Darna Mana Hai-20 સદીઓ જૂની ભૂતાવળ Mayur Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Darna Mana Hai-20 સદીઓ જૂની ભૂતાવળ

ડરના મના હૈ

Article - 20

સદીઓ જૂની ભૂતાવળ

મયૂર પટેલ

ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સદીઓ જૂની ભૂતાવળ

‘એનિસન્ટ રેમ ઈન’માં જનસામાન્ય માટે પ્રવેશબંધી કેમ હતી?

ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયર પરગણામાં આવેલું મકાન ‘એનિસન્ટ રેમ ઈન’ વર્ષોથી નહીં, પરંતુ સદીઓથી ભૂતાવળું છે. માની ન શકાય એવી છતાં આ એક સાચી વાત છે. આજથી લગભગ પોણા નવસો વર્ષો અગાઉ છેક ઈ.સ. ૧૧૪૨ની સાલમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ સમયે આ મકાનની માલિકી એક ચર્ચની હતી. આ સ્થળે ‘સેઈન્ટ મેરી’ ચર્ચનું નિર્માણ થતું હતું એ દરમિયાન ચર્ચના બાંધકામમાં લાગેલા મજૂરો ‘એનિસન્ટ રેમ ઈન’માં રહેતા હતા. ચર્ચનું બાંધકામ પૂરૂં થઈ ગયા બાદ ચર્ચના મુખ્ય પાદરીએ આ મકાનને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. કેટલાંક અકળ કારણોસર સામાન્ય જનતાને એ મકાનમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. વ્યક્તિ ગમે એટલી પૈસાદાર હોય કે લાગવગવાળી હોય, તો પણ તેને આ મકાનમાં દાખલ થવા દેવામાં આવતી નહોતી. ધનવાન ઉમરાવો અને જમીનદારો તો ઠીક સર્વસત્તાધીશ રાજા-મહારાજાઓ માટેય આ મકાનમાં પ્રવેશબંધી હતી. યુરોપના તમામ દેશો એ જમાનામાં સામાજિક અંધકારમાં ડૂબેલા હતા. ચર્ચના વડાઓ ધર્મનો ડર બતાવી જનસમૂહના માનસ પર રાજ કરતા હતા. ચર્ચના સંચાલકોને સમાજનું બહોળું અને આંધળું સમર્થન મળતું હોવાથી ભલભલા ચરમબંધીઓ પણ ચર્ચના કામ અને નિર્ણયોમાં દખલ દેતા નહોતા. અને એ જ સ્થિતિનો ફાયદો ‘સેઈન્ટ મેરી’ ચર્ચના સંચાલકો પણ મેળવતા હતા. ચર્ચ સાથે સંકળાયેલા લોકો સિવાય અન્ય સૌ કોઈ માટે ‘એનિસન્ટ રેમ ઈન’માં પ્રવેશબંધી હોવાથી એ મકાનની આસપાસ સ્વાભાવિકપણે રહસ્યનું આવરણ ચઢી ગયું હતું. એ મકાનમાં એવું તો શું હતું એની ચર્ચા ગ્લોસ્ટરશાયરના રહેવાસીઓમાં થતી રહેતી અને જાતજાતની અફવાઓ સાંભળવા મળતી.

રહસ્યમય મકાનમાં ભાડૂતોને થયેલા ભૂતિયા અનુભવોઃ

અમુક વર્ષો બાદ પાદરીએ ‘એનિસન્ટ રેમ ઈન’ ખાલી કરી દીધું અને પછીથી એ મકાન કોઈને ભાડે આપી દેવામાં આવ્યું. નવા ભાડૂતે પણ માત્ર થોડા જ દિવસ બાદ મકાન ખાલી કરી દીધું. જોકે કોઈ અકળ કારણોસર તેના ઘર છોડી જવા પાછળના કારણને ચર્ચ દ્વારા જાહેર નહોતું કરાયું. ચર્ચના ટ્રસ્ટીઓએ કોઈ અન્ય ભાડૂત શોધી કાઢ્‌યો, પરંતુ તે પણ એ રહસ્યમય મકાનમાં વધુ દિવસો ન રોકાયો. મકાન ચર્ચથી માંડ થોડાક જ મીટર છેટે આવેલું હોવાથી ચર્ચના સાંનિધ્યમાં રહેવાનો લહાવો મેળવવા માટે આસ્થાળુ લોકો ત્યાં ભાડૂત તરીકે રહેવા આવતા, પરંતુ કોઈ પણ પરિવાર ત્યાં લાંબો સમય વસવાટ કરી ન શકતા. ચર્ચની પ્રતિષ્ઠા સારી હોવાથી ‘એનિસન્ટ રેમ ઈન’ને ભાડૂત મેળવવામાં કદી મુશ્કેલી ન પડી, પરંતુ એ મકાન જાણે કે કદી કોઈ એક માલિકનું થવા સર્જાયું જ નહોતું. મકાન ખાલી કરીને ગયેલા મોટા ભાગના લોકો ચર્ચના સંચાલકોને નારાજ કરવા ઈચ્છતા ન હોવાથી મકાન છોડવા બદલ સાવ ક્ષુલ્લક કારણો આપતા, પરંતુ હકીકત કંઈક બીજી જ હતી. શહેરમાં ધીમે ધીમે વાતો ફેલાવા લાગી કે ‘એનિસન્ટ રેમ ઈન’માં ભૂતો થતાં હતાં! મકાનમાં રહેનારા લોકોને ભારે બેચેની અને સતત માનસિક તાણનો અનુભવ થતો. મકાનનાં ખૂણાઓમાં રહસ્યમય અવાજો સંભળાતા. ચીજવસ્તુઓ આપોઆપ ફર્શ પર પડી જતી અને નાના-મોટા અકસ્માતો તો થયા જ કરતાં. શારીરિક અને માનસિક રીતે વ્યગ્ર રહેણાંક છેવટે મકાન છોડીને ભાગી જતો. ચર્ચની શાખ જાળવી રાખવા માટે ચર્ચના સંચાલકોએ એકથી વધુ વખત જાહેરમંચ પરથી ‘એનિસન્ટ રેમ ઈન’ સાથે સંકળાયેલી અફવાઓને પાયાવિહોણી જણાવી એવી અફવાઓને રદિયો આપ્યો, પરંતુ ખરેખર એ ઘરમાં કંઈક તો એવું હતું જ કે જે અકળ, રહસ્યમય અને પજવણીકારક હતું.

મકાન વિશે ઊડતી અફવાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જતી હોવાથી છેવટે ચર્ચે તેને વેચી નાખવાનો નિર્ણય લીધો. તેમને ડર હતો કે, રખેને ભવિષ્યમાં કોઈ ખરીદનાર જ ન મળે અને આટલી વિશાળ પ્રોપર્ટી ખંડેરમાં ફેરવાઈ જાય! છેવટે ચર્ચની સમસ્યાનો અંત આવ્યો અને મકાન એક જમીનદારને વેચી દેવામાં આવ્યું. એ સમસ્યાકારક મકાન હવે ચર્ચની સમસ્યા રહ્યું નહોતું. અન્યોની જેમ પેલા જમીનદારના કુટુંબને પણ મકાનમાં અસામાન્ય અનુભવો થવા લાગ્યા, જેની પહેલાં તો તેમણે અવગણના કરી, પરંતુ છાશવારે બનતી રહસ્યમય ઘટનાઓ અને લોકવાયકાઓને ધ્યાનમાં રાખી તેમણે ઘરમાં ભૂતપ્રેત ભગાડનારને બોલાવ્યો. એનાથી કંઈ પણ ફાયદો થયો નહીં અને ભૂતાળવી પ્રવૃત્તિઓ ચાલતી જ રહી. છેવટે જમીનદારે ચાલાકી વાપરીને થોડી ખોટ ખાઈને એક દૂરના સંબંધીને એ મકાન વેચી માર્યું.

આમ કરતાં કરતાં ‘એનિસન્ટ રેમ ઈન’ના માલિકો સતત બદલાતા ગયા. નવો માલિક ખૂબ ઉત્સાહપૂર્વક આ ભવ્ય મકાનમાં રહેવા આવતો અને થોડા દિવસો બાદ ડરનો માર્યો મકાન ખાલી કરીને ભાગી જતો. ગળે પડેલા એ મકાનને તે ગમે એમ કરી બીજાને પધરાવી દેતો, પણ એ ભૂતિયું મકાન કોઈ પણ માણસને ત્યાં કાયમી વસવાટ કરવા દેતું નહોતું. ચલકચલાણી સમો આ ઘટનાક્રમ વર્ષો, દાયકાઓ અને સદીઓ સુધી ચાલતો રહ્યો! પણ ‘એનિસન્ટ રેમ ઈન’ કોઈનું ન થયું તે ન જ થયું!

ભૂતાવળોએ એના દિલોદિમાગ પર કબજો જમાવ્યો અને...

ઈ.સ. ૧૮૧૦માં ‘એનિસન્ટ રેમ ઈન’ને નવો માલિક મળ્યો. નામ એનું રોજર વૂડ. પત્ની અને બે બાળકો સાથે એ મકાનમાં રહેવા આવ્યા બાદ રોજરને પણ ભૂતિયા અનુભવો થવા લાગ્યા. રાતે વ્યવસ્થિત રીતે ગોઠવેલો સામાન સવારે ખેદાનમેદાન થઈ જતો. રાંધેલો ખોરાક રસોડામાં વેરણછેરણ પડેલો મળી આવતો અને મકાનનાં પહેલા માળે કોઈકનાં પગરવ સંભળાતાં. પત્ની અને બાળકો ડરી ગયેલાં હોવા છતાં રોજર એ મકાન છોડવા તૈયાર નહોતો. મકાનનાં ભૂતોએ છેવટે રોજરને જ શિકાર બનાવ્યો. તેના દિલોદિમાગ પર શેતાની ભૂતાવળો સવાર થઈ ગઈ. તેને શંકા થવા લાગી કે તેની પત્નીને અન્ય પુરૂષો સાથે આડા સંબંધ હતા. આ શંકા તેમની વચ્ચે વારંવાર ઝઘડાનું કારણ બનવા લાગી. રોજર પોતાની પત્નીની મારઝૂડ પણ કરવા લાગ્યો. પત્નીની બેવફાઈની શંકાને લીધે તે ચિક્કાર દારૂ પીવા લાગ્યો અને એમાં તેનું કુટુંબ બરબાદ થવા લાગ્યું. પતિ-પત્નીની વચ્ચે હવે દરરોજ ઝઘડા થતાં. આવા જ એક ઝઘડા દરમિયાન ગુસ્સામાં આવીને રોજરે તેની પત્નીની હત્યા કરી દીધી. તેના એ પાપના સાક્ષી તેનાં બાળકો હોવાથી તેણે પોતાના બંને નિર્દોષ બાળકોને પણ રહેંસી નાખ્યાં. ત્રણે લાશોને તેણે કમ્પાઉન્ડમાં રાતના સમયે દાટી દીધી. તેણે કરેલા પાપ બદલ તેને પસ્તાવો થતો હતો, પરંતુ એ બદલ તે પોતાના ઘરમાં રહેતી આસુરી શક્તિઓને દોષ્િાત માનતો હતો, જે એક હકીકત હતી. તે ઘર છોડવા તૈયાર નહોતો એટલે તેના દિલોદિમાગનો કબજો લઈ ભૂતોએ જ તેની પાસે સામૂહિક હત્યાકાંડનું અધમ કૃત્ય કરાવ્યું હતું. કોહવાયેલી લાશોની વાસે ચાર-પાંચ દિવસો બાદ વાતાવરણને પ્રદૂષ્િાત કરી દીધું. કોઈકે સ્થાનિક પોલીસને આ બાબતમાં જણાવ્યું. પોલીસે રોજરનું ઘર ખોલાવ્યું તો તેના બેડરૂમમાં તેની લાશ મળી આવી. ભૂતોએ તેનો પણ ખેલ ખતમ કરી દીધો હતો. લાશની નજીક એક પત્ર પડયો હતો, જે રોજરનું કબૂલાતનામું હતો. તેણે પોતાનાં પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો હતો અને એ બદલ ઘરમાં રહેતાં ભૂતોને દોષ દીધો હતો. વહેલુંમોડું તેને પોતાને પણ મોત મળવાનું જ હતું એ વાતની તેને અગાઉથી જ ખબર પડી ગઈ હતી. હકીકતમાં તો ઘરમાં વસતા ભૂતોએ જ તેને બધી રીતે વિવશ કરી દીધો હતો. પોલીસે તમામ લાશો શોધી કાઢીને તેમના વિધિપૂર્વક અંતિમસંસ્કાર કરાવી દીધા. રોજરના મકાનને તાળું મારી દેવામાં આવ્યું. મકાનમાં વસતા ભૂતો હવે કદાચ વધુ ખુશ હતાં કેમ કે દાયકાઓ સુધી ત્યાં કોઈ રહેવા આવવાનું નહોતું.

ભૂતો સામે મેદાને પડેલો ભડવીરઃ જ્હોન હમ્ફ્રીક

રોજર મૂરના પરિવારની દુર્ઘટના ઘટ્‌યા બાદ પૂરા ૧૫૮ વર્ષો સુધી ‘એનિસન્ટ રેમ ઈન’ને તાળું લાગેલું રહ્યું. દાયકાઓ વીતી ગયા અને પેઢીઓ બદલાઈ ગઈ એટલે એ મકાન સાથે સંકળાયેલા ભૂતિયા ભૂતકાળની ચર્ચાઓ અને અફવાઓ પણ શાંત પડી ગઈ. છેક ૧૯૬૮ની સાલમાં જ્હોન હમ્ફ્રીક નામની વ્યક્તિએ એ મકાન ખરીદ્યું. આધુનિક વિચારો ધરાવતો જ્હોન ભૂત-પ્રેત જેવી બાબતોને અંધશ્રદ્ધા અને નબળા મનનો વહેમ માનતો હતો. અમુક સ્થાનિક લોકોએ તેને એ મકાન ખરીદતી વખતે ચેતવ્યો ત્યારે જ્હોન એવી મજાક કરી કે, આટલા વર્ષો સુધી અહીં કોઈ રહેવા નથી આવ્યું એટલે હવે તો એમાં રહેતા ભૂતોય થાકીને જતા રહ્યા હશે. પણ એમ કંઈ શેતાની શક્તિઓ હાર માને!

‘એનિસન્ટ રેમ ઈન’ વર્ષોથી બંધ પડયું હોવાથી જર્જરિત હાલતમાં હતું. જ્હોને ભારે ખર્ચો કરીને મકાનનું સમારકામ કરાવ્યું. શરૂઆતના થોડા દિવસો શાંતિથી વીત્યા બાદ તેને પણ ભૂતાવળના પરચા થવા લાગ્યા. એક રાતે તે પોતાના બેડ પર સૂતો હતો ત્યારે તેણે પોતાના પગ પર બે ઠંડા હાથોનો સ્પર્શ અનુભવ્યો. હજી તો તે કંઈ સમજે-કરે એ પહેલાં જ પેલા અદૃશ્ય હાથોની પકડ તેના પગ ઉપર મજબૂત રીતે વીંટળાઈ ગઈ અને તેને પલંગ પરથી નીચે ઘસડી કાઢ્‌યો. જ્હોનની પત્ની આ હુમલાથી સખ્ખત ડરી ગઈ. બીજી જ સવારે તે તેની ત્રણ દીકરીઓ સાથે ઘર છોડી ગઈ. લાખ સમજાવવા છતાં જ્હોન તેમની સાથે ગયો નહીં. તેને હવે એ મકાનમાં રહેતાં ભૂતોનાં રહસ્યનો તાગ પામવાની તાલાવેલી લાગી હતી. કોઈક જાસૂસની અદામાં તેણે પોતાનું સંશોધનકાર્ય શરૂ કર્યું. મકાનના એકેએક ખૂણાને ફંફોસવાની તેણે શરૂઆત કરી. તેના ધારવા કરતાં ઘણાં વધારે રહસ્યો ધરબીને એ મકાન બેઠું હતું. મકાનનાં ભોંયતળિયે આવેલા દાદરની ફર્શ નીચે ખોદકામ કરતાં અનેક બાળકોનાં હાડકાં, લોખંડના ઓજારો અને કેટલાંક રહસ્યમય પ્રતીકો મળી આવ્યાં. સાફ વાત હતી કે એ બાળકોનો બલિ ચઢાવવામાં આવ્યો હતો. તંત્રવિદ્યાની સાધના માટે! મકાનના ભોંયરામાં એક છૂપી ટનલ મળી આવી જેનો બીજો છેડો પેલા ‘સેઈન્ટ મેરી’ ચર્ચના ભોંયરામાં ખૂલતો હતો! ભૂતકાળમાં એ ચર્ચ અને ‘એનિસન્ટ રેમ ઈન’ એ બે મકાનો વચ્ચે આવન-જાવન માટે એ ટનલનો ઉપયોગ થતો હતો. સ્થાનિક લાઈબ્રેરીમાં ગ્લોસ્ટરશાયર શહેરના ઈતિહાસ વિશેનાં પુસ્તકો ફંફોસીને જ્હોને શોધી કાઢ્‌યું કે ‘એનિસન્ટ રેમ ઈન’ જે જગ્યાએ ઊભું હતું ત્યાં દસમી સદીમાં એક કબ્રસ્તાન હતું અને વર્ષો સુધી ત્યાં લોકોને દફનાવવામાં આવતા હતા. એટલા માટે જ એ મકાનમાં એક નહીં, પરંતુ અનેક ભૂતોનો વાસ હતો. ૧૧મી-૧૨મી સદીમાં યુરોપ જ્યારે ભારે પછાત અવસ્થામાં હતું ત્યારે કોઈ વિશેષ કાનૂની તપાસ કર્યા વિના જ સ્ત્રીઓ પર, ખાસ કરીને વિધવા સ્ત્રીઓ પર, ડાકણ હોવાનો આરોપ લગાવીને તેમને જમીનમાં જીવતી દાટી દેવામાં આવતી હતી. આવી એક સ્ત્રીને એ કબ્રસ્તાનમાં જીવતી દાટી દેવામાં આવી હતી અને પાછળથી તેનું ભૂત પણ મકાન પર કબજો જમાવી બેઠું હતું. મકાનના પહેલા માળના એક રૂમને ‘વિચીઝ રૂમ’ (ડાકણનો રૂમ) એવું નામ પણ આપવામાં આવ્યું હતું.

‘એનિસન્ટ રેમ ઈન’માં ભૂતાવળ થતી હોવાના આટઆટલા અનુભવો અને સાબિતીઓ બાદ પણ જ્હોન હમ્ફ્રીઝ એ મકાન છોડવા તૈયાર નહોતો. આશ્ચર્યજનક બાબત તો એ હતી કે મકાનમાં તેણે કરેલા ખોદકામ અને અન્ય તપાસ વખતે કોઈ પણ ભૂતે તેને સહેજ પણ હેરાન કર્યો નહોતો. કદાચ તેઓ ઈચ્છતા હતા કે જ્હોન દુનિયા સામે એ મકાનની હકીકત છતી કરે. પાછલાં વર્ષોમાં એ મકાનમાં ભૂતોનો ઉપદ્રવ ખૂબ ઓછો થઈ ગયો. ભૂતોએ જ્હોનને સતાવવાનું ધીમે ધીમે બંધ કરી દીધું અને વર્ષો સુધી એ જ ભૂતાળવા મકાનમાં એકલા રહ્યા બાદ ૮૦ વર્ષની વયે જ્હોન હમ્ફ્રીઝનું કુદરતી અવસ્થામાં મૃત્યુ થયું. તેનાં મૃત્યુ બાદ મકાનને હંમેશ માટે તાળું મારી દેવામાં આવ્યું. ગ્લોસ્ટરશાયરમાં આજે પણ એ ભૂતિયું મકાન જેમનું તેમ ઊભું છે અને ત્યાં જતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે, આજની ઘડીએ પણ કોઈક વાર કોઈક પ્રવાસીને ત્યાં, એ મકાનમાં, કંઈક દેખાય જાય છે.