ઈશ્વર ને પત્ર Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર ને પત્ર

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : પત્ર લેખન સ્પર્ધા માટે પત્ર

શબ્દો : 1459

સજેસ્ટેડ શ્રેણી : પત્ર લેખન સ્પર્ધા માટે પત્ર

પ્રિય ઈશ્વર,


તને એમ થશે કે વગર શરૂઆતે હું તને સીધું જ લખવા બેસી જાઉં છું નહીં, ન તો તારા ખબરઅંતર પૂછું છું ન કોઈ પ્રણામ પાઠવું છું પણ શું કરું આદત સે મજબૂર તને હું એટલો તો અંગત માનું છું ને કે તને એટલું પૂછવાની કદર સુધ્ધાં નથી કરતી કે આજે ફરી ઘણાં સમય બાદ તને પત્ર લખવા બેઠી છું તે તું નારાજ તો નથીને ? સાચું કહું ને તો ઘણીવાર મને તને પૂછવાનું મન પણ થઈ આવે છે કે, તારે કેટ કેટલાંને સાચવવાનાં, કેટકેટલાંને રાજી પણ રાખવાનાં અને તોય જો કોઈકનું કામ પૂરું ન પડે તો બધોજ દોષનો ટોપલો તારા ઉપર નાંખવામાં અમારી આ માણસજાત સ્હેજે પણ શરમાતી તો નથી જ પણ સાથે સાથે તારું અવમૂલ્યન પણ ખરાં હૃદયથી બસ કર્યે જ રાખે છે. મને ઘણીવાર સાચું કહું ને તો તારી દયા પણ આવવા લાગે છેકે આ તારે એકલાને તે વળી કેટ કેટલી પળોજણ છે, મારાથી પણ તને કોઈ મદદ તો કરી નથી શકાતી ઉપરથી તને પણ હું ઘડી ઘડી આમ કાગળો લખીને પટાવી પટાવીને એક એક કામ તારે માથે નાંખતી જ રહું છું. હું એ પણ સમજું છું અને સાથે સાથે હૃદયથી સ્વીકારું છું પણ ખરી જ કે આમ જ્યારે હોય ત્યારે નાની નાની વાત માટે તને બોલાવવો બહુ સારો નહીં, હું કાંઈ એકલી થોડી છું? વળી તું તો જગતનો નાથ, એમ ઘડી ઘડી નાના નાના કામ માટે પણ જો તને જ હાકલ કરતી રહું તો શું મારો મનુષ્ય ધર્મ ન લાજે ? આવું કંઈ કેટલીયે વાર વિચાર્યું હશે ને તોય વળી સ્હેજ જો મને તકલી લાગે કે સ્હેજ અમસ્તો પણ મારો આત્મવિશ્વાસ ડગે ને તો હું તારી પાસે દોડી આવું છું અરજ લઈને, એ વખતે અત્યારે કરી એમાંની કોઈપણ ડાહી ડાહી વાતો મને યાદ રહેતી નથી, તારી આપેલી ગીતા પણ મેં અનેકો વાર વાંચી છે, મનુષ્યએ કર્મ પ્રધાન રહેવું જોઈએ એ સત્ય હું હૃદયથી સ્વીકારું છું છતાં પણ ક્યારેક એનો અમલ સુધ્ધાં કરી શકતી નથી, કારણ આખરે તો હું ય આ કળિયુગની જ પેદાશને.... ? મારી મા એ ભલે મને સંસ્કાર સીંચનમાં કોઈ જ પાછીપાની નથી કરી તેમ છતાં પણ હું મારી જાત પર કેટલીકવાર કળિયુગનો રંગ ચડતો અટકાવી નથી જ શકતી.


ચાલ હવે મૂળ મુદ્દાની વાત કરું, આજે મને સવારથી જ એમ થતું હતું કે કંઈક લખવું છે મારે, વિષયવસ્તુ અલબત્ત નહોતો જ, લખવા બેસીશ અને વિષય મળી આવશે તેમ માનતી હતી પણ એમાંય સફળતા ન મળી, ખેર એ તો ભાઈ થઈ મારા મૂડની વાત, કોઈકવાર એવો ભૂડ ન પણ બને એમાં તું વળી શું કરવાનો હતો હેં ? પણ ત્યાં જ મને એક વિચાર સ્ફ્યુર્યો કે મારા જીવનમાં કંઈ કેટલાંય ચડાવ ઉતરાવ આવ્યા, મને તું સતત મારી સાથે જ છે અને મારો વાળ પણ વાંકો નહીં જ થાય એવો વિશ્વાસ હું જો કેળવી શકી હોઉં તો એ બધું જ આજે મારે તને કહેવું છે, મારે તને કહેવું છે કે તું છે એટલે જ મારું અસ્તિત્વ છે, અને હા તારા થકી જ હું બધે જ સફળતાથી સફર પાર કરી શકી છું, હા મારી જવાબદારીઓની સફર.


જવાબદારી ની વાત આવી છે તો એક વાત કહું, કે મેં એવાં ઘણાં લોકો જોયાં છે જે સતત એમ કહેતાં હોય છે કે આપણે તો ભાઈ રામ રાખે તેમ રહેવું, અને આ જ સૌથી મોટું અસત્ય હોય છે એમનાં જીવનનું, કારણ રામે તો જીવન આપ્યું હતું આનંદથી જીવવા અને બીજાને જીવાડવા શું ખરેખર સૌ એ એ કર્યું ખરું ? ના... તો પછી શો હક છે કે આપણે એમ કહીએ કે આપણે તો ભાઈ રામ રાખે તેમ જીવવું ? મારે તો અહીંથી જ મારી શરૂઆત થાય છે, કે તું તો ઈશ્વર છે, તેં મને જીવન આપ્યું, હું અલબત્ત જીવી પણ ખરી, પરંતુ તારી આપેલી સાદગી મને કોઠે ન પડી તે હું ઊડવા લાગી નકલી રંગ ચડાવીને નકલી દુન્યવી દંભની પાંખો લઈને, અને તોય જ્યારે પણ એ પાંખો જમાનાનો પવન સહન ન કરી શકી ત્યારે તેં મારો હાથ કોઈ ને કોઈ પ્રકારે પકડ્યો છે જ, તો પછી તું જ કહે ભલા, કે હું તને નિર્દયી કેવી રીતે કહું ? શાળામાં ભણતી હતી ત્યારે પણ કેટલાં સહાધ્યાયીઓ હતાં કે જેઓ મને ખૂબ આસાનીથી મ્હાત કરી શકે, ત્યારે મારી મા બનીને તેં મને પોરસી પોરસીને ભણતાં શીખવ્યું, આખી રાતોની રાતો મારી સાથે ઉજાગરા કરીને મા નાં સ્વરૂપે તું જ તો મારી હિંમત બનીને મને ભણાવતો હતો, પછી તને કોઈ તારા બાળ પ્રત્યે મમતા નથી એવું પણ હું તને શી રીતે કહું હેં ઈશ્વર ?
અરે આવી તો કંઈ કેટલીયે કબૂલાતો છે છે મારે કરવાની છે, જન્મ થયો અને સમજણ આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં માતાથી લઈને મિત્ર સુધીનાં દરેક સંબંધે તેં જ તો મને આવીને ઉગારી છે હર હંમેશ, હું કેવી રીતે કહું કે તારા સુધી મારી અરજ નથી પહોંચતી ? જીવનનાં મોટાં મોટાં સંઘર્ષો હોય કે પછી નાનાં નાનાં રિસામણાં મનામણાં, તેં જ તો મને એ બધાની વચ્ચે ટકી શકું તેવું મન આપ્યું છે તો પછી હું કેવી રીતે કહું કે હે જગતનના નાથ તું મારો બેલી નથી ? સાચું કહું ને તો હવે આ ઉંમરનાં અંતિમ પડાવે હું પહોંચી છું ત્યારે મને સમજાય છે કે જે વાતમાં તું છે જ નીં એવું હું માનતી હતી તે દરેક જગ્યાએ તેં જ તો આવીને મારો હાથ ઝાલ્યો હતો, પરંતુ મારી અંતરની આંખો પાસે તને જોઈ શકવાની દિવ્ય દ્રષ્ટિનો અભાવ હતો, મારી આંખો પર કળિયુગી ચશ્મા ચડેલા હતાં, અને જે મૂળમાં હતું તે જોઈ શકવાને બદલે કંઈક બીજું જ મને ચારેકોર ભાસતું હતું, રોડ પરની ઓરેન્જ કલરની લાઈટનો રંગ મારી આંખો પર એટલો છવાયેલો હતો કે રાત્રિનાં અંધકારમાં પણ ચંદ્રમાની શીતળ ચાંદની નો પ્રકાશ મને નજરે નહોતો ચડતો, અને જ્યારે જ્યારે પણ આવો અંધારિયો પ્રકાશ મને ડિપ્રેસ કરતો ત્યારે ત્યારે ચંદ્ર સમ શીતળ વ્હાલ પણ તેં જ મને કર્યું છે અને સૂર્યની પેઠે પ્રેમ હૂંફ પણ તેં જ મને આપી છે પછી તું જ કહે ઈશ્વર કે હું કેવી રીતે ન સ્વીકારું કે તારી અદાલતમાં ન્યાય સૌ કોઈને મળે જ છે, અને મને યાદ છે મારી મા એ મને હંમેશા એક જ વાત કહી છે કે દિકરા કસોટી તો ખરા સોનાની જ થાય, હવે તું જ મારી કસોટી પણ કરતો અને તું જ મને સાચવી પણ લેતો, તારી કસોટીઓથી હું ક્યારેક તો એટલી ત્રસ્ત પણ થઈ છું કે હું તને પ્રેમ કરું છું કે પછી તારા પ્રત્યે મને ખૂબ નફરત છે તે હું કળી જ ન્હોતી શકતી.

મને આજેય યાદ છે કે ઘણીવાર દુન્યવી ઝંઝાવાતોની સામે ઝઝૂમી ઝઝૂમીને જ્યારે પણ હું થાકી જતી ત્યારે થને પણ મેં ધમકીઓ આપી હતી, કે હવે જો તું મારો રસ્તો નહીં બતાવે તો તને હું એક પોટલામાં બંધ કરીને નાંખી આવીશ ઘરનાં કોઈ ખૂણામાં, અને એ પોટલામાં તને કેદ થયાં પછી જ્યારે ગૂંગળામણ થશેને ત્યારે જ તને સમજાશે કે ભીડમાં કે સંઘર્ષોની વચ્ચે ગૂંગળાવું શું ચીજ છે, અને છતાંય એવું કરતાં મારો જીવ ક્યારેય ચાલ્યો નથી એ પણ એટલી જ હકીકત છે. કહે છે ને કે છેને આપણે બહુ પ્રેમ કરીએ તેની સાથે આપણાં વિશેષ રિસામણાં મનામણાં હોય અને એ વાત આપણને બંન્નેને જ એ ખૂબ સરસ રીતે લાગુ પડે છે, કારણ જ્યારે જ્યારે પણ તેં મારી કસોટી કરવા પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે મને તું ખૂબ કપરો કહોને કે અત્યંત વસમો લાગતો, અને એક પળે મને દુવિધામાં મૂકીને બીજી પળે તું જ મને ઉગારી પણ લેતો ત્યારે મારો તારા પ્રત્યેનો વિશ્વાસ વધુ ને વધુ દ્રઢ થતો, તારા માટેની આસક્તિ વધતી જતી મારી, મને એમ દ્રઢ પણે થઈ આવતું કે ખરેખર આ દુનિયામાં સૌથી ઉપર કોઈક એક સત્તા કામ કરી જ રહી છે જે સૌનું જતન કરે છે, પરિક્ષાઓ લે છે તો એનું સારું પરિણામ પણ આપે જ છે, અને સૌથી અગત્યની એવી એક વાત કે, આપણાં કર્મ અનુસાર આપણને વહેલો કે મોડો ન્યાય મળે જ છે, અને એવું તારા દરબારમાં શક્ય છે ઈશ્વર, અને એટલે જ તું મારો સૌપ્રથમ પ્રેમ પણ છે, જ્યારે તારી સાથે ગુસ્સામાં હોઉં ત્યારે તને અપાર ગાળો આપી હશે મેં પરંતુ આજે એક સત્ય હૃદયથી કબૂલાત કરવી છે મારે, કે તું છે એટલે જ હું ટકી શકી છું, અને તારા વિનાના સંસારમાં મારું કોઈ જ અસ્તિત્વ નથી, આ બધું અહીં પત્રમાં એટલે લખું છું કે એ બીજે ક્યાંય પણ કોઈ પણ સ્થળે મારું અભિમાન કે અંધશ્રધ્ધા બનીને વાણી દ્વારા ન છલકાય, પણ સત્ય હૃદયથી જ્યારે આ વાત નીકળી જ છે તો લખીને જણાવવી, આ પત્ર ક્યાં પોસ્ટ કરી શકાય એવો છે, આ તો મન મંદિરમાં વાગોળવાની જ વાત છે પરંતુ જેમ તારા નામની નોટો ભરીને કોઈ ભંદિરમાં મૂકી આવીએ ને એ જ રીતે આજે આ પત્ર હું આપણાં ઘરનાં તારા નિવાસસ્થાન કહેવાતા એવાં મંદિરમાં જ તને અર્પણ કરી દઈશ, અને મને શ્રધ્ધા નહીં પણ અખંડ વિશ્વાસ છે કે મારો પ્રેમ, વિશ્વાસ અને તારી માટેનો અનુરાગ તારા સુધી પહોંચશે જ, અને તોય તું તો મારો જ છે એટલે તારો આભાર નથી માનતી પરંતુ તને હૃદયમાં પ્રેમથી સ્થાયી રાખી શકું એવો અનુરાગ તુજ સમક્ષ અહીં મારાં પત્ર દ્વારા વ્યક્ત કરું છું, આને મારી અરજ ગણે તો અરજ અને મારો એક પ્રેમી ભક્તનો હક ગણે તો હક પણ આમ જ મારી સામું જોતો રહેજે હોં...


બસ અહીં જ અટકું, ફરી પાછી આમ જ હૃદયની વાત લઈને આવી ચડીશ ગમે તે સમયે, તારું સાંનિધ્ય કેળવવા..

વંદન,

હું તો ઈશ્વર તારી જ છું ને....


લિ. મારાં ઝાઝાં ઝુહાર.....

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : પત્ર લેખન સ્પર્ધા માટે પત્ર