Satya Aej Ishwar Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Satya Aej Ishwar

સત્ય એ જ ઈશ્વર છે


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧. મારી ખોજ

૨. ઇશ્વર છે

૩. કેવળ એક ઇશ્વર છે

૪. સત્ય એ જ ઇશ્વર છે

૫. ઇશ્વર પ્રેમ છે

૬. ઇશ્વર સચ્ચિદાનંદ છે

૭. ઇશ્વર અને કુદરત

૮. ઇશ્વર દરિદ્રનારાયણને સ્વરૂપે

૯. ઇશ્વરનો અવાજ

૧૦. ઇશ્વરનો અનુભવ

૧૧. અહિંસાનો માર્ગ

૧૨. ધર્મનો સાર પ્રાર્થના

૧૩. પ્રાર્થના શા સારુ ?

૧૪. કેવી રીતે, કોને અને ક્યારે પ્રાર્થના કરવી

૧૫. ઉપવાસ

૧૬. નિરંતર ચાલી રહેલું દ્ધંદ્ધયુદ્ધ

૧૭. આત્મશુદ્ધિ

૧૮. મૌનનો મહિમા

૧૯. ધર્મોની સમાનતા

૨૦. સર્વધર્મસમભાવ

૨૧. ધર્માન્તર

૨૨. હું હિંદુ કેમ ?

૨૩. બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ

૨૪. ઇશ્વર અને દેવો

૨૫. મંદિરો ને મૂર્તિઓ

૨૬. વૃક્ષપૂજા

૨૭. બુદ્ધિ અને શ્રદ્ધા

૨૮. શાસ્ત્રો

૨૯. ગીતાનો સંદેશ

૩૦. સત્યમાં સૌંદર્ય

૩૧. રામનામ

૩૨. નિસર્ગોપચાર

૩૩. સર્વ જીવનની એકતા

૩૪. બ્રહ્મચર્ય એટલે શું ?

૩૫. બ્રહ્મચર્યનાં પગથિયાં

૩૬. લગ્ન : પવિત્ર ધાર્મિક સંસ્કાર-વિધિ

૩૭. અપરિગ્રહનો ધર્મ

૩૮. મજૂરી - ઇશ્વરની ઉપાસના

૩૯. સર્વોદય

૪૦. અણુબૉમ્બ અને અહિંસા

૪૧. પૃથ્વી પર શાંતિ

૪૨. પ્રકીર્ણ

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણી વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

ગાંધીજી

૧. મારી ખોજ

હું સત્યનો એક વટેમાર્ગુમાત્ર છું. એ સત્યનો માર્ગ મને જડ્યો છે એમ કહું છું અને તેને શોધી વળવાને હું સતત પ્રયત્ન કરી રહ્યો છું એટલો જ દાવો કરું છું. હું એ પણ કબૂલ કરું છું કે હજુ એ સત્ય મને સાંપડ્યું નથી. પૂર્ણ સત્ય સાંપડવું એટલે આત્મસાક્ષાત્કાર કરવો અને પોતાના જીવનનું નિર્માણ લાધવું, એટલે કે પૂર્ણાવસ્થાએ પહોચવું. મારી અપૂર્ણતાઓનું મને દુઃખદ ભાન છે અને એમાં જ મારું બધું બળ સમાયેલું છે, કારણ કે પોતાની અપૂર્ણતા અને પોતાની ત્રુટિઓ જાણવી એ આ દુનિયામાં દુર્લભ વસ્તુ છે.

નવજીવન, ૨૦-૧૧-’૧૨

જો હું પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલો હોત તો મારા પાડોશીનાં દુઃખ જોઇ અત્યારે હું જે રીતે દુઃખી થાઉં છું તેવો દુઃખી થાત નહીં. પૂર્ણ મનુષ્ય તરીકે હું તે ધ્યાનમાં લેત, તેનો ઉપાય બતાવત અને મારામાંના અજેય સત્યના સામર્થ્ય વડે હું તે ઉપાયો બીજાઓની પાસે લેવડાવત. પણ હજી તો હું કાચમાંથી જોતો હોઉ તેમ ઝાંખું જ જોઇ શકું છું અને તેથી ધીરજપૂર્વક અને મહેનતભરી રીતોથી મને સૂઝે છે તે વસ્તુ મારે સામાને ગળે ઉતારવી પડે છે. આવી સ્થિતિ હોવાથી આજે મટાડી શકાય તેવા આધિવ્યાધિઓમાં દેશ આખાને ડુબેલો જાણવા છતાંઅને પ્રત્યક્ષ જગન્નાથની છાયા હેઠળ સુધ્ધાં હાડપિંજર બનેલાં હજારોલાખો દેશબાંધવોને જોવા છતાં જો હું એ બધાના દુઃખથી દુઃખી ન થાઉં તો મારી માણસાઇ લાજે.

નવજીવન, ૨૦-૧૧-’૧૨

હું મથામણ કરવાવાળો સામાન્ય જીવ છું, અને સંપૂર્ણપણે સારો થવાને, સંપૂર્ણપણે સાચો થવાને અન મન, વાણી તેમ જ કર્મથી સંપૂર્ણપણે અહિંસક થવાને ઝંખું છું, છતાં જે આદર્શને સત્ય માનું છું તેને પહોંચવામાં નિત્ય નિષ્ફળ જાઉં છું, આ ચઢાણ સીધું ને કઠણ તેમ જ કષ્ટદાયક છે, પણ એ કષ્ટ મને ખરેખરો આનંદ આપે છે. એ ચઢાણ પર આગળ પગ માંડતો જાઉં છું તેમ તેમ દરેક પગલે હું વધારે મજબૂત અને તેથીયે આગળનું પગલું માંડવાને વધારે લાયક થતો જાઉં છું એવું મને લાગે છે.

યંગ ઇન્ડિયા, ૯-૪-’૨૫

માર્ગ હું જાણું છું. એ સાંકડો અને તલવારની ધાર જેવો દુર્ગમ છે. મને એ પંથે જવામાં આનંદ આવે છે. એમાંથીજ્યારે જ્યારે સ્ખલન થાય છે ત્યારે મને રોવું આવે છે. પણ ઇશ્વરનું અભયવચન છે કે, ન હિ કલ્યાણકૃત કશ્ચિત્‌ દુર્ગતિ તાત ગચ્છતિ - કલ્યાણમય પ્રયત્ન કરનારની કદી દુર્ગતિ નથી.એ અભયવચનમાં મારી નિઃશંક શ્રદ્ઘા છે. એટલે મારી દુર્બળતાને લીધે મારી હજારો ભૂલ થતી હોય તોપણ, મારી શ્રદ્ઘા કદી ઓછી થવાની નથી. અને હું સદાય આશા રાખીશ કે જ્યારે મારા તમામ વિકારો શાંત થઇ મારા આત્માને સંપૂર્ણપણે વશ થયા હશે, ત્યારે મને પ્રેમળ જ્યોતિનાં દર્શન થયા વિના નહીં રહે,

નવજીવન, ૨૦-૬-’૨૬

અંતર્યામીને મેં જોયો નથી, જાણ્યો નથી. જગતની ઇશ્વર વિશેની શ્રદ્ઘાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધા કોઇ રીતે ભૂંસી શકાય એવી નથી, તેથી તેને શ્રદ્ધારૂપે ઓળખતો મટી અનુભવરૂપે જ ઓળખું છું. છતાં એને એમ અનુભવરૂપે ઓળખાવવી એ પણ સત્ય ઉપર એક પ્રકારનો પ્રહાર છે, તેથી તેને શુદ્ધ રૂપે ઓળખાવનારો શબ્દ મારી પાસે નથી એમ કહેવું એ જ કદાચ વધારે યોગ્ય હોય.

આત્મકથા (૧૯૫૨), પા. ૨૭૬

બાળપણથી જ સત્યનો ઉપાસક હોવાનો મારો દાવો છે. મારે માટેએ સૌથી સહજ વસ્તુ હતી. મારી ભક્તિભરી ખોજને પરિણામે ‘ઇશ્વર સત્ય છે’ એ પ્રચલિત સૂત્રને બદલે ‘સત્ય એ જ ઇશ્વર છે’ એ વસ્તુસ્થિતિનું હાર્દ પ્રગટ કરનારું સૂત્ર મને લાધ્યું. એ સૂત્રની સહાયથી જ હું જાણે કે ઇશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું; મારી રગેરગમાં હું તેને વ્યાપી રહેલો અનુભવું છું. હરિજનબંધુ, ૯-૮-’૪૨

અહિંસા મારો ધર્મ છે, મારો ઇશ્વર છે; સત્ય મારો ધર્મ છે, મારો ઇશ્વર છે. સત્યને ઢુંઢું છું ત્યારે અહિંસાને ઢુંઢું છું ત્યારે અહિંસા કહે છે કે મારી મારફત ઢુંઢો.

નવજીવન, ૩૧-૫-’૨૫

વ્યાપક સત્નનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ જીવનમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો તેથી જ સત્યની મારી પૂજાઅને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઇ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મકથા (૧૯૫૨), પા.’૨૭

માનવજાતની સેવા કરી તે દ્ધારા હું ઇસ્વરને અનુભવવા મથું છું કેમ કે હું જાણું છું કે ઇશ્વર ઉપર સ્વર્ગમાં નથી કે અહીં નીચે નથી પણ હરેકમાં છે.

યંગ ઇન્ડિયા, ૪-૮-’૨૭

મને પૃથ્વીના નસ્વર નથી, મારો તો સ્વર્ગનું રાજ્ય, એટલે કે મોક્ષ મેળવવાનો પ્રયાસ છે. અને એ સાધ્ય પ્રાપ્ત કરવાને ગુહાનો આશ્રય લેવાની કશી જરૂર નથી, એક ગુહ નિત્ય નિરંતર હું સાથે લઇને ફરું છું જો મને તેનું જ્ઞાન રહ્યા કરતું હોય તો. અને ગુહાવાસી તો મનના મહેલ પણ રચે, જ્યારે મહેલમાં રહેનાર જનક જેવાને કોઇ મહેલ રચવાની જરૂર પણ ન રહે. જે ગુહાવાસીનું ચિત્ત સદાય સંસારમાં ભમ્યા સંસારમાં ભમ્ય કરતું હોય તેને શાંતિ નથી પણ અનેક રાજ્યવૈભવ ભોગવતા છતાં જનકને એવી શાંતિ હોય કે જેનો પાર નહીં પામી શકાય. મારે માટે તો મોક્ષનો માર્ગ મારા દેશની અને તે દ્ધારા જનસમાજની સેવામાં અનવરત પરિશ્રમ કરવામાં જ રહેલો છે. મારે પ્રાણીમાત્રની સાથે અભેદબાવ અનુભવવો છે.

નવજીવન, ૬-૪-’૨૪

માણસોને નામે ઓળખાય છે તે જીવો સાથે જ નહીં, જીવમાત્ર સાથેે, ભોંય પર પેટે ચાલનારા તુચ્છ મનાતા જીવો સાથે પણ મારે આત્મીયતા અથવા અભેદ અનુભવવો છે. તમને આઘાત લાગે તોયે મારે કહેવું જોઇએ કે ભોંય પરપેટ ઘસડીને ચાલનારા જીવો સાથે પણ હું આત્મીયતા અથવા અભેદ ઝંખું છું કેમ કે એક જ ઇસ્વરમાંથી ઊતરી આવ્યાની આપણે વાત કરીએ છીએ અને તેથી હરકોઇ દેખાતું ચેતનમાત્ર તત્ત્વતા એક જ હોવું જોઇએ.

યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯

‘ગાંધીવાદ’ જેવી કોઇ વસ્તુ છે જ નહીં; અને મારે મારી પાછળ કોઇ સંપ્રદાય મૂકી જેવો નથી. મેં કંઇ નવું તત્ત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યાં આવે છે. મેં તો માત્ર મારાથી બન્યું એટલા વિશાળ પ્રમાણમાં એ બંનેના પ્રયોગો કર્યા છે. એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે ને એ ભૂલોમાંથી હું શીખ્યો છું. એટલે જીવન અને પ્રશ્નોમાંથી મને તો સત્ય અને અહિંસાના આચરણના પ્રયોગો કરવાનો અવકાશ મળી ગયો છે.

હરિજનબંધુ, ૨૯-૩-’૩૬

સત્ય અને અહિંસા પર મારી શ્રદ્ધા પળે પળે વધતી જાય છે અને મારા જીવનમાં તેમને ઉતારવાને હું પળે પળે મથું છું. તેથી મારો પણ પળે પળે વિકાસ થયા કરે છે, મને તે બંને વિશે નવા નવા અર્થ સૂઝતા જાય છે. દરરોજ મને તે બંનેનું નવું નવું દર્શન થયા કરે છે અને તેમનો નવો નવો અર્થ મારા દિલમાં ઊગે છે.

હરિજન, ૨-૨-’૪૦

૨. ઇશ્વર છે

દરેકે દરેક પદાર્થમાં વ્યાપી રહેલી કોઇક ગૂઢ સત્તા છે, જેનું શબ્દોથી વર્ણન કે વ્યાખ્યા થઇ શકતી નથી. હું તેને જોઇ શકતો નથી છતાં તેનો અનુભવ મને થયા કરે છે. આ અદૃશ્ય સત્તાનો અનુભવ થાય છે ખરો પણ તેની સાબિતી આપી શકાતી નથી કેમ કે મારી ઇન્દ્રિયો વડે જે જે પદાર્થોનું જ્ઞાન મને થાય છે તે સર્વેથી તે સત્તા તદ્દન જુદી જાતની છે. તે ઇન્દ્રિયોથી પર છે.

છતાં અમુક હદ સુધી ઇસ્વરની હસ્તી તર્કથી સમજી અથવા સમજાવી શકાય એવું છે. દુનિયાના સામાન્ય વહેવારમાં પણ આપણે જોઇએ છીએ કે પોતાના પર કોણ શાસન ચલાવે છે, શા સારુ શાસન ચલાવે છે અથવા કેવી રીતે શાસન ચાલાવેછે તે લોકો જાણતા નથી. અને છતાં એક સત્તાની હયાતી છે ને તે અચૂક શાસન ચલાવે છે એટલું તેઓ જાણે છે. મૈસૂરના મારા ગઇ સાલના પ્રવાસમાં મારે ગામડાના ઘણા ગરીબ લોકોને મળવાનું થયેલું અને તેમને પૂછતાં મૈસૂરમાં કોનું રાજ ચાલે છે તે પોતે જાણતા નથી એમ તેમણે મને કહેલું. કોઇક દેવનું રાજ ચાલે છે એટલી વાત માત્ર તેમણે કહેલી. હવે, પોતાના પર શાસન ચલાવનાર રાજા વિશે આ ગરીબ લોકોનું જ્ઞાન આવું ઓછું છે, અને તે લોકો પોતાના શાસકના કરતાં જેટલા અલ્પ છે તેને હિસાબે હું ઇશ્વરના કરતાં ક્યાંયે વધારે અલ્પ છું તો પછી રાજાઓનો પણ જે રાજા એવા ઇશ્વરની હાજરીનો મને અનુભવ ન થતો રાજાઓનો પણ જે રાજા એવા ઇશ્વરની હાજરીનો મને અનુભવ ન થતો હોય તેની શી નવાઇ ? આમ છતાંય ગરીબ ગામલોકોને મૈસૂરની બાબતમાં લાગતું હતું તેમ વિશ્વની બાબતમાં મને લાગે છે કે તેમાં વ્યવસ્થા છે, તેમાં હયાત એવા દરેક પદાર્થને અને જીવનારા જીવને ચલાવનારો કોઇક અફર કાનૂન છે. અને એ કોઇ આંધળો કાનૂનનથી. કેમ કે તેવો કાનૂન જીવતાં પ્રાણીઓના આચારને તાબે ન રાખી શકે. વળી, હવે સર જગદીશચંદ્ર બોઝની અદ્‌ભુત શોધોને આધારે સાબિત થાય છે કે જડ પદાર્થો પણ ચેતન છે. તેથી,જેને તાબે જીવનમાત્ર નભે છે ને ચાલે છે તે કાનૂન ઇશ્વર છે. અહીં કાનૂન અને તે કાનૂનનો ઘડનારો બંને એક છે. એ કાનૂન અને તેના ઘડનાર વિશે મને નહીં જેવું જ્ઞાન હોય તેટલા જ કારણે મારાથી તે કાનૂનનો કે તેના ઘડનારનો ઇનકાર ન થાય. કોઇક દુન્યવી સત્તાની હયાતીનો હું ઇન્કાર કરું અથવા તેનું મને જ્ઞાન ન હોય તેથી જેમ મારો કશો અર્થ સરતો નથી, તેવી જ રીતે ઇશ્વરના અને તેના કાનૂનના ઇનકારથી તેના શાસનમાંથી હું મુક્ત થઇ શકતો નથી. એથી ઉલ્ટું, દુન્યવી સત્તાના સ્વીકારથી તેના અમલ નીચે જીવનવ્યવહાર સરળ બને છે તેમ ઇશ્વરી સત્તાનો મૂંગા રહીને ખામોશથી નમ્રપણે સ્વીકાર કરવાથી જિંદગીની સફર સરળ બને છે.

મારી આસપાસની સકળ સૃષ્ટિ હમેશ પલટાયા કરે છે, હમેશ નાશ પામે છે છતાં એ બધાયેે વિકાર ને પલટાઓની પાછળ એક અવિકારી, સ્થિર, સર્વને ધારણ કરવાવાળી, સર્વનું સર્જન કરવાવાળી, સર્વનો વિલય કરવાવાળી અને સર્વનું ફરી સર્જન કરવાવાળી એક ચેતન સત્તા રહેલી છે એવી મને આછી આછી ઝાંખી થયા કરે છે. સર્વને વ્યાપીને રહેલી એ સત્તાન અથવા આત્મા તે જ ઇશ્વર છે. અને કેવળ ઇન્દ્રિયો દ્ધારા જેનું મને જ્ઞાન થાય છે તે બધુંયે ટકવાવાળું નથી અથવા ટકવાનું સામર્થ્ય ધરાવતું નથી તેથી તે જ એક છે. એકમાત્ર તેની જ હયાતી છે.

અને આ સત્તા પ્રેમાળ છે કે ડંખીલી છે, શુભ છે કે અશુભ છે ? હું અનુભવું છું કે તે કેવળ પ્રેમમય છે, કેવળ શુભ છે. કારણ, હું હરપળે જોઉં છું કે મૃત્યુની વચ્ચે જીવન કાયમ ટકી રહેલું છે, અસત્યની વચ્ચે સત્ય ટકી રહેલું છે અને અંધકારની વચ્ચે પ્રકાશ ટકી રહેલો છે. એથી હું સમજું છું કે ઇશ્વર જીવન છે, સત્ય છે, પ્રકાશ છે. તે જ પ્રેમ છે. તે જ પરમ કલ્યાણ છેે.

પણ જેનાથી ખરેખર થતું હોય તોયે કેવલ બુદ્ઘિનું સમાધાન થાય તે ઇશ્વર નથી. ઇશ્વરનું ઇશ્વરત્વ તેની હ્ય્દય પર ચાલતી હકુમતમાં અને હ્યદયનું પરિવર્તન કરવાના તેના સામર્થ્યમાં રહેલું છે. પોતાના ભક્તના નાનામાં નાના કાર્યમાં તે વ્યકત થવો જોઇએ, થાય છે.પાંચે ઇન્દ્રિયો મળીને જે જ્ઞાન કરાવે તેના કરતાંયે વધારે સાચા, સાક્ષાત્‌ અને સ્પસ્ટ અનુભવથી જ એ બની શકે. ઇન્દ્રિયોથી થતાં જ્ઞાન આપણને ગમે તેટલાં સાચાં ભાસતાં હોય તોયે જૂઠાં તેમ જ ભ્રામક હોવાનો સંભવ છે અને ઘણી વાર હોય છેયે ખરાં. ઇન્દ્રીયોથી પર જે સાક્ષાત્કાર થાય તે જ અચૂક સાચો અને આધાર રાખવા જેવો હોય છે. કોઇ બહારના પુરાવાથી નહીં પણ જેમણે અંતરમાં ઇશ્વરના અસ્તિત્વનો અનુભવ કર્યો હોય તેમના પરિવર્તન પામેલા આચાર અને ચારિત્ર્યથી તેની સાચી સાબિતી મળે છે.

બધાયે દેશો ને પ્રદેશોમાં થઇગયેલા પેગંબરોની અને સંતોની અતૂટ પરંપરાના અનુભવોમાંથી એવી સાબિતી મળી રહે છે.

દૃઢ શ્રદ્ધા આવા અનુભવની પુરોગામી હોય છે. જેને પોતાની જાતમાં ઇશ્વરની હયાતીની હકીકતનું પારખું લેવું હોય તે જીવંત શ્રદ્ધાને જોરે તેમ કરે. અને ખુદ શ્રદ્ધાની સાબિતી બહારથી મળે શકતી નથી એટલે સલામતમ રસ્તો દુનિયાના નૈતિક શાસનમાં અને તેથી નીતિના કાનૂનમાં એટલે કે સત્ય અને પ્રેમના કાનૂનમાં શ્રદ્ધા રાખવાનો છે. સત્યથી અને પ્રેમથી વિરોધી જે કંઇ હોય તેનો તાબડતોબ ત્યાગ કરવાનો ચોખ્ખો નિરધાર હોય ત્યાં શ્રદ્ધાનો અમલ સહેલો ને સલામતમાં સલામત હોય છે.

તર્ક અથવા બુદ્ધિના કોઇ રીતથી અશુભની હસ્તી હું સમજાવી શકું એમ નથી. એમ કરવાના પ્રયાસમાં ઇશ્વરની સમાન થવાપણું છે. તેથી અશુભને અશુભ તરીકે ઓળખવા જેટલો હું નમ્ર છું. અને ઇશ્વર પોતે દુનિયામાં અશુંભ અથવા પાપને નભાવી લે છે તેથી જ હું તેને અપાર ક્ષમાવાન અને ખામોશવાળો માનું છું. તેનામાં કશું અશુભ નથી તે હું જાણું છું. તેનો સર્જક તે પોતે હોવા છતાં તેનાથી બિલકુલ અસ્પૃષ્ટ છે, તેનાથી જરાયે લેપાતો નથી.

અને હું એવું પણ સમજું છું કે અશુભની સાથે અને તેની સામે ખુદ જીવનને જોખમે પણ ઝઘડતો ન રહું તો હું ઇશ્વરને કદી પામવાનો નથી. મારા નમ્ર અને મર્યાદિત અનુભવને આધારે મારી આ માન્યતામાં હું દૃઢ રહું છું. જેટલા પ્રમાણમાં હું શુદ્ધ થવાની અને અશુભથી અળગો રહેવાની કોશિશ કરું છું તેટલા પ્રમાણમાં હું ઇશ્વરની વધારે નજીક પહોંચું છું એવું મને લાગે છે. તો મારી શ્રદ્ધા જે આજે કેવળ નામ પૂરતી છે તે હિમાલય જેવી સ્થિર અને તેનાં શિખરો પર ઝળહળતા હિં જેવી શુભ ને તેજસ્વી હોય તો હું ઇશ્વરની કેટલો બધો વધારે નજીક પહોંચી જાઉં ? દરમિયાન મારા પર પત્ર લખનારા ભાઇને જેમણે પોતાના અનુભવમાંથી ગાયું છે તે કાર્ડિનલ ન્યુમૅન સાથે પ્રાર્થના કરવાને ભલામણ કરું છું કે,

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવનપંથ ઉજાળ.

દૂર પડ્યો નિજ ધામથી હું ને

ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,

નિજ શિશુને સંભાળ,

મારો જીવનપંથ ઉજાળ.

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,

દૂર નજર છો ન જાય,

દુર માર્ગ જોવા લોભ લગીર ન,

એક ડગલું બસ થાય.

મારે એક ડગલું બસ થાય.

યંગ ઇન્ડિયા, ૧૧-૧૦-’૨૮

૩. કેવળ એક ઇશ્વર છે

મારે મન ઇશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે; ઇશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે. અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઇશ્વર અંતઃકરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે. કારણ પરમ પ્રેમસ્વરૂપ હોઇ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે. તે અંતર્યામી છે. વાણી તથા બુદ્ધિ તેને પામી શકતી નથી. આપણે આપણને તથા આપણા હ્ય્દયને જાણીએ છીએ તેકરતાં તે વધારે સારી રીતે જાણે છે. તે આપણા બોલ્યા સામું જોતો નથી, કારણ તે જાણે છે કે આપણે જાણીને અથવા અજાણતાં જેમ આવે તેમ બોલી નાખીએ છીએ. જેને મૂર્તિ સ્વરૂપે ભગવાનની હાજરી જોઇએ તેની આગળ તે મૂર્ત સ્વરૂપે દર્શન દે છે. જેને તેનો સત્ત્વસ્વરૂપે છે. શ્રદ્ધાળુને તે કેવળ સત્‌સ્વરૂપે છે. માણસ જેમ તેને પ્રપન્ન થાય તેમ તે તેને ફળ આપે છે. તે આપણા અંતરમાં છે છતાં આપણાથી પર છે. મહાસભામાંથી ઇશ્વર શબ્દનો ભલે કોઇ બહિસ્કાર કરે પણ કોઇનો ભાર નથી કે પરમ પદાર્થને દૂર કરી શકે. ‘પ્રતિજ્ઞાપૂર્વક’ કહેવુંએ ‘ઇશ્વરને સાક્ષી રાખીને’ કહેવાની બરાબર જ નથી તો શું છે ? અને ‘અંતર્નાદ’ એ ત્રણ અક્ષરના સાદા સમુદાય ‘ઇશ્વર’નું દીન તથા સીદી ભાઇના ડાબા કાન જેવું વિવરણ જ છે. ઇશ્વરને નામે હડહડતા અનાચાર અથવા પશુ જેવા કામ થાય તેથી ઇશ્વરને કાંઇ બાધ આવતોે નથી. તે અત્યંત ક્ષમાવાન છે. તે સહનશીલ છે. પણ તે ભયંકરેય છે. આ લોકમાં તથા પરલોકમાં પાઇએ પાઇનો હિસાબ લેનાર એના જેવો કોઇ નથી. આપણા સંબંધી મનુષ્ય તથા પશુને જેમ આપણે રાખીએ તેમ તે આપણને રાખે છે.આપણે અજ્ઞાન છીએ એવો બચાવ એની પાસે ચાલતો નથી. પણસાથે સાથે તે સદાય ક્ષમાવાન છે, કારણ તે સદાય આપણને પશ્ચાત્તાપ કરવાની તક આપે છે. સ્વતંત્રતાનો પક્ષપાતી એના જેવોએકે નથી. કારણ સત્‌ તથા અસત્‌ના વિવેક વિશે તે આપણને પૂરેપૂરિ સ્વતંત્રતા આપે છે. જુલમી પણએનાજેવો કોઇ નથી, કારણ તે વારંવાર આપણી કરી કમાણી એક ક્ષણમાં ધૂળમાં મેળવે છે અને આપણને સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપવાને મિષે એટલી મિથ્યા છીએ, તે જ કેવલ સત્ય છે. અને આપણે સત્યસ્વરૂપ બનવું હોય તો અહનિંશ આપણે તેનું ભજનકીર્તન કરીએ અને તેની આજ્ઞાનું પાલન કરીએ. એની વાંસળીના સૂર પ્રમાણે નૃત્ય કરીએ બધાં રૂડાં વાનાં થાય.

નવજીવન, ૮-૩-’૨૫

અદ્રૈતવાદ અને ઇશ્વર

(એક સજ્જને પૂછેલા પ્રશ્ના જવાબમાં ગાંધીજીએ નીચે પ્રમાણે લખ્યું.)

મને હું અદ્રૈતવાદી માનું છું ખરો પણ દ્રૈતવાદનુંયે હું સમર્થન કરી શકું છું. સૃષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય, અસ્તિત્વરહિત કહેવાઇ પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહો, તે રૂપે છે એમ પણ જોઇ શકીએ તેથી તે સત્ય પણ છે. તેથી તેને સત્યાસત્ય કહો તો મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી સ્યાદ્‌વાદી માનવામાં આવે તો બાધ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખું છું તે રીતે માનનારો છું, પંડિતો મનાવવા ઇચ્છે તેમ કદાચ નહીં જ. તેઓ મને વાદમાં ઉતારે તો હું હારી જાઉં. મેં તો મારા અનુભવે જોવું છે કે મારી દૃષ્ટિએ હું હમેશાં સાચો હોઉંછું. અને મારા પ્રમાણિત ટીકાકારની દષ્ટિએ હું ઘણી વાર ભૂલેલો ગણાઉં છું તે તે દૃષ્ટિએ અમે બંને સાચા હોઇએ છીએ એ હું જાણું છું. એ જાણવાથી કોઇને હું સહસા જૂઠો, કપટી વગેરે માની જ નથી શકતો. સાત આંધળાએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પોતપોતાની દૃષ્ટિએ સાચા હતા, એકબીજાની દષ્ટિએ ખોટા હતા ને જ્ઞાનીની દૃષ્ટિએ સાચાખોટા હતા. આ અનેકાંતવાદ મને બહું પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનની દૃષ્ટિએ, ખ્રિસ્તીની તેની દૃષ્ટિએ કરતાં શીખ્યો. મારા વિચારોને કોઇ ખોટા ગણે છે ત્યારે મને તેમના અજ્ઞાનને વિશે પૂર્વ રોષ ચડતો. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઇ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું. કેમ કે હું જગતના પ્રેમનો ભૂખ્યો છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.

ઇશ્વરને હું જે રૂપે માનું છું તે રૂપે જ વર્ણવુંછું. લોકોને ભોળવીને હું શાને સારુ મારું અધઃપતન કરું ? મારે તેઓની પાસેથી કયું ઇનામ લેવું હતું ? હું ઇશ્વરને કર્તાઅકર્તા માનું છું. એ પણ મારા સ્યાદવાદમાંથી ઉદ્‌ભવે છે. જૈનની પાટે બેસીને ઇશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરું ને રામાનુજની પાટે બેસીને કર્તાપણું સિદ્ઘ કરું. આપણે બધા અચિંત્યનું ચિંતવન કરીએ છીએ, અવર્ણનીયનું વર્ણન કરીએ છીએ, અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તોતડી છે, અધૂરી છે ને કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેદે અલૌકિક શબ્દયોજના કરીને તેને ‘નેતિ’ વિશેષણથી ઓળખાવ્યો કે તેને ઓળખાવ્યું. પણ જોકે તે આ નથી છતાં તે છે. અસ્તિ, સત્‌, સત્ય, ૦,૧,૧૧... એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતપિતા છે, તેને પેદા કરનાર છે.... તો પછી સર્વનો પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હોય તો આપણે નથી, તેથી જ આપણે બધા એકે અવાજે તેને પરમાત્મા, ઇશ્વર, શિવ, વિષ્ણુ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હોરમજ, યહોવા, ગૉડ ઇત્યાદિ અનેક અને અનંત નામે પોકારીએ છીએ. તે એક છે, બહું છે; અણથીયે નાનો, હિમાલયથી મોટો; સમુદ્રના એક બિંદુમાં સમાઇ જાય ને સાત સમુદ્ર મળીને પણ તેને ઝીલી ન શકે એવો ભારે છે. તેને જાણવા સારુ બુદ્ધિવાદ શા કામનો ? તે તો બુદ્ધિથી પર છે. ઇશ્વરનું અસ્તિત્વ માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ અનેક તર્કવિતર્ક કરી શકે. મોટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જાઉં. તોયે મારી શ્રદ્ધા બુદ્ધિથીએટલે બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહું, ‘ઇશ્વર છે, છે ને છે જ.’

પણ જેને ઇશ્વરનો ઇનકાર કરવો હોય તેને તેમ કરવાનોયે અધિકાર છે. કેમ કે તે તો દયાળુ છે, રહીમ છે, રહેમાન છે, તે કંઇ માટીનો બનેલો રાજા નથી કે તેને પોતાની આણ કબૂલ કરાવવા સિપાહી રાખવા પડે. તે તો આપણને સ્વતંત્રતા આપડો છતો માત્ર પોતાની દયાના બળથી આપણી પાસે નમન કરાવે છે. પણ આપણામાંના કોઇ નમન ન જ કરે તો કહે છે : “ભલે ન કરો; મારો સુરજ તો તમારે સારુયે તપશે, મારો મેઘ તમારે સારુયે વરસશે. મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારા ઉપર બળાત્કાર વાપરવાની જરૂર જ નથી.” એ ઇશ્વરને જે નાદાન હોય તે ભલે ન માને. હું તો કરોડો ડાહ્યામાંનો એક હોઇ સહસ્ત્ર વાર નમસ્કાર કરતો છતો થાકતો નથી

નવજીવન, ૧૭-૧-’૨૬

૪. સત્ય એ જ ઇશ્વર છે

(લંડનમાં મળેલી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતાં સ્વિટ્‌ઝલૅન્ડમાં થયેલી એક સભામાં પૂછવામાં આવેલા એક જવાબમાં ગાંધીજીએ નીચે મુજબ કહ્યું હતું.)

ઇશ્વર સત્ય છે એમ હું શાથી માનું છું એેવું તમે મને પૂછયું. મારા બચપણમાં હિંદ ધર્મશાસ્ત્રોમાંથી વિષ્ણુસહસ્ત્રનામથી ઓળખાતા એક ગ્રંથમાંનાં ઇશ્વરના હજાર નામોનો પાઠ કરવાનું મને શીખવવામાં આવ્યું હતું. પણ એ હજાર નામોમાં તેના બધાં નામો આવી જતાં નહોતાં, બીજાં કેટલાંયે બાકી રહેતાં હતાં. આપણે માનીએ છીએ અને મને લાગે છે એ સાચી વાત છે કે જેટલા જીવ છે તેટલાં ઇશ્વરનાં નામ છે અને ઇશ્વરની આપણે એમ પણ કહીએ છીએ કે ઇશ્વર નામરહિત છે. અને ઇશ્વરનાં અનેક રૂપો છે તેથી તે રૂપરહિત છે એમ પણ આપણે કહીએ છીએ. વળી, તે અનેક બોલીમાં આપણી સાથે વાત કરી છે તેથી આપણે તેને બોલી વગરનો કહીને ઓળખાવીએ છીએ. એ જ પ્રકારે તેનાં બીજાં વર્ણના પણ થાય છે. આથી ઇસ્લામનો અભ્યાસ કર્યો ત્યારે મેં જોયું કે ઇસ્લામ પણ તેને પાર વગરનાં નામો વડે ઓળખાવે છે. જે લોકો ઇશ્વર પ્રેમ છે. એમ કહે છે તેમની સાથે હું પણ કહીશ કે ઇશ્વર પ્રેમ છે. પણ મારા અંતરના ઊંડામાં ઊંડા ખૂણામાં હું કહેતો કે ઇશ્વર પ્રેમ ભલે હોય પણ સૌથી વિશેષ તો તે સત્ય છે. માણસની બોલીમાં ઇશ્વરનું પૂરેપૂરું વર્ણન થઇ શકતું હોય તો હું મારી જાતપૂરતો એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઇશ્વર સત્ય છે. પણ બે વરસ ઉપર હું એથીયે એક ડગલું આગળ જઇ કહેવા લાગ્યો કે સત્ય એ જ ઇશ્વર છે. ઇશ્વર સત્ય છે અને સત્ય એ જ ઇશ્વર છે એ બંને વિધાનો અથવા વર્ણનો વચ્ચે રહેલો સૂક્ષ્મ ભેદ તમે જોઇ શકશો. અને આજથી લગભગ પચાસ વરસ ઉપર શરૂ થયેલી સત્યની એકધારી કઠોર ખોજને અંતે હું એ નિર્ણય પર પહોંચ્યો છું. એ ખોજ કરતાં હું સમજ્યો કે સત્યની પાસેમાં પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમનેમાટે કાંઇ નહીં તો અંગ્રેજીમ૩ાં વપરાતા લવ શબ્દના અનેક અર્થો થાય છે અને કામને નામે ઓળખાતો માણસ માણસ વચ્ચેના ખેંચાણમો તીવ્ર આવેગ માણસનું અધઃપતન કરનારો પણ નીવડે છે. વળી,મેં એમ પણ જોયું કે અહિંસાના અર્થમાં પ્રેમને ઓલખનારા પ્રેમનાભક્તોની સંખ્યા દુનિયામાં ઝાઝી નથી. પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં કદી આવ્યો નથી. અને ઇશ્વરનો ઇન્કાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઇશ્વરનો ઇનકાર કરતાં અચકાયા નથ. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીયે નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઇ શક્યો કે ઇશ્વર સત્ય છે એમ કહેવાને બદલે મારે સત્ય એ જ ઇશ્વર છે એમ કહેવું જોઇએ. અહીં મને ચાર્લ્સ બ્રેડલૉનું નામ યાદ આવે છે. તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવામાં આનંદ માનતા. પણ હું તેમને ઇશ્વરથી ડરીને ચાલનારા માણસ તરીકે ઓળખાવું. મારા આવા દાવાનો તે ઇનકાર કર્યા વગર ન રહે એ હું જાણું છું. હું તેમને કહું કે “મિ. બ્રૅડલો, તમે સત્યથી ડરીને ચાલનારા માણસ છો, અને તેથી ઇશ્વરથી ડરીને ચાલનારા માણસ છો,” તો તેમનું મોં લાલચોળ થઇ જાય. તે છતાં સત્ય ઇશ્વર છે એમ કહીને હું સહેજમાંતેમની ટીકાને રોકી શકું કેમ કે એવી જ રીતે કેટલાયે ટીકા કરવાવાળા જુવાનિયાઓને મેં નિરુત્તર કર્યા છે. આ ઉપરાંત લાખો લોકોએ ઇશ્વરનું નામ લઇ તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી. માણસો પ્રાણીશરીરની રચના સમજવાને કે સમજાવવાને પ્રાણીઓનું દેહછેદનું કેર છે ત્યારે સત્ય અને વિજ્ઞાનને નામે તેમના પર કેવી અમાનુષી ક્રૂરતા કરે છે તે હું જાણું છું. આમ ઇશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી. પણ માણસનું મન એક અધુરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા તત્ત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડયા વગર રહેતી નથી.

આ ઉપરાંત અમારી હિંદુ ફિલસૂફીમાં બીજી એક વાત છે કે એક ઇશ્વર જ છે અને બીજું કશું નથી. ઇસ્લામના કલમામાં પણ એ સત્ય ભાર દઇને જણાવવામાં આવેલું જોવાનું મળશે. તેમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે એક ઇશ્વર જ છે અને બીજું કશુંયે નથી. હકીકતમાં સત્યને માટે વપરાતા સંસ્કૃત સત્‌ શબ્દનો શબ્દાર્થ જ જ ેછે તે અથવા જેની હયાતી છે તે એવો થાય છે. આ અને બીજાં તમને બતાવી શકું એવાં ઘણાં કારણોસર હું એવા નિર્ણય પર આવ્યો છું કે ‘સત્ય એ જ ઇશ્વર છે’ એ વ્યાખ્યા વડે વધારેમાં વધારે સમાધાન મળે છે. અને સત્યને તમેે ઇશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એકમાત્ર અનિવાર્ય સાધન પ્રેમ એટલે કે અહિંસા છે. અને વળી હુપં માનનારો છું કે આખરે સાધન અને સાધ્ય, એક જ અર્થના બે શબ્દો છે, બલ્કે બંને એક જ વસ્તુ છે તેથી ઇશ્વર પ્રેમ છે એવું કહેતાં પણ હું અચકાતો નથી.

‘ત્યારે હવે સત્ય શું છે ?’ એ સવાલ થયો.

સવાલ સાચે જ અઘરો છે પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય એવો જવાબ આપી એ સવાલનો ઉકેલ મેં કાઢયો છે. તો પછી તમે પૂછશો કે જૂદા જૂદા લોકો જુદાં જુદાં અને એકબીજાની વિરોધી સત્યો કેમ વિચારતા હશે ? પણ વધારે વિચાર કરતા સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક જ પ્રકારનો થયો નથી; તેથી આપો આપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય; અને તે જ કારણસર સત્યને માટે આ જાતના પ્રયોગો કરનારાઓએ નિર્ણય આપ્યો છે કે એવા પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલિમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને માટે યમનિયમોનું કડક પાલન આવશ્યક છે. એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઇએ. એટલે અનુભવને આધારે અમારે ત્યાં એેવી માન્યતા દૃઢ થયેલી છે કે જે લોકો પોતાની જાતે અંગત રીતે સત્યને ઇશ્વર તરીકે શોધીને પામવા માગતા હોય તેમણે કેટલાંક વ્રતો પાળીને સિદ્ધ કરવાં જોઇએ. દાખલા તરીકે તેમણે સત્યવ્રતનું, સત્ય અને ઇશ્વર માટેનો આપણો પ્રેમ બીજી કોઇ વસ્તુને માટે આપણે વહેંચી શકતા નથી તેથી બ્રહ્મચર્ય અથવા શુદ્ધિના વ્રતનું, અહિંસાવ્રતનું અને અપરિગ્રહ અને ગરીબીના વ્રતનું પાલન કરવું જોઇએ. આટલાં પાંચ વ્રતો અંગીકાર કર્યા વગર સત્યની શોધના પ્રયોગમાં ન પડવું વધારે સારું થાય. બીજી પણ કેટલીક શરતો આને અંગે મુકવામાં આવી છે, પણ તે બધી અહીં તમારી આગળ ગણાવી જવાની જરૂર નથી. આ પ્રયોગો કરનારા લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે અને વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે. વળી, કોઇ પણ જાતની યમનિયમની તાલિમમાંથી પસાર થયા વગર આજે હરેક જણ પોતાના અંતઃકરણના અવાજ મુજબ ચાલવાનો હક આગળ ધરે છે અને આજની મુંઝવણમાં પડેલી દુનિયાને એટલું બધું અસત્ય વહેંચવામાં આવે છે કે સાચી નમ્રતાથી હું તમને એટલું જ સૂચન કરી શકું કે જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઇથી સત્યની શોધ થઇ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળતાપણે તરવું હોય તો તમારે શૂન્ય બની જવું જોઇએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું એમ નથી.

યંગ ઇન્ડિયા. ૩૧-૧૨-’૩૧

૫. ઇશ્વર પ્રેમ છે

જગતના નિયમો જાણનારા શાસ્ત્રીઓ કહે છે કે જો આ આકર્ષક શક્તિ પરમાણુમાત્રમાં ન હોય તો આ આપણો પૃથ્વીનો ગોળો ભરભર ભૂકો થઇ જાય એટલે આપણે જીવવું અશકય થઇ પડે. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાનો શક્તિ છે તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં એટલે આપણામાં હોવી જોઇએ. આકર્ષક શક્તિનું નામ પ્રેમ છે આપણે પિતાપુત્ર વચ્ચે, ભાઇબહેને વચ્ચે, મિત્રમિત્ર વચ્ચે અનુભવીએ છીએ. પણ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઇશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ ત્યાં જ ક્ષેમ છે. જ્યાં વેર ત્યાં નાશ છે.

નવજીવન, ૨૫-૪-’૨૦

કુદરતમાં પદાર્થો એકબીજાને એકબીજાથી અળગા કરતા ઘણા પ્રમાણમાં જોવાના મળે છે છતાં સાચું જોતાં કુદરત પોતે આકર્ષણથી નભે છે. પદાર્થ પદાર્થ વચ્ચેના પ્રેમને આધારે કુદરતનો ખેલ ચાલ્યા કરે છે. માણસ પણ નાશ કરવાની વૃત્તિ વડે ટકી ન શકે. પોતાને માટેના પ્રેમમાંથી જ બીજાને માટેના પ્રેમની ફરજ ઊભી થાય છે. રાષ્ટ્રોના સંપીને રહી શકે છે. રાષ્ટ્રોના અંગરૂપ વ્યકિતઓમાં પરસ્પર લાગણી હોય છે તેથી જ રાષ્ટ્રો સંપીને રહી શકે છે. જેમ કુટુંબને એક રાખનારો નિયમ રાષ્ટ્ર સુધી એટલે કે વધારે વ્યાપક કુટુંબ સુધી વિસ્તારીને આપણે રાષ્ટ્રો નિર્માણ કર્યાં તેમ કોક દિવસ રાષ્ટ્રને એકતાના બંધનમાં રાખનારો નિયમ આપણે વિશ્વ સુધી વિસ્તાર્યા વિના ચાલવાનું નથી.

યંગ ઇન્ડિયા, ૨-૩-’૨૨

મેં જોયું છે કે જીવન વિનાશની વચ્ચે જ ટકી રહ્યું છે, તેથી વિનાશ કરતાં બીજો કોઇ મોટો નિયમ હોવો જોઇએ. તે નિયમ તળે જ સુવ્યવસ્થિત સમાજ જેવી વસ્તુ હોઇ શકે, જીવન જીવવા યોગ્ય રહે અને જો તે જીવનનો નિયમ હોય તો આપણા રોજના વ્યવહારમાં પણ તેને અમલમાં મુકવો જોઇએ. જ્યાં જયાં ઘર્ષણ પેદા થાય, જયાં જયાં તમારી સામે વિરોધી આવીને ઊભો રહે ત્યાં તેને પ્રેમથી જીતજો - આવી સાદી રીતે મેં તેને મારા જીવનમાં આચર્યો છે. તેનો અર્થ એ નથી થતો કે મારી બધી મુશ્કેલીઓ ઊકલી ગઇ છે. પરંતુ મને એટલું ચોક્કસ દેખાયું છે કે વિનાશનો નિયમ નહીં નીવડ્યો હોય તેટલો આ પ્રેમનો નિયમ સફળ નીવડ્યો છે.

નવજીવન, ૪-૧૦-’૩૧

હું માનું છું કે માનવજીતિની પ્રવૃત્તિ એકંદરે આપણને આપણને પાડવા માટે નથી પણ ચડાવવા માટે છે, અને એ પ્રેમધર્મની ગૂઢ પણ ચોક્કસ અસરનું પરિણામ છે. માનવજાતિ ટકી રહી છે એ બતાવે છે કે વિનાશ કરતાં જીવનની શક્તિ મોટી છે.

નવજીવન, ૧૫-૧૧-’૩૧

પ્રેમ અથવા અહિંસા એ જો જીવનધર્મ ન હોય તો... ફરી ફરીને ફાટી નીકળતાં ને દર વખતે ખૂનરેજીની ભયાનકતામાં વધતાં જતાં યુદ્ધોમાંતી છૂટવાનો રસ્તો રહેતો જ નથી.

હરિજનબંધુ, ૨૭-૯-’૩૬

જગતમાં થઇ ગયેલા સર્વ ધર્મગુરુઓએ ઓછાવત્તા જોશથી એ પ્રેમધર્મનો ઉપદેશ આપ્યો છે. પ્રેમ એ જો જીવનધર્મ ન હોત તો ચોમરે મૃત્યુ વ્યાપેલું હોવા છતાં જીવન ટકી રહ્યું છે તે ટકી ન શકત. જીવન એ મૃત્યુ પરનો નિરંતર વિજય છે. મનુષ્ય અને પશું વચ્ચે ધરમૂળનો કંઇ ભેદ હોય તો તે એ છે કે મનુષ્ય આ જીવનધર્મને ક્રમશઃ ઓળખતો ગયો છે ને તેને પોતાના આચરણમાં ઉતારવાનો એણે પ્રયત્ન કર્યો છે. જગતના પ્રાચીન તેમ જ અર્વાચીન સર્વ સાધુસંતો, પોત પોતાનાં જ્ઞાન અને સામર્થ્ય પ્રમાણે, આપણા એ પરમ જીવનધર્મની જીવતીજાગતી પ્રતિમારૂપ હતા. આપણા હ્ય્દયમાં રહેલી આસુરી વૃત્તિ ઘણી વાર સહેજે જીવ મેળવતી દેખાય છે એ સાચું છે. પણ એથી એ જીવનધર્મ ખોટો સિદ્ધ નથી થતો. એ તો બતાવે છે કે એનું આચરણ કેટલું આકરું છે. જે ધર્મ સત્યના જેટલો જ પરમ કોટિનો છે તેનું આચરણ અઘરું કેમ ન હોય ? એ ધર્મનું આચરણ સર્વવ્યાપી થશે ત્યારે ઇશ્વર જેમ સ્વર્ગમાં રાજ્ય કરે છે તેમ ધરણી પર કરશે. સ્વર્ગ અને ધરણી આપણાં હ્ય્દયમાં જ છે એ વસ્તુ મને યાદ દેવડાવવાની જરૂર નથી. આપણે આપણાં હ્યદયમાં રહેલી ધરણીને ઓળખીએ છીએ, હ્ય્દયમાં પ્રતિષ્ઠિત થયેલી સ્વર્ગથી અજાણ્યા છીએ. પ્રેમધર્મનું આચરણ કેટલાકને માટે શક્ય છે એમ કબૂલ કરીએ, તો સૌને માટે શક્ય નથી એમ કહેવામાં અહંકાર છે. હજુ થોડાજ જમાના પર આપણા પૂર્વજો નરભક્ષણ કરતા ને એવાં બીજાં ઘણાં કામો કરતા જેથી આજે આપણને ચીતરી ચડે. એ દિવસોમાં પણ ડીક શેપર્ડ જેવા માણસો પડ્યા હશે. જીવતા મનુષ્યોને ખાવાની ના પાડવાનો એ જમાનાના લોકોને વિચિત્ર લાગતો સિદ્ધાંત ઉપદેશતા માટે એવા માણસોને લોકોએ હસી કાઢયા હશે ને કદાચ ફાંસીએ પણ ચડાવ્યા હશે.

હરિજનબંધુ,૨૭-૯-’૩૬

ઇશ્વર વાદળાંઓમાં વસતી શક્તિ નથી. ઇશ્વર અણછતી શક્તિ છે અને આંગળીના નખ માંસની જેટલા સમીપ છે તેના કરતાંયે તે આપણી વધારે સમીપ છે. આપણામાં અણછતી રીતે રહેલી અનેક શક્તિઓ છે અને એકધારી જહેમતથી જ આપણે તે ખોળી શકીએ છીએ.એ જ રીતે, એ પરમ શક્તિને ખોળવાને માટે અટલ નિશ્ચયથી આપણે ખંતપૂર્વક ખોજ કરતા રહીએ તો આપણે તેને ખોળી શકીશું. એવો એક રસ્તો અહિંસાનો રસ્તો છે. એ બહું જ જરૂરી છે, કેમ કે, ઇશ્વર આપણા સૌમાં રહેલો છે અને તેથી એક પણ અપવાદ વિના પ્રત્યેક મનુષ્ય સાથે આપણે એકરૂપ થઇ જવું જોઇએ. વિજ્ઞાનની ભાષામાં અને આકર્ષણ કહે છે. લોકોની સામાન્ય ભાષામાં એને પ્રેમ કહેવામાં આવે છે. પ્રેમ કહેવામાં આવે છે. પ્રેમ આપણને એકબીજા સાથે તેમ જ ઇશ્વર સાથે બાંધે છે. અહિંસા અને પ્રેમ એક જ વસ્તુ છે.

(તા. ૧-૬-’૪૨ના એક ખાનગી પત્રમાંથી)

હરિજનબંધુ, ૪-૪-’૫૩

૬. ઇશ્વર સચ્ચિદાનંદ છે

‘સત્ય’ શબ્દ સત્માંથી છે. સત્‌ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્‌’ એટલે ‘સત્ય’ છે એમ કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. આપણું રાજકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અમે રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.

અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન - શુદ્ધ જ્ઞાન - છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઇશ્વર નામની સાથે ચિત્‌ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય. શોક હોય જ નહીં. અને સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ પણ શાશ્વત હોય આથી જ ઇશ્વરને આપણે સચ્ચિદાનંદ નામે પણ ઓળખીએ છીએ.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી, તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છ્‌વાસ લઇએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઇ પડે. સત્ય વિના કોઇ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.

સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ યોજયો છે. વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઇ જાણવાપણું નથી રહેતું. કેમ કે જ્ઞાનમાત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાં ખરો આનંદ તો હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઇએ તો આપણને તુરત ખબર પડે કે કઇ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઇ ત્યાજય છે; શું જોવા યોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી.

પણ સત્ય જે પારસમણિ રૂપ છે, જે કામધેનુરૂપ છે તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છેઃ અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ ધાલાવેલી તે અભ્યાસ. તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરીશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જયાં શુદ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં બધાં સત્ય તે એક જ ઝાડનાં અસંખ્ય નોખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જણાતો ? છતાં તે એક જ છે એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે. તેથી જેને સત્ય ભાસે તે પ્રમાણે તે વર્તે તેમાં દોષ નથી એટલું જ નહીં, પણ તે જ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તોપણ તે સુધરી જવાની છે જ. કેમ કે સત્યની શોધની પાછળ તરશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ મરવાનું હોય. એટલે તેમાં સ્વાર્થની તો ગંધ સરખીયે ન હોય. આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લગી કોઇ આડે માર્ગે છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિ તે ‘શીશતણું સાટું’ છે; અથવા તે હરિનો મારગ હોઇ તેમાં કાયરતાને સ્થાન નથી. તેમાં હાર જેવું કંઇ છે જ નહીં. એ ‘મરીને જીવવાનો મંત્ર’ છે.

આ પ્રસંગે હરિશ્ચંદ્ર, પ્રહ્‌લાદ, રામચંદ્ર, ઇમામ હસન, હુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દૃષ્ટાંતો વિચારી જવાં જોઇએ. આ રટણ સહુ, બાળક, મોટાં સ્ત્રીપુરુષ ચાલતાં, બેસતાં, ખાતાં પીતાં, રમતાં બધું કરતાં કર્યાં જ કરે ને તે કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઇ જાય તો કેવું સારુ ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારુ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણા બધાંને સારુ નીવડો.

મંગલપ્રભાત, પ્રકરણ ૧

૭. ઇશ્વર અને કુદરત

ભગવાનના સર્વ કાયદા તેમ જ તેનો અમલ આપણે સમજતા નથી. વિદ્રાનમાં વિદ્રાન વિજ્ઞાન કે જ્ઞાનીનું જ્ઞાન રજના પરમાણું જેવું છે. જો ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યકિત નથી, તો તે એના કરતાં અનંતગણો અધિક છે. મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતમાં એનુંં શાસન ચાલે છે. પાન પણ એની ઇચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરશઃ માનું છું. એકેએક શ્વાસ હું લઉં છું તે એની આજ્ઞાને આધીન છે.

હરિજનબંધુ, ૧૮-૨-’૩૪

તે અને તેનો કાયદો એક છે. એ કાયદો ભગવાન છે. ભગવાન ઉપર આરોપેલો ગુણ કેવળ ગુણ નથી. તે પોતે જ ગુણરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદો, અને મનુષ્યની ચાતુરી જેને કલ્પી શકે એવી લક્ષાવધિ વસ્તુ છે.

હરિજનબંધુ, ૧૮-૨-’૩૪

કુદરતના નિયમો બદલાતા નથી, બદલી શકાતા નથી અને તેથી કુદરતના નિયમના ભંગના અથવા તેના ખંડિત થવાના અર્થમાં ચમત્કારોની હસ્તી નથી. પણ આપણે અધૂરા માણસો અનેક કલ્પનાઓ કરીએ છીએ અને આપણા અધૂરાપણાનું અથવા આપણી મર્યાદાઓનું ઇશ્વર પર આરોપણ કરીએ છીએ. આપણે ઇશ્નરનું અનુકરણ કરીએ. પણ તે થોડું જ આપણું કરે ? આપણે તેને નામે અથવા તેને ખાતર કાળના ભાગલા ન પાડીએ. તેને માટે કાળનું સ્વરૂપ શાશ્વતીનું છે. આપણે માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ભાગોમાં વહેંચાયેલું છે. અને અનાદી, અનંત એવા શાશ્વત કાળની સરખામણીમાં માણસની સો વરસથીયે ટૂંકી જિંદગી બિંદુથીયે અલ્પ નથી કે ?

હરિજન, ૧૭-૪-’૪૭

ખુદ ઇશ્વરે પોતાના કાનૂનોમાં સુધારોવધારો કરવાનો અધિકાર રાખ્યો નથી અને તેને એવી જાતનો સુધારોવધારો કરવાની જરૂર પણ નથી. તે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. કોઇ પણ પ્રકારની કોશિશ વગર તેને એકી વખત ભૂત, ભવિષ્ય અને વર્તમાનનુંજ્ઞાન હોય છે તેથી તેને કશુંયે ફરી વિચારપણું, સુધારવાવધારવાપણું, બદલાવાપણું કે ફેરફાર કરવા પણું હોતું નથી.

યંગ ઇન્ડિય, ૨૫-૧૧-’૩૪

આપણું આ મનુષ્યજીવન બંગડી કરતાંય વધારે બટકઅણું છે. બંગડીને તો પેટીમાં સાચવી રાખો ને કોઇ અડે નહીં એવી રીતે રાખો તો તેે હજારો વરસ રહે. પણ આ પાર્થિવ જીવન તો એવું ક્ષણભંગુર છે કે એનો પલક વારમાં નાશ થઇ જાય. એટલે હજું આપણો કંઇક શ્વાસ લેવાનો વખત છે એટલામાં આપણે ઊંચનીચના ભેદ ભૂંસી નાખીએ, આપણાં હ્ય્દય શુદ્ધ કરીએ, અને જ્યારે ધરતીકંપ, કંઇક કુદરતી કેર અથવા સ્વાભાવિક મૃત્યુ આપણને ગળી જાય તે વખતે આપણા સરજનહારની સામે ઊભા રહેવાને તૈયાર થઇ રહીએ.

હરિજનબંધુ, ૨૫-૨-’૩૪

સુધરેલું અને નહીં સુધરેલું આખું જગત માને છે તેમ હું પણ માનું છું કે (બિહારના જેવી) આપત્તિ મનુષ્યજાતિ પર તેના પાપની સજારૂપે આવી પડે છે. જ્યારે એ દૃઢ માન્યતા હ્ય્દયમાંથી ઊગેલી હોય ત્યારે લોકો પ્રાર્થના કરે છે, પશ્ચાત્તાપ કરે છે, ને શુદ્ધ બને છે.... ઇશ્વરના હેતુ વિશેનું મારું જ્ઞાન અતિ મર્યાદિત છે. આવી આફતો એ કંઇ ઇશ્વરના કે કુદરતના મનના તરંગો નથી. જેમ ગ્રહગણ તેમની ગતિને વિશે નિર્મેલા નિયમોને અનુસરીને ફરે છે તે જ પ્રમાણે આ આફતો પણ નિશ્ચિત નિયમોને અનુસરે છે. માત્ર આપણે આ ઘટનાઓને લગતા નિયમો જાણતા નથી, અને તેથી એને આફતે અથવા ઉત્પાત કહીએ છીએ.

હરિજનબંધુ, ૧૧-૨-’૩૪

દરેક ભૌતિક આપત્તિની પાછળ ઇશ્વરનો હેતું રહેલો હોય છે. સંપૂર્ણતાએ પહોંચેલું વિજ્ઞાન આજે જેમ ગ્રહણો વિશે આપણને કહે છે તેમ એક દિવસ ધરતીકંપ ક્યારે થવાના છે એવી પણ અગાઉથી ખબર આપી શકે એ સંભવિત છે. એ માનવી બુદ્ધિનો એક નવો વિજય થશે. પણ એવા અનંત વિજયો થાય તોયે તેથી આત્માની શુદ્ધિ થવાની નથી. એ શુદ્ધિ વિના જગતમાં કશાની કિંમત નથી.

હરિજનબંધ, ૯-૬-’૩૫

જેઓ અંતરશુદ્ધિની જરૂર માને છે તેમને મારી વિનંતી છે કે તેઓ પ્રાર્થના કરે કે આપણે આવી આફતોની પાછળ રહેલો ઇશ્વરી હેતું સમજી શકીએ, એ વિપત્તિઓ આપણને નમ્ર બનાવે, અને જ્યારે આપણા સરજનહારનું તેડું આવે ત્યારે તેની સામે ઊભા રહેવાને આપણને તૈયાર કરે, અને આપણાં માનવી ભાઇભાડું ગમે તે હોય તોયે તેમની આપત્તિમાં ભાગ લેવાને આપણે હંમેશાં તત્પર રહીએ.

હરિજનબંધ, ૯-૬-’૩૫

એમ કહેવું કે નરસાનો સ્વામી પણ ઇશ્વર છે એ કાનને કઠોર લાગે છે. પણ જો એ સારાનો સ્વામી હોય તો નરસાનો પણ એ જ. રાવણે અનહદ શક્તિ બતાવી એ પણ ઇશ્વરે બતાવવા દીધી તો જ ના ? મારી દૃષ્ટિએ આ બધી તકલીફનું મૂળ ઇશ્વરતત્ત્વ ન સમજવામાં છે, ઇશ્વર કંઇ પુરુષ નથી, વ્યક્તિ નથી. એને વિશેષણ લાગુ પાડી શકાય એમ નથી. ઇશ્વર એ પોતે જ કાયદો, કાયદાકાર અને કાજી છે. એવું આપણે જગતમાં સુસંગત રીતે જોતાં નથી. પણ જ્યારે એવું કોઇ મનુષ્ય કરે છે તે વખતે આપણે એને શહેનશાહ નીરો (શેતાન) તરીકે જોઇએ છીએ. જેને આપણે ઇશ્વર તરીકે પૂજીએ છીએ તેને સારુ તો એ સ્થિતિ શોભતી છે એટલું જ નહીં પણ વાસ્તવિક રીતે એ સ્થિતિ છે.

હરિજનબંધ, ૨૪-૨-’૪૬

ખૂનીના ખંજરમાં ને સર્જનની સોયમાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઇશ્વર છે; પણ પ્રાકૃત અને વ્યવહાર દૃષ્ટિએ એકમાં દેવ છે, બીજામાં અસુર; એકનો પ્રેરક રામ છે, બીજાનો રાવણ છે; એકમાં ખુદા છે, બીજામાં શેતાન; એકમાં ઓરમઝદ, બીજામાં અહરિમાન છે.

હરિજનબંધ, ૨૪-૧-’૩૭

ઇશ્વરને હું વ્યક્તિ તરીકે જોતો નથી. મારે સારુ સત્ય એ જ ઇશ્વર છે અને જે અર્થમાં એક દુન્યવી રાજા અને તેનો કાનૂન બે જુદી વસ્તુ અગર હકીકત છે તે રીતે ઇશ્વર અને તેનો કાનૂન જુદી વસ્તુ અગર હકીકત નથી. એનું કારણ એ કે ઇશ્વર તત્ત્વ છે, કાનૂન છે, પોતે જ છે. તેથી ઇશ્વર પોતાના કાનૂનનો ભંગ કરે એવી કલ્પના કરવી અશક્ય છે. એટલે તે આપણી ક્રિયાઓ પર હકૂમત ચલાવી આઘો રહેતો નથી. આપણાં કામો પર તે શાસન ચલાવે છે એવું કહેવામાં આપણે કેવળ આપણા માણસોને સમજાય એવી આપણી ભાષા વાપરી તેના પર મર્યાદા મૂકવાની કોશિશ કરીએ છીએ. બાકી ખરું જોતાં તે અને તેનો કાનૂન સર્વ સ્થળે ચાલે છે અને સર્વનું શાસન કરે છે. આથી આપણી દરેક માગણી પૂરેપૂરી વિગતે તે પૂરી પાડે છે એમ મને લાગતું નથી પણ તે આપણી દરેક ક્રિયામાત્રનો શાસક છે અને તેની ઇચ્છા વગર તૃણનો અંકુર સરખો ઊગતો કે હાલતો નથી એ વાત હું અક્ષરશઃ માનું છું. આપણે જે સ્વતંત્ર ઇચ્છાનો ઉપભોગ કરીએ છીએ તે ભીડમાં વહાણના તૂતક પર મુસાફરી કરનારા પ્રવાસીને ઇચ્છાથીયે ઓછી સ્વતંત્ર છે.

“ઇશ્વર સાથેના તમારા અનુસંધાનમાં તમને પોતે સ્વતંત્ર છો એવું ભાન રહે છે ?”

રહે છે. ભીડમાં વહાણ પર પ્રવાસીને લાગે છે તેમ હું ભિડાઇ ગયો છું એવું મને નથી લાગતું. આવા મુસાફરના કરતાંયે મને ઓછી સ્વતંત્રતા છે એવું મને ભાન છે છતાં એટલી સ્વતંત્રતા પણ મારે મન કીમતી છે કેમ કે પોતાની સ્વતંત્રતાનો કઇ ઢબે ઉપયોગ કરવો તે બાબતમાં પસંદગી કરી લેવાની માણસને સ્વતંત્રતા છે તેટલા પૂરતો તે બાબતમાં પસંદગી કરી લેવાની માણસને સ્વતંત્રતા છે તેટલા પૂરતો તે પોતાના ભાવિનો ઘડવૈયો છે એવી ગીતાની મુખ્ય શીખ મેં પૂરેપૂરી પચાવેલી છે. પણ પરિણામ પર માણસનો કાબૂ નથી. પોતાનો પરિણામ પર કાબૂ છે એવો વિચાર કરતાંની સાથે તે ગોથું ખાય છે.

હરિજનબંધ, ૨૩-૩-’૪૦

૮. ઇશ્વર દરિદ્રનારાયણને સ્વરૂપે

જેને નામ આપી શકાતું નથી અને માણસની બુદ્ધિથી જેનો પાર પામી શકાતો નથી તે ઇશ્વરને ઓળખવાને માણસજાતે પાડેલાં કોટિકોટિ નામોમાંનું એક નામ દરિદ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઇશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઇશ્વર એવો થાય છે.

યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯

તમને ખબર છે કે ગરીબોને પેટ સિવાય બીજી કોઇ વાતની ચિંતા નથી, ચિંતા કરવાની ફૂરસદ નથી ? તેમની પાસે રાજનીતિ નથી, દેશસેવા નથી, ઇશ્વરભક્તિ પણ નથી. તેમને તો તમે રોટલો આપો તો કંઇક વિચાર કરતા કરી શકો છો. જે વિચારશૂન્ય જ થઇને પડેલા છે, તેમને તમે વિચાર કરતા કરવા માગતા હો તો તેમનેજે વસ્તુની ભૂખ પ્રથમ છે તે તેમની આગળ ધરવી જોઇએ. એવાં લાખો ભુખે મરતાં પડ્યાં છે કે જેમની આગલ ઇશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે તેવો કોઇ રસ્તો બતાવશો તો તેમને ઇશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમ અને ઇશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઇ સાંભળવાનું નથી.

નવજીવન, ૧-૫-’૨૭

ખુદ આ મારા હાથે તેમની પાસેથી તેમનાં ચીંથરામાં તાણીને બાંધેલી મેલી પાઇઓ મેં એકઠી કરી છે. એમની આગળ આધુનિક પ્રગતિની વાતો શી કરવી ? એમની આગળ ફોકટનું નામ લઇ એમનુ અપમાન શું કરવું ? એમને ઇશ્વરની વાતો કરવા જઇશું તો એઓ આપણને ઘાતકી રાક્ષસો કહેશે. એ લોકો કોઇ ઇશ્વરને ઓળખતા જ હશે તો ભયંકર ત્રાસ ગુજારનારા વેરી ઇશ્વર લેખે અને નિર્દય જુલમગાર તરીકે ઓળખતા હશે.

યંગ ઇન્ડિયા, ૧૫-૯-’૨૭

તેમની આગળ ઇશ્વરનું નામ મૂકવાની મારી હિંમત નથી ચાલતી. એ ભૂખ્યાં કરોડો જેમની આંખમાં જરાયે તે જ નથી અને રોટલો એ જ જેમનો ઇશ્વર છે તેમની આગળ ઇશ્વરનું નામ મુકવું અને પેલા કૂતરા આગળ મૂકવું બરાબર છે. તેમની આગળ ઇશ્વરનો સંદશો લઇ જવો હોય તો મારે તેમની આગળ પવિત્ર પરિશ્રમનો સંદેશો લઇ જવો જોઇએ. મજાનો નાસ્તો લઇને અહીં બેઠા હોઇએ અને એથીયે મજાના ભોજનની રાહ જોતા હોઇએ તે વખતે ઇશ્વરની વાત કરવી ઠીક છે; પણ જે કરોડોને બે ટંક ખાવાનું પણ નથી મળતું તેમને મારે ઇશ્વરની વાત શી રીતે કરવી ? એમને તો ઇશ્વર રોટલા ને ઘી રૂપે જ દર્શન દઇ શકે. હિંદુસ્તાનના ખેડૂતોને રોટલો તો તેમની જમીનમાંથી મળી રહે છે. મેં તેમની આગળ રેંટિયો મૂક્યો તે એટલા માટે કે તેમને ઘી મળી શકે. અને હું આજે... કચ્છ પહેરીને આવ્યો છું તેનું કારણ એ છે કે હું એ અર્ધભૂખ્યા, અર્ધનગ્ન, મૂંગા કરોડોનો એકમાત્ર પ્રતિનિધિ બનીને આવ્યો છું.

નવજીવન, ૧૮-૧૦-’૩૧

મારા કરોડો બાંધવોને હું ઓળખું છું એવો મારો દાવો છે. દિવસનો એકેએક કલાક હું તેમની સાથે હોઉં છું. મારા કરોડો મૂંગા બાંધવોના હ્યદયમાં જોવા મળતા ઇશ્વર સિવાયના બીજા કોઇ ઇશ્વરને હું ઓળખતો ન હોવાથી પહેલી ને છેલ્લી ફિકર મને તેમની રહે છે. બેશક, તેમને તેની હાજરીનો અનુભવ થતો નથી; મને થાય છે. અને એ કરોડોની સેવા મારફતે જે ઇશ્વર સત્ય ઇશ્વર છે તેને અથવા જે સત્ય એ જ ઇશ્વર છે તેને હું ભજું છું.

હરિજન, ૧૧-૩-’૩૯

હું સૂચવું છું કે એક રીતે આપણે ચોર છીએ. તરત મારે જેની જરૂર નથી તેવું કંઇક લઇને મારી પાસે સંઘરી રાખું તે હું બીજા કોઇકની પાસેથી ચોરી લઉં છું. કોઇ પણ અપવાદ વગરનો કુદરતનો પાયાનો કાનૂન છે કે તે આપણી જરૂરિયાતો જેટલું રોજેરોજ પેદા કરે છે; અને હરેક જણ પોતાની જરૂર પૂરતું જ લે ને વધારે જરાયે ન લે તો આ જગતમાં ગરીબી હોય નહીં, આ જગતમાં કોઇનેયે ભૂખરમાથી મરવાનું રહે નહીં.

મહાત્મા ગાંધી (૧૯૧૮), પા. ૧૮૯

હિંદમાં આપણા એવા કરોડો બાંધવો છે જેમને દિવસમાં એક ટંક ખાઇને ચલાવી લેવું પડે છે. અને તે એક ટંકના આહારમાં ઘી વગરનો સૂકો રોટલો નેે મીઠાની ચપટીથી વધારે કંઇ હોતું નથી. આ કરોડોનમે પહેરવાને કપડું ને ખાવાને અનાજ ન મળે ત્યાં લગી ખરેખર આપણી પાસે જે કંઇ હોય તેના પર તમારો કે મારો કશોયે અધિકાર નથી. તમારે ને મારે વધારે સાચો ખ્યાલ રાખીને આપણી જરૂરિયાતોનો આ સંજોગો સાથે મેળ બેસાડવો જોઇએ અને તે બધાયની માંદગીમાં માનજત થાય, તેમને ખાવાનું મળે ને તેમને પહેરવાને કપડું મળે તે સારુ રાજીખુશીથી તંગી પણ વેઠવી જોઇએ.

મહાત્મા ગાંધી (૧૯૧૮), પા. ૧૮૯

૯. ઇશ્વરનો અવાજ

ઇશ્વરનો અવાજ સાંભળવાનો મારો દાવો નવો નથી. પરિણામો સિવાય બીજી રીતે એ દાવો સાચો સાબિત કરવાનો કમનસીબે મારી પાસે બીજો કોઇ રસ્તો નથી, પોતાનાં પેદા કરેલાં પ્રાણીઓએ સાબિત કરવાનો પદાર્થ હોય તે ઇશ્વર ઇશ્વર ન રહે. પરંતું સ્વેચ્છાથી જે તેનો દાસ બને છે તેને આકરામાં આકરી અગ્નિપરીક્ષામાંથી નીકળવાનું સામર્થ્ય આપ્યા વગર તે રહેતો નથી. અર્ધા સૈકાથીયે વધારે સમયથી આ કસીને કામ લેનારા માલિકનો હું રાજીખુશીથી ગુલામ બન્યો છું. વરસો વીતતાં ગયાં છે તેમ તેમ તેનો અવાજ મને વધારે ને વધારે સંભળાતો ગયો છે. અંધારીમાં અંધારી એવી ઘડીએ પણ તેણે મને તરછોડ્યો નથ. તેણે ઘણીયે વાર મને મારી જાત સામેયે ઉગારી લીધો છે અને મારી ગણાય એવી નામનીયે સ્વતંત્રતા મારે સારુ રહેવા દીધી નથી. જેટલો હું તેને શરણે વધારે ગયો છું તેટલો મારો આનંદ વધતો ગયો છે.

હરિજન, ૬-૫-’૩૩

અંતરનાદ કેટલાકને સંભળાય છે એ વાતની શક્યતા વિશે કોઇએ શંકા ઉઠાવી મેં જાણી નથી. અને અંતરનાદને નામે બોલવાનો એક પણ માણસનો દાવો સાચો ઠરે તો જગતને એથી લાભ જ છે. એ દાવો ઘણા કરશે, પણ બધા એ સાચો નહીં પાડી શકે. પણ ખોટો દાવો કરનારને રોકવા માટે એ દાવાને દબાવી ન શકાય, ન દબાવવો જોઇએ. ઘણા માણસો ખરેખર અંતરનાદને અનુસરી શકે તો એમાં લવલેશ આપત્તિ નથી. પણ દુર્ભાગ્ય દંભની સામે કશો ઇલાજ છે જ નહીં. સદ્‌ગુણોનો ડોળ ઘણા કરે એટલા માટે સદ્‌ગુણને દબાવી દઇએ એ ન ચાલે. અંતરનાદને નામે બોલવાનો દાવો કરનારા માણસો આખા જગતમાં હંમેશાં નીકળ્યા છે. પણ એમની ક્ષણિક પ્રવૃત્તિઓથી જગત પર કશી આફત આવી પડી નથી. માણસ એ અંતરનાદ સાંભળી શકે તે પહેલાંતેને લાંબી અને ઉગ્ર સાધના કરવી પડે છે. અને જ્યારે અંતરનાદ બોલે છે ત્યારે એ વાણી ઓલખાયા વિના રહેતી નથી. કોઇની મગદૂર નથી કે આખા જગતને સદાકાળ છેતરી શકે. એટલે, મારા જેવો અલ્પ મનુષ્ય દબાઇ ન જાય અને જ્યારે પોતાને અંતરનાદ સંભળાયો છે એમ માને ત્યારે તેને નામે બોલવાની હિંમત કરે એથી જગતમાં અંધાધૂંધી થવાનો જરાયે ભય નથી.

હરિજનબંધુ, ૨૬-૩-’૩૩

મારે સારૂ ઇશ્વરપ્રેરણા, ગેબી અવાજ, અંતઃપ્રેરણા, સત્યનો સંદેશ વગેરે એક જ અર્થના અચૂક શબ્દો છે. મને કોઇ આકૃતિમાં દર્શન નથી થયાં. ઇશ્વરનો સાક્ષાત્કાર નથી થયો. આ જન્મે થવાનો હશે તોપણ કોઇ આકૃતિનાં દર્શન થશે એવું હું માનતો નથી. ઇશ્વર નિરાકાર છે. તેથી ઇશ્વરનું દર્શન આકૃતિરૂપે હોય નહીં. ઇશ્વરનો સાક્ષાત્કાર જેને થાય તે સર્વથા નિષ્કલંક બને છે. એ પૂર્ણકામ થઇ રહે છે. એના વિચારમાંયે દોષ, અપૂર્ણતા કે મેલ હોતાં નથી. એનું કાર્યમાત્ર સંપૂર્ણ હોય છે, કારણે કે તે પોતે કંઇ જ કરતો નથી, તેનામાં રહેલો અંતર્યામી જ બધું કરે છે. તે તો એનામાં જ શમી ગયો છે. આવો સાક્ષાત્કાર કરોડોમાં કોઇને જ થતો હશે. થઇ જ શકે એ વિશે મને મુદ્દલ શંકા નથી. મને એવો સાક્ષાત્કાર કરવાની અભિલાષા છે, પણ મને નથી થયો, અને હું હજુ બહુ દૂર છું એટલું જાણું છું. મને જે પ્રેરણા થઇ એ નોખી જ વસ્તુ હતી. અને એવી પ્રેરણા વખતો વખત અથવા કોઇ વખત ઘણાને થાય છે. એવી પ્રેરણા થવાને સારુ અમુક સાધનાની આવશ્યકતા રહે જ છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ કરવાની શક્તિ મેળવવાને સારુયે જો કંઇક પ્રયત્ન, કંઇક સાધનાની આવશ્યકતા રહે છે, તો ઇશ્વરની પ્રેરણા મેળવવાની યોગ્યતાને સારુ પ્રયત્ન અને સાધનાની આવશ્યકતા હોય એમાં શી નવાઇ ? મને જે પ્રેરણા થઇ તે આ હતી. જે રાત્રીએ એ પ્રેરણા થઇ તે રાત્રીએ ભારે હ્ય્દયમંથન ચાલી રહેલુ. ચિત્ત વ્યાકુળ હતું. માર્ગ સૂઝતો ન હતો. જવાબદારીનો બોજો મને કચરી નાખતો હતો. તેવામાં એકાએક મેં અવાજ સાંભળ્યો. એ બહુ દૂરથી આવતો જણાયો છતાં સાવ નજીકનો હતો એમ મેં જોયું. એ અનુભવ અસાધારણ હતો. જેમ કોઇ મનુષ્ય આપણને કહેતું હોય એમ આ અવાજ પણ હતો. જેમ કોઇ મનુષ્ય આપણને કહેતું હોય એમ આ અવાજ પણ હતો. મનેકમને પણ એ સાંભળ્યા વિના ન જ ચાલે એમ હું વિવશ થઇ ગયો હતો. એ વખતે મારી સ્વપ્નાવસ્થા ન હતી. હું સાવ જાગ્રત હતો. ખરું જોતાં રાત્રીની પહેલી નિદ્રા લઇને ઊઠ્યો હતો. હું કેમ ઊઠી ગયો એ પણન સમજી શક્યો. અવાજ સાંભળ્યા પછી હ્ય્દયની વેદના શાંત થઇ. મેં નિશ્ચય કરી લીધો, અનશનનો દિવસ અને તેનો કલાક નક્કી કર્યો, મારો ભાર એકદમ હળવો થઇ ગયો, અને હ્ય્દય ઉલ્લાસમય થઇ ગયું. આ સમય ૧૧થી ૧૨ની વચ્ચેનો હતો. થાકવાને બદલે હવે હું તાજો થઇ ગયો. એટલે, આકાશની નીચે પથારીમાં પડયો હતો ત્યાંથી ઊઠી, કોટડીમાં જઇ, બત્તી સળગાવી મારે જે લખવાનું હતું તે લખવા બેઠો. એ લખાણ વાંચનારે જોયેલું હોવું જોઇએ.

હરિજનબંધુ, ૯-૭-’૩૩

આ ઇશ્વરી પ્રેરણા હતી અને મારા પોતાના તપેલા મગજમાંથી નીકળેલા તરંગો ન હતો, એમ હું કોઇ રીતે સિદ્ધ કરી શકું ખરો ? ઉપર કરેલા વર્ણનને જે ન માની શકે એને સારુ મારી પાસે બીજો પુરાવો નથી. એ અવશ્ય કહી શકે કે મારું વર્ણન એ કેવળ આત્મવંચના છે. એવું બીજાઓને વિશે પણ થયું છે. મારે વિશે આત્મવંચના છે. અસંભવિત છે એમ તો હું ન જ કહી શકું. એમ કહું તો તે સિદ્ધ ન કરી શકું. પણ આટલું અવશ્ય કહું છું. આખું જગત મારા કહેવાને ન માને અને વિરુદ્ધ અભિપ્રાય આપે આપે તોયે મેં ગેબી અવાજ સાંભળ્યો અથવા મને ઇશ્વરપ્રેરણા થઇ એ મારી માન્યતાને હું વળગી રહું.

હરિજનબંધુ, ૯-૭-’૩૩

પણ કેટલાક તો ઇશ્વરની હસ્તીનો જ ઇનકાર કરનારા છે. તેઓ તો એમ જ કહે છે કે ઇશ્વર જેવી કોઇ હસ્તી નથી, એ કેવળ મનુષ્યની કલ્પનામાં જ વસે છે. જ્યાં આ વિચાર સામ્રાજ્ય ભોગવે ત્યાં કશાની હસ્તી નથી એમ કહી શકાય. કેમ કે એવાઓને મન તો બધું કલ્પનાના ઘોડારૂપે જ લાગવું જોઇએ. એવાઓ ભલે મારા કથનને કલ્પનાનો એક નવો ઘોડો માને. એમ છતાં તેઓએ પણ સમજવું જોઇએ કે જ્યાં લગી એ કલ્પના મારી ઉપર સત્તા ભોગવે છે ત્યાં લગી હું તો તેને વશ રહીને જ વર્તી શકું. સાચામાં સાચી વસ્તુઓ પણ આપેક્ષ અથવા બીજીઓના પ્રમાણમાં જ સાચી હોય છે. સંપૂર્ણ અને શુદ્ધ સત્ય તો કેવળ ઇશ્વરને જ વિશે હોઇ શકે. મારે સારુ જે અવાજ મેં સાંભળ્યો તે મારી પોતાની હસ્તીના કરતાં પણ મને વધારે સાચો લાગ્યો છે. આવા અવાજો મેં પૂર્વ પણ સાંભળ્યા છે. એને વશ વર્તતાં મેં કંઇ ખોયું નથી, ઘણું મેળવ્યું છે. અને બીજા જેણે એવા અવાજો સાંભળવાનો દાવો કર્યો છે તેઓનો પણ એ જ અનુભવ છે.

હરિજનબંધુ, ૯-૭-’૩૩

અને જે કોઇ પૂરો સંકલ્પ કરે તે (ઇશ્વરનો) અવાજ સાંભળી શકે. તે હરેકના હ્ય્દયમાં છે. પણ બીજી બધી વાતોની જેમ તેને બહાર કાઢવાને માટે આગળની ચોક્કસ તૈયારી અથવા સાધના જરૂરી છે.

હરિજન, ૮-૭-’૩૩

આમાં ભ્રમણા થવાનો કોઇ સવાલ નથી. મેં કેવળ સાદું વિજ્ઞાનનું સત્ય કહ્યું છે. જેની પાસે પૂરા સંકલ્પની શક્તિ હોય ને જરૂરી ગુણો કેળવવાની ધીરજ હોય તે આમ તેનું પારખું લઇ શકે. વળી જ્યાં નિશ્ચય છે ત્યાં એ ગુણો માની ન શકાય એટલા સમજવાના સરળ છે ને સિદ્ધ કરવાના સહેલા છે. હું માત્ર આટલું કહું : “તમારે બીજા કોઇ પર નહીં પણ તમારી જાત પર જ શ્રદ્ધા રાખવાની છે. તમારે અંતરનો અવાજ સાંભળવાની પૂરી કોશિશ કરવી પણ ‘અંતરનો અવાજ’ એ શબ્દો તમારે ન જોઇતા હોય તો ભલે ‘બુદ્ધિના આદેશ’ શબ્દો વાપરો; એ આદેશોને તમારે માનવા જોઇએ અને તમે ઇશ્વરનું નામ લેવાનું પસંદ ન કરો તોયે તમે બીજી કોઇક એવી વસ્તુનું નામ લેશો કે જે છેવટે ઇશ્વર જ હશે. કેમ કે સારે નસીબે વિશ્વમાં ઇશ્વર વગર બીજું કોઇ અગર કંઇ છે નહીં.” વળી, હું એવું પણ સૂચવું છું કે અંતરના અવાજની પ્રેરણાથી ચાલવાનો દાવો કરનાર હરેક જણને તેની જ પ્રેરણા હોય છે એવું નથી. અને સરવાળે જુઓ તો બીજી બધી મનની શક્તિની માફક અંતરમાં રહેલા આ સૂક્ષ્મ શાંત અવાજને ધ્યાન દઇને સાંભળવાની શક્તિ કેળવવાને સંભવ છે કે બીજી કોઇ પણ શક્તિ કેળવવાને જરૂરી હોય તે કરતાં આગળથી ઘણો વધારે પ્રયાસ કરવાની અને તાલીમ લેવાની જરૂર હોય છે. વળી, આવો દાવો કરનારા હજારોમાંથી પોતાનો દાવો સાચો પાડનારા બહુ જૂજ સંખ્યાના સફળ થતા હોય તોયે ખોટી રીતે દાવો કરનારાઓને નભાવી લેવાનું જોખમ ખેડવામાં ફાયદો છે. દૈવી પ્રેરણાથી અથવા ન થતી હોય તોયે અંતરની પ્રેરણાથી કાર્ય કરવાનો ખોટો દાવો કરનાર માણસના હાલ દુન્યવી રાજાની સત્તાને આધારે કાર્ય કરવાનો દાવો રાખનારા માણસના કરતાં વધારે બૂરા થશે. દુન્યવી રાજાની પ્રેરણાથી ચાલવાનો દાવો કરનાર માણસ ખુલ્લો પડી જતાં કેવળ પોતાના દેહને માટે ઇજા વહોરી લેશે પણ બીજી રીતે બચી જશે, પરંતુ ઇશ્વરી અવાજની પ્રેરણાથી ચાલવાનો દાવો કરનાર શરીર અને આત્મા બંનેનો નાશ વહોરી લેશે. ઉદારભાવથી મારાં કાર્યની ટીકા કરનારાઓ મારા પર જૂઠાણું ચલાવવાનો આરોપ કરતા નથી પણ સૂચવે છે કે કોઇક ભ્રમણાનો માર્યો હું કાર્યો કરતા હોઉ એવો ઘણો સંભવ છે. હું ખોટો દાવો કરતો હોઉં ને જે પરિણામ આવે તેના કરતાં એ રીતે પણ ખાસ જુદું આવવાનો સંભવ નથી. હું સત્યનો એક નમ્ર શોધક હોવાનો દાવો કરું છું અને તે દાવો કરનાર તરીકે મારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે, મનનું સમતોલપણું જાળવવાની જરૂર છે, અને ઇશ્વર મને સાચે રસ્તે દોરે તે માટે શૂન્ય બની જવાની પણ જરૂર છે. આ મુદ્દાના હવે હું વધારે પીંજણ ન કરં.

વિ બૉમ્બે કૉનિકલ, ૧૮-૧૧-’૩૩

૧૦. ઇશ્વરનો અનુભવ

મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ - વાચાનું - સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ. પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે. કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચક્તિ કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે.એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી પજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાંં લગી મારો અંતસત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું. આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે, છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને મારી સમજણ પ્રમાણે, આગળ પણ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની - ઇશ્વરની ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઇ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે.

આત્મકથા, પ્રસ્તાવના પા. ૬

વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે તેવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.

આત્મકથા, પ્રસ્તાવના પા. ૬-૭

ઇશ્વરમાં રહેલી આ શ્રદ્ધાનું ચણતર બુદ્ધિથી પર એવી શ્રદ્ધાશક્તિ પર કરવાનું છે. જેને સાક્ષાત્કાર કહેવાય છે એના મૂળમાં પણ, ખરેખર તો, શ્રદ્ધાનો અંશ રહે છે. તે વગર એની સત્યતા પુરવાર ન થઇ શકે. વસ્તુતઃ પણ એમ જ હોવું જોઇએ. પોતાના સ્વત્વની મર્યાદાઓને કોણ ઓળંગી જઇ શકે ? હું એમ માનનારો છું કે, સંપૂર્ણ સાક્ષાત્કાર આ શરીરમાં રહીને અશક્ય છે. અને એની જરૂર પણ નથી. માણસથી પહોંચી શકાય એવી સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે જીવંત અચળ શ્રદ્ધા એ જ એક જરૂરની છે. ઇશ્વર આપણા આ ભૌતિક ખોળિયાની બહાર નથી. એટલે, કદાચ કાંઇકેય એની બાહ્ય સાબિતી હોય તોપણ તે બહુ કામની નથી. ઇન્દ્રીયો દ્રારા એને અનુભવવામાં તો આપણે હમેશ હારવાના જ, કેમ કે એ ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયજીવનથી પર થઇને જ આપણે એને સ્પશી શકીએ. આપણી અંદર સતત દિવ્ય સંગીત ચાલી રહ્યું છે; પરંતુ, કોલાહલ કરતી ઇન્દ્રિયો એ સૂક્ષ્મ સંગીતને ઢાંકી દે છે. આ સંગીત આપણે ઇન્દ્રીયો દ્રારા સાંભળી કે અનુભવી શકીએ એવી કોઇ પણ ચીજથી ક્યાંય ભિન્ન અને ચડિયાતું છે.

હરિજનબંધુ, ૨૧-૬-’૩૬

મેં એમ જોયું છે ને હું માનું છું કે ઇશ્વર આપણને કદી જાતે દેખાતો નથી; નિરાશાની અંધારીમાં અંંધારી પળે તમારા ઉદ્ધારને સારુ તે કર્મસ્વરૂપે કાર્યમાં પ્રગટ થાય છે.

હરિજન, ૧૩-૬-’૩૬

સત્યથી ભિન્ન કોઇ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. . . મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જેના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સત્યરૂપી સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે, એટલું હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.

નવજીવન, ૩-૨-’૨૯

ઇશ્વરી ઇચ્છાનો કશો ખાસ સાક્ષાત્કાર તો મને નથી થયો. મારી દૃઢ માન્યતા છે કે ઇશ્વર પ્રત્યેક માણસને અહોરાત્ર સાક્ષાત્કાર આપ્યા જ કરે છે. પણ આપણે આપણા અંતરાત્માના એ ઝીણા અવાજને કાને ધરવાની ના પાડીએ છીએ. આપણે આપણી સામેના અગ્નિથંભ સામે આપણી આંખો મીંચીએ છીએ. મને સર્વત્ર એની સર્વવ્યાપકતાનું ભાન રહ્યા કરે છે.

નવજીવન, ૨૯-૫-’૨૧

માણસનું અંતિમ ધ્યેય ઇશ્વરનો સાક્ષાત્કાર છે, અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઇશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઇએ. મનુષ્યમાત્રની સેવા એ સાધનામાં એક આવશ્યક અંગ બની જાય છે, કેમ કે ઇશ્વરને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે એની સૃષ્ટિમાં એને જેવો ને એ સૃષ્ટિમાં એને જોવો ને એ સૃષ્ટિની સાથે તાદાત્મ્ય સાધવું. એ તો સૌની સેવા દ્ધારા જ બની શકે. ને એ સેવા દેશસેવા વિના બની ન શકે. હું સમસ્ત વિશ્વનો એક અંશ છું. ને માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઇશ્વરને જોઇ ન શકું. મારા દેશબંધુઓ મારા નજીકમાં નજીકના પડોશી છે. એ એવા અસહાય, એવા નિર્ધન, એવા નિષ્ક્રિય બની ગયા છે કે મારે મારી બધી શક્તિ એમની સેવામાં વાપરવી જોઇએ. હિમાલયની ગુફામાં મને ઇશ્વર જડે એવું મારા મનમાં વસી જાય તો હું તરત ત્યાં ચાલ્યો જાઉં. પણ હું જાણું છું કે માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઇશ્વરને જોઇ નહીં શકું.

હરિજનબંધુ, ૩૦-૮-’૩૬

આપણી આસપાસ જે અભેદ્ય અંધકાર વ્યાપેલો છે તે આપત્તિ નથી પણ આશીર્વાદ છે. એણે આપઅણને એક જ ડગલું આગળ જોવાની શક્તિ આપી છે, ને એ પ્રેમળ જ્યોતિ આપણને એ એક જ ડગલું જોવા દે તો આપણે માટે બસ હોવું જોઇએ. તો પછી આપણે ‘પ્રેમળ જ્યોતિ’ ના કવિની જેમ ગાઇ શકીએ, ‘મારે એક ડગલું બસ થાય.’ અને આપણે ભૂત-કાળના અનુભવ પરથી ખાતરી કે એક ડગલું ભર્યા પછી બીજું ડગલું આપણને દેખાશે જ. બીજા શબ્દોમાં કહીએ તો આ અભેદ્ય અંધકાર આપણે કલ્પીએ એટલો અભેદ્ય નથી પણ જ્યારે આપણે અધીરા થઇને એ એક ડગલાની આગળ જોવા માગીએ છીએ ત્યારે એ અભેદ્ય જણાય છે.

હરિજનબંધુ, ૨૯-૪-’૩૪

તમે ને હું આ ઓરડામાં બેઠા છીએ વાતની મને જેટલી ખાતરી છે એના કરતાં વધારે ખાતરી ઇશ્વરના અસ્તિત્વ વિશે છે. વળી હું તમને મારી એ સાક્ષી પણ આપી શકું છું કે કદાચ હવા ને પાણી વિના જીવી શકું પણ ઇશ્વર વિના ન જીવી શકું. તમે મારી આંંખો ભલે ફોડી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. તમે મારું નાક કાપી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. પણ તમે મારી ઇશ્વર વિશેની આસ્થા ઉડાડી દો, તો મારા બાર વાગી જવાના. તમે આને વહેમ કહેવો હોય તો ભલે કહો, પણ હું કબૂલ કરું છું કે એ વહેમ સેવવો મને ગેમ છે, જેમ હું નાનો હતો ત્યારે કંઇક ડર આવી પડે ત્યારે હું રામનાથ લેતો. મારી એક ઘરડી દાઇએ મને એ શીખવેલું.

હરિજનબંધુ, ૧૫-૫’૩૮

આ પૃથ્વી પર મારી પાસે કામ લેનારા મેં જે જે જાણ્યા છે તેમાંનો સૌથી કરડો ને સખતમાં સખત ધણી ઇશ્વર છે. તે તમારી પૂરેપૂરી તાવણી કરે છે. અને જ્યારે તમને લાગે કે તમારી શ્રદ્ધા ડગી જવાની અણી પર છે અથવા તમારું શરીર તૂટી જવાની અણી પર છે અને તમે છેક હારી જવાની અણી પર હો ત્યારે તે ગમે તે રીતે તમારી વહારે ધાય છે અને તમને ખાતરી કરાવી આપે છે કે તમારે શ્રદ્ધા ગુમાવવાની હોય નહીં અને ધા નાખો કે વહારે દોડી આવવાને તૈયાર ઊભો છે; તમારી વહાર જોકે તે તમારી ઘડીએ તેણે મને તરછોડ્યો હોય એવો એક પણ દાખલો મને યાદ આવતો નથી.

સ્પીચિજ એન્ડ રાઇટિંગ્સ ઑફ મહાત્મા ગાંધી (૧૯૩૩), પા. ૧૦૬૯

૧૧. અહિંસાનો માર્ગ

સત્યનો, અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે; ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દારી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય. આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્રેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ, તેનો કબજો રાખવો એ પણ હિંસ છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ ? તોયે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપે તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી. તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.

આટલું સહુ જાણી લેઃ અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજું. તેમાં ઉલટી કઇ ને સૂલટી કઇ ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઇ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઇક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય દૃષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જપીએ - સત્ય છે.

મંગલપ્રભાત, પ્રકરણ ૨

અંહિસા એક સૌથી શ્રેષ્ઠ પંકિતની સક્રિય શક્તિ છે. એ આત્મબળ અથવા તો માણસમાંહેલા અંતર્યામીની શક્તિ છે. અપૂર્ણ મનુષ્ય આખી ઇશ્વરશક્તિને ધારણ કરી શકતો નથી, તેનો આખો તાપ તે સહી શકતો નથી. પણ તેનો એક અતિસૂક્ષ્મ અંશ પણ જ્યારે આપવામાં ક્રિયાવન બને છેત્યારે તે ચમત્કારિક પરિણામો નિપજાવે છે. આકાશમાંનો સૂર્ય આખા વિશ્વને જીવનદાયી ઉષ્માં આપે છે. પણ જો કોઇ તેની બહુ નજીક જાય તો તે ભસ્મીભૂત થઇ જશે. તેવું જ આ અંતર્યામી આત્મશક્તિનું છે. અહિંસાની જેટલે અંશે આપણને ઝાંખી થાય તેટલે અંશે આપણે દૈવી બનીએ છીએ. પણ આપણે સંપૂર્ણપણે ઇશ્વર કદી બની શકીએ નહીં. અહિંસા ક્રિયાવાન રેડિયમ ધાતુના જેવી છે. તેનો અતિસૂક્ષ્મ કણ ઉકરડા વચ્ચે દબાવ્યો હોય તોપણ તે પરોક્ષપણે, અવિશ્રાંતપણે સતત કામ કર્યે જ જાય છે, અને આખી ગંદકીને અને રોગવસ્તુને આરોગ્યદાયી વસ્તુમાં ફેરવી નાખે છે. તેવી જ રીતે જરા જેટલી પણ સાચી અહિંસા મૂંગા, સૂક્ષ્મ, પરોક્ષ રસ્તે કામ કરે છે અને ખમીરની પેઠે આખા સમાજમાં વ્યાપી વળે છે.

હરિજનબંધુ, ૧૩-૧૧-’૩૮

નમ્રતા વિનાનું સત્ય એ તો સત્ય નહીં પણ સત્યનો ઉદ્ધાત વિદૂષકિયા સ્વાંગ થયો. જેને સત્ય આચારવાની તાલાવેલી લાગે છે તે જ જાણે છે કે એ કેવું કપરું કામ છે. દુનિયા એના કહેવાતા વિજ્યો ભલે ગમે તેવડા ઊજવે. તેના પરાજ્યોની વાત દુનિયા શું જાણે ? એ ભોંઠપની તો અને પોતાને જ ખરી ખબર હોય. આમ સત્યપરાયણ મનુષ્ય એ નીતરીને શુદ્ધ થયેલો માણસ છે. તેણે નમ્રતાની જરૂર જોઇ છે. જેને આખા જગત ઉપર પ્રેમ કરવો છે અને જેને પોતાને દુશ્મન લેખનારાને પણ તેમાંથી બાતલ રાખવો નથી તે જાણે છે કે પોતાના એકલાના બળ ઉપર તેમ કરવા માગવું એ કેવું અશક્ય છે. તેણે તો અહિંસાના મૂળાક્ષર સમજવાને પોતાને લાયક સમજતાં પહેલાં પોતાને ધૂળથી પણ ધૂળ ગણતાં શીખવું રહ્યું. દિનપ્રતિદિન તેના પ્રેમની સાથે સાથે જ જો તેની નમ્રતા પણ વધતી ન જાય તો તેના પુરુષાર્થની કશી જ કિંમત નથી.... જેનામાં અહં ભાવનાનો લેશ પણ બાકી રહ્યો છે તેને ઇશ્વરનું દર્શન કેવું ? ઇશ્વરદર્શન ઇચ્છનારે સંપૂર્ણ આત્મવિસર્જન કરવું રહ્યું છે. આ ક્ષુબ્ધ સંસારસાગરમાં કોણ છાતી ઠોકીને કહેશે, ‘મારી જીત થઇ છે’ ? જીત તો સદાય બધાના ‘હદેશે અધિષ્ઠિત’ એવા ઇશ્વરની જ થાય છે, આપણી નહીં.... જો એક દુન્યવી લડાઇ જીતવાને યુરોપે છેલ્લા મહાયુદ્ધ જેવા ક્ષણભંગુર બનાવ પાછળ લાખો જાનનો ભોગ આપ્યો તો આધ્યાત્મિક ક્ષેત્રમાં જગતને એક સંપૂર્ણ નમૂનો મળે એટલા ખાતર લાખો કરોડો અધવચ જ નાશ પામે તેમાં શી નવાઇ ?

નવજીવન, ૫-૭-’૨૫

અહિંસા એ મનુષ્યજાતિની પાસે પડેલી પ્રબળમાં પ્રબળ શક્તિ છે. માણસની બુદ્ધિએ યોજેલાં સંહારનાં પ્રચંડમાં પ્રચંડ શસ્ત્રાસ્ત્રો કરતાં એ વધારે પ્રચંડ છે. સંહાર એ મનુષ્ય ધર્મ નથી. મનુષ્ય પોતાના ભાઇને મારીને નહીં પણ પ્રસંગ આવ્યે તેને હાથે મરી જવાને તત્પર રહીને જ સ્વતંત્ર દશામાં જીવે છે. ગમે તે કારણે બીજા માણસનું ખૂન કે અન્ય પ્રકારની હિંસા મનુષ્યજાતિ સામે અપરાધરૂપ છે.

હરિજનબંધુ, ૨૧-૭-’૩૫

દયાની પરીક્ષા નિર્દયતાની સામે જ થઇ શકે; આ વચનો સામે, પ્રેમની દ્રેષની સામે, સત્યની જૂઠની સામે જ થઇ શકે. આ વચનો સત્ય હોય તો એમ કહેવું કે, ખૂનીની સાથે અહિંસા નિરર્થક છે, એ સત્યથી વેગળું છે. એમ કહી શકાય ખરું કે, ખૂનીની સાથે અહિંસાનો પ્રયોગ કરવો એટલે પોતે ખવાઇ જવું, પણ એ જ અહિંસાની પરીક્ષા છે. આમાં વિશેષતા એ છે કે, જે ખવાતાં પણ ખૂની પર ક્રોધ નથી કરતો, ને મનમાં તેને વિશે કહે છે. જેઓએ તેને શૂળી પર ચડાવ્યો છે તેને વિશે તેણે મરતાં મરતાં માગ્યું, ‘હે ઇશ્વર, જેમણે મને શૂળી પર ચડાવ્યો છે તેમને માફી બક્ષજે.’ આવા બીજા દાખલા બધા ધર્મોમાંથી નીકળી આવે તેમ છે. પણ ખ્રિસ્તનું ઉક્ત વચન જગવિખ્યાત છે.

ઉપરની હદ લગી આપણી અહિંસા ન ગઇ હોય એ જુદી વાત છે. આપણી નબળાઇને લીધે કે આપણને અનુભવ નથી તેથી અહિંસાની ભવ્યતાને આપણે નીચે ન ઇતારીએ, એ બરાબર નહીં ગણાય. સમજ જ ઊલટી હોય તો આપણે છેલ્લી ટોચ લગી ન પહોંચી શકીએ. તેથી અહિંસાની શક્તિને બુદ્ધિ વડે જાણી લેવી આવશ્યક છે.

હરિજનબંધુ, ૨૮-૪-’૪૬

અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટું વાક્ય નથી, મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતાંપીતાં, બેસતાં-ઉઠતાં, બધી ક્રિયાઓમાં, ઇચ્છાઅનિચ્છાએ કંઇક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઇ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઇ શકે.

આત્મકથા, પા. ૩૫૦-૧

વળી અહિંસાના પડમાં જ અદ્રેતભાવના રહેલી છે. અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે, તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યકિતનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે, જેનામાં વિરોધ કરવાની શક્તિ ન હોય, જેને વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થયો હોય, તે યુદ્ધકાર્યમાં ભલે; અને ભળતો છતો તેમાંથી પોતાને અને પોતાના દેશને તેમ જ જગતને ઉગારવાની હાર્દિક કોશિશ કરે.

આત્મકથા ,પા. ૩૫૧

૧૨. ધર્મનો સાર પ્રાર્થના

હું માનું છું કે પ્રાર્થના ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઇ માણસ ધર્મ વગર જીવી શકતો નથી તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઇએ. કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં કહે છે કે અમારે ધર્મ સાથે કશીયે લેવાદેવા નથી. પણ તેમની વાત કોઇ માણસ કહે કે હું શ્વાસ લઉં છું પણ મારે નાક નથી તેના જેવી થઇ. બુદ્ધિથી, અગર સ્વાભાવિક પ્રેરણાથી અગર વહેમથી માણસ દિવ્ય તત્ત્વની સાથે કોઇક જાતનો સંબંધ સ્વીકારે છે. હડહડતામાં હડહડતો અજ્ઞેયવાદી કે નાસ્તિક સુધ્ધાં કોઇક નૈતિક સિદ્ધાંતની જરૂરનો સ્વીકાર કરે છે અને તેના અમલમાં કંઇક સારું અને તેનો અમલ ન કરવાની વાતમાં કંઇક બૂરું રહેલું છે એવું માને છે. ચાર્લ્સ બ્રૅડલૉ, જેમની નાસ્તિકતા જાણીતી છે તેઓ પોતાની અંતરતમ પ્રતીતિને ખુલ્લેખુલ્લી જાહેર કરવાનો આગ્રહ રાખતા. આમ પોતે જેને સત્ય માનતા તે ખુલ્લું બોલવાને માટે તેમને ખૂબ વેઠવું પડેલું પણ તેમાં તેમને હનહદ આનંદ આવતો ને તેઓ કહેતા કે સત્ય બોલવામાં જ તેનું વળતર મળી રહે છે. સત્યના પાલનમાંથી મળતા આનંદનો તેમને જરાયે ખ્યાલ નહોતો એવો એ વાતનો અર્થ નથી, સત્યના પાલનમાંથી મળતો આનંદ જોકે દુન્યવી નથી પણ મુળે માણસ ઇશ્વરની સાથે અનુસંધાનમાં આવે છે તે હકીકતમાંથી પેદા થાય છે. તેથી મેં કહ્યુું છે કે ધર્મતત્ત્વનો અસ્વીકાર કરનાર માણસ સુધ્ધાં ધર્મ વિના જીવી શકતો નથી, જીવતો પણ નથી.

હવે, પ્રાર્થના ધર્મનું વધારેમાં વધારે મહત્ત્વનું અંગ હોવાથી માણસના જીવનનું અંતરતમ સત્ત્વ છે એ બીજા મુદ્દા પર આવું. પ્રાર્થના કાં તો આજીજીરૂપે હોય અથવા વધારે વ્યાપક અર્થમાં અંતરમાં ઇશ્વર સાથે અનુસંધાન હેય. બંને અર્થમાં સરવાળે પરિણામ એક જ આવે છે. ઇશ્વરને આજીજીરૂપે થતી પ્રાર્થનામાં પણ આત્માને શુદ્ધ કરવાની અને તેના પર ચડેલો મેલ દૂર કરવાની, તેના પર ચડેલાં અજ્ઞાન ને અંધકારનાં પડમાંથી તેને મુક્ત કરવાની માગણી જ હોય છે. તેથી પોતાના અંતરમાં વસતા ઇશ્વરને જગાડવાની જેને તાલાવેલી લાગી હોય તેનો પ્રાર્થનાનો આધાર લીધા વગર છૂટકો નથી. પરંતુ પ્રાર્થના કેવળ થોડા શબ્દોનું પોપટિયું રટણ નથી કે તેવા રટણનું શ્રવણ નથી અથવા કોઇક મંત્રનો અર્થ વગરનો પાઠ નથી. આત્માને ઢંઢોળીને જગાડતું ન હોય તેવું રામનામનું કેટલુંય રટણ થાય તોયે તે મિથ્યા છે. પ્રાર્થનામાં શબ્દો ન હોય પણ દિલ હોય તે વાત શબ્દો હોય પણ દિલ ન હોય તે વાતના કરતાં બહેતર છે. હોય તે વાત આત્માને ભૂખ ઊપડી હોય તેને શમાવવાને જ તે હોવી જોઇએ અને ભૂખ્યા માણસને ઊલટભેર પૂરું ભોજન કરવામાં જેવો સ્વાદ આવે છે તેવો ભૂખ્યા અથવા ઇશ્વર સાથે અનુસંધાન માટે તલસતા જીવને પ્રાર્થનામાં સ્વાદ આવશે. અને મારો પોતાનો તેમ જ મારા સાથીઓનો થોડો અનુભવ તમને જણાવું કે પ્રાર્થનાના જાદુનો જેને એક વખત અનુભવ થયો છે તે દિવસો સુધી ખોરાક વગર ચાલવશે પણ પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી.

કોઇ કહેશે કે જો એવું હોય તો આપણા જીવનની પળેપળ આપણે પ્રાર્થના કરવી જોઇએ. એ વિશે કશી શંકા નથી. પણ આપણે માણસો છીએ ને હંમેશ ગફલત કરીએ છીએ. એક ક્ષણને માટે પણ આપણને માણસોને અંતરમાં ઇશ્વર સાથે અનુસંધાન કરવાને ત્યાં ઊંડે ઊતરવાનું મુશ્કેલ લાગે છે. અને આપણને કાયમને માટે ઇશ્વરના અનુસંધાનમાં રહેવાનું અશક્ય લાગે છે તેથી આપણે રોજ થોડા સમયને સારુ દુનિયાની આસક્તિમાંથી અળગાં થવાનો ગંભીર પ્રયાસ કરવાને સારું અમુક વખત જુદો કાઢીએ છીએ, કહો કે આપણા દેહભાવમાંથી બહાર નીકળવાનો અંતરથી પ્રયત્ન કરીએ છીએ, તમે સુરદાસનું ભજન સાંભળ્યું છે. ઇશ્વરની સાથે એક થવાની જેને તાલાવેલી લાગી છે એવા આત્માનો એ આર્તનાદ છે. આપણે મુકાબલે તેઓ સંત હતા પણ તેમને પોતાને માટે તેઓ નામીચા પાપી હતા. આધ્યાત્મિક દૃષ્ટિથી તેઓ આપણા કરતાં ક્યાંયે આગળ નીકળી ગયા હતા પણ ઇશ્વરથી પોતાની જુદાઇનું ભાન તેમને એટલું તીવ્રપણે રહેતું હતું કે મો મસ કૌન કુટિલ ખલ કામી એમ ગાઇને તેમણે ત્રાસીને તેમ જ નિરાશ થઇને આક્રંદ કર્યું.

અહીં સુધી મેં પ્રાર્થનાની જરૂર વિશે વાત કરી અને તેની મારફતે પ્રાર્થનાના હાર્દનો પણ વિચાર કર્યો. આપણને આપણા માનવબંધુઓની સેવા કરવાને જન્મ મળ્યો છે અને આપણે પૂરા જાગ્રત ન રહીએ તો તે સેેવા કરી શકતા નથી. માણસના અંતરમાં પ્રકાશ અને અંધકારનાં બળો વચ્ચે નિરંતર કારમાં યુદ્ધ ચાલ્યાં છે અને જેની પાસે પ્રાર્થનાનો આધાર નથી તે અંધકારનાં બળોનો ભોગ બન્યા વગર રહેવાનો નથી. પ્રાર્થના કરનારો જીન અંતરમાં અને બહારથી આખીયે દુનિયા સાથે શાંતિ અનુભવશે; પ્રાર્થનાથી ભરેલા દિલ વગર જે માણસ દુનિયાના વહેવારોમાં પ્રવેશ કરશે તે જાતે દુઃખી થશે ને દુનિયાને પણ દુઃખી કરશે. તેથી મરણ પછી આવનારી માણસની સ્થિતિ સાથે પ્રાર્થનાનો જે સંબંધ છે તેની વાત જવા દઇએ તોપણ પોતાની આસપાસની જીવોથી ભરેલી દુનિયામાં પ્રાર્થના તેને માટે અપાર મૂલ્યવાન વસ્તુ છે. આપણાં રોજબરોજનાં કામોમાં વ્યવસ્થા, શાંતિ અને સરળતા લાવવાનું એકમાત્ર સાધન પ્રાર્થના છે. એ એક મહત્ત્વની વાત સંભાળી લેવાય તો બાકિની વાતોની સંભાળ આપમેળે લેવાતી રહેશે. ચોરસના એક ખૂણાને સરખો કરતાંવેંત બાકીના આપમેળે સરખા થયા વગર રહેતા નથી.

તેથી તમારા દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરવાનું રાખો. અને તે એવી ઊંડી ભાવનાથી કરો કે તેનો પ્રભાવ સાંજ સુધી તમારા મન પર રહે. અને દિવસનું કામ પણ પ્રાર્થનાથી પૂરું કરો જેથી રાત પણ માઠાં કે માઠાં સ્વપ્નાં વગરની શાંતિથી ભરેલી જાય. પ્રાર્થના કેવી કરવી ને તેનું સ્વરૂપ કેવું રાખવું તેની ફિકરમાં પડશો મા. તેનું સ્વરૂપે ગમે તે હો પણ તેનાથી તમારું ઇશ્વર સાથે અનુસંધાન થવું જોઇએ. એટલી કાળજી રાખો કે પ્રાર્થનાનું સ્વરૂપ ગમે તે હોય પણ તેના બો મોઢેથી બોલતા હોય તે દરમિયાન તમારું મન રઝળવા ન નીકળી પડે. સ્થિર ને એકાગ્ર હોય.

સૂર્ય, ચંદ્ર ને તારા સમેત વિશ્વમાં વિચરતા બધાયે પદાર્થો કેટલાક કાનૂનને તાબે રહે છે. એ કાનુનોના અંકુશ મૂકનારા પ્રભાવ વિના આ દુનિયાનો વહેવાર એક ક્ષણ પણ ચાલે નહીં. તમે સૌએ તમારા માનવ બંધુઓની સેવા કરવાનું વ્રત અથવા મિશન સ્વીકાર્યું છે. એટલે તમે જો તમારી જાત પર કોઇ અંકુશ નહીં મૂકો, કોઇ નિયમનું નિયંત્રણ નહીં સ્વીકારી તો તમારા ભાંગીને ભૂકા થઇ જશે. પ્રાર્થના એવી એક આધ્યાત્મિક શિસ્ત છે. આપણા માણસોને જાનવરથી જુદાં પાડનારી વસ્તુ આ શિસ્ત અને તેનું નિયંત્રણ છે. માથું નીચું રાખી ચાર પગે ચાલનારાં જાનવર ન થવું હોય તો આપણે શિસ્ત અને નિયમને ઓળખીએ અને સ્વેચ્છાથી તેનો અંકુશ સ્વીકારીએ.

યંગ ઇન્ડિયા, ૨૩-૧-’૩૦

૧૩. પ્રાર્થના શા સારુ ?

પ્રાર્થના કરવી જ શા માટે ? ઇશ્વર જો હોય તો તેને આ બનાવની ખબર નહીં હોય ? એને પ્રાર્થના કરીએ તો જ શું એ પોતાનું કર્તવ્ય કરી શકે ?

ના, ઇશ્વરને કશાની યાદા આપવાની જરૂર નથી. એ તો દરેક જણના હ્યદયમાં વસે છે. એની રજા સિવાય કંઇ જ બનતું નથી. આપણી પ્રાર્થના એ તો આપણા હ્ય્દયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના વિના, ઇશ્વરના આશીર્વાદ વગર મનુષ્યનો ગમે એટલો પુરુષાર્થ ફોગટ છે એવા ચોક્કસ ભાન વગર કોઇ પણ પુરુષાર્થ પૂરો થવાનો નથી. પ્રાર્થના આપણને નમ્રતા શીખવે છે. એ આત્મશુદ્ધિ કરવાનું, અંતરને શોધવાનું ઉદ્‌બોધન કરે છે.

હરિજનબંધુ, ૯-૬-’૩૫

મારી દષ્ટિએ ઇશ્વરને રામ કહો કે રહમાન કહો, ગૉડ કહો કે અહુરમઝ્‌દ કહો કે કૃષ્ણ કહો, આ બધી શક્તિઓમાં પણ એક અમોધ શક્તિ છે, એને નામ આપવાનાં મનુષ્યનાં ફાંફાં ચાલ્યા છે. મનુષ્ય અપૂર્ણ હોવા છતાં પૂર્ણ થવાનો પ્રયત્ન કરે છે, તેથી વિચારના તરંગોમાં પડે છે અને પછી જેમ બચ્ચું ફાંફાં મારે, પડેઆખડે, અને પછી ટટાર થાય, તેમ બુદ્ધિરૂપે મનુષ્ય હજુ થોડા મહિનાનું જ બચ્ચું છે, એમ કહીએ, તો બ્રહ્માના દિવસમાં માપતાં મુદ્દલ અતિશયોક્તિ નથી, પણ શુદ્ધ સત્ય છે. આ બધું મનુષ્ય તો પોતાની જ ભાષામાં જણાવી શકે. ઇશ્વર નામની શક્તિને તો ભાષા જેવું કંઇ છે જ નહીં. એને મનુષ્યોનાં સાધનની ક્યાં કંઇ જરૂર છે ? એ તો પોતાની પાસે જે સાધન છે, એ વડે જ મહાસાગરરૂપી શક્તિને વિશે વર્ણન કરી શકે. આટલું ગળે ઊતરી શકે, તો બીજું પૂછવાપણું રહેતું નથી. તો પછી એને પ્રાર્થના કરવી એ મનુષ્યની ભાષામાં ઠીક જ કહેવાય, કેમ કે, એ મહાન શક્તિને પણ આપણા ઢાળમાં નાખીને જ એની કંઇક કલ્પના કરી શકીએ. એ કલ્પના કરતાં યાદ રાખીએ કે, આપણે બિંદુ છીએ, આપણે નાનકડું જંતુ છીએ, એ પણ ઇશ્વરરૂપી મહાસાગરના. અથવા ખરેખર તો એમાં પડી અનુભવ જ લેવાય, એનું વર્ણન આપી ન શકાય. એટલે બ્લાવાટ્‌સ્કીની ભાષામાં એમ કહેવાય કે, મનુષ્ય પ્રાર્થના પણ પોતારૂપી મહાન શક્તિને પોતે જ કરે છે, એમ કરતાં આવડે તે જ પ્રાર્થના કરે, એમ કરતાં ન આવડે તેને પ્રાર્થના કરવાની જ ન હોય, તેથી ઇશ્વરને માઠું નથી લાગવાનું, પણ જે એ મહાન શક્તિને પ્રાર્થના નહીં કરે તે ખોશે, એમ મારે અનુભવથી કહેવું જોઇએ. પછી ભલે કોઇ ઇશ્વરને વ્યક્તિ ગણીને પૂજે કે ભજે, ને કોઇ મહાન શક્તિ ગણીને પૂજે કે ભજે. બંને પોતપોતાની દૃષ્ટિએ ઠીક જ કરે છે. નિરપેક્ષ રીતે યોગ્ય શું છે, એ તો કોઇ જાણતા જ નથી, અને કદાચ જાણશે જ નહીં. આદર્શ તો આદર્શરૂપે દૂર જ રહેવાનો, એટલું યાદ રાખવું ઘટે. બીજી બધી શક્તિઓને આપણે જડ શક્તિ ગણીએ છીએ, પણ ઇશ્વર એ જીવનશક્તિ છે, જે બધેય છે તેમ છતાં બધાની બહાર પણ છે.

હરિજનબંધુ, ૧૮-૮-’૪૬

એક બૌદ્ધ સાથે વાર્તાલાપ

બુદ્ધના એક અનુપાયી ડૉક્ટર ફાબ્રી ગાંધીજીને એબોટાબાદ મુકામે મળ્યા હતા. તેમણે પૂછ્યું : દૈવી માનસને પ્રાર્થનાથી પલટી શકાય ખરું ? અને પ્રાર્થનાથી તે કોઇને જડે ખરું ?

ગાંધીજી : પ્રાર્થના વખતે હું શું કરું છું તે પૂરી રીતે સમજાવવું મુશ્કેલ છે પણ ઇશ્વરી સંકેત બદલી શકાય કે નહીં એ તમારી શંકાનો જવાબ આપવામાં મુશ્કેલી નથી. તે એ કે જડચેતન સચરાચરમાં ઇશ્વરનો વાસો છે. પ્રાર્થના એટલે મારામાં રહેલા એ ઇશ્વરી તત્ત્વને જાગ્રત કરવાનો મારો પ્રયત્ન. મરામાં બૌદ્ધિક સમજ તો છે પણ જીવંત સ્પર્શ નથી. તેથી જયારે હું હિંદને સારુ સ્વરાજ અથવા આઝાદીની પ્રાર્થના કરું છું, અગર તો એવા સ્વરાજને સારુ જરૂરી સામર્થ્ય માગું છું, અથવા તેની પ્રાપ્તિને સારુ સૌથી મોટો ફાળો આપવાની અભિલાષા ધરું છું ત્યારે એનો અર્થ એ થયો કે એવી ઇચ્છાના જવાબરૂપે તેવું સામર્થ્ય મારામાં સીચાય છે.

ડૉ. ફાબ્રી : ત્યારે તો તેને તમે પ્રાર્થના ન કહી શકો. પ્રાર્થના એટેલ તો ભીખવું કાં હકથી માગવું.

ગાંધીજી : ભલે, પણ હું તો મારી પોતાની પાસે જ, ઉચ્ચાત્મા પાસે અથવા તો જેની જોડે હજી મારું સંપૂર્ણ તાદાત્મ્ય થયું નથી એ ખરા આત્મા પાસે જ ભીખું છું ને ? તેથી જ એ વસ્તુને જો તમે સચરાચર વ્યાપેલા ઇશ્વરી તત્ત્વમાં પોતાને ખોઇ દેવાની અવિરત ઝંખના તરીકે વર્ણવો તો તેમાં શું ખોટું ?

ડૉ. ફાબ્રી : પણ જેઓ પ્રાર્થના ન કરી શકે તેમનું શું ?

ગાંધીજી : તેવાઓને હું કહું, નમ્ર બનો, અને તમારી બુદ્ધિની કલ્પનાથી ખરા બુદ્ધને મર્યાદિત ન કરો. જો બુદ્ધમાં પ્રાર્થના કરવા જેટલી નમ્રતા ન હોત તો કરોડો માણસના જીવન ઉપર આજે હજારો વરસ થયાં તે જે સામ્રાજય ભોગવી રહેલ છે તે કદાપિ ભોગવી શક્ત નહીં. બુદ્ધિ કરતાં અનંતગણું ઉચ્ચ એવું કંઇક છે જે આપણા સૌના ઉપર અને નાસ્તિકના ઉપર પણ આધિપત્ય ભોગવે છે. તેમની નાસ્તિકતા અને તત્ત્વજ્ઞાન જીવનની કટોકટીને સમયે તેમને ખપ લાગતાં નથી. કંઇક ઉચ્ચતર, કંઇક બહારનું તેમને જોઇએ છે, જે તેમને ટકાવી રાખે. તેથી જો કોઇ એવો કોયડો મારી આગળ મૂકે તો હું તેને કહું કે પરમેશ્વર અથવા પ્રાર્થનાનો અર્થ જ્યાં સુધી તું તારી પોતાની જાતને શૂન્યત્‌ નહીં કરી મૂકે ત્યાં સુધી તને નહીં સમજાય. તારી મહત્તા અને મહાન બુદ્ધિવૈભવ છતાં આ વિશ્વમાં તું એક બિંદુમાત્ર છે એ સમજવા કેટલી નમ્રતા તારે કેળવ્યે જ છૂટકો. જીવનને વિશે નરી બૌદ્ધિક કલ્પના બસ નથી. આધ્યાત્મિક કલ્પના જીવનમાં કટોકટીનો પ્રસંગ આવે છે જ. પૈસાથી મળતી સાધનસામગ્રી, પ્રેમ સર્વ કંઇ હોય છે, પણ જીવનની અમુક પળે તે કશામાંથી તલમાત્ર સાંત્વન તેમને મળી શકતું નથી અને તેમના પ્રાણ તરફડે છે. આવી પળે જ માણસને ઇશ્વરની ઝાંખી થાય છે, જે ઇશ્વર આપણા જીવનને એકેએક પગલે આપણને દોરી રહે છે તેની ઝાંખી થાય છે. આનું નામ જ પ્રાર્થના.

ડૉ. ફાબ્રી : એટલે કે જેને આપણે ખરો આધ્યાત્મિક અનુભવ કહીએ છીએ કે જે બૌદ્ધિક કલ્પનાથી સરોવર છે તેની તમે વાત કરો છો. બે વાર મારા જીવનમાં મને એવો અનુભવ થયો છે. પાછળથી તે ભૂંસાઇ ગયો, પણ હવે હું બુદ્ધનાં એકબે વચનામૃતોમાંથી મહાસાંત્વન મેળવી છું.બે વચનો તે આ : ‘સ્વાર્થ દુઃખનું મૂળ છે,’ ‘ભિખ્ખુઓ ! યાદ રાખજો કે સર્વ કંઇ ક્ષણભંગુર છે.’ આ બોધામૃતનું ચિંતન લગભગ શ્રદ્ધાની જ જગા લઇ લે છે.

ગાંધીજી : એનું જ નામ પ્રાર્થના.

હરિજનબંધુ, ૧૩-૮-’૩૯

૧૪. કેવી રીતે, કોને અને ક્યારે પ્રાર્થના કરવી

“ઇશ્વરભજન - પ્રાર્થના કેવી રીતે ને કોની કરવી એ સમજાતું નથી. અને તમે તો વારંવાર પ્રાર્થના કરવાનું લખો છો; એ કેમ થાય એ સમજાવશો ?”

આમ એક જણ પૂછે છે. ઇશ્વરભજન એટલે તેના ગુણનું ગાન; પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો સ્વીકાર. ઇશ્વરનાં સાહસ્ત્ર એટલે અનેક નામ છે, અથવા કહો કે તે નનામો છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઇશ્વરને ભજીએ, પ્રાર્થીએ. કોઇ તેને રામ નામે ઓળખે છે, કોઇ કૃષ્ણ નામે; કોઇ તેને રહીમ કહે છે, તો કોઇ તેને ગૉડ કહે છે. એ બધા એક જ ચૈતન્યને ભજે છે. પણ જેમ બધો ખોરાક રુચતો નથી, તેમ બધાં નામ બંધાને રુચતાં નથી. જેને જેનો સહવાસ હોય છે તે જ નામે તે ઇશ્વરને ઓળખે છે, અને તે અંતર્યામી સર્વશક્તિમાન હોવાથી આપણા હ્ય્દયના ભાવ ઓળખી, આપણી યોગ્યતા પ્રમાણે આપણને જવાબ આપે છે.

એટલે કે પ્રાર્થના કે ભજન જીભથી ન થાય પણ હ્ય્દયથી થાય. તેથી જ મૂંગાં, તોતડાં, મૂઢ પણ પ્રાર્થના કરી શકે છે. જીભે અમૃત હોય ને હ્યદયે હલાહલ હોય તો જીભનું અમૃત શા કામનું ?કાગળના ગુલાબમાંથી સુગંધ કેમ નીકળે ? તેથી જેને સીધી રીતે ઇશ્વરને ભજવો છે તે તેને પોતાના હ્ય્દયને ઠેકાણે બેસાડે. હનુમાનની જીભે જે રામ હતો તે જ તેના હ્ય્દયનો પણ સ્વામી હતો, અને તેથી જ તેનામાં અપરિમિત બળ હતું. વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પાર્વત ઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદકો મરાય છે; તેનો અર્થ એ છે કે જેના હ્યદયમાં સર્વશક્તિમાન ઇશ્વર વસે છે તે શું ન કરી શકે ?ભલે કોઢિયો હોય કે ક્ષયનો રોગી હોય, જેના હ્ય્દયમાં રામ વસે છે તેના બધા રોગનો સર્વથા નાશ થઇ જાય છે.

આવુ હ્ય્દય કેમ થાય ? એ સવાલ પ્રશ્નકારે નથી પૂછ્યો પણ મારા જવાબમાંથી ઉદ્‌ભવે છે. મોઢેથી બોલતાં તો આપણને હરકોઇ માણસ શીખવી શકે, પણ હ્ય્દયની વાણી કોણ શીખવે ? એ તો ભક્તજન શીખવે. ભક્ત કોને કહેવો એ ગીતાજીમાં ત્રણ જગ્યાએ ખાસ અને બધી જગ્યાએ સામાન્ય રીતે શીખવ્યું છે. પણ તેની સંજ્ઞા કે વ્યાખ્યા જાણવાથી કંઇ ભક્તજન મળી રહેતા નથી. આ જમાનામાં એ દુર્લભ છે. તેથી તો મેં સેવાધર્મ સૂચવ્યો છે. જે પારકાની સેવા કરે છે તેના હ્યદયમાં ઇશ્વર પોતાની મેળે, પોતાની ગરજે આવીને વાસ કરે છે. તેથી જ અનુભવજ્ઞાન મેળવેલા નરસિંહ મહેતાએ ગાયું કે,

‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.’

અને પીડિત કોણ છે ? અંત્યજ અને કંગાળ. એ બેની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. અંત્યજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા ? જેઓ કંગાળને અર્થે રેંટિયો ચલાવવા જેટલું પણ શરીર ચલાવતાં આળસ કરે, અનેક બહાનાં કાઢેં, તે સેવાનો મર્મ જાણતા જ નથી. કંગાળ જે અપંગ હોય તેને સદાવ્રત અપાય પણ જેને હાથપગ છે તેને વગર મહેનતે ભોજન આપવું તે તો તેનું પતન કર્યા બરાબર છે. જે માણસ કંગાળની સામે બેઠો રેંટિયો ચલાવે છે ને તેને રેંટિયો ચલાવવાને સારુ નોતરે છે, તે ઇશ્વરની અનન્ય સેવા કરે છે. ‘જે મને પત્ર, પુષ્પ, પાણી, ઇ૦ ભક્તિપૂર્વક આપે છે તે મારો સેવક છે,’ એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ઘેર વધારે વસે છે, એ તો આપણે નિરંતર સિદ્ધ થતું જોઇએ છીએ. તેથી કંગાળને અર્થે કાંતવું એ મહાપ્રાર્થના છે, એ મહાયજ્ઞ છે, એ મહાસેવા છે.

હવે પ્રશ્નકારનો જવાબ આપી શકાય. ઇશ્વરની પ્રાર્થના ગમે તે નામે કરાય. કરવાની રીત હ્ય્દયથી પ્રાર્થના કરવામાં છે, હ્ય્દયથી પ્રાર્થના શીખવાનો માર્ગ સેવાધર્મ છે. આ યુગમાં જે હિંદુ અંત્યજની સેવા હ્ય્દયથી કરે છે તે શુદ્ધ પ્રાર્થના કરે છે. હિંદુ તેમ જ હિંદુસ્તાનના બીજા વિધર્મી કંગાળોને અર્થે જે હ્ય્દયપૂર્વક રેંટિયો ચલાવે છે તે પણ સેવાધર્મ આચરે છે અને હ્યદયની પ્રાર્થના કરે છે.

નવજીવન, ૨૦-૯-’૨૫

પ્રાર્થના અથવા પૂજામાં કેટલો સમય આપવો, અને કંઇ મર્યાદા બંધાય ? એ તો જેવી જેની પ્રકૃતિ. પૂજાનો સમય એ જીવનનો અમૂલ્ય સમય છે. એ પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે તેથી આપણે વિવેકથી વિનમ્ર થઇ ઇશ્વરની સત્તા વિના એક તરણું સરખું પણ હાલતું નથી એ વસ્તુનું જ્ઞાન મેળવીએ, આપણે તો માત્ર એ મહા પ્રજાપતિના હાથમાં માટીરૂપ છીએ એવું ભાન મેળવીએ. એ સમય એવો છે કે જ્યારે માણસ ગઇ કાલે શું કર્યું તેનો વિચાર કરી લે છે. પોતાની ભૂલોની કબૂલાત કરે છે, તેને માટે ક્ષમા માગે છે, અને સુધરવાનું બળ માગે છે. આને માટે કોકને એક પળ પણ બસ થાય, અને કેટલાકને આખો દિવસ પણ પૂરો ન થાય. જેમનામાં રગેરગ ઇશ્વર વ્યાપેલો છે તેનું તો પ્રત્યેક હલનચલન, પ્રત્યેક પ્રવૃત્તિ પૂજારૂપ છે. તેઓનું ચાલવું હાલવું ‘પરિકમ્મા’ છે. અને તેઓનું કર્મમાત્ર સેવા છે. પણ જેઓનો જન્મારો પાપ વિના જતો નથી, જેઓ ભોગ અને સ્વાર્થનું જીવન ગાળે છે તેઓ તો જેટલી પ્રાર્થના કરે તેટલી ઓછી. જો તેમનામાં ધૈર્ય અને શ્રદ્ધ હોય, અને પવિત્ર થવા સંકલ્પ હોય, તો જ્યાં સુધી પોતાના હ્યદયમાં ઇશ્વરનો વાસ તેઓન અનુભવે ત્યાં સુધી પ્રાર્થના કરવી ચાલુ રાખશે. આપણા જેવા સામાન્ય માણસો માટે આ બે છેડા વચ્ચેનો માર્ગ બરાબર છે. આપણે એટલા ચડેલા નથી કે આપણું કાર્યમાત્ર સહજ સમાધિરૂપ છે એમ આપણે કહી શકીએ, અથવા તો આપણે છેક પેટભરા છીએ એમ પણ ન કહેવાય. એટલે દરેક ધર્મમાં સામુદાયિક પ્રાર્થનાને માટે સમય અલગ નિયત કરેલો છે. દુર્ભાગ્યે આજકાલ આ પ્રાર્થના કેવળ યાંત્રિક થઇ ગઇ છે, અને પાખંડ નહીં તો કેવળ બાહ્ય આચાર જ તેમાં ભરેલો છે. એટલે આજે તો પ્રાર્થના ખરા ભાવથી થવાની જરૂર છે.

ઇશ્વરની પાસે કોઇ યાચનારૂપ પ્રાર્થના તો પોતપોતાની ભાષામાં જ થાય. અને પ્રાણીમાત્રની પ્રત્યે આપણે ન્યાયથી, પ્રેમભાવથી વર્તતાં શીખીએ એ યાચના કરતાં વધારે ભવ્ય યાચના ઇશ્વર પાસે કઇ કરી શકાય ?

નવજીવન, ૧૩-૬-’૨૬

૧૫. ઉપવાસ

સાચો ઉપવાસ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે. તે દેહનું દમન કરે છે અને તેટલા પ્રમાણમાં આત્માને મુક્ત કરે છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના અનેક ચમત્કાર કરે છે. પોતાની વધારે શુદ્ધિ કરવાને માટે તે આત્માની ઊંડી તાલાવેલી હોય છે. આવી રીતે સાધેલી શુદ્ધિ કોઇ ઉદાર કાર્યને માટે વપરાય છે ત્યારે પ્રાર્થનારૂપ બને છે. આપણે પ્રાર્થનાનો જે અર્થ કરીએ છીએ તેનો દાખલો ગાયત્રી મંત્રના દુન્યવી ઉપયોગ પરથી, માંદાંને સાજાં કરવાને માટે થતા તેના પાઠ ઉપરથી જોવાનો મળે છે. નમ્રતા ભરેલા એકાગ્ર મનથી સમજપૂર્વક એ જ ગાયત્રી મંત્રનો જપ રાષ્ટ્રીય મુશ્કેલીઓ કે આફતોમાં કરવામાં આવે તો ભયને દૂર કરવાના સમર્થમાં સમર્થ સાધનરૂપ બને. ગાયત્રી મંત્રનો પાઠ, અથવા નમાજ પાઢવાનું કાર્ય અથવા ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના એ બધાંવહેમનાં અને અજ્ઞાન તેમ જ ભલાંભોળાં વહેમી લોકોએ કરવાને લાયકનાં કામો છે એવું માનવાની ભૂલના કરતાં મોટી ભૂલ બીજી નથી. તેથી, ઉપવાસ અને પ્રાર્થના શુદ્ધિની વધારેમાં વધારે અસરકારક ક્રિયાઓ છે અને જેના વડે શુદ્ધિ થાય તે અવશ્યપણે આપણી ફરજ અદા કરવાનું અને આપણું ધ્યેય હાંસલ કરવાનું આપણને વધારે સામર્થ્ય આપે છે. એથી કોઇ કોઇ વાર ઉપવાસ તેમ જ પ્રાર્થના ધાર્યું પરિણામ લાવતાં ન જણાય તો એ બેમાં કંઇ સાર નથી એવું સમજવાને બદલે તે બંને કાર્ય પાછળ સાચી ભાવના નહોતી એમ સમજવું જોઇએ.

ઘણા લોકો જન્માષ્ટમીને દિવસે કરે છે તેમ જે માણસ ઉપવાસનો આખો દહાડો જુગાર રમવામાં કાઢે છે તેને ઉપવાસનું ફળ નથી મળતું એટલું જ નહીં, ઊલટું એવા દુષ્ટ ઉપવાસથી તેની અધોગતિ થાય છે. ઉપવાસ સાચો તો જ થાય જો તેની સાથે યુદ્ધ વિચારો સ્વીકારવાની તત્પરતા હોય અને શેતાન તરફથી માણસને લલચાવનારાં જે પાપો પેદા કરવામાં આવ્યાં છે તેમનો પ્રતિકાર કરવાની નિશ્ચયબુદ્ધિ હોય. તેવી જ રીતે સાચી પ્રાર્થના તો જ થાય જો તે સમજી શકાય એવી અને ચોક્કસ હોય. માણસે એવી પ્રાર્થના સાથે એકરૂપ થવાનું હોય. હોઠે અલ્લાનું નામ લેતાં લેતાં તસબીના મણકા એક પછી એક આંગળીઓમાંથી સરતા હોય પણ તે જ વખતે મને ચારે દિશામાં ભમતું હોય તો તેવી પ્રાર્થનાનો અથવા નામસ્મરણનો કશો અર્થ નથી; તે ફોકટ છે.

યંગ ઇન્ડિયા, ૨૪-૩-’૨૦

અલબત્ત, ઉપવાસ સામાન પર ખરેખર જબરજસ્તી કરનારા હોઇ શકે એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. કોઇક સ્વાર્થી હેતુ પાર પાડવાનો કરેલા ઉપવાસ એવા હોય છે. કોઇક માણસની પાસેથી પૈસા કઢાવવાને અથવા એવો જ કોઇક અંગત હેતું સાધવાને કરવામાં આવતા ઉપવાસ જબરજસ્તી રૂપ બને છે અથવા તેનાથી અણઘટતો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. આવો અણઘટતાં પ્રભાવ પાડવાના કામની સામે થવાની હું બે ધડક સલાહ આપું. મારી સામે કરવામાં આવેલા ઉપવાસનો અથવા મને આપવામાં આવેલી ઉપવાસ કરવામાં આવેલાં ઉપવાસનો અથવા મને આપવામાં આવેલી ઉપવાસ કરવાની ધમકીઓનો મેં સફળપણે પ્રતિકાર કર્યો છે. અને એવી દલીલ કરવામાં આવતી હોય કે સ્વાર્થી અને નિઃસ્વાર્થી ઉપવાસ વચ્ચેના ફેરની રેખા ઘણી ઝીણી છે તો મારી એવી આગ્રહભરી સલાહ છે કે જે માણસને લાગે કે અમુક એક ઉપવાસને તાબે ન થવાથી ઉપવાસ કરનાર માણસનું મરણ થવાનો સંભવ હોયતો તે જોખમ વહોરીને પણ તેને નમતું ન આપવું. પોતાના અભિપ્રાય મુજબ જે ઉપવાસ ખોટા હેતું પાર પાડવાને કરવામાં આવતા હોય તેમને અવગણવાની દૃઢતા લોકો કેળવતા થશે તો તેવા ઉપવાસોમાં રહેલું જબર જસ્તીનું અથવા અણઘટતા પ્રભાવનું દૂષિત તત્ત્વ દૂર થઇ જશે. માણસે શોધેલા બધા ઇલાજોની જેમ ઉપવાસનો પણ ઘટતો તેમ જ અણઘટતો ઉપયોગ થાય એમ બને. પણ તે ઇલાજનો દુરુપયોગ થવાનો ડર રાખી સત્યાગ્રહનાં સાધનો પૈકીના આ અમોધ સાધનનો ત્યાગ કરવાનો હોય નહીં. હિંસાના અવેજમાં તેના ઉપયોગની હજી માંડ શરૂઆત થઇ છે અને તેથી તે સાધન અણિશુદ્ધ બન્યું નથી. પણ આધુનિક સ્વરૂપના સત્યાગ્રહના સર્જક તરીકે હું તેના જે અનેકવિધ ઉપયોગ છે તેમાંના એકને પણ છોડી ન શકું કેમ કે તેમ કરતાં મારે એક નમ્ર સત્યશોધકના ભાવથી સત્યાગ્રહ અજમાવવાનો મારો દાવો જતો કરવો પડે.

હરિજન, ૯-૯-’૩૩

ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિથી વાંધા

(આમરણ ઉપવાસની સામે વિલાયતમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ બતાવેલી નૈતિક સૂગની વાતના શ્રી સી. એફ. ઍન્ડ્રઝના પત્રના જવાબમાં.)

હિંદુ ધર્મના સાહિત્યમાં ઉપવાસના પાર વગરના દાખલાઓ ડગલે ને પગલે જોવાના મળે છે અને નામનુંયે નિમિત્ત મળતાં લાખો હિંદુઓ આજે પણ ઉપવાસ કરે છે. એ જ એવી વસ્તુ છે જે ઓછામાં ઓછું નુકસાન કરે છે. બેશક, બીજી અનેક સારી વસ્તુઓનો થાય છે તેમ ઉપવાસનો પણ દુરુપયોગ થાય છે. એ અનિવાર્ય છે. કેટલીક વાર ભલાઇના ઓઠા નીચે પાપ થાય છે તેથી ભલાઇ કરવાનું છોડી દેવાય ખરું કે ?

મારી સાચી મુશ્કેલી પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના મારા ખ્રિસ્તી મિત્રોને અંગે છે. તેવા ઘણા છે અને તેમની મૈત્રી મારે સારુ અત્યંત કીમતી છે. તેમની આગળ મારે કબૂલ કરવુંં જોઇએ કે તેમની સાથે મારે પહેલવહેલો પરિચય થયો ત્યારથી જોકે મને તેમના ઉપવાસ સામેના અણગમાની ખબર છે છતાં તે મને સમજાયો નથી.

દુનિયાભરમાં દેહદમનને આધ્યત્મિક વિકાસ માટે સૌથી પહેલી શરત માનવામાં આવી છે. ઉપવાસનો વ્યાપકમાં વ્યાપક અર્થ કરીએ તો તેના વગર પ્રાર્થના અસંભવિત છે. સંપૂર્ણ ઉપવાસ અહંકારનો સંપૂર્ણ તેમ જ અક્ષરશ : ઇન્કાર છે. અને તે સાચામાં સાચી પ્રાર્થના છે. ‘મારુ જીવન લઇ લે, અને તે હમેશ, કેવળ, આખુંયે તારે જ માટે હો,’ એ વચન કેવળ મોઢાનું પોપટિયું અથવા કેવળ ભાષાના અલંકારનું નથી, ન હોવું જોઇએ કોઇ પણ પ્રકારની ચોરી રાખ્યા વિનાનું એ સમર્પણ કોઇ પણ જાતની પરવા રાખ્યા વગર થવું જોઇએ. અન્નનો ત્યાગ, અરે પાણીનો પણ ત્યાગ ઇશ્વરશરણતાનો, સમર્પણનો માત્ર આરંભ છે અને તેનું નજીવું અંગ છે.

આ લેખને માટે મારા વિચારો હું ગોઠવતો હતો તે જ અરસામાં ખ્રિસ્તી ભાઇઓનું લખેલું એક ચોપાનિયું મારા હાથમાં આવી ચડ્યું અને તેમાં ઉપદેશ કરતાં આચરણની જરૂર વધારે છે એ મુદ્દા પર એક પ્રકરણ છે. તેમાં જોનાહના ત્રીજા પ્રકરણમાંથી એક ઉતારો ટાંકેલો છે. એ પેગંબરે ભવિષ્ય ભાખ્યું હતું કે પોતે નિનેવેહ નામના મોટા નગરમાં પ્રવેશ કરશે તે ભવિષ્ય ભાખ્યું હતું કે પોતે નિનેવેહ નામના મોટા નગરમાં પ્રવેશ કરશે ને પછી ચાળીસમે દિવસે તેનો નાશ થશે.

“પણ નિનેવેહના લોકો ઇશ્વરને માનતા હતા, તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યુ, અને નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટા સુધી સૌ કોઇએ શરીર પર ગૂણપાટ ઓઢ્યું નિનેવેહના રાજાને પણ સંદેશો મળ્યો એટલે તેણે પોતાનું સિહાસન છોડી ઊભા થઇ પોતાનો રાજવી ઝભ્ભો ઉતારી ગૂણપાટ ઓઢ્યું ને તે રાખમાં જઇને બેઠો. પછી આખા નિનેવેહ શહેરમાં રાજા અને ઉમરાવોના ફરમાનની જાહેરાતનો ઢંઢેરો પિટાયો કે, ‘માણસ કે પશું, માણસોનાં કબીલો કે ઢોરનું ટોળું કોઇ ચીજ મોઢામાં ન મૂકે; તે બધાં ન અનાજ ખાય કે ન પાણી પીએ. પણ માણસ ને પશું સૌ ગૂણપાટ ઓઢે અને ઇશ્વરને પોકારે કે, હે ઇશ્વર, આ બંધાયને પાપને રસ્તેથી પાછાં ફરવા દે અને તેમને સૌને હાથે જે હિંસા થાય છે તેમાંથીયે પાછાં વળવા દે. કોણ કહી શકશે કે ઇશ્વર પસ્તાઇને પોતાનો બોલ પાછો નહીં વાળે ? અને આપણો સમૂળગો નાશ ન થાય તેટલા ખાતર પોતાના પ્રચંડ ક્રોધને પાછો નહીં વાળે ?’ પછી ઇશ્વર તેમનાં કામ જોયાં ને જોયું કે તેમણે પાપનો રસ્તો છોડ્યો છે; અને પછી ઇશ્વરે પોતે તેમને સજા કરવાની જે અનિષ્ટ વાત કરી હતી તેનો પસ્તાવો કરી તેમ કરવાનું માંડી વાળ્યું.”

આમ આ આમરણ ઉપવાસ થયો. પણ દરેક આમરણ ઉપવાસ આપઘાતનો કિસ્સો હોતો નથી. નિનેવેહના રાજા અમે લોકોનો આ ઉપવાસ ઇશ્વરને પોતાની મુક્તિ માટેની ભવ્ય તેમ જ નમ્ર પ્રાર્થના હતી. કાં તો તેમને મુક્તિ થાય કે મરણ થાય. મારા ઉપવાસની બાઇબલમાં વર્ણવેલા આ ભવ્ય ઉપવાસની સાથે સરખામણી કરવાની છૂટ લઉં તો તે પણ એવો જ હતો. જોનાહના અધ્યાયમાંનું આ પ્રકરણ રામાયણમાંના કોઇક પ્રસંગ જેવું લાગે છે.

હરિજન, ૧૫-૪-’૩૩

૧૬. નિરંતર ચાલી રહેલું દ્ધંદ્ધયુદ્ધ

પોતાી જૂની કુટેવોને બદલવાને, પોતાનામાં રહેલી ખરાબ વાસનાઓને જીતવાને, અને જે સત્‌ છેે તેને તેનું યોગ્ય સ્થાન આપવાને મનુષ્ય સરજાયેલાં છે. ધર્મ જો આપણને આટલું ન શીખવતો હોય તો તે કાંઇ કામનો નથી. પણ આ પુરુષાર્થ સાધવાને સારુ કોઇ સીધોસટ માર્ગ આજ લગી જડ્યો નથી. આપણામાં નામર્દીએ કદાચ મોટામાં મોટો દોષ છે અને તેવડી જ મોટી તે હિંસા છે. ખુનામરકી ઇત્યાદિ જેને આપણે હિંસાને નામે ઓળખીએ છીએ તેના કરતાં નામર્દી એ મોટો દોષ છે. એ વિશે તો કાંઇ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ આપણી ઇશ્વરને વિશે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણોના અજ્ઞાનમાં છે..... હું મારો પુરાવો આપી શકું છું અને કહી શકું છું કે પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે. જ્યાં સુધી આપણામાં ઇશ્વરને વિશે જીવતી ઉજ્જવળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાય છે.

જેને આપણે આસુરી અને દૈવી વૃત્તિઓનું દ્ધંદ્ધયુદ્ધ કહીએ છીએ તેને ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ખુદા અને સેતાન વચ્ચેના દ્ધંદ્ધને નામે વર્ણવે છે. જરથોસ્તી દાદા અહુરમઝ્‌દ અને અહરિમાનની વચ્ચે ચાલતું યુદ્ધ ગણાવે છે. આવા આ યુદ્ધમાં આપણે પસંદગી કરવાની રહેલી છે કે આપણે ક્યા પક્ષનો આશ્ચય લઇશું. એટલે પ્રાર્થનાનો અર્થ એ થયો કે આપણે રાવણના પંજામાંથી નીકળવાને સારુ રામની સાથે અતૂટ સંબંધ બાંધ્યો, તેને આપણે સર્વાપણું કર્યું. આવી પ્રાર્થનાએકાંઇ મોઢાનો બકવાદ નથી. એ તો આપણા હ્ય્દયના એવા ઊંડામાં ઊંડા ઉદ્‌ગાર છે, જે આપણા દરેક વચનમાં, દરેક વર્તનમાં અને દરેક વિચારમાં જોઇ શકાય. જ્યારે આપણી ઉપર એક પણ મલિન વિચાર સવાર થઇ બેસે ત્યારે આપણે અચુક સમજવું કે આપણે કરેલી પ્રાર્થના કેવળ જીભેથી કરેલું ઉચ્ચારણ જ હતું. અને જો પ્રત્યેક મલિન વિચારના વિજયને વિશે આપણે એમ કહી શકીએ તો વાચા અને વર્તન વિશે તો કહીએ જ શું ? અંતરની પ્રાર્થના એ આ ત્રિવિધ તાપના નિવારણનું રામબાણ ઔષદ છે. આવી પ્રાર્થનાના આરંભમાં જ આપણે સફળતાને જોઇ નથી શકતા, એમ છતાં શ્રદ્ધાપૂર્વક આપણે પ્રાર્થનારૂપી હોડીને વળગી રેહવાનું છે, પછી ભલે સફળતાનાં દર્શન કરતાં આપણને મહિનાઓ જાય કે વર્ષો જાય. એનું નામ જ શ્રદ્ધા છે. અને આપણાં વર્ષો તે ઇશ્વરની એક પળ બરાબર છે. તેથી જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઇએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઇએ. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરાં, પહાડો, ખાઇઓ, વાઘ, વરુ અનેક જાતના ભયો અને ત્રાસો આવવાના જ છે. તેમ છતાં નામર્દ ન થઇને એ બધી મુસીબતોની સામે થવાની હિમત આપણે કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોષમાં પાછા હઠવું, હાર ખાવી, પલાયન કરવું, એવી વસ્તુ જ નથી.

મેં આ લખ્યું છે એ કાંઇ કાલ્પનિક ચિત્ર નથી. મેં તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવીણ થયેલા ઋષિઓ, મુનિઓ, અવતારો અને પેગંબરોના અનુભવોનો શુદ્ધ સાર આપ્યો છે, તેમાં મેં મારો પોતાનો અલ્પ અનુભવ પણ મેળવ્યો છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય છે, તેમ તેમ હું દીવા જેવું સ્પષ્ટ જોઇ શકું છું કે આ જગતમાં મેળવવા જેવું કે કાંઇ મેળવ્યું છે તે શ્રદ્ધા અને પ્રાર્થનાને આધારે મળેલું છે. આ અનુબવ એક ક્ષણની વસ્તુ નથી, થોડા દહાડા કે એક હપતાની વાત નથી પણ લગભગ ૪૦ વર્ષોનો એકધારાએ ચાલતો આવેલો અનુભવ છે. મારે ભાગે નિરાશાઓ આવેલી છે. ઘોર અંધકાર મેં અનુભવ્યો છે. ચોમેરથી ‘પાછા હઠો’ એવા ભણકારા મેં કાને સાંભળેલા છે. ‘જોજો પસ્તાશો’ એવી સાવચેતીના અવાજો આજે પણ સાંભળી રહ્યો છું. બધાથી પણ ચડી જાય એવા સૂક્ષ્મ અને લલચાવે એવા અભિમાનના હુમલાઓનાં પણ મને તાજાં સ્મરણ છે. એમ છતાં હું કહી શકું છું કે મારી શ્રદ્ધા એ બધા શત્રુઓને રામની મદદથી હાંકી શકી છે. અને મારે કબૂલ કરવુૂં જોઇએ કે મારી શ્રદ્ધા હું જે પ્રમાણમાં તે માગું છું તે પ્રમાણમાં હજું તો નહીં જેવી છે. જો આપણામાં એવી ખરી શ્રદ્ધા હોય, પછી ભલે અંશમાત્ર હોય, આપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્‌ગાર હોય, પછી ભલે તે ગમે તેવા મંદ હોય, તો આપણે ઇશ્વરની પરિક્ષા કોઇ દિવસે નહીં કરીએ. તેની સાથે સાટું ન કરાય. આપણે જ્યાંલગી તેની પાસે ખાલી હાથે ન જઇએ, આપણી અશક્તિનો નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃત્તિઓરૂપી અસંખ્ય રાક્ષસોની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નતી. તેથી જ ભક્ત કવિએ ગાયું છેઃ

ભક્તિ શીશતણું સાટું

આગળ વસમી છે વાટું.

નવજીવન, ૨૩-૧૨-’૨૮

૧૭. આત્મશુદ્ધિ

પ્રેમ અને અહિંસાની અસર અનોખી છે, પણ તેમના પ્રયોગમાં ધાંધલ, દેખાવ, અવાજ કે જાહેરાતનાં પાટિયાં જોવાનાં મળતાં નથી. તેમના પ્રયોગ પહેલાં જોકે આત્મવિશ્વાસ હોવો જોઇએ અને તેનીયે પહેલા આત્મશુદ્ધિ હોવી જોઇએ. અનિશુદ્ધ નિષ્કલંક ચારિત્ર્યવાળા અમે આત્મશુદ્ધિવાળા પુરુષો સહેજે ભરોસો પાડશે અને જાણે કે આપોઆપ પોતાના આસપાસનું વાતાવરણ શુદ્ધ કરશે.

યંગ ઇન્ડિયા, ૬-૯-’૨૮

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યકિત અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઇ પડે છે. અને વ્યક્તિગત પ્રયત્ન કરવાની શક્તિ સત્યનારાયણે સહુને જન્મથી જ આપી છે.

આત્મકથા, પા. ૪૯૨

પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતાં છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળી ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાં મને કઠિન લાગે છે.

આત્મકથા, પા. ૪૦૨

પવિત્ર કાર્યમાં કદી હાર સ્વીકારશો મા અને હવેથી નિશ્ચય કરો કે આપણે શુદ્ધ રહીશું અને ઇશ્વર આપણને ઘટતો જવાબ આપશે જ આપશે. પરંતુ ઇશ્વર કદીયે બડાશ હાંકનારા અભિમાનીની પ્રાર્થનાનો કે તેની સાથે સોદો કરવાની વાત કરનારની પ્રાર્થનાનો જવાબ વાળતો નથી.... તેની સહાય તમારે જોઇતી હોય તો તમે જેવા છો તેવા તેની પાસે જાઓ, કોઇ પણ જાતની ચોરી રાખ્યા વગર તેને આજીજી કરો અને તમારા જેવા પતિત જીવને તે કેમ સહાય કરશે તે વાતનો ડર કે વહેમ રાખશો મા. પોતાની જીવને તે કેમ સહાય કરશે તે વાતનો ડર કે વહેમ રાખશો મા. પોતાની પાસે આવનારા કરોડોની જેણે બાંય પકડી છે તે તેમને છોડી જાય ખરો કે ? તે કદીયે અપવાદ કરતો નથી અને તમારી એકેએક પ્રાર્થનાનો જવાબ આપે છે એવો મને તેમને અનુભવ થશે. જે સૌથી અશુદ્ધ છે, વધારેમાં વધારે પાપી છે તેની પ્રાર્થનાને પણ જવાબ મળ્યા વગર રહેશે નહીં. આ બધી વાતો હું તમને મારા અંગત અનુભવમાંથી જણાવું છું. હું એ નરકમાંથી પસાર થયો છું. સૌથી પહેલાં ઇશ્વરના શાસનને ઓળખો અને બાકીનું બીજું તમને આવી મળ્યા વગર રહેશે નહીં.

યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯

૧૮. મૌનનો મહિમા

સત્યના શોધકે મૌન રહેવું જોઇએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્‌ભૂત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંતઃકરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે. એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.

યંગ ઇન્ડિયા ૬-૯-’૨૫

અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણઅલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળી માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઢ્ઢી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઇ શકાય છે.

આત્મકથા, પા. ૬૨

આ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગ્યા વિના રહેતું નથી કે આપણે ક્રોધથી ભરેલાં માનવીઓ જો મૌનની ઉપયોગિતા સમજીએ તો જગતની લગભગ અદધી આપત્તિ ઓછી થઇ જાય. આધુનિક સુધારો આવી પડ્યો તે પહેલાં ચોવીસ કલાકમાંથી પાંચ છ કલાક તો શાંતિના આપણને મળતા જ હતા. આધુનિક સુધારાએ આપણને રાતનો દિવસ કરતાં ને સુર્વણસમ શાંતિને બદલે પાર વિનાનાં હોહા ને શોરબકોર કરતાં શીખવ્યું. આપણે આપણા પ્રવૃત્તિમય જીવનમાં દિવસમાં ઓછામાં ઓછા બે કલાક પણ એકાંતમાં ગાળી શકીએ અને એ પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવું સારું ! એ ઇશ્વરી રેડિયોતો હમેશાં વાગી જ રહ્યો છે, માત્ર એ સાંભળવામાટે આપણા કાન ને મન તૈયાર કરવાં રહે છે. પણ એ રેડિયો મૌન વિના સંભળાય એવો નથી. ખ્રિસ્તી સંત્‌ ટેરેસાએ મૌનના સુંદર પરિણામનું સરસ વર્ણન કરતાં કહ્યું છે :

“તમારી બધી ઇન્દ્રીયો એકદમ ભેગી મળીને એકતાન બનતી તમને લાગશે; મધમાખો મધપૂડામાં પાછી ફરીને મધ બનાવવાનું કામ કરવા પુરાઇ રહે એના જેવી એ લાગશે : અને આને સારુ તમારે પ્રયત્ન કે કાળજી નહીં કરવા પડે. આમ તમારો આત્મા પોતા પ્રત્યે જે બળજબરી કરે તેનું સફળ ઇશ્વર તેને આપે છે; અને તેને ઇન્દ્રિયો પર એટલું પ્રભુત્વ આપે છે કે એ આત્મા જ્યારે સ્વસ્થ, અંતર્મુખ થવા માગે ત્યારે એક નિશાની કરતાં ઇન્દ્રિયો એનું માની જાય છે ને બાહ્ય વસ્તુઓપરથી પાછી વળીને અંતર્મુખ બની જાય છે. સંકલ્પનું બળ પહેલી વાર અજમાવતી વખતે તે જલદી જલદી પાછી ફરે છે. આખરે, એવા ઘણા પ્રયત્ન પછી, ઇશ્વર એ ઇન્દ્રિયોને સંપૂર્ણ સમત્વ અને સંપૂર્ણ નિદિધ્યાસની સ્થતિએ પહોંચાડે છે.”

હરિજનબંધુ, ૨૫-૯-’૩૮

એ (મૌન) મારા શરીર તેમ જ આત્માને બંનેને આવશ્યક થઇ પડ્યું છે. મૂળ તો મનનો બોજો હળવોકરવાને એ લીધેલું. વળી મારે લખવાને સારુ વખત જોઇતો હતો. પણ કેટલાક વખત સુધી મૌન રાખ્યા પછી મેં એની આધ્યાત્મિક ઉપયોગિતા જોઇ. મારા મનમાં એકદમ ઝબકારાની પેઠે ઊગી આવ્યું કે એ વખતે હું ઇશ્વરપ્રણિધાન સારામાં સારુ કરી શકું અને હવે મને લાગે છે કે મૌન મારે સારુ સ્વભાવસિદ્ધ વસ્તુ છે.

હરિજનબંધુ, ૨૫-૧૨-’૩૮

મારા જેવા સત્યના શોધકને સારુ મૌન મોટી મદદરૂપ થાય છે. મૌનની સ્થિતિમાં આત્માને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ દેખાય છે અને પહેલાં મનની પકડમાંથી સરી જતું તેમ જ ભ્રામક ભાસનારું ઓગળીને સ્ફટિક જેવું સાફ સૂઝવા લાગે છે. આપણું જીવન સત્યની લાંબી તેમ જ કઠણ ખોજના સ્વરૂપનું છે અને આત્માને પોતાના સંપૂર્ણ ઉચ્ચ સ્વરૂપને પામવાને અંંતરની નિરાંત ને આરામની જરૂર રહે છે.

હરિજનબંધુ, ૧૦-૧૨-’૩૮

૧૯. ધર્મોની સમાનતા

બધા ધર્મો એક જ બિંદુ તરફ દોરી જનારા જુદા જુદા રસ્તા જેવા છે. આપણે આખરે એક જ લક્ષ્ય પર પહોંચતાં હોઇએ તો જુદા જુદા રસ્તા લઇએ તેથી શું ? સાચું જોતાં જેટલા માણસો છે તેટલા ધર્મો છે.

હિંદ સ્વરાજ (૧૯૪૬)

હું માનું છું દુનિયા બધા મોટા ધર્મો વત્તાઓછા પ્રમાણમાં સાચા છે. ‘વત્તાઓછા પ્રમાણમાં’ એવું મેં કહ્યું તેનું કારણ એ કે માણસો સંપૂર્ણ નથી. એ જ હકીકતને લીધે માણસોના હાથ જેને જેને અડે છે તે બધું અપૂર્ણ રહે છે એવું મારું માનવું છે. પૂર્ણતા ઇશ્વરનું આગવું લક્ષણ છે અને તેનું વર્ણન કે વ્યાખ્યા થઇ શકતાં નથી. ઇશ્વર જેવો પૂર્ણ છે તેવા પૂર્ણ થવાનું હરેક માણસને માટે શક્ય છે એવું હું અવશ્ય માનું છું. પૂર્ણતાએ પહોંચવાની આપણે હરેક મહત્ત્વાકાંક્ષા રાખવી જરૂરી છે, પણ તે પરમ સુખની અવસ્થાએ પહોંચ્યા પછી તેનું વર્ણન કે વ્યાખ્યા થઇ શકતાં નથી. અને તેથી પૂરી નમ્રતાથી હું કબૂલ કરું છું કે શું વેદો, કે શું કુરાન કે શું બાઇબલ એ બધાંમાં ઇશ્વર પૂર્ણપણે વ્યક્ત થયો નથી અને સારી માઠી વૃત્તિઓના આવેગોથી આમ તેમ પછડાતાં આપણે અધૂરાં માનવી ઇશ્વરનો એ શબ્દપણ પૂરેપૂરો સમજવાને તદ્દન અસમર્થ છીએ.

યંગ ઇન્ડિયા, ૨૨-૯-’૨૭

એક જ ઇશ્વરને માનવાની વાત બધાયે ધર્મનો પાયો છે. પણ આખીયે દુનિયામાં એક જ ધર્મ પળાતો હોય એવો જમાનો હું કલ્પી શકતો નથી. સિદ્ધાંત તરીકે ઇશ્વર અકે જ છે તેથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. પણ વહેવારમાં ઇશ્વરને એક જ પ્રકારે ઓળખનારા બે માણસો પણ મારા જોવામાં આવ્યા નથી, સંભવ છે કે જુદી જુદી વૃત્તિ ને જુદી જુદી પ્રકૃતિ તેમ જ ભિન્ન ભિન્ન આબોહવામાં સમાધાન આપી શકે એવા જુદા જુદા ધર્મોની હસ્તી હંમેશ રહેવાની.

હરિજન, ૨-૨-’૩૪

ધર્મ એક જ હોય એ વાતની આજે જરૂર નથી; આજે જરૂર એ વાતની છે કે જુદા જુદા ધર્મ પાળનારા પરસ્પર આદર રાખે ને સહિષ્ણુ થાય. આપણને મરણની જડ એકતા નથી જોઇતી, વિવિધતામાં એકતાની સ્થિતિને આપણે પહોંચવા માગીએ છીએ. જૂની પરંપરાઓને, વંશપરંપરાને, આબોહવાને અને બીજા આજુબાજુના સંજોગોને કારણે કેળવાયેલા ગુણોને જડમૂળથી ઉખેડી કાઢવાનો કોઇ પણ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા વગર રહેશે નહીં એટલું જ નહીં, જાણીબૂજીને પવિત્ર વસ્તુ પર ઘા કરવા જેવું થશે. ધર્મમાત્રનો આત્મા એક જ છે પરંતુ તેણે અનેક રૂપ ધરેલાં છે. એ બધાંયે રૂપો કાળના અંત સુધી રહેવાનાં છે. ડાહ્યા માણસો આ બહારના આવરણને અવગણીને અનેકવિધ આવરણોમાં વસતા એક જ આત્માને ઓળખ્યા વગર રહેશે નહીં.

યંગ ઇન્ડિયા, ૨૫-૯-’૨૫

હિંદુ ધર્મમાં જેમ મહમદ, જરથુષ્ટ્ર અને મૂસાને સ્થાન છે તેમ ઇશુને પણ પૂરતું સ્થાન છે, એ રાજકુમારીની માન્યતાને ટેકો હું દૃઢતાપૂર્વક આપી શકું છું. મારે મન ભિન્ન ભિન્ન ધર્મો એ એક જ ઉપવનનાં સુંદર પુષ્પો છે, અથવા તો એક જ વિશાળ વૃક્ષરાજની શાખાઓ છે. એટલે એ બધા સરખા સાચા છે, જોકે એની પ્રેરણા ઝીલનાર ને એનો અર્થ કરનાર મનુષ્યો હોવાથી એ ધર્મો એટલા જ અપૂર્ણ પણ છે. આજે હિંદુસ્તાનમાં જે બીજે જે પ્રકારે ધર્માંતર ચાલી રહેલું છે એવા ધર્માંતરનો વિચાર સ્વીકારવાને મારા મનને મનાવવું અશક્ય છે. એ એક એવી વિચાર સ્વીકારવાને મારા મનને મનાવવું અશક્ય છે. એ એક એવી ભૂલ છે જે જગતની શાંતિ પ્રત્યેની મોટામાં મોટા વિઘ્નરૂપ છે. ‘આખડતાં સંપ્રદાયો’ એ નિદાવ્યંજક શબ્દ છે; અને અત્યારે ભારતવર્ષમાં જે દયા પ્રવર્તે છે તેનું એ સાચું વર્ણન આપે છે. ભારત એ મહાધર્મની કે ધર્મોની જનની છે એમ હું માનું છું. એ જો ખરેખર જનની હોય તો એના જનનીપણાની કસોટી ચાલી રહેલી છે. ખ્રિસ્તીએ હિંદુને ખ્રિસ્તી ધર્મમાં ને હિંદુ એ ખ્રિસ્તીને હિંદુ ધર્મમાં ખેંચી લાવવાની ઇચ્છા રહે એથી સેવવી જોઇએ ? હિંદુ એ સદાચારી કે પ્રભુપરાયણ માણસ રહે એથી ખ્રિસ્તીને સંતોષ શા સારુ ન થવો જોઇએ ? માણસની નીતિ અનીતિ કશા લેખામાં ન હોય, તો તે દેવળમાં, મસ્જિદમાં કે મંદિરમાં અમુક રીતે ઉપાસના કરતો હોય એ ખાલી પોપટિયા ઉચ્ચારણ છે; એ વ્યક્તિના કે સમાજના વિકાસમાં અંતરાયરૂપ પણ હોય. અને અમુક ઢબે જ ઉપાસના કરવી કે અમુક જ મંત્ર કે કલમો પઢવો એવો આગ્રહ રાખવાથી ખૂનખાર લડાઇઓ થવાનો, લોહીની નદીઓ વહેવાનો, ને ધર્મ પરથી એટલે કે ઇશ્વર પરથી માણસોની શ્રદ્ધા છેક જ ઊઠી જવાનો પણ સંભવ રહે છે.

હરિજનબંધુ, ૭-૨-’૩૭

પરધર્મનાં પુસ્તકોના દોષો બતાવવાનું કે તેની ટીકા કરવાનું મારું કામ નથી. તેના ગુણો ગણાવવાનું અને બને તો તેનું અનુકરણ કરવાનું કામ સારું છે. કુરાન શરીફમાં જે મને ન રુચતું હોય તે બતાવવાનો મને અધિકાર નથી. તેમ જ પેગંબરના જીવન વિશે એમના જીવનમાંથી જે વાત હું સમજી શકું છું તેની તારીફ કરું છું. જે હું ન સમજું તે મુસલમાન મિત્રો પાસેથી અને મુસલમાન લેખકોના લેખો મારફતે સમજવાનો પ્રયત્ન કરું છું. આવી વૃત્તિ સેવતાં જ હું બધા ધર્મો પ્રત્યેે સમાનતા જાળવી શકું છું. હિંદુ ધર્મનો એબો બતાવવાનો મને અધિકાર છે ને મારો ધર્મ પણ છે. પણ અહિંદુ લેખકો જ્યારે હિંદુ ધર્મની ટીકા કરે છે અથવા તેના દોષો ગણાવવા બેસે છે ત્યારે ઘણી વાર તેમાં અજ્ઞાન હોય છે. તેઓ હિંદુની આંખે એ જ વસ્તુ જોઇ શકતા નથી, તેથી સીધી વસ્તુ જોઇ શકતા નથી , તેથી સીધી વસ્તુને આડી જુએ છેે. આવા અનુભવથી પણ હું સમજું છું કે જેમ અહિંદુ લેખકોની ટીકા મને દુષિત લાગે છે તેમ જો હું કુરાન શરીફની ને પેગંબરની ટીકા કરું તો તે મુસલમાનને દૂષિત કેમ ન લાગે ?

હરિજનબંધુ, ૩૧-૧-’૩૭

ઇસ્લામનો ‘અલ્લા’, ખ્રિસ્તીઓનો ‘ગૉડ’ અને હિંદુઓનો ‘ઇશ્વર એક જ છે. જેમ હિંદુ ધર્મમાં ઇશ્વરનાં સહસ્ત્રાવધિ નામ છે તેમ ઇસ્લામમાં પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામો જુદાં જુદાં વ્યક્તિત્વનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઇશ્વરમાં ગુણોનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઇશ્વર તો ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઇશ્વરને વિશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઇભાંડુ માનવાં. એનો અર્થ એ પણ થાય કે સર્વ ધર્મ વિશે સરખો આદર રાખવો.

હરિજનબંધુ, ૧૫-૫-’૩૮

સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન’ નો અનુવાદ છે.એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે ‘સર્વધર્મઆદર’ શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં એની ઊણપ માની લેવામાં આવે ચે. આદરમા૪ં મહેરબાનીનો ભાવ ભાવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસાદૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે છે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોય તો પછી સત્યનો આગ્રહ શો ?તો તો આપણે પરમેશ્વર જ થયા, કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી રાખીએ છીએ. તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સંપૂર્ણ ધર્મ આપણે જોયો નથી, જેમ ઇશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અર્પૂણ છે, ને તેમાં નિત્ય ફેરફાર થયા કરે છે, થયા કરવાનો. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ ને સત્ય પ્રતિઇશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઇએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મો અર્પૂણ માનીએ તો પછી કોઇને ઊંચનીય માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે. તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઇ શકતા હોઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કાંઇ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય. ત્યારે પ્રશ્ન એ થાય કે ઘણા ધર્મો શાને સારુ જોઇએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક જ છે પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી ટળે નહીં છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક જ છે, જેમ વૃક્ષનું પણ તેને ખાતરાં અસંખ્ય છે. બધા ધર્મો ઇશ્વરદત્ત છે. પણ મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્યે તેનો પ્રચાર કરેલો હોવાથી તે અપૂર્ણ છે. ઇશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો ? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટી વર્તે ત્યાં લગી સાચા. પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી. આમાં પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે; તેથી વધારે સાત્ત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્માધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં એ અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતા આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના. અહીં ધર્મ અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એેક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઇ ગયાં છે ને આજે પણ મોજુદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવ ને ધર્મીઓ મનુષ્યો પ્રત્યેના સમભાવમાં કંઇક ભેદ છે. મનુષ્યપાત્ર, દુષ્ટ ને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.

નવજીવન, ૫-૧૦-’૩૦

આપણે બધા કરી એકસરખી રીતે વિચાર કરવાના નથી અને જુદી જુદી બાજુએથી સત્યના કેવળ અંશોને જોવા પામીશું તેથી આચારનો સોનેરી નિયમ એવો હોય કે આપણે પરસ્પર સહિષ્ણુ થઇએ. દરેકને માટે અંતઃકરણ એક જ વસ્તુ નથી. એટલે અંતઃકરણનો અવાજ વ્યક્તિગત આચારને માટે સારો માર્ગદર્શક હોય પણ સૌ કોઇને માથે તેવો આચાર ફરજિયાત લાદવાથી બાકી હરેકની પોતાની અંતઃકરણના અવાજને અનુસરવાની સ્વતંત્રતામાં અસહ્ય જુલમી દખલ થયા વગર રહેતી નથી.

યંગઇન્ડિયા, ૨૩-૫-’૨૬

૨૧. ધર્માન્તર

(પરદેશી મિશનરીઓને આપેલા ભાષણમાંથી)

તમે દેશમાં આવ્યા. તમે તો અમને નાસ્તિક તરીકે ગણી કાઢયા હીધન કહીને ગાળો દેતા આવ્યા. બિશપ હીબર જેવાએ હદ વાળી. તેણે ગાયું : ‘કુદરતનાં નિર્મળ દૃશ્યો ચોમેર આંખો ઠારે છે; માત્ર માણસો જ પાપીઓ જોવામાં આવે છે.’ અને ત્યાર પછી ખ્રિસ્તીઓની અનેક અનેક પેઢીઓએ એ ગીતને સ્તોત્રમાં દાખલ કરી, ગાઇને અમારા પ્રત્યેની ઘૃણાને કાયમ કરી. હું તમને કહું છું કે આ નાસ્તિક દેશ નથી. અહીં તો તમને ગરીબમાં ગરીબ ઘરમાં, ઢેડના ઘરમાં, મહારના ઘરમાં નામશુદ્રના ઘરમાં ઇશ્વરનું દર્શન મળશે. બ્રાહ્મણ, અબ્રાહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ધ - સૌ હિંદુ ધર્મમાંથી આશ્વાસન મેળવી રહ્યા છેે. એવા બ્રાહ્મણો પડ્યા છે કે જે શૂદ્રો અને કહેવાતા અસ્પૃશ્યોની સેવા કરવામાં ઇશ્વરનાં દર્શન કરી રહ્યા છે. એવી ત્યાગમૂર્તિઓ તમને બીજે ક્યાંયે જોવાની ન મળે. આ દેશને તમે વધારે ઓળખો. એની વધારે અનુસંધાન મેળવો, તમારા કાનને દાટા મારીને ન ફરો, આંખને બંધ કરીને ન ફરો, સૌથી ઉપરાંત તમારા હ્ય્દયનાં દ્ધાર ખુલ્લાં રાખીને આખા દેશમાં વિચરોે તો તમને આ પ્રભુની ભૂમિ લાગશે. તમે શીખવવાની ભાવનાં કરતાં શીખવાની ભાવનાથી દેશમાં ફરો તો પાર વગરનું શીખવાનું મળશે. તમને ખાતરીથી કહું છું કે આજ ઇશું મહાત્માં ઊતરી આવે તો જેણે એવું નામ પમ નથી સાંભળ્યું, અને તેનો ઉપદેશ જેને કાને નથી પડ્યો એવા સેંકડોને તે પોતાના અનુપાયી તરીકે સ્વીકારે. સ્થૂળ અક્ષરને ન વળગો. પણ આત્માને ઓળખો એમ માગું.

લૉર્ડ સૉલ્સબરીએ ચીનથી આવીને સરકારના બળનો આશ્રય માગનાર એક ડેપ્યુટેશનને કહેલું તે હું તમને યાદ દેવડાવું છું. તેણે કહેલું : ‘તમે, જેમણે ઇશ્વરની સેવા સ્વીકારી છે તેમને આ પૃથ્વીના રાજાની મદદ શા સારુ જોઇએ ? તમે એકલા ઇશ્વરની જ ઓથ લઇને પ્રચાર કરવા જાઓ. જ્યાં જાઓ ત્યાં ધડ ઉપરથી શીશ જુદું કરીને હથેલીમાં લઇ ચાલ્યા જાઓ, અને ઇશ્વરના સાચા સેવક બનો !’ અહીના મિશનરીઓ માટે પણ મને એમ લાગ્યું છે કે ઘણા સેવાધર્મને ભૂલ્યા છે, અને રાજકર્તા કોમના પોતે છે એમ માનવામાં ક્ષેમ માને છે.

ટૂંકામાં તમે આંકડા ન ગણાવો. તમારી પ્રગતિનો ઇતિહાસ કોઇ માગે તો તેની આગળ તમે કેટલા પરધર્મીઓને ખ્રિસ્તી કર્યા છે તેના આંકડા ન ધરો, પણ તમે લોકોનું કેટલું દુઃખ ટાળી શક્યા, કેટલા તેમનાં સુખદુઃખમાં ભાગી થઇ શક્યા છો તે બતાવો, મારે દુઃખની સાથે કહેલું પડે છે કે તમે સારગ્રાહી વૃત્તિ નથી કેળવી, લોકોની સાથે ઓતપ્રોત થવાની વૃત્તિ નથી કેળવી, તમે તમારા હ્ય્દયની દ્ધાર ખુલ્લાં નથી રાખ્યાં. એ શક્તિ મેળવો અને કેળવો. ઇશ્વર સૌનું ભલું કરો.

નવજીવન, ૯-૮-૨૫

હું માનું છું કે દયાધર્મના કાળના બુરખા તળે કહેલું વટલાવવાનું કામ એ કંઇ નહીં તો નરવું નથી. અહીંયાં લોકો એની સામે ચોખ્ખી ચીડ ધરાવે છે. આખરે તો ધર્મ એ અતિશય ઊંડી વ્યક્તિગત વસ્તુ છે, તે હ્યદયગુહાને સ્પર્શ કરનારી છે. ખ્રિસ્તી ધર્મ પાળનારા કોઇ ડૉક્ટર મારો કોઇ રોગ મટાડવો એ કારણે મારે મારો ધર્મ શા સારુ બદલવો જોઇએ ? અથવા હું ડૉક્ટરની અસર તળે હોઉં એ દરમ્યાન આવા ફેરફારની આશા કે સૂચના તેણે શા સારુ કરવી જોઇએ ? ડૉક્ટરી સેવા એ જ શું પોતે પોતાનું વળતર અને સંતોષ નથી ? અથવા તો હું પાદરીઓની શિક્ષણસંસ્થામાં હોઉં તે દરમ્યાન મારા પર ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ શા માટે લાદવું જોઇએ ? મારે મતે તો આ રિવાજો ઉન્નતિકારક નથી, અને ગુપ્ત વિરોધ નહીં તો સંશય તો પેદા કરે જ છે. ધર્માંતરની રીતોને વિસે સીઝરની રાણીની જેમ સંશયને લેશ પણ અવકાશ ન હોવો જોઇએ. ધર્મ એ પાર્થિવ વિષયોની પેઠે અપાતો નથી. તે તો હ્ય્દયની ભાષા મારફતે અપાય છે. કોઇ માણસમાં જીવતો ધર્મ હોય તો જેમ ગુલાબનું ફૂલ પોતાની સુગંધ ફેલાવે છે તેમ તે પોતાનો પ્રકાશ ફેલાવ્યા વિના રહેતો નથી. તે આંખને અગોચર હોવાનો લીધે ફૂલની પાંખડીઓના રંગની દેખીતી શોભાના કરતાં તેની અસર ઘણી વધારે વ્યાપક થાય છે.

એટલે હું ધર્માંતરની વિરુદ્ધ નથી, પણ તેની આધુનિક રીતોની વિરુદ્ધ છું. ધર્માંતરે આજકાલ બીજી કોઇ પણ વસ્તુની જેમ એક વેપારનું રૂપ લીધું છે. પાદરીઓના એક નિવેદનમાં દર માણસ દીઠ ધર્માંતરનું કેટલું કરચ આવે છે તે આપેલું અને પછી ‘આવતા પાર્ક’ને માટે અંદાજપત્ર રજૂ કરેલું તે વાંચ્યાનું મને યાદ છે.

હા, હું અવશ્ય કહું છું કે, ભારતવર્ષના મહાન ધર્મો તેને માટે પૂરતા છે. ખ્રિસ્તી અને પહૂદી ધર્મો ઉપરાંત હિંદુ ધર્મ અને તેની શાખાઓ, ઇસ્લામ અને પારસી ધર્મ એ જીવતા ધર્મો છે. કોઇ પણ એક ધર્મ સંપૂર્ણ નથી. બધા ધર્મો તે તે ધર્મના અનુયાયીઓને સરખા વહાલા ચે. દરેક કોમ પોતાનો ધર્મ બાકીના બીજા કરતાં ચડિયાતો સિદ્ધ કરવાના વ્યર્થ પ્રયત્ન કરે એની આજે જરૂર નથી; ખરી જરૂર તો જગતના મહાન ધર્મોના અનુયાયીઓ વચ્ચે મિત્રાચીરીના સંબંધની છે. એવા મિત્રાચારીના સંબંધ દ્ધારા આપણે સૌ પોતપોતાના ધર્મોની ખામીઓ અને મેલને દૂર કરી શકીશું.

ઉપર મેં જે કહ્યું તે પરથી એ ફલિત થાય છે કે મારા ખ્યાલમાં એવા ધર્માંતરની હિંદુસ્તાનને જરાયે જરૂર નથી. આત્મશુદ્ધિ, આત્મસાક્ષાત્કારના ધર્માંતર એ આજની મોટામાં મોટી જરૂરિયાત છે. પણ એ વસ્તુ તે વટાળનો જે અર્થ હમેશાં થતો આવ્યો છે તે નથી જ. જેઓ હિંદુનું ધર્માંતર કરવા માગે છે તેમને એમ ન કહી શકાય કે ‘વૈદ તું પોતાને જ સાજો કર ને !’

નવજીવન, ૨૬-૪-’૩૧

મારી જુવાનીમાં એક હિંદુ પોતાનો ધર્મ બદલી વિશ્વાસી થયેલો તેનું મને સ્મરણ છે. આખું શહેર સમજ્યું કે એક સંસ્કારી હિંદુએ ધર્માંતર કરી ઇશુને નામે ગોમાંસ ખાવા માંડયું ને દારૂ પીવા માંડ્યો અને પોતાનો રાષ્ટ્રીય પહેરવેશ તજી દીધો. પછીનાં વર્ષોમાં મને ખબર પડી કે વટલાઇને ધર્માંતર કરનાર આવા ભાઇ, મારા કેટલાયે મિશનરી મિત્રોના શબ્દોમાં, બંધનવાળા જીવનમાંથી નીકળીને મુક્તિના જીવનમાં અને કંગાળ હાલતમાંથી સમૃદ્ધિની હાલતમાં પ્રવેશ કરે છે. આખાયે હિંદુસ્તાનમાંએક છેડેથી બીજે છેડે ભ્રમણ કરતાં હું જોઉં છું કે કેટલાયે ખ્રિસ્તી હિંદીઓને ઘણુંખરું પોતાના જન્મની મને અવશ્યપણે પોતાના પૂર્વજોના ધર્મની અને પહેરવેશની નાનમ લાગે છે. ઍગ્લો-ઇન્ડિયનો યુરોપિયનોની જે વાંદરનકલ કરે છે તે તો ખરાબ છે જ પણ ખ્રિસ્તી ધર્મમાં વટલાયેલા હિંદીઓ તેમની જે નકલ કરે છે તે તેમના દેશનો અને આગળ ચાલીને કહું કે તેમના નવા ધર્મનો પણ દ્રોહ છે. બાઇબલના નવા કરારમાં વિશ્વાસીઓને આદેશનું એક એવું વચન છે કે તમારા પડોશીને સૂગ ચડતી હોય તો માંસ ખાશો મા. હું માનું છું કે અહીં માંસના આહારમાં દારૂ પીવાની અને પહેરવેશની વાતનો સમાવેશ થઇ જાય છે. જૂના રિવાજોમાં જે કંઇ બૂરું હોય તે બધાનો સદંતર ત્યાગ કરવાની વાત હું સમજી શકું છું પણ જ્યાં કોઇક જૂનો રિવાજ આવકારવા લાયક પણ હોય છતાં પોતાનાં સગાંવહાલા અને મિત્રોની લાગણીને ઊંડી રીતે દૂભવીને તેનો ત્યાગ કરવો એ ગુનો છે. ધર્માંતરનો અર્થ રાષ્ટ્રીયતાનો ત્યાગ કદી ન હોય. જૂનામાં રહેલી બૂરાઇનો સ્પષ્ટપણે ત્યાગ, નવામાં રહેલાં બધાંયે સારાં તત્ત્વોનો અંગીકાર અને નવામાં રહેલી બધીયે બૂરાઇનો સ્પષ્ટપણે ત્યાગ, નવામાં રહેલાં બધાંયે સારાં તત્ત્વોનો અંગીકાર અને નવામાં રહેલી બધીયે બૂરાઇઓનો ચીવટપૂર્વક ત્યાગ એટલો ધર્માંતરનો અર્થ હોય. તેથી ધર્માન્તરનો અર્થ પોતાના દેશની સેવાને માટે વધારે ઊંડું સમર્પણ, વધારે ઊંડી ઇશ્વરશરણતાની ભાવના અને વધારે આત્મશુદ્ધિ હોય.... ઘણા ખ્રિસ્તી હિંદીઓ પોતાની માતૃભાષાનો ત્યાગ કરે છે અને પોતાનાં બાળકો કેવળ અંગ્રેજી બોલતાં થાય એ ઢબે તેમને ઉછેરે છે અને બીના સાચે જ અફસોસ કરવા જેવી નથી કે ? આમ કરીને એ લોકો જે પ્રજાની વચ્ચે પોતાને જીવન વિતાવવાનું છે તેનાથી સમૂળગા કપાઇ જઇ આળગા પડી જતા નથી કે ?

નવજીવન, ૨૦-૮-’૨૫

ધર્મ સંદેશને જીવનમાં ઉતારવો એ આદિ, મધ્ય તેમ જ અંતમાં સૌથી અસરકારક માર્ગ છે. એ સંદેશા વિશેનાં ભાષણો મારા કાનને અકારાં લાગે છે, મારા મન પર એની કશી અસર થતી નથી, અને જે પાદરીઓ ભાષણ દ્ધારા ઉપદેશ કરે છે તેને વિશે હું વહેમાઇ જાઉં છું. પણ જે પાદરીઓ કદી ઉપદેશ આપતા નથી અને એ સંદેશાને યથાશક્તિ આચરણમાં ઉતારે છે તે મને ગમે છે. એમનાં જીવન મૂક હોય છે, છતાં એ ધર્મની પ્રતિમારૂપે જીવે છે, ને એનો સૌથી વધારે પ્રભાવ પડે છે. તેથી શો ઉપદેશ આપવો એ તો હું નહીં કહી શકું; પણ હું એટલું કહી શકું ખરો કે સેવા અને અતિશય સાદાઇમાં જીવન ગાળવું એ જ ઉત્તમ ઉપદેશ છે. ગુલાબના ફૂલને કંઇ ઉપદેશ આપવાની જરૂર પડતી નથી. તે તો માત્ર પોતાની સુગંધ ફેલાવે છે. એની સુગંધ એ જ એનું પ્રવચન છે. ગુલાબના ફૂલનાં જો મનુષ્યના જેવી સમજ હોત ને તે અનેક ઉપદેશકો રાખી શકત તો ફૂલની સુવાસને લીધે જેટલાં ફૂલો વેચાય એના કરતાં ઉપદેશકો વધારે ન વેચી શકત. ધાર્મિક જીવનની સુવાસ ગુલાબના કરતાં ઘણી વધારે મધુર અને સુક્ષ્મ હોય છે.

હરિજનબંધુ, ૩૧-૩-’૩૫

હું જેમ મારો ધર્મ બદલવાનો વિચાર ન કરું તેમ ખ્રિસ્તી કે મુસલમાન કે પારસીને તેનો ધર્મ બદલવાનું વિચાર પણ ન કરું. આને લીધે, મારા ધર્મના અનુયાયીઓની અનેક ત્રુટિઓ વિશે હું દુર્લક્ષ કરું છું તેથી વધારે દુર્લક્ષ એ ધર્મના અનુયાયીની ત્રુટિઓ વિશે નથી કરતો. અને હું જોઉં છું કે મારા આચરણને મારા ધર્મના આદર્શ સુધી ચડાવવાનો પ્રયત્ન કરવામાં ને એનો મારા સહધર્મીઓને ઉપદેશ કરવામાં મારી બધી શક્તિ ખરચાઇ જાય છે, એટેલે બીજા ધર્મના અનુયાયીઓને ઉપદેશ કરવાનો હું સ્વપ્ને પણ વિચાર કરતો નથી. ‘બીજાના કાજી ન બનશો, નહીં તો તમારો પણ ન્યાય તોળાઇ જશે,’ એ મનુષ્યના આચરણને માટે સુર્વણનિયમ છે. મારા મનમાં દિવસે દિવસે દૃઢ પ્રતીતિ થતી જાય છે કે મોટાં ને સમૃદ્ધ એવાં ખ્રિસ્તી મિશનોજો હિંદુસ્તાનને અથવા તો એના ભોળા ગ્રામવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો અને એ રીતે એમની સમાજરચનાનો નાશ કરવાનો નિશ્ચય કરે તો તેઓ હિંદુસ્તાનની સાચી સેવા કરશે. હિંદુ સમાજરચનામાં ઘણી ખામીઓ હોવા છતાં તે અતિ પ્રાચીન કાળથી આજ લગી અંદરના તેમ જ બહારના અનેક હુમલાઓની સામે અડગ અવિચળ ઊભી રહેલો છે : પાદરીઓ અને આપણે ઇચ્છીએ કે નહીં તોયે હિંદુ જેટલું સત્ય છે તે શાશ્વત રહેશે, અને જેટલું અસત્ય છેતેના ભાંગીને ભૂકા થઇ જશે. દરેક જીવતા ધર્મને જો જીવતા રહેવું હોય તો તેની અંદર જ નવો પ્રમાણ મેળવવાની શક્તિ હોવી જોઇએ.

શુદ્ધિ અને તબલીઘ

મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અમે એથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિંદુ ધર્મમાં છે જ નહીં. આ બાબતમાં આર્યસમાજિસ્ટોએ ખ્રિસ્તીઓનું અનુકરણ કર્યું હોય એમ જણાય છે. આ આધુનિક પદ્ધતિ મને બિલકુલ રુચતી નથી. એનાથી અત્યાર સુધીમાં શ્રેયને બદલે અશ્રેય જ વધારે થયું છે. ધર્માન્તર એ કેવળ અંતઃકરણને લગતી અને માણસ અમે તેના સર્જનહારને લગતી બાબત મનાતી હોવા છતાં એને અંગે મુખ્યત્વે સ્વાર્થવૃત્તિને જાગ્રત કરવામાં આવે છે. એટલી બજારુ ચીજ એને કરી મેલવામાં આવી છે. મારી હિંદુ ધર્મવૃત્તિ તો મને શીખવે છે કે બધા જ ધર્મો ઓછેવત્તે અંશે સાચા છે. બધાની ઉત્પત્તિ એક જ ઇશ્વરમાંથી છે, એના છતાં બધા ધર્મ અપૂર્ણ છે કારણ કે તે અપૂર્ણ એવા મનુષ્ય દ્ધારા આપણને મળેલા છે. ખરી શુદ્ધિ પ્રવૃત્તિ તો હું એને કહું કે દરેક સ્ત્રી અગર પુરુષ પોતપોતાના ધર્મોમાં રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરવા મથે. આવી ગોઠવણમાં ચારિત્ર એ જ માણસની કસોટી હોય. જો માણસ નીતિમાં ચડીયાતો ન થાય તો એક વાડામાંથી નીકળી બીજામાં પેસવાથી શું વળવાનું હતું ? જ્યાં મારા ઘરમાં વસનારાં જ પ્રતિક્ષણ પોતાનના આચારવ્યવહારમાં ઇશ્વરનો છડેચોક ઇન્કાર કરી રહ્યાં હોય ત્યાં હું એ ઇશ્વરની સેવાને સારુ બહારનાઓને વટલાવીને ઘરમાં લાવવાનો પ્રયત્ન કરું (કારણ શુદ્ધિ અગર તો તબલીઘનો અર્થ આવો જ માનવો રહ્યો છે) તો એવા પ્રયત્નનો અર્થ જ શો હોઇ શકે ? ‘પોતાના પગ નીચે બળતું પહેલું હોલવ’ એ કહેવત અત્યારે દુન્યવી કરતાં ધાર્મિક વહેવારમાં જ વધુ સાચી નીવડે છે.

નવજીવનનો વધારો, ૨૯-૫-’૨૪

૨૨. હું હિંદુ કેમ ?

કુળની અસરમાં હું માનું છું એટલે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઇ પણ વિરુદ્ધ વસ્તું હિંદુ ધર્મમાં મેં જોઇ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથીલાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધું સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુપાયીઓએ માનવો જ જોઇએ એવા સિદ્ધાંતોની જાળથી મુકત છે. આ મનેબ હું ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મોને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીંપણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે. પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે. (જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મને હું હિંદુ ધર્મથી નોખા નથી ગણતો.) કેવળ મનુષ્યપાત્ર જ નહીં પણ જીવનમાત્ર એક છે એમ હિંદુ ધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુ ધર્મના ગોરક્ષાના સિદ્ધાંતે દયાધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રનો એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પ્રયોગ. પુનજન્મનો મહાન સિદ્ધાંત એકમેવાદ્ધિતીયમ્‌ના સિદ્ધાંતના ફળરૂપ છે. છેવટે વર્ણાશ્રમ ધર્મ સત્યની નિરંતર શોધનું ભવ્ય પરિણામ છે.

નવજીવન, ૩૦- ૧૦-’૨૭

હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું કારણ કે,

૧. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોને નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મનો પણ માનું છું;

૨. હું વર્ણાશ્રમ ધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણધડ અર્થમાં નહીં;

૩. હું ગોરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં પણ વધારે વિશાળ અર્થમાં માનું છું;

૪. મૂર્તિપૂજાને વિસે મારી અનાસ્થ નથી.

વાચક જોશે કે વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઇશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય અગર ઇશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઇશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો દાવો મારો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજુંછું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને ઓળખામણા લાગે એવો કોઇ પણ અર્થથી - પછી તે ચાહે તેટલા વિદ્ધત્તાપૂર્ણ કાં ન હોય - બંધાવની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઇ પણમનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ગુરુની પ્રથાને માનું છું પણ સાથે સાથે એ પણ જોઉં છું કે અત્યારે તો લાખો મનુષ્યોએ ગુરુ વગર જ પોતાની જીવનયાત્રા પૂરી કરવી રહી છે. કારણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેટલા જ સંપૂર્ણ સદાચારનો સંગમ આ કાળમાં સાંપડવો દુર્લભ છે.

પણ આથી પોતાના ધર્મમાં રહેલું સત્ય કદી પણ જાણવાની બાબતમાં માણસે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ બધા મહાન ધર્મોની પેઠે જ હિંદુ ધર્મના પણ પાયાના સિદ્ધાંતો સનાતન હોઇ સહેજે સમજાય તેવા છે. દરેક હિંદુ ઇશ્વરનેમાને છે; તે એકમેવાદ્ધિતીયમ્‌ છે એમ માને છે; પુનર્જન્મને અને મોક્ષને માને છે.... હું ઠેઠનો સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું િંહંદુ ધર્મના કોઇ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઇ ને કંઇ સ્થુલ વસ્તુને માનવપૂજ્વાના તરસ્યા રહીએ છીએ. માણસ બીજી જગાના કરતાં મંદીર કે દેવાલયમાં જ કંઇકે વધારે શાંત અને સાત્ત્વિક મનોવૃત્તિવાળા બને છે એનું રહસ્ય બીજું શું છે ? મૂર્તિ એ ઉપવાસનાની સહાયક છે. કોઇ હિંદુ મૂર્તિને ઇશ્વર નથી સમજતો. હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.

આટલા ઉપરથી સમજાયું હશે કે હિંદુ ધર્મ કોઇ સાંકડો ધર્મમત કે સપ્રદાય નથી. એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે. ધર્મપ્રચારના જે સામાન્ય અર્થ લેવાય છે તે અર્થમાં એને ધર્મપ્રચારક પંથ નહીં કહી શકાય. એણે અનેક જાતિઓને પોતાનામાં સમાવી એ સાચું, પણ બધું વિકાસક્રમને ન્યાયે અદૃશ્ય ગતિએ બન્યું છે.હિંદુ ધર્મ દરેક માણસને તેની પોતાની જ શ્રદ્ધા અગર ધર્મની ઢબે ઇશ્વરને ભજવાનો આગ્રહ કરે છે અને તેથી સર્વ ધર્મોની જોડે એની સુલેહ છે.

૨૩. બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ

મે અસંખ્ય વાર કહેવાતું સાંભળ્યું છે, અને બૌદ્ધ ધર્મનું હાર્દ બતાવવાનો દાવો કરનારાં પુસ્તકોમાં વાંચ્યું છે કે બુદ્ધ નિરોશ્વરવાદી હતા. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે બુદ્ધના ઉપદેશની મુખ્ય વસ્તુ જ નિરીશ્વરવાદની વિરોધી છે. મારો નમ્ર મત એવો છે કે બુદ્ધના કાળમાં ઇશ્વરને નામે જે હીન વસ્તુઓ પ્રવર્તતી હતી તેનો તેમણે યોગ્ય રીતે જે અસ્વીકાર કર્યો તેમાંથી જ આ ગોટાળો ઉત્પન્ન થયો છે. ઇશ્વર નામનું કોઇ પ્રાણી દ્ધેષને આધીન છે, પોતાના કાર્યોને સારુ પસ્તાવો કરી શકે છે, અને મૃત્યુલોકના રાજાઓની જેમ કે પણ લાલચો કે લાંચને વશ થાય છે, અને પોતાના-પરાયાનો ભેદ હોઇ શકે છે એ માન્યતનો તેમણે જરૂર વિરોધ કર્યો હતો. ઇશ્વર નામના પ્રાણીને પશુઓનું - પોતાનાં જ સરજેલીં પશુંઓનું તાજું લોહી ભાવે છે. એને એનાથી તે પ્રસન્ન થાય છે. એ માન્યતા સામે તેમનો આખો અંતરાત્મા પુણ્યપ્રકોપથી ઊકળી ઊઠતો. પણ તેથી તેેમણે ઇશ્વરની તેને યોગ્ય સ્થાને પુનઃસ્થાપના કરી, અને એ પવિત્ર સિંહાસન પચાવી પાડીને જે લેભાગુ તેના પર ચડી બેઠો હતો તેને પદભ્રષ્ટ કર્યો. આ વિશ્વનું સામ્રાજ્ય નીતિનિયમને આધારે ચાલે છે, અને એ નીતિનિયમ શાશ્વત અને અટળ છે એ તત્ત્વ પર તેમણે ભાર મૂક્યો, અને એની નઘોષણા કરી. એ નિયમ જ ઇશ્વર છે એવું એમણે વિના સંકોચે કહ્યું.

નવજીવન, ૨૭-૧૧-’૨૭

ઇશ્વરના નિયમો શાશ્વત અને અટળ છે અને ઇશ્વરથી જુદા પાડી શકાય એવા નથી. તેમ ન હોય તો ઇશ્વરની પૂર્ણતા જ અધૂરી રહે. તેથી આ મોટો ગોટાળો ઊભો થયો છે કે બુદ્ધ ઇશ્વરને માનતાં નહીં પણ કેવળ નીતિનિયમને જ માનતા. અને ઇશ્વર વિશેના ભ્રમને લીધે ‘નિર્વાહ’ એ ભવ્ય શબ્દના ખરા અર્થ વિશે પણ આવો જ ગોટાળો પેદા થયો છે. નિર્વાહ એટલે સર્વથા નાશ તો નથી જ. બુદ્ધના જીવનનું મુખ્ય તત્ત્વ હું સમજ્યો છું તે પ્રમાણે તો આપણામાં જેટલું હીન છે, જેટલું દુર્ગણથી ભરેલું છે, જેટલું વિકારમય છે અને જેટલું વિકારને વશ છે તે બધાનો સર્વથા નાશ તે નિર્વાણ છે. નિર્વાણ એ કબરની તમોગુણી જડ શાંતિ જેવું નથી. જે આત્મા આત્મસ્થિત છે, જે પરમાત્માના હ્ય્દયમા પોતાનું નિવાસસ્થાન પ્રાપ્ત કર્યાના આનંદમાં મગ્ન છે, તે આત્માની જીવંત શાંતિ, તેનું સાત્ત્વિક સુખ, તેનું નામ નિર્વાણ છે.

નવજીવણ, ૨૭-૧૧-’૨૭

ઇશ્વરને તેના શાશ્વત સિંહાસન પર પાછો સ્થાપવામાં બુદ્ધનો માનવતાના વિકાસમાં મોટો ફાળો છે એ ખરું પણ મારા નમ્ર મત મુજબ ગમે તેવા તુચ્છ જીવ સમેત સર્વ જીવનને વિશેના પ્રેમનો આગ્રહ માનવતાના વિકાસમાં તેમનો એથીયે વધારે મોટો ફાળો છે.

યંગ ઇન્ડિયા, ૨૦-૧-’૨૭

હું જણાવવાની છૂટ લઉં છું કે ઐતિહાસિક ઇશુની વાતમાં મને કદી રસ પડયો નથી. કોઇક એવું સાબિત કરે કે ઇશુને નામે ઓળખાયેલા માણસની હસ્તી નહોતી અને બાઇબલના નવા કરારની સુવાર્તાઓમાં આવતું વર્ણન લેખકની કલ્પના માત્ર છે તો તેથી મને ઉચાટ નહીં થાય. કેમ કે એ બધી સાબિતી છતાં ઇશુનું પર્વત પરનું પ્રવચન મારી દૃષ્ટીથી સત્ય છે.

યંગ ઇન્ડિયા, ૧૩-૧૨-’૩૧

ઇશુ એકલા જ દેવાંશી હતા એમ મારાથી માની ન શકાય. જેટલા દેવાંશી કૃષ્ણા, રામ, મહમદ કે જરથુષ્ટ્ર હતા તેટલા જ ઇશું હતા. એ જ પ્રમાણે બાઇબલનો એકેએક શબ્દ ઇશ્વરપ્રેરિત છે એમ હું માનતો નથી, જેમ વેદ કે કુરાનનો એકેએક શબ્દ ઇશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઇશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઇશ્વરપ્રેરિત અવશ્ય છે, પણ છૂટાં છૂટાં વચનો લેતાં ઘણાં વચનોમાં મને ઇશ્વરની પ્રેરણા દેખાતી નથી. મારે મન તો કુરાનના જેટલો જ બાઇબલ પણ એક ધર્મગ્રંથ છે.

હરિજનબંધુ, ૭-૩-’૩૭

ઇશુ. . .મારે મન શું છે ? મારે મન માનવજાતને મળેલા મોટામાં મોટા ધર્મો પરદેશકોમાંનો તે એક છે. તેને એટલે કે તેને નામે ચાલતા સંપ્રદાયને માનવાવાળાઓને મન તે ઇશ્વરનો એકમાત્ર પુત્ર છે. આ માન્યતા હું સ્વીકારું અગર ન સ્વીકારું તે હકીકતથી મારા જીવન પર ઇશુંનો જે પ્રભાવ છે તેમાં વધારોઘટાડો થાય છે ખરો કે ? તેથી શુંતેના ઉપદેશની તેમ જ તેના સિદ્ધાંતની ભવ્યતાથી હું વંચિત થાઉં છું કે? હું એવું માની શકતો નથી.

ધિ મૉડર્ન રિવ્યૂ, ઑકટોબર,’ ૪૧

હું માનું છું કે દુનિયાના જુદા જુદા ધર્મોના ગુણોનો આંક મૂકવાનું અશક્ય છે અને વળી હું એવું માનું છું કે એમ કરવાનો પ્રયાસ પણ બિનજરૂરી હોઇ નુકસાન કરનારો છે. પરંતુ મારો નિર્ણય છે કે તે હરેકમાં એક સમાન પ્રેરક શકિત મૂર્તિમંત થયેલી છે. તે શક્તિ છે માનવીના જીવનને ઊંચે ચડાવવાની અને તેમાં હેતુ પૂરવાની. અને મેં જેની વાત કરો છે તેવી સાર્થકતા તેમ જ અસામાન્યતા ઇશુના જીવનમાં રહેલી હોવાથી હું માનું છું કે તેઓ એકલા ખ્રિસ્તી ધર્મ સંપ્રદાયના જ સિદ્ધાંતથી કાર્ય કરનારા, ગમે તે ધર્મ માનનારા અથવા પોતાના પૂર્વજો પાસેથી આવી મળેલા કોઇક દેવને પૂજનારા કાં ન હોય, પણ સર્વ લોકોના, સર્વ જાતિઓના, બલકે આખી દુનિયાના છે.

ધિ મૉડર્ન રિવ્યૂ, ઑકટોબર,’ ૪૧

ઇશુનું પર્વત પરનું પ્રવચન અને ભગવદ્‌ગીતા એ બે વચ્ચે હું કોઇ તફાવત જોઇ શકયો નથી. પર્વત પરના પ્રવચનમાં જેનું તાદૃશ વર્ણન છે તેને જ ભગવદ્‌ગીતાએ શાસ્ત્રીય સિદ્ધાંતનું રૂપ આપ્યું છે. ભગવદ્‌ગીતા સામાન્યપણે શાસ્ત્રીય શબ્દનો જે અર્થ કરવામાં આવે છે તેવો શાસ્ત્રીય ગ્રંથ ભલે ન હોય પણ તેમાં પ્રેમના કાનૂનની અથવા હું જેને સંપૂર્ણ સમર્પણનો કાનૂન કહું છું તેની તર્કશુદ્ધ રજુઆત થયેલી છે પર્વત પરનું ઇશુનું પ્રવચન એ જ કાનૂન અદ્‌ભુત શબ્દોમાં રજૂ કરે છે. બાઇબલના જૂના કરારના કેટલાક ભાગો વાંચીને મનેે જે અણગમો ઉપજ્યો હતો તેમની પછીથી નવો કરાર વાંચવાનો મળવાથી મને પાર વગરનું સમાધાન થયું ને આનંદ મળ્યો. આજે ધારો કે ગીતા મારી પાસેથી લઇ લેવામાં આવે અને તેમાંનું બધુંયે હું ભૂલી જાઉં પણ મારી પાસે પર્વત પરનું ઇશુનું પ્રવચન એ જ કાનુન અદ્‌ભુત શબ્દોમાં રજૂ કરે છે. બાઇબલના જૂના કરારના કેટલાક ભાગો વાંચીને મને જે અણગમો ઉપજ્યો હતો તેમની રછીથી નવો કરાર વાંચવાનો મળવાથી મને પાર વગરનું સમાધાન થયું ને આનંદ મળ્યો. આજે ધારો કે ગીતા મારી પાસે પર્વત પરનું ઇશુનું પ્રવચન હોય તો ગીતામાંથી મને જે આનંદ મળે છે તે જ મને તેમાંથી અવશ્ય મળે.

યંગ ઇન્ડિયા, ૨૨-૧૨-’૨૭

હું ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજું છું. પ્રમાણો ભેદ છે એમાં શક નથી પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.

નવજીવન, ૨૩-૧-’૨૭

ઇશ્વર એક જ છે એવી નિર્ભય માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સહુને માટે માણસપાત્ર ભાઇઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે તેનું કારણ એ કે માણસમાત્રની બંધુતાનીભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઇ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઇશ્વર સિવાય બીજા કોઇ દેવ નથી છતાં ઇશ્વર એક જ છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વહેવારુ હિંદુ ધર્મ નથી એ બીનાની ના પાડી શકાય તેમ નથી.

યંગ ઇન્ડિયા, ૨૧-૩-’૨૯

૨૪. ઇશ્વર અને દેવો

પેલા સાધુએ કહ્યું, “િંહંદુ ધર્મ એક ઇશ્વરને માનતો થઇ જાય તો ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મ સાથે મળીને હિંદુસ્તાનની સેવા કરી શકે.”

ગાંધીજી : “એવો સહકાર થાય એ મને ગમે, પણ જ્યાં લગી આજનાં ખ્રિસ્તી મિશનો હિંદુ ધર્મની ઠેકડી કરવાનું અને હિંદુ ધર્મની ત્યાગ અને તેની નિંદા કર્યા વિના કોઇ સ્વર્ગ જઇ જ ન શકે એમ કહેવાનું ચાલુ રાખે ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. પણ કોઇ ભલો ખ્રિસ્તી મૂકભાવે સેવા કરતો હોય અને ગુલાબના ફૂલની પેઠે પોતાના જીવનની સુવાસ હિંદુ કોમ પર પાડતો હોય એવું ચિત્ર હું કલ્પી શકું છું. ગુલાબને એની સવાસ ફેલાવવાને વાણીની જરૂર પડતી નથી, એ સુવાસ આપોઆપ ફેલાય જ છે. એવું જ સાચા ધર્મપરાયણ જીવનને વિશે છે. એમ થાય તો જગતમાં શાંતિ સ્થપાય ને માણસો પરસ્પર સદ્‌ભાવ રાખતા થાય. પણ જ્યાં લગી ખ્રિસ્તી ધર્મ લડાયક કે ‘સાબૂત કાંડાંબાવડાંવાળો’ રહેત્યાં સુધી એ બની ન શકે. ખ્રિસ્તી ધર્મનું એ રૂપ બાઇબલમાં નથી જડતું, પણ જર્મની અને બીજા દેશોમાં જોવા મળે છે.”

“પણ હિંદીઓ એક જ ઇશ્વરને માનવા લાગે અને મૂર્તિપૂજા છોડી દે તો આ બધી મુસીબતો ટળી જાય એમ આપને નથી લાગતું ?”

“એથી ખ્રિસ્તીઓને સંતોષ થશે ? તેમનામાં એકતા છે ખરી ?”

“ખ્રિસ્તી સંપ્રદાયોમાં તો એકતા નથી.”

“ત્યારે તમે તો માત્ર તાત્ત્વિક પ્રશ્ન પૂછ્યો. હું તમને પૂછું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ બંને એકેશ્વરવાદી મનાય છે છતાં તેમનું જોડાણ થયું છે ખરું ? આ બેનું જોડાણ ન થયું હોય તો તમે સૂચવો છો એવી રીતે ખ્રિસ્તી ને હિંદુનું જોડાણ થવાની આશા એથી ઓછી રખાય. મારી પાસે એનો ઉકેલ છે; પણ સૌથી પહેલાં તો હિંદુઓ અનેક દેવને માને છે ને મૂર્તિપૂજક છે; એ વર્ણનની સામે જ મારો વિરોધ છે. તેઓ જરૂર કહે છે કે દેવો અનેક છે, પણ તેઓ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહે છે કે ઇશ્વર એક છે, અદ્ધિતીય છે, ને એ દેવોનો પણ દેવ છે. એટલે હિંદુઓ અનેક ઇશ્વરને માને છે જેમ માણસોનું વસેલું એક જગત છે અને પશુઓનું જુદું જગત છે. એ દેવોનેઆપણે જોતા નથી છતાં તેમની હસ્તી તો છે જ. દેવ કે દેવતા એ શબ્દને માટે અંગ્રેજી ભાષામાં ગૉડ શબ્દ વપરાય છે તેને લીધે જ આ બધો ગોટાળો થયો છે. સંસ્કૃત શબ્દ છે ઇશ્વર, દેવાધિદેવ એટલે કે દેવોનો પણ દેવ. હું પોતે પૂરેપૂરો હિંદુ છું પણ ઇશ્વર અનેક છે એમ કદી માનતો નથી. નાનપણમાં પણ માનતો નહોતો; અને એવું કોઇએ શીખવ્યું જ નહોતું.”

મૂર્તિપૂજા

“હવે મૂર્તિપૂજા વિશે. કોઇ ને કોઇ રીતની મૂર્તિપૂજા વિના માણસને ચાલતું જ નથી. મુસલમાન મસ્જિદને ઇશ્વરને ઇશ્વરનું નિવાસસ્થાન કહે છે ને તેનો બચાવ કરવા જાન આપે છે એ શા સારુ ? ખ્રિસ્તી દેવળમાં શા સારુ જાય છે અને શપથ ખાવા પડે ત્યારે બાઇબલના શપથ કેમ ખાય છે ? મને પોતાને તો એમાં કાંઇ વાંંધો દેખાતો નથી. અને માણસો મસ્જિદો અને રોજાઓ બાંધવા માટે અઢળક ધન આપે છે એ મૂર્તિપૂજા નહીં તો બીજું શું ? અને રોમન કેથલિકો પથ્થરની ઘડેલી કે કપડાં કે કાચ પર ચીતરેલી કુમારિકા મેરી અને સંતોની કાલ્પનીક પ્રતિમાઓ આગળ ઘૂંટણિયે પડે છે ત્યારે મૂર્તિપૂજા નહીં તો શું કરે છે ?”

“પણ હું મારી માતાની છબી રાખું છું ને માતા પ્રત્યેના ભક્તિભાવથી છબીને ચુંબન કરું છું, પણ છબીની પૂજા નથી કરતો. તેમ જ સંતોની પણ પૂજા નથી કરતો. હું જ્યારે ઇશ્વરને પૂજું છું ત્યારે એને જગતનો સર્જનહાર અને કોઇ પણ મનુષ્યના કરતાં મોટો માનું છું.”

“એ જ પ્રમાણે અમે પથ્થરને પૂજતા નથી પણ પથ્થર કે ધાતુની પ્રતિમાં ગમે એટલી બેડોળ હોય તોય એમાં ઇશ્વરને પૂજીએ છીએ.”

“પણ ગામડાંના લોકો તો પથ્થરને જ ઇશ્વર માનીને પૂજે છે.”

“ના. હું કહું છું કે તેઓ ઇશ્વરને જ પૂજે છે, બીજા કશાને નહીં. તમે કુમારિકા મેરી આગળ ઘુંટણિયે પડો છો ને તેના આશીર્વાદ માગો છો ત્યારે શું કરો છો ? તમે તેની મારફતે ઇશ્વર સાથે યોગ સાધવા માગો છો. એ જ પ્રમાણે હિંદુ ઉપાસક પાષણની મૂર્તિ દ્ધારા ઇશ્વરની સાથે યોગ સાધવા માગે છે. તમે કુમારિકાના આશીર્વાદ માગો છો, તે ઇશ્વરની જોડે તમારો સંબંધ બાંધી આપે એમ માગો છો એ હું સમજી શકું છુ. મુસલમાન મસીદમાં દાખલ થતાં આદર અને ભક્તિ કેમ અનુભવે છે ? આખું જગત એ મસીદ નથી ? અને આપણે માથે આકાશનું જે ભવ્ય છત્ર પથરાયેલું છે તેનું શું ? એ મસીદના કરતાં કંઇ ઊતરે એવું છે ? પણ હું મુસલમાનોને સમજી શકું છું ને તેમના પ્રત્યે સમભાવ રાખું છું. ઇશ્વરની ઉપાસના કરવાનો તેમનો એ તરીકો છે.એ જ પરમાત્માને પ્રાપ્ત કરવાનો હિંદુનો તરીકો જુદો છે. આપણી સાધનાના માર્ગ જુદા છે, પણ એથી ઇશ્વર જુદો જુદો નથી બનતો. ”

“પણ કૅથલિકો માને છે કે ઇશ્વરે સાચો રસ્તો એમને બતાવ્યો છે.”

“પણ તમે કેમ કહો છો કે ઇશ્વરની ઇચ્છા બાઇબલ નામના એક જ પુસ્તકમાં પ્રગટ થયેલી છે અને બીજામાં નથી ? તમે ઇશ્વરની શકિતને મર્યાદિત શા સારુ માનો છો ?”

“પણ ઇશુએ ચમત્કારો દ્ધારા સિદ્ધ કર્યું કે એને ઇશ્વરનો અવાજ સંભળાયો હતો.”

“મહમદનો પણ એ જ દાવો છે. તમે ખ્રિસ્તીનો પુરાવો માનો તો મુસલામાનનો અને હિંદુનો માનવો જ જોઇએ.”

“પણ મહમદં તો કહેલું કે મારાથી ચમત્કારો નહીં થઇ શકે.”

“ના. એમને ઇશ્વરની હસ્તી ચમત્કારો વડે સિદ્ધ નહોતી કરી બતાવવી. પણ મને ખુદાની વહી આવે છે એમ તો તે કહેતા હતા.”

હરિજનબંધુ, ૧૪-૩-’૩૭

અવતાર

ઇશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઇ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઇશ્વર કોઇ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઇશ્વરપણું જોઇએ છીએ. ઇશ્વર તો સર્વવ્યાપી હોઇ બધેયે ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઇશ્વરના અવતાર કહેવાઇએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઇ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યકિતઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યકિત થઇ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઇ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમભરેલે રસ્તે ચડી જઇએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઇશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી.

વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઇશ્વર નામ આપીએ છીએ તેના ઇપયોગના કાયદા છે જ.

હરિજનબંધુ, ૨૨-૬-’૪૭

હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઇશ્વરનાં અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે. વળા તે લોકો માને છે કે, દશરથના પુત્રરૂપેૅ ઇશ્વરે પૃથ્વી પર અવતાર લીધો અને તેની પૂજા કરવાથી માણસને મુક્તિ મળે છે. આવું જ શ્રી કૃષ્ણને વિશે મનાય છે. ઇતિહાસ, દંતકથા અને સત્ય એટલાં બધાં નામો કાયમ રાખીને બધાંમાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન, કહેવાતો છતો સર્વશક્તિમાન ઇશ્વર જ છે. એનું નામ હ્ય્દયમાં હોય, તો સર્વ દુઃખો નાશ પામે છે.

હરિજનબંધુ, ૨-૬-’૪૬

૨૫. મંદિરો ને મૂર્તિઓ

મંદિરની હસ્તીને હું પાપ અગર વહેમ માનતો નથી. સમાન ઉપાસનાનું કોઇક સ્વરૂપ અને ઉપાસના માટેનું સમાન સ્થળ એ માણસની જરૂરિયાત હોય એમ લાગે છે. મંદિરોમાં મૂર્તિઓ રાખવી કે ન રાખવી એ પ્રકૃતિ અને રુચિ પર અવલંબે છે. હિંદુ અથવા રોમન કૅથલિક લોકોની ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોય છે તેથી તે બંંધા અવશ્યપણે ખરાબ હોય છે અથવા વહેમનાં ધામ હોય છે એવુંં હું માનતો નથી અને મસીદ અથવા પ્રૉટેસ્ટન્ટ લોકોના ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોતી નથી તેટલા જ કારણસર તે સારાં હોય છે એવું પણ હું માનતો નથી. ક્રુસ અથવા ગ્રંથ જેવી પ્રતિકરૂપ વસ્તુ સહેજે બુત બની જાય અને તેથી વહેમનું આલંબન બની જાય. અને બાળકૃષ્ણ અથવા વર્જિન મેરીની મૂર્તિની ઉપાસના અથવા પૂજા ભક્તને ઊંચે ચડાવે અને વહેમથી મુક્ત હોય. એ બધું ઉપાસક ભક્તના હ્ય્દયના ભાવ ઉપર આધાર રાખે છે.

યંગ ઇન્ડિયા, ૫-૧૧-’૨૫

આપણે સર્વ મનષ્યો તત્ત્વચિતક નથી હોતા. આપણે માટીના માનવી છીએ, ધરતી પર વસનારા રહ્યા એટલે આપણાં મન ધરતીમાં જ રમે છે, ને આપણને અદૃશ્ય ઇશ્વરનું ચિંતન કરીને સંતોષ નથી થતો. ગમે તેમ પણ આપણને એવું કંઇક જોઇએ છે જેનો આપણે સ્પર્શ કરી શકીએ, જેને આપણે નરી આંખે જોઇ શકીએ, જેની આગળ આપણે પગે પડી શકીએ. પછી ભલે એ વસ્તુ કોઇ ગ્રંથ હોય, કે એકાદ પથ્થરનું ખાલી મકાન હોય, કે અનેક મૂર્તિઓથી ભરેલું પથ્થરનું મકાન હોય. કોઇને ગ્રંથથી સમાધાન થશે, બીજા કોઇને ખાલી મકાનથી તૃપ્તિ થશે, તો વળી બીજા ઘણા એ ખાલી મકાનોમાં કંઇક ચીજ સ્થપાયેલી નહીં જુએ ત્યાં લગી એમને સંતોષ નહીં થાય. વળી હું તમને કહું છું કે આ મંદિરો વહેમનાં ઘર છે એવો ભાવ મનમાં રાખીને તમે ત્યાં નહીં જતા. મનમાં શ્રદ્ધા રાખીને આ મંદિરમાં જશો તો તમને જણાશે કે તેમ દરેક વકતે ત્યાં જઇ આવી શુદ્ધ થશો, ને જીવતાજાગતા ઇશ્વર પરની શ્રદ્ધા વધતી જશે.

હરિજનબંધુ, ૨૪-૧-’૩૭

આત્માની શુદ્ધિને સારુ દેવળે જવાનું હોય છે. દેવળે જનારો ઉપાસક પોતાનામાં રહેલી ઉત્તમોત્તમ વૃત્તિઓને કેળવે છે. કોઇક જીવતા માણસને નમસ્કાર કરવાથી નમસ્કાર સ્વાર્થ વગરનો હોય તો નમસ્કાર કરનાર ભક્ત જેને નમસ્કાર કરે છે તેનામાં રહેલી સારામાં સારી વૃત્તિને બહાર આણે છે. જીવતું માણસ બીજા કોઇ પણ માણસના જેવું જ વત્તુઓછું ભૂલને પાત્ર હોય છે. પણ મંદિરમાં માણસ જીવંત ઇશ્વર જે આપણે કલ્પી શકીએ તેથીયે વધારે પૂર્ણ છે. તેને ભજે છે. જીવતા માણસને લખેલા આજીજીના કાગળોના જવાબ મળે છે તોયે ઘણી વાર હ્ય્દયને ભાંગી નાખે છે અને વળી એવા કાગળોનો જવાહ હંમેશાં મળે જ એવુંયે હોતું નથી. ભક્તની કલ્પના પ્રમાણે મંદિરમાં રહેનારા ઇશ્વરને લખવાના પ્રેમના કાગળને માટે નથી શાહીની જરૂર પડતી, નથી કલમની જરૂર પડતી, નથી કાગળની જરૂર પડતી, અરે, તે માટે વાણીનીયે જરૂર નથી પડતી. કેવળ મૂક ઉપાસના ભક્તની આજીજીનો પત્ર બને છે અને તેનો જવાબ અચૂક મળ્યા વગર રહેતો નથી. એ આખુંયે કાર્ય શ્રદ્ધાના પ્રત્યક્ષ અમલનું સુંદર રૂપ લે છે. અહીં કોઇ પ્રયત્ન એળે જતો નથી, કોઇ હ્ય્દય ભાંગતાં નથી, ગેરસમજ થવાનો કશોયે ડર નથી. મંદિરોમાં, મસીદોમાં કે ગિરજાઘરોમાં થતી ઉપાસનાનું સરળ તત્ત્વજ્ઞાન સમજી લેવાનો લેખકે અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. ઇશ્વરને વસાવવાને માણસે યોજેલાં જુદા જુદા પ્રકારનાં આ ધામોમાં હું કોઇ ભેદ કરતો નથી એટુલું લેખકને સમજાશે તો મારી વાત તે વધારે સારી રીતે સમજી શકશે. માણસના દિલમાં વસતી શ્રદ્ધાએ નિર્ણાણ કરેલાં એ બધાં ધામ છે. જે અદૃશ્ય છે તેને જોવાની અને પહોંચવાની માણસના દિલની તાલાવેલી અગર ઝંખનાના જવાબમાં એ બધા ઊભાં થયાં છે.

હરિજન, ૧૮-૩-’૩૩

મૂર્તિપૂજક અને મૂર્તિભંજક એ બે શબ્દોનો સાચામાં સાચો અર્થ હું જે કલ્પું છું તે અર્થમાં હું તે બંને છું મૂર્તિપૂજાના ભીતરમાં રહેલી ભાવનાની હું ભારે કિંમત આંકું છું. માણસજાતને ઊંચે ચડાવવામાં તે મહત્ત્વનો ફાળો આપે છે. અને આપણી આ ભૂમિને પાવન કરનારાં હજારો મંદિરો વગેરે પુણ્યધામોને મારા જાનના જોખમે બચાવવાની શક્તિ મારામાં હોય એવું હું ઇચ્છું છું.

યંગ ઇન્ડિયા, ૨૮-૮-’૨૪

ઇશ્વરને ભજવાની પોતાની રીત સિવાયની બીજી કોઇ પણ રીતમાં કશીયે સાર્થકતા જોવાનો ઇન્કાર કરવાવાળા ધર્મઝનૂનના સૂક્ષ્મ સ્વરૂપની મૂર્તિપૂજાને હું તોડું છું તેટલા અર્થમાં હું મૂર્તિભંજક છું. પથ્થરના નાના ટુકડાની સાથે અથવા સુવર્ણની મૂર્તિની સાથે ઇશ્વરને એકરૂપ માનવાવાળી ભક્તિની પ્રત્યક્ષ દેખાતી અણધડ રીતનાકરતાં આ સ્વરૂપની મૂર્તિપૂજા વધારે ઘાતક છે કેમ કે તે વધારે સૂક્ષ્મ હોઇ તેના અસલ સ્વરૂપે પકડી શકાતી નથી.

યંગ ઇન્ડિયા, ૨૮-૮-’૨૪

મંદિરો, ગિરજાઘરો અને મસીદો ઘણી વાર ભ્રષ્ટ થયેલાં અને તેથીયે વધારે વાર તેમના મૂળ હેતુથી નીચાં ઊતરી ગયેલાં જોવાનાં મળે છે. તેમ છતાં બધાયે પાદરીઓને પૂજારીઓ કે મુતવલ્લીઓ ખરાબ હોય છે અગર ખરાબ હતા અને બધાંયે ગિરજાઘરો, મંદિરો ને મસીદો અનાચાર ને ભ્રષ્ટતાના અને વહેમના અડ્ડા છે એવું પુરવાર કરવાનું અશક્ય છે. વળી, કોઇ પણ ધર્મને કંઇક ને કંઇક વસવાના સ્થળ વગર ચાલ્યું નથી એ પાયાની હકીકતનો દલીલ કરતાં ખ્યાલ રાખવામાં આવતો નથી; અને હું તો એથીયે આગળ જઇને કહું છું કે માણસ જેવો ઘડાયેલો છે તેવો રહેશે ત્યાં સુધી કોઇ પણ ધર્મની આશ્રયના ધામ વગર હસ્તી જ અશક્ય છે એવી સ્વભાવગત વસ્તુસ્થિતિ છે. માણસનું ખુદ શરીર સાચી રીતે આત્માનું મંદીર કહેવાતું છે અને છતાં એવો અનુભવ ક્યાં અજાણ્યો છે કે એવાં અસંખ્ય મંદિરો એ હકીકતના ઇન્કારનો ભાસ કરાવે છે અને ભ્રષ્ટતાનાં ધામ જેવાં દેખાતાં હોઇ અનાચારને માટે વપરાતાં લાગે છે ? એક વાત સ્પષ્ટપણે દર્શાવી શકાય એવી છે કે આત્માનાં માનવશરીરરૂપી થોડીં મંદિરો યોગ્ય તેમ જ સાચાં મંદિરો છે, અને એટલું સાબિત થઇ શકે તો બીજાં ઘણાં એવાં મંદિરો ભ્રષ્ટ થયાં છે તેટલા સારુ બધાંયનો નાશ કરવો જોઇએ એવા વ્યાપક સૂચનનો છેવટનો જવાબ મળી રહે છે એમ હું માની લઉં છું. ઝાઝા દેહ ભ્રષ્ટ થાય છે તેનું કારણ આપણે બીજે શોધવું જોઇએ. પથ્થર ને ચૂનાથી બાંધેલાં મંદિરો આ માનવદેહરૂપી આત્માનાં મંદિરોના ખ્યાલનો સ્વાભાવિક વિસ્તાર છે અને તે બધાં એ માનવદેહરૂપી મંદિરોની જેમ ઇશ્વરને વસવાનાં ધામ છે એવો મૂળ ખ્યાલ બેશક હોવા છતાં તે બધાં પણ માનવદેહની માફક જ કુદરતના કાનૂનને વશ થઇ જીર્ણ થયા વગર રહેતાં નથી.

હરિજન, ૧૧-૩-’૩૩

જુદા જુદા ધર્મોમાં ઇશ્વરનાં ધામ મંદિર, મસીદ, ચર્ચ, સિનેગૉગ અથવા અગિયારી એમ જુદે જુદે નામે વર્ણવામાં આવ્યા છે અને હું એવા એક પણ ધર્મ અગર સંપ્રદાયની વાત જાણતો નથી જેણે એવા ધામ વગર ચલાવ્યું હોય અથવા જેને તે વગર ચાલતું હોય. વળી, ઇશુ સમેતના મહાન ધર્મસુધારકોમાંના કોઇએ મંદિરોનો સદંતર ત્યાગ અગર નાશ કર્યો છે એવું ચોક્કસપણે કહી શકાતું નથી. તે બધાએ મંદિરોમાંથી તેમ જ સમાજમાંથી ભ્રષ્ટતા કાઢવાની નેમ રાખી હતી. બધા નહીં તોયે તેમનામાંના ઘણાએ મંદિરોમાંથી ધર્મોપદેશ કર્યો જણાય છે. મેં વર્ષોથી મંદિરોમાંદર્શને જવાનું છોડી દીધું છે. પણ તેથી તે પહેલાંના કરતાં હું વધારે સારો માણસ થયો છું એવું મને લાગતું નથી. મારી મા મંદિરે જઇ શકાય એવી સ્થિતિમાં હોય તો કદી મંદિરે દર્શને જવાનું ચૂકી નથી, સંભવ છે કે હું મંદિરોમાં જતો નથી છતાં તેની શ્રદ્ધા મારી શ્રદ્ધા કરતાં વધારે દૃઢ ને મોટી હતી. આ બધાં દેવળો, મસીદો ને ગિરજાઘરો દ્ધારા કોટિ કોટિ માણસોની શ્રદ્ધાને આધાર તેમ જ પોષણ મળે છે. તે બધાં કોઇ વહેમનાં આંધળાં અનુયાયી નથી અને ધર્મઝનૂની પણ નથી. વહેમ અને ધર્મઝનૂનનો ઇજારો મંદિરોમાં જનારા એ કરોડોએ રાખ્યો નથી. એ દુર્ગુણોનાં મૂળ આપણાં મન ને હ્ય્દયમાં છે.

હરિંજન, ૧૧-૩-’૩૩

૨૬. વૃક્ષપૂજા

એક ભાઇ પોતાના કાગળમાં લખે છે :

“ઝાડનાં થડનાં ઠૂંઠાં, પથ્થરો ને વૃક્ષોની પૂજા કરતાં સ્ત્રીઓ તેમ જ પુરુષો આ દેશમાં સામાન્યપણે જોવાનાં મળે છે. પણ ઉત્સાહી સમાજસેવકોનાં કુટુંબોની ભણેલીગણેલી ને કેળવાયેલી બહેનો સુધ્ધાં એ રિવાજથી પર નથી એ જોઇ મને નવાઇ થઇ. એમાંથી કેટલીક બહેનો ને મિત્રો એ રિવાજનો એવો બચાવ કરે છે કે કોઇ ખોટી માન્યતાઓ પર નહીં પણ પ્રકૃતિમાં રહેલા ઇશ્વરને માટેની પૂજ્યતાની શુદ્ધ ભાવના પર આ રિવાજ મંડાયેલો હોઇ તેને વહેમમાં ગણી શકાય નહીં. વળી, તે બધા સત્યવાન અને સાવિત્રીનાં નામનો હવાલો આપીને કહે છે કે અમે એ રિવાજોનું પાલન કરી તેનું સ્મરણ કાયમ કરીએ છીએ. મને આ દલીલ ગળે ઊતરતી નથી. આ વિષય વધારે સ્પષ્ટ કરવાની આપને વિનંતી કરું ?”

આ સવાલ મને ગમ્યો. મૂર્તિપૂજાનો અતિપ્રાચીન મુદ્દો તેમાં ઉઠાવવામાં આવ્યો છે. હું મૂર્તિપૂજાની ભાવના બગડતી બગડતી બુતપરસ્તી બને અને તેના પર ખોટી માન્યતાઓ ને સિદ્ધાંતોનું પડ વળી જાય ત્યારે એક ભૂંડા સામાજિક અનિષ્ટ લેખે તેની સામે લડવાની જરૂર ઊભી થાય છે. બીજી બાજુથી વિચારતાં જણાશે કે પોતાના આદર્શને પ્રત્યક્ષ દેખી શકાય એવો ઘાટ અથવા આકાર આપવાની વૃત્તિ તરીકે મૂર્તિપૂજા માણસના બંધારણમાં છે અને ભક્તિની સાધનાને માટે બહુ ઉપયોગી સાધન પણ છે. એટલે આપણે જે ગ્રંથિને ધાર્મિક અથવા પવિત્ર માનતા છીએ. પવિત્રતાના ભાવ સાથે અથવા પૂજ્યભાવ સાથે આપણે મંદિર અગર મસીદમાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે પણ મૂર્તિપૂજા કરીએ છીએ. અને આ બધી વાતમાં મને કશું ખોટું થતું હોય એવું લાગતું નથી. ઊલટું માણસને ટૂંકી મર્યાદિત સમજ મળેલી હોવાથી તે આ સિવાય બીજી રીતે વર્તી જ નહીં શકે. એવી જ રીતે વૃક્ષપૂજામાં કંઇક સ્વભાવગત અનિષ્ટ અથવા નુકસાન માનવાની વાત તો દૂર રહી, મને તેમાં ઊંડી કરુણાની તેમ જ કાવ્યમય સૌંદર્યની ભાવનાથી ભરેલી વસ્તુ જોવા મળે છે. પોતાના સુંદર આકારો અને સ્વરૂપોની અખંડ અનંત ચિત્ર થકી જાણે કે કરોડો જીભ વડે ઇશ્વરની મહત્તાનો યશ તેમ જ વૈભવ પોકારનારી વનસ્પતિની સમગ્ર સૃષ્ટિ માટેના પૂજ્યભાવનું વૃક્ષપૂજા પ્રતીક બને છે. વનસ્પતિ વગર આપણો ગ્રહ જીવનને એક ક્ષણ માટે ટકાવી નહીં શકે. તેથી જેમાં વૃક્ષોની અછત હોય તેવા દેશામાં વૃક્ષપૂજામાં ઊંડા આર્થિક રહસ્યની વાત ખાસ કરીને સમાયેલી છે.

એટલે વૃક્ષપૂજાની સામે જેહાદ ઉપાડવાની મને કોઇ જરૂર દેખાતી નથી. પોતાના કાર્યના ભીતરમાં કેવી કેવી વિચારવાળી સમજ રહેલી છે તેનો ચોખ્ખો ખ્યાલ વૃક્ષોની પૂજા કરવાવાળી ગરીબ ભોળા દિલની બહેનોને હોતો નથી એ વાત સાચી છે. સંભવ છે કે આવી પૂજા પોતે શા સારુ કરે છે તેનો ખુલાસો પણ તે બધી આપી નહીં શકે. પોતાની શુદ્ધ, કેવળ સરળ શ્રદ્ધાની મારી તે બધી આ કાર્યમાં પ્રેરાય છે. આવી શ્રદ્ધા અવગણવા જેવી વસ્તુ નથી; તે એક મહાન સમર્થ શક્તિ હોઇ કાળજીથી સંઘરવા જેવી છે.

વૃક્ષોની આગળ જઇને તેમનાા ભક્તો જે પ્રાર્થના કરે છે ને બાધાઆખડી રાખે છે તેની વાત જોકે તદ્દન જુદી છે. સ્વાર્થી હેતુઓ પાર પાડવાને શું ગિરજાઘરોમાં કે મસીદોમાં શું દેવળોમાં કે શું વૃક્ષોની કે ધાર્મિક ઇમારતોની આગળ પ્રાર્થના કરવામાં આવે છે કે બાધાઆખડીની ભેટ ધરવામાં આવી છે તે વાતને ઉત્તેજન આપવા જેવું નથી. સ્વાર્થી આજીજીઓ કરવાની અથવા બાધા રાખવાની વાતનો મૂર્તિપૂજાની સાથે કાર્યકારણનો સંબંધ નથી. કોઇ મૂર્તિની આગળ શું કે કોઇ અદૃષ્ટ ઇશ્વરની આગળ શું, ગમે તેની આગળ કરેલી અંગત સ્વાર્થ માટેની પ્રાર્થના ખરાબ ચીજ છે.

આ પરથી જોકે કોઇ એવું ન સમજે કે હું સામાન્યપણે વૃક્ષપૂજાની હિંમાયત કરું છું. ભક્તિને માટે આવશ્યક સહાય તરીકે હું વૃક્ષપૂજાનો બચાવ નથી કરતો, પણ આ વિશ્વમાં ઇશ્વર અસંખ્ય સ્વરૂપે જોવાનો મળે છે અને તેનું એવું કોઇ પણ સ્વરૂપ મારા સહજ પૂજ્યભાવનું અધિકારી છે એટલા જ કારણસર હું તેનો બચાવ કરું છું.

યંગ ઇન્ડિયા, ૨૬-૯-’૨૯

૨૭. બુદ્ધિ અને શ્રદ્ધા

અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ ગંદવાડ બને છે તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંડપણ બને છે.

નવજીવન, ૧૭-૧૦-’૨૬

બુદ્ધિવાદીઓ ખાસા વખાણવાલાયક છે, પણ બુદ્ધવાદ જ્યારે પોતાને વિશે સર્વશક્તિમત્તા આરોપો છે ત્યારે તે ભયાનક રાક્ષસ બને છે. બુદ્ધિને સર્વશક્તિમાન માનવી એ પથ્થરને દેવ માનીને પૂજા કરવા જેવી ખરાબ મૂર્તિપૂજા છે. બુદ્ધિને દબાવવાની હું દલીલ નથી કરતો, પણ જે વસ્તુ આપણામાં રહી રહી બુદ્ધિને પણ પાવન કરે છે તેનો પણ યોગ્ય સ્વીકાર થવો જોઇએ એમ મારું કહેવું છે.

નવજીવન, ૧૭-૧૦-’૨૬

કેટલાક વિષયો એવા છે, જેમાં બુદ્ધિ આપણને બહુ દૂર લઇ જતી નથી, એટલે આપણે અમુક વસ્તુઓ શ્રદ્ધાથી સ્વીકારવી પડે છે. એ વખતે શ્રદ્ધા એ બુદ્ધિની વિરોધી નથી હોતી પણ બુદ્ધિથી પર હોય છે. શ્રદ્ધાએક જાતની છઠ્ઠી ઇન્દ્રિય છે. જે વસ્તુઓ બુદ્ધિને અગમ્ય હોય, જેમાં બુદ્ધિ ચાલી જ નથી શકતી તેમાં શ્રદ્ધા કામ આવે છે.

હરિજનબંધુ, ૭-૩-’૩૭

વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પર્વત ઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદકો મરાય છે; તેનો અર્થ એ છે કે જેના હ્ય્દયમાં સર્વશક્તિમાન ઇશ્વર વસે છે તે શું ન કરી શકે ? તે ભલે કોઢિયો હોય કે ક્ષયનો રોગી હોય. જેના હ્ય્દયમાં રામ વસે છે તેના બદા રોગનો નાશ થઇ જાય છે.

નવજીવન, ૨૦-૯-’૨૫

શ્રદ્ધા વિના તો આ દુનિયા ક્ષણવારમાં શૂન્યમાં વળી જાય. જે માણસોએ પાર્થના અને તપસ્યાથી પવિત્ર થયેલું જીવન ગાળ્યું છે એમ આપણે માનીએ તેમના બુદ્ધિશુદ્ધ અનુભવનો આપણે ઉપયોગ કરવો. એનું નામ તે સાચી શ્રદ્ધા. તેથી અતિ પ્રાચીન યુગમાં થઇ ગયેલા ઋષિઓ, પેગંબરો અને અવતારો પર શ્રદ્ધા રાખવી એ નર્યો વહેમ નથી, પણ અંતરમાં ઊંડે ઊંડે આધ્યાત્મિક ભૂખ રહેલી છે તેની તૃપ્તિ છે.

નવજીવન, ૧૭-૪-’૨૭

માણસ ન જાણે પણ દરેકના અંતરમાં ઇશ્વરશ્રદ્ધા પડેલી જ હોય છે, કારણ દરેકમાં આત્મશ્રદ્ધા રહેલી છે અને તેનો જ અંગત ગુણાકાર તે ઇશ્વરશ્રદ્ધા. જે કંઇ જીવે છે તે તમામનો સરવાળો તે ઇશ્વર છે. આપણે ઇશ્વર ન હોઇએ પણ ઇશ્વરના છીએ, જેમ પાણીનું બિંદુ સમુદ્રનું છે. સમુદ્રથી વછૂટીને કરોડ માઇલ પર ફેંકો તો એ કંઇજ નથી સમુદ્રની મહત્તા અને શક્તિ તે પોતામાં અનુભવી શકતું નથી. પણ કોઇ તેને ભાન કરાવે કે તે સમુદ્રનું છે તો તેની શ્રદ્ધા ફરી જાગ્રત થાય, સ્વશક્તિનું તેને ભાન થાય અને સમુદ્રની શક્તિ અને મહત્તા પોતાનામાં પ્રતિબિંબિત કરીને તે નાચે.

હરિજનબંધુ, ૨-૭-’૩૯

કોઇ પણ પ્રકારના દેખીતા પુરાવા વગર બાળકને માના સ્નેહનો અનુભવ તેમ જ પ્રતીતિ થાય છે તેવી જ રીતે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એટલે તેઆપણા હ્યદયમાં બિરાજે છે એવો અનુભવ કરવો. બાળક શું માના પ્રેમની હસ્તી તર્કની દલીલો વડે સાબિત કરવા બેસે છે કે ? તે અંંતરના વિજય ને આનંદની ભાવનાથી પોકારે છે કે તે છે તેવું જ ઇશ્વરની હસ્તી વિશે હોવું જોઇએ. તે બુદ્ધિથી પર છે. તેનો કેવળ અનુભવ થાય છે. આપણા દુન્યવી શિક્ષકોના અનુભવને આપણે અવગણતા નથી તેવી જ રીતે તુલસીદાસ, ચૈતન્ય, રામદાસ અને એવા જ બીજા અનેક આધ્યાત્મિક શિક્ષકોનો અનુભવ આપણે તરછોડીએ નહીં.

યંગ ઇન્ડિયા, ૯-૭-’૨૫

૨૮. શાસ્ત્રો

મિ. બેસીલ મેથ્યુસ : ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો ?

ગાંધીજી : (છાતી તરફ આંગળી કરીને) અહીં છે. હું દરેક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે, મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્રવચનને મારી બુદ્ધિની જગા લેવા નથી દેતો. હું માનું છું ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઇશ્વરપ્રેરિતછે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઇને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહેતા. એક તો એ કોઇ માનવી, ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઇને પસાર થાય છે. એમાંથી કશું ઇશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મેથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે હું ધર્મગ્રંથોને ઇશ્વરપ્રણીત માનું છું છતાં મારી બુદ્ધિ ચલાવ્યા વિના રહેતો નથી. પણ મારી સ્થિતિ વિશે તમારા મનમાં ગેરસમજ ન થાય. હું શ્રદ્ધાને પણ માનું છું. હું માનું છું કે કેટલીક વસ્તુઓ બુદ્ધિથી પર છે, ત્યાં બુદ્ધિ ચાલી શકતી નથી જેમ કે ઇશ્વરનું અસ્તિત્વ. ગમે તેટલી દલીલ મારી એ શ્રદ્ધાને ચળાવી ન શકે; અતિ પ્રખર બુદ્ધિવાળો માણસ મને દલીલમાં માત કરે તોયે હું તો કહ્યા જ કરું કે ‘તોયે ઇશ્વર તો છે જ.’

હરિજનબંધુ, ૬-૧૨-’૩૬

ઇશ્વરી જ્ઞાન કાંઇ ગ્રંથો પઢવાણી નથી આવતું. એ તો પોતાના આત્માના ઊંડાણમાં ભીતર અનુભવાય છે. પુસ્તકો તો બહુ તો કવચિત્‌ મદદરૂપ થઇ શકે; બાકી ઘણી વાર તો ઊલટાં વિઘ્નરૂપ થઇ પડે છે.

નવજીવન, ૨૦-૭-’૨૪

અસત્યની હજારો આવૃત્તિ થયાથી તે સત્ય થતું નથી, તેમ જ સત્ય કોઇની આંખે ન દેખાય તેથી અસત્ય બનતું નથી.

નવજીવન, ૧-૩-’૨૫

સમતોલ બુદ્ધિ સાથે અથવા હ્યદયના આદેશ સાથે વિરોધમાં આવતાં બધાં શાસ્ત્રપ્રમાણોને હું સ્વીકારું નહીં. બુદ્ધિથી સમર્થન પામતું શાસ્ત્રપ્રમાણ નબળા લોકોન આધાર આપે છે અને ઊંચે ચડાવે છે. પણ અંતઃકરણના શાંત સૂક્ષ્મ અવાજથી સમર્થિત બુદ્ધિના અવેજમાં શાસ્ત્રપ્રમાણને માથે મારવામાં આવે તો તે માણસની અવનતિ કરવાવાળું નીવડે છે.

યંગ ઇન્ડિયા, ૮-૧૨-’૨૦

હું અક્ષરને વળગીને ચાલવાવાળો નથી. તેથી દુનિયાનાં જુદાં જુદાં ધર્મશાસ્ત્રોની ભાવનાને સમજવાનો હું પ્રયાસ કરું છું. અર્થ કરવાને માટે ખુદ એ શાસ્ત્રોએ બતાવેલી અહિંસા અને સત્યની કસોટીનો હું ઉપયોગ કરું છું. તે કસોટીની સાથે જેનો મેળ બેસતો નથી તેનો હું ત્યાગ કરું છું ને જેનો બેસે છે તે બધાનો અધિકાર કરું છું. એક શુદ્રે વેદોનું જ્ઞાન મેળવવાનું સાહસ કર્યું નથી શ્રી રામચંદ્રે તેની સજા કરી એ કથાને પ્રક્ષેપ ગણી હું સ્વીકારતો નથી. એ ગમે તે હો, નવી ઐતિહાસિક સંશોધનની પ્રગતિને પરિણામે જેના જીવનની હકીકતમાં ફરક પડવાનો સંભવ છે તેવી ઐતિહાસિક વ્યકિતને નહીં પણ મારા ખ્યાલ મુજબના પૂર્ણ પુરુષ રામને હું ભજું છું. તુલસીદાસને ઇતિહાસના રામ સાથે કશી લેવાદેવા નહોતી. ઇતિહાસની કસોટીએ ચડાવતાં તેમનું રામચરિતમાનસ ઉકરડે નાખવાને લાયક ગણાય એવો સંભવ છે. એક આધ્યાત્મિક અનુભવ તરીકે તેમનો ગ્રંથ કંઇ નહીં તો મારા પૂરતો તો લગભગ અજોડ છે. અને છતાં તુલસીદાસના રામચરિતમાનસની પ્રગટ થયેલી બધીયે આવૃત્તિઓમાં જે બધું જોવાનું મળે છે તેના હરેક શબ્દથી હું બંધાઇ જતો નથી. એ આખાયે ગ્રંથમાં જે ભાવ વ્યાપી રહેલો છે તે મને મુગ્ધ કરીને પકડી રાકે છે.

યંગ ઇન્ડિયા, ૨૭-૮-’૨૫

મહાભારતના શ્રી કૃષ્ણ જેવા પુરુષની કદીયે હસ્તી હતી કે કેમ તે વાતનું મને જ્ઞાન નથી. મારા શ્રીકૃષ્ણને કોઇ પણ ઐતિહાસિક વ્યકિત સાથે કશી લેવડદેવા નથી. પોતાનું અભિમાન ધવાયું તેટલા ખાતર માણસને મારવાને તૈયાર થનાર અથવા બિનહિંદુઓ જેને વ્યભિચારી જુવાન તરીકે ચીતરે છે તેવા કૃષ્ણને નમવાનો હું ઇન્કાર કરું. મારી કલ્પના મુજબના શ્રીકૃષ્ણ જે નિષ્કલંક શબ્દના પૂરા અર્થમાં નિષ્કલંક હતા, જે ગીતાના પ્રેરક છે અને જે કરોડો માણસોના જીવનને પ્રેરણા આપનાર છે તેમને હું માનું છું. પણ મને એવું સાબિત કરી બતાવવામાં આવે કે આજના ઐતિહાસિક ગ્રંથો જે અર્થમાં ઐતિહાસિક કહેવાય છે તેવો જ મહાભારત એક ઇતિહાસ છે, તે ગ્રંથનો એકેએક શબ્દ સાચો છે અને મહાભારતના શ્રીકૃષ્ણને નામે ચાલે છે તેમાંનાં કેટલાંક કામો તેણે કર્યાં હતાં તો હિંદુ સમાજમાંથી બહિષ્કૃત થવાનું જોખમ વહોરીને પણ તે કૃષ્ણને ઇશ્વરનો અવતાર માનવાની વાત છોડી મર્મવાળો ધાર્મિક ગ્રંથ છે. તે મોટે ભાગે કથાઓ દ્ધારા ધર્મનું ભાન કરાવનારો છે અનેપ્રત્યક્ષ બનેલી હકીકતોના ઇતિહાસ તરીકે લેવાને રચાયો નથી. તે આપણા સૌના અંતરમાં સતત ચાલી રહેતા શાશ્વ દ્ધંદ્ધનું વર્ણન છે, અને તે એવું આબેહૂબ કરવામાં આવેલું છે કે તેમાં વર્ણવવામાં આવેલાં પરાક્રમો તે માણસોએ સાચેસાચ કર્યાં હતાં એવું ઘડીભર આપણે માનવાને પ્રેરાઇએ છીએ. વળી આજે આપણી પાસે જે મહાભારત છે તેને મૂળની શુદ્ધ નકલ હું ગણતો નથી. ઊલટું હું માનું છું કે મૂળમાં ઘણા સુધારાવધારા થયેલા છે.

યંગ ઇન્ડિયા, ૧-૧૦-’૨૫

શાસ્ત્રના અર્થ કરવામાં સંસ્કારની અને અનુભવની આવશ્યકતા છે. શૂદ્રને વેદનો અભ્યાસ ન હોય એ વાક્ય સર્વથા ખોટું નથી. શુદ્ધ એટલે અસંસ્કારી, મૂર્ખ, અજ્ઞાની વેદાદિનો અભ્યાસકરી તેનો અનર્થ કરે. બધાં મોટી વયનાં પણ બીજગણિતના કઠિન કોયડા પરબારા સમજવાના અધિકારી નથી. તે સમજતા પહેલાં તેઓએ અમુક પ્રાથમિક અભ્યાસ કરવો જોઇએ. વ્યભિચારીને મુખે અહં બ્રહ્માસ્મિ કેવું દીપે ? તેનો એ કેવો અર્થ (કે અનર્થ !) કરે ?

એટલે શાસ્ત્રનો અર્થ કરનાર યમાદિનું પાલન કરનાર હોવો જોઇએ. યમાદિનું શુષ્ક પાલન જેવું કઠિન છે તેવું જ નિરર્થક છે. શાસ્ત્રે ગુરુની આવશ્યકતા માની છે; પણ ગુરુનો આ કાળે લગભગ લોપ છે તેથી જ્ઞાનીઓએ ભક્તિપ્રધાન પ્રાકૃત ગ્રંથોનું પઠનપાઠન કરવાનું સૂચવ્યું છે. પણ જેને ભક્તિ નથી, જેને શ્રદ્ધા પણ નથી, તે શાસ્ત્રનો અર્થ કરવાના અધિકારી નથી. તેમાંથી વિદ્રત્તાભર્યા અર્થ વિદ્રાનો ભલે કાઢે, પણ તે શાસ્ત્રાર્થ નથી. શાસ્ત્રાર્થ અનુભવી જ કરે.

પણ પ્રાકૃત મનુષ્યને સારુ પણ કેટલાક સિદ્ધાંતો તો છે જ. જે સત્યના વિરોધી હોય તે શાસ્ત્રાર્થ ખરા ન હોય. જેને સત્યની સત્યતા વિશે શંકા છે તેને સારુ શાસ્ત્ર નથી જ અથવા તેને સારુ સર્વ શાસ્ત્ર અશાસ્ત્ર છે. તેને કોઇ ન પહોંચે.

નવજીવન, ૧૧-૧૦-’૨૫

૨૯. ગીતાનો સંદેશ

૧. સન ૧૮૮૮-૮૯માં જ્યારે ગીતાનું પ્રથમ દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હ્યદયની અંદર નિરંતર ચાલતા દ્રંદ્રયુદ્દનું જ વર્ણન છે, માનુપી યોદ્ધાઓની રચના હ્ય્દયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઇ. મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દૃઢ થયો. મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો. તેમાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજા-પ્રજાનો ઇતિહાસ ભુંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને સારુ જ કરેલો છે.

૨. મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાત્તાપ કરાવ્યો છે ને દુઃખ સિવાય બીજું કંઇ રહેવા નથી દીધું.

૩. આ મહાગ્રંથમાં ગીતા શિરોમણિરૂપે બિરાજે છે તેનો બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.

૪. ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે. સંપૂર્ણાવતારનું થયેલું આરોપણ છે.

૫. અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઇશ્વરનો અવતાર છે, પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતારરૂપે પૂજે છે. આમાં મને કંઇ દોષ નથી લાગતો; એમાં નથી ઇશ્વરની મોટાઇને ઝાંખમ, નથી એમાં સત્યને આઘાત. ‘આદમ ખુદા નહી; લેકિન ખુદાકે નૂરસે આદમ જુદા નહીં.’ એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિંદુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.

૬. આ દૃશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઇશ્વરરૂપ થયા વિના સુખ વળતું નથી, શાંતિ થતી નથી. ઇશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એકમાત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધા ધર્મોગ્રંથોનો વિષય છે તેમ ગીતાનોયે છે. પણ ગીતાકારે એ વિષયનું પ્રતિપાદન કરવા ગીતા નથી રચી. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો એક અદ્રિતીય ઉપાય બતાવવાનો ગીતાનોઆશય છે. જે વસ્તુ હિંદુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઇ જોવામાં આવે છે તેને ગીતાએ અનેક રૂપે, અનેક શબ્દેમાં, પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે જ સ્થપિત કરી છે.

૭. એ અદ્રિતીય ઉપાય છે કર્મફલત્યાગ.

૮. આ મધ્યબિંદુની આસપાસ ગીતાની ફૂલગૂંથણી છે. ભક્તિજ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઇ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઇ મુકત નથી. છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્ધારા મુકિત મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કંઇક દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છુટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો : ‘નિષ્કામ કર્મથી; યજ્ઞાર્થે કામ કરીને; કર્મફલત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાપર્ણ કરીને, એટલે જ મન, વચન, કાયાને ઇશ્વરમાં હોમી દઇને.’

૯. પણ નિષ્કામતા, કર્મફલત્યાગ, કહેવા માત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હ્યદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાનું સારુ જ્ઞાન જોઇએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગાદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્યરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વીફરે. તેથી કહ્યું, ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું. પણ ભક્તિ એ ‘શીશતણું સાટું’ છે. તેથી ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞના જેવાં વર્ણવ્યાં છે.

૧૦. એટલે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારોને બાહ્ય યેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભકત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઇનો દ્ધેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહંતામમતાથી મુકત છે, જેને સુખદુઃખ, ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઇશ્વરને અર્પણ કર્યાં છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઇશ્વરને અર્પણ કર્યા છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ, શોકભયાદિયી મુકત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફૂલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાંત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે. આ ભક્તિ આસકત સ્ત્રીપુરુષને વિશે સંભવે નહીં.

૧૧. એમાંથી આપણે જોઇએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયો દઇને ઝેર લાવી શકાય ને અમૃત પણ લાવી શકાય, તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે બંધન પણ લાવી શકાય અને મોક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તો સાધન અને સાધ્ય સાવ એક જ નહીં તો લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ. અને ગીતાનો મોક્ષ એટલે પરમ શાંતિ.

૧૨. પણ આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલત્યાગની કસોટીએ ચડવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ કરવાનું હોય નહીં. લોટો સરખો ઉપાડવો એ પણ તેને સારુ કર્મબંધન હોય ! યજ્ઞશૂન્ય જ્યાં જ્ઞાની ગણાય ત્યાં લોટો ઉપાડવા જેવી તુચ્છ લૌકિક ક્રિયાને સ્થાન જ ક્યાંથી હોય ?

૧૩. લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઇને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણતેની માળામાં વિક્ષેપ આવે, તેથી તે ખાવા પીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારુ કે દરદીની સારવાર કરવાને સારુ કદી નહીં.

૧૪. આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીતે કહી દીધું, “કર્મ વિના કોઇ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઇને કર્મ ન કર્યા કરું તો આ લોકોનો નાશ થાય.” તો પછી લોકોને વિશે તો પૂછવું જ શું હોય ?

૧૫. પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહી ઇચ્છા - અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર ધર્મ છે. ત્યારે કર્મ કરતો છતો મનુષ્ય બંધનમુકત કેમ રહે ? આ કોયડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છે તેવો બીજા એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે : ‘ફલાસક્તિ છોડો, ને કર્મ કરો,’ ‘નિરાસી થાઓ ને કર્મ કરો,’ ‘નિષ્કામ થઇને કર્મ કરો,’ એ ગીતાજીનો ન ભુલાય એવો ધ્વનિ છે. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતો તેનાં ફળ છોડે તે ચડે.

ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી. પરિણામ, સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશ્યક છે. એ થયા પછી જે મનુષ્ય પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનમાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.

૧૬. પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોય અર્થ કોઇ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાની પરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે છે તે ઘણી વાર કર્મ - કર્તવ્યભ્રષ્ટ થાય છે. તેને અધીરાઇ આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, ને પછી તે ન કરવાનું કરવા માંડે છે. એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે. પરિણામનું ચિન્તવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઇ જાય છે, ને છેવટે તે વિષયીની જેમ સારાસારનો, નીતિઅનીતિનો વિવેક છોડી દે છે, ને ફળ મેળવવા સારુ ગમે તે સાધનનો ઇપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે.

૧૭. ફલાસક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસક્તિનો એટલે કર્મફલત્યાગનો સિદ્ધાંત ઘટાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો.

સામાન્ય માન્યતા એવી હોય કે ધર્મ અને અર્થ વિરોધી વસ્તુ છે. “વ્યાપાપ ઇત્યાદિ લૌકિક વ્યવહારમાં ધર્મ સચવાય નહીં, ધર્મને સ્થાન હોય નહીં; ધર્મનો ઉપયોગ કેવળ મોક્ષને અર્થે કરાય. ધર્મને સ્થાને ધર્મ શોભે, અર્થને સ્થાને અર્થ.” મારી મતિ પ્રમાણે, ગીતાકારે આ વહેમને દૂર કર્યો છે. તેણે મોક્ષ અને વ્યવહાર વચ્ચે આવો ભેદ રાખ્યો નથી. પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ મને લાગ્યું છે. એટલે ગીતાના અભિપ્રાય પ્રમાણે જે કર્મ આસક્તિ વિના થઇ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે. આવો સુર્વણ નિયમ મનુષ્યને અનેક ધર્મસંકટોમાંથી બચાવે છે. આ અભિપ્રાય પ્રમાણે ખૂન, જૂઠું, વ્યભિચાર ઇત્યાદિ કર્મો સહેજે ત્યાજ્ય થઇ જાય છે, મનુષ્યજીવન સરળ થાય છે ને સરળતામાંથી શાંતિ ઉદ્‌ભવે છે.

૧૮. આ વિચારશ્રેણીને અનુસરતાં મને એમ લાગ્યું છે કે ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે અસત્યનું કાર્ય આપણે લઇએ તો એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઇચ્છા રહેલી જ છે.

પણ અહિંસાનું પ્રતિપાદન ગીતાનો વિષય નથી. કેમ કે ગીતાકાળની પૂર્વ પણ અહિંસા પરમ ધર્મ રૂપે મનાતી હતી. ગીતાને તો અનાસક્તિનો સિદ્ધાંત બતાવવો હતો. બીજા અધ્યાયમાં જ આ વાત સ્પષ્ટ થઇ જાય છે.

૧૯. પણ જોગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસક્તિમાં અહિંસા સહેજે આવી જ જાય છે તો ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણરૂપે પણ કેમ લીધું ? ગીતાયુગમાં અહિસાં ધર્મ મનાતા છતાં ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય વસ્તુ હોઇ ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોચ ન થયો, ન થાય.

૨૦. પણ ફલત્યાગના મહત્ત્વનું માપ કાઢતાં ગીતાકારના મનમાં શા વિચાર હતા, તેણે અહિંસાના મર્યાદા ક્યાં બાંધી હતી, તે આપણે વિચારવાપણું નથી રહેતું. કવિ મહત્ત્વના સિદ્ધાંતો જગતની આગળ મૂકે છે; તેથી તે હમેશાં પોતે આપેલા સિદ્ધાંતોનું મહત્ત્વ સંપૂર્ણતાએ ઓળખે જ છે, અથવા ઓળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમાં કાવ્યનો અને કવિનો મહિમાં છે. કવિના અર્થનો અંત જ નથી.

જેમ મનુષ્યનો તેમજ મહાવાક્યોના અર્થનો વિકાસ થયા જ કરે છે. ભાષાઓનો ઇતિહાસ તપાસીએ તો આપણે જોઇએ છીએ કે ઘણા મહાન શબ્દોના અર્થ નિત્ય નવા થયા કર્યા છે, તેમ ગીતાના અર્થને વિશે પણ છે. ગીતાકારે પોતે મહાન રૂઢ શબ્દોના અર્થ વિસ્તાર્યા છે. ગીતા ઉપરટપકે તપાસતાં પણ આપણે એ જોઇ શકીએ છીઅ. ગીતાયુગ પૂર્વ કદાચ યજ્ઞમાં પશુહિંસા માન્ય ગણાતી હોય. ગીતાના યજ્ઞમાં તેની ગંધ સરખીયે નથી. તેમાં તો જપયજ્ઞ એ યજ્ઞનો રાજા છે. ત્રીજો અધ્યાય સૂચવે છે કે યજ્ઞ એટલે મુખ્યપણે પરોપકારાર્થે શરીરનો ઉપયોગ, ત્રીજો અને ચોથો અધ્યાય મેળવીને બીજી વ્યાખ્યાઓ પણ ઘટાડી શકાય. પણ પશુહિંસા નહીં ઘટાવાય.

ગીતાના સંન્યાસના અર્થને વિશે તેમ જ છે. કર્મમાત્રનો ત્યાગ ગીતાના સંન્યાસનો ભાવતો જ નથી. ગીતાનો સંન્યાસી અતિ-કર્મી છે છતાં અતિ-અ-કર્મી છે; આમ ગીતાકારે મહાન શબ્દોના વ્યાપક અર્થ કરીને પોતાની ભાષાનો પણ વ્યાપક અર્થ કરવાનું આપણને શીખવ્યું છે. ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગીથી થઇ શકે એવું ગીતાાકારની ભાષના અક્ષરમાંથી ભલે નીકળતું હોય, પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂકવાનો લગભગ ૪૦ વર્ષ પર્યંત સતત પ્રયત્ન કરતાંમને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિશે અસંભવિત છે.

૨૧. ગીતા સૂત્રગ્રંથ નથી. ગીતા એક મહાન ધર્મકાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરો તેમ તેમાંથી નવા અર્થો મેળવો. ગીતા જનસમાજને સારુ હોઇ તેમાં એક જ વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગેયુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતાનો મૂળ મંત્ર કદી નહીં બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.

૨૨. ગીતા વિધિનિષેધ બતાવનાર સંગ્રહગ્રંથ પણ નથી. એકને સારુ જે વિહિત હોય તે બીજાને સારુ નિષિદ્ધ હોય. એક કાળે કે એક દેશમાં જે વિહિત હોય તે બીજે કાળે, બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ માત્ર ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.

૨૩. ગીતામાં જ્ઞાનનો મહિમા જળવાયો છે. છતાં ગીતા બુદ્ધિગમ્ય નથી, એ હ્ય્દયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને સારુ નથી. ગીતાકારે જ કહ્યું છે :

“જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સાંભળવા ઇચ્છતો નથી અને જે મારો દ્રેષ કરે છે તેને આ (જ્ઞાન) તું કદી ન કહેજે. પણ આ પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમ ભક્તિ કરવાથી નિઃશંક મને પામશે. વળી જે મનુષ્ય દ્રેષરહિંત થઇને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ મુકત થઇને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકને પામશે.”

પ્રસ્તાવના ૨, અનાસક્તિયોગ, પા. ૧૬

૩૦ . સત્યમાં સૌંદર્ય

વસ્તુના અંતર અને બાહ્ય એ બે ભેદ હું પાડું છું. અને બેમાંથી ક્યા ઉપર તમે વધારે ભાર મૂકો તે જ પ્રશ્ન છે. મને તો બાહ્યથી અંતરનો વિકાસ ન થાયત્યાં સુધી બાહ્યની કશી કિંમત નથી. કળામાત્ર અંતરના વિકાસનો આર્વિર્ભાવ. માણસના આત્માનો જેટલો આર્વિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી તેની કિંમત. ઘણા કહેવાતા કળાકારોમાં તો આત્મમંથનનો અંશે નથી હોતો. તેની કૃતિને શી રીતે કળા કહીશું ?

જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે ને કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહું કળાની કૃતિઓ ન જુઓ તો પણ મારા જીવનમાં કળા ભરેલી છે એવો મારો દાવો છે. મારા ઓરડાને ધોળીફક દીવાલો હોય, ને માથા ઉપર છાપરુંયે ન હોય તો કળાનો હુંં ભારે ઉપભોગ કરી શકું છું. ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જે જોવાની મળે છે તે મને ક્યો ચિતારો કે કવિ આપવાનો હતો ? છતાં તેથી ‘કળા’ નામથી સમજાતી બધી વસ્તુનો હું ત્યાગ કરનારો છું એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જેની સહાય મળે તેવી જ કળાનો મારે માટે અર્થ છે.

હું સત્યમાં અથવા સત્ય વડે સૌંદર્ય જોઉં છું. મને તો સત્યના પ્રતિબિંબવાળી બધી વસ્તુઓ સુંદર લાગે - સાચું ચિત્ર, સાચું કાર્ય, સાચું ગીત. લોકોને સામાન્ય રીતે સત્યમાં સૌંદર્ય નથી દેખાતું, તેમને તે ભયંકર લાગે છે. પામરો સત્યને જોઇ ભાગે છે, કારણ સત્યનું સૌંદર્ય તેમને સૂઝતું નથી. સત્યમાં સૌંદર્ય જોતો થયો એટલે માણસ કળા જોતો થયો, કળા રસિક થયો એમ સમજવું.

જે અંતર જુએ, બાહ્ય ન જુએ તે સાચો કળાકાર. સાચી રીતે સત્યથી ભિન્ન સૌંદર્ય જેવી વસ્તુ જ નથી. સૉક્રેટીસ તેના જમાનાનો કદરૂપમાં કદરૂપો માણસ ગણાતો, છતાં તેના જેવો સાચો કોણ હતો ? એટલે સત્યને બાહ્ય રૂપની સાથે કશો સંબંધ નથી. ઊલટો સૉક્રેટીસને હું સુંદર કહું. તેની સત્યશીલતા, સત્યની તેની જિંદગીભરની ખોજ તેને સૌંદર્ય સમર્પે છે.અને ફિડીઆસ જેવો ચિતારો જેને બાહ્ય રૂપોમાં ખૂબ સૌંદર્ય જણાતું તેએ પણ સૉક્રેટીસનું સૌંદર્ય કબૂલ કર્યું છે. સત્યનું સૌંદર્ય તેની કલા જોઇ શકેલી.

ઘણી વાર સત્ય અને અસત્યની ભેગાં મળી આવે છે, સારાની સાથે સાથે નરસું વસેલું જોવાનું મળે છે.

તેમાં (ભવ્ય સૂર્યાસ્તો અને ચંદ્રોદયોમાં) સત્ય ભરેલું છે, કારણ તેને લીધે તેની પાછળ રહેલા સરજનહારનું મને ચિંતન થાય છે, અને દર્શન થાય છે. સૂર્યાસ્તના રૂડા રંગો અને ચંદ્રોદયનો શાંત પ્રકાશ જોઇને મને જ્યારે આનંદ થાય છે ત્યારે વિશ્વવિધાતાની પૂજામાં મારું હૈૈયું ઊભરાય છે. એ વિધાતાની પ્રત્યેક કૃતિમાં એનું જ દર્શન, અને એની અપાર કરુણાનું હું દર્શન કરવાનો પ્રયત્ન કરું છું. પણ એ ‘રૂડા સંધ્યારંગો’ અને ચંદ્રોદયો પણ જો મને રૂપથી મોહિત કરી જગન્નિયંતાનો વિચાર ન કરવા દે, તો તે અંતરાયરૂપ જ થઇ પડે. હિમાલય ઉપર અનેક જણ ચડી આવે છે, અનેક તેની ઉંચાઇ માપવા જાય છે, તેને હિમાલય એક કેવળ મોહિનીરૂપ છે, તેવી જ મોહિનીએ સૂર્યાસ્ત અને ચંદ્રોદય થઇ પડે. શરીર જો મોક્ષની આડે આવે તો તે ભ્રામક વસ્તુ છે, તેમ જ આત્માની ગતિને રોકનાર વસ્તુમાત્ર ભ્રામક છે.

નવજીવન, ૨-૧૧-’૨૪

સત્ય એ જ મૂળ વસ્તુ પણ તે સત્ય ‘શિવ’ હોય, ‘સુંદર’ હોય. સત્ય મેળવ્યા પછી તમને કલ્યાણ અને સૌંદર્ય બંને મળી રહે. આમ ઇશુ ખ્રિસ્તીને હું ભારે કળાકાર કહું છું, કારણ તેણે સત્યની ઉપાસના કરી સત્ય શોધ્યું, અને સત્યને પ્રગટ કર્યું. મહમદ પણ એ રીતે ભારે કળાકાર કહેવાય - તેનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર કહેવાય છે, પંડિતો તેને તેવું વર્ણવ છે. એનું કારણ શું ? એનું કારણ પણ એ જ છે કે તેણે સત્ય જોયું, અને સત્ય પ્રગટ કર્યું. છતાં તમે જાણો છો કે બેમાંથી એકે જણે - ઇશુંએ, કે મહમદે - કળાના ઉપર વાર્તિકો નથી લખ્યાં. એવા સત્ય અને એવા સૌંદર્યની હું ઝંખના કરું છું, અને માટે જીવું છું, અને એને માટે હું પ્રાણ આપું !

નવજીવન, ૨-૧૧-’૨૪

બીજે તેમ જ અહીં હું તો કરોડોની દૃષ્ટીએ જ વાત કરું છું. જે વસ્તુ હું કરોડોની આગળ ન મૂકી શકું તે વસ્તુ મારે નકામી. કરોડોને એવી કળાનું જ્ઞાન શી રીતે આપી શકું ? બાહ્ય આકૃત્તિ અને રૂપો દ્ધારા સત્ય જોવાની કળા હું તેમને સહેલાઇથી ન આપી શકું. તેમને હું તો સત્ય પહેલું શીખવું અને પછી તેમને કલ્યાણ અને સૌંદર્ય મળી રહે. ભૂખ્યાં કરોડોને જે ઉપયોગી થઇ શકે તે મારે મન સુંદર છે, નહીં તો તે મારે મન ત્યાજય છે. તેમને પ્રાણપોષક વસ્તુઓ એક વાર આપો, અને પછી તેમને ઇન્દ્રિયપોષક વસ્તુઓ - લલિત વસ્તુઓ - મળી રહેશે.

નવજીવન, ૨-૧૧-’૨૪

સાચી કળા બાહ્ય આકાર અથવા રૂપનો જ નહીં, વસ્તુના અંતરમાં શું રહેલું છે તેનો પણ ખ્યાલ રાખે છે. મારવાવાળી એક કળા છે અને જિવાડવાવાળી એક કળા છે. સાચી કળાએ તેના સર્જકોનું સુખ, તેમનો સંતોષ અને તેમની શુદ્ધતાનો પુરાવો આપવો જોઇએ.

યંગ ઇન્ડિયા, ૧૧-૮-’૨૧

આપણને એવું માની લેવાની આદત પડી છે કે કળા સાથે જીવનશુદ્ધિને સંબંધ નથી. મને તો ડગલે ને પગલે એવો અનુભવ મળે છે કે એ ખોટી વાત છે. જીવનશુદ્ધિ એ જ ખરી કળા છે. આજે મરણને કિનારે પહોંચવા આવેલો હું એ જ અનુભવ મેળવી રહ્યો છું. કંઠથી સંગીત કરવું એ તો ઘણા કરી શકે. પણે મધુર કંઠણી સાથે જીવનનો મેળ સાધવો એ કોઇક અલૌકિક કળા છે.

હરિજનબંધુ, ૧૩-૨-’૩૮

૩૧. રામનામ

ઇશ્વરનું સર્વોત્તમ લક્ષણ અને નામ સત્ય છે એવું ઘણા વખત પહેલાંથી મને બુદ્ધિ તેમ જ હ્ય્દયથી સમજાયું હતું છતાં હું સત્યને રામના નામથી ઓળખું છું. મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એ એક નામે મને ઉગાર્યો છે અને તે હજીયે મને ઉગાયે મને ઉગારે છે. એનું કારણ મારો બચપણ સંસ્કાર હોય, તુલસીદાસે મારા મન પર જમાવેલું આકર્ષણ હોય. પણ એ સમર્થ હકીકત છે એટલું સાચું. અને આ શબ્દો લખું છું ત્યારે પૂર્વજો તરફથી મળેલા અમારા ઘરની પડોશમાં આવેલા રામજીમંદિરમાં હું રોજ જતો તેનાં દૃશ્યોનાં બચપણનાં સ્મરણો જાગે છે. ત્યારે મારો રામ ત્યાં વસતો હતો. તેણે મને ઘણા ભયમાંથી ને પાપમાંથી ઉગાર્યો હતો. મારે સારુ ઓ કોઇ વહેમ નહોતો. રામની મૂર્તિનો પૂજારી ખરાબ હોય એમ બને. હું જોકે તેની વિરુદ્ધની કોઇ વાત જાણતો નથી. મંદિરમાં ખોટાં કામો પણ થતાં હશે. તેમની બાબતમાં પણ મને કશી ખબર નથી. તેથી તે બધી વાતોની મને અસર થતી નથી. મારી બાબતમાં જે વાત સાચી હતી અને છે તે જ કરોડો હિંદુઓની બાબતમાં પણ સાચી છે.

હરિજન, ૧૮-૩-’૩૩

જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારુ છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઇશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.

મારો રામ, કે જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેના જેવો બીજો કોઇ નથી. હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઇએ શા સારુ વાંધો ઉઠાવવો જોઇએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઇએ માત્ર રામનામથી જ ઇશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોય. જેને જે રુચે તે નાંમ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે પણ ધૂનના સંગીતને કોઇ ન બગાડે.

હરિજનબંધુ, ૫-૫-’૪૬

બચપણથી મેં તો રામનામથી જ ઇશ્વરને ભજ્યો. પણ હું જાણું છું કે ૐથી માંડીને ગમે તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી આ દેશની કે બીજા દેશની ભાષામાં જપીએ તોયે પરિણામ એક જ આવે છે. ઇશ્વરને નામની દરકાર ન હોય. એ અને એનો કાયદો એક જ છે. એટલે એનું પાલન એ એનો જપ. તેથી કેવળ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં જે તેના કાયદામય થાય છે તેને જપની આવશ્યકતા નથી. અથવા જેને જપ ઉચ્ચારણ શ્વાસોચ્છ્‌વાસ જેવું સ્વાભાવિક થઇ ગયું છે તે ઇશ્વરમય થયો છે એટલે ઇશ્વરની નીતિને તે સહેજે ઓળખે છે ને સહેજે પાળે છે. જે એમ વર્તે છે તેને બીજું ઔષધ શાને જોઇએ ?

આમ છતાં જે ઔષધોમાં રાજા છે તેને જ આપણે ઓછામાં ઓછો જાણીએ છીએ. જે જાણે છે તે તેને ભજતા નથી, જે ભજે છે તે માત્ર જિહવાથી ભજે છે, હ્ય્દયથી નહીં. તેથી તે પોપટના સ્વભાવને અનુસરે છે, પોતાના સ્વભાવન નહીં. તેથી તે બધા સર્વરોગનિવારણરૂપે ઇશ્વરને ઓળખતા નથી.

હરિજનબંધુ, ૨૪-૩-’૪૬

અકે વાક્યમાં કહીએ તો એમ કહેવાય કે રામભક્ત અને સ્થિતપ્રજ્ઞમાં ભેદ ન હોય. વિવેચનમાં પડતાં જોઇએ કે રામભક્ત પંચમહાભૂતોનો સેવક હશે. તે કુદરતને અનુસરશે, તેથી તેને કોઇ જાતનો વ્યાધિ નહીં હોય અને હશે તો તેને પાંચ મહાભૂતોથી નિવારશે. ગમે તે ઉપાયથી ભૌતિક દુઃખનું નિવારણ કરવું તે દેહીનું લક્ષણ નથી, દેહથી ભિન્ન દેહધારી આત્મા જેવું કંઇ તત્ત્વ નથી તે તો દેહને નિભાવવા પૃથ્વીની પ્રદક્ષિણા કરી છૂટશે, લંકા જશે. એથી ઊલટું જે દેહધારી એમ માનતો હશે કે આત્મા એ દેહમાં હોતો છતો દેહથી ભિન્ન છે, નિત્ય છે, અનિત્ય દેહમાં વસે છે, યથાયોગ્ય દેહની રક્ષા કરતો છતો દેહ જાય તો મૂંઝાતો નથી, દુઃખ માનતો નથી ને સહેજે તેનો ત્યાગ કરે છે, તે દેહધારી દાક્તર - વૈદોમાં ભટકતો નથી, પોતે જ પોતાનો દાક્તર બને છે; સર્વ કર્મોે કરતો તે આત્માનો જ વિચાર કરે છે, એ મૂર્છામાંથી ઊઠેલાની જેમ વર્તન રાખે છે.

આમ કરનાર પ્રત્યેક શ્વાસે રામરટણ કરે છે. ઊંઘતાં પણ તેનો રામ જાગે છે; ખાતાંપીતાં, ગમે તે ક્રિયા કરતાં તે સાક્ષી તો તેને મેલશે જ નહીં. તે સાક્ષીનું અલોપ થવું તે ખરું મૃત્યું છે.

એ રામને પોતાની પાસે રાખવા સારુકે પોતાને રામની પાસે રાખવા સારુ તે પંચમહાભૂતોની મદદ લઇ સંતોષ પામશે. એટલે તે માટી, પાણી, હવા, અજવાળું ને આકાશનો સહજ, નિર્મળ અને વિધિસર ઉપયોગ કરી જે મળે તેથી સંતોષ માને.આ ઉપયોગ રામનામનો પૂરક ન ગણવો પણ રામનામની સાધનાની નિશાની છે. રામનામને આ સહાયકોની દરકાર નથી. પણ તેને બદલે જે એક પછી એક વૈદ્ય-હકીમો પાછળ ભમે ને રામનામનો દાવો કેર એ બંધ બેસે તેમ નથી.

શરીરપુષ્ટિને સારુ શુદ્ધ લોહીની જરૂર છે, આત્માની પુષ્ટિને સારુ શુદ્ધ વીર્યશક્તિની જરૂર છે. એને દિવ્ય શક્તિ કહીએ. એ શક્તિ બધી ઇન્દ્રિયોની શિથિલતા મટાડી શકે છે. તેથી કહ્યું છે કે રામનાથ હ્ય્દયમાં અંકિત થાય એટલે નવું જીવન શરૂ થાય. આ નિયમ જુવાન, બુઢ્ઢા, સ્ત્રી, પુરુષ બધાંને લાગુ પડે છે.

હરિજનબંધુ, ૨૯-૬-’૪૭

૩૨. નિસર્ગોપચાર

કુદરતી ઉપચાર એટલે એવા ઉપચાર અથવા ઇલાજ કે જે મનુષ્યને સારુ યોગ્ય હોય. મનુષ્ય એટલે મનુષ્યયાત્ર. મનુષ્યમાં માનવી શરીર તો છે; ઉપરાંત રામનાથ જ છે. તેથી જ રામબ્રાહ્મ શબ્દ નીકળ્યો છે. રામનામ એે રામબાણ ઇલાજ. એ વિના બાકિ થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધર્મો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્ય્દયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ. રામનામ એટલે ઇશ્વર, ખુદા, અલ્લાહ કે ગૉડ, ઇશ્વરનાં ઘણાં નામ છે. એમાંથી જેને જે ઠીક લાગે તે લે; તેમાં હાર્દિક શ્રદ્ધા હોવી જોઇએ. તેના પુરાવારૂપે તેની સાથે પ્રયત્ન હોવો જોઇએ.

તે કેમ કરાય એમ કોઇ પૂછે તો જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વ, પાણી, આકાશ, તેજ ને વાયું છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જે સાથે રામનામ પણ ચાલું રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનોનાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો કોઇ ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે. અમર માત્ર આત્મા છે. તેને કોઇ હણી ન શકે, તેની આસપાસ શુદ્ધ વાયુમંડળ રચવાનો પ્રયત્ન સહું કોઇ કરી શકે.

હરિજનબંધુ, ૩-૩-’૪૬

આવો પ્રયત્ન કુદરતી ઉપચારને સહેજે મર્યાદિત કરે છે, પછી માણસ મોટી ઇસ્પિતાલ, મોટા ડૉક્ટરો વગેરેમાંથી બચી જાય છે. દુનિયાના અસંખ્ય લોકો બીજું કશું કરી પણ નથી શકતા. અને જે એ ન કરી શકે, તે થોડા કેમ કરે ?

રામનામની શક્તિને અમુક જાતની મર્યાદા છે અને તેની અસર થાય તે માટે કેટલીક શરતો પૂરી કરવી જોઇએ. રામનામ એ મેલી વિદ્યા કે જાદુ નથી. ખાઇ ખાઇને જેને બાદી થઇ છે ને તેની આપદામાંથી ઊગરી જઇ ફરી પાછો ભાતભાતની વાનીઓના સ્વાદ ભોગવવાને જે ઇલાજ ખોળે છે, તેને સારુ રામનામ નથી. રામનામનો ઉપયોગ સારા કામને માટે થાય. ખોટા કામને માટે થઇ શકતો હોત તો ચોરલૂંટારા સૌથી મોટા ભગત થઇ જાય. રામનામ તેમને માટે છે જે હ્ય્દયના ચોખ્ખા છે અને જે દિલની સફાઇ કરી હંમેશ શુદ્ધ રહેવા માગે છે. રામનામ કદી ભોગવિલાસની શક્તિ કે સગવડ મેળવવાનું સાધન ન થઇ શકે. બાદીનો ઇલાજ પ્રાર્થના નથી, ઉપવાસ છે. ઉપવાસનું કાર્ય પૂરું થાય પછી જ પ્રાર્થનાનું શરૂ થાય. પ્રાર્થનાથી ઉપવાસ સહેલો થાય ને હળવો થાય એ જોકે સાચું. એ જ પ્રમાણે એક બાજુથી તમારા શરીરમાં તમે દવાના બાટલા રેડયા કરો ને બીજી બીજુથી રામનામ બબડ્યા કરો તે પણએક અર્થ વગરના ફારસ જેવું થાય. જે દાકતર દરદીની બદીઓને પંપાળવાને પોતાની આવડત વાપરે તે પોતે નીચો પડે છે અને પોતાના દરદીનેય અધોગત્િૉએ પહોંચાડે છે. પોતાના શરીરને પોતાના સરજનહારની પૂજાને અર્થ મળેલું એક સાધન માનવાને બદલે તેની જ પૂજા કરવી, અને તેને કોઇ પણ ભોગે ચાલતું રાખવાને પાણીની માફક પૈસો વેરવો એનાથી અદકી અધોગતિ બીજી કઇ ? એથી ઊલટું રામનામ દરદને મટાડે છે, તેની સાથે માણસની શુદ્ધિ કરે છે, અને તેથી તેને ઊંચે ચડાવે છે. આ જ રામનામનો ઉપયોગ અને આ જ તેની મર્યાદા.

હરિજનબંધુ, ૭-૪-’૪૬

જે રામનામ લે છે ને સદાચાર પાળે છે, તેને રોગ થાય જ કેમ ? એ સવાલ યોગ્ય છે. માણસ સ્વભાવે જ અપૂર્ણ છે. વિચારવાન પૂર્ણતા તરફ દોડે છે, પણ સંપૂર્ણ કદી થતો નથી, અજાણપણે પણ ભુલો કરે છે. સદાચારમાં ઇશ્વરના બધા કાયદા આવી જાય છે. પણ બધા કાયદા જાણે એવો સંપૂર્ણ પુરુષ આપણી પાસે નથી. જેમ કે, હદ ઉપરાંત કામ ન કરવું એ એક કાયદો. હદ છૂટી, એમ કોણ જાણે ? એ વસ્તુ માંદા પડ્યે જ જણાય. મિતાહાર ને યુક્તાહાર બીજો કાયદો છે. એ મર્યાદા ક્યારે ઓળંગાઇ એ કોણ જાણે ? મારે સારુ યુક્તાહાર કયો, એ કેમ જાણું ? આવા દાખલા તો ઘણા કલ્પી શકાય. તે બધાનો સાર એ જ કે, દરેક માણસે પોતાના વૈદ્ય થઇ પોતાને લગતો કાયદો શોધી કાઢવો. જે એ શોધી શકે ને તેનું પાલન કરી શકે, તે ૧૨૫ વર્ષ જીવે જ.

હરિજનબંધુ, ૧૯-૫-’૪૬

કુદરતી ઉપચાર અને દેશી દવાની પદ્ધતિઓ પર મને પ્રેમ છે અને પશ્ચિમની દવાદારૂની પદ્ધતિને મેં મેલી વિદ્યા તરીકે ઓળખાવી છે, એ વતા પણ સાચી છે. છતાં તેની વિદ્યામાં જે પ્રગતિ થઇ છે તે ન જોવા જેટલો હું આંધળો બન્યો નથી. તે પદ્ધતિને મેં આવું કરડું નામ આપ્યું છે અને તે હું પાછું ખેંચી લેવાને તૈયાર નથી, કેમ કે, તેમાં પ્રાણીઓનાં શરીરને ચૂંથવાની ક્રિયા અને તેમાં સમાતી બધી ભયાનકતાની છૂટ રાખવામાં આવી છે. તે શરીરનું આવરદા વધતું હોય, તો ગમે તેવી ભૂંડી પદ્ધતિ અખત્યાર કરવામાં પાછું ફરીને જોતી નથી અને શરીરમાં વસતી અમર આત્માના અસ્તિત્વની અવગણના કરે છે. કુદરતી ઉપચારની અનેક મોટી મોટી મર્યાદા છે અને તે ઉપચાર કરવાની વાતો કરનારા કશી મહેનત કર્યા વિના મોટા દાવા કરે છે, છતાં હું તેને વળગી રહું છું સૌથી વિશેષ તો કુદરતી ઉપચારમાં સૌ પોતપોતાના વૈદ કે દાકતર બની પોતપોતાના ઇલાજો કરી શકે છે, તેવો બીજી પદ્ધતિઓમાં જરાયે અવકાશ નથી.

હરિજનબંધુ, ૧-૯-’૪૬

બીજી સર્વ શક્તિઓની માફક આધ્યાત્મિક શક્તિ પણ માણસની સેવાને અર્થે મોજૂદ છે. શરીરના વ્યાધિઓના ઇલાજ તરીકે તેનો જમાનાઓથી વત્તીઓછી સફળતાથી ઉપયોગ થતો આવ્યો છે, એ વાત બાજુએ રહેવા દઇને તેના ઉપયોગથી શરીરના વ્યાધિઓ સફળતાપૂર્વક મટાડી શકાતા હોય, તો તેનો તે માટે ઉપયોગ ન કરવાની વાતમાં મૂળે જ દોષ રહેલો છે. કારણ એ કે, માણસના બંધારણમાં જડ પદાર્થ અને આત્માનાં ચેતન તત્ત્વોનું મિશ્રણ છે, તે બંને એકબીજા પર કાર્ય કરે છે અને બંનેની એકબીજા પર અસર થયા કરે છે. લાખો લોકોને કિવનાઇન મળતું નથી, તેનો વિચાર કર્યા વિના ક્વિનાઇન લઇને મલેરિયામાંથી સાજા થવાય, તો લાખો અથવા કરોડો લોકો જે ઇલાજનો અજ્ઞાનને કારણે ઉપયોગ કરતા નથી, તેનો આશરો લેવાનો ઇનકાર તમે શા માટે કરો ? બીજા લાખો લોકો પોતાના અજ્ઞાનને કારણે અથવા કહો કે, પોતાની આડાઇને કારણે સ્વચ્છ અને સાજા ન રહે, માટે તેમ પણ શું સ્વચ્છ ને સાજા રહેવાનું માંડી વાળશો ? માનવસેવાના ખોટા ખ્યાલોથી દોરવાઇ જઇને તમે સ્વચ્છ ન રહો, તો ગંદા ને માંદા રહીને તે જ લાખો લોકોની સેવા કરવાની ફરજ તમે ચૂકતા નથી કે ? સાચે જ, આધ્યાત્મિક દૃષ્ટિથી સ્વચ્છ અથવા સાજા રહેવાનો ઇનકાર કરવો, એ શરીરની દૃષ્ટિથી ચોખ્ખા અને સાજા રહેવાનો ઇનકાર કરવા કરતાં બદતર છે.

હરિજનબંધુ, ૧-૯-’૪૬

મુક્તિ એટલે હરેક રીતે અથવા હરેક દૃષ્ટિથી સાજા રહેવું, એના કરતાં કશું વધારે નથી, કશું ઓછું નથી. વળી, સાજા રહીને તમે બીજા લોકોને સાજા રહેવાનો રસ્તો બતાવી શકો અને તે રસ્તો બતાવવા ઉપરાંત તમારી તંદુરસ્તીને કારણે વધારામાં તમે તેમની ખરેખર સેવા બજાવો, તો જાતે સાજા રહેવાનો ઇનકાર કરવાનું બીજું કારણ શું છે. હરિજનબંધુ,૧-૯-’૪૬

૩૩. સર્વ જીવની એકતા

મારા ર્ધર્મ મને વાંદરાની સાથે નહીં પણ ઘોડાં, ઘેટાં, સિંહ, વાઘ, સાપ અને વીંછીની સાથે સુધ્ધાં સગપણનો દાવો રાખવા દે છે એટલું જ નહીં, તે બંધાને પણ સગાં ગણવાની આજ્ઞા કરે છે. હા, એ સગાંઓ ભલે આપણને સગાં ન માને. મારી જિંદગી માટે મેં જે કઠણ ધર્મ સ્વીકાર્યો છે અને જે દરેક સ્ત્રીપુરુષોનો ધર્મ હોવો જોઇએ એમ હું માનું છું તે આ પ્રકારણી એકપક્ષી ફરજ આપણા ઉપર નાખે છે. અને એવી એકપક્ષી ફરજ એટલા જ માટે નાખવામાં આવી છે કે સૃષ્ટિમાં કેવળ મનુષ્ય જ ઇશ્વરનું પ્રતિબિંબ છે. આપણી એ સ્થિતિ આપણામાંના ઘણા સ્વીકારતા નથી તેમાં શું થયું ? એ સ્થિતિનો લાભ આપણને નહીં મળે એટલું જ - જેમ ઘેટાંના ટોળામાં ઊછરેલો સિંહ પોતાનું સિંહપણું ન જાણ્યાથી સિંહ હોવાના લાભ મેળવી શકતો નથી. પણ તેથી તે સિંહ મટતો નથી. જ ઘડીએ તેને સિંહત્વનું ભાન થાય છે તે ઘડીએ તે પશુઓ ઉપર સામ્રાજ્ય ભોગવતો થઇ જાય છે. પણ સિંહનું ચામડું પહેરીને કોઇ ઘેટો સિંહની સ્થિતિએ કદી ચડી શકવાનો નથી.અને મનુષ્ય ઇશ્વરનું પ્રતિબિંબ છે એમ બતાવવાને માટે દરેક મનુષ્યમાં તે પ્રતિબિંબ દેખાવું જોઇએ એની કશી જરૂર નથી. એક માણસમાં પણ આપણે તે પ્રતિબિંબ પ્રગટ દેખી શકીએ તો બસ છે. અને જગતમાં જે સાધુસંતો અને પેગંબરો થઇ ગયા છે તેમનામાં ઇશ્વરની મૂર્તિ ઝળકતી હતી એની કોઇ ના પાડશે કે ?

નવજીવન, ૧૧-૭-’૨૬

કોઇ પણ પ્રાણીનો - સાપનો પણ - જીવ લઇને હું જીવવા માગતો નથી. એને મારવા કરતાં હું એને મને કરડવા દઉં અને મરી જાઉં. પણ એવું બને કે જો ઇશ્વર મને એવી ક્રૂર કસોટીએ ચડાવે અને સાપને મારા પર હુમલો પશુવૃત્તિ પ્રબળ થઇ જઇ આ નશ્વર શરીરને બચાવવાને સારુ હું સાપને મારવા મથું. હું કબૂલ કરું છું કે મારી શ્રદ્ધા મારામાં હજુ એટલે અંશે મૂર્તિમંત થઇ નથી કે જેથી હું ભાર દઇને કહી શકું કે મેં સાપનો ભય સમૂળો કાઢી નાખ્યો છે અને હું ઇચ્છું તેટલે અંશે હું એમને મારા મિત્ર બનાવી શકયો છું. મારી તો પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે આપણા અંતરમાં જે દુષ્ટ વિકારોને સંઘરીએ છીએ તેના બદલા તરીકે જ ઇશ્વરે સર્પ વ્યાધ્રાદિ હિંસ્ત્ર પ્રાણીઓ ઉપજાવ્યાં છે. હું માનું છું કે જીવમાત્ર એક છે, ને વિચારો અમુક ચોક્કસ શરીર ધારણ કરે છે. વાઘ અને સાપ એ આપણાં સગાં છે. એમને પેદા કરીને ઇશ્વરે આપણને બૂરા, દુષ્ટ અને વિષયી વિકારોનો ત્યાગ કરવાની ચેતવણી આપી છે. મારે જો પૃથ્વીમાંથી ઝેરી પશુઓ અને સર્પોને નાબુદ કરવાં હોય તો મારે પોતે મારા અંતરમાંથી ઝેરી વિચારમાત્રને નાબૂદ કરવા જોઇએ. જો મારી અધીરાઇ અને અજ્ઞાનથી, અને મારા શરીરની હસ્તી લંબાવવાની ઇચ્છાથી હું ઝેરી કહેવાતાં પશુંઓને અને સર્પોને મારવાનો પ્રયત્ન કરું તો મારાથી મારા ઝેરી વિચારો નાબુદ નહીં થઇ શકે. એવા પીડાકારક પ્રાણીઓની સામે બચાવ કરવા ન જતાં મારું મરણ નીપજે, તો હું મરીને વધારે સારો અને વધારે પૂર્ણ થઇ ફરી જન્મીશ. એવી શ્રદ્ધા મારામાં હોય તો પછી સાપમાં રહેલા મારા જેવા જ જીવને મારવાનો ઇરાદો હું કેમ રાખું ?

નવજીવન, ૧૭-૪-’૨૭

આપણે તો નિરંતર મૃત્યુના પાશમાં રહીએ છીએ. અને સત્યનો મારગ શોધવાને મથીએ છીએ. જીવનનો એક ક્ષણનો પણ ભરોસો નથી, એને માટે જોખમો તો હમેશ ઝઝૂમ્યા જ કરે છે એટલું જાણતા છતાં, એ જીવનસ્વામી તરફ - જીવનમાત્રાના સરજનહાર તરફ આપણે કેટલાં બેદરકાર રહીએ છીએ ! અને આપણું અભિમાન તો એ બેદરકારી કરતાં પણ ચડે એવું હોય છે.

નવજીવન, ૧૭-૭-’૨૭

દેહધારી જીવમાત્ર હિંસાથી જીવે છે. તેના પરમ ધર્મનો દર્શક શબ્દ નકારવાચક નીકળ્યો. જગત - એટલે દેહમાત્ર - હિંસામય છે તેથી અહિંસા પ્રાપ્તિને અર્થે દેહના આત્યંતિક મોક્ષની તીવ્ર ઇચ્છા પેદા થઇ.

નવજીવન, ૩૦-૯-’૨૮

મારે કબૂલ કરવું જોઇએ કે હું પ્રરિક્ષણ હિંસા કરીને જ શરીરને નિભાવું છું, અને તેથી જ તેને વિશેનો રાગ ક્ષીણ થતો જાય છે. આશ્રમની રક્ષા કરતાં પણ હિંસા કરી રહ્યો છું. પ્રત્યેક શ્વાસ લેતાં ઝીણાં જંતુઓની હિંસા હું કરું છું એમ જાણતો છતો શ્વાસને રૂંધતો નથી. વનસ્પતિઆહાર કરવામાં પણ હિંસા કરું છું છતાં આહારનો ત્યાગ કરતો નથી. મચ્છર વગેરેના કલેશથી બચવાને સારુ ઘાસલેટ ઇત્યાદિ વસ્તુઓનો ઉપયોગ કરતાં તેમનો નાશ થાય છે એમ જાણતો છતો આ નાશક પદાર્થોનો ઉપયોગ છોડતો નથી. સરપોના ઉપદ્રવમાંથી આશ્રમવાસીઓને બચાવવો સારુ જ્યારે તેને માર્યા વિના દૂર ન કરી શકાય ત્યારે તેને મારવા દઉં છું. બળદોને ચલાવતાં આશ્રમના માણસો તેને પરોણા વતી મારે છે તે સહન કરી લઉં છું. આમ મારી હિંસાનો અંત જ નથી. અને હવે વાંદરાંનો ઉપદ્રવ મને મૂંઝવી રહેલ છે. વાંદરાંને મારી નાખવાનો નિશ્ચય હું કદી કરી શકીશ કે નહીં એની મને ખબર નથી. એવો નિશ્ચયથી હું દૂર ભાગતો જાઉં છું. અત્યારે તો કેટલીક ઉપયોગી સૂચનાઓથી મને મિત્ર મદદ કરી રહ્યા છે, પણ આશ્રમની ખેતી રહો વા ન રહો છતાં હું વાંદરાંનો કદી નાશ કરીશ જ નહીં એવી પ્રતિજ્ઞા કરવાની મારામાં આજ તો હિંમત નથી. એ મારી નમ્ર કબૂલાતથી મિત્રો મારો ત્યાગ કરે તો હું લાચાર થાઉં અને એ ત્યાગને હું સહન કરું, પણ અહિંસા વિશેની મારી નબળાઇ અથવા અપૂર્ણતાને છુપાવીને કોઇની મૈત્રી રાખવાની મને ઇચ્છા નથી. મારે વિશે હું એટલો જ દાવો કરી શકું કે અહિંસાદી મહાવ્રતોને ઓળખવા અને તેનું સંપૂર્ણ પાલન મનથી, વચનથી અને કાયાથી કરવાનો હું સતત પ્રયત્ન કરી રહ્યો છું. તે પ્રયત્નમાં થોડી અથવા ઘણી સફળતા પણ મળી છે, છતાં મારે એ દિશામાં બહુ લાંબો પંથ કાપવાનો છે એનું મને ભાન છે.

નવજીવન, ૨૮-૧૦’૨૮

મને પોતાને હું અહિંસામય માનું છું. અહિંસા અને સત્ય મારા બે પ્રાણ છે. તેના વિના હું ન જીવું એમ માનું છું. પણ અહિંસાની મહાન શક્તિ અને મનુષ્યોનું પામરપણું હું ક્ષણે વધારે સ્પષ્ટ રીતે જોતો આવું છું. દયાનો નિધિ વનવાસી મુનિ પણ કેવળ હિંસાયુકત નથી થઇ શકતો. પ્રત્યેક શ્વાસ તેની પાસે હિંસા કરાવે છે. દેહ એટલે હિંસાસ્થાન. તેથી જ સર્વથા દેહમુક્તિમાં જ મોક્ષ અને પરમ આનંદ રહ્યા છે. તેથી જ મોક્ષના આનંદ સિવાયનો બધો આનંદ અસ્થિર છે. આમ હોઇને આપણને હિંસાના કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડે છે.

નવજીવન, ૧૦-૧૦-’૨૬

હું તો ચોક્કસ માનું છું કે જરાક બહાનું મળતાં માણસનો જીવ લેવાની માણસની ટેવે એની બુદ્ધિને અંધારાથી ઘેરી નાખી છે; અને ઇશ્વર પ્રેમમય અને કરુણામય છે એમ જો મનુષ્ય ખરેખર માનતો હોત તો તે મનુષ્યેતર જીવો સાથે જે છૂટ લે છે તે લેતાં તેને કંપારી આવત. ગમે તેમ હો, મરણના ભયથી હું વાઘ, સાપ, ચાંચડ, મચ્છર વગેરેને મારું તોયે મારી નિરંતર પ્રાર્થના તો એ છે કે મને એવું જ્ઞાન પ્રાપ્ત થાય જેથી મરણ વિશેનો મારો ભય ટળે અને હું કોઇ પણ પ્રાણીની હિંસા કરવાની ના પાડું.

હરિજનબંધુ, ૧૦-૧-’૩૭

માનવજીવનથી ઉતરતી કક્ષાના જીવનનો ગાય શુદ્ધ નમૂનો છે. જીવવાળાં પ્રાણીઓમાં પ્રથમ દરજ્જો ધરાવનારા માણસ પાસેથી તેનાથી ઉતરતી કક્ષાના બધાયે જીવો માટે અન્યાય મેળવવાને તે તેમની વતી આપણી આગળ વકીલાત કરે છે.તેની આંખો વડે તે આપણને એવું કહેતી હોય એમ લાગે છે કે ‘તમને અમારી કતલ કરવાને અને અમારું માંસ તમારા આહારને માટે વાપરવાને અથવા અમને બીજી રીતે રંજાડવાને નહીં પણ અમારા મિત્ર તેમ જ વાલી થઇને રહેવા માટે અમારી ઉપર મૂકવામાં આવ્યા છે.

યંગ ઇન્ડિયા, ૨૬-૬-’૨૪

તે મારે સારુ કરુણાનું કાવ્ય છે. હું તેને પૂજું છું અને આખી દુનિયાની સામે થઇને તેની પૂજાનો બચાવ કરતો રહીશ.

યંગ ઇન્ડિયા, ૧-૧-’૨૫

૩૪. બ્રહ્મચર્ય એટલે શું ?

એક ભાઉ પૂછેે છે : ‘બ્રહ્મચર્ય એટલે શું ? તેનું સંપૂર્ણ પાલન શું શકય છે ? જો શક્ય હોય તો તમે તેવું પાલન કરો છો ?’

બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંતજ્ઞાનથી થાય. એ અંતજ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે. તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વેક્ષેત્રે સર્વકાળે સંયમ તે બ્રહ્મચર્ય.

આ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવાં સ્ત્રીપુરુષ ઇશ્વરની સમીપ વસે છે; તે ઇશ્વર જેવા છે.

આવા બ્રહ્મચર્યનું મન, વાચા ને કાયાથી અખંંડિત પાલન શક્ય છે એ વિશે મને શંકા નથી.

નવજીવન, ૨૫-૫’૨૪

જે મનુષ્ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે તે બીજી કોઇ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય ? જેની પ્રવૃત્તિમાત્ર સત્યનાં દર્શન કરવાને અર્થ છે તે પ્રજોત્પત્તિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે ? ભોગવિલાસથી કોઇને સત્ય જડયાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી.

અથવા અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અિંહંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો ત્યાં તેની પાસે બીજાં અર્થે શું રહ્યું ? એનો અર્થ જ એ થયો, ‘અમે બે પહેલાં ને બીજાં બધાં પછી.’ પ્રવિવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રત પુરુષ સ્ત્રીને સારુ સર્વસ્વ હોમવા તૈયાર થશે. એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઇ શકે એ સ્પષ્ટ છે. એનાથી આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે ‘પોતાનું કુટુંબ મોજૂદ છે અથવા તૈયાર થઇ રહ્યું છે. તેની જેટલી વૃદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઇ રહ્યા છીએ. તેથી અહિંસાવ્રતનું પાલન કરનારથી વિવાહ થઇ ન શકે; વિવાહની બહારના વિકારનું તો પૂછવું જ શું ?’

ત્યારે જે વિવાહ કરી બેઠા છે તેમનું શું ? તેમને સત્ય કોઇ દહાડો નહીં જ જડે ? તે સર્વાર્પણ કદી નહીં કરી શકેે ? આપણે તેનો રસ્તો કાઢયો જ છે; વિવાહિતે અવિવાહિત જેવા થઇ જવું. આ દિશામાં આના જેવું સુંદર મેં બીજું કશું અનુભવ્યું નથી. આ સ્થિતિનો રસ જેણે ચાખ્યો છે તે સાક્ષી પૂરી શકશે. આજે તો આ પ્રયોગની સફળતા સિદ્ધ થઇ કહી શકાય. વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઇબહેન ગણતાં થઇ જાય એટલે બધી જાંજાળમાંથી તે મુક્ત થયાં. જગતમાં રહેલી સ્ત્રીમાત્ર બહેન છે, માતા છે, દીકરી છે એ વિચાર જ માણસને એકદમ ઊંચે લઇ જનાર છે, બંધનમાંથી મુક્તિ આપનાર થઇ પડે છે. આમાં પતિપત્ની કંઇ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે. કુટુંબ વધારે છે. પ્રેમ પણ વિકારરૂપી મેલ કાઢવાથી વધારે છે. વિકાર જવાથી એકબીજાની સેવા વધારે સારી થઇ શકે છે. એકબીજા વચ્ચે કંકાસના પ્રસંગ ઓછા થાય છે. જ્યાં સ્વાર્થી એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસને વધારે સ્થાન રહે છે.

ઉપરનો પ્રધાન વિચાર કર્યા પછી ને તે હ્ય્દયમાં ઠસ્યા પછી બ્રહ્મચર્યથી થતા શારીરિક લાભ, વીર્યલાભ વગેરે બહુ ગૌણ થઇ પડે છે. ઇરાદાપૂર્વક ભોગવિલાસ ખાતર વીર્યહાનિ કરવી અને શરીરને નિચોવવું એ કેવી મૂર્ખાઇ ગણાય ? વીર્યનો ઉપયોગ બંનેની શારીરિક અને માનસિક શક્તિ વધારવાને સારુ છે. તેનો વિષયભોગમાં ઉપયોગ કરવો તે તેનો અતિ દુરુપયોગ છે, અને તેથી તે ઘણા રોગનું મૂળ થઇ પડે છે.

આવું બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહીં જ રહે. અહીં એક ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની મેળે, અનિચ્છાએ, બળાત્કારે વિકારી થાય કેથયા કરે એ જુદી વાત છે. એ વિકારમાં આપણે સહાયભૂત ન થઇએ તો છેવટે જીત જ છે. શરીર હાથમાં રહે છે પણ મન નથી રહેતું, એવું પ્રમાણે ક્ષણે ક્ષણે અનુભવીએ છીએ. તેથી શરીરને તો તુરત કબજે લઇ મનને કબજે લેવાનો નિત્ય પ્રયત્ન કરવો, એટલે આપણે કર્તવ્યપાલન કરી ચૂક્યા. મનને વશ થયા એટલે શરીર ને મનનો વિરોધ થયો, મિથ્યાચારનો આરંભ થયો. મનોવિકારને દબાવ્યા જ કરીએ ત્યાં લગી બંને સાથે જનાર છે એમ કહેવાય.

આ બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશકય માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યનો સાંકડો અર્થ કરવામાં આવ્યો છે. જનનેન્દ્રિયવિકારનો નિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું. મને લાગે છે કે આ અધૂરી ને ખોટી વ્યાખ્યા છે, વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ભમવા દઇ એક જ ઇન્દ્રિયને રોકવાના પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે ? કાનથી વિકારની વાતો સાંભળે, આંખથી વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુઓ જએ, જીભથી વિકારોત્તેજક વસ્તુનો સ્વાદ કરે, ને છતાં જનનેન્દ્રિયને રોકવાનો ઇરાદો રાખે, એ તો અગ્નિમાં હાથ નાખ્યા પછી ન દાઝવાનો પ્રયત્ન કર્યા બરોબર થયું. તેથી જે જનનેન્દ્રિયને રોકવાનો નિશ્ચય કરે તેણે ઇન્દ્રિયચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકસાન થયું છે. મારો તો દૃઢ અભિપ્રાય છે ને અનુભવ છે કે જો આપણે બધી ઇન્દ્રિયોને એકસાથે વશ કરવાનો અભ્યાસ પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઇ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે, અને તેથી જ એના સંયમને આપણે નોખું સ્થાન આપ્યું છે.

બ્રહ્મચર્યનો મૂળ અર્થ સહુ યાદ કરે; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની - શોધમાં ચર્યા એટલે તેને લાગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઇએ.

મંગલપ્રભાત, પ્રકરણ ૩

૩૫. બ્રહ્મચર્યના પગથિયાં

પ્રથમ પગથિયું તેની આવશ્યકતાનું ભાન થયું તે છે. એટલા સારુ તે વિષયનાં પુસ્તકોનું વાચનમનન છે.

બીજું, ધીમે ધીમે ઇન્દ્રિયનિગ્રહ આદરવો ઘટે. બ્રહ્મચારી સ્વાદને રોકે; જે ખાય તે કેવળ પોષણ અર્થે. આંખથી મલિન વસ્તુ ન જુએ. આંખને હમેશાં શુદ્ધ વસ્તુ જ જોવામાં રોકે અથવા તેને બંધ કરે. તેથી જ સભ્ય સ્ત્રીપુરુષ હાલતાં ચાલતાં ધરતી ભણી જોતાં રહે ને શરીરની તુચ્છતાનું દર્શન કરે. કાનેથી કંઇ બીભત્સ વસ્તુ સાંભળે જ નહીં, નાકેથી અનેક પ્રકારની વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુઓ નહીં સૂંઘે. સ્વચ્છ માટીમાં જે સુગંધ છે તે અત્તર ગુલાબોમાં નથી. જેને ટેવ નથી તે તો એ કૃત્રિમ સુગંધોથી અકળાય છે. હાથપગને પણ એકે બૂરા કામને સારુ નહીં વાપરે. પ્રસંગોપાત્ત ઉપવાસાદિ કરે.

ત્રીજું, પોતાનો બધો સમય સત્કાર્યમાં, જગતસેવામાં જ ગાળે.

ચોથું, સત્સંગ સેવે. સારાં પુસ્તકો વાંચે ને આત્મદર્શન વિના વિકારોનો સર્વથા નાશ નથી જ એમ જાણી રામનામાદિ હમેશાં રટી ઇશ્વરપ્રસાદની યાચના કરે.

આમાં એકે વસ્તુ એવી નથી આવી કે જે સામાન્યમાં સામાન્ય સ્ત્રીપુરુષ પણ ન કરી શકે. પણ - એ જ મોટો પહાડ છે. બ્રહ્મચર્યની આવશ્યકતા વિશે પૂરી શ્રદ્ધા નથી હોતી એટલે મનુષ્ય અનેક પ્રકારનાં ફાંફાં મારે છે. જેને તેની ઇચ્છા થઇ છે તેને એ વસ્તુ સાધ્ય છે એ વિશે કાંઇયે શંકા કરવાનું કારણ નથી. જગત બ્રહ્મચર્યના ઓછાવત્તા પાલનથી જ નભે છે એ જ સૂચવે છે કે તેની આવશ્યકતા છે ને તે સંભવિત છે.

નવજીવન, ૪-૪-’૨૬

બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફળ જાય છે, કેમ કે તેઓ ખાવાપીવામાં, જોવા ઇત્યાદિમાં અબ્રહ્મચારીની જેમ રહેવા માગતા છતાં બ્રહ્મચર્યનું પાલન ઇચ્છે છે. આ પ્રયત્ન ઉષ્ણ ઋતુમાં શીત ઋતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, ભોગીના અને ત્યાગીના જીવન વચ્ચે ભેદ હોવો જ જોઇએ. સામ્ય છે તે ઉપરથી દેખાતું જ. ભેદ ચોખ્ખો તરી આવવો જોઇએ. આંખનો ઉપયોગ બંને કરે. પણ બ્રહ્મચારી દેવદર્શન કરે. ભોગી નાટકચેટકમાં લીન રહે. બંને કાનનો ઇપયોગ કરે. પણ એક ઇશ્વરભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે. બંને જાગરણ કરે. પણ એક જાગ્રતાવસ્થામાં હ્ય્દયમંદિરમાં બિરાજતા રામને વીનવે, બીજો નાચરંગની ધૂનમાં સૂવાનું ભાન ભૂલી જાય. બંને જમે. પણ અકે શરીરરૂપી તીર્થક્ષેત્ર નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજો સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેન દુર્ગધિત કરી મૂકે. આમ બંનેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે; અને એ અંતર દિવસે દિવસે વધે, ઘટે નહીં.

બ્રહ્મચર્ય એટલે મનવચનકાયાથી સર્વ ઇન્દ્રિયોનો સંયમ. આ સંયમને સારુ ઉપર પ્રમાણે ત્યાગોની આવશ્યકતા છે એમ હું દિવસે દિવસે જોતો ગયો. આજે પણ જોઇ રહ્યો છું. ત્યાગના ક્ષેત્રને સીમા જ નથી, જેમ બ્રહ્મચર્યના મહિમાને નથી. આવું બ્રહ્મચર્ય અલ્પ પ્રયત્ને સાધ્ય નથી, કરોડોને સારુ તો એ હમેશાં કેવળ આદર્શરૂપે જ રહેશે. કેમ કે, પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપોનું નિત્ય દર્શન કરશે, પોતાનામાીં ખૂણેખાંચરે છુપાઇ રહેલા વિકારોને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મેળવ્યો કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી. વિચારમાત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાંયે કઠિન છે. આમ છતાં જો આત્મા છે, તો આ વસ્તુ પણ સાધ્ય છે જ. આપણને મુશ્કેલીઓ આવી નડે છે તેથી તે અસાધ્ય છે એમ કોઇ ન માને. એ પરમ અર્થ છે. અને પરમ અર્થને સારુ પરમ પ્રયત્નની આવશ્યકતા હોય એમાં શું આશ્ચર્ય ?

પણ આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી એ મેં દેશમાં આવીને જોયું. ત્યાં લગી હું મૂર્છામાં હતો એમ કહી શકાય. ફળાહારથી વિકાર જડમૂળથી નાબૂદ થાય એમ મેં માની લીધેલું, ને હું અભિમાનથી માનતો કે હવે મારે કંઇ કરવાપણું નથી.

પણ આ વિચારના પ્રકરણને પહોંચવાને વાર છે. દરમ્યાન એટલું કહી દેવું આવશ્યક છે કે, ઇશ્વરસાક્ષાત્કાર કરવાને અર્થે, મેં વ્યાખ્યા આપી છે તેવા બ્રહ્મચર્યનું જેઓ પાલન ઇચ્છે છે, તેઓ જો પોતાના પ્રયત્નની સાથે જ ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખનારા હોય, તો તેમને નિરાશ થવાનું કશું કારણ નથી.

()

તેથી રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે, એ વસ્તુનો સાક્ષાત્કાર મેં હિંદુસ્તાનમાં જ કર્યો.

આત્મકથા, પા. ૨૦૬-૮

મને કાયિક બ્રહ્મચર્યના પાલનમાં પણ મહાકષ્ટ વેઠવું પડ્યું છે. અત્યારે એમ કહી શકાય તેને વિશે હું નિર્ભય બન્યો છું. પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઇએ તે મને મળી શક્યો નથી. મારા પ્રયત્નમાં ન્યુનતા હોય એમ મને લાગ્યું નથી. પણ કયાંથી અને કઇ રીતે આપણે ન ઇચ્છીએ તે વિચારો આપણા પર ચડાઇ કરે છે તે હું હજુ જાણી નથી શક્યો. વિચારોને પણ રોકવાની ચાવી મનુષ્ય પાસે છે એ વિશે મને શંકા નથી. પણ એ ચાવી દરેક પોતાને સારુ શોધવી રહી છે એવા છે એવા નિર્ણય ઉપર અત્યારે તો હું આવ્યો છું. મહાપુરુષો આપણે સારુ પોતાના અનુભવો મૂકી ગયા છે તે માર્ગદર્શક છે. તે સંપૂર્ણ નથી. સંપૂર્ણતા એ કેવળ પ્રભુપ્રસાદી છે, અને તેથી જ ભક્તો પોતાની તપશ્ચર્યાથી પુનિત કરેલા અને આપણને પાવન કરનારા રામનામાદિ મંત્રો મૂકી ગયા છે. સંપૂર્ણ ઇશ્વરાપૂર્ણ વિના વિચારોની ઉપર સંપૂર્ણ જય ન જ મળી શકે. આ વચન બધાં ધર્મપુસ્તકોમાં વાંચ્યું છે ને તેનું સત્ય હું આ બ્રહ્મચર્યના સૂક્ષ્મતમ પાલનના પ્રયત્નને વિશે અનુભવી રહ્યો છું.

આત્મકથા, પા. ૩૧૮

મરો કબૂલ કરવું જોઇએ કે સત્યનારાયણ પર અવિચળ શ્રદ્ધા રાખ્યા વિના બ્રહ્મચર્યનું પાલન કરવું અશક્ય છે. ઇશ્વરને જીવનમાંથી સદંતર ઉડાવી દેવાનો અને જાગ્રત ઇશ્વર પર જાગ્રત શ્રદ્ધા રાખ્યા વિના જીવનની પરાકાષ્ઠાએ પહોંચી શકાય છે એવો આગ્રહ રાખવાનો આજકાલ ધો ચાલ્યો છે. જે લોકોને પોતાના કરતાં અનંતગણી ઊંચી શક્તિ પર જરાયે શ્રદ્ધા નહોય અને એવી શક્તિની જરૂર ન ભાસતી હોય તેવાને ગળે આ નિયમનું સત્ય ઉતારવાને હું અસમર્થ છું એ મારે કબૂલ કરવું જોઇએ. મારા પોતાના અનુભવ પરથી મને એટલું જ્ઞાન મળ્યું છે કે જે સચેતન નિયમને વશ વર્તીને આખું વિશ્વ ચાલે છે તેના પર અવિચળ શ્રદ્ધા રાખ્યા વિના પૂર્ણ જીવન અશકય છે. એ શ્રદ્ધા વિનાનો માણસ મહાસાગરનીબહાર ફેંકાયેલા બિંદુ જેવો છે ને તેનો નાશ થયા વિના રહેવાનો નથી. મહાસાગરમાં રહેલું દરેક બિંદુ મહાસાગરની ભવ્યતાનો અંશ અનુભવે છે અને આપણને જીવનનો પ્રાણવાયુ (ઓઝોન) આપવાનું માન ભોગવે છે.

હરિજનબંધુ, ૨૬-૪-’૩૬

૩૬. લગ્ન : પવિત્ર ધાર્મિક સંસ્કારવિધિ

મનુષ્ય કલાકાર અને સર્જક અવશ્ય છે. તેને સૌંદર્ય ને તેથી રંગ અવશ્ય જોઇએ છે. એનો કલાકાર અને સર્જકનો સ્વભાવ ઉત્તમ કોટિએ હતો ત્યારે તેણે તેને સંયમમાં કલા અને સર્જનહીન સંભોગમાં કદ્રપતા જોવાનું શીખવ્યું. એની કલાવૃત્તિએ એને સારાસારનો વિવેક કરતાં ને રંગોની ગમે તેવી મેળવણી એ જેમ સૌંદર્યનું લક્ષણ નથી. તેમ દરેક જાતનો વિષયોપભોગ એ સારી વસ્તુ નથી એ સમજતાં શીખવ્યું. આગળ જતાં તેને એમ પણ જ્ઞાન થયું કે જીવવાને ખાતર જીવવું એમાં સૌંદર્ય કે આનંદ એકે નથી, પણ માણસે પોતાનાં માનવી ભાઇભાંડુની ને તે દ્ધારા પોતાના સરજનહારની સેવા કરવાને જીવવું જોઇએ. એ જ પ્રમાણે જ્યારે એણે સંભોગના આનંદનો ઊંડોે વિચાર કર્યો ત્યારે એને જણાઇ આવ્યું કે બીજી ઇન્દ્રિયોની પેઠે આ જનનેન્દ્રિયનો પણ સદુપયોગ તેમ જ દુરુપયોગ થઇ શકે છે. અને એણે જોયું કે એનો ખરો ઉપયોગ કેવળ એને જનનક્રિયાને અર્થે વાપરવામાં જ છે. તેણે જોયું કે એનો બીજો કોઇ પણ જાતનો ઉપયોગ બેહૂદો છે. અને તેને એ પણ સમજ આવી કે એના બીજા ઉપયોગથી વ્યકિતને તેમ જ જાતિને ભયાનક પરિણામ ભોગવવાં પડશે.

હરિજનબંધુ, ૧૨-૪-’૩૬

માનવસમાજનો અનવરત વિકાસ થયા કરે છે એટલે આત્મોન્નતિ થયા જ કરે છે. અને જો એ વિકાસ અને ઉન્નતિ થયા જ કરવા દેવી હોય તો ઇન્દ્રિયમાત્રને માર્યા જ કરવી જોઇએ. આ દૃષ્ટિએ લગ્ન એ સંસ્કાર કહેવાય અને તે એટલા જ અર્થમાં કે વિવાહિત જોડું એ સંસ્કારથી સંયમી જીવન ગાળવાની અને જ્યારે બંનેને પ્રજોત્પત્તિની ઇચ્છા થાય અને બંને તેને માટે તૈયાર હોય ત્યારે તેટલા જ હેતું માટે ભેળાં થવાની પ્રતિજ્ઞા લે છે.

નવજીવન, ૧૯-૯-’૨૬

સંતાનવૃદ્ધિને મર્યાદામાં મૂકવાની જરૂર છે એ બાબતમાં તો બે અભિપ્રાય હોઇ જ ન શકે. પણ તેનો એકમાત્ર માર્ગ જમાનાઓ થયા આપણને વારસામાં અપાયેલો સંયમ - બ્રહ્મચર્ય છે. એ એક રામબાણ ઉપાય છે અને તેના પાલન કરનારનું તે કલ્યાણ કરે છે. દાક્તરી વિદ્યાવાળા જનનમર્યાદા માટે કૃત્રિમ સાધનોની શોધો કરવાને બદલે જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો મનુષ્યજાતિનો સદાને માટે આશિર્વાદ મેળવશે.

નવજીવન, ૨૨-૩-’૨૫

કૃત્રિમ સાધનો એ દુરાચારને ઉત્તેજન આપવા જેવું છે. પુરુષને તેમ જ સ્ત્રીને તે આંધળાંભીંત કરી મૂકે છે. અને આ ઉપાયોને જે પ્રતિષ્ઠા અપાઇ રહી છે તેથી સામાજિક માન્યતાઓનો જ કંઇ દાબ માણસ ઉપર રહે છે તેને પણ ઊડતાં વાર નથી લાગવાની. કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નીર્વીર્યતા જ ઊપજે. રોગ કરતાં ઇલાજ જ વધુ ઘાતક નીવડવાનો.

નવજીવન, ૨૨-૩-’૨૫

પોતાના કર્મના ફળમાંથી બચી જવાની કોશિશ કરવી એ ખોટું છે, અનીતિમય છે. જે અકરાંતિયે થઇ વધું ખાઇ લે છે તેને પેટમાં ચૂંક આવે અને પછી ઉપવાસ કરવો પડે એ જ સારું છે. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકી દઇ ભૂખ ઉપરાંત ઠાંસીને ખાઇ લીધા પછી તેના કુદરતી પરિણામમાંથી બચવા ખાતર પાચક ઓસડો લેવાં એ ખોટું પણ માણસ પોતાની પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના પરિણામમાંથી બચી જાય એ તેથીયે બૂરું છે. કુદરત કોઇની દયા નથી ખાતી અને પોતાના નિયમોનાં ઉલ્લંઘનનું પૂરેપૂરું ભાડું લે છે. સાત્ત્વિક અને શુભપરિણામ તો વાસનાઓના નિગ્રહનથી જ મેળવીશકાય. બીજા બધા ઉપાયોનાં પરિણામ વિષમ જ આવે.

નવજીવન, ૨૨-૩-’૨૫

જનનક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસાર એ ઇશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વદ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ન કરીને પણ રોકશે.

આત્મકથા, પા. ૨૦૨

કામનો આવેગ સરસ ઉમદા વસ્તુ છે. તેમાં શરમાવા જેવું કશું નથી. પણ તેનો ઉપયોગ કેવળ પ્રજોત્પત્તિને સારુ હોય. એ વગરનો બીજો કોઇ પણ ઉપયોગ ઇશ્વરનો અને માનવજાતનો દ્રોહ છે, પાપ છે.

હરિજન, ૨૮-૩-’૪૬

પોષી ન શકાય એટલાં છોકરાં પેદા કરવાં એ પાપ છે જ, પણ હું માનું છું કે પોતાના કર્મનું ફળ ભોગવવામાંથી છટકી જવા મથવું એ એથીયે મોટું પાપ છે. એથી તો મનુષ્યનું મનુષ્યત્વ જ હણાઇ જાય છે.

હરિજનબંધુ, ૮-૯-’૩૫

માણસમાં દેવ અને પશું બંને ભરેલા જ છે. માણસને પશુતા કેળવવાની જરૂર નથી પડતી, દૈવી અંશ જ કેળવવાની જરૂર છે. જ્યારે પશુતાને દૈવી દેખાડવામાં આવે ત્યારે તો માણસ સહેજે લપસી પડે. તમે (મિસ હાઉમાર્ટિન) અને મેરી સ્ટૉપ્સ જેવી બહેનો પાપના પંથને પવિત્રતાનો અને પુણ્યનો પંથ બતાવો તો તમારા ઘડીક વાર પોબાર પડવાના એમાં શંકા નથી, પણ અંતે તમે સત્યાનાશ વાળવાનાં છો એ યાદ રાખજો.

હરિજનબંધુ, ૨૭-૧-’૩૫

૩૭. અપરિગ્રહનો ધર્મ

સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપશે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઇશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણવા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢયને ત્યાં તેને ન જોઇતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જયારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઇતો જ સંગ્રહ કરે તો કોઇને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બને તંગી અનુભવેે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઇચ્છે છે; કંગાળને પેટાપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢયે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા પૂરતું સહેજે મળી રહે ને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે. આદર્થ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઇશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઇક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી, જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતાં જોઇએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચારપૂર્વક ઘટાડો છે. જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે.... અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, ્‌આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઇ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે ? ત્રીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તે નો ખરો ખોરાક જ સેવા થઇ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે. ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઇએ.

આટલું યાદ રાખવા યોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઇએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઇશ્વરથી વિમુખ રાખે છે અથવા ઇશ્વર પ્રતિ ન લઇ જતો હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઇત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે; આ ખરું વચન હોય - અને ખરું છે જ - તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટ ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઇ મંદતાને તો નહીં જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઇએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઇ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહીં. અહીં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજપ્રાપ્ત છે.

મંગલપ્રભાત, પા. ૧૮-૨૦

એટલે બધું તજો, એ ઇશ્વરને અર્પણ કરો, નેએ રીતે જીવો. એ ત્યાગમાંથી જીવવાનો અધિકાર મળે છે. એમાં નથી કહેલું કે ‘બીજા સૌ પોતાના ભાગનું કામ કરશે ત્યારે હું પણ કરીશ.’ એમાં તો કહેલું છે કે ‘બીજાની ફિકર નહીં કરતા. પહેલાં તમારું કામ કરો ને બાકીનું ઇશ્વર પર છોડી દો.’

હરિજનબંધુ, ૭-૩-’૩૭

ઇશુ, મહમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ એ બધા પુરુષોએ હજારો બલકે લાખો માણસોના ચારિત્ર્ય પર પ્રભાવ પાડી તેને ઘડ્યું છે. તે બધા આ પૃથ્વી પર જીવ્યા તેથી તે વધારે સમૃદ્ધ જ થયેલી છે. અને એ સૌએ ગરીબી એટલે કે અપરિગ્રહનો સમજપૂર્વક અંગીકાર કર્યો હતો.

સ્પીચીસ અન્ડ રાઇન્ટિગ્સ ઑફ મહાત્મા ગાંધી (૧૯૩૩), પા. ૩૫૩

મહાસૂત્ર એ છે કે.... જે વસ્તુ કરોડોને નથી મળી શકતી તે વસ્તુનો આપણે ત્યાગ કરવો. આ પ્રમાણે ત્યાગ કરવાની શકિત આપણામાં એકાએક નથી ઊતરી આવવાની. પહેલી તો આપણે એવી મનોવૃત્તિ કેળવવી પડશે કે જે કરોડોને ન મળી શકે એવી વસ્તુઓ અને સગવડો લેવાની ના પાડવી; અને ત્યાર પછી તુરત બીજી આવશ્યકતા એ છે કે એ વૃત્તિને અનુરૂપ આપણા જીવનક્રમમાં જેમ બને તેટલો જલદી ફેરફાર કરી નાખવો.

નવજીવન, ૨૭-૬-’૨૬

આજની ફિકર આપણે રાખીએ તો કાલની ફિકર કરવાવાળો ઇશ્વર બેઠો છે.

યંગ ઇન્ડિયા, ૧૩-૧૦-’૨૧

૩૮. મજૂરી - ઇશ્વરની ઉપાસના

‘બ્રહ્માએ યજ્ઞની ફરજ બતાવી પ્રજાને ઉત્પન્ન કરી અને તેને કહ્યું,’ “યજ્ઞથી તમે આબાદ થશો. તે તમારી સર્વ કામનાઓ પૂર્ણ કરવાવાળો થાઓ.” ‘જે આ યજ્ઞ કર્યા વગર ખાય છે તે ચોરીનું ખાય છે,’ એવું ગીતા કહે છે. ‘તારો રોટલો પરસેવો પાડી મહેનત કરીને કમાજે’ એમ બાઇબલ કહે છે. યજ્ઞો ઘણા પ્રકારના કોઇ શકે. સૌ કોઇ પોતાનો રોટલો મેળવવાના પૂરતી જ મજૂરી કરે ને તેથી વધારે તો સૌ કોઇને પૂરતો ખોરાક અને પૂરતી નવરાશ મળે. પછી વધારે પડતી વસ્તુની બૂમ નહીં રહે, રોગ ને બીમારી નહીં રહે. આવી મજૂરી ચારે કોર જોવામાં આવે છે તેવું દુઃખ પણ નહીં રહે. આવી મજૂરી ઉત્ત્મ પ્રકારનો યજ્ઞ બને. પોતાના શરીર મારફતે અગર મન મારફતે માણસો બેશક બીજાં ઘણાં કામો કરતાં રહેશે પણ એ બધી સર્વના ભલાને માટે પ્રેમથી કરેલી મજૂરી અથવા સેવા હશે. પછી કોઇ તવંગર ને કોઇ ગરીબ, કોઇ ઊંચા ને કોઇ નીચા, કોઇ સ્પર્શ્ય ને કોઇ અસ્પર્શ્ય જોવાના નહીં મળે.

હરિજન, ૨૯-૫-’૩૫

સંભવ છે કે આ ન પહોંચી શકાય એવો આદર્શ હોય. પણ તેથી આપણે તેને માટે મથવાનું છોડી દેવાનું ન હોય. આપણી હસ્તીનોજે કાનૂન છે તે યજ્ઞના આખાય કાનૂનનો પૂરેપૂરો અમલ ભલે આપણે ન કરી શકતા હોઇએ તોપણ આપણો રોજનો રોટલો કમાવા પૂરતી અંગમહેનત કરીએ તોયે આપણે આદર્શની દિશામાં લાંબી મજલ કાપી હશે.

હરિજન, ૨૯-૬-’૩૫

આપણે એટલું કરીએ તો આપણી જરૂરિયાતો ઓછામાં ઓછી થઇ જાય, અને આપણો આહાર સાદો થાય. પછી જિંદગીને ખાતર ખાનપાન હશે, ખાનપાનને ખાતર આપણી જદગી નહીં હોય. જેને આ વાતની સચ્ચાઇ વિશે શંકા હોય તેણે પોતાના રોટલા માટે અંગમહેનત કરી જોવી એટલે તેને પોતાની મજૂરીથી પેદા થયેલી ચીજોમાંથી પાર વગરનો સ્વાદ મળશે. તેની તંદુરસ્તી આબાદ રહેશે, અને તેને ભાન થશે કે પોતે જે અનેક ચીજો લેતો હતો તે વધારે પડતી ને નકામી હતી.

બુદ્ધિની મહેનતથી માણસો પોતાનો રોટલો રળી શકે કે નહીં ? ના. શરીરની જરૂરિયાતો શરીરે પૂરી પાડવી જોઇએ. ‘જે રાજાના હકનું છે તે રાજાને આપી દેવું’ એ વચન અહીં પણ લાગું પડે છે. કેવળ મનની ્‌એટલે કે બુદ્ધિની મજૂરી આત્માને અર્થે હોય અને તેની સાર્થકતા ને સમાધાન તેમાં જ છે. એવી મજૂરીના વળતરની માગણી કરવાની હોય નહીં. આદર્શ રાજ્યમાં દાકતરો, વકીલો અને એવા જ બીજા બુદ્ધિની મજૂરી કરવાવાળા પોતાના સ્વાર્થને માટે નહીં પણ કેવળ સમાજના લાભ માટે કામ કરશે.

રોટલો મેળવવાને માટે અંગમહેનત કરવાના કાનૂનના અમલથી સમાજની રચનામાં ખળભળાટ વગરની મૂગી ક્રાન્તિ થશે. પછી માણસોને વિજયની સાર્થકતાનો અનુભવ જીવવાને માટે આકરી રહીફાઇને બદલે પરસ્પર સેવા કરવાની હરીફાઇ કરવામાં મળશે. પશુના જીવનના કાનૂનને બદલે માણસના જીવનના કાનૂનનો અમલ શરૂ થશે.

હરિજન, ૨૯-૬-’૩૫

રોટલો રળવાને અંગમહેનત કરવાના ધર્મનો સ્વેચ્છાથી સ્પષ્ટ સ્વીકાર કરવો એ જ ગામડામાં પાછા ફરવાની વાતનો અર્થ છે.

હરિજન, ૨૯-૬-’૩૫

જે પારકાની સેવા કરે છે તેના હ્યદયમાં ઇશ્વર પોતાની મેળે, પોતાની ગરજે આવીને વાસ કરે છે. તેથી જ અનુભવજ્ઞાન જેણે મેળવેલું તે નરસિંહ મહેતાએ ગાયું કેે :

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.

નવજીવન, ૨૦-૯-’૨૫

અને પીડિત કોણ છે ? અંત્યજ અને કંગાળ. એ બેની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. અંત્યજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા ? જેઓ કંગાળને અર્થે રેંટિયો ચલાવવા જેટલું પણ શરીર ચલાવતાં આળસ કરે, અનેક બહાનાં કાઢે, તે સેવાનો મર્મ જાણતા જ નથી. જે માણસ કંગાળની સામે બેઠો રેંટિયો ચલાવે છે ને તેને રેંટિયો ચલાવવાને સારુ નોતરે છે, તે ઇશ્વરની અનન્ય સેવા કરે છ.

‘જે મને પત્ર, પુષ્પ, પાણી ઇત્યાદિ ભક્તિપૂર્વક આપે છે તે મારો સેવક છે’ એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ઘેર વધારે વસે છે, એ તો આપણે નિરંતર સિદ્ધ થતું જોઇએ છીએ. તેથી કંગાળને અર્થે કાંતવું એ મહાપ્રાર્થના છે, એ મહાયજ્ઞ છે, એ મહાસેવા છે.

નવજીવન, ૨૦-૯-’૨૫

પ્ર૦ - ઇશ્વરભજનમાં સમય ગાળનાર એટલો જ સમય ગરીબોની સેવામાં આપે, તો ભજન કરતાં એ સારું ન ગણાય ?

આમ ગરીબની સેવા કરનારને જુદી ઇશ્વરની ભક્તિ કરવાની જરૂર રહે ખરી ?

ઉ૦ - આવા પ્રશ્નમાં મને આળસની ને નાસ્તિકતાની ગંધ આવે છે. મોટા મોટા કર્મયોગી કદી ભજન કે ભકિત કરવાનું છોડતા નથી. બીજાની પારમાર્થિક સેવાનું કર્મ એ જ શક્તિ છે ને એવું કર્મ કરનારને ભજનની જરૂર નથી, એમ સિદ્ધાંત તરીકે કહી શકાય. પણ વાસ્તવમાં એવા પારમાર્થિક કર્મમાં ભજન વગેરેથી મદદથી થાય છે અને ઇશ્વરનું સ્મરણ તાજું રહે છે.

હરિજનબંધુ, ૧૩-૧૦-’૪૬

ઇશ્વરને નામે કરેલું અને એને અર્પણ કરેલું એકે કામ નાનું કે હલકું નથી. એવીરીતે થયેલું બધું કામ એક જ કોટિનું બની જાય છે. ઇશ્વરને નામે અને કેવળ ઇશ્વરના પ્રતિનિધિ તરીકે એની આપેલી સંપત્તિનો ઉપયોગ કરતો રાજા અને ઇશ્વરની સેવાને અર્થે કામ કરનાર ભંંગી બંને સરખા મોટા છે.

નવજીવન, ૨૮-૧૧-’૨૬

ઇશ્વરને નામે જે કામ થાય છે ને તેને અર્પણ કરવામાં આવે છે તે નાનું નથી. એવી રીતે કરવામાં આવેલાં બધાં કામોનું પુણ્ય સરખું હોય છે. જે ભંગી ઇશ્વરની સેવાને અર્થે પોતાનું કર્મ કરે છે તેની પાત્રતા ઇશ્વરને નામે કેવળ ટ્રસ્ટી રહીને રાજ ચલાવવામાં પોતાની શક્તિ ને આવડત વાપરનાર રાજાની પાત્રતાના જેવી જ છે.

યંગ ઇન્ડિયા, ૨૫-૧૧-’૨૬

ગરીબોને જે જાતની મજૂરી કરવી પડે છે તે દિવસમાં એકાદ કલાક પણ આપણે સૌ કરીએ અને એ રીતે તેમની સાથે અને તેમની મારફતે આખી માવનજાત સાથે આત્મીયતા કેળવીએ તેના કરતાં વધારે ઉદાર ભાવવાળું અથવા વધારે રાષ્ટ્રીય ભાવનાવાળું બીજું કંઇ હું કલ્પી શકતો નથી. ગરીબો કરે છે તેવી જ મજૂરી ગરીબીને માટે ઇશ્વરને નામે કરવાના કરતાં વધારે ચડતા પ્રકારની ઇશ્વરની પૂજા હું કલ્પી શકતો નથી.

યંગ ઇન્ડિયા, ૨૦-૧૦-’૨૧

શ્રમધર્મ વિશે દીધેલો ભાર વધારે પડતો છે એમ કદી કહેવાય જ નહીં. હું તો ગીતાની જ ભાષાની અનુવાદ કરું છું. ભગવાને જ કહ્યું છે ને કે ‘જો હું અંતદ્રિય રહીને કર્મમાં મચ્યો ન રહું તો લોકો મારે જ રસ્તે ચાલે ને તેમને ખોટો દાખલો બેસે’ ?

હરિજનબંધુ, ૩-૧૧-’૩૫

એક પણ સશક્ત પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખોરાક વગરનાં રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઇએ.

યંગ ઇન્ડિયા, ૬-૧૦-’૨૧

પ્રેમ અથવા અહિંસામાં સેવાનું મૂળ ન હોય ત્યાં સુધી તે થઇ ન શકે. સાચા પ્રેમને કોઇ સીમાં નથી. સમૃદ્ધના જેવો છે ને માણસના અંતરમાં તેની એવી ભરતી ચડે છે કે તે બધીયે મર્યાદાઓ ને સરહદો ઓળંગી ફેલાતો ફેલાતો આખીયે સૃષ્ટિને વ્યાપી વળે છે. વળી, આવી સેવા રોટલો મેળવવાને માટેની મજૂરી કે જેને ગીતામાં યજ્ઞ કહીને ઓળખવામાં આવી છે તેના વગર અશકય છે. પુરુષ અથવા સ્ત્રી સેવાને અર્થે મજૂરી કરે પછી જ તેને જીવનનો અધિકાર પ્રાપ્ત થાય.

યંગ ઇન્ડિયા, ૨૦-૯-’૨૮

૩૯. સર્વોદય

આ દેહ કેવળ પરમાર્થને કારણે આપણને મળ્યો છે. અને તેથી યજ્ઞ કર્યા વિના જે જમે છે તે ચોરીનું જમે છે એવું સખત વાક્ય ગીતાકારે કહી દીધું. શુદ્ધ જીવન ગાળવા ઇચ્છનારનું બધું કાર્ય યજ્ઞરૂપે હોય. આપણે યજ્ઞ સાથે અવતર્યા એટલે આપણે સદાયના ઋણી- દેવાદાર રહ્યા. તેથી આપણે જગતના હમેશના ગુલામ સેવક. અને ગુલામને સ્વામી જેમ સેવા લેવાને કારણ અન્નવસ્ત્રાદિ આપે છે તેમ આપણને જગતનો સ્વામી આપણી પાસેથી ગુલામી લેવા ખાતર અન્નવસ્ત્રાદિ આપે તે આભારપૂર્વક લઇએ. તેટલાનો પણ આપણને હક છે એવું ન માનીએ, એટલે કે ન મળે તો સ્વામીને ન વગોવીએ. આ શરીર તેનું છે; તેની ઇચ્છા પ્રમાણે તેને રાખે કે નાખે. આ સ્થિતિ દુઃખદ નથી, દયામણી

યજ્ઞનો અર્થ ગાંધીજીએ આગળના એક પૅરામાં સમજાવ્યો છે. તેમણે કહ્યું છે :

યજ્ઞ એટલે આ લોકમાં કે પરલોકમાં કંઇ પણ બદલો લીધા કે ઇચ્છ્યા સિવાય પરાર્થે કરેલું કાંઇ પણ કર્મ. કર્મ કાયિક, માનસિક કે વાચિક હો. કર્મનો વિશાળમાં વિશાળ અર્થે લેવો. પર એટલે માત્ર મનુષ્યવર્ગ નહીં પણ જીવમાત્ર, એટલે અને અહિંસાની દૃષ્ટિએ પણ, મનુષ્યજાતિની સેવાને અર્થે પણ બીજા જીવોને હોમવા કે તેમનો નાશ કરવો એ યજ્ઞમાં નહીં ખપે.

પણ નથી; જો આપણું સ્થાન સમજી લઇએ તો સ્વાભાવિક છે, અને તેથી સુખદ છે અને ઇચ્છવા યોગ્ય છે. આવું પરમ સુખ અનુભવવાને સારુ અચલિત શ્રદ્ધાની આવશ્યકતા છે જ. પોતાને વિશે ચિંતા ન જ ભોગવવી. બધી પરમેશ્વરને સોંપી દેવી. આવો આદેશ મેં તો બધા ધર્મોમાં જોયો છે.

પણ આ વચનથી કોઇને ડરી જવાનું જ નથી. મન સ્વચ્છ રાખી જે સેવાનો આરંભ કરે છે તેને તેની આવશ્યકતા દિનપ્રતિદિન સ્પષ્ટ થતી જાય છે ને તેમ તેમ તેની શ્રદ્ધા વધતી જાય છે. જે સ્વાર્થ છોડવાને તૈયાર જ નથી, પોતાની જન્મની સ્થિતિને ઓળખવા જ તૈયાર નથી, તેને સારુ તો સેવામાર્ગમાત્ર મુશ્કેલ છે. તેની સેવામાં સ્વાર્થની ગંધ આવ્યા જ કરશે. પણ આવા સ્વાર્થી જગતમાં જવલ્લે જ જોવામાં આવશે. કંઇક ને કંઇક નિઃસ્વાર્થ સેવા આપણે બધા જાણ્યે-અજાણ્યે આપીએ જ છીએ. આ વસ્તુને આપણે વિચારપૂર્વક કરતા થઇ જઇએ તો આપણી પારમાર્થિક સેવા કરવાની વૃત્તિ ઉત્તરોત્તર વધ્યા જ કરશે, ને તેમાં આપણું ખરું સુખ છે ને જગતનું કલ્યાણ છે.

ગીતાબોધ, યજ્ઞ - ૧

અહિંસાનો પૂજારી ઉપયોગિતાવાદના સિદ્ધાંતને ફૂલ ન જ ચડાવી શકે. એ તો સમસ્ત સૃષ્ટિના શ્રેયને અર્થે મથશે અને એ આદર્શને સત્ય કરવાના પ્રયત્નમાં મરશે. આમ બીજા જીવે એટલા ખાતર પંડે મરવા તે હમેશાં ખુશી હશે. જાતે મરીને તે બાકીના સૌની સેવા કરશે અને તેમાં જ તેની પોતાની જાતની સેવા પણ આવી ગઇ હશે. સમસ્તની આવી સર્વોચ્ચ સેવામાં ‘વધારે સંખ્યાનું વધારે ભલું’ તો આવી જ ગયું અને તેથી ઘણી વેળા આવા શ્રેયવાદી અને ઉપયોગિતાવાદી બંને પોતાના માર્ગમાં એકબીજાનાં પગલામાં પગલું મૂકીને માર્ગ આક્રમતા નજરે પડશે. પણ આમ છતાં એક એવો વખત આવે જ છે જ્યારે તેમણે નોખા પડવું પડશે. બલ્કે એકબીજાની સામે કામ કરવાનો પણ તેમને વખત આવે. ઉપયોગિતાવાદી જો તેના સિદ્ધાંતને ચુસ્તપણે અનુસરે તો પોતાની જાતની ભોગ કદી નહીં આપે. ન આપી શકે.

નવજીવન, ૧૨-૧૨-’૨૬

એક માણસ આધ્યાત્મિક ઉન્નતિ કરે અને તેની આસપાસના નીચે પડે એવું હું માનતો નથી. હું અદ્રૈતમાં માનું છું. ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ એ ન્યાયે માણસમાત્રમાં બલ્કે જીવનમાત્રમાં એક જ આત્મા વ્યાપી રહ્યો છે એમ હું માનું છું અને તેથી હું માનું છું કે જેટલે અંશે એક માણસ ચડે છે અગર પડે છે તેટલે અંશે આખું જગત ચડે છે અગર પડે છે.

નવજીવન, ૭-૧૨-’૨૪

ખરું જોતાં એમ માલૂમ પડશે કે નીતિનો એવો એકે વિષય નથી, જેનું પરિણામ કેવળ નીતિ સાચવનારને જ મળે. કેટલીક વેળા એમ કહેવામાં આવે છે કે સત્યતા વગેરે ગુણોનો સામેના માણસની સાથે સંબંધ નથી. પણ આપણે જૂઠું બોલી લઇને છેતરીએ તો સામેના માણસને નુકસાન થશે એવું આપણે કબૂલ કરવું પડે છે, તો સાચું બોલવાથી સામેના માણસને નુકસાન થતું અટકયું એટલું આપણે કબૂલ કરવું જ જોઇએ.

વ્યાપક ધર્મભાવના, પા. ૧૫૭

સત્યનું પાલન કરવા ઇચ્છનાર અહંકારી કેમ થઇ શકે ? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા કયાં રોકવા જાય ? આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય. એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નખાયો છે ખરો. ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ, પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઇશ્વર પોતે ચોવીસ કલાક એકશ્વાસે કામ કર્યા કરે છે, આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેવા આપણે થઇ જઇએ, તેનામાં ભળી જઇએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઇએ.

મંગલપ્રભાત, પા. ૩૫-૬

સમુદ્રથી છૂટેલા બિંદુને સારુ આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ; પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઇશ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઇએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઇ. એ જ ખરો આરામ; એ જ મહા અશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાર્પણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસે નથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ.

મંગલપ્રભાત, પા. ૩૬

૪૦. અણુબૉંમ્બ અને અહિંસા

અમેરિકન મિત્રો કહે છે કે, બીજી કોઇ પણ રીતે નહીં થાય તેવી અહિંસાની સિદ્ધિ અણુબૉંમ્બ દ્ધારા થશે. ્‌આ વાતનો અર્થ એવો હોય કે, અણુબૉમ્બની સંહારશક્તિથી દુનિયાને હિંસા પર એવી ઘૃણા આવી જશે કે, થોડા વખતને માટે તે એ માર્ગથી પાછી વળી જશે, તો એ સાચું ખરું. પણ, કોઇ માણસ ભાતભાતની મીઠાઇ પેટ ભરી ભરીને ખાઇને ગળપણથી ઓચાઇ જાય, પછી તેને રસ્તે ન જાય, અને મીઠાઇ પર આવી ગયેલો અણગમો ઓસરી ગયા પછી પાછો બેવડા ઉત્સાહથી તેની પાછળ મંડે, તેના જેવી એ વાત થઇ. અણુબૉંમ્બની સંહારક શક્તિને કારણે હિંસાનો તિરસ્કાર કરવાને પ્રેરાયેલી દુનિયા, તે તિરસ્કારની અસર ઓસરી જતાંની સાથે બરાબર પેલા માણસની જેમ હિંસાના રસ્તા પર બમણા ઉત્સાહથી પાછી વળશે.

અશુભમાંથી શુભ ઘણી વાર નીપજે છે. પણ એ ઇશ્વરની યોજના છે, માણસની નથી. માણસનો તો અનુભવ છે કે, જેમ શુભમાંથી શુભ, તેમ અશુભમાંથી અશુભ જ નીપજે છે.

અમેરિકાના વિજ્ઞાનીઓ અને લશ્કરી માણસોએ જે અણુશક્તિનો સંહારનો અર્થ ઉપયોગ કર્યો છે, તેને બીજા વિજ્ઞાનીઓ માનવહિતના કાર્યમાં યોજે, એ બેશક સંભવિત છે. પણ મારા અમેરિકન મિત્રો જે કહે છે, તેનો અર્થ એવો નથી. જે સવાલનો આવો દેખીતો સરળ અર્થ થાય, તે પૂછવા જેટલા તે લોકો ભોળા નથી. આગ મૂકનારો આતતાયી જે અગ્નિને પોતાનો પાપી આશય પાર પાડવાને વાપરે છે, તેનો જ ઉપયોગ ગૃહિણી માનવજાતના પોષણ અર્થે રસોઇમાં કરે છે.

હું જોઇ શકું છું તે મુજબ, માણસજાતને જે સૌથી સુંદર લાગણીએ નભાવી રાખી છે તેને અણુબૉંમ્બે બૂઠી કરી નાખી છે. યુદ્ધના કેટલાક નામના કાં ન હોય, પણ નિયમો સ્વીકારવામાં આવ્યા હતા, અને તેને લીધે તે નભાવી લઇ શકાતું હતું. યુદ્ધના સાચા નગ્ન સ્વરૂપની આજે આપણને બરાબર જાણ થઇ છે. એ પશુબળ વિના યુદ્ધ બીજા એકે નિયમને જાણતું નથી. અણુબૉંમ્બથી મિત્રરાજ્યોનાં હથિયારોને પોલી જીત મળી. પણ, તેને પરિણામે થોડા વખત પૂરતો તો જાપાનના આત્માનો નાશ થયો છે. અને પરિણામે સંહારક પ્રજાના આત્માને શું થયું છે. તે શોધી કાઢી સમજવા જેટલો વખત હજુ વીત્યો નથી. પ્રકૃતિનાં બળોનું કાર્ય ગૂઢ, રહસ્યમય રીતે થાય છે. પણ આવા બનાવોનાં જે પરિણામો જાણવામાં આવ્યાંં છે, તેમના પરથી આ હજી અગમ્ય રહેલાં પરિણામોનું અનુમાન કરી શકાય. ગુલામને પાંજરામાં પૂરનારો જાતે તે જ પાંજરામાં પુરાયા વિના અગર પોતાની વતી કામ કરનારા પ્રતિનિધિને તેમાં પૂર્યા વિના ગુલામને વશ રાખવામાં ફાવતો નથી. પોતે રાખેલી અણઘટતી મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવાને જાપાને જે અનાચારો કર્યા, તેનો મારે બચાવ કરવો છે, એમ કોઇ આ પરથી માની ન લે. બંને પક્ષો વચ્ચે જે ફેર છે, તે કેવળ પ્રમાણનો છે. હું એમ માનીને ચાલું છું કે, જાપાનનો લોભ બંને બાજુને મુકાબલે વધારે અણઘટતો હતો. પણ તેનો લોભ વધારે જાપાનના અમુક એક વિસ્તારમાં નિષ્ઠુરતાથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનો સંહાર કરવાનો અધિકાર મળતો નથી.

અણુબૉમ્બની આ અત્યંત કરુણ ઘટનાથી વાસ્તવિક રીતે જે બોધ તારવવાનો છે, તે એ છે કે,હિંસાનો જેમ પ્રતિહિંસાથી નાશ ન થાય, તેમ એ બૉમ્બનો નાશ સામા બીજા વધારે વિનાશક બૉમ્બ બનાવવાથી થવાનો નથી. માણસજાતને હિંસામાંથી ઊગરવું હોય, તો અહિંસા સિવાય બીજો એકે માર્ગ નથી. દ્રેષને માત્ર પ્રેમથી જીતી શકાય. સામો દ્રેષ કરવાથી મૂળ દ્રષનો વિસ્તાર અને ઊંડાણ જ વધે છે. આજ સુધી પહેલાં મેં જે અનેક વાર કહ્યું છે અને મારી ગુંજાશ તેમ જ શક્તિ મુજબ જેનો અમલ કર્યો છે, તે જ વાત હું ફરી કહું છું, એનો મને ખ્યાલ છે. પણ એમ તો મેં જે પહેલાં કહેલું તે પણ નવું નહોતું. આ સૃષ્ટિની રચના જેટલું જ તે સત્ય પુરાણું છે. પણ હું બાળકોને ચીતરવાની કૉપીબુકોમાં આવતા સિદ્ધાંતોમાંનો એક માત્ર બોલી બતાવતો નહોતો; મારી રગેરગમાં જેનો અનુભવ કરું છું તે વાત ઉચ્ચારતો હતો. જીવનનાં અનેક ક્ષેત્રમાં સાઠ વરસ સુધી અજમાવ્યા પછી એ સત્ય પરની મારી શ્રદ્ધા વધારે ઢ તેમ જ સમૃદ્ધ થઇ છે, અને મિત્રોના અનુભવનું તેને સમર્થન મળ્યું છે. પણ મેં ઉચ્ચારેલું સત્ય બધી વાતોના અનુભવનું તેને સમર્થન મળ્યું છે. પણ મેં ઉચ્ચારેલું સત્ય બધી વાતોના હાર્દમાં રહેલું છે, અને એકલો એકલોયે માણસ તેને વળગી રહેવાને સમર્થ છે. છતાં વર્ષો પહેલાં મૅક્સમૂલરે કહેલું, તેમ હું પણ માનું છું કે જ્યાં સુધી સત્યને વિશે અશ્રદ્ધા રાખનારાં માણસોની હસ્તી છે, ત્યાં સુધી તેનો વારંવાર ઉચ્ચાર કરવો જ રહ્યો.

હરિજનબંધુ, ૭-૭-’૪૬

૪૧. પૃથ્વી પર શાંતિ

યુરોપ આજે ઇશ્વરની અથવા ખ્રિસ્તી ધર્મની ભાવનાનું નહીં પણ સેતાનું પ્રતિનિધિ છે એવો મારો દૃઢ મત થયો છે. અને સેતાન ઇશ્વરનું નામ હોઠે લઇને કાર્ય કરતો દેખાય છે ત્યારે તેની સફળતા પણ વધારેમાં વધારે ભાસે છે. યુરોપ આજે નામનું જ ખ્રિસ્તી રહ્યું છે. ખરેખર તે મૅમન, સંપત્તિના દેવની આરાધનામાં પડ્યું છે. ‘આખું ઊંટ એક વાર સોયના નાકામાંથી નીકળી જાય પણ સંપત્તિવાળા માણસને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો શક્ય નથી.’ ઇશુએ ખરેખરું આવું કહ્યું છે. તેના નામધારી અનુયાયીઓ પોતાનો નૈતિક વિકાસ પોતાની માલિકીની ભૌતિક સંપત્તિને માપે માપે છે.

યંગ ઇન્ડિયા, ૮-૭-’૨૦

ઇશુના પર્વત પરના પ્રવચનમાંથી જે ઝરા ફૂટે છે તેમાંથી થાય તેટલું પાન બેશક કરો પણ ગૂણપાટ ઓઢી રાખને ઢગલે ચડી પશ્ચાત્તાપ કર્યા વગર તમારો છૂટકો નથી. તે પ્રવચનનો ઉપદેશ આપણામાંના એકેએકને સારુ હતો. તમે ઇશ્વર ને સંપત્તિના દેવના રૂપમાં સેતાન, એ બંનેની સાથે સેવા કેવી રીતે કરી શકશો ? કરુણાળુ, રહીમ અને ક્ષમાની મૂર્તિ જેવો ઇશ્વર મૅમન રૂપી સેતાનને તેનું ચાર દહાડાનું ચાંદરણું ભોગવવા દે છે. પણ હું તમને કહું છું.... આપમેળે નાશ પામવાવાળા મૅમનના માયાવી દેખાવથી આધા નાસી છૂટો.

યંગ ઇન્ડિયા, ૮-૧૨-’૨૭

પોતાની જરૂરિયાતો વધાર વધાર કરવાના પાગલ ધસારામાં જે લોકો આજે પડ્યા છે અને જે લોકો નાહક માને છે કે એ રીતે પોતે પોતાના સાચા તત્ત્વમાં વધારો કરે છે, દુનિયાના પોતાના સાચા જ્ઞાનમાં વધારો કરે છે તેમને બધાને માટે એક દહાડો પાછા વળી ‘એમ આ શું કરી બેઠા ?’ એવું પૂછવાનો વખત આવ્યા વગર રહેવાનો નથી. એક પછી એક સસ્કૃતિઓ આવી ને ગઇ અને પ્રગતિની આપણી બધી મોટી મોટી બડાશો છતાં મને ફરી ફરીને પૂછવાનું મન થાય છે કે, ‘આ બધું શાને સારુ ? એનું પ્રયોજન શું ?’ ડાર્વિનના સમકાલીન વૉલસે એ જ વાત કહી છે. તેણે લખ્યું છે કે જાતજાતની નવી નવી આંખ આંજી નાખનારી શોધોનાં પચાસ વરસમાં માનવજાતની નૈતિક ઊંચાઇ એક આંગળ પણ વધી નથી. ટૉલ્સટૉયને તમે જોઇએ તો ખ્વાબી અને તરંગી કહો પણ તણેયે એ જ વાત કરી છે. ઇશુંએ, બુદ્ધે અને મહંમદ, જેના ધર્મનો આજે મારા મુલકમાં ઇન્કાર તેમ જ ખોટો અમલ થઇ રહ્યો છે તેણે, એમ સૌએ એક જ વાત કહી છે.

યંગ ઇન્ડિયા, ૮-૧૨-’૨૭

જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું એ મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી એમ માનવા બરોબર છે. અત્યાર સુધી જે ઇલાજો અજમાવવામાં આવ્યા છે તે એળે ગયા છે એનું કારણ એ છે કે જેમણે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન થયું નથી. જેમ સર્વ આવશ્યક તત્ત્વો એકઠાં થયા સિવાય કોઇ રાસાયણિક સંયુક્ત દ્રવ્ય તૈયાર થઇ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતોમાંની થોડીક જ પળાઇ હોય તો તેથી શાંતિની સ્થાપના ન થઇ શકે. માનવજાતિના જે સંભવિત આગેવાનોના હાથમાં સંહારના સાધનો પરનો અંકુશ હોય તેઓ જો એ સાધનોનો ઉપયોગ કરવો સર્વાંશે છોડી ન દે, ને એ ત્યાગનો પૂરો અર્થ સમજીને એ પગલું ભરે, તો કાયમની શાંતિ સ્થપાય ખરી. જગતનાં મહારાજ્યો પોતાના સામ્રાજયવાદી મનોરથો છોડી ન દે તો આ વસ્તુ બનવી અશક્ય છે એ દેખીતું છે. એ પણ ત્યાં સુધી બનવું અશક્ય છે જ્યાં સુધી જગતની મહાપ્રજાઓ આત્મઘાતી હરીફાઇ પરનો વિશ્વાસ ન છોડી દે, અને પોતાની હાજતો વધારવાનું ને તેથી ભોતિક સાધન - સંપત્તિ ખડકયે જવાનું ન છોડે. મારી પાકી ખાતરી છે કે ઇશ્વરને વિશેની જીવતીજાગતી શ્રદ્ધાનો અભાવ એ જ આ અનિષ્ટનું મૂળ છે. જગતની જે પ્રજાઓ ઇશુ ખ્રિસ્તના સંદેશામાં શ્રદ્ધા ધરાવવાનો દાવો કરે છે અને જેઓ એને ‘શાંતિરાજ’ કહે છે તેઓ પોતાની શ્રદ્ધા પ્રત્યક્ષ આચરણમાં ભાગ્યે જ બતાવે છે એ મહાદુઃખની વાત છે. ઇશુનો સંદેશો અમુક ચુનંદા માણસોને માટે જ છે એમ સાચી દાનતવાળા ખ્રિસ્તી પાદરીઓને કહેતા સાંભળીને દુઃખ થાય છે. હું મારા બચપણથી શીખ્યો છું, અને અનુભવે મેં એ સત્યને કસી જોયું છે, કે માનવચારિત્રના જે પાપરૂપ સદ્‌ગુણો છે તે હીણામાં હીણો ગણાતો મનુષ્ય પણ કેળવી શકે છે. મનુષ્યમાત્રમાં આટલી અચૂક શક્તિ રહેલી છે એ જ મનુષ્ય અને ઇતર પ્રાણીઓની વચ્ચેનો ભેદ છે. એક પણ પ્રજા આવો પરાકાષ્ઠાનો ત્યાગ કરી બતાવે તો આપણામાંના ઘણા આપણા જીવનકાળમાં જગતમાં દેખીતી શાંતિ સ્થપાયેલી જોઇ શકીએ.

હરિજનબંધુ, ૧૯-૬-’૩૮

જો જગતના સર્વશ્રેષ્ઠ માણસના પ્રતિનિધિરૂપ માણસોએ અહિંસાની ભાવના જીવનમાં ઉતારી નહીં હોય તો તેમને આ લૂંટફાટનો સામનો આજ સુધી ચાલતી આવેલી રીતે કરવો પડશે. પણ એ પરથી એટલું જ દેખાઇ આવશે કે આપણે જંગલી જીવનથી બહુ આગળ વધ્યા નથી. ઇશ્વરે આપણને જે વારસો આપ્યો છે તેની પિછાન અને કદર કરતાં શીખ્યા નથી અને ૧૯૦૦ વરસના જૂના ખ્રિસ્તી ધર્મનું, એથીયે જૂના હિંદુ અને બૌદ્ધ ધર્મનું અને ઇસ્લામનું પણ (જો હું એના સિદ્ધાંતને ખરા સમજ્યો હોઉં તો) શિક્ષણ પામ્યા છતાં આપણે મનુષ્ય તરીકે ઝાઝી પ્રગતિ કરી નથી. જોકે જેઓ અહિંસાને માનતા નથી તેઓ પશુબળનો ઉપયોગ કરે એ હું સમજી શકું. પણ જેઓ અહિંસાને માને છે તેમણે તો પોતાની બધી શક્તિ અંગત આચરણ વડે એમ બતાવી આપવામાં જ હોમવી જોઇએ કે આવી લૂંટફાટનો સામનો પણ અહિંસાથી જ કરવો રહ્યો છે.

હરિજનબંધુ, ૨૫-૧૨-’૩૮

શસ્ત્રબળના બીજા અખતરાઓ તો હજારો વર્ષ થયાં થતા જ આવ્યા છે. તેનાં કડવાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ. ભવિષ્યમાં તેમાંથી મીઠાં પરિણામો ઊપજવાની આશા થોડી જ બાંધી શકાય. અંધારામાંથી જો અજવાળું ઉત્પન્ન કરી શકાતું હોય તો વેરભાવમાંથી પ્રેમભાવ પ્રકટાવી શકાય.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પા. ૨૧૮

૪૨. પ્રકીર્ણ

મૃત્યુ

બાળક, જુવાન કે બુઢ્ઢા મરે તેથી આપણે શાને ભયભીત થઇએ ? એક ક્ષણ એવી નથી કે જ્યારે જગતમાં ક્યાંયે જન્મ અને મરણ થઇ રહ્યાં નથી. જન્મથી રાજી થવુંને મરણથી ડરવું એમાં ભારે મૂર્ખતા છે એમ આપણને લાગવું જ જોઇએ. જેઓ આત્મવાદી છે - અને આપણા - માંનો કોણ હિંદુ મુસલમાન પારસી આત્માના અસ્તિત્વને માનતો નથી ? - તે તો જાણે છે કે આત્મા મરતો નથી. એટલું જ નહીં, પણ જેઓ જીવે છે તે ને મૂઆ છે તે બધા જીવો એક જ છે, તેના ગુણો એક છે, તો પછી જગતનો ઉત્પત્તિ લય દરેક ક્ષણે થયા જ કરે છે તેમાં આપણે ખુશી થવાનું શું ને દુઃખી થવાનુંયે શું ? દેશી લગી આપણી ભાવના જાય ને દેશમાં જન્મ થાય તે બધા આપણે ત્યાં થયા માનીએ તો કેટલા જન્મ ઊજવીએ ? દેશમાં મરણ થાય તેને સારુ રુદન કરીએ તો આપણી આંખો ભીની જ રહે. આમ વિચારી આપણે મરણભય છોડવો જ જોઇએ.

નવજીવન, ૧૪-૮-’૨૧

જન્મ અને મરણ બે જુદી અવસ્થા નથી પણ એક જ અવસ્થાનાં બે પાસાં છે. એકને માટે સોકાતુર થવાને નજીવું કારણ છે તેવું જ બીજાને માટે હરખ પામવાનું છે.

યંગ ઇન્ડિયા, ૨૦-૧૧-’૨૪

અમરત્વ

આત્માના અમરપણાને હું માનું છું તમને હું સાગરની ઉપમાં સમજાવું. સાગર પાર વગરનાં જળબિંદુઓનો બનેલો છે, તેમાંનું હરેક જળબિંદુ એક સ્વતંત્ર વ્યક્તિ છે, અને છતાં તે હરેક સાગરના જળરાશિનું અંગ છે; ‘એક અને અનેક’. જીવનના આ સાગરનાં આપણે બધાં નાનકડાં જળબિંદુઓ છીએ. મારા સિદ્ધાંતનો અર્થ એવો છે કે મારે સકળ જીવન સાથે, જે કંઇ જીવે છે તેની સાથે એકરૂપ થવું જોઇએ અને ઇશ્વરની હજૂરમાં જીવનની ભવ્યતા અનુભવવી જોઇએ, આ સકળ જીવનનો એકંદર સરવાળો ઇશ્વર છે.

ઇન્ડિયાસ કેસ ફૉર સ્વરાજ (૧૯૩૨), પા. ૨૪૫

વીમો

મને લાગતું કે વીમો ઉતરાવવામાં કંઇક ભીરુતા ને ઇશ્વરને વિશે અવિશ્વાસ છે. વિમો ઉતરાવીને મેં મારાં બાળબચ્ચાંને પણ પરાધીન બનાવ્યાં. તેઓ કેમ સ્વાવલંબી ન થાય ? અસંખ્ય ગરીબોનાં બાળબચ્ચાંનું શું થાય છે ? હું મને તેમના જેવો કાં ન ગણું ? હું જ પહેલો મરીશ એમ પણ કેમ ધાર્યું ? પાલન કરનાર તો ઇશ્વર છે; નથી હું કે નથી ભાઇ.

આત્મકથા, પા. ૨૫૯

તેઓ તો કહે છે કે : ‘સાધન એ આખરે સાધન જ છે.’ હું કહું છું કે : ‘સાધનમાં જ બધું સમાઇ ગયું.’ જેવા સાધન તેવું સાધ્ય. સાધ્ય અને સાધન વચ્ચે અંતર નથી. જગતકર્તાએ તો સાધનના ઉપર આપણને જૂજજાજ પણ કાબૂ બક્ષેલો છે, સાધ્યના ઉપર બિલકુલ નહીં. એટલે જેટલાં શુદ્ધ સાધન રાખશો તેટલા જ પ્રમાણમાં સાધ્યની શુદ્ધિ હોવાની. આ વિધાનને એકે અપવાદ નથી.

નવજીવન, ૨૦-૭-’૨૪

રાજકારણ

આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઇ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી ્‌એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મકથા, પા. ૪૯૨

ધર્મ વિનાનું રાજકાજ દુર્ગંધમય છે, રાજકાજ વિનાનો ધર્મ અર્થહીન છે. રાજકાજ એટલે પ્રજાકલ્યાણની પ્રવૃત્તિ. જે ઇશ્વરને ઓળખવા માગતો હોય તે આ કલ્યાણ પ્રવત્તિ કર્યા વિના કેમ રહી શકે ? અને મારે મન તો ઇશ્વર અને સત્ય એક હોવાથી મારો તો રાજ્યપ્રકરણમાં પણ સત્યનું રાજય સ્થપાયેલું મનોરથ સદાય રહેવાનો.

નવજીવન, ૨૧-૬-’૨૫

આખી માનવજાતિ જોડે આત્મીયતા સાધ્યા વિના મારી ધર્મભાવના સંતોષાય એમ નથી. અને રાજદ્ધારી બાબતમાં ન ભળું ત્યાં સુધી એ બનવાજોગ નથી. આજની દુનિયામાં માણસની પ્રવૃત્તિ એક અને અવિભાજ્ય છે. તેમાં સામાજિક, આર્થિક, રાજદ્ધારી અને શુદ્ધ ધાર્મિક એવા નોખા નોખા ખંડ પાડી શકાય તેમ નથી. માનવહિતની પ્રવત્તિથી જુદો એવો ધર્મ હું જાણતો નથી. એવી ધર્મભાવના વિનાની બીજી તમામ પ્રવૃત્તિ નૈતિક પાયા વગરની છે અને જિંદગીને ‘અર્થહીન ધાંધલ અને શોરબકોર’ માત્ર કરી મૂકે છે.

હરિજનબંધુ, ૧-૧-’૩૯

ભાવિ

પ્ર૦ - હરેક વ્યકિતના મરણનાં સમય, સ્થળ અને રીત સર્વસમર્થ પરમેશ્વરે આગળથી મુકરર કરેલાં હોય છે ? એમ જ હોય, તો માંદા પડીએ ત્યારે બેચેન શું કામ થઇએ, ‘ફિકર’ શા સારુ રાખીએ ?

ઉ૦ - મરણનાં સમય, સ્થળ અને રીત આગળથી નિર્માણ થયેલાં હોય છે કે નહીં તે હું જાણતો નથી. એટલે હું ચોક્કસ જાણું છું કે, ‘તેની મરજી વિના ઘાસનું તણખલુંયે હાલતું નથી.’ પણ આ મારું જ્ઞાન હજી ઝાંખું છે. આજે જે જ્ઞાન ઝાંખું છે, તે તેનું નામ રટતાં રટતાં આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે સ્પષ્ટ થશે. પણ એટલું ચોખ્ખેચોખ્ખું સમજી લેવું જોઇએ કે, સર્વસમર્થ ઇશ્વર, કર્તું-અકર્તું, અન્યથા - કર્તું, સમર્થ પરમેશ્વર આપણા જેવી વ્યકિત નથી; તે દુનિયામાં સૌથી વધારે જીવંત શક્તિ અથવા કાનૂન છે. એટલે તે પોતાની ધૂનમાં આવે તેમ કાર્ય કરતો નથી, અથવા તે કાનૂનમાં કોઇ સુધારા કે વધારાને અવકાશ નથી. તેની ઇચ્છા અથવા સંકલ્પ સ્થિર અને અવિકારી છે; તેના સિવાયના બીજા બધામાં હર ક્ષણે ફેરફાર કે વિકાર થયા કરે છે. આગળથી બધું જ નિર્માણ થઇ ચૂકેલું છે, એ સિદ્ધાંતમાંથી ખરેખર એેવો અર્થ તો નથી જ નીકળતો કે, માંદા હોઇએ, તંદુરસ્ત ન હોઇએ, તોપણ તબિયત સાચવવાની ‘ફિકર’ ન રાખવી. માંદગીને વિશે બેદરકાર રહેવાનો ગુનો માંદા પડવાના ગુના કરતાંયે મોટો છે. કાલે કરી તેના કરતાં આજે વધારે સારી કોશિશ કરવાની વાતનો છેડો નથી. ‘ફિકર’ રાખીને માંદા કેમ છીએ અથવા માંદા કેમ પડ્યા, તે શોધી કાઢવાની આપણી ફરજ છે. બિનતંદુરસ્તી નહીં, તંદુરસ્તી કુદરતનો કાનૂન છે. માંદા ન પડીએ તે માટે, અથવા માંદા પડ્યા હોઇએ તો સાજા થઇ જવાને કુદરતના એ કાનૂનની આપણે શોધ કરતા રહીએ, ને તેનો અમલ કરતા રહીએ.

હરિજનબંધુ, ૨૮-૭-’૪૬

પ્રગતિ

વિકાસ અથવા ઉત્ક્રાન્તિ હમેશ પ્રયોગાત્મક હોય છે. પ્રગતિમાત્ર ભૂલો મારફતે અને તેમને સુધારવાથી થાય છે. કોઇ સારું પાકું તૈયાર થયેલું ઇશ્વરના હાથમાંથી ઊતરી આવતું નથી. પણ આપણે જાતે વારંવાર પ્રયોગો કરતા રહી અને વારંવાર નિષ્ફળતાનો અનુભવ લઇ મેળવવાનું હોય છે. આ વ્યકિતગત વિકાસનો કાનૂન છે. સામાજિક અને આર્થિક ઉત્ક્રાન્તિ પણ એ જ કાનૂનને તાબે છે. ભૂલ કરવાનો અધિકાર એટલે કે અખતરાઓ કરવાની સ્વતંત્રતા પ્રગતિમાત્રની સામાન્ય સર્વ સ્થળે ને કાળે લાગુ પડનારી શરત છે.

સ્પીચિસ ઍન્ડ રાઇટિંગ્સ ઑફ મહાત્મા ગાંધી (૧૯૩૩), પા. ૨૪૫

રાષ્ટ્રોએ ઉત્ક્રાન્તિ ને ક્રાન્તિ બંને રીતે પ્રગતિ કરી છે. એક બીજાના જેટલી જ જરૂરી છે. મૃત્યુ, જે એક શાશ્વત સત્ય છે તે ક્રાન્તિ છે અને જન્મ અને તેની પાછળ આવતું બધું ધીમી પણ સ્થિર ગતિની ઉત્ક્રાન્તિ છે. માણસના વિકાસને સારુ મરણ ખુદ જીવનના જેટલું જ જરૂરી છે. ઇશ્વર દુનિયાએ જાણેલો અગર તે જાણશે એવો સૌથી મોટો ક્રાન્તિકારી છે. જ્યાં ક્ષણ પહેલાં બધું શાંત પ્રસન્ન હોય ત્યાં તેભીષણ તોફાનો મોકલે છે. અસાધારણ કાળજી અને અખૂટ ધીરજથી જે પર્વતોને તે ઊભા કરે છે તેમને ભોંય ભેગા સપાટ કરી દે છે. હું હંમેશ આકાશનું નિરીક્ષણ કરું છું ને તે જોઇ મારું મન ભય ને તાજુબીની લાગણીથી ઊભરાઇ જાય છે. હિંદ અને વિલાયત બંનેના શાંત, પ્રસન્ન નીલ આકાશમાં વાદળાંઓને ઘેરાતાં ને મને દિગ્મૂઢ કરી મૂકે એટલી ભીષણતાથી ફાટી પડતાં મેં જોયાં છે ઇતિહાસ નામધારી વ્યવસ્થિત પ્રગતિના કરતાં ઘણા વધારે પ્રમાણમાં અદ્‌ભૂત ક્રાન્તિઓની નોંધ છે.

યંગ ઇન્ડિયા, ૨-૨-’૨૨

પુનર્જન્મ

હું પૂર્વજન્મ અને પૂનર્જન્મને માનનારો છું. સહુ સંબંધો પૂર્વના સંસ્કારોનું ફળ હોય છે. ઇશ્વરના કાયદા અગમ્ય છે. એ અખંડ શોધનો વિષય છે. તેનો પાર કોઇ પામવાનું નથી.

હરિજનબંધુ, ૧૦-૮-’૪૦

ધાર્મિક કેળવણી

ધાર્મિક કેળવણીની બાબતમાં રાજ્યે ફિકર રાખવી જોઇએ અગર તેના કાર્યને તે પહોંચી વળી શેક એવું મને લાગતું નથી. હું માનું છુૂં કે ધાર્મિક કેળવણી કેવળ ધાર્મિક મંડળો અગર સંસ્થાઓની જવાબદારીની બાબત હોવી જોઇએ. અહીં ધર્મ અને નીતિનો ગોટાળો ન કરશો. મને લાગે છે કે પાયાની નીતિ બધા ધર્મોને સમાન છે. પાયાની નીતિનું શિક્ષણ બેશક રાજ્યનું એક કામ છે. ધર્મની વાત કરું છું ત્યારે મારા ખ્યાલમાં પાયાની નીતિ નથી પણ સંપ્રદાયો છે. રાજ્ય સંચાલિત ધર્મસંસ્થા અને રાજયની મદદથી ચાલતા ધર્મને કારણે આપણે ઠીક ઠીક સહન કર્યું છે. જે મંડળ અથવા સમૂહ પોતાના ધર્મની હસ્તીને સારુ રાજ્યની સહાય પર પૂરેપૂરો અગર થોડોઘણો આધાર રાખે છે તે ધર્મનું નામ લેવાને લાયક નથી અથવા વધારે સારી રીતે કહીએ તો તેને ધર્મનામને લાયક એવો કોઇ ધર્મ હોતો નથી. આ સત્ય મને ચોખ્ખું દીવા જેવું દેખાય છે અને તેને માટે મારે કોઇ દાખલા આપવાની જરૂર ન હોવી જોઇએ.

હરિજન, ૩૧-૮-’૪૭

ધાર્મિક આદર્શ

જે પૂર્ણપણે આ દેહે પાળી શકાય તે ધર્મ હોય જ નહીં. શ્રદ્ધા વિના ધર્મની પરીક્ષા નથી થતી. નથી શકતી. અનેે જો આ અપૂર્ણ ક્ષણભંગુર દેહમાં રહેતાં છતાં પૂર્ણતા સંભવતી હોય તો શ્રદ્ધાને કશું ક્ષેત્ર રહેતું જ નથી. આત્માના ગુણ અનંત મનાયા છે. જો આ દેહે પૂર્ણતા સંભવે તેો આત્માના ગુણની અનંતતાનો નાશ થાય છે. જો આ દેહે પૂર્ણતા સંભવતી હોય તો આજે ધર્મ શોધવાને સારુ જે ફાંફાં મારવાં પડે છે તે ન મારવાં પડે, કેમ કે એક પૂર્ણ દાખલો જોઇ સહુ તેને અનુસરે. જો આ દેહે પૂર્ણતા સંભવતી હોય તો જુદા જુદા સંપ્રદાયો મટી માત્ર એક જ સર્વમાન્ય ધર્મ પ્રવર્તતો હોય.

નવજીવન, ૪-૧૧-’૨૮

આદર્શની આદર્શતા તેની અનંતતામાં રહેલી છે, એટલે કે તેની દૂરસ્થતામાં રહેલી છે. તેની નજીક ગમે તેટલા જઇએ તોપણ તે દૂરનો દૂર જ રહે છે. એમ છતાં તે પાસે જ છે, કેમ કે તેના હોવાપણા વિશે, તેના સત્ય વિશે આપણી શ્રદ્ધા અવિચળ હોય. એ શ્રદ્ધા જ આપણું જીવન છે ને સર્વસ્વ છે.

નવજીવન, ૪-૧૧-’૨૮

હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીે તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડી હકને બાઝવા જઇશું તો તે ઝાંઝવાનાં નીર જેવા છે. જેમ તેની પાછળ જઇએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણે તેની દિવ્ય વાણીમાં ગાઇ બતાવી : ‘હે રાજા, કર્મનો જ તને અધિકાર છે; ફળનો કદી ન હજો.’ કર્મ તે ધર્મ છે; ફળ તે હક છે.

નવજીવન, ૮-૧-’૨૫

ગુપ્તતા

ગુપ્તતાને હુંં પાપ માનતો થયો છું.... આપણે જે કંઇ બોલીએ અગર કરીએ તેનો સાક્ષી ઇશ્વર છે એવી તેની હાજરીનું આપણને ભાન રહેતું હોય તો પૃથ્વી પર કોઇથીયે કશું આપણે છુપાવવાનું રહે નહીં કેમ કે આપણા સરજનહારની હાજરીમાં આપણે મેલા વિચાર નહીં કરીએ તો તે બોલવાની તો વાત જ શી ? મેલ જ છુપાવા માગે છે ને તે માટે અંધારું શોધે છે. માનવસ્વભાવની કુદરતી વૃત્તિ મેલ છુપાવવાની છે; આપણે મેલી ચીજોને જોવા કે અડવા માગતા નથી; આપણે તેમને આંખથી આધી રાખવા માગીએ છીએ. એવું જ આપણી વાણીનું પણ હોવું જોઇએ, હું એટલે સુધી સૂચવવા માગું છું કે દુનિયાથી છુપાવવા પડે એવા વિચારો પણ મનમાં આવતા આપણે ટાળવા.

યંગ ઇન્ડિયા, ૨૨-૧૨-’૨૦

પાપ

મારા પાપનાં પરિણામમાંથી હું ઉગારો શોધતો નથી ; હું ખુદ પાપમાંથી અથવા સાચી રીતે પાપના વિચારમાંથી ઉગારો ઝંખું છું. એ નેમ વિચારો પણ મનમાં આવતા આપણે ટાળવા.

મહાત્માં ગાંધીજી આઇડિયાસ (૧૯૩૦), પા. ૭૦

ઇશ્વરની નજરે તો પાપી અને સાધુ બંને સરખા છે. બંનેનો સરખો ન્યાય તોળવાનો છે અને બંનેને ઊર્ધ્વગમન કે આપઘાતની સરખી તક મળવાની છે. બંને ઇશ્વરનાં બાળક છે, એની કૃતિ છે. જે સાધુ પોતાને પાપી કરતાં ઊંચો માને છે તે સાધુપણું ગુમાવી બેસે છે અને પાપી કરતાં હલકો બને છે; કેમ કે એને પોતે શું કરે છે એનું ભાન નથી, જ્યારે પેલો ગર્વિષ્ઠ સાધુ તો જાણતો છતાં પાપ કરે છે.

હરિજનબંધુ, ૮-૧૦-’૩૩

મારાં અનેક પાપોનો મેં ખુલ્લેખુલ્લો એકરાર કર્યો છે. પણ એ પાપોનો ભાર માથે લઇને હું ફરતો નથી. મને લાગે છે કે હું ઇશ્વર પ્રત્યે પ્રગતિ કરી રહ્યો છું. જો એ ખરું હોય તો મારું કુશળ જ છે. કેમ કે હું ઇશ્વરના સન્નિધિતા પ્રકાશની હૂંફ અનુભવું છું. મારાં તપ, અનશન અને પ્રાર્થના મને સુધારશે એવો આધાર રાખીને હું બેસી રહું તો એ બધાની કશી કિંમત નથી એ હું જાણું છું. પણ હું આશા રાખું છું કે એ બધાં એક આત્માની તેના સરજનહારને ખોળે એનું થાકેલું શિર મૂકી દેવાની તાલાવેલીનાં લક્ષણો છે. એમ હોય તો એ બધાંની પાર વિનાની કિંમત છે.

હરિજનબંધુ, ૧૯-૪-’૩૬

પ્રેતાવાહન

મરેલાઓના આત્માઓ પાસેથી મને કોઇ સંદેશા મળતા નથી. એવા સંદેશાઓ આવવાજવાની શક્યતા નથી એવું માનવાને મારી પાસે કોઇ આધાર નથી, પણ એવો સંદેશાવહેવાર ચલાવવાના અભ્યાસને અગર તેના પ્રયાસ કરવાની વાતને હું બિલકુલ નાપસંદ કરું છું. એ સંદશાઓ ઘણી વાર ભ્રામક અને કેવળ કલ્પનાના તુક્કા હોય છે. આવો સંદેશાવહેવાર હોઇ શકે એવું માની લઇને ચાલીએ તોપણ એનો મહાવરો સંદેશાઓના માધ્યમને અને સંદેશાઓના માધ્યમને અને સંદેશા મોકલનાર જીવનેબંનેને નુકસાન કરે છે. આવી રીતે બોલાવવામાં આવતા આત્માનો ખરી રીતે આ દુનિયાથી છૂટવાનો અને ઊંચે ચડવાનો પ્રયત્ન હોવો જોઇએ તેને બદલે આમ લોભાવવાથી તે દુનિયા તરફ ખેંચાય છે ને તેના બંધનમાં પડે છે. દેહ છૂટી ગયેલો હોવાથી જીવ અવશ્યપણે વધારે શુદ્ધ થાય છે એવું નથી. પૃથ્વી પર વિચરતાં જીવ જે નબળાઇઓથી ઘેરાયો હતો તેમાંની ઘણીખરીને તે સાથે લેતો જાય છે. તેથી તેણે આપેલી ખબર અથવા સલાહ અવશ્ય સાચી અથવા સંગીન હોય એવું નથી. પૃથ્વી પરના લોકો સાથે જીવો વહેવારમાં આવવાનું પસંદ કરે છે એ આનંદની બીના નથી. ઊલટું, આવી ખોટી આસક્તિમાંથી તેને છોડાવવો જોઇએ. જીવોને થતા નુકસાન વિશે આટલું પૂરતું છે.

યંગ ઇન્ડિયા, ૧૨-૯-’૨૯

માધ્યમની વાત કરીએ તો જેને એવી ચોક્કસ ખબર છે કે મારા અનુભવમાં આવેલાં બધાં માધ્યમ કાં તો ચસકેલાં અગર નબળાં મનમાં હતાં ને એવો સંદેશાવહેવાર ચલાવતાં હોય અગર ચલાવે છે એમ માનતાં હોય તે વખતે પ્રત્યક્ષ કામ કરવા જેવી તેમની શક્તિ રહેલી નહોતી. આવા સંંદેશાવહેવાર ચલાવી જેને ફાયદો થયો હોય એવો મારો કોઇ મિત્ર મને યાદ આવતો નથી.

યંગ ઇન્ડિયા, ૧૨-૯-’૨૯

વહેમ

આપણે સાચુ, સરળ જીવન ગાળવા માંડીએ, એટલે વહેમો અને અનિષ્ટ વસ્તુઓ તો તરત જ ખરી પડે છે. એમની માન્યતાઓ સુધારવી એ હું મારું કામ નથી માનતો. હુંતો એમને સદાચરણ રાખવાનું કહું છું. તેઓ સદાચારી થાય એટલે પછી માન્યતાઓ સુધરતાં વાર નથી લાગવાની.

નવજીવન, ૨૧-૮-’૨૭