પ્રવીણ શાસ્ત્રી
તરલા Google Images તાન્યા
લવ, લાગણી અને લસ્ટ
કાળા ગાઉનમાં ડાર્ક ગોગલ્સ ચડાવીને, તાન્યા હાથમાં એક પેકૅટ પકડીને, એક ખૂણામાં, ભીંતને અઢેલીને ઉભી હતી. આખું ફફ્યુનરલ હોમ અનેક સ્નેહીઓ અને સહકાર્યકર્તાઓથી ઊભરાતું હતું. આગલી હરોળમાં તરલા તેના બાવીસ વર્ષના યુવાન પુત્ર ઉન્મેષ સાથે સાદી શ્વેત સાડીમાં અશ્રુ ભીની આંખો સાથે બેઠી હતી. ખૂબ નાનપણથી એના કપાળ પર શોભતો લાલ ચાંદલો અદૃશ્ય થઈ ગયો હતો.. લાઈનબંધ સ્નેહીઓ આવતાં અને તરુણ બક્ષીના નિશ્ચેતન દેહને મુક પ્રાર્થના અર્પી, તરલા અને ઉન્મેષ ને આશ્વાસન ના બે શબ્દો કહી, થોડો સમય રોકાઈને, ખૂણા પર ઊભેલી મીસ તાન્યા પર નજર નાંખતા અને શિષ્ટાચાર પત્યા પછી ફ્યુનરલહૉમની બહાર જઈ ટોળું જમાવતા. ટોળું જમાવી તુરુણ બક્ષીની વાતો કરતા. બહાર ચર્ચાતી વાતો તાન્યા અને તરુણના વિશિષ્ટ સબંધો પર જઈને અટકતી. મિ.બક્ષીનું મૃત્યુ ક્યાં, કેવી રીતે થયું એની અટળકો થતી.
તરુણ બક્ષી ‘પેરેડાઈઝ કોસ્મેટિક્સ’ના માર્કેટિંગ ડાયરેક્ટર હતો. મીસ તાન્યા ડિમેલૉ, તરુણની બોસ અને કંપનીની પ્રેસિડન્ટ હતી. તાન્યા પોતે સમૃદ્ધ પિતાની એકની એક મનમોજી દીકરી હતી. પિતા રિયલ એસ્ટેટ માં ખુબ કમાયા હતા. દીકરી તાન્યાને પર્ફ્યુમનો શોખ હતો. એ પોતે પણ મોડેલ હતી. એણે પોતાની નાની કોસ્મેટિક કંપની શરૂ કરી હતી.
તરુણ બક્ષી તેએજ અરસામાં રાજકોટ નજીકના ગામમાંથી અમેરિકા આવ્યો હતો.
કોઈકે મશ્કરીમાં નવા આવેલા અને માંડમાંડ અંગ્રેજી બોલતા તરુણને તાન્યાની કંપનીમાં સેલ્સમેનની જોબ માટે એપ્લિકેશન કરી આપી.
તરુણ, તાન્યાએ શરૂ કરેલી પેરેડાઈઝ કોસ્મેટિક્સની સેલ્સ રિપ્રેઝન્ટેટિવ જોબ માટે ઈન્ટરવ્યુ આપવા ગયો હતો.
પૂરા સવા છ ફુટનો ફૂટડો યુવાન, ગૌર લંબગોળ સ્મિત મઢેલ ચહેરો, ડાબા ગાલ પરનું ખંજન, સહેજ લીલાશ પડતી હસતી આંખો, જમણી આંખની નીચે એક નાનું તલ જેવું કાળી મેશનુ ટપકું, માથા પર કાળા રેશમી વાળના ગૂંચળાવાળો તરુણ, નોકરીની આશાએ તાન્યાની સામે ઈન્ટરવ્યુ આપવા બેઠો હતો. એનો દેખાવ એજ એની મૂડી હતી. કોલેજના બે જ વર્ષ કર્યા હતા એને તે પણ ગુજરાતી માધ્યમમાં. નવો હતો. સારું અંગેજી પણ બોલાતું ન હતું. પણ તાન્યા એને જોઈને મુગ્ધ થઈ ગઈ હતી. મનમાં બોલાઈ ગયું, 'વ્હાવ, ઓહ માય ગોડ. ચાર્મિંગ...' તેણે માત્ર એકજ પ્રશ્ન પુછ્યો હતો. કેટલા પગારની અપેક્ષા છે? તરુણ બક્ષી આ દેશમાં નવો હતો. જવાબ ન આપી શક્યો. ભાષાની મર્યાદાને કારણે સેલ્સમેન તરીકે નોકરી મળવાની શક્યતા નહિવત્ હોવા છતાં પણ એની અપેક્ષા કરતાં બમણા પગારથી એની નોકરી ચાલુ થઈ ગઈ હતી. નોકરીએ રાખ્યા પછી તાન્યાને ખબર પડી કે બક્ષી તો પરિણીત છે. એની કુતુહલતા તરુણના ઘર સૂધી પહોંચી. અને એક જુદા જ વ્યક્તિત્વ ધરાવતી એની પત્ની તરલાનો પરિચય થયો.
તરુણના પ્રભાવશાળી અને મોહક વ્યક્તિત્વથી તાન્યા અંજાઈને બોસમાંથી મિત્ર બની ગઈ હતી. તાન્યાએ તરુણને પોતાની રીતે કેળવવા માંડ્યો. તાન્યા એને શરૂઆતમાં પોતાની ઓફિસમાં જ બેસાડી રાખતી. એની સાથે વિવિધ વિષયોની વાતો કર્યા કરતી. ધીમે ધીમે તરૂણની ભાષા અને ઉચ્ચારો સુધરતા ગયા. કોઠાસૂઝથી માર્કેટિંગ સમજતો થયો એટલું જ નહીં પણ ટૂંક સમયમાં જ તાન્યાને પણ સલાહ આપી શકે એ કક્ષાએ પહોંચી ગયો.
આજથી પચ્ચીસ વર્ષ પહેલાં જ્યારે સેલ્સમેન તરીકે નાની કંપનીમાં જોડાયલો ત્યારે માત્ર બાર એમ્પ્લોયી હતા. એમના મૃત્યુ સમયે એટલે કે આજે; છસો જેટલા માણસો એ કંપનીમાં કામ કરતા હતા. એનો યશ તાન્યા તરુણ બક્ષીને આપતી હતી.
તરલા, તરુણ બક્ષીની પત્ની, માત્ર આઠ ધોરણ સુધી જ ભણેલી હતી. બાળપણ માંજ એનું વેવિશાળ તરુણ સાથે નક્કી થઈ ગયું હતું. તરુણ એનો પતિ હતો. પતિ જ નહીં, પરમેશ્વર હતો. તરુણ બદલાયો પણ તરલા એના એક સદી જૂના સંસ્કાર અને વિચારો તરુણ ના અનેક પ્રયાસો છતાંય બદલાયા ન હતા. ન તો એની વેશભુષા. પાંચ ફુટનો ઘાટીલો, ઉજળો દેહ હંમેશાં સાદી સાડીથી ઢંકાયલો રહેતો હતો. લગ્નના પહેલા દિવસથી કરવા માંડેલો કપાળ પરનો મોટો કુમકુમનો ચાંદલો અમેરિકાના સમરવિલમાં પણ નાનો થયા વગર ચહેરા ને પ્રભાવિત કરતો રહ્યો હતો.. જેમ જેમ પ્રગતિ થતી ગઈ તેમ તેમ તરુણને તરલાની જુની દેશી જીવન શૈલી અકળવતી ગઈ. રોજ સવારે વહેલી ઊઠીને સૂતેલા તરુણના ચરણ સ્પર્શ કરી મીઠા પ્રભાતિયાથી એને જગાડતી. સાંજે તરુણ પહેલો કોળિયો મોંમાં મૂકે પછી જ એ જમવાનું શરુ કરતી. તરુણ થાકેલો હોય કે ન હોય પણ રાત્રે દસ મિનિટ માટે પણ એના પગ તો દબાવતી જ. તરલા ભોળી હતી, પ્રેમાળ હતી. એ પણ એને ખરેખર વહાલ કરતો હતો. તરુણ તો થોડા સમયમાં જ અમેરિકન થઈ ગયો હતો. એને આધુનિક બનવાનું દબાણ કર્યા કરતો હતો. પણ તરલા બદલાતી ન હતી.
તરુણને જુનવાણી લાગતી ભારતીય સંસ્કૃતીની તરલાની તાનિયા પ્રસંસક બની ગઈ હતી. તાન્યા એ બન્નેની વહાલપને બિરદાવતી હતી. એમના સુખી દાંપત્યનો આદર કરતી હતી.
તાન્યા મશ્કરીમાં તરલાને કહેતી 'ઈન માય નેક્સ્ટ લાઈફ આઈ વોન્ટ ટુ બી યોર હસબન્ડ.'
'ના બા, સાત જનમ સુધી મારા તો એ જ પરમાત્મા. તમારે તો મારી બેન જ થવાનું. તરલા ભોળપણ થી ગંભીર જવાબ વાળતી. તરુણે શીખવેલું 'આઈ લવ યુ' બોલતા તરલાને શરમ લાગતી હતી. તાન્યાને એ બન્ને પતિ પત્ની ગમતાં હતા. તાન્યા અને તરુણ સમવયસ્ક હતાં. તરુણનું મોહક ચુંબકત્વ એને ખેંચતું હતું પણ તરલાના કપાળ પરના મોટા ચાંદલાની કોઈ અગમ્ય શક્તિ તાન્યાને આગળ વધતા અટકાવતી હતી. તરલાની ભોળી ભક્તિને તાન્યા પોતાની વાસનાથી અભડાવા ન્હોતી માંગતી. એ બક્ષી દંપતિની સાચી મિત્ર બની ગઈ.
ઉન્મેષના જન્મ પહેલા તાન્યાએ તરલા માટે મોટી 'બેબી શાવર' પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉન્મેષ માટેનો નર્સરી રૂમ તાન્યાએ જાતે ડિઝાઈનર પાસે તૈયાર કરાવ્યો હતો.
નિષ્પાપ અને ભોળી તરલા, તાન્યાને ઉદ્ધારક દેવી માનતી. એ તાન્યાને 'મેમ સાહેબ' કહેતી.
એકવાર તરલાએ ગાંડા ઘેલા અંગ્રેજીમાં કહ્યું, 'મેમ સાહેબ તમારા કેટલોગમાં તમારી સાથે એમનો ફોટો પણ મુંકોને! તમે જ્યારે એમની સાથે ઉભા હો ત્યારે રાધાકૃષ્ણ જેવા સુંદર લાગો છો. તમારી બન્નેની જોડી કેવી સરસ શોભે છે!
આ નિર્દોષ સુચને પેરેડાઈઝ કોસ્મેટિક્સના માર્કેટિંગ માં અદ્દભુત ક્રાંતિ સર્જી. તરુણ-તાન્યાની જોડી; પ્રોડ્ક્ટ કૅટલોગ, મેગેઝિન્સ અને હાઈવે પરના બિલબોર્ડ પર ચમકવા માંડી. કોસ્મેટિક્સ પ્રમોશન માટે દેશ વિદેશના સહપ્રવાસો વધતા ગયા. દરેક પ્રવાસ પહેલા તરલા, તરુણની જમણી આંખ નીચે કોઈની નજર ના લાગે તે માટે મેંશનું કાળું ટપકું કરતી. આ એની સદગત સાસુજીનું સુચન હતું.
વહેતા સમયની સાથે કંપનીનો વિકાશ થતો ગયો. તરુણ તાન્યાનું સાહચર્ય વધતું ગયું. તરુણનું પૌરુષત્વ જાગતું પણ તાન્યા તેને વ્હાલથી 'પ્લેટોનિક ફ્રેન્ડશીપ'ની મર્યાદાના વર્તુળમાં ગોઠવી દેતી. ખરેખર તો તાન્યાએ એનાથી આકર્ષાઈને જ એને નોકરી આપી હતી પણ તરલાને જાણ્યા સમજ્યા પછી એના સંસારને ઉજાડવાથી દૂર રહેતી. એણે સમજ પૂર્વક એક પારદર્શક પણ મજબૂત દિવાલ ચણી દીધી હતી.
તાન્યા કોઈ સાધ્વી ન હતી. તે સમૃદ્ધ અને સુંદર, અમેરિકન બિંદાસ્ત યુવતી હતી. માત્ર શરીર સુખ માટે કોઈને પ્રેમ કરવાની કે લગ્નની જરૂરીયાત ન હતી. ઈચ્છાનુસાર કોઈ સશક્ત પુરુષ સાથે દેહસુખ માણી લેતી. ત્યાર પછી તે પુરુષ ભુલાયલો ભૂતકાળ બની જતો. એ ભલે તરુણ સાથેના સંબંધને 'પ્લેટોનિક ફ્રેન્ડશીપ'નું નામ આપતી પણ બીજા દેહ સાથેના સંવનન સુખ સમયે, તરુણ સાથેના કાલ્પનિક સમાગમનો આનંદ માણી લેતી. તરુણ સાથે લક્ષમણ રેખા ઓળંગાઈ ન હતી. એને તરલાના ભગવાનને અભડાવવા ન હતા.
તરુણ પુરુષ હતો. બન્ને ચાળીસી વટાવવાની નજીક આવી પહોંચ્યા હતા. તરુણ તાન્યાની જીવન શૈલી જાણતો હતો. મનમાં વિચારતો કે 'તાન્યા બીજી અજાણી વ્યક્તિ સાથે સહશયનની મજા માણે છે તો….. વ્હાઈ નોટ મી?'
ઘણી વાર બન્ને સાથે બેઠા હોય, બિઝનેસ અંગેની વાતો ચાલતી હોય ત્યારે તરુણની નજર તાન્યાના ઉન્નત ઉરોજો પરથી હટતી ન હતી. બેશરમ થઈને તાક્યા કરતો. તાન્યા એ જાણતી અને સમજતી હતી. થોડો સમય એને સસ્મિત નિહાળતી. પછી ધીમે રહીને કહેતી, 'માય ફ્રેન્ડ, ઈફ યુ આર ડન, વી વીલ ગેટ બેક ટુ અવર બિઝનેસ.
એને નિયંત્રિત રાખવા કોઈકવાર એ એનું ટ્રમ્પ કાર્ડ વાપરતી. સ્પષ્ટ સમજાવી દેતી કે ભલે આપણે મિત્ર થયા હોઈએ પણ મેં તને મારા બિઝનેસ માટે હાયર કર્યો છે. તરલાના સુખદ દાંપત્ય માટે પોતાની ઈચ્છાઓને કચડી નાંખતી.
....પણ એક દિવસ બન્નેને ડિનર મિટિંગમા જવાનું હતું. તરુણ તાન્યાને સાંજે છ વાગ્યે પીક અપ કરવાનો હતો. છ ને બદલે તરુણ સાડા ચાર વાગ્યે પહોંચી ગયો. તાન્યા બાથ લીધા પછી શાવર લેતી હતી. તરુણ ખુલ્લા બાથરૂમ પાસે ઉભો રહી વસ્ત્રવિહીન તાન્યાનું ભીનું સૌંદર્ય નિહાળતો હતો. આખરે તો તે પુરુષ હતો. પરાણે ડબાવેલો સંયમ ભડકી ઉઠ્યો. સૂટ સૂઝ સાથેજ તે શાવરમાં પ્રવેશ્યો. તાન્યાના દેહને જકડવા જતો હતો. ઓચિંતા હુમલા થી છળી ઊઠેલી તાન્યાએ સાહજિક ધક્કો માર્યો. તરુણે સમતોલન ગુમાવ્યું. સિંક સાથે માથું અથડાયું. ફ્લોર પર ચત્તો પડ્યો. ભીના ફ્લોર પરથી તેનાથી ઉઠાયું નહીં. એણે કહ્યું ' આઈ એમ સોરી. પ્લીઝ ફરગીવ મી. આઈ લવ યુ. એણે આંખ વીંચી દીધી...
૯૧૧...એમબ્યુલન્સ...હોસ્પિટલ....બ્રેઈન હેમરેજ... કોમા....સર્જરી...અન દસ દિવસ પછી આજે ફ્યુનરલ હોમ....તાન્યા એક દિવાલ ને અઢેલીને ઉભી હતી.
કોઈને ખબર ન હતી કે આજે તો તરૂણ- તરલાની વેડિંગ એન્નીવર્સરી હતી અને તાન્યા અને દીકરા ઉન્મેષે એમને માટે પચ્ચીસમી વેડિંગ એનીવર્સરીની સર્પ્રાઈઝ પાર્ટીનુ આયોજન કર્યું હતું. એક્સિડન્ટની સવારેજ ઇન્વિટેશન કાર્ડ પ્રિન્ટ થઈને આવ્યા હતા. તાન્યાએ કાર્ડસના એ બંડલને ચુંબન કરી ઉન્મેષને આપ્યું. ઉન્મેષે એ બંડલ તરલાના પગને અડાડ્યું. પોતાના કપાળને અડાડ્યું અને મૃત પિતાના પગ પાસે કાસ્કેટ માં મુંકી દીધું. તરલાને ખબર ન હતી એ બંડલ માં શું હતું.
તાન્યા વિચારતી હતી.... જો મેં તરુણની ઈચ્છા સંતોષી હોત તો આજે તરુણ જીવતો હોત.... અરે! માત્ર તરુણની જ કેમ? પોતાની જ ઈચ્છાઓને બળાત્કારે કચડી ન હોત તો? … આજે તરુણ જીવંત હોત. ફ્યુનરલ હોમને બદલે તરલાની સાથે અને મારી સમક્ષ પાર્ટી હોલમાં હોત…. ભલે લાગણીની અભિવ્યક્તિ ન થઈ હોય પણ સહશયનની કાલ્પનિક અનુભૂતિ તો પોતે માણી જ હતી ને! તરુણની સાથે માનસિક વ્યભિચાર તો સતત કરતી રહી હતી. શું મિત્ર સાથે સેક્સ માણી ન શકાય? તરુણ તરલાને પ્રેમ કરતો હતો છતાં પૌરુષીય વાસનાની આગ તો મેં જ ભડકાવી હતી ને? એ આગને હું ઠારી શકી હોત. મારો દોસ્ત જીવતો હોત.
બહાર ટોળે વળી વાતો કરતા અને જાણભેદુ હોવાનો ખોટો દાવો કરતા લોકો, જે વાસ્તવમાં બન્યું જ ન હતું તેના કરતાં પણ ઘણું ઘણું બન્યું હતું એવી વાતો કરતા હતા.
Published in
મારી મોટાભાગની વાર્તાઓ અમેરિકાની ભૂમીકા પર રચાયલી છે. અમેરિકાથી હજારો માઈલ દૂર વસેલા ગુજરાતી વાચકોને અમેરિકાના ભારતીયોના વિશિષ્ટ જીવન પ્રવાહોનો આછેરો ખ્યાલ આવી શકે એવી વાર્તાઓ લખવા કોશિશ કરતો રહું છું. આપનો પ્રતિભાવ મારી વાર્તાઓને યોગ્ય દિશામાં વાળશે એ માનું છું. પ્રતિભાવ આપશોને?