નથી કરતા તેને તો દૂધની બહુ મોટી ઓથ મળે છે. પચવામાં રાંધ્યા વગરનાં ઇંડાં સહુથી વધારે સારાં ગણાય છે. પણ દૂધ કે ઇંડાં બધાંને સાંપડતાં નથી. એ બધેય મળતાં પણ નથી. દૂધને વિષે એક બહુ અગત્યની વસ્તુ અહીં જ કહી જાઉં. જેમાંથી માખણ કાઢી લેવામાં આવે છે એ દૂધ નકામું નથી. તે અત્યંત કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દૂધ કરતાં ચડી જાય છે. દુધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણિજ દ્રવ્ય આપવાનો ચે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્રવ્ય કાયમ રહે છે. છેક બંધુ માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્યું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

પૂર્ણ દૂધ કે અપૂર્ણ દૂધ ઉપરાંત બીજા પદાર્થોની જરૂર રહે છે. બીજો દરજ્જો ઘઉં, બાજરો, જવાર, ચોખા વગેરે અનાજોને આપી શકાય. હિંદુસ્તાનમાં પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ એકી વખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણેય વસ્તુ સાથે જોડી થોડી લેવાય છે. શરીરના પોષણને સારુ આ મિશ્રણ જરૂરી નથી, એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી ને હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકીવખતે લેવું ઠીક ગણાશે. આ અનાજોમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં અનાજોમાં ઘઉં રાજા છે. દુનિયાની ઉપર નજર નાખીએ તો ઘઉં વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દૃષ્ટિએ ઘઉં મળે તો ચાવલ અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો જવાર, ઇત્યાદિ ન ભાવે કે ન રુચે તો ચાવલ લેવા ઘટે છે.

અનાજમાત્રને બરોબર સાફ કરીને ઘરની ઘંટીમાં દળી, ચાળ્યા વગર વાપરવું જોઇએ. તેની ભૂસીમાં સત્ત્વ છે અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો છે. વળી એમાં એવો પદાર્થ હોય છે કે જે પચ્યા વગર નીકળી જાય. તે સાથે મળીને કાઠે છે. ચાવલનો દાણો નાજુક હોવાથી કુદરતે તેની ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના ઉપયોગનું હોતું નથી. તેથી ચાવલને ખાંડવામાં આવે છે. ઉપલું પડ કાઢવા પૂરતા જ ચાવલને ખાંડવા જોઇએ. યંત્રમાં ખાંડેલા ચાવલને તો, તેની ભૂસી છેક નીકળી જાય ત્યાં લગી ખાંડવામાં આવે છે.આનું કારણ એ છે કે, જો ભૂસી રાખવામાં આવે છે તો ચાવલમાં તુરત ઇયળ કે ધનેડાં પડે છે. કારણ કે ચાવલની ભૂસીમાં બહુ મીઠાશ રહેલી છે. ઘઉં કે ચાવલની ભૂસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જાય છે. ઘઉં ચાવલની ભૂસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છૂટી જાય છે. ઘઉં ચાવલની ભૂસી એકલી રાંધીને પણ ખાઇ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો ખાય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પૂરતો સંતોષ આપે.

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોબર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થૂંક (અમી)ની સાથે મળે તેમ સારું. એ થૂંક (અમી) સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. ચાવ્યા વિના ખોરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થિતિમાં ખોરાક ખાવો લાભદાયી છે.

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વિનાના ખોરાકને સહુ કોઇ અપૂર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઇએ જ. જેને મજૂરી કરવી પડે છે, અને જેને પૂરતું કે મુદ્દલ દૂધ મળતું નથી, તેને દાળ વિના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરિક કામ ઓછું કરવું પડે છે, જેવા કે મુત્સદ્દી, વેપારી, વકીલ, દાક્તર કે શિક્ષક, અને જેને દૂધ મળી રહે છે, એને દાળની જરૂર નથી, એમ કહેતાં મને જરાય પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસૂર હળવાં. દેખીતું છે કે, માંસાહારીને દાળની મુદ્દલ જરૂર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડ્યા વિના રાતભર પલાળીને ફણગા ફૂટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો ફાયદો કરે છે.

ત્રીજું પદ શાક અને ફળને આપવું ઘટે. શાક અને ફળ હિંદુસ્તાનમાં સસ્તાં હોવાં જોઇએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ઘણી જગ્યાએ તો ફળ પણ નહીં. આ ખોરાકની અછત એ હિંદુસ્તાનની સભ્યતા ઉપર એક મોટો ડાઘ છે. દેહાતીઓ ધારે તો લીલોતરી પુષ્કળ ઉગાડી શકે છે. ફળઝાડોને વિષે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વિષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાંની ભાજીઓ (પત્તી-ભાજી) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં હોવી જોઇએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં પટેટાં, શક્કરિયાં, કંદ, સૂરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઇએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઇએ. કાકડી, લૂણીની ભાજી, સરસવ, સૂવાની ભાજી, ટમાટાં રાંધવાની કશી જરૂર નથી. તેને સાફ કરી, બરોબર ધોઇને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઇએ.

ફળોમાં મોસમનાં ફળ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જામફળ, પપૈયાં, અંગૂર, ખાટાં મીઠાં લીંબુ, સંતરાં, મોસંબી વગેરે ફળોનો ઠીક ઉપયોગ થવો જોઇએ. ફળ સવારમાં ખાવાં ઉત્તમ છે. દૂધ અને ફળ સવારે ખાવાથી પૂર્ણ સંતોષ મળી રહે છે. જેઓ વહેલા જમે છે તેઓ સવારના એકલાં ફળ ખાય એ ઇષ્ટ છે.

કેળાં સરસ ફળ છે. પણ એ સ્ટાર્ચમય હોવાથી રોટલીના જગ્યા લે છે. કેળાં ને દૂધ તથા ભાજી સંપૂર્ણ ખોરાક છે.

મનુષ્યના ખોરાકમાં થોડેઘણે અંશે ચીકણા પદાર્થની જરૂર છે. તે ઘી- તેલની મળી રહે છે. ઘી મળી રહે તો તેલની કશી આવશ્યકતા નથી. તેલા પચવામાં ભારે હોય છે; શુદ્ધ ઘીના જેટલાં ગુણકારી નથી. સામાન્ય માણસને ત્રણ તોલા ઘી મળે તો પૂરતું મનાવું જોઇએ. દૂધમાં ઘી આવે જ છે. એટલે જેને ઘી ન પરવડે તે એટલું તેલ લે તો ચરબી મળી રહે છે. તેલોમાં તલનું, કોપરાનું, મગફળીનું સારું ગણાય. એ તાજાં હોવાં જોઇએ. તેથી દેશી ઘાણીનાં મળે તો સારાં. ઘી તેલ બજારમાં મળે છે તે લગભગ નકામાં જેવાં હોય છે, એ ખેદની અને શરમની વાત છે. પણ જ્યાં લગી કાયદા વડે કે લોકકેળવણી વડે વેપારમાં પ્રામાણિકપણું દાખલ ન થાય, ત્યાં લગી લોકોએ કાળજી રાખીને ચોખ્ખી વસ્તુઓ મેળવવી રહી. ચોખ્ખીને બદલે જે તે મળે તેથી કદી સંતોષ નહીં માનવો. ખોરું ઘી કે ખોરું તેલ ખાવા કરતાં ઘી તેલ વિના રહેવું વધારે પસંદ કરવા જેવું છે.

જેમ ચીકટની ખોરાકમાં જરૂર છે તેમ જ ગોળખાંડની. જોકે મીઠાં ફળોમાંથી પુષ્કળ મીઠાશ મળી રહે છે છતાં બેથી ત્રણ તોલા ગોળખાંડ લેવામાં હાનિ નથી. મીઠાં ફળો ન મળે તો ગોળખાંડની જરૂર હોય. પણ આજકાલ મીઠાઇ ઉપર જે ભાર મૂકવામાં આવે છે તે બરોબર નથી, શહેરના માણસો બહુ વધારે મીઠાઇ ખાય છે. દૂધપાક, બાસુંદી, શિખંડ, પેંડા, બરફી, જલેબી, વગેરે મીઠાઇઓ ખવાય છે. તે બધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાન કરે છે. જે દેશમાં કરોડો માણસોને પૂરું અન્ન પણ નથી મળતું, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતિશયોક્તિ નથી લાગતી.

જેમ મીઠાઇનું તેમ જ ઘી-તેલું. ઘી-તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની કશી આવશ્યકતા નથી. પૂરી, લાડુ વગેરે બનાવવામાં જે ઘીનો ખર્ચ થાય છે એ કેવળ વગરવિચાર્યું ખર્ચ છે. જેને ટેવ નથી તેઓ આ વસ્તુ ખાઇ જ શકતા નથી. અંગ્રેજો આપણા મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઇઓ અને ઘીમાં રાંધેલી વસ્તુઓ ખાઇ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે, એ મેં ઘણી વખત જોયું છે. સ્વાદો કેળવેલી વસ્તુ છે. જે સ્વાદ ભૂખ પેદા કરે છે તે સ્વાદ છપ્પન ભોગમાં નથી. ભૂખ્યો માણસ સૂકો રોટલો અત્યંત સ્વાદથી ખાશે. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું ગણાતું પકવાન નહીં ખાઇ શકે.

કેટલું અને કેટલી વખત ખાવું એ વિચારીએ.ખોરાકમાત્ર ઔષધરૂપે લેવો જોઇએ; સ્વાદને ખાતર કદી નહીં. સ્વાદમાત્ર રસમાં રહ્યો છે, અને રસ ભૂખમાં છે. હોજરી શું માગે છે એની ખબર બહુ થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઇ છે.

જન્મદાતા માતાપિતા કંઇ ત્યાગી ને સંયમી નથી હોતાં. તેમની ટેવો થોડેઘણે અંશે બચ્ચાંમાં ઊતરે છે. ગર્ભાધાન પછી માતા જે ખાય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાલ્યાવસ્થામાં માતા અનેક સ્વાદો કરાવે છે. પોતે ખાતી હોય તે બાળકોને ખવડાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય છે. તેને વટી જનાર તો બહુ વિચારી થોડા જ હોઇ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાપર્ણ થયું છે ત્યારે શરીરસુખાકારીના નિયમો જાણવાની તેને ઇચ્છા થાય છે, ને તે નિયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

ઉપરની દૃષ્ટીએ બુદ્ધિજીવી મનુષ્યનો રોજનો ખોરાક નીચે પ્રમાણે યોગ્ય ગણાય :

૧. બે રતલ ગાયનું દૂધ.

૨. છ ઔંસ એટલે પંદર તોલા અનાજ (ચોખા, ઘઉં, બાજરી ઇ. મળીને).

૩. શાકમાં પાંદડાં (પત્તી-ભાજી) ત્રણ ઔંસ અને પાંચ ઔંસ બીજાં શાક.

૪. એક ઔંસ કાચું શાક.

૫. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.

૬. ત્રણ તોલા ગોળ કે સાકર.

૭. તાજાં ફળ જે મળે તે રુચિ અને શક્તિ પ્રમાણે.

રોજ બે ખાટાં લીંબૂ હોય તો સારું.

આ બધાં વજન કાચાં એટલે વગર રાંધેલા પદાર્થનાં છે. નિમકનું પ્રમાણ નથી આપ્યું. રુચિ પ્રમાણે ઉપરથી લેવું જોઇએ. ખાટા લીંબુનો રસ શાકમાં ભેળવાય અથવા પાણી સાથે પિવાય.

આપણે દિવસમાં કેટલી વાર ખાવું જોઇએ ? ઘણા તો માત્ર બેેે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વાર ખવાય છે. સવારે કામે ચડતા પહેલાં, બપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત ખાવાની કશી જરૂર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત ખાય છે. આ નુકસાનકારક છે. હોજરી આરામ માગે છે.૧

૨૬

ગ્રામસંરક્ષણ

શાંતિસેના

કેટલાક વખત પહેલાં મેં એક એવી શાંતિસેના સ્થાપવાની સુચના કરી હતી કે જેના સૈનિકો રમખાણો-ખાસ કરીને કોમી રમખાણો-ને શાંત કરવામાં પોતાના જાનને જોખમમાં નાખે. એમાં કલ્પના એ હતી કે આ સેનાએ પોલીસનું અને લશ્કરનું પણ સ્થાન લેવું જોઇએ. આ બહુ મોટી ફાળ ભરવા જેવી વાત લાગે છે. એ કલ્પનાની સિદ્ધિ કદાચ અશક્ય નીવડે. છતાં જો મહાસભાને તેની અહિંસક લડતમાં ફતેહ મેળવવી હોય તો તેણે એવી સ્થિતિને શાંતિમય ઉપાયોથી પહોંચી વળવાની શક્તિ કેળવવી જોઇએ.

એટલે આપણે જોઇએ કે મેં કલ્પેલી શાંતિસેનાના સૈનિકમાં કેવા કેવા ગુણો હોવા જોઇએ.

(૧) એ પુરુષ કે સ્ત્રી સૈનિકમાં અહિંસાને વિષે જીવતીજાગતી શ્રદ્ધા હોવી જોઇએ. ઇશ્વરને વિષે અવિચળ શ્રદ્ધા ન હોય તો અહિંસાને વિષે એવી શ્રદ્ધા હોવી અશક્ય છે. અહિંસક માણસ ઇશ્વરની શક્તિ અને કૃપા વિના કશું કરી શકતો નથી. તેના સિવાય તેનામાં ક્રોધ વિના, ભય વિના અને સામો ઘા કર્યા વિના મરવાની હિંમત નહીં આવે. ઇશ્વર ભૂતમાત્રના હ્યદયમાં વસે છે એને ઇશ્વરના સાન્નિધ્યમાં ભયને માટે અવકાશ જ નથી, એવી આસ્થામાંથી ઉપર કહી એવી હિંમત ઉદ્‌ભવે છે. ઇશ્વરના સર્વવ્યાપીપણાના જ્ઞાનમાંથી, જેમને વિરોધી કે ગુંડા કહી શકાય એવા માણસોના જીવન વિષે પણ આદર ઊપજે છે. રમખાણોમાં વચ્ચે પડવાની જે ધારણા છે એમાં મનુષ્ય પર આસુરી વૃત્તિ સવાર થઇ હોય ત્યારે પ્રકોપને શાંત કરવાની એક ક્રિયા રહેલી છે.

(૨) આ શાંતિદૂતના મનમાં વિશ્વના સર્વ મુખ્ય ધર્મોને વિષે સમાન આદર હોવો જોઇએ. એટલે, જો તે હિંદુ હોય તો તે ભારતવર્ષમાં પ્રચલિત સર્વ ધર્મોને વિષે આદર રાખશે. તેથી દેશમાં ચાલતા ભિન્ન ભિન્ન ધર્મોના સામાન્ય સિદ્ધાંતોનું જ્ઞાન તે મેળવશે.

(૩) સામાન્યપણે આ શાંતિકાર્ય સ્થાનિક માણસો જ પોતપોતાના લત્તામાં કરી શકે.

(૪) આ કામ એકલાથી અથવા તો સમૂહોમાં મળીને કરી શકાય. એટલે કોઇએ સાથીઓને માટે રાહ જોવાની જરૂર નથી. છતાં માણસ પોતાના લત્તામાંથી સાથીઓ મેળવે ને સ્થાનિક સેના તૈયાર કરે એ સ્વાભાવિક છે.

(૫) આ શાંતિદૂત જાતે સેવાકરીને પોતાના લત્તામાં કે પસંદ કરેલા વિભાગમાંના લોકો જોડે સંસર્ગમાં આવશે; જેથી જ્યારે તે તોફાન વખતે આવીને વચ્ચે ઊભો રહે ત્યારે તોફાની ટોળી આગળ પહેલી વાર આવનાર છેક અજાણ્યા માણસ તરીકે દેખા ન દે, અને એ લોકો એને શંકા કે દ્ધેષભાવની નજરે ન જુએ.

(૬) આ શાંતિસ્થાપકમાં અણિશુદ્ધ ચારિત્ર્ય હોવું જોઇએ અને કડક નિષ્પક્ષપણા માટે લોકોમાં તેની ખ્યાતિ હોવી જોઇએ એ કહેવાની જરૂર ન હોય.

(૭) સામાન્ય રીતે તોફાન થવાનાં હોય ત્યારે તેની કંઇક આગાહી અગાઉથી મળી જાય છે. એમ બને તો શાંતિસેના આગ ભડકી નીકળતા સુધી રાહ નહીં જુએ, પણ અગમચેતી વાપરીને પરિસ્થિતિને પહોંચી વળવાનો પ્રયત્ન કરશે.

(૮) આ હિલચાલ ફેલાય તો કેટલાક આખો વખત કામ કરનારા સેવકો હોય એ ઇષ્ટ છે, પણ એવા સેવકો હોવા જ જોઇએ એવું નથી. કલ્પના એવી છે કે જેટલાં સારાં ને સાચાં સ્ત્રીપુરુષો મળે એટલાં ભેગાં કરવાં. જે સ્ત્રીપુરુષો જીવનનાં અનેક ક્ષેત્રોમાં રોકાયેલાં હોય પણ જેમની પાસે પોતાના લત્તામાં રહેતા લોકો જોડે મિત્રાચારીભર્યા સંબંધો બાંધવા જેટલી ફુરસદ હોય અને બીજી રીતે શાંતિસેનાના સભ્યોમાં હોવી જોઇએ એવી લાયકાત હોય એવાં સ્ત્રીપુરુષોમાંથી જો સ્વયંસેવકો અને સેવિકાઓ લેવામાં આવે તો જ કામ બની શકે.

(૯) આ કાઢવા ધારેલી સેનાના સૈનિકોએ એક નોખી જાતનો પોશાક પહેરવો જોઇએ, જેથી કાળે કરીને લોકો તેમને જરા પણ મુશ્કેલી વિના ઓળખતા થઇ જાય.

આ તો માત્ર સામાન્ય સૂચનાઓ છે. અહીં સૂચવ્યું છે એ ધોરણે દરેક મથક પોતપોતાનું બંધારણ ઘડી શકે છે.૧

પોલીસની મર્યાદા

અહિંસક શાસનમાં મર્યાદિત અંશે પોલીસ બળને સ્થાન હશે. એ માન્યતા મારી અપૂર્ણ અહિંસાનું ચિહ્‌ન છે. પોલીસ વિના ચલાવી શકશું એમ કહેવાની મારી હિંમત નથી, જેમ ફોજ વિના ચલાવી લેશું એમ કહેવાની છે. હું અવશ્ય એવી સ્થિતિ કલ્પું છું કે જ્યારે પોલીસની પણ જરૂર ન પડે. પણ એની ખરી ખબર તો અનુભવે જ પડે.

આ પોલીસ પોતે આજની પોલીસથી કેવળ જુદા જ પ્રકારની હશે. તેમાં અહિંસાને માનનારાની ભરતી થશે. તેઓ લોકોના સેવક હશે, સરદાર નહીં. લોકો તેમને મદદ કરતા હશે. અને રોજ ઓછા થતા જતા ઉપદ્રવોને તેઓ અને પોલીસ મળીને સહેજે પહોંચી વળી શકશે. પોલીસની પાસે કંઇક શસ્ત્ર હશે, પણ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હશે. આ પોલીસ ખરું જોતાં સુધારક તરીકે ગણવા જોઇએ. આવી પોલીસનો ઉપયોગ મુખ્યત્વે ચોરડાકુુને પહોંચી વળવા પૂરતો જ હોય. અહિંસક શાસનમાં મજૂર માલિકોના ઝઘડા કવચિત જ થાય, હડતાળો ભાગ્યે જ થાય. કેમ કે અહિંસક બહુમતીની પ્રતિષ્ઠા સહેજે એટલી હશે કે સમાજનાં આવશ્યક અંગો તેશાસનનેમાન આપનારાં હશે. તેમ જ કોમી ઝઘડાઓ પણ એ શાસનમાં ન હોવા જોઇએ.૨

અહિંસક સેવાદળ

એક વખત મારી સૂચનાથી જ શાંતિદળો સ્થાપવાનો પ્રયત્ન થયો હતો. તેને પરિણામે એટલું જ શીખવાનું મળ્યું કે, શાંતિદળો મોટા પાયા પર ન ચાલી શકે. મોટાં દળો ચલાવવાને સારુ સજા નહીં તો સજાનો ધાક હોવો જોઇએ, ને જરૂર જણાયે સજા પણ થાય. એવા હિંસક દળમાં માણસનું ચારિત્ર જોવાપણું નથી રહેતું. માણસનું શરીર જોવાપણું જ હોય છે. અહિંસક દળને વિષે એથી ઊલટું છે. તેમાં શરીરી ગૌણ સ્થાન છે. શરીરી બધું છે, એટલે ચારિત્ર બધું છે. એવી શરીરી આત્માઓને ઓળખવા કઠણ છે,તેથી મોટાં શાંતિદળ ન બની શકે. એ નાનકડાં હોય, ઠેકઠેકાણે હોય, ગામદીઠ હોય કે મહોલ્લા દીઠ હોય. એટલે કે, જે જેટલાને ઓળખતા હોય તેમની જ ટુકડીઓ બનાવે. તે બધા મળીને એક મુખી નીમે. બધાનો દરજ્જો એકસરખો હોય. જ્યાં એકથી વધારે માણસો એક જ જાતનું કામ કરતા હોય ત્યાં એકે બીજાના હુકમ પ્રમાણે વર્તવું જોઇએ. તેમ ન હોય તો સહયોગથી કામ ન થાય. જ્યાં બે કે વધારે શાંતિદળો હોય ત્યાં સહકારથી કામ કરે તો જ તે નભે, ને શોભે.

ઉપર પ્રમાણે શાંતિદળ ઠેકઠેકાણે હોય, તો તેઓ સુખેથી ને સહેલાઇથી કંકાસ થતા અટકાવી શકે. આવાં દળોને અખાડાઓમાં અપાય છે તેવી બધી તાલિમની જરૂર નથી હોતી. એમાં અપાતી કેટલીક તાલિમ લેવી સારી છે, એમ કહી શકાય.

બધાં શાંતિદળોમાં એક વસ્તુ સર્વમાન્ય હોવી જોઇએ. તેને ઇશ્વરમાં અચળ વિશ્વાસ હોય, તે જ ખરો સાથી છે ને તે જ કર્તા છે એવી શ્રદ્ધા હોય. તે વિનાની શાંતિસેના નિર્જીવ માનું છું. ઇશ્વરને અલ્લારૂપે ઓળખો, અહુરમઝદ કહો, જિહોવા કહો, જીવતો કાયદો કહો, રામ કહો, રહેમાન કહો, તે શક્તિનો ઉપયોગ કરવાનો રહ્યો છે. આવો માણસ કોઇને મારશે નહીં,-પોતે મરીને જીતશે, જીવશે.

આ એક કાનૂન જેનામાં જીવંત રૂપ લેશે તેને સમયાનુસાર બુદ્ધિ આપમેળે સૂઝી રહેશે. છતાં કેટલુંક મારા અનુભવમાંથી નિયમરૂપે આપું :

૧. સેવક પોતાની સાથે કશું હથિયાર ન રાખે.

૨. ટુકડીના સભ્ય તરીકે તરત ઓળખાણ પડે એવું એેંધાણ શરીર પર રાખે.

૩. સેવકની પાસે તાત્કાલિક મદદ કરવા આપવા પૂરતાં પાટા, કાતર, નાનકડું ચાકુ, સોય વગેરે હોય.

૪. ઘાયલને સરળતાથી ઉપાડી જવાની તાલીમ તેણે મેળવી હોય.

૫. આગ લાગી હોય તો તે ઓલવવાની કળા, તેમાં દાઝયા સેવકને પ્રવેશ કરવાની કળા, ઊંચે ચડવાની ને ઊતરી આવવાની કળા સેવકને અવગત હોય.

૬. પોતાના લત્તાનાં માણસોની ઓળખાણ કરી લેવી તે તેમની સેવા બરાબર છે.

૭. સેવકે રામનામનો નિરંતર અભ્યાસ રાખવાનો છે, ને જે કરે તેને કરાવવાનો છે.

આપણે પોપટની જેમ રામનામ પઢીએ છીએ ને ફળની આશા રાખીએ છીએ. આ અસત્ય પોતાના જીવનથી સાબિત કરી બતાવવાની શક્તિ સેવકમાં હોવી જોઇએ.૩

૨૭

ગ્રામસેવક

આદર્શ ગ્રામસેવક

આજ મારે તમને તમારા ભાવિ કાર્ય અને જીવનના આદર્શ વિષે કહેવું છે. જે અર્થમાં આજે ‘કૅરિયર બનાવવા તમે અહીં નથી આવ્યા. આજ તો માણસની કિંમત પૈસાથી થાય છે અને એનું ભણતર બજારમાં વેચાણની ચીજ બન્યું છે. એ ગજ જો તમે મનમાં લઇને અહીં આવ્યાહો, તો તો તમારે માટે નિરાશા જ લખાયેલી છે જાણજો. અહીંથી ભણીને નીકળો ત્યારે તમારે માટે રૂ. ૧૦થી પ્રાંરભ થશે ને તે જ આખર સુધી હશે. મોટી પેઢીના મૅનેજર કે મોટા અમલદારના પગાર જોડે તમે એને ના સરખાવતા.’

આપણે તો ચાલુ ધોરણો જ બદલવાનાં છે. અમે તમને એ ધોરણની કોઇ કૅરિયરનું વચન નથી આપતા. સાચી વાત તો ઊલટી એ છે કે, એ જાતની જો તમારી મહાકાંક્ષા હોય તો અમે તમને એમાંથી ઉગારી લેવા ઇચ્છાએ છીએ. માસિક રૂ. ૬માં તમારો ખાધાખર્ચ પતે એમ આશા રખાઇ છે. એચ આઇ. સી. એસ.નું માસિક ખાધાખર્ચ કદાચ રૂ. ૬૦ આવતું હોય. પણ તેથી તે કોઇ રીતે તમારા કરતાં શરીરશક્તિ, બુદ્ધિ કે નીતિમત્તામાં ચડશે એમ મુદ્દલ માનવાનું નથી. આ બાદશાહી ભોગવતાં છતાં, કદાચ તે આ બધી રીતે ઉલટો ઊતરતો પણ હોય.હું માનું છું કે, તમે તમારી શક્તિ દોઢિયાંથી નથી આંકતા માટે આ વિદ્યાલયમાં આવ્યા છો; નહીં જેવા બદલાથી દેશને પોતાની સેવા અર્પવામાં જ તમને આનંદ છે. એક માણસ શેરબજારમાં હજારો રૂપિયા કમાતો હોય, પણ આપણા આ કામને માટે બિલકુલ બેકામ હોઇ શકે. એ માણસ આપણી સાદીસીધી પરિસ્થિતિ જગાએ આવે તો તે દુઃખી થાય, જેમ આપણે એને ત્યાં જઇએ તો થઇએ. દેશને માટે આપણે આદર્શ મજૂરો જોઇએ છે. તેઓ, શું ખાવાનું મળશે કે ગામડાના લોક શી અમારી સગવડો સાચવશે એ પંચાત નહીં કરે. પોતાની જરૂરિયાતો વિષે તેઓ ઇશ્વર પર શ્રદ્ધા રાખશે ને એને અંગે જે મુશ્કેલીઓ કે દુઃખો સહવાં પડશે, તેમાંય આનંદ માનશે. ૭ લાખ ગામડાંનો જે દેશે વિચાર કરવાનો છે ત્યાં આવી જાતનું તો અનિવાર્ય છે. નિયમસર પગાર વધતો જાય, પ્રોવિડન્ડ ફંડ કે પેન્શનની જોગવાઇ હોય એમ ઇચ્છતા પગારદાર નોકરવર્ગ રાખવાનું આપણને ન પાલવી શકે. આપણે માટે ગ્રામવાસીઓની નિષ્ઠામય સેવા એ જ સંતોષ છે.

તમારામાંથી કેટલાકને પૂછવા મન થશે કે ગામડાંના લોકો માટે પણ આ જ ધોરણ કે શું ? જરૂર નહીં જ. આ તો આપણા સેવકવર્ગ માટે છે, આપણી શેઠ જે ગ્રામજનતા એને માટે નહીં. આટઆટલાં વર્ષોથી આપણે એમની પર બોજારૂપ રહેલા છીએ; હવે આપણે એમની સ્થિતિ કંઇક સુધરે એ સારુ, ઇચ્છાપૂર્વક ગરીબી સ્વીકારવી છે. આજ તેઓ કમાય છે તેઓ વધારો કરી શકે એમ આપણે કરવું છે. એ ગ્રામોદ્યોગ સંઘનો ઉદ્દેશ છે. મેં ઉપર વર્ણવ્યો એવા સેવકોની સંખ્યા સંઘ પાસે વધતી ન જાય તો આ ઉદ્દેશ ન ફળી શકે. તમે બધા સેવા ગ્રામસેવકો થાઓ.૧

આવશ્યક લાયકાત

(ગાંધીજીને નીચેની લાયકાતો સત્યાગ્રહીને સારુ જરૂરી માની છે. પણ એમના મત પ્રમાણે ગ્રામસેવક પણ સાચો સત્યાગ્રહી હોવો જોઇએ. એટલે નીચે જણાવેલી લાયકાતો એને પણ લાગુ પડે.)

૧. ઇશ્વર ઉપર જવલંત શ્રદ્ધા; કારણ એ જ એકમાત્ર અતૂટ આધાર છે.

૨. તેને સત્ય અને અહિંસામાં ધર્મભાવે આસ્થા હોવી જોઇએ. અને તેથી મનુષ્યસ્વભાવના હાડમાં વસતી ભલાઇમાં તે માનતો હોવો જોઇએ. આ ભલાઇને સત્ય તેમ જ પ્રેમને રસ્તે જાતે દુઃખ ખમીને જાગ્રત કરવાની તે હંમેશાં આશા રાખે.

૩. તે શુદ્ધ જીવન ગાળનાર હોય અનેપોતાના કાર્યને અર્થે પોતાનાં જાનમાલ સર્વસ્વનું ખુશીથી બલિદાન આપવા હંમેશા તૈયાર હોય.

૪. તે સતત ખાદીધારી તેમ જ કાંતનાર હોય. હિંદુસ્તાનને સારુ આ બાબત અગત્યની છે.

૫. એ નિર્વ્યસની હોય અને બધી જાતનાં કેફી પીણાં ઇત્યાદિથી મુક્ત રહે. તેથી તેની બુદ્ધિ હંમેશાં નિર્મળ અને તેનું મન નિશ્વળ રહેતું હોય.

૬. વખતોવખત ઘડાતા શિસ્તના નિયમોનું તે રાજીખુશીથી અને ચીવટપૂર્વક પાલન કરે.

લાયકાતોની આ યાદીને કોઇ સંપૂર્ણ ન ગણે. ઉદાહરણરૂપે જ તે અહીં આપી છે.૨

તેની ફરજો

૧. પ્રત્યેક સેવક જાતે કાંતેલા સૂતરની અથવા ચરખાં સંઘની પ્રમાણિત ખાદી હંમેશાં પહેરનારો અને માદક પીણાં ન પીનારો હોવો જોઇએ. જો તે હિંદુ હોય તો તથા પોતાના કુટુંબમાંથી હરકોઇ સ્વરૂપની અસ્પૃશ્યતા તેણે દૂર કરી હોવી જોઇએ, કોમ કોમ વચ્ચેની એકતાના, સર્વ ધર્મ પ્રત્યેના સમભાવના તથા જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના કશાયે ભેદભાવ રહિતની સૌને માટેની સમાન તક અને દરજ્જાના આદર્શમાં માનતો હોવો જોઇએ.

૨.તેના કાર્યક્ષેત્રમાંના પ્રત્યેક ગ્રામવાસીના અંગત સંસર્ગમાં તેણે રહેવું જોઇએ.

૩. ગ્રામવાસીઓમાંથી તે કાર્યકર્તાો નોંધશે અને તેમને તાલીમ આપશે. એ બધાનું તે પત્રક રાખશે.

૪. તે તેના રોજેરોજના કામની નોંધ રાખશે.

૫. પોતાની ખેતી તેમ જ ગૃહઉદ્યોગો દ્ધારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને એ રીતે તે તેમને સંગઠિત કરશે.

૬. ગ્રામવાસીઓને તે સફાઇ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે. અને તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે.

૭. હિંદુસ્તાની તાલીમી સંઘની નીતિ અનુસારની નયી તાલિમને ધોરણે તે જન્મથી મરણ પર્યંતની સઘળા ગ્રામવાસીઓ કેળવણીનો પ્રબંધ કરશે.

૮. જેમનાં નામ સરકારી મતદાર પત્રકોમાં નોંધવાં રહી ગયાં હોય તેમનાં નામો તે તેમાં નોંધાવશે.

૯. જેમણે મતાધિકારના હકને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને પ્રોત્સાહન આપશે.૩

ગ્રામસેવા

ગ્રામસેવકનું મધ્યબિંદુ રેંટિયો હશે. ખાદીના મૂળમાં જે કલ્પના છે તે તો એ છે કે ખાદી ખેડૂતોને સારુ અન્નપૂર્ણાનું કામ કરનારી છે. ઓછામાં ઓછા ચાર માસ ખેડૂતો નિરુદ્યમી રહે છે. તેમને ખાદી ઉદ્યમ આપે છે. આપણામાંથી ઉદ્યોગ ચાલ્યો ગયો છે. એ ઉદ્યોગ અને સ્વાવલંબન પાછાં આણ્યે જ છૂટકો છે, આળસને ખંખેર્યે જ છૂટકો છે.

ગામડાંમાં જઇ સેવક પોતે નિયમિત રીતે કાંતતો હશે. કાંતનો નહીં હોય ત્યારે વાંસલો ચલાવતો હશે, હથોડો ચલાવતો હશે કે હાથપગની ગમે તે મજૂરી કરતો હશે. ઊંઘના આઠ કલાક સિવાયના બાકીના એના સોળે કલાક કામ, કામ ને કામમાં જ જતા હશે. ભોગો ભોગવવાને, તડાકા મારવાને, પડ્યા રહેવાને એને ફુરસદ નહીં જ હોય. એ લોકોને બતાવતો હશે કે મારે તો યજ્ઞ કરવાનો છે; શરીરનું પોષણ શરીરના કામથી કરવાનું છે. આપણે ત્યાં જે આળસ ભર્યું છે તે જો ન જાય તો ગમે તે સગવડો મળતાં છતાં લોકો ભૂખે જ મરવાના છે. જે બે દાણા ખાય છે તેણે ચાર દાણા ઉત્પન્ન કરવાનો ધર્મ સ્વીકારવો જ જોઇએ. એમ થાય તો બીજા કરોડો માણસ પણ હિંદુસ્તાનમાં પોષાય એમ છે. એમ ન થાય તો ગમે તેટલી વસ્તી ઓછઈ થાય છતાં ભૂખે મરતો વર્ગ રહેશે જ.

માટે ગ્રામસેવક ઉદ્યોગપ્રધાન થઇને બેસે. કપાસની પહેલીથી તે છેલ્લી ક્રિયા સુધીનું બધું શાસ્ત્ર એ ધોળીને પી જાય. એની દરેકદરેક ક્રિયામાં ઓતપ્રોત થાય અને એનો વિચાર કર્યા કરે તો એમાંથી એને જે સુવાસ છૂટકો તેની અત્યારે કલ્પના ન કરી શકાય.

એ રીતે જે સેવક રસ લેતો થઇ ગયો હોય તે ગામડાંમાં શિક્ષક તરીકે તો જશે પણ એ શિખનારોયે હશે. એ નિત્ય નવી શોધો અને સાધન કરતો હશે. મારી કલ્પના એવી નથી કે એ સોળે કલાક ખાદીનું જ કામ કરતો હશે. પણ એણે જેટલો સમય એ કામ માટે નીમ્યો હશે તેટલો એને આપી પછી એ ગામમાં ચાલતા ઉદ્યોગોની શોધ કરશે. એમાં એ રસ લેશે. એ લોકોના જીવનમાં ઓતપ્રોત થશે. લોકો ભલે ખાદી કે રેંટિયામાં ન માનતા હોય છતાં તેઓ એને પોતાનો માણસ ગણશે, અને એમના જીવનને ઉપયોગી વાતો એમને મળે તો સ્વીકાર કરશે. પોતાની શક્તિ બહારની વાતોમાં તે હાથ નહીં નાખે, જેવી કે લોકોના કરજની. એમાં પડવા જતાં એ પોતે એમાં ફસાઇ જવાનો ભય છે.

સફાઇ એ એનું બીજું મહત્ત્વનું કાર્ય રહેશે. એનું રહેવાનું ઘર એ એવું સાફસુથરું રાખશે કે લોકો એ જોયા જ કરે. પણ જેમ એ પોતાનું આંગણું સાફ રાખશે તેમ લોકોનાં આંગણાં પણ સાફ કરશે.

એણે ગામડાંમાં વૈદ બનવાનો ધંધો ન કરવો. એક આશ્રમ જોવા માટે હું ચાહીને ગયો, પણ ત્યાં જે જોયું તેથી તો હું ધૂંધવાયો. વ્યવસ્થાપકને અને કાર્યકર્તાઓને ખૂબ વઢર્યો. મેં કહ્યું કે, “તમે તો લોકોને ઊંઘે પાટે ચઢાવ્યા છે. તમે તો અહીં મોટો મહેલ ચણીને બેઠા છો; ‘ટ્રાવેલર્સ બંગલો’ બનાવ્યો છે. તેમાં દવાખાનું ખોલ્યું છે. કોઇક દવાવાળાઓ પાસેથી મફત દવાઓ મેળવી એક કંપાઉન્ડર રાખી ઘેરઘેર દવા પહોંચાડવાની પ્રવૃત્તિ આદરી બેઠા છો. મને ગર્વથી કહો છો કે રોજ દૂરદૂરથી લોકો દવા લેવા આવે છે, અને દર માસે ૧,૨૦૦ની હાજરી થાય છે. આશ્રમમાં તમે રહ્યા, ત્યાં તમે આવું મકાન અને આવું દવાખાનું જોયાં હતાં ? મારે શું આવો મહેલ ચણવો હોત કે દવાખાનું કાઢવું હોત તો મને પૈસા આપનારા ન મળ્યા હોત ? આશ્રમનાં મકાન પણ મારી ઇચ્છા કરતાં વધારે ખર્ચાળ થયાં, છતાં આ મહેલની તોલે તો ન જ આવે. લોકોને આ રીતે દવા આપવાનું કામ તમારું નથી. તમારું કામ તો આરોગ્ય કેમ જળવાય એ એમને શીખવાનું છે. એ સ્વેચ્છાચારી થાય, ગંદા રહે, ઘરગામ ગંદાં રાખે અને માંદા પડ્યા કરે ત્યારે મફત દવા આપો એ સેવા નથી. પણ એમને સંયમ, સ્વચ્છતા, શીખવવાં, આરોગ્યના નિયમો શીખવવા એ સેવા છે. મારી સલાહ માનોતો આ મકાનમાંથી નીકળી જાઓ. આ સામેના ઝૂંપડામાં જઇને વસો. આ મકાન લોકલ બોર્ડને ભલે આપો, અને તેને દવાખાનું ચલાવવા દો. ગામડાંના આરોગ્ય અને સફાઇનો આ આખો પ્રશ્ન ગ્રામસેવકે ઉકેલ્યે જ છૂટકો છે.”

તે ઉપરાંત એણે હરિજનની સેવા કરવાની રહી. એણે ગામમાં નિવાસ કરતા હરિજનોને નોતરું આપી દેવું. આથી જો એને ગામમાં રહેવાની જગ્યા ન મળે, ત્યાં રહી હરિજનકાર્ય પણ ન કરી શકે તો એણે હરિજનવાસમાં જઇને રહેવું જોઇએ.

હવે શિક્ષણનો પ્રશ્ન. પહેલી છોકરાંની આંખ ચાલશે, કાન ચાલશે, જીભ ચાલશે. એને શિક્ષક ઇતહાસ, ભૂગોળ વગેરે જે આપવાનુંછે તે મોઢે જ આપશે. ત્યાર બાદ એ બારાખડી વાંચશે ને પછી જ્યારે ચિત્રો કાઢવા પર હાથ ઠર્યા હશે ત્યારે બારાખડીનાં ચિત્રો કાઢશે. માખીના ટાંગા નહીં. આ અખતરો તમે કરો તો પૂરેપૂરો કરવો જોઇએ. લોકોની બુદ્ધિને પહોંચવું હોય, અને જાગ્રત કરવી હોય તો મારો રસ્તો સહેલામાં સહેલો છે એમ મને લાગે છે.

સેવક લોકોને આ જ્ઞાન વિલાસી જીવન ગાળીને નહીં આપી શકે. એની પાસે તો ઓજારો હશે, વાંસલો હશે; કેદાળી હશે; ચોપડી થોડી જ હશે. ચોપડી વાંચવામાં એ ઓછામાં ઓછો સમય ગાળતો હશે. લોકો જ્યારે એને મળવા આવે ત્યારે એને પડ્યો પડ્યો પાનાં ઉથલાવતો નહીં જુએ. પણ ઓજારો વાપરતો જોતા હશે. માણસ ખાઇ શકે તેના કરતાં વધારે ઉત્પન્ન કરવાની શક્તિ એને ઇશ્વરે આપેલી છે. ક્ષીણમાં ક્ષીણ માણસ પણ એટલું ઉત્પન્ન કરશે. એ માટે એ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરશે. લોકોને એ કહેશે કે હું સેવા કરવા આવ્યો છું, મને પેટપૂરતું આપજો. કોઇક ઠેકાણે સનાતનીઓ એને ખાવાનું નહીં આપે, તો હરિજનો તો આપશે જ. એણે જો સર્વાર્પણું કર્યું હોય તો હરિજનો પાસેથી લેતાં શરમાવતી જરૂર નથી.

પ્રથમના કાળમાં તો તે સામાજિક ફાળામાંથી ગામડામાં નભશે. આધ્યાત્મિક શક્તિ એક વાર ચાલતી થઇ કે પછી તેને રોકી શકતું નથી. આ વાત હું અનેક વર્ષોના અનુભવસિદ્ધ વિશ્વાસથી કહું છું. એ પ્રત્યક્ષ નજરે જોઇ શકાય એવી વસ્તુ નથી, છતાં નજરે જોવા જેવી મને સ્પષ્ટ લાગે છે, એમ હું કહું છું.

જો તમે મને એમ કહો કે આને માટે અમે કોઇ લાયક નથી, તો હું તમને મારું કહેવું બરાબર સમજાવી નથી શકયો. જો આ વાત તમને નિઃસંશયપણે ઠસી ગઇ હોય તો તમે બધાયે લાયક છો. એટલે કે જે વસ્તુ તમે સમજ્યા છો એનો અમલ કરી નથી શક્યા એ હકીકત જવામાં વિઘ્નરૂપ ન હોવી જોઇએ. કેમ કે ગામડાંમાં બેસીને અમલ કરવાનો છે. અને અમલ કરતાં કરતાં અનુભવ મળી રહેશે.૪

ગ્રામસેવાના મુદ્દા

ગ્રામસેવક સૌથી પહેલાં સફાઇના પ્રશ્નોનો નિકાલ કરશે. ગ્રામસેવકોને હંફાવી રહેલી ને લોકોનાં શરીરની પાયમાલી કરીને રોગનાં ઘર ઘાલનારી અનેક વસ્તુઓમાં સૌથી વધારે ઉપેક્ષા આની થઇ છે. ગ્રામસેવક જો સ્વેચ્છાએ ભંગી બને તો તેગામના મળ ઉઠાવી તેનું ખાતર બનાવવાના ને ગામની શેરીઓ વાળવાના કામથી આરંભ કરશે. શૌચાદિ માટે ક્યાં જવું અને એ ક્રિયાઓ કેવી રીતે કરવી એ તે લોકોને કહેશે, અને સફાઇની ઉપયોગિતા સમજાવી એ વિષે બેદરકારી રાખવાથી થતાં ભારે નુકસાનનો ચિતાર તેમને આપશે. ગ્રામવાસીઓ પોતાનું કહેલું સાંભળે તોયે ગ્રામસેવક પોતાનું કામ કર્યે જશે.૫

ગ્રામોદ્ધારમાં ગ્રામસફાઇ ન આવે તો આપણાં ગામડાં ઉકરડા જેવા જ રહેવાનાં. ગ્રામસફાઇનો સવાલ પ્રજાજીવનનું અવિભાજ્ય અંગ છે. આ પ્રશ્ન જેટલો જરૂરી છે એટલો જ મુશ્કેલ છે. અનાદિકાળથી ચાલતી આવેલી અસ્વચ્છતાની આદત કાઢવામાં મહાપરાક્રમની જરૂર છે. જે સેવક ગ્રામસફાઇનું શાસ્ત્ર નથી જાણતો, પોતે ભંગી નથી બનતો તે ગ્રામસેવાનો લાયક નહીં બની શકે.

નવી કેળવણી વિના હિંદુસ્તાનનાં કરોડો બાળકોની કેળવણી લગભગ અસંભવિત છે એમ સર્વમાન્ય થયું ગણી શકાય. એટલે ગ્રામસેવકને તેનું જ્ઞાન હોવું જોઈએ. તે નવી કેળવણીનો શિક્ષક હોવો જોઇએ.

આ કેળવણીની પાછળ પ્રૌઢશિક્ષણ એની મેળે ચાલવાનું. જ્યાં નવી કેળવણીએ ઘર કર્યું હશે ત્યાંનાં બાળકો જ પોતાનાં માબાપનાં શિક્ષક બનવાનાં છે. ગમે તેમ હો, ગ્રામસેવકોમાં પ્રૌઢશિક્ષણ આપવાની ધગશ હોવી જોઇએ.

સ્ત્રીને અર્ધાંગના માનવામાં આવી છે. જ્યાં લગી કાયદામાં સ્ત્રીપુરુષના સરખા હક નથી ગણાયા, જ્યાં સુધી બાળાનો જન્મ એટલો જ આવકારલાયક નથી ગણાયો જેટલો બાળકનો ગણાય છે. ત્યાં લગી હિંદુસ્તાનને લકવાનો રોગ છે એમ ગણાવું જોઇએ. સ્ત્રીની અવગણના અહિંસાની વિરોધી છે. એટલે ગ્રામસેવક હરેક સ્ત્રીને પોતાની મા, બહેન કે દીકરી ગણે અને તેના પ્રત્યે આદર રાખે. આવો ગ્રામસેવક જ ગ્રામજનોનો વિશ્વાસ હાંસલ કરશે.

રોગી પ્રજા સ્વરાજ મેળવે એ હું અસંભવિત ગણું છું. એટલે આરોગ્યશાસ્ત્રની જે અવગણના આપણે કરીએ છીએ તે દૂર થવી જોઇએ. તેથી ગ્રામસેવકને આરોગ્યશાસ્ત્રનું સામાન્ય જ્ઞાન હોવું જોઇએ.

રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર ન બને. હિંદી હિંદુસ્તાનની ઉર્દૂના ઝઘડામાં ન પડતાં ગ્રામસેવક રાષ્ટ્રભાષાનું જ્ઞાન નહીં હોય તો મેળવશે. તેની બોલી એવી હશે કે જે હિંદુ મુસલમાન બધા સરજી શકે.

આપણે અંગ્રેજીના મોહમાં તણાઇ માતૃભાષાઓનો દ્રોહ કર્યો છે. એ દ્રોહના પ્રાયશ્ચિત તરીકે પણ રાષ્ટ્રસેવક માતૃભાષાનો પ્રેમ લોકોમાં ઉત્પન્ન કરશે. તેનામાં હિંદુસ્તાનની બધી ભાષાઓનો આદર હશે; ને પોતાાની માતૃભાષા ગમે તે હશે પણ જ્યાં તે વસશે ત્યાંની માતૃભાષા પોતે શીખી તે પ્રદેશના લોકોનો તેમની પોતાની ભાષા પ્રત્યેનો ભાવ વધારશે.

આ બધું ફોગટ ગણાય જો એની સાથે જ આર્થિક સમાનતાનો પ્રચાર ન થાય તો. આર્થિક સમાનતાનો એ અર્થ હરગિજ નથી કે બધાની પાસે એકસરખું ધન હશે. પણ એ અર્થ અવશ્ય છે કે સહુની પાસે સુખેથી રહી શકાય એવાં ઘરબાર, વસ્ત્ર ને ખાવાનું હશે. અને જે ખૂની અસમાનતા આજે પ્રવર્તે છે એ કેવળ અહિંસક ઉપાયોથી નાબૂદ થશે હશે.૬

ગ્રામસેવકોને ઉદ્દેશીને

ઉદ્યોગોમાં ખાદીને પ્રધાન સ્થાન રહેશે જ. આપણે સ્વાવલંબી ખાદી સિદ્ધ કરશું તો વ્યાપારી ખાદી ઉપર તો સહેલાઇથી પહોંચી શકશું.

આપણે ગામડાંમાં પ્રવેશ કર્યો છે તો ગામડાંનાં જીવનનું એક પણ અંગ અસ્પૃષ્ટ નથી રાખવા માગતા. એક પણ ક્ષેત્ર કે દુકાન ખોટથી ન ચાલે, અને દરેક ક્ષેત્ર સ્વાવલંબી ખાદી ઉપર પોતાની શક્તિ એકાગ્ર કરે. એ જ રીતે ઉદ્યોગમાં પણ આપણે એવી જ ચીજ પેદા કરીએ અને કરાવી અને કરાવીએ કે જે આપણે વેચી શકીએ. દરેક સેવક પ્રજાનું શુદ્ધ લાભદાયક કાર્ય આઠ કલાક કરીને સ્વાશ્રયી બની શકે છે.

વળી આપણે કોઇ પણ ગામમાં એકથી વધારે માણસ નથી રાખવા માગતા. એ એટલા હેતુથી કે ગામને એકથી વધારે માણસનો બોજો ન સહન કરવો પડે, એટલું જ નહીં પણ માણસ એકલો હોઇ પોતાની શક્તિ અંતિમ હદ સુધી લઇ જઇ શકે. જો એને કોઇ સાથી જોઇએ જ તો ગામડાંમાંથી જ એ સાથી શોધી લે.

યંત્રયુગમાં ફસાવાને બદલે આપણું યંત્ર જે આપણું શરીર છે તે હંમેશાં સ્વચ્છ અને સશક્ત રાખીને તેનો ઉપયોગ કરશું તો ભારતને સુવર્ણભૂમિ કરતાં બહુ મુશ્કેલી નહીં પડે.૭

મંછા ભૂત

ઘણા કર્યકર્તાઓ ગામડાંના જીવનથી એટલા ડરે છે કે એમને બીક લાગે છે કે જો એમને કોઇ સંસ્થા પગાર નહીં આપે તો-ખાસ કરીને તેઓ પરણેલા હોય અને કુટુંબનું પોષણ કરવાનું હોય તો-તેઓ ગામડાંમાં મજૂરી કરીને પોતાની આજીવિકા નહીં મેળવી શકે. હું માનું છું કે આ માન્યતા અવનતિ કરાવનારી છે. હા, જો કોઇ માણસ શહેરી માનસ લઇને ગામડામાં જાય અને ગામડામાં શહેરી રહેણીથી રહેવા માગે તો, તે શહેરી લોકોની જેમ ગામડાના રહીશોને ચૂસે તે સિવાય પૂરતી કમાણી નહીં જ કરી શકે. પણ કોઇ માણસ ગામડામાં જઇને વસે અને ગામડાના લોકોની ઢબે જ રહેવાનો પ્રયત્ન કરે તો એને પરસેવો પાડીને આજીવિકા મેળવતાં કશી મુસીબત ન આવવી જોઇએ. તેના મનમાં એટલો વિશ્વાસ હોવો જોઇએ કે જો ગામડાના લોકો જેઓ આખું વરસ બુદ્ધિ વાપર્યા વિના જૂના જમાનાથી ચાલતી આવેલી રીતે વૈતરું કરવાને તૈયાર છે તેઓ આજીવિકા મેળવી શકે છે, તો તે પોતે પણ ઓછામાં ઓછી સામાન્ય ગ્રામવાસીઓના જેટલી કમાણી તો કરી જ શકશે. આટલું તે એક પણ ગ્રામવાસીઓનો રોટલો છીનવી લીધા વિના કરશે, કેમ કે ગામડામાં મફતનું ખાનાર તરીકે નહીં પણ કંઇક ઉત્પન્ન કરનાર તરીકે જશે.

કાર્યકર્તાનું કુટુંબ જો સામાન્ય કદનુંહોય તો તેની સ્ત્રી અને બીજું એક માણસ આખો વખત કામ કરનાર હોવાં જોઇએ. આવા કાર્યકર્તામાં તત્કાળ ગ્રામવાસીઓના જેટલું શરીરબળ નહીં આવી જાય, પણ તે જો માત્ર મનમાંથી સંકોચ અને ભય કાઢીનાખશે તો શરીરબળના અભાવની ખામીને તે પોતાની બુદ્ધિથી પૂરી કાઢશે. તેનો બધો વખત ગ્રામવાસીઓની સેવામાં રોકાઇ જાય એટલે અંશે તેઓ તેનું કામ વધાતી ન લે તો તે કેવળ તૈયાર માલનો વાપરનાર જ નહીં રહે પણ કંઇક નવી નવી વસ્તુઓ પેદા કરતો હશે. તેનો બધો વખત સેવાકાર્યમાં રોકાઇ જશે ત્યારે તેના પ્રયત્નથી ગ્રામવાસીઓ જે વધારાનું ઉત્પાદન કરશે તેના પર કમિશન મેળવવા જેટલી મહેનત જેટલી મહેનત તેણે કરી જ હશે. પણ ગ્રામઉદ્યોગ સંઘના આશ્રય તળે જે થોડાક મહિનાથી ગ્રામસેવાનું કામ ચાલે છે તેટલામાં મળેલો અનુભવ બતાવે છે કે લોકો એ કામને બહુ જ ધીમે ધીમ વધાવી લેશે. અને ગ્રામસેવકે ગ્રામવાસીઓની આગળ સદ્‌ગુણ અને પરિશ્રમના નમૂનારૂપ બનીને રહેવું પડશે. એ તેઓને માટે સારામાં સારો પદાર્થપાઠ થઇ પડશે. અને જો ગ્રામસેવક દૂરથી પૂજવાનો આશ્રયદાતા બનીને નહીં પણ ગામડાંનોજ માણસ બનીને રહેશે તો એ પદાર્થપાઠની અસર મોડી વહેલી થયા વિના નહીં જ રહે.

તેથી સવાલ એ છે કે ગ્રામસેવક તેણે પસંદ કરેલા ગામડામાં આજીવિકા અપાવે એવું શું કામ કરી શકે ? ગ્રામવાસીઓ મદદ કરે કે નહીં તોપણ તે અને તેનાં કુટુંબીઓ ગામડાની સફાઇ કરવામાં કેટલોક તે આપશે, અને જેટલી દવા વગેરે દવા વગેરે આપવાની તેની શક્તિ હશે તેટલી તે આપશે. રેચની દવા કે ક્વિનીન આપવું, ુગૂચડું કે ઘા ધોવા, અને ઘા પર ચોખ્ખો મલમ લગાડવો, એટલું તો કોઇ પણ માણસથી બની શકે એવું છે. ગામડાંમાં દરરોજ થતાં સામાન્ય દરદોમાં સાદામાં સાદા કેવા ઉપચાર કરવા એનું વર્ણન આપતી કોઇ ચોપડી હું ખોળી રહ્યો છું. ગમે તેમ હો પણ આ બે વસ્તુઓ ગ્રામસેવાના અનિવાર્ય અંગરૂપ હોવી જોઇએ. ગ્રામસેવકને માટે આઠ કલાકના કામ જેવી વસ્તુ જ નથી તેને માટે ગ્રામવાસીને માટે મજૂરી કરવી એ તો પ્રેમને ખાતર કરેલું કામ છે. એટલે આજીવિકાને અર્થે તો આ બે કલાક ઉપરાંત ઓછામાં ઓછા આઠ કલાક આપશે જ. એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચરખા સંઘ અને ગ્રામઉદ્યોગ સંઘે ઘડેલી નવી યોજના પ્રમાણે સર્વ પ્રકારની મજૂરીની ઓછામાં ઓછી અમુક સરખી કિંમત ગણવાની છે. એટલે એક કલાક પીંજણ ચલાવીને સરેરાશ અમુક પ્રમાણમાં પોલ કાઢનાર પીંજારાને એટલી જ મજૂરી મળશે જેટલી વણકર, કાંતનાર અને કાગદીને તેમના દરેકના કલાકદીઠ ઠરાવેલા પ્રમાણમાં કરેલા કામની મળશે. એટલે ગ્રામસેવક જે કામ સહેલાઇથી કરી શકે તે પસંદ કરીને શીકવાની તેને છૂટ છે, માત્ર તેણે હમેશાં એવું કામ કરવાની કાળજી રાખવી જોઇએ કે જેમાંથી પેદા થયેલો માલ તેના ગામડાંમાં કે આસપાસના ગાળમાં ખપી જાય એવો હોય કે જેની આ સંઘોને જરૂર હોય.

દરેક ગામડામાં એક મોટી જરૂર પ્રામાણિકપણાથી ચાલતી એક એવી દુકાનની છે કે જયાં મૂળ કિંમત અને માફકસરનું કમિશન ચડાવીને ભેગ વિનાની ખોરાકની અને બીજી ચીજો મળી શકે. કોઇ પણ દુકાન ગમે એટલી નાની હોય તોય તેને માટે કંઇક મૂડીની જરૂર તો પડે જ છે. એ વાત સાચી. પણ જે ગ્રામસેવક તેના કાર્યક્ષેત્રમાં જરા પણ જાણીતો થયો હોય તેણે પોતાની પ્રામાણિકતાવિષે લોકોનો એટલો વિશ્વાસ તો સંપાદન કર્યો જ હોવો જોઇએ કે થોડો થોડો જથ્થાબંધ માલ તેને ઉધાર મળી શકે.

આ કામ વિષેની સૂચનાઓને હું બહું નહીં લંબાવું. અવલોકન કરવાની ટેવવાળો સેવક હંમેશાં અગત્યની શોધખોળ કર્યા કરશે અને થોડા જ વખતમાં જાણી લેશે કે આજીવિકા મેળવવા માટે પોતાનાથી થઇ શકે એવી કઇ મજૂરી છે જે સાથે સાથે જે ગ્રામવાસીઓની તેને સેવા કરવાની છે તેમે પદાર્થપાઠરૂપ પણ થઇ પડે. તેથી તેણે એવી જાતની મજૂરી પસંદ કરવી પડશે જેનાથી ગામડાંના લોકોનું શોષણ ન થાય, તેમનાં આરોગ્ય કે નીતિ બગડે નહીં, પણ જેનાથી ગ્રામવાસીઓને એવું શિક્ષણ મળે કે તેઓ ફુરસદના વખતનો સદુપયોગ થાય એવા ઉદ્યોગો ઉપાડી લે અને એમની નાનકડી આવકમાં વધારો કરે. અવલોકન કરતાં કરતાં તેનું ધ્યાન ગામડામાં નકામી પડી રહેલી ચીજો-ઘાસપાલો અને ગામડામાં જમીન પર પડી રહેલી કુદરતી ચીજો-સુધ્ધાં તરફ ગયા વિના નહીં રહે. તે તરત જ જોશે કે એમાંથી ઘણી ચીજોનો સારો ઉપયોગ થઇ શકે એમ છે. તે જો ખાઇ શકે એવો પાલો ઉપાડી લે તો એ તેના ખોરાકનો અમુક ભાગ કમાઇ લીધા બરાબર ગણાશે. મીરાંબહેને મનેે સુંદર આરસના જેવા કાંકરાનું એક સંગ્રહાલય આપ્યું છે. એ કાંકરા જેવા છે એવા પણ અનેક કામમાં આવે છે, અને જો મારી પાસે ફુરસદ હોય અને એના વિવિધ આકારો ઘડવાને સાદાં ઓજારો ખરીદવામાં હું થોડાક પૈસા રોકું તો તેને થોડા વખતમાં બજારમાં વેચાઇ શકે એવા બનાવી દઉં. કાકાસાહેબને વાંસનો નકામો પડેલો છોલ આપવામાં આવેલો હતો. એનો ઇંધણ તરીકે જ ઉપયોગ થવાનો હતો.પણ કાકાસાહેબે તો સાદા ચપ્પુથી ઘડીઘડીને કેટલાકની કાગળ કાપવાની છરી બનાવી અને કેટલાકના ચમચા બનાવ્યા. આ બંને વસ્તુઓ, મર્યાદિત પ્રમાણમાં બજારમાં વેચાઇ શકે એવી છે. મગનવાડીમાં કેટલાક સેવકો ફુરસદનો વખત નકામાં પણ એક બાજુ કોરા કાગળમાંથી પરબીડીયાં બનાવવામાં ગાળે છે.

ખરી વાત એ છે કે ગામડાના લોકો છેદ જ હતાશ થઇ ગયેલા છે. તેમને શંકા આવે છે કે દરેક અજાણ્યા માણસ તેમનાં ગળાં રેંસવા માગે છે ને તેમને ચૂસવા સારુ જ તેમની પાસે જાય છે. બુદ્ધિ અને શરીરશ્રમનો સંબંધ તૂટી જવાને લીધે એમની વિચાર કરવાની શક્તિ બહેર મારી ગઇ છે. એમના કામના કલાકોનો તેઓ સારામાં સારો ઉપયોગ કરતા નથી. એવાં ગામડાંમાં ગ્રામસેવકે પ્રેમ અને આશા લઇને પ્રવેશ કરવો જોઇએ; અને મનમાં દૃઢ પ્રતીતિ રાખવી જોઇએ કે જ્યાં સ્ત્રીપુરુષો બુદ્ધિ વાપર્યા વિના વૈતરું કરે છે અને અડધું વરસ બેકાર બેસી રહે છે ત્યાં પોતે આખું વરસ કામ કરતાં અને બુદ્ધિની સાથે શ્રમનો સંયોગ કરતાં ગ્રામવાસીઓનો વિશ્વાસ સંપાદન કર્યા વિના અને તેમની વચ્ચે રહીને મજૂરી કરતાં પ્રામાણિકપણે ને સારી રીતે આજીવિકા મેળવ્યા વિના નહીં રહે.

પણ ગ્રામસેવાનો ઉમેદવાર કહે છે, ‘મારાં છોકરાં અને તેમની કેળવણીનું શું ?’ જો એ છોકરાંને આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવાનું હોય તો મારાથી કંઇ રસ્તો બતાવાય એમ નથી. એમને નીરોગી, કદાવર, પ્રામાણિક, બુદ્ધિશાળી, અને તેમનાં માતાપિતાએ સ્વીકારેલાં નિવાસસ્થાનમાં ગમે ત્યારે આજીવિકા મેળવવાને શક્તિમાન એવાં ગ્રામવાસીઓ બનાવવાં હોય, તો તેમને માતાપિતાના ઘરમાં જ સર્વાંગીણ કેળવણી મળશે. વધારામાં તેઓ સમજણાં થાય અને પદ્ધતિસર હાથપગ વાપરતાં થાય ત્યારથી કુટુંબની કમાણીમાં કંઇક ઉમેરો કરવા લાગશે. સુઘડ ઘરના જેવી કોઇ નિશાળ નથી, અને પ્રામાણિક સદ્‌ગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઇ શિક્ષક નથી. આજનું હાઇસ્કુલનું શિક્ષણ ગ્રામવાસીઓ પર મોટા બોજારૂપ છે. એમનાં બાળકોને એ કદી મળી શકવાનું નથી, અને ઇશ્વરકૃપાએ જો એમને સુઘડ ઘરની તાલિમ મળી હશે તોએ શિક્ષણની ખોટ તેમને કદી સાલવાની નથી. ગ્રામસેવક કે સેવિકામાં સુઘડતા ન હોય, સુઘડ ઘર ચલાવવાની શક્તિ ન હોય તો તે ગ્રામસેવાનું સદ્‌ભાગ્ય કે માન મેળવવાનો લોભ ન રાખે એ જ સારું છે.૮

ગ્રામસેવકોના પ્રશ્નો

(ગ્રામસેવકોએ કેટલાક પ્રશ્નો-સિદ્ધાંત અને નીતિના-ગાંધીજીને માટે જ રાખ્યા હતા. તે ગાંધીજીએ પૂછવામાં આવ્યા. પ્રશ્નો ગ્રામસેવકના ધર્મો, તેની આજીવિકાનાં સાધનો, શરીરશ્રમ, રોજનીશી, દૂબળાઓની સેવાને લગતા હતા.)

ગ્રામસેવકનો મોટામાં મોટો ધર્મ સેવા કરવી ! પણ એ સેવા કરતાં ગ્રામસેવકે એકાદશવ્રત ધ્યાનમાં રાખીને જ કામ કરવું.

આ એકાદશવ્રત તો હવે વિનોબાએ રચેલા બે શ્લોકોમાં મુકાયેલાં છે અને ઘણાખરા કાર્યકર્તાઓ પ્રાર્થના સમયે એમનું સ્મરણ કરે છે :

()

‘ગ્રામસેવકે આજીવિકાનું સાધન કેવી રીતે મેળવવું ? એણે આજીવિકા સંસ્થા મારફતે મેળવવી કે મજૂરી કરીને મેળવવી કે ગામડાંમાંથી જ લેવી ?’

ગ્રામસેવકે ગામના આશ્રિત થઇને રહેવું જોઇએ. એવી રીતે રહેવામાં શરમ નથી, ઊલટી નમ્રતા છે. હા, ગામડામાં રહીને કોઇ સ્વેચ્છાચારી બની શોખ પણ કરવા ધારે તો કરી શકે,પણ મને વિશ્વાસ છે કે એવા માણસને નભાવે એવાં આપણાં ગામડાં મૂરખ નથી. ગ્રામસેવક ગામડાંના માણસો પાસેથી પોતાના પેટપૂરતું અનાજ અનેં સીધું ઉઘરાવી લે, કાંઇક પરચૂરણ ખર્ચને માટે જૂજજાજ પૈસા જોઇએ તો તે માગે, જોકે એ ઉઘરાવવાપણું ન હોય ્‌એમ મારું માનવું છે. ગામડાંએ એને નોતર્યો હશે તો એનો અનાદર નથી થવાનો. હા; કોઇ વાર એવો અનાદર થવાનો પ્રસંગ આવે-જેમ મેં સત્યાગ્રહાશ્રમમાં અસ્પૃશ્યોને લીધા ત્યારે આવ્યો હતો-તો તે વેળા ગ્રામસેવક જાતમજૂરી કરીને નભાવી લે. સંસ્થાની મારફતે નભવાનો ધંધો લાંભો ન ચાલે. સુર્વણ માર્ગ તો એ છે કે ગામડાના આશ્રિત થઇને રહેવું, અને તેમ ન થાય તો મજૂરી કરીને રહેવું.

‘શરીરશ્રમ કરીને પોતાનો નિર્વાહ મેળવનારે પણ લોકની સેવા અર્થે એટલે યજ્ઞાર્થે કંઇક કામ તો કરવું જોઇએ કે નહીં ?’

હા, કરવું ઘટે, એવું કામ ભંગીકામ છે. એ તો માત્ર દાખલો આપું છું. એમ ન સમજતા કે ભંગીકામ એ ઉત્પાદક કામ નથી. એમો તો જેનો અપવ્યય થાય છે તે બચાવવાપણું છે જેમ ઘંટી હાથે ચલાવવામાં લોટ દળામણના પૈસા બચાવવાપણું છે. પણ બચાવવું એટલે જ ઉત્પન્ન કરવું.

‘ગ્રામસેવકે રોજનીશી કેવી રાખવી ?’

રોજનીશીમાં નિત્ય કામ હોય. પણ એ ઉપરાંત તેના મનના કામની પણ નોંધ હોય-મનમાં કંઇ મેલ ભરાયા છે કે નહીં, કંઇ વિચારનાં પાપ થયાં છે કે નહીં એ બધું લખાય તો ચિત્તશુદ્ધિ માટે એ આવશ્યક ખરું. પણ એ સાચેસાચું લખવાની સૌની શક્તિ હોતી નથી, એટલે પછી કાં તો તેમાં દંભ કે અસત્યનું પ્રદર્શન થાય. આથી માનસિક પ્રવૃત્તિની રોજનીશી રાખવી કે ન રાખવી એ ગ્રામસેવકની શકિત અને ઇચ્છા ઉપર આધાર રાખે છે. પણ કામની નોંધ પૂરેપૂરી હોવી જોઇએ. એમાં કેવળ લખ્યું હોય કે ‘કાંત્યું’ એ નહીં ચાલે. કાંત્યું તો કેટલો સમય કાંત્યું, ઉતારતાં કેટલી વાર લાગી, કેટલું તૂટયું એ બધી વિગત હોય તો રોજ થતી પ્રગતિની પણ ખબર પડે. ‘રસોડાનું કામ કર્યું’, એ કાંઇ ખરી નોંધ ન કહેવાય. રસોડામાં બેસીને તડાકા પણ માર્યા હોય, એટલે રસોડામાં આટલું શાક મોળ્યું, રોટલી કરી, અથવા પીરસ્યું વગેરે વિગતો આવવી જોઇએ. ટૂંકામાં રોજનીશી શુષ્ક ન હોય, ખોટી ન હોય, અધૂરી ન હોય.

દૂબળાની સેવા કરવી એટલે દૂબળાના જેવા થવું, એ જે કષ્ટો સહન કરે છે તે સહન કરી જોવાં એટલે એ મેલામાં રહેતો હોય તો મેલામાં રહેવું કે એ એઠું ખાતો હોય તો એઠું ખાવું એમ નહીં, પણ એનાં કષ્ટોની તપાસ કરીને એને દુઃખે દુઃખી થતાં શીખવું, એના માલિકની સાથે મીઠો સંબંધ ધરાવવો અને એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવો.

‘ગ્રામસેવકે રાજકાજમાં પડવું કે નહીં ?’

રાજદ્ધારી કામોને છોડીને ગામડાના જેટલા પ્રશ્નો હોય તે બધા એ હાથે ધરે. એથી એ ખરો રાજપુરુષ બનશે. મહાસભાનો એ સભ્ય થાય, પણ મહાસભાના રાજકાજમાં એ માથું ન મારે. મેં ચંપારણમાં એ જ નિયમ રાખ્યો હતો. આજની વિષમ સ્થિતિમાં પડ્યા છીએ ત્યાં સુધી આપણે બે ઘોડે ન ચડી શકીએ. ગ્રામઉદ્યોગ સંઘ અને અ. ભા. ચરખા સંઘ પણ મહાસભાની સંસ્થા છે, છતાં બંને સંસ્થાને સ્વતંત્ર રાખી છે ને ? એ નિયમને લઇને જ બંને સંસ્થા બચી ગઇ છે. એમાં જ અહિંસા રહી છે. હિંદુસ્તાનને શુદ્ધ સ્વરાજ્ય આ રીતે મળવું જ શક્ય છે, એ આપણે બીજી રીતે ન બતાવી શકીએ.

ગ્રામસેવક ગામડાના ઝઘડાઓમાં પણ માથું ન મારે, નહીં તો એ ઝઘડાઓમાં એ ખુંચી જવાનો છે. એણે પોતાની કુટેવો છોડીને ગામડામાં જવું જોઇશે. સંભવ છે કે કોઇ દિવસ હું ગામડામાં જઇને બેસું, તો તે વેળા મારે કઇ વસ્તુ લઇને જવું અને કઇ વસ્તુ છોડવી એ વિચારી લેવું જોઇશે. ઘણી વસ્તુઓ સાવ નિર્દોષ હોય છતાં તે ગામડાના લોકોને ન પોસાઇ શકે એવી હોય તો તેનો ત્યાગ જ કરવો રહ્યો. ગ્રામસેવકે ઓછામાં ઓછી હાજતો રાખીને જ ગામડામાં જવું જોઇએ. એયાદ રાખજો કે જગતની ઉપર ચારે બાજુથી હુમલા થઇ રહ્યા છે, અને જગત વંઠી રહ્યું છે. આ છતાં જે ન વંઠી શકે એ જ ગામડાંને બચાવશે.

બાઇબલમાં કહ્યું છે ને કે સોડમ અને ગોમારા શહેરોમાં એક માણસ સ્વચ્છ હોય ત્યાં સુધી તેનો નાશ ન થાય અને આપણે ત્યાં પણ એક વિભીષણને ખાતર લંકા બચી હતી ને ?૯

‘દૂધ અને ફળ ગ્રામવાસીઓને કદી મળતાં નથી તે ગ્રામસેવક લઇ શકે કે કેમ ?’

ગ્રામસેવકે મુખ્ય વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે એ ગ્રામવાસીઓની સેવા કરવાીને ગામડામાં ગયેલો છે, અને એ સેવા કરવા જેટલાં આરોગ્ય અને બળ ટકી રહે એને સારુ જે આહાર નેબીજી ચીજોની એને જરૂર પડે તે લેવાનો એને અધિકાર છે, એનો ધર્મ છે. આમ કરતાં ગ્રામસેવકે ગ્રામવાસીઓ કરતાં વધારે ખરચાળ રહેણી રાખવી પડશે ખરી, પણ મારો ખ્યાલ એવો છે કે ગ્રામસેવકો આવી આવશ્યક વસ્તુઓ લે એની ગ્રામવાસીઓ ફરિયાદ કરતા નથી. ગ્રામસેવકનો અંતરાત્મા જ એના આચરણની કસોટી કરે. તે સંયમથી રહે, સ્વાદને ખાતર કશું ન ખાય. મોજશોખ ન કરે, અને જાગે એટલો વખત સેવાકાર્યમાં ઓતપ્રોત રહે. આમ છતાં સંભવ છે કે કેટલાક લોકો એની રહેણીકરણીની નિંદા કરશે. એ નિંદાને આપણે ન ગણકારીએ. મેં જે આહાર સૂચવ્યો છે તે થોડીક મહેનત કરવાથી ગામડાંમાં ન મળી શકે એમ નથી. દૂધ સામાન્ય રીતે ગામડાંમાં સહેજે મળે છે. અને બોર અને ગામડાંમાં અનેક જાતની વનસ્પતિ ઢગલાબંધ ઊગે છે, પણ આપણે કેવળ અજ્ઞાન કે આળસને લીધે એનો ઉપયોગ કરતા નથી. હું પોતે અનેક જાતની મને લાગે છે કે મારે એ ખાવી જોઇતી હતી. ગામડાંમાં ગાય રાખવી પોસાય ને એનું ખરચ તો એ કાઢે. મેં એ પ્રયોગ કર્યો નથી, પણ મને લાગે છે કે એ વસ્તુ શક્ય હોવી જોઇએ. મને એવો પણ ખ્યાલ છે કે ગ્રામસેવકોના જેવો જ આહાર મેળવવો ને ખાવો અને એ રીતે ગ્રામસેવકના જેવી જ રહેણી, એ ગ્રામવાસીઓને સારુ અશક્ય નથી.૧૦

સ૦-આપણા લગભગ એકેએક ગામમાં પક્ષો અને તેડો હોય છે. એટલે ગામડાંની સેવાને અર્થે આપણે સ્થાનિક એટલે કે તે તે ગામની મદદ માગતા જઇએ છીએ ત્યારે આપણી મરજી હોય કે ન હોય તોયે આપણે ત્યાંના સત્તા માટેની ચડસાચડસીના રાજકારણમાં સંડોવાઇએ છીએ. આ મુશ્કેલી કેવી રીતે ટાળવી ? બંને પક્ષોથી અળગા રહેવાની કોશિશ કરી આપણે બહારના કાર્યકર્તાઓની મદદથી કામ ચાલુ રાખવું ? અમને એવો અનુભવ થયો છે કે એવી રીતે ચાલુ રાખવામાં આવતું કામ પછી બહારની મદદ મળતી રહે તો જ ચાલે છે. અને એવી મદદ મળતી બંધ થાય તેની સાથે તૂટી પડે છે. એટલે સ્થાનિક વસ્તીનો સહકાર અને આગળ પડીને કામ કરવાની તેની સૂઝ કેળવવાને અમારે શું કરવું ?

જ૦-આપણાં શહેરોમાં જેમ પક્ષો અને તડ જોવાનાં મળે છે તેવી જ રીતે આપણાં ગામડાંઓમાં પણ પક્ષાપક્ષી દેખાતી હોય તો હિંદુસ્તાનને માટે અફસોસ કરવા જેવું થાય. અને ગામડાંઓના કલ્યાણનો વિચાર ન રાખતાં સત્તાનો કબજો કરવાની ચડસાચડસીનું રાજકારણ પક્ષોની પોતાની સત્તા વધારવાના હેતુથી આપણાં ગામડાંઓમાં દાખલ થાય તો તે ગામડાંની વસ્તીની પ્રગતિમાં સહાયરૂપ ન થતાં ઊલટું તેમાં બાધા કરશે. મારો પોતાનો એવો મત છે કે ગમે તેવું પરિણામ આવે તેની પરવા કર્યા વિના આપણે હાથે કશું બગડવાનો ઝાઝો સંભવ રહેતો નથી. આપણે યાદ રાખીએ કે શહેરોનાં અંગ્રેજી ભણેલાં સ્ત્રીપુરુષોએ આપણા મુલકના મુખ્ય આધારસમાં આપણાં ગામડાંઓ તરફ બેદરકાર રહેવાનો ગુનો કર્યો છે. એટલે આજ સુધીની આપણી બેપરવાઇ યાદ રાખવાથી આપણામાં ધીરજ કેળવાશે. આજ સુધી જે જે ગામે મારે જવાનું થયું છે ત્યાં એકાદ પ્રામાણિક કાર્યકર્તા મને મળ્યા વિના રહ્યો નથી. પણ ગામડાંઓમાંયે કંઇક સારું સ્વીકારવા જેવું હોય છે એવું માનવા જેટલા આપણે નમ્ર થતા નથી તેથી તે આપણને જડતો નથી. બેશક, સ્થાનિક પક્ષાપક્ષીથી આપણે પર રહેવું જ જોઇએ. પણ બધાયે પક્ષોની અથવા કોઇ પણ પક્ષની નહીં એવી સહાય ખરેખર સારી હોય તો તે સ્વીકારવી એટલું આપણે શીખીશું તો જ પક્ષાપક્ષીથી પર રહી શકીશું. ગામડાની મસ્તીથી અળગા રહીશું અથવા તેને આપણા કામથી અળગી રાખીશું તો આપણું કામએળે જશે એમ મને લાગે છે. આ મુશ્કેલીનું મને ભાન હતું તેથી જ એક ગામમાં એક જ કાર્યકર્તા મૂકવાના નિયમને હું કડકાઇથી વળગી રહ્યો છું ને માત્ર જ્યાં કાર્યકર્તાને બંગાળી નથી આવડતું ત્યાં જ તેની સાથે એક બંગાળી જાણનાર દુભાષિયો રાખવા પૂરતો મેં અપવાદ રાખ્યો છે. અત્યારે તો હું એટલું જ કહી શકું કે આ પદ્ધતિથી મારો હેતુ આજ લગી પાર પડ્યો છે. અહીં મારે એ પણ જણાવવું જોઇએ કે ઉતાવળે નિર્ણયો બાંધી લેવાના આપણને બૂરી આદત પડી ગઇ છે. સવાલ કરનાર ભાઇ કહે છે કે, ‘એવી રીતે ચાલુ રાખવામાં આવતું કામ પછી બહારની મદદ મળે તો જ ચાલે છે અને એવી મદદ મળતી (બહારની) બંધ થાય તેની સાથે તૂટી પડે છે.’ ગામડાંના લોકનો ગર્ભિત રીતે વાંક કાઢનારું આવું તળિયાઝાટક વિધાન કરવાને બદલે હું પોતે તો એમ કહીશ કે કોઇ પણ એક ગામમાં થોડાં વરસ રહી સ્થાનિક કાર્યકર્તાઓની મદદથી કાર્ય કરવાનો અનુભવ પણ ગામડાંના સ્થાનિક કાર્યકર્તા જાતે કામ આપી શકતા નથી અથવા તેમની મારફતે કામ થઇ શકતું નથી એવો અભિપ્રાય બાંધવાને માટે પૂરતો પુરાવો ન ગણાય. એથી ઊલટી વાત સાચી છે એ ઊઘાડું છે. તેથી સવાલના છેવટના ભાગનું વિગતે પૃથક્કરણ કરવાની મારે હવે જરૂર રહેતી નથી. મુખ્ય કાર્યકર્તાને હું સાફ શબ્દોમાં જણાવું કે ‘બહારની મદદ અત્યારે મળતી હોય તે લેવી બંધ કરો. જેટલી સ્થાનિક મદદ મળે તે બધી લઇને એકલા જાતે હિંમતથી ને સમજવી તમારું કામચલાવે. અને છતાં તમને યશ ન મળે તોયે બીજા કોઇ માણસનો કે સંજોગનો વાંક કાઢવાને બદલે તમારો પોતાનો જ વાંક કાઢતાં શીખો.’૧૧

તાલીમ લેતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત

સ૦-આ ગામડાના લોકો આપને મળવા આવે છે ખરા ?

જ૦-આવે છે, પણ એમના મનમાં ડર નથી એમ નહીં; વહેમ પણ હશે. ગામડાંના લોકોમાં જે ઘણી ખામીઓ છે તેમાંની આ એક છે. એ ખામીઓ આપણે દૂર કરવી રહી.

સ૦-કેવી રીતે ?

જ૦-તેમનો પ્રેમ સંપાદન કરીને. આપણે ત્યાં એમને કનડવા જઇએ છીએ એવો એમનો ડર આપણે કાઢી નાખવો જોઇએ, અને આપણા વર્તનથી એમને બતાવવું જોઇએ કે એમને કનડવાનો કે કંઇ પણ સ્વાર્થ સાધવાનો આપણો હેતુ નથી. પણ આ ધીરજનું કામ છે. તમારી દાનત સાફ છે એવી એમની ખાતરી તમે એકદમ નહીં કરાવી શકો.

સ૦-આપ નથી માનતા કે જેઓ પગાર કે મહેનતાણાં વગર કામ કરે છે, એટલે કે જેઓ કોઇ પણ સંસ્થા પાસેથી કે ગામડામાંથી પૈસા લેતા નથી તેઓ જ એમનો વિશ્વાસ સંપાદન કરી શકે ?

જ૦-ના. એ લોકોને ખબર પણ નથી હોતી કે કોણ પગાર લઇને કામ કરે છે ને કોણ લીધા વિના કરે છે. એમના પર ખરી અસર તો આપણી રહેણી, આપણી ટેવો, આપણી વાતચીત, ને આપણા હાવભાવ સુધ્ધાંની પડે છે. થોડાક માણસો આપણે કમાવા ગયા છીએ એવી શંકા આણશે. એમની એ શંકા આપણે દૂર કરવી જ જોઇએ. અને એમ નહીં માનતા કે જે માણસ કોઇ સંસ્થા કે ગામડા પાસેથી પૈસા નથી લેતો તે આદર્શ સેવક છે. એનામાં ઘણી વાર અહંકાર આવી જાય છે, તે માણસનું પતન કરનાર છે.

સ૦-આપ અમને ગામડાના ઉદ્યોગ શીખવો છો તે અમને આજીવિકાનું સાધન આપવા માટે, કે અમે ઉદ્યોગ ગામડાંના લોકોને શીખવી શકીએ એટલા માટે ? આ બીજો ઉદ્દેશ હોય તો અમે એક વરસમાં કોઇ પણ ઉદ્યોગમાં પારંગત શી રીતે થઇ શકીશું ?

જ૦-તમને સાધારણ ઉદ્યોગો શીખવવામાં આવે છે તે એટલા માટે કે તમે એના સિદ્ધાંતો જાણતા ન હો તો લોકોને સૂચનાઓ આપીને મદદ નહીં કરી શકો. તમારામાંથી જે વધારે સાહસી હશે તે ઉદ્યોગ કરીને તેમાંથી આજીવિકા જરૂર મેળવશે. આપણે અહીં જે ચીજો શીખવીએ છીએ તે એવી છે કે ગામડાના લોકોને તે વિષેનું વધારે સારું જ્ઞાન તમે આપી શકો. આપણે લોટની અને ચોખા ભરડવાની ઘંટીમાં અને ઘાણીમાં સુધારા કર્યા છે. આપણે ઓજારો સુધારવાના પ્રયોગો કરીએ છીએ. એ સુધારા આપણે લોકોને બતાવવાના છે. વળી વેપારમાં સત્ય અને પ્રામાણિકતા સાચવવાનું તો આપણે તેમને શીખવવાનું છે જ. તેઓ દૂધમાં ભેગ કરે છે, તેલમાં ભેગ કરે છે, અને નજીવા લાભને માટે સત્યમાં પણ ભેગ કરે. એમાં વાંક એમનો નથી, આપણો છે. આપણે અત્યાર સુધી એમની ઉપેક્ષા કરી છે, એમને લૂંટ્યાં છે. અને એમને કશું સારું શીખવ્યું નથી. એમની સાથે નિકટના સંસર્ગમાં આવીને આપણે સહેલાઇથી એમની રહેણી અને ટેવોમાં સુધારો કરાવી શકીશું. લાંબા વખતની ઉપેક્ષા અને અળગાપણાથી તેમની બુદ્ધિ અને નીતિભાવના પણ જડ થઇ ગઇ છે. આપણે તે સતેજ કરવી જોઇએ.૧૨

અંદરનો ભય

કોઇ પણ પ્રાણવાન પ્રવૃત્તિ કે સંસ્થા બહારના હુમલાથી મરતી નથી; અંદરના સડાથી જ મરે છે. ખરી જરૂર તો અણિશુદ્ધ કુંદન જેવા ચારિત્ર્યની, અવિરત પ્રયત્નની, સતત વધતી જતી કામની આવડતની, અને કડક સાદાઇવાળા જીવનની છે. જે સેવકોમાં ચારિત્ર્ય ન હોય, ગ્રામવાસીઓના સામાન્ય જીવન કરતાં જેમની રહેણી વધારે ખર્ચાળ હોય, અને જેમનામાં કામને માટે જોઇતી આવડતનો અભાવ હોય તેઓ હરિજનો કે બીજા ગ્રામવાસીઓ પર કશી છાપ ન પાડી શકે.

આ લીટીઓ લખતી વેળાએ જે સેવકોએ ચારિત્ર્ય કે સાદી રહેણીના અભાવને લીધે હિલચાલને અને તેમની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેમના દાખલા મને યાદ આવે છે. સદ્‌ભાગ્યે સ્પષ્ટ દુર્વર્તનના દાખલા બહુ જ ઓછા છે. પણ લાયકાતવાળા સેવકો ગામડાની રહેણીના ધોરણે રહી શકતા નથી એ જ કામની પ્રગતિમાં મોટામાં મોટું વિઘ્ન છે. જો એવો દરેક સેવક ગ્રામસેવાને ન પોસાય એટલી પોતાના કામની કિંમત લેવા માગે તો આખરે આ સંસ્થાઓ સંકેલી લેવી પડે. કેમ કે ક્વચિત્‌ અને ટૂંકી મુદતને માટેના અપવાદ સિવાય શહેરી ધોરણે પગાર આપવા પડે એનો અર્થ એ થયો કે શહેરો અને ગામડાં વચ્ચેનું અંતર ન પૂરી શકાય એવું છે. ગામડાંની હિલચાલ એ જેટલી ગ્રામવાસીઓની તેટલી જ શહેરવાસીઓને કેળવણીને માટે છે. શહેરમાંથી આવતા સેવકોએ ગામડાંનું માનસ કેળવવું રહ્યું છે. અને ગ્રામવાસીઓની ઢબે રહેવાની કળા શીખી લેવી રહી છે. આનો અર્થ એવો નથી કે તેમણે ગામડાના લોકોની પેઠે ભૂખે મરવું. પણ એનો અર્થ એવો તો અવશ્ય છે કે જૂની રહેણીમાં ધરમૂળથી પલટો થવો જોઇએ. ગામડાંની રહેણીનું ધોરણ ઊંચું થવું જોઇએ તેની સાથે શહેરી ધોરણમાં સારી પેઠે પરિવર્તન થવાની આવશ્યકતા છે. અને છતાં ગ્રામસેવકે એના આરોગ્યનેહાનિ કરે એવી રહેણી સ્વીકારવાની જરાયે જરૂર નહીં પડે.૧૩

આપણાં ગામડાં

એક જુવાન ગામડામાં રહીને આજીવિકા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાો છે. તેણે મને એક કરુણ કાગળ લખ્યો છે. તેહું ટૂંકાવીને નીચે આપું છું :

“ત્રણ વરસ પર મારી ઉંમર વીસ વરસની હતી ત્યારે, હું શહેરમાં ૧૫ વરસ રહ્યા પછી આ ગામડામાં આવ્યો. મારા ઘરના સંજોગો એવા હતા કે મારાથી કૉલેજમાં ભણવા જઇ શકાય એમ હતું નહીંં. આપે ગ્રામોદ્ધારનું કામ ઉપાડ્યું છે તે પરથી મને ગામડામાં રહેવાને ઉત્તેજન મળ્યું.મારે થોડીક જમીન છે. મારા ગામમાં અઢીએક હજારની વસ્તી છે. આ ગામડાના લોકોના નિકટના અહસાસ પછી મને એમાંના પોણા ભાગના લોકોમાં નીચેના અવગુણ દેખાય છે :”

૧. પક્ષાપક્ષી ને કજિયા; ૨. અદેખાઇ; ૩. નિરક્ષરપણું; ૪. દુષ્તા; ૫. કુસંપ; ૬. બેદરકારી; ૭. સભ્યતાનો અભાવ; ૮. જુની નિરર્થક રૂઢિઓનો વળગાડ; ૯. નિર્દયતા.

આ ગામ એક ખૂણે પડેલુંછે. કોઇ મોટા માણસ આવાં છેક ખૂણામાં આવેલા ગામડાંમાં કદી આવ્યા નથી. મહાપુરુષોનો સત્સંગ મળે તો માણસની પ્રગતિ થાય. એટલે મને આ ગામમાં રહેતાં ડર લાગે છે. હું આ ગામડું છોડી દઉં ? તો આપ મને શી સલાહ આપશો ?

આ જુવાન પત્રલેખકે જે ચિતાર આપ્યો છે તેમાં અતિશયોક્તિ તો જરૂર છે. છતાં એની વાત સામાન્યપણે સાચી માની શકાય. એ કરુણ સ્થિતિનું કારણ શોધવા દૂર જવું પડે એમ નથી. જે લોકોને શિક્ષણનો લાભ મળ્યો છે તેમણે દીર્ધકાળ થયાં ગામડાં તરફ નજર સરખી નથી કરી. તેમણે શહેરી જીવન પસંદ કર્યું છે. ગામડાંની હિલચાલ એ સેવાભાવથી પ્રેરાયેલા લોકોને ગામડાંમાં વસીને ગ્રામવાસીઓની સેવા દ્ધારા જ પોતાનો વિકાસ સાધવાને ને તે દ્ધારા જ પોતાનું હીર પ્રગટ કરવાને સમજાવવાનો એક પ્રયાસ છે. જે દોષો આ પત્રલેખકની નજરે ચડ્યા છે તે ગ્રામજીવનમાં સ્વભાવસિદ્ધ નથી. જેઓ સેવાભાવથી ગામડામાં વસ્યા છે તેઓ તેમની સામે આવી પડતી મુસીબતોથી હારતા નથી. તેઓ ગયા તે પહેલાંથી જાણતા હતા કે તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડશે; લોકો તેમની સામે ન જુએ, તેમના પર રીસ કરે, એ બધું સહેવું પડશે. એટલે જેમનામાં આત્મશ્રદ્ધા હશે તેમ જ પોતાનું કાર્ય વિશે શ્રદ્ધા હશે તેઓ જ ગ્રામવાસીઓની સેવા કરીને તેમનાં જીવન પર પ્રભાવ પાડી શકશે. લોકોની વચ્ચે રહીને ગાળેલું સદાચારી જીવન એ જ એક પદાર્થપાઠ છે, ને એની આસપાસના વાતાવરણ પર અસર પડવી જોઇએ. આ જુવાનની મુશ્કેલી કદાચ એ હશે કે તે કેવળ આજીવિકાને અર્થે જ ગામડામાં ગયો હશે ને તેની પાછળ સેવાની ભાવના નહીં હોય, હું કબૂલ કરું છું કે જેઓ પૈસા મેળવવા જાય છે તેમને આકર્ષક થાય એવું ગામડાના જીવનમાં કશું નથી. સેવાની ભાવના ન હોય તો ગ્રામજીવનની નવીનતા ઓસરી ગયા પછી ્‌એ જીવન નીરસ ને કર્કશ લાગે. કોઇ પણ જુવાન ગામડામાં ગયા પણ જરાક જેટલી મુસીબત આવી પડતાં પોતે આદરેલી પ્રવૃત્તિ છોડી ન દે. ધીરજપૂર્વક પ્રયત્ન કરવાથી દેખાઇ આવશે કે ગ્રામવાસીઓ નગરવાસીઓથી બહુ જુદી જાતના નથી હોતા ને તેમને પણ મમતા ને હેત બતાવવામાં આવે તો તેઓ તે સમજી શકે છે ને પાડ માને છે. ગામડામાં દેશના મોટા માણસોના સંબંધમાં આવવાની તક નથી મળતી એ વાત સાચી છે. જેમ જેમ ગ્રામવૃત્તિ વધતી જશે તેમ તેમ નેતાઓએ ગામડામાં ફરવાની ને તેમની સાથે પ્રત્યક્ષ સંબંધમાં આવવાની જરૂર જણાશે. વળી ચૈતન્ય, રામકૃષ્ણ, તુલસીદાસ, કબીર, નાનક, દાદુ, તુકારામ, તિરુવલ્લુવર અને બીજા એટલા જ પ્રસિદ્ધ અને પવિત્ર અગણિત સંતોની કૃતિઓ દ્ધારા દરેક માણસ મહાપુરુષો ને સંતોનો સત્સંગ સાધી શકે છે. મુશ્કેલી મનને શાશ્વત તૈયાર કરવાની છે. તેનું આકલન કરી શકે એવી રીતે વાળીને તૈયાર કરવાની છે. રાજકીય, સામાજિક, ્‌આર્થિક, વૈજ્ઞાનિક ક્ષેત્રોના આધુનિક વિચાર જોઇએ તો તેમાં પણ જિજ્ઞાસા તૃપ્ત કરી શકાય એટલું સાહિત્ય મળી શકે એમ છે. એટલું હું કબૂલ કરું છું ખરો કે જેટલી સહેલાઇથી ધાર્મિક સાહિત્ય મળે છે તેટલી સહેલાઇથી આ બીજા પ્રકારનું સાહિત્ય મળતું નથી. સંતો આમવર્ગને માટે લખતા ને બોલતા. આધુનિક વિચારોને આમવર્ગના લોકો સમજી શકે એવી રીતે આપણી દેશી ભાષાઓમાં વતારવાની પ્રથા હજુ બરાબર શરૂ થઇ નથી; પણ કાળે કરીને થવી જ જોઇશે. એટલે આ પત્રલેખક જેવા જુવાનોને મારી સલાહ એ છે કે તેઓ પોતાના પ્રયત્નમાં ખંતથી મંડ્યા રહે, અને પોતાની હાજરીથી ગામડાંને વધારે વસવાલાયક અને વધારે આકર્ષક બનાવે. એ કામ તેઓ ગ્રામવાસીઓને ભાવે એવી રીતે તેમની સેવા કરીને કરી શકશે. પોતાની મહેનતથી ગામડાંને વધારે સ્વચ્છ બનાવીને અને યથાશક્તિ નિરક્ષરપણું દૂર કરીને દરેક જણ એ સેવાકાર્યનો આરંભ કરી શકે છે. અને એમનું જીવન જો શુદ્ધ, વ્યવસ્થિત ને ઉદ્યમપરાયણ હશે તો તેઓ જે ગામડાંમાંકામ કરતા હશે તેમાં એનો ચેપ ફેલાયા વિના નહીં જ રહે.૧૪

ગ્રામસેવકની યાત્રા

શ્રી સીતારમ શાસ્ત્રીએ ગ્રામસેવકોની યાત્રાઓની યોજના કરી છે. એ સેવકો આસપાસના પ્રદેશમાં ફરીને લોકોને ગ્રામસેવાનો સંદેશો પહોંચાડે છે. મારી સૂચના એ છે કે આ યાત્રાઓએ રેલ, મોટર અને ગાડાંમાં પણ પ્રવાસ કરવાનું છોડવું જોઇએ. તેઓ મારી સલાહ માને તો જોશે કે એમનું કામ પગપાળા યાત્રા કરવાથી વધારે અસરકારક થશે અને ખરચ નહીં જેવું આવશે. આવા સંઘમાં બેત્રણથી વધારે માણસો ન હોય. ગ્રામવાસીઓ આ સંઘને ઉતારો ને ભોજન આપે એવી અપેક્ષા હું રાખું. મોટા સંઘ ગ્રામવાસીઓની ઉપર બોજારૂપ થઇ પડવાનો સંભવ રહે ખરો; પણ નાના સંઘ જરાયે બોજારૂપ ન લાગે.

આ સંઘોનું કામ મુખ્યત્વે ગામડાંની સફાઇ કરવાનું, ગામડાની સ્થિતિ તપાસવાનું, અને ગામડાંના લોકો ઝાઝા પૈસા ખરચ્યા વિના આરોગ્ય અને આર્થિક સ્થિતિ બંને કેવી રીતે સુધારી શકે તેનું તેમને શિક્ષણ આપવાનું છે.૧૫

જૂનાં ઓજારોમાં દખલ ન કરો

સેવકોએ બહોળો અનુભવ મેળવ્યા વિના જૂનાં ઓજાર, જૂની રીતો, અને જૂની ભાતોમાં દખલ ન કરવી જોઇએ. આજે હયાત છે એ જૂની ભૂમિકા ટકાવી રાખીને તેઓ સુધારા કરવાના વિચાર કરશે તો તેઓ સુરક્ષિત રહેશે. એમ કરતાં તેઓ જોશે કે એમાં જ સાચો અર્થ લાભ છે.૧૬

સમગ્ર ગ્રામસેવા

સમગ્ર ગ્રામસેવકે બધા ગામલોકોને ઓળખવા, તેમની જરૂરી સેવા કરવી, એટલે કે તે માટે સાધન મેળવી આપવું અને તેમને તે કામ શીખવી દેવું. બીજા કાર્યકર્તાઓ તૈયાર કરવા વગેરે એમાં આવી જાય છે. ગ્રામસેવક ગામલોકો ગામલોકો પર એટલો પ્રભાવ પાડે કે તેઓ પોતે આવીને તેની સેવા માગે અને તે માટે જે સાધનો કે બીજા કાર્યકર્તાઓ જોઇએ તે મેળવવામં તેને પૂરેપૂરી મદદ કરે. હું એક ગામડામાં ઘાણી નાખીને બેઠો હોઉં તો ઘાણીને લગતાં બધાં કામો તો કરીશ જ; પણ હું ૧૫ ૨૦ રૂપિયા કમાનારો સામાન્ય ઘાંચી નહીં રહું. હું તો મહાત્મા ઘાંચી બનીશ. ‘મહાત્મા’ શબ્દ મેં વિનોદમાં વાપર્યો છે. એનો અર્થ કેવળ એટલો જ છે કે મારા ઘાંચીપણમાં હું એટલી સિદ્ધિ સમાવીશ કે જેથી ગામલોકો અજબ થઇ જાય. હું ગીતા વાંચનારો, કુરાન શરીફ પઢનારો. અનેક બાળકોને શિક્ષણ આપવાની શક્તિવાળો ઘાંચી બનીશ. વખતના અભાવે હું બાળકોને શિક્ષણ ન આપી શકું એ જુદી વાત. લોકો આવીને કહેશેઃ “ઘાંચી મહાશય, અમારાં બાળકો માટે એક શિક્ષક તો લાવી આપો.” હું કહીશ. “શિક્ષક તો હું લાવી આપું પણ તેનું ખરચ તમારે ઉઠાવવું પડશે.” તે લોકો એ વાત ખુશીથી સ્વીકારશે. હું તેમને કાંતતાં શીકવીશ. તેઓ વણકર મેળવવામાં મારી મદદ માગશે. એટલે જે ઇચ્છે તે વણાટ પણ શીખી લે. તેમને ગ્રામસફાઇનું મહત્ત્વ સમજાવીશ. એટલે તેઓ સફાઇ માટે ભંગીની માગણી કરશે. હું કહી દઇશ કે, “હું પોતે ભંગી છું આવો, તમને એ કામ પણ શીખવી દઉં.” આ મારી સમગ્ર સેવાની કલ્પના છે.૧૭

૨૮

સરકાર અને ગામડાં

સરકાર શું કરી શકે

હવે, હાથમાં અધિકાર આવ્યો છેત્યારે, કૉંગ્રેસ પ્રધાનો ખાદી ને ગ્રામઉદ્યોગને ઉત્તેજન આપવા સારુ શું કરવાના છે, એવો પ્રશ્ન વાજબી ગણાય. હું તો એ પ્રશ્ન માત્ર કૉંગ્રેસી પ્રાંતને નહીં પણ બધા પ્રાંતને લાગું કરું. ગરીબાઇ, કરોડોની ગરીબાઇ, બધા પ્રાંતોમાં સરખી છે, અને તેથી તેને દૂર કરવાના ઇલાજો, આમજનતાનો વિચાર રાખીએ તો, બધા પ્રાંતોમાં સમાન હોય, અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘનો એ અનુભવ છે. એવી સૂચના પણ આવી છે કે, આ કાર્યને સારું એક સ્વતંત્ર પ્રધાન આખો સમય એમાં સહેજે રોકાય. હું પોતે એવી સૂચના કરતાં ડરું છું, કારણ કે આપણે હજી અંગ્રેજ લોકોએ અહીં ચાલું કરેલું ખર્ચનું ધોરણ છોડયું નથી. સ્વતંત્ર પ્રધાન નીમીએ કે ન નીમીએ, તોયે અલગ ખાતું ખોલવાની જરૂર તો છે જ. અન્નવસ્ત્રની તંગીના આજના દિવસોમાં એવું ખાતું ઉપયોગી નીવડે. અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘ મારફતે પ્રધાને નિષ્ણાતોની મદદ મળતી રહેશે. પ્રમાણમાં જૂજ મૂડી રોકી ટૂંક સમયમાં હિંદની આખી પ્રજાને ખાદી પહેરાવી શકાય તેમ છે. દરેક પ્રાંતિક સરકાર દેહાતી એટલે કે ગામડાંમાં રહેનારા લોકોને કહે કે, તમારે જોઇતી ખાદી તમે જાતે પેદા કરી લો. આથી આપોઆપ જ સ્થાનિક ઉત્પત્તિ અને વહેંચણીને વેગ મળશે. ગામડાંની જરૂરિયાત પૂરી પાડ્યા પછી થોડી ખાદી જરૂર બચશે. તે કંઇક અંશે શહેરની ગરજ પૂરી શકશે અને તેથી સ્થાનિક મિલો પરનો બોજો હળવો થશે. પછી દુનિયામાં જ્યાં જ્યાં કાપડની તંગી છે ત્યાં આપણી મિલોનું કાપડ મોકલી શકાશે.

આ બધું શી રીતે થઇ શકે ?

પ્રાંતિક સરકારે ગામડાંમાં વસનારાઓને જાહેરાત કરીને જણાવવાનું કે, અમુક તારીખની અંદર સૌ સૌના ગામને જોઇથી ખાદી પેદા કરી લો. તે તારીખ પછી તમને બહારથી કાપડ પૂરું પાડવામાં નહીં આવે. સરકારે તેમને જોઇતા કપાસિયા કે રૂ પડતર ભાવે આપવું, તેમ જ પાંચ કે તેથી અધિક વર્ષમાં વસૂલ થઇ શકે એ રીતે પડતર ભાવે ઉત્પત્તિનાં સાધનો પણ પૂરાં પાડવાં, જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષકો મોકલવા અને પોતાની પેદાશમાંથી ગામની ગરજ પૂરી પડી રહે પછી જે બાકી રહે તે ખરીદી લેવાનું સરકારે સ્વીકારવું. આમ કરવામાં આવે તો ઝાઝી ધાંધલ કે ઝાંઝા વ્યવસ્થા ખર્ચ વિના સહેલાઇથી કાપડની તંગી નાબૂદ થાય.

ગામડાંઓની તપાસ કરવી, અને ત્યાંના વપરાશ માટે અથવા બહારના વેચાણ માટે સહેજે કે ઓછી મદદે શું શું બનાવી શકાય તેની યાદી તૈયાર કરવી, જેમ કે. ઘાણીનું તેલ, ખોળ, ઘાણીમાંથી કાઢેલું બાળવાનું તેલ, હાથછડના ચોખા, તાડગોળ, મધ, રમકડાં, સાદડી, હાથબનાવટના કાગળ, સાબુ વગેર.

આ કાળજીથી કરવામાં આવે તો, આપણાં મરવા વાંકે જીવી રહેલાં ગામડાંમાં નવું ચેતન આવશે, પોતાની અને હિંદુસ્તાનનાં શહેરોની જરૂરિયાતો પૂરી પાડવાની તેમની શક્તિ ખીલશે.

આ ઉપરાંત, આપણી અક્ષમ્ય બેપરવાઇને લઇને પીડાતા હિંદની બેસુમાર ગોધન સંપત્તિનો વિચાર કરવો ઘટે. એમાં ગોસેવા-સંઘ પોતાના અધૂરા અનુભવથી પણ સારી પેઠે મદદ આપી શકશે.

બુનિયાદી તાલિમને અભાવે ગ્રામવાસીઓને આજે કેળવણી મળતી નથી. હિંદુસ્તાની તાલીમી સંઘ આ ખોટ પૂરી શકે.૧

જો હું પ્રધાન હોઉં તો

(ઉપર જણાવેલા) મારા વિચારોમાં ફેરફાર નથી થયો. પણ તેની એક બાબતે ગેરસમજ ઊભી કરી છે. કેટલાક મિત્રો તેમાં જબરજસ્તી છે, એમ સમજ્યાં છે. આવી એમાં રહેલી અસ્પષ્ટતાને માટે મને દિલગીરી થાય છે. કંઇક કરવાની ઇચ્છાવાળી પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવનારી પ્રાંતિક સરકારો શું કરે, એ સવાલનો જવાબ એ નોંધમાં મેં આપ્યો હતો. મેં એમ માનેલું કે, આવી સરકારો નોટિસો કાઢે તે પણ જબરજસ્તી છે, એમ નહીં સમજવામાં આવે. અને એ માન્યતા ક્ષમાપાત્ર છે, એમ મને લાગે છે.કેમ કે, પ્રજાનું સાચું પ્રતિનિધિત્વ ધરાવનારી સરકાર માને જ કે, અમારા હરેક કામમાં, મતદારોનો અમને ટેકો છે. મતદારોમાં, નોંધાયેલા ઉપરાંત મતદારો તરીકે નોંધાયેલી વસ્તી પણ આવી જાય છે. આ ખ્યાલથી મેં લખ્યું હતું કે, સરકારોએ ગામડાંના રહેવાસીઓને નોટિસ આપવી કે, તમે લોકો તમારી પોતાની બનાવેલી ખાદી પહેરતા થાઓ, તેટલા ખાતર અમુક મુકરર કરેલી તારીખ પછી તમને મિલનું કાપડ પહોંચાડવામાં નહીં આવે.

મારા ઉપરના લેખનો ગમે તે અર્થ હો, મારે એટલું સ્પષ્ટ જણાવવું છે કે, જેને જેને સંબંધ છે, તે બધા લોકોના રાજીખુશીના સહકાર વગર સ્વીકારવામાં આવેલી ખાદીને લગતી કોઇ પણ યોજના, સ્વરાજના સાધન તરીકે ખાદીને ઘાતક નીવડશે. તો તો, ખાદી આપણને મધ્યયુગના અંધકારના અને ગુલામીના જમાનામાં પાછી લઇ જાય છે, એ મહેણું સાચું ઠરે. પણ મારો અભિપ્રાય એથી ઉલટો છે. પરાણે તૈયાર કરાવવામાં આવતી અથવા પહેરાવવામાં આવતી ખાદી ગુલામીનો પોશાક હશે, પણ સમજપૂર્વક અને રાજીખુશીથી પોતાના વપરાશને માટે જાતે તૈયાર કરેલી ખાદી સહેજે સ્વતંત્રતાનો પોશાક બને. બધી બાજુનું સ્વાવલંબન ન કેળવે તો સ્વતંત્રતામાં કશો માલ નથી. મારે માટે તો હું કહું છું કે, જો ખાદી સ્વતંત્ર માણસનો હક અને ફરજ ન હોય તો મારે તેની સાથે કશી લેવાદેવા નહીં હોય.

એક ટીકાકારે મિત્રભાવે સવાલ કર્યો છે કે, આ યોજના મુજબ ખાદી તૈયાર કરનાર લોકો તે ખાદી જાતે વાપરે તેની સાથે સાથે વેચીયે શકે ખરા કે નહીં ? વેચી શકે. પણ વેચાણ યોજનાનો ગૌણ હેતું હોય; અને આ યોજના મુજબ, વેચાણ જો ખાદી તૈયાર કરવાનો એકમાત્ર તો શું, પ્રધાન હેતું હોય, તો તે નહીં વેચી શકે. શરૂઆત આપણે વેચાણને સારુ ખાદી બનાવવાથી કરી, તે આપણી કામચલાઉં જરૂરિયાત અને આપણી દૃષ્ટિની મર્યાદા બતાવે છે. અનુભવ મોટો ગુરુ છે. એ ગુરુએ આપણને ઘણું શીખવ્યું છે. તેણે શીખવેલા પાઠોમાં ખાદીનો આ મૂળ ઉપયોગ નજીવો નથી. પણ એ જ એનો એકમાત્ર અથવા છેવટનો ઉપયોગ નથી. પણ ખાદીની શક્યતાઓની કલ્પનાઓના આકર્ષક પ્રદેશોને છોડી આ લેખના મથાળામાં મૂકેલી સવાલનો ચોક્કસ જવાબ જ આપું.

રાજ્યવહીવટની બધી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ગામડાંઓને સ્થાપવાના આશયથી તેમનો પુનરુદ્ધાર કરવાનું ખાતું પ્રધાન તરીકે મારે હસ્તક હોય, તો સૌથી પહેલાં હું કાયમની નોકરીઓમાંથી આ કામ પાર પાડવાની શક્તિવાળા ચોખ્ખા માણસોને ખોળી કાઢું. તેમાંથી સૌથી વધારે લાયક અમલદારનો હું કૉંગ્રેસે ઊભા કરેલા અખિલ ભારત ચરખા સંઘ અને અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સાથે સંબંધ જોડી આપું, અને પછી ગામડાંના હાથ ઉદ્યોગોને વધારેમાં વધારે પ્રોત્સાહન આપે તેવી યોજના લઇ આવું. યોજનામાં હું પહેલેથી જણાવું કે, આમાં ગામડાંના લોકો પર કોઇ જાતની જબરજસ્તી નથી; તેમને કોઇ બીજાને ખાતર વૈતરું કરવાનું નથી; તેમને પોતાની જાતે પોતાનું કામ પાર પાડવાનું, અને પોતાને જોઇતા ખોરાકના પદાર્થો, કાપડ અને બીજી જરૂરિયાતોને માટે ખુદ પોતાની મજૂરી અને આવડત પર આધાર રાખવાનું શીખવવામાં આવશે. આ રીતે આ યોજનામાં ગામડાંની બધી જરૂરિયાતોને સમાવી લેવામાં આવશે. તેથી મારા પહેલા મદદનીશ. અમલદારને હું હિંદુસ્તાની તાલીમી સંઘને મળી, તે શું કહે છે, તે જાણી લેવાને સૂચના આપું.

હવે આપણે એમ પણ માનીને ચાલીએ કે, આ રીતે તૈયાર કરવામાં આવેલી યોજનામાં નીચે પ્રમાણેની કલમ રાખવામાં આવી હશેઃ ગામડાંના લોકો જાતે થઇને જાહેરાત કરે કે, અમુક એક મુકરર કરેલી તારીખ બાદ એકાદેક વરસ રહીને અમારે મિલનું કાપડ નથી જોઇવાનું, અને અમારે બક્ષિસ લેખે નહીં પણ હળવા દરથી કિંમત નથી જોઇવાનું, અને અમારે બક્ષિસ લેખે નહીં પણ હળવા દરથી કિંમત ચૂકવી આપવાની શરતે કપાસ, ઊન તેમ જ જરૂરી સાધનો તથી ઓજારો અને કાંતણ વણાટનું શિક્ષણ જોઇશે. ખુદ યોજનામાં એવી જોગવાઇ પણ રાખવામાં આવે કે, તેનો અમલ એક આખા પ્રાંતમાં ન કરતાં શરૂઆત પૂરતો એકાદ વિભાગમાં ચાલુ કરવામાં આવશે. વળી, યોજનામાં એમ પણ જણાવેલું હોય કે, યોજનાના અમલના કામમાં અખિલ ભારત ચરખા સંઘ રસ્તો બતાવશે અને મદદ કરશે.

આ યોજનાના સંગીનપણાની ખાતરી કરી લીધા બાદ કાયદાના ખાતાની સાથે મસલત કરીને હું તેને કાયદાનું રૂપ આપું અને એક સરકારી જાહેરાત કરું, જેમાં યોજના મૂળ ક્યાંથી ને કેમ નીકળી, તેનું પૂરેપૂરું વર્ણન હોય. ગામડાંના રહેનારા ને મિલવાળાઓ તેમ જ બીજા સૌ તેમાં ભાગ લેશે. જાહેરાત સ્પષ્ટપણે બતાવશે કે, આ યોજના પર સરકારી છાપ હોવા છતાં, તે પ્રજાને પોતે લીધેલું પગલું છે. સરકારનાં નાણાં ગરીબમાં ગરીબ ગામડિયાઓના લાભને અર્થે વપરાશે અને લાગતાવળગતા સૌ લોકોને વધારેમાં વધારે વળતર મળશે. તેથી, આ યોજના સૌથી વધારે નફો આપનારું નાણાનું રોકાણ હશે, જેમાં કામમાં પાવરધા નિષ્ણાતોની મદદ સ્વેચ્છાએ મળેલી હશે, જેમાં કામમાં પાવરધા નિષ્ણાતોની મદદ સ્વેચ્છાએ મળેલી હશે અને વ્યવસ્થાખર્ચ ઓછામાં ઓછો હશે. કેટલું વળતર મળશે, તેની બધી વિગત આપવામાં આવશે.

પ્રધાન તરીકે મારે નક્કી કરવાનો સવાલ તો એક જ રહે છે : ખાદીની યોજના તૈયાર કરી, તેના સફળ અમલને માટે દોરવણી આપવાની જવાબદારી ઉઠાવવાની અખિલ ભારત ચરખા સંઘની શ્રદ્ધા ને શક્તિ છે કે નથી ? એ શક્તિ ને શ્રદ્ધા તેનામાં હોય, તો પૂરા ભરોસાથી મારી યોજનાની હોડી હું ભરદરિયે છોડી મૂકું.૨

૨૯

હિંદ અને દુનિયા

હિંદ જ્યારે સ્વાવલંબી અને સ્વાશ્રયી બનશે અને કોઇ દેશ એઠી નજર ન નાખી શકે કે શોષણ ન કરી શકે એવી સ્થિતિ ઊભી કરશે ત્યારે તે પશ્ચિમ કે પૂર્વની કોઇ પણ સત્તાના લાલચું આકર્ષણનો વિષય નહીં રહે. ્‌અને પછી તે ખર્ચાળ શસ્ત્રસરંજામનો બોજો વહ્યા સિવાય પોતાની હુમલા સામે તેનો મજબૂત કિલ્લો બની રહેશે.૧

મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એકલવાયું સ્વાતંત્ર્ય નથી પણ નીરોગી અને પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્ય છે. મારો રાષ્ટ્રવાદ ઉગ્ર છે છતાં એકલપેટો નથી, કોઇ પણ પ્રજા કે વ્યક્તિને હાનિ કરવાનો તેનો ઉદ્દેશ નથી. કાયદાનાં સૂત્રો જેટલાં કાયદાનાં નથી તેટલાં સદાચારનાં સૂત્રો છે. ‘તારા પડોશીની મિલકતને હાનિ ન પહોંચે એવી રીતે તારી મિલકત ભોગવ,’ એ સૂત્રના સનાતન સત્ય પર મારો વિશ્વાસ છે.૨

સ્વતંત્ર ને લોકશાસનવાળું હિંદુસ્તાન બીજી સ્વતંત્ર પ્રજાઓ સાથે પરસ્પર બચાવ ને આર્થિક સહકાર માટે ખુશીથી જોડાશે. સ્વતંત્રતાને લોકશાસન પર રચાયેલી સાચી જગતવ્યવસ્થાની સ્થાપના માટે, અને માનવજાતિની પ્રગતિ ને આગેકૂચ માટે જગતમાં જ્ઞાન અને સાધનસામગ્રીના ઉપયોગ માટે અમે કામ કરીશું.૩

પશ્ચિમની પ્રજાઓએ પોતાની કુશળતાનો ઉપયોગ બીજાને આપવો રહ્યો. અમેરિકાએ જો પોતાની કુશળતાનો ઉપયોગ પરદેશોમાં પરમાર્થબુદ્ધિથી કરવો હોય તો તે કહેશે, ‘જુઓ, અમને પુલ બનાવતાં આવડે છે. એ કળા અમે છાની નહીં રાખીએ. પણ આખી દુનિયાને અમે કહીએ છીએ કે અમે તમને પુલ બાંધતાં મફત શીખવીશું.’ ‘જ્યાં બીજી પ્રજાઓ ઘઉંનું એક કણસલું પેદા કરી શકે છે ત્યાં અમે બે હજાર પેદા કરી શકીએ છીએ.’ તો અમેરિકાએ એ કળા જે શીખવા માગે તેને મફત શીખવવી જોઇએ; પણ આખા જગતને માટે ઘઉં પેદા કરવાનો વિચાર ન કરવો જોઇએ. નહીં તો દુનિયાના બાર વાગી જાય.૪

(હિંદ તેમને શું શું આપી શકે, અને હમણાં તેમનું જે ભયંકર શોષણ ચાલે છે તેમાંથી ઊગરવાને સહકારના પાયા પર તેમના મુલકનું ઉદ્યોગીકરણ કઇ રીતે ખીલવવું, એ વિષે આફ્રિકાવાસીઓ જાણવા ઇચ્છતા હતા.)

હિંદ તમને સારા વિચારો જરૂર આપી શકે. તે તમને આખઈ દુનિયાને ઉપયોગી થાય તેવા ગ્રંથો આપી શકશે. તમારા પશ્ચિમના શોષકો તમારા કાચા માલના બદલામાં તૈયાર માલ તમારે ગળે બાંધીને જે જાતનો વેપાર તમારી સાથે ચલાવે છે તેવો હિંદનો વેપાર નહીં હોય; હિંદ અનેતમારી વચ્ચેના વહેવારમાં વિચારની ને સેવાની આપલે હશે. ઉપરાંત સૌથી વિશેષ તો હિંદ તમને રેંટિયાની ભેટ આપી શકે. હું આફ્રિકામાં હતો તે દરમિયાન મને રેંટિયો મળ્યો હોત તો ફિનિક્સમાંના મારા આફ્રિકાવાસી પડોશીઓમાં જરૂર દાખલ કરત. તમે લોકો કપાસની ખેતી કરી શકો, તમારી પાસે ફાજલ વખતની ખોટ નથી અને હાથકારીગરીનાં કામોમાં તમારી આવડત ઓછી નથી. અમે ગામડાંના હાથકારીગરીના હુન્નરોને પાછા સજીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારે તેમનો અભ્યાસ કરી તે અપનાવી લેવા. તમારી મુક્તિની ચાવી મને તેમાં દેખાય છે.૫

‘અમેરિકાની પ્રજાને માટે રેંટિયાનો કોઇ સંદેશ છે ખરો ? અણુબોમ્બની સામે તેના ઇલાજ રૂપે રેંટિયાનું હથિયાર ચાલે ખરું ?’

એકલા અમેરિકા માટે નહીં; બલકે આખી દુનિયાને માટે રેંટિયાનો સંદેશો છે. ....મને રજભાર શંકા નથી કે હિંદુસ્તાનનો, બલકે આખી દુનિયાનો ઉદ્ધાર અને તેમની સલામતી રેંટિયામાં રહેલી છે. હિંદુસ્તાન યંત્રનું ગુલામ બન્યું, તો પછી દુનિયાને માટે બચવાનો આરો નથી, એક ઇશ્વર જ તેને બચાવી શકશે.૬

મને મારા અંતરમાં ઊંડે ઊંડે એવી પ્રતીતિ થાય છે કે...જગત યુદ્ધથી અતિશય ત્રાસી ગયું છે અને તેમાંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યું છે. મને લાગે છે કે શાંતિના ભૂખ્યા જગતને માર્ગ બતાવવાનું માન કદાચ હિંદ જેવા પ્રાચીન દેશને ફાળે જશે.૭

હિંદ નિષ્ફળ નીવડશે તો એશિયાનો અંત આવશે. બહુ જ યથાર્થ રીતે હિંદને અનેક ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના સમન્વયની ભૂમિ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. એશિયા, આફ્રિકા અગર બીજા કોઇ પણ ખંડમાં હસ્તી ધરાવતી સૌ કોઇ શોષિત તેમ જ કચડાયેલી પ્રજાને માટેહિંદ આશારૂપ થાઓ અને હમેશ તેવું રહો.૮

અમે આખા જગતથી વખૂટા નથી પડી જવા માગતા. અમે સર્વે પ્રજાઓની સાથે સ્વેચ્છાએ લેવડદેવડ કરીશું, પણ આજે જે પરાણે લેવડદેવડ થાય છે તે તો જવી જ જોઇએ. અમે નથી કોઇને હાથે ચુસાવા માગતા, કે નથી કોઇને ચૂસવા માગતા. (પાયાની કેળવણીની), યોજના દ્ધારા અમે સર્વે બાળકોને કંઇક ઉત્પાદન કરતાં બનાવવાની, ને એમ કરીને આખા રાષ્ટ્રની મુખમુદ્રા બદલવાની આશા સેવીએ છીએ, કેમ કે એ વસ્તુ અમારા આખા સમાજજીવનની રગેરગમાં ઊતરી જશે, પણ એનો અર્થ એ નથી કે અમે આખા જગત જોડેનો સંબંધ તોડી નાખીશું. એવી પ્રજાઓ તો કહેશે કે જે પોતે અમુક માલ પેદા ન કરી શકે એટલા માટે બીજી પ્રજાઓ પાસેથી માલની લેવડદેવડ કરવા ઇચ્છશે. એવા માલ માટે તેઓ બીજી પ્રજાઓ પર જરૂર આધાર રાખશે, પણ એ માલ પૂરો પાડનાર પ્રજાઓએ એમને ચૂસવી ન ઘટે.

‘પણ તમને બીજા દેશો પાસેથી કશાની જરૂર જ ન પડે એટલું સાદું તમારું જીવન તમે બનાવી દો તો તમે એમનાથી અળગા પડી જ જવાના, જ્યાં હું તો ઇચ્છું કે તમે અમેરિકાને માટે પણ જવાબદાર બનો.’

ચૂસવાનું કે ચુસાવાનું બંધ કરીને અમે અમેરિકા માટે જવાબદાર બની શકીએ, કેમ કે અમે એ પ્રમાણે કરીએ તો અમેરિકા અમારા દૃષ્ટાંતનું અનુકરણ કરશે, અને પછી આપણી વચ્ચે છૂટથી લેવડદેવડ થવામાં મુશ્કેલી નહીં આવે.૯

હું જાણું છું કે એ (આદર્શ ગામ બનાવવાનું) કામ એટલું જ મુશ્કેલ છે જેટલું આખા હિંદુસ્તાનને આદર્શ બનાવવાનું હોય.... પણ જો એક જ દેહાતને કોઇ એક માણસ આદર્શ બનાવી શકે તો તેણે આખા હિંદુસ્તાનને સારુ જ નહીં પણ કદાચ આખા જગતને સારુ માર્ગ શોધી આપ્યો ગણાય. સાધક આથી આગળ જવાનો લોભ ન સેવે.૧૦

‘સ્વતંત્ર હિંદમાં કોનું હિત સર્વોપરી ગણાશે ? પડોશનું રાજ્ય તંગીમાં આવી પડે તો સ્વતંત્ર હિંદ, મારી પોતાની જરૂરિયાતો પ્રથમ પૂરી પાડવી જોઇએ, એમ કહીને, અલગપણાનું વલણ અખત્યાર કરશે ?’

સાચા અર્થમાં સ્વતંત્ર હિંદુસ્તાન આફતમાં આવી પેડલા પોતાના પડોશીની મદદે દોડી જશે. જે માણસની સ્વાર્થત્યાગ કરવાની ભાવના પોતાની કોમના વાડાથી આગળ વધતી નથી તે પોતાની જાતને સ્વાર્થી બનાવી દે છે અને આખરે પોતાની કોમને પણ સ્વાર્થી બનાવે છે. મારી મતિ પ્રમાણે, પોતાના સ્વાર્થનો ત્યાગ કરવાની ભાવનામાંથી એવું પરિણામ આવવું જોઇએ કે, વ્યક્તિ પોતાની કોમની સેવાને અર્થે સ્વાર્થત્યાગ કરે, કોમ જિલ્લાના હિતને અર્થે પોતાનો સ્વાર્થ છોડે, જિલ્લો પ્રાંતની સેવાને અર્થે પોતાનો સ્વાર્થ ત્યાગ કરે, મહાસાગરમાંના પાણીનું એક ટીપું કશું શુભ કર્યા વિના નાશ પામે છે. પણ તે જ પાણીનું ટીપું, મહાસાગરના એક અંગ તરીકે, વિરાટકાય જહાજોના મોટા કાફલાને પોતાની સપાટી પર વહી લઇ જવાના મહાસાગરના ગૌરવનું ભાગીદાર બને છે.૧૧

રામરાજ્ય એટલે હિંદુઓને રાજ્ય એમ વિચારવાની ભૂલ કોઇએ કરવી જોઇએ નહીં. મારો રામ એ ખુદા અથવા ‘ગૉડ’નું બીજું નામ છે. મારે તો ખુદાઇ રાજ્ય જોઇએ છે અને એનો અર્થ પૃથ્વી પરનું ઇશ્વરનું રાજ્ય છે આવા રાજ્યની સ્થાપનાનો અર્થ સમગ્ર હિંદના લોકોનું જ નહીં પણ આખી દુનિયાના લોકોનું કલ્યાણ છે.૧૨

હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઇચ્છું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. શુદ્ધ વ્યક્તિ કુટુંબને માટે પોતાનું બલિદાન આપશે, કુટુંબ ગામને માટે, ગામ જિલ્લાને માટે, જિલ્લો પ્રાંતને માટે, પ્રાંત રાષ્ટ્રને માટે અને રાષ્ટ્ર માનવસમસ્તને માટે.૧૩

સ્વરાજ દ્ધારા પણ આપણે તો જગતનું હિત સાધવું છે.૧૪

રાજ્યે નિર્માણ કરેલી સરહદોની પેલે પારના આપણા પડોશીોને આપણી સેવા આપવાને કશી સીમા નથી. ઇશ્વરે કદી પણ એવી સરહદો સરજી નથી.૧૫