ડરના મના હૈ
Article 9
કેલ્ગરી: આખે આખું શહેર જ ભૂતિયું!
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
કોઈ એક મકાનમાં કે સ્થળે ભૂતાવળ થતી હોય એવું તો આ દુનિયામાં ઘણી જગ્યાએ બનતું હોય છે, પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ આવેલું છે કે જ્યાં અગણિત સંખ્યામાં ભૂતિયાં મકાનો આવેલાં છે. જાણે કે, આખું શહેર જ ભૂતિયા! કેનેડા દેશના આલ્બર્ટા પ્રાંતમાં આવેલું કેલ્ગરી આવું જ એક ભૂતિયા શહેર છે. કેલ્ગરીમાં અનેક એવા સ્થળો અને મકાનો છે જ્યાં ભૂતાવળ દેખા દે છે.
સો વર્ષથી વધુ જૂના કેલ્ગરી શહેરના હોન્ટેડ મકાનોમાં સૌથી વધુ જાણીતું નામ છે, ‘ધ ડીન હાઉસ’ નામનું મકાન. ઈ.સ. ૧૯૦૬માં રોયલ નોર્થ-વેસ્ટ માઉન્ટેડ પોલીસનાં સુપરિટેન્ડન્ટ રિચાર્ડ બર્ટન ડીન માટે આ ‘ડીન હાઉસ’ બનાવવામાં આવ્યું હતું. ‘બો’ નામની નદીના કિનારે બનેલું ‘ડીન હાઉસ’ મોબાઈલ (એક સ્થળેથી બીજે સ્થળે ખસેડી શકાય એવું) હતું. ડીન હાઉસને કેનેડાના સૌથી ભૂતિયા ઘર તરીકે ભારે નામના મળી છે. અનેક લોકોએ આ ઘરમાં આકસ્મિક રીતે જીવ ગુમાવ્યો છે.
આ મકાનના માલિક અન્યત્ર રહેવા જતાં રહેતા ઈ.સ. ૧૯૩૦માં ડીન હાઉસને ખસેડીને બૉ નદીના સામા કિનારે વધુ મોકાની જગ્યાએ લઈ જવામાં આવ્યું અને ત્યાં તેને ગેસ્ટ હાઉસમાં ફેરવી દેવાયું. બે-ત્રણ વર્ષ બધું બરાબર ચાલ્યું, પણ પછી દુર્ઘટનાઓનો એક વણઅટક્યો સિલસિલો શરૂ થયો. ઈ.સ. ૧૯૩૩માં હાઉસમાં અપમૃત્યુના બનાવો બનવાની શરૂઆત થઈ. એ સમયે અહીં એક આધેડ વયનો પુરુષ તેના કિશોર વયના દીકરા બ્રેન્ડન સાથે ભાડૂત તરીકે રહેતો હતો. બ્રેન્ડન એપિલેપ્સી (વાઇ) નામની બીમારીથી પીડાતો હતો. એની બીમારીને લીધે શાળામાં તેના સહાધ્યાયીઓ તેની ભારે મજાક ઉડાવતા હતા. સતત મશ્કરીનો ભોગ બનતો બ્રેન્ડન હતાશા અનુભવવા લાગ્યો. તેને ડિપ્રેશન થઈ ગયું અને ડિપ્રેશનની ચરમસીમામાં એક દિવસ તેણે ડીન હાઉસના માળિયામાં આત્મહત્યા કરી લીધી.
બ્રેન્ડનના આપઘાત બાદ ડીન હાઉસમાં ઘણા લોકો અકાળ અવસાન પામતા રહ્યા. ડીન હાઉસમાં રહેવા આવેલી એક મધ્યવયસ્ક મહિલાએ ડીન હાઉસના બીજા માળની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી. નદીના પથરાળ કિનારે પટકાતાં તેની ખોપરીના ભૂક્કા બોલાઈ ગયા અને છૂંદાયેલો ચહેરો વિકૃત થઈ ગયો. તેની આત્મહત્યાનું કારણ હંમેશ માટે અજાણ્યું જ રહ્યું. આવા જ બીજા એક અજાણ્યા પ્રવાસીનું આકસ્મિક મોત ડીન હાઉસના દાદર પરથી ગબડી પડતાં બ્રેનહેમરેજ થઈ જતાં થઈ ગયું. એ ડીન હાઉસનું મુખ્ય પ્રવેશદ્વાર જ હતું જ્યાં માર્ટિન નામના એક દારૂડિયાની હત્યા તેના જ મિત્રએ ગોળી મારીને કરી હતી.
જોકે, ડીન હાઉસમાં બનેલો હત્યા-આત્મહત્યાનો જે લોહિયાળ બનાવ સૌથી વધુ ચર્ચાયો અને જાણીતો થયો હતો તે ઈ.સ. ૧૯પરમાં બન્યો હતો. ઈર્મા અમ્પરવિલે નામની એક મહિલા ડીન હાઉસમાં રોકાઈ હતી. પોતાના પતિ રોડ્રિકની મારપીટ અને ગાળાગાળીથી કંટાળીને તે ઘર છોડીને ભાગી આવી હતી. તેની સાથે તેનાં બે બાળકો પણ હતાં. ડીન હાઉસમાં રાત્રિ રોકાણ બાદ સવારે ત્યાંથી પલાયલ થઈ જવાની ઈર્માની ગણતરી હતી, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. તે નહોતી જાણતી કે તેનું પગેરું દબાવતો તેનો પતિ તેની પાછળ પાછળ જ આવી રહ્યો હતો. ગમે તેમ કરીને રોડ્રિકે ઈર્માનું ઠામ-ઠેકાણું શોધી લીધું અને ડીન હાઉસના જે કમરામાં તે રોકાઈ હતી ત્યાં તે જઈ ચડ્યો. પતિ-પત્ની વચ્ચે ભારે ઝઘડો થયો અને ઉશ્કેરાટમાં આવી રોડ્રિકે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી ઈર્માની હત્યા કરી દીધી. પાછળથી પોતાના અણવિચાર્યા પગલા બદલ પસ્તાવો થતાં તેણે પોતે પણ આપઘાત કરી લીધો. સૌથી ભયાનક બાબત એ હતી કે, આ લોહિયાળ પ્રસંગ ઈર્મા-રોડ્રિકનાં બંને માસૂમ બાળકોની આંખો સામે બન્યો હતો!
ભૂતિયા સ્થળોની મુલાકાત લઈ ભૂતપ્રેતના અસ્તિત્વ વિશે સંશોધન ચલાવતી સંસ્થા ‘ધી કેલ્ગરી એસોસિયેશન ઓફ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેશન’એ એકથી વધુ અપમૃત્યુના સાક્ષી બનેલા ડીન હાઉસને ‘હોન્ટેડ’ જાહેર કર્યા બાદ લોકોની ઉત્સુકતા આ મકાન બાબતે વધી ગઈ. ડીન હાઉસની ફોયરમાં અડધી રાતે કોઈ અદૃશ્ય વ્યક્તિનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાતો. હાઉસમાં ધૂમ્રપાન પ્રતિબંધિત હોવા છતાં હાઉસનાં બિયરબારમાં ઘણી વાર તમાકુ બળવાની ગંધ આવતી, જાણે કે કોઈ વ્યક્તિ સિગાર ફૂંકી રહી હોય. નજર સામે દેખાતી કોઈ પણ વ્યક્તિ ધૂમ્રપાન ન કરતી હોવા છતાં લોકોને બારમાં તમાકુની ગંધ જણાતી. ડીન હાઉસના ફોયરમાં જ એક ખૂણામાં એક એન્ટિક ફોન રાખવામાં આવ્યો હતો. માત્ર શૉ-પીસ તરીકે રાખવામાં આવેલો એ ફોન વર્ષોથી બંધ હોવા છતાં ઘણી વાર રણકી ઊઠતો! આવું બને ત્યારે હાઉસના સ્ટાફમાં સોપો પડી જતો. કોઈ પણ વ્યક્તિ એ ફોનનું રિસીવર ઊઠાવવાની હિંમત કરતું નહીં. હાઉસના સૌથી ઊપલા માળનો વપરાશ વર્ષોથી બંધ હતો અને તેનો ઉપયોગ ભાગ્યે જ થતો. છતાં પણ ક્યારેક ઉપરના માળે કોઈકનાં પગલાંનો અવાજ સંભળાતો. બીજા માળે આવેલી બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી ચૂકેલી સ્ત્રીનો આત્મા કાચની એ જ બારી પાસે અનેક વાર બેઠેલો જોવા મળતો હતો. જાણે કંઈ વિચારતી હોય એમ ગુમસુમ બનીને તે એ બારી પાસે બેઠી રહેતી. કોઈને કંઈ નુકસાન ન પહોંચાડનારી એ પ્રેતાત્મા દેખાવે એટલી બધી જીવંત લાગતી કે ઘણી વાર હાઉસમાં રોકાયેલા પ્રવાસીઓ તેની સાથે વાતો કરવાની કોશિશ કરતા. કોઈક તેને બોલાવે તો તરત તેનો આત્મા અદૃશ્ય થઈ જતો.
૧૯૯૦માં સી.એફ.સી.એન. નામની એક લોકલ ટી.વી. ચેનલે ભૂતપ્રેત વિશે સંશોધન કરતી માર્થા નામની એક નિષ્ણાત મહિલાને ડીન હાઉસમાં મોકલી. હાઉસમાં રહેતી બે આત્માઓ સાથે સંપર્ક સાધવામાં માર્થાને સફળતા મળી. બે પૈકી એક આત્મા બંદૂકની ગોળીથી મરેલા દારૂડિયા માર્ટિનની હતી. માર્થા ડીન હાઉસના વિશાળ સ્ટોરરૂમમાં ફરી રહી હતી ત્યારે ત્યાં તેને આદિવાસી જેવો દેખાતો એક ઘરડો માણસ મળ્યો. માર્થા તરફ જોઈ ધમકીભર્યા સૂરમાં તે ચિલ્લાયો, ‘તું એક પવિત્ર ભૂમિ પર ઊભેલી છે અને અહીં આવવાનો તને કોઈ હક નથી. શા માટે તમે લોકો અમને એકલા નથી છોડી દેતા?’
ગભરાયેલી માર્થા સ્ટોરરૂમની બહાર ભાગી. ડીન હાઉસના સ્ટાફને તેણે પેલા માણસ વિશે જણાવ્યું. તપાસ કરવા બે-ત્રણ જણ સ્ટોરરૂમમાં ગયા તો ત્યાં ભેંકાર ખામોશી છવાયેલી હતી. માર્થા જે વ્યક્તિને જોયાની વાતો કરી રહી હતી એવી કોઇ વ્યક્તિ ત્યાં નહોતી. પછીથી માર્થાએ ખણખોદ કરીને શોધી કાઢ્યું કે, જે સ્થળે ડીન હાઉસ ઊભું હતું ત્યાં સદીઓ અગાઉ સ્થાનિક આદિવાસીઓની એક વસાહત હતી, મૃત આદિવાસીઓને ત્યાંની જમીનમાં દફનાવવામાં આવતા અને એવા જ કોઈ આદિવાસીનું ભૂત માર્થાને ડીન હાઉસના સ્ટોરરૂમમાં દેખાયું હતું.
હાઉસની સુપરવાઈઝર મિસિસ સ્નેઇડરમિલરે અનેક વાર હાઉસના ટોપ ફ્લોરમાં ‘પિયાનો’ વાગવાનો અવાજ સાંભળ્યો હતો. ત્યાં કોણ હોઈ શકે એની તપાસ કરવા માટે સુપરવાઈઝર ઉપર જતી અને જે કમરામાંથી અવાજ આવતો એનો દરવાજો ખોલતી, તો એ સાથે જ પિયાનો વાગવાનું બંધ થઈ જતું. કમરામાં નજર ફેરવતી તે દરવાજામાં ઊભી રહેતી ત્યારે ઠંડી હવાની એક લહેર તેની બાજુમાંથી પસાર થઈ જતી તેને અનુભવાતી. જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ બાજુમાંથી પસાર થઈ ગઈ હોય!
ડીન હાઉસના માળિયામાં લાકડાનું એક કબાટ હતું. એ કબાટમાં લોહીનો એક ડાઘો દેખાતો. ખાસ્સા મોટા કદના એ ડાઘને નોકરો સાફ કરી દેતા પણ બીજે દિવસે ફરી એ જ સ્થાને એવો જ ડાઘ ઊપસી આવતો! ગમે એવા કેમિકલથી સાફ કરવા છતાં એ ડાઘને કદી સાફ કરી શકાતો નહીં. બીજી હેરતજનક બાબત એ હતી કે એ કબાટને કદી તાળું મારી શકાતું નહી. ગમે એટલું મોટું અને મજબૂત તાળું મારવામાં આવે તો પણ એ તાળું બીજા દિવસે સવારે તૂટેલી અવસ્થામાં ફર્શ પર પડેલું મળી આવતું.
કેલ્ગરી શહેરમાં આવેલું ડીન હાઉસ કોઈ એકમાત્ર ભૂતિયા મકાન નહોતું. તેના સિવાય પણ અનેક એવાં મકાનો છે જેમાં વર્ષોવર્ષ ભૂતાવળ થતી આવી છે. ‘ક્રોસ હાઉસ’ નામની એક રેસ્ટોરાંની પોતાની એક કરુણ કથા છે. રેસ્ટોરાંના માલિક મિ. ક્રોસના બે બાળકો એક વખત ભયાનક બીમારીમાં સપડાયાં અને ભારે શારીરિક યાતના વેઠીને ગુજરી ગયા. બંને બાળકોના હસવાના અવાજ આજે પણ એ રેસ્ટોરાંમાં સંભળાય છે. કેટલાક લોકોએ તો એ બાળકોને રેસ્ટોરાંની પરસાળમાં રમતાં, ધમાચકડી મચાવતાં પણ જોયાં હોવાનો દાવો કર્યો છે.
કેલ્ગરીના “સેન’સ ફૂડ એન્ડ ડ્રિંક” નામની રેસ્ટોરાં કમ બારના એક બાથરૂમમાં કોઈક અજાણ્યા પ્રવાસીનું ભૂત થાય છે. દરરોજ રાતે બાર બંધ કરતાં પહેલાં એ વણવપરાતા બાથરૂમના દરવાજાની બહાર બિયરનું એક કેન મૂકી દેવામાં આવે છે, જે સવારે ખાલી થઈ ગયું હોય છે.
‘પ્રિન્સ હાઉસ’ નામના એક અન્ય મકાનમાં એક અત્યંત ખૂબસૂરત સ્ત્રીનું ભૂત થાય છે. એક નવજાત બાળકને તેડીને તે મકાનની બાલ્કનીમાં દેખાતી રહે છે. મકાનની નજીકથી પસાર થતા લોકો તરફ તે નિર્દોષ મુસ્કુરાહટ રેલાવતી રહે છે. વર્ષોથી બંધ પડેલા એ મકાનમાં ઈલેક્ટ્રિસિટીનું કોઈ કનેકશન ન હોવા છતાં ઘણી વાર મકાનની બારીઓમાંથી ઝળહળતો પ્રકાશ રેલાતો દેખાય છે.
‘કેન્મોર ઓપેરા હાઉસ’ નામના થિયેટરમાં સ્થાનિક રહેવાસી સેમ લિવિંગસ્ટોનનું પ્રેત અવારનવાર દેખા દેતું. થિયેટરના રિહર્સલ હોલમાં કોઈ પણ નાટકનું રિહર્સલ ચાલતું હોય ત્યારે ઓડિટોરિયમની ત્રીજી હરોળની ત્રીજા નંબરની સીટ પર જ સેમનું પ્રેત બેઠેલું દેખાતું. કોઈ પણ વ્યક્તિને હેરાન કર્યા વિના તે શાંતિથી નાટકનું રિહર્સલ જોયા કરતો.
કેલ્ગરી શહેરમાં માણસોનાં ભૂત તો અનેક થાય છે, પરંતુ જાણીને નવાઈ લાગે એવી વાત એ છે કે અહીં એક જાનવરનું ભૂત પણ થાય છે. ‘ધી હોઝ એન્ડ હાઉજી’ નામની એક પબ કમ રેસ્ટોરાંમાં બાર્ની નામના એક વાંદરાનું ભૂત થાય છે. પબમાં નોકરી કરતા જેમ્સ કેપી નામના શખ્સે બાર્નીને પાળ્યો હતો. અટકચાળા બાર્નીએ એક દિવસ એક ગ્રાહકના નાનકડા દીકરા પર કોઈક કારણોસર હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી. પેલા બાળકના પિતાએ પિત્તો ગુમાવી ગુસ્સામાં બાર્નીને મારી નાખ્યો. બાર્નીએ પોતાનું શરીર તો છોડી દીધું, પરંતુ તેની આત્મા ત્યાંથી જવા તૈયાર નહોતી. ભૂત બનીને તે ગ્રાહકોને પજવવા લાગ્યો. કોઈક વાર રસોડામાં વાસણો હવામાં ઊછળવા લાગતાં તો કોઈક વાર પંખા-લાઇટોની સ્વિચ આપોઆપ જ ચાલુ-બંધ થઈ જતી. પબના માલિકે બાર્નીનાં પ્રેતથી છુટકારો મેળવવા એકથી વધુ વાર તાંત્રિક વિધિઓ કરાવી જોઈ પણ બધું ફોગટ નીવડ્યું. વર્ષો બાદ આજે પણ બાર્નીનું ભૂત એ પબમાં અવારનવાર ધમાલ મચાવતું રહે છે.
કેલ્ગરી ટાઉનનો ઈતિહાસ આવી અનેક ભૂતાવળોથી ભર્યો પડ્યો છે અને એનો ફાયદો ઉઠાવવાનું પણ કેલ્ગરીવાસીઓ નથી ચૂક્યા. મોટા મોટા શહેરોમાં પ્રવાસીઓ માટે ‘સીટી ટુર’ કરાવતી બસો દોડતી હોય છે, એ જ પ્રમાણે કેલ્ગરીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે રોજિંદી ‘ઘોસ્ટ ટુર’નું આયોજન કરવામાં આવે છે. અત્યંત લોકપ્રિય એવી આ ‘ઘોસ્ટ ટુર’ દરમિયાન પ્રવાસીઓને શહેરના તમામ ભૂતાવળા સ્થળોએ લઈ જવામાં આવે છે. ઘણા મુસાફરો આવી ‘ઘોસ્ટ ટુર’ દરમિયાન તેમને થતાં ચિત્રવિચિત્ર પ્રકારના અનુભવો વિશે કબૂલાત કરતા રહે છે. પશ્ચિમી દેશોમાં ભૂતોની યાદમાં ઊજવવામાં આવતા ‘હેલોવીન’ નામના તહેવાર દરમિયાન કેલ્ગરીના નગરજનો ભૂત-પ્રેત-ચૂડેલ જેવા દેખાવા વિચિત્ર વસ્ત્રો અને ડરામણા મેકઅપ સાથે શહેરની શેરીઓમાં ઊતરી પડે છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે, હેલોવીનની ઉજવણી દરમિયાન કેલ્ગરી શહેરમાં થતાં અસલી ભૂતો પણ સામેલ થઈ જાય છે!