શમણાં તો અશ્રુની જાત Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

શમણાં તો અશ્રુની જાત

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : શમણાં તો અશ્રુની જાત !
શબ્દો : 1615
સજેસ્ટેડ શ્રેણી : કવિતા

શમણાં તો અશ્રુની જાત !

1.

રોજિંદા ઘટના ક્રમમાં
તારું મારી સાથે હોવું
બની ગયું છે
યંત્રવત
મનેય જાણે આ બધું જ
કોઠે પડી ગયું હોય એમ
મારું હરફ પણ ન ઉચ્ચારવું
ફરિયાદો રહે યથાવત
અને દોડાદોડીનાં
આ જીવનમાં
ધીમે ધીમે મનુષ્યમાંથી
યંત્ર બનવાની ગતિ આપણી
અને સાથે સાથે
યંત્રવત બનતી જતી લાગણીઓ
દોડ કઈ તરફની છે
તે કળવું છે મુશ્કેલ
કારણ સ્પંદનોને હવે
યાંત્રિકતાનો કાટ લાગવા લાગ્યો છે...!!!

2.

તારા વિરહનો ચિતાર
ભલા
હું તે તને
કેવી રીતે આપુ સખી
વર્ષોથી
સૂકા પડેલા ચાસ જેવો હું
અને હૃદયે
આવે જ્યાં તારું નામ
મીઠી શી નદી પ્રેમની
ખળખળ વહેવા લાગે છે...
ને તોય
તારા વિનાનો 'હું' એટલે
સાવ સૂકો ભઠ એવો
ઓલા ખેતરનો જ
પાડેલો ચાસ જાણે..!!

3.

આમ તો મળવાનો
વાયદો
ન ક્યારેય
ખોટો પડ્યો
છે મારો
પણ હતી ક્યાં ખબર
પડછાયો જ જ્યાં નડ્યો
મુજને મારો ?

4.

હસતાં હસતાં
જ્યારે આંખે એક ટીપું બાઝી જાય છે ને
સાવ ખૂણામાં
ત્યારે ત્યારે તારો હસતો ચહેરો
મારી આંખ સામે આવી ચડે છે
ઝીણી થતી તારી મરક મરક આંખ
અને ડાબા ગાલમાં પડતું તારું નાનું શું ખંજન
ફરીફરીને સામે આવતો એ ચહેરો
વણબોલેલાં શબ્દોનું
એ અડાબીડ વન
અને એમાં
હું ક્યાંય નજરે નથી ચડતો મને
કંઈ કેટલીયે વાર પાછું વાળવા ચાહું છું મનને
અને
આંખો થઈ જાય છે સ્તબ્ધ
જીવનની વરવી વાસ્તવિકતાએ
કે
આપણે હવે આપણે મટીને
બસ 'હું' માંજ અટવાઈ ગયાં છીએ
સદીઓથી...!!!

5.

એ મોરલા..
તને ને મને
વળગણ સઘળું
એકસરીખું છે...
માથે ચડવા
તું ખેરવે પિચ્છ
અને
હૃદયે વસવા
હું ય ખરું રોજ..
બનીને લાગણી...!!!

6.

કાના
તને વ્હાલી વાંસળી
ને વ્હાલુ તને
માથે મુકુટ મોરપિચ્છ
વાસળીનાં સૂરે
મારી
લાગણી રેલાય
ને
પિચ્છ સમ ખેરાય
મારો જીવ...!!!

7.

થયો અહેસાસ
મુજ અસ્તિત્વનો આજ
ને થયું
સ્પંદન વિશ્વાસનું
આ તે કેવું
નવાંકુરણ સ્નેહનું...
ભાસે હૃદયે
ઘૂઘવાટ સમ
કલશોર મધુરો પ્રેમનો
ને વાગે નગારા
ધ્રિબાંગ ધ્રિબાંગ
હૃદય ધબકાર
ન ઝાલ્યો જાય
જ્યાં આવ્યું તારું નામ
મુજ હોઠે આજ..!!!

8.

શ્વાસ તાજી હવાનો
કરી ગયો પુલકિત કંઈક એમ
કે તારા નામનો દરિયો
શ્વસાયો અંતરમાં
અને ધીરે રહીને
ચૂઈ ગયો
આંખનાં એક ખૂણામાં
ફર્ક તારા વિનાની સવારનો
આમ જુઓ તો કંઈ જ નથી
પણ હા
જુઓ જો એકવાર મારી આંખેથી સખી
સૂર્યકિરણની આગળ વાદળ છવાઈ જાય
અને ધૂંધળો પ્રકાશ
ભાસે પ્રકૃતિમાં રળિયામણો ભારે
અને તેમ છતાંયે
સૂર્યને બસ એક જ વસવસો
ધરા સુધી ન પહોંચી શક્યાનો
મારોય કંઈક એવોજ હાલ છે તારા વગર
તું જ મારી સવાર
અને તું જ મારું અજવાળું
હું બનું તારો ઈષ્ટ
અને તું મારી આરાધના
અને છતાં
વાદળો સૂર્યને ધૂંધળો ભલે કરે
એ અજવાળાંને ધરા સુધી આવતાં
ક્યાં રોકી શક્યા છે કોઈ'દિ
એમ જ મારો પ્રેમ પણ
વહ્યાં જ કરશે તારી જ તરફ આજીવન
અને તને મારાં પ્રેમનું તેજ
મળ્યાં જ કરશે અવિરત...!!!

9.

નજર સમક્ષ તને જોઈને
ધમણની જેમ ધબકારા લેવાં લાગતું મારું હૃદય
આજે તારી હાજરીનો
સોગ મનાવે છે
કંઈક એ રીતે
જાણે -
આંખે ઓઢ્યાં હો કાળા ચશ્મા
અને એય પણ
અમાસની અંધારી રાતમાં
નજરે ચડતું નથી કંઈપણ હવે
હા...
મધદરિયે તરતું જહાજ જેમ
શોધે નાની શી ઝબૂકતી દીવાદાંડીને
એમ જ આ નજરને બસ
તારા આગમનની ઝલકની જ
પ્રતિક્ષા છે બસ...!!!

10.

ઘડી ઘડી યાદ આવે
બા તારા શબદ્
એ મૂઈઈઈ....
ઓલું ચાટલું લાવ તો...
ઓસરીમાં બેસી
માથું ઓળવું તારું...
લીમડાંની કડવી સુગંધ
અને મીઠાં પવનની એ લહેર...
ખાટલામાં હૂક્કાનું ગુડ-ગુડ
અને બાપુનાં કડક ખોંખારા
સઘળુંય બસ પળવારમાં તાદ્રશ થાય છે
ચાર બંધ દિવાલનાં
મોટાં આ મહેલમાં
સરખાવવા ચાહું બંન્ને સમય
નથી હાથ લાગતું કંઈ
બસ એક જ સમાનતા છે
તારું ચાટલું...
અને મારાં દિવાનખંડનો મોટો અરીસો
દેખાડે છે બસ એક જ વાત...
સત્ય....
અને એ સત્યમાં
આ અરીસેથી ચાટલા સુધીની સફર
હું ખેડી લઉં છું હોં બા..!!!

11.

મેસેજની
આપ - લે
અને બંધાતા જતાં
નવા સંબંધો
બદલાતાં સમીકરણો
અને તોય
ખોટું છતાં મોટું એવું
ઓઢી લીધેલું
પ્રોફાઈલનું સ્ટેટસ
આ દોડ ને
ન તો કોઈ
દિશા છે
ન મંઝિલનું કોઈ નિશાન
અને તોય
ઘેટાંની જેમ
વધતો અને
બોમ્બેનાં ટ્રાફિક
કરતાંય વધુ
ધસમસતો એવો
આપણાં સૌનો
ગાડરિયો પ્રવાહ...!!!

12.

આજે સાફસફાઈ
કરતાં કરતાં
મળી આવ્યો છે
એક પત્ર..
ડૂચો બનેલો.....
આ એ જ તો પત્ર છે
જે મેં તને
લખ્યો હતો
કોઈ કાળે
પત્રમાંથી કાગળનાં ડૂચા જેવો
બની ગયેલ આપણ સંબંધ
આજે
હું કચરાપેટીમાં નાંખુ છું...
ક્યાંક આ
કાગળને ફરી
રિસાઈકલ થવા મળે
તો શક્ય છે કે
આપણાં આ સંબંધને
નવેસરથી લખાવાનો
મોકોય પણ મળે..!!!

13.

જીવનરૂપી કાવ્ય મારું હવે
વિસ્તરવા મથે છે
કારણ -
પ્રાસનાં બંધનમાં રહેવું થયું આકરું
તે હવે ગદ્ય બની
બનશે વૃક્ષોનાં વન
કે પછી
સમંદર મોજાં ઉછળતો
ક્યારેક બને આકાશ
તો ક્યારેક થાય તે વાદળ
કે પછી
રહેશે તે તળાવ માત્ર ?
મંડૂક જેવાં આ જીવનને સંઘરવા ?

14.

તમારાં નયનોથી
જોયું એક સજળ વિશ્વ
એ જ વિશ્વને પામવા કર્યાં અનેક ધમપછાડાઓ
પરંતુ
આ જ તભારાં નયનોએ
દેખાડ્યાં હતાં અનેક
ધોળાં દિવસનાં તારાઓ
આ જ તારાઓને આંખોથી ઓઝલ કરવાનાં ઈરાદે
આંખોમીંચી
પરંતુ
તમારા નયનોએ
કર્યાં અનેક દગાઓ
અને આ દગાઓને
ભૂલવાનો પ્રયત્ન એટલે
તમારાં જ નયનોથી
આજે રડી રહ્યો છું હું મારી આંખે
અવિરત અશ્રુધારા વહાવીને...!!!

15.

સૌથી મોટું તત્વ સમર્થન કેરું
દોરી જાય છે -
હરેક પળોમાં માત્ર ?
ના સમગ્ર - સર્વસ્વની દુનિયામાં
અને
આ જ સમર્થનનાં ભાર તળે
કચડાતો - દુભાતો - દબાતો
એવો હું
કરું છું તો પાછું એનુંય સમર્થન જ
અને ધીમે ધીમે
આ જ સમર્થન
કે જે મારું હતું કોઈ કાળે
તે મને એટલું તો વિહવળ બનાવી જાય છે કે
તેની ભયંકરતા
સહન ન કરી શકવાથી
હું પણ
ભયંકરતા દાખવવા અંગે
સમર્થન કરું છું મારી જ જાત સાથે...!!!

16.

આપણી વચ્ચે
વહે એક નદી
ન ક્યારેય એ ઊભી રહેતી
કહું એને કે રોકાઈ જા થોડું
ખળખળ કરતી એ મને કહેતી
મારે તો બસ વહેવાનું..
તું બોલ
ચાલીશ મારી સંગ ?
એ પૂછે ભલા મને આવું ?
હવે ભલા તમે જ કહો
વહી જવાય ખરું ?
ન ઊભુંય રહેવાય ?
બોલો હવે આપો જવાબ...
લાગણીનાં તે કાંઈ ઢગલા થતાં હોય ?
***
આજે આપણે નક્કી કર્યું કે
ચાલ કટકો કરીએ
તું તારામાંથી કાઢ મને
ને બસ
પોતપોતાનું કરીએ
બોલ ભલા
આને હલે જવાબ શો મારે દેવો.
છે કોઈ જવાબ ?
લાગણીનાં તે કંઈ કટકા થતાં હોય ?
***
વાત જ્યારે માંડી જ છે લાગણીની
તો ચાલને
થોડું લાગણી લાગણી રમીએ
તું થોડુંક શરમાઈ જા
ને હું ય લઉં હરખાઈ
એવું જ બસ પછી રહીએ
પછી આગળ જો ફાવી જશે
જરા વિચારી લઈશું
ને તોય જરા જો ન ફાવે
તો અંદર અંદર સમજી લેશું
હવે ભલા આને તે મારે શું કહેવું ?
બોલો છે જવાબ ?
કેમ... લાગણીનાં તે કાંઈ ગણિત હોતાં હોય ?

17.

આજનાં વરસાદી માહોલમાં...
ભીંજુ ભીંજુ થઈ રહેલ એક તૃણ....
બસ સ્તબ્ધ થઈને અનુભવી રહ્યું પવનને...
ક્યાં ઉડાડીને લઈ જઈશ મને...???
જરીક ધીરો જો તું પડ...
તો કિંકર્તવ્યમૂઢની ક્ષણો ને...
રહે સ્હેજ આરામ...
અને મારી ઓથે રહેલ કીડીની ન્યાતમાં..
ન વ્યાપે સન્નાટો...
ને પવન બસ એકદમ જ...
દિગ્મૂઢ....!!!

18.

ભાગ માંગવા
આવનાર
દિકરાને
કોઈ જઈને
કહેશો જરા ?
કે માંગી રહ્યો છે
જેની પાસે....
એનો જ એક
અંશ માત્ર છે એ..???
કે જન્મ આપે છે જે..
મારવાનો હક્ક પણ રાખે છે તે..
અને તેમ છતાંય...
મહાનતા જુઓ...
કે ----
એ જ મા...
પોતાનું ભાણું પણ રાખ્યા વિના...
દિકરાને
એનો હિસ્સો આપવા ચાલી ???

19.

શ્રધ્ધા ને
હોય જો
ઓળખવી તો...
બસ એકવાર
મારે આંગણે
તું રામ થઈને આવ...
વિશ્વાસથી સંઘરી રાખેલાં...
રોજ નવા તોડી તોડી
ખૂબ ભાવથી ચાખેલાં...
એઠાં તો એઠાં...
પણ તને
મીઠાં બોર
જમાડીશ હું..!!!

20.

કરેલાં વાયદાઓ નો ભાર
ખૂબ મીઠો હોય છે છતાં
જાહેરમાં
લાગણી વાવવાની
થાય ત્યારે...
તું આવી જાય
હકડેઠઠ પ્રેમ ભરીને આંખમાં...
ને શરમનો માર્યો હું
એને સીંચી પણ શકતો નથી....
તું પવનવેગે આવીને
મને બાઝી જ પડે છે...
અને મર્યાદાનો માર્યો હું
તને સ્પર્શી પણ શકતો નથી...
સમાજની વેદના ની
વરવી વાસ્તવિકતા..
લાચાર એવો હું
તને વર્ણવી શકતો પણ નથી...
જીવી તો નથી જ શકતો
તારા વગર..
ને તારા વગર
મરી પણ શકતો નથી

21.

વાંઝણી આ વેદનાઓ
ક્યારેય કંઈ જ નથી ઉપજાવી શકી
ન તારી યાદની મીઠાશ
ન તારી ગેરહાજરીનો શૂન્યાવકાશ
એને તો બસ તરફડવું જ ગમે છે
મારી એકાંતની ક્ષણોમાં
નર્યો ખાલીપો જ બસ
અને એ ખાલીપામાં
હું જોઈ શકું છું
મારી લાગણીને પારદર્શિતાથી
તારા નહીં હોવાની જિંદગી જાણે એને
કોઠે પડી ગઈ છે

22.

ચહેરો બસ દંભ કર્યા કરે છે
વેદનામય રહેવાનો
હા... કદાચ આ જ સત્ય હશે
કારણ બધે મ્હોરાં પહેરીને ચાલતા એવાં 'સ્વ'ને
આજ ન જાણે કેમ
પણ સત્ય સ્વીકારવાનું મન થઈ આવ્યું છે
ન હૃદય કહ્યામાં છે
ન સમય
બસ હવે આ બદનક્ષીનાં ભારતળે જીવવું
એનાં કરતાં તો
સત્ય સારું
કદાચ એનો કડવાટ અને એનું અસ્તિત્વ
મારી વેદનાને શમાવી શકે..!!!

23.

આંધી તુજ પ્રેમની
કરી ગઈ મુને એકલો..
અને....
એક ચક્રવાતની જેમ.... જ...
જોતજોતામાં પલટાઈ ગયું જીવન...
વંટોળ તારી યાદનો...
રોજેરોજ એનાં વમળમાં
ફસાતો અને તોય શ્વસાતો
એવો જીવ મારો...
રોજ રોજ...
કટકે કટકે...
જીવાતું જાય છે...
ઘડી ઘડી ઉપડે છે..
દુખાવો તુજ વિરહનો...
જાણે મસ મોટાં રણમાં...
ભમરી ઉડે થોડી રેત લઈ...
જાય છે દઝાડી સમગ્ર અસ્તિત્વને...
અને તેમ છતાંયે...
હું...
જ્વાળામુખી સમ...
સાવ સુષુપ્ત જ....!!!

24.

દીવા તળે અંધારું
એવું તે છાયું.....
તુજ વિરહની રાતમાં...
હૃદય એકલવાયું...
પ્રેમની વાત છે ન્યારી...
રોમ રોમ નીચોવાયું.....
ને ચોરે ને ચૌટે તેમ છતાંયે...
હૃદય ખૂબ વગોવાયું....

25.

રમતાં જોઉં છું ભૂલકાંઓને જ્યારે...
ક્યારેક..
બહાર મેદાનમાં...
એ.સી. રુમની ઠંડક..
ગૂંગળાવી મૂકે છે મને...
અને મનને પાંખો ફૂટે છે..
બારીમાંથી બહાર....
પાંજરામાંથી જેમ પંખી છૂટે તેમ..
હું ય મારા બાળપણમાં વિહરવા લાગું છું...
ભલેને સ્વપ્નમાં...
પણ બાળક થવાનો
આનંદ અનેરો હોય છે હોં દોસ્તો...!!

26.

રોજ રોજ મુજ કૂખે રોપાયેલ બીજનો...
મોટો થતો જાયે છે માંડવો...
હા વધાવો...
ને રમાડો..
હાથથી આપણાં રોજ... રોજ..
સ્હેજ આઘો થતો જાય છે...
દિકરી નામે..
એક મીઠો લાડવો....!!!

27.

બંધ બારણે
પોતાની સાથે
વાત કરીએ
અને
કોઈ જવાબ
હાથ ન લાગે
ત્યારે જે સતાવે
તે ખાલીપો...

28.

તારી આદત
મને
એટલી તો તીવ્ર છે કે
તારી ગેરહાજરીમાં
તારી વાતો...
અને
હાજરીમાં
તને અછોવાના...
આ સિવાયનો
સઘળો સમય
બસ જાય છે
તારી જ પ્રતિક્ષામાં....!!!

29.

હઠ
જ્યાં સુધી હો
તુજ પ્રેમની
ઠીક છે
આગ્રહ તારોય
જો એમાં ભળે
ઠીક છે
જીદ્દ ક્યાં ક્યારેય
કોઈની મોહતાજ
હોય છે
ઝીલવી જ જો હો
હૃદયથી ઝીલો....
આ પ્રેમની
ખૂબ ભારે
જીક છે.