નિષ્ટિ - ૨૭ - ગોલ-ડન મોમેન્ટસ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૨૭ - ગોલ-ડન મોમેન્ટસ

નિષ્ટિ

૨૭. ગોલ-ડન મોમેન્ટસ

કોલેજનું અંતિમ વર્ષ હોવાથી હવે સમગ્ર ધ્યાન અભ્યાસ તરફ કેન્દ્રિત હતું. નિશીથ અને એના મમ્મી પપ્પાએ સુરત જવાનું બે સેમેસ્ટર વચ્ચેના વેકેશન સુધી ટાળ્યું હતું. હવે મહત્તમ સમય વાંચન માટે જ ફાળવવામાં આવી રહ્યો હતો. કોલેજ આવવા જવા અને કોલેજમાં હાજર હોય એ દરમ્યાનના સમય સિવાયની મુલાકાતો પર નિશીથ અને ક્રિષાએ સદંતર ચોકડી મારી દીધી હતી. ક્યારેક ફોન પર વાત થઇ જાય.. બસ એટલું જ..

પણ એક ઉપલબ્ધિ એવી હતી કે જેની પાર્ટી આપ્યા વગર નિશીથને છૂટકો જ નહોતો. આજે નિશીથ ક્રિષાને પીક અપ કરવા એની સોસાયટી સુધી ગયો હતો. ક્રિષા બાઈક પર બેઠી પછી જેવી નિશીથે બાઈક સ્ટાર્ટ કરી કે એક કૂતરું ભસતું ભસતું બાઈકની પાછળ દોડ્યું... નિશીથે કુતરાથી બચવા પગ અદ્ધર કરી લીધા... આ જોઈ ક્રિષા હસી પડી અને બોલી...

‘નિશીથ, ડરે છે શું કામ? તને ખબર નથી શું કે ભસતા કૂતરા કદી કરડે નહિ..... ‘

‘ખબર છે ને....’

‘તો પછી?’

‘મને ખબર છે પણ એને કદાચ ના હોય તો? અને આમેય ભસતા કૂતરા કરડે નહિ પણ લાગ મળ્યે ફાડી ખાય ખરા.. એટલે એલર્ટ રહેવું સારું..’

‘ઓહ નિશું.. ક્વાઈટ ક્રિએટીવ.. તારી ક્રિએટીવીટીનો લાભ માત્ર મને જ મળતો રહેશે કે પછી દુનિયાને પણ મળશે?’

‘બહુ જ ટૂંક સમયમાં મળશે..’

‘અરે વાહ.... શું બૂક લખે છે કે શું?’

‘ના એટલું બધું તો મારું ગજું નથી પણ નાની અમથી સફળતા મળી છે’

‘એમ? કઈ વાતમાં?’

‘ખબર છે એક વાર મેં તને “enjoy the goal-done moments” વિષે કહ્યું હતું?’

‘અરે હા.. તે કહ્યું હતું કે આના પરથી ફૂટબોલ વર્લ્ડ કપ માટે જબરદસ્ત એડ બની શકે..’

‘હા.. એ જ..’

‘શું થયું એનું? જલ્દી બતાવ..’

‘એ સ્ક્રીપ્ટ એક ટીવી કંપનીને ખૂબ ગમી ગઈ છે અને આવતા મહીને શરુ થતા ફીફા વર્લ્ડકપમાં ઓન એર થશે...’

‘ઓહ માય ગોડ..... ઓહ માય ગોડ... અને તું મને આટલા ખુશ ખબર છેક હવે બતાવે છે?’

‘મેં ખૂબ જ કપરા સંજોગોમાં કંપનીનો કોન્ટેક્ટ કરેલો.. એ વાત મારા સિવાય માત્ર મારો કઝીન જાણે છે.. હું તને સરપ્રાઈઝ આપવા માટે સફળતા મળ્યા પછી જ જણાવવા માગતો હતો... કાલે રાતે જ ઈ-મેઈલ દ્વારા ખબર પડી.. આ તને જ સૌથી પહેલાં જણાવી રહ્યો છું.. આજે સાંજે મમ્મી પપ્પાને શાંતિથી જણાવીશ.. હમણાં કોઈને કહેતી નહિ..’

‘કોન્ગ્રેચ્યુલેશન્સ નિશું... આઈ એમ ક્વાઈટ એક્સાઈટેડ..’

‘એટલા એકસાઈટ થવાની જરૂર નથી... આ સફળતા મારા માટે વન ટાઈમ વન્ડર બનીને રહી શકે છે..’

‘હેય સ્ટુપીડ.... વર્લ્ડ ઈઝ વેઈટીંગ ફોર યુ... ટાઈમ વિલ મેઇક ધ વે.. વ્હેર’ઝ ધ પાર્ટી ટુનાઈટ?’

‘અ સફળતા પાર્ટી તો ડિઝર્વ કરે જ છે અને એ પણ થશે... બટ વી ટુ વિલ એન્જોય એક્સ્લુઝીવલી ટુડે.. ટુડે’ઝ પાર્ટી ઓન્લી ફોર યુ...... ક્રિષુ...’

‘યા... યુ એન્ડ મી ઓન્લી..... અ ટ્રુલી ક્રિશીથ પાર્ટી..’

‘સ્યોર..’

કોલેજથી છૂટ્યા પછી નિશીથ અને ક્રિષાએ પીઝા રેસ્ટોરાંમાં પ્રવેશ કર્યો... પીઝા માટે ક્રિષા એટલી ક્રેઝી હતી કે ક્રિષાને નિશીથ ઘણીવાર પીઝી કહીને ચીઢવતો.. અને એટલે આજે નિશીથને પોતાને પીઝા ખાસ પસંદ નહિ હોવા છતાં ક્રિષાને ખુશ કરવા માટે અહી લઇ આવ્યો હતો. પણ આ શું? પીઝા ઓર્ડર કર્યાને થોડીવાર થઇ ત્યાં તો વેઈટર પીઝાને બદલે કેક લઈને આવ્યો.. નિશીથ અત્યંત રોમાંચિત થઇ ગયો. કેક ઉપર લખેલ હતું.. ‘congrats Nishu... from heart and part of Krishith...’

‘વાઉ..વાઉ.. વાઉ.. થેંક યુ વેરી મચ... પણ આ બધું કેવી રીતે?’

‘તે પાર્ટી માટે અહીં આવવાનું જણાવ્યું પછી બપોરે જ મેં કેક માટે ઓર્ડર કરી દીધેલો..’

‘રીયલી આઈ એમ સ્ટન્ડ..’

‘આ પાર્ટી જે કારણથી થઇ રહી છે એની આગળ તો આ કશું જ નથી..’

‘એ તને લાગે છે... પણ તે જે કર્યું છે ક્રિષુ.. હું શું કહું..... મારાં રુંવાટાં ઊભાં થઇ ગયાં છે... મેરે રોન્ગ્ટે ખડે હો ગયે હૈ... આઈ ગોટ ગુઝ બમ્પ્સ.... થેન્ક્સ..’

‘રહેવા દે હવે... જલ્દીથી કેક કાપ... મને ખૂબ જ એટલે ખૂબ જ.. ભૂખ લાગી છે..’

કેક કાપ્યા પછી બંનેએ એકબીજાને ખવડાવી અને બાકીની વધેલી કેક વેઈટરને પેક કરવા જણાવ્યું... એટલામાં પીઝા પણ આવી ગયો.. બંનેએ પીઝાનો આનંદ ઊઠાવ્યો પછી નિશીથે પાર્સલ કરાવેલા પીઝા અને કેક લઈને બહાર નીકળી ગયા. બાઈક સીધી એક ઝુંપડપટ્ટી પાસે આવીને ઊભી રહી... જાણે નિશીથની રાહ જોવાઈ રહી હોય એમ આઠ દસ બાળકો બાઈકની ફરતે વીંટળાઈ ગયાં. ‘નિશીથભાઈ આવ્યા.. નિશીથભાઈ આવ્યા..’ની બૂમો પાડતાં નાચવા કૂદવા લાગ્યાં..’

નિશીથ બધાને નામથી ઓળખતો હતો... બધાને પીઝા અને કેકનું વિતરણ કરી.. સૌને માથે હેતભર્યો હાથ ફેરવી નિશીથે બાળકોની વિદાય લીધી... ક્રિષા તો આ બધું સ્તબ્ધ બની ને જોઈ જ રહી હતી... લગભગ અડધો કિલોમીટર સુધી બાળકોએ ‘આવજો નિશીથભાઈ ... આવજો નિશીથભાઈ ..’ બૂમો પડી દોડ્યા કર્યું..

‘શું છે આ બધું નિશું?’

‘કંઈ નહિ.. બસ એમ જ’

‘કેટલાં પ્યારાં હતાં એ બાળકો... પણ બધાં તને નામથી ઓળખે છે.. કેવી રીતે?’

‘એમાં એવું છેને.. મને જે પોકેટમની મળે છે એ બધા હું વાપરી નથી નાખતો... એમાંથી મહત્તમ શક્ય રકમ બચાવી હું આ બાળકો પાછળ ખર્ચું છું... એ બધા મ્યુનીસીપાલીટીની સ્કૂલમાં અભ્યાસ કરે છે.. સમય લઈને હું એ લોકોને ભણાવવા પણ આવું છું..’

‘તું મને અહી જ ઉતારી દે... આઈ જસ્ટ હેઇટ યુ..’

‘અરે શું થયું.. પણ’

‘મને ઉતારી દે છે કે ચાલુ બાઈકે કૂદી પડું?’

‘અરે શું વાત છે એ તો કહે?’

‘તું તારા પોકેટમનીમાંથી બચાવેલા પૈસા બચાવીને આ બાળકો પાછળ ખર્ચી રહ્યો છે ને મને જણાવતો પણ નથી? મને લાગી રહ્યું કે તારી જોડે ઘણી વખત મેં જે કંઈ પણ ખાધું કે મજા કરી એ આ નિર્દોષ બાળકોને ભોગે કર્યું..’

‘ઓહ..’ નિશીથે બાઈક એક સાઈડ પર પાર્ક કરી..

‘હું એક જ શરતે તારી જોડે બોલીશ..’

‘શું શરત છે?.. બોલી નાખ..’

‘હવેથી આપણે ક્યાંય પણ જઈએ .. બધો ખર્ચ હું જ ઊઠાવીશ.. આ બાળકોને પણ જરૂરિયાત હોય તો તારે મારી જોડેથી પૈસા લેવા પડશે અને હા... હવેથી તું જયારે પણ એમની જોડે આવીશ ત્યારે એકલો નહિ આવે.. હું પણ તારી સાથે જોડાઇશ.. છે મંજૂર કે પછી હું ચાલતી પકડું?’

‘મંજૂર... મંજૂર... એકસોને દસ વાર મંજૂર.. you are really made for me..’

‘absolutely No... actually I am mad for you.. ચાલ હવે મોડું થાય છે.. બાઈક સ્ટાર્ટ કર..’

ક્રિષાને ઘેર છોડતા પછી નિશીથ પોતાના ઘરે પહોંચ્યો... મમ્મી પપ્પાને ખુશીના સમાચારની વાત કઈ રીતે કરવી એ અંગે વિમાસણમાં હતો. બંને જણા જમી લે પછી શાંતિથી વાત કરવું એને ઠીક લાગ્યું.. કઈ રીતે વાત કરવી એ સમજાતું નહોતું.. અંતે એણે લેપટોપ હાથમાં લીધું અને ઈ-મેઈલ આઈ ડી ઓપન કર્યું... મમ્મી પપ્પા જમીને ડ્રોઈંગ રૂમમાં આવ્યા એટલે એ બોલ્યો..

‘મમ્મી.. પપ્પા.. જુઓ એક ગુડ ન્યુઝ છે..’

‘શું વાત છે નિશીથ બેટા?’ બંને જણા જાણવા માટે અધીરા બન્યા...

‘જુઓ.... જાણીતી ટીવી કંપનીએ ફીફા વર્લ્ડકપ માટેની એડ માટે મારી સ્ક્રીપ્ટ પસંદ કરી છે..’

‘અરે વાહ.... કઈ રીતે બન્યું આ બધું?’

નિશીથે માંડીને બધી વાત કરી...

‘ખૂબ સરસ બેટા..... અભિનંદન...’ નિશીથે બંનેના ચરણસ્પર્શ કર્યા...

‘આપણા માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે.. આપણે આની ઉત્સાહભેર ઉજવણી પણ કરીશું... પણ હમણાં તું આ ક્ષેત્રમાં આગળ વધવાનું વિચારતો હોય તો માંડી વાળજે... એન્જીનીયરીંગ કોલેજનું છેલ્લું વર્ષ છે.. એમાં કોઈ અડચણ ના આવવી જોઈએ. તારી સ્ક્રીપ્ટ બધા કરતાં અલગ તરી આવે છે એટલે તને પ્રલોભનો આપવામાં આવે તો પણ હમણાં તું એ અંગે વિચારતો પણ નહિ. એન્જીનીયરીંગમાં પણ તું સારું કરી રહ્યો છે તો એમાં તું ફોકસ ના ગુમાવતો.. ’

‘શ્યોર પપ્પા..’

‘સારું હું જરા બહાર જઈને આવું છું..’ એમ કહી ગુણવંતભાઈ ઘરની બહાર નીકળી ગયા..

થોડીવારે એ આઈસ્ક્રીમ લઈને પરત ફર્યા અને મસમોટા સમાચારની ખુશીમાં નાની અમથી પાર્ટી થઇ ગઈ..

‘આપણા નિશીથે આટલું મોટું કારનામું કર્યું છે અને બસ આઈસ્ક્રીમ પાર્ટી?’ ગીતાબેન એમના પતિને બોલ્યા.

‘અરે હોય કંઈ? આ તો માત્ર પ્રથમ પ્રતિક્રિયા છે.. કાલે રાત્રે આપણે હોટલમાં જમવા જઈશું.. નિશીથ તું ક્રિષાને પણ જણાવી દેજે.. અને એડ ટીવી પર આવે પછી આપણા ઓળખીતાઓને શાનદાર પાર્ટી આપીશું... હમણાં આ અંગે કોઈને કહેવાનું નથી..’

‘હા,.. એ બરાબર છે..’ ગીતાબેને સૂર પુરાવ્યો..

બીજા દિવસે કોલેજ જતી વખતે ક્રીશીથનો વાર્તાલાપ..

‘શું પછી ઘેર વાત કરી?’ ક્રિષાએ પૂછ્યું..

‘શાની વાત?’

‘આપણા બંનેના સંબંધ વિષે..’

‘એ તો હવે ખબર જ છે ને એમને..’

‘સ્ટુપીડ તો પછી શાનો પૂછે છે? અત્યારે કઈ મોટી વાત બની છે?’

‘હા એ તો કરીને... કાલે રાત્રે ઘેર નાનકડી આઈસ્ક્રીમ પાર્ટી પણ થઇ ગઈ..’

‘બસ ખાલી આઈસ્ક્રીમથી ચલાવી લીધું?’

‘અરે સારું થયું તે યાદ કરાવ્યું. આજે રાત્રે હોટલમાં જમવા જવાનું છે.. તારે પણ આવવાનું છે.. મમ્મી પપ્પાએ ખાસ કહેવડાવ્યું છે.’

‘એટલે મેં યાદ ના કરાવ્યું હોત તો તું તો ભૂલી જ જાતને?’

‘અરે હોય કંઈ? દિવસ દરમ્યાન ગમે ત્યારે કહ્યા વગર થોડો રહ્યો હોત?’

‘ઓકે.. ઓકે.... હવે બાઈક થોડું સ્પીડમાં દોડાવ.... કોલેજમાં મોડું થઇ જશે...’

કોલેજમાંથી પાછા નીકળતી વખતે નિશીથે એના પપ્પાએ સોંપેલું એક કામ કરવાનું હતું. નિશીથના પપ્પા એમના સમાજના અગ્રણી કાર્યકર હતા અને એ અંગે જ શહેરના એક મનોચિકિત્સક ડો. સુરેશ મહેતાનું કઈ કામ હતું......

‘મે આઈ કમ ઇન સર..’ નિશીથે ડો. મહેતાની કેબીનમાં પ્રવેશતાં પૂછ્યું...

‘અરે આવ.. આવ દીકરા ... બેસ... તારા મમ્મી પપ્પા મજામાં છેને?’..

‘હા.. બિલકુલ..’

‘આ છોકરી કોણ છે?’ ડોકટરે ક્રિષા તરફ આંગળી ચીંધીને પૂછ્યું.. નિશીથે સંક્ષિપ્તમાં ક્રિષાની ઓળખ આપી અને એની સાથેના પોતાના સંબંધ વિષે જણાવ્યું..

‘કોન્ગ્રેટ્સ..’

‘થેંક યુ અંકલ...’

પપ્પાએ સોંપેલું કામ પત્યા પછી નિશીથે ડોક્ટરને પૂછ્યું..

‘એક વાત પૂછું અંકલ?

‘પૂછને દીકરા... કંઈ માનસિક સમસ્યા તો નથીને તને?’

‘મને મારી નહિ તમારી સમસ્યા વિષે પૂછવું છે..’

‘મારી સમસ્યા? એ વળી કઈ?’

‘આ તમે તમારી કેબીનમાં તમારી ખુરશીની સામે આ ફ્રેમમાં મઢાવીને કોઈતો લટકાવ્યો છે.. એનું શું રાજ છે? હું જયારે પણ અહી આવું ત્યારે આ પ્રશ્ન થાય છે... આજે થયું લાવ પૂછી જ લઉં..’

‘એમાં એવું છે ને નિશીથ... હું ભલે મનોચિકિત્સક રહ્યો... પણ ઘણી વખત આપણા મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી માન્યતાઓ નીકળતી નથી.. આ એમાંની જ એક છે... હું જયારે કોલેજમાં ભણતો હતો ત્યારે હંમેશાં ખૂબ જ કન્ફ્યુઝ્ડ રહેતો હતો... ત્યારે જ એક ફિલ્મી ગીતે ધૂમ મચાવેલી..’

‘કયા ગીતે?’

‘ક્યા કરે ક્યાં ના કરે હૈ કૈસી મુશ્કિલ હાય...

કોઈતો બતાયે ઉસકા હલ ઓ મેરે ભાઈ... અને એક વખત હું કન્ફ્યુઝનમાં હતો ને એ જ વખતે આ ગીત કાને અથડાયું.. અને મને થયું કે લાવ ટ્રાય કરી જોઉં.. અને કોઇતા આગળ ઊભા રહીને મારી સમસ્યા વિષે ચિંતન કર્યું તો મને નિરાકરણ મળી ગયું.... બસ એટલે જ...’

‘સારું થયું તમે હળ પણ નથી મૂક્યું...’

‘હળ? એ કેમ?’

‘એ ગીતમાં હળ પણ તો આવે છે ને?’

‘હા.. એ વખતે એ ના સૂઝ્યું..’ કહી ડોક્ટર સાહેબ ખડખડાટ હસી પડ્યા..

હોટલમાં જમવા જવાનું હોવાથી ક્રિષાએ નિશીથનો પગ દબાવીને ત્યાંથી નીકળવા ઈશારો કર્યો. રાત્રે ઘરના બધાં સભ્યોએ મણિનગરની પ્રખ્યાત પંજાબી હોટલમાં સૂપ ટુ ડેઝર્ટની મજા માણી. નિશીથ, એના મમ્મી પપ્પા, ક્રિષા ઉપરાંત નિશીથનો કઝીન ભૂષણ અને એના મમ્મી પપ્પા એટલે કે નિશીથના કાકા કાકી પણ સામેલ હતાં એ પાર્ટીમાં...

છૂટા પડતી વખતે ભુષણે કહ્યું... ‘નિશીથ આવતી કાલે સવારે હું કાંકરિયા મોર્નિંગ વોક માટે નહિ આવી શકું.. તું એકલો જતો રહેજે..’

‘હું આવું તારી જોડે? રોજ ના ફાવે પણ એક દિવસ મારે માત્ર જોવા માટે આવવું છે’ ક્રિષાએ ચાન્સ લીધો.

‘ઓકે....; નિશીથે સૂર પૂરાવ્યો..

બીજા દિવસે નિશીથ અને ક્રિષા મોર્નિંગ વોક માટે કાંકરિયા હતા. એક રાઉન્ડ મારીને બંને જણા સારી જગ્યા જોઇને કાંકરિયાની પાળે બેઠા...

‘ખૂબ મજા આવી ગઈ... ઘણા લોકો ફિટનેસ માટે જાગૃત થઇ રહ્યા હોય એવું લાગે છે... જો બધા જ યુવાનો પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવે તો ભવિષ્યમાં એક નીરોગી પેઢીનો ઉદય થઇ શકે.’

‘ઈમ્પોસિબલ..’

‘કેમ ઈમ્પોસિબલ?’

‘આપણી સમસ્યા એ છે કે આપણે એક નહિ તો બીજો રોગ પાળવા તત્પર રહીએ છીએ... જેમ કે ઈન્ટરનેટ વિકાસ માટે ભલે મહત્વનું અંગ સાબિત થઇ રહ્યું છે પણ લોકોને એનું જે હદે વળગણ થતું જાય છે અને હવે તો મોબાઈલ ફોન યુગની પણ શરૂઆત થઇ રહી છે એટલે આગામી વરસોમાં લોકોના હાથમાં એક નવું રમકડું રમતું જોવા મળશે એટલે એકદમ આદર્શ પરિસ્થિતિમાં માની લઈએ કે આગામી પેઢી શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નીરોગી થઇ પણ જાય પરંતુ માનસિક રીતે e-રોગી થવાના ૧૦૦% ચાન્સ છે..’

‘બિલકુલ સાચી વાત છે....’

‘આજે જરા નિરાંત છે તો મારે એક કબૂલાત કરવી હતી.’ નિશીથ ગંભીર મુખમુદ્રા કરીને બોલ્યો..

‘તારું જીવન તો સ્વચ્છ દર્પણ જેવું છે.... તારે વળી એવી કઈ છૂપી વાતની કબૂલાત કરવી છે?’

‘My X is.....’

‘your X? oh my god!!!!!! આ હું શું સાંભળી રહી છું?’

‘My X is so ugly...’

‘ઓહ.... એટલે એને છોડીને મને પકડી એમને? યુ ચીટ!!!’

‘Sorry to tell you.. but My X is so ugly...’

‘કંઈ નથી સંભાળવું મારે... તું તારે બેસ અહી... હું તો આ ચાલી..’ ક્રિષા થોડી ગુસ્સે હતી.... જો કે એને અંદરથી ખાતરી હતી કે હમણાં કદાચ શ્લેષરૂપી હથોડો પડશે...

‘what to tell you? ‘My X is so ugly...my Y is also very bad.. મારે અક્ષરો સુધારવા કંઇક કરવું જ પડશે.’

‘ઓહ.... અગેઇન.. ચલ હવે મોડું થાય છે.. ઘેર જઈને કોલેજ જવા માટે તૈયાર થવામાં ક્યાંક મોડું ના થઇ જાય..’

ક્રમશ:.......