શું તમને રિવ્યુ વાંચીને મૂવી જોવાની ટેવ છે? Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું તમને રિવ્યુ વાંચીને મૂવી જોવાની ટેવ છે?

આર્ટીકલનું શીર્ષક વાંચીને કદાચ તમને નવાઈ લાગશે કે માતૃભારતી પર લગભગ એક વર્ષથી પણ વધુ સમયથી રેગ્યુલર ફિલ્મોના રિવ્યુ આપનાર વ્યક્તિ જ આવો સવાલ કરી રહ્યો છે? તો આ સવાલનો જવાબ એક જ છે કે આ રિવ્યુ આપનાર વ્યક્તિ છેવટે તો ફિલ્મપ્રેમી જ છે અને તેને પોતાના રિવ્યુ કરતા તેના વાચકો રિવ્યુ વાંચીને અને તેના પર નિર્ણય લઈને કોઈ ફિલ્મ જોવી કે ન જોવી તેનો નિર્ણય ન લે એની ચિંતા વધારે છે.

એ વાતમાં અથવાતો એ હકીકત સ્વીકારવામાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ કે આપણે ત્યાં સારી ફિલ્મો કરતા નાખી દેવા જેવી ફિલ્મો વધુ બને છે. પ્લસ આજના યુગમાં એક પૂરા પરિવારને લઈને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જવું હોય તો એ માટે કેન્દ્રીય અંદાજપત્રથી પણ વધુ કસરત કરવી પડે છે એ પણ એટલું જ સત્ય છે. એમાં પણ ઘરમાં નાના બાળકો હોય એટલે મલ્ટીપ્લેક્સમાં મોંઘા ભાવની પોપકોર્ન તો છેવટના ઓપ્શન તરીકે ખવડાવવી જ પડતી હોય છે જેનો ભાવ લગભગ એક આખી ટીકીટ જેટલો જ હોય છે.

પરંતુ આ તો થઇ આડવાત પરંતુ આપણે વાત કરવી છે ફિલ્મો રિવ્યુ વાંચીને જોવાય કે ન જોવાય તેના અંગે. એક પ્રોફેશનલ રિવ્યુકાર હોવા છતાં હું એ મંતવ્ય ધરાવું છું કે ફિલ્મો ક્યારેય કોઈનો રિવ્યુ વાંચીને ન જ જોવાય. હું પોતે આ નિયમ પાળું છું અને મારા પર વિશ્વાસ રાખજો કે હું જ્યારે જ્યારે પણ કોઈ રિવ્યુકારના કોઈ ફિલ્મ અંગેના નકારાત્મક મંતવ્યને ન માનીને ફિલ્મ જોવા ગયો છું ત્યારે મને મજા એ ફિલ્મ જોવાની જ અવી છે.

રિવ્યુકારની વાત હાલપૂરતી બાજુમાં મૂકી દઈએ, આપણે એક દર્શક તરીકે પણ ફિલ્મ જોવા જઈએ અને પછી એ ફિલ્મ ગમે કે ન ગમે એ ફેસબુક પર શેર કરીએ છીએ ત્યારે એ મંતવ્ય સાથે તમારા ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં રહેલા તમામ સહમત થશે ખરા? કદાચ નહીં, કેમ? કારણકે એ તમારું અંગત મંતવ્ય છે. અરે! ફેસબુક ફ્રેન્ડલિસ્ટ છોડો તમારા ફેમિલીના પાંચ વ્યક્તિઓ જો એ જ ફિલ્મ એકસાથે જોવા ગયા હશે તો એ પાંચેય અલગ અલગ મંતવ્ય આપશે.

કારણ સ્પષ્ટ છે કે ફિલ્મ ગમવી કે ન ગમવી એ દરેકની વ્યક્તિગત પસંદની વાત છે અને રિવ્યુકાર જે રિવ્યુ આપે છે તે એકસોને દસ ટકા એની વ્યક્તિગત ચોઈસ જ છે અને તેના સિવાય બીજું કશું જ નથી! તો જો હાથના પાંચ આંગળા કે પછી ઘરની જ પાંચ વ્યક્તિઓના મંતવ્ય મળતા ન હોય તો પછી બહારનો કોઈ વ્યક્તિ એ કેવી રીતે નક્કી કરી શકે કે એ ફિલ્મ તમારી ચોઈસની છે કે કેમ?

તમને એક ઉદાહરણ આપું. લગભગ બે ત્રણ વર્ષ અગાઉ અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકી શ્રોફની ફિલ્મ આવી હતી જેનું નામ હતું ‘બ્રધર્સ’. લગભગ તમામ રિવ્યુકારોએ આ ફિલ્મને સખ્ત શબ્દોમાં નકારી દીધી હતી. પરંતુ મને એ ફિલ્મ ગમી હતી. ખૂબ ગમી હતી એવું પણ ન હતું પરંતુ મને એ ફિલ્મ એટલી ખરાબ પણ ન લાગી જેટલી તેને ચિત્રિત કરવામાં આવી હતી. આમ થવાનું કારણ સિમ્પલ હતું, પર્સનલ ચોઈસ!

વાત એવી હતી કે બ્રધર્સ મને પણ તેના મધ્યાંતર સુધી ધીમી અને બોરિંગ લાગી હતી પરંતુ ત્યારબાદ મને એ ફિલ્મ એટલા માટે ગમી કારણકે તેમાં જે કુસ્તી અથવાતો કિક બોક્સિંગ કે તમે જે કહો એ લડાઈની સિક્વન્સને ટેલીવિઝન પર જે રીતે ટેલિકાસ્ટ કરવામાં આવે છે એ દર્શાવવામાં આવ્યું એ મને ઈમ્પ્રેસ કરી ગયું. આ બધું મેં જ્યારે ભારતમાં નવું નવું સેટેલાઈટ ટીવી આવ્યું ત્યારે કેટલીક અમેરિકન સ્પોર્ટ્સ ચેનલો પર જોયું હતું અને લગભગ એ જ રીતે આ ફિલ્મમાં ઉપરોક્ત દ્રશ્યો જોવા મળ્યા હતા જેણે મને અપીલ કરી અને મને ઓવરઓલ ફિલ્મ ગમી ગઈ.

એવી તો અસંખ્ય ફિલ્મો છે જે મને રિવ્યુકારે કહ્યું હોય તેનાથી વિરુદ્ધ લાગી હોય અને ગમી હોય. તો ઘણી એવી ફિલ્મો પણ છે જેના અઢળક વખાણ થયા હોય પરંતુ મને બિલકુલ ન ગમી હોય. તો વાત ફરી ફરીને પર્સનલ ચોઈસ પર જ આવીને ઉભી રહે છે જે ફીલિંગ કુદરતી છે, સ્વાભાવિક છે. પર્સનલ ચોઈસ ઉપરાંત બે-ત્રણ અન્ય બાબતો પણ છે જે પણ એ દલીલને બળ આપે છે કે ફિલ્મો રિવ્યુ વાંચીને જોવી કે ન જોવી એ નક્કી કરવું ન જોઈએ.

જેમ ફિલ્મોના રિવ્યુ એ રિવ્યુકારની પર્સનલ ચોઈસ છે એમ તેના રિવ્યુ પર એના ગમાઅણગમા ઉપરાંત તેના રાજકીય, સામાજિક વિચારોની પણ અસર હોય છે. આનું સિમ્પલ ઉદાહરણ લઇ શકાય અક્ષય કુમારની ફિલ્મો. આપણે ત્યાં અમુક પ્રકારની વિચારધારાઓ વર્ષોથી મૂળમાં એવી જક્કી રીતે જોડાઈ ગઈ છે કે તેને નિર્મૂળ કરવી બહુ મુશ્કેલ છે. આ ખાસ પ્રકારની વિચારધારાને ફોલો કરતા લોકો જેમાં રિવ્યુકારો પણ સામેલ છે તે જાણીજોઈને પોતાના રિવ્યુમાં પોતાની એ વિચારસરણી આપણા માથે ઠોકવા માંગતા હોય છે.

એમની ભાષા એટલી સુમધુર હોય છે કે આપણને એમ લાગે કે આ રિવ્યુનો જ એક ભાગ છે પરંતુ ખરેખર તો તેઓ પોતાની વિચારધારાને જ લાગુ કરતા હોય છે. ઉદાહરણ તરીકે અક્ષય કુમારની આજકાલની ફિલ્મો. આપણને ખબર છે કે અક્ષય કુમાર આજકાલ દેશભક્તિની અથવાતો સામાજિક સંદેશ ફેલાવતી ફિલ્મો વધુ કરે છે. આ પ્રકારની વાતો એ ખાસ પ્રકારની વિચારધારાના લોકોને નથી ગમતી એટલે તેઓ આ ફિલ્મોને પોતાના રિવ્યુમાં જિન્ગોઈઝમ અથવાતો સરકારી જાહેરાતો કહીને અને આ ફિલ્મોને પસંદ કરનાર પાસે ઓછી અક્કલ હોવાનું તારણ કાઢવા સુધી ઉતારી પાડતા હોય છે.

ઉપરાંત કેટલાક રિવ્યુકારો પોતાની જાતને ખૂબ હોંશિયાર સમજતા હોય છે અને ખરેખર હોય પણ છે. એમની પાસે ફિલ્મો અંગેનું ટેક્નીકલ જ્ઞાન ખૂબ હોય છે તેની પણ ના નહીં, પરંતુ ફિલ્મને ઉતારી પાડવા માટે તેઓ પોતાના રિવ્યુમાં આ પ્રકારની ટેક્નીકલ વાતો એટલી બધી લખી નાખે છે કે વાચક બે ઘડી કન્ફયુઝ થઇ જાય કે આ ફિલ્મ મારે તેના ટેક્નિકલ પાસાંઓને ધ્યાનમાં લઈને જોવાની છે કે મનોરંજન માટે?

આ જ વાત એ ફિલ્મોના રિવ્યુ માટે પણ લાગે છે જે ફિલ્મો બની જ છે નોનસેન્સ હાસ્ય માટે. જેમ કે હાઉસફૂલ સિરીઝ કે પછી રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝ. આ ફિલ્મો નોનસેન્સ વાતોને ભેગી કરીને તમને અને મને બે અઢી કલાક હળવા રાખવા માટે જ બની હોય છે જેની એમને પણ ખબર હોય છે અને આપણને પણ. પરંતુ કેટલાક ભણેશરી રિવ્યુકારો આમાં પણ લોજીક શોધવા જાય છે અને સ્વાભાવિકપણે એવું કોઈ લોજીક એમાં ન મળે એટલે આ પ્રકારની ફિલ્મોને અને તેને ગમાડનારાઓની તેઓ મશ્કરી કરતા હોય છે અપમાન કરતા હોય છે.

તો ઘણા વાચકો પણ બહુ હોંશિયાર હોય છે. દરેક નેગેટીવ રિવ્યુ નીચે તેઓ એક જ કમેન્ટ કરતા હોય છે કે “સાહેબ તમે તો મારા પૈસા બચાવી દીધા!” આપણે ઉપર જ વાત કરી કે આજકાલ ફિલ્મો જોવાનું પણ અતિશય મોંઘુ બની ગયું છે પરંતુ જેને ફિલ્મ જોવી જ છે એ ગમેતે રીતે જુગાડ કરીને તેને જોઈજ લે છે, પરંતુ આ રીતે પૈસા બચાવી દીધા કહેનારાઓ પાસે ખરેખર તો પૈસા જ નથી હોતા એટલે એમ કહીને ફિલ્મો જોવાનું ટાળે છે.

આમ, ફરીથી એ વાત કહેવાનું મન થાય છે કે કોઇપણ ફિલ્મ, સિરિયલ કે પછી ઇવન પુસ્તક ગમે ન ગમે એ વ્યક્તિગત પસંદગીની વાત છે. હા રિવ્યુ તમને એક રસ્તો જરૂર દેખાડે છે પણ બસ એટલું જ. પછી એ માર્ગે તો આપણે જ ચાલીને નક્કી કરવાનું છે કે સફર આપણને ગમી કે ન ગમી બરોબરને?

૨૨ ઓગસ્ટ, ૨૦૧૯ (શીતળાસાતમ)

અમદાવાદ