નમણી રુપાળી પ્રિયતમા – ૧.
‘આ તને શું ભૂત ભરાયું છે સુગંધી..જીન્સ અને ટી-શર્ટમાં બિન્દાસ રખડતી મારી દીકરી આમ અચાનક સાડી પહેરવાની જીદ્દ કરે છે એ કંઇ સમજાતું નથી..!’
મમ્મી મારી નજીક આવીને મારા કપાળે અને ગળે હાથ મૂકીને શરીરનું ઉષ્ણતામાન ચેક કરવા લાગ્યા..
‘ના આમ તો બધું બરાબર છે..તાવ તો નથી તો આવા લવારા…!’
‘મમ્મી…પ્લીઝ..આમ હેરાન ના કરો..મારે આજે તમારી સૌથી સ્ટાઈલીશ સાડી પહેરવી છે..પેલી ગાજર કલરની જ્યોર્જટ -શિફોન કે ક્રેપ જે મટીરીઅલ કહેવાતું હોય એ સાડી..જેમાં સરસ મજાનું ગોલ્ડન ડાયમંડ અને ટીકીનું વર્ક કરેલું છે ને..એ જ..તમે જ્યારથી એ સાડી લીધી છે ત્યારથી મારા મગજમાં એને એક વાર તો પહેરીશ જ’ એવી ઇચ્છા કાંકરીચાળો કરે છે…તો બસ..આજે તક મળી છે તો હું એ પહેરવા માંગુ છું.. આ તમારી બહુ વિચારવાની ટેવ જ ખરાબ છે..સાવ સીધી સાદી વાતમાં પણ તમને રહસ્યોના ભંડાર દટાયેલા લાગે છે..હવે તમે મને પહેરાવો છો એ સાડી કે હું બીજા કોઇની જોડે પહેરવા જઊં..?’
‘હાય રામ..મારી દીકરી હવે મને ધમકીઓ આપે એવડી મોટ્ટી થઈ ગઈ છે ને કંઇ…’ અને મમ્મીએ એની માછલી જેવા આંખોની પાંપણો પટપટાવીને પહોળી કરીને પોતાનું મસમોટ્ટું આશ્ચર્ય વ્યકત કર્યું.
હવે મારી ધીરજનો અંત આવવા લાગેલો. જોકે મમ્મીની વાત સાવ પાયાવિહોણી તો નહોતી જ..હું એમની સામે હળાહળ જુઠ્ઠું બોલી રહેલી એનો મનોમન સ્વીકાર કરી લીધો..પણ હકીકત તો મમ્મી સમક્ષ કેમની રજુ થાય..?મમ્મીની જોડે બધીય વાતો શેર કરનારી જુવાન છોકરી એના પ્રેમીની એક ‘માસૂમ ઇચ્છા’ની વાત સાવ આમ નિર્લજ્જપણે કેમની કરી શકે..?
આશિર્વાદ…મારા આશુને હું બધાં જ આઊટફીટમાં હું મનમોહક જ લાગતી..સ્કીન ટાઈટ બ્રાન્ડેડ જીન્સ અને સ્પગેટીના લેટેસ્ટ ડિઝાઈનર ટોપના કારણે જ એ મારી તરફ સૌપ્રથમ આકર્ષાયો હતો..ધીમે ધીમે એ આકર્ષણ દોસ્તી અને દોસ્તીમાંથી પ્રેમના પંથ પર ડગ માંડવા લાગ્યું એ અમારા બેયમાંથી કોઇને ખ્યાલ જ આવ્યો..જીન્સ ટીશર્ટ..મીની સ્કર્ટસ, શોર્ટસ..શોર્ટ સ્લીવ્ઝ કે સ્લીવલેસ ટોપ..આ બધાંથી મારા રુપનો દીવાનો થઈ ગયેલો આશુ હમણાંથી ખબર નહીં કેમ..વારંવાર એક જ જીદ્દ લઈને બેઠેલો,
‘સુગંધી..મારે તને એક વાર સાડીમાં જોવી છે.’
‘અરે કેમ એક્દમ સાડી, એ કેટલી બોરિંગ છે એ તો તને ખ્યાલ છે ને ? હું એને કઈ રીતે મેનેજ કરી શકીશ..કેવી બાલિશ માંગણી છે આ તારી આશુ..’
‘જો સુગંધી..તું આ બધા જ કપડામાં ખૂબ જ સુંદર લાગે છે..પણ આ તારા તનને ઢાંકવા કરવા ઉજાગર વધારે કરતાં કપડામાં આજુબાજુ ફરતા દરેકની નજર તારી પર મંડરાયા કરે છે..એમની નજરમાં રહેલા વાસનાના સળવળ કરતાં સાપોલિયા જોઇને મને મનમાં કંઇક કંઇક થઈ જાય છે..મન થાય છે કે જઈને એની આંખો ફોડી કાઢું..પણ એમ તો કેટલાંની આંખો હું ફોડી શકવાનો..એના કરતાં તું જ હવે કપડાંની બાબતમાં થૉડી સુધરને..શરીરને ઢાંકતા કપડામાં પણ તમે સુંદર દેખાઇ જ શકો છો ને..મને તો તું બુરખામાં પણ સુંદર લાગીશ..વળી મારી ભવિષ્યની પત્ની તરીકે મારે તને જોવી છે..તને ખબર છે ઘણી વાર મારા સપનામાં તું સાડી પહેરીને સોળ શણગારમાં સજ્જ થઈને મારી સામે આવે છે..અને હું એકદમ સફાળો થઈને જાગી જાઊં છું.તું ગમે તે કર પણ મને એક વાર સાડી પહેરીને મારી સ્વપ્નાની સુગંધી થઈને મળ.કેમ.ક્યાં..ક્યારે…એ બધું જ તું નક્કી કરજે..’
અને આજે મને એ તક અનાયાસે જ મળી ગયેલી તો એને કેમની જતી કરાય. આ બધી વાતો મમ્મીને કેમની કરાય..! યેન-કેન-પ્રકારેણ..મમ્મીને મનાવ્યાં..એમની સૌથી સ્ટાઇલીશ સાડી એમના વોર્ડરોબમાંથી કઢાવી.
મમ્મી ગજબના રુપાળા હતાં..આ ઊમરે પણ રેગ્યુલર જીમ -યોગા કરી કરીને એમણે એમનું શરીર સૌષ્ઠવ બરાબર સાચવી રાખેલું..આ બધાના કારણે મને મમ્મીના ચોલી-બ્લાઉઝના માપના ફીટીંગમાં કોઇ જ તકલીફ ના પડી.
મમ્મીના ડ્રેસિંગ ટેબલના ત્રણેય કાચમાં જમણી-ડાબી-આગળ-પાછલ ફરી ફરીને એનું ફીટીંગ બરાબર ચેક કર્યું.. ઉપરની બાજુએ બરાબર માપ લઈને બંધાયેલ ફુમતું અને છેક નીચે ચોળીના બટન આ બેની વચ્ચે પડતો અદભુત લંબગોળ શેઈપ પડતો હતો..ફુમતાની નીચે લટકતી દોરીમાં લાલ-લીલા -સફેદ ઝીણાં મણકાંની પતલી નાજુક સેર હતી જે મારી પીઠ પર ગલી પચી કરી કરીને મારા તનમાં જાતજાતનાં સંવેદનો ઉભા કરતી હતી.
મમ્મીએ સાડી પહેરાવવાનું ચાલુ કર્યું..મમ્મી એટલે સાડી પહેરાવવામાં માસ્ટર..આખા ગામની છોકરીઓ એમની જોડે સાડી પહેરવા આવે..એમની આંગળીઓ પર ગોઠવાતી ગોઠવાતી સાડીની પાટલી ક્યારે મારા ખભા પર સેટ થઈ ગઈ એનો મને ખ્યાલ પણ ના આવ્યો..નાજુક કલાત્મક વર્ક વાળો પલ્લુ સેટ કરતાં કરતાં છેલ્લે એમણે ખભા પર સુંદર મજાનું ડાયમંડનું બ્રોચ લગાવ્યું અને એમના કામની પૂર્ણાહુતિ કરી..
‘જો સુગંધી…મારે બહુ કામ છે..તું આ મારા વોર્ડરોબમાંથી તારે જે જોઇએ એ ઘરેણાં સાચવીને કાઢીને પહેરી લેજે..કોઇ જગ્યાએ કામ પડે તો મને ‘ઇન્ટરકોમ’ પર ફોન કરીને ઉપર બોલાવી લેજે..!”
‘અહા..મારી પ્યારી મમ્મા…અને મેં મમ્મીના ગળામાં હાથ પૂરોવીને એમના ગાલ પર વ્હાલથી એક ચુંબન કરી લીધું..
‘બસ હવે..મસ્કા ના માર..બધી સ્ટાઈલો ખબર છે મને તારી…અને હસતા હસતા મમ્મી ત્યાંથી વિદાય થયા.
હું પણ એ જ તકની રાહ જોતી હતી. રુમમાં એકલા પડતાં જ હળ્વેકથી મમ્મીના બેડરુમનો દરવાનો અંદરથી લોક કર્યો..સાડીનો થોડો ખુલ્લો રાખેલો પલ્લુ જમણેથી ડાબે અને ડાબેથી જમણે લહેરાવવા લાગી.
સુંદર દેખાવું એ મને પણ પસંદ હતું પણ એના માટે લોકો જે મેકઅપ અને ઘરેણાંના થથેડા કરતાં એની મને સખત ચીડ હતી..પણ આજનો દિવસ જ કંઇક અલગ ઉગેલો લાગતો હતો.
‘નેચરલ બ્યુટી’ની હિમાયતી સુગંધી પર આજે સોળ શણગાર સજીને ‘મેનકા’ બનવાની ઇચ્છા હાવી થતી ચાલી. આંખો મારી પણ એમાં દ્રષ્ટિ આશુની હતી..મારી દરેક ક્રિયામાં એક નવો અર્થ ભળતો – છલકતો જતો હતો..ડ્રેસિંગ ટેબલના ‘કોર્નર’ પર પડેલા લાકડાના સુંદર નકશીકામ વાળા ફ્લાવરવાઝમાં કળાત્મકતાથી ગોઠવાયેલા ગુલાબના ફૂલ પર મારાથી અનાયાસે હાથ ફેરવાઈ ગયો..એની નાજુક પાંદડીઓને સ્પર્શતા જ આંખો બંધ થઈ ગઈ..બંધ આંખોમાં ‘મારો આશુ’ છલકાઇ ગયો…મંદમંદ હસતો હતો..અને કંઇક અસ્ફુટ શબ્દોની ધારા એના મુખમાંથી વહેતી હતી..મેં કાન સરવા કર્યા..
‘નાજુક નાજુક ગુલાબી ગુલાબી
આ તો પ્રિયતમા જાણે નમણી રુપાળી..!’
અને મનોમન હું શરમાઈ ગઈ..બંધ આંખોના પોપચા ઓર બોઝિલ થતા ચાલ્યાં…
ક્રમશઃ
સ્નેહા પટેલ.