નિષ્ટિ - ૨૬ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૨૬

નિષ્ટિ

૨૬. ક્રિશીથ..

ક્રિષા અત્યંત ચિંતાગ્રસ્ત હતી. એ નિશીથને કશું થઇ તો નહિ જાયને એ ખ્યાલ માત્રથી ફફડી ઊઠી હતી. નિશીથ વિનાનું જીવન એ કલ્પી પણ નહોતી શકતી. તેણે તો ભગવાનને ચીમકી પણ આપી દીધી કે તું એટલો જ કોઈના જીવનો ભૂખ્યો હોય તો મને ઉપાડી લે પણ નિશીથને બચાવી લે. ત્યાં જ કંઇક એવું બન્યું કે તે ગભરાઈ ગઈ અને જોરથી ચીસ પાડી ઊઠી. કોઈએ ધીરે રહીને એના ખભા પર હાથ મૂક્યો હતો. તેણે પાછા વળીને જોયું તો આ શું? સાક્ષાત નિશીથ ઊભો હતો એની નજર સામે. તે મૂઠ્ઠી વાળીને નિશીથની છાતી પર મુક્કા મારવા લાગી. નિશીથ મર્માળુ હસી રહ્યો હતો.

બધા નિશીથની ફરતે ટોળું વળીને ઊભા રહી ગયા અને શું બન્યુ હતું એ અંગે પૂછવા લાગ્યા. નિશીથ જવાબ આપવાની સ્થિતિમાં નહોતો. એ હસી હસી ને બેવડો વળી ગયો અને નદી કિનારાની રેતીમાં આળોટવા લાગ્યો. હસીને થાક્યો એટલે ધીરેથી બોલ્યો.

‘અરે તમે લોકો એટલા ડરી ગયા હતા કેમ?’

‘કેમ........ પૂછે છે પાછો? અહી તારી ચિંતામાં અમારા બધાનો જીવ તાળવે ચોંટી ગયો હતો ને તું પૂછે છે કેમ ડરી ગયા હતા?’ ક્રિષાએ બનાવટી ગુસ્સાસહ રેતીમાં આડા પડેલા નિશીથને લાતો મારવાનું ચાલુ કર્યું. નિશીથે કાન પકડીને કહ્યું.. ‘કહું છું... કહું છું.... શાંતિ રાખો તમે.. એમાં એવું બન્યું કે અમે અહીંથી તરતાં તરતાં અને મસ્તી કરતાં નદીના પ્રવાહમાં આગળ વધ્યા અને થોડા આગળ ગયા પછી ડૂબકી મારવાની રમત રમતા હતા અને મને ગમ્મત સૂજી. મારૂ ગામ નદીના કિનારે આવેલું હોવાથી મને નાનપણથી જ નદીમાં તરવાનો ખૂબ શોખ હતો અને મહારથ પણ હાંસલ હતો. નદીના પાણીમાં ડૂબકી લગાવીને હું સામા પ્રવાહે તરતો તારો જ્યાંથી ન્હાવા પડેલા એની વિરુદ્ધ દિશામાં જઈ પહોચ્યો. પછી બહાર માથું કાઢીને જોયું તો તમે બધા મારા માટે દોડાદોડ કરી રહ્યા હતા એટલે હું ચૂપચાપ પેલા ઝાડની આડશમાં છુપાઈ ગયો. પછી તમારા બધાની ચિંતા હદ વટાવવા લાગી એટલે તમારી સામે આવી પહોચ્યો... સોરી ફોર ધ ટ્રબલ એન્ડ થેન્ક્સ ફોર યોર કન્સર્ન. પણ મને બહુ મજા આવી.’

બધાએ નિશીથનો બરાબરનો ઉધડો લીધો અને સમય ખાસ્સો વીતી ગયો હોઈ બસમાં બેસી અમદાવાદ પરત આવવા રવાના થઇ ગયા. બસમાં બેઠા પછી ક્રિષાએ નિશીથના રિમાન્ડ લેવાનું ચાલુ કર્યું અને એ નહોતો મળ્યો ત્યારે એ કઈ સ્થિતિમાંથી પસાર થઇ અને એ દરમ્યાન એણે શું શું કર્યું એ જણાવ્યું...

‘ઓહ... એમ વાત છે? તો તો તું હવે નહિ બચી શકે..’ નિશીથ હજુ ય હસી રહ્યો હતો

‘કેમ? હું કેમ નહિ બચી શકું?’

‘હું જે બચી ગયો છું...’

ક્રિષાએ નિશીથના વાળ ખેંચ્યા અને પછી હળવેથી એના ગાલ પર ટપલી મારી. નિશીથ ક્રિષાના પ્રેમની પરાકાષ્ઠાથી તરબતર થઇ ગયો અને હળવેથી ભીની થયેલી આંખોના ખૂણા લૂછવા લાગ્યો.

નિશીથને ક્રિષા હવે પોતાની જિંદગીથી પણ વધુ ચાહવા લાયક લાગી રહી હતી. પીકનીક નિશીથ અને ક્રિષાને એકબીજાની વધુ નજીક લાવવામાં મદદરૂપ નીવડી. સમજોને હવે બંને ક્રિષા અને નિશીથ મટીને ક્રિશીથ બની રહ્યા હતા....

કોલેજના દિવસો હવે અંતિમ ચરણ તરફ ધસી રહ્યા હતા અને નિશીથ અને ક્રિષા અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી પોતાની શૈક્ષણિક કારકિર્દીને વધુ ને વધુ તેજ બનાવી રહ્યા હતા. પ્રેમમાં મહદઅંશે જીવનનું મૂળભૂત લક્ષ્ય ભૂલાઈ જતું હોય છે અને ઘણા તો બરબાદ પણ થાય છે પણ ક્રિશીથના કિસ્સામાં એવું નહોતું. પરિપક્વતા બંનેને દરેક ક્ષેત્રે સક્ષમ બનાવી રહી હતી. એ જ તો એમની ખાસિયત હતી.

આજે રવિવારનો દિવસ હતો. નિશીથ પૂરી રીતે ઊંઘવાના મૂડમાં હતો. દર રવિવારે દસ વાગ્યા સુધી ઊંઘતા રહેવું એ એના માટે નિયમ બની ગયો હતો. નિશીથનાં મમ્મી ગીતાબેન પણ એને દસ વાગ્યા સિવાય ઊઠાડવાનું સાહસ નહોતાં કરતાં. આજે પણ જયારે નિશીથને ઊઠાડવામાં આવ્યો તો સૌથી પહેલાં એની નજર ઘડિયાળ પર પડી. એ મનોમન બબડ્યો.. ‘હજુ તો માંડ સાડા આઠ વાગ્યા છે... મમ્મીએ આજે મને આટલો વહેલો કેમ ઊઠાડ્યો હશે? કદાચ એને મને લઈને મંદિરે જવું હશે કે શું? ચાલો જે હશે એ જોયું જશે’

નિશીથ બાથરૂમમાંથી નાહી ધોઈને બહાર આવ્યો તો એની મમ્મીએ નવાં કપડાં તૈયાર રાખ્યાં હતાં. કદાચ બહારગામ જવાનું હશે એમ વિચારી નિશીથે ચૂપચાપ વસ્ત્રો પરિધાન કરી લીધાં. તૈયાર થઈને નિશીથ સોફા પર બેસીને છાપામાં નજર ફેરવવા માંડ્યો. ટીવી પર એને ગમતાં ગીતો પણ મૂક્યાં. એના પપ્પા હજુ પૂજા રૂમમાં હતા તો મમ્મી રસોડામાંથી બહાર નહોતી આવી. નિશીથ છાપું વાંચતાં વાંચતાં ટીવી પર આવી રહેલું ગીત ગણગણી રહ્યો હતો ત્યાં ડોરબેલ રણકી ઊઠી. નિશીથની મમ્મીએ રસોડામાંથી જ બૂમ પાડી..

‘નિશીથ બેટા, જરા બારણું ખોલજે તો.... જોને કોણ આવ્યું છે?!!!!.....’ એમના અવાજમાં કોણ આવ્યું છે એ જાણવાની ઉત્કંઠા કરતાં માર્મિક હાસ્ય ભળેલું જણાતાં નિશીથને નવાઈ લાગી. તેણે આશ્ચર્યના ભાવ સાથે હાથ ફેલાવ્યા અને બારણા તરફ ધસ્યો અને જેવું બારણું ઉઘાડયું તો એને ચક્કર આવી ગયા.. તેની નજર સમક્ષ સાક્ષાત ક્રિષા ઊભી હતી... ક્રિષાની સાથે પ્રૌઢ ઉંમરના જણાતું એક યુગલ પણ મોજુદ હતું. નિશીથ કિંકર્તવ્યમૂઢ બનીને ઊભો રહી ગયો. એના ચહેરા પર આશ્ચર્યનો ભાવ હતો તો આંખોમાં અજાણ્યો ડર હતો. એણે હજુ એના મમ્મી પપ્પાને ક્રિષા અંગે કોઈ વાત નથી કરી અને અહી તો ખૂદ ક્રિષા એટમ બોમ્બ બનીને આવી હતી અને સાથે બે મશીનગન પણ લાવી હતી... એને લાગ્યું કે નિશા છૂટ્ટા હાથે એના પર ગ્રેનેડ ફેંકી રહી છે અને એની જોડે આવેલા બે જણ મશીન ગન વડે એના પર ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યાં છે... એ ગભરાટમાં મરણચીસ પાડવા જતો હતો ત્યાં એની મમ્મીનો અવાજ કાને પડ્યો....

‘આવ આવ ક્રિષા....... પધારો સુમનભાઈ.... જયશ્રીકૃષ્ણ મૃદુલાબેન..... નિશીથ આ ક્રિષાનાં મમ્મી પપ્પા છે... એમને પાયલાગણ કરીને આશીર્વાદ લે તો...’ નિશીથ પર તો સીધો વજ્રઘાત થયો હોય એવું એ અનુભવી રહ્યો હતો. એણે યંત્રવત બંનેનના ચરણસ્પર્શ કર્યા અને ગભરાટમાં ને ગભરાટમાં ક્રિષાને પણ પગે પાડવા જતો હતો ને ક્રિષાએ ખોંખારો ખાઈને નિશીથને અટકાવ્યો... નિશીથ એકદમ છોભો પડી ગયો... એ દોડીને વોશરૂમ તરફ ભાગ્યો અને વોશબેસીનનો નળ ખોલીને મ્હોં પર પાણીની છાલક મારી ફ્રેશ થવા વલખાં મારવા લાગ્યો... જબરદસ્ત હૂમલો હતો ક્રિષાનો...

આ દરમ્યાન ક્રિષાએ પણ નિશીથના મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા.

હવે શું થશે? મમ્મીએ ક્રિષાને નામ સાથે બોલાવી એનું શું રહસ્ય હશે? નિશીથ વિચારશૂન્ય બનીને અરીસા આગળ ઊભો રહી ગયો... થોડીવારે એની મમ્મીની બૂમ સંભળાઈ.

‘નિશીથ.... જરા અહી આવતો.....અહી આવીને બેસ..’

નિશીથ પૂછડી દબાવીને ડ્રોઈંગરૂમમાં આવી સોફા પર બેઠો.. આ નજારાની કોઈ મજા લઇ રહ્યું હોય તો એ ક્રિષા હતી. નિશીથની દશા તો હજુ રંગે હાથ ઝડપાઈ ગયેલા ગુનેગાર જેવી હતી...

વાત વાતમાં ખબર પડી કે આ બધો પ્લાન ક્રિષાનો જ હતો.. એ અગાઉ નિશીથની ઘરમાં ગેરહાજરીની ખાતરી કરીને આવી હતી અને નિશીથની મમ્મીને બધો પ્લાન જણાવ્યો હતો. એ અગાઉ ક્રિષાના મમ્મીએ પણ નિશીથના મમ્મી જોડે ફોન પર વાત કરી લીધી હતી. ક્રિષા જેમના ઘેર રહીને ભણી રહી હતી એ એમની ઓળખાણમાં જ હતાં એટલે તપાસ કરતાં બધું પોતાના ઘર માટે યોગ્ય લાગતાં તેમણે પણ સંબંધને મંજુરી આપી દીધી હતી. ગુણવંતભાઈને બધી વાત કરવામાં આવતાં એ પણ આ સંબંધ માટે રાજી હતા... જો આ બધી ગતિવિધિથી અજાણ હોય તો એ નિશીથ હતો જે અત્યારે બઘવાઇને સોફા પર બેસી રહ્યો હતો. અરસપરસની વાતોમાં એવું ઠેરવવામાં આવ્યું કે નિશીથનો પરિવાર પણ સુરત જઈને ક્રિષાના ઘરની મુલાકાત લે.. આ માત્ર એક ઔપચારિક મુલાકાત જ રહેશે.... અભ્યાસ પૂર્ણ થયા બાદ કારકિર્દી સેટ ના થાય ત્યાં સુધી લગ્ન કે એન્ગેજમેન્ટ અંગે કશું વિચારવાનું જ નહોતું. આ દરમ્યાન મહેમાનોનું ચા-નાસ્તાથી સ્વાગત થઇ ચૂકેલું અને બપોરના ભોજનનો પણ બધાએ સાથે લાભ લીધો.

જમ્યા પછી ક્રિષાના મમ્મી પપ્પાએ વિદાય લીધી... ક્રિષા અને નિશીથને ફરવા, પિક્ચર જોવા અને સાથે ડીનર માણવા માટેનું ફરમાન કરવામાં આવ્યું... એ બંને માટે પહેલી વખત પરિવાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હતો...

બાઈકની પાછળની સીટ પર ગોઠવાયા પછી જેવી બાઈક નિશીથના મમ્મી પપ્પાની નજરથી ઓજલ થઇ એટલે ક્રિષાએ શરુ કર્યું...

‘એક વાત પૂછું... નિશીથ? આ ડર શું ચીજ હોય છે? પેલું શું કહેતો હતો તું? સાવજ તે વળી ડરતા હશે????? પણ તું તો સાવ જ...’

નિશીથ નિરુત્તર રહ્યો... ક્રિષા ખડખડાટ હસી પડી... એના હાસ્યના સુમધુર રણકારે નિશીથને ચાર્જ કર્યો.. તેણે બાઈક એક સાઈડમાં કરીને ઊભું રાખ્યું.. અને પછી ક્રિષાની ખબર લેવા માંડી.. થોડી વાર નારાજગી અને ગુસ્સો જતાવ્યા પછી નિશીથે ક્રીષાનો ખૂબ આભાર માન્યો.

‘થેન્ક્સ ક્રિષુ ફોર ઓલ ધીસ..’

‘હા તે એ તો મને પહેલાંથી જ ખબર હતી કે આ કામ મારે પાર પાડવું પડશે... તારાથી તો શેક્યો પાપડ પણ ભગાવવાનો નથી.. હી.હી..હી..હી..હી..’

‘ઠીક છે.. ઠીક છે....ચલ પહેલાં એસ.જી. હાઈવે પર કોઈ શોપિંગ મોલમાં જઈએ?’

‘ના.... પહેલાં ત્યાં નહિ... હું કહું ત્યાં જવું પડશે..’

‘હા.. આ તો છૂટકો છે તમારી વાત માન્ય વિના? મોટું તીર જે માર્યું છે!!!! ક્યાં જવું છે? ફરમાવો...’

‘ભદ્રકાળીના મંદિરે લઇ લે... નગરદેવી છે એ આપણા એ... આજ નો દિવસ આપણા બંને માટે ખૂબ મહત્વનો છે તો એમના આશીર્વાદ તો લેવા જ પડેને?’

‘યુ આર રાઈટ... પહેલાં ત્યાં જ જઈએ...’

ભદ્ર્કાલીમાતાનાં દર્શન કરી બંને જણ એસ જી હાઈવે પર જઈ પહોંચ્યાં. મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોઈ શોપીંગ મોલમાં પહોંચી ગયાં... એક શોરૂમ આગળ જઈ રહ્યાં હતાં ને એક ક્લાસમેટ અશ્વિન પસાર થતો જોવા મળ્યો...... ક્રિષાએ નિશીથનું ધ્યાન દોર્યું... નિશીથે કહ્યું.. ‘ચાલને એને મળીએ.. ‘

ક્રિષા રસહીન હાવભાવ સાથે બોલી..’ તારે જવું હોય તો જા.. મારે કંઈ નથી મળવું એ બબૂચકને..’

‘કેમ એમ બોલે છે?’

‘એક વખતે કલાસમેટ સમજીને સ્માઈલ આપેલું એમાં તો પાછળ જ પડી ગયેલો..’

‘ઓહ.. તો પછી વાત ના જામી?’

‘જસ્ટ શટ અપ..’

‘ઓકે.. ઓકે... એટલા માટે એ થોડા સમયથી દેવદાસ થઈને ફરે છે એમ?’

‘બની શકે..’

‘સારું.. તો હું એને મળીને આવું છું..’

‘એઝ યુ વિશ..’

‘હેલ્લો અશ્વિન....’ નિશીથે અશ્વિન પાસે જઈને એની જોડે હાથ મિલાવ્યા..

‘હાય..’ અશ્વિને નિરાશ વદને પ્રત્યુત્તર વળ્યો..

‘એની પ્રોબ્લેમ?’

‘શું કહું?..

યુવાનીના ઉંબરે દિલમાં પ્રણયનું બીજાંકુરણ થયું...

કોઈનાં દ્રષ્ટિબિંદુ પડ્યાં ચહેરા પર

ને દિલે પ્રણયગર્ભ ધારણ કર્યો...

પ્રણય જન્મના સ્વપ્નોમાં બધી વેદનાઓ સહી...

પણ રે જાલિમ જમાનો.. પ્રણયની કસુવાવડ થઇ ગઈ...’

‘ઇટ્ઝ લાસ્ટ યર ઓફ એન્જીનીયરીંગ... ડોન્ટ લૂઝ ફોકસ..’ કહી નિશીથે અશ્વિનના ખભે હાથ મૂક્યો અને બંને આંખો મીંચકારી અશ્વિન જોડેની નિર્દોષ દોસ્તીનો અહેસાસ આપ્યો અને એની વિદાય લીધી.

શું કહેતો હતો એ બબૂચક?’ ક્રિષા પાસે આવતાં જ નિશીથને પૂછાયેલો પ્રશ્ન...

‘કંઈ નહિ... હી ઈઝ અ નાઈસ ગાય એક્ચ્યુઅલી..’

‘હા એ તો છે જ.. ચાલો હવે ક્યાં જઈશું?’

‘જહાં તુમ લે ચલો.. બહુ ખાસ ભૂખ નથી આજે.. મણિનગર જ લઇ લે..... ભાજી પાઉં કે ઢોંસા ખાઈ લઈશું.. પછી તું મને ઘરે ડ્રોપ કરી દે જે..’

‘ઓકે..’ નિશીથે મણિનગર સ્થિત સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં આગળ જઈને બાઈક ઊભી કરી.. અડધો કલાક જેવું વેઈટીંગ હતું જે સમય રેસ્ટોરાંના પ્રાંગણમાં રાખવામાં આવેલી પ્લાસ્ટીકની ખુરશીઓ પર બેસીને જ પસાર કરવાનો હતો.. નિશીથ ટીવી પર ચાલી રહેલ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવામાં પરોવાઈ ગયો. મેચ પૂરી થવામાં હતી. ક્રિષાને ક્રિકેટમાં ખાસ રસ નહોતો પણ ભારત પાકિસ્તાનની રોમાંચક મેચ હોય તો થોડો રસ પડતો. અને આમેય એને નિશીથ કેટલો ક્રિકેટ ક્રેઝી છે એ ખબર હતી એટલે એ ભારતની જીત માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે જેથી કરીને રેસ્ટોરાંમાં પ્રવેશ્ય પછી મૂળ વગરના નિશીથ જોડે માત્ર ખાવાની ઔપચારિકતા પૂર્ણ ના કરવી પડે અને સાઉથ ઇન્ડિયન દિશની પૂરી મજા માની શકાય. આખરે ભારતની જીત થઇ અને નિશીથ સહીત ત્યાં ઉપસ્થિત ક્રિકેટ રસિયાઓ ખુશીથી ઊછળી પડ્યા.

ક્રિશીથે ઓર્ડર કરેલ સ્પ્રિંગ ઢોંસા પીરસાઈ ચૂક્યો હતો.. બંનેએ એક જ પ્લેટ મંગાવેલી... ઓછી ભૂખના બહાને...

‘આમ તો તું ઉત્તપમ મંગાવતો હોય છે.. આજે મારા પ્રિય સ્પ્રિંગ ઢોંસાથી ચલાવી લઈશ?’ ક્રિષાનો વેધક પ્રશ્ન છૂટ્યો..

‘મેડમ.... આજે તમે પરાક્રમ કર્યું છે એટલે તમારી પસંદનું જ કરવું પડે ને? અને એમ પણ...’ નિશીથે વાક્ય અડધું છોડ્યું...

‘શું એમ પણ?’

‘એમ પણ તું સવારથી સ્પ્રિંગની જેમ ઊછળી રહી છે એટલે પછી સ્પ્રિંગ ઢોંસા મંગાવ્યો.. આટલા કારણો પૂરતાં છે ને?’

‘બસ બસ હવે... સવારે ભલે દૂમ દબાવતો હતો... પણ પછી તો તું પણ ઊછળી જ રહ્યો છે..’

‘હા.એ તો છે જ... કેમ કે આજે આપણે ક્રિષા અને નિશીથ મટીને ક્રિશીથ જે બની ગયાં છીએ..’

‘ક્રિશીથ?!!!!!! વ્હોટ અ ગૂડ નેમ.... આઈ જસ્ટ લવ્ડ ઇટ...’

પોતાના સંબંધથી જોડાયેલ નવા નામથી બંને જણ રોમાંચિત થઇ ઊઠ્યાં.. ક્રિશીથ....

ક્રમશ:.......