Pacchis Hazar No Dankh books and stories free download online pdf in Gujarati

Pacchis Hazar No Dankh

પ્રવીણ શાસ્ત્રી
shastripravinkant@gmail.com

પચ્ચીસ હજારનો ડંખ

‘કોણ! પંડ્યા સાહેબ?’


ઊત્તરને બદલે પ્રશ્ન. ‘ભાઈ આપ કોણ?’


માત્ર રાજના નામે ઓળખાતા બાવન વર્ષીય રાજેન્દ્ર પંડ્યા, ફ્લોર મોપ કરીને મેગ્ડોનાલ્ડના રેસ્ટરૂમના ક્લોઝેટ પાસે સ્ટૂલ પર થાકીને બેઠા હતા. કોઈ છોકરા એ ઉલટી કરી હતી. સાફ કરતાં એમને પણ ઊબકા આવતા હતા. જિંદગીમાં આવું કામ કર્યું ન હતું. અમેરિકાની જોબ હતી. કરવું પડ્યું. આંખ ખુલ્લી હોવા છતાં રેસ્ટરૂમમાં આવતા જતાં લોકોને જોવાને બદલે, પોતાના સુરત ના સેટેલાઈટ વિસ્તારના આધુનિક ફ્લેટનું દીવાનખાનું જોઈ રહ્યા હતા. વૃધ્ધ પિતા કહી રહ્યા હતા ‘બેટા હજુ વિચારી જો. આપણી પાસે શું નથી! અમેરિકા જવાનું માંડી વાળ. હવે મારી પણ ઉમ્મર થઈ. ક્યારે શું થાય તે કોને ખબર! મારી અંતિમ વેળાએ તું અમારી સામે હોય તો મારો જીવ અવગતે ન જાય.’ મોટાભાઈએ પણ કહ્યું ‘રાજુ, તારા સિવાય અમારું બીજું છે પણ કોણ? છોકરાંઓ પણ તારી સાથે આવશે પછી અમે કોની સાથે હસી ખુશીની વાતો કરીશું? આપણા દેશની પ્રગતી પણ જેવી તેવી નથી. તારી કેવી સરસ નોકરી છે? આપણને શાની ખોટ છે ભઈલા! હજુ વિચાર કરી જો. કાલે રાજીનામું ના મુકતો.’

રાજેન્દ્ર પંડ્યાએ રાત્રે ઉર્વશીને પછ્યું ‘શું કરીશું?’


કરવાનું શું? મેં તો આજે સ્કૂલમાં રેઝિગ્નેશન નોટિસ આપી દીધી છે. આ શનિવારે સ્કુલના સ્ટાફે મારે માટે વિદાય સમારંભ પણ રાખ્યો છે. મારા ભાઈએ આપણા ચારના વિઝા માટે કેટલા ડોલરનો ધૂમાડો કર્યો તેનો ખ્યાલ છે ખરો? આ વિઝા માટે આપણે કેટલા વર્ષ રાહ જોઈ હતી! મનોમન મેં કેટલી બાધા ઓ માની હતી! આજે જ્યારે તક મળે છે ત્યારે ફસકી જવાની વાત કરો છો? તમારી અને મારી કમાણી પરતો ઘરમાં બધા જલસા કરે છે, છતાંય લગ્નના આટલા વર્ષો પછી ઘરમાં રાજ તો ભાભીજીનું જ ચાલે છેને? ઘરમાં મારું સ્થાન પણ શું? તમ તમારે કાલે રેઝિગ્નેશન મુકી દેજો.’


માત્ર ઘરમાંજ નહિ પણ ઓફિસમાંથી પણ સલાહ મળી હતી. આખાબોલા ખન્નાએ તો ચોખ્ખું સંભળાવ્યું હતું, ‘પંડ્યા, ત્યાં તને અહિની સાહેબશાહી નોકરી નથી મળવાની. મજૂરી કરશે મજૂરી. પેપરમાં વાંચતો નથી? ત્યાં રિશેશન છે રિશેશન . બેકારી છે. મજૂરી પણ મળશે કે કેમ એનો પણ તારા નસીબ પર આધાર છે. દોસ્ત, જે કરે તે સમજી વિચારીને કરજે. જોકે તું જાય તેમાં મને તો ફાયદો જ છે. તારા જતાં મને તો પ્રમોશનનો લાભ મળશે.’


પંડ્યા સાહેબે પાંગળી દલીલ કરી હતી. આતો છોકરાંઓના ઉજળા ભવિષ્ય માટે જવું છે. ભલે મજૂરી કરવી પડે.


રાજેન્દ્ર પંડ્યા સેન્ટ્રલ એક્સાઈઝ ઓફિસના સીનિયર ઓફિસર હતા. આરામની નોકરી હતી. પગાર ઉપરાંત કારખાનાવાળાઓ તરફથી મળતી બે નંબરની ધરખમ કમાણી હતી.


બસ બધું છોડીને પત્ની ઉર્વશી, વીસ વર્ષની અનુષ્કા અને અઢાર વર્ષના સમિરને લઈને સાળા જીતુભાઈને ત્યાં અમેરિકા આવી પહોંચ્યા. જીતુભાઈ એક કેમિકલ કંપનીમાં પ્રોડક્શન મેનેજર હતા. એની પત્ની મ્યુનિસિપલ લાઈબ્રેરિયન હતી. એક દીકરો શિકાગોમાં એન્જિનિયર હતો. લગ્ન વગર કોઈ યુગોસ્લાવિયન છોકરી સાથે રહેતો હતો.


જીતુભાઈએ જીજાજી, બહેન અને ભાણિયાઓનું ભાવભીનું સ્વાગત કર્યું. પહેલા બે મહિના તો સરસ ગયા. સમયની અનુકૂળતા પ્રમાણે જીતુભાઈએ ફેરવ્યા પણ ખરા. ખાણીપીણીની કોઈ તકલીફ નહીં. સાળા બે પાંદડે સુખી હતા. બેન બનેવીના સરસ રેઝ્યુમે તૈયાર થઈ ગયા. જોબ માટે ઘણી એજન્સીઓમાં રજીસ્ટ્રેશન કરાવી દીઘું. ઈન્ટરનેટ સર્ફિંગ ચાલતું રહ્યું. કોઈ જગ્યાએથી જવાબ ન્હોતો મળતો. ભાવના તો હતી કે દીકરો દીકરી કોલેજમાં ભણે. પણ કોલેજના ખર્ચાનું શું.


બસ એજ અરસામાં સીટી હોલ બજેટમાં કાપ પડ્યો. ભાભીને પણ લે ઓફ મળ્યો. હવે એક કિચનમાં નણંદ ભોજાઈ. ઈન્ડિયામાં પણ ઘરમાં બે સ્ત્રીઓ હતી. દેરાણી જેઠાણી. પોતે નોકરી કરતી હતી. ભાભીજી જ ઘરકામ સંભાળી લેતા હતા તોયે ઉર્વશીને ન્હોતું ફાવતું. જેઠાણીની સિદ્ધાંતવાદી ચાંપલાશ ગમતી ન હતી. હવે તો એને પોતાની જ ભાભીના ગમા અણગમા સાચવવાના હતા. ભાભીએ ધીમે ધીમે અમેરિકાની વાસ્તવિક પરિસ્થિતિ સીધી આડકતરી રીતે સમજાવવા માંડી.

સાળા જીતુભાઈએ ખુબજ ક્ષોભ સાથે જીજાજીને પુછ્યું, ‘મારા પ્લાન્ટ પર એક ઓપરેટર હેલ્પરની જરૂર છે, જો તમારી ઈચ્છા હોય તો ગોઠવણ કરું. થોડું ફિઝિકલ વર્ક રહેશે. આપણે બન્ને સાથે જઈશું અને સાથે આવીશું. રાઈડની ચિંતા નહિ.’ ખૂબજ કચવાતા મને રાજેન્દ્રભાઈને હા ભણવી પડી. સાળા ટાઈ શર્ટમાં ફરતા અને જીજાજી ભુરા જમ્પસ્યુટમાં ડ્રમ ખસેડતા. એક વીક પછી કાળિયા ફોરમેને જીતુભાઈને કહ્યું ‘જીતુ, રાજ ઇસ નોટ કેપેબલ ડુ હાર્ડવર્ક. ઈટ ઈઝ ઈમપોસિબલ ફોર અસ ટુ વર્ક વીથ હીમ. હીઝ હેલ્પ ઈઝ નો હેલ્પ ફોર અસ.’ રાજેન્દ્ર પંડ્યાએ સમજીને જોબ છોડી.


અનુષ્કા અને સમીરને કોલેજમાં દાખલ કરવાના હતા. ઉર્વશીએ ભાઈ પાસે દાણો ચાંપી જોયો. ભાઈને બદલે ભાભીએ લાંબુ લેક્ચર ફાડ્યું. ‘આતો અમેરિકા છે. કોલેજમાં ભણતા સ્ટુડન્ટસ પોતે જોબ કરીને પોતાનો ખર્ચો કાઢે છે. જો ફુલ ટાઈમ જોબ મળી જાય તો લઈ લેવી જોઈએ. અહિ તો પચાસ વર્ષની ઉમ્મરે પણ કોલેજ જવાય.’


રાજુભાઈ સમસમીને બેસી રહ્યા. ઈન્ડિયામાં જણાવવું પડ્યું કે છોકરાંઓથી હાલમાં આર્થિક કારણોસર કોલેજ જઈ શકાય એમ નથી. ભાભીએ ત્રીસ હજાર ડોલર મોકલી આપ્યા. છોકરાંઓને કાઉન્ટી કોલેજમાં દાખલ કરાવ્યા. ઉર્વશીએ એક ઈન્ડિયન રેસ્ટ્રોરાંટમાં જોબ લઈ લીધી. કિચનની સાફસુફી અને ડિસ ક્લિનીંગની જવાબદારી હતી.

રાજેનદ્રમાંથી રાજ બનેલા પંડ્યા સાહેબ છેલ્લા ત્રણ અઠવાડિયાથી મેગ્ડોનાલ્ડમાં જોબ કરતા હતા. જીવનના શબ્દકોશમાંથી સાહેબ શબ્દ નીકળી ગયો હતો. મેગ્ડોનાલ્ડની અઢાર વર્ષની હિસ્પેનિક છોકરી શિફ્ટ સુપરવાઈઝર, તેની બોસ હતી. કાળા છોકરાએ કરેલો ગંદવાડ સાફ કરીને રેસ્ટરૂમના સ્ટૂલ પર થાક ખાવા બેઠા હતા. અને એક ગુજરાતી યુવાને સાશ્ચર્ય પ્રશ્ન પુછ્યો હતો, ‘કોણ! પંડ્યા સાહેબ?’


રાજેન્દ્રભાઈના મોંમાંથી પ્રતિપ્રશ્ન સરી પડ્યો ‘ભાઈ, આપ કોણ?’


યુવાને સ્થળ સમયની પરવા કર્યા વગર રાજેન્દ્રભાઈના ચરણ સ્પર્શ કર્યા. ‘સાહેબ મને ઓળખ્યો નહિ? હું રામજીભાઈ પરમારનો છોકરો સોમુ. સાહેબ, આપની કૃપાથીતો હું અમેરિકા આવી શક્યો.’


પંડ્યા સાહેબ દસ બાર વર્ષના પહેલાના ભૂતકાળમાં ફંગોળાઈ ગયા.


સરકારી ઓફિસ…. સરકારે કામને માટે આપેલી સરકારી જીપ…. જીપ માટે સરકારી ડ્રાયવર રામજી પરમાર… જીપનો ઉપયોગ મોટે ભાગે પંડ્યા સાહેબના કુટુંબના અંગત ઉપયોગ માટે જ થતો.


એક દિવસ રામજીભાઈએ રાત્રીના વાળુ સમયે આવીને હાથ જોડ્યા.


સાહેબ, એક તાત્કાલિક જરૂર પડી છે. દીકરા સોમુને અમેરિકાના એચ.વન વિસા મળ્યા છે. ટ્રાવેલ એજન્ટ બીજા પચ્ચીસ હજાર માંગે છે. બે દિવસમાં જ વ્યવસ્થા કરવી પડે એમ છે. સોમુ સ્કોલરશિપ મેળવીને ખુબ મહેનત કરીને ભણ્યો છે. અમેરિકા જશે તો અમારા સૌનું કલ્યાણ થશે.’


રાજેન્દ્રભાઈ ગલ્લાંતલ્લાં કરવા જતા હતા પણ ભાભીએ જ કહ્યું, ‘રાજેન્દ્ર ગઈ કાલે કુલકર્ણી કંપનીમાંથી જે કવર આવ્યું છે તે રામજીભાઈને આપી દો.’ ભાભીનું સૂચન એટલે પ્રતિકાર ન થઈ શકે એવી આજ્ઞા. રાજેન્દ્રએ કુલકર્ણી કંપનીને ટેક્સમાં પાંચ લાખનો ફાયદો કરાવી આપ્યો હતો. એની સેક્રેટરી ગઈ કાલે જ મિઠાઈના બોક્ષની સાથે કવરમાં પચ્ચીસ હજારનું કવર આપી ગઈ હતી. ભાભીને ખબર હતી. ભાભીએ એ કવર રામજીભાઈને આપી દેવા ફરમાવ્યું… આપી દેવું પડ્યું.


તે રાત્રે ઉર્વશીએ બેડરૂમમાં રડવા કકળવાનું શરૂ કરી દીધું. એને એ પચ્ચીસ હજારમાંથી પોતાને માટે ડાયમન્ડ ઈયરિંગ્સ લેવા હતા. ‘મારે ભાભીના રાજમાં નથી રહેવું. તમે ભાઈ ભાભીથી હંમેશા દબાયલા જ રહો છો.’ એણે એજ રાત્રે જીતુભાઈને ફોન કરીને પેટિશન ફાઈલ કરવાનું કહી દીધું હતું.


છ મહિના પછી રામજી પચ્ચીસ હજાર પાછા આપવા આવ્યો હતો. ભાભીએ એ પાછા વાળ્યા હતા. રામજીના ગયા પછી ભાભીએ માત્ર એટલું જ કહ્યું હતું અનીતિની કમાણીમાંથી ધરમનું કામ તો નથી કરતા પણ જો કોઈને બે ટુકડાની મદદ કરી હોય તો લેવડ દેવડ ભુલવાનું શીખો.’ ભાભીની સલાહ. ઉર્વશીના બબડાટ અને ધમપછાડા. ભાભીનું સ્થિરપ્રજ્ઞ સ્મિત. વાણી, વ્હાલ અને વ્યવહારમાં જરાયે ફરક નહિ.


એમ.કોમ થયા પછી રાજેન્દ્રને નોકરી ન્હોતી મળતી. સરકારી નોકરીના ઇન્ટર્વ્યૂ માટે ભાભીએ જ સિદ્ધાંત બહાર જઈને, પોતાનો અછોડો વેચીને દસહજાર મોટાભાઈને આપ્યા હતા. મોટાભાઈએ એ મોટાસાહેબને પહોંચાડ્યા હતા. રાજેન્દ્રભાઈ એના કરતાં અનેક ગણું કમાઈ ચૂક્યા હતા. ભાભી ભ્રષ્ટાચાર ના વિરોધી હતા. જ્યારે ખબર પડતી ત્યારે તે રકમ કોઈ ગુપ્ત દાનમાં આપી દેતા. એની સામે કોઈથી કંઈ પણ બોલાતું નહિ. જેઠાણીને સમજવા માટે દેરાણીના મગજમાં જરૂરી જ્ઞાનતંતુઓનો અભાવ હતો.


ત્યાર પછી તો ડાયમંડ ઈયરિંગને બદલે આખો ડાયમંડ સેટ આવી ગયો હતો.


રામજી રિટાયર્ડ થઈને દીકરા પાસે અમેરિકા પહોંચી ગયો હતો. પણ ઉર્વશીના મગજમાંથી જેઠાણીનુ બૉસીંગ અને પચ્ચીસ હજારનો ડંખ ગયો ન હતો. એજ ડંખને કારણે જ તો પોતાની જ ભાભીની વક્રવાણીમા સુફિયાણી સલાહ સાંભળવી પડતી હતી. ફેકટરીમાં મજૂરી કરવી પડતી હતી. પંડ્યા સાહેબ મેગ્ડોનાલ્ડમાં ફ્લોર મૉપ કરતા હતા.


રામજી પરમારનો દીકરો સોમુ ચરણસ્પર્શ કરીને તેમને પુછી રહ્યો હતો, ‘સાહેબ આપ અમેરિકા ક્યારે આવ્યા?’


ભાઈ, આવ્યાને દોઢ વર્ષ થઈ ગયું.’


પંડ્યા સાહેબની આંખના ખૂણા પરની ભિનાશે શબ્દવિહિન ઘણી વાતો કહી દીધી હતી. અમેરિકન જીવનની વાસ્તવિકતા થી ઘડયલા સોમુને વધુ પ્રશ્ન પુછવાની જરૂર ન હતી. એણે શિફ્ટ સુપરવાઈઝર છોકરીને કહી દીઘું. ‘ મી. પંડ્યા ઇઝ ક્વિટિંગ મેગ્ડોનાલ્ડ રાઈટ નાવ. પ્લીઝ આસ્ક યોર મેનેજર ટુ સેન્ડ હીઝ ચેક ટુ હીઝ હોમ એડ્રેસ.


સોમુમાંથી સામ બનેલા રામજીના દીકરાની મર્સિડિઝ રાજેન્દ્રભાઈ પંડ્યાને લઈને મોટા ઑફિસ બિલ્ડીંગ પાસે અટકી. અનેક ક્યુબિકલ્સ વટાવતા સામ અને પંડ્યા સાહેબ એક કેબીન પાસે અટક્યા. સાહેબ આ તમારી ઓફિસ છે. મારી ‘મેડિકલ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ કૉમ્પ્યુટર એન્જિનિયરિંગ કંપની પાંચ વર્ષ પહેલા શરૂ કરી હતી. સાહેબ મારી પ્રગતિના મૂળમાં આપની પચ્ચીસ હજાર રૂપિયાની તકસર મળેલી મદદ કારણભૂત છે. સામ વાત કરતો હતો અને એક સુંદર અમેરિકન મહિલા પાસે આવીને ઉભી રહી. સામે ઓળખાણ કરાવી.

‘પંડ્યા સાહેબ ધીસ ઈઝ માઈ વાઈફ નિકોલ. નિકોલ, ધીસ ઈઝ અવર ન્યુ ફાઈનાન્સ કંટ્રોલર મી. પંડ્યા. હી ઈઝ ઈક્વલી રિસ્પેક્ટેડ એઝ અવર ડેડી. લેટ્સ ગો ટુ સી ડેડ.’


રામજી પરમાર મોટી ઓફિસમાં બેસી કેટલાક પેપર્સ પર સાઈન કરતા હતા.


ડેડ, લૂક. હુ ઈઝ હિયર!’


રામજીભાઈએ પંડ્યા સાહેબ સામે જોયું. ચેરમાંથી જાણે ઉછળ્યા. પંડ્યા સાહેબને બે વૃદ્ધ હાથો પ્રણામ કરતા હતા. પંડ્યા સાહેબ પ્રેસિડન્ટ પરમારને વળગી પડ્યા. આંખોમાંથી દરિયો છલકાતો હતો. પછી તો ઘણી વાતો થઈ…


સામ અને નિકોલ, રાજેન્દ્રભાઈને જીતુભાઈને ત્યાં ઉતારી ગયા.


નિકોલે કહ્યું, ‘સર, આઈ’લ પીક યુ અપ ટુમોરો એટ એઈટ. ગુડ નાઈટ.’


ઘરમાં રાજેન્દ્રભાઈની રાહ જોવાતી હતી.


ઉર્વશી! આજે રામજીભાઈ પરમાર અને એના દીકરા સોમુને મળવાનું થયું….’


રાજેન્દ્રભાઈ વધુ વાત કરે તે પહેલા ઉર્વશીએ પૂછ્યું, ‘તમે એને પચ્ચીસ હજારની વાત કરી હતી?’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED