સાહિત્ય સન્યાસ - લખવાનું બંધ Pravinkant Shastri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સાહિત્ય સન્યાસ - લખવાનું બંધ

પ્રવીણ શાસ્ત્રી

Pravin Shastri

સાહિત્ય સન્યાસ - લખવાનું બંધ.

...અને પ્રોફેસર કાલિદાસ જાદવ સાહેબે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. 'તમે લખવાનું બંધ કરી વાંચવાનું શરૂ કરો. તમારા સબ્જેક્ટ ઠેકાણા નથી. ભાષા જોડણી બધું જ ઢંગધડા વગરનું છે.'

'તો સાહેબ મારે શું કરવું?’

વાંચો.. ખૂબ વાંચો. ગમ્મે તે વાંચો..જોઈએ તો પેપરમાં તમારું દૈનિક ભવિષ્ય વાંચો. હવામાનનો વર્તારો વાંચો. કંઈ પણ વાંચો. પણ કૃપા કરીને લખવાનું બંધ કરો.

પ્રોફેસર કાલિદાસ સાહેબ, મારા ખાસ મિત્ર ચન્દુભાઈ ચાવાલાના એક સમયના પાડોસી. પ્રોફેસર સાહેબ ઈન્ડિયાની કોઈ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. મેં જ્યારે લખવા માંડ્યું ત્યારે એમણે ઔપચારિક વખાણ કર્યા હતાં. મેં તો સાચું માની લીધું. મેં એમને એક લેખ અભિપ્રાય માટે મોકલ્યો. એમના સુચવ્યા પ્રમાણે મારા લેખને નવી હેરસ્ટાઈલ, ફેસીયલ્, વેક્ષિંગ કરી દીધું…શાકુંતલના થોડા શ્લોક અને સંસ્કૃત ક્વોટ .લટકાવી દીધા. ‘એ’ લેવલનો લેખ બન્યો. ભલ ભલા પથ્થર દિલનો ખડ્ડુસ પણ રડવા લાગે એવો કરુણ લેખ બન્યો. વાંચ્યા જ કરે. વાંચીને રડ્યા જ કરે. લેખ એટલે લેખ. ફિલમ બને તો મિનાકુમારીનો રોલ પાક્કો.

પ્રોફેસર સાહેબે આંગળી આપી. મેં તો એનું માત્ર પહોંચું જ નહિ પણ બાવડું જ પકડ્યું. એમને બીજો લેખ રિનોવેશન માટે મોકલ્યો. એમણે ફોન કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. ' પ્લીઝ શાસ્ત્રી તમે લખવાનું બંધ કરી વાંચવાનું શરૂ કરો. વાચક પર નહિ તો યે મારા પરતો કૃપા થશે જ. મહાભારત વાંચો, શાકુંતલ વાંચો, મેઘદૂત વાંચો. પ્રેમચન્દજી ને વાંચો. સાહિત્ય શું કહેવાય એનું ભાન થશે. શેક્સપિયર વાંચો, કાલિદાસ વાંચો, ગુજરાતી સિવાયની કોઈ પણ ભાષાના પુસ્તકો વાંચો, ડિયર એબીની કે સોકેટીસજીની સલાહો વાંચો. હવે તો નવરા લેખકો અને સાહિત્યકારો પણ સલાહો આપે છે કેમ વાર્તા લખાય, કેમ શરુઆત કરવી, કેવો અંત લાવવો. તમને ઘણું શીખવાનું મળશે કે શું લખવું, કેવું લખવું. શું ન લખવું, શાને માટે લખવું, કોને માટે લખવું, કયા છાપામાં મોકલવું, કયા મેગેઝિનમાં મોકલવું, કોણ છાપશે, કોણ વાંચશે. ઘણું શીખવાનું મળશે. શીખ્યા પછી તમને સમજાશે કે ન લખવામાં જ સાર છે. બસ વાંચો.

મેં કહ્યું મહાભારત તો અમારા ઘરમાં યે રોજની જ રામાયણ છે. કુટુંબ ક્લેશની વાતો એ એકતાના રસની વાત છે.એમાં મને રસ નથી.

તમે શાકુંતલ વાંચ્યું છે? મેઘદૂત વાંચ્યું છે? અરે કુમારસંભવ શું છે તે જાણ્યું છે? તમે ગીતાંજલી વાંચી છે? ચેતન ભગતને ઓળખો છો? લેખક થવા નિકળ્યા છો!

પ્લીઝ, પ્લીઝ, શાસ્ત્રી, સ્ટોપ રાઈટિંગ એન્ડ સ્ટાર્ટ રીડિંગ.

અમારા બાબુલાલ માસ્તર કહે કે તમારા જેવા ફાલતુ લેખકોએ જ આપણી શુધ્ધ માતૃભાષાને વટલાવી છે. વર્ણશંકર ભાષાને બદલે અમેરિકામાં છો તો અંગ્રેજીમાં જ લખોને. ગુજરાતી સાહિત્ય ઉપરનો અત્યાચાર તો અટકશે!

હવે તમે જ કહો કે ચાળીસ વરસથી અહિ અમેરિકામાં ઠોકાણો છું પણ આપણું બ્રીટિશ પણ ખુબ કાચું; અમે તો કેમિસ્ટ્રીમાં ચાર જ લેટર શિખેલા; C,H.O અને N થી જ કોલેજ તરી ગયેલા. પણ આવું કાંઈ સંસ્કૃત સાહિત્યના પ્રોફેસર સાહેબને કહેવાય? ઈજ્જત કા સવાલ હૈ. જો કે મારા ગુજરાતી લખાણમાં, હું ધરખમ પ્લેન્ટી ઓફ ઈંગ્લીસ વર્ડ્સ પધરાવતો હતો. પણ આખા ચાર વાક્યો લખવા વાંચવાનાંતો ફાંફાજ. પ્રોફેસર સાહેબે તો સંસ્કૃત અને અંગેજી વાંચવાની જ સલાહ આપી.

વંચાય નહિ તો લખાય કેવી રીતે?

મારા શ્રીમતિજીનું પણ સૂચન થયુ; હવે રાત્રે બે વાગ્યે તારે માટે કૉફી મૂકતા કંટાળી છું. તું તો નફ્ફટ છે પંણ કોઈ તારા વખાણ કરે તો યે મારે મોઢું સંતાડવું પડે છે. બે ત્રણ ભદ્ર મિત્રો એ પણ નોટિસ ફટકારી; હવે પછીની એક પણ વાર્તામાં સેક્સ આવશે તો અમે તમારી એક પણ વાર્તા વાંચીશું નહીં.

બધી સલાહ અને ખૂલ્મખૂલ્લી ધમકીથી લાચાર થઈને સફેદ વાવટો ફરકાવીને ‘મિત્રં શરણં ગચ્છામિ’ કર્યું. મેં છેવટે લખવાનું બંધ કર્યું.

એક દિવસ મારા હિતેચ્છુ, મારા સુરતી મિત્ર ચન્દુ ચાવાલાએ મને પૂછ્યું, 'સાસટ્રી હમના હમના પેપરમાં ટારા કોઈ આર્ટિકલ ડેખાટા નઠી. વોટ હેપન? કોઈ છાપટુ નઠી? . ડોસ્ટ ટને ખોટુ લાગહે પન હાચ્ચી સલ્લાહ આપું. ટુ બઢી મીનાકુમારીની રોટલ વાર્ટાઓમાં સેક્સ ચિટરે છે. થોરુ થોરુ વિડિયા બાલમ ને મહેશ ભટ્ટ વારી સન્ની લિયોન જેવી ને ચમકાવ્ટી વારટા લખહે ટો ટુ જલ્ડી ફેમસ ઓઠર ઠઈ જહે.’

. ‘ચન્દુભાઈ, મેં લખવાનું જ બંધ કર્યું છે. તમારા પાડોસી પ્રોફેસરની પણ એ જ સલાહ છે. હમણાં તો વાંચવા માટે ગરાજ સેલમાંથી ચોપડી શોધું છું.’

‘જો ડોસ્ટ મારા વેડિયા પાડોસી પ્રોફેસરને માર ગોલી. એ ટો ગુજરાટી વાંચટો જ નઠી. તુ ટારે લઈખા કર. ટુ લખવાવારો લેખક છે; વાચવાવારો વાચક કે વિચારક નઠી. જે બઉ વાચ વાચ કરે એના ભેજામાં બીજાનો કચરો ગૂસી જાય. પોટાનુ મૌલિક ટો કંઈ રે જ નઈ. બીજાની સ્ટાઈલ ને લેન્ગ્વેજમાં લખટા ઠઈ જાય. મેં પેલા લલ્લુને પન એડવાઈઝ આપી છે.

‘લખવું છે, પણ દોસ્તોની વાઈફો (વાઈવ્ઝ્ લખવું પડે?) ખીજાય એવું નથી લખવું. કંઈ સારો આઈડિયા જ નથી આવતો.’

‘જો ટને આઈડિયા જોઈટૉ હોય ટો ડોસલાઓની સિનીયર ડે કેરની મુલાકાટ લે. મંડિરમાં જા. મોડીની મિટિંગમાં જા. ડોસાઓની બાકડા પરિષડમાં આવ્વા માન્ડ. ઈન્ડિયન શાક માર્કેટમાં જા. ટાં બી ટારો ડારો નઈ વરે ટો હું ટો બેઠેલો જ છું. ટને ગન્ના પોઈન્ટ્સ આપીશ. ટારી વાર્તાની નીચે લખવાનું 'કઠા બીજ ચન્દ્રકાન્ટ ચાવાલા'.

ચન્દુભાઈની સલાહને કારણે પ્રેરણા માટે નહિ પણ શ્રીમતિજીના હુકમને કારણે જખ મારીને, હું ભીંડા લેવા ઈન્ડિયન માર્કેટમાં ગયો. આ જ દુકાનમાં ભિંડામાંથી સાપ નિકળ્યો હતો અને એક બહેનનું મૃત્યું થયું હતું. મને કોઈ મહાન સાહિત્યકારતો ન મળ્યા પણ હું ભીંડા વણતો હતો ત્યાં અમારા ભૂતકાળના બૉસ અને વડીલમિત્ર પાઠક સાહેબના મિસિસ, અમારા ગામભાભી, કાંતાભાભી મળ્યા. સાથે એનો પૌત્ર ટેણકો હતો.

ભાભીએ મને કહ્યું ‘શાસ્ત્રીભાઈ, તમે લખવાનું બંધ કર્યું એ બઉ સારું કર્યું. મને શાંતી થઈ.’

‘કેમ?’ મારો એકાક્ષરી પ્રશ્ન.

‘કેમ શું?..... તમારા સાહેબ કહેતા હતા કે તમે બૌ સારુ લખો છો.’

‘એ તો મારે માટે ગૌરવની વાત કહેવાય. એટલિસ્ટ કોઈકને તો મારી વાર્તા ગમી. સાહેબને મારા થેન્કસ કહેજો.’

‘કપાળ ગૌરવ. તામારા સાહેબને જે ચોપડા ગમતા હોય તે મારે મેટ્રેસની નીચે સંતાડવા પડે. આ કિકલો વાંચે તો કેવા ખરાબ સંસ્કાર પડે! તમારા સાહેબ પંચોતેરની ઉપરના થયા, સન્યાસી થવાની ઉમ્મર થઈ તોયે “એસ.ઈ.એક્ષ” વાળુ વાંચે છે. તમે યે એમને ગમે તેવું ગંદુ જ લખતા હશો. તો જ એ કહેને કે તમે સારું લખો છો.’

‘ભાભી...ભાભી...બે વાત. એકતો તમારે માટે ગૌરવની વાત કે તમારા કિકલાનો કિકલો ગુજરાતી વાંચે છે. મારો ચાળીસ પ્લસ વરસનો કિકલો, ગુજરાતી લખવા વાંચવાની વાત તો બાજુ પર, પણ સરખું ગુજરાતી સમજતોયે નથી.’

હવે બીજી વાત. એ “એસ.ઈ.એક્ષ” તો શરીરશાસ્ત્ર અને બાયોલોજીનો વિષય કહેવાય. ડાક્ટર લેખક હોય તે જ એવું લખી શકે. એમાં આપણું ગજું નહિ.'

‘તો તો સારું. હવે તો આપણા ગુજરાતી છાપામાં પણ કેવી બેશરમ વાતો આવે છે!’

‘અને ભાભી બીજી વાત., હવે તો મેં લખવાનું બંધ કર્યું છે. કોઈ જાણીતા મહાનુભાવના મસાલેદાર લફરા હોય તો એમાંથી એસ ઈ એક્ષ ફિલટર કરીને કંઈક લખવાની કોશીષ કરું છું. ખોટું હોય તો યે લોકો વાંચે તો ખરાજ.

અમારી વાત ચાલતી હતી ત્યાં એમના ટેણકાએ ભાભીના લુગડાનો છેડો ખેંચતા મોટેથી પુછ્યું, ‘ગ્રાન્મા!...ગ્રાન્મા…તમે દાદાઅંકલ સાઠે, એસ ઈ એક્ષ સેક્સની વાતો કલો છોને? ગ્રાન્મા દુ યુ લાઈક સેક્સ્?’

સ્ટોરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પીન ડ્રોપ સાઈલન્સ. ગ્રોસરી ભરેલા ઓઈલ વગરના, કિચુડ કિચુડ બોલતા અને ફરતા શોપિંગ કાર્ટો એકદમ થંભી ગયા. (મધુભાઈનો સુધારો... કાર્ટો નહીં કાર્ટસ લખો અગર લખવાનું બંધ કરો...બીજો સુધારો વાક્યે વાક્યે ત્રણ ટપકા મારવાનું બંધ કરો)……. કેશ રજીસ્ટરોના ટિડીંગ ટેન્ગ રણકારો બંધ થઈ ગયા. બધા ભાભી અને ટેણકાને તાકી રહ્યા.

બિચારા ટેણકાએ તો સમજ વગર નાદાન સવાલ જ પુછ્યો હતો. કદાચ એના મગજમાં સેક્સ એ શાકનું નામ પણ હોય. ટેણકો ગ્રાન્ડમાના ઊત્તરની રાહ જોતો ભાભીને તાકતો હતો. માત્ર ટેણકો જ કેમ! શોપર્સ અને કેશિયર્સ પણ જાજરમાન દાદીમાના જવાબની આતુરતાથી રાહ જોતા હતા. એના હાથમાં એક ભીંડુ હતુ.

ભાભીને બદલે મેં કહ્યું. 'જો બેટા, ભીંડામાં હાથ ન નખાય હોં... સાપ કરડે …. ને. .ગ્રાન્માને આવું ન પુછાય. આવું પુછશે ને તો તારા સાત કાકા અને ચાર ફોઈઓ તને ઝપેટી નાંખશે. સમજ્યો?’

એણે થોડો સમય કંઈક ગુંચવાડાથી મારી સામે જોયા કર્યું. આંગળાઓ ગણ્યા. પછી મને કહે 'દાદાઅંકલ, તમે ખોત્તા છો. યુ કાઊન્ત અગેઈન. સુરેશઅંકલ, મહેશઅંકલ, નરેશઅંકલ, પરેશઅંકલ, રમેશઅંકલ, હિતેશઅંકલ, હરેશઅંકલ અને જયેશઅંકલ. કાઊન્ટ, કાઊન્ટ… આઈ હેવ એઈત અંકલ… નોટ સેવન. તમે ખોત્તા છો. આથ અંકલ અને ચાર ફુફી.

ભાભી મારા પર ઘુરક્યા કે શરમાયા એ કળવું મુશ્કેલ હતું. એમણે દાંત કચકચાવ્યા. 'તમે યે શું નાના છોકરા સાથે માથાકૂટ કરો છો? ‘

પછી રતૂમડા ચહેરે અને ધીમા અવાજે મને કહ્યું ‘તમે તો તમારા સાહેબને ઓળખો… એ તો જુવાનીની વાત. .જુવાનીમાં, હું મનની મોળી અને તમારા સાહેબ વાંહે લાગે...પછી શું થાય? ભગવાને આલ્યા એટલા લીધા.’

‘સુખી છીએ. વધારે શું જોઈએ…. ચાલ કિકલા હવે મોડું થાય છે.‘

મને કહ્યું, ..’.અને તમે તમારી ટેવ પ્રમાણે આવું કશું મારે માટે લખી નઈ મારતા સમજ્યાને?’

મારે પૂછવું હતું કે ભાભી તેરના અપશુકનિયાળ આંકડાએ કેમ અટકી ગયા? પણ ઘરના બૉસની ધમકી યાદ આવી. હું મૂંગો રહ્યો.

હવે તમેજ કહો મારાથી આવું કાંઈ લખાય ખરું? આને તે વાર્તા કહેવાય? લખું તો કોઈ છાપે ખરું? કદાચ કોઈ છાપે તો પણ કોઈ વાંચે ખરું? મને ખાત્રી છે. તમે તો ન જ વાંચો. અને ન વાંચો તો શા માટે લખીને હાથમાં કાર્પેન ટનલ ઘૂસાડવો. આર્થરાઈટિસ તો છે. સાહિત્ય સન્યાસ. બસ લખવાનું બંધ. હા સ્પર્ધામાં મોકલાય. ઈનામની આશા વગર; માત્ર નિર્ણાયકોના આનંદ માટે જ. અરે ફેસબુકીયા મિત્રો પણ વાંચવાનું ટાળે જ. હવે નથી લખવું…નથી જ લખવું; અરે! લખવાનું બંધ એટલે બંધ જ.