લકી ગ્રે સ્યૂટ Pravinkant Shastri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લકી ગ્રે સ્યૂટ

પ્રવીણ શાસ્ત્રી

Story for TIRANGA IN NEW JERSEY October 2014

"લકી ગ્રે સૂટ"

વરસોવા રોડ, અંધેરી વેસ્ટમા આવેલા દિનકરરાય દેસાઈ ના બંગલામા ચાર વ્યકતિ નિઃશબ્દ બેઠી હતી.

ચાળીસીમા પ્રવેશેલા ચાર્ટર એકાઉન્ટન્ટ દિનકરરાય, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પાના ફેરવતા રિકલાઇનર પર બેઠા હતા. બાકીના ત્રણ ક્યારે બોમ્બ ફાટશે તેની રાહ જોતા હતા. બાજુના સોફા પર એમના પત્નિ સરલાબેન કે જેને રમેશ 'ભાભી સાહેબ' કહેતો, તે બેઠા હતા. સામેની ખુરસી પર ગ્રે સ્યૂટ પહેરીને, ગભરાયલો, ભયથી થરથરતો રમેશ રડમસ ચહેરે બેઠો હતો. ગળામા વણબંધાયલી ટાઈ હતી. આમતો એ કદીયે ભાઈસાહેબની સામે બેઠો ન્હોતો. પણ આજે ભાઈસાહેબે જ કહ્યું હતું, "નાલાયક, મારી સામે બેસ. નીચે નહિ. ખુરસી પર." કામ કરવા આવતી ઓગણીસ-વીસ વર્ષની શોભના દાદરના પગથીયા પર બેઠી હતી.

રમેશે ગુનોતો કર્યોજ હતો. ભાઈસાહેબની ગેરહાજરીમા એણે એમનો લકી ગ્રે સ્યૂટ પહેર્યો હતો. શું શિક્ષા થશે? ગામ પાછા જવું પડશે? માર ખાવો પડશે? એને ભાઈસાહેબના ક્રોધી સ્વભાવનો અનુભવ થઈ ચુક્યો હતો. એક દિવસ શાહરૂખની અદામા સિગરેટ પીવાની ટ્રાય કરતાં પકડાઈ ગયો હતો અને ભાઈસાહેબે એક ચમચમતી થપ્પડ લગાવી દીધી હતી. સાહેબતો કાલે ગામથી આવવાના હતા. એકદમ આજે આવી ગયા અને પહેરેલા સ્યૂટ સાથે પકડાઈ ગયો.

દિનકરરાય દેસાઈ મુંબઈના જાણીતા ચાર્ટર એકાઉન્ટટન્ટ હતા. બંગલાના એકભાગમાંજ એની ઑફિસ હતી. ક્યારેક મોડી રાત સુધી તેમાં કામ કરતા. મૂળતો અમલસાડ પાસેના કછોલી ગામના. પિતા ગુલાબકાકા સ્થિતીસંપન્ન જમીનદાર. ચીકુ અને આંબાવાડીઓ. શેરડીના ઉભા પાકનો સુગર ફેક્ટરી સાથેનો કોન્ટાક્ટ. ઉમ્મરવાન છતાં તન્દુરસ્ત માતાપિતાને મળવા દિનકરરાય અને સરલાબેન દર પંદર દિવસે કછોલી જતાં.

રમેશના બાપા કાનજીભાઈ, ગુલાબકાકાના ઘર-ખેતરનું વર્ષોથી કામ કરતા. નોકર હોવા છતાં કુટુંબની વ્યક્તિ જેવું માન સ્થાન પામ્યા હતા. મોટી ઉમ્મરે થયેલો રમેશ બધાનો લાડકો હતો. લાડથી થોડો છકેલો પણ ખરો. રૂપાળા રમેશને સ્કુલના છોકરાઓએ ચડાવી માર્યો. "અરે યાર તુ તો બીલકુલ શાહરૂખ્ખાન દિખ્તા હૈ. વો એસ.આર.કે ઔર તુ આર કે. અસ્સલ હિરો હૈ હિરો." બસ, ભૂત ભરાયું. વાત વાતમાં શાહરૂખની કોપી કરવામાંડ્યો. દસમા ધોરણમા ત્રણ વાર નાપાસ થયો. ગુલાબકાકાએ કહ્યું "દીનુ, આ રમલાને મુંબઈ લઈજા ને ઠેકાણે પાડ. અહીંતો ઢોર ચરાવવાના કામમાં પણ આવે એવો નથી. કાનજીનું ઘડપણ રોળવશે.

બસ રમેશ મુંબઈ આવી ગયો.

દિનકરરાયને એ ભાઈસાહેબ અને સરલાબેનને ભાભીસાહેબ કહેતો. ભાભીસાહેબને બે મિસકેરેજ પછી ઘણા વર્ષે સારા દિવસો જતા હતા. ભાભીસાહેબનું દોડી દોડીને કામ કરતો રમેશ એનો લાડકો થઈ ગયો હતો. એણે સિફારસ કરી. દિનકરરાયે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફારૂખ્ભાઈ પર ચિઠ્ઠી લખી આપી. રમેશ ચિઠ્ઠી લઈ સ્ટુડિયો પર પહોંચ્યો. જોયું તો એના જેવા સવાસો દોઢસો છોકરા છોકરીઓ કંપાઉન્ડમા આંટા મારતા હતા. એક્ટર બનવા આવેલા એકસ્ટ્રાનું કામ શોધતા હતા. એમાના કેટલાક અસ્સલ હિરો જેવા લાગતા ડુપ્લિકેટ હતા. અરે, શાહરૂખખાન જેવા પણ ત્રણ ચાર અટવાયા કરતા હતા. કોઈકે રમેશનું નામ સરનામું, ઉમ્મર ઊંચાઈ અને વજન લખ્યા. એક બે ફોટા પાડ્યા. ફોર્મપર સહી કરાવી એકસ્ટ્રા યુનિયનની મેમ્બરશિપના પાંચસો રૂપિયા માંગ્યા. અત્યારે તો નથી કાલે આપી જઈશ.

આમ પહેલી શિફ્ટ તો પુરી થઈ. થોડા ચાલ્યા ગયા. થોડા નવા આવ્યા. કોઈક આવીને ચાર-પાંચને શુટિંગ એરિયામા લઈ જતો. બીજા રાહ જોતા. ત્રીજી શિફ્ટ શરુ થઈ. શાહરૂખ ચાહિયે. નંબર નાઈન અંદર આઓ. શાહરૂખના જેવોજ ડુપ્લિકેટ અંદર ગયો. થોડી વાર પછી બીજો આસિસ્ટન્ટ આવ્યો. વીસ જણાને સિલેક્ટ કર્યા. રમેશનો પણ પત્તો લાગ્યો. ડ્પ્લિકેટ શાહરૂખ પાછળ ટોળાએ લાકડી પથ્થર લઈને જરા દોડવાનું હતું. છ ટૅઇક પછી શોટ ઓકે થયો. ટોળામાના એક્સ્ટ્રાને સાંઠ સાંઠ રૂપિયા આપ્યા. રમેશને કહ્યું કાલે યુનિયનની ફી ભરશે પછી તને મળશે. રમેશ ખાલી હાથે થાકેલો ઘેર પહોંચ્યો અને એક્ટર થવાનો વિચાર મગજમાથી ખંખેરી નાંખ્યો.

રમેશે વગર કહ્યે ઘરનું કામકાજ ઉપાડી લીધું. ભાભીસાહેબ ઉઠે તે પહેલા બ્રેકફાસ્ટ તૈયાર કરી દેતો. ટેબલ પર ન્યુઝ પેપર, ચશ્મા ગોઠવી દેતો. સાહેબના બુટ પૉલિસ થઈ જતા. ઑફિસમાં મીસ કુલકર્ણી આવે તે પહેલા ઑફિસમાં બધું વ્યવસ્થિત થઈ જતું. સવારે દસ વાગ્યે શોભના આવતી. તે સીટી વગાડતો એની આગળ પાછળ ફરી વગર જરૂરે પણ ઘરકામમાં મદદ કરતો. આ ઇલ્લુ ઇલ્લુ ભાભીસાહેબના ધ્યાન બહાર ન્હોતું.

રમેશે બે ત્રણ વાર દિનકરભાઈને કહ્યું હતું "ભાઈસાહેબ મને કોઈ જગ્યાએ નોકરી અપાવોને!"

જવાબ મળતો જોઈશું. એને ખબર ન હતી કે એના નામ પર દર મહિને ચાર હજાર જમા થઈ જતા હતા.

દર પંદર દિવસે દિનકરભાઈ અને સરલાબેન કછોલી જતા. રમેશ પણ સાથે જતો. કોઈકવાર દિનુભાઈ એને ડ્રાઈવ કરવા દેતા.

આ વખતે રમેશે ગામ જવાની ના પાડી. "તમે જાવ. મારે આખું ઘર સાફ કરવાનું છે. શોભનાને પણ બોલાવી છે. તમારા રૂમમા કબાટ ખસેડીને પારણા માટે જગ્યા કરવાની છે."

"ભલે, અમે રવીવારે સાંજે પાછા આવીશું."

ખરેખરતો રવીવારે દિનકરરાયની બર્થ ડે હતી. રમેશને નીચેનું દિવાનખાનું શણગારવું હતું. રવીવારે સવારે ફુગ્ગા રિબન લગાવવાના હતા. રવીવારે મીસ કુલકર્ણી કૅઇક લાવવાની હતી. બધું સરપ્રાઈઝ હતું.

સરલાબેનના જીવને અસુખ લાગતા દિનકરરાય રવીવારને બદલે શનીવારે સાંજેજ આવી ગયા. સરલાબેન નીચે સોફા પર બેઠા. દિનકરરાય ઉપર બૅડરૂમમાં કપડા બદલવા જતા હતા ત્યાં દાદર પરજ તેના પગ અટકી ગયા. બારણાની આડાસમાંથી બધું સ્પષ્ટ દેખાતું હતું.

"આ કબાટ ભારે છે. બધા કપડા પલંગ પર કાઢ. પછી ગોઠવી દઈશું." કબાટ ખૂણામા ગોઠવાઈ ગયો. "હવે બાબાનું પારણું અહિ આવી જશે."

"તને કેવી રીતે ખબર પડી કે બાબો જ આવશે? શોભનાએ પુછ્યું.

"આતો મારી બા કહેતી હતી કે બધ્ધા લખ્ખણ બાબો આવે એવાજ છે. બાએતો બાધા માની છે કે આ વખતે સાજુ સમુ કંઈ પણ આવે એટલે ગંગેશ્વરમાં લઘુરૂદ્ર કરાવવાની છે. તું કોઈને કહેતી નહિ. મેં પણ બાધા માની છે. જો બાબો આવશે તો હું અહીંથી અમિતાભની જેમ ચાલતો સિદ્ધિવિનાયકના દરશન કરવા જઈશ. શોભના! તું મારી સાથે આવશે?"

"મેરે શાહરૂખકે સાથ કંહીભી જાઉંગી"

પલંગ પરના કપડા ફરીથી વૉર્ડરોબમાં ગોઠવાતા હતા.

"આ ગ્રે સૂટ તો સાહેબને આવતોયે નથી. પણ એને એઓ લકી માને છે.સીએ ની ડિગ્રી મળી ત્યારે પહેરેલો. ભાભીને જોવા ગયેલા ત્યારે પહેરેલો. એની ઑફિસ શરુ કરેલી ત્યારે પહેરેલો. હવે સાહેબની ફાંદ વધી છે એટલે પછી ક્યાંથી આવે!"

"તને ફીટ થાય એવો છે."

"હું પહેરી જોઉં?"

"ટ્રાય કરી જો ને. પાછો હેંગર પર લટકાવી દે જે"

રમેશે સૂટ પહેર્યો. બરાબર ફીટ થઈ ગયો.

"અરે! વાહ મેરે હિરો. તેરે સામને રીયલ શાહરૂખકાભી કુછ ક્લાસ નહી."

રમેશે શોભનાને ખેંચીને કિસ કરી લીધી. દિનકરરાય જોતા રહ્યા. વિચારતા રહ્યા. "માય લકી ગ્રે સૂટ!"

"હવે છોડ મને." શોભના અળગી થઈ.

"શોભુ! આ ટાઈ કેવી છે?"

"સરસ મેચ થાય છે."

"મને ટાઈ પહેરતા નથી આવડતું. જરા બાંધી દેને. ઘણી વખત ભાભીસાહેબજ સાહેબને ટાઈ બાંઘી આપે છે."

"મનેયે ક્યાં આવડે છે!"

ટાઈ વગર બંધાયે ,ગળામાં લટકી રહી.

"ચાલ શોભના, જરા જલદી કામ પતાવી દઈએ. લારી પરથી ભાઈસાહેબને માટે ગીફ્ટમા આપવા માટે ટાઈ લાવવી છે. તારે આવવું પડશે. પંચોતરની છે. સાંઠ સુધી આવ્યો છે. મારી પાસે પચાસ જ છે. જરા ખટપટ કરીને, નખરા કરીને ઓછું કરાવી જો ને. લારી સુધી સૂટ પહેરીનેજ જરા વટ મારી લઉં."

દિનકરરાય નીચે ઉતરી આવ્યા.

"કેમ કપડા ન બદલ્યા? આટલો વખત શું કરતા હતા? સરલાબેને પૂછ્યું.

"તારા રમલાના પરાક્રમો જોતો હતો. બદમાસે મારો લકી ગ્રે સૂટ પહેર્યો છે. મારી પર્સનલ વસ્તુ પૂછ્યા વગર લિધીજ કેમ! એનો કેવી રીતે વિશ્વાસ થાય?"

"તમે જાડા થઈ ગયા છો. વીસ વર્ષ પહેલાનો સૂટ તમને આવતો પણ નથી. રમેશ ભોળીયો છે પણ હાથનો ચોખ્ખો છે. યાદ છે? મારો ડાયમંડનો સેટ ટેબલ રહી ગયો હતો અને સેઇફની ચાવી પણ બહાર પડી હતી. એણે નેકલેસ સેઇફમા મુકી, સેઇફ બંધ કરી, ચાવી મુઠ્ઠીમાં પકડી રાત્રે બે વાગ્યા સુધી આપણી રાહ જોતો બેસી રહ્યો હતો. આવ્યા ત્યારે જાણે તમારાએ બાપ હોય તેમ મારો ઉધડો લીધો હતો. એને કંઈ પણ કહેશૉ નહિ. એના પર હાથ ઉપાડશો નહીં."

"પણ મારો લકી સૂટ.."

રમેશ અને શોભના દાદર ઉતરતા હતા. ભાઈસાહેબને બેઠેલા જોઈને રમેશ ભડક્યો. પાછો ઉપર જવા જતો હતો ત્યાં દિનકરભાઈએ ત્રાડ નાંખી.

"ગધેડા! નીચે ઉતર."

રમેશ ધ્રુજતો કાંપતો નીચે ઉતર્યો.

"આવો શાહરૂખખાન, આવો. સામે ખુરસી પર બિરાજો. શું લેશો? ઠંડું કે ગરમ?"

રમેશ ઉભોજ રહ્યો.

દિનકરરાય ગર્જ્યા. બહેરો છે? સાંભળ્યું નહિ? બેસ ખુરસી પર.

રમેશ ખુરસી પર ફસડાઈ પડ્યો. શોભના દાદરના પગથીયા પરજ બેસી પડી.

દિનકરરાય બબડ્યા, "માય લકી ગ્રે સૂટ"

એણે પાસે પડેલું ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ચશ્મા પહેરી ઉથલાવવા માંડ્યું.

બધા જ્વાળામુખી ફટવાની રાહ જોતા હતા. રમેશ વિચારતો હતો હવે શું તશે! ભાઈસાહેબ ઝપેટી નાખશે? મને ગામ ભેગો કરી દેશે? દોસ્તારો મશ્કરી કરશે. એક્ટર બનવા આવ્યો હતોને! પાછો જઈશ તો શોભનાને આપેલા વચનનું શું? બાપા શું કહેશે?

જામગરી સળગાવીને, કાનમાં આંગળી નાખીને બોમ્બ ફાટવાની રાહ જોતા છોકરાઓ જેવી તેમની હાલત હતી.

છેવટે દિનકરરાયે મૌન તોડ્યું. છાપામાંજ માથું રાખી કહ્યું "સરલા! તમારા આ કુંવરજીને જરા ટાઈ બાંધી આપ."

...કોઈ ચસ્યું નહિ...ફરીથી શાંતી...શું કરવું તે કોઈને સમજાયું નહિ. ભાઈસાહેબે ફરી ઘાંટો પાડ્યો. "કેમ બધ્ધાજ બહેરા થઈ ગયા છો? રમલા ઉભો થા. ભાભી પાસે જઈને ટાઈ બંધાવ. બરાબર શીખી લે. શોભના તું કેમ પથરો થઈ ગઈ? મેં તને કાંઈ કહ્યું છે? તું પણ ટાઈ બાંધતા શીખી જા. આ ગધેડાને ગળે રોજ ફાંસો નાંખવો પડશે. કાલે તારી માને લઈ આવજે. મારે ઘણી વાત કરવાની છે. તારે આખો દિવસ અહિજ કામ કરવાનું છે. તારે બપોરે બે કલાક સિવણ ક્લાસમાં પણ જવાનું છે."

"ને રમલા! બરાબર કાન ખોલીને સાંભળી લે. કાલે સવારે આપણે સિધ્ધિવિનાયના દર્શને જઈશું. તારે આજ સૂટ પહેરીને આવવાનું છે.

સોમવારે સવારે આર.ટી.ઓ.ની ઑફિસમા જઈને મહારાષ્ટ્રનું ડ્રાઈંવિંગ લાયસન્સ કઢાવવાનું છે.

મંગળવારે ગણેશ ચતુરથી છે. કુલકર્ણી પાસે ઑફિસનું કામ શીખવા માંડજે. સાંજે કોમ્પ્યુટરના ક્લાસમા જવાનું છે.

દિનકરરાય ઉઠ્યા. રમેશના ગુચ્છાદાર વાળમાં આંગળા ફેરવી, "માય લકી ગ્રે સૂટ" બબડતા ઉપર બેડમાં કપડા બદલવા ચાલ્યા ગયા.

ભાભીસાહેબ લકી ગ્રે સૂટ્માં શોભતા રમેશને, હર્ષાષૃ સાથે ટાઈ બાંઘતા હતા.

(પૂર્વ પ્રકાશિત "મમતા" માંથી સાભાર.)